HopeScope Stories Behind White Coat – 30 / Maulik Nagar “Vichar”

નફ્ફટ

હાશ!! ફોન લાગ્યો તો ખરા. મનોજની હાશમાં ટાઢક નહીં પણ અકળામણ છલકાતી હતી.
“યાત્રા, ડિડ યુ પિક-અપ હૃદય?” સંગીતમાં વાગતી ક્રિસેન્ડો નોટ્સની જેમ મનોજનો ટોન પણ ધીરે ધીરે વધ્યો.
“આઈ થોટ યુ આર ગોઈંગ ટુ પિક હિમ!” યાત્રાએ એનાથી પણ બમણા ઉકળાટમાં ઉત્તર આપ્યો.
પ્રેમ લગ્નથી બનેલા આ બંને જીવનસાથીઓનો ફોન હંમેશા આવાં ભારે ભરખમ ગરમાગરમ ઝગડાઓથી અને અંગ્રેજી ગાળોથી છલોછલ રહેતો હતો.
જેમાં યાત્રાનું પલ્લું હંમેશા ભારે રહેતું.
અંતે મનોજે જ નમતું જોખવું પડતું અને માત્ર હૃદયના ભવિષ્ય માટે એ બધું જ સહન કરી લેતો હતો.

હવે તો મનોજ અને યાત્રાને જ નહીં પણ સાત વર્ષના હૃદયને પણ ખબર પડી જતી હતી કે આજે ઘરે જઈને મમ્મી પપ્પાની જામવાની છે.
ઘરનો દરવાજો ખોલતાની સાથે જ યાત્રાએ કરમાઈ ગયેલાં શબ્દોનાં તોરણ બાંધ્યા. “ટ્રાય ટુ કન્ફેસ યોર મિસ્ટેક, ડૉ. મનોજ પાટીલ.”
“યાત્રા, આપણે સવારે જ નક્કી થયું હતું કે આજે મારે બૅક ટુ બૅક સર્જરીસ છે. એટલે હૃદયને તારે સ્કૂલેથી લેવો પડશે.”
“હં..હ..સર્જરીસ??” પોતાની ભૂલ જણાતા જ હંમેશની માફક યાત્રાએ વાત બીજાં પાટે જ ચઢાવી દીધી.
“મનોજ એ માત્ર કાકા-કાકીઓના મોતિયાની સર્જરીનું કામ છે. ઈટ ઇસ નોટ એક્સપર્ટાઇઝ.” યાત્રાએ દર વખતની જેમ પાછી શબ્દોની ચાબુક મારવાની ચાલુ કરી.
“તો શું થયું યાત્રા કામ એ કામ છે.” હૃદયના લીધે મનોજની જીભ હંમેશા મોળી જ રહેતી હતી.
“તું થોડાં સમય માટે તારા ઇન્ટર્નને ચેક કરવા આપીને જઈ શક્યો હોત. યુ સી હમણાં સ્ટાફ શોર્ટેજ પણ બહુ છે.” ગોલ્ડ મૅડલિસ્ટ યાત્રા આખા ઇન્ડિયામાં માત્ર ત્રણ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જનમાંથી પોતે એક હતી. જેનાં લીધે એની આંખે ઘમંડના પાટા બંધાયા હતાં.
દરેક ઝગડાની વચ્ચે યાત્રા સ્કિલડ સ્ટાફ શોર્ટેજના ટૉન્ટ સાથે મનોજની કાબિલિયત અને લગ્ન કરીને પસ્તાયા હોવાની જ વાત કરતી.
જોકે મનોજ પણ પ્રખ્યાત આંખનો ડૉક્ટર હતો.
પ્રેમાળ અને લાગણીશીલ પણ ખૂબ જ હતો. પરંતુ યાત્રા માટે એની લાયકાત એનાં જુનિયર સ્ટાફ કરતા પણ ઓછી હતી.
હૃદયને પ્રેમ કરવો એ પણ યાત્રા માટે એક માત્ર જવાબદારી જેવું જ હતું. એની મમતાની મત્તામાં પણ થોડી ઉણપ આવવા લાગી હતી.
હૃદય કુમળું નાનું નાદાન બાળક હતો પરંતુ દેખાવે એટલો પણ રૂપાળો ન હતો.
પોતાનું બાળક હોવા છતાં પણ યાત્રાને એ ખૂંચતું હતું અને એ દોષનો ભારણ પણ મનોજના માથે જ આવતો હતો.

“આજે સ્કૂલમાં પેરેન્ટ ટીચર મિટિંગમાં એનાં મૅડમ પૂછતાં હતાં કે હૃદયના મમ્મી કેમ નથી આવ્યાં?”
“એ ટીચરો તો બધા નવરા જ છે. કમ ઓન મનોજ હેન્ડલ ઑલ ધિસ્ સ્મૉલ થિંગ્સ બાય યોરસેલ્ફ.”
“ઇટ્સ નોટ સ્મૉલ થિંગ્, એ આપણા હૃદય માટે જ છે.” મનોજે આપણા હૃદય પર ઘણો ભાર મૂક્યો.
“આપણો હૃદય…..હં” મોઢામાં લાડવો મૂકીને બોલી હોય તેવાં ટોનમાં યાત્રાએ આખી વાતની મજાક બનાવી દીધી.
“યાત્રા, તું આમ હૃદયની સામે મારી સાથે આવું વર્તન કરે છે એ યોગ્ય નથી. હવે તો તું એની સાથે પણ સારું બિહેવ નથી કરતી.” મનોજે ખૂબ જ દબાયેલા સ્વરે કહ્યું.
“મનોજ તને શું ખૂંચે છે? યાત્રા તાડૂકી. “
તું હંમેશા મારી ભૂલો જ કેમ જોવે છે?” હૃદય રૂમમાં પોતાના રમકડાંઓ સાથે રમતો હતો પણ એના નાનકડા કાન દીવાલમાં જ સંતાડી રાખ્યાં હતાં.
જે દિશામાં બંનેની વાત જઈ રહી હતી એનાં પરથી લાગતું હતું કે હવે મમ્મી પપ્પાની પાછી જામશે.
વળી પાછું એમ જ થયું. પરંતુ જામવામાં થોડી વાર લાગી.
આખરે દરેક પ્રેસેંટેશનના અંતે કન્ક્લુઝન હોય એમ યાત્રાએ જ કન્ક્લૂડ કર્યું, “વર્કલોડ, સ્ટાફ શોર્ટેજ અને તારી કાબિલિયત.”
થોડી વાર તો વાતાવરણ શાંત રહ્યું.
કોણ જાણે કેમ પણ આજે મનોજનો પારો પણ થર્મોમીટરની બહાર આવી ગયો હતો.
“યાત્રા, હૃદયની પ્રવૃત્તિઓ સ્કૂલમાં બગડતી જાય છે. એનાં ટીચર….”વાક્ય પતે એ પહેલા જ યાત્રાએ ચોપડાવી દીધી.
“થાય જ ને, બાપ એવાં બેટા…હું તો પહેલાથી જ કહું છું ને!” યાત્રાની દલીલ તો તૈયાર જ હતી.
વધુમાં યાત્રાએ ઉમેર્યું કે ” આઈ ડાઉટ કે હૃદય મારો જ દીકરો…..” વાત પતી ના પતી અને યાત્રાના કહેવાતા પતિએ એને એક થપ્પડ ઝીંકી દીધી.
“હાઉ ડેર યુ….યુ એ…… અને અંગ્રેજીમાં ગાળોની વર્ષા ચાલુ થઇ.”
છુપાઈને જામેલી બાજી જોતા હૃદયના કાને આજે પહેલી વખત આવા અંગ્રેજીનાં અવનવા શબ્દો પડ્યા.
આ વખતે ઝગડાનું આયુષ્ય થોડું લાંબુ હતું. ત્રણેય જણા પોતપોતાની મર્યાદા જેટલું રડ્યાં અને સૂઈ ગયાં.
સવારે મનોજ હૃદયને સ્કૂલના કપડામાં તૈયાર કરીને બહાર હોલમાં લઈને આવ્યો.
યાત્રા એક બ્લેક એન્ડ વ્હાઇટ કપડાં પહેરીને બેઠેલાં માણસ સાથે વાત કરતા જોઈ.
“મિ. શેલત, હી ઇઝ માય હસબન્ડ, નાઉ યુ ડીલ વિથ હિમ.”
“મિ. શેલતે થોડાં કાગળિયાં મનોજના હાથમાં થમાવ્યા, “મિ. પાટીલ, પ્લીઝ સાઈન ધિસ પેપર્સ.”
“સાઈન?….વ્હોટ….?” મનોજને કઈ સમજાયું નહીં.
હૃદય પણ કંઈક અવનવું થતું હતું તે જોતો જ રહ્યો.
“ડિવોર્સ પેપર્સ…ઇટ્સ ડિવોર્સ પેપર્સ..” યાત્રાએ પોતાના વાળ સરખા કરતા હિન્દી ફિલ્મની હિરોઈન બોલે એવા જ લહેકામાં બોલી.
હાથમાં ઉંચકેલા હૃદયને મનોજે નીચે મૂક્યો અને પેપર્સને ઉપરછલ્લું વાંચવા લાગ્યો.
સ્વાભાવિક છે કે ડિવોર્સ પેપરમાં એક બાપ પોતાનાં બાળકની કસ્ટડીનો મુદ્દો પહેલાં ઊઠાવે.
હૃદયની સામે જોવાં મનોજે નજર નીચી કરી તો હૃદય ત્યાં ન હતો.
પોતાના રૂમમાંથી દોડીને આવતા હૃદય ઉપર ત્રણેયની નજર પડી.
ગળામાં સ્ટેથોસ્કૉપ, લાંબો લચક વ્હાઇટ કોટ, અને આંખ પર મોટા મોટા ડાબલા જેવડાં ચશ્મા.
દોડતો દોડતો હૃદય યાત્રા પાસે ગયો અને કહ્યું, “મમ્મી તને સ્ટાફની શોર્ટેજ છે ને!! ડૉન્ટ વરી…આજથી હું પણ તારી સાથે હોસ્પિટલ તને મદદ કરવા આવીશ.”
સાંભળતાની સાથે જ યાત્રાના મોંઢામાંથી મોઢું મચકોડતા એક જ શબ્દ નીકળ્યો, “હં…હ”

By:Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 14 Maulik Nagar “Vichar”

તત્પર જીવ
સદાય નિખાલસ
વિચાર શૂન્ય

‘હેલ્લો મે’મ…’
‘ગુડ મોર્નિંગ મે’મ…’
‘કેમ છો? મેડમ!’
‘જો આ પેલા જ ડૉક્ટર છે જેમનાં કારણે જ પપ્પાને નવું જીવન મળ્યું છે….’
ડૉ. પિંકી રોજ સવારે હોસ્પિટલના ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં જેવી પ્રવેશે ને ત્યાંના સિત્તેર ફૂટના કોરીડોરમાં ચાલતાં જ આવાં સત્તર જાતનાં ગ્રીટિંગ્સ અને કોમ્પ્લીમેન્ટ એને સાંભળવા મળે.
ડૉ. પિંકીનું વ્યક્તિત્વ જ એવું કે એમને જોતાંની સાથે જ દર્દી અડધો સાજો થઇ જાય. પિંકીની નિખાલસતાથી તો પોઝિટિવ એનર્જીના ફુવારા ઊડે.
જેટલો સાજ શણગાર એ પહેરવેશમાં રાખે એટલી જ સજાવટ એમની બોલીમાં પણ હતી. શબ્દો ચખાતા હોત તો નક્કી ડાયાબિટીસ થઇ જાય.
ડૉ. પિંકીની ડ્યૂટી હંમેશા સવારે નવ વાગ્યાંથી ચાલુ થતી. સાચે જ પોતાની સાથે સવાર લઈને ફરતાં હોય તેવી તાજગી એમની હાજરીમાં અનુભવાય.
મળતાવડા સ્વભાવની સાથે હંમેશા લોકોને મદદ કરવામાં તત્પર રહેવું એવી ડૉ. પિંકીની છાપ હતી. ડૉ. પિંકીના સર એને સેવાભાવી આત્મા કહીને જ બોલાવતા હતા.
બસ, પિંકીની એક જ કમજોરી હતી “ચા”.
રાબેતા મુજબ દર્દીઓ તપાસ્યા પછી જુનિયર ડૉક્ટર કૃપા સાથે ચોથે માળ આવેલી કેન્ટીનમાં ગઈ.
‘પિંકીદીદી, હમણાંથી તમે મેકઅપ કરવાનું ઓછું કરી દીધું છે છતાંય દિવસે દિવસે તમારી ચમક વધતી જાય છે.’ બટકબોલી કૃપાએ ચાની ચુસ્કી મારતા પિંકીની ઠેકડી ઉડાડી.
‘જો કૃપલી એવું કંઈ નથી, અમે તો એકબીજાને વર્ષોથી ઓળખીએ છીએ, નથીંગ ન્યુ ફોર અસ’ બંનેની નજર પિંકીના રણકતા ફોન પર પડી.
‘યસ સર, ઓકે સર, કમીંગ સર’
‘ચલ..ચલ..જલ્દી..સર ઑફિસમાં બોલાવે છે. બધાં જ સ્ટાફની ઇમર્જન્સી મીટિંગ બોલાવી છે.’

‘ગુડ આફ્ટરનૂન ડૉક્ટર્સ. હમણાં જ આરોગ્ય વિભાગ તરફથી ઈમેલ દ્વારા આરોગ્ય મંત્રીનો આદેશ આવ્યો છે કે આપણે જરૂરી ઈન્જેક્શન્સ અને દવાઓનો સ્ટોક પૂરતો કરી લેવો જોઈએ.’
વેસ્ટર્ન સંગીતનું ક્વાયર ગાય એમ બધાંના મોઢામાંથી એક જ પ્રશ્ન નીકળ્યો, ‘બટ વ્હાય!!!’
‘ઈમેલમાં વિગતમાં લખ્યું છે કે વિશ્વમાં મહામારી ફેલાવે તેવો કોરોના નામનો ચેપી રોગ ફાટી નીકળેલ છે. આ કોરોનાએ ભારતમાં પણ પગ પેસારો કરી દીધો છે અને ગમે ત્યારે આપણા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા આખા ભારતમાં લોકડાઉન થવાની સંભાવના છે.’
વળી પાછું બધાંએ એકી સાથે સુર પૂરાવ્યો, ‘ઓહ, ઈટ સિમ્સ લાઈક અ પેન્ડેમિક.’
કુતૂહલ સાથે બધાં જ ડૉક્ટર્સ અને સપોર્ટ સ્ટાફ બહાર નીકળ્યો.

આરોગ્ય વિભાગની આગાહી અને ડર સાચો પડ્યો. જોત જોતામાં દિવસ દિવસ ના રહ્યો, રાત રાત ના રહી. બસ બધે આ મહામારીની જ ચર્ચા હતી.
આ પારદર્શક વાયરસે પોતાનો રંગ બતાડવાનો ચાલુ કર્યો અને કહેરની લહેર લહેરાવાની ચાલુ થઈ ગઈ. માણસ માણસથી દૂર ભાગવા લાગ્યો, પણ બધા જ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ પોતાની ફરજ બજાવવા અડીખમ ઊભા રહ્યાં.
‘બેટા, આ બધું ક્યારે થાળે પડશે?’ પિંકીની મમ્મીની આંખમાં એક પ્રશ્ન અને ચિંતા બંને ચોખ્ખા તરી આવતાં હતાં.
‘થઇ જશે બધું મમ્મી, નહીં હોય તો સાદાઈથી કરી લઈશું. તું ચિંતા ના કર.’
ચિરાગ અને એનાં પરિવારવાળા પણ સમજુ છે.’ પિંકીના વર્તનમાં પરિપક્વતા ભારોભાર છલકાતી હતી. એનું કારણ એનાં પપ્પા હતાં.
પપ્પાની હાજરી નહીં પરંતુ ગેરહાજરી.
પિંકી બાવીસ વર્ષની હતી ત્યારે જ એનાં પપ્પા ગુજરી ગયાં હતાં.
‘મને તારા લગ્નપ્રસંગની સાથે સાથે તારી પણ ચિંતા થાય છે. તું જો તો ખરા, આ રોગ કેવો કાળ બનીને બધાને ભરખી જાય છે.
‘તારે તો આખો દિવસ આ વાયરસની નદીમાં જ તણાવાનું હોય છે ને!!’
‘હા મમ્મી ચિંતા ના કર, અમે બધાં ડૉક્ટર્સ અમારું ધ્યાન રાખીયે જ છીએ.
અમને પણ આ સમયે સમાજની સેવા કરવાનો અવસર મળ્યો છે.’
‘ચલ મારે નીકળવું પડશે. તું તારું ધ્યાન રાખજે. શાક કે દૂધ લેવાં ક્યાંય બહાર નીકળીશ નહીં. મેં ઓનલાઇન ઑર્ડર કરી દીધા છે.’
જેમ જેમ હોસ્પિટલ નજીક આવતી ગઈ તેમ તેમ સૂમસામ દેખાતા રસ્તામાં થોડી થોડી ભીડ દેખાવા લાગી અને હોસ્પિટલની આસપાસ એમ્બ્યુલન્સ અને ચંદ્ર પરથી હમણાં જ આવેલા અવકાશયાત્રીઓ જેવાં દેખાતા, પીપીઈ કીટ પહેરેલા મેડિકલ સ્ટાફ નજરે પડવાના ચાલુ થઇ ગયાં.
‘ચાલ ચિરાગ, ટોક ટુ યુ લેટર, બી સેફ, ક્યાંય બહાર ના જતો, વર્ક ઓનલાઇન.’ હોસ્પિટલ પહોંચતા જ પિંકીએ આજુબાજુ જોઈ ફોનના માઇક પર કિસ કરી અને ચિરાગે પણ મધુવંતી રાગના લહેકામાં ‘ટેક કેર, આઈ વિલ મિસ યુ’ કહી ફોન મૂક્યો.
હોસ્પિટલ પહોંચતા જ પિંકીમાં ડૉક્ટર પિંકીની આત્મા આવી ગઈ અને પાછી મન મૂકીને બધાની ડ્યુટીએ લાગી ગઈ.
શહેરમાં જ નહીં આખા દેશમાં સ્થિતિ વણસવા લાગી હતી. દવાનો પુરવઠો, ઇંજેક્શન, હોસ્પિટલમાં બેડ વગેરે ખૂટવા લાગ્યા હતા. પરંતુ ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની ધીરજ અને હિંમત અકબંધ હતા.
જયારે પણ કોઈ દર્દી કે દર્દીના સગાવ્હાલાને હોસ્પિટલમાં જગ્યા નથી, એવું “ના” પાડવાનું આવતું ત્યારે હોસ્પિટલના કર્મચારીઓની આંખોમાં પાણી આવી જતાં.
દર કલાકે, આરોગ્ય વિભાગ, સરકાર, હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા નિયમો, નિર્ણયો અને પ્રોટોકૉલ બદલાતા હતાં.
સાપોલિયાની જેમ સમય સડસડાટ સરકવા લાગ્યો.
દેશ દુનિયામાં રોગની સ્થિતિ પણ ગાંડા બનેલા વાંદરાની જેમ ક્યારેક શાંત થતી તો ક્યારેક ઉથલો મારતી.
આ દરમ્યાન સેંથીમાં સિંદૂર થકી પિંકીના મેકઅપમાં ઉમેરો થયો.
વર્ક ફ્રોમ હોમ કરતાં સોફ્ટવેર એન્જિનિઅર ચિરાગની કોમ્પ્યુટર પર સડસડાટ ફરતી આંગળીઓનો ભાર પણ વેડિંગ રિંગે વધારી દીધો.

પિંકીની જવાબદારીઓ વધવા લાગી પરંતુ જે આખા સમાજ, હોસ્પિટલ, હોસ્પિટલના સ્ટાફ વિગેરેને બખૂબી નિભાવી શકે એને માટે આ ષટ્કોણીયું પરિવાર સાચવવામાં કોઈ મોટી વાત ન હતી.
પ્રેમાળ સ્વભાવ તો પિંકીની તાસીર જ હતી એટલે સ્વાભાવિક છે કે સુગંધી સોનાનું સૌંદર્ય એ જાળવી જ શકે.
નવી નવી ગૃહસ્થી અને પેશન્ટોની લાંબી કતારોમાં વ્યસ્ત પિંકીએ બે-ત્રણ દિવસથી કૃપાને જોઈ જ ન હતી. આ વિચારને હજી પૂર્ણવિરામ લાગે એ પહેલાં જ પિંકીનો ફોન રણક્યો. જાણે કે ટેલીપથીએ જ ટેલિફોન કર્યો હોય.

‘પિંકીદીદી, આઈ નીડ યોર અર્જન્ટ હેલ્પ, મારા ફિયોન્સેનો ભાઈ કોવીડ પોઝિટિવ છે. સીન્સ ફોર ડેયઝ, આપણી હોસ્પિટલથી માંડીને બીજી ઘણી બધી હોસ્પિટલમાં તપાસ કરાવી. ક્યાંય પણ બેડ અવેલેબલ નથી. પ્લીઝ કંઈક કરો, એની તબિયત ખૂબ બગડતી જાય છે. ઑક્સિજન પણ ઓછું થઇ ગયું છે. સમયસર ટ્રીટમેન્ટ નહીં મળે તો હી વૉન્ટ સર્વાઇવ’
‘તું ચિંતા ના કર કૃપા, લેટ મી ટ્રાય ટુ અરેન્જ.’ પિંકીએ ફોન મૂક્યો અને કૉંટેક્ટ લિસ્ટમાંથી એક પછી એક ફોન ચાલુ કરી દીધા. બધી જ જગ્યાએથી દિલગીરી ભર્યો પ્રતિસાદ મળ્યો.
ઘણી મહેનત કર્યા પછી નાનકડી એક થોડી હોપ જાગી. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જ જાણવા મળ્યું કે આપણા એક પેશન્ટને એકાદ કલાક પછી ડિસ્ચાર્જ સ્કેડયુલ કરેલ છે, તો તેમનો બેડ આપણે બુક કરાવી શકીશું.’
પિંકીને હાશકારો થયો એણે તરત જ કૃપાને ફોન લગાવ્યો.
‘કૃપા, ડોન્ટ વરી, તારા દિયરને અહીંયા આપણી હોસ્પિટલમાં જ લેતી આવ, એકાદ કલાક પછી એમને બેડ મળી જશે ત્યાં સુધી એમનું ઑક્સિજન અને પલ્સ ચેક કરતી રહેજે…..’
‘ઓકે દી…….’
ઘણી બધી સૂચનાઓ હજી આપવી હતી પણ ત્યાં પાછળ વેઇટિંગમાં ચિરાગનો કોલ આવતો હતો.
‘આઈ વીલ કૉલ યુ બેક ઈન ટુ મિનિટ્સ કૃપા.’
કૃપાનો ફોન મૂક્યો અને ઝડપભેર ચિરાગને ફોન લગાવ્યો.
“આઈ મિસ યુ” કહેવા જ ફોન આવ્યો હશે. ઘરના બધાંને ચેપ ના લાગે એટલે પિંકી છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની બાજુમાં જ આવેલ સ્ટાફ ક્વાટર્સમાં રહેતી હતી.
સામે છેડે રિંગ વાગી, ફોન ઉપડ્યો, કોઈ ફૂંકો મારતો હોય એવું લાગ્યું, પિંકીના કાનમાં બુચકારાઓએ મધ રેડી દીધું.
‘બસ બસ ચિરાગ, હું કંટ્રોલ નહીં કરી શકું અને ત્યાં ભાગીને આવી જઈશ.’
એકાદ સેકન્ડ પછી ચિરાગનો અવાજ સંભળાયો.’ પિંકી આઈ કાન્ટ બ્રી…….ધ…..’
‘ઓહ નો..’ પિંકીએ તુરંત જ ચિરાગના પપ્પાને ફોન કર્યો.
પપ્પાએ ચિરાગના રૂમમાં જઈને જોયું તો ચિરાગ ભાનમાં તો હતો પણ શ્વાસ ના લેવાના કારણે હાંફતો હતો.
પિંકીએ તરત જ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દીધી.
પોતે પણ ગાડી લઇને પળવારમાં જ ઘરે પહોંચી ગઈ.
ચાલુ ગાડીએ જ ચિક્કાર ભરેલી હોસ્પિટલોમાં ફોન પર ફોન કરવા માંડી. ક્યાંકથી કોઈક વેન્ટિલેટર સપોર્ટ કે ઑક્સિજન મળી જાય.
ઘરે પહોંચ્યા બાદ પિંકીએ આધારકાર્ડ લેવાં માટે ડ્રોઅર ખોલ્યું તો પાંચ દિવસ પહેલાનો ચિરાગનો પોઝિટિવ રિપોર્ટ હાથમાં આવ્યો.
બીજે ક્યાંય પણ સમય બગાડ્યા કરતા એમ્બ્યુલન્સને સીધી સરકારી હોસ્પિટલ પહોંચી જવા જણાવ્યું.
પિંકી પોતે પણ બીજી ગાડીમાં એમ્બ્યુલન્સની પાછળ પાછળ રવાના થઇ.
હજી પણ એણે બીજી કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં જગ્યા મળે એ માટે પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા.
હવે લગભગ સરકારી હોસ્પિટલ પહોંચવા જ આવ્યાં હતાં. સરકારી હોસ્પિટલની નજીક પહોંચવા માટે વીસ પચ્ચીસ એમ્બ્યુલન્સની વેઇટિંગની લાઈન જોઈ પિંકીના તો મોતિયાં જ મરી ગયાં. હંમેશા દરેકની સેવામાં અડીખમ ઊભી રહેતી આ કોરોના વૉરિયર આજે કોઈક એના પતિ માટે સેવા કરે એની પ્રાર્થના કરતી હતી.
એક જ સાથે ફોનમાં બે મેસેજ રણક્યાં. એક એમ્બ્યુલન્સમાંથી નર્સિંગ સ્ટાફનો હતો.
’મેડમ, આઈ એમ સૉરી, ચિરાગસર ઇસ નો મોર.’
અને બીજો કૃપાનો હતો, ‘થૅન્ક્સ ફોર ધ અરેન્જમેન્ટ દી’…..હી ઇસ સર્વાઇવ્ડ.’


Hopescope “Stories Behind White Coat”

Maulik Nagar “Vichar”

HopeScope Stories Behind White Coat – 13/ Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

આજે હરખનો ઉત્સવ હતો. નવાં નક્કોર કપડાની જેમ ઘરનાં એકેએક સદસ્યના ચહેરા પણ ચળકતાં હતાં. બધાં જ લોકો ઘડિયાળના કાંટાની સામે ટાંકીને બેઠાં હતાં. બધાંની લાડકી ખુશાલીને આજે નાતનાં પ્રતિષ્ઠિત શૈલેષભાઈને ત્યાંથી સગપણ માટે જોવાં આવવાનાં હતાં. લગભગ ફાઇનલ જેવું જ હતું, પણ ગુજરાતી એ ગુજરાતી, ગુજરાતીઓને રીતરિવાજો અને મુહૂર્તના પગલે ચાલવું એ તો ગળથૂથીમાં હોય.
“દીદી, આજે તો તું દુલ્હન લાગે છે. તને રોજ વ્હાઇટ કોટમાં જોઈને તો અમે લોકો પણ કંટાળી ગયાં હતાં. જીજુ તો તારી અદાઓના ઇન્જેક્શનની જાળમાં ફસાઈ જ જવાનાં છે!!” ઉંમરમાં લગભગ સમોવડા ખુશાલીનાં નાના ભાઈ જીગરે ખુશાલીની ટાંગ ખીંચાઈ જેવી ચાલુ કરી અને ડોર બેલ વાગ્યો.
બધાં એક સામટા ઊભાં થઇ ગયાં. ખુશાલીના પપ્પા દિનેશભાઈ એ દરવાજો ખોલ્યો અને શૈલેષભાઈ અને પરિવારને આવકારો આપ્યો.
ખુશાલીને જોતાંની સાથે જ પ્રિયમને લાગ્યું કે બાયોડેટામાં જાણે અધૂરી ડેટા એન્ટ્રી કરી હોય. ખુશાલીના હસમુખા ચહેરા વિષે બાયોડેટામાં ક્યાંય ઉલ્લેખ ન હતો. નાજુક પાંપણ કે ઘુમ્મરિયાં વાળ વિશે કે ચા આપતી વખતે નિહાળેલ લીસ્સા પોચાં સ્પર્શનો પણ ઉલ્લેખ બાયોડેટામાં ક્યાંય ન હતો.
ખુશાલી અને પ્રિયમના પરિવારવાળા તો વાતોએ વળગી ગયાં હતાં. જોતજોતામાં તો બે પરિવાર એક થવાની દિશામાં જઈ રહ્યાં હતાં. ખુશાલીનો ભાઈ જીગર પણ આજે ફૂલ ફોર્મમાં હતો. એક તો બહેનના લગ્નમાં બધી જ તૈયારીઓ એણે કરવાની છે એનો આનંદ હતો અને પ્રિયમની નાની બહેન રિદ્ધિ તરફથી મળતાં આંખનાં સિગ્નલ એ બીજું કારણ હતું.
પ્રિયમની મમ્મી દિશાબેનથી રિદ્ધિ અને જીગરની આ આંખોનો વાર્તાલાપ છાનો ના રહ્યો. એમનાં મનમાં પણ હરખની ગલીપચી ચાલુ થઇ ગઈ આ તો બોનાન્ઝા ઑફર મળી ગઈ. દિશાબેને બધી વાત બાજુ પર મૂકીને રિદ્ધિનું પ્રમોશન ચાલુ કરી દીધું. શૈલેષભાઈને અણસાર આવી ગયો કે દિશાબેન કઈ દિશામાં જઈ રહ્યાં છે.
રિદ્ધિ દેખાવે તો રૂપાળી હતી, ભણેલી ગણેલી પણ હતી, આ સગપણ થાય તો બંને પરિવાર માટે કાંઈ ખોટું લાગતું ન હતું. જીગર પણ હવે કોલેજ પતાવીને પપ્પાના ધંધે બેસવાની તૈયારીમાં જ હતો એટલે એનાં પણ માંગા આવવાનાં ચાલુ થઇ ગયાં હતાં. રિદ્ધિને જોઈને જીગરનાં મમ્મી પપ્પાને પણ થયું કે “બગલમાં છોકરું અને ગામમાં ઢંઢેરો.” શૈલેષભાઈને આ સગપણમાં રસ ઓછો લાગતો હતો એટલે જયારે જયારે પણ દિશાબેન રિદ્ધિની વાત કરે ત્યારે એ તરત જ વાત બદલવાની કોશિશ કરે. એમનાં મોંઢા પર અણગમો સાફ દેખાતો હતો.
ખેર, પ્રિયમ અને ખુશાલીનાં ગોળધાણા અને લગ્નની તારીખની ચર્ચા કરી બંને પરિવારે મોઢું મીઠું કર્યું અને પ્રિયમના પરિવારે ત્યાંથી રજા લીધી.

લગ્નના દિવસો નજીક આવ્યાં, પ્રિયમ અને ખુશાલી પણ એક બીજાંની નજીક આવ્યાં. અરેન્જ્ડ મેરેજ હોવાં છતાં બંનેના સંબંધમાં બહુ જ જલ્દી પ્રેમ સંબંધ પણ કેળવાઈ ગયો.
વાજતે ગાજતે, પાંચ-પાંચ દિવસોના પ્રોગ્રામ કરીને ધામધૂમથી બંને પરિવારોએ લગ્નને ઉત્સવ બનાવી દીધો.

ખુશાલી મનોચિકિત્સક ડૉક્ટર હતી એટલે બધાંના મન કઈ રીતે જીતવા તે તેને બખૂબી આવડતું હતું. ખુશાલી અને પ્રિયમને એકબીજાનો સંગાથ પ્રિયમય અને ખુશખુશાલ લાગવાં લાગ્યો. ખુશાલી અને રિદ્ધિ ભાભી નણંદ નહીં પણ મિત્રો હોય તેમ જ લાગતું હતું. દિશાબેને પણ જીગર અને રિદ્ધિનાં સગપણ માટે ખુશાલીને અનેક વખત આડકતરી રીતે વાત કરી હતી. દિશાબેનને સમય અને સંજોગ સાથ ન હોતા આપતાં.
સમય જતા શૈલેષભાઈ અને દિશાબેન પણ હવે નવી પેઢીની રાહ જોવામાં લાગી ગયાં અને જવાબદારી વધે એ પહેલાં બાકી રહેલાં દેશ દુનિયાનાં પ્રવાસ પતાવી લેવાનો નિર્ણય કર્યો. શૈલેષભાઇ અને દિશાબેન તો ખુશીઓના વહાણમાં વહેતાં વહેતાં હોલીડે પર નીકળી ગયાં.
ખુશાલી પણ પોતાનો પ્રોફેશન અને પર્સનલ બંને સમય બખૂબી મેનેજ કરતી હતી. સાસુ સસરા બહાર ગયાં પછી ઘરનાં બધાં જ કામ એ અને રિદ્ધિ બંને જાતે જ કરતા હતા. કોઈક દિવસ રિદ્ધિ નવી રેસિપી શોધી લાવે તો કોઈક દિવસ ખુશાલી નવી રેસિપી બનાવે.
સાંજનો સમય હતો, પ્રિયમ ઘરમાં પ્રવેશ્યો અને જોયું તો ઘરમાં સાવ અંધારું હતું. લાઈટ ચાલુ કરી તો કિચન પાસે લોહીનાં ધબ્બા દેખાયા. પ્રિયમે જોરથી ખુશાલીનાં નામની ચીસ પાડી. હાથમાં મલમપટ્ટીનો સામાન લઈને રિદ્ધિ બહાર આવી અને કહ્યું, “ડોન્ટ વરી ભાઈ, આતો હું અને ભાભી જમવાનું બનાવતાં હતાં અને હું શાક સમારતી હતી, મારાં હાથમાં ચપ્પુ હતું અને ભાભી ફર્યા અને ભૂલથી એ ચપ્પુ એમને કમરમાં ઘસાઈ ગયું.”, “ભાભી જ મને ડ્રેસિંગ કરતાં શીખવાડે છે. તમે ભાભી પર ચિડાશો એટલે એ બહાર નથી આવતાં.”
‘ખુશી…પ્લીઝ કમ આઉટ…’ પ્રિયમે પ્રેમથી પોકાર કરી.
ત્રણે જણ સાથે જમ્યાં અને “ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ” કહી પોતપોતાનાં રૂમમાં સૂવા ગયાં.
‘ખુશી, હવે આપણે બેબી પ્લાન કરી દેવું જોઈએ.’ જમવાનો ઓડકાર હજી આવ્યો ન હતો અને પ્રિયમ અને ખુશાલી પ્રેમની મિજબાની લઇ રહ્યાં હતાં.
‘મારાં ગ્રહો હમણાં સારાં નથી ચાલતાં લાગતાં, થોડો સમય થોભી જાઓને પ્રિયમ.’ ખુશાલીનાં અવાજમાં છૂપે છૂપે ક્યાંક કોઈક વાતનો ડર હતો.
‘ગ્રહ…!!!’, કેમ શું થયું?’
‘પ્રિયમ ખબર નહીં પણ ગઈ કાલે બહાર હું કપડાં સૂકવતી હતી તો ઉપરથી પેલું મોટું કૂંડું મારી બાજુમાં જ પડ્યું. જો હું એકાદ ઇંચ પણ આમતેમ હોત તો એ મારું માથું ફોડી નાખત.’ આજે આ ચપ્પુ વાગ્યું, મમ્મી પપ્પા ગયા એ દિવસે હું માળીયે ચડી હતી, ત્યારે પણ હું સીડી પરથી પડી ગઈ હતી.’
‘આ તો બધું જોગાનુજોગ હોય. કાંઈ વાંધો નહીં ખુશાલી, તને જેમ ઠીક લાગે તેમ.’
સવારમાં રિદ્ધિ ક્યાંય દેખાઈ નહીં, બે ત્રણ બૂમો પાડી ક્યાંયથી રિદ્ધિનો પ્રતિસાદ ન મળ્યો. ભાભીને લાગ્યું કે જરૂર રિદ્ધિ છુપાઈને જીગર સાથે ફોન પર ખપાવતી હશે. રંગે હાથ પકડવા માટે બધાં જ રૂમ ચેક કરી લીધાં. અંતે ધાબે જોવાં ગઈ, ત્યાં તો રિદ્ધિને જોઈને એનું હસવાનું રોકાયું જ નહીં.
‘અરે આ શું કરે છે, તારાં ગાલ તો જો કાળા મેશ જેવાં થઇ ગયાં છે, કેટલો કાર્બન ચોંટ્યો છે.’
‘હાસ્તો ભાભી, તમે જ કીધું છે ને કે ઘરનું બધું કામ આપણે જાતે જ કરીશું એટલે આ ગીઝર રિપેર કરતી હતી.’ બંને જણાએ એક બીજાની ટાંગખીચાઈ કરી અને નીચે આવ્યાં.
રિદ્ધિ થોડી વારમાં આવું છું કહીને બહાર ગઈ. ખુશાલી પણ એની ઓનલાઇન કન્સલ્ટન્સીનું કામ પતાવી, ન્હાવાના વિચાર સાથે બધું આમ તેમ ગોઠવવાં લાગી. રિદ્ધિના રૂમમાં સાફસફાઈ કરતા એક સ્કેચ બુક નજરે પડી. મનમાં વિચાર્યું કે રિદ્ધિ પોતે ચિત્રો દોરે છે એવી વાત ક્યારેય કરી નથી. આઉટ ઓફ ક્યુરિયોસિટી એણે સ્કેચ બુકનું મુખ્ય પાનું ફેરવ્યું અને જોતાંની સાથે જ હાથ કાંપવા લાગ્યાં. કબાટના એકેએક ડ્રોઅર ફેંદી નાંખ્યાં.
તરત જ એણે પ્રિયમને ફોન કર્યો. સઘળી વાત કરી અને ઘરે તુરંત જ આવી જવા જણાવ્યું.
ટેલિફોનિક ટોક ઉપરથી એક પણ મિનિટ વિલંબ કર્યા વગર પ્રિયમ ઘરે આવી ગયો. સ્કેચબુક જોઈને એનાં પગ નીચેથી જમીન ખસી ગઈ.
પહેલાં પાના પર એક સુંદર છોકરી ઘરનાં ઓટલા ઉપર વાળ ઓળતી હતી, ધાબાની પાળી પર વાંદરું બેઠું હતું અને એ વાંદરું પાળી પર મૂકેલા કૂંડાને ધક્કો મારતું હોય એવું ચિત્ર દોર્યું હતું.
પાનું ફેરવતાં બીજાં પાના પર એક ધારદાર ચપ્પુ દોર્યું હતું અને એક બાજુમાં લોહીથી લથબથ એક સુંદર સ્ત્રી અને સાથે કપાઈ ગયેલી આંગળીઓ હતી.
પાનું ફેરવતાં ત્રીજું એક ચિત્ર નજરે પડ્યું જેમાં ભોંય પર પડેલી એક સ્ત્રી હતી, આડી પડી ગયેલ સીડી હતી અને બીજી સ્ત્રી એનાં પર હસતી હતી.
આગળ બીજું એક ચિત્ર હતું જેમાં બાથરૂમનું દ્રશ્ય હતું, જેમાં એક સ્ત્રી ફસડાઈને ભોંય પર પડેલી હોય છે અને બાથરૂમની સીલિંગના ભાગમાં ગીઝરમાં આગ લાગેલી આકૃતિ દોરી હતી.
ચોથું ચિત્ર જોતાં જ પ્રિયમનાં હાથ પણ ધ્રૂજવા લાગે છે. એમાં એક સુંદર સ્ત્રી અને એક પુરુષ હતાં અને બંનેની પીઠ પાછળ એક બીજી યુવાન સ્ત્રી ધારદાર છરો લઇને ઉભી હતી.

આ સ્કેચ બુક છે કે ડેથ બુક એ પ્રિયમને સમજાતું જ ન હતું પણ ખુશાલી તરત જ બોલી ઊઠે છે, ‘પ્રિયમ, ઇટ્સ અ સ્કિઝોફ્રેનિઆ!!’
ત્યાં જ પ્રિયમ વળી પાછું સ્કેચ બુકનું એક પાનું ફેરવે છે અને જોવે છે કે એક યુવાન અને યુવતી કેફેટેરિયામાં બેઠાં છે અને યુવતીના હાથમાં એક કૅપ્સ્યૂલ દોરેલી છે અને સંતાડીને કૉફીની અંદર નાખતી નજરે પડે છે.
‘ઓહ શીટ, ખુશાલી આસ્ક જીગર વ્હેર ઇસ હી?’
ખુશાલીએ જીગરને તરત જ ફોન લગાડ્યો અને ખુશાલી બોલે એ પહેલાં જ જીગર જોરથી ખુશીમાં બૂમો પાડવા લાગ્યો, “શી સેઈડ “યસ” દીદી, શી સેડ “યસ” દીદી, આઈ એમ વીથ હર દીદી…લવ યુ…’

પ્રકરણ -2 ″હોપસ્કોપ”- મૌલિક નાગર

ये परिंदे भी कितने नादान है,
मेहफूस हाथो को पहचान नहीं पाते.

‘મૅડમ, ખાલી પાંચ જ દિવસ, જેવા માંના દર્શન થશે એટલે તરત જ એસ.ટી બસમાં પાછો આવી જઈશ’, હોસ્પિટલના અટેન્ડન્ટ રઘુ એ ઘભરાતા સ્વરે ડૉ રૂચિતાને અરજી કરી.
‘અલ્યા ભાઈ, અઠવાડિયામાં ચાર દિવસ તો તું કોઈકના કોઈક બહાને વહેલો જાય છે, મોડો આવે છે, રજાઓ પાડે છે. અમને એવું છે કે આટલું બધું ભણ્યા પછી અમે તારા પગારદાર છીએ.’ ડૉ રૂચિતાનો પિત્તો આજે એમેય ગયો હતો. ઉપરાછાપરી દર્દીઓ આવતા હતા, હંમેશની માફક સ્ટાફની શોર્ટેજ અને ઉપરથી સંચાલકો સાથેની રોજબરોજની કચકચ.
તમે ભણ્યા એ જ તો તમારો પ્રોબ્લેમ છે, સંભળાય નહીં તેવી રીતે લુચ્ચું હસતા રઘુ બોલ્યો.
‘શું કહે છે?’
‘અરે ના મૅડમ આતો એમ કહેતો હતો કે બહુચર માઁની બાધા માની હતી કે દીકરાનો જન્મ થશે તો બહુચરાજી પગપાળા દર્શન કરી આવીશ અને એ બહાને દીકરાને અને મારી ઘરવાળીને પણ ગામડે મળી અવાય’ રઘુના સ્વરમાં હવે થોડી નફ્ફટાઈ અને બેદરકારી છલકાઈ.
‘આ મહીનામાં તો રજા નહીં જ મળે’ ડૉ રૂચિતા એ પણ હવે કડકાઈ દેખાડી
‘પણ મૅડમ…’
‘ જા…જા… હવે કામે વળગ’ ડૉ રૂચિતા એ રઘુને જાકારાનો ઈશારો કર્યો.
‘અમારા માટે તો અમારું પરિવાર પહેલા, બાકી બધું પછી મૅડમ. અમે કઈ ગુલામ નથી, અંગ્રેજો જતા રહ્યાં અને……..’રઘુ પણ અકળામણમાં બબડતા બબડતા ત્યાંથી નીકળી ગયો.

રઘુની આખી બપોર ડોક્ટરો, દર્દીઓ અને વહીવટીકર્તાઓને ગાળો આપવામાં જ ગઇ.
‘નાચવું નહીં એને આંગણું વાંકુ’
બાધા કે બૈરાં છોકરાને મળવાનું તો માત્ર બહાનું જ હતું, પણ ચાલીના મિત્રો સંગાથે મોજ કરતા કરતા પગપાળા જવું એ જ મુખ્ય કારણ હતું

પોતાની શિફ્ટ પતાવી સાંજની શિફ્ટના ડૉક્ટરને હેન્ડ ઓવેર આપી ડૉ રૂચિતા ઉતાવળે ઘરે જવા માટે નીકળ્યા. બીજા દિવસે એમના પતિનો જન્મદિવસ હોઈ આજે તો એમના માટે સરપ્રાઇસ કેક બનાવવાની ઈચ્છા હતી.
ઘરની ગલીની પાસે જ રૂચિતા એ થોડી ભીડ ઊભેલી જોઈ, એને મનમાં થયું કે નક્કી કોઈક એક્સિડેન્ટ થયો છે. એમણે પણ સીગ્નલ આપીને ગાડી સાઈડ પર ઊભી કરી દીધી.
ભીડને ‘ડૉક્ટર છું…ડૉક્ટર છું… ‘કહેતા આગળ વધ્યા અને એક વૃદ્ધ અર્ધ બેભાન અવસ્થામાં કણસતા જોયા.
‘અરે….કનુકાકા…!!!!’ જોતાવેંત જ ડૉ રૂચિતાએ એમ્બ્યુલન્સને ફોન કર્યો અને કનુકાકાને CPR આપવાનું ચાલુ કરી દીધું. જમા થયેલી ભીડને દૂર રહેવાના ઈશારા સાથે ડૉ રૂચિતાએ વળી પાછો ફોન લગાવ્યો,
‘હેલો ડૉ અર્પણ, ડૉ રૂચિતા હીઅર, યુ પ્લીઝ કોલ અવર ઓન કોલ ન્યુરો ફિઝીશ્યન એન્ડ કાર્ડિયોલોજિસ્ટ. કનુકાકા ઇસ ઈન કાર્ડીયેક અરેસ્ટ.’

હોસ્પિટલના ઇમર્જન્સીના ડિપાર્ટમેન્ટના ગેટ પર સાયરન મારતી એમ્બ્યુલન્સ આવી પહોંચી, ડૉ રૂચિતા પણ એ જ એમ્બ્યુલન્સમાં આવ્યા હતા. ડૉ રૂચિતાની ટીમ પણ ત્યાં રાહ જોઈને ઉભી જ હતી.
‘સિસ્ટર, તમે રજીસ્ટ્રેશન કરાવો.
ડૉ પ્રણવ, એમને રિસસ બેડ પર લઇ લઈએ.’

‘કનુકાકા કાર્ડીયેક અરેસ્ટમાંથી તો રિવાઇવ થઇ ગયા છે પણ હાર્ટની મેજર વેસલ બ્લોક હોય એવું લાગે છે, માટે સ્ટેન્ટ મૂકીને બ્લોક ઓપન કરવો પડશે’, ECG જોતાં કાર્ડીઓલોજીસ્ટ ડૉ પ્રણવે કહ્યું.
‘એમના ઘરેથી કોઈ આવેલ છે?’
‘વેઇટ સર, રઘુ અહીંયા જ હશે, એની શિફ્ટ પતવાને હજી વાર છે.’
શરીરથી સાવ લેવાઈ ગયેલા, મેલા ઘેલા કપડામાં, કાપડની થેલી લઇ નીકળેલા આ કનુકાકા બે વર્ષ પહેલા જ રિટાયર્ડ થયેલા આ જ હોસ્પિટલના સિનિયર અટેન્ડન્ટ અને રઘુના પિતા હતા. છ-આઠ મહિના પહેલા જ કનુકાકાની ભલામણથી આ રખડેલ દીકરા રઘુને હોસ્પિટલે કામ પર રાખ્યો હતો.
‘મૅડમ, બધા ફલોર પર તપાસ કરી દીધી રઘુનો ક્યાંય પણ અતોપતો નથી, અને એનો ફોન પણ સ્વીટ્ચ ઓફ આવે છે.’ બીજા અટેન્ડન્ટે કહ્યું.
‘ઓહ માય ગોડ, હી મસ્ટ હેવ લેફ્ટ ફોર …….’ રૂચિતાને પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો કે રઘુ કહ્યા વગર જ બેદરકાર બનીને બહુચરાજી જવા નીકળી ગયો છે.
રઘુનો ફોન તો ન લાગ્યો અને પરિવારના કોઈ સભ્ય સાથે સંપર્ક પણ ન થઇ શક્યો. હવે નિર્ણય લેવામાં વધુ સમય બગાડાય એવો ન હતો. સારવારમાં વિલંબ ન થાય અને વધુ ખર્ચ પણ ન થાય તે હેતુથી બે ત્રણ ઇમર્જન્સીના ડોક્ટર્સ, ડૉ પ્રવણ અને ડૉ રૂચિતાએ જ નિર્ણય લેવાનું નક્કી કર્યું.

ભારે ધર્મસંકટ હતું. કેમ કે જો આ ખાનગી હોસ્પિટલમાં રાખીયે તો કનુકાકાને ખર્ચ ન પોસાય અને સ્ટેન્ટ મુકાવવું ખુબ જ જરૂરી હતું.
અંતે કનુકાકાને ક્લોટ ઓગાળવાનું ઇન્જેક્શન આપ્યું જેથી થોડાક સમયમાં ECG નોર્મલ થઇ ગયો અને કનુકાકા પણ ભાનમાં આવવા લાગ્યા.
ત્યાર બાદ Angiography માટે સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો. જ્યાં સદ્નસીબે ડૉ પ્રણવ અને ડૉ રૂચિતા બન્ને વિઝિટિંગ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા એટલે સ્ટેન્ટ મુકવાની પ્રોસિજર અને ફોલોઅપના પૈસાનો સવાલ જ ન હતો અને સરકારી હોસ્પિટલ હોઈ રૂમ અને બીજા ટેસ્ટમાં પણ રાહત મળી જાય.
કનુકાકાની સારવાર સમયસર થતા હવે એમણે ધીરે ધીરે ચાલવાનું પણ ચાલુ કરી દીધું હતું અને બે દિવસથી સવાર સાંજ ડૉ રૂચિતા એમની ખબર અંતર પૂછી જતા હતા.
ચાલીના એક છોકરા થકી જ રઘુને પપ્પા હોસ્પિટલમાં હોવાની જાણ થઇ અને તુરંત જ એ અમદાવાદ આવવા નીકળી ગયો. એસ. ટી સ્ટેન્ડથી સીધો જ સરકારી હોસ્પિટલ પહોચ્યો. કનુકાકા પાસેથી આખી ઘટનાની વિગતવાર જાણકારી મળી. પોતાના વર્તન પર રઘુને ખુબ પસ્તાવો થયો. રૂચિતા મૅડમને આભાર વ્યક્ત કરવા અને માફી માંગવા એ હોસ્પિટલે પહોંચી ગયો.

‘મેડમ..અંદર આવું?’ ભીની આંખે, ધીમા સ્વરે રઘુએ દરવાજો નોક કર્યો.
‘અરે રઘુ, આવ આવ, કનુકાકાને મળ્યો?’
‘હા મૅડ…..’રૂંધાતા કંઠે રઘુ ધ્રુસકેને ધ્રુસકે રડી પડ્યો અને રૂચિતા મૅડમનો આભાર માનવા લાગ્યો અને પગે પડી માફી માંગવા લાગ્યો.
‘અરે..રે.રે…આમ ગાંડપણ ના કર રઘુ, હોસ્પિટલના સ્ટાફના સભ્યો પણ મારો પરિવાર છે. અને મારા માટે તો મારું પરિવાર પહેલા બાકી બધું પછી…..લે આ કેક ખા, અપર ક્રસ્ટની છે.’

“આ છે મારું અમદાવાદ” …………

૨ વર્ષ અમેરીકા રહ્યા બાદ ૨૦ દિવસની અમદાવાદની મારી ટૂંકી મુલાકાતમાં મને અમદાવાદ કેવું લાગ્યું? તે અંગે મારા અનુભવો મેં રજુ કર્યા છે.

“આ છે મારું અમદાવાદ” 

આજના અમદાવાદની સૂરત બદલાઇ છે,

સૂરત સાથે મૂરત પણ બદલાઇ છે,

કહે છે, અમદાવાદ મેટ્રોસીટી બનવા જઇ રહ્યુ છે.

ભડ નરેન્દ્ર મોદીના રાજમાં ફ્લાયઓવરની છે કમાલ,

બી. આર. ટી. એસ.ની સવારીમાં આમ જનતાને છે નિરાંત,

કાંકરીયા તળાવ અને સાબરમતી રીવરફ્ર્ન્ટ જોઇને સહેલાણીઓ કરે છે વાહ! વાહ!

ઉત્સવો અને તહેવારોની બદલાઇ રહી છે સીકલ, આ છે મારું અમદાવાદ.

પરંતુ — પરંતુ નથી બદલાઇ અમદાવાદીની એ સવાર,

જ્યાં મસાલા ચ્હાની ચૂસકી સાથે ગરમાગરમ ફાફડા ચટણી અને જલેબી ખવાય છે,

નથી બદલાયો મંદિરનો એ ઘંટારવ અને આધ્યાત્મિક દોટ,

વહેલી સવારે મોર્નિગ વોક અને કસરત માટે બગીચા ઉભરાય છે,

રંગીન કપડામાં રંગીન મીજાજી અમદાવાદી ઘુમે છે,

ભારતની પચરંગી પ્રજા અમદાવાદમાં સમાય છે, આ છે મારું અમદાવાદ.

અહીં વૈભવી ઇમારતોની ઝાકમઝાળ છે, પણ રાહી ભટકી જાય છે.

માનવ ભાગદોડમાં ભટકાય છે, કોલાહલમાં અથડાય છે.

દિન-રાત ચોરાહે પર ટ્રાફીકજામ દેખાય છે,

સમીસાંજે વાહનોનું કિડિયારૂ ઉભરાય છે,મારામારી ગાળાગાળી હંમેશ જોવા મળે છે,

ચોરી-લૂટ, ખૂન ખરાબાથી ન્યૂઝપેપર ઉભરાય છે,

ક્લબો, હાઇવે, હોટલો, હોસ્પીટલો હકડેઠઠ ઉભરાય છે,

પ્રદુષણનો વરસાદ વરસાવી કુદરત પણ બદલાઇ છે,

સિમેન્ટનાં આ વન-વગડામાં શ્વાસ પણ રૂંધાય છે,

ત્રિસંધ્યા સમયે સ્નાન કરો, તો પણ મેલા થવાય છે, આ છે મારું અમદાવાદ.

પગારધોરણ અને મોંઘવારીની હૂંસાતૂંસીમાં માનવમોલ હારી જાય છે,

મોંઘવારીના ખપ્પરમાં કંઇક ગરીબ હોમાય છે,

મધ્યમવર્ગીય માનવીના બે છેડા માંડ ભેગા થાય છે,

અમીરો પણ મોંઘવારીની જ્વાળામાં લપટાય છે,

આમ સળગતી મોંઘવારીમાં ભડકે બળે છે અમદાવાદ, આ છે મારું અમદાવાદ.

આ જીવન-ચક્કીની ભીંસમાં કંઇક સંબંધો, કંઇક જીવન ભીંસાય છે, ચગદાય છે, મરણને શરણ થાય છે.

ક્યાં છે સમય કોઇની પાસે?

પ્રેમની પરિભાષા પણ બદલાય છે.

નિતનવા ઘરડાઘર ખૂલી રહ્યા છે,

આ છે ઘરેણાં મેટ્રોસીટીના, આ છે મારું અમદાવાદ.

ક્યાં જઇને આ અટકશે?… કોઇ કહેશે?…

હા…આ જીવનચક્ર જરૂર બદલાશે…

ચક્રને બદલાવું જ રહ્યું…

જેમ રાત પછી દિવસ, સંધ્યા પછી પ્રભાત…

એક નવા પ્રભાતની મીટ માંડીને ઉભો છે અમદાવાદી…

ભારતની આ તપોભૂમિને યોગીઓનાં ફળશે આશીર્વાદ…

અંતે તો કહીશ હું અમે અમદાવાદી… અમે અમદાવાદી.

આ છે મારું અમદાવાદ.

કલ્પના રઘુ

સ્વાતંત્ર્ય દિન

મિત્રો
 ઝવેરચન મેઘાણી ની કવિતાની એક પંક્તિ યાદ આવે છે આજે ….
 તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતાભરી !
મુરદા મસાણથી જાગતાં, તારા શબ્દમાં શી સુધાભરી !……..
આવી સ્વત્રંતા મેળવવા આપણે  બહુ મોટી રકમ ચૂકવી છે કેટલાય લોકોના બલિદાન પછી આ સ્વાધીનતા ત્રિરંગો બની ને લહેરાય છે પણ આ બધું કયારે અને કોના બલિદાન થકી …
પદ્મા  માસીએ એક વાત સરસ કરી છે કે આજે પાસઠ વર્ષ પછી પણ શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા રૂઝાયા નથી ,અને રૂઝાવા પણ જ જોઈએ .
તો  જ આપણે  સ્વ્ત્રન્તાનું  મુલ્ય કદી  નહિ ભૂલીએ ..આવા શુભ દિવસે દરેક શહીદો ને આપણા  સલામ

સ્વાતંત્ર્ય દિન

 

ભારતમાં સ્વાતંત્ર્ય દિન અતિ આનંદે ઉજવાય

શહીદોની શહીદી ને ગુલામીની વેદનાના ઘા ના રૂઝાય

અંગ્રેજી દમનના કોરડાના ચિન્હો હજૂય ના ભૂલાય

શીશ વઢાણા વીરબલિદાનીના આજ પણ ૈયુ ઘવાય

 

સ્વાતંત્ર્ય દિનની પરેડ અને કવાયતના

ત્રિપાંખી સૈનિકોના શુરાતનના ખે જોવાય

ટી વી પર દેખાતી સૈનિકોની વીરતાના

અવનવા દૃશ્યો, સમાચાર ગૌરવ ભર્યા દેખાય

 

દેશની રક્ષા કરનાર સરહદ પરના જુવાન જુગ જુગ જીવો

દેશનો  લહેરાતો  ગૌરવવંતો  ત્રિરંગો વિશ્વમાં અમર રહો

પદ્માબેન  કનુભાઈ  શાહ

મૃત્યુ -ઉંચો વ્યાજ વટાવ

અત્યંત શોકની લાગણી સાથે જણાવવાનું કે આદરણીય પ્રવીણભાઈ દેસાઈ  હવે આપણી વચ્ચે નથી.

ગઈકાલ ની રાતે હદ્યરોગના હુમલાના કારણે  પ્રભુ શરણ પામ્યા છે .

ગુજરાતી સમાચાર જગતના જાણીતા પત્રકાર પ્રવીણભાઈ ની ખોટ સમગ્ર સમાજને વર્તાશે .

અમેરિકાની ધરતી પર પ્રકાશિત થતા અખબાર, સાપ્તાહિક અને તેમાંય વિશેષ કરીને “ગુજરાત ટાઈમ્સ”માં સીલીકોન વેલી અને સનીવેલ સીટીને સૌ પ્રથમ ચમકાવનાર ઝળહળતો તારો આજ અચાનક અસ્ત પામ્યો. શ્રી પ્રવીણભાઈ દેસાઈ શ્રીજી ચરણ થયાના સમાચાર જાણી દુ:ખ થયુ. અહિ રહીને પણ માદરે વતન ગુજરાતમાં “અકિલા” મારફત સીલીકોન વેલીની સાચી ઓળખ આપવામા તેમનો મોટો ફાળો હતો.તેઓ નિડર, નિખાલસ, નિરાભિમાની, નિઃસ્વાર્થી અને નિઃસ્પૃહી પત્રકાર હતા .  કોઈની પણ શેહ શરમમાં આવ્યા વગર સાચી અને સચોટ હકીકત રજુ કરતા તેઓ અચકાતા નહિ. આ ઉપરાંત તેઓ  મિતભાષી,  સદાય હસમુખા,   આનંદી અને માયાળુ  , તેમની યાદ શક્તિ ગજબની હતી. પ્રોગ્રામમાં કોઈપણ જાતની નોન્ધ – notes – લખ્યા વગર તે પ્રોગ્રામનો આબેહુબ હેવાલ રજુ કરવામાં તેઓ પારંગત, પાવરધા ને કુશળ પત્રકાર હતા.   એમની એ કુદરતી બક્ષીસ હતી.

પરમાત્મા તેમના પૂણ્ય  આત્માને પરમ શાંતિ અર્પે.   બેન પ્રમિલાબેન ને પરિવારના સૌને આઘાત સહન કરવાની શક્તિ આપે એ પ્રભુને પ્રાર્થના  સહ ………..

કનુભાઈ  શાહ 

વિજયભાઈ શાહ Houston થી આ સાથે મોકલેલ કાવ્ય દ્વારા સમગ્ર પરિવારના દુઃખમાં સામેલ થયા છે
 આપણે સૌ હ્રદયપુર્વક પ્રાર્થના કરીએ કે, તેમના આત્માને પ્રભુ પરમ શાંતિ આપે
Vijay Shah - YaYa VaR

કુન્તાબેન શાહ -લેવડ દેવડ

મિત્રો ,
પુસ્તક પરબની બેઠક ઘણી ફળદાઈ રહી એમ કહું તો અતિશયોક્તિ ન માનતા .એને તેના ફળ સ્વરૂપે આપણા કુન્તાબેને એક સુંદર કાવ્ય રચ્યું .
હૃદયમાંથી શબ્દો નીકળ્યા કલમે ટપકાવી લીધા

ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ,

લહેરોથી જીવન સંગીત અમ્રુત,

નભને જોઇ કેળ્વ્યું સ્વ્તન્ત્ર અન્તર,

અને વાદીઓથી ચિત્રામણીની સંગત

કવિએત્રી ને ઘણું કહેવું છે આપવું છે પરંતુ સાથે બધું ઝીલવા પણ તૈયાર છે

સ્વીકારવાની સહજતા અને આપવાની જો ઉદારતા હોય તો પોતાના અસ્તિત્વને ગોતવા નથી જવું પડતું .

આપણે જ આપણી જાતને પામી લઈએ છીએ .

તો મિત્રો વાચો કુંતાબેનની આ રચના અને આપના અભિપ્રાય આપી અને વધુ લખવા જરૂર પ્રેરજો

           લેવડ દેવડ

 

હું જ પરબ અને હું જ તરસ, છું કઇ અમથી?

આ ક્ષણમાં જ જીવું છું.  બીજી ક્ષણની ખબર નથી.

 

લેવું હોય તે લઇ લો, કોઇ ખોટ નથી

આપવાને જ આવી છું. 

ક્ષતિઓથી પરે, કોઇ હ્રદયને સ્પર્ષે, તો જ મુજ જીવનની અસ્થી.

 

ધરતીથી લીધું ઉછીનું સમતાનું સમર્પણ,

લહેરોથી જીવન સંગીત અમ્રુત,

નભને જોઇ કેળ્વ્યું સ્વ્તન્ત્ર અન્તર,

અને વાદીઓથી ચિત્રામણીની સંગત,

 

હરએક સંગાથીઓથી લીધાં મેં સ્મિત

અને પીધાં આંસુ ભરેલા ગીત.

 

હજુ જગ્યા છે, આપશો એ લઇશ.

હું જ પરબ અને હું જ તરસ, છું કઇ અમથી?

અમે બસ અહીં સુધી પહોંચ્યા…!-ડો.મહેશ રાવલ

મિત્રો
એક ખુશીના સમાચાર સાથે જાણવાનું કે સાહિત્યક્ષેત્રે  કાર્યરત એવા ડૉ. મહેશભાઈ રાવલ(રાજકોટ)   બે એરિયામાં કાયમી વસવાટ માટે આવી ગયેલ છે અને તેનો લાભ રજૂઆત દ્વારા આપણને મળતો રહેશે પરંતુ ,જેઓં લખવા ઈચ્છતા હોય અથવા લખતા હોય તેમને તેનું માર્ગદર્શન પણ મળતું રહેશે. તો વિના સંકોચે તેમને email  અથવા ફોન દ્વારા સંપર્ક કરી શકશો .
આ સાથે એમની લખેલી નો  તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” ની ૧૦૦મી  છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહી  છું .આ ગઝલની પહેલી બે લાઈન મને એટલી સ્પર્શે છે કે સહજતાનો સહારો લઇ તેઓ અહી સુધી પહોચ્યા. આમ જોવા જઈએ તો આખી ગઝલમાં કયારેક ઉત્તમ વિચારો તો કયારેક જાતઅનુભવ અને અંતે આધાત્મિકતા નજરે ચડે છે ,આમ  ભાવ અને લયનો જવાબ જ નથી ટુકમાંએક સફળ કવિના શબ્દોની તાકાત અનુભવી છે.

આપ સર્વે પણ આ અનુભવી કલમને માણો.

ડૉ. મહેશભાઈ રાવલ શબ્દોનુંસર્જન  બ્લોગ પર આપનું  હાર્દિક સ્વાગત..

તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા

અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા

અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.

ડો.મહેશ રાવલ

ડૉ.મહેશ રાવલ.http://navesar.wordpress.com

408-329-3608

 

ઘડપણ-પદ્માબેન કનુભાઈ શાહ

મારા વડીલો

જિંદગીની સંધ્યા ને  પ્રેમથી વધાવજો.
વાળ ધોળા થયા, આંખે ઝાંખપ આવી, કાન માંડીએ તો જ વાત સંભળાય એવી દશા થઈ, ઉંબરો ઓળંગતા ડુંગર ઓળંગવા જેટલી મહેનત પડવા લાગી, અને પણિયારે પાણી પીવા જવું હોય તો પાણીની ગોળી ગંગા જેટલી દૂર હોય તેમ લાગવા માંડ્યું.
..ત્યારે અચાનક ખબર પડે કે ઘડપણ પ્રવેશી ચુક્યું છે તો તેનો સ્વીકાર કેમ કરવો ?.જુવાનીની રાહ જોઈ હતી ને આવી ત્યારે વધાવી લીધી હતી. ઘડપણની રાહ નહતી જોઈ, જોઈતું જ ન હતું, તોય આવ્યું !

પદ્મા માસી એ .જિંદગીની એક એવી હકીકત કાવ્યમાં વણી લીધી કે અને અપનાવ્યા વગર છુટકો જ નથી છતાં એને મોસમની જેમ સ્વીકારવામાં જ ડાહપણ છે .કાવ્યમાં એક વાત ખુબ ગમે છે અને તે છે .જિંદગીનો હકારાત્મક અભિગમ…ઘડપણમાં શારીરિક સમસ્યાઓ સાથે સમાધાન કરી, માનસિક રીતે મજબૂત રહેવાથી ઘડપણ જાજરમાન બને છે.,એટલુંજ નહિ ..આશાવાદી પણ છે ..હજી પણ જિંદગીના રંગો પૂરવા છે ..તેમના  આ અભિગમ ને લીધે વૃધાવસ્થ માત્ર એક મોસમ છે સ્વીકારો ,માલો અને વિકસો  …મિત્રો તો ચાલો  તેમના  અનુભવનો નીચોડ આપણે  કવિતામાં માણીએ

ઘડપણ

યુ.એસ.એ મા  સિનિયર્સ સૌ પ્રૌઢ નાગરિક કહેવાય
પચાસ પંચાવન પછી પ્રવૃત્તિમાં શિથિલતા જણાય
આંખોમાં ઝાંખપ વરતાતી, ઝટ સોય ના પરોવાય
ચશ્માની જરૂરત સમજાતી,  સહેલાયથી ન વંચાય

દાંતના ચોકઠા ‘ફીટ’  રાખી,  પાણીપૂરી ને પીઝા ખવાય
ધિખતાગરમીના દિવસોમાં ગોગલ્સથી આંખો સચવાય
‘એમ પી થ્રી’ ખિસ્સામાં રાખી, કર્ણપ્રિય સંગીત સંભળાય
કોમ્પુટર ટેબ્લેટ આઇપેડ શીખી વિજ્ઞાન જગતને જાણીયે

કાનની જો તકલીફ હોય તો હિયરીંગ એઇડથી સારૂ સુણાય
ડોશી વૈદાનો જમાનો વિત્યો, એનેસિન એસ્પિરિન  લેવાય
રમત ગમતની ખુશીઓ માણી જીવનમા આનંદ અનુભવાય
મંડળમાં સૌ ભેગા થઇ, નિવૃતિમાં પ્રવૃતિની ખુશી સમજાય

પૌત્ર પૌત્રી દીકરા વહુને મદદ કરી પરિવાર આનંદિત કરીએ
નાના મોટા સૌ ઘરકામમાં સહયોગથી  શરીરે  સ્ફૂર્તિલા રહીએ
સેવા કરવી જનજનની, વાંચન મનન થકી સુવૃત્તિઓ કેળવીએ
યોગ ને વ્યાયામ કરી તન-મનની સદાયે તંદુરસ્તી  જાળવીએ

પદ્માબેન  કનુભાઈ  શાહ