હળવેથી હૈયાને હલકું કરો-૨

ઓગસ્ટ ૧૮મી  ૧૯૮૩ ,તે દિવસે હું હોસ્પીટલનની રૂમમાં એકલી હતી. મારી આંખો પતિની રાહ જોતા થાકી ગઈ. સાંજ પડી એ હજી કેમ ન આવ્યા ? હું બારી બહાર આકાશને વેદનાસભર લાચારીથી ખામોશ જોતી રહી. અસહ્ય વેદનાથી મારું દિલ ભરાઈ આવ્યું. કેટલાય વિચારો મને ઘેરી વળ્યા…
       માત્ર સવા મહિના પહેલા જ મારા લગ્ન થયા હતા અને  મેં પ્રથમ વાર લંડન માન્ચેસ્ટરની ધરતી પર પગ મુક્યો હતો. અજાણી ધરતી પર મારે મારા છોડને રોપવાનો હતો, બધું જ નવું- લોકો, વાતાવરણ, અરે! ચલણી નોટો પણ અહી જુદી..બધું જ ભારે  અને અઘરું લાગતું હતું. મેં મારા હાથ સામે જોયું ..હાથની મહેંદી પણ સુકાણી ન્હોતી અને સામે હોસ્પીટલની એ સફેદ દીવાલ મારા સામે અટ્ટહાસ્ય કરતી હતી.ઓપરેશન પહેલા ડૉરે આપેલ કાગળિયાં જાણે રૂમમાં પવનનો  તોફાન રચતા હતા ..આમાં ઝીણવટથી વાંચી સહી કરજો, તમને પેટમાં ગાંઠ છે, તમારાં અંડાશય ને અડીને, કદાચ ગર્ભાશયને પણ નુકશાન કર્યું હોય, સર્જરી દરમ્યાન અમારે અંડાશય અને ગર્ભાશય ને પણ કાઢી નાખવા પડે …તમે કદાચ માં નહિ બની શકો અને વીજળી પડી.. એકાદ ક્ષણ માટે હું  ધ્રુજી ગઈ …આંસુ પણ ટપકવાનું ભૂલી ગયા, બધું જ સ્તબ્ધ, દુઃખ જાણે વિજય પામ્યું.એનો ડંખ મારા રોમેરોમમાં વ્યાપી ગયો. બે દિવસમાં આવી જાવ, શરીરમાં લોહીની પણ ખામી દેખાય છે માટે એક દિવસ વહેલા આવજો લોહી ચડાવું પડશે.હું ચુપચાપ ત્યાંથી નીકળી અને બસ સ્ટોપ પર પહોંચું  તે પહેલા બસ આવી ગઈ, હું દોડી, હાંફતા હાંફતા બસ પકડી બેઠી પણ હાંફ ઓછી ન થઇ. મારા ઘરે એક કલાકે પહોંચી  પણ આજે બસમાં મારી સાથે જાણે દુઃખે પણ સવારી કરી, દુઃખ સોયની અણીની જેમ ભોકાતું હતું ,ડૉ. ના વાક્યો ખુંચતા હતા. મારા મને એકલા જ એક કલાક દુઃખ સાથે યુદ્ધ લડ્યા કર્યું. મારા કાનમાં જોર જોરથી ડૉ.ના અનેક વાક્યો સંભળાતા હતા જાણે કાનમાં ધગધાગતું સીસુ રેડ્યું હોય એવી અસહ્ય પીડા હું અનુભવતી હતી . “સ્ત્રી જયારે માં બને ત્યારે જ સંપૂર્ણ કહેવાય”. કંપારી આવી ગઈ પણ કોને કહું ?  કાન જ નહીં, આંખોને પણ મેં કચકચાવી, ક્યાંય સુધી ગુપચુપ બેસી રહી,તે દિવસે જાણે બસની ગતિ ધીમી હોય તેવું લાગ્યું. ઘરે જઈને મારે રડવું હતું.ભગવાન મારો માતૃત્વનો અધિકાર આમ કેવી રીતે લઇ શકે ?
       આજે ઓપેરેશન પણ એકલી જ કરાવીને  આવી, એ મને મુકીને કામે ગયા.. આ દેશ કેવો છે ? અને એમની આ નોકરી ? આખો દિવસ એમની રાહ જોવામાં કાઢ્યો . ડૉ. પણ એમની રાહ જોતા હતા. મારા શરીરમાં મારું આસ્તિત્વ હશે ને? મારા રિપોર્ટ શું હશે ? હું માં બની શકીશ કે નહિ ?મારા હાથ અજાણતા મારા પેટ પર દબાઈ ગયા અને એક સિસકારો નીકળી ગયો. ઓ માંડી..મારી આશાના પીંછા એક પછી એક ખરવા માંડ્યા હું ધીરેથી ઉભી થઇ, બારી બંધ કરી હોસ્પીટલની રૂમના બારણા બંધ કર્યા, પ્રકાશને પણ આવવાની મનાઈ કરતા મેં પડદાને પણ બંધ કર્યા અને ખુબ  ધ્રુસકે ધ્રુસકે રડી, આભ ફાડીને, છાતી ચીરીને રડી.મમ્મી, આ પરદેશમાં સાવ એકલી તે મને આ ઊંડા પાણીમાં કેમ ધકેલી દીધી? ક્યાંય સુધી દુઃખની પરકાષ્ઠાને અનુભવતી વેદનાની તીવ્રતાને આંસુમાં વહાવતી રહી, હું આંસુના દરિયાને પીતી રહી અને પછી અશબ્દ સ્તબ્ધ બની ગઈ. થોડી ક્ષણો માટે બધું શાંત ..આંસુ એ ટપકવાનું બંધ કરી દીધું અને મેં વાસ્તવિકતાનો ખુલ્લી  આંખે  સામનો કર્યો. કોઈ મનુષ્યની અનિવાર્યતા ન રહી.God threw me in at the deep end, and I learned quickly.મેં આત્મવિશ્વાસ કેળવી લીધો.જે હશે તે હું સ્વીકારીશ.સત્યનો સામનો કરીશ,મારું બાળક નહિ થાય તો હું બાળકને દતક લઇ મારો બધો સ્નેહ તેના પર ઢોળીશ. મને થોડી કળ વળી,..હું  હકારત્મક અભિગમથી  ઉભી થઇ.બારીઓ ખોલી મેં ખુલ્લી હવામાં શ્વાસ લીધો.
        એક નારીના કેટલાંક સંવેદનો એના પોતીકા હોય છે. હૈયાની વાતને હળવે થી હલકું કરતા સ્ત્રીઓને ખુબ વાર લાગે છે અને આ વાત તો જાણે ખૂબ વ્યક્તિગત.. જીવનની કેટલીક ઘટનાઓ તંતોતંત સમજાવી  શકાતી નથી, માત્ર સ્વીકારવી જ પડે છે. સંજોગો આવી પડે ત્યારે પહેલી શંકા પોતાના ઉપર હોય છે અને બીજી શંકા પરિસ્થિતિમાંથી ઉદભવે છે ત્યારે નકારાત્મકતા હૂંફ નહિ હાફ સર્જે છે. દરેક માણસના જીવનમાં મોજા આવતા જ હોય છે, વાત એના ઉપર સવાર થવાની છે.આવેલ મોજા સાથે આગળ વધવાનું અઘરું છે.દુઃખ અને મુશ્કેલીઓ સામે ઝઝૂમતો, વિરોધોની વચ્ચે રહીને માર્ગ કાઢતો, વિપરીત પરિસ્થિતિ સામે અડગ રહી પોતાના ધ્યેયની દિશામાં આગળ વધતો મનુષ્ય જે આંતરિક શક્તિઓ પ્રાપ્ત કરે છે.જે જીવથી જીવે છે. એનું જ જીવન બને છે બાકી તો નકારની નનામી લઈને ડાઘુની જેમ ફરવાનો કોઈ અર્થ નથી. દરેક મનુષ્યના જીવનમાં સૌન્દર્ય છુપાયેલું હોય જ છે. હતાશ થઇ આવા વૈભવને નકારત્મક ભાવનાઓથી નાશ કરવાનો શો અર્થ ?આવેલી ક્ષણો ઝીલી લેવાની ક્ષમતા હોવી જોઈએ.પ્રતિકૂળતાઓ અને અનુકૂળતાઓએ મનનું એક વલણ છે. જો પરિસ્થિતિને આપણે વિકટ ને મુશ્કેલ માનીએ, અને હતાશ થઈ બેસી જઈએ, તો સઘળી પરિસ્થિતિ પ્રતિકૂળ જ બની જશે.જીવનને કેવળ તર્કથી કે ગણતરીથી નથી જીવાતું. હા, આપણે તર્કની પાર ઉતરી જે આગળ વધ્યા છે તેવી વ્યક્તિની વાત કરવી છે.
             મિત્રો, તમે કોઈવાર કોઈ વખત જિંદગીના મોટા મોજાને ઓળંગી બહાર આવ્યા હો, તો મને જરૂર જણાવશો, આપણે જ આપણા જીવનમાં રોજે રોજ ડોકીયાં કરીશું તો ગઈકાલમાં અને આજમાં બદલાવ જોવા મળશે! ગઈકાલનો આનંદ, આજનો શોક. આજનો શોક કે આજનો આનંદ, આવતીકાલે કેવું રૂપ ધારણ કરશે એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે મતલબ એમ થાય કે ‘સત્ય’ શાશ્વત છે. કુદરત શાશ્વત છે. જન્મ-મરણ ચાલે છે અને ચાલતું રહેવાનું. અચરજની વાત એ છે કે સત્ય શાશ્વત છે અને  સત્ય નોટઆઉટ છે. એવું માણસને અંદરથી સમજાય છે. પણ સ્વીકારવામાં મોડું થતું હોય છે. દરેક માણસ થોડો વાસ્તવિક બનીને પોતાની જિંદગીનું ‘પોસ્ટમોર્ટમ’ રોજેરોજ કરશે તો કદાચ જીવતર વ્હાલુ લાગશે.

૩૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ઘેર બેઠે ગંગા

આ કહેવતનો અર્થ છે ન ધારેલું ઘેર આવીને મળી રહે અથવા તો જોઈતુ હતુ તે સામે આવી ગયું. ગંગા એટલે જ્ઞાન. એના માટે હિમાલય જવાની જરૂર નથી. જ્યાં શિવ છે, જ્યાં શિવત્વ છે ત્યાં ગંગાનું અવતરણ થાય છે જ. જ્યાં પવિત્રતા છે, સ્વીકાર છે ત્યાં ગંગા સરળતાથી પ્રગટ થાય છે. તેનું આચમન ઘેર બેઠા કરી શકાય છે. બસ ખુલ્લા દિલે, તમામ ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને તેનું આવાહન કરો. ગંગાનો સ્વભાવ છે વહેવું. તેનામાં ગમે તેટલી નકારાત્મકતા, કચરો ઠલવાયેલો હશે પણ ગંગા ક્યારેય અપવિત્ર થતી નથી. તેનું બુંદ માત્ર, મરનારની સદ્‍ગતિ કરે છે. માટે આપણે કહીએ છીએ, “હર હર ગંગે.”

એક વાર્તા છે. એક વ્યક્તિ જીવવા માટે ખૂબ પાપ કરતી. શિવજીએ તેને પૂછતાં તેણે કહ્યું કે હું જે પાપ કરું છું તે દર વર્ષે ગંગામાં નાહીને માતા ગંગાને અર્પણ કરી દઉં છું. મારી પાસે પાપ જમા થાય જ નહીં. આ સાંભળી શિવજીએ જટામાં સમાયેલી ગંગાને પૂછ્યું, જો તે સાચું હોય તો પૃથ્વીના જન્મથી અત્યાર સુધીમાં માનવજાતનાં કેટલાં પાપો ગંગાજીએ ગ્રહણ કર્યાં હશે! ગંગાજીએ ઉત્તર આપતાં જણાવ્યું કે એ હું મારી પાસે રાખતી નથી પણ સમુદ્રને આપી દઉં છું. શિવજીએ સમુદ્રને પૂછ્યું, આટલા પાપનો સંગ્રહ કરીને તું કેવી રીતે નિરાંતે જીવી શકે છે કારણ કે તારામાં આવી અનેક નદીઓ પાપ ઠાલવતી હશે. સમુદ્રએ ઉત્તર આપ્યો કે હું એ પાપોને વરાળ સ્વરૂપે વાદળોને આપું છું. જેને કારણે સફેદ વાદળા, પાપ વળગવાથી કાળા ડિબાંગ દેખાય છે. શિવજી વાદળા પાસે આવ્યા. વાદળાએ જવાબ આપતાં કહ્યું, પ્રભુ, પાપ તો સમુદ્ર મને જ આપે છે પરંતુ હું તો જેનું પાપ હોય તેને વરસીને પાછું આપી દઉં છું અને પાછું સફેદ થઈ જાઉં છું. આમ વિષચક્ર પૂરું થાય છે.

જોજનો દૂર પરદેશમાં વસતાં ભારતીયો માટે આ કહેવત સાર્થક થતી હું જોઈ રહી છું. હાલમાં કેલિફોર્નિયાની હવેલી માટે નવી જગ્યા નિર્માણ થાય છે તે હેતુસર પુરુષોત્તમ સહસ્ત્રનામનો જપયજ્ઞ જે. જે. શ્રી દ્વારકેશલાલજીના સાનિધ્યમાં વૈષ્ણવોને સંપન્ન થયો. જેનો આબાલવૃદ્ધ તમામે લાભ લીધો. અદ્‍ભૂત અને અવર્ણનીય નજારો હતો. જે ભારતમાં શક્ય નથી બનતું તે અહીં વિદેશમાં જોવા મળે છે. ભારતથી વિવિધ મંદિરોમાં, વિવિધ સંપ્રદાયનાં ધર્મવડા આવીને તેમની વાણી દ્વારા જ્ઞાનયજ્ઞ કરે છે જેનું પાન કરીને સૌ તૃપ્ત થાય છે. બાળકોમાં ધાર્મિક સંસ્કારની જડ મજબૂત બને છે. જેઓને ઘેર બેઠે સત્સંગ મળે તે માટે કીર્તન છે, “જે સુખને ભાવ ભવ બ્રહ્મા રે ઇચ્છે તે રે શામળિયોજી મુજને રે પ્રી છે, ન ગઈ ગંગા, ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યાં અક્ષરવાસી.”

જવનિકા એન્ટરપ્રાઇસ, ICC જેવી સંસ્થાઓ અનેક કલાકારો ભારતથી અહીં લાવીને અહીં વસતા લોકોને સંગીત, નૃત્ય, ડાયરો, નાટકો દ્વારા જ્ઞાન અને મનોરંજન પૂરું પાડે છે. વિશ્વભરનાં કલાકારો સાથે હાથ મિલાવીને તમે વાત કરી શકો જે અહીં શક્ય બને છે.

હાલમાં બૅ એરિયામાં ચાલતી ગુજરાતી ભાષાને જીવંત રાખતી, સાહિત્ય માટે કામ કરતી “બેઠક” સંસ્થામાં “જૂઈ-મેળો” યોજાયો જેમાં સ્થાનિક કવયિત્રીઓએ સ્વરચિત કવિતાનું પઠન કર્યું. આ સાહિત્યરસિકો માટે લહાવો હતો. સાહિત્યક્ષેત્રમાં “બેઠક”નું પ્રદાન મોટું છે. તેમાં અનેક દાતાઓના સહયોગથી, અનેક સાહિત્યકારોના જ્ઞાનથી જ્ઞાનપિપાસુ તૃપ્ત બને છે. વળી “પુસ્તક પરબ” દ્વારા પુસ્તકો પૂરા પાડીને વાંચનક્ષુધા તૃપ્ત કરવાનો યજ્ઞ પણ ચાલી રહ્યો છે. વતનથી દૂર વસતાં ભારતીયોનો વતન ઝુરાપો તેમને સાહિત્ય, સંસ્કૃતિથી વિખૂટા ન પાડે તે માટે પુસ્તક પરબ, બેઠક, ડગલો, ટહૂકો, ગ્રંથ ગોષ્ઠિ, વગેરે અનેક સંસ્થાઓ ઘેરબેઠા જ્ઞાનગંગા વહાવે છે.

સિનિયરો કે જે પોતાનું મૂળ છોડીને તેમના જીવનના અંતિમ પડાવ પર બાળકો સાથે આવીને પરદેશમાં વસ્યાં છે તેઓ મૂળને ઝંખે છે. અહીં સિનિયરના શારીરિક અને માનસિક વિકાસ માટે તેમ જ તેમનાં આચાર-વિચારનાં વિનિમય માટે અનેક સિનિયર સેન્ટરો ચાલે છે.

જેમ અધ્યાત્મમાં ઘેર બેઠે ગંગા હોય છે તેમ આયુર્વેદમાં પણ હોય છે. સ્વાસ્થ્ય અંગે અનેક સમસ્યાઓ હોય છે. તેના માટેની ઘરગથ્થુ દવાઓ આયુર્વેદમાં હોય છે જે આપણા રસોડામાંથી સરળતાથી મળી રહે છે. ઘણી ઔષધીઓ હાથ વગા ડોક્ટરની ગરજ ગરજ સારે છે.

આજે ઈ-સાહિત્ય, ઈ-મેઈલ, ઈ-શોપિંગ, ઈ-બેન્કિંગ, ઇન્ટરનેટ થકી ઘેરબેઠે ઉપલબ્ધ બને છે. દરેક પ્રકારનું શિક્ષણ ઇન્ટરનેટ દ્વારા શક્ય બન્યું છે. ભગવાનની આરતી ઘેરબેઠા થાય છે. જાત્રા કરવાની જરૂર નથી રહેતી. ઘેરબેઠા વ્યક્તિ તેના શોખને સફળતામાં ફેરવીને સિદ્ધિનાં શિખરો સર કરી શકે છે. પ્રશ્ન છે આસાનીથી ઘેર બેઠા થયેલા લાભને, મળેલી તકને આવકારવી, સ્વીકારવી.

જો હૃદયમાં શિવની સ્થાપના કરીએ તો ખુદ ગંગાધર બની શકાય છે. આ યાંત્રિક યુગમાં ગંગાને ઘેર આવવું પડે છે. માણસે પોતાના જીર્ણોદ્ધાર માટે સજાગ રહેવું જોઈએ. ઘેર બેઠે ગંગા આવે તો તેને શોધીને સ્વીકારતા આવડવું જોઈએ.

સંવેદના ના પડઘા-૩૪ મૈં દેશ નહીં મિટને દૂંગા

સૌગંધ મુઝે ઈસ મિટ્ટીકી , મૈં દેશ નહીં મિટને દૂંગા !
મૈં દેશ નહીં રુકને દૂંગા, મૈં દેશ નહી ઝુકને દૂંગા !
હા જી હા ,આજે ર૩મીમેંચૂંટણીના  પરિણામના દિવસે હું પણ આનંદના આંસુઓ સાથે ,ભારતના કરોડો ભારતવાસીઓ સાથે ,મહાનાયકના મહાવિજયની ખુશી મનાવી એ જ લાગણીની પરાકાષ્ઠા અનુભવી રહી છું. દેશવાસીઓએ આપણા સૌના લાડીલા નેતા ,દેશપ્રેમની મિસાલ એવા શ્રી નરેન્દ્ર મોદીને ચૂંટીને એક વ્યક્તિ કે એક સરકારને જ નહી પણ ભારતની ભાવી પેઢીના અને દેશના ઉજ્જવળ ભવિષ્યને ચૂંટ્યું છે.
સફરમેં ધૂપ તો હોગી ,જો ચલ સકો તો ચલો,સભી હૈ ભીડમેં ,તુમ ભી નિકલ સકો તો ચલો…..
યહાં કોઈ કીસીકો રાસ્તા નહીં દેતા, મુઝે ગિરાકે  તુમ સંભલ સકો તો ચલેા……
આ નિદા ફાઝલીની ગઝલને અનુસરનાર યુવાવસ્થાથી જ દેશને વરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના
અનુયાયી મોદીજી એક અદના દેશસંત છે. આજે સ્વર્ગમાંથી વીર સાવરકરજી,ડો.હેડગેવારજી અને ગુરુજી તેમની ડબડબાઈ આનંદભરી આંખોથી મોદીજીને આશીર્વાદ વરસાવી રહ્યા હશે .તેમના સપનાનું ભારત હવે તેમને ચોક્કસ જોવા મળશે કારણ ભારતદેશની ડોર હવે “ પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું” કહેનાર છપ્પન ઈંચની છાતીવાળા ,ખરા અર્થમાં દેશસેવકનાં હાથમાં આવી છે.આવા ભારતના વીર સપૂતને અમેરિકામાં રહીને ,ટી.વી. પર જોઈને ,મારા હ્રદયની સઘળી સંવેદનાનો  જુવાળ ,કોઈ અનેરા આનંદ સાથે ખળભળી ઊઠયો અને હું પહોંચી ગઈ મારા પિતાના ઘરમાં જયાં મેં કેટલાેક સમય નરેન્દ્રભાઈ સાથે વિતાવ્યો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક,સેવક અને ચુસ્ત અનુયાયી પિતા માણેકલાલના ત્યાં જન્મેલ અમે સૌ ભાઈબહેનને સંઘના અનેક મહાનુભાવોને મળવાનો લહાવો મળેલ. સંઘના અનેક પ્રચારકો,સર સંઘચાલકો અને નેતાઓ જેવાકે શ્રી શૈષાદ્રીજી,શ્રી સિકંદર બખ્તજી,શ્રી અટલજી,શ્રી મુરલી મનોહર જોષીજી,શ્રી અડવાણીજી અને શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજીની અવરજવર અમારા ઘેર રહેતી.
એ સમય હતો જ્યારે નરેન્દભાઈ સંઘના પ્રચારક હતા.અમારે ઘેર સંઘના અનેક પ્રચારકોની જેમ તે પણ
અનેક વાર જમવા અને કામ અંગે પિતાને મળવા આવતા.૧૯૭૫માં ઈન્દીરાજીએ જાહેર કરેલ પ્રેસ ઈમરજન્સી દરમ્યાન લોકો પર થયેલ અત્યાચારેાથી વાકેફ કરવા અંગેની મીટિંગઅમારે ત્યાં થતી.ત્યારે હું પણ મારા દીકરાનાે જન્મ થએલ તેથી ત્યાંજ હતી તેથી મોદીજીને દરરોજ મળવાનું થતું. પ્રેસ હોવાને નાતે મારા પિતાને જેલમાં જવું પડ્યું ત્યારે તે અમને અમારા વડીલબંધુની જેમ હૂંફ  આપતા.ત્યારબાદ મુરલી મનોહર જોષીજીની આગેવાની હેઠળ શ્રીનગરમાં ભારતનો ધ્વજ લહેરાવવા ,ત્યાંના ભારત વિરુદ્ધ નાજુક વાતાવરણમાં મારા પિતા અને નરેન્દ્રભાઈ પણ સાથે ગયા હતા.કાશ્મીરથી પાછા ફરીને નરેન્દભાઈએ  જે જોશપૂર્વક આખા પ્રસંગનો અમારી સમક્ષ આંખે દેખ્યો અહેવાલ, મારા પિતાને ઘેર બેસીને આપ્યો હતો તે આજે પણ મને યાદ છે.
સંઘના પ્રચારક તરીકે દેશાટન કરીને ખરા અર્થમાં તેમણે દેશના લોકોની મુશ્કેલીઓને જાણી છે. તેની જાણ તો સૌ કોઈને છે પરતું અમારા ઘરના દરેક સુખદુ:ખના પ્રસંગે ,મારા ભાઈ,માતા કે પિતાનું મૃત્યુ હોય કે ભાઈની દીકરીના લગ્ન હોય તે સમયે તે ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર હોય કે વડાપ્રધાન પદની ચુંટણીમાં અતિ વ્યસ્ત હોય તે અમારા અંગત કુટુંબીજનની જેમ હૂંફ આપવા હાજર હોય જ. ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી પણ તેમના કોઈ અંગત કામથી મારો ભાઈ તેમના નિવાસે જાય તો તેને શું જમવાનું ગમશે? તે વિચારી તે અંગેના સૂચનો પણ સેક્રેટરીને આપીને જતા અને કહેતા  સૂર્યાબેન મારી માતા તેમને હમેશાં ગમતા ફરસાણ અને મિષ્ટાન્ન જમાડતા.તેમણે દેશ માટે કરેલ કામો માટે અને એક અદના ચાહીતા વડાપ્રધાન તરીકે તો તેમને આખી દુનિયા જાણે છે.પરતું એક મહા સન્માનનીય હોદ્દે પહોંચ્યા પછી પણ જૂના સંબંધોની ગરિમાને  આવી સરસ રીતે જાળવી રાખવા બદલ તેમને સલામ કરવાનું મન થાય છે. સંઘનાં સદસ્ય બનવા માટે દેશના આજીવન સેવક બનવાની પ્રતિજ્ઞાનું તેઓ શબ્દશ: પાલન કરે છે.આવા દેશભક્તને શત શત વંદન.તેમને આજે ફરીથી વડાપ્રધાન પદ માટે ચૂંટાઈ આવેલ જોઈને ,અમારા એક અંગત કુંટુંબીજન હોય તેમ મારું અંતર અનોખા આનંદથી ઊભરાઈ રહ્યું છે.તેમના વ્યક્તિત્વની ઓળખાણ તેમની આ કવિતા દ્વારા જ રજૂ કરીશ.
મુઠ્ઠી મેં કુછ સપને લેકર,ભરકર જેંબોંમેં આશાએં……
દિલમેં હૈ અરમાન યહી,કુછ કર જાએં,કુછ કર જાએં…..
સૂરજ સા તેજ નહી મુઝમેં, દીપકસા ચલતા દેખોગે….
અપની હદ રોશન કરને, તુમ મુઝકો કબ તક રોકોગે??તુમ મુઝકો કબ તક રોકોગે?
મૈં ઉસ માટીકા વૃક્ષ નહીં, જિસકો નદીઓને સીંચાં હૈ….
બંજર માટીમેં પલકર મૈંને ,મૃત્યુસે જીવન ખીંચા હૈ….
મૈં પત્થર પર લીખી  ઈમારત હું,શીશે સે કબ તક તોડોગે??
મિટનેવાલા મૈં નામ નહીં, તુમ મુઝકો  કબ તક રોકોગે?? તુમ મુઝકો  કબ તક રોકોગે?
ઈસ જગમેં જિતને જુલ્મ નહીં,ઉતને સહનેકી તાકત હૈં….
તાનોં કે ભી શોરમેં રહકર, સચ કહનેકી આદત હૈ….
મૈં સાગરસે ભી ગહેરા હું, તુમ કિતને કંકંડ ફેંકોંગે?
ચુન ચુન કર આગે બઢુઁગાં મૈં ,તુમ મુઝકો કબ તક રોકોગે ?તુમ મુઝકો કબ તક રોકોગે?
ઝુક ઝુક કર સીધા ખડા હુઆ,અબ ફિર ઝુકનેકા શૌખનહીં….
અપનેહી હાથો રચા સ્વયંમ્, તુમસે મિટનેકા ખોફ નહીં….
તુમ હાલાતોંકી ભઠ્ઠીમેં,જબ જબ ભી મુઝકો  ઝોકોગેં ,તબ તબ સોના બનુંગાઁ મૈં…
તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે? તુમ મુઝકો કબ તક રોકોગે?

જયંતિ પટેલ,રંગલાની ચિરવિદાય

 

ગુજરાતી નાટ્યભૂમિ અને નાટ્ય-સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને

તેમના કિરદારના કારણે રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતિ કાલિદાસ પટેલ 

“જ્યારે વ્યક્તિ જૂઠની ચાદર ઓઢીને સૂતો હોય ત્યારે જિંદગી વધારે આરામદાયક અને શાંતિપૂર્ણ હોય છે.”
અને
“હું જ ખોવાઈ ગયો છું ,મેં રચી માયા મહીં,
ને હું ને હું જડતો નથી ,મેં રચી માયા મહીં”
આ ડાયલોગ અને કવિતાના શબ્દો છે સ્વ ડો. જયંતિ પટેલના ના લખેલ “મારા અસત્યનાં
પ્રયોગો”નાટકના.ક્યારેય નહી વિસરાય “રંગલો” ના હુલામણા નામથી જાણીતા શ્રી જયંતિ પટેલ.
સદાય હસતો અને હસાવતો એ ચહેરો મારી નજર સામેથી ઓઝલ થવાનું નામ નથી લેતો.એમની વિદાય નથી થઈ એમનો રંગમંચ અત્યારે બદલાયો છે ઈન્દ્રપુરીમાં. દેવો પણ અત્યારે “અસત્યના પ્રયોગો” જોઈ હસતા હશે.
યુવાવસ્થાથી જ નાટકનાં રંગે રંગાયેલ જયંતિ પટેલનો જન્મ અમદાવાદમાં ર૪ મી મેં ૧૯૨૫માં થયો હતો પરંતુ તેમની કર્મભૂમિ હમેશાં મુંબઈ રહી હતી.પિતા કાલિદાસ તેમને ખૂબ નાની વયમાં છોડી ગયા હોવાથી માતા જશીબેને જ તેમને મામાના ઘેર જ ઉછેરેલા.તેમના મામા એટલે તે વખતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અંબાલાલ તક્તાવાલા.૧૯૪૨ની સ્વાતંત્ર્ય ચળવળમાં ગોળીબારમાં તે પગે ઘવાયા અને બે વર્ષ પથારીમાં રહ્યા.૧૯૪૮માં ગુજરાત કોલેજમાંથી બી.એ થયા. તેમના લગ્ન શારદાબેન સાથે થયા જે વ્યવસાયે પ્રાથમિક શાળાના મોન્ટેસરી ટ્રેઈન ટીચર હતા.તેમને ત્રણ બાળકો નિવેદિતા,વર્ષા અને નિલેશ છે. મુંબઈમાં તેમણે નાટકની સાથોસાથ કેમિકલ અને મિનરલ્સનો વેપાર કર્યો.અખંડ આનંદમાં
‘રંગલાની રામલીલા’ ના શિર્ષક હેઠળ તેમના નાટક અંગેના લેખો છપાતા.૨૦૧૩માં તેમને સાહિત્ય અકાદમી તરફથી”રંગલાની રામલીલા” માટે દ્વિતીય પારિતોષક પણ મળ્યું હતું.તેમણે ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ તેમનો હાથ અજમાવ્યો હતો.
૧૯૬૭માં પુલિત્ઝર ઇનામ વિજેતા નાટકનું ગુજરાતી રુપાંતર કરવા માટે જે.એફ.કે સ્કોલરશીપ હેઠળ ન્યુયોર્ક આવ્યા.૧૯૭૬માં ફરી તેમને ‘ઓલ્ટ્રેનેટીવ થિએટર’ની સ્કોલરશીપ મળી અને પછી લગભગ ર૫ વર્ષ અમેરિકા રહ્યા.તે દરમ્યાન જ ૧૯૮૧માં “નાટ્યયોગ “પર પી.એચ.ડી. કર્યું અને ડો. જયંતિ પટેલની ઉપાધિ પ્રાપ્ત કરી.૧૯૮૨માં સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીના ન્યુયોર્ક મનરો ખાતેના આનંદઆશ્રમમાં જોડાયા.
ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે અભિનેતા,કાર્ટૂનિસ્ટઅને લેખક -દિર્ગદર્શક તરીકે પ્રતિષ્ઠા પામેલ જયંતિ પટેલ એટલે “રંગલો” એ આ દુન્યવી રંગભૂમિને અલવિદા કરી દીધી. ૨૬ મેં ના રોજ ડો. જયંતિ પટેલ ઉર્ફ અભિનયાનંદજીએ  તેમનાે અભિનય દુનિયા પરથી સંકેલી લીધો.સ્વ જયંતિ પટેલે હાસ્ય અભિનેતા અને હ્યુમરિસ્ટ રાઈટર તરીકે ગુજરાતી રંગભૂમિના ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતી નાટકોના ઇતિહાસમાં તેમનું માતબર પ્રદાન છે.ઓલ-ઈન્ડીયા રેડિયો પર તેમણે કેરેક્ટર રંગલો ઘણા સમય સુધી ભજવ્યું હતું. કાર્ટુનમાં રસ હોવાથી તેમણે બંસીલાલ વર્મા ‘ ચકોર’ ના કાર્ટુન
અંગે પણ પુસ્તક તૈયાર કરેલ. તેમણે ભવાઈના સ્વરુપ પર સંશોધન કરી તેને આધુનિક સ્વરુપ આપ્યું.તેમાં સૂત્રધાર “રંગલો” નું પાત્ર ભજવી દેશવિદેશમાં ખૂબ લોકચાહના મેળવી.
“મારા અસત્યનાં પ્રયોગો “ તેમનું ખૂબ પ્રચલિત નાટક હતું. તેમણે રંગીલો રાજા,આ મુંબઈનો માળો,સરવાળે બાદબાકી,નેતા અભિનેતા,સપનાના સાથી,મસ્તરામ,સુણ બે ગાફેલ બંદા જેવા નાટકો લખ્યા અને ભજવ્યા.હું ગાંધી અને ચાર્લી ચેપ્લીન જેવું વિવેચન પુસ્તક લખ્યું.તે ચાર્લી ચેપ્લીનનાં ઘેર પણ રહી આવ્યા હતા.તેઓ ખૂબ ઊંચા ગજાના કાર્ટુનિસ્ટ હતા.ભવાઈ અને કાર્ટુનની કથા તેમના પરિચય – પુસ્તક હતા.અમેરિકામાં પચ્ચીસ વર્ષ રહીને અહીં પણ તેમણે નાટ્યપ્રવૃત્તિ કરી હતી.ત્યારબાદ જીવનના પાછલા વર્ષો તેમણે ભારતમાં રહી પસાર કર્યા. તેમની ખોટ ગુજરાતી રંગભૂમિને હમેશાં સાલશે.
જીગીષા પટેલ
(તસ્વીર- સુરેશભાઈ જાની બ્લોગ -આભાર )

 

વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !

વાત્સલ્યની વેલી ૩૧)મેમોરિયલ ડે – અને શિક્ષણ સરવૈયું !
દર વર્ષે મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ આવે એટલે વર્ષ પૂરું થવા આવ્યું એમ લાગે! અમે વર્ષનું સરવૈયું કાઢીએ ! વર્ષ દરમ્યાન ક્યારેક કોઈ નિયમો ખરડા સ્વરૂપે આવ્યા હોય તે બધું ક્યારેક સપ્ટેમ્બરથી લાગું પડવાનું હોય! પણ આ દેશની ઉન્નતિના પાયામાં આ બધાં વિચાર વિમર્શ જ તો છે ! જેવો કોઈ પ્રશ્ન ઉભો થાય એટલે એના ઉપાયો પણ સૌ શોધવા માંડે! એટલે વાત્સલ્યની વેલીમાં બાળકોને લગતા પ્રસંગો વિષે લખતાં મેમોરિયલ ડે લૉંગ વીકેન્ડ વિષે લખવું વ્યાજબી રહેશે!
વિશ્વના હોંશિયાર બુદ્ધિમાન વિદ્વાનો મુશ્કેલીઓ વેઠીને પણ અહીં વસે છે; કારણ? કારણ કે અહીં આવડતને આગળ કરવાની તક છે! બુદ્ધિના વિકાસની તક છે! સામાન્ય પ્રજાને સારું શિક્ષણ , સામાન્ય માણસને કોઈ પણ જાતની લાગવગ ભલામણ વિના ઉચ્ચ અભ્યાસની સગવડ સહજ મળે છે!
ને તેથી જ તો અબ્રાહમ લિંકન જેવા અત્યંત ગરીબ વર્ગના અને બરાક ઓબામા જેવા નાગરિક દેશના સુકાની બની શકે છે!
આ દેશની શિક્ષણ પ્રથામાં સૌથી મહત્વનું યોગદાન જો કોઈ પ્રેસિડન્ટનું હોય તો તે છે LBJ લિન્ડન બી જોહન્સનનું! ટેક્ષાસના નાનકડા ગામમાં ટીચરની નોકરી કરેલી હોવાથી ગરીબ બાળકોને સમાન શિક્ષણ મળે તે બાબત તેમણે સૌ પ્રથમ વિચારેલું! તો ઉચ્ચ ગુણવત્તા બાબત મહત્વ આપનાર પ્રેસિડન્ટ રેગન હતા! અમેરિકા એટલે સુખ સંપત્તિનો દેશ. અહીં કરેલી મહેનત સોનેરી બનીને ચમકે છે ,એવી એક સામાન્ય માન્યતા છે, કારણકે આવા રાજકારણીઓથી આ દેશ ઘડાયો છે! શિક્ષણની સાથે જ દેશ સેવા પણ એક અગત્યનું અંગ છે! જરૂર પડે તો બધાયે જ લડવા જવું પડે! (આપણી જેમ માત્ર ક્ષત્રીઓએ જ લડવા જવાનું ને યુદ્ધમાં ખપી જવાનું એવું નહીં !) આ ભૂમિ બહાદ્દુર લોકોથી ઘડાઈ છે! અને એ બહાદ્દુરોને પોંખવાનો દિવસ , એ બહાદ્દુરો જે યુદ્ધમાં ખપી ગયાં તે શહીદોને યાદ કરવાનો દિવસ એટલે મેમોરિયલ ડે!
આપણે એને પિક્નિકની ઉજવણીમાં ફરવી નાખ્યો છે!
કારણકે એક તો ઠન્ડીમાં ઠીકરાઈને છ છ મહિના જાણે કે પેટીમાં પુરાઈ રહ્યાં હોઈએ તે સહેજ ઠન્ડી ઓછી થાય અને ત્યાં આ લોન્ગ વિકેન્ડ મળે ! શનિ , રવિ , સોમ ! ત્રણ દિવસની જાહેર રજા! મે મહિનાનો છેલ્લો સોમવાર એટલે મેમોરિયલ ડે! છેક ડિસેમ્બરમાં ક્રિશ્ચમસ ઉપર રજા મળ્યા બાદ જાન્યુઆરીમાં નવા વર્ષની રજા પછી પુરા પાંચ મહિને આવી જાહેર રજા મળે!
બધાં આવી રહેલ ઉનાળાના પ્રોગ્રામો કરવા બેસી જાય ! હરવું , ફરવું , પીકનીક અને પાર્ટીઓ !
તો શું મેમોરિયલ ડે વિકેન્ડ એટલે મોજ – મઝા?
“પ્લીઝ! મેમોરિયલ ડે ના દિવસે કોઈને ‘ હેપ્પી મેમોરિયલ ડે’ કહેશો નહીં !”સીલ -૬ ના કેપ્ટ્ન રોબ ઓ નાઈલના શબ્દો છે: જેમણે બિન લાદનને , મધરાતે પાકિસ્તાનમાં ,એના છુપા ઘરમાં જઈને એને ગોળીએ ઠાર કર્યો. ‘મહેરબાની કરીને આ દિવસને ‘ હેપ્પી’ ના કહેશો ! એ હેપ્પી થઈને ઉજવણી કરવાનો દિવસ નથી !’ એ કહે છે!
કારણકે મેમોરિયલ ડે એ હેપ્પી થવાનો દિવસ નથી .. એ તો
દેશનું રક્ષણ કરતાં ખપી ગયેલ વીર જવાનોને અંજલિ આપી એમની વીરતાને યાદ કરવાનો દિવસ! સદગતના આત્માને સેલ્યુટ કરવાનો દિવસ!
તુમ યાદ ઉન્હેં ભી કરેલો .. જો લોટકે ઘર ના આયેં ! . જો લોટકે ઘર ના આયેં !
દેશની સ્વતંત્રતા માટે , અને એ સ્વતંત્રતાની રક્ષા માટે , જે અમેરિકાને આપણે Land of Opportunity કહીએ છીએ , તેના પાયામાં રહેલ લોકશાહીની રક્ષા માટે અપાયેલાં બલિદાનોને યાદ કરવાનો આ દિવસ!
આમ તો આ દિવસની ઉજવણી છેક સિવિલ વોરથી થઇ છે !

ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકા કાળા ગોરાના ભેદભાવથી વહેચાયેલું હતું , અને સિવિલ વોર શરૂ થઇ- ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા અંદર અંદર યુદ્ધે ચઢ્યા ! ત્યારે યુદ્ધમાંથી ઘેર પાછા ના ફરેલ વીર જવાનોનેકબ્રસ્તાનમાં જઈ અંજલિ આપવાનો દિવસ નક્કી થયો હતો .
જો કે ત્યાર પછી વીસમી સદીના પ્રારંભે પહેલા વિશ્વયુદ્ધ પછી , સમગ્ર અમેરિકાએ એક થઈને યુદ્ધમાં ભાગ લીધો .
યુદ્ધ પૂરું થયે અનેક અજણ્યા પાર્થિવ દેહ દેશ આવ્યા.. જેની ઓળખાણ ના પડી , પણ જેણે દેશ માટે બલિદાન આપ્યાં હતાં એવા કોઈના એ લાડકવાયાની યાદમાં Tomb of the Unknown રચાઈ ! એવા અજાણ્યા કોઈ શહીદની શહાદત ઉપર લખાયેલ એક અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કર્યો જે મૂળ કાવ્ય કરતાંયે વધુ સુંદર છે: ‘કોઈનો લાડકવાયો’!
અમેરિકાએ વિશ્વની ઘણી બધી લડાઈઓમાં ભાગ લીધો છે. (વિશ્વમાં નમ્બર વન રહેવાની શું આ કિંમત ચૂકવવી પડતી હશે ? ) આપણે ત્યાંદેશમાં , આપણે પરતંત્ર હતાં ત્યારે , અંગ્રેજોએ આપણાં લોકોને વિશ્વ યુદ્ધોમાં મોકલ્યાં હતાં.
અંગ્રેજ સામેની સ્વરાજ્યની લડતમાં વીર ભગતસિંહ જેવા અનેકોએ બલિદાનો આપ્યા છે.
તો આપણો દેશ આઝાદ થયા બાદ , દેશની નવરચના થઇ ; રાજાઓના રજવાડાઓ સ્વતંત્ર ભારતમાં જોડાઈ ગયાં પછી જુદા જુદા રાજ્યોનું વર્ગીકરણ ભાષા પ્રમાણે થયું . તેમાંનું એક તે બૃહદ મુંબઈ રાજ્ય!
ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ગુજરાત રાજ્યની માંગણી થયેલ ને અંતે ૧૯૬૦ મે ૧ ગુજરાત મહારાષ્ટ્ર અલગ રાજ્યો બનેલ. એ ચળવળોમાં પોતાના પ્રાણની આહુતિ આપનાર નવયુવાનોનું એક શહીદ સ્મારક અમદાવાદમાં છે જેનો ઉલ્લેખ અહીં કરું તો અસ્થાને નહીં લાગે ! સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરશો તો આવાં વીર જવાનોની ખાંભીઓ તમને જોવા મળશે!
વીર રાજપૂતોની વીરતાને બિરદાવતો દુહો : જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર! અહીં કવિએશૂરવીરનું ગૌરવ કર્યું છે …
તો અહીં અમેરિકામાં , બીજું વિશ્વયુદ્ધ , કોરિયન વોર અને પછી આવી વિયેતનામ વોર! લોકો ભલે કંટાળ્યા હતાં આ બધાં યુદ્ધોથી ; પણ એમાં શહાદતને વોહરેલા જવાનો , એમના કિંમતી જીવનને બિરદાવ્યે જ છૂટકો ! અને કબ્રસ્તાનો અને અન્ય સ્થળોએ પાળિયાઓને ,આ જવાંમર્દોને અંજલિ અર્પવાના , ત્યાં , કબર પાસે દેશનો રાષ્ટ્રધ્વજ ફરકાવી તેમને બિરદાવવાની પ્રણાલિકા શરૂ થઇ.
એકવીસમી સદીમાં યુદ્ધની સ્ટાઇલ બદલાઈ !
ન્યુયોર્કના વર્લ્ડટ્રેડ સેન્ટર પર આતંકી હુમલો થયો પછી ટેરરિઝમ વધી ગયું ! સદ્દામ સાથેની ઇરાકની વોર પછી, અફઘાનિસ્તાન અને સિરિયન વોરમાં પણ અનેક જુવાનો શહીદ થયા . કેમિકલ વેપન અને આતંકવાદે સમગ્ર વિશ્વનો જાણે કે નકશો જ બદલી નાખ્યો !
ભલે ને યુદ્ધ ની રીત બદલાઈ પણ શાંતિ માટે યુદ્ધની જરૂરિયાત તો ઉભી જ છે!! અને અસન્ખ્ય જુવાનો દેશની રક્ષા કાજે હથેળીમાં પોતાનો જીવ લઈને ઝઝૂમે છે! યુદ્ધમાંથી પાછાં આવ્યાં બાદ આ વેટરન્સ લોકોને એમનાં શારીરિક અને માનસિક પ્રશ્નો હોય છે જ. ક્યારેક લડાઈમાં જીતીને ઘણું મમ મેળવ્યા બાદ માનસિક અશાંતિથી પીડાઈને ઘણાએ આત્મહત્યાયે કરી છે! તો એ યુદ્ધના જીવિત સૈનિકોને વધાવવાનો દિવસ તેમને બિરદાવવાનો દિવસ તે વેટરન્સ ડે; અને શહીદ થયેલ વીર સ્ત્રી પુરુષોને અંજલિ આપવાનો દિવસ તે મેમોરિયલ ડે!
પણ એમાં આ પીકનીક અને પાર્ટી ક્યાંથી આવ્યાં? કોઈ પૂછશે .
ઉત્સવ પ્રેમી આપણે સૌ, આવી ત્રણ રજા સાથે મળે એવું વર્ષમાં પણ ભાગ્યેજ બે – ત્રણ વાર મળે- એટલે , આ દિવસોમાં પ્રવાસ કરીએ , પીકનીક અને પાર્ટી કરીએ., મોજ અને મઝા કરીએ!
પણ જેના થકી આ મોજ મઝા છે; જેઓના બલિદાનોથી આ દેશ વિશ્વમાં અગ્રેસર છે તે શહીદોને અંજલિ આપવાનું જ આપણે ભૂલી જઈએ ? અને એને હૅપ્પી મેમોરિયલ ડે કહીને નવાજીએ ?
અરે એ શહીદોની શહાદતને યાદ કરીને ગાજો:
એની ભસ્માંકીત ભૂમિ પર ચણજો આરસ ખાંભી ;
એ પથ્થર પર કોતરજો તમે કોઈ કવિતા લાંબી !
લખજો ખાક પડી આંહીં કોઈના લાડકવાયાની !
અમારાં ડે કેર સેન્ટરનાં બાળકો અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ દોરીને ગૌરવથી મેમોરિયલ ડે ઉજવણીની શરૂઆત કરે છે!

૩૪ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

સ્પર્ધા સતત સફરમાં ફાવી શકો તો ફાવો,
રજૂઆત સાવ જૂદી લાવી શકો તો લાવો.

છપ્પનની છાતી રાખી પડકાર સૌ ઉભા છે,
છપ્પનની છાતી સાથે આવી શકો તો આવો.

ચટ્ટાન ફોડી તોડી શબ્દો હજાર ઉગશે,
બસ એક બુંદ શાહી વાવી શકો તો વાવો

સમયગાળો આશરે ૨૦૦૮ વર્ષાંતનો. અમેરિકન પ્રેસિડન્ટનું ભાવિ નિશ્ચિત કરતી મત ગણતરી શરૂ થઈ ગઈ હતી. એ સમયે બરાક ઓબામા લિડિંગમાં હતા એવા સમાચાર આટલાંટા-જ્યોર્જીયાના એક પબ્લિક પ્લેસના ટી.વી પર ફ્લેશ થયે રાખતા હતા અને ત્યાંના સ્થાનિક લોકોમાં જે જીતનો ઉન્માદ છવાયેલો જોયો છે એ આજે પણ ભૂલાયો નથી. ચહેરા પર આનંદ અને આંખોમાં આંસુની ધાર સાથે લોકલ પબ્લિક ઓબામાની જીત તરફની કૂચ માણી રહી હતી. અમેરિકામાં એ દિવસ સુધી શ્વેત અમેરિકન પ્રેસિડન્ટ જ હોય એવી પ્રણાલી, એ પરંપરા તોડવામાં આફ્રિકન-અમેરિકન ઓબામા વિજયી નિવડ્યા હતા. માર્ટિન લ્યુથર કિંગ પછી ફરી એકવાર એમનામાંની, જાણે ઘરની જ કોઈ વ્યક્તિ મસીહા બનીને, એમનો અવાજ બુલંદી સુધી લઈ જવાના હોય એવી અપેક્ષાઓ એમના ચહેરા પર છલોછલ છલકાતી હતી. ફક્ત અવામના અવાજ જ નહીં પણ અમેરિકાના આંતરરાષ્ટ્રીય સબંધોને પણ મજબૂત બનાવવામાં તેઓ સફળ રહ્યા એ તો આપણે સૌ જાણીએ છીએ. ગાંધીજીની જેમ ડૉ. માર્ટિન લ્યૂથર કિંગે શ્વેત-અશ્વેત વચ્ચે પ્રવર્તતા રંગભેદને દૂર કરવા જે સિવિલ રાઈટ્સ મુવમેન્ટની આગેવાની સંભાળી અને ઈતિહાસમાં એમનું નામ અમર થઈ ગયું. ઓબામા ફરી એકવાર આ શ્વેત-અશ્વેતના રંગભેદ પર પોતાની કાબેલિયતથી ખરા ઉતર્યા.

એવી જ રીતે એટલો જ ઉન્માદ સાવ સામાન્ય પરિવારમાંથી આવતા simple living high thinking ધરાવતા નરેન્દ્ર મોદીએ જ્યારે ભારતની ગાંધી પરંપરા તોડીને જે વિજય પ્રાપ્ત કર્યો, પોતાની કાબેલિયતથી ભારતના વડાપ્રધાન પદે ચૂંટાયા અને અમેરિકાના મેડીસન સ્ક્વેર ખાતે એમની સ્પીચ આપી ત્યારે જોવામાં આવ્યો. લગભગ ૧૮,૫૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ અત્યંત ઉમળકાભેર એમને સાંભળ્યા. એ દિવસ સુધી કોઈપણ ભારતીય નેતાને આવો આવકાર નહીં મળ્યો હોય એવો ઉષ્માભર્યો પ્રતિસાદ એમને મળ્યો.

શું દર્શાવે છે આ ઉન્માદ, આ ઉમળકો?

વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક ચીલો ચાતરીને કોઈ આગળ વધે ત્યારે શક્ય છે એને ય ક્યાં તરત જ તખ્ત કે તાજ મળી જતા હોય છે?

પણ અમેરિકાના શ્વેત પ્રેસિડન્ટની એક પરંપરા તોડીને બરાક ઓબામા આવ્યા ત્યારે એકદમ અલગ માહોલ જોયો. એવી જે રીતે ભારતમાં ગાંધી પરિવારની રાજાશાહી, ગાંધી પરિવારનું વર્ચસ્વ વટાવીને જ્યારે અત્યંત સાદી જીવનશૈલી ધરાવતા મોદીએ ભારતનું સુકાન સંભાળ્યું ત્યારે એવો જ માહોલ જોયો.

આ હદે આટલો ઉમળકાભર્યો આવકાર મળવો એ માત્ર નસીબની જ બલિહારી જ નથી હોતી. એની પાછળ આત્મવિશ્વાસ, મહત્વકાંક્ષા, એ પામવાની ક્ષમતા, ગજવેલ જેવું મનોબળ, સ્વના બદલે સર્વની પ્રગતિની ભાવના અને પ્રત્યેક કદમ પર વેરાતા કાંટા પર ચાલવાની, તમામ ઝંઝાવાતોને ડામીને આગળ વધવા અર્જુન જેવી લક્ષ્યવેધી આંખ હોવી જરૂરી છે. આ તમામનો સરવાળો કોઈ એક વ્યક્તિમાં જો હોય તો વિજય નિશ્ચિત જ છે. સ્વબળે વિજયી બનનાર, નવો ચીલો ચાતરનાર કેટલીય વિભૂતિઓ છે જેમના નામ આજે પણ ઈતિહાસના પાના પર કોતરાયેલા છે.

જીવનમાં આવતી તમામ સ્પર્ધાની સફરમાં ફાવી જવા માટે અનેક પરિબળો કામ કરતાં હોય છે. એક તરફી નજર રાખીને ચાલતા ગાડરિયા પ્રવાહને નાથીને એને યોગ્ય દિશાએ વાળવા એક નવી રજૂઆતને નજર સામે લાવવાની તાકાત હોવી જરૂરી છે. નવી રજૂઆત મુકવાની સાથે જ ઊભા થતા પડકાર ઝીલવાની તૈયારી હોવી જરૂરી છે. ઈતિહાસ કોનાથી અજાણ્યો છે? એક તરફી સોચ ધરાવતા લોકોને કોઈપણ નવી શરૂઆતને સ્વીકારતા કરવા ય ક્યાં સહેલા છે?

આ પરિવર્તન આણતા પહેલા ઊભા થતા પડકારો કોઈ એક ક્ષેત્ર પુરતો ક્યાં સીમિત છે? ધાર્મિક, સામાજિક, વૈજ્ઞાનિક કે રાજકીય ક્ષેત્રની ઘરેડથી માંડીને કોઈપણ નવી શોધને વિશ્વ સામે મુકનારને પણ કેટલાય પડકારોનો સામનો કરવો પડ્યો છે એ કોનાથી અજાણ છે? એ પડકારો ઝીલી લેવા ઢાલ જેવી છાતી જોઈએ. ઘણીવાર કાળમીંઢ પત્થરની ફાંટમાંથી કોઈ એક કૂંપળ ફૂટી આવેલી તો આપણે ય જોઈ છે. બસ એ કાળમીંઢ ચટ્ટાનને તોડી ફોડી નાખવાની જીગર જોઈએ. એક એવો બુલંદ અવાજ જોઈએ જે વર્ષોના વર્ષો સુધી લોક માનસમાં પડઘાયા કરે. નક્કર જમીનમાં એવું ખેડાણ જોઈએ જે આવતી અનેક પેઢી માટે કાયમી ફસલ બનીને લહેરાયા કરે.

કાવ્ય પંક્તિ- જય. એસ. દાવડા

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ- ગુજરાત 28 -સપના વિજાપુરા

આ પહેલા વતન પ્રેમ  અને વતન ઝૂરાપા વિષે લખી ચુકી છુંપણ આ મારે વાત કરવી છે ગરવી ગુજરાતનીમેઘાણીના ગુજરાતની, નર્મદ ના ગુજરાતની, અને કલાપી ના ગુજરાતની. અને સપના વિજાપુરાના ગુજરાતની.જે માભોમ માં મેં જન્મ લીધો જે  માભોમે મને મારું બાળપણઆપ્યું અને જે માભોમે મને યુવાનીનો તરવરાટ આપ્યો, એ ગુજરાત! ભારતમાં ગુજરાત જેવું કોઈ રાજ્ય નથી.કદાચ બધા રાજય વાળા પોતાના રાજ્ય વિષે એમજ કહેતા હશે પણ કહો ક્યાં છે ગુજરાત જેવી સમૃદ્ધિ? હજુ પણ જ્યારે હું યુ એસ એ થી ભારત જાઉં છું તો અને ગુજરાત પહોંચું છું તો મોટો હાશકારો થાય છે જાણે મા ના ખોળામાં પહોંચી ગઈ. એ વહાલ એ પ્રેમ અને એ કરુણા પામું છું જે માના હૈયામાં મળે છે.પીળા ગરમાળા અને જાસૂદ ના ફૂલો જે હવે દરેક રંગમાં જોવા મળે છે. રસ્તાની બંને બાજુએ બોગનવેલ જાણે બે હાથ પ્રસારીને ગળે લગાડવા માટે તૈયાર છે.અમદાવાદમાં ગાંધીજીનું સ્મારક ફરી નવો જોશ પેદા કરે છે. બરોડાનું સરદાર પટેલનું સ્મારક આકાશ સાથે વાતો કરે છે, જેનાથી ગર્વથી ગરદન ઊંચી થઇ જાય છે.

ગુજરાત ની સરહદ મહારાષ્ટ્ર, પાકિસ્તાન, રાજસ્થાન અને મધ્યપ્રદેશ ને મળે છે. ગુજરાત ખેતીપ્રધાન રાજ્ય છે. અહીંની જમીન ફળદ્રુપ અને ઉપજાઉ છે.ગુજરાતમાં મુખ્ય પાક તમાકુ,રુ, ચોખા, ઘઉં જુવાર. બાજરો,તૂર અને ચણા છે. ગુજરાત એક પૈસાવાળું રાજ્ય ગણાય છે.

ગુજરાતમાં ગાંધીજી, સરદાર પટેલ જેવા આઝાદીના લડવૈયા તથા મોદીજી તથા મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રભક્ત વડાપ્રધાન , મેઘાણી , નર્મદ, સ્નેહરશ્મિ, પન્નાલાલ પટેલ, કનૈયાલાલ મુનશી,ઉમાશંકર જોષી ,કલાપી અને દલપતરામ જેવા કવિઓ થઈ ગયા છે. સાહિત્ય થી સમૃધ્ધ આ રાજ્યનો ઇતિહાસ પણ એટલો  સમૃધ્ધ  છે.

ગુજરાતી હોય અને ધંધાદારી મગ ના હોય તે શી રીતે બને?  ગુજરાતથી અનિલ અંબાણીમુકેશ અંબાણી, દિલીપ સંઘવી, અને ગૌતમ અદાનીજે હાલ ભારતના સૌથી મોટા બીઝનેસમેન ગણાય છે, આવેલા છે. છે.ઈશ્વરે પૈસા સાથે મગ અને અક્કલ પણ આપેલી છે.

મે,૧૯૬૦ ગુજરાત સ્થાપના થઈ હતી. અને આ સ્થાપનાનો દિવસ અમેરિકામાં ગુજરાત ગૌરવ દિવસ તરીકે મે, ૧૧ ના રો ઉજવાઈ છે.અમેરિકામા રહીને ગુજરાતીઓ ગુજરાત માટે ગૌરવ અનુભવે છે એ મારી મા ભોમ કેવી સુંદર હશે.અમેરિકા આવી ગયા, પણ હજુ ગુજરાતનીખુશ્બુ શ્વાસોશ્વાસથી  મહેકે છે.હું જ્યાં જાઉં ત્યાં મારું નાનું ગુજરાત સાથે લઈને જાઉં છું.ગુજરાતી જ્યાં જાય ત્યાં પ્રસિધ્ધિના ડંકા વગાડે છે.ગુજરાતી બાળકો પણ દુનિયાની કોલેજોમા ઉચ્ચ અભ્યાસ માટે પ્રખ્યાત થયેલા છે. ગુજરાત ના સંસ્કારની સુગંધ ફેલાવી રહ્યાં છે. કોઈ એક અમેરિકાના મેયરે કહેલું કે ગુજરાતી પાસેથી કુટુંબભાવના શીખવા જેવી છે જે ગુજરાતીઓને ગુજરાતી બનાવે છે.ગુજરાતની મહિમા ગાતું આ ગીત મને વોટ્સ એપથી મળી આવ્યું પણ કવિ કોણ છે એ મને ખબર નથી. ગુજરાતનું આટલું સુંદર આલેખન મેં ક્યારેય વાંચ્યું નથી. મારા હ્ર્દયની ભાવના આ ગીતમાં વહે છે.પ્રેમ કદાચ એ હશે પરમ પ્રેમ ગુજરાત સાથે.

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું…!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકર ના મુગટનું ઝવેરાત છું.
હા…હું ગુજરાત છું..!

હું સાબરમતી થી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું…નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા…હું ગુજરાત છું..!!

સપના વિજાપુરા

હળવે થી હૈયાને હલકું કરો..-૧

મિત્રો

આજે શુક્રવાર મારો ગમતો દિવસ

આ ગમવું ન ગમવું એટલે શું ?

જે સ્વીકારીએ એ ગમવા માંડે અને ન સ્વીકારતા અણગમતું લાગે

બસ જીવનની વાસ્તવિકતા પણ આજ છે.પરિસ્થિતિનું યથાયોગ્ય મૂલ્યાંકન કરવાની શક્તિ દરેકમાં છે પણ તેનો સ્વીકાર કરી, વાત આગળ વધવાની છે. જે લોકો વાસ્તવિકતાનો સ્વીકાર કરીને જીવી જાણતા હોય છે તેઓ આવા ઋણ  ભાવનો ભોગ ભાગ્યે જ બને છે.માણસ એકવાર એટલું સમજી જાય કે આ સંસારમાં કોઈનું ય ધાર્યું બધું થતું નથી. તો પછી મારું ધારેલું ક્યાંક ન થાય તો તેમાં નવાઈ નથી. વાસ્તવિકતાનો સ્વીકાર કરવાથી માણસ સત્વરે આવા ભાવથી મુક્ત થઈ જાય છે.

        મારા જીવનમાં એવા અનેક પ્રસંગો બન્યા છે જેમાં હું હતાશ થઇ છું.પણ એક પ્રસંગેતો હું પડી ભાંગી હતી ,.. ૨૦૧૫માં મારા જીવનમાં એમ્બ્યુલેન્સની સાઈરન વાગી, મારા પતિ પગ વાપર્યા વગર જ હોસ્પિટલ પોહચી ગયા અને આ પ્રસંગે  મારી સંવેદનાને  હલાવી મૂકી,  ડો કહ્યું ૪૮ કલાક ગણી લ્યો,હું હોસ્પીટલની શાંત રાતમાં મારી જાતને ગોઠવવાની કોશિશ કરતી હતી. અચાનક જીવનમાં કોઈ ઘટના સર્જાય અને સત્ય સીધેસીધું આવે તો ત્યારે હૃદય એક થડકો અનુભવે છે જે હું અનુભવતી હતી…વાસ્તવિકતાને કેમ અને કેવી રીતે સ્વીકારવી? મારા પતિ શરદની એક્સીડેન્ટ ની ઘટના એ મને વિષાદમાં ઘેરી લીધી હતી, હવે શું થશે ? પ્રશ્નો ની વણઝાર ક્યાંય અટકવાનું નામ લેતી ન હતી….જે અજાણ્યું છે તેનો ભય વધારે લાગે છે. તમને વસ્તુ કરતા વસ્તુનો પડછાયો મોટો દેખાય છે એમ મારા બાળકો મને સમજાવતા હતા .. જે વ્યક્તિ પરિસ્થિતિને સ્વીકારે નહિ ત્યારે એ મોટે ભાગે પોતાને ગમતા એવાં સમાધાન તરફ લલચાતી હોય છે..મેં પણ એમજ કર્યું એક્સીડેન્ટ થયો તો મન ને મનાવતા કહ્યું ઘાત ગઈ.આટલેથી જ પત્યું ,આપણા મનની માનવ સહજ નબળાઈઓ- ‘ડુબતો તરણું શોધે’ ને અને મેં ભગવાનને હાથ જોડ્યા.અને ત્યારે હોસ્પીટલની દીવાલ પર લગાવેલું આ વાક્ય મારી દીકરીએ મને બતાવી  મને જાગૃત કરી. “પ્રતિકૂળતા એક માણસને પોતાનો પરિચય આપે છે.” ~ આલ્બર્ટ આઈન્સ્ટાઈન,આવી સ્થિતિમાં મારા બાળકો જાણે મારાથી વધારે પરિપક્વ લાગ્યા હતા અત્યારની જનરેશન કદાચ આપણા કરતા આવી પડેલ સંજોગોને વધારે સહજ રીતે અને ઝડપથી સ્વીકારી શકે છે એમ મને લાગ્યું,જે થવાનું હતું તે થઇ ગયું mom ,હવે what is next આમ રડ્યા જ કરીશ. તું સ્ટ્રોંગ થા મને બળ આપ્યું અને પછી પોતાની બધી તાકાત એમણે નાસીપાસ થયા વગર પરિસ્થિતિ ને ફેરવવામાં લગાડી મારી દીકરીએ કહ્યું રડવાથી શું મળશે ? પ્રકૃતિ ક્યારેય એકને લક્ષ્ય બનાવીને વર્તતી નથી.એ વાત  દ્રઢ કરી બળ ભેગું કર,  મેં વાસ્તવિકતાને સ્વીકારી ત્યારે હું આવી પડેલી વ્યથાને ઝીલી શકી.

           નિયતિ ક્યારેક પ્રહાર રૂપે આવે છે એમ લાગે છે.બસ આ પ્રહારને આપણે પ્રતિકુળતા કહીએ છીએ.પ્રત્યેક ઘટના જે પ્રમાણે થવી જોઈએ એ પ્રમાણે ન થાય ..કે ઈચ્છી ન હોય તેવી પરિસ્થિતિ.સર્જાય ..જીન્દગી હંમેશા સુવિધાથી ભરેલી નથી હોતી.તમે હું આપણે સહુ જાણીએ છીએ.જિંદગી હંમેશા ગાંઠો વાળી હોય છે અને આ ગાંઠોથી અનેક ગુંચવણો, સમસ્યાઓ અને પ્રશ્નો આવતા જ રહે છે . દુઃખ આવે,પ્રતિકુળતા,વિરોધ કે સંકટનો સામનો કરવો જ પડે છે અને મેં મારી જાતને સમજાવી..મારે હિંમત નથી હારવાની, નિરાશ નથી થવાનું, ને નાસીપાસ થયા વગર ગૂંચો ને ઉકેલવાની છે. ..સાદી ચાલી જતી જીંદગીમાં અચાનક સ્પીડ બ્રેકરની જેમ ઘટના સર્જાય અને રુકાવટ લાવે અને આપણે ધ્રુજી જઈએ સ્વાભાવિક છે,ક્યારેક નિરાશ તો ક્યારેક હતાશ થઇ જઈએ છે કોઈ ખુબ રડે છે તો કોઈ ખુબ શાંત બની અંદર સોસવાય છે. સામાન્ય રીતે મુશ્કેલીઓની વચ્ચે આપણે ખુશ નથી રહી શકતા. સાવ અજાણ ભાવી, જીવનની અચોક્કસતા વગેરે અજ્ઞાત પરીબળો માણસની ભયની લાગણીને ઉત્તેજીત કરે છે. -અચાનક આવી પડેલ સંજોગોમાં વિષાદ આપણ ને ઘેરી વડે છે છે.અને આપણે લાચાર થઇ જઈએ છે આ લાચારી કેમ આવે છે?.હવે શું ? થી પ્રશ્નો ઘેરી વળે છે. આપણી એક સામાન્ય સમજણ એવી હોય છે કે મારી મુશ્કેલી જ મારું દુખ છે જો મારી મુશ્કેલી દુર થઇ જાય, તો મારું દુઃખ પણ અદ્રશ્ય થઇ જાય…જો કે તેવું ભાગ્યે જ હોય છે… અને ભાગ્યેજ થાય છે ..

-ત્યારે પ્રશ્ન થાય કે વાસ્તવિકતા શું છે ? એ ભ્રમીત માનસીકતા ?.

સંજોગને ‘સમજવું’ અથવા‘ઓળખવું’ કઈ રીતે?

પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવવાના કઈ રીતે ?

શું પ્રતિકુળતા જ માનવી નું દુઃખ છે .

શું માનવી સંજોગો ને આધીન છે?

માણસની સૌથી મોટી જાગૃતિ કઈ ?

આપણે કોઈ વ્યક્તિને ખરેખર જાગૃત છે એમ ક્યારે કહી શકીએ ? –

ટુકમાં વિપરીત પરિસ્થિતિમાં માનવી પોતાને સભાળી શકતો નથી .. એક વાત નક્કી છે  સંજોગો અને સંયોગો ને આપણે ફરેવી શકતા નથી…. ત્યારે સંયોગો કે સંજોગો નહીં પણ સમજણને કેળવવાની એને વશમાં રાખીએ તો….. મેં મારી જાતને સમજાવી …પ્રતિકુળતા નો સારો અર્થ લઈએ તો શબ્દનો મૂળ અર્થ છે વિકસિત થવું.જાગૃતિ વગર વિકસી શકાય નહિ

સાચો રસ્તો આ નબળાઈઓ દુર કરી જીવનમાં વિશ્વાસ પેદા કરવાનો છે. ખોટી માન્યતાઓ, વિચારો, ડરપોકપણું, અને મનની અસ્થિરતામાંથી બહાર આવીને પ્રજ્ઞાવાન, જાગૃત અને સ્વસ્થ થવું. કોઈ પણ પરિસ્થિતિ, ઘટના, વ્યક્તિઓના વિચારો ને સમજવાની પ્રજ્ઞા આપણા માં વિકસિત થવી જોઈએ.પ્રતિકુળતા પ્રકૃતિ તરફથી થતી વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે જીવતા શીખવાડે છે, આપણને ઈશ્વરીય તત્વની અનુભૂતિ કરાવવા માટે અને નમ્રતાપૂર્વક માનવીય મૂલ્યોને સાથે લઈને જીવાડવા માટે છે. .. એની સાથે સમજણ મળે છે. એની જાગૃતિ પણ આવે છે. એની વિવેકશક્તિ પણ એની જાતે ખીલે છે.

માનસશાસ્ત્રમાં કહ્યું છે કે સ્વીકૃતિ પરિસ્થિતિની વાસ્તવિકતાને અનુમતિ આપે છે,વાત જીવનને જેમ છે તેમ અથવા સંજોગોને જેમ છે તેમ તેના વાસ્તવિક સ્વરૂપે સ્વીકારી આગળ વધવાની છે.આપણા ભાવનાત્મક સબંધો આપણા શરીરની વેદનાને સ્વીકારવાની બસ જરૂર છે.સ્વીકૃતિ, ક્ષણિક સુખને સ્થાયી સુખમાં ફેરવવાની ચાવી છે. તે ખરેખર ખુશ થવાથી ખુશ થવામાં તમને મદદ કરે છે.જીવનનો આનંદ પામવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. વાસ્તવિકતાનો સ્વીકાર કરતાં જેને આવડી જાય છે તે જીવનના સૌન્દર્યને પામે છે.

આવો કોઈ સંઘર્ષ તમે કોઈએ અનુભવ્યો હોય તે મને જણાવશો. દર શુક્રવારે હું હવેથી આ કોલમમાં  આવા અનેક પ્રસંગોને તમારી સમક્ષ લઇ આવીશ.

 

પ્રજ્ઞા દાદભાવાળા

૩૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ

સૃષ્ટિને સુંદર જોવા માટે કવિ કલાપીની પંક્તિ યાદ આવી જાય, “સૌન્દર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.” ઝવેરચંદ મેઘાણીએ પણ કહ્યું છે, “સ્નાન હો ઘરમાં કે હો ગંગા તટે, છે શરત એક જ ભીતરથી શુધ્ધ થા!” આપણું આંતરમન સકારાત્મકતાના પ્રકાશપુંજથી ભરપૂર હશે તો બહારનું કોઈ પણ પરિબળ આપણી દ્રષ્ટિને મલિન નહીં કરી શકે. એ વાત છે અભિગમની. દ્રષ્ટિકોણનો આધાર મનની પરિસ્થિતિ ઉપર નિર્ભર હોય છે.

સાદુ, સરળ જીવન જીવતી એક સામાન્ય સ્ત્રીની આ વાત છે. ન્યૂયોર્કમાં રહેતી અને નોકરી કરતી. એક દિવસ નોકરી માટે જતી હતી. રસ્તામાં તેણે એક નવી હેટની દુકાન જોઈ. તે અંદર ગઈ. તેને એક હેટ ગમી. તેણે માથા પર પહેરીને મિરરમાં જોયું અને તે હસી. હસતો ચહેરો તેની સુંદરતામાં વધારો કરતો હતો. તે ખુશ થઈ અને તેણે હેટ ખરીદી. રસ્તામાં કોફીશોપવાળાએ કહ્યું, મેમ યુ લુક બ્યુટીફુલ! એ જ્યાં જોબ કરતી હતી તે બિલ્ડિંગના ડોરમેને તેને સ્મિત આપ્યું. તેને સારું લાગ્યું. તેની કેબિનમાં આજુબાજુ બેઠેલાં અને પસાર થતાં બોસે તેને સ્માઈલ આપ્યું. એ એટલી બધી ખુશ થઈ કે કામમાં ચિત્ત ના રહ્યું. વહેલાં ઘેર જવાનું મન થયું. થોડું કામ કરીને નીકળી ગઈ. ઘેર પહોંચી જેવું દરવાજો ખોલી અંદર ગઈ કે એની માએ કહ્યું, તુ આજે ખૂબ સુંદર લાગે છે. એણે કહ્યું, મારી આ હેટને લીધે. એની માએ કહ્યું, કઇ હેટ? તેણે માથે હાથ ફેરવ્યો તો હેટ હતી જ નહીં. હેટ તેના મનમાં હતી. તેને થયું મેં ખરીદી હતી, પહેરી હતી. પછી એને યાદ આવે છે કે પેમેન્ટ કર્યું એ વખતે હેટ લેવાનું ભૂલી ગઈ હતી. પણ એના મનમાં એમ હતું કે એણે હેટ પહેરી છે અને એ બહુ સુંદર લાગે છે. હેટના વિચારમાત્રથી તેનામાં ખુશીના કારણે તેની સુંદરતામાં વધારો થયો હતો. તેની આંખોમાં ચમક અને ચહેરા પર લાલી આવી હતી. દ્રષ્ટિફેરથી પોઝીટીવ વિચાર કેવાં ચમત્કાર સર્જી શકે છે તે આ ઉદાહરણથી સમજાય છે.

વિચાર સંજોગોને બદલી શકે છે. સંજોગો બદલાતાં નથી. સોચ બદલો, દ્રષ્ટિ બદલો, દ્રષ્ટિકોણ આપોઆપ બદલાશે. પરિણામે સંજોગો બદલાશે. આપણી આંખોના ચશ્મા પર ધૂળ જામેલી હશે તો દુનિયા ધૂંધળી દેખાશે. ચશ્માના કાચનો જેવો રંગ હોય તેવા રંગની દુનિયા દેખાય. વાત થઇ અડધો ભરેલો કે અડધો ખાલી પ્યાલાની. કહેનારે કહ્યું છે, No poison can kill a positive thinker and no medicine can save a negative thinker. કેટલાંક લોકો ગુણગ્રાહી હોય છે. બીજાની ખરાબ વસ્તુમાં સારું શોધશે. તો વળી સફેદ પરદા પર કાળો ડાઘ જોવાવાળા પણ સમાજમાં છે. કમળો થયો હોય તેને બધું પીળું જ દેખાય. સંત કબીરે કહ્યું છે. “બુરા દેખન મૈં ચલા, બુરા ન મિલાયા કોઈ, જો મન ખોજા આપના મુઝસે બુરા ન કોઈ.” દુર્યોધનને રાજ્યમાંથી એક પણ સારી વ્યક્તિ મળી ન હતી. જ્યારે એ જ રાજ્યમાંથી યુધિષ્ઠિરને એક પણ ખરાબ વ્યક્તિ મળી ન હતી. સારી નજર કાદવમાં કમળ જોશે અને નકારાત્મક નજરવાળાને હંમેશા ગુલાબમાં કાંટા દેખાશે. માણસની વિચારસરણી જેવી હોય એવું જ એને દેખાય. એક સુંદર સ્ત્રી યોગીને શબ સ્વરૂપે તો વળી કામી પુરુષને અપ્સરા જેવી લાગશે અને હિંસક પ્રાણીને માત્ર માંસનો લોચો દેખાશે!

હકારાત્મક અભિગમ વળતરલક્ષી હોય છે. એડિસન ૬૭ વર્ષનાં હતાં ત્યારે તેમની લેબોરેટરીમાં આગ લાગી. મોટું નુકસાન થયું. પરંતુ તેમનો અભિગમ હતો, પોતાની અણઆવડતથી નુકસાન થયું છે તો હવે નવા વિચારોથી કામ કરીશું. વિજળીના બલ્બની શોધ કરનાર એડિસન હતાં. ઉમાશંકર જોશીની પંક્તિ છે, “નિષ્ફળતા મળી અનેક, સફળ થયો હું કૈંક.” આમ સાકાર દ્રષ્ટિકોણ આપણી જીતનો આધાર બને છે. યોગમાં કહેવાય છે કે શરીરને નિરોગી રાખવા માટે મન નિરોગી જરૂરી છે. હકારાત્મક વિચારો, ચિંતન, સૂચન કરવાથી મન હકારાત્મક બને છે. પરિણામે શરીર રોગનું ઘર બનતું અટકે છે.

એક શ્રીમંતે પરિવારને સંયુક્ત રહેવા માટે મોટી હવેલી બનાવી. રહેવા જવાના આગલા દિવસે હવેલી ધરતીકંપમાં ધરાશયી બની. કરોડોનું નુકસાન થતાં સૌ દુઃખી થયાં પરંતુ એ શ્રીમંતે મીઠાઇ વહેંચી. તેમનો અભિગમ હતો કે રહેવા ગયા પછી આ ઘટના બની હોત તો સૌના જાન જાત. કુદરત પણ કેટલી મહેરબાન છે!

જીવનમાં જે થવાનું છે તે થઈને જ રહે છે. પરંતુ જો તે ઘટનાને હકારાત્મક રીતે લઈએ તો દુઃખ હળવું બને છે. આમ જીવનમાં સંજોગોને હળવા બનાવીને જોવાથી જગત બદલાશે. નજર બદલવાથી નજારો બદલાશે. અંતે લાગશે કે આપણે જ આપણાં ભાગ્યનાં વિધાતા છીએ!

સંવેદનાના પડઘા-૩૩ છેતરામણી સાજીશ

મલ્હાર સાવ તૂટી ગયો હતો.તેના સપનાનો મહેલ આમ કડડડભૂસ કરતો તૂટી જશે તેવી તેને કલ્પના પણ નહોતી.તેના સાવ અંગત લોકોએ તેને આમ છેતર્યો!!!!તેની ભનક સુદ્ધા તેને ન આવી? તેનું મગજ સાવ બહેર મારી ગયું હતું.તેની વિચારશક્તિ હણાઈ ગઈ હતી.મધુરજની માટે ખરીદેલા

રજનીગંધાના પુષ્પગુચ્છમાંથી એક ફૂલ સુરાલીને આપવા કાઢી લીધું હતું.તે હજુ તેના હાથમાં જ રહી ગયું હતું!
અંધકારને ગળીને સવારના ઊગવા જતા સૂરજના આગમનની વધાઈ ગાતા પક્ષીઓનો કલરવ આજે મલ્હારની અકળામણને વધારી રહ્યો હતો.

બા બાપુને શું જવાબ આપીશ?હજુ તો વહાલસોયા દીકરાના લગ્નનો આનંદ પણ ઓસર્યો નહી હોય !
તો એમને બધી હકીકત જણાવીશ કેવીરીતે? મલ્હારને કંઈ જ સમજાતું નહોતુ.આજે વાત ટાળવા તે
પાછો રુમમાં ગયો.સુરાલી તો ઘસઘસાટ ઊંઘતી હતી.તેનું ચગડોળે ચડેલ મન વિચારતું હતું કે નાજુક
નમણી દેખાતી અને નાની ગરોળીથી ગભરાતી સ્ત્રી કેટલા મોટા જૂઠને ગળીને જાણે કંઈજ ન થયું હોય તેમ આમ શાંતિથી સૂઈ શકે છે!!!!!!!!

તે પણ બા-બાપુને કંઈ સવાલ ન થાય તે માટે રુમમાં જ સોફા પર આંખ બંધ કરી સૂતો.

રામપ્રસાદ પંડિત દિલ્હીના ખૂબ મોટા ગજાના શાસ્ત્રીય સંગીતના વિદ્વાન સંગીતકાર હતા.
પંડિત જસરાજ સાથે તેઓ તબલાં વગાડતા.તેઓ ખૂબ શિસ્તબદ્ધ પધ્ધતિથી તેમના શિષ્યોને
સંગીત શીખવતા. તેમના બધાંજ કડક નિયમોનું પાલન કરે તેનેજ તે શિષ્ય તરીકે સ્વીકારતા.
તેમને બે દીકરા હતા.કેદાર મોટો અને મલ્હાર નાનો. બન્નેને તેમણે શાસ્ત્રીય સંગીતમાં ખૂબ ઊંચી
તાલીમ આપી હતી.બંને દીકરાઓ પણ તેમના શિષ્યોને સંગીત શીખવતા. રામપ્રસાદ પંડિતનું આખું ઘર જાણે સંગીતની વિધ્યાપીઠ હતું.તેમના બંને દીકરાઓ દિલ્હીના ગ્રેટર કૈલાસ એરીયાના ગર્ભશ્રીમંત લોકોના દીકરા-દીકરીઓને સંગીત શીખવવા જતા. મોટાભાઈ કેદાર પરણેલા હતા અને તેમને બે બાળકો પણ હતા.

મલ્હારનું જીવન જ તેનું સંગીત હતું. તે સ્વભાવે શાંત અને સરળ પ્રકૃતિનો હતો.જ્યારે કેદાર રંગીન સ્વભાવનો ,ખટપટીયો અને મેલો હતો.સંગીતની જાણકારી ,ગાયકી અને કુદરતી બક્ષિસ ગણો તો તે, તેનો અવાજ અને શિષ્યોને તાલીમ આપવાની રીત બધા કરતા શ્રેષ્ઠ હતી. તેનો ફાયદો પણ તે ઉઠાવતો.પોતાની ગાયકી અને વાતચીત અને સંગીત શિખવવાની રીતથી ભલભલી છોકરીઓ તેનાતરફ આકર્ષાઈ જતી. તેનો તે પૂરેપૂરો ફાયદો ઉઠાવતો. પરંતુ તે કડક સ્વભાવના પિતા રામપ્રસાદજી થી એટલો બીતો કે પોતાના ગોરખધંધાની ભનક પણ તેમના સુધી પહોંચતી નહી.

પણ આ વખતે તો  તેણે હદ ઓળંગી દીધી.તે સુરાલી નું સંગીતનું ટયુશન લેતો.પોતે પરણેલો હતો તેવી ખબર હોવા છતાં સુરાલી સારા ઘરની છોકરીને તેણે પોતાની પ્રેમ જાળમાં ફસાવી.સુરાલી તેના ગળાડૂબ પ્રેમમાં પાગલ થઈ ગઈ એટલે કેદારને સુરાલીએ ભેગા થઈ મલ્હારને બકરો બનાવ્યાે.

કેદારે પોતાને ટાઈમનો અભાવ છે કહીને સુરાલીનું ટયુશન મલ્હારને સોંપી દીધું.ત્રણ ચાર મહિનામાં તો સુરાલીએ મલ્હારને પ્રેમ જાળમાં ફસાવી દીધો.અનજાન મલ્હાર સુરાલીને પોતાનો પહેલો પ્રેમ સમજી અધધ પ્રેમ કરવા લાગ્યો.સુરાલીતો મલ્હારને પરણવા તૈયાર જ હતી. રામપ્રસાદજીએ પણ પોતાના લાડકા દીકરાના પ્રેમ સામે ઝૂકીને તેના સુરાલી સાથે લગ્નની મંજૂરી આપી દીધી.

વાજતે ગાજતે લગ્ન કરીને ઘેર આવ્યા .મલ્હારની ખુશીનો તો આજે પાર નહોતો.તેને તો આજે
ધરતી પર સ્વર્ગ ઊતરી આવ્યું હોય તેમ લાગતું હતું.તેતો તેની મધુરજની મનાવવા જયાં રુમમાં
ગયો અને ત્યાંજ સુરાલીએ તેના હ્રદય પર જે વજ્રઘાત કર્યો તે સાંભળી તે સાવ અવાચક થઈ ગયો.

“સુર….. તું શું બોલે છે તને ભાન છે તેનું”

સુરાલીએ કીધું “ હું સંપૂર્ણ સભાનતાપૂર્વક કહું છું કે હું તો આ ઘરમાં માત્ર ને માત્ર કેદાર માટે જ આવી
છું. મારા શારીરિક સંબંધો પણ તેમની સાથે જ રહેશે.તમારી ભાભીની પણ મંજૂરી અમે લઈ લીધી છે.
ભાભીએ પણ કીધું છેકે “હું કેદારની પત્ની અને બાળકોની મા તરીકે ઘરમાં રહીશ. હું ઘરની બહાર નીકળીશ નહીં .તો પછી કેદાર અને સુરાલીને જે સંબધ રાખવો હોય તે રાખે મને કોઈ વાંધો નથી”.
કોણ જાણે કઈરીતે કેદારે તેની પત્નીને આમ મનાવી હશે?

પણ મલ્હાર તો જેને પોતાનો પહેલો પ્રેમ સમજતો હતો તે સુરાલી અને પોતાના પરણેલા મોટાભાઈ વડે જ થએલ આ છેતરામણી સાજીશ થી ડઘાઈ ગયો હતો.! તેનું મન આ વાત માનવા કોઈ રીતે તૈયાર નહોતુ.બે ત્રણ દિવસ સુધી બા-બાપુથી મોં છુપાવી તેણે સુરાલીને સમજાવવા કોશિશ કરી કે હવે આપણા લગ્ન થઈ ગયા છે તું બધું ભૂલી જા પણ તે કે કેદાર બંનેજણ કોઈ રીતે માનવા તૈયાર ન થયા.

છેવટે મલ્હાર તેના કોઈ સંગીતના પિતાના શિષ્યને ત્યાં મદ્રાસ ચાલ્યો ગયો.જતાં જતા કહેતો ગયો
કે” મારામાં મારા પિતા પાસે આવી ચરિત્રહીન વાત કરવાની હિંમત નથી .આવી વાત કરી જે દુ:ખ તેમને થાય તેના વિચાર માત્રથી મને ડર લાગે છે. તમે કરેલ પાપ ને હવે તમે જ સંકેલો.”

અને આંખોમાં પાણી સાથે એક નજર સુરાલી તરફ નાંખી ચાલ્યો ગયો.

ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે,

સાવન જો અગન લગાયે ઉસે કૌન બુઝાયે…….

Sent from my iPad