શિક્ષણ દ્વારા સંસ્કાર
અમે જ્યારે નાના હતા ત્યારે શિક્ષણ અને સંસ્કાર સિંચન બન્ને સાથે સાથે જ થતાં.આની શરુઆત બાળક ચાલતાં શિખે ત્યાંથી જ થઈ જતી.
“પા પા પગલી, નાના ડગલી…”
કદી વિચાર્યું છે કે આમા ‘નાના ડગલી‘ શા માટે છે?
બાળકના જન્મ પછી સ્ત્રીઓ સ્વાથ્યલાભ માટે પિયરમાં લાંબા સમય સુધી રહેતી. બાળક ચાલવાનું નાના ના ઘરમાં, નાના ની ડગલી પકડીને શિખતો. એટલા માટે નાના ડગલી!!
આજે ચાલતાં બાળકની ખુબ ભણેલી મમ્મી શિખવેછે,
“One foot up and one foot down,
and that is the way to the London Town”
જે બાળક ચાલવાની શરૂવાત જ લંડન જવાના રસ્તેથી કરે છે, તે મોટો થઈ કાયમ માટે ઈગ્લેંડ અમેરિકા માં વસવાટ કરે તેમા શી નવાઈ?
(પ્રાણી પરિચય)
મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રૂપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટ પટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી !
તું દોડ તને દઉં દાવ, મજાની ખિસકોલી !
તું કેવી હસીને રમે, મજાની ખિસકોલી !
તારા કૂદકા તો બહુ ગમે, મજાની ખિસકોલી !
તું જ્યારે ખિલખિલ ખાય, મજાની ખિસકોલી !
તારી પૂંછડી ઊંચી થાય, મજાની ખિસકોલી !
તારે અંગે સુંદર પટા, મજાની ખિસકોલી !
તારી ખાવાની શી છટા, મજાની ખિસકોલી !
તું ઝાડેઝાડે ચડે, મજાની ખિસકોલી !
કહે કેવી મજા ત્યાં પડે? મજાની ખિસકોલી !
બહુ ચંચળ તારી જાત, મજાની ખિસકોલી !
તું ઉંદરભાઇની નાત, મજાની ખિસકોલી !
કાળી ધોળી રાતી ગાય,
પી ને પાણી ચરવા જાય,
ચાર પગ ને આંચળ ચાર,
વાછરડાં પર હેત અપાર”
પ્રાણીઓની વાતો તો આજે પણ કરે છે,
“Pussy cat Pussy cat,
where have you been?
I have been to London,
to look at the queen.”
જેની બિલાડી પણ લંડન જાય, તે પોતે ઈન્ડિયામા કેમ રહે?
(જેનેટીક્સ)
પ્રાણીઓની વાત ચાલે છે તો બીજી એક વાત કરી લઉં. અમને બાળપોથીમાં જ Genetics પણ શિખવા મળ્યું હતું.
“મેં એક બિલાડી પાળી છે…” કવિતામા છેલ્લે આવે છેઃ “એના દિલ પર દાગ છે, એ મારા ઘરનો વાઘ છે.” આમા કહ્યું છે કે બિલાડી અને વાઘ genetically સરખા છે.
આનો બીજો પૂરવો; ” બિલ્લી વાઘ તણિ માસી, જોઈને ઉંદર જાય નાસી ” બિલ્લી અને વાઘ બન્ને જેનેટિકલી એક જ હોય તો જ માસી ભાણેજ થાય !!!
“તું અહિંયા રમવા આવ મઝાની ખિસકોલિ… ” માં છેલ્લે આવે છે; ” તારી જગમા સુંદર જાત મઝાની ખિસકોલી, તું ઉંદરભાઈની નાત મઝાની ખિસકોલિ”
અહિં પણ ઉંદર અને ખિસકોલિ જેનેટિકલી એક છે એમ કહ્યું છે. આજે Genetics બાળપોથીમા નહિં પણ Ph.D.મા શિખવા મળે છે !!!
પ્રયત્ન તો ભાષા શિખાડવાનો છે પણ સાથે સાથે પશુ પરિચય અને જેનેટીક્સ પણ શીખવી દીધું.
(શરિરના અંગો)
બાળકના શરિરના અંગોનો પણ પરિચય કરાવતા. દા.ત.
નાની મારી આંખ, એ જોતી કાંક કાંક…
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું…
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાભળે છે દઇ ધ્યાન…
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું, એ બોલે સારું સારું…
એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ…
એ તો કેવી અજબ જેવી વાત છે!
પગ મારા નાના, એ ચાલે છાનામાના…
એ તો કેવી અજબ જેવી વાત છે!
આંગળી મારી લપટી, એથી વગાડું ચપડી…
એ તો કેવી અજબ જેવી વાત છે!
ભાષા શિખડાવવાની સાથે સાથે સંસ્કાર અને જીવનની પ્રવ્રુતિઓ વિસે ઘણું બધું શિખવી દેવામા આવતું.
(જીવનની પ્રવૃતિઓ)
“રાતે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર,
બળ બુધ્ધિ વિદ્યા વધે, સુખમા રહે શરિર.”
અને
“પરોઢિયે નિત ઊઠીને, લેવું હરિનું નામ,
દાતણ કરી નાહ્યા પછી કરવા કામ તમામ.”
સાસરે જતી દિકરીને મા કહેતી, “દિકરી, સાસરિયામા તું વહેલી ઊઠજે જેથી કુટુંબના બીજા બધાને સવારની દિનચર્યામા મદદરૂપ થઈ શકે.” આજે કેટલી માતાઓ આવી સલાહ આપતી હશે?
(સંસ્કાર)
અને સંસ્કારની વાત કરું તો;
” કહ્યું કરો માબાપનું, દયો મોટાને માન,
ગુરૂને બાપ સમા ગણો, મળસે સારૂં જ્ઞાન”
મોટાને માન આપવાની વાત આવી તો મને યાદ આવે છે કે પહેલાના જમાનામા પતિ અને પત્નિ બન્ને એક બીજાને તમે કહેતા. બાળકો પણ માતા પિતા બન્ને ને તમે કહેતા. જમાનો આગળ વધ્યો, પતિએ પત્નિને તું કહેવાનુ શરૂ કર્યું. બાળકોએ પણ મમ્મીને તું કહેવાનુ શરૂ કર્યું. હાલમા પત્નિએ પણ પતિને તું કહેવાનું શરૂ કર્યું છે, બાળકઍ પણ પિતાને તું કહેવાનુ શરૂ કર્યું છે. મેં આવા ધણા કુટુબ જોયા છે.
(ધર્મ)
ગુજરાતી ભાષાના શિક્ષણમા જ ધર્મ વિશેનું શિક્ષણ અપાઈ જતું.
“ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ,
ગુણ તારા નીત ગાઈએ,થાય અમારા કામ;
હેત લાવીને હસાવ તું, સદા રાખ દિલ સાફ,
ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ.
અને
“વિભુ સૌમા વસેલો છે દયાળુ દેવ મોટો છે,
કિધાં તેં સાધનો સારા, સહુને સુખ દેનારા;
જીવોને તું જીવાડે છે, અમોને તું રમાડે છે,
મતિ સારી સદા દે તું, અતિ આભાર માનું હું.”
(ૠતુઓ)
ઋતુઓનુ જ્ઞાન પણ નાનપણમા જ મળી જતું. કઈ ઋતુમા શું શું થાય, શું શું કરાય, શું શું ખવાય વગેરે કવિતાના માધ્યમથી શિખવી દેવાતું.
“આવરે વરસાદ ઘેવરિયો વરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનુ શાક”
અથવા
“શિયાળે શિતળ વા વાય, પાન ખરે ઘઉં પેદા થાય,
પાકે ગોળ કપાસ કઠોળ,તેલ ધરે ચાવે તંબોલળ;
ધરે શરિરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ,
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમા જોર મળે ભલી ભાત.”
અને
“શરદ શી સુહે, વાદળાં ગયાં, જળ નદિ તણા નીતરાં થયાં,
ગગનથી સુધા ચંદ્રની જરી, રસભરી રમે રાસ ગુરજરી.”
અને
“રૂડો જુવો આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમા જમાવ્યો,
તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો.”
ઋતુઓની વાત આપણે કરી લીધી.
(બોધ અને અક્કલ)
થોડા મોટા થયા એટલે, બોધ અને અક્કલની વાતો આવી
“ઊંટ કહે આ સમામા વાંકા અંગવાળા ભુંડા
ભૂતળમા પશુઓ ને પક્ષીઓ અપાર છે;
બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી
કૂતરાની પુછડી નો વાંકો વિસ્તાર છે;”
અને
“એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શિખી
રાગ રાગણી વગાડવામા વખણાણો છે;
એકને જ જાચું એવી ટેક છેક રાખી
એક શેઠને રિઝાવી મોઝ લેવાને મડાણો છે;
***********************
પોલું છે તે બોલ્યું તેમાં કરી તેં શી કારીગરી?
સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે!!”
(શિસ્ત)
“રાત પડી ઘર જા ને બાળક, વઢશે બાપુ તારા,
રમવા ટાણું નથી હવે આ ઊગે જો ને તારા;
માળામા પંખી જંપ્યા છે, સૂની સીમ જણાયે
રસ્તા સૂના પડ્યા બધાયે વગડો ખાવા ધાયે.”
(તત્વજ્ઞાન)
હજી થોડા વધારે મોટા થયા, ત્યારે ફીલોસોફી શિખવી
“ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે.”
અને
“અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો
ન માગે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહેજે.”
અને
“મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફુલડાં ડુબી જતાં ને પથ્થરો તરી જાય છે.”
અને
“કામધેનુને મળે ના એક રૂડું તણખલું,
ને લીલાછમ ખેતરોને આખલા ચરી જાય છે.”
(સંબંધો)
શિક્ષામા સબંધોને ખાસ મહત્વ આપવામા આવ્યું હતું
ભાઈ બહેન
“કાલે રજા છે, ગઈછું હું થાકી, વાંચીસ વ્હેલા સૌ પાઠ બાકી,
તારી હથેલી અહીં લાવ સાચું હું ભાઈ આજે તુજ ભાગ્ય વાંચુ.”
માતા માટે
“મીઠાં મધુ ને મિઠાં મેહુલા રે લોલ,
એથી મીથી તો મોરિ માત રે,
જનની ની જોડ જગે નહિં જડે રે લોલ.”
પિતા માટે
“છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોસી મને કીધો મોટો,
રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી.”
અને
“ભુલો ભલે બીજું બધું, મા બાપ ને ભુલશો નહિં,
અગણિત છે ઉપકાર એના, આ વાત વિસરસો નહિ.‘
“લાખો કમાતા હો ભલે, મા બાપ જે થી ના થર્યા,
એ લાખ નહિ પણ રાખ છે એ માનવું ભૂલસો નહિ.”
આવા શિક્ષણે ત્યારે સબંધોને ટકાવી રાખ્યા હતા.
બોલવા બેસું તો ઘણું લાંબુ ચાલસે એટલે સમાપ્ત કરું છું.
આજનુ શિક્ષણ પણ સારું છે, પણ આજે સંસ્કારની જગા knowledge અને rules વગેરેને આપવામા આવી છે. લાંબી વાત ને ટુંકી કરવા અને આજનુ ચિત્ર પ્રસ્તુત કરવા નીચેની પંક્તિઓ રજૂ કરું છું.
આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાને પણ કહી દો સાથે દફ્તર લાવે,
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહિં તરવાનું,
સ્વીમિંગપૂલના સગળા નિયમોનું પાલન કરવાનું,
નાનો હતો ત્યારે પંચતંત્રની વાતો, ઈસપની નીતિકથાઓ, બકોર પટેલ, ગિજુભાઈની વાતો, વગેરે વાંચવા મળ્યા. આપણી આજની પેઢી આનાથી વંચિત રહી ગઈ.
Like this:
Like Loading...