કલકત્તા એટલે ચાસણીમાં ડૂબેલા રસગુલ્લા અને રસમાં ડૂબેલા બંગાળી। ..કાલી ઘાટ ,,ભડથી ખદબદ તો હાવડા બ્રિજ કલકત્તા એટલે સમયની સતહ પર અટકી ગયેલું શહેર. કલકત્તા એટલે કારણ વિના ગુસ્સો કરી નાખનારા, પોતાની જ મહત્તામાં ચકચૂર બંગાળીઓનું શહેર .બુઝાઈ ગયેલા કોલસાની વાસવાળું શહેર. બાડા બજાર અને પેલી ચૌરંગી લેન ,સમય પહેલા ઢળી જતી સાંજોનું શહેર.અને આખી રાત જાગતું શહેર। .આવડેતો કલકત્તા એટલે આપવાનું અને લેવાનું શહેર વિવેકાનંદ , રવીન્દ્રનાથ ટાગોર રામકૃષ્ણ પરમ હંસ।,શાસ્ત્રીય સંગીતજ્ઞો, સિઝન પર રમતા ફૂટબૉલ-હૉકીના ખેલાડીઓ, ચિત્રકારો અને બધાને પ્રેરણા અને દાદ આપતા પ્રક્ષકો। …શું નથી આપ્યું ?હા માનવીની કલાને જગાડતું શહેર। ….માતૃભાષાનું ગૌરવ લઇ જીવાડતું શહેર …..ટાગોરે 1937માં કલકત્તા વિશ્વવિદ્યાલયમાં દીક્ષાંત પ્રવચન આપતાં કહ્યું હતું કે માતૃભાષા ઉષઃકાળનો મૃદુ ઉજાસ છે, જે આખા દિવસને-જીવનને ઉજાળતો રહે છે. માતૃભાષાનો કોઈ વિકલ્પ નથી આ શહેર જ્યાં ગુજરાતી ભાષા અને સાહિત્યના બીજ રોપાણાં છે ગુજરાતી રંગભૂમિ પણ અહીં પાંગરી।….પારસી રંગભૂમિ અને મેઘાણી યાદ આવ્યા તેમણે પણ કલકત્તાનિવાસ દરમિયાન બંગાળી ભાષા ના સાનિધ્યમાં -ગુજરાતી સાહિત્ય લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું. બાઉલ-ભજનો અને રવીન્દ્ર-કવિતાનો પરિચય તથા લોકસાહિત્યનો ઘનિષ્સંપર્ક થકી સાહિત્યના બીજ રોપ્યા પહેલવહેલું ગીત ‘દીવડો ઝાંખો બળે’ રચાયું.અને બધાથી બંધાયેલી કાવ્યરુચિવાળી મેઘાણીની અનેક કવિતાએ ગાંધીયુગીન ભાવનાઓને ઝીલી।..એમણે વાર્તાલેખનની હથોટી ટાગોરની ‘કથા ઓ કાહિની’ની કથાઓ પરથી કેળવી તેમની રવીન્દ્રનાથના ‘કથાઓ કાહિની’નાં બંગાળી કથાગીતો પરથી આલેખેલા સ્વાર્પણ અને ત્યાગના ભાવના-પ્રસંગોનો નાનો સંગ્રહ રૂપાંતરિત ‘કુરબાનીની કથાઓ’ આપીને લેખન-કારકિર્દીનું મંગલાચરણ કર્યું.
તેજ રીતે બક્ષી યાદ આવ્યા ચંદ્રકાંત બક્ષીનો જન્મ ભલે પાલનપુરમાં થયો પણ તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું। .
Monthly Archives: November 2018
૫ – કહેવત-ગંગા – કલ્પના રઘુ
ચાર મળે ચોટલા તો ભાંગે કંઇકનાં ઓટલા
આ કહેવત સ્ત્રીને અનુલક્ષીને બોલાયેલી હતી. સ્ત્રી સ્વભાવ પર સીધો ઘા કર્યો છે. ચાર ચોટલા એટલેકે એકથી વધુ સ્ત્રી ભેગી થઇને કંઇક લોકોનાં ઓટલા એટલેકે ઘર-સંસાર ભંગાવે કે તેમાં આગ લગાડે. હા, પહેલાંનાં સમાજની સ્ત્રી માટે આ કહેવત ખૂબજ યોગ્ય હતી. સ્ત્રીની દિનચર્યાનું આ એક અંગ હતું. ઘરની બહાર જવાય નહીં, ઘર-કામ જાતે કરવાનું, ઓઝલ પડદામાં રહેવાનું, ઘરનાં વડીલો સાથે બોલચાલ નહીં, ઘરમાં તેમનો કોઇ અવાજ (મહત્વ) નહીં, વળી મનોરંજન કે કોમ્યુનીકેશન માટેનાં સાધનો હતાં નહીં. કામકાજમાંથી નવરી થાય એટલે ઘરનાં ઓટલે બેસે અને ગામ આખાની વાતો કરે. નવરાશની પળોમાં માત્ર આજ કામ જેનાથી સ્ત્રીઓ ચાર્જ થતી.
ગોસીપ કરવી એ સ્ત્રી સહજ ગુણ હતો જેને આપણે પંચાત કહેતાં હોઇએ છીએ. ગોસીપ, એ સ્ત્રીનું એવું હથિયાર હતું જેનાથી તે ભલભલાનું નિકંદન કાઢી નાંખતી. વાતોમાં મસાલા ભભરાવીને બીજાને પીરસે ત્યારે જ તે સંતોષનો ઓડકાર ખાતી કે રાતે શાંતિથી સૂઇ શક્તી. માટે એમ કહેવાતું, “બૈરીનાં પેટમાં છોકરૂં રહે, પણ વાત ના રહે”. આ કહેવત સ્ત્રીની લાક્ષણિકતા સૂચવે છે. રહી ચોટલાની વાત. ઓટલે બેસીને ચોટલા વાળવા, એ એક કામ હતું કારણકે દરેક સ્ત્રીને લાંબા વાળ હોયજ. પરંતુ હવેની સ્ત્રીને ક્યાં ચોટલા હોય છે? હવે તો શેરી કે પોળ નથી રહી તો ઓટલાનો તો સવાલ જ નથી. હા, મંદિરનાં ઓટલે આજે પણ ડોસીઓ ગોસીપ કરતી જોવા મળે છે. બાકી આજની નારીને નકારાત્મક વાતો માટે નિંદા-કૂથલી કરવાનો સમય જ ક્યાં છે?
સ્ત્રી, શક્તિ સ્વરૂપ છે. શક્તિ સંહાર પણ કરે અને સર્જન પણ. સ્ત્રી જ્યારે ગ્લોબલ વુમન બની રહી છે, ત્યારે તેની હરણફાળ, જેટની ગતિ પકડી રહી છે. જ્યાં સ્ત્રી ભેગી થાય છે, નવી રચનાત્મક, સર્જનાત્મક, નિર્ણયાત્મક ઘટનાઓ ઘટે છે. આજની સ્ત્રી માત્ર બાળકને જન્મ આપે છે એટલું પૂરતું નથી. તેના હાથમાં માત્ર વેલણ નથી. સ્ત્રીની આંગળીઓ હવે લેપટોપનાં સ્ક્રીન પર ફરતી થઇ ગઇ છે. અનેક મલ્ટીનેશનલ કંપનીઓમાં CEO બનીને સ્ત્રી પુરુષ કરતાં જરાય પાછળ નથી. ઓટલા પરિષદમાંથી આંતરરાષ્ટ્રીય પરિષદ સંભાળતી થઇ ગઇ છે. જ્યારે ૨૪ કલાક પણ આજની સ્ત્રીને ઓછાં પડે છે ત્યારે કૈંકનાં ઓટલા ભાંગવાનો, અરે! ચોટલા બાંધવાનો પણ તેની પાસે સમય ક્યાંથી હોય? અને એટલે તો આજની સ્ત્રી મોટે ભાગે વાળ કપાવીને સમયની બચત કરી રહી છે.
પહેલાંની કે અત્યારની સ્ત્રીસહજ લાક્ષણિક્તામાં ફેર નથી પડ્યો પણ સ્ત્રી અત્યારે મોબાઇલ, વોટ્સએપ કે અન્ય સાધનો દ્વારા ગોસીપ તો કરતી જ હોય છે પરંતુ સમયની સાથે ગોસીપનાં સાધનો અને વિષયો બદલાયાં છે. ઘરનો ઉંમરો ઓળંગીને સ્ત્રીએ સ્ત્રીમંડળ અને કીટીપાર્ટીઓમાં પ્રવેશ કર્યો. અને ત્યાંથી આગળ નીકળીને અનેક સંસ્થાઓ, નારી સંગઠનો શરૂ કર્યાં. સ્ત્રીએ તેની રસોઇકળા અને હુન્નરને આવકનું સાધન બનાવવા ગૃહ ઉદ્યોગો શરૂ કર્યા. અત્યારે હાઉસવાઇફ સ્ત્રીઓ, ઘરની વાત કરવાને બદલે પોતાનાં આનંદ માટે મળે છે. માનસિક વિકાસ માટે અને સમાજની ઉન્નતિ માટે, કુકીંગ, યોગા કે રમત-ગમત માટે ભેગી થાય છે. સામાજીક બોન્ડીંગ એ તેમનો હેતુ હોય છે. અને સમાજ સાથે કદમ મીલાવીને ચાલે છે. જેમ જેમ સ્ત્રી શિક્ષણ વેગવંતુ બનતું ગયું તેમ શિક્ષણ ક્ષેત્રે, વકીલ, એન્જીનીયર કે ડૉક્ટર તરીકે, તેમજ રીક્ષા, બસ, ટ્રેન, એરોપ્લેન અને હેલીકોપ્ટર ચલાવવામાં સ્ત્રી શક્તિ મોખરે છે. સ્ત્રી અવકાશયાત્રી બનીને સ્પેસમાં સફર કરે છે. અરે અનેક હરિફાઇઓમાં મેડલો મેળવવામાં સ્ત્રી અવ્વલ નંબરે છે.
સ્ત્રી, સમાજની ધરી છે. સમાજનાં કેન્દ્રસ્થાને અને સંસારનાં સર્જનનાં મૂળમાં સ્ત્રીજ છે. “સ્ત્રીની બુધ્ધિ, પગની પાનીએ” જેવી કહેવતો અને સ્ત્રીને કેન્દ્રમાં રાખીને ઘણાં જોક્સ અને સસ્તું મનોરંજન પૂરૂ પાડનાર વોટ્સએપ મેસેજ વહેતાં થયાં છે. તેને દૂર કરવાં જ રહ્યાં, જે સ્ત્રીશક્તિ માટે લાંછનરૂપ છે. પુરુષપ્રધાન સમાજની માનસિક્તાએ સ્ત્રીને નિમ્ન સ્થાનમાં ધકેલી દીધી હતી પરંતુ આજની સ્ત્રીશક્તિ આવી કહેવતોને ખોટી પાડી રહી છે ત્યારે આવી માનસિક્તાને ત્યજવાનો સમય પાકી ગયો છે. આવી કહેવતોને બોલચાલનાં ચલણમાંથી દૂર કરી તેનો છેદ ઉડાડવોજ રહ્યો. તેમાંજ સ્ત્રીનું અને સરવાળે સમાજનું કલ્યાણ છે.
૮- સંવેદનાના પડઘા- જિગિષા પટેલ
લલીના લાડુ
રાવજીભાઈ ને લલીતાબેન મહેસાણા નજીકના ગામનાં પટેલ પહેલી જ વાર અમેરિકા આવ્યા હતા.દીકરા હરીશ સાથે હજુ એરપોર્ટની બહાર ઊભા હતા.ત્યાં તેમની બાજુમાં જ ઊભેલ એક યુગલ કીસ કરીને ભેટીને એકબીજાને આવજો કહી રહ્યું હતું.રાવજીભાઈ તો આ જોઈને અવાચક થઈ ગયાં!!!!!
રાવજીભાઈનો દીકરો હરીશ માતાપિતાને ગાડીમાં બેસાડી પોતે બેગો ડીકીમાં મૂકવા લાગ્યો.પૈસેટકે સુખી રાવજીભાઈએ બેગો તો સેમસોનાઈટની લીધી હતી પણ એમાં ઠાંસી ઠાંસીને ભરેલ સામાનથી ખુલી ન જાય એટલે ચારેબાજુ દોરીઓ બાંધી હતી. બેગની ઉપર મોટા સફેદ કાગળ પર હરીશનું સરનામું લખ્યું હતું .બંને બાજુના બેગના હેન્ડલ પર લાલ માતાજી ના પ્રસાદની ગોલ્ડન કીનારવાળી બાંધણીનાં ટુકડા બાંધ્યા હતા.અમેરિકામાં દસ વર્ષ રહી બદલાઈ ગયેલ હરીશ ઉર્ફે હેરી બેગો સામે જોઈ મનમાં જ હસ્યો.લલીતાબેનના પર્સ માથી તો તેને ઢેબરાંને સુખડીની વાસ આવી જ રહી હતી.
રસ્તામાં એક પછી એક નીકળતી અને વીજળીવેગે જતી ગાડીઓ અને વ્યવસ્થિત ટ્રાફીક જોઈ
રાવજીભાઈ અચંબામાં પડી ગયા!!દીકરાને પૂછે “અહીં આટલા ટ્રાફીકમાં પણ કોઈ હોર્ન નથી મારતું ને ભારતમાં તો બધી ગાડીઓવાળા જાણે એકબીજાની ઉપર ચડી જાય એટલી ઉતાવળ કરે.” ત્યાં જ અંદરના રસ્તા પર દીકરાને સ્ટોપ સાઈન પર ઊભો રહેલ જોઈ બોલ્યા “કોઈ નથી “ ત્યારે હરીશે કીધું “મોટાઈ આ દેશમાં બધુ નિયમથી ચાલે.બધાં નિયમો પાળે એટલેજ બધું શિસ્ત પ્રમાણે ચાલે અને એટલે જ કોઈને હોર્ન મારવાની પણ જરુર ન પડે.
બીજે દિવસથી હરીશ તો પોતાની જોબ પર જવા લાગ્યો.રાવજીભાઈ લલીતાબેનને કહે “લલી આ અમેરિકામાં તો ખરું-બારીબારણા ખોલવાના નહીં,પાડોશીઓ સાથે વાતો કરવાની નહીં,માટલી ભરવાની નહીં,ઘરની બહાર રસ્તા પર ગાડીઓ સિવાય ખાસ કોઈ દેખાય નહી અને રાત્રે આઠ વાગ્યા પછીતો જાણે કર્ફ્યુ.ખાવાનું પણ ફ્રીજમાંથી કાઢીને જૂનું ગરમ કરીને ખાવાનું.”લલીબેન કહે “એકનો એક દીકરો અહીં આવીને વસ્યો છે તો આપણે પણ આ દેશને જ ગમતો કરીને રહેવું પડશે.બધાં કહે છે કે આપણા દેશ કરતા બહુ આગળ છે અમેરિકા એતો ધીરે ધીરે ગમવા માંડશે.”
હવે સાંજ પડે બંને જણા બાજુના પાર્કમાં બેસવા જતા.પાર્કમાં બહુ ભારતીય લોકો આવતા .થોડું ચાલી બધાં દેશની,મોદીની,દેશનીમોંઘવારીની,ચૂંટણીની ચર્ચા કરતા.રાવજીભાઈઅને લલીતાબેન ને હવે અહીં ગમવા લાગ્યું હતું.રાવજીભાઈની સાંઈઠમી વર્ષગાંઠ હતી.આજે તો લલીતાબેને ચુરમાના લાડુ ને ફૂલવડી બનાવ્યા હતાં .લલીતાબેન તેમના પાર્કના મિત્રો માટે મોટો ડબ્બો ભરી લાડવા અને ફૂલવડી લઈ ગયા.બધાંને તો આ ઘંઉ-ચણાનો બદામ,પિસ્તા,ચારોળી,ઇલાયચી ને સાકરનો ખસખસ ભભરાએલ લાડુ ને તીખી મસાલેદાર બહારથી કડકને અંદરથી પોચી ફૂલવડી ખાવાની મઝા પડી ગઈ.પ્રવીણભાઈના પત્ની મીનાકાકી કહે”લલીબેન મને તમારા જેવા લાડવા ને ફૂલવડી બનાવતા નથી આવડતું આ હોળીમાં ખાવા મને બનાવી આપશો?મારે ત્રણ છોકરાને તેનાય છોકરાઓ એટલે પચ્ચીસ લાડુ તો જોઈએ.હા પણ પૈસા તો લેવા પડે !”ત્યાંતો ત્યાં બેઠેલા બધા વારાફરતી લલીબેન ને લાડુ લખાવા માંડ્યા. લલીબેન રાવજીભાઈને કહે “તમે કાગળમાં નામ સાથે લખવા માંડો મને યાદ ન રહે.” રાવજીભાઈ તો લખવા માંડ્યાને આંકડો ત્રણસો તો ત્યાં જ પહોંચી ગયો.રાવજીભાઈ તો ઉત્સાહમાં આવી ગયા ને કહે દસ લાડુ લે તેને એક lb વાલ બનાવેલા ફ્રી.રાવજીભાઈ તો પટેલ ને ધંધો કરવામાં હોંશીઆર.પટેલ સ્ટોરમાં લાડુનો સામાન લેવા ગયા તે ત્યાં પણ માલિકને લાડુ ,ફૂલવડી ચખાડ્યા.તે પટેલ સ્ટોરનો પણ હોળીનો ઓર્ડર લેતા આવ્યા.પાર્કમાં થોડા બહેનોને કીધું કે તમે મદદ કરવા આવશો તો કલાક પ્રમાણે પૈસા આપશું.પાંચ બહેનો મદદ કરવા આવીગયા.
હોળી આવતા સુધીમાં તો રાવજીભાઈએ હજાર લાડુનો આર્ડર લઈ લીધો. લલીના લાડુની સાથે સાથે લલીની થાળી પણ જાહેર કરી જેમાં -લાડુ,ગુજરાતી દાળ,બટાટાનું ફોતરાવાળુ રસાદાર શાક,વાલ,કાકડીનું રાયતું,સારેવડાની સેવ -પાપડ ને ભાત.રાવજીભાઈના બેકયાર્ડમાં તો લગ્ન હોય તેમ તૈયારીઓ થવા લાગી.રાવજીભાઇએ તો એડીસનમાં ઠેરઠેર મોટા ચાંલ્લાંવાળા લલીબેનના ગુજરાતી સાડી અને એક હાથમાં લાડવા ભરેલ થાળી અને બીજા હાથમાં લલીની ફૂલ થાળી સાથેના ફોટા લગાવી દીધા.તેમનો દીકરો જોબ સાથે પોતાનો ઘેરથી ધંધો પણ કરતાે .રાવજીભાઈએ તો એના દીકરાના બે માણસો જે દીકરાએ ઘેરથી કામ કરે તેને માટે રાખેલા તે બે જણને પણ કામે લગાડી દીધા.એક સાંજે દીકરો ઘેર આવ્યો ને બહાર લલીબેનનો લાડવા સાથે ફોટો અને અંદર આવ્યો તો તેના બે માણસને લાડવાના ડબ્બા પેક કરતા જોઈ રઘવાયો થઈ ગયો.તેણે જહોન અને સેમ ને પૂછ્યું”Hey men what r you doing.?”તો એ લોકો કહે”Lali &Ravji is paying more than you so now we r working for them”. હરીશ પપ્પાને પૂછવા ગયો “મોટાઈ શું છે આ બધું?” તો મોટાઈ એ બધી વાત સમજાવી.હોળી ના દિવસે “લલી ના લાડુ”ને લલીની થાળી” બંને ખૂટી ગયા.
રાવજીભાઈ નો ધંધો હવે ધમધોકાર ચાલે છે.એડીસન નું ઘર હવે વર્કશોપ બની ગયું છે.હવે તો હેરી ઉર્ફ
હરીશ પણ “લલી ના લાડુ”માં જોડાઈ ગયો છે કારણકે રાવજી પટેલ કહે છે “પોતાના ધંધા જેવા પૈસા નોકરીમાં ના મળે અને પટેલો તો ધંધો જકરે!!!
જિગીષા પટેલ
(લલી ના લાડુ ને લલીની થાળી ની વાતો સાંભળી જેના મોમાં પાણી આવ્યું હોય તેને ઓર્ડર નોંધાવાની છૂટ છે.)
વાત્સાયની વેલી ૬) બાળકો મારાં શિક્ષક!
બાળકો મારાં શિક્ષક!
મહાસાગરમાં અનેક રત્નો પડ્યાં છે ; પણ એ મેળવવા એમાં ડૂબકી મારવી પડે! બાળકો સાથે કામ કરવું એટલે વિશાળ બાળમાનસના મહા સાગરમાં ડૂબકી મારવા જેવું કહેવાય ! એમાં જો તમે ધ્યાનથી ઉંડા ઉતરો તો મહામૂલાં રત્નો લાધે ! અને નહીં તો એ દરિયામાં પલળ્યાનો આનન્દ તો મળે જ ! અને બાળકોયે સ્પંજ જેવાં તરસ્યાં હોય ! જે જુએ તે બધું ગ્રહણ કરી લે !
ઘણું ઘણું અમૂલ્ય જ્ઞાન આ બાળકો પાસેથી મને લાધ્યું છે છેલ્લાં સાડા ત્રણ દાયકામાં ! જાણેકે તેઓ મારાં શિક્ષક ના હોય ? તેમ તેઓએ મને શીખવાડ્યું છે.
વર્ષો પહેલાં બનેલો એ પ્રસંગ આજે પણ મને બરાબર યાદ છે!
ત્રણ ચાર વર્ષનાં બાળકો અમારાં ઘરમાં રમકડાંથી પ્લે એરિયામાં રમી રહ્યાં હતાં. એક ચિત્તે બાળકો પ્લે ડો ( રમવાની માટી ) થી મશગુલ થઈને રમતાં હતાં . એક બાળકીએ નાનકડું ઘર બનાવ્યું હતું . એની મમ્મી આવી એટલે મેં બારણું ખોલ્યું ત્યાંતો એ બાળકીએ પોતે બનાવેલ ઘર ( કે મહેલ ) મમ્મીને બતાવી ને તરત જ એ બધું ભેગું કરી ને પાછું ડબ્બામાં ભરી દીધું ! હું આશ્ચર્યથી જોઈ રહી ! કેટલી બધી ઝીણવટથી મહેનત કરીને એણે એ ઘર બનાવેલું ! પણ તોડવામાં જરાયે રંજ નહીં !
“ તેં એ ઘર કેમ તોડી નાખ્યું ? કેવું સરસ હતું!” મેં એને પૂછ્યું .જો કે એમ પૂછવા પાછળનો મારો ઈરાદો કાંઈક જુદો હતો .એ દિવસે બપોરે મારાંથી અમારું કિચન બ્લેન્ડર તૂટી ગયું હતું. એ મારુ ગમતું મિક્સચર મશીન હતું. રોજ હું એ રસોડાની વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેતી . એ દિવસે શિકાગોમાં જરા ગરમી હતી . હું બપોરે બધાં બાળકો માટે મિલ્ક શેઇક બનાવતી હતી અને ટી વી માં ઇન્દિરા ગાંધીની હત્યાના સમાચાર સાંભળ્યા ; વાત સાંભળવા ટી વી નજીક ગઈ અને બ્લેન્ડરમાં વધારે બરફ મુકાઈ ગયો હતો એ વાત ધ્યાન બહાર રહી ગઈ!- ને પ્લાસ્ટિકના એ બ્લેન્ડરમાંતિરાડ પડી ગઈ!
“નવું લઇ આવશું ; એમાં શું ?” મારે મારાં મનને મનાવવું જોઈતું હતું; પણ મન એ વાત છોડવા તૈયાર જ નહોતું ! ફલાણાં સ્ટોરમાંથી લીધેલું , હજુ હમણાં જ તો ખરીદ્યું હતી એવાં બિનજરૂરી માનસિક વાર્તાલાપમાંથી હું બહાર જ નીકળતી નહોતી .
પેલી છોકરી શાના એ જે રીતે ઘર બનાવેલું અને તોડીને બધું સમેટી લીધું એ બધું મને કાંઈ સમજાવવા જ બન્યું હોય તેમ મને લાગ્યું . પેલી ચાર વર્ષની શાનાએ ઠાવકાઈથી મને કહ્યું ; “ આવતી કાલે હું એનાથી પણ સરસ મોટો મહેલ બનાવીશ . અત્યારે મમ્મી સાથે ઘેર જઈને મઝા કરીશ !”
શાના અને બીજાં ચાર પાંચ બાળકો અમારે ઘેર ત્રણ ચાર વર્ષ આવ્યાં . અને તે દરમ્યાન આ દેશને સમજવાની , અહીંના સમાજને ઓળખવાની અને આ સંસ્કૃતિને પિછાણવાની સારી એવી તક મળી .એ અનુભવો જ તો મને આ દેશમાં મારું પોતાનું બાલમંદિર અને બાલ કેન્દ્ર શરૂ કરવા પ્રેરવાનાં હતાં !
શાનાની મમ્મી આઈરીશ – આયર્લેન્ડની શ્વેત હતી, પણ શાનાનો બાપ આફ્રિકન અમેરિકન હશે એટલે શાના શ્યામ હતી અને એનાં વાળ પણ વાંકડિયા અને ભરાવદાર હતાં. અમારે ઘેર બધાં એક કુટુંબના સભ્યોની જેમ જ રહે . પણ એક વખત બાળકો સાથે સર્કલ ટાઈમ રમત રમાડતાં મેં બધાં બાળકોને એક બીજાનાં હાથ પકડવા કહ્યું. એક છોકરાએ શાનાનો હાથ પકડવા ઇન્કાર કર્યો ; “હું શાનનો હાથ નહીં પકડું ! એ મારી મિત્ર નથી! “
હું કાંઈ સમજવું તે પહેલા શાનાએ પોતે જ એને સમજાવતાં કહ્યું; “ કોઈ તારો હાથ ના પકડે તો તને કેવું લાગે ? જોકે હું
તો તને મારો મિત્ર જરુર ગણવાની છું, અને મિત્રના વર્તનનું ખોટું લગાડવાનું ના હોય !”
આપણે ત્યાં દેશમાં ન્યાત જાતનાં ભેદભાવ છે અને જ્ઞાતિવાદ પણ ભારે છે; ત્યારે શાના ના આ શબ્દો યાદ આવે ! બાળકોની નિખાલશ વૃત્તિથી હું કાયમ આશ્ચર્ય પામું છું. ગમા અણગમા અને મનની વાત તરત જ કેટલી નિખાલસતાથી કહી દે! કોઈએ કોઈનું રમકડું લઇ લીધું હોય કે બનાવેલ સર્જન તોડી નાખ્યું હોય તો પણ બે મિનિટમાં બધું ભૂલી જઈને પાછાં ભેગાં થઈને રમે તે બાળકો! કેટલું જલ્દી એ સામેવાળી વ્યક્તિને માફ કરી દેછે !
ચાર્લી ચેપ્લિને કહ્યું છે તેમ: જે દિવસે આપણે હસીએ નહીં એ દિવસને મિથ્યા ગયો એમ સમજજો ! અમારે તો ઘરમાં ગોકુલ અને ઘરમાં જ વૃદાંવન! હા , નિશ્ચિત હતાં એ દિવસો! જે હતું તેનો આનન્દ ઝાઝો અને શોક ઓછાં હતાં ત્યારે ! ઘરમાં એક માત્ર ટી વી હતું જેમાં માત્ર બે જ ચેનલ આવતી હતી; અને એ ટી વી ને ઝાઝું મચડાય તેમ નહોતું ..
આમ તો શિકાગોમાં એ સમયે અમારાં વિસ્તારમાં ઝાઝા ઇન્ડિયન લોકો નહીં હોય, તેથી અમારાં સંતાનોને ડે કેરમાં ડિસ્ક્રિમિનેશન ની થોડી અસર હશે જ. અને તેથી જ તો હું બાળકો સાથે ઘેર રહી હતી. મેં એક ડે કેરમાં ત્રણ – ચાર અઠવાડિયા વોલેન્ટિર તરીકે પાર્ટ ટાઈમ કામ કર્યું હતું . પણ એ વ્યવસ્થિત ના લાગતાં અમે બીજા ડે કેરમાં અમારાં ખેલનને મુક્યો હતો જ્યાંથીએક દિવસ મેં ઘેર રહીને બેબીસિટીંગ શરૂ કર્યું હતું.
એ પ્રસંગને વરસ પૂરું થાય તે પહેલાં અમે અમારાં પોતાના ઘરમાં આવી ગયાં હતાં.
કેટલાંક બાળકો સવારથી સાંજ સુધી આવતાં. હવે મોડી રાત સુધીના બાળકો લેવાનું બંધ કર્યું હતું, પણ અમુક દિવસો બે ભાઈ બેન મોડી સાંજ સુધી રોકાતાં હતાં.
એક દિવસ એ બે ભાઈ બેન અમારે ત્યાં ઘર ઘર ( પ્રિટેન્ડ પ્લે હાઉસ )રમતાં હતાં.“ જો , હું નોકરી કરીને ઘેર આવું ત્યારે રસોઈ તૈયાર રાખજે !” ચારેક વર્ષની છોકરીએ રોફથી કહ્યું ; “ હું થાકી જાઉં છું જોબ પર !”
એનાથી થોડા નાની ઉંમરના એના ભાઈએ એટલા જ રોફથી ના પાડતાં કહ્યું“ ના, હું રસોઈ નહીં કરું !”
મને વાતમાં રસ પડ્યો . મને ખબર હતી કે હમણાં બન્ને વચ્ચે ઝગડો શરૂ થશે . જરા હોંસાતુંસી અને ઝપાઝપીની શરૂઆત થાય તે પહેલાં મેં જાણેકે હું તેમની મહેમાન હોઉં તેમ પૂછ્યું ; “ અરે ભાઈ ! હું તમારી મહેમાન છું , મને જમવાનું મળશે ને ?”
તો પેલા નાનકડા ભાઈનો જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ ; “ના! છોકરાઓ રસોઈ ના કરે ! ભૂખ લાગી હોય તો પીઝા ઓર્ડર કરો !”
પાછળથી , સમય મળતાં , મેં એની મમ્મીને આ પ્રસંગની વાત કરી .એણે મને પેટછૂટી વાત કરી. એ લોકો ઇટાલિયન હતાં . (આપણે માફિયાની વાતો સાંભળી છે, એ દેશનાં)આ લોકો માં પુરુષો પોતાની જાતને ‘ માચો મેન’ ગણે ! સ્ત્રી પુરુષ વચ્ચેનો ગજ ગ્રાહ દરેક દેશ અને સંસ્કૃતિમાં કાંઈ નવાઈ નથી . આપણે ત્યાં તો એમાં વળી સંયુક્ત કુટુંબની પ્રથામાં સ્ત્રીને પોતાની અન્ય વ્યથા હોય. એટલે કોઈ દેશ કે વ્યક્તિની ટીકા કરવાનો અહીં પ્રયાસ નથી જ નથી. માત્ર કહેવાનું તાત્પર્ય એ જ છે કે બાળકોએ ઘરમાં અને આસપાસ જે જોયું હોય તેનું કેવું કેવું અનુકરણ કરે છે !
મારે માટે આ બધું નવું – સાવ નવું હતું . અમારે ત્યાં બધી જ જાતનાં અને ભાતનાં મધ્યમ વર્ગનાં બાળકો આવતાં હતાં. ચાર વર્ષ દરમ્યાન બે બાળકોની મમ્મીઓએ બાળકને જન્મ આપતાં મારે ત્યાં ઈનફન્ટ – નવજાત શિશુ પણ આવ્યાં હતાં. લગભગ પાંચ સાત ઈનફન્ટ બાળકોને ઉછેરવાનો પણ મને લ્હાવો મળ્યો હતો એ વર્ષોમાં !
હું આ દેશ , આ નવી દુનિયા ,નવો સમાજ સમજવા પ્રયાસ કરતી હતી. દેશમાં મારાં પિતાજીની ગવર્મેન્ટ નોકરીને લીધે ખુબ ફરવાનું અને જોવા જાણવાનું મળ્યું હતું. તલોદમાં અને પછી ખેડા કોલેજમાં લેકચરરની જોબ ને લીધે પણ ઘણાં અનુભવો થયા હતાં. પછી પરણીને જામનગર જતાં અનુભવનો ખજાનો ઓર વધ્યો .. ને માતૃત્વનું પદ મને સૌથી વધારે લાગણીઓના દરિયામાં ખેંચી ગયું હતું.
અને હવે હું અમેરિકામાં હતી. ઘરનાં બારણાનાં પીક હોલ – નાનકડાં કાણાં માંથી હું દુનિયા જોવા, માપવા પ્રયત્ન કરી રહી હતી. સુભાષની સ્થિતિએ એવી જ હતી!
અમારાં બાળકોનું અમે બરાબર ધ્યાન રાખીએ છીએ ને!
અમારું એ સતત મંથન રહેતું . અને એમ સતત જાગૃત રહેવાનું અમને દેશથી આવતાં પત્રોમાં અમારાં મા બાપ યાદ કરાવતાં હતાં: બાળકોનું ધ્યાન રાખજો ; કમાવાના દિવસો ભવિષ્યમાં ય આવશે ; બાળકોને એમના બાળપણના દિવસો પાછાં નહીં મળે! મેં જોયું : અમારાં બાળકો અને અન્ય સૌ બાળકો કલરવ કિલ્લોલ કરતાં હતાં.. અમે નિરાંતનો શ્વાશ લીધો ..પણ..!
પણ વાત્સલ્યનાં પ્રેમથી પાંગરતી આ વેલનાં ખાતરમાં અનાયાસે , અજાણતાં અમે બીજાં કોઈ સિન્થેટિક ખાતર પણ નાંખવાનાં હતાં એની અમને ક્યાં કાંઈ ખબર જ હતી? તમે એને પહાડ જેવડી ભૂલ કહો કે રજ જેવી ઝીણી , પણ પહાડને અથડાઈને કોઈ પડ્યું નથી; ઠોકર તો એક નાનકડા પથ્થરની જ હોય છે ને?
વધુ આવતે અંકે!
૮- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક
તે પંખી પર પથરો ફેંકતા ફેંકી દીધો..
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો…
સદી ઉપર બીજા અઢાર વર્ષ ઉપર સમય થઈ ગયો આ કાવ્ય રચનાને નહીં? ઘણીબધી વાર વાંચી હશે, ભણવામાં પણ આ કવિતા આવી હશે અને ત્યારે પણ કવિની વેદના-સંવેદના આપણને સ્પર્શી ય હશે.
પણ ફરી ફરી કોને ખબર, કેમ પણ આ કવિતાની પંક્તિ લગભગ છેલ્લા કેટલાક દિવસોથી મનમાં ઘોળાયા કરી છે. જે સમયે એ ઘટના બની એનાથી ઋજુ અને સંવેદનશીલ કવિનું હ્રદય કેવુંય કાંપ્યુ હશે ત્યારે એમના મનમાંથી આ પંક્તિઓ સરી હશે!
તમે પણ સમજી જ ગયા હશો હું કોની વાત કરું છું. જાણે -અજાણે થયેલી ભૂલ માટે પણ અનહદ દુઃખ અનુભવતા આ કવિએ એમની વ્યથા શબ્દોમાં ઢાળી છે જે આજે છેલ્લા ચારેક દિવસથી તો મારા મન પર પણ હાવી થઈ ગઈ છે.
કવિ કહે છે એમ એવું ય નહોતું કે પંખી જીવથી ગયું હતું, એ બચી ગયું છે પરંતુ કવિને એક વસવસો ,ઊંડો અફસોસ મનમાં રહી ગયો હતો કે એ હવે ક્યારેય એમની પાસે નહીં આવે.. આ પંક્તિઓમાં વેરાયેલી વ્યથા-વેદના આજે મારું મન અનુભવી રહ્યું છે. મને ક્યાંય દૂર દૂર સુધી પણ જે વાત સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી એ વાતથી મારા મનને શા માટે દુઃખની લાગણી થવી જોઈએ? પણ સાથે સાથે એની પાછળનું કારણ સમજાય છે ખરું.
કારણ છે આ થેન્ક્સ ગિવિંગ…
અમેરિકા અને કેનેડાનો આ તહેવાર પ્રત્યેક ઘરમાં હમણાં ઉજવાઈ ગયો.. પૂર્વ હોય કે પશ્ચિમ, વિશ્વભરમાં વસતા માનવોના અંતરમાં એક ઉત્સવપ્રિય જીવ વસતો જ હોય છે. આખાય વર્ષ દરમ્યાન એકધારી રોજીંદી ઘટમાળથી જરાક શ્વાસ લેવા, જરાક અમસ્તો પોરો લેવા મથતા માનવી માટે આ તહેવારો સંજીવનું કામ કરે છે એ વાત તો નક્કી.
આ થેન્ક્સ ગિવિંગ વળી શું અને કેમ?
થેન્ક્સ ગિવિંગ મૂળ તહેવાર યુરોપિયનોનો. મૂળે મેસેચ્યૂસેટ્સમાં ઈ.સ. ૧૬૨૦માં દરિયાઈ માર્ગે આવેલા આ યુરોપિયનો પોતાની સાથે લાવ્યા એમના ઉત્સવો. આ થેન્ક્સ ગિવિંગ પણ એમાંનો જ એક. આપણા તહેવારોમાં પણ ઈશ્વર તરફની કૃતજ્ઞતાનો ભાવ ભારોભાર રહેલો જ હોય છે. ઈશ્વરે આપણને આપેલી તક માટે, આનંદની ક્ષણો માટે આપણે પણ ઈશ્વરનો આભાર માનવાનું ચૂકતા નથી.
એવી જ રીતે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ આ ઋતુમાં થતા પાક- નવી ફસલ ઈશ્વરને ધરાવી એના તરફ કૃતજ્ઞતાનો, આભારનો ભાવ વ્યક્ત કરવાની પ્રથાથી જ આ થેન્કસ ગિવિંગ ડે-ની શરૂઆત થઈ.. આભાર એક એવો ભાવ છે જેમાં આપણે ઈશ્વરથી માંડીને આપણને મદદરૂપ થતા પ્રત્યેક પરિબળો તરફનો અહોભાવ વ્યક્ત કરીએ છીએ અને આ અભિવ્યક્તિ અત્ર તત્ર સર્વત્ર દરેકમાં જોવા મળે ય છે. ભલેને પછી એ વિશ્વના કોઈપણ છેડાના રહેવાસી ન હોય.
સાંભળ્યું છે કે પાશ્ચાત્ય પરંપરા મુજબ થેન્ક્સ ગિવિંગ ડેની સાંજે ડિનર માટે એકઠા થતા પરિવારના સભ્યો સાથે બેસીને જમતા હોય ત્યારે ભલે દરેક ઘરમાં અલગ અલગ મહેમાનોની હાજરી હોય પરંતુ એક વાત નિશ્ચિત કે દરેક ઘરમાં એક મહેમાન તો મસ્ટ… અને એ છે ટર્કી..
આ નવી ફસલ કે ઈશ્વરના આભાર સુધીની વાત તો સમજાય એવી છે, અરે ! આખા વર્ષ દરમ્યાન અલગ અલગ કે દૂર રહેતા પરિવારના સભ્યો એક સાંજ સાથે ગાળે એ વાત પણ સમજી શકાય એવી છે. પરંતુ સાથે સાથે આ મારું અળવીતરું મન અહીંની પરંપરા મુજબ લેવાતા સાંધ્ય ભોજનની આ ખાસમખાસ વાનગી માટે જરા વિમાસણ અનુભવે છે. યાદ છે? થોડા સમય પહેલાં દુર્ગા પૂજા નિમિત્તે કાલિ મંદિરમાં ધરાવાતા ભોગ અંગે પણ સોશિઅલ મીડિયા પર વાત છેડાઈ હતી. હવે આ પ્રથા કહો કે પરંપરા પાછળ કોઈ કારણ કે ધાર્મિક આચાર-વિચાર હશે જ એમ માની લઈએ અને એટલે જ આપણે એની ચર્ચામાં જરાય ઉતરવું નથી. પણ આ ક્ષણે ઋજુ અને સંવેદનશીલ કવિ અને એમની કવિતાની પંક્તિએ મારા મન પર પુરેપુરો કબજો લઈ લીધો છે એ ય હકિકત છે.
અહીં કોઈપણ સમાજ, ધર્મ કે ધાર્મિક પરંપરા કે એક નવા અભિગમને અનુસરતી વ્યક્તિઓ દ્વારા ઊજવાતી પરંપરા અથવા કરવામાં આવતા દરેક વિધી-વિધાન પાછળ કોઈને કોઈ ધાર્મિક માન્યતા કે તર્ક હોવાના એટલે એ અંગે પણ કોઈ દલીલમાં ઉતરવું.
અરે ! આ પરંપરાથી પણ જરા અલગ વાત…. અહીં તો એવું ય જોયું છે કે ઘરની બહાર ઊડીને આવેલા નિરાંત જીવે ટહેલતા જેને ગીઝ કહે છે એવા પંખીઓ એરગનના નિશાન હોય….હવે શું દશા હોઈ શકે એ નિર્દોષ જીવની? એ સમયે એમનો તરફડાટ કેવો હોઈ શકે?
ત્યારે ફરી એકવાર મનમાં થાય કે એ કવિ હ્રદય કેટલું સંવેદનશીલ હશે કે જે આ ભોળા પારેવાના ય સુખની ખેવના કરતું હશે અને બોલી ઉઠતું હશે કે..
રે પંખીડા! સુખથી ચણજો, ગીતવા કંઇ ગાજો….
ભલે વાત તો આજની હોય પણ એના અંકોડાય કેટલી જૂની કવિતાની પંક્તિઓ સાથે અનાયાસે જોડાઈ જાય છે નહીં?
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
દ્રષ્ટિકોણ 19: celebrate your unique talent – દર્શના
મિત્રો હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં, દ્રષ્ટિકોણ ની કોલમ ઉપર આવકારું છું.
દસ વર્ષ સુધીનું મારુ બાળપણ ઇથિયોપિયા માં વીત્યું. ત્યાં રેડિયા માં ઇન્ડિયન ગીતો આવતા નહિ અને મારા ઘર માં સંગીત વહેતુ નહિ. અને ચિત્રકામ માં પણ એવી મારી ખાસ આવડત હતી નહિ. દસ વર્ષ ની વયે ભારત આવ્યા પછી હું પણ અન્ય લોકોની જેમ રેડિયો સાંભળવા લાગી અને પછી તો મને નાનો રેડિયો પણ ભેટ મળ્યો અને હું ફિલ્મી દુનિયા બોલિવૂડ ગીતો અને નૃત્ય ની દીવાની બની. મને પણ વાજિન્દ્રો વગાડતા અને ગાતા શીખવું હતું. મેં ભારતનાટ્યમ ન્રત્ય શીખવાના કલાસ શરુ કર્યા। સંગીત માટે પહેલા તો મેં ઘર માં હાર્મોનિયમ લેવડાવ્યું અને સુગમ સંગીત ના શિક્ષિકા બહેન ઘરે આવવા લાગ્યા. પછી મને થયું કે જો મારે ખરેખર સંગીત શીખવું હોય તો મારે શાસ્ત્રીય સંગીત શીખવું જોઈએ. તેના કલાસ ભરવાના ચાલુ કર્યા પછી મને લાગ્યું કે કદાચ મારામાં ગાવાની આવડત ન હોય અને આમેય કદાચ સંગીત ના વાદ્યો શીખવા જોઈએ અને મેં મુંબઈ ના શન્મુખાનંદ હોલ માં વીણા શીખવાની શરુ કરી અને સાથે સાથે રબીન્દ્ર સંગીત શીખવા પણ જતી. આખરે એક દિવસ નાસીપાસ થઇ ગઈ કે કદાચ મારામાં સંગીત ની ટેલેન્ટ જ નતી અને બધુજ મેં મૂકી દીધું. પછી મેં મારી એક સ્ટોરી બનાવી લીધી મેં મારામાં સર્જનાત્મક ટેલેન્ટ જ નથી.
એક દિવસ એક વર્કશોપ માં અમને કોચે કહ્યું કે દરેક માં સર્જન કરવાની કોઈક ટેલેન્ટ હોય છે અને તમારી શું સર્જનાત્મક આવડત છે તે વિચારો. અને તેણે કહ્યું કે તમારી સર્જનાત્મક આવડત ને એક નામ આપો અને તે પછી ના કલાસ માં તેજ તમારી ઓળખ બની જશે. તમે સંગીત નામ આપો તો પછી ક્લાસ માં દર્શના ને બદલે સંગીત નામથી બધા ઓળખશે. હવે આ તો મુસીબત માથે આવી. મેં તો માની જ લીધું હતું કે મારામાં સર્જનાત્મક કોઈ આવડત છે જ નહિ. ખુબ વિચાર પછી મેં વિચાર્યું કે મને લખવાનો અને મારા વિચારો દર્શાવવાનો શોખ છે અને ઘણી વાર લોકો મને કૈક લખવા માટે વિનંતી કરતા. હું ઘણી ઘટનાઓને નવી રીતે કે નવા દ્રષ્ટિકોણ થી જોઈ અને તેને પ્રસ્તુત કરી શકું છું માટે તે સર્જનત્મક ગણાય. તેમ વિચારીને મેં મારુ નવું નામ ધારણ કર્યું કે હું છું “creative self expression” સર્જનાત્મક આત્માભિવ્યક્તિ. પછી તો કલાસ આગળ ચાલ્યો અને ક્લાસ પછી મેં વધુ ને વધુ લખવામાં રસ કેળવ્યો અને નાસીપાસ થવાને બદલે, મારા પોતાના આનંદ માટે પણ લખવાનું શરુ કર્યું. કોચે એમ પણ સમજાવ્યું કે દરેક નિપુણતા દુનિયા માં નામ અને શાન કમાવા માટે નથી હોતી. પણ દરેક ની જે “talent” આવડત હોય છે તે તેમના પોતાના મનોરંજન અને અભિવ્યક્તિ માટે પણ હોય છે અને આપણે આપણી ટેલેન્ટ ને બિરદાવીને તેને વ્યક્ત કરવી જોઈએ. સંગીત માં રસ હોય તો એવું જરૂરી નથી કે સ્ટેજ ઉપર ગાવું જ જોઈએ. તમને આનંદ આવતો હોય અને શીખો તો તે તમારી ટેલેન્ટ જ છે. આજે “celebrate your unique talent day” “તમારી અનન્ય પ્રતિભા ની ઉજવણી કરો દિવસ” ઉજવાઈ રહ્યો છે ત્યારે ચાલો ઇતિહાસ માં ડૂબકી મારીએ।
આજે આપણે એક સત્ય ઘટના ઉપર વાત કરીએ. 1816 અને 1855 વચ્ચેના નાના ગાળાની આ વાત છે. એ સમય માં ઇંગ્લેન્ડ માં ત્રણ બહેનો હતી. તેમના નામ હતા શારલોટ, એમિલી અને એન. તેઓ એકદમ સાહિત્યિક કુટુંબ માં ઉછરી રહી હતી અને તેમને લખવા અને વાંચવાનો ખુબજ શોખ હતો. પણ એ સમયે સ્ત્રીઓને માટે અપેક્ષા હતી કે તેઓ ઘરકામ કરે અને જો દેખાવ માં સુંદર હોય તો સારા અને આર્થિક રીતે સદ્ધર પતિ શોધી લ્યે. બૌદ્ધિક પ્રવૃતિઓ માટે તો તેમની પાસેથી કોઈજ અપેક્ષા કરવામાં આવતી નહિ.
તેમને બીજી બે બહેનો હતી તે નાની વય માં ગુજરી ગયેલી અને નાની 38 વર્ષની ઉંમરે આ બાળકોને છોડીને મા ટીબી ને કારણે મ્રત્યુ પામી. તેથી ઘરકામ નો બધોજ બોજો આ ત્રણ બહેનો ના માથા ઉપર હતો. અને તેઓ આર્થિક રીતે એટલા સદ્ધર નહોતા કે બધા કામ માટે મેઇડ રાખી શકે. તેમનો એક ભાઈ હતો અને બધી આશા તે ભાઈ ઉપર હતી. પણ ભાઈ ને દારૂ નું વ્યસન લાગી ગયેલું અને તે કોઈ રીતે છૂટતું નહોતું. તે કુટુંબના બધાજ પૈસા દારૂ ઉપર ઉડાડી આવતો. પણ દારૂ છોડાવવાની કોશિશ કરતા તે દારૂ વગર એટલો પીડાતો અને કરગરતો કે તેના પિતા અને બહેનો ના મન પલળી જતા અને કોઈ ને કોઈ તેને પૈસા આપી દેતું અને તે પાછો દારૂ પીવામાં પૈસા ખર્ચી નાખતો. ભાઈ ને પણ સાહિત્યિક પ્રવૃત્તિ માં શોખ હતો અને તે કહ્યા કરતો કે તે નવલકથા લખી રહ્યો છે પણ મૉટે ભાગે દારૂ ના બંધન માંજ તેની જિંદગી વીતી રહી હતી. તે વખતે છોકરીઓ ને તો પોતાના નામ ઉપર સંપત્તિ, મિલકત કે પ્રોપર્ટી રાખવાની પરવાનગી જ હતી નહિ. મૉટે ભાગે ઘર કે પ્રોપર્ટી દીકરાના નામ ઉપર થતી અને દીકરો ન હોય કે ન કમાય શકે તો સગાસંબંધી ના દીકરા ના નામ ઉપર થતી અને તે થોડા પૈસા આપે અને રહેવાની વ્યવસ્થા કરે તે પ્રમાણે છોકરીઓને જિંદગી કાઢવી પડે. તેવા સંજોગોમાં ઘણી છોકરીઓ ચર્ચ માં ભરતી થઇ અને નન તરીકેનું જીવન અપનાવી લેતી.
આ ત્રણેય બહેનો ને તેમના ભવિષ્યની ચિંતા ખુબ સતાવતી। ત્રણેય ને કાવ્ય અને સાહિત્ય લખવાનો ખુબજ શોખ હતો, પરંતુ સામાજિક ધોરણો અનુસાર તેમને બિલકુલ લખવાની અને પુસ્તક પ્રકાશિત કરવાની કોઈ જ પરવાનગી હતી નહિ. પરંતુ તેમને લખવું ગમતું અને લખવાની ટેલેન્ટ હતી તેથી તેઓ લખ્યે જતી. એકબીજાને કહ્યા વગર ત્રણેય પોતાની જાતે લખતી રહેતી. એક દિવસ શારલોટે જોયું કે તેની બહેન એમિલી એ કઈ લખેલ હતું। તેણે એમિલીને કહ્યું તું આટલું સારું લખે છે તો આ પ્રકાશિત કરવું જોઈએ. એમિલી તુરંત ગભરાઈ ગઈ અને તે સંતાડવા ગઈ. શારલોટે તેને કહ્યું કે “મને પણ લખવાનો શોખ છે”. આ વાત તેમણે એન ને કરી અને જાણવા મળ્યું કે એન ને પણ લખવાનો શોખ હતો. તેમણે ત્રણેય બહેનોએ મળીને એક નુસખો શોધ્યો. ત્રણેયે પુરુષના ઉપનામ ઉપર લખવાનું ચાલુ કર્યું અને એક પછી એક તેમની નવલકથા પ્રકાશવા માટે મોકલવા લાગી.
હવે તમને ત્રણેય બહેનો ની અટક કહું। તે છે બ્રોન્ટે। તમે કદાચ તે નામ સાંભળેલ હશે. સૌથી પહેલા શારલોટ બ્રોન્ટે ની નવલકથા જેન આયર પ્રકાશિત થતાંજ ખુબ ખ્યાતિ પામી. તે પછી નાની બહેન એન ની નવલકથા ટેનન્ટ ઓફ વાઇલ્ડફેલ હોલ પ્રકાશિત થઇ અને પ્રખ્યાત થઇ ગઈ. અને પછી એમિલી ની વુધરિંગ હાઈટ્સ પ્રકાશિત થતા એકદમ પ્રખ્યાત થઇ ગઈ. ત્રણેય બહેનો ના નામ બહાર આવ્યા ત્યારે લોકોમાં થોડો ઉહાપોહ અને પછી નવાઈ અને પછી વિસ્મય નો પાર ન રહ્યો. તેમના પિતા પણ આ વાત સાંભળતા આશ્ચર્યચકિત થઇ ગયા અને તેમણે દીકરીઓની આ કામયાબીને ઉમળકાથી વધાવી લીધી. આ બધી નવલકથાના નાટકો ભજવાઈ ગયા છે અને ઘણી ફિલમો તેના ઉપર બની ચુકી છે. વુધરિંગ હાઈટ્સ સૌથી પ્રખ્યાત છે અને તેના ઉપર ઘણા નાટક, બેલે, ઓપેરા, ટીવી ફિલ્મ, ફીચર ફિલ્મ વગેરે બની ચુક્યા છે. અને તે ઉપરાંત નાના સમયમાં તેઓએ બીજા પુસ્તકો અને કાવ્યો લખ્યા છે. ત્રણેય બહેનો ની વાર્તાઓમાં સ્ત્રીઓ ઉપર ના બંધનો નો ઉલ્લેખ થાય છે અને લોકો આ બહેનો ને પહેલ વહેલી ફેમિનિસ્ટ/ નારીવાદી સ્ત્રીઓ ગણે છે.
હવે ઉદાસી ની વાત કરીએ. તેમની ખ્યાતિના થોડા જ સમયમાં તેમનો પ્રિય પણ દારૂડિયો ભાઈ મોત ને શરણ થયો. ભાઈના ગુજાર્યા ના ચાર મહિના પછી એમિલી નું 30 વર્ષની કુમળી વયે મ્રત્યુ થયું. તેને તેના ભાઈના ગુજરી જવાની પ્રાર્થના સભા દરમ્યાન શરદી અને તાવ નો ચેપ લાગી ગયેલ। તે પછી થોડાજ સમયમાં નાની બહેન એન નું 29 વર્ષની ઉંમરે ટીબી ને કારણે મ્રત્યુ થયું. આખરે એકલી રહેલી શારલોટે 39 વર્ષની મોટી ઉંમરે લગ્ન કર્યા અને લગ્ન કરવાના નવ મહિના પછી તે પણ મ્રત્યુ પામી. આ બ્રોન્ટે બહેનો ની કરુણ છતાં વિસ્મય અને ગર્વ ઉપજાવતી જીવનકથા છે. તે બહેનો અંગ્રેજી ભાષાને જે સાહિત્ય રચના ની ભેટ આપીને ગઈ છે તેને કેટલીયે પેઢીઓ હજી સુધી ખુબ ઉમળકા થી વધાવે છે અને માણે છે. આજે દરેક ની અનન્ય પ્રતિભાને ઉજવવાના દિવસે બ્રોન્ટ બહેનો ને મીઠી શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આપણા માં રહેલ ટેલેન્ટ ને પણ અભિવ્યક્તિ આપીએ.
૪ – કહેવત-ગંગા – કલ્પના રઘુ
પહેલું સુખ તે જાતે નર્યા
ખૂબ જાણીતી કહેવત છે. સદીઓ પહેલાં અને આજે તેમાં બદલાવ આવ્યો નથી કારણકે દરેક પ્રકારનાં સુખનાં મૂળમાં તંદુરસ્તી રહેલી છે. જો શરીર દુરસ્ત હશે તો કોઇપણ પ્રકારનું દુઃખ હળવું બની જશે. આજકાલ નખમાંય રોગ ન હોય તેવું કહેનાર આંગળીનાં વેઢે ગણાય છે. તન સાથે મન અને ધનથી તંદુરસ્ત રહેવું જરૂરી બને છે. માટે આપણાં પૂર્વજોએ આ કહેવતનાં મૂળ શબ્દો આ પ્રમાણે કહ્યાં છે,
“પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરાં,
ત્રીજુ સુખ તે કોઠીએ જાર, ચોથું સુખ તે ગુણવંતી નાર”.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઇએ તો માનવ શરીર, આત્માને રહેવા માટેનું ઘર છે. તેને શુધ્ધ રાખવું જરૂરી છે. સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર સ્વસ્થ હોવું જોઇએ કારણ કે એમાં પ્રભુનો વાસ હોય છે. વળી માનવને ૫ શરીર હોય છે. પાંચેય શરીર સ્વસ્થ હોવાં જરૂરી છે તો જ વ્યક્તિ, ઇશ્વરિય શક્તિને શરીરમાં જાગ્રત કરીને સુખી રહી શકે છે.
આજની જીવાતી જીન્દગીમાં માણસ કામ અને જવાબદારીનાં બોજ તળે લદાયેલો હોય છે. ભલા તંદુરસ્તીનું ધ્યાન રાખવા તેની પાસે સમય જ ક્યાં હોય છે? સમયનો અભાવ અને નોકરીની અનિશ્ચિતતા તેને સુખનો રોટલો પણ ખાવા દેતી નથી. માનવ મશીનની જેમ હેલ્થ-ક્લબમાં જઇને કસરત કરે છે. સાયકલમાંથી મોટર વસાવવા, એકમાંથી અનેક વસ્તુને વસાવી, કહેવાતી સમૃધ્ધિ હાંસિલ કરવા આખી જીન્દગી ભાગદોડ કરે છે અને જાત ઘસાય, બગડે ત્યારે સાયકલ ચલાવી શરીર-સુખને પાછું મેળવવા પ્રયત્ન કરે છે. પરંતુ મનની તંદુરસ્તીનું શું? માનસીક તણાવ, છુટાછેડા, બાળકોનાં પ્રશ્નો અને પત્ની અને મા-બાપ સાથેનાં તાદાત્મ્યનો અભાવ રોજીંદા જીવનનાં પ્રશ્નો બની ગયા છે. આર્થિક રીતે મોંઘવારી ભરડો લે છે. માંડ બે છેડા ભેગા થતાં હોય છે પરીણામે તેનું શરીર અસાધ્ય રોગોનું ઘર બને છે. જે શરીરે સુખી નથી તે જીવીત મડદુ છે. મરેલું મડદુ જેને સ્મશાનમાં બાળી કે કબરમાં દાટી દેવામાં આવે છે જ્યારે એક જીવીત મડદુ પોતાની લાશ પોતે ઉપાડીને સમાજમાં ગંદકી અને સડો ફેલાવતુ રહે છે. આજનું કામ કાલ પર ટાળી આજને સૂસ્તીમાં વિતાવે છે. કાયરતા, આળસ અને પ્રમાદની દુર્ગંધથી સમાજનું સ્વાસ્થય બગડે છે. અણગમતા સ્મરણો અને વિચિત્ર પ્રત્યાઘાતોને આપણે મનમાંથી બહાર ફંગોળી, આજને અજવાળી હળવા થતાં શીખવું જોઇએ. આપણે દુઃખને ડીપ-ફ્રીઝમાં રાખીએ છીએ. દુઃખ લેવા જવું પડતુ નથી પરંતુ સુખી થવા પ્રયત્નો કરવા જોઇએ. બાળક, યુવાન કે વૃધ્ધ, હકારાત્મક બનીને, સત્સંગ કરીને, સારૂં વાંચન કરીને, યોગ્ય શોખ કેળવીને, કસરત કરીને, રજાઓનો સદ્ઉપયોગ કરીને, પરીવાર ભાવના વિકસાવીને, સુખની સાઇકલ સાચી દિશામાં ફેરવી શકે છે. સુખી બનીને જીવનને માણવું જોઇએ. નરવું શરીર, સુખ માટેની પહેલી જરૂરિઆત છે. સમસ્ત સુખનો આધાર વ્યક્તિનો ખોરાક, આચાર-વિચાર અને જીવનશૈલી પર નિર્ભર હોય છે. સુખની બાબતમાં માણસે સ્વાર્થી બનવું રહ્યું કારણકે જો બિમારી લાગુ પડશે તો કોઇ તમારી સામે જોશે નહીં.
“બીજુ સુખ તે ઘેર દીકરા”. એ જમાનો હતો કે જેનાં ઘરે દીકરો જન્મે, પેંડા વહેંચાય. એ સુખી ગણાય. પરંતુ આજે ભારતમાં કે ભારત બહાર, દીકરાંનાં મા-બાપ સુખી નથી. દીકરીનાં મા-બાપ સુખી કહેવાય છે. જીવતા અને મરણ પછીની તમામ ક્રિયાકરમ, દીકરી કરતી થઇ ગઇ છે. કૂળ ઉજાળે એનાં કરતાં કોખ ઉજાડે એવાં દિકરાં હોય છે. સમાજનું બંધારણ બદલાઇ ગયું છે. આજનાં સંદર્ભે આ કહેવત ખોટી પડી છે.
“ત્રીજું સુખ તે કોઠીએ જાર”. પહેલાંનાં જમાનામાં અનાજ ભરવા કોઠીઓ વપરાતી. જેનાં ઘરમાં જાર (એક પ્રકારનું અનાજ) કોઠીઓ ભરીને હોય તે સુખી કહેવાતો. આજકાલ ૧૨ મહિનાનું રેશન ભરનાર ગણ્યાગાંઠ્યાં છે. કોઠાર ભર્યા હોય તેનાં કરતા રોજનું લાવીને ખાનારનાં જીવનમાં હાશ હોય છે.
“ચોથું સુખ તે ગુણવંતિ નાર”, કુટુંબની આન અને શાનનો આધારસ્તંભ એટલે ગુણવંતી નાર. પરણીને સાસરે જતી સ્ત્રી, દૂધમાં સાકરની જેમ ભળી જતી નથી ત્યારે ફાટી ગયેલા દૂધ જેવી દશા પરીવારની થાય છે. રૂપાળી, ભણેલી કે આર્થિક રીતે સધ્ધર હોય પણ પતિ કે પરીવારને ક્યારેય સુખી કરી શકતી નથી તેવી સ્ત્રીને ગુણવંતી નાર કહી શકાય નહીં. પરંતુ આ કળિયુગમાં પણ ઘણી સ્ત્રીઓ ખૂદ દીવડી બનીને તેનાં તેજથી સ્વર્ગને ઘરમાં લઇ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી કહેવાય. સૌ બોલી ઉઠે, “ચોથુ સુખ તે ગુણવંતિ નાર”.
સુખનાં સરવાળા હોય, બાદબાકી નહીં. વળી સુખ સૌના નસીબમાં હોતું નથી. પરંતુ સંતોષ અને હકારાત્મકતા દરેક સુખનાં પાયામાં હોય છે. ગરીબ માણસ રોટલો-મરચુ ખાઇને પણ રાત્રે શાંતિથી સૂઇ શકે છે. ગરીબ મા ભૂખી રહીને, પોતાનાં બાળકને ખવડાવીને સંતોષથી ઉંઘ લઇ શકે છે. ત્યાં રોગનું પ્રમાણ પણ નહીંવત્ હોય છે. “ત્યાગીને ભોગવી જાણે” તેમજ અન્યને આપીને ખુશ થાય તે વ્યક્તિ માટે કસ્તુરી મૃગની જેમ સુખ ભીતરમાં જ હોય છે પરંતુ તે શોધે છે બહાર.
બીસ્કીટ તો ઘંઉનાં જ ખવાય. સૂવા માટે ૩*૬ની પથારી જોઇએ. મૃત્યુ બાદ ખુલ્લા હાથે જવાનું છે. સુખી થઇને સંતોષનાં સ્મિત સાથે જવું, તેના જેવી ફકીરી બીજે ક્યાંય નથી. આ તો છે સુખનું ગણિત!
૭- સંવેદનાના પડઘા-પ્રેમની પરિભાષા શુ?- જિગિષા પટેલ

વાત્સલ્યની વેલી ૫) પ્રયત્ન અને પરિણામ
પ્રયત્ન અને પરિણામ
આપણે પ્રયત્ન કરીએ એટલે પરિણામ તો મળે જ !
પાસ ના થઈએ તો યે ભલે , પણ અનુભવ તો મળે જ!
અમે આપણાં ભારત દેશમાં હતાં ત્યારે કાંઈક કરવા , કંઈક બનવા , જીવનમાં કંઈક કરીછુટવા પ્રયત્નો કરતાં હતાં, પણ ગાડું આગળ વધતું નહોતું ! મોંઘવારી પણ એટલી બધી કે સ્વતંત્ર રીતે ઘર પણ ચલાવી શકાય નહીં! પછી છેવટેઅમેરિકા માટે પ્રયત્ન કર્યો અને નસીબજોગે અમેરિકાના વિઝા મળ્યા !
અમેરિકા આવ્યાં અને એક દિવસ અનાયાસે જ બેબીસિટીંગ બિઝનેસ શરૂ થઇ ગયો ! ધીમે ધીમે બાળકોને સંભાળવા – રમાડવા ,રાખવા વગેરે પર પકડ આવી રહી હતી ત્યાં વકીલની નોટિસ મળી; ‘ આ બધું તાત્કાલિક બંધ કરી દો!’
આમ પણ અમારું ત્રીજા માળ પરનું એપાર્ટમેન્ટ બેબીસિટીંગ માટે યોગ્ય નહોતું. એટલે સ્વાભાવિક રીતે જ હું અમારાં નેબરહૂડના છાપામાંથી કોઈ સારું ઘર ભાડે મળે તેમાટે શોધી રહી હતી . એ જ છાપામાં મારી બેબીસિટીંગની જાહેરાત પણ આવતી હતી. નજીકના જ એક સારા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરનું એપાર્ટમેન્ટ અમને ભાડે મળી ગયું. આ ઘર મુખ્ય રસ્તા ઉપર હતું અને પાછળ સરસ બેકયાર્ડ હતું જ્યાં બાળકો દોડાદોડી કરી શકે અને સ્નોમાં પણ રમી શકે. ઉપરને માળે એક મેક્સિકન બેન એનાં છ સાત વર્ષનાં બાળકો સાથે રહેતી હતી ,અને બેઝમેન્ટમાં એક માજી રહેતાં હતાં.
અમારી પાસે ઝાઝો સમાન હતો નહીં, અમે તરત જ આ નવા ઘરમાં રહેવાં આવી ગયાં! અમારે ત્યાં બેબીસિટીંગમાં આવતાં બાળકો અને તેમનાં માં બાપ પણ આ બેકયાર્ડ વાળી નવી જગ્યા જોઈને ખુબ ખુશ થયાં. અમારાં આ હાઉસમાં બેબીસિટીંગ બિઝનેસ વધુ ફૂલ્યો ફાલ્યો .સવારે સાત વાગેપહેલું બાળક આવે અને રાતે બાર વાગે છેલ્લું બાળક ઘેર જાય ! સખત ઠંડી કે પવન ફૂંકાતો હોય ત્યારે છોકરાંઓને ઘરની બહાર કાઢવાને બદલે હું એમને બારી પાસે બેસાડું , અને પછી અમારી ગાડીઓ ગણવાની રમત શરૂ થાય ! જુદા જુદા રંગની અને જુદા જુદા આકારની ગાડીઓ ગણવાની. આજે સાડા ત્રણ દાયકા પછીયે ગ્રાન્ડચિલ્ડ્ર્ન સાથે મુસાફરીમાં આ અમારી મુખ્ય રમત રહી છે !
આખો દિવસ પાંચ છ બાળકો સાથે કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ તો કરવી જ પડે ને? એટલે અમારાં ખેલન અને નૈયા સહીત બીજાં બાળકોને હું
‘ગોળ ગોળ ધાણી, ઈત્તે ઈત્તે પાણી !’ અને ‘મગર તલાવડી વાંદરાની પૂંછ લાંબી’ જેવી સર્કલ ટાઈમની રમતો રમાડતી : હા , આને સર્કલ ટાઈમ ગેઇમ્સ કહેવાય તેની મને ખબર નહોતી ! હું તો એ જ રમતો રમાડતી હતી જે નાનપણમાં અમે રમ્યાં હતાં! બેબીસિટીંગમાં આવતાં બાળકોને જયારે હું આવી રમતો રમાડતી હતી એ સમયે મને કલ્પના પણ નહોતી કે માત્ર ચાર પાંચ વર્ષમાં જ અમે અમારું બાલમંદિર શરૂ કરવાનાં છીએ !પાછળથી આ અને આવી અનેક રમતો અને આપણાં બાળગીતોને અહીંના સમાજને અનુરૂપ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી, પ્રિસ્કૂલ ટીચર્સ ટ્રેનિંગમાં હું શીખવાડવા જવાની છું તેનોયે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો ! (એ બધાં જોડકણાં , બાલ ગીતો , રમતો અને બાળકો સાથે બનાવી શકાય તેવા ક્રાફ્ટ્સ વિષે ક્યારેક વાત કરીશું )
હા, દેશમાં, જિંદગીને માણવા, સફળ બનાવવા , એક યંગ કપલ તરીકે અમે ખુબ મથ્યાં હતાં; જામનગરમાં અને અમદાવાદમાં ! પણ એક મિકેનિકલ એન્જીનીઅર અને ગુજરાતીના લેક્ચરર જેવાં ભણેલ ગણેલ અમને જીવનમાં સ્ટ્રગલ વધુ ને સફળતા ઓછી મળ્યા હતાં( જો કે આ પણ એક અભિપ્રાય જ છે.અહીં અમેરિકામાં વતનથી આટલે દૂર , ઘર બદલવાં, પારકાં છોકરાંઓને આખ્ખો દિવસ સંભાળવા,
નાનાં બાળકોને ઉંચકવા અને કમરેથી વાંકા વળીને પારણામાં સુવડાવવાં ,તેમનાં ડાયપરો બદલવાં ,અને આખો દિવસ વાસણનાં ઢગલા સાફ કરવાઅને ઘરના આંગણાંનો સ્નો સાફ કરવો , શિકાગોની ઠંડી સહન કરવી વગેરે વગેરેને શું તમે સ્ટ્રગલ ના કહો ? માટે જ કોઈ ડાહ્યા માણસે કહ્યું છે કે સુખ અને દુઃખ સૌથી પહેલાં તમારાં મનમાં ઉદ્ભવે છે! જો તમે મુશ્કેલીઓને દુઃખ ગણશો તો એ દુઃખ જ રહેશે , પણ એને પડકાર સમજીને સુલઝાવવા પ્રયત્ન કરશો તો શક્ય છે કેડી આપોઆપ જડી જશે !
અમને અમારાં આ ગ્રીન હાઉસમાં બધું સરસ જ લાગતું હતું!
એનાં બારી બારણાનો રંગ મેંદી જેવો લીલો હોવાથી અમે એનું નામ ગ્રીનહાઉસ પાડેલું!
આ જગ્યાએ મારી બાળકોને ઉછેરવાની – સંભાળવાની ફિલોસોફી ધીમે ધીમે સ્પષ્ટ થતી જતી હતી. એક ઉદાહરણ તરીકે : બાળકના ઉછેરમાં માતાનો સીધો ફાળો હોય છે , પણ એ માતા માં સિવાય પણ એક વ્યક્તિ છે એ સમાજ ઘણી વાર ભૂલી જાય છે!
એક દિવસ રાતે દશેક વાગે અમારે ઘરે આવતા એન્થનીની મમ્મીનો ફોન આવ્યો . એન્થની દશેક મહિનાનો તંદુરસ્ત બાંધાનો રુષ્ટપુષ્ટ બાબો હતો. એની મમ્મી હોસ્પિટલમાં સેકન્ડ શિફ્ટમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. બપોરે અઢી વાગે એન્થનીને અમારી ઘેર મૂકીને રાતે સાડા અગ્યારે પાછી આવે. આગલા દિવસે એ છેક રાતે બાર વાગે એન્થનીને લેવા આવેલી.
“ સોરી, મારી ગાડી ઠંડીમાં બંધ પડી ગઈ છે અને રોડ સાઈડ ( ગાડીના ઇન્સ્યોરન્સ કમ્પની )ની મદદ મળે એટલે હું આવું છું” એણે કહેલું . ‘કાંઈ વાંધો નહીં!’ મેં કહેલું.
એકલા હાથે બાળક ઉછેરવું કેટલું અઘરું છે તે હું થોડા મહિનાના મારાં બેબીસિટીંગ જોબમાં અનુભવી રહી હતી! તેમાં હવે વિન્ટર શરૂ થઇ ગયો હતો!
હવે આજે બીજો દિવસ હતો. એ દિવસે શિકાગોમાં સખત ઠંડી હતી અને બધાંનાં ઘરોમાં હીટર કદાચ ધમધોકાર બળતાં હશે . ક્યાંક મોટી આગ લાગી હશે અને અક્સમાતનાં કેસ એન્થનીની મમ્મીની હોસ્પિટલમાં આવી રહ્યાં હતાં.. એનો અર્થ એ થયો કે એનાથી સમયસર આવી શકાશે નહીં! એણે મને સહેજ અચકાતાં કહ્યું કે આજની રાત સખત મોડું થાય તેમ લાગે છે.ઇમરજન્સી રૂમમાં ઘાયલ દર્દીઓની યોગ્ય વ્યવસ્થા થાય કે તરત જ હું અહીંથી નીકળી જઈશ’ એણે મને કહ્યું.
બાર વાગે ફરીથી ફોન આવ્યો: સોરી , વધારે મોડું થશે ! એણે ફોન પર દિલગીરી વ્યક્ત કરતાં મારી માફી માંગી .
‘ તમે અહીંની ચિંતા કર્યા વિના દર્દીઓને જરૂરી ટ્રીટમેન્ટ આપીને શાંતિથી આવજો .’ મેં આશ્વાશન આપતાં કહ્યું.
કોઈ પણ મા- બાપ માટે જિંદગીમાં સૌથી મહત્વનું કોઈ હોય તો તે એમનું બાળક છે. એમને સાચવવા સારી સિટર મળે અને એ ટકી રહે તે એમની નંબર વન પ્રાયોરિટી હોય છે. નોકરીમાં પ્રમોશ ના મળે તો ચાલે , માત્ર નોકરી ટકી રહે એટલે બસ ! ક્યારેક તો વળી હેલ્થ ઇન્સ્યોરન્સ ચાલુ રહે તે માટે પણ નોકરીની જરૂર હોય છે ! અને નોકરી ટકાવવા બાળક માટે સારી બેબીસિટર જોઈએ ! ‘ મારુ બાળક સહીસલામત અને આંનદમાં રહે’ એ જ મા બાપ ની ઈચ્છા હોય.
એન્થનીની મમ્મીને ખબર હતી કે અમુક બાળકો મારે ઘેર વહેલી સવારે સાડાછ સાત વાગે આવતાં હતાં. આખો દિવસ છોકરાંઓ સાથે મારે પણ ખાસ્સી દોડાદોડી રહેતી. જો કે એ તો મારું કામ હતું; મેં સ્વેચ્છાએ તે સ્વીકાર્યું હતું; અને બદલામાં મને વળતર પણ મળતું હતું! સાચું કહું ? આ મારું ગમતું કામ હતું! અને સૌથી વધારે મહત્વનું તો એ હતું ,કે મારાં બાળકોને હું મારી મરજી પ્રમાણે ઉછેરી શકતી હતી! ડે કેર છોડયાં પછી અમારાં બન્ને બાળકો માંથી પેલું ચીડિયાપણું ય અદ્રશ્ય થઇ ગયાં હતાં!
છેક રાત્રે ત્રણ વાગે એ રસોડાના ,પાછળના બારણેથી આવી.મેં બારણું ખોલ્યું એટલે હાંફળીફાંફળી એન્થનીના પારણાં તરફ જતી હતી, તેને મેં રોકી.એકદમ એ રડમસ થઇ ગઈ!
“એક મિનિટ , મારે તમને કાંઈ પૂછવું છે! મેં કહ્યું; “ આટલું બધું મોડું થયું છે અને સ્વાભાવિક છે કે થાક પણ લાગ્યો હશે; તમે જમ્યાં?”
‘ ના; જમવાનું તો બાજુએ રહ્યું : કાફેટેરિયાએ બંધ હોય એટલે; પણ કોફી પીવાનોયે ટાઈમ ના મળ્યો !”
“બસ, તો પહેલાં અહીં જમી લો!” સ્ટવ ઉપર મોટા તપેલામાં મેં બીજાં દિવસ માટે સૂપ બનાવેલો તે આપ્યો અને ધીમા સ્વરે અમે નિરાંતે દશેક મિનિટ વાતો કરી. એન્થનીની મમ્મી એ ક્ષણથી મારી મિત્ર બની ગઈ હતી . અમદાવાદમાં ઘણી વખત કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યું હોય અને અમારાં ઘરે રાકયું હોય તેવું મેં જોયું હતું. આજે સૌની સારવાર કરનાર નર્સ ને થોડી હૂંફની જરૂર હતી ! અને ભવિષ્યમાં ત્રણ બાળકોની મમ્મી બન્યા પછી પણ એ મારી સાથે મૈત્રીની દોર ચાલુ રાખવાની હતી…
એ દિવસે- એ રાત્રે એણે મને અંતરથી આશીર્વાદ આપ્યાં હશે ; કારણકે માત્ર આઠ જ મહિના એ ભાડાના ઘરમાં રહ્યાં પછી જુલાઈ૧૯૮૪ અમે અમેરિકામાં અમારું પહેલું અને અમારાં જીવનનું સૌથીપહેલું ઘર લીધું .
આપણે બાળકોની આંગળી પકડીને એમને ચાલતાં શીખવાડીએ છીએ!
પણ એમની આંગળી પકડીએ છીએ ત્યારે એ આપણને જીવનનો રાહ ચીંધે છે!
બસ , વાત્સલ્યની એ વેલડી પર હવે કળીઓ ખીલવા માંડી હતી…
૭-કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક
દિવાળીના પર્વો તો આવ્યા અને આંખના પલકારે વહી ગયા. આજ આવું , કાલ આવુ કરતાં કરતાં તો એ ગઈકાલ બની ગયા અને આ આવી દેવઉઠી અગિયારસ અને પાછળ-પાછળ આવશે દેવદિવાળી..
આ વિતેલા આખા વર્ષનું સરવૈયુ કાઢવા કે લેખાજોખા કરવા બેસીએ તો એમાંથી કંઇ કેટલીય સુંવાળી યાદો મનને મોજીલું બનાવી દેશે અને બની શકે કે કોઈ એવી યાદો પણ હશે જે મન પર ઉઝરડો મુકતી ગઈ હશે. પણ આજે તો વાત કરવી છે મનને ગમે એવી યાદોની વાતો.
દિવાળીના પર્વો હોય એટલે સ્વભાવિક છે દેવદર્શનથી દિવસની શરૂઆત કરવી ગમે.. અને જ્યારે ઘરમાં વડીલ હોય ત્યારે એમના સમયે, એમની અનુકૂળતાએ એમને લઈને દેવદર્શને જવાનું એ ય નિશ્ચિત વાત.
હા, તો અમે અમારા વડીલને લઈને મંદિરે પહોંચ્યા. મનથી એવું માની લીધું હતું કે આપણી પરંપરાનુસાર દિવાળીના દિવસે તો મંદિર વહેલી સવારથી જ ખુલી ગયું હશે. અહીં આવ્યા પછી સમા સમાના દર્શન થાય તો અતિ ઉત્તમ નહીંતર જ્યારે જે લાભ મળે એ લેવાની સમાધાનકારી માનસિકતા હવે દરેક વડીલોએ કેળવી જ લીધી છે. એક રીતે તો એ સારી વાત છે જ ને? મંગળાના દર્શનની તો શક્યતા હતી જ નહીં પણ વડીલને શ્રુંગારના દર્શન કરાવાશે એવો મનમાં રાજીપો લઈને અમે તો પહોંચ્યા મંદિરે. પણ આ શું? મંદિરના દ્વાર તો અંદરથી લૉક..
અમને મન થયું કે ઈશ્વરને મનોમન પ્રાર્થના કરીએ કે
“મંગળ મંદિર ખોલો દયામય..
મંગળ મંદિર ખોલો……
પણ ના અહીં તો દયામયને કરેલી વિનંતી નિરર્થક જશે એવું લાગતું હતું. કારણ મંગળ મંદિરની ચાવી તો દયામયના બદલે અંદર કશીક હિલચાલ કરી રહેલી વ્યક્તિઓના હાથમાં હશે એવું લાગતું હતું. વડીલને ધરમ ધક્કો ન પડે એટલે અમે કાચના બારણે જરા હળવા ટકોરા દીધા. થોડીવાર પછી કદાચ નહીં સંભળાયા હોય એમ માનીને બારણે જરા વધુ જોરથી ટકોરા માર્યા. એક વ્યક્તિએ બારણા તરફ નજર કરી.
હાંશ! ચાલો આ ટકોરાએ કોઈનું તો ધ્યાન ખેંચ્યું. અમે જરા રાજી થયા. અમે એ વ્યક્તિને નમાવેલા મસ્તક અને જોડેલા હાથના ઈશારે સમજાવ્યું કે અમારે દર્શન કરવા છે. એમણે એમની મુંડી અને હાથ હલાવીને ના પાડી કે દર્શન નહીં થાય. ઓત્તારી.. મંદિર સુધી આવ્યા અને દર્શન નહીં થાય એ કેવું? ફરી એકવાર વડીલને આગળ કરીને એમને દર્શન કરવા છે એમ સમજાવવા પ્રયત્ન કર્યો. એ વ્યક્તિના મનમાં અંદર બિરાજેલા રામ આવીને વસ્યા. આમ તો આ મંદિરનું નામ છે રાધા-કૃષ્ણ મંદિર પણ અમેરિકામાં સૌ દેવો એ સંપ રાખ્યો છે અને મંદિરનું નામ કોઈપણ હોય દરેક દેવો દરેક મંદિરમાં એક સાથે આવીને બિરાજ્યા છે એટલે અંદર બિરાજેલા પણ તે સમય પુરતા એમના મનમાં વસેલા રામના લીધે એમણે બારણા સુધી આવવાની તસ્દી લીધી અને પછી તો વડીલની સમસ્યા સમજીને એમની સાથે અમને પણ અંદર આવવાની મંજૂરી આપી.
અને વાહ! અંદર જઈને અમે શું જોયું ખબર છે? એકદમ કલ્પના પણ ન કરી હોય એવું એ દ્રશ્ય હતું અહીં તો મંદિરમાં સેવા-પૂજાના બદલે અમારા વડીલની ઉંમરના જ લગભગ ૭૦/૭૫ વર્ષથી માંડીને ૯૦ વર્ષ સુધીના વડીલ માજીઓ રઘુપતિ રાઘવ રાજારામ પર યોગ કરતાં હતા. શ્રી કૃષ્ણ શરણં મમ પર વોર્મિંગ અપ કહેવાતી એરોબિક્સ એક્સરસાઈઝ કરતાં હતાં. દરેકની તન્મયતા જોવા જેવી હતી. આવી તન્મયતાથી તો આ ઉંમરે સૌ ભગવાનનું જ નામ લેતા હશે એવું જ આપણે માનીએ ને? પણ ખરેખર આ તો જાણવા અને માણવા જેવી વાત ઘટના હતી. અમે દેવદર્શનનો લાભ તો લીધો સાથે આ પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ પણ માણ્યું.
થોડીવારે તખ્તો પલટાયો, તાન અને સૂર પણ પલટાયા અને શરૂ થયું….
હે રંગલો જામ્યો કાલંદરીના ઘાટ,
છોગાળા તારા હો રે છબીલા તારા,
હો રે રંગીલા તારા રંગભેરુ જુવે તારી વાટ, હે રંગલો…
અને અમારા મ્હોં તો આશ્ચર્યથી ખુલ્લા જ રહી ગયા અને અમારાથી બોલાઈ ગયું કારણ ? OMG
કારણ? કલ્પના કરી શકો છો કેમ???….
કારણકે અહીં રંગરસીયાની સામે એકરસતાથી, પૂર્ણ તલ્લીનતાથી એક નહીં હાજર સૌ વડીલ ગોપીઓએ ઝુમ્બા ઍરોબિક્સ શરૂ કર્યું.
હે રંગરસીયા
તારો રાહડો માંડીને ગામને છેવાડે બેઠા,
કાના તારી ગોપલીએ તારે હાટુ તો કામ બધા મેલ્યા હેઠાં,
હે તને બરકે તારી જશોદા તારી માત રે…..
છોગાળા તારા, છબીલા તારા….
હો રે રંગીલા તારા, રંગભેરુ જુવે તારી વાટ……
છે ને મઝાની વાત? અને સાચું કહું? પેલા મંદિરના પરિસરમાં બેસીને ગૌમુખીમાં માળા અને મનમાં ગમતા કે અણગમતા અઢળક વિચારો ફેરવતા બેઠેલા વડીલો કરતાં આ એકદમ ઉત્સાહથી ભરપૂર બદન અને પ્રફુલ્લિત વદને ઝૂમતા વડીલોને જોઈને અમે ય ખુશ ખુશ… મંદિરનો ફેરો સાચે જ સફળ થયો એવું લાગ્યું.
જોવાની મઝા તો એ છે કે કવિતાની આ પંક્તિઓ અર્ધા-મુરઝાયેલા વડીલોને પણ ચેતનવંતા કરી દે છે ને? આપણા કવિઓ તો કેટલાય વર્ષો પહેલાં આ કવિતાઓની રચના કરી ગયા હશે પણ એ કેટ-કેટલા રંગે-રૂપે અને સ્વરૂપે, ક્યાંથી ક્યાં સુધી આપણા સુધી પહોંચ્યા અને આજે પણ જોજનો માઈલ દૂર આપણી આસપાસ વિંટળાઈને રહ્યા છે અને નોખી- નવતર ભાતે નવયુવાનોથી માંડીને વયસ્કોને પણ એટલા જ તરોતાજા રાખે છે ને?
આ જ તો મઝાની વાત છે ને આપણે ક્યાંય પણ જઈને વસીએ આપણા મૂળિયા તો એ હજુ ય એ સૂર-તાન સાથે જોડાયેલા છે. એ શબ્દો આજે પણ આપણને એટલા જ સૂરીલા લાગે છે અને મનની સાથે તન પણ થિરકી ઉઠે છે ને!
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com