વરિષ્ઠ નાગરિકનું સુખ – હકારાત્મક અભિગમ
વરિષ્ઠ નાગરિક એટલે વડલો. વડલો આપે વિસામો. એ આપ્યાજ કરે. એને કોઇની પાસે કોઇ અપેક્ષા ના હોય. તેના પર પત્થર ફેંકો તો પણ શીળી છાયા આપે. આ એક હકારાત્મક અભિગમ કહેવાય. અને માટે એ પૂજનીય બને છે. આ તો થઇ વડલાની વાત. પરંતુ આધુનિક સમયમાં માનવ માટે જરૂરી નથી કે તે હંમેશાં પૂજનીય હોય. અને છતાં હકારાત્મક અભિગમ સેવવો એ એક કપરી કસોટી બની જાય છે.
મારાં પતિ હંમેશાં કહે ‘ઉગતા સૂરજે નહીં, ઢળતા સૂરજે કોમ્પ્રોમાઇઝ કરવું પડે.’ કારણ કે ઢળતા સૂરજને કોઇ પૂજતું નથી. છતાં તે તેનું કાર્ય નિયમિત કરે છે. આમ જીવન પ્રત્યેની હકારાત્મકતા એ સુખી જીવનનું સુંદર ઘરેણું છે.
વરિષ્ઠ નાગરિકનાં સુખથી કુટુંબ સુખી બને છે. સુખી કુટુંબથી સમાજ સુખી બને છે. અને સુખી સમાજ ભેગા થઇને દેશ સુખી બને છે. આમ તંદુરસ્ત દેશનાં બંધારણ માટે વરિષ્ઠ નાગરિકનું સુખ પાયામાં રહેલું છે અને તેનાં માટેનું એક માત્ર પરિબળ હકારાત્મક અભિગમ છે.
દરેક નવી જીન્દગીએ જીવનનાં નવા પ્રશ્નો હોય છે. જીવનનાં દરેક ક્ષેત્રમાંથી પસાર થતી જીન્દગી તેના ‘અંતિમ પડાવ’ એટલે કે વૃધ્ધાવસ્થામાં પહોંચે છે. જીવનના દરેક ક્ષેત્રની સમયની મર્યાદા નક્કી હોય છે. એ સમય ગમે તે રીતે પસાર થઇ જાય છે પરંતુ કહેવાય છે, ‘જીવ્યાં જેમ તેમ, મરશું કેમ કેમ?’ જીન્દગી મળવી એ નસીબની વાત છે, મૃત્યુ મળવું એ સમયની વાત છે.પણ મૃત્યુ પછી કોઇના હ્રદયમાં જીવતા રહેવું એ જીન્દગીમાં કરેલાં કર્મની વાત છે. કહેવાય છેને? કે પ્રેમ બાળપણમાં સામેથી મળે, યુવાનીમાં ચોરવો પડે, અને ઘડપણમાં માંગવો પડે … બસ, ત્યાંજ છે અપેક્ષાઓનું મૂળ. અને દુઃખનું મૂળ છે અપેક્ષા.
વરિષ્ઠ નાગરિકે તેની વધતી જતી ઉંમર સાથે તેની માનસિક સ્થિતિને પણ બદલવી જોઇએ. જો તમે તમારી યુવાનીનાં સમયની માનસિક સ્થિતિ સાથે જ જીવવાનું પસંદ કરો તો તમને ઉંમરનો ભાર લાગશે. જીન્દગી એક વહેતી નદી સમાન છે. જીવનનાં પ્રવાહની સાથે વહેતાં શીખવું જોઇએ. નદીનું સતત વહેતું નીર એનાં બાહ્ય અને આંતરિક સ્વરૂપને સતત બદલતું રહે છે. જીવનને પણ એ દ્રષ્ટિએ જોવું જોઇએ.
વૃધ્ધાવસ્થાને ઉત્સવની જેમ માણો. ઉંમરની દરેક અવસ્થાનું પોતાનું એક આગવું, વિશિષ્ઠ રૂપ – સૌંદર્ય હોય છે. વૃધ્ધાવસ્થા વખતે જીન્દગી નામની નદી ઉછળકૂદ કરતી વહેતી નથી પણ સમથળ સપાટી ઉપર આવીને એક પ્રકારની ગરિમા સાથે વહેતી હોય છે. આ ગરિમામાં ભૂતકાળનાં અનુભવોનું ભાથું, તેનાં પડછાયાં અને પડઘાનાં સંસ્મરણો ભળેલાં હોય છે. આ ખજાનો એટલો અમૂલ્ય અને અગાધ હોય છે કે ‘જેને જરૂર હોય તેને’ વહેંચતા જવાથી તેનું વજન લાગતું નથી. વૃધ્ધાવસ્થા વહેંચવા માટે છે, વહેંચાવા માટે નથી. ઘડપણ એક એવી અવસ્થા છે જયારે દરેક વ્યક્તિ જીવનના નવરસનું પાન કરીને ઓડકાર ખાય છે. અને આ અનુભવોનાં ભંડારથી વ્યક્તિ વરિષ્ઠ નાગરિક બને છે. પરંતુ તેમની માનસ સ્થિતિમાં ભરતી અને ઓટ આવ્યાંજ કરે છે. કારણકે તેમને સાંભળનાર કોઇ નથી. નથી સમય કોઇની પાસે, અને શારીરિક અને માનસિક રીતે વૃધ્ધ અસલામતીનાં વમળોમાં ફસાય છે. એકલતા, અસહાયતા અને અસલામતીની નાગચૂડમાંથી છૂટવાની તેને જરૂર છે.
આ તબક્કે હું કહીશ કે દિશા બદલવાથી દશા જરૂર બદલાય છે. જયારે આજની પેઢી આવક અને આધુનિક ટેક્નોલોજીની ચકાચૌંધમાં ધર્મ અને વડીલોનાં આદર-સત્કાર અને લાગણીઓને ભૂલીને આંધળી દોટમાં જોડાય છે. ત્યારે જરા વિચારો, તેમની પાસે ક્યાં સમય છે, તેમનાં પોતાનાં બાળકોને સાચવવાનો? તેઓ તમને ઘરડા-ઘરમાં મૂકે છે, તો તેમનાં બાળકોને ડે-કેરમાં મૂકે છે, મૂકવા પડે છે … કે જેમને જીવનમાં હજુ કાંઇ જોયું નથી, અનુભવ્યું નથી. તો આ મા-બાપ તેમનાં વૃધ્ધ માતા-પિતા તરફ કયાંથી સમય ફાળવશે? આ વસ્તુ આજનાં વૃધ્ધો જો સમજે તો પોણાભાગની સમસ્યાઓનું સમાધાન મળી જશે.
હા, નિવૃત્ત વૃધ્ધ મા-બાપને જરૂર છે, તેમનાં બાળકો તેમની સાથે પ્રેમથી બે શબ્દો બોલે. અને જેવાં છે તેવાં પણ તેમનાં અસ્તિત્વનો સ્વીકાર કરે. અને તેમની હસ્તીનો આદર કરે. બાકીતો, આજનાં વૃધ્ધ, પોતાનાં બાળકોને કેમ મદદરૂપ થવું? તેનાં માટે પોતાની ઉંમર તરફ જોતાં નથી.
૬૦ વર્ષ સુધી બાહ્ય સુંદરતા પાછળ માણસ મંડ્યો રહે છે. ૬૦ વર્ષ પછી આંતરિક સુંદરતાને ઉજાગર કરવાની છે. એના માટે આંતરમનને જગાવો. અંતરના દીપને પ્રગટાવીને જીવન પ્રકાશમય બનાવો. સુંદરતા આપોઆપ નીખરશે. સાથેસાથે સુવાસ પણ પ્રસરશે.
કુટુંબમાં વરિષ્ઠ નાગરિક એટલે ચમડાનું તાળુ એમ કહેવાતું. અહીં હું બીજા અર્થમાં કહીશ કે આ તાળાને ઉપયોગી બનવા માટેની કેટલીક ચાવીઓ પણ સાથેજ હોવી જોઇએ … જેમકે કયારેય કોઇને નડો નહીં. તે માટે વડીશાહીનો ડગલો ખીંટીએ ટીંગાડી દેવો જોઇએ. કારણકે આજની પેઢીને તે જરાય પસંદ નથી. કોઇપણ પ્રકારનો ગમો-અણગમો રાખ્યા વગર ચાલશે, ભાવશે, ફાવશે, ગમશેનું સનાતન સત્ય અપનાવવું જોઇએ. શરીરને સ્વસ્થ રાખવા નિયમિત ચાલવું, કસરત, યોગ કરવો. શરીર સાથ આપે તેટલું શારીરિક કામ કરીને કુટુંબ કે સમાજને મદદરૂપ થવું. સેવકીય પ્રવૃત્તિમાં જોડાવું, જેથી માનસિક શાંતિ મળે. ઘરનાં બાળકો સાથે નિર્દોષ આનંદ માણવો, કુદરત સાથે મિત્રતા કરવી. અને ગમતાં શોખને પ્રવૃત્તિ બનાવીને એકલતાનો સહારો બનાવવો. ઇન્ટરનેટથી વાકેફ રહેવું જોઇએ. મનને કેળવવા માટે વાંચન, ચિંતન, મનન કરવું અને રમત-ગમતનાં કોયડા ઉકેલવા. જીવનને વાસણમાંના પ્રવાહીની જેમ જીવવું જોઇએ. જેવું વાસણ, તેવી પ્રવાહીની સ્થિતિ હોય, તો કયારેય જીવન ભારરૂપ નહીં લાગે અને એનેજ જીવન પ્રત્યેનો વાસ્તવિક અભિગમ કહેવાય. વૃધ્ધાવસ્થામાં હસતાં-હળવાફૂલ રહેવું એ મોટી ચેલેન્જ છે. પરંતુ જયારે જયારે નકારાત્મકતાથી જીન્દગીનું વહેણ ઠીંગરાઇ જાય, જીવન જીવવાનું બળ ઉત્પન્ન થતું અટકી જાય ત્યારે ત્યારે થોડું સમારકામ કરતાં શીખી લેવું જોઇએ.
વૃધ્ધાવસ્થામાં સંસાર છોડ્યા વગર જળકમળવત્ રહેવું જોઇએ. આ એક પ્રકારનુ તપ છે. અને આ સત્સંગથી સાધ્ય બને છે. એક સંતનાં પ્રવચનમાં મેં સાંભળેલું હતું કે જ્યારે તમારાં સ્વજનો તમને પ્રેમથી રાખે ત્યારે સમજવું, એ સ્વજનો તમારાં પૂર્વજન્મનાં મોટામાં મોટાં દુઃશ્મન છે કારણકે સંસાર સાગરમાં તમે જેટલાં ડૂબેલાં હશો એટલાંજ તમે ઇશ્વરથી દૂર જશો. જ્યારે આપણે કોઇ સ્વજનથી દુઃખી થઇએ અને આખી જીન્દગી એમાંજ રહીએ … એનાં બદલે કોઇ આપણને હેરાન કરે, દુઃખ આપે તો એનો આભાર માનો … ઇશ્વર તરફ એટલું વધારે જવાશે. નરસિંહ મહેતા, સંત તુકારામ અને સોક્રેટિસ ભૂતકાળનાં જીવંત ઉદાહરણ છે.
દરેક વરિષ્ઠ નાગરિકે પોતાનાં મગજનાં કૉમ્પ્યુટરમાં એક ડેલીટ બટન રાખવું જોઇએ. જેમ ધર્મમાં ત્રિસંધ્યા કરવાનું કહે છે, તેવી રીતે દિવસમાં ત્રણ વખત ડીલીટ બટનનો ઉપયોગ કરીને દિવસ દરમ્યાન બનતી નકારાત્મકતાને મનમાંથી કાઢીને મનને સ્વચ્છ રાખવું જોઇએ.
જીવનની સત્યતા એ છે કે વ્યક્તિ જન્મે ત્યારે એકલી હોય છે અને મૃત્યુ પામે ત્યારે પણ … તે દરમ્યાનની સફરમાં જેનો જેનો સાથ મળે છે તે માત્ર ભ્રમણા હોય છે. અને મનુષ્યને આ ભ્રમણાની જાળ વધુ ગમે છે. તેમાંથી ટપકતાં રસનું પાન કરીને તે હમેશા પુષ્ટ રહેવા કોશીષ કરે છે. અને તે પણ એક ભ્રમણાજ છે. એક ભ્રમણા તૂટે અને બીજાનો સહારો માનવ પકડે છે. અને તે ક્ષણીક સુખનો ભોગ બને છે. પરંતુ જો તે જીવનનાં બીજા છેડાને પણ સરળતાથી જોઇ શકતા હોય તો જીવન જીવવું સરળ થઇ પડે છે.
શાયર બેફામે સુંદર પંક્તિ લખી છેઃ
“બેફામ તોયે કેટલું થાકી જવું પડયું,
નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી”
નાનો અમથો માર્ગ સરળ છે કે કઠીન એ માણસની મનઃસ્થિતિ પર અવલંબે છે. જીન્દગીનો જામ જુસ્સાથી, આનંદ અને તરવરાટથી છલકાવી દેવો એ કઠીન છે. પરંતુ જો ‘હકારાત્મક અભિગમ’ની જડીબુટ્ટી તમારે હાથ લાગી જાય, તો જીવનની હરક્ષણ, હરપળ તમે ચેતનાસભર રહેશો. એ તમને જીવનની ઘરેડમાંથી, જેમાં તમે ફસાયેલા છો તેમાંથી બહાર કાઢશે. આ એક મોટી સિધ્ધિ છે.
અને અંતે હું કહીશ કે વૃધ્ધાવસ્થા એ હારી-થાકીને ભાગી છૂટવા કરતાં હકારાત્મક અભિગમ કેળવીને જ્ઞાન, કર્મ અને ભક્તિની પરીસમાપ્તીની, મૃત્યુનાં મહોત્સવની તૈયારીની અને નિજધામ પહોંચવા માટે હળવા અને શુધ્ધ થઇને પ્રાર્થનામય ચિત્તે ગાડીનો ડબ્બો છોડવાની અવસ્થા છે. અને અમાંજ એક વરિષ્ઠ નાગરિકનું સુખ રહેલું છે.
કલ્પના રઘુ
Like this:
Like Loading...