દ્રષ્ટિકોણ 47: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – હિન્દૂ ધર્મ (સર્વ ધર્મ સમાન) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ કોલમ ઉપર યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ વગેરે ધર્મો ઉપર આપણે ચર્ચા કરેલી છે. આજે હિન્દૂ ધર્મ અને સાહિત્ય અને તેના શિલ્પકામ ઉપર થોડી વાત કરીએ.
ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.
હિન્દૂ ધર્મ: હિન્દૂ ધર્મ પુરાતન ધર્મ છે અને તેનું સાહિત્ય ખુબ જ વિશાળ છે.  તેથી સઘળા હિન્દૂ સાહિત્ય વિષે કઈ પણ કહેવું સહેલું નથી. સૌ પ્રથમ, હિન્દૂ સાહિત્ય માં વેદ અને ઉપનિષદ નો ઉલ્લેખ થાય. ભગવદ ગીતા, અગામા, ભાગવત પુરાણ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ નો સમાવેશ તેમાં થાય. ત્યાર બાદ શ્રુતિ અને સ્મૃતિ નો સમાવેશ થાય. શ્રુતિ એટલે સાંભળેલું ધર્મ સાહિત્ય અને સ્મૃતિ એટલે સ્મરણ કરેલું સાહિત્ય – કેમકે મોટા ભાગનું ધર્મ વિશેનું પુરાતન જ્ઞાન આ બે પ્રકારનું હતું. હિન્દૂ દાર્શનિક જ્ઞાનીઓ, નિબંધકારો, કવિઓ વગેરે લોકોએ રાજકારણ, નીતિશાસ્ત્ર, સંસ્કૃતિ, કલા, સમાજ, સામાજિક નિયમો, અને સાત્વિક અને આધ્યાત્મિક તેમજ રોમેન્ટિક પ્રેમ જેવા વિવિધ વિષયો સાથે હિન્દૂ ધર્મને એ રીતે સાંકળી લીધો છે કે હિન્દૂ ફિલસુફી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.  
ખાસ કરીને નરસિંહ ના કાવ્યો, તુલસીદાસ ની કૃતિઓ, મીરા ના ભજનો, કબીર ના દોહા અને કાલિદાસ ના નાટકો જેવી સર્જનાત્મક અને કલાત્મક કૃતિઓમાં હિન્દૂ ધર્મ ના સંદેશ ને સુંદર રીતે સાંકળી લેવામાં આવ્યો છે. સંત તુલસીદાસ હનુમાન ભક્ત હતા અને તેમણે હનુમાન ચાલીસામાં એ રીતે ઈશ્વરને સાંકળી લીધા છે કે શ્રી અટકિન્સે હનુમાન ચાલીસા નો અંગ્રેજી માં ભાષાનુવાદ કર્યો ત્યારે તેમણે કહ્યું કે “ઈશ્વર વિષે આટલી સુંદર રચના માણ્યા બાદ કોણ ભાવના થી બુલંદ થઈને સ્વર્ગ ના સીધા માર્ગે જવાનું પસંદ ન કરે?” 
તુલસીદાસે કહેલું,
रामचरितमानस बिमल संतनजीवन प्रान ।
हिन्दुवान को बेद सम जवनहिं प्रगट कुरान ॥
એટલે  “નિષ્કલંક રામચરિતમાનસ સંતોના જીવન ના શ્વાસ સમાન છે. તે હિન્દુઓ માટે વેદો અને મુસ્લિમો માટે કુરાન સમાન છે. 
ભગવાન શ્રી કૃષ્ણ ની ભક્તિમય રંગે રંગાયેલ મીરા ના ભજન હૃદય સોંસરવા નીકળી જાય તેવા છે.
पायो जी मैंने राम रतन धन पायो
जन्म जन्म की पूंजी पाई
जग में सबी खुमायो
पायो जी मैंने राम रतन धन पायो
કબીર ના તો નાના નાના દોહા માં એટલું શાણપણ સમાયેલ છે કે બે વાક્ય માં જીવન નો માર્ગ મળી જાય અને સાંભળવામાં પણ તે ખુબ સુંદર લાગે છે. તેમાં માત્ર ઈશ્વરનો ઉલ્લેખ નથી પણ જીવન માટેના સિદ્ધાંતો સમાયેલ છે. જેમકે જો ખરાબ વ્યક્તિને શોધવા નીકળું તો મારાથી ખરાબ કોઈ નથી મળતું, અને ઈશ્વર; જયારે તું જગત માં આવ્યો ત્યારે તું રોયો, બધા હાસ્ય, હવે એવા કર્મો ના કરીશ કે તું જાય પછી બીજા હસે, ચોપડીઓ વાંચી વાંચીને પંડિત ન બનાય પણ અઢી અક્ષર પ્રેમ નો જે સમજે તે પંડિત થાય , અને તારો ઈશ્વર તારામાં જ છે, તું જાગી શકે તો જાગ.
બુરા જો દેખન મેં ચલા, બુરા ન મિલા કોઈ
જો મન ખોજા અપના, મુજસે બુરા ન કોઈ 
જબ તું આયા જગત મેં, લોગ હસે તું રોય
ઐસી કરની ના કરી, પછે હસે સબ કોઈ 
પોથી પઢ પઢ કર જગ મૂઆ, પંડિત ભાયો ના કોઈ
ઢાઈ અક્ષર પ્રેમ કે જો પઢે સો પંડિત હોય 
જૈસે તિલ મેં તેલ હૈ, જ્યોં ચકમક મેં આગ
તેરા સૈ તુજમેં હૈ, તું જાગ શકે તો જાગ 
અને વારંવાર હિન્દૂ ધર્મ માં શાંતિ નો ઉપદેશ વણી લેવામાં આવ્યો છે જેમકે…
સર્વે જન સુખીનો ભવંથુ – દરેક જણ ને સુખ મળે
માનવ સેવે, માધવ સેવા – વ્યક્તિની સેવા કરવી તે પ્રભુ ની સેવા કરવા સમાન છે.
અહિંસા પરમોધર્મ – હિંસા ન કરવી તેજ સૌથી મોટો ધર્મ છે. 
હિન્દૂ ધર્મ માટે ઘણું ઘણું લખાયું છે અને મોટા ભાગના વાચકો પણ મારા કરતા ખુબ મોટા જ્ઞાન  નો ખજાનો આ વિષય ઉપર ધરાવે છે. આ વિષય ને પૂરો ન્યાય આપવાનું મારી કુશળતા ની બહાર છે. 
હિન્દૂ મંદિરોનું શિલ્પકામ: વિશાળ હિન્દૂ મંદિરો દુનિયા માં ઠેર ઠેર છે. પણ સૌ પ્રથમ ખુબ જુના વિશાળ હિન્દૂ મંદિર વિષે હું નાનપણમાં શાળામાં ભણી હતી તે જોવાની મને ખુબ ઉત્કંઠા હતી અને આખરે પુરી થઇ તેની વાત કરું. ચારેક વર્ષ પહેલા મારી દીકરી અને હું કંબોડીયા ગયા ત્યારે ત્યાંના અંકોર વાટ હિન્દૂ મંદિર ની સફર અમે કરી. અંકોર વાટ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક છે અને તે 402 એકર ની જગ્યા ઉપર રાજા સૂર્યવર્મન 2 દ્વારા 12મી સદીમાં બનાવાયેલ. તે મંદિર ભગવાન વિષ્ણુ ને અર્પિત છે. 
ભારત માં ઘણા સુંદર હિન્દૂ મંદિરો છે. તામિલનાડુમાં આવેલ શ્રીરંગમ મંદિર હાલ માં ઉપયોગ માં લેવાતું સૌથી મોટું હિન્દૂ મંદિર છે અને તે 156 એકર ના વિસ્તાર માં આવેલ છે. જો કે, આખા મંદિરનો ઉપયોગ ધાર્મિક હેતુ માટે કરવામાં આવતો નથી.  સાતમાંથી પ્રથમ ત્રણ દિવાલોનો ઉપયોગ રેસ્ટોરન્ટ્સ, હોટલો, ફૂલ બજાર, રહેણાંક ઘરો અને વ્યાપારી સંસ્થાઓ માટે રાખવામાં આવ્યો છે. દિલ્લીનું આકાશવર્ધન મંદિર પણ ખુબ પ્રખ્યાત છે અને તેની ઉપર 7000 શિલ્પકારો અને 3000 સ્વંયસેવકોએ કામ કરેલ છે. ભારત ના બિરલા મંદિરો, બેલુર મઠ, મીનાક્ષી મંદિર, જગનાથ પુરમ નું મંદિર વગેરે બધાજ મંદિરો નું શિલ્પકામ અદભુત છે. થિરુવનંથપુરમ માં આવેલ શ્રી પદ્મનાભસ્વામી નું મંદિર પ્રખ્યાત છે અને ત્રણ વર્ષ પહેલા મારા કઝીન્સ જોડે હું તેની મુલાકાતે ગયેલ. કહેવાય છે કે આ મંદિર ના પાયા એટલા જુના છે કે હિન્દૂ સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ માં તેનો ઉલ્લેખ થાય છે. અને આ મંદિર દુનિયા ના બધા ધર્મસ્થળ માં સૌથી ધનવાન જગ્યા છે. કહેવાય છે કે તેના નીચા ભાગ માં આવેલ સોના, હીરા, કિંમતી પથ્થરો અને દાગીના ની કિંમત 1.2 લાખ કરોડ એટલે કે 17 બિલિયન અમેરિકન ડોલર જેટલી થાય. લોકો એટલું દાન કરે છે કે તે ધન વધતુંજ જાય છે. 
સ્વામિનારાયણ સંપ્રદાય ના 10 મંદિર ભારત માં બનાવવામાં આવેલ। અત્યારે દુનિયા માં તેવા 1000 થી વધુ સંખ્યામાં મંદિરો છે. શ્રી કૃષ્ણ ને અર્પિત આ મંદિરોમાં પૂજા માટે ના પરિભ્રમણ માટે મંદિરની મધ્યસ્થમાં માર્ગ હોય છે અને સ્ત્રીઓ અને પુરુષો માટે બે અલગ વિભાગ હોય છે. ભાગવત પુરાણમાં વર્ણવેલી ઘટના જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનના ગ્રામજનોને મુશળધાર વરસાદથી આશ્રય આપવા માટે ગોવર્ધન ટેકરી ઉંચી કરી હતી તેની કૃતજ્ઞતા દર્શાવવા ગોવેર્ધન પૂજા દરમ્યાન ભક્તો ભગવાન ને અન્નકૂટ (વિવિધ શાકાહારી ભોજન) અર્પણ કરે છે.

Famous indian Madhya Pradesh tourist landmark - Kandariya Mahadev Temple, Khajuraho, India. Unesco World Heritage Site

ખજુરાહો મંદિરો: મધ્ય પ્રદેશ માં આવેલ ખજુરાહો ના પાંચ મંદિર જૈન અને હિન્દૂ ધર્મ ના છે. લગભગ બારેક વર્ષ પહેલા હું મારી અમેરિકન સહેલી ને લઈને ત્યાંની સફરે ગયેલ. આ મંદિરો ચંદેલ વંશ દ્વારા 950 થી 1050 ની વચ્ચે બનાવવવામાં આવેલા. આ મંદિરો તેમના શૃંગારિક શિલ્પો માટે પ્રખ્યાત છે.  મંદિરો સીબ સાગર, અને ખજૂર સાગર ની પાસે બાંધવામાં આવેલ અને મોટા ભાગના મંદિરો ના પ્રવેશદ્વાર સૂર્યોદય તરફ બનાવેલ છે. આ બધા મંદિરો માં દેવીઓ અને દેવતાઓ બંને નો સમાવેશ થાય છે.  શિલ્પકામ હિન્દૂ ધર્મ ના ચાર પ્રતીક ને ધ્યાન માં રાખીને બનાવેલ છે; તે છે ધર્મ, કર્મ, અર્થ, અને મોક્ષ. ત્યાંના મંદિરો શિવ, વિષ્ણુ, ગણેશ, સૂર્ય દેવતા અને જૈન તીર્થંકરોને અર્પિત છે.  આ મંદિરો તેમના શારીરિક અને શ્રુંગારિક શિલ્પકામ માટે જાણીતા છે અને તે શિલ્પકામ ખરેખર અદભુત છે પણ તે માત્ર 10 ટકા નું કામ છે. બાકી પણ ઘણું બારીક શિલ્પકામ છે. 
AUROVILLE,PUDUCHERRY (PONDICHERRY)/INDIA-FEBRUARY 26 2018:A groundsman tends an area in front of the golden globe of Matrimandir or  Mother Temple, which stands as the spiritual center of Auroville.
છેલ્લે અરોબિન્દો આશ્રમ, પોન્ડિચેરી માં આવેલ માતૃમંદિર નો પણ ઉલ્લેખ કરું છું. માતૃમંદિર આમ જોઈએ તો હિન્દૂ મંદિર નથી. પણ સર્વ ધર્મ સમાન ની હિન્દૂ ભાવના થી બનેલ અત્યંત સુંદર મંદિર છે. હું નાનપણ માં બે, ત્રણ વાર ગયેલી પણ ત્યારે માતૃમંદિર બંધાતું હતું.  હમણાં ત્રણેક વર્ષ પહેલા મને ત્યાં જવાનો ફરી મોકો મળ્યો અને પૂરું થયેલ મંદિર ની સફર કરી અને તેમાં મેડિટેશન નો લાભ લીધો. માતૃમંદિર નું મહત્વ એ છે કે તે કોઈ પણ ધર્મ ના સાધક ને તેના જિંદગી માટેના મુખ્ય સિદ્ધાંતો ને વિચારવા માટે ત્યાં શાંતિપ્રધાન જગ્યા મળે છે. માતૃમંદિર ને બનતા 37 વર્ષ થયા અને તે સાલ 2008 માં પૂરું થયું. તે ગોળાકાર મંદિર ની 12 પાંખડી છે. જીઓડિસિક સોનેરી ગુમ્બજ સૂર્ય ના કિરણો નું પ્રતિબિંબ એ રીતે પાથરે છે કે તે ખુબ અદભુત દેખાય છે. આ વિશ્વનો સૌથી મોટો ઓપ્ટીકલી પરફેક્ટ ગ્લાસ ગ્લોબ કહેવાય છે.  સેન્ટ્રલ ડોમની અંદર એક મેડિટેશન હોલ છે અને તે લોકો માટે ખુલ્લો છે. ત્યાં મેડિટેશન કરવા માટે મૉટે ભાગે પહેલે થી નામ નોંધાવવું પડે છે. 
આપણે ભારત માં પ્રચલિત બધા ધર્મો વિષે અને તે ધર્મ ના દુનિયા ના શિલ્પકામ વિષે વાત કરી. આવતે અઠવાડિયે હું સમીક્ષા અને ધર્મ વિશેના મારા થોડા વિચારો રજુ કરીશ. 

 

હળવે થી હૈયાને હલકું કરો..-૨૪

મેં ઉગતા આકાશને માણ્યો છે પણ આ આથમતો સુરજ અને હું એકલો, મારા ભીડાયેલા હોઠ અને મારી ઝાંખી પડેલી આંખો જિંદગીના અનેક દ્રશ્યો મારી સમક્ષ ચોખ્ખા દેખાડે છે.કોઈના વગર જીવન આટલું એકલું લાગે એનો અહેસાસ મને હવે તારી ગેરહાજરીમાં થાય છે.

હું એકલો પાનખરના વૃક્ષ જેવો અને ત્યારે અનુભવું છું હું ખાલીપણું, હું પાનખરનું વૃક્ષ છું એ વાત ની સભાનતા મને છે.હવે હું માણસ નહિ જાણે મેડીકલ રીપોર્ટ, શરીર પણ સાથ નથી આપતું. એક્સરે થઇ ગયો છું.જેટલું છે એટલું લોહી બ્લડ ટેસ્ટ લઇ જાય છે.કાર્ડિયોગ્રામ ,ઇકોટેસ્ટ,ડૉ.ની વિઝીટ આવી હડીયાપટ્ટી એક માળેથી બીજે માળે, આ રીપોર્ટ અને ફાઈલને ગોઠવવાના, ડૉ.ના પ્રિસ્ક્રિપ્શન્સ બદલાતા જાય, બદલાતા જાય અને હું એનો એજ. બધું સાચવવાનું,..માણસ મટીને જાણે મેડીકલ ફાઈલ.તું હોત તો વાત પણ કરત હવે હું એકલો માત્ર તો જીવવાના વલખા કેમ ?મેં જીવન જીવી લીધું છે ખુબ સરસ.

હું મૌનની કોઈ અજાણી ક્ષિતિજને સ્પર્શવાનો પ્રયત્ન કરું છું પણ એકલા એકલા પણ તારી જ સાથે વાતો કરતો હોઉં તેવું લાગે છે.હું પાનખરનું વૃક્ષ છું એ સત્યને હું છુપાવતો નથી મારી જાતને છેતરીને હવે શું ફાયદો થવાનો ?મને મારી દીકરી હૈયા ધારણ આપે છે પણ સાચું કહ્યું હવે મારી ડાળને ફૂલ-પાંદડા ફૂટશે એવી કોઈ વ્યર્થ આશા અને પ્રતીક્ષા તો હું પણ નથી કરતો તો મને શા માટે લીલાછમ પાંદડા પહેરવાનો આગ્રહ રાખો છો.સ્ટફ કેરેલા પંખી ફરી ઉડતા નથી! હું જે છું તે ઠીક છું.

આમ પણ માણસને ઉપકારવશ જીવવું ક્યાં ગમે છે ?કોઈનો ઉપકાર ધિક્કાર કેળવે એ પહેલા ખંખેરી નાખવું છે બધું! જેથી આકાશમાં નવો સૂર્યોદય જોઈ શકું.હું તારા ફોટા સામે જોઇને આડીઅવળી, સવળીઅવળી વાતો કરીને આસપાસના વાતાવરણને અને અંદર -બહારના વિશ્વને સમજવાનો પ્રયત્ન કરું છું.તને ખબર છે હવે હું પુસ્તક વાંચતો હોઉં એમ તેમ મારી પોતાની જિંદગીને વાંચી શકું છું હવે મને જીંદગીમાં મળેલી,માણેલી દરેક ક્ષણ દેખાય છે.મને હવે આ વૃક્ષો, પહાડો,ટોળાનો ઘોંઘાટ,પર્વતનું મૌન બધું જ ગમે છે.હવે છોડવાનું છે ત્યારે એ બધું જ વ્હાલું લાગે છે. બધા જ સારા છે. અને બધા થકી હું છું એ વાતની મને ખાતરી થઇ ગઈ છે.વૃક્ષને ખાલીપાણાનો અહેસાસ અને આનંદ હવે છે.હવે હું એકાંતને માણતા જીવનને ઝાંખી આંખે પણ સ્પષ્ટ જોઈ શકું છું.જીવન પીધા પછી ખાલી ગ્લાસ તરફ જોવું મને ગમે છે.કારણ એ ખાલીપણામાં મારી તૃપ્તિનો અહેસાસ છે.loniness અને solitude વચ્ચે આજ ભેદ છે.જલકમલવતત થઇ જીવનના સૌદર્યને માણવાનું.

જે માણસ મરણથી નાસભાગ કરે છે તે મરણ પહેલાજ મરી જાય છે.સત્ય તો આપણે આપણી મેળે જ પામવું જોઈએ.સમયનો સ્વભાવ સરવાનો છે.નદી પાસે વહેવા માટે નકશો હોતો નથી એ બસ આપમેળે વહે છે અને ત્યારે આનંદના પુષ્પો ફૂટે છે. ફૂલો પોતાની ફોરમ વહેતી કરે છે અને એની ફોરમને હવા પાલખીમાં બેસાડી દુર દુર સુધી લઇ જાય છે. દરેક પાસે પોતાની શક્તિ છે જેમાં કોઈ ગર્વ ન હોય અને કોઈ કારણ પણ નહિ અને છતાંય દરેક ક્ષણમાં એક આનંદ હોય એને ઈશ્વરની લીલા કહેવાય.
હૈયાને પણ હળવું કરવા કયાં કારણની જરૂર છે?

 

પ્રજ્ઞા દાદભાવાળા

મિત્રો  વાસ્તવિકતાને સ્વીકારવી એ નમ્રતા અને પરિપક્વતાની નિશાની છે.પણ હા હૈયાને કોઈ પાસે ઠાલવવાથી હૈયું જરૂર હળવું થાય છે તમારી પાસે પણ કોઈ વાર્તા કે વાત હોય તો લખી મોકલશો.

કહેવત – ગંગા સમીક્ષા – ૩ કલ્પના રઘુ

આજના થેન્ક્સ ગીવીંગના દિવસે મારા તમામ માર્ગદર્શક, ગુરુજન અને વાચક મિત્રોનો આભાર માનુ છું. એક વર્ષ બાદ કહેવત ગંગાનું સરવૈયુ કાઢતાં ઘણું બધું શીખવા મળ્યું.

પ્રજ્ઞાબેન હંમેશા કહે, લખતા રહેજો, તમારા થકી બીજા વિકસે છે. વાત સાચી હશે પણ હું અને મારી કલમ ચોક્કસ વિકસી રહ્યાં છીએ. શું આનું પ્રમાણ કોમેન્ટ બોક્સ કહી શકાય? ક્યારેક મન દ્વિધા અનુભવે ત્યારે મારી લેખન કળાના મૂળમાં રહેલ હ્યુસ્ટનના વિજય શાહનાં શબ્દો યાદ આવે, “કોમેન્ટ્સ એ તો વાટકી વહેવારકહેવાય!” ખરેખર, ખૂબ સાચી વાત છે. તમે જેના માટે કોમેન્ટ લખો, તે જ તમારા માટે કોમેન્ટ લખે. જો કોમન્ટ લખવાનું બંધ કરો તો કોમેન્ટ બોક્સ ખાલી! જેવો તમારો સંબંધ! તો શું આ તમારા લખાણનું સાચું પ્રમાણ છે? શરૂમાં ગમતું. પરંતુ હવે એમ લાગે કે તમને તમારૂં લખાણ ગમ્યું? બસ… વાત પૂરી.

એક લેખક તરીકે સુવાવડીનું દર્દ તો સુવાવડી જ જાણે‘. વિષય નક્કી કર્યા પહેલાં અને પછી કેટકેટલી વિચારોની સવારી સાથે મન કવાયત કરે છે ત્યારે એક લેખનું સર્જન થાય છે! લેખકે એક લેખમાં તેના મનોજગતમાં અનેક વર્ષોદેશ-વિદેશ અને વિવિધતાની સફર કરેલી હોય છે. તેના પરિણામે જન્મે છે એક લેખ. અને સીદીભાઈને સીદકાં વહાલાંજ હોય. શા માટે કોઈની કોમેન્ટ પર પોતાની ક્ષમતાનું તારણ કાઢવું જોઈએહા, ક્યારેક કેટલાક નીવડેલા સાહિત્યકાર, લેખકો અને નિયમિત તમારી કોલમ વાંચતાં વાચકો જ્યારે લાઈક કરે અને કોમેન્ટ લખે ત્યારે તેનું ચોક્કસ વજન પડે છે. પ્રોત્સાહન પણ મળે છે. બ્લોગ પર 2 કોમેન્ટ હોય અને એ જ લેખ ફેસબુક પર મૂક્યા પછી 50 કોમેન્ટ આવે ત્યારે અચૂક આનંદ થાય છે. અમુક વ્યક્તિ લાઈક ના કરે કે કોમેન્ટ ના લખે પરંતુ રૂબરૂ મળે કે ફોન પર લખાણનાં વાક્યો યાદ કરાવે, કે તમારી આ વાત બહુ ગમી. એનો અર્થ કે કોમેન્ટ નથી લખતાં પણ ચોક્કસ તમારો લેખ વાંચે છે. કેટલાંક કરવા ખાતર ઉતાવળમાં લાઈક કરે પણ તેમણે લેખ વાંચ્યો જ ના હોય એવું પણ બનતું હોય છે. હું તો માનું છું કે સાહિત્ય પીરસવા માટે દરેક લેખક દિલથી લખતો હોય છે. ભાવના એક જ રાખવી, ‘નેકી કર ઔર કૂએમેં ડાલ‘.

આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાયકહેવતથી કહેવત-ગંગાની શરૂઆત થઈ અને વાંચનાર કોમેન્ટ બોક્સમાં તેને લગતી કહેવતો લખવા માંડ્યા. કારણકે તેમાં ખોળિયાને સ્વયંપ્રકાશિત કોડીયું બનાવવાની વાત કરી હતી. દિવાળી આવતી હતીને! પછી તો હાથીના ચાવવાના અને બતાવવાના જુદાકહેવત હું લખું, અને બીજા, ‘હાથી જીવે તો લાખનો મરે તો સવા લાખનોલખે. તો વળી દર્શનાબેન તેમને લખેલા હું તો ચપટીભર ધૂળ‘ કાવ્યની વાત કરે, કે જેમાં તેમણે આ કહેવતનો ઉલ્લેખ તેમના બ્લોગ પર કર્યો છે. રાજુલબેન આ કહેવતને માના અલગ અલગ સ્વરૂપ દર્શાવીને નવાજે. આમ આ કોલમમાં દીવડે દીવડો વધુ પ્રકાશિત થઇને પ્રગટતો ગયો. આ કોલમ તમારા બધાનાં સાથ-સહકારથી વધુ પ્રકાશિત બનતી ગઈ. સાહિત્યની ગંગા છે, આ કંઈ થોડા આભાસી અજવાળા હતાંતેજમાં તેજ ભળતું ગયું …

મિત્રો, આપ સૌનાં વધામણાની ‘કહેવત ગંગા’નાં વળામણાં સુધીની સફર આવતા અંકે … મળીએ નવી દ્રષ્ટિ સાથે કહેવત ગંગા સમીક્ષા – ૪ માં.

સંવેદનાના પડઘાની ભીતરમાં- ૪

નેશનલ એવોર્ડ મળેલ હેલ્લારો પીક્ચર જોવા ગયા. થીએટરની બહાર જ “વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા મીઠાનાં રણમાં વાગ્યો રે ઢોલ “ પર કચ્છી ચણિયાચોળી પહેરી મારી સખીઓ ગરબા કરતી હતી. ગુજરાતી પીક્ચર જોવા ગયેલા અને થીએટર તો હાઉસફૂલ.બેઠકનાં સૌ મિત્રો તો ખરાજ પણ બેએરિયાની બધીજ સંગીતની અને સાહિત્યની સંસ્થાના આપણા જ આપ્તજનો તેમજ વૈષ્ણવ મંદિરમાં આવતા પ્રિયજનો ,સમજોને આખા થીએટરમાં આપણો ગુજરાતી પરિવાર. જાણે આપણા દેશમાં જ ન આવી ગયા હોય તેવો મહોલ! ગુજરાતી ભાષાનું ,ગુજરાતી નિકટનાં સૌ મિત્રો સાથે સર્વશ્રેષ્ઠ નેશનલ સિનેમા જોતા અને કચ્છ-ખાવડાની ધરતીની વાત માણતા વતનની માટીની સુગંધ ન આવે તો જ નવાઈ?ભલેને આપણે સૌ અમેરિકામાં રહીએ પણ આવું કંઈક જોઈએ એટલે વતન ઝૂરાપો તો થાય જ ને?


હમણાંજ અમેરિકન સિટીઝન થયાં એટલે ભારત જવા માટે વીઝાની એપ્લીકેશન કરી ,ભારત જવા વીઝા લેવાના હતા. એક જોરદાર નિસાસો નંખાઈ ગયો.મારા જ દેશમાં જવા માટે મારે પરવાનગી લેવાની?આંખ જરા ઝળહળાં થઈ ગઈ.ફરી એકવાર “ભૂલું ના એક ક્ષણ તુઝે”વાર્તા લખી હતી તે જ સમયની સંવેદનાએ મનને ઘેરો ઘાલ્યો.

દેશપ્રેમ એક એવી સંવેદના છે કે તે દેશમાંજ હોઈએ તેના કરતાં દેશથી દૂર હોઈએ ત્યારે વધુ અનુભવાય. એટલેજ દેશ કરતાં પણ અમેરિકામાં આપણાં બધાંજ તહેવારો અને પ્રસંગો આપણે વધુ ઉત્સાહથી ઊજવીએ છીએ.
સંવેદનાના પડઘાની સફરમાં આ દેશદાઝને અનુભવતી જુદી જુદી સંવેદનાની રજૂઆત થઈ તેની ચોંટ દૂર દૂર સુધીના અમેરિકાના અને ભારતના લોકોને પણ લાગી. “ભૂલું ના એક ક્ષણ તુઝે” વાર્તાને ખૂબ સુંદરપ્રતિભાવ મળ્યા.

વડીલ સુરેશભાઈ જાનીએ લખ્યું વાત તો સાચી જ છે. દેશમાંથીઅહીં આવી નાગરિક બનતી વખતની આપણી સૌની સંવેદનાને બહુ જ સરસ વાચા આપી.અંગત સંજોગોને કારણે આપણેn દેશ ત્યાગ કરવો પડે, બીજે નાગરિક થવું પડે –એ નિયતિ છે. પણ દિલમાં ઘરેણાંની જેમ સાચવી રાખેલા સંસ્કારોને ન વિસરીએ એ નીતિ છે.નિયતિ અને નીતિ બન્નેનો પૂર્ણપ્રેમથી સ્વીકાર – એ જીવન જીવવાની કળા છે.


તો રાજુલે કીધું,
જિગિષા,આજે પ્રસંગને અનુરૂપ જે વાત લખી છે એ સીધી જ દિલથી અનુભવેલી હોય એવી રીતે આલેખી છે અને એ લગભગ સૌના મનની જ વાત છે.સમય અને સંજોગોના લીધે કે પરિવારની માયામાં લપેટાયેલા જે કોઈ અહીં આવ્યા પણ મૂળીયા તો વતનમાં જ ને?એટલે એ ક્યારેક પણ મન પાછું એ તરફ ખેંચાયા વગર રહે ?દિલની વાત દિલ સુધી પહોંચે એટલી સરસ રીતે મુકી છે.


આ વાર્તા વાંચી વોટ્સ અપ પર પણ અનેક પ્રતિભાવ મળ્યા .મારાં કુટુંબીજનો અને ભાઈબહેનને પણ વાર્તા ખૂબ ગમી અને તેમણે તેમના મિત્રવૃંદને આગળ મોકલી.તેમાં મારી બહેનનાં મિત્ર અશ્વિનભાઈ સુપ્રિમ કોર્ટના જજ તેમણે જ્યારે મને મેસેજ કર્યો ત્યારે ખરેખર હું ખૂબ ખુશ થઈ ગઈ અને હું મારી સંવેદનાથી લોકોના હ્રદયને ભીંજવી શંકુ છું તેનો અનુભવ કર્યો.


મોદીજીની ૨૦૧૯ની બીજીવારની ચુંટણીમાં જીતના આનંદ સાથે લખાયેલ “સૌગંધ મુંજે ઈસ મિટ્ટી કી” લેખ અને આતંકવાદી હુમલામાં એકસાથે પુલવામામાં શહીદ થયેલા સૈનિકોની હ્રદયને હલાવી દેતી વેદના સાથે લખાએલ” અમર વો નવ જવાઁ હોગા” લેખ મારી અંદર ઘરબાએલ મારા દેશપ્રેમની જ પ્રતિતી છે.અને એટલે જ આજે પણ મોદીજી આપણા દેશના એક અદના પ્રધાનમંત્રી કેમ છે? તેને લગતો લેખ લખ્યો છે તે અહીં પ્રસ્તુત કરું છું.સૌ જરુર વાંચજો અને વાત સાચી લાગે તો જરુર ફોરવર્ડ કરજો જેથી વધુમાં વધુ લોકોને આ જાણકારી મળે.આ દૂર રહીને કરેલી દેશસેવા જ છે.


મોદીજી જ કેમ???

મોદીજીની વાત આવે એટલે તેમનાં વિરોધીઓ હમેશાં મોદીના ભક્તો વિરુદ્ધ બળાપા કાઢતા મેં સોશ્યલ મિડીયા પર અનેક વાર વાંચેલા અને સાંભળેલા.સામાન્ય જ્ઞાન ધરાવતા અને ગાડરીયા પ્રવાહ સાથે વહેતા લોકો વિશે આપણો અભિપ્રાય પૂરતી જાણકારી વગર ન અપાય. એવામાં ભારતથી કૌટિલ્ય જેવી વિચક્ષણ બુધ્ધિવાળા એક ઉદ્યોગપતિ અમારે ઘેર રહેવા આવ્યા.રાત્રે અમે પરિવાર સાથે બેઠા હતા તો બીજા સમાચાર સાથે મને મારા દેશની પણ સત્ય હકીકત અને સમાચાર જાણવા હતા.


આ એવી વ્યકિત હતી જેને ના ભાજપ સાથે કંઈ લેવાદેવા હતી કે ન આર.એસ.એસ સાથે.મેં પત્રકારની અદાથી તેમને પૂછ્યું કે મોદીજી અંગે આપનું શું કહેવું છે?

તેમણે કીધું “આજ સુધી આપણા દેશને આવો નેતા ખરેખર નથી મળ્યેા.


મેં કીધું મોદીજી તો Gst લાવ્યા તેથી બધાંને ડબલ ટેક્સ આપવો પડે છે એવી ફરિયાદ લોકો કરે છે.તેમણે કીધું ”દેશવાસીઓને રસ્તા સારા જોઈએ છે.બધી સગવડો વિદેશ જેવી જોઈએ છે અને ટેકસ નથી ભરવો તે કેમ ચાલે? “અને તેમણે મોદીજીએ દેશ માટે આમ જનતા ન જાણતી હોય તેવી અનેક જાણકારી આપી.તેમણે જે કીધું તે મને લોકો સુધી પહોંચાડવા જેવું લાગ્યું.

તેમણે કીધું “જે મોટી કંપનીઓના કરોડોમાં નફા થતા હોય તેમને તેમનો ટેકસ ભર્યા પછી તેમની કમાણીના બે ટકા સરકાર કહે ત્યાં દાન કરવાનું. તેમાં ગામડાઓમાં સ્કૂલ,કોલેજ,હોસ્પિટલ માટે જેવા અનેક ઓપ્શન સરકાર આપે.આ શું ગરીબ-તવંગરના ભેદને સરસ રીતે ઓછા કરવાની જ રીત નથી? ૪૦૦ કરોડનો નફો કરતી કંપનીએ ટેકસ ભર્યા પછી તેના બે ટકા એટલે કે આઠ કરોડનું ફરજિયાત સરકારની સુચવેલ યાદી મુજબ દાન કરવાનું.પોતાના દીકરાની શાળામાં દાન ન કરી શકે! “

આગળ વાત વધારતા તેમણે કીધુ,
“મોટી-નાની કંપનીઓએ ટેકસ ઓનલાઈન ભરવાનો તેથી વકીલોના ડીપાર્ટમેન્ટમાં જવાના ધક્કા બચ્યાં અને અમદાવાદની કંપનીનું એસએસમેન્ટ કોચીનમાં ઓનલાઈન ઓફીસર કરતો હોય તેથી
અમારે અમદાવાદના ઓફીસરોને જે લાંચ આપવી પડતી હતી ત્યારે ઈન્કમટેક્ષનાં કેસ પતતા હતા તે મગજમારી ગઈ અને ટેક્સના ભરેલા વધારાના TDS ના પૈસા પણ મહિનામાં પાછા આવી જાયછે.એટલે જેને સાચું કરવું છે તેને તો મોદીથી કોઈ તકલીફ જ નથી.”

પછી તેમણે કીધું કે હમણાં તે ચારધામ ગયા હતા ટેક્સીવાળા અને ત્યાંની ગરીબ પ્રજા બધા કહે છે કે મોદીજીએ ઉત્તરભારતનાં રસ્તા એટલા સરસ કરી દીધા છે કે ટેકસીવાળાઓને અને નાનામોટા ધંધા કરવાવાળાને ખૂબ રોજીરોટી મળે છે.ઉપરાંત મોદી વિરોધીઓ કહે કે મોદી હિમાલયમાં આવીને રહ્યા એ પબ્લીસીટી સ્ટંટ છે ત્યારે પેલા ગરીબ ડ્રાઈવરે કીધું કે મોદીજી આવીને ગયા પછી એટલા બધા પ્રવાસી આવે છે કે અમારો ધંધો સો ટકા વધ્યો છે.એ તો હિમાલય પ્રવાસના અમારા એમ્બેસેડર બની ગયા.

આટલી વાત ચાલતી હતીને ત્યાંજ અમારા મહેમાનના પત્ની બોલ્યાં” સફાઈ અભિયાન એટલું સરસ ચાલુ કર્યું છે કે પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો એના લીધે બધાં કપડાંની થેલીઓ વાપરતા થયા,પ્લાસ્ટિકના ડબ્બા નાસ્તા માટે અને રેસ્ટોરન્ટનાં ખાવાના માટે મળતા તે અને પ્લાસ્ટિકની પાણીની બોટલો બંધ થઈ ગઈ .અડધો કચરો તો આમ જ સાફ થઈ ગયો. ગાયો પ્લાસ્ટિક ખાતી બંધ થઈ તે વધારામાં.”

આ ઉપરાંત ટ્રાફીકનાં નિયમો એવા કર્યા કે રાત્રે બે વાગે અમેરિકાની જેમ અમદાવાદનો યુવાન લાલ લાઇટ પર ઊભા રહે છે.અને જીબ્રા ક્રાેસીંગની સફેદ લાઇનને ગાડી અડી ન જાય તેનું દયાન રાખે.દારુ પીને ગાડી ચલાવે તો યુવાનની સાથે રહેતા માતપિતા પણ જવાબદાર ગણાય.આ બધું ભારત દેશમાં થાય તે માત્ર અને માત્ર મોદીજીને જ આભારી છે.

ત્યાંજ અમારા મહેમાનભાઈ બોલ્યા” બીજી એક વાત કહું જેનો વિચાર અત્યાર સુધીના કોઈ પ્રધાનમંત્રીને આવ્યો નથી.તેમની કંપનીને હમણાં જ વેપાર ક્ષેત્રે એક એવોર્ડ મળ્યો.તેમણે કીધું “મારી અડસઠ વર્ષની ઉંમરમાં મારી કંપનીને અનેક એવોર્ડ મળ્યા છે તેમાં એવોર્ડ તરીકે હમેશાં તાજમહેલ મળતો.એના બદલે આ વખતે સરદારનું સ્ટેચ્યું ઓફ યુનિટી મળ્યું.હું એટલો ખુશ થયો કે આવા વિચાર તો માત્ર મોદીજીને જ આવે.”

પછી ઉત્સાહમાં આવીને કહે “હું મારા કામથી દેશ-વિદેશમાં સતત ફરતો હોઉં છું. દીલ્હીનાં ,મુંબઈના,અમદાવાદના એરપોર્ટ જુઓ …..બહેન દિલ્હીના એરપોર્ટ પર ખમણ ઢોકળાં મળે.
અરે ! હમણાં અમદાવાદના એરપોર્ટ પર નવરાત્રિમાં ઉતર્યા તો સ્વર્ણીમ્ ગુજરાતનું એરપોર્ટ પર નવરાત્રિના સુંદર રાસ-ગરબા,ચાંલ્લા અને હાર પહેરાવી યાત્રિકોનું સ્વાગત જોઈ આનંદથી ગદગદ થઈ ગયો અને મન
મ્હોરી ઊઠ્યું ને બોલી ગયું વાહ વાહ મોદી….”

મને કહે, ” ક્યારેક પાણીનું આછું પાતળું વહેણા તો ક્યારેક સાવ સૂકી ભઠ્ઠ બની જતી સાબરમતીના બદલે રીવરફ્રન્ટ અને કાંકરીયાના નઝારાએ તો અમદાવાદની સિકલ બદલી નાંખી છે.અરે !સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે તેમના વિરોધીઓ બોલવા ખાતર કંઈપણ બોલતા હતા કે તેની આજુબાજુનાં લોકોની જમીન લઈ લીધી વગેરે …….પણ સાચીવાત તો એ છે કેઆજુબાજુનાં ગામના લોકોને અનેક પ્રવાસીઓને લીધે એટલી રોજગારી મળી છે કે આખા વિસ્તારના લોકોને કામ મળ્યું છે ને વિસ્તારનો સુંદર વિકાસ થયો છે.”

“માત્ર ગુજરાત જ નહીં દરેકે દરેક રાજ્યનાં અને દેશના નાનામાં નાના માણસ અને ગામડા પર તેમનું ધ્યાન છે.કાશ્મીરમાં ૩૭૦ના કાયદાની નાબૂદી તો ઉત્તરભારતનાં હિમાચલ પ્રદેશના રસ્તાઓ ,ગંગા જેવી નદીઓની સફાઈ તો દ્વારકા,સોમનાથ,કેદારનાથના મંદિરોની તો સિકલ જ બદલાઈ ગઈ.પરદેશનાં સંબંધોની સુધારણા સાથે જે તે દેશની દરેક સારી વસ્તુ જોઈને આપણા દેશમાં પણ તેને અપનાવવાના પ્રયત્ન કર્યા.વિધવા ,સિનીયર સિટીઝન,નારી સુરક્ષા અને દીકરીઓના ભણતરના કાયદા અને ફાયદા પણ ખૂબ સરાહનીય છે.”

તેમનું છેલ્લું વાક્ય મનને અડી ગયું.”અત્યાર સુધી આટલા પ્રધાનમંત્રીઓ આવ્યા છે પણ દેશના વિકાસ માટે મોદીજીએ દરેક ક્ષેત્રે દરેક રાજ્યમાં દરેક વ્યક્તિ માટે જે અગણિત કાયદા અને સુધારા કર્યા છે તે હજુ સુધી કોઈએ કર્યા નથી.અને મોદીજી પણ ભગવાન તો છે નહી.તેમની કોઈ ક્ષતિ હોય તો પણ જેણે દેશની અંદર અને વિદેશમાં ભારતની સિકલ જ બદલી નાંખી તો તેમની કોઈ નાની ક્ષતિ હોય તો માફ છે અમારે માટે અને ભક્તો માટે જય મોદીજી.તેમના વિરોધીઓને જે કહેવું હોય તે કહે -પૂંઠ તો પાદશાહની

જિગીષા દિલીપ પટેલ

 

વાત્સલ્ય વેલીનાં વિવિધ પુષ્પો -૨) મેનાર્કી: ( Menarche) કૌમાર્યનું સેલિબ્રેશન ! કૅથિની વાત !

બાળકો સાથે કામ કરતાં કરતાં ઘણી વાર હું કેટલાંક વ્યક્તિત્વથી અંજાઈ ગઈ હોય તેમ પણ બન્યું છે!

‘કેટલી બધી કાળજીથી ફલાણી વ્યક્તિ એનાં બાળકને ઉછેરે છે! ‘ હું વિચારું

“ એનાં જીવનમાં ડોકિયું કરીશ તો મને પણ એની પાસેથી કાંઈક જાણવાનું મળશે !” હું એવા કોઈ ખાસ આશયથી મારાં સ્થાન અને તકનો ઉપયોગ કરીને એ વ્યક્તિની નજીક જવા પ્રયત્ન કરું; ગમ્મે તેમ રીતે તેને સમજવા સમય ફાળવું!સમય કાઢીને એને નજીકથી ઓળખવા પ્રયત્ન પણ કરું.

સાંજને સમયે પાંચેક વર્ષની અકીરાને લેવા એની મોટી બેન કૅથિ અને મમ્મી આવે!

કૅથિ અમારી દીકરી સાથે સ્કૂલમાં પાંચમા ધોરણમાં ભણે . ડે કેર સેન્ટરના મુખ્ય દ્વાર પાસે ઉભા રહીને કૅથિ અને અકીરાની મમ્મી સાથે બે મિનિટ નહીં પણ બાવીસ મિનિટ વાત કરવાનું પણ બને ! એમનાં ઘર સાથે ધીમે ધીમે નજીકના મિત્રભાવના સંબંધો પણ બઁધાઈ ગયા હતાં; વાર તહેવારે એમને ત્યાં જમવા પણ આમંત્રે !

એક દિવસ એણે મને કૅથિ માટે રાખેલ પાર્ટીની વાત કરી .

“એને માટે મેં પાર્ટી રાખી છે! મેનાર્કી Menarcheપાર્ટી !” એણે મને કહ્યું !

એ વળી શું હશે ? મેં શબ્દ સમજવા પ્રયત્ન કર્યો.

બાળકોની બર્થડે પાર્ટી વિષે આપણને બધાંને અહીંના રીવાજોની ખબર છે; અને ક્રિશ્ચિયન લોકોમાં નવ જાત શિશુનું ક્રિશ્ચનિંગ અને બાપટિઝમ – નામકરણ વિધિથી અમે પરિચિત હતાં ! અને એવાં સેલિબ્રેશનમાં ચર્ચમાં જવાનું થયેલ. જેમ આપણે ત્યાં બ્રાહ્મણોમાં યજ્ઞોપવિત સંસ્કાર હોય છે જેમાં બ્રાહ્મણનો બીજી વાર જન્મ થતો હોય ( પહેલો જન્મ માનવ તરીકે, પછી બ્રાહ્મણ તરીકે -તેથી એને દ્વિજ કહેવામાં આવે છે; ) તેમ ક્રિશ્ચનિંગ માં પણ એ બાળકનો ક્રિશ્ચિયન તરીકે નવો જન્મ થયો એમ ગણાય !

પણ આ મેનાર્કી Menarche પાર્ટી વિષે કાંઈ સાંભળેલું નહીં!

“ બધી સરખી ઉંમરની છોકરીઓ ભેગાં મળીને આઈસ્ક્રીમ ખાશે , અને સરખી ઉંમરના છોકરાઓ પણ સાથે હશે. દશ -અગ્યાર -બાર -વર્ષનાં કિશોર કિશોરીઓ એક બીજા હળી મળીને આઈસ્ક્રીમ ખાશે, સાથે વાતો કરતાં શીખશે ,થોડી ઠઠા મશ્કરી કરશે… આ ઉંમરે,જીવનના આ તબક્કે એમને એ બધું શીખવાડવું પણ જરૂરી છે ને? કૅથિની મમ્મીએ મને સમજાવ્યું.

એણે મને સમજાવ્યું કે મેનાર્કી પાર્ટી છોકરી જયારે સૌ પ્રથમ વાર ટાઈમમાં બેસે ત્યારે એને સમજણ આપવા થાય છે! એ ઉંમરે છોકરીઓમાં હોર્મોન્સ બદલાતાં હોય છે, છોકરી પ્યુબર્ટીમાં આવી રહી હોય છે.

રજસ્વલા બનવું – ટાઈમમાં બેસવું એ સ્ટેજ છોકરીઓના જીવનમાં મહત્વનું છે , અને હવે એ માતા બની શકે છે એની ગંભીરતાનો ખ્યાલ આપવો જરૂરી છે. ઘણાં શ્રીમંત લોકો હોલ રાખીને માત્ર સ્ત્રીઓ માટેની પાર્ટી પણ કરે છે: ( આપણે ત્યાં બેબી સાવર- શ્રીમંતની – ખોળો ભરવાની પાર્ટી હોય છે તેમ! એમાં માત્ર છોકરીઓને જ આમંત્રણ હોય) લાલ અને શ્વેત રંગના ડેકોરેશન , અને ડહાપણ આપતાં સુવાક્યો વગેરેથી જે છોકરી પ્રથમ વાર રજસ્વલા બની હોય તેને માનસિક રીતે આધાર મળે છે! એનો આત્મવિશ્વાષ દ્રઢ થાય છે!

સ્ત્રીના જીવનનું આ અતિ મહત્વનું સ્ટેજ!

અને એનું સેલિબ્રેશન! આ અમેરિકાની ધરતી અજબ છે!

આપણે ત્યાં આ વિષય પ્રત્યે એક પ્રકારનો છોછ – ઉદાસીનતા – પ્રવર્તે છે. કોઈ એ વિષયનો ઉલ્લેખ કરતું નથી . અલબત્ત , દરેક સ્ત્રીના જીવનમાં આ પગથિયું આવતું જ હોય છે પણ એ બાળકી જે હવે કિશોરાવસ્થામાંથી યુવતી બનવા જઈ રહી હોય છે, તેને જાણે કે- જાણે કે એ બાર પંદર વર્ષની દીકરીએ કોઈ ગુનો કર્યો હોય તેમ એને અછૂત જેમ ગણવામાં આવે છે! ( જો કે તેની પાછળની ભાવના એ સમયે હોર્મોન્સમાં ફેરફારથઇ રહ્યાં હોય ત્યારે એ છોકરીને માનસિક અને શારીરિક આરામ મળે તેવી હોય છે.. પણ ગામડાંઓ માં તો એવી છોકરીને અડકી જવાય તો નહાવું પડે તેવું થતું હોય છે! જો કે, હવે આપણાં જેવાં એન આર આઈ વગેરેનાં આવન જાવન થી પરિસ્થિતિ બદલાઈ રહી હશે)

પણ મારું પરીક્ષા ઉત્સુક મન તો અહીંનાં આવાં સેલિબ્રેશનથીયે રાજી નહોતું!!

છોકરા છોકરીઓ આમ સાવ સીધાં જ હળે મળે અને મૈત્રી કેળવે તે મારાં મનમાં બરાબર જચતું નહોતું !

આગ અને ઘીની મૈત્રી? ઘી પિગળી જ જાય !

વળી આ ઉંમર પણ હજુ અપરિપક્વ હતી ! દશ પંદર વરસનાં છોકરાંઓ! એમની નિર્ણય શક્તિનો શો ભરોસો?

મેં આપણાં સામાજિક – ધાર્મિક સ્થળો તરફ નજર કરી: મંદિરોમાં બાળ સંસ્કાર કેન્દ્રોમાં બાર પંદર વરસનાં છોકરા છોકરીઓ હળતા મળતાં, પણ સાથે સાથે માતા પિતા અને અન્ય કુટુંબી જનો પણ મૈત્રી કેળવતાં!

પણ અહીં આ સમાજમાં કુટુંબ નહીં પણ માત્ર મિત્રોનું જ મહત્વ હતું! અને તેનું કારણ પણ સ્વાભાવિક હતું: સ્વતંત્ર સમાજમાં જન્મદાતા માતા પિતા સાથે રહીને ઉછરતાં બાળકોનું પ્રમાણ પણ ઓછું હતું. અને ડે કેર ડિરેક્ટર તરીકે મેં જોયું હતું કે આ કુટુંબોનું દૈનિક રૂટિન પણ પાર્ટ ટાઈમ બેબીસિટર અને અન્ય મદદ ઉપર આધારિત હતું!

હવે આ વિધિ પછી છોકરીઓને બોય ફ્રેન્ડ શોધવાનું લાયસન્સ નહીં, પણ પરમીટ તો જરૂર અપાતી હતી!!

જુનિયર હાઈસ્કૂલ ( પાંચમું ધોરણ થયો સાતમું ધોરણ) ત્યારથી છોકરા છોકરીઓ એ રીતે વિચારવાનું શરૂ કરી દે!

મારું મન આ પારકી ભૂમિ , પારકી સંસ્કૃતિ અને મારી સંસ્કૃતિ , મારા જાત અનુભવો સાથે સરખામણી કરવા લાગ્યું ! મને અર્ધી સદી પહેલાના એ દિવસો યાદ આવ્યા !

“ હવે તું મોટી થઇ ગઈ છું !” મારી મમ્મીએ મને પાસે બેસાડી સમજાવ્યું હતું ; “બોલવાનું બધાંની સાથે, પણ સભાન રહેવાનું ..”વગેરે વગેરે.

“ પણ, ગીતા ! એ જ તો હું મારી કૅથિને શીખવાડું છું!” કૅથિની મમ્મીએ કહ્યું; “ અમે ઇટાલિયન લોકો પણ એવાં જ સ્ટ્રીક છીએ, પણ પોતાનો જીવન સાથી સૌએ પોતાની જાતે શોધવાનાં હોય એટલે આ જાતની ટ્રેનિંગ જરૂરી છે.”

એણે કહેલી વાત કેટલી સત્ય છે તે મને ત્યારે ૧૯૯૨-૯૩માં સમજાઈ નહોતી કારણકે અમે પણ નવાં , નાના અને અણઘડ હતાં!

વાત્સલ્ય વેલીનાં પુષ્પો જેમ ખીલતાં હતાં તેમ અમારું અંગત જીવન પણ આવા પ્રસંગોથી ઘડાતું , આખળતું બાખડતું , હચમચતું અને એમ આગળ વધતું હતું!

મેં ડે કેરના બિઝનેસમાંથી પરાણે બહાર ડોકિયું કાઢ્યું ; અમારાં સંતાનો પણ ટીનેજર બની રહ્યાં હતાં! જીવનમાં અમારે કયો રસ્તો અપનાવવો છે? મન એ પ્રસન્ગ પછી ઉદ્વિગ્ન બની ગયું ! છેવટે ને ભગવાનને પ્રાર્થના કરી કે હું આ સંસ્કૃતિમાંથી સારું ગ્રહું અને મારી સંસ્કૃતિનું ખોટું છોડીને સમતોલન જાળવી શકું તેવી સમજણ મને મળે!!

૫ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વાનુભવની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એકાવન સપ્તાહ એટલે કે એક વર્ષ….

આ આખું વર્ષ સાવ અલગ અલગ અનુભૂતિ લઈને આવ્યું અને સાવ અનેરી અનુભૂતિ સાથે પસાર થયું. સમય સાથે કેટલાક સંબંધો તાજા થયા. જીવનમાં કેટલાક સંબંધો લોહીના તો કેટલાક લાગણીના. આવા કેટલાક સાવ પરિચિત સંબંધોની નોખી અનોખી રીત વિશે વાત થઈ.

કેટલાક એવા સંબંધો જેના તાણાવાણા અત્યંત નાજુક હોવા છતાં રેશમના કીડાનું જતન કરતાં કોશેટા કરતાંય મજબૂત, આપણા જન્મની સાથે જન્મેલા અને જોડાયેલા લોહીની સગાઈની સાથે લાગણીથી જોડાયેલા સહોદરના સંબંધોની વાત થઈ.

જ્યારે જ્યારે પ્રણયની વાત આવે, વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે ત્યારે પ્રણયનો ઇતિહાસ રચનાર, પ્રણયના ઇતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર, એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવા રાધા-કૃષ્ણની વાત થઈ. આમ તો એમના વિશેની વાતો તો અખૂટ જ છે ને?

આજે પરણીને કાલે પસ્તાયા હોય એવા યુગલની પણ વાત થઈ અને સાથે છેલ્લા શ્વાસ સુધી અત્યંત પ્રેમપૂર્વક સાથ નિભાવનાર, સપ્તપદીમાં હાથમાં હાથ લઈને અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને જીવનના અંત સુધી કરચલીવાળા હાથની મુલાયમતા માણતા, દોસ્ત જેવી દિકરીની હાજરીથી લીલીછમ ઘરની દિવાલોને વચ્ચે ગમતાનો ગુલાલ કરતાં દંપતિની વાત થઈ.

વચ્ચે આવ્યો મધર્સ ડે. સ્વભાવિક છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ સંબંધની વાત તો થવાની જ. મા વિશે લખીએ તો ગ્રંથો ભરાય પણ એ દિવસે લોહીના સગપણ કરતાંય ચઢે એવા લાગણીના સંબંધો ધરાવતા મધર ટેરેસા જેવા બાલાશ્રમના એક મા વિશે ય વાત થઈ. આવી વ્યક્તિઓને મળવાનું થાય ત્યારે આપોઆપ માનથી મસ્તક નમી જાય.

તો જેના ખભે બેસીને દુનિયા જોવાનો લ્હાવો મળે, જીવનની આંટીઘૂંટી સમજવાનું જ્ઞાન મળે. જેનો લગાવ-પ્રભાવ-અનુરાગ આપણી સાથેના સંબંધનો પાયો છે, સમત્વબુદ્ધિથી જે આપણને કેળવે એવા પિતાને ફાધર્સ ડે પર યાદ કર્યા.

જેને સુરેશ દલાલ જેવા કવિએ વૃક્ષનો છાંયો, નદીનું જળ, આકાશનો ઉઘાડ, થાક્યાનો વિસામો, રઝળપાટનો આનંદ, બુદ્ધનું સ્મિત, મીરાંનું ગીત કહીને મહિમા ગાયો છે એવી મૈત્રીની વાત તો કેવી મઝાની અને એ તો વળી કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ. એક સાવ અનોખા પણ સૌના જીવનમાં ખુબ વ્હાલસોયા લાગતા, જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે એવા મૈત્રીના સૂરની વાત કર્યા વગર તો કેમ ચાલે?

સાવ નાનકડી ઉંમરે સ્વબળે આગળ આવવાની નેમ ધરાવતા અહીંના બાળકો અને એમના આત્મવિશ્વાસ વિશે પણ વાત થઈ તો સ્થાયી જીવનની પરવા કર્યા વગર રાજી રાજી પોતાની જોબ અન્યને આપી દેતી મેલિસાને કેમ ભૂલાય?

જેમના નામ સાથે લેખક-દિગ્દર્શક-નાટ્યકાર, કાર્ટુનિસ્ટ, ભવાઈકાર, ચિત્રકાર, યોગસાધકની ઓળખ જોડાયેલી છે, ગુજરાતી રંગભૂમિ પર પ્રથમવાર શતપ્રયોગી નાટક ભજવવાનું બહુમાન મળ્યુ છે એવા નાટ્યકારને તો યાદ કરવા જ પડે ને?

તો મા-બાપ, ભાઈ-ભાંડુથી દૂર, ઘણે દૂર માભોમ માટે મરી ફીટતા, જેમને આપણે લાગણીશૂન્ય માની લઈએ છીએ એવા લાગણી પર ફરજનું એક અભેદ કવચ ચઢાવીને આપણી સલામતી માટે ખડે પગે રહેતા મિલિટરીના જવાનોને સન્માન્યા વગર કેમ ચાલે?

કહેવાનું તાત્પર્ય એ કે પાછું વાળીને નજર કરું છું તો સાચે જ લાગે છે એક વર્ષમાં કેટ-કેટલા સંબંધો જીવી લીધા ! એ તમામ સંબંધોની સાથે શબ્દ સ્વરૂપે કાવ્યની અભિવ્યક્તિ કેવી કેવી રીતે જોડાયેલી છે એ વિચારું છું તો લાગે છે આપણું કાવ્ય જગત કેટલું સમૃદ્ધ છે? અહીં તો આપણા જ માત્ર ગણ્યા ગાંઠ્યા સંબંધોની વાત કરી પણ ભાવવિશ્વ તો ભરચક છે. આ ભરચક ભાવવિશ્વ માટે પણ કેટ કેટલા કવિઓએ કેટલું કહ્યું છે . કવિતા એટલે થોડા શબ્દોમાં મનને-હ્રદયને સ્પર્શે એવી રીતે ઘણીબધી વાત કહી જતી રચનાઓ…

કવિતાને આપણે સંવાદી સૂર કહીશું? કવિતાને આપણે મનની ઉર્મીઓની અભિવ્યક્તિ કહીશું? કે છંદ-અલંકારોમાં વહેતી વાણી કહીશું?

ઘણુંબધું કહી શકાય આ કવિતાઓ માટે પણ આજે તો હું એટલું તો કહીશ જ કે આ કવિતાઓ એટલે મારી અને તમારી વચ્ચેનો એક એવો સંવાદ જેના થકી હું વ્યક્ત થઈ અને તમે મને વહાલથી વધાવી લીધી.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 51 : પ્રેમ : સપના વિજાપુરા

પ્રેમ પરમ તત્વની સફર માંથી પસાર થતા ઘણી જાતના પ્રેમની આપણે વાતો કરી ,જેમાં મા દીકરાનો પ્રેમ, પિતા પુત્રીનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, બહેન બહેન નો પ્રેમ, મુગ્ધાનો પ્રેમ, પ્રિયતમનો પ્રેમ અને પતિનો પ્રેમ અને એ સિવાય વતન પ્રેમ પુસ્તક પ્રેમ, કવિતા પ્રેમ, પ્રકૃતિ પ્રેમ ઈશ્વર પ્રેમ, ધર્મ પ્રત્યે પ્રેમ , શ્રદ્ધા પ્રત્યે પ્રેમ,પૃથ્વી પ્રત્યે પ્રેમ, સ્વાર્થરહિત પ્રેમ, ઘડપણ નો પ્રેમ, આવા અનેક પ્રકારના પ્રેમ વિષે વાતો થઇ.

 

માનવ એક સામાજિક પ્રાણી છે. જેમ ખોરાક અને પાણી વગર માનવી રહી શકતો નથી એજ રીતે પ્રેમ વગર માણસ રહી શકતો નથી. નફરત અને પ્રેમ ની વચ્ચે એક પાતળી રેખા છે. રેખાની આ બાજુ પ્રેમ છે અને રેખાની પેલી બાજુ નફરત છે. જે વ્યક્તિ પ્રેમને પસંદ કરે છે એના માટે વિશ્વમાં પ્રેમ જ છે. પેલું કહે છે ને “દેંગે વહી જો પાયેંગે ઇસ જિંદગીસે હમ” પ્રેમ વહેંચશો તો પ્રેમ મળશે અને નફરત ના સોદાગર બનશો તો નફરત જ મળશે।  ઘણી વાર આ પ્રેમ તમે વિચાર્યું પણ ના હોય તેવી વ્યક્તિ પાસેથી મળી જાય છે અને ઘણીવાર નફરત પણ તમારી નજીકની એવી વ્યક્તિ પાસેથી મળી જાય છે જેની તમે કદી આશા રાખી ના હોય. ત્યારે હતાશા મળી જાય છે. પણ પ્રેમનો આધાર ફકત એક વ્યક્તિ પર નથી કદાચ એક વ્યકતિની નફરત આખા જગતના પ્રેમ સાથે મુલાકાત કરાવી દે છે.

 

ઈશ્વરે માનવ હૃદયમાં પ્રેમ મૂકી એકબીજાની સંભાળ રાખતા કરી દીધા છે. વિચારો કે જો મા ના હૃદયમાં પ્રેમ ના મૂક્યો હોત તો કોઈ મા પોતાના બાળકની સંભાળ ના રાખત। પશુ પંખી માં પણ આ મમતા મૂકી છે. જેથી તો પંખી એક એક દાણો લાવી પોતાના બચ્ચાને જીવાડે છે. અને વાઘ પોતાના બચ્ચા માટે શિકાર કરે છે। પ્રેમની તાકાત પરમ કરતા પણ વધારે છે. પ્રેમ વિષે લખવા બેસું તો ગ્રંથ લખાય અને આમ કલમ લઈને બેસું છું તો થાય છે કે શું લખું? બસ આ પ્રેમ પરમ તત્વની સફરે મને પણ ભાન કરાવી દીધું કે હું કેટલી કેટલી વ્યકતિઓને પ્રેમ કરું છું , વસ્તુ અને એહસાસ ને પણ .પ્રેમ કરતી વ્યક્તિ દુનિયામાં પોતાની એક અમિટ છાપ મૂકી જાય છે. જેમકે મધર ટેરેસા ! જીવન એવું જીવું કે કોઈ મને પ્રેમથી યાદ કરે નફરતથી નહીં।  કોઈના દિલમાં ઘર કરી જાઉં। પ્રેમનું નામ આવે એટલે સપના યાદ આવે. 

અંતમાં એટલું જ કહીશ।…..

 “પ્યાર કોઈ બોલ નહિ, પ્યાર આવાઝ નહિ ,
એક ખામોશી હૈ સુનતી હૈ કહા કરતી હૈ ,
ના યેહ બૂઝતી હૈ ના રુકતી હૈ ના ઠેહરી હૈ કહી 
એક નૂરકી બુંદ હૈ  સદિયોસે બહા કરતી હૈ ,
સિર્ફ એહસાસ હૈ યેહ રૂહ સે મેહસૂસ કરો
પ્યારકો પ્યાર હી રેહને દો કોઈ નામ ના દો”

 

સપના વિજાપુરા

દ્રષ્ટિકોણ 46: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – ઇસ્લામ ધર્મ (દયાળુ શબ્દ દાન નો પ્રકાર છે) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, શીખ, ખ્રિસ્તી, અને બુદ્ધ ધર્મો વિષે વાત કરી. આજે ઇસ્લામ ધર્મ વિષે વાત કરીએ.

ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.

ઇસ્લામ ધર્મ ની સાચી ઓળખ: ઇસ્લામ ધર્મ: ઇસ્લામ ધર્મ વિષે ઘણી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે અને તેની સાચી ઓળખ કેળવવી જરૂરી છે. કુરાનમાં 114 એવી કળીઓ છે જેમાં પ્રોફેટ મહંમદ્દે તેમના અનુયાયીઓને શાંતિ ની પ્રેરણા આપી છે.  એક કળીમા કહ્યું છે કે “તમે જેની પૂજા કરો છો તેની હું પૂજા કરતો નથી અને ન તો હું જેની પૂજા કરું છું તેની તમે પૂજા કરો છો. તમને તમારો ધર્મ મુબારક અને મને મારો”. બીજી એક કળીમા કહેવામાં આવ્યું છે કે “જો કોઈ કારણ વગર કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ માણસ ની હત્યા કરે તો તે આખી માનવજાત ની હત્યા કર્યા સમાન છે, અને જો કોઈ એક વ્યક્તિની જિંદગી બચાવે તો તે તમામ માનવજાત ને તાર્યા સમાન છે”. બીજે કહેવામાં આવેલ છે કે “કોઈ તમને પહેલા ઉશ્કેરે નહિ તો તમે તેમને પહેલા ઉશ્કેરો નહિ. અલ્લાહ ને આક્રમણ કરનાર વ્યક્તિ પસંદ નથી”. બીજે કહ્યું છે કે “જો કોઈ વ્યક્તિ તમને તમારી રીતે રહેવા દ્યે તો તેમની સાથે ઝગડા કરો નહિ અને શાંતિ સ્થાપો. કેમકે તેવી વ્યક્તિને હાનિ કરવાની પરવાનગી કોઈને આપવામાં આવી નથી”. 

અલબત્ત દરેક ધર્મ અને ધાર્મિક પુસ્તક ને તે સમયના ઐતિહાસિક સંદર્ભ માં જાણવાની જરૂર છે. જેમ મહાભારત અને રામાયણ જેવી લડાઈઓ સર્જાણી અને તેમાંથી શ્રી કૃષ્ણ ના ઉપદેશ આપણને મળ્યા, તે રીતે પ્રોફેટ મહમદ પણ એક લડાઈ જગડા વાળા હિંસક સમયે અસ્તિત્વમાં હતા.  તે વાતાવરણ ને ધ્યાન માં લઈને તેમણે ઝગડા નો સામનો ઝગડા થી કરવા માટે તેમના અનુયાયીઓને ઉપદેશ આપ્યો છે પરંતુ તેની સામે તેમને વારંવાર, ફરી ફરીને તેમના અનુયાયીઓને શાંતિ સર્જવા માટે પ્રથમ પગલું લેવાની પ્રેરણા આપી છે. સાલ 2017 ના અધ્યયન પ્રમાણે શાંતિ ના સંદેશને લીધે ઇસ્લામ સૌથી ઝડપથી દુનિયા માં વિકસી રહ્યો છે. મારી એક ગુજરાતી સખીએ આ કારણસર ઇસ્લામ ધર્મ ને અપનાવ્યો છે. કોઈ પણ મુસલમાને પ્રોફેટ ના ઝગડા ના સંદેશ ની ઉપર લક્ષ્ય રાખી આતંક કરવો અને તેમના શાંતિ ના સંદેશ ને અવગણવો તે ઇસ્લામ પ્રમાણે સરાસર ગુનો  ગણાય। તેજ રીતે બિન મુસલમાને તેમના વારંવાર આપેલા શાંતિના સંદેશને અવગણવો તે ઇસ્લામ ની સાચી ઓળખ નથી. 

ઇસ્લામ વિષે ચર્ચા કરતા એ પણ કહેવું જરૂરી છે કે ઇસ્લામ ની વિરુદ્ધ માં પણ ઘણા લોકો છે જે ઇસ્લામ નું પાલન કરતા ક્રૂર આતંકવાદીઓને લીધે ઇસ્લામ ને આતંકવાદ અને ક્રૂરતાનો ધર્મ માને છે. પણ લોકો એ ભૂલે છે કે 1.5 ટકા આતંકવાદો ની સામે 1.5 અબજ કરતા વધુ શાંતિપ્રિય લોકો ઇસ્લામ ધર્મ નું પાલન કરે છે. ક્યારેક આપણે એ પણ ભૂલીએ છીએ કે લોકોના પૂર્વગ્રહ અને નફરત ના કારણે કેટલાય નિર્દોષ મુસલમાનોની હત્યા થાય છે. જયારે એક કોમ ની સંખ્યા એક દેશ માં લઘુતા માં હોય છે ત્યારે તેમને ભાગે સહન કરવાનું આવે અને તેવી સ્થિતિનો રાજકારણીઓ તેમને યોગ્ય લાગે તે પ્રમાણે લાભ ઉઠાવી શકે છે.  જેમ કે બોસ્નિયા માં હજારોં ગામડાઓમાં વસતા મુસલમાનોની રીતસર ની હત્યા થયેલ। તેવી જ રીતે રશિયા એ ચેચન્યા માં મુસલમાનોની હત્યા કરેલ। અને 1995 માં સ્રેબેનીકા માં 8000 મુસ્લમાનો ની હત્યા થયેલ। ઘણા લોકો એ મનોમન સ્વીકારી લીધું છે કે મુસલમાનો ખરાબ જ હોય અને એવી પણ ક્યારેક માન્યતા છે કે મુસલમાનો અને હિંદુઓ ક્યારેય હળીને રહેશે નહિ પણ વાસ્તવિકતામાં એવું તો ઘણી વાર જોવા માં આવશે કે ઇતિહાસ માં હિંદુઓ અને મુસલમાનો અને યહૂદીઓ અને મુસલમાનો વગેરે ઘણી જગાએ પ્રેમ થી હળીમળીને રયે છે. વિશ્વ યુદ્ધ 2 દરમ્યાન અલ્બેનિયા ના 70 પ્રતિશત મુસલમાનોએ ત્યાંના યહૂદીઓને, નાઝી જર્મનો થી છુપાવીને બચાવેલા। આજે પણ ઘણા પેલેસ્ટાઇન મુસલમાનો અને ઈઝરાઈલના યહૂદીઓ શાંતિ સર્જવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ઇસ્લામ ની સાચી ઓળખ કેળવવા તે જાણવું જરૂરી છે કે સત્ય ના ઘણા પાસાઓ હોય છે. મેં વોટ્સએપ્પ ના ફોરવર્ડ વિચાર્યા વગર આગળ મોકલવા નથી તે ઉપર એક નિબંધ લખેલ। ફરી કહું છું કે દુનિયા માં ખોટી અફવા અને નફરત ફેલાવવી સહેલી છે અને તે એક ફોરવર્ડ માં પણ ફેલાય શકે છે. પણ માનવતા, મૈત્રી અને પ્રેમ ની ભાવના ફેલાવવી કઠિન છે અને તેના માટે લોકોના સંપર્ક માં રહી અને તેમને નજીકથી ઓળખવાની જરૂર પડે છે. 

ઇસ્લામ અને સાહિત્ય: પ્રોફેટ મહમ્મદ તે સમયે પણ 10,000 લોકોના નેતા હતા અને ઇસ્લામ ના તેમના સંદેશ ને ઘણી ભાષાઓમાં કહેવામાં આવ્યો છે. પણ પહેલા અરેબિક અને પછીથી ઉર્દુ ભાષા નો ઉપયોગ ખાસ થયો છે. કુરાન કાવ્યાત્મક રીતે લખવામાં આવેલ છે અને અને શાસ્ત્રીય અરબી સાહિત્યમાં તે એક શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. 23 વર્ષના ગાળામાં પ્રોફેટે આપેલ સંદેશ ને તેમના અનુયાતિઓએ કુરાન માં સાંકળી લીધો છે. શાંતિથી ઇસ્લામ ની પ્રાર્થના સાંભળીએ તો ખુબજ સુંદર કાવ્યમય વાણીમાં પ્રસ્તુત કરવામાં આવેલ શબ્દો ન સમજવામાં આવે તો પણ સુંદર લાગે છે. પ્રોફેટ ના મૃત્યુ બાદ બે જૂથ વચ્ચે તેમના ઉત્તરાધિકારી પદવી માટે વિવાદ થયો અને મહાભારત જેવી રીતે એક વિશાળ કરબલા ના યુદ્ધમાં પરિણમ્યો. આખરે ઇસ્લામ ના બે સંપ્રદાય ઉભા થયા, શિયા અને સુન્ની. શિયા પંથના નેતા અને પ્રોફેટ ના પૌત્ર હુસેન ઇબ્ને અલી ની ક્રૂર રીતે હત્યા થઇ. આજે મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે હુસેન તે પદવી ના ખરા હકદાર હતા અને તે શાંતિપ્રિય વ્યક્તિ હતા. તેમણે તેમના સિદ્ધાંતોને માટે મૃત્યુ ને સ્વીકારી લીધું. હુસેન માટે આજે પણ જે ગીતો ગવાય છે અને શાયરીઓ લખવામાં આવી છે તે અતિ સુંદર, કર્ણપ્રિય, મધુર અને કરુણ હોય છે  આ લિંક ઉપર તમે એક તેવું સુંદર ગીત સાંભળી શકો છો. https://tinyurl.com/y452tmpe 

શાંતિ ના સંદેશ જોડે, માનવજાતિ માટે ઉદારતા થી દાન કરવા માટેની ખાસ ભલામણ ઇસ્લામ માં કરવામાં આવી છે. ઇસ્લામ ના પાંચ પાયાના સ્તંભો છે 1) શહાદા એટલે કે હૃદયપૂર્વક ધર્મ ની પાર્થના અને અલ્લાહ ને સ્વીકારવા; 2) સલાત એટલે કે પાંચ વખત દિવસ ના પ્રાર્થના કરવી; 3) ઝકાત એટલે કે બચત ના 2.5 પ્રતિશત જેટલા પૈસા ગરીબોને હર સાલ દાન માં આપવા; 4) સોમ એટલે કે રમાદાન ના મહિનામાં ઉપવાસ કરવા અને 5) હજ એટલકે દરેક મુસલમાન ધર્મપ્રેમીએ મક્કા ની યાત્રા કરવી. 

Cairo, Egypt - December 2 2018: Aerial view of Cairo city from Salah Al Deen Citadel (Cairo Citadel) with Al Sultan Hassan and Al Rifai Mosques, Cairo, Egypt

ઇસ્લામ શિલ્પકામ (પ્રખ્યાત ઇસ્લામ ધર્મની મસ્જિદો): મેકકા માં આવેલ અલ હરામ મસ્જિદ દુનિયાની સૌથી મોટી અને સૌથી જાણીતી અને જૂની મસ્જિદ છે. કુરાન માં તેને માનવજાતની અલ્લાહ પ્રત્યેની પૂજા માટે નું પહેલું ઘર તરીકે માનવામાં આવે છે. 4 લાખ સ્કવેર મીટર ના વિસ્તાર માં આવેલ આ મસ્જિદ માં એક સાથે 4 મિલિયન લોકો સલાત (પૂજા) કરી શકે છે. જેરુસલેમ માં આવેલ અલ અક્સા મસ્જિદ મેં ઈઝરાઈલ ની સફર વખતે જોયેલ છે. ધરતીકંપ માં ઘણી વખત ઇજા પામતી આ મસ્જિદ ઉપર વારંવાર કામ કરવામાં આવ્યું છે. તે ખરેખર એક અદભુત અને ભવ્ય મસ્જિદ છે. ઇસ્લામ માટે તે ખુબ પવિત્ર જગ્યા ગણાય છે કેમ કે માન્યતા અનુસાર પ્રોફેટ મહમદ ને  અલ હરામ મસ્જિદ થી અહીં લાવવામાં આવેલ અને અહીંથી તેઓ જન્નત ના માર્ગે રવાના થયા. મોરોકકોની કાસાબ્લાન્કા ના દરિયા કિનારે આવેલ હસન 2 મસ્જિદ ખુબજ સુંદર અને ભવ્ય છે અને મેં તે પણ જોયેલ છે. તેની મિનારાતો દુનિયા માં સૌથી લાંબી છે અને 200 મીટર થી ઉપર ની ઊંચાઈ પર પહોંચે છે. અંદર કાચ ની જમીન માંથી બહાર દરિયા ના દર્શન થાય છે. ટર્કીની બ્લુ મસ્જિદ ને પણ મેં જોયેલ છે. તે ખુબજ સુંદર મસ્જિદ છે. તેની અંદર સીલિંગ ઉપર 20,000 બ્લુ ટાઇલ ઉપર સુંદર ફૂલ, ઝાડ અને ભૌમિતિક અધભુત પેટર્ન ના ચિત્રો છે. 

CORDOBA, SPAIN - MARCH 02: The Great Mosque or Mezquita cathedral interior on March 02, 2015 in Cordoba. Mezquita is a very popular tourist destination in Spain.

આખરે સ્પેઇન માં આવેલ કોર્દોબા ની મસ્જિદ નો ઉલ્લેખ તો કરવો જ રહ્યો. મારા અનુભવ માં હું આ મસ્જિદ માં સૌથી વધુ પ્રભાવિત થયેલી. સૌ પ્રથમ આ 6ઠી સદીમાં બાંધેલ ચર્ચ હતું. 8મી સદીમાં તેને મસ્જિદ માં ફેરવવામાં આવી. અને 16મી સદીમાં ફરી ખ્રિસ્તી ધર્મ પ્રખ્યાત થયો. પરંતુ તે સમયે બંને ધર્મ પ્રચલિત હતા. તેથી મસ્જિદ ની અંદર જ ચર્ચ પણ બનાવવામાં આવ્યું. હવે ત્યાં મસ્જિદ અને ચર્ચ બંને એક જ ઇમારત માં છે. એક જ ઇમારત માં આપણને બે જુદા ધર્મ નું વિવિધ દ્રષ્ટિકોણ અને બે જુદા ધર્મ અનુસાર મનુષ્ય ના ઈશ્વર સાથે ના જુદા સંબંધ ને જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વર માનવ થી દૂર અને મોટા સ્ટેજ અને પેડેસ્ટલ ઉપર છે અને ત્યાંથી જ ખ્રિસ્તી ના ફાધર ઉપદેશ આપે છે. જયારે ઇસ્લામ ધર્મ અનુસાર ઇસ્લામ ના ઇમામ લોકો ની બરોબર હાર માં હોય છે અને તેમની પ્રાર્થના ની જગ્યા મિહરાબ માં ઝાડ, પાન અને ફૂલો નું ચિત્રકામ છે તે મિહરાબ શિલ્પકળાની ઉત્કૃષ્ટ કૃતિ છે. ત્યાંથી ઇમામ બોલે ત્યારે પડઘો પડે અને બધાને સંભળાય તેવી રીતનું બાંધકામ છે. મસ્જિદ ની દીવાલો ઉપર કુરાન ના સ્તોત્ર ચીતરેલા છે અને ત્યાંનું ચર્ચ પણ અતિ સુંદર છે અને તેમાં ઈશુ અને મેરી ના મોટા સ્ટેચ્યુ છે. 

આવતા અઠવાડિયે શનિવારે આપણે હિન્દૂ ધર્મ વિષે વાત કરીશું.
Tags https://tinyurl.com/y452tmpe 

હળવેથી હૈયાને હલકું કરો-૨૩

હું જાણું છું હળવેથી હૈયાને હલકું કરતા ઘણો ભાર હળવો થાય છે.તે દિવસે તો હું રોઈ પણ નહોતો શક્યો.
આમ તો એક પણ ગુનાને જાતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય,મારી ન્માયાયાધીશ ની કારકિર્દીમાં મારી પાસે જાત જાતના મુકદમા આવે અને તેની વિગતો ચકાસી, સાબિતીઓ અને સાક્ષીઓને તરાસી હું ન્યાય આપું. મારું એ ધ્યેય કે લોકોને યોગ્ય અને સાચો ન્યાય મળે અને આજે હું પાછળ નજર નાખું છું ત્યારે તે વાતનો સંતોષ છે કે ભાગ્યે જ કોઈને અન્યાય થયો હશે.
મારા પરિવારમાં મારી મા, પત્ની અને બે બાળક. કહેવાય સુખી ઘરસંસાર પણ અંદરની વેદના કોને કહેવાય?
સાસુ-વહુના સંબંધો માટે જમાનાઓથી જે સાંભળીએ છીએ તે મેં મારા જીવનમાં પ્રત્યક્ષ અનુભવ્યું છે. મા તેના લગ્ન બાદ ગામડેથી શહેરમાં આવી. ભણતર ખાસ નહીં એટલે સાસુ તરીકેનું તેનું વર્તન સમજી શકાય પણ મારી પત્ની એક ગ્રેજ્યુએટ હોવા છતાં અને સમજદાર હોવા છતાં પણ તેને માટે આ સાસુગીરી અસહ્ય બની હતી. બીજી બાજુ માને પણ કશું કહેવાય નહીં. રોજરોજની આ રામાયણે હવે મારા દીકરાઓ ઉપર પણ અસર કરી અને તેઓ પણ તેમની દાદીની અવગણના કરતાં થઇ ગયા. તેઓ હવે નાના ન હતાં અને કોલેજમાં જતાં હતા એટલે બહુ વિચારને અંતે મારે કઠિન નિર્ણય લેવો પડ્યો અને માને વૃદ્ધાશ્રમમાં મુકવાની વ્યવસ્થા કરી.
વૃદ્ધાશ્રમના ચોકીદાર સાથે મિત્રતા કરી અને મારી માનો ખયાલ રાખવા ભલામણ કરી. તે માટે તેને દર મહિને હું જુદા પૈસા આપીશ તેમ પણ કહ્યું. એક ન્યાયાધીશ જે લાંચરુશ્વતની વિરુદ્ધ હતો તેને સંજોગેને આધીન આવું કામ કરવું પડ્યું. વાહ નિયતિ!
બીજે દિવસે હું માને મળવા ગયો ત્યારે ચોકીદારને પણ મળ્યો. મને કહે કે સાહેબ, આપ તો એક ન્યાયાધીશ છો. આપ તો કોઈ પણ કેસમાં ન્યાય કરતાં પહેલા સાબિતીઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી ન્યાય કરો છો અને તમે ન્યાયપ્રિય છો. તો તમારી માના કેસમાં બધી સાબિતી અને માહિતી વિરુદ્ધ જઈ કેમ આવો નિર્ણય લીધો? તમે અન્યોના કેસમાં ન્યાય કેવી રીતે કરી શકશો?
આ સાંભળી હું ચોક્યો. મારા વિષેની આ બધી માહિતી ક્યાંથી મળીના જવાબમાં તેણે કહ્યું કે તમારી મા પાસેથી જ આ બધી માહિતી મળી. મને તે જાણી બહુ દુ:ખ થયું અને તમને મારું મન જણાવવાની ગુસ્તાખી કરી.
કોઈ જવાબ આપવાની મારામાં ક્ષમતા નથી એમ માની હું ઘરે ગયો પણ તે રાતે અને બીજી રાતે પણ મને ઊંઘ ન આવી. જમવાનું પણ બંધ કર્યું અને ન તો મારા રૂમની બહાર ન આવ્યો ન કોર્ટમાં ગયો. પત્નીના ધ્યાનમાં આ બધું આવ્યું અને સવાલ કર્યો કે શું કોઈ કેસ બાબત ચિંતા છે? હા, એટલો જ જવાબ આપ્યો કારણ આ કેસ મારો જ હતો અને તેમાં ગુનેગાર તો હું જાતે જ હતો તે તેને કેમ કહેવાય?
બે દિવસના મનોમંથન બાદ હું એક નિર્ણય પર પહોંચ્યો અને રૂંમની બહાર આવ્યો ત્યારે જમવાના ટેબલ પર પત્ની અને દીકરાઓ મારી રાહ જોતા બેઠા હતાં. કશું બોલ્યા વગર મેં એક કવર મારી પત્નીને આપ્યું અને બંને દીકરાઓને અલગ અલગ કવર આપ્યાં. પત્નીએ કવર ખોલ્યું તો તેમાં અમારા છૂટાછેડાનાં કાગળ હતાં. આ વાંચી તે ખુરશીમાં ફસડાઈ ગઈ.
જ્યારે દીકરાઓએ કવર ખોલ્યા ત્યારે તેમાં મારી જાયદાદનું ગીફ્ટડીડ હતું જેમાં બંનેને સરખે ભાગે મળે તેવી વ્યવસ્થા હતી.હવે તેઓનો આશ્ચર્યચકિત થવાનો વારો હતો. મને પૂછ્યું કે આમ કેમ? મેં જવાબ આપ્યો કે હું મારી માને અજાણ્યા લોકો વચ્ચે છોડી આવ્યો અને તમે સૌ કારણ પૂછો છો? તમે ત્રણેય જણ ક્યારેય મા સાથે સીધી વાત કે વ્યહવાર કરતાં ન હતાં તે મારી જાણ બહાર ન હતું પણ હું લાચાર હતો.મારી મા માટે આ બધું દિવસે દિવસે અસહ્ય થતું ગયું એટલે રોજ હું કોર્ટમાંથી ઘરે આવતો ત્યારે મારી મા મારી આગળ રડતી અને કહેતી મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે ના છૂટકે મારે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી પડી. પણ ત્યાંના ચોકીદારે મને જે કહ્યું તેનાથી મારી આંખ ખુલી ગઈ.
હું, જે શહેરનો નામાંકિત જજ અને મને લોકો માનની નજરે જુએ, તેની માની આ હાલત? જે માએ મને જજ બનાવવા પેટે પાટા બાંધી મને ભણવા પ્રોત્સાહન આપ્યું તેની સાથે હું કેવું વર્તન કરી બેઠો. બીજા માટે ફેસલો કરનાર વ્યક્તિ આજે ખુદ હારી ગઈ. મેં જે કહેવાતો ગુનો કર્યો છે તે કદાચ કાનૂનની દ્રષ્ટિએ હું નિર્દોષ સાબિત થાઉં પણ ઉપરવાળાની કોર્ટમાં હું તો ગુનેગાર જ રહેવાનો. એટલે બે દિવસના મંથન બાદ મેં આ નિર્ણય તમારા સર્વે માટે લીધો છે. હવે મારા પાપના પ્રાયશ્ચિત માટે એક જ રસ્તો છે અને તે છે બધું છોડી હું મારી મા પાસે રહું જેથી તેની પાછલી જિંદગીમાં તેની સંભાળ લઇ શકું. બસ તમે અમારા બે માટે વૃદ્ધાશ્રમ રહેવા આર્થિક વ્યવસ્થા કરશો તેમ માનું છું.     
પછી મારાથી બોલ્યા વગર ન રહેવાયું એટલે મારી પત્નીને કહ્યું કે તું પણ એક મા છે. જેમ તેં મારી માને વૃદ્ધાશ્રમમાં મુકવાની જીદ કરી હતી તેમ એક દિવસ તારા દીકરાઓ પણ તેવું પગલું ભરતાં અચકાશે નહીં અને ત્યારે તને મારી વાતનો સાચો અર્થ સમજાશે. 
આટલું કહી હું મારી મા આગળ વૃદ્ધાશ્રમ પહોંચ્યો. આટલી મોડી રાતે મને જોઈ ચોકીદાર પણ ચમક્યો અને પૂછ્યું કે આમ અચાનક આટલી મોડી રાતે? મેં તેને કહ્યું મને મારી મા પાસે લઇ જા. તે  મને તેની રૂમમાં લઇ ગયો અને જોયું તો મા પોતાની છાતી સરસી પૂરા પરિવારની તસ્વીરને વળગીને સૂતી હતી. તેના ગાલો પર સુકાયેલા આંસુ જોઈ મારું હૃદય હચમચી ગયું.
તે જ વખતે આશ્રમના સંચાલક પણ આવી ગયા કારણ ચોકીદારે તેમને મારા આવ્યાની જાણ કરી હતી. મારા ધ્યાનમાં આવ્યું કે મારી પત્ની અને દીકરાઓ પણ માની રૂમમાં આવી ગયા હતાં. મેં પૂછ્યું કે તમે કેમ આવ્યા તો જવાબમાં પત્ની બોલી કે અમને અમારી ભૂલનો અહેસાસ થઇ ગયો છે અને તેનો પસ્તાવો પણ છે. પછી તેમણે સંચાલકને કહ્યું કે અમને અમારી માને ઘરે લઇ જવા દો.
સંચાલકે કહ્યું કે અમે તમને તમારી સાસુ પાછી ન સોંપી શકીએ, કદાચ ઘરે લઇ જઈ તમે તેની સાથે ગેરવર્તન કરો તો? મારી પત્ની બોલી કે નાં સાહેબ, અમે તેનું જીવન છીનવવાનું નહીં પણ નવું જીવન આપવાનું વિચારીને આવ્યા છીએ.
આ બધી ધમાલમાં આશ્રમના અન્ય વૃદ્ધજનો પણ જાગી ગયા હતાં અને માની રૂમ બહાર ભેગા થયા હતાં. બધી વાતો સાંભળી તેમની આંખોમાં પણ હર્ષાશ્રુ વહેવા લાગ્યા.
નિરંજન મહેતા  

મિત્રો ભૂલનો અહેસાસ થવો અને ભૂલ સ્વીકારવાથી ભૂલ જાય …સ્વીકારવી, એ નમ્રતા અને પરિપક્વતાની નિશાની છે.પણ હા હૈયાને કોઈ પાસે ઠાલવવાથી હૈયું જરૂર હળવું થાય છે તમારી પાસે પણ કોઈ વાર્તા કે વાત હોય તો લખી મોકલશો

કહેવત – ગંગા સમીક્ષા – ૨ કલ્પના રઘુ

મિત્રો, કહેવતો સાહિત્યનું એક મહત્વનું અંગ છે. એના લેખકનું નામ કે ગોત્ર હોતું નથી. વસ્તુ કે પરિસ્થિતિના સંદર્ભમાં સહજ રીતે સરી પડેલું કથન! કહેવત બોલવા માટે કોઈ અનુભવ કે ડિગ્રીની પણ જરૂર નથી હોતી. પેઢી દર પેઢીથી વપરાતી, રોજ-બરોજ બોલાતી ઊક્તિ! કોઈ પણ વાતનો નિચોડ એક જ ઊક્તિમાં એટલે કહેવત!

‘નારી-શક્તિ’ પર મેં ૧૦૦ લેખો કેનેડાથી પ્રકાશિત થતાં ગુજરાત ન્યૂઝલાઈનપેપરમાં લખ્યાં. પછી કોલમ બંધ કરી. તેની પાછળના કારણોમાં એક કારણ હતું, મારા લેખ વાંચીને કેટલાંક કુટુંબમાં પરદેશમાં એવું બનતું કે વહુ, સાસુને કહે કે મમ્મી, કલ્પનાઆંટીને આપણા ઘરની વાતો કરી હતી? ખરી વાત તો એ હતી કે મને એમના ઘર વિષે કશું જ ખબર ના હોય. અનેક પરિવારોની સાચી અને કાલ્પનિક વાતોનો મારા લેખમાં સમાવેશ થતો પરંતુ તેની આવી ધારદાર અસર વાચકોમાં થશે એવી મને કલ્પના ન હતી. પરિણામે આ કોલમ બંધ કરી. આ વાત સાંભળીને જાણીતા કવિ તુષાર શુક્લએ મને કહ્યું કે તમારું લખાણ કેટલું અસરકારક કહેવાય? મને સર્ટિફિકેટ મળી ગયું.

આવું જ કહેવત-ગંગામાં બન્યું. ઘણી કહેવતો પશુ-પક્ષી પરથી બનતી હોય છે. હાથી, ઊંટ, કૂતરો, સિંહ, સાપ, ગાય, ભેંસ, શિયાળ, મોર, ચકલી વગેરે. જ્યારે પશુ-પક્ષીના અને માનવના શરીર, રીતભાત, ખાસીયતો કે સ્વભાવમાં સામ્યતા જોવા મળે છે ત્યારે એવી કહેવતનું સર્જન થાય છે. ખૂબજ જાણીતી કહેવત, ‘હાથી પાછળ કૂતરા ભસે‘, મેં તેના વિષે લેખ લખ્યો. મને ખબર ન હતી કે આ કહેવતની ફેસબુક પર જોરદાર અસર થશે! બન્યું એવું કે, એક રાજકીય નેતા વિષે એક જણે પોતાની દ્રષ્ટિએ ખૂબ જ હકારાત્મક વાતો લખી. અંતમાં એ નેતાના વિરોધ પક્ષ માટે પોતાની વાત સચોટ અને સ્વાભાવિક બનાવવા પહેલી વ્યક્તિએ લખ્યું, હાથી પાછળ કૂતરા ઘણાં ભસે’. પછી તો શું થાય? હાથી અને કૂતરા શબ્દો એકબીજાના વેરી બની ગયા! … સામસામે શબ્દોની આપ-લે અને લોકોની કોમેન્ટમાં ફેસબુક ભરાવા લાગ્યું. મારા મનમાં કહેવત-ગંગા ચાલુ થઈ. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ‘, ‘તમાશાને તેડું ના હોય‘. છેવટે કોઠી ધોઈને કાદવ જ નીકળે‘. અંતે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને ફેસબુક પર બ્લોક કરી. કથા પૂરી થઈ. કોઈએ કહ્યું, જવા દો ને, એ તો પૂંછડે બાંડો ને મોઢે ખાંડોછે. જુઓને દશા થઇ ને, ‘વાંદરી નાચે ને મદારી માલ ખાય‘. ‘કજિયાનું મૂળ હાંસી ને રોગનું મૂળ ખાંસી‘.

કહેવત ક્યાં?, ક્યારે?, કોના અને શેના સંદર્ભમાં વપરાય છેઅને સાંભળનાર વ્યક્તિ કે જેના વિષે કહેવત બોલાઈ હોય એટલે કે સામેની વ્યક્તિ તેનો અર્થ કેવી રીતે લે છે તેના પર પરિસ્થિતિનો આધાર રહે છે. નહીં તો ‘વાતનું વતેસર’ થતાં વાર નથી લાગતી. કહેવત ક્યારેક સોય કે ક્યારેક તલવારનું કામ કરે છે. મિત્રો, દુશ્મન બની જતાં વાર નથી લાગતી. આવા સંજોગોમાં શબ્દોને પકડ્યા વગર કહેવતનો મર્મ સમજવા કોશિશ કરવી જોઈએ. તો ક્યારેક આંખ આડા કાનકરવામાં જ શાણપણ છે.

નોંધ: મારા લેખમાં લખેલ લખાણને કોઈએ અંગત ગણવું નહીં. માત્ર માણવું. કહેવત હંમેશા શીખ આપી જાય છે જેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો જોઈએ. આ મારી મા છેઅને આ મારા બાપની બૈરી છે‘ … ‘મા’ માટે કયું વાક્ય કાનને ગમશે તે મિત્રો, આપના પર છોડુ છું.