“અષાઢની મેઘલી રાત”.
સમીસાંજથી આકાશ ગોરંભાયું હતું તે રાત થતાં થતાંમાં તો કાળું ડિબાંગ બની ગયું. વરસાદ આવશે આવશેની રાહ જોતા લોકો વાદળીયા હવામાનને કારણે ઘામ અનુભવી રહ્યા હતાં જેમાં રાજન પણ બાકાત ન હતો. પણ તેની આ આ પરિસ્થિતિ માટે એકલું કુદરતનું વાતાવરણ કારણ ન હતું. તેની મનોદશા પણ કેટલેક અંશે જવાબદાર હતી.
બહારના વાતાવરણને લઈને આજે તેને નીનાની યાદ વધુ સતાવતી હતી જેને કારણે જ તેની મનોદશા ખળભળી ઉઠી હતી. તેને યાદ આવી બે વર્ષ પહેલાની આષાઢની આવી જ એક મેઘલી રાત. તે રાત હતી તેની અને નીનાની સુહાગરાત.
કોલેજમાં સાથે ભણતાં આ પ્રેમીપંખીડાનાં સદનસીબે બંને કુટુંબોની સંમતિ હતી એટલે લગ્નમાં કોઈ વિઘ્ન ન આવ્યું અને તેને કારણે સુહાગરાતની જે અપેક્ષા હોય તેમાં ઓર વધારો તેઓ બંને અનુભવી રહ્યાં હતાં. કોલેજના દિવસો વાગોળતાં વાગોળતાં તેમને પોતાના આર્ટ્સનાં અભ્યાસક્રમમાં વાંચેલ કવિ કાલીદાસ રચિત ‘મેઘદૂત’ યાદ આવ્યું અને તે સાથે યાદ આવી તેની પંક્તિઓ.
आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं|
वप्रक्रीड़ापरिणतगजप्रेक्षणीयं ददर्श॥
આ યાદ આવતાં રાજન બોલ્યો હતો કે આશા રાખું છું કે આપણા જીવનમાં પણ યક્ષના જેવો વિરહયોગ ન આવે. નીનાએ ત્યારે તેના મુખ પર હાથ રાખી કહ્યું હતું કે આજની આ અવર્ણનીય રાતે આવું અમંગળ કેમ વિચારે છે?
હવે રાજનની સ્મૃતિ પોતાના કોલેજકાળનાં સમયમાં પહોંચી ગઈ. આર્ટ્સનાં જીવડાં અને પાછો સાહિત્યમાં રસ એટલે તેની અને નીના વચ્ચે અવારનવાર કોલેજમાં સાહિત્યની વાતો થતી અને સારા સારા પુસ્તકોની આપલે થતી. બંનેના મનગમતાં ઘણા સાહિત્યકારો એટલે તેમને સાહિત્યની વાતો અને ચર્ચા કરવામાં સમય ક્યા પસાર થઇ જતો તેનું પણ ધ્યાન બહાર રહેતું અને કોઈક વાર તો કોલેજનો ક્લાસ પણ ચૂકી જતાં.
બંનેમાંથી જેણે કશુક સારું વાંચ્યું હોય તો તરત જ ફોન દ્વારા બીજાને તેની ખબર અપાઈ જતી. આમ કરતાં કરતાં તેઓ એકબીજાની નિકટ આવવા માંડ્યા. અન્યો તેમની આ નિકટતાની ચર્ચા કરવાં લાગ્યાં હતાં પણ તેની રાજન અને નીના પર કોઈ અસર ન હતી કારણ તેઓ તો એકબીજાને સારાં મિત્રો જ માનતાં હતાં. વળી કોલેજનું ભણતર હજી પૂરૂં થયું ન હતું એટલે તે પૂરૂં થયા વગર ભવિષ્યનો વિચાર કરવાનો આ સમાંજ્દારોને પણ ખયાલ આવ્યો ન હતો.
અંતે આવા કિસ્સાઓમાં થાય છે તેમ મોડી મોડી બંનેને સમજ પડી કે આપણે તો ‘એક દુજે કે લિયે’ છીએ. પણ શું તેમના કુટુંબો આ નવા સંબંધને માન્ય રાખશે? આમ તો અવારનવાર કોલેજકાળ દરમિયાન પુસ્તકોની આપલેને કારણે એકબીજાને ઘરે પણ જવા આવવાનું થતું એટલે બંનેના વડીલોને તેમની મૈત્રીની આછી પાતળી જાણ ખરી પણ તે મિત્રતાથી વધુ કશુક છે તેવું તેઓ પણ વિચારતાં નહીં.
પરંતુ વિધિના વિધાનને કોણ ટાળી શકે છે? ધાર્યું ધણીનું થાય છે એમ કહેવાય છે તેવું રાજન અને નીનાના કિસ્સામાં પણ બન્યું જે સર્વ વિદિત હતું. બહુ ચર્ચા બાદ બંનેએ પોતાના વડીલોને પોતાના મનની વાત કરી અને તેઓની મંજૂરી મેળવી લીધી. અમે તો જાણતાં જ હતાં કહેવાવાળા કહેતા રહ્યા અને બંને તો મધુરજની મનાવવા ઉપડી ગયા.
પછી તો જેમ સામાન્ય રીતે બને છે તેમ બંને થોડો સમય એકબીજામાં ખોવાયેલા રહ્યા અને વખત જતાં સંસારની ઘરેડમાં જોતરાઈ ગયા. હા, રાજન પાસે જે વિચારશક્તિ હતી તે વિચારોને તેણે કાગળ ઉપર ઉતારવા માંડી. આ વિચારોએ લેખો અને વાર્તા સ્વરૂપે જન્મ લેવા માંડ્યો. ધીરે ધીરે તેની રચનાઓ સામયિકોમાં પ્રકાશિત થવા લાગી. આ બધી રચનાઓને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. નીના પણ તેના આ નવા સ્વરૂપને સરાહતી રહી. દરેક રચનાની પહેલી હક્કદાર નીના. તેના અભિપ્રાય બાદ જ રાજન તેને પ્રકાશન માટે મોકલતો.
સારી એવી નામના પ્રાપ્ત થઇ હતી એટલે નીનાએ તેને વાર્તા લખવામાંથી બહાર આવી નવલકથા તરફ ધ્યાન આપવા જણાવ્યું. રાજનને પણ આ વિચાર તો આવ્યો હતો પણ હજી સુધી અમલમાં મુકવાની હિંમત કરી ન હતી. હવે નીનાએ જ્યારે આમાં હામી ભરી ત્યારે તે પણ એ નિર્ણય પર આવ્યો કે હવે પછીની મારી રચના એક નવલકથા હશે. કેટલાક સમય પહેલાં એક કથાવસ્તુનું બીજ મનમાં પાંગરી રહ્યું હતું તેને હવે તે નક્કર સ્વરૂપ આપવા તૈયાર થયો.
છ મહિના બાદ તેની પ્રથમ નવલકથા હપ્તાવાર એક પ્રસિદ્ધ અઠવાડિકમાં પ્રકાશિત થવા લાગી જેને વાચકોનો સારો પ્રતિસાદ સાંપડ્યો. પ્રેમ અને રહસ્યના તાણાવાણાવાળી નવલકથા હપ્તે હપ્તે લોકોમાં ઉત્કંઠા જગાવતી જેમાં એક મહિલા વાચક હેમાનો પ્રતિભાવ જરા આગળ પડતો હતો.
દર સપ્તાહે નવા પ્રકરણ બાદ તેનો પ્રતિભાવ તે ફોનથી આપતી. કોઈ કોઈવાર તો સૂચન પણ કરતી. રાજન અને નીના તે સાંભળી હસી કાઢતા કારણ તે સૂચનો તેમણે વિચારેલા વાર્તાના બીજથી વેગળાં રહેતાં, પણ તેઓ હેમાને દર વખતે ધીરજથી સાંભળતાં કારણ તેના જેવા વાચકોનાં સૂચનો જ રાજનની લેખન પ્રવૃત્તિમાં મદદરૂપ થતા.
પણ વાત આગળ વધી અને હેમા તક મળતાં રાજનને ઘરે આવી ગઈ.
અચાનક તેને આવેલી જોઈ પ્રથમ તો રાજન અને નીના અવાચક થયાં પણ વિવેક્બુદ્ધિએ તેમને સભાન કર્યાં અને હેમાને આવકારી. ઘણો વખત બેસીને હેમાએ વાતો કરી અને રાજનની લેખન પ્રવૃત્તિને સરાહી,
પોતાને મળેલો આવકાર જાણે હેમાને કોઠે પડી ગયો હોય તેમ તે ત્યાર પછી પણ અવારનવાર આવી ચઢતી. શરૂઆતમાં તો નીના તેને આવકારતી પણ પછી તેને લાગ્યું કે આ વધુ પડતું થઇ રહ્યું છે. એક-બે વાર તેણે હેમાને આડકતરી રીતે પોતાની નારાજગી દેખાડી પણ હેમાએ તે અવગણી. રાજન પણ જાણે હેમાથી પ્રભાવિત થયો હોય તેમ નીનાને બદલે હેમાનો પક્ષ લેતો. આથી નીનાની નારાજગીમાં ઓર વધારો થયો. તેને લાગ્યું કે રાજન હેમા તરફ ઢળતો જાય છે. પોતાની આ માન્યતા રાજન આગળ વ્યક્ત પણ કરી પણ રાજને તે હસી કાઢી એમ કહીને કે સારા લેખકોને ઘણા પ્રસંશકો હોય છે. તેમને સાંભળીએ તો લેખકને નવી નવી વાત જાણવા મળે અને નવા કથાબીજ પણ મળી આવે.
નીનાને આ વાતથી સંતોષ ન હતો પણ મન મારીને બેસી રહી. પણ જ્યારે એક બેવાર હેમા તેની ગેરહાજરીમાં પણ આવી હતી અને ઘણો સમય રાજન સાથે વિતાવ્યો હતો ત્યારે તેના મનમાં શંકાનો કીડો સળવળવા લાગ્યો. અવારનવાર આ બનવા લાગ્યું એટલે નીનાએ રાજન પાસે તે બાબતની ચર્ચા કરી પણ વ્યર્થ. રાજન પોતાના વિચારોને વળગી રહ્યો અને નીનાને કહ્યું કે તે મનનો ચોખ્ખો છે અને તેના અને હેમા વચ્ચેના સંબંધો માટે ખોટી શંકા કરે છે.
આ બાબતમાં જ્યારે પણ ચર્ચા થતી ત્યારે બંનેમાંથી કોઈ પોતાના મંતવ્યમાંથી ચસકતા નહીં.
હવે નીનાને લાગ્યું કે આનો એક જ રસ્તો છે અને તે છે રાજનને છોડીને અમદાવાદ મા પાસે જતી રહે.
આમ જ એક દિવસ જ્યારે ચર્ચા કાબુ બહાર ગઈ અને બંને બચ્ચે હેમાને લઈને ઉગ્ર બોલાચાલી થઇ ત્યારે નીનાએ પોતાનો ઘર છોડી અમદાવાદ જવાનો નિર્ણય જણાવ્યો. બહુ સમજાવ્યા છતાં નીના હવે મક્કમ હતી એટલે રાજન પાસે કોઈ ચારો ન હતો તેને જવા દેવા સિવાયનો. તેના ગયા પછી રાજને નીનાના સંપર્ક માટે ઘણીવાર પ્રયત્નો કર્યા પણ અસફળ.
આ બધું બન્યું ત્યાર બાદ હેમા પણ અચાનક આવતી બંધ થઇ ગઈ. રાજનને થયું શું તેને બનેલ અણબનાવની જાણ થઇ ગઈ?
આ વાતથી અજાણ હેમા લગભગ છ મહિના પછી મળવા આવી. કારણ પૂછતા કહ્યું કે તે ચાર મહિના અમેરિકા ગઈ હતી. નીનાની ગેરહાજરી જણાતા તે વિશ્હે પૂછ્યું. શરૂઆતમાં તો રાજને વાત ટાળી પણ બહુ આગ્રહ પછી નીનાની ગેરહાજરી અને શંકાઓ વિષે જણાવ્યું.
શું તે નીનાભાભીને સંપર્ક કરી શકે? તેનો ફોન નંબર મળી શકે?
બહુ વિનંતી પછી હેમા તે મેળવવા સફળ થઇ.
આ બધી યાદોને કારણે માનસિક અશાંતિ અનુભવતા રાજનના કાને એકદમ મોબાઈલની રિંગ સંભળાઈ. તે વર્તમાનમાં આવી ગયો અને ફોન હાથમાં લીધો. જોયું તો સ્ક્રીન પર સ્વીટીનું નામ વંચાયું. સ્વીટી, અરે મારી નીના. આટલા વખતની જુદાઈ પછી આજે એકદમ તેણે સામેથી ફોન કર્યો? આમ કેમ?
એક મિનિટ તો રાજન આ વિચારમાં ખોવાયો અને તે ફોન ચાલુ કરવાનું ભૂલી ગયો એટલે આપોઆપ તે બંધ થઇ ગયો. અરે, મેં આ શું કર્યું? નીનાએ સામે ચાલીને ફોન કર્યો અને મેં જવાબ ન આપ્યો? તે શું ધારશે? હું હજી પણ તેનાથી નારાજ છું? હવે તેણે પહેલ કરી છે તો મારે પણ યોગ્ય પ્રતિસાદ આપવો રહ્યો જેથી તેને કોઈ ગેરસમજ થઇ હોય તો તે દૂર થાય. આમ વિચારી તેણે સામેથી ફોન જોડ્યો.
‘સોરી, નીના હું વોશરૂમમાં હતો.’ નાછૂટકે રાજનને ખોટું કહેવું પડ્યું. ‘બહાર આવી ફોનમાં જોયું તો તારું નામ વાંચ્યું. એક મિનિટ તો ન મનાયું કે તું મને ફોન કરશે પણ પછી સમજાયું કે આટલા સમય બાદ ફોન કર્યો એટલે કદાચ છૂટાછેડાનો વિચાર આવ્યો હશે કેમ?’
‘ના એવું નથી. કેટલાક વખતથી તને ફોન કરવાનો વિચાર તો કરતી હતી પણ હિંમત નહોતી ચાલતી. પછી થતું કે તું કદાચ મને ફોન કરશે તો સારું લાગશે એટલે પણ ફોન કરતાં અચકાતી હતી.’
‘વાહ, હજી પણ આપણા વિચારોમાં મેળ ખાય છે. હું પણ આમ જ વિચારતો અને તારા ફોનની રાહ જોતો. મને લાગે છે કે મારું રાહ જોવું આજે સાર્થક થયું.’
‘રજુ, જે હોય તે પણ આજે મન મક્કમ કરી લીધું હતું કે હું જ પહેલ કરીશ અને તને ફોન કરીશ. હેમાબેને મને ફોન કર્યો હતો. તેમની વાત સાંભળી મને લાગ્યું કે આપણે એકવાર મળવું જરૂરી છે જેથી બધી ગેરસમજ દૂર કરી શકાય. વાંક કોનો છે અને શા કારણે આપણું મનદુ:ખ થયું એ હવે એક ભૂતકાળ છે. બહુ વિચારને અંતે મને લાગ્યું કે ભૂતકાળને વાગોળીને હતાશાની ગર્તામાં રહેવા કરતાં તે બધું ભૂલી જો આપણે ફરી એકવાર મનમેળ કરીને સહજીવન શરૂ કરી શકીએ તો તે માટે શું કામ હું જ પહેલ ન કરૂં? એટલે મેં તને ફોન કર્યો.’
‘કેટલાક વખતથી મને પણ લાગતું હતું કે આપણે મમતમાં રહી આપણી જુવાની વેડફી રહ્યા છીએ. દરેક દંપતિના જીવનમાં ઘર્ષણ થવાના અને આપણે તેમાં અપવાદ નથી. પણ જો સમજી વિચારીને આપણે તેને પાર કરીશું તો આપણું ભણતર અને સહવાસ લેખે લાગશે. તે ઉપરાંત આપણા બંનેના કુટુંબો જે આપણું હંમેશા ભલું ઈચ્છે છે તેઓ પણ નિરાંતનો શ્વાસ લઈ શકશે. પરંતુ હું ફોન કરતાં અચકાતો હતો કારણ અગાઉની જેમ તું વાત પણ ન કરે તો? બસ, આ જ કારણસર આજસુધી મનની ઈચ્છા મનમાં ઢબેરી રાખી હતી. હવે તારી સાથે આજે વાત થઇ એટલે મન બેકાબુ બની જાય તો નવાઈ નહીં.’
‘ઓ સાહિત્યકાર જીવડા, મનને સંભાળો અને કહો કે ક્યારે મળવું છે.’
‘તું હમણાં આવે તો હમણાં જ.’
‘અમદાવાદથી મુંબઈ શું જાતે ઊડીને આવું? કાલ સુધી રાહ તો જોવી પડશે. હું સવારની ફ્લાઈટમાં આવું છું.’
‘એટલે તને ખાત્રી હતી કે હું તને મળવા સંમત થઈશ? અને તે મુજબ તે બધી તૈયારી પણ કરી રાખી હતી?’
‘હું મારાં રજુને જેટલો ઓળખું છું તેના આધારે તો આ નિર્ણય લીધો છે. કાલે સવારે નવ વાગે એરપોર્ટ પર લેવા આવી જજે.’
બહાર રાત જામી હતી આષાદ્ધી વર્ષાની હેલી શરૂ થઇ ગઈ હતી. બારીમાંથી અંદર પાણીની વાછટ આવવા લાગી હતી. વાછટને કારણે રાજન ભીંજાવા લાગ્યો હતો પણ તેની હવે તેને દરકાર ન હતી કારણ આંતરિક ભીનાશની તરબોળતામાં તે ભીંજાતો હતો તે આ બાહ્ય ભીનાશ આગળ નગણ્ય હતી.