સંસારનું આ સત્ય
કે જીવનનું રહસ્ય
આન, બાન, શાનથી
ક્યારેક સરતું આસમાનથી
કોણ સફળ, કોણ નિષ્ફળ
ક્યારેક કળ તો ક્યારેક બળ
અહીં પડકાર હર એક પળ
પ્રારબ્ધ છે કે પુરુષાર્થ સફળ
ક્યાંક મળે ઊંડો દરિયો
તો ક્યાંક મળે કિનારો
મનમાં જાગે વિચાર વમળ
જીવન સફળ કે વિફળ.
સ્વપ્નોની દુનિયા અને દુનિયાના સ્વપ્નો… રાત્રિનો અંતિમ પ્રહર…એક દુનિયા પૂરી થાય અને સોનેરી સૂરજની સાથે દુનિયાના સ્વપ્નો શરૂ થાય. સ્વપ્નોની દુનિયા કદાચ કલ્પનાની રંગીન પળો છે જે રાત્રિનો વૈભવ છે તો દુનિયાના સ્વપ્નો એ વાસ્તવિકતા પામવાની ઝંખના કરતાં હોય છે. તેનો રંગ વિશેષતઃ આશા નિરાશાનો કે શ્વેત શ્યામ હોય છે. કોઈ તેને રાત દિનની ઘટમાળ ગણે તો કોઈ તેને પ્રારબ્ધ અને પુરુષાર્થનો ખેલ ગણે. જીવન વહેતું જાય, બનાવો અને ઘટનાઓ આકાર લે અને એક પળ એવી આવે કે લાગે કે આ જીવનની સફળતા છે. પણ સફળતા એ સીડી પણ છે અને શિખર પણ. એવરેસ્ટ પર આરોહણ કરી શકાય પણ ત્યાં રહી શકાતું નથી. સફળતાની પળોનો અનેરો સ્વાદ લઈએ ત્યાં પ્રારબ્ધનો ખેલ શરૂ થાય.
ક્યારેક વિચાર, ક્યારેક આચાર, ક્યારેક વ્યવહાર…માનવજીવન જાણે કે તલવારની ધાર. કોણ સફળ અને કોણ નિષ્ફળ…પુરુષાર્થ કે પ્રારબ્ધ? ક્યારેક કાંડાના ખેલ અને ક્યારેક નસીબના. નસીબની વાત કરીએ તો જૂની વાર્તામાં આવતું હતું તેમ હાથણીએ કળશ ઢોળ્યો અને અજાણ્યો પણ નસીબદાર પુરુષ રાજા બન્યો. પરીકથાઓ અને દંતકથાઓ વચ્ચે વહેતું જીવન ક્યારેક વિચારોમાં ગરકાવ થતું આપણને પ્રશ્ન કરે કે સફળતા એ પ્રારબ્ધ છે કે પુરુષાર્થ?
સફળતા ઝળકે ક્યારેક એવરેસ્ટના શિખરે, ક્યારેક સફળતા સરકે મહાસાગરોની સફરે, સફળતા ક્યારેક રંગીન પુષ્પોનો બાગ બની અટકે આંખોના સ્વપ્નોમાં, તો ક્યારેક સફળતા એ બીઝનેસનો ખેલ અને ક્યારેક સફળતા એ ખેલનો બીઝનેસ. કોણ જાણી શકે તેની મુલવણી? પણ યાદ આવે વિલિયમ શેક્સપિયર…. ‘what is there in a name?’ સફળતા એ સ્વાદ છે, નશો છે. એ નશામાં જ માણસ ક્યારેક કળ અજમાવે અને ક્યારેક બળ.
કળ અને બળથી ઉપર ક્યારેક હોય છે નસીબ. નસીબ એ ઈશ્વરની બલિહારી છે. યાદ આવે એક સંસ્કૃત પંક્તિ, જેમાં કવિના નિરૂપણનો ભાવાર્થ કંઇક આવો છે. નવમંજરીઓમાં ફરતો ભમરો ચંપાની કળીને સૂંઘતો પણ નથી. શું તે સુંદર નથી? પરંતુ, बलियसी केवल ईश्वरेच्छा।’ આ ઈશ્વરની ઇચ્છા ક્યારેક પૌરાણિક સાહિત્યમાંથી નીકળે જે મહાભારતમાં કર્ણનું વચન બને. ” दैवायत्तं कुले जन्म मदायत्तं तु पौरुषम्।” કુળમાં જન્મ દૈવને આધીન છે પણ પુરુષાર્થ મારા આધીન છે. પણ એકલવ્યની કૂતરાના મુખને બાણથી બંધ કરી દેવાની નિપુણતા જોઈએ તો થાય કે વાહ, આવું જ હોવું જોઈએ ઓફ લાઈન શિક્ષણ. ભલે યુગ મહાભારતનો હોય કે આજનો – પરંતુ પરિણામ? ગુરુ દ્રોણ માગી લે છે એકલવ્યના હાથનો અંગુઠો. વાહને આહમાં બદલાતાં વાર લાગતી નથી. ગુરુના સ્વરૂપમાં નસીબ એકલવ્યને મળે છે અને ગુરુદક્ષિણા સ્વરૂપે એકલવ્ય જમણા હાથનો અંગુઠો ગુરુ દ્રોણને અર્પણ કરી દે છે. કોઈ આને અન્યાય ગણે તો કોઈ નસીબનો ખેલ. વ્યવહાર એ વ્યવહાર છે. ક્યારેક તલવાર તો ક્યારેક તેની કપરી ધાર છે.
એકલવ્યની લાચાર આંખોનું દર્દ કદાચ અનુભવી શકાતું ન હોય તો ઇતિહાસની સાક્ષીએ એક વધુ કહાની ઉપલબ્ધ છે. નામ નિકોલા ટેસ્લા. એડિસનની કંપનીમાં કામ કરે છે ક્રોએશિયામાં 1856માં જન્મેલ આ વૈજ્ઞાનિક અને એન્જિનિયર, જેને 1882માં વિચાર આવે છે AC કરંટનો. એડિસન તેને પોતાની કંપનીમાં DC ડાયનામો બનાવવા સોંપે છે – વચન છે 50000 ડોલર આપવાનું. જ્યારે ટેસ્લા ડિઝાઇન પ્રસ્તુત કરી નાણાં માગે છે ત્યારે એડીસન કહે છે,”You donot understand humor.” મનથી ઘાયલ ટેસ્લા છોડે છે નોકરી. પોતાની કંપની સ્થાપવાનો નિષ્ફળ પ્રયત્ન કરે છે.
Battle of currants તરીકે ક્યારેક પ્રખ્યાત આ એસી -ડીસીની લડાઇમાં ટેસ્લા અને સાથે છે વેસ્ટીંગ હાઉસ. જીત તેમના પક્ષે આવી. આપણા ઘર સુધી જે રીતે ઈલેક્ટ્રીસિટી આવે છે તેના માટેનો યશભાગી છે નિકોલા ટેસ્લા. પરંતુ ભાગ્યનું ચક્ર ફરે છે. 1895માં તેની લેબમાં આગ લાગે છે અને ઘણું નુકશાન પામ્યા બાદ પગભર થવા મથતો ટેસ્લા પછી સફળ થતો નથી. અને ટેસ્લા કોઇલનો આ શોધક 1943માં અવસાન પામે છે. સમયની રેતમાં દબાયેલી આ કહાનીનો સાર એટલો જ કે સામર્થ્ય અને સિદ્ધિ સાથે યશભાગી થવું એ પુરુષાર્થ ઉપરાંત નસીબનો ખેલ પણ છે. नसीब में जिसके जो लिखा था…किसी के हिस्से में प्यास आई’ પછી તે એકલવ્ય હોય, કર્ણ હોય કે ટેસ્લા હોય – સફળતામાં ભાગ્યની ભૂમિકા અકળ છે.
નસીબનું ચક્ર ફરતું રહે છે. ખુશનસીબ કહો કે ભાગ્યશાળી – વ્યક્તિના ભાગ્યમાં ક્યારેક એવો બદલાવ આવે છે કે સામાન્યમાંથી વ્યક્તિ અસામાન્ય કક્ષાએ પહોંચી જાય છે. સ્કોટલેન્ડમાં જન્મેલા અને પછી અમેરિકા પહોંચી માત્ર 1.20 ડોલરની આવકથી શરૂ કરી એન્ડ્રુ કાર્નેગી પહોંચે છે સ્ટીલ ઉદ્યોગની ઊંચાઈએ અને સ્થાપે છે વિશ્વનું મોટું સ્ટીલ સાહસ – US steel – કુલ સંપત્તિ US ડોલર 475 મિલિયન. બીજું નામ યાદ આવે જોન. ડી. રોકફેલર. શરૂઆત એક સાવ સામાન્ય એપ્રેન્ટિસ તરીકે, પરંતુ નસીબની યારી જુઓ. સ્ટાન્ડર્ડ ઓઇલના માલિક રોકફેલરની સંપત્તિ US ડોલર 500 મિલિયનથી વિશેષ. બંનેની પોતપોતાના ક્ષેત્રમાં અદ્વિતીય સફળતા. આ સફળતામાં ક્યાંક ભાગ્ય તો ક્યાંક પુરુષાર્થ તો ક્યાંક અદ્વિતીય બુદ્ધિ. પણ પરિણામ? ઝળહળતી સિધ્ધિ.
શું છે રહસ્ય આ મેઘધનુષી સિદ્ધિનું? શું માત્ર ભાગ્ય કે માત્ર પરિશ્રમ? ના, સફળતા એ સીડી છે. તેના પર પગ ટેકવવા માટે પ્રયત્ન તો કરવો જ પડે પણ સાથે જ જોઈએ બુદ્ધિમતા, ખંત અને વ્યાપારિક વ્યવહારુપણું, હિંમત અને નિર્ણયશક્તિ. સાથે આ બધામાં તક ઝડપી લઈ અગ્રેસર થવાની મહત્વકાંક્ષા. યાદ રહે, મેઘધનુષના સાત રંગો દ્વારા જ સૌંદર્ય પ્રગટ થતું હોય છે. કાંચન મૃગ ભલે માયાવી હોય પણ રામ પણ તેને માટે ધનુષ- બાણ લઈ શિકાર માટે નીકળે છે. ગોવર્ધન પર્વત ઉપાડવાનું સામર્થ્ય હોવા છતાં જે કનૈયો પ્રયત્ન કરી ગોવર્ધન ઉપાડે છે તે જ અર્જુનને કુરુક્ષેત્રમાં કર્મયોગનો ઉપદેશ ગીતા દ્વારા આપી શકે છે. યુદ્ધ મહાભારતનું હોય કે સંસારના કોઈ પણ મોરચાનું, જ્યાં ગાંડીવનો ટંકાર નથી ત્યાં વિજય નથી. સંસ્કૃત સુભાષિત એ રહસ્ય ઉદ્દઘાટિત કરે છે.
उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः ।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः ॥
રીટા જાની
26/11/21