
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો.
હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.
‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -19 જિંદગી હાંફે તો? એની 18મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ
એ આવશે, નહીં તો એ બોલાવશે મને,
મારે તો શું છે, બેઉ રીતે ફાવશે મને!
મારું અનુકરણ કરી જીવે છે જે હવે,
એ જિંદગીની ફિલસૂફી સમજાવશે મને!
તરસ્યો હતો, પણ ધાર્યું નહોતું કે આ તરસ,
આ લોહીભર્યાં આંસુઓ પીવડાવશે મને!
છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,
ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને,
લાગે છે ગાંડીતૂર આ પાણીની ઝંખના,
સૂકી નદીની રેત પર દોડાવશે મને!
બહેકી જવું તો ના ગમે મારા મિજાજને,
શાયદ એની નજર હવે બહેકાવશે મને!
આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ,
સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ –
ઘરમાં વડિલો અને માતાપિતા બાળકોને નાની નાની વાતોમાં સમજ આપતાં હોય છે કે, આમ થાય અને આમ ના થાય, તેમજ શા માટે તેમ કરવું જોઈએ તેનાથી શું નુકસાન થાય કે, ફાયદો થાય તે પણ સમજાવતાં હોય છે. બાળકો આ બધી સલાહ માને કે, ના માને પણ યાદ જરૂર રાખતાં હોય છે. અને જો ભૂલેચૂકે આપણાથી એવું કોઈ વર્તન થાય તો તરત જ આપણી ફિલસૂફી આપણને પાછી પધરાવશે. બાળકો જ શા માટે આપણાં સંપર્કમાં આવનાર ઘણાં લોકો પણ પહેલાં આપણી પાસે જે શીખ્યા હોય તે જ બાબતની આપણને સલાહ આપતાં હોય છે! સંયુક્ત પરિવારમાં રહેનારા તમામ સામાન્ય રીતે ‘ફાવશે નીતિ’ અપનાવતા હોય છે. કારણ કે, સૌનું ધારેલું થાય તે તો શક્ય જ નથી તો વળી એ બાબત રોજનો ટંટો થાય તે પણ ન ચાલે. એટલે ‘ફાવશે નીતિ’ એ જ જિંદગીની મઝા છે અને જિંદગીની ફિલસૂફી પણ છે.
પ્રગતિ કરવી એ તો સારી વાત છે. એને માટે મોટાં સપનાં જોવાં પણ જરૂરી હોય છે. પરંતુ આમ કરવાની એક હદ પણ વિચારવી પડે. વધુ પડતી અપેક્ષાઓ રાખી તો લઈએ પણ તે પ્રાપ્ત કરવા માટે ઘણીવાર લોહીનાં આંસુએ રડવાનું થાય છે. એને પ્રાપ્ત કરવા માટે એટલી મોટી કિંમત ચૂકવવી પડે છે કે, મળતર કરતાં જાણે વળતર વધી જાય! જે પ્રાપ્તિ થઈ તેનાં કરતાં ગુમાવવાનું ઘણું વધારે થાય. આ સંજોગોમાં માણસ થાકી જાય છે, હારી જાય છે. છેવટે તો એવું લાગે છે જાણે ખુદ જિંદગી હાંફી જાય છે. આપણે થાકીએ તો જિંદગી મુશ્કેલ લાગે પણ જો જિંદગી જ થાકે પછી તો સામે ઉભું હોય મોત! કવિ કહે છે.
છેવટ આ જિંદગી જ ખુદ હાંફી ગઈ હવે,
ધાર્યું ‘તું કે આ જિંદગી હંફાવશે મને,
કોઈ પગપાળા પ્રવાસે નિકળ્યું હોય, સાથે રાખેલું પાણી પતી ગયું હોય અને જબરદસ્ત તરસ લાગી હોય. એવામાં જો નદી નજરે પડે તો પાણીની આશામાં એ તે તરફ દોડવા માંડશે. પછી ભલેને નદી કિનારે તપતી રેતીમાં દોડવું પડે અને તે દઝાડે! તરસ્યાને પાણીની ઝંખના ગમે તેવું સાહસ કરવા પ્રેરે છે. બહેકી જવા માટે કંઈ નશો કરવો પડે તે જરૂરી નથી હોતું. ઘણીવાર સ્વભાવગત્ ઘણાંને પુષ્કળ બોલવાની ટેવ હોય છે. તેઓ એકવાર બોલવાનું ચાલુ કરે પછી બસ બહેકી જાય અને બીજા સાંભળે કે ના સાંભળે અસ્ખલિત વાણી પ્રવાહ ચાલુ રાખે. ઘણાંને બીજાની હાજરીમાં ગુસ્સો કરવાની મઝા આવે છે. એકલાં હોય ત્યારે તો કોઈ સાંભળનાર ન હોય એટલે શાંત રહે ને માણસો જુએ એટલે એ નજરથી જાણે એ બહેકે!
બહેકી જવું તો ના ગમે મારા મિજાજને,
શાયદ એની નજર હવે બહેકાવશે મને!
પતિ પત્ની હોય કે પ્રેમીઓ તેઓ જ્યારે એકબીજાની રૂબરૂ હોય ત્યારે એક બીજાથી રિસાય પણ ખરાં, ખિજાય પણ ખરાં. અને નારાજ પણ થાય. માનવ સ્વભાવ માટે એ સહજ છે. દર વખતે મિલન મધુર જ હોય તેવું નથી બનતું. પરંતુ મિલન જો સ્વપ્નમાં થાય તો? તો ન રિસામણાં હોય ન મનામણાં હોય કે, ના ગુસ્સમાં બોલાચાલી થાય. ત્યાં તો બસ! મસ્ત મિજાજ ને મઝાની વાતો! રંગીન મોસમ ને મઝાનો માહોલ! એમાં બહેકી જવાનું અને ગમતા સાથમાં મહેકી જવાનું!
આમ જ ખલીલ રૂબરૂ નારાજ કરશે પણ,
સ્વપ્નમાં આવી ઊંઘમાં બહેકાવશે મને!
આવાં જીવન સાથે સંકળાયેલાં પાસાંઓની સમજ આપતી આ ગઝલ તો સૌને ગમી જાય તેવી જ છે. ખરુંને મિત્રો? આવી જ કોઈ દમદાર, મજેદાર ગઝલને માણીશું અને સમજીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર