मेरे तो गिरधर गोपाल -16 : અલ્પા શાહ

મીરાંબાઈ રચિત પ્રાર્થના સુમન પ્રભુચરણે અર્પણ……

हानि, लाभ, जीवन, मरण, यश, अपयश सब विधि हाथ

શ્રી ગોસ્વામી તુલસીદાસનાં ઉપરનાં પદમાં કહ્યું છે તેમ ગમે તેવો સત્તાધારી, બુદ્ધિશાળી કે બળવાનને પણ એક દિવસ એવી પ્રતીતિ થાય છે કે, ઈશ્વરેચ્છા સામે તે કશું જ નથી. અત્યારે કોરોનાના કાળમાં સમગ્ર વિશ્વને તેની અનુભૂતિ વધતે-ઓછે અંશે થવાં માંડી છે. અત્યારે એક સૂક્ષ્મ વિષાણુ સામે આજનો સક્ષમ મનુષ્ય કેવો લાચાર બની ગયો છે! હવે સમજાય છે કે, ‘હું’ અને ‘મારુ’ એ માત્ર મિથ્યાભિમાન છે. જયારે ચારેબાજુ વિહ્વળતા અને લાચારીનો માહોલ ઊભો થાય ત્યારે મનુષ્ય માટે માત્ર ‘પ્રાર્થના’નો જ દરવાજો ખુલ્લો રહે છે. મીરાંબાઈ માટે પણ તેમની પ્રભુ પ્રાર્થના જ તેમનું ચાલાકબળ હતું. પ્રાર્થનાની શક્તિએ જ મીરાંબાઈને તેમનાં જીવનના ઝંઝાવાતો સામે ઝઝૂમવાની શક્તિ આપી. મીરાંબાઈએ ભક્તિરસનાં ઘણાં પદોની રચના કરી છે. તેમનાં અમુક ચૂંટેલાં પદો વિષે આપણે લેખમાળાના આ મણકામાં ચર્ચા કરીશું.

મીરાંબાઈ પર રાણાનો અત્યાચાર જયારે ચરમસીમા પર પહોંચ્યો ત્યારે તેમણે સંત તુલસીદાસને પોતાની દુવિધાથી વિદિત કરાવતાં પોતાના પ્રભુ પ્રત્યેનાં કર્તવ્ય અને નિષ્ઠાને કેન્દ્રમાં રાખી, શું કરવું તે માટે સલાહ માંગી. સંત તુલસીદાસે આ પદ દ્વારા પોતાનો ઉત્તર આપ્યો અને પછી, મીરાંબાઈએ મેવાડનો ત્યાગ કરવાનું નક્કી કર્યું.

जाके प्रिय न राम वैदेही।
सो छॉँड़िये कोटि बैरी सम, जद्यपि परम सनेही।।

મેવાડ છોડીને મીરાંબાઈ પોતાનાં જન્મસ્થળ મેડતા પધાર્યા અને શાંતિથી પોતાનાં સંત્સંગ-કીર્તન ચાલું રાખ્યાં. પણ આ શાંતિભર્યું જીવન બહુ લાબું ન ટક્યું અને ફરી એકવાર મીરાંબાઈનાં જીવનમાં સંઘર્ષની પરંપરા શરૂ થઈ. મેડતાના રાજા અને જોધપુરના રાજા વચ્ચે સબંધો બગડતાં યુદ્ધનો માહોલ સર્જાયો. તેથી મીરાંબાઈ મેડતા છોડીને ગામે-ગામનો પ્રવાસ કરતાં કરતાં, પ્રભભક્તિમાં લીન રહેતાં રહેતાં વૃંદાવન તરફ પ્રયાણ કર્યું. મીરાંબાઈનો હવે સંસારનો મોહ છૂટી ગયો હતો. અને તેમને માત્ર પ્રભુ જ નિત્ય અને સત્ય, શરણ્ય અને સાધ્ય છે તેનો દ્રઢ અનુભવ થઈ ગયો હતો. તેથી, મીરાંબાઈનાં પ્રાર્થના સ્વરૂપે લખાયેલાં પદોમાં મીરાંબાઈનાં હૃદયના ઉદગારોનું શબ્દોમાં રૂપાંતર થયેલું છે. મીરાંબાઈનાં અમુક પદોમાં મીરાંબાઈએ માત્ર શ્યામસુંદરને પોતાના સર્વસ્વ સમજીને, એમના ચરણોમાં સમર્પિત થઈ એક અનન્ય વિશ્વાસનો ભાવ વ્યક્ત કર્યો છે. તો અમુક પદોમાં એ અનન્ય પ્રેમિકા રૂપે, ક્યાંક પ્રભુની અનન્ય દાસી તરીકે છલકાઈ ગયાં છે. અમુક પદોમાં પ્રભુ ભક્ત પાસે માત્ર અનન્ય નિષ્ઠા અને સાચા પ્રેમની જ ખેવના કરે છે તેવી વિશ્વાસપૂર્વક ઘોષણા કરે છે. તો અમુક પદોમાં પોતાનો પ્રભુ પ્રત્યેનો નિષ્કામ સેવાભાવ વ્યક્ત કરે છે.

तुम सुणो दयाल म्हारी अरजी
भवसागर में बही जावत हूँ काढ़ो तो थारी मरजी
यो संसार सगो नहीं कोई साँचा सगा रघुवरजी
मात पिता सुत कुटुंब कबीलो सब मतलब के गरजी
मीरां की प्रभु अरजी सुणलो चरण लगावो थारी मरजी

ઉપરનાં પદમાં મીરાંબાઈનો અનન્ય વિશ્વાસ સુપેરે પ્રગટ થયો છે. મીરાંબાઈ વિષે હું જેટલું સમજી છું તેમાં, તેમનો પ્રભુ પ્રત્યેનો અનન્ય વિશ્વાસ, મને તેમનાં વ્યક્તિત્વનું સૌથી વધુ સ્પર્શી ગયેલું પાસું છે. તેમનાં જીવનમાં થયેલી ભયંકર ઉથલપાથલ પણ તેમના આ અનન્ય વિશ્વાસને તસુભાર પણ ડગાવી શકી નથી.  મીરાંબાઈએ તેમનાં જીવનના લોકિક સંબંધોની મર્યાદા પામી લીધી હતી અને તેથી જ આ પદમાં મીરાબાઈ નમ્રતાપૂર્વક પ્રભુને તેમનાં જીવનનું સુકાન સોંપીને પોતે નિશ્ચિંત બની જાય છે. શ્રી મહાપ્રભુજીએ પણ ‘શ્રીનવરત્નમ્ સ્તોત્ર’માં એવું જ સૂચવ્યું છે.

चिन्ता कापि न कार्या निवेदितात्मभिः कदापीति |
भगवानपि पुष्टिस्यो न करिष्यति लौकिकीं च गतिम् ||१||

निवेदनंतुस्मर्तव्यं सर्वथा तादृशैर्जनेः |
सर्वेश्वरश्चसर्वात्मा निजेच्छातः करिष्यति ||२||

આવા દ્રઢ વિશ્વાસ સાથે કરેલી પ્રાર્થનાનાં બળ પર જીવનમાં આવેલા વિપરીતમાં વિપરીત સંજોગો સામે પણ મનુષ્ય ટકી જાય છે. પ્રાર્થના કરવા માટે ભાષા કે સ્થળ મહત્વનાં નથી. આ તો હૃદયનો વિષય છે. Mother Teresa એ કહ્યું છે કે “Prayer is, not asking. Prayer is, putting oneself in the hands of GOD at His disposition and listening His voice in the depth of our hearts”. સાચા હૃદયથી કરેલી પ્રાર્થનામાં પ્રભુ પાસે કશું માંગવું જ જરૂરી નથી. પ્રાર્થના દ્વારા આપણે આપણી જાતને પ્રભુના હાથમાં સોંપી દેવાની છે. પ્રાર્થના તો આપણા અંતરાત્મા અને પરમાત્મા વચ્ચેનો સીધો સંવાદ છે. એ રીતે પ્રાર્થના દ્વારા આપણી અંદર રહેલા પ્રભુનો અવાજ સાંભળવાનો છે. અને સાથે સાથે એ દ્રઢ વિશ્વાસ પણ રાખવાનો છે કે, પ્રભુએ જે યોજના આપણા માટે કરી છે તે જ આપણા માટે શ્રેષ્ટ છે. God makes better choices for us than we could have made for ourselves.

ચાલો તો પ્રભુ પ્રત્યેના આ દ્રઢ વિશ્વાસને અકબંધ રાખીને હું અત્યારે મારી કલમને વિરામ આપું છું.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે....

— અલ્પા શાહ

૧૫ – કબીરો

કબીરબીજક – શબદ

શબદ…
શબદ એક સંદેશ.
શબદ  બોધ.
શબદ એટલે ‘શબ્દ બ્રહ્મ’ જેની બ્રહ્મ જેવી તાકાત હોય.
શબ્દ નહિ, ‘શબદ’ જોડાક્ષરનો ધક્કો પણ નહીં!
કોઈ બેડી નહીં, કોઈ ઝંઝીર નહીં, મોકળાં મને આપમેળે રેલાતો, વહેતો ‘શબદ’. મહામૌન પછી રેલાતો વિચાર જે આત્માને જગાડી દે, તે ‘શબદ’. યોગની દૃષ્ટિએ જોઈએ તો શબદનો અર્થ ક્રિયા, ગતિ કે સ્પંદન થાય. સરળ શબ્દમાં ‘શબદ’ અર્થ સ્વરૂપે જ પ્રગટ થાય છે. જે તેનો અર્થ પામે તે તરી જાય છે.
 
ગીતા રૂપે કૃષ્ણનાં મુખેથી નીકળેલા શબ્દએ અર્જુનનો મોહભંગ કર્યો તે જ ‘શબદ’. તે સીધો ઘા આતમ પર કરે અને પરિવર્તન દેખાય. માનવી એક કીડાની જેમ હોય છે, પણ શબદ કાને પડતા સુંદર આકર્ષક મોહક પતંગિયામાં મોર્ફ થઈ જાય અથવા સહજ પરિવર્તન થાય, અથવા તો સુફી સંતની ભાષામાં સમજાવું તો તબદીલ થઇ જાય છે. ચાલો વધુ સરળ બનાવવા કબીરનાં જીવનનો એક સત્ય પ્રસંગ જોઈએ.

 

એકવાર ગુરુ રામાનંદજી તેમના ભગવાનને પહેલાં મુગટ પહેરાવ્યો ને પછી ફૂલનો હાર પહેરાવવા જતા હતા. મુગટ મોટો હતો એટલે ભગવાનને હાર પહેરાવી શકતા નહોતા. કબીર સામે જ બેઠા હતા. તેમણે ગુરુજીને કીધું ‘ગુરુજી, ગાંઠ નિકાલ દો તો હી ભગવાનજી કે ગલે મેં હાર પહુંચેગા.’ કબીરની વાત સાંભળી. કબીરે સહજતાથી કહેલી ‘આટલી મોટી વાત’ ગુરુજી સમજી ગયા કે, ‘જીવનમાં પડેલી ગાંઠને ઉકેલીએ તો જ પ્રભુનાં હૃદય સુધી પહોંચી શકાય છે.’ તેમણે કબીરને છાતી સરસા ચાંપ્યા અને કબીર તેમના ખાસ માનીતા શિષ્ય બની ગયા.

 

આજે આપણે વાત કરવાની છે એ જ કબીરની જેની વાણીથી તેમના ગુરુ પણ પ્રભાવિત હતા. કબીરવાણી તો માનસરોવર સમાન છે. કબીરબીજકના મુખ્ય ત્રણ ભાગ છેઃ રમૈની, સાખી અને શબદ. રમૈનીની વાત આપણે કરી હતી. આજે આપણે શબદને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તેમાં કબીરના પ્રેમ અને અંતરંગ સાધનાની અભિવ્યક્તિ થઈ છે. શબદમાં ૧૧૫ પદો છે જે રામાયણની ચોપાઈની જેમ ગેય છે. ‘શબદ’ આપણને આત્મારામનું એડ્રેસ આપે છે.
‘શબદ’માં સંત કબીરે રુપક,  પ્રતીક,  અન્યોક્તિકથન અને અવળવાણી દ્વારા પોતાના વિચાર માર્મિકતાથી રજૂ કર્યા છે. ‘શબદ’નું વાંચન આપણા પ્રાચીન ગ્રંથોની સંક્ષિપ્ત અને સચોટ સૂત્રશૈલીનું સ્મરણ કરાવે છે. કબીરનાં એક એક શબ્દમાં ગહન અર્થગાંભીર્ય અને ભીતરનો ઊંડો ભાવ છુપાયેલ દેખાય છે. શબદ કાવ્યનો એક પ્રકાર જ છે. એને પદ પણ કહી શકાય.
ગીતાના શબ્દો જેટલું જ વજન કબીરના શબદનું છે.

 

કબીરજીએ આત્મસાત કરેલી વાતને પ્રસ્તુત કરી છે અને આ ‘શબદ’ સહજ પ્રગટ થયા છે.

 

‘શબદ’ એટલે કે આત્મતત્વનું અનુસંધાન કરાવે તે, અર્થાનર્થ બતાવે તે. ટૂંકમાં, માયાથી છૂટા પાડે તે ‘શબદ’

 

કબીર ‘શબદ’ દ્વારા હંસસ્થિતિમાં વ્યક્તિને સમજાવે છે. કબીરે તેના શબદમાં ૧૧૫ ગહન વિષયો પર, પોતાના સ્વાનુભવ દ્વારા ચર્ચા કરી છે. એની મેં મારી અલ્પમતિ પ્રમાણે વાત કરી છે. તેમની અવળવાણી અને પશુ-પંખીનાં રુપક દ્વારા આપેલ ઉપદેશ અદ્ભૂત છે. તેમજ શરીરરૂપી વૃક્ષમાં નીચેથી ઉપર આઠ ચક્રો દ્વારા આત્મામાં એકાકાર થવાની વાત પણ સુંદર રીતે સમજાવી છે. તેમણે પરમાત્માને અનેક સ્વરૂપે દરેક વ્યક્તિમાં જોયા છે.
કબીરે હિન્દુ અને મુસલમાન વચ્ચે એકતા સ્થપાય તો જ ભારત દેશનો ઉદ્ધાર થાય, અને સૌનું કલ્યાણ થાય, તેવી તેમની પાકી સમજ હતી. ભગવાને તો કોઈ ભેદો સર્જ્યા જ નથી, માનવે પોતાના સ્વાર્થ માટે ભેદોનું સર્જન કર્યું છે એવી સ્પષ્ટ ઉપદેશવાણી બંને વર્ગને સંભળાવી છે. ‘શબદ’માં તમામ ભેદોને સામૂહિક રીતે ઓગાળી, કબીરે સત્યને પ્રગટ કર્યું છે. પંડિતોને, જ્ઞાનીઓને, મૌલવીઓને અવગણી નિર્ગુણ ભક્તિનો માર્ગ દેખાડ્યો છે. તેમનાં હ્રદયમાં કેન્દ્રસ્થાને માનવ સમાજનું હિત છે એ અહીં ‘શબદ’ દ્વારા પ્રગટ થયું છે. આજે નહિ તો આવતીકાલે માનવી આ સત્યને સમજશે. કબીર સાહેબનાં અવળવાણીનાં પદો ખૂબ પ્રખ્યાત છે. એ બધાં પદો ગંભીર અર્થ રહસ્યવાળા છે. આ અવળવાણીનું પદ કહેવાય.

 

“પહિલે જન્મ પુતકો, બાપ જનમિયા પાછે”

 

પહેલા પુત્રનો જન્મ થાય ને પછી પિતા જન્મે એ અસ્વાભાવિક ઘટના ગણાય. એનો આધ્યાત્મિક અર્થ કરવા માટે થોડી મહેનત કરવી પડે છે. પહેલા માનવનો જન્મ જગતમાં થયો છે. પિતા તરીકે ગણાતા ઈશ્વરનો જન્મ તો પછીથી થયો. માણસ સમજણો થયા પછી ઈશ્વરની વાત વિચારવા લાગ્યો. મનની કલ્પનામાંથી ઈશ્વરનો જન્મ થયો એવું કહેવામાં આવે છે.

 

‘બીજક’ના ‘શબદ’માં માનવ માત્રને ઉપયોગી થાય તેવી વિચારધારા કબીરે ગૂંથી છે. આ સાથે કબીર સાહેબનાં વિવિધ પાસાઓનું દર્શન પણ થાય છે. જેમકે, હિંદુ -મુસલમાન વિષે ક્રાંતિકારી વિચાર, કુરિવાજો પર પ્રહાર અને તેમનું સુધારાવાદી વલણ ‘શબદ’માં ખુલ્લેઆમ પ્રગટ થાય છે. તે જ પ્રમાણે આત્માવાદી વિચાર થકી વેદાંતી તરીકેની છાપ ઊભી કરી છે અને એટલે, ઘણા સાચા હિન્દુઓ તેમને સાચા વૈષ્ણવ ગણે છે. આમ લોકભાષામાં કબીરે ધર્મ સંસ્કૃતિની રક્ષાનું કામ કર્યું છે. આ ‘શબદ’ પર નજર કરો.

 

સંતો, રાહ દુનો હમ દીઠા!
હિન્દુ તુરુક હટા નહિ માનૈં, સ્વાદ સભન્હિ કો મીઠા  – ૧
હિન્દુ બરત એકાદસિ સાધૈ, દૂધ સિંગારા સેતી
(અન) કો ત્યાગૈ મનકો ન હટકૈ, પારન કરૈ સગોતી  – ૨
તુરુક રોજા નિમાજ ગુજારૈં, બિસમિલ બાંગ પુકારૈં
ઈનકી ભિસ્ત કહાં તે હોઈ હૈ, સાંજે મુરગી મારૈ  – ૩
હિન્દુકી દયા મેહર તુરુકનકી, દોનૌ ઘટ સોં ત્યાગી
વૈ હલાલ વૈ ઝટકે મારૈ, આગિ દુનો ઘર લાગી  – ૪
હિન્દુ તુરુકકી એક રાહ હૈ, સતગુરુ ઈહૈ બતાઈ
કહંહિ કબીર સુનહુ હો સંતો, રામ ન કહેઉ ખુદાઈ  – ૫
 
એમના ૧૧૫ ‘શબદ’ અર્થસભર કબીરની વાણી છે. કબીરની વાણીનો પ્રભાવ ૧૮મી સદીમાં વિશ્વના ઘણા વિદ્વાનો પર થયો હતો. તેનો ઇટાલિયન ભાષામાં પણ અનુવાદ થયો છે. પશ્ચિમમાં કબીર પર જેટલા ગ્રંથ લખાયા છે, તેટલા બીજા કોઈ સાહિત્યકાર પર લખાયા નથી.

“લોક કહૈ યહ ગીતુ હૈ, યહુ નિજ બ્રહ્મ વિચાર રે “

 કબીર સાહેબની કવિતા લોકોની દૃષ્ટિએ ભલે ગીત તરીકે ખ્યાતિ પામે પણ ખરેખર તેની રચના પરમાત્મતત્વની સમજ માટે જ થઈ છે. પ્રત્યેક પદ કે શબદ આત્મવિચારથી જ સંપન્ન છે. 

અને કબીરાયનનું ચયન કરતાં કરતાં હું પણ કબીરમય બની ગઈ છું.

જિગીષા પટેલ
 
 

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ : ગીતા ભટ્ટ

 

નાનપણમાં અમે બહેનપણીઓ શાળા-કોલેજમાં વાર્ષિકોત્સવ કે દિવાળી પ્રોગ્રામમાં રાસ-ગરબા રમતાં. પણ પાછળથી સમજાયું કે એમાનાં ઘણાં ગરબા-ગીતો ઝવેરચંદ મેઘાણીનું સર્જન હતાં. દાખલા તરીકે, ત્રણ તાલીના તાલમાં હલકથી ગવાતો આ ગરબો : અષાઢી સાંજનાં અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે…
અષાઢી સાંજનાં અંબર ગાજે! અને જેમાં હલકથી ગવાતા તાળીઓના તાલ નહીં, પણ ઝડપથી ઉછાળા લેતું નર્તન વધારે મહત્વનું હતું એવું બીજું ગીત: મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.….

પણ, એમાંની ઘણી રચનાઓ એમની પોતાની સ્વરચિત કૃતિઓ નહોતી, પણ અન્ય ભાષાની કૃતિઓમાંથી અનુવાદિત કરેલ કવિતાઓ હતી; તેનો ખ્યાલ તો કોલેજમાં વ્યાખ્યાતા બનવાનો મોકો મળ્યો અને વિગતવાર અભ્યાસ કર્યો ત્યારે જ સમજાયું.
તો પછી, ઝવેરચંદ મેઘાણીનાં જ ગરબા-ગીતો આમ અનાયાસે જ પસંદ થઈ જવાનું કારણ શું હશે? પ્રત્યેક કવિ એની કૃતિ માટે શબ્દો તો શબ્દકોશમાંથી જ શોધે છે, પણ એને ક્યાં, કેવી રીતે ગોઠવવો તેમાં જ કવિનું કવિકર્મ છુપાયેલું હોય છે! મને આજે આટલાં વર્ષે સમજાય છે કે, શબ્દો, સૂર અને લયની ગોઠવણીને લીધે જ અમારાં માનસમાં એ ગીતો પ્રિય પસંદગી પામ્યાં હતાં.
 
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે
ઘનઘોર ઝરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે
બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને
બાદલસું નિજ નેનન ધારીને,
મેઘમલાર ઉચારીને
આકુલ પ્રાણ કોને કલસાદ કરે  મન મોર બની થનગાટ કરે
ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે
ઘૂમરી ઘૂમરી ગરજાટ ભરે નવધાન ભરી સારી સીમ ઝૂલે
નદીયું નવજોબન ભાન ભૂલે નવ દીન કપોતની પાંખ ખૂલે
મધરા મધરા મલકાઈને મેંડક મેહસું નેહસું બાત કરે
ગગને ગગને ઘૂમરાઈને પાગલ મેઘઘટા ગરજાટ ભરે
મન મોર બની થનગાટ કરે
નવ મેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે
મારાં લોચનમાં મદઘેન ભરે વનછાંય તળે હરિયાળી પરે
મારો આતમ લહેર બિછાત કરે સચરાચર શ્યામલ ભાત ધરે
મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે
ઓ રે મેઘ આષાઢીલો આજ મારે દોય નેન નીલાંજન ઘેન ભરે
મન મોર બની થનગાટ કરે

શબ્દો એક પછી એક સરી જાય છે અને શબ્દોનો નાદ, વરસાદ અને વાદળનો ગડગડાટ, વર્ષાઋતુનું એક ભવ્ય દશ્ય ખડું કરે છે.

ઝવેરચંદ મેઘાણીનું કાવ્યફલક અતિ વિશાળ છે. તેમાંયે માત્ર પ્રકૃતિને જ શોધીએ તો એમાં આકાશ, પવન, ધરતી, પહાડ, દરિયો, વાદળ, વીજળી એમ બધું જ એની ભવ્યતા સાથે એવાં તો ઓતપ્રોત થઈને આવે કે, વાચક કે પ્રેક્ષક સૌને જકડી લે! તેમાંયે મેઘ સાથે મેઘાણીને ખાસ પ્રીતિ. વળી આ બધુંયે માત્ર સાહિત્યકૃતિ તરીકે જ ના રહી જાય એટલે એને લોકભોગ્ય બનાવવાનો પ્રયાસ પણ એમના દિલમાં સતત ધબકારાની જેમ ધબક્યા કરે! ભગવાને એમને સુંદર અવાજ અને સૂરની સમજ આપી હતી, એટલે એમણે કાવ્યોને લય અને તાલ સાથે સૂરબધ્ધ ગાયાં પણ ખરાં.
 
વાચક મિત્રો, હું તમને ફરીથી યાદ કરાવું કે, મેઘાણી લોકોના કવિ હતા, લોકકવિ હતા. પંડિતયુગમાં એમણે ભારેખમ શબ્દો છોડીને અભણ વર્ગને વાચા આપવા કમર કસી હતી. એટલે એમની તમામ કૃતિઓ લોકભોગ્ય હતી. નાની ઉંમરે આ બધું જ્ઞાન અમારાં બાળમાનસમાં ક્યાંથી હોય? પણ કદાચ તેથી જ, એ ઉંમરેય અમે મેઘાણીનાં અનેક ગરબા શાળા-કોલેજ દરમ્યાન કરેલાં.
 
ગુજરાતી ભાષાનું શિરમોર સમું આ ‘મન મોર બની થનગાટ કરે‘ ગીત રવીન્દ્રનાથ ટાગોરનાં મૂળ બંગાળી ગીતનું અનુસર્જન છે. ૧૯૨૦માં મેઘાણી જયારે કલકત્તા હતા ત્યારે એમણે રવીન્દ્રનાથ ટાગોરનાં સ્વમુખે એમને ઘેર ‘નયાવર્ષા’ ગીત સાંભળ્યું હતું. ત્યારબાદ લોકસાહિત્યનાં સંશોધન માટે જ જાણે કે મેઘાણી કલકત્તા છોડીને વતન પાછા આવે છે, અને સાથે સાથે બંગાળી અને અંગ્રેજી સાહિત્યને ગુજરાતી ભાષામાં પોતાની સૂઝ પ્રમાણે પીરસવાની શરૂઆત કરે છે.
ટાગોરનું ગીત ‘નયાવર્ષા’
નાચે રે હ્રિદય આમાર નાચે રે, હ્રિદય આમાર નાચે રે,
ઘૂરું ઘૂરું મેઘ ઘૂમરી ઘૂમરી ગગને ગગને ગરજે રે,
કે બીજાં ગીતો જેમ કે,
ઝારું ઝારું બરસે બારિસ ધારા આધિર હાય ગ્રિહો આધિરા,
પગલા હવાર બાદલ દિલે,પાગલ અમાર મોર જોગી ઉઠે….
વગેરે ઉપરથી અનુસર્જન મેઘાણીએ ઘણું પાછળથી કરેલું, ટાગોરનાં અવસાનનાં ત્રણ વર્ષ બાદ છેક ૧૯૪૪માં. જે ‘રવીન્દ્રવીણા’માં ૬૪ કાવ્યોમાં સચવાયેલ છે.
‘મન મોર બની થનગાટ કરે’માં મૂળ ગીતની સૌમ્યતાને સ્થાને ચારણી લય પસંદ કરીને વર્ષાઋતુ અને વર્ષાનું તાંડવ ગમે તે હૈયાને સ્પર્શી જાય એ રીતે રચ્યું છે. મેઘાણીએ પોતે પણ આ ગીત એમનાં અન્ય ગીતોની જેમ ગાયું છે, પણ હેમુ ગઢવીનું સ્વરાંકન વધુ લોકભોગ્ય બન્યું. પાછળથી ‘રામલીલા’ ફિલ્મમાં પણ નવા શબ્દોનાં ઉમેરણ સાથે એ ફરીથી આજની યુવા પેઢીમાં પણ પ્રિય બની રહ્યું છે. 
 
ચારણી કવિતાને આત્મસાત કરી તેના લય, સૂર, શબ્દોનાં વળ-વળોટાં, ત્વરિત પુનરાવર્તન વગેરે વગેરે આ કાવ્યમાં મેઘાણીએ ખૂબીથી વણી લીધાં છે. તેનાથી અત્યારનો સુજ્ઞ સમાજ ચારણ સાહિત્યને ઓળખતો થયો છે અને સાથે સાથે ચારણ સમાજને પણ ભણેલ વર્ગમાં પોતાનું મહત્વ જોઈને ગૌરવ થાય છે. મેઘાણીએ જીવનપર્યન્ત બસ આ જ કામ કર્યું છે; બંને વર્ગને સાહિત્યસેતુ બની જોડવાનું. ગાંધીજી જેવા મિતભાષીએ તેમને ‘રાષ્ટ્રીય કવિ’નું બિરુદ એટલે આપ્યું હતું.  હા, એમણે રાષ્ટ્રભક્તિનાં ગીતો પણ ઘણાં લખ્યાં છે, એમાં પણ ઘણાં અનુસર્જનો છે. ‘કોઈનો લાડકવાયો’ પ્રસિદ્ધ કાવ્ય ‘રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે’. તેની વાત આવતે અંકે… 

-ગીતા ભટ્ટ 

 

૧૬ – સદાબહાર સૂર – અવિનાશ વ્યાસ : રાજુલ કૌશિક

સદાબહાર એટલે હંમેશા પ્રફુલ્લ રહેતું, સદા ખીલી રહેતું…

આમ જોવા જઈએ તો આ વાત ફૂલો માટે થતી હોય એમ જ વિચારીએ પરંતુ આપણે છેલ્લા કેટલાક સમયથી વાત કરીએ છીએ સદાબહાર સૂરની એટલે કે અવિનાશ વ્યાસની અવિસ્મરણીય રચનાઓની જે સાંભળતાં આપણે ખુદ પ્રફુલ્લિત થઈ ઊઠીએ છીએ.

કેટલીક વ્યક્તિઓ માટે સમય જતાં લૅજન્ડ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. એ લોકો લૅજન્ડરી અર્થાત કેવળ દંતકથામાં આવતા પાત્રો તરીકે ચિરસ્થાયી બની જાય છે એમ અવિનાશ વ્યાસ માટે, એમની રચનાઓ માટે સદાબહાર શબ્દ આજે અને ભવિષ્યમાં પણ અંકિત થઈને રહેશે.

આ એક જ શબ્દકાર, સ્વરકાર અને ગીતકારે અઢળક ગીતો ગુજરાતીઓને, ગુજરાતી ભાષાને આપ્યા છે અને એટલા માટે જ એમના માટે એવું કહેવાય કે, તેમણે એક ગીતનગર ઊભું કર્યું છે તો જરાય અતિશયોક્તિ નહીં લાગે. એમ લાગે કે જાણે આ કલા તેમનામાં જન્મજાત હશે..

ગયા વખતે આપણે એમણે રચેલાં ‘હુતુતુતુ’ ગીતની વાત કરી હતી. સાવ અચાનક રમતાં રમતાં થઈ ગયેલી. એ રચના પાછળ એમનાં કૌશલ્યનો પાયો તો સાવ નાનપણમાં જ મંડાયો હશે એની આજે વાત કરવી છે.

આ વાત તો આપણે એમને ઓળખતા થયા એ પહેલાંની છે.

તેઓ નાના હતા અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા. તેઓ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી ‘પ્રોપ્રાયટરી’ હાઈસ્કૂલમાં ભણતા હતા જે અત્યારે ‘દિવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ’ તરીકે ઓળખાય છે. તેઓ ભણતા હતા ત્યારે એક દિવસ વર્ગમાં ભાષાનો પિરિયડ હતો. તેમના ભાષાના શિક્ષકે વર્ગમાંના બધા વિદ્યાર્થીઓને નિબંધ લખવાનું કામ સોંપ્યું હતું. તે પિરિયડ પૂરો થતાં શિક્ષકે બધા વિદ્યાર્થીઓની નોટબુકો એકઠી કરી લીધી. શિક્ષકે તે બધી નોટોમાં લખેલો નિબંધ વાંચવા માંડ્યો. વાંચતા વાંચતા એક વિદ્યાર્થીની નોટબુકમાં તેમને નિબંધની જગ્યાએ એક ગીત વાંચવામાં આવ્યું. ગીત બહુ જ સરસ હતું. વર્ગશિક્ષકે તે સમયના શાળાના સંચાલક શ્રી દિવાન સાહેબને વર્ગમાં બોલાવ્યા. તેમણે દિવાન સાહેબને તે ગીત વાંચવા માટે નોટ આપી. દિવાન સાહેબે તે ગીત વાંચ્યું. તેઓ તો એટલા બધા ખુશ થઈ ગયા કે, તેમણે તેની પીઠ થાબડીને શાબાશી આપી. ત્યારબાદ, અચાનક જ બોલી ઊઠ્યા : ‘અલ્યા છોકરા! તું તો ગુજરાતનો રવીન્દ્રનાથ થવાનો છે કે શું?’ પરંતુ આ નાનકડા નાગર છોકરાએ જવાબ આપ્યો : ‘ના જી સાહેબ, હું તો ગુજરાતનો અવિનાશ વ્યાસ થવાનો છું!’ – આવો હતો એમનો આત્મવિશ્વાસ અને એક ગુજરાતી તરીકેનું સ્વાભિમાન. આજે વર્ષો પછી પણ તેમના શબ્દો સાચા પડ્યા છે અને તેમના ગીતો અને ગરબા લોકહૃદયમાં ગૂંજી રહ્યા છે.

સાવ નાની ઉંમરે આવી અંતઃસ્ફુરણાં થવી એ જ દર્શાવે છે કે, આગળ જતાં આ છોકરો કેવું કાઠું કાઢશે……

નાનપણથી જ તેમને મળેલા આ વરસા માટે ખાતરીપૂર્વક એમ કહી શકાય કે, એ વારસો માતા મણીબેન તરફથી મળ્યો હશે કારણ કે મણીબેનમાં પણ સંગીત અને સાહિત્યના સંસ્કાર હતા. તેઓ પણ તે સમયમાં ગરબા લખતાં હતાં.

યુવાન અવિનાશ વ્યાસની કારકીર્દિની શરૂઆત મિલમાં નોકરીથી થઈ. એક દિવસ મિલના સમારંભમાં તેમને મિલમજૂરની ભૂમિકા ભજવવાની હતી તેમાં એમણે  એક ગીત ઉપાડ્યું : ‘કોઈ કહેશો ચાંદલિયો શાને થયો…?’ અને શ્રોતાઓએ તે ગીતને ખૂબ જ હર્ષભેર વધાવી લીધું.

અને પછી એમના જીવનનો જાણે પ્રવાહ જ બદલાઈ ગયો. તેમણે મિલની નોકરી છોડી દીધી અને નસીબ અજમાવવા માટે મુંબઈ ગયા. મુંબઈના આકાશવાણી જ નહીં, ભારતભરના સંગીતના ચાહકોએ તેમના મધુર કંઠ અને અર્થપૂર્ણ સ્વરરચનાને આવકારી લીધી અને પછી તો જે સર્જાયો એને ઈતિહાસ જ કહી શકાય ને?

મઝાની વાત તો એ છે કે, રેડીયો પરથી પ્રસારિત થતાં ગીતોથી માંડીને આજના ડિજિટલ યુગમાં પણ અવિનાશ વ્યાસના ગીતો અણનમ છે.

હવે આગળ વાત કરીશું એવી જ નોખી-અનોખી વિવિધ રચનાઓની.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

બેઠક – ‘वाचिकं सर्व वाङ्ग्मयम्’ – 2 : વાગ્મી કચ્છી

મિત્રો,

જ્યાં સુધી નયનાબેન પટેલ બિમાર છે ત્યાં સુધી જયશ્રીબેન મર્ચન્ટ લિખિત વાર્તા વાગ્મી કચ્છીના અવાજમાં સાંભળો. મને આશા છે નયનાબેન જેવો જ આનંદ મેળવશો.

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 15

સ્વપ્ન એ માનવીની મનોભૂમિના પ્રદેશમાં લહેરાતું વૃક્ષ છે. જ્યારે માનવીની દૃષ્ટિ ક્ષિતિજને આંબે છે ત્યારે સ્વપ્નપ્રદેશ શરૂ થાય છે. સ્વપ્ન એ વર્તમાનથી કંઈક વિશેષ છે. અને તેથી જ, માનવી સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળી પડતો હોય છે. સ્વપ્નસિદ્ધિ એ આકાંક્ષા અને વાસ્તવનું મિલનબિંદુ છે. ગત અંકમાં આપણે વાત શરૂ કરી હતી મુનશીની આત્મકથા ‘સ્વપ્નસિદ્ધીની શોધમાં’ પુસ્તકની. ત્યારે આપણા મનમાં જે અનેક પ્રશ્નો ઉદભવ્યા, તેના જવાબો એક પછી એક જોઈએ.

અખો કહે છે એમ, ‘હસવું ને લોટ ફાકવો’ એ બે સાથે ન બને. પ્રેમમાં પણ એવું જ છે. પ્રેમમાં લોકલાજનો ભય ન હોય અને લોકનિંદાંની શરમ ન હોય. ઉત્કટતા અને તીવ્રતા વગર પ્રેમ શક્ય નથી. પ્રણયના અનુભવે સ્વૈરવિહારી મુનશીનાં જીવનમાં મેઘધનુષના રંગ લાવી દીધા હતા. યુરોપનો મોહ તો હતો જ, ત્યાંના સાહિત્યસ્વામીઓએ મુનશીની કલ્પના અને કલાદૃષ્ટી સમૃદ્ધ કર્યાં હતાં. મુનશી, તેમની પત્ની લક્ષ્મી અને પ્રિયતમા લીલાવતી સાથે સ્ટીમરમાં બેસી યુરોપના પ્રવાસે નીકળ્યા. લીલાએ પોતાની નોંધમાં લખ્યું, “થોડા મહિના માટે સંવાદી આત્મા સાથે સહજીવન. આવું સુખ થોડા દિવસ મળે તોય બધું હોમી દીધેલું સાર્થક”. મુનશીની સૌંદર્ય અનુભવવાની શક્તિ – રસવૃત્તિ – સુક્ષ્મ બની ગઈ હતી. જગત ક્ષણે ક્ષણે નવીનતા પ્રાપ્ત કરતું હતું. ચારે તરફ સમુદ્ર અને વ્યોમ એક થયેલાં દેખાય, એ પર કૌમુદી મીઠી અસ્પૃશ્ય મોહકતા પ્રસારે, એ મોહકતામાં સૂર્યાસ્તનાં સૌંદર્યનો અનુભવ- ભૂમધ્ય સમુદ્રના ઉછાળામાં પણ અદ્ભુત આનંદ હતો. ત્યાં વાયુ મદમત્ત થઈ વાતો, ત્યાં ફીણના પ્રવાહમાં મેઘધનુષ્ય દેખાતું, ત્યાં સ્વર્ગનું વાતાવરણ પ્રસરતું ને અવર્ણનીય આહ્લાદ રગરગમાં પ્રસરતો. સમુદ્રના તરંગોમાં મુનશીને કલ્પનાતરંગોના પડઘા સંભળાતા. સ્થૂળદેહે મુનશી, લક્ષ્મી અને લીલાવતી – ત્રણે જણ સવાર-સાંજ ફરતાં, વાતો કરતાં, ખાતાં-પીતાં ને મોજ કરતાં. ને મુનશીનો સુક્ષ્મદેહ ઉલ્લાસની પાંખે સ્વૈરવિહાર કરતો. યુરોપની મુસાફરીમાં રૂપાળી લક્ષ્મીના શ્વેત રંગમાં મોહક લાલાશ આવી જતી.

યુરોપ પાસે કુદરતી સૌન્દર્ય છે, સમૃદ્ધ સાહિત્ય અને કલાનો વારસો છે, ધાર્મિક અને ઐતિહાસિક સ્મારકો ને મહાલયો છે, જગવિખ્યાત ચિત્રો, સ્થાપત્યો અને ઓપેરા પણ છે. પ્રવાસ માટેનું એક મોહક અને આકર્ષક સ્થાન. મેં અને તમે પણ યુરોપ જોયું હોય, પણ મુનશીની દૃષ્ટિએ યુરોપ જોવું ને તેમના શબ્દો દ્વારા તેને માણવું એ એક લ્હાવો છે. એડન, બાબેલમાંડલની સમુદ્રધુની, વિશ્વકર્માને ટપી જવાનો ઉત્સાહ દેખાડતી સુએઝ કેનાલ, બ્રિંડીસી, ગ્રીક ને રોમન શિલ્પકૃતિઓનો અદ્ભુત કલા ઇતિહાસ ધરાવતું યુરોપનું રમણીયતમ નગર નેપલ્સ, જ્વાળામુખી વિસુવિયસ અને લાવારસમાં દટાયેલાં પોંપીઆઈની મુલાકાત બાદ તેઓ રોમ પહોંચ્યા. સનાતન રોમ વિશે તેમણે ઇતિહાસ ને નવલકથામાં જે વાંચ્યું હતું તે જોઈ મુનશીની ઐતિહાસિક કલ્પનાના ઘોડા ચારે પગે ઉછળતા ચાલ્યા. પીટરનાં દેવાલયનું સ્થાપત્ય જોઈ સૌન્દર્ય અને ભવ્યતા વચ્ચેનો ભેદ સમજાયો. વેટિકનમાં કલાસ્વામીઓનાં સૈકાઓ જુનાં ચિત્રો, શિલ્પકૃતિઓ ધરાઈને જોઈ. ઉપરાંત, નામદાર પોપનાં દર્શન પણ કર્યા.

રોમથી તેઓ પહોંચ્યા ફ્લોરેન્સ જે મુનશીને મન પ્રણયનું પાટનગર હતું. રોમિયો ને જુલીયટની ભૂમિ, મહાકવિ દાંતે, રસગુરુ ગોએટ, જગદગુરુ માઈકલ એન્જેલો ને સર્વગ્રાહી સ્વામી લિયોનાર્ડો દ વિન્ચીની ભૂમિ. બહુ જોયું, બહુ ફર્યા ને આખરે નોંધ્યું : “દેવાલયોનો અભરખો ને અપચો. કલાદૃષ્ટીની એકદેશીયતા. ખ્રિસ્તની મૂર્તિના એકધારાપણાથી આવેલો કંટાળો.” ત્યાંથી વેનિસ, મિલાન અને કોમો ગયા. મુસાફરીનો પ્રથમ ઉત્સાહ જતો રહ્યો હતો. નવા નવા દ્રશ્યોની મોહિની પણ ઓછી થઈ હતી. સાહચર્યમાંથી ઘણીવાર નિરાશાના કરુણ સૂર સંભળાતા ગયા. કોમોનું રમણીય સરોવર, લ્યુગાનોનાં નાનાં શ્રુંગોના રંગની રમણીયતા માણતા, આત્માનાં સંગીત અને અવાજનાં સંગીતની તુલના કરતાં તેઓ લ્યુસર્ન આવ્યા, જેને તેઓ તેમની યાત્રાનું પરમધામ માનતા હતા.

…. અને સ્વપ્નસિદ્ધિની શોધમાં નીકળેલ મુનશીની સહયાત્રામાં આપણને પણ પ્રશ્ન થાય કે, શું ઇતિહાસની અટારી સ્વપ્નપ્રદેશનો અંત છે? ઇતિહાસયાત્રાના અંતમાં સ્વપ્નની પૂર્ણતા મળી શકે?
સ્વપ્ન એ ક્ષિતિજ છે જ્યાં માનવી ઝંખે છે પૂર્ણતા .. પણ પૂર્ણવિરામ અનેક અલ્પવિરામોનો સરવાળો હોય છે અને તેથી જ, મુનશીની સાથે આપણે પણ એક અલ્પવિરામ પર છીએ પણ મંઝિલ છે સ્વપ્નની પૂર્ણતા તરફ,
સ્વપ્નસિદ્ધિ તરફ… આવતા અંકે એક નવા પ્રદેશ તરફ…

રીટા જાની

 

https://youtu.be/FqClev1ETCA

मेरे तो गिरधर गोपाल – 15 : અલ્પા શાહ

મીરાંબાઈના લૌકિક સંબંધો : રામ રાખે તેને કોણ ચાખે!

કહેવાય છે કે, ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ ઉક્તિ મીરાંબાઈનાં જીવનમાં સાંગોપાંગ લાગુ પાડી શકાય. મીરાંબાઈના પ્રાણ પર તેમના પોતાના જ સબંધીઓ દ્વારા એક અથવા બીજી રીતે પ્રહારો થતા રહ્યા અને દરેક વખતે તેમના ગિરિધર ગોપાલે આવીને તેમને ઉગારી લીધાં. મીરાંબાઈનાં નણંદ ઉદાબાઈએ ભાભી પાસે આત્મસમર્પણ કરી લીધું અને મીરાંબાઈની સાથે ભજન-સત્સંગમાં લીન રહેવાં લાગ્યાં. રાણા માટે પછી સમસ્યા ઘણી વિકટ થઈ ગઈ. ભાભીને તો રાણા મારી ન શક્યો પણ, બહેનની પ્રકૃતિ પણ મીરાંબાઈનાં નિર્મળ હૃદયે બદલી નાખી હતી. રાણા મનમાં ને મનમાં ખૂબ અકળાતો હતો અને મીરાંબાઈને કનડવાની નવી તરકીબો શોધવા લાગ્યો. પણ, મીરાંબાઈ સ્થિતપ્રજ્ઞ રહીને ગિરધર ભક્તિમાં લીન રહેવાં લાગ્યાં અને નીચેનાં પદમાં મીરાંબાઈએ રાણાને જવાબ આપ્યો છે:

प्रेम रो प्यालो भर पीधो, राणाजी
मेँ तो प्रेम रो प्यालो भर पीधो
पीवत प्यालो भई मतवाली, प्रेम पंथ भलो लीधो
तन मन की सुध भूल गई मेँ तो कृष्ण कुंवर बार कीधो
जगत जाल को तज आशरो, सार लियो मेँ सीधो
मीरां कहे मन गिरिधर बस गया, राणा ने उतर परो दीधो

પછી તો, રાણાએ માલણ સાથે એક છાબડીમાં બે કાળા નાગ મીરાંબાઈને મોકલ્યા અને કહેવડાવ્યું કે આ છાબડીમાં ફૂલ અને શાલિગ્રામ મોકલાવ્યા છે. પ્રભુસ્મરણ કરી મીરાંબાઈએ છાબડી ખોલી તો એમાં તેમને મંદમંદ મુસ્કુરાતા શાલિગ્રામ ભગવાનનાં દર્શન થયાં. એક કાળો નાગ બહાર આવી, ફેણ ચઢાવી મીરાંબાઈનાં ગળાની આજુબાજુ વીંટળાઈ ગયો. મીરાંબાઈનાં મસ્તક પર ફેણનું છત્ર કરી ડોલવા લાગ્યો. પછી એ નાગ મીરાંબાઈનાં ગળા ફરતો વીંટળાઈને રત્નનો હાર બની ગયો. ફરી એકવાર મીરાંબાઈનો માધવ તેમના પર કૃપા વરસાવી ગયો. આ યુક્તિ અસફળ જવાથી, કોઈનાં કહેવાથી, રાણાએ મીરાંબાઈને વાઘનાં પિંજરામાં જબરજસ્તી ધકેલ્યાં. મીરાંબાઈએ ધૈર્યપૂર્વક ભગવદ્ સ્મરણ કરતાં કહ્યું, “અરે વાહ! આજે મારા શ્યામસુંદર આ દાસીને નરસિંહરૂપે દર્શન દેવા પધાર્યા છે” અને ભાવપૂર્વક નતમસ્તક થયાં કે તરત જડબાં ફાડીને ધસી આવતો વાઘ એકદમ શાંત થઈને મીરાંબાઈની બાજુમાં બેસી ગયો. રાણા અને તેના કપટી સાથીઓ આશ્ચર્યથી વિમૂઢ થઈ ગયા. પછી, રાણાએ લોઢાના તીક્ષ્ણ ખીલાઓનું બિછાનું બનાવી તેની ઉપર કપડું પાથરી મીરાંબાઈ પાસે મોકલ્યું અને કહેવડાવ્યું કે શ્રી દ્વારકાધીશની પ્રસાદીનું વસ્ત્ર બિછાવેલું છે એટલે મીરાંબાઈએ રાત્રે તેના પર શયન કરવું. મીરાંબાઈ તો રાત્રે પોતાના ગિરિધર ગોપાલને સાથે રાખીને ગાદી પર ચડ્યાં તો વસ્ત્રની નીચે કમળ પાંદડીઓ પથરાયેલી હતી. મીરાંબાઈ તેમની સાથે થતા અન્યાયો અને અત્યાચારોથી સુપેરે વાકેફ હતાં પણ તેમને તેમના ભગવદ્ પ્રીતિના માર્ગ પર આગળ વધવું હતું અને ઠાકોરજીમાં દ્રઢવિશ્વાસ સાથે તેઓ આગળ વધતાં ગયાં. ‘હાર્યો જુગારી બમણું રમે’ એમ રાણા બીજા ઉપાયો શોધવા અને અજમાવવા લાગ્યો પણ આ વિપત્તિઓથી મીરાંબાઈનો ભગવદ્ પ્રેમ અધિકાધિક ઉજ્જવળ થતો ગયો. ખૂબ સુંદર રીતે મીરાંબાઈએ આ ભાવ નીચેનાં પદમાં પ્રદર્શિત કર્યો છે.

मीरां मगन भई हरि के गुण गाय
साप पिटारा राणा भेज्या, मीरां हाथ दिओ जाय
नहाय धोय जब देखन लागी, सालिग्राम गई पाय
जहर का प्याला राणा भेज्या, इम्रत दिया बनाय
नहाय धोय जब पिबन लागी, हो गई अमर अंचाय
सूली सेज राणा ने भेज, दीज्यो मीरां सुवाय
सांझ भई मीरां सोवण लागी, मानो फूल बिछाय
मीरां के प्रभु सदा सहाई, राखे बिधान हटाय
भजन भाव में मस्त डोलती, गिरिधर पर बलि जाय

રાણા વિક્રમાદિત્યને હવે મીરાંબાઈ પોતાની સત્તામાં અવરોધક, દુર્ભેદ્ય કિલ્લા જેવાં અગમ્ય અને અવિચલિત લાગવા માંડ્યાં હતાં. રાણાને પોતાનો અહમ ઘવાતો પ્રતીત થયો એથી રાણાએ સ્વયં મીરાંબાઈનો વધ કરવાનો નિશ્ચય કર્યો. એક રાત્રે એક ગુપ્તચરે આવીને સમાચાર આપ્યા કે મીરાંબાઈ કોઈ પુરુષ સાથે હસી હસીને વાત કરી રહ્યાં છે. આ સાંભળી, રાણા ખૂબ ક્રોધે ભરાયો અને ખુલ્લાં ખડગ સાથે મીરાંબાઈના કક્ષમાં ધસી ગયો અને ગર્જના કરતો પૂછ્યા લાગ્યો, “બોલ, તું કોની સાથે વાત કરતી હતી”. મીરાંબાઈ તો આ લૌકિક દુનિયાથી દૂર પોતાના મનમિત સાથેનાં વિશ્વમાં રાચતાં હતાં. તેમને રાણાને ખુબ શાંતિથી કહ્યું, “અરે! મારા પ્રાણેશ્વર હમણાં તો અહીંયા જ હતા. મારી સાથે ચોપાટ રમ્યા, નૈવેદ્ય સ્વીકાર્યું, હવે ક્યાં ચાલી ગયા? તું બે ઘડી વહેલો આવ્યો હોત તો તને પણ દર્શન થઈ જાત”. રાણાની નજર ત્યાં શૈયા પર કોઈ ઓઢીને સૂઈ ગયેલું હતું તેના પર પડી અને ખુલ્લાં ખડગ સાથે અટ્ટહાસ્ય કરતાં કરતાં ચાદર ખેંચી લીધી અને ત્યાં જ વિકરાળ સ્વરૂપે નરસિંહ ભગવાન જેવાં સ્વરૂપનાં દર્શન થયાં. રાણા તો ભયનો માર્યો કક્ષની બહાર દોડ્યો અને મીરાંબાઈને કક્ષની બહાર બોલાવ્યાં. જેવાં મીરાંબાઈ કક્ષની બહાર આવ્યાં કે રાણાએ તેમને મારવાં ખડગ ઉગામ્યું, પણ સામે જુએ છે તો એકને બદલે સેંકડો મીરાંબાઈ મંદમંદ હાસ્ય કરતાં દેખાવાં લાગ્યાં અને રાણાના હાથમાંથી ખડગ પડી ગયું. તે લડખડાતો પોતાના મહેલ તરફ ભાગી છૂટ્યો. મીરાંબાઈના ગિરિધર ગોપાલે ફરી એકવાર મીરાંબાઈની રક્ષા કરી.

આમ મેવાડમાં મીરાંબાઈનું જીવન સંઘર્ષોની પરંપરા બની ગયું હતું. તેમની ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિનો માર્ગ સંઘર્ષોથી ભરેલો હતો. છતાંયે મીરાંબાઈ અવિચલ રહી નિર્ભયતાપૂર્વક પોતે સ્વીકારેલી સાધનાના પથ પર આગળ વધતાં ગયાં. વિષમમાં વિષમ પરિસ્થિતિ વચ્ચે પણ તેઓ સત્ય પર અવલંબિત રહી, પોતાના સિદ્ધાંતોની રક્ષા કરતાં કરતાં, રાણાના વિરોધોનો સામનો કરતાં રહ્યાં અને આગળ વધતાં ગયાં. કદાચ એટલે જ મીરાંબાઈ વિશ્વનાં સમસ્ત સાધુ જગતમાં આદરનાં હકદાર બન્યાં. માત્ર મીરાંબાઈ જ નહિ, ઈતિહાસમાં ગાંધીજીથી લઈને વોરન બફે સુધીના એવા ઘણા ઉદાહરણો છે કે જેમનું સમગ્ર જીવન જ સંઘર્ષોનો પર્યાય હોય પણ તેઓ એક પછી એક સંઘર્ષોને પાર કરતા ગયા અને પોતાના ધ્યેય તરફ આગળ વધતા ગયા. કહેવાય છે ને કે “Not all storms come to destroy you, some come to clear your path”. આપણાં જીવનના બધા જ વળાંકો આપણને ઉથલાવી પાડવાં નથી આવતા, કેટલાક જીવનને એક સાચી દિશા, એક નવો અર્થ આપવા આવે છે. આપણે બસ હિંમતથી અને નિષ્ટાથી એ બધા વળાંકો વચ્ચે પણ ધ્યેય તરફ આગળ વધતા રહેવાનું છે.

મીરાંબાઈએ પોતાના લૌકિક સંબંધો અને જીવન સંબંધી અગત્યના પ્રસંગોને લઈને એકયાસી પદોની રચના કરેલ છે. આ સર્વે પદો મીરાંબાઈનાં જીવનનાં પદ તરીકે ઓળખાય છે. એમાંથી આપણે ચૂંટેલા થોડાં પદોની લેખમાળાના છેલ્લા ત્રણ-ચાર મણકાઓમાં રસાસ્વાદ કર્યો. લેખમાળાના હવે પછીના મણકામાં આપણે મીરાંબાઈએ પ્રાર્થના-વિનય પર રચેલાં પદોનો આસ્વાદ અને ચિંતન કરીશું. ત્યાં સુધી તમારી સૌની રજા લઉ છું. અને હા, આજે તો તમે આ મણકાને વાંચવાની સાથે સાથે સાંભળી પણ શકશો. આશા રાખું છું કે તમને ગમશે.

તમારાં માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે....

— અલ્પા શાહ

૧૪ – કબીરા

કબીર બીજક – રમૈની
જો આપણે ખરા અર્થમાં કબીરને જાણવો અને માણવો હોય તો તેના મહત્વના ગ્રંથ ‘કબીર બીજક’નો અભ્યાસ કરવો પડે. ‘બીજક’ ગ્રંથ એવો અદભુત છે કે, તેનાં રહસ્યને પામતા બુધ્ધિજીવી પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ કોઈ સાધારણ ગ્રંથ નથી પણ ઉચ્ચકોટીનાં જ્ઞાનનો ભંડાર છે. કબીરે તો કોઈ દિવસ કલમ કે કાગળને હાથ લગાડ્યો નહતો. કબીરે જાતે ગ્રંથ નથી લખ્યા પણ મુખથી ભાખ્યા છે. તે એવા સંત હતા કે તેમની પાસે પોતે અનુભવેલું જ્ઞાન હતું. સામાન્ય માણસ અને સંતમાં તફાવત એ છે કે, આપણી પાસે બે આંખ અને એક દૃષ્ટિ હોય છે, જ્યારે સંતને ત્રણ. માણસને તો ઘણીવાર એવું બનતું હોય છે કે, આંખો હોવાં છતાં પણ દૃષ્ટિ હોતી નથી. સુરદાસજીનો દાખલો લઈએ તો, સંત વગર આંખે પણ ખૂબ સારું તાત્વિક દર્શન કરી જાણતા હોય છે.

કબીર પોતાની સરળ, સાર ગર્ભિત અને મર્મ સ્પર્શી વાણી થકી આજે જીવે છે. કબીરના શિષ્ય ધર્મદાસે કબીરની કંઠોપકંઠ બોલાયેલ વાણીનું મહત્વ જાણી સંવત ૧૫૨૧માં ‘બીજક’ ગ્રંથ રૂપે સંકલન કર્યું અને ભાગોદાસજીએ પુસ્તક સ્વરૂપ આપ્યું. કબીરનાં ગુપ્ત જ્ઞાનધનને બતાવવાવાળા સાંકેતિક લેખને ‘બીજક’ કહે છે. ‘બીજક’ની ભાષા ખૂબ પ્રાચીન છે.

‘કબીરબીજક’ અગિયાર પ્રકરણનો બનેલ છે. ૧) રમૈની ર) શબદ ૩) જ્ઞાનચૌંતીસા ૪) વિપ્રમતીસી ૫) કહરા ૬) વસંત ૭) ચાચર ૮) બેલી ૯) બિરહુલી ૧૦) હિંડોલા અને ૧૧) સાખી. હકીકતમાં આ કાવ્યનાં પ્રકારો છે. ‘કબીર પદ સુધા’માં શ્રી ઈશ્વરભાઈ પ્ર. પટેલે ઉલ્લેખ્યું છે કે, ‘કોઈ ભક્ત કવિએ આ પ્રકારોનું કાવ્યમાં ખેડાણ કબીર સાહેબના સમયમાં કર્યું નથી. કબીર સાહેબે આગવી દૃષ્ટિથી તે સૌ કાવ્ય સ્વરૂપોનો ઉપયોગ કર્યો છે. તે હહીકત નોંધનીય છે.’ આમ જોવા જઈએ તો, ‘શબ્દ’ અને ‘પદ’ કે ‘કાવ્ય’ વચ્ચે કબીર સાહેબની દૃષ્ટિએ કોઈ તફાવત નથી. તેમના માટે તો સાચો ભક્ત, જ્ઞાની અને પંડિત એ જ ગણાશે કે જે આ પદનો અર્થ પકડીને આગળ વધે. માટે જ એમણે (શબદ-૫૫) માં લખ્યું છે કે …

કહંહિ કબીર સુનહુ હો સંતો, જો યહ પદ અરથાવૈ
સોઈ પંડિત, સોઈ જ્ઞાતા, સોઈ ભગત કહાવૈં!’

‘બીજક’માં રમૈની, શબદ અને સાખી મુખ્ય છે. આજે આપણે રમૈનીની વાત કરીશું.

આમ જોવા જઈએ તો, રમૈની ‘બીજક’ની પ્રસ્તાવના ગણાય છે. તેમાં ૮૪ પદ છે. જેમાં કબીરજીએ હિન્દુ અને મુસ્લિમનાં વાડા તોડીને ધર્મને સમજાવ્યો છે. અહીં, એક વાત મારું ધ્યાન ખેંચે છે કે, દરેક પદમાં કબીરે નિર્ભયતાપૂર્વક પોતાના સ્વતંત્ર વિચાર રજૂ કર્યા છે જે મને કબીરા તરફ આકર્ષે છે. ૧૪મી સદીમાં પોતાના દોહાઓ દ્વારા ધર્મના પંડિતોને છંછેડ્યા, મૌલવી અને બ્રાહ્મણોને પડકાર્યા, એ કોઈ નાની સુની વાત છે? તો બીજી તરફ, કબીરજીએ તેમનો ઉપાય સૂચવતા ‘રમૈની’માં મનુષ્યે મોક્ષ તરફ ગતિ કરવાં અને માયાનાં બંધનમાંથી છુટવાં શું કરવું જોઈએ તેનો સુંદર બોધ પણ સરળ ભાષામાં આપ્યો છે.

રમૈનીનાં ૮૪ પદોમાંથી ચાર-પાંચ પદો ખાસ છે. તેમાં કબીરે માનવીને ચેતવણી આપી છે. જીવન જીવવા એ જાણવી જરુરી છે. તેના ૧૧મા પદમાં માણસને ચેતવતા કહ્યું છે કે, ભોગોની વાસના તેને માયાનાં બંધનમાં ફસાવે છે. ૨૧ અને ૨૨મા પદમાં કબીર સમજાવે છે કે, સંસાર કેવળ દુ:ખથી ભરેલો છે, તેથી માણસે વિવેકપૂર્ણ જીવન જીવવું જોઈએ. ૪૪મા પદમાં કબીરે કીધું કે, માનવે સત્સંગ કરવો જ જોઈએ કારણ કે સત્સંગથી જ સાચા જીવવાની રાહ મળે છે. છેલ્લે ૮૪મા પદમાં સમજાવ્યું કે, મુક્તિ મેળવવાં મનુષ્યે સ્વયંમ્ જ પ્રયત્ન કરવો પડે. કબીરાએ બીજાનાં હલેસાં વાપર્યા વગર પોતાની હોડી હંકારી છે અને ઈશ્વર સાથે એકરુપ થયા છે.

આમ, ‘રમૈની’નાં પદો વેદાંત અને તત્વજ્ઞાનથી ભરપૂર છે. તેમાં બીજક ગ્રંથના સારનાં આધ્યાત્મિક રહસ્યોને ઉઘાડવાનો અદભુત પ્રયત્ન થયો છે. કબીરાએ ‘રમૈની’ની રચના દોહા અને ચોપાઈમાં લોકો જે ઢાળે ગાતા હતા તે ઢાળને પોતાની કથન શૈલીમાં ગૂંથી પ્રસ્તુત કર્યા. આમ જૂઓ તો, કબીર સાહેબે તત્વજ્ઞાનની ભારેખમને શુષ્ક લાગતી વાતોને રસિકતાપૂર્વક સરળતાથી રજૂ કરવાનો સન્નિષ્ઠ પ્રયાસ કર્યો ગણાય.

વિરાટ સંસારમાં આપણો અવિનાશી જીવ ૮૪ લાખ યોનીઓમાં ભટકે છે તેમ કહેવાય છે. આ ૮૪ લાખ યોનનીઓમાંથી મોક્ષ તરફ ગતિ કરવાની ચાવી, આ ૮૪ પદમાં કબીરાએ સૂચવી છે. કબીરે રામનામનું મહત્વ સમજાવતાં નીચેથી ચોપાઈ રમૈનીમાં ગાઈ છે.

કહૈં કબીર પુકારિકે, ઈ લેઉ વ્યવહાર,
રામ નામ જાને બિના,ભવ બૂડિ મુવા સંસાર.

કબીરે ક્યાંય કોઈ ચોપાઈ કે દોહા, ભજનમાં પોતાનું નામ ચીતર્યું નથી. કબીર એક સહજ ઝરણાં જેવું જીવન જીવ્યા અને જીવનમાં જળ ઉપર પોતાની સહી કરી ગયા અને વહેતા પવનને પોતાના હસ્તાક્ષર આપી પોતાની રચના આપી. આજે ૬૫૦ વર્ષથી પવનના સુસવાટા સાથે કબીર આપણાં ઘરમાં જીવે છે અને દિલમાં પ્રવેશે છે.

જીગીષા પટેલ 

હાં રે દોસ્ત, હાલો અમારે દેશ – 15 : મેઘાણીનું અનુસર્જન : સૂના સમદરની પાળે રે!

નોતી એની પાસ કો માડી રે,
નોતી એની પાસ કો બેની!
વ્હાલાના ઘાવ ધોનારી, રાત રોનારી કોઈ ત્યાં ન્હોતી!
રે સૂના સમદરની પાળે.
માડીને વાતડી કે’જે રે… માડીને વાતડી કે’જે
ખેલાણા કોડથી કેવા કારમા રૂડા ખેલ ખેલાણા
રે સૂના સમદરની પાળે.
ભોમિયાના શબ્દો અને સુરની તાકાતમાં પેલા પાળિયા પણ જાણેકે જીવતા થયા અને જામનગરના જામ સતાજીએ જે ક્ષત્રિયધર્મ બજાવીને શરણે આવેલ મુજફ્ફરને બચાવવા અકબર સામે યુદ્ધ વહોર્યું તે ઇતિહાસ જીવંત કર્યો. સૌની આંખ ભીંજાઇ ગઈ. જેમ જેમ એ ગીત આગળ વધતું ગયું તેમ તેમ અશ્રુ રુદન ખાળવું અશક્ય બનતું ગયું.
વીરા મારો દેશડો દૂરે રે, વીરા મારું ગામડું દૂરે
ભેળા થઈ પૂછશે ભાંડુ, રણઘેલૂડો કેમ રોકાણો?
રે સૂના સમદરની પાળે !

આખું ગીત પૂરું થયું ત્યારે કોઈ જ કશું જ બોલવાની સ્થિતિમાં નહોતું. ઝવેરચંદ મેઘાણીનું આ અમર ગીત કદાચ સૌનું જાણીતું હતું, પણ આટલું હ્ર્દયસ્પર્શી હોઈ શકે તે માની શકાતું નહોતું.
કાળમીંઢ યુદ્ધ અને દેશના આ જીવંત થયેલ ઇતિહાસે સૌને અવાચક કરી દીધાં. યુદ્ધની નીતિ અનુસાર, સૂર્યાસ્ત થતાં યુદ્ધ વિરામ થાય અને ઘાયલ રણબંકાઓને સારવાર માટે ગામમાં લઈ જવાય; ત્યારે છેલ્લા શ્વાશ લેતા આ જુવાનનું અંતિમ બયાન, મોતનો ઓછાયો જીવતર માથે જયારે ઉતરી રહ્યો છે ત્યારે એ ઘણે દૂર આવેલ પોતાનાં જ ગામનાં ઓછા ઘાયલ થયેલ ભેરુને જણાવે છે – આખરી સંદેશ !

પણ ભોમિયાએ જયારે કહ્યું કે, આ ગીત મેઘાણીનું અનુસર્જન છે, ત્યારે તો આશ્ચર્યની અવધિ જ ના રહી ! હા ! મેઘાણીનું અનુસર્જન !

મૂળ કાવ્ય છે બિન્જન ઓન ધ રહાઈન! Bingen on the Rhine ! ઓગણીસમી સદીમાં ( 1867) કવિ કેરોલાઇન એલિઝાબેથ સારાહ Caroline Elizabeth Sarah એ આ કાવ્ય કથાગીત લખ્યું હતું. (જાણે કે The dying soldier’s declaration!)
The dying soldier faltered as he took that comrade’s hand,
And he said, “I never more shall see my own, my native land.
Take a message and a token to some distant friend of mine,
For I was born at Bingen – Bingen on the Rhine!”
રહાઈન નદીને કિનારે આવેલ બિન્જન ગામનો એ યુવાન પોતાના સાથીદાર સાથે સંદેશો મોકલે છે. અને ઝવેરચંદ મેઘાણીનો આ નાયક જે સંદેશો મોકલે છે તે કેટલાં સમાન અને છતાં ભિન્ન છે!
ઝવેરચંદ મેઘાણીનું આ અનુસર્જન વધુ વેધક અને અસરકારક બન્યું છે! એમનાં લોકગીતો જેટલાં સુંદર છે એટલાં જ એમનાં રાષ્ટ્રભક્તિનાં શૌર્ય ગીતો પણ ચોટદાર, મડદાંને ય બેઠાં કરી દે તેવાં છે! તેમને રાષ્ટ્રીય શાયરનું હુલામણું નામ અમસ્તું મળ્યું નહોતું. પછી તે સ્વયં સ્ફુરિત હોય કે પ્રેરિત! કોઈપણ વિચાર બીજ સ્ફૂરે તેને પોતાની પ્રતિભાથી વિકસાવે! એક અંકુર દિલમાં વસે પછી પાંગરે અને પલ્લવિત થઈ મ્હોરી ઊંઠે મેઘાણીની કલામે.
એમનાં અનુસર્જનોમાં શિર મોર : મન મોર બની થનગાટ કરે કાવ્યનું રસ દર્શન આવતે અંકે !

(નીચે ટિપ્પણીમાં આખું કાવ્ય રસિક વાચકની જાણ માટે આપ્યું છે .)

 

Link to listen to the audio of above article.

https://youtu.be/RTib8zE-okE