ફરી…કલરવ અને કોલાહલ – 13

ભલે પધાર્યા!

“સાંજે શું કરે છે, મિહિર?” સામે છેડેથી ધવલનો રણકતો અવાજ ફોન ઉપર સાંભળ્યો. ધવલ મારો નાનપણનો દોસ્ત અને અમે કૌટુંબિક મિત્રો એટલે સિંગાપુરથી હું જ્યારે મુંબઈ આવું એટલે ધવલ અને તેના પરિવાર સાથે મુલાકાત અચૂક થાય. તેના પરિવારના બધાજ પ્રેમાળ અને લાગણીસભર એટલે વારંવાર મળવાનું મન થાય અને એમાં ખાસ તો તેના માતાપિતા શશિકાન્તભાઈ અને મીનાબેન (અમારા માટે  શશિઅંકલ અને મીનાઆન્ટી)!

“તારા માટે નવરો જ છું, રાજા! બોલ ક્યાં લઈ જાય છે?” મેં ગમ્મત કરતા જવાબ આપ્યો.

“Be ready for a surprise! તને પાંચ વાગ્યે લેવા આવું છું” કહી ધવલે ફોન મુક્યો.

 આખી બપોર સાંજની આતુરતામાં પસાર થઈ. મને પ્રસંગની ખાતરી નહોતી તેથી મેં મારા સારામાં સારા કપડાં પહેર્યા. સાંજે ધવલ ગાડીમાં મને લેવા આવ્યો અને મને સુસજ્જ તૈયાર થયેલો જોઈ હસવા લાગ્યો. મેં કહ્યં “કેમ ભાઈ – શર્ટ ફાટેલું છે કે ખરાબ છે?” તે હસતા બોલ્યો “ના..ના .. પણ કદાચ ખરાબ થશે. આવ બેસ” કહી હસતા હસતા ગાડીનો દરવાજો ધવલે ખોલ્યો. હું માથું ખંજવાળતા ગાડીની સીટ પર ગોઠવાયો. ગાડી મુંબઈના નામાંકિત વિસ્તારમાં ફરી અને નવા ચણાયેલા વિશાળ બિલ્ડિંગમાં દાખલ થઈ.

” આ ક્યાં આવ્યા આપણે?” મેં ધવલને પૂછ્યું.

“આજ તો છે સરપ્રાઇસ. આપણે આ બિલ્ડિંગમાં ઘર નક્કી કર્યું અને એ દેખાડવા તને અહીં લઈ આવ્યો છું. હજી રૅનોવેશનનું (નવીનીકરણ) કામ ચાલે છે. ચાલ ઉપર” કહી ધવલે પ્રવેશ લોબી તરફ ઈશારો કર્યો.

હું ધવલને ભેટી પડ્યો અને ખુબ અભિનંદન આપ્યા. હું જાણતો હતો કે ધવલનો ઉછેર મધ્યમ વર્ગીય હતો પણ વિચારે તે ખુબ પ્રગતિશીલ હતો. ધવલ અને તેના ભાઈએ નાની વયથી ધંધાકિય સાહસ કર્યું અને નીતિથી ધંધો વિક્સાવ્યો સાથે શશિઅંકલનું સચોટ માર્ગદર્શન અને તેમની વ્યવહાર કુશળતા ભળી એટલે સારી સફળતા મળી. નાણાકીય અને પારિવારિક મુશ્કેલીઓ તો આવી પણ ખુબજ સ્થિરતાથી ગુંચવણ ઉકેલતા ગયા. તેમણે માણસાઈ ને પૈસા કરતા વધારે પ્રાધાન્ય આપ્યું અને એટલે મા શારદા અને લક્ષ્મી બન્નેની કૃપા રહી.

ધવલ એક પછી એક રૂમ દેખાડતો હતો. રૅનોવેશન કામ ચાલુ હતું. શશિઅંકલ પણ સાથે હતા. ઘરની એક અલગ જગ્યા તરફ આવી શશિઅંકલ બોલ્યા “આ જગ્યા અમે ખાસ મહેમાનો માટે રાખી છે. મને મિત્રોને ઘરે બોલાવી જમાડવા ગમે – સુખ દુઃખની વાત કરવી ગમે. એટલે છોકરાઓને ખલેલ ન થાય એ રીતે અહીં અમે અમારા મિત્રો સાથે હળી-મળી શકીયે અને બહારગામના મિત્રો અને સગાવહાલાઓ ને ઘરે ઉતારો પણ આપી શકે.”

આવા માણસ ભૂખ્યા લોકો હવે સંસારમાં ક્યાં જોવા મળે છે? ‘રોટલો મળે પણ ઓટલો ન મળે’ એવા મુંબઈમાં મિત્રો અને સ્વજનોનો માટે રોટલો અને ઓટલો ફાળવવો એ બહુ જૂજ જગ્યાએ બને. સવાલ ક્ષમતાનો નહિ પણ ભાવ અને હોંશનો છે. શશિઅંકલની વાત સાંભળતા મને મારા દાદા અને પિતાની વાત યાદ આવી ગયી. મારા દાદા કાપડ બજારના દલાલ હતા અને અને સ્વભાવે ખૂબ મળતાવડા એટલે તેમના ઘણા મિત્રો હતા. બજારમાંથી ઘરે પાછાં ફરતા ક્યારેક તેમની સાથે કોઈ મિત્ર જોડાયો હોય અને ઘરે આવતાજ મારા દાદી ને કહે “રંભા.. શિરો હલાવજો. આર-52 (ઉંચા પ્રકારના કાપડ ઉપરથી મિત્રનું કોડ નામ પડતું) સાથે આવ્યા છે”. આવો જ વારસો મારા પિતાજીએ કાયમ રાખ્યો. સાહિત્ય સમ્મેલનથી ઘરે પાછા વળતા તેમની સાથે સાહિત્યિક મિત્ર જમવામાં હોયજ, પછી તો ઉંમર જતા ઘરે પિતાજીને મળવા દરરોજ ઘણા લોકો આવતા. બધાને પિતાજી ચા નાશ્તો કરાવતા. કેટલાકને જમાડતા પણ. પિતાજી કહેતા કે શરુવાતના વર્ષોમાં તેમના અમદાવાદના સાહિત્યિક વર્તુળના મિત્રો મુંબઈ આવી ઘણો સમય સાથે રહેતા અને પિતાજી પણ અમદાવાદ તેમને ત્યાં જઈ રહેતા. સાહિત્ય સાથે એક બીજાના જીવનની નાની મોટી વાતો અને ઘટનાઓની આપ-લે થતી અને સબંધો વધારે ગાઢ બનતા અને વર્ષોના સંભારણા બની રહેતા. જ્યાં એકબાજુ પિતાજી તેમના મિત્રોને આવકારતા ત્યાં નાનપણથી મેં જોયું હતું કે મમ્મી ઘરે આવતા કામ વાળા બહેનો-ભાઈઓને જમાડ્યા વગર પાછા ન મોકલતી. ઘણીવાર તો તમને આગ્રહ કરીને જમાડતી – અમને જરા અજુગતું લાગતું. પણ મમ્મીનું માનવું હતું કે આપણે માણસોનું પેટ ઠારશું તો આપણું પેટ પણ ઠરશે. એમાંય જે બહેનો કચરા સાફ કરવા આવતા, દૂધ આપવા આવતા એનો તે ખાસ ખ્યાલ રાખતી. 

રહીમ સાહેબ કહે છે .. “રહિમન ઇસ સંસારમેં સબ સો મિલીઓ ધાય.. ના જાને કેહિ રૂપ મેં નારાયણ મિલિ જાય”. આપણે અતિથિ દેવો ભવઃ કહીએ છે અર્થાત્ અતિથિમાં દેવ જોવા. જ્યારે રહીમ સાહેબ કહે છે કે ખુદ દેવ અતિથિ નું રૂપ લઈ આવી પધારશે માટે કોઈની અવગણના ન કરો – ભલે આપવા માટે આપણી પાસે બોર હશે પણ દાનત જો શબરીની હશે તો રામ જરૂર આપણી કુટિયામાં પધારશે.

મુંબઈ જેવા શહેરમાં ઘરમાં મહેમાનનો આવરો જાવરો પુષ્કળ હોય. ક્યારેક એટલો બધો હોય કે તેમનાથી ભાગી જવાનું મન થાય. એમ થાય કે અતિથિ તુમ કબ જાઓગે? એટલે કેટલાક રજામાં ખાસ બહારગામ નીકળી જાય. બાર વર્ષ પહેલા અમે મુંબઈ છોડી પરદેશ રહેવા આવ્યા, ત્યારે શરુવાતમાં ત્યાંની નવી જગ્યા જોવી અને માણસોને મળવું ખુબ ગમતું. પણ પછી અમે મહેમાનોને ‘મિસ’ કરવાનું શરૂ કર્યું (પોતાની ખરી પ્રકૃતિ ઓળખાઈ). હજી નવા મિત્રો એટલા બન્યા ન્હાતા એટલે યજમાનના હોંશ પુરા નહોતા થયા. ત્યાં ખબર આવ્યા કે મુંબઈથી અમારી ખાસ મિત્ર બિજલના માતાપિતા સિંગાપોર આવી રહ્યા હતા અને અમારી સાથે થોડા દિવસ રહેવાના હતા. અમે ખુબજ આનંદમાં આવી ગયા અને અમારા સિંગાપોરના પહેલા મહેમાનના સ્વાગતની તૈયારીમાં લાગી ગયા. ત્યારે અમારા મનમાં એક જ વાતનું રટણ હતું : “અતિથિ તુમ કબ આઓગે?”

આપણે ઘણી વાર સાંભળ્યું છે કે પહેલાના સંબંધો બહુ જ સહજ હતા – તેમાં ઔપચારિકતા ન હતી અને માણસ-માણસ વચ્ચે પ્રેમ અને લાગણીનું જોડાણ હતું. મને લાગે છે કે આજે પણ આ જોડાણ તો છે પણ તેના ઉપર ભૌતિક જીવનની પ્રાથમિકતાઓના આવરણ આવી ગયા છે અને એટલેજ તેનું અવમૂલ્યન થતું વર્તાય છે. આપણે આ આવરણો ખસેડી દઈએ તો અનુસંધાન પાછું સ્થાપિત થઈ જશે.

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (26-Apr-2022)

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૦: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. આપણે જાણીએ છીએ તેમ માનવ મનની પ્રત્યેક સંવેદનાઓને કવિવરે રવીન્દ્રસંગીતની વિવિધ રચનાઓ દ્વારા વહેતી મૂકી છે. “પ્રેમ” – આ ટચુકડો શબ્દ કે જેમાં પ્રચંડ તાકાત રહેલી છે – એ સર્વોચ્ચ અનુભૂતિને પણ પ્રેમ પારજોયની અનેક રચનાઓમાં કવિવરે આવરી લીધી છે.
Love is an endless mystery because there is no reasonable cause that could explain it. – Tagore
કવિવર એવું દ્રઢપણે માનતા કે પ્રેમતો એક એક ગાઢ અને ગૂઢ અનુભૂતિ છે જેના કોઈ કારણો ન હોય… જે અનાયાસે થઇ જાય તે પ્રેમ – પ્રયાસ પૂર્વક કરવામાં આવતો પ્રેમ – પ્રેમ નથી હોતો – તેને કંઈક બીજું નામ આપવું પડે … જેમ તુષારભાઈ શુક્લ લખે તેમ “દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એક પૂછીને થાય નહિ પ્રેમ”. આ અનાયાસે થઇ જતો પ્રેમ જ કદાચ સૃષ્ટિના સર્વે જીવો માટે ચાલક બળ બની રહે છે. અહીં પ્રેમની પરિભાષા માત્ર વિજાતીય પ્રેમ સુધી સીમિત નથી.. કોઈ પણ બે સંવેદનાસભર જીવો વચ્ચે પ્રેમ પાંગરી શકે છે, ખીલી શકે છે, મહોરી શકે છે…
પ્રેમ તો અનાયાસે થઇ જાય, પણ પ્રેમની અભિવ્યક્તિ કરવામાં તો પ્રયાસ કરવોજ પડે. પ્રેમની અભિવ્યક્તિ એટલેકે ની ઘટના તો પ્રેમ થવા કરતા પણ વધુ અગત્યની છે. તેમાંય ખાસ કરીને વિજાતીય પ્રેમમાં. આ નાજુક સંવેદનાને શબ્દોમાં વર્ણવવી કઠિન છે અને એ તો જેને અનુભવી હોય તેજ સમજી શકે….

આ પ્રેમની  અભિવ્યક્તિ કરતી  કવિવરની પ્રેમ  પારજોયની એક ખુબજ મીઠડી રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું. 1924 માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે ভালোবাসিভালোবাসি (Bhalobashi Bhalobashi) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “હા, હું તને ચાહું છું….”.આ રચનાનું સ્વરાંકન કવિવરે ખંભાજ   રાગ પર કરેલું છે. આ રચનાને દાદરા  તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  

આ ટચુકડી અને મીઠડી રચના પ્રેમની અભિવ્યક્તિની રચના છે. પ્રેમના ઇઝહારની રચના છે. કોઈની સાથે પ્રેમ થવો એ તો એક અલૌકિક ઘટના છે પણ કોઈકને તમારી સાથે પ્રેમ થાય અને એ તમારી  પાસે તમારી પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે તે તો કદાચ અતિ-અલૌકિક ઘટના છે. It is beautiful to express love and it is more beautiful to feel it. આ રચનામાં કવિવરે એવાજ કોઈક પ્રેમીની સંવેદનાઓને વાચા આપેલ છે કે જે સમગ્ર સૃષ્ટિમાં એક સમગ્રતાથી પોતાના પ્રેમીને પ્રેમ કરે છે તે શબ્દો દ્વારા આ રચનામાં અભિવ્યક્ત થયેલ છે.  જો કે પ્રેમની અભિવ્યક્તિ હંમેશા શબ્દો દ્વારાજ કરી શકાય તેવું જરૂરી નથી…સાચા અને અલૌકિક પ્રેમની એટલે કે platonic loveની અભિવ્યક્તિ પણ સહજ રીતે થઇ જાય છે. આ અલૌકિક પ્રેમમાં મૌન એ પ્રેમની પરિભાષા અને હાજરી એ પ્રેમના હસ્તાક્ષર બની જાય છે. જોકે આજના યુગમાં તો platonic love કદાચ nonexistent જ છે પણ જો ક્યાંક અને ક્યારેક તમને આવા અલૌકિક પ્રેમની એટલે કે ની સંપૂર્ણ કે આંશિક અનુભૂતિ થાય તો માનજો કે તેમારી પાસે દુનિયાની સૌથી પ્રચંડ તાકાત છે…

તો ચાલો આ પ્રેમની દિવ્ય શક્તિની સમર્થતાને વાગોળતા વાગોળતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

– અલ્પા શાહ  

ઓશો દર્શન -14. રીટા જાની


wp-1644023900666



જીવનને કોઈ ફૂલોનો ગુલદસ્તો કહે તો કોઈ તેને પુષ્પોનું ઉદ્યાન કહે અને કોઈને તેમાં મેઘધનુષી રંગો પણ દેખાય. પરંતુ જીવન એ સત્યનું નિરૂપણ કરતો આયનો છે અને તેમાં વિવિધ અનુભૂતિઓ અને અદભુતતાઓનો સંયોગ અને સમન્વય છે. પણ જો આ અદભુત જીવનનું સત્ય ન જાણીએ તો તે માત્ર સપનું જ બની રહે છે.

સત્યની ખોજનો મહિમા ગાતા કવિ શ્રી ઉમાશંકર જોશી કહે છે –
‘એ સત્ય કાજે ન ધડીય જંપવું,
જ્વાલામુખીના મુખમાં પ્રવેશવું;
ખૂંદી રણો, ભેદી વનો બિહામણાં,
ઢંઢોળવા ઉન્નત શૃંગ અદરિનાં.’

ઓશો એ દાર્શનિક અને વિચારક છે અને ક્રાંતિકારી વિચારક છે. આજે ઓશોનું સત્ય તેમની વિચાર કણિકાઓ દ્વારા માણીએ.
સ્વાભાવિકપણે જ આપણને પ્રશ્ન થાય કે સત્યને કઈ રીતે ઓળખી શકાય? કઈ રીતે મેળવી શકાય? કોણ મેળવી શકે? જેના પ્રત્યેક શ્વાસ સત્યની આરાધનારૂપ બની જાય તે જ સત્યને મેળવી શકે. કારણ કે આ તો સતત ચાલતી સાધના છે, નિરંતર પ્રક્રિયા છે. માટે તેને આંશિક પ્રાપ્ત કરવા જાય તો સફળતા નહિ મળે. અગમ્યની ખોજ માનવીની આંતર ચેતનામાં પડેલી ચિનગારી સમાન હોય છે. તેને સમગ્રતયા પ્રાપ્ત કરવા પ્રજ્વલિત ઈચ્છા હોવી જોઈએ, જે પરમાત્મા તરફ જવાનું પ્રથમ સોપાન છે.

ઓશો કહે છે કે આ જગતમાં સત્ય સર્વત્ર છે, પરંતુ તે જુદી જુદી રીતે અભિવ્યક્ત થયા કરે છે. એક રીતે જોઈએ તો સત્ય સૌંદર્ય જેવું છે, જે કેટલાય રૂપોમાં દ્રષ્ટિગોચર થતું અનુભવી શકાય છે. સત્ય એક છે, પણ તેના સુધી જવા માટે અનેક દરવાજા છે. જે લોકો દરવાજાના મોહમાં જ અટકી જાય છે, તેના માટે સત્યની પ્રાપ્તિ મુશ્કેલ છે. સત્ય ફૂલમાં સુગંધ બનીને નિખરે છે, માનવીની આંખોમાં પ્રેમ બનીને છલકે છે, હોઠ પર સ્મિત બની મલકે છે, રાતે નભના તારાઓમાં ચમકે છે. એ બધાના રૂપ ભલે જુદા જુદા હોય પણ તેમાં જે સ્થાપિત થયેલું હોય છે તે તો એક જ છે. રૂપમાં મોહિત થનારા, આત્માનું સૌંદર્ય જોઈ શકતા નથી. તેને શબ્દોમાં શોધનારા પણ સત્યથી વંચિત રહે છે. જેઓ આ જાણે છે તેઓ સત્ય શોધવાના માર્ગમાં આવતાં અવરોધોને પગથિયાં બનાવીને આગળ ચાલે છે. અને જે નથી જાણતાં તેના માટે પગથિયા પણ અવરોધ બની જાય છે.

પશ્ચિમ અને પૂર્વ બંનેની વિચારધારાઓનું સ્વરૂપ અલગ છે. પૂર્વ માને છે કે જીવન એ અનંત જન્મોની શૃંખલાનો એક ભાગ છે. આત્મા અમર છે અને જેમ વસ્ત્ર બદલાય તે રીતે જીર્ણ થયે તે શરીરો બદલે છે. શરીર નાશવંત છે અને તેથી તેને શણગારવું કે તેની ક્ષમતાઓની પૂર્તિ માટે શ્રમ કરવો વ્યર્થ છે. તેથી પૂર્વ શરીરસુખથી વિરુદ્ધ આત્માને મહત્વ આપે છે. ક્ષમતાઓની પૂર્તિ માટે શ્રમ કરવો વ્યર્થ છે.

આથી જેટલા પ્રબુદ્ધ પુરુષો પૂર્વમાં છે તેટલા પશ્ચિમમાં નથી. પશ્ચિમ પાસે સોક્રેટિસ, ઇસુ ખ્રિસ્ત જેવા આંગળીના વેઢે ગણાય તેટલા જ છે. પૂર્વમાં કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, કબીર, મીરાં, ગોરખ, પતંજલિ, મહંમદ, લા ઓત્સે, રામકૃષ્ણ વગેરે અનેકાનેક બુદ્ધ પુરુષો થાય છે. પૂર્વની શરીર વિરોધી કે સુખ વિરોધી કે બાહ્ય જગત વિરોધી દ્રષ્ટિના કારણે ધર્મ તો વિકસ્યો પણ વિજ્ઞાન ન વિકસ્યું. પરમાત્મા તો ખીલ્યો, પણ પદાર્થ વંચિત રહ્યો.

આથી વિરુદ્ધ પશ્ચિમની ધારણા એ છે કે આ જ જન્મ છે. મૃત્યુની સાથે શરીર ખતમ થાય છે, અંદરનું બધું પણ. એટલે મળેલી તકનો ઉપયોગ કરી લઈ શરીર અને મનની ઈચ્છાઓની પૂર્તિ કરી સંતોષ સાથે મરવું. આ દૃષ્ટિ કે બાહ્ય દ્રષ્ટિના લીધે વિજ્ઞાનનો જન્મ થયો અને તેણે હરણફાળ ભરી. માનવજાતની મદદ માટે આજનું વિજ્ઞાન ને ટેકનોલોજી એ પશ્ચિમની દેન છે.

પરંતું દરેકના લાભ પણ છે અને ગેરલાભ પણ. પુર્વની દ્રષ્ટિના કારણે પ્રેમ સમજાયો, કળા વિકસી, સમજ વિકસી, પણ વિજ્ઞાન ખોવાયું. સાથે સમૃદ્ધિ પણ ખોવાઈ અને સમૃદ્ધિના અભાવમાં ગરીબી, બિમારી અને હાડમરીએ ભરડો લીધો.

એથી વિરુદ્ધ પશ્ચિમમાં અંતઃ કરણ ન વિકસ્યું. સમજ, પ્રેમ અને કળાનો વિકાસ ન થયો. સમૃધ્ધિ સાથે આનંદથી પણ હાથ ધોવા પડ્યા.

ઓશો કહેતા કે મારા પ્રવચનોનો હેતુ તમને ઢંઢોળવાનો છે. તમારા મનને આઘાત આપવાનો છે. તમને તમારી માન્યતાઓ, સંસ્કારો અને ભૂતકાળથી જગાડવાનો છે.

ઓશો કહેતા કે હું તમને સંમત કરવા આ પ્રવચનો નથી આપતો. મને તમે સહમતિથી કે અસહમતીથી ના સાંભળો. માત્ર સાંભળો. પછી ચિંતન કરો. મારી સાથે સહમત થવું જરૂરી નથી. ઓશો શંકાઓ કરવાની છૂટ આપે છે. શંકાના મૂળિયાં પૂરેપૂરા નાશ ન થાય ત્યાં સુધી સાચી શ્રદ્ધા જાગતી નથી. થોપેલી શ્રદ્ધાનું કોઈ મૂલ્ય નથી. પાણી ૧૦૦ ડિગ્રી સેંટીગ્રેડ પર વરાળ બને છે તે શ્રધ્ધા કે માનવાનો પ્રશ્ન નથી. તે હકીકત છે જે આપણે જોઇએ છીએ, અનુભવીએ છીએ. એ જ રીતે ધર્મ પણ અનુભવગમ્ય હોવો ઘટે નહિ કે માનવાનો.

ઓશો કહે છે એક માણસને જાનથી મારી નાખવો એ હિંસા છે, તો એક માણસના વિચારોને પોતાની અનુકૂળતા પ્રમાણે ઢાળવા એ પણ હિંસા છે.

પિકાસો એક ચિત્ર બનાવી રહ્યા હતા તેમના મિત્ર એ પૂછ્યું કે તમે 2000 ચિત્ર બનાવ્યા તેમાં બધાથી સુંદર ચિત્ર ક્યું? તો એમણે કહ્યું જે અત્યારે બની રહ્યું છે તે, અને આ પણ ત્યાં સુધી જ્યાં સુધી બની નથી ગયું, પછી હું બીજું બનાવીશ અને નિશ્ચિત જ બીજું મારુ શ્રેષ્ઠતમ હશે. કેમકે આને બનાવવામાં હું કંઈક બીજું શીખ્યો, મારા રંગોમાં વધારે નિખાર આવ્યો, મને વધારે સૂઝબુઝ આવી.

એક પ્રશ્નના જવાબમાં ઓશો કહે છે હું ધર્મની વિરુદ્ધમાં એટલા માટે બોલું છું કે માણસોને ટુકડા ટુકડા નથી જોવા માગતો. માણસ જ્યાં સુધી ટુકડામાં વહેંચાયેલો છે, ત્યાં સુધી તેના જીવનમાં સુરજ નથી ઉગી શકતો. જેમ સામાન ઉપર લેબલ લાગેલું હોય તે રીતે દરેક માણસની છાતી પર ચિઠ્ઠી ચિપકાવી છે – હિંદુ, મુસલમાન, જૈન, ઈસાઈ વગેરે. ધર્મ પ્રેમ છે, પરંતુ છેક પ્રેમ સમાપ્ત થાય ત્યાંથી જ શરુ થાય છે. ધર્મ દોસ્તી છે, પરંતુ દુશ્મની આવે તે ધર્મ નથી.

ધર્મ તો કોઈ અનોખી ક્ષણમાં ક્યારે ઘટી જાય તે કોઈ કહી શકતું નથી. જે બુદ્ધ છે તેને એ જ ક્ષણે તાલ બેસી જાય છે, સંગતિ બેસી જાય છે, બંસીની સાથે તબલા વાગવા લાગે લાગે છે. આ સંગત તમારી અંદર ગુંજી જાય, પછી એને ભૂલવાનો કોઈ ઉપાય નથી. જેની હવામાં ધર્મ ન હોય, જેના ઊઠવા – બેસવામાં ધર્મ ના હોય, જેની આંખોની ઝલકમાં ધર્મ ન હોય, જેના હાથોના ઈશારામાં ધર્મ ન હોય, જેની પાસે બેસીને જ ધર્મની મદીરામાં ડૂબી ન જાવ, મસ્તી ના આવી જાય તો એ ધર્મ નથી. ઓશો કહે છે કે સહજાનંદ હું એને કહીશ, બુદ્ધ હું એને કહીશ, જેની હાજરીમાં આંખથી આંખ મળી જાય તો નશો થઇ જાય, જેના હાથમાં હાથ આવી જાય તો જીવનમાં નવી પુલક આવી જાય, જેનું હ્રુદય નવી ધડકન લઈ લે, નવું નૃત્ય લઈ લે અને જેની પાસે ધર્મ જ જીવંત થઇ ઊઠે. સત્ય અને ધર્મ પર્યાયવાચી છે. ધર્મનો અર્થ જ છે જીવનનો મૂળ આધાર, જીવન જેનાથી ધારણ કરવામાં આવ્યું છે, જીવનશૈલી પર ટકેલું છે, જીવનની આધારશિલા છે, જેના વગર જીવન નથી. સત્ય અને ધર્મ એક જ છે.

સત્યનો સંબંધ હૃદય સાથે છે, આત્મા સાથે છે, બુદ્ધિ સાથે નથી. સત્ય અપ્રિય નથી કે કડવું પણ નથી. શક્ય છે કે એ કહેવાની રીત અપ્રિય કે કડવી હોઇ શકે. સત્ય માણસની શોભા નહિ પણ આભા છે. સત્ય માણસના લોહીમાં વહેતું હોય ત્યારે વાણીનું તેજ અલગ જ હોય છે. ધર્મરાજ યુધિષ્ઠિર, રાજા હરિશ્ચંદ્ર અને ગાંધી બાપુની સત્યપ્રિયતા ઉદાહરણરૂપ છે. સત્ય કદી મિથ્યા થતું નથી. સત્યને પરમ સાથે નિસ્બત છે. સત્ય જ્વાલા સાથે સંકળાયેલ જ્યોતિ છે, જીવનનો તેજપુંજ છે, ઊર્જા સાથેની ઉષ્મા છે, જગતના ધર્મોનો પ્રાણ છે. તેથી જ સત્ય એ બ્રહ્મ છે અને બ્રહ્મ એ સત્ય છે.


રીટા જાની
29/04/2022

Vicharyatra : 14 Maulik Nagar “Vichar”

“બડા આદમી”

‘હેલ્લો, મૌલિક સર! સલામ! કૈસે હો! સબ ખૈરીયત?’, અજાણ્યાં નંબર પરથી ફોન હતો.
‘બઢીયા, સલીમભાઇ.’
‘અરે સાબ! આપને તો મેરી આવાઝ પિછાણ લી’
તુક્કો લાગી ગયો એટલે મેં પણ રંજનીકાંત અંદાઝમાં કહ્યું, ‘સલીમભાઇ યે તો સંગીતકાર કે કાન હૈ! આપ કૈસે હો?

થોડાં દિવસ પહેલાં આ સલીમભાઇનો ફોન આવ્યો હતો. ત્રણ ચાર વર્ષ પહેલાં ક્યાંય પણ અમારો મ્યુઝિક કોન્સર્ટ હોય તો આ સલીમભાઇ જ પાંચસો કિલોનો પિયાનો એમનાં છોટા હાથીમાં ટ્રાન્સપોર્ટ કરતા. અચાનક જ તેમનો ફોન આવ્યો એટલે મને લાગ્યું કે નક્કી આ માર્કેટિંગ કોલ લાગે છે. અને નીકળ્યું પણ એવું જ.
એમની પઠાણી એકસેન્ટના અને મારી ગુજરાતી એક્સેન્ટના હિન્દીમાં ખબર અંતર પુછાયા પછી એમણે મુદ્દાની વાત કરી.

‘અરે મૌલિક સર! મેરા પિછાણવાલા ગાંઉ સી આયા હૈ! અગર કિસી કુ ફ્રીજ, એ.સી રીપેર કરવાનાં હો તો વો અચ્છા કારીગર હૈ!’
‘મેં કીધું ચોક્કસ, આપકા પીચાનવાલા હૈ તો તો વો અચ્છા હી હોગા, મેં જરૂર બતાઉંગા’ મેં પણ થોડી પઠાણી બોલીમાં જ ઝીંકી દીધું.
પણ એ સલીમભાઇના આ અંતિમ વાક્યએ મને થોડી વાર તો વિચાર તો કરી મૂક્યો.
અંતમાં ફોન મૂકતા તેમણે કહ્યું કે, ‘સાબ, મેંને સોચા આપ જૈસે બડે લોગન કો ફૂન કરેંગે તો ઉસકો બહુત કામ મિલેંગા.’

હવે નાના મોટાં માણસની વ્યાખ્યા તો મને નથી ખબર પણ આ ફોન પછી મને એટલું ચોક્કસ ખબર પડી ગઈ કે ગાડી ને બંગલો હોવાથી કોઈ માણસ મોટું નથી થઇ જતું.
જો હું એને કામ જ ના અપાવી શકું તો શેનો મોટો માણસ! અને કદાચ એ કારીગરને એકાદ કામ આપીને કે અપાવીને થોડી ઘણી મદદ કરી પણ લીધી તો પણ શેનો મોટો માણસ!
બસ, આ જ નાનાં મોટાંનો તફાવત ઇન્ડિયા અને ઇન્ડિયનને ત્યાં નો ત્યાં જ રાખે છે. દેશનો વિકાસ થાય છે. માણસનો અને તેની સંપત્તિનો વિકાસ થાય છે. પણ એની વિચારશરણી તો હજી ત્યાંની ત્યાં જ છે.

આમ તો આપણામાં “પરસ્પર દેવો ભવઃ”ની ભાવના હોવી જોઈએ. અમુક અંશે તેવી ભાવના હોય છે પણ ખરા. પણ એમાં જો આપણે મદદમાં થોડી પહેલ કરી લઈએ તો આપણા વર્તનમાં પેલો “બડા આદમી”નો કીડો સળવળવાનો ચાલુ થઇ જાય છે. મારાં જેવાં માણસની પહોંચ એટલી તો નથી કે હું “બડા આદમી” સાબિત થઇ શકું. પણ આંગળીમાં જેટલા વેઢા છે બસ એટલા જ લોકોને થોડો ઘણો રોજગાર અપાવી શકું તો પણ સંતોષને રોજે રોજ માણી શકું. અને સાચો “બડા આદમી” તો આ સલીમભાઇ કહેવાય કે તેણે મારાં જેવાં કહેવાતા ઘણાં બધાં “બડા આદમી”ઓને વારા ફરથી ફોન કર્યા હશે અને એણે એનાં પહેચાનવાળાનો રમઝાન મહિનો સુધાર્યો હશે.

-મૌલિક “વિચાર”

સંસ્પર્શ-૧૪- જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtube

આપણે ધ્રુવદાદાની સમુદ્રાન્તિકે,અકુપાર અને અતરાપી નવલકથાની ગમતી અને મનને સ્પર્શી જાય એવી ઘણી વાતો કરી જેમાં દાદાના માનવીય પ્રેમ,પ્રકૃતિ પ્રેમ ,માનવસંબંધો વિગેરે વિશેનાં ઉત્તમ વિચારો જાણ્યા.તેમની નવલકથા લખવાની એક નોખી જ ભાત પણ જાણી. પરતું આજે આપણે જે ધ્રુવદાદાની નવલકથાની વાત કરવાનાં છીએ તેનો તો વિષય જ સાવ નોખો છે. આપણે વાત કરવાના છીએ ‘તિમિરપંથી’ નવલકથાની. તિમિરપંથી એટલે અંધારાનાં સફરી કે અંધારામાં ફરનાર એટલે સામાન્યભાષામાં આપણે જેને ચોર કહીએ તેની. તિમિરપંથીનો એક મને સમજાતો બીજો અર્થ એટલે જે જીવનસફરમાં ભટકી ગયાં છે તેવા લોકો અથવા જેને સાચો કે અજવાળાવાળો રસ્તો ખબર નથી. જે અંધકારમાં પંથ ખેડી રહ્યાં છે અથવા જેને જીવનમાં જીવવા માટે અંધકારમાં જ ફરવાની ફરજ પડી છે.

આ નવલકથામાં ધ્રુવદાદાએ વાત કરી છે એવી જાતિનાં લોકોની જેમને તેમનાં ગુજરાન માટે કે જીવન જીવવા માટે ચોરી,લૂંટ કે ડકૈતનો જ આશરો લેવો પડે. આ જાતિ એટલે છારા,વણજારા,ડફેર,સાંસી,પારધી,અડોડિયા લોકો,જે આખી જાતિ હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેરા-તંબુ લઈને વિચરતી હોય છે.તેમનો જીવનનિર્વાહ તેઓ ખૂબ કુશળતા પૂર્વક ચોરી કરી,ખિસ્સા કાપી,દુકાનમાંથી સંતાડીને માલ ચોરીને કે ખેતરમાંથી અનાજ ચોરીને કરે છે.

તિમિરપંથી નવલકથામાં ધ્રુવદાદાએ આ દરેક જુદીજુદી જાતિનાં લોકો કેવી કુશળતા પૂર્વક ચોરી કરે છે ,તેમનાં ચોરીમાં પણ કેવા નિતી નિયમો છે,પેઢી દર પેઢી આ ચોરી કરવાની રીત તેઓ કેવીરીતે તેમના બાળકોને શિખવાડે છે આ બધી ઝીણી ઝીણી વિગતો ,લોકો પાસેથી,પોલીસ અધિકારીઓ પાસેથી,જુદાજુદા લોકોનાં જાત અનુભવ જાણીને રજૂ કરી છે.તિમિરપંથીઓની વાત જ્યારે વાંચીએ ત્યારે કેટલીયે વાર તેમની દયનીય જીવનસફર સાંભળી હ્રદય કંપી જાય. વનવગડામાં કે રેતીનાં રણમાં જીવજંતુ,જંગલી રાની બિલાડાં કે સાપ,ઉંદર અને વીંછીની સાથે જ જમીન પર સૂવાનું.ન ઘરનાં કે ગામનાં ઠેકાણાં, ખાવાપીવાનાં કે જીવનનિર્વાહ માટે કોઈ આવકનું ઠેકાણું નહીં. ચોરી કરીને કે ભીખ માંગીને ધુતકાર પૂર્વક જે મળે તે ખાઈને જીવન જીવવાનું.આ સરનામા વગરનાં માણસ પણ આપણાં જેવા માણસ જ છે તો ભગવાને આમને કેમ આવો જન્મ આપ્યો હશે ! !એવો વિચાર પણ મનને સતાવે.ધ્રુવદાદાનું આ પુસ્તક વાંચીએ તો જ તમને તેમની જિંદગી કેવી હોય છે? તે સમજાય.તેમનાં ઉતારાનાં નજીકનાં ગામમાં કોઈપણ ચોરી ચપાટી થાય તો આ લોકોનાં આખા દંગાંનાં લોકોને પોલીસ જાણ્યાબૂઝ્યા વગર ઢોર માર મારે અને પકડીને જેલમાં પણ પૂરી દે. આ લોકોનાં જીવન વિશે જ્યારે જાણીએ ત્યારે આપણાં જેવાંજ માણસો એવા આ તિમિરપંથીઓ માટે આપણે પણ કંઈ વિચારવું જોઈએ તેમ જરૂર વિચાર આવે. આપણું મન પણ તેમની દયનીય દશા માટે વિચારનાં વંટોળે ચડે.

ધ્રુવદાદાનાં બધાં પુસ્તકોની જેમ જ આ નવલકથાની નાયિકા પણ સરસતિ એટલે સતિ છે. દાદાની બધીજ નાયિકાની જેમ સતિ પણ ચતુર,બાહોશ,કુશળ અને બધાં કરતાં સાવ જુદીજ સ્ત્રી છે.તેના બાળપણથી લઈને લગ્નજીવન સુધીની તેનાં જીવનની આસપાસની વાતો આ નવલકથામાં ગુંથાએલી છે. માનવ સંવેદનાનું સચોટ આલેખન તો કોઈ ધ્રુવદાદા પાસેથી શીખે. સતિએ બખૂબીથી કરેલી ચોરીઓ તેમજ તેમનાં ચોરી માટેનાં નીતિનિયમોની વાત પણ છે. સતિને આ જીવનસફરની વાતો સાથે આપણને દાદાએ ઊંડાં તત્વજ્ઞાનની કેટલીએ વાતો સમજાવી છે.સતિને તેની નાની નાનકી અનેક વાર્તાઓ દ્વારા જ્ઞાન આપે છે અને કુશળતા શીખવે છે. પોતાની કુશળતાની અને વિદ્યાની વાત કરતા નાનકીનાની કહે છે,” આપણા વિશે લોકો માને છે તે આપણે પણ માનવા માંડીએ ત્યારે વિદ્યા આપણને છોડી જવાની”એટલે આપણી આવડત કે કુશળતાનું અભિમાન ન કરવું તેમ સમજાવે છે.અને મહાગુરુનાં નામે નાનકી કહે છે,” તમારા વિશે જે કહેવાતું હોય તે ભલે ,પણ તમે પોતાની આવડત,મનની સ્વસ્થતા,હાથપગના હુન્નર,ગતિ, પોતાના શ્વાસ અને વિશ્વાસ સિવાય કશા પર નિર્ભર રહેશો નહીં.” આમ કહી આત્મનિર્ભરતાની વાત કરે છે.

એક ખૂબ સરસ વાત આ નવલકથામાં મને સમજાઈ તે એ છે કે જીવનમાં દરેકે દરેક માણસ તે મોટું કામ કરતો હોય કે નાનું પણ તે ક્યાંક ને ક્યાંક કશીક ચોરી તો કરે જ છે. આ તિમિરપંથીઓ સમાજમાં જાણીતાં,વગોઆયેલા ચોર છે અને બીજા અનેક લોકો ઉજળિયાત સફેદ વસ્ત્રોમાં ફરતાં ,મોટા ધંધા કરતાં,સમાજનાં મોભી બનીને ફરતાં સફેદ કપડાંમાં છુપાએલાં સફેદ ચોર છે. પણ તે ચોર પકડાતાં નથી પણ એકવાર આંખ બંધ કરી જન્મેલ દરેક માણસ પોતાની જાતને પૂછે ,કે તેપણ ક્યાંક,કશીક ચોરી તો કરે જ છેને? હા ,તેમાં કોઈક અપવાદ હોઈ શકે ,પણ કેટલાં ? તેતો દરેકનાં મન જ બતાવે! અને ભગવાન જાણે!

બદલાતાં સમય સાથે વહી સતિને તેનાં આખા સમાજને ભણતર આપવા સ્કુલ કરવી છે.અને પ્રકાશમય સવાર તિમિરપંથીઓને બતાવવી છે .દાદાએ સમગ્ર સમાજને તેમની પણ આ કાર્ય માટે જવાબદારી છે તેમ આડકતરી રીતે સૂચવ્યું છે.

આ સાથે મને યાદ આવ્યું આ ધ્રુવગીત-

આખો અવતાર અમે શોઘતા રહ્યા ને એક સંસ્કારી ઝાડવું ભળાયું નહીં.

હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે ભણતી મિજાજને કળાયું નહીં.

માન્યું ‘તું જુગ જૂના વરસાદી જંગલમાં એકાદું ઝાડવું તો ભણતું હશે

ભેગા થઈ એક ગુરુ પાળીને રોજ કોઈ ગરબડિયા ધ્યાન-બ્યાન કરતું હશે

ચોર્યાશી લાખમાંથી ઝાડવાંનો શ્રેષ્ઠ એવું મૂળમાંથી કેમ સમજાયું નહીં.

હોઈ શકે મારા ટેવાયેલા જ્ઞાનને કે ગણતા દિમાગને કળાયું નહીં.

એકાદા મોરલાને થાવું તો જોઈએ કે ચાલ કંઈક સદભાષા બોલીએ

પોપટ જો પટ્ટ દઈ શીખે છે રામ અને આપણે આ ટહુકા નવ છોડીએ

એકએક મોર અમે ગણતા જઈ સાંભળ્યું ને તોય સીતારામ સંભળાયું નહીં.

હોઈ શકે મારા ટેવાયેલા કાનને કે જાણતલ જાતને કળાયું નહીં.

જિગીષા દિલીપ 

૨૭ એપ્રિલ ૨૦૨૨

હેલીના માણસ – 14 | સનાતન સત્ય 

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -14 એની 13મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,

ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,

મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,

હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

રસાસ્વાદ :

માત્ર મનમાં ઈચ્છા કરીએ કે મારે જવું છે. અને પછી ઘરમાં જ બેસી રહીએ તો ક્યાંય જવાય ખરું? ના, એને માટે તો ક્યાં જવું છે તે નક્કી કરીને નિકળી પડવું જોઈએ. ઘર સાથે જોડાયેલા રસ્તા પર ચાલતા જઈએ તે પણ આપણાં ગંતવ્ય સ્થાનની દિશા પકડીને ચાલીએ ત્યારે એવું પણ બને કે, કેટલીક કેડીઓ નજરે પડે. એમાંની એક પણ કેડી પર ચાલવું હોય તો ચલાય. પણ તેને બદલે જો ખુદ ચાલીને, નવો રસ્તો કંડારીએ તો? કરી શકાય. હા, એને માટે હિંમત અને સાહસ જોઈએ. કાચાપોચાનું એ કામ નથી. નિરંતર થતી રહેતી નવી નવી શોધો વિશે વિચારીએ તો એ નવી શોધ કરનારની મહત્તા સમજાય. પછી તો એનો ઉપયોગ કરનારાં અનેક હોય. 

ખલીલ સાહેબની ગઝલો પણ અનેક ગઝલકારો માટે માર્ગદર્શક બની રહી છે. તેમની ગઝલો વાંચીને, સમજીને, નવોદિતો ગઝલની દુનિયામાં પગલાં પાડી શકે છે. તેમની ગઝલમાં રદિફ અને કાફિયાની પસંદગી ગજબની હોય! જાણે તેમને માટે રમત હોય તેવી સહજતાથી તેઓ આખી વાતને ઊંડાણથી રજુ કરે છે. સાદી વાત લાગતી હોય પણ તેમાં રહેલો ગુઢાર્થ શેરિયત બનીને આપણને ચોંકાવી દે.                     

મુશાયરામાં ગઝલ કહેવાની તેમની અનોખી અદા પણ આપણને માર્ગદર્શન આપે છે, તે વાત આપણે સૌ જાણીએ છીએ. જોઈએ આ શેર. 

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,

ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

આખી ગઝલમાં એકાદ શેર નબળો જણાતો હોય તેવી શક્યતા છે. પરંતુ એને નજરઅંદાજ કરીને ગઝલનો અભ્યાસ કરીએ તો ઘણું શીખવા મળે. ઘણીવાર તો આપણને કોઈએ કહેલી એકાદ વાત, મન પર એટલી ઉંડી અસર છોડે છે કે, વારંવાર એ પડઘાતી રહે અને એટલે કદી ભુલાય પણ નહીં. આમાંની કેટલીક વાતો એવી હોય જે આપણને પ્રગતિ કરવા પ્રોત્સાહિત કરે છે. આપણાં મનને હકારાત્મકતાથી ભરી દે. તો વળી કોઈએ કહેલી વાત આપણાં આત્મવિશ્વાસને ડગમગાવે એવી પણ હોય છે. તે આપણી પ્રગતિમાં અંતરાય રૂપ હોય  એટલું જ નહીં, તે ઘુમ્મટમાં પડતા પડઘાની જેમ મનમાં સતત ઘુમરાયા કરે છે. એટલે એવી વાતને ભૂલવી જેટલી અઘરી તેટલી જ જરૂરી હોય છે. ભૂલતાં પહેલાં તો તે મનને નિરાશાથી ઘેરી લે છે. આપણી વાતો અને વર્તનમાં પણ હતાશા સ્પષ્ટ દેખાય છે. અને કદાચ એટલે જ આવા શેર રચાઈ જતા હશે! કે, 

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,

ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

આ ગઝલના મક્તાના શેરમાં કવિ એક સનાતન સત્યનો નિર્દેશ કરે છે. ગમે તેવા મોટા શાયર હોય, મહેફિલો ગજવતા હોય, એટલે સુધી કે, તેમની રજૂઆત થાય પછી બીજા કોઈની રજુઆત કરવાની હિંમત પણ ના હોય, આવા આલા ગજાના શાયર પણ જ્યારે હાજર ન હોય ત્યારે? ત્યારે તો કવિ માની લે છે કે, આ ફાની દુનિયાને કોઈના હોવા કે, ના હોવાથી ક્યારેય કોઈ ફેર પડતો જ નથી. અને એટલે મહેફિલો તો રાબેતા મુજબ ચાલવાની, ચાલતી જ રહેવાની.  અહીં આપણને આ ગીત યાદ આવી જાય,ખરુને? 

મૈં પલ દો પલકા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ, 

પલ દો પલ મેરી હસ્તિ હૈ, પલ દો પલ મેરી જવાની હૈ. 

મિત્રો, આપણું આ જગત, આપણું અસ્તિત્વ અને આપણાં સંબંધો બધું જ અનિશ્ચિતતાના અગમ ઘેરામાં છે તેનો અહેસાસ કરાવતી આ ગઝલ આપ સોને કેવી લાગી? બીજી એક અનોખી ગઝલ લઈને મળીશું આવતા અંકે. ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

વિસ્તૃતિ …૧૩ -જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


વિપ્રદાસ નવલકથાનો ગુજરાતી અનુવાદ શ્રી. રમણલાલ સોની દ્વારા થયો છે.બંગાળી ભાષાને તેઓએ જાણે સુંદર રીતે સમજી હોય તેમ અનુવાદ પણ આપણને સચોટ રીતે સ્પર્શી જાય છે. વિપ્રદાસ શરદબાબુની વાર્તાકુશળતાનું એક ઉચ્ચકોટીનું દ્રષ્ટાંત પૂરું પાડે છે.
અહીં આખી વાર્તા પાશ્ચાત્ય સંસ્કૃતિ કેળવણી અને કુટુંબ સંસ્કારવાળી વંદનાનાં સ્વભાવ પરિવર્તનની
છે. વિપ્રદાસ અને દ્વિજદાસ એ બે ભાઈઓ, તેમની માતા અને બાળક વાસુના પાત્રો સાથે વંદનાનાં પાત્રનું આ વાર્તામાં અદ્ભૂત કૌશલ્યથી વર્ણન કર્યું છે.અહીં મને મિત્રો વિપ્રદાસમાં તેઓએ આપણાં સનાતન હિંદુ ધર્મની મહત્તા, કોઈ ગૂઢ અગમ્ય સત્ત્વ, સત્યતા, તેની અદ્ભૂત શક્તિ અને પરદેશી અનુકરણની લાગેલી લતનું મિથ્યાત્વ દેખાય આવે છે.
કહેવાતો આ સુધરેલો સમાજ, તેની અધમાચાર, ચાપલ્ય, સિધ્ધાન્તહીનતા, દંભ વગેરેની પ્રત્યક્ષ જોવા જઈએ તો મારાં મતે હિંદુ કુટુંબની ઉદારને સયુંક્ત કુટુંબની ભાવના, સાવકી મા ને દીકરાનો પ્રેમ , દિયર-ભાભીનો પ્રેમ મનને આકર્ષે છે તો તેનું અપ્રતિમ દર્શન પણ જોવા મળે છે.
વિપ્રદાસનું મુખ્યપાત્ર તેનું મથાળું જ(શીર્ષક) છે, કથા તેની આગળ પાછળ ફરે છે.આ પાત્ર અદમ્ય શક્તિશાળી , ધાર્મિક,દુઃખને દુઃખ ન માનનારો એવું સુદૃઢ વ્યક્તિત્વ ધરાવે છે.એનો જ ભાઈ દ્વિજદાસ સરળને સમજદાર વ્યક્તિત્વ ધરાવે છે., તે ભોળો છે. તેની વાણી કદાચ વાંચક વર્ગને અવળી જરૂર લાગે, પણ મૂર્ખો ન લાગે. સહનશીલતાથી ભરપૂર વ્યક્તિત્વ છે તેનું. માથા પર પહાડ તૂટી પડે છતાં હસવાની શક્તિ વાંચક વર્ગને હચમચાવી નાંખે છે.
મારું માનવું છે મિત્રો જ્યારે મનુષ્યનો ધર્મ સંસ્કારનું રૂપ ધારણ કરે છે ત્યારે જ તે સફળ બને છે. શ્રધ્ધા તો અદ્ભૂત વિચાર છે તેની વિરુદ્ધ દલીલ તો ન જ હોય.
વંદના ખૂબ જ બુદ્ધિશાળી અને વિચક્ષણ છે. લગ્ન જીવનની તેની વ્યાખ્યા છે કે તેમાં પણ શ્રદ્ધાની અંતરથી જરૂર છે. જીવનમાં દરેકને નવો પરિચય થાય ને હૃદય લગ્ન માટે ઝંખે. એ તો નરી વાસના જ કહેવાય તે સમાજને અનિષ્ટ બનાવે છે. પુરુષોની ચરમ અને પરમ આવશ્યકતાને લીધે જ આ સમાજમાં સ્ત્રીઓને શિક્ષણ
અને સ્વાતંત્ર્ય હોવાની તાતી જરૂર છે. પુરુષપ્રધાન દેશને
વિચારશરણી તેઓને શિક્ષણથી વંચિત રાખે તો પુરુષો
પોતે જ વંચિત બને છે એવું મારું માનવુ છે ને આ કથામાં શરદબાબુ પણ કંઈક અંશે એમ જ કહે છે.
વંદનાનાં વિચારો ભલે પાશ્ચાત્ય છે, પણ તેની મનો ભાવના ઉંચ્ચ શિક્ષિત છે.તેનું માનવું છે કે તેનાં સાસુ, તેની જેઠાણી કે જેઠ, દૈવ દેવતા, અતિથિશાળા કે તે પછી સગા સંબંધીઓ આ બધાંથી અલગ રહી ફક્ત તેના પતિ દ્વિજદાસને તે નથી ઝંખતી કે નથી પામવાં ઈચ્છતી. તેણી અને દ્વિજદાસ તો વિપ્રદાસ પ્રત્યેની અતૂટ
શ્રદ્ધા ને સેવાભાવનાંથી પ્રેરાઈને પરણ્યા હતાં.તે રસહીન કે ફરજથી વિમુખ નથી.તેનામાં રસિકતા છે ને દ્વિજદાસમાં સદાય દૃઢતા છે.
વિપ્રદાસ પ્રત્યેની શ્રદ્ધા , તેનું વિલનું બાળી મૂકવું, પોતાની પત્ની પર આક્ષેપ મૂકવો એ દ્વિજદાસને કઠિણ લાગે છે. તેમાં આ વાક્યે મને વિચાર કરતી કરી દીધી હતી કે દ્વાપરમાં યુધિષ્ઠિરનું અસત્ય વેદવ્યાસ નોંધી ગયા છે અને કલિયુગમાં તમારું હું નોંધી રાખીશ.કેટલો વિશ્વાસ પોતાના ભાઈ પર ને શ્રદ્ધા પણ અતૂટ. વિપ્રદાસ તેને બધો કારભાર સોંપી નિવૃત્ત થઈ જવા માંગે છે.
વંદનાને ભ્રમ છે કે વિપ્રદાસ તેને ચાહે છે તેથી તેનું આકર્ષણ જાહેર કરે છે.વિપ્રદાસ તો તેણીને દ્વિજદાસ ને પોતાની પત્ની સતીનો દાખલો આપી કહી દે છે કે આપણી વચ્ચે આ જ ને એવો જ સંબંધ છે. સતી ગભરું છે, શાંત છે .વિપ્રદાસન્ પોતાની અપરમા પર પણ ક્રોધિત
થાય છે દીકરી જમાઈ માટે! બેન બનેવીને ઘરમાંથી જતાં રહેવાનું કહે છે મા માનતા નથી તો તે સ્પષ્ટ વક્તા તરીકે કહે છે ક્યાં તેઓ રહેશે ક્યાં હું ! અહીં વિપ્રદાસ આપણને મિત્રો અલગ જ ચરિતાર્થ થાય છે.
વિપ્રદાસ ઘર ત્યજે છે પોતાની પત્ની ને બાળક સાથે, તે દરમ્યાન બેન જતી રહેતાં વંદના પણ મુંબઈ તરફ
રવાના થઈ જાય છે.કેટલાય સમય તે વિપ્રદાસ ને દ્વિજદાસના સમાચાર જાણવાં આતુર રહે છે.થોડા સમય પછી અચાનક બે પત્ર સાથે આવે છે.મિત્ર અશોકબાબુ અને બીજો દ્વિજદાસનો . મિત્રો આ કથા માટે કહેવાય છે કે શરદબાબુનો આ સાહિત્યની દ્રષ્ટિએ દ્વિજદાસનો લખેલો પત્ર એ કિંમતી છિપલાનું મોતી સમાન છે. ઘણું બધું કબૂલ કરી પોતાનાં અંતરમનને છતું કર્યું છે તે પત્રમાં.પત્ર મળતાં તેણી નીકળી પડે છે દ્વિજદાસ પાસે તે અહીં અપાર શ્રદ્ધા જ બતાવે છે.
અંતમાં થયેલા ફેરફાર સતીનું મૃત્યું, વિપ્રદાસનું પાછું આવવું, અપરમા દયામયીનો પશ્ચાતાપ,વિપ્રદાસનું પુત્ર વાસુનું દ્વિજદાસ ને વંદનાને સોંપવું. માને લઈ જાત્રાએ પ્રયાણ કરી જવાનું નક્કી કરવું.અહીં શરદબાબુએ લોકોને મોંઢે બોલાવ્યું છે કે દયાવતીની જાત્રા પૂર્ણ થતાં એ પાછી ફરશે પણ વિપ્રદાસની જાત્રાનો અંત નહિ જ આવે, તે ઘરે પાછો નહિ ફરે. કેટલાંકે આ માન્યું કેટલાંકે નહિ.
ગભરું દ્વિજદાસ તેઓના નીકળવાના સમયે છટકી ગયો. ઘરની સ્ત્રીવૃંદ આંસુ સારી રહી, પુત્રે પણ
પૂછ્યું,”ક્યારે પાછા આવશો બાપુ? જરા વહેલા આવજો હોં “વિપ્રદાસે જવાબ ન આપતાં માથે હાથ મૂકી આછું હસી લીધું.વંદના પણ સાસુમાને પગે પડી રજ લીધી. વિપ્રદાસને દૂરથી પ્રણામ કરી કહી દીધું કે પહેલીવાર પૂજાની ઓરડીમાં છાનામાના જોયા હતા,તેવું જ તેજ છે તમારાં ચહેરા પર, પણ મને ખાત્રી અને શ્રદ્ધા છે મને જરૂર
પડશે આવશો જ ને આવવું પડશે જ. અહીં પણ ઉત્તર ન આપી પુત્રની જેમ જ ઉત્તર ગળી જઈ માત્ર ને માત્ર વિપ્રદાસ હસે છે.
મા દીકરો ગાડીમાં બેસી જઈ નીકળી પડે છે, ગાડી ઉપડી જાય છે અંતે.
અંત આમ જોવા જાવ તો કરુણ પણ છે અને સુખાંત પણ છે.વંદના જેવી ભણેલગણેલ સ્ત્રીનું પાત્ર અંકિત કરી
,શરદબાબુએ એક અલગ જ શ્રદ્ધાપૂર્ણ સ્ત્રીનું આપણને દર્શન કરાવ્યું છે.આ કથાનાં દરેક પાત્રને વિચારી વિચારી
ને મઠાર્યા છે.વંદના રૂપી નારીનાં ભારતીય રૂપનો અતિ સુંદર પ્રગાઢ મહિમા ગાયો છે.મા નહિ હોવા છતાં પણ પારકાં છોકરાંની મા થઈને વિશાળ કુટુંબમાં જાણતા અજાણતાં પ્રવેશી સ્ત્રી વેરઝેર જેવા વિષને અમૃત બનાવી દે છે.તેવી સ્ત્રીનું સ્વમાન અહીં ચરિતાર્થ થાય છે.
આમ એક સ્થિતપ્રજ્ઞ પુરુષની કથા કહેવાયેલી
વિપ્રદાસ નવલકથા તેમની પહેલાંની કૃતિઓ કરતાં
આમાં વિચાર વિધાન અને સાહિત્યમાં વધું પ્રૌઢ દ્રષ્ટિમાન થઈ છે.
હું તો કહીશ કે પ્રભુની લીલા અદ્ભૂત છે. તેમાં સાર શોધવાનો પ્રયાસ મિથ્યા છે, પરંતુ આવા મૌન પ્રેમને સ્વીકારતો વિપ્રદાસ મારે માટે તેજોમય છે.
મિત્રો આ કથાનાં આસ્વાદમાં એટલું સમજાય છે કે સ્ત્રી પુરુષ એકબીજાનાં શ્રદ્ધાના પ્રતિક પૂરક છે ને તે લેખકે સુંદર રીતે આલેખી સુંદર નવલકથા આપણને અર્પી છે.
વધું એક નવલકથાનો પરિચય લઈ આસ્વાદ માંણવા આવતી શ્રેણીમાં મળીશું,મિત્રો.
અસ્તુ,
જયશ્રી પટેલ
૨૪/૪/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૯: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે લેખમાળામાં ચાર અઠવાડિયાના વિરામ માટે આપની ક્ષમા ચાહું છું. આજથી ફરી એકવાર આપણે રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન  કરીશું.  

કવિવર ટાગોરે રબીન્દ્રસંગીત દ્વારા  માનવીના મનમાં ઉદ્ભવતી પ્રત્યેક પ્રકારની લાગણીને વ્યક્ત કરેલ છે. આપણે આ લેખમાળાના અગાઉના લેખોમાં પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને રચાયેલી રચનાઓમાં છલકાતી સંવેદનાઓને માણી. પ્રત્યેક જીવ માટે પરમેશ્વર પછીનું જીવનચાલક બળ (driving force) હોય તો તે છે પ્રેમ or Love.  “Love is the strongest force in the universe”. કવિવર ટાગોરે પણ આ પ્રચંડ પ્રેમની નજાકતને અનેક નાજુક રચનાઓ દ્વારા રજુ કરેલ છે. આ બધી રચનાઓ પ્રેમ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. કવિવરની  પ્રેમ પારજોય માં વર્ગીકૃત રચનાઓ પરમેશ્વર પરત્વેના પ્રેમને પણ લાગુ પડે છે એટલેકે કવિવરે આ રચનાઓને પરમ પ્રિયતમને કેન્દ્રમાં રાખીને રચેલ છે . 

પ્રેમશબ્દ ભલે ટચુકડો પણ સાચા પ્રેમમાં રહેલું  ઊંડાણ માપવા અને તેનો ક્યાસ કાઢવા કદાચ જન્મોજનમ ઓછા પડે. અહીં પ્રેમની પરિભાષા  માત્ર વિજાતીય પ્રેમ સુધીજ સીમિત નથી. પ્રેમતો દરેક સંબધમાં મહોરી શકે, વિકસી શકેકવિવર પોતે એવું માનતા કે Love is the only reality and it is not a mere sentiment. It is the ultimate truth that lies at the heart of creation.”. અર્થાત પ્રેમ ફક્ત એક લાગણી નથી પણ એક નક્કર વાસ્તવિકતા છે. પરમ સત્ય ઉત્પત્તિના કેન્દ્ર સ્થાને છે. કવિવરને મન પ્રેમ એટલે અલૌકિક પ્રેમ. He envisioned love as platonic love and never believed in romantic love. અને કદાચ એટલેજ કવિવરની પ્રેમ પારજોયની રચનાઓમાં પ્રેમની અભિવ્યક્તિનું ઊંડાણ કંઈક સવિશેષ જોવા મળે છે.

આ અલૌકિક પ્રેમને વર્ણવતી  કવિવરની પ્રેમ  પારજોયની સૌથી વધુ પ્રખ્યાત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1888 માં રચાયેલીઆ રચનાનું શીર્ષકછે আমার পরান যাহা চায়(Aamaro parano jaaha chaay) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે”એક તું જ વસે મારા શ્વાસે શ્વાસે …”.આ રચનાનું સ્વરાંકન કવિવરે પીલુ રાગ પર કરેલું છે. આ રચનાને તીનતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં આ રચનાને સાંભળવી એ એક અનેરો લ્હાવો છે.મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

આમતો ખુબ સરળ લાગતી આ રચનામાં કવિવરે અલૌકિક પ્રેમનું એક અગત્યનું લક્ષણ છે તે રજુ કર્યું છે. “ Love does not claim possession but gives freedom.“. સાચો અલૌકિક પ્રેમ ક્યારેય પ્રિયજન પર આધિપત્ય જમાવે નહિ, એ તો પ્રિયજનને વિકસાવે, નિખારે અને વિસ્તારે. જયારે પ્રિયજનની ખુશીમાંજ આપણી ખુશી પણ ઓગળી જાય ત્યારેજ એ પ્રેમના રખોપા થાય. 

આ રચનાને હું સમજી ત્યારે મને એવું લાગ્યું કે કવિવરે કદાચ ગોપીભાવે આ રચના કરી હશે. ગોપીઓના  શ્યામ પ્રત્યેના  અલૌકિક પ્રેમથી આપણે સૌ પરિચિત છીએ. ગોકુલ/વૃંદાવનથી શ્યામ જ્યારે મથુરા જવા સિધાવ્યા ત્યારે કદાચ ગોપીઓના મનમાં પણ આ રચનામાં વહાવ્યા છે તેવા જ ભાવ ઉદ્ભવ્યા હશે. ગોપીઓએ શ્યામને પ્રેમના બંધનમાં બાંધી ને પણ મુક્ત રાખ્યા  

હમણાં મેં ઓશોનો પ્રેમ અંગેનો એક વિચાર વાંચ્યો તે પણ કવિવરની આ રચનાની સંવેદનાઓ સાથે બંધ બેસે તેવો છે. ઓશોએ  પ્રેમને એક નવા પરિમાણ થી નિહાળ્યો છે. ઓશો કહે કે અલૌકિક પ્રેમમાં નામ આપી શકાય એવા સંબંધો વિકસવાની શક્યતા નહિવત હોય છે. કારણ કે જ્યાં પ્રેમનું સંબંધમાં રૂપાંતર થવા લાગે ત્યાં ઈચ્છા અને અપેક્ષા ના ધાડા ઉમટી આવે અને એકબીજા પર આધિપત્ય જમાવવાની હરીફાઈ શરૂ થાય. અને અલૌકિક પ્રેમ નું  એક નામ માત્રના સંબંધમાં રૂપાંતર થઈ જાય. જોકે આજના યુગમાં તો આવા અલૌકિક પ્રેમનું અસ્તિત્વ લગભગ નહિવત જ હશે. 

એક પરમાત્મા જ આપણને સર્વોપરી સમગ્રતાથી અને સાશ્વતતાથી  પ્રેમ કરતા આવ્યા છે અને કરતા જ રહેશે. એ પરમાત્મા પ્રત્યે આભારભાવ અને આદરભાવ વ્યક્ત કરતા  કરતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,

અલ્પા શાહ 


ઓશો દર્શન -13. રીટા જાની

wp-1644023900666




કવિ ભગવતીકુમાર શર્મા કહે છે…

ધૂમ્ર ગોટો બન્યું જગત જાણે,
એક ચલમ- ફુંકની રમત જાણે!
આમ સદીઓનો બોજ લાગે છે,
આમ પળમાં વીત્યો વખત જાણે!

કાળની ગતિ અકળ છે. અકળમાંથી સકળને પામવાની સૂઝ આ જીવનમાં પ્રાપ્ત કરતાં સમય પળમાં વહી જતો હોય એમ લાગે છે. આ કપૂર કાયા ધૂમ્રસેર બની ઉડી જાય એ પહેલાં મનભરીને જીવી લઈએ, ક્ષણે ક્ષણને શક્ય એટલી પૂર્ણતાથી જીવી લઈએ અને જીવનના રહસ્યને પામી લઈએ. આપણને મનુષ્ય તરીકેનો જન્મ મળ્યો એ સૌથી મહાન ઘટના છે. દીવામાંથી દીવો પ્રગટે એમ જીવ તો પ્રગટ્યો પણ જન્મ્યા બાદ જીવન પ્રગટાવવાનું કામ આપણે કરવાનું છે. આ જીવનબોધ ‘ધમ્મપદ’ના માધ્યમથી ઓશોદર્શન દ્વારા પામવાનો આ ત્રીજો અને અંતિમ પડાવ છે.

જ્યારે આપણે સાક્ષીભાવમાં હોઈએ, ત્યારે મન ઓગળી જાય છે અને તમે ફક્ત શુદ્ધ તત્વ, એક શુદ્ધ અસ્તિત્વ રહો છો, એક શ્વાસ, હ્રદયમાં ધબકાર, ત્રણેય કાળથી પર અને ત્યારે બધા જ પ્રશ્નોનો લોપ થાય છે. જ્યારે એક નિરીક્ષક બનીને મનને ખીણોના અંધકારમાં છોડી દઈએ, ત્યારે સૂર્યપ્રકાશિત શિખરો ઉપર પહોંચી શકાય છે. મન ખૂબ જ છેતરામણું છે. એ તમને જ્ઞાનમાં પણ છેતરી શકે છે. તે નવા નવા ભ્રમ સર્જવામાં ખૂબ કાબેલ છે. માટે મનના મૂળને કાપી નાખીએ પછી પ્રશ્નોરૂપી પાન ફૂટતા નથી. શાંત થવું એટલે ઉત્તર હોવો. શાંત થવું એટલે પ્રશ્નો વિનાના હોવું. બુદ્ધ બધા પ્રશ્નોના તારણ પર પહોંચી ગયા છે એવું નથી. ખરેખર તો એમને કોઈ પ્રશ્ન જ નથી. માટે જ, એમનું આખું અસ્તિત્વ એક ઉત્તર બની ગયું છે. આ વાત અશક્ય જણાતી હોય પણ એ ક્ષણ શક્ય છે. તમે શાંત હો, તમારી અંદર કોઈ જ્ઞાન કોલાહલ ન કરતું હોય, તમારી દ્રષ્ટિ સ્વચ્છ હોય, અરીસા પર કોઈ ધૂળ ના હોય તો એ વાસ્તવિકતાનું પ્રતિબિંબ પાડે છે. સંપૂર્ણ મૌન, શાંતિ અને નિર્વિચાર એ ખરા મનની સ્થિતિ છે.

ઓશો ‘શિસ્ત’ શબ્દ સુંદર રીતે ચર્ચે છે. વ્યક્તિ હંમેશા એક શિસ્તબદ્ધ ઘટના છે. જે શિસ્તબદ્ધ નથી, તે વ્યક્તિ જ નથી, એ ફક્ત એક અંધાધૂંધી છે, એ ઘણા ટુકડાઓ છે – એક ભાગ દક્ષિણ તરફ જાય તો બીજો ઉત્તર તરફ જાય. સામાન્ય રીતે, લોકો આવા જ હોય છે. વ્યક્તિ એટલે એ કે જે સમગ્રતાથી કામ કરી શકે, એક ઐક્ય ધરાવતા એકમ તરીકે. આ વાત ફક્ત સજાગ શિસ્તથી જ શક્ય બને. માટે બુદ્ધ વારંવાર કહે છે કે સતત પરિશ્રમ, વિકસવાનો એક જાગૃત ઇરાદાપૂર્વક પ્રયત્ન અને સંપૂર્ણ પ્રયત્ન જરૂરી છે, ભલે એ દુઃખદાયી પણ હોય. જો તમે ખરેખર વિકાસ કરવા માંગતા હોય તો એ આનંદદાયક છે. શિસ્ત તરફ ભરેલું એકે એક પગલું વધુ ને વધુ આનંદ આપે છે, કારણ એ તમને વધુ ને વધુ આત્મા આપે છે, અસ્તિત્વ આપે છે. શિસ્તનો અર્થ છે શીખવાની તૈયારી, ખુલ્લાપણું અને તત્પરતા. શિસ્ત એટલે તમારા પર ઠોકી બેસાડાયેલું કશું નહીં. એ તમારી પસંદગી છે, વ્યક્તિપણું સર્જવાનો રસ્તો છે. વ્યક્તિ બનવા કડક શિસ્તની જરૂર છે, જે કઠોર પરિશ્રમ, જાગૃતિ અને ધ્યાનના વર્ષો પછી જ આવે છે.

ઓશો કહે છે લોકો શાસ્ત્રો વાંચે છે અને એને સમજવા પ્રયત્ન કરે છે. તેઓ ખૂબ જ્ઞાની અને કાર્યક્ષમ પણ બની જાય છે. એનો પુનરોચ્ચાર કરવામાં ત્યાં જ તેની પૂર્ણાહુતિ કરે છે. તેઓ પોપટ જ રહે છે. શાસ્ત્રોને તો જ સમજી શકાય જો પહેલા આપણે તેનો અમલ કરીએ. નહી તો એ તમારા મનની સ્થિતિનું પ્રતિબિંબ પાડશે, જેણે આ શબ્દો કહ્યા હશે એના મનની સ્થિતિનું નહીં. પ્રાર્થના પણ કહેવાની નહીં, અનુભવવાની વસ્તુ છે. પ્રાર્થના વાંચવાની નહીં પણ જીવવાની વસ્તુ છે. જો તમે પ્રાર્થનાને તમારા હૃદયનો ભાગ બનાવશો, તમે એને શ્વસશો, એને જીવશો, તો તમારી નજીક જે કોઈ આવશે તેને પણ એની ઝલક મળશે, તે દરેકના માર્ગમાં થોડો પ્રકાશ રેલાશે. તમે પ્રેમ વિશે વિચારી શકો, કલ્પનાનાં ઘોડા દોડાવી શકો, પણ તમારું મૂળભૂત અસ્તિત્વ પ્રેમ બનવું જોઈએ.

ધર્મની વાત કરતાં ઓશો કહે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિ અંતિમ સત્યનો સાક્ષી પોતે નહી બની જાય, ત્યાં સુધી એ એવું જ વિચાર્યા કરશે કે બુદ્ધ એક વાત કહે છે અને ઈશુ કંઈક જુદું કહે છે; કે બૌદ્ધ ધર્મ હિંદુ ધર્મ કરતા જુદો છે, હિન્દુ ધર્મ જૈન ધર્મની વિરુદ્ધ છે કે જૈન ધર્મ ઇસ્લામની વિરુદ્ધ છે. તમે પોતે સાક્ષી નહીં બનો ત્યાં સુધી તમે આ ત્રણસો ધર્મોમાં માન્યા કરશો અને આ ધર્મો વચ્ચે સતત ચાલતા સંઘર્ષ, ઝગડા, વિરોધનો ભાગ બની રહેશો. પરંતુ જે દિવસે તમે તમારા અસ્તિત્વના સત્યને જાણશો તે દિવસે આ ત્રણસો એ ત્રણસો ધર્મો વરાળ બનીને ઉડી જશે, અદ્રશ્ય થઈ જશે. અર્થઘટન હંમેશા તમારું જ રહેશે. તમે બુદ્ધને વાંચો, ઈશુને વાંચો કે મહાવીરને વાંચો, જ્યાં સુધી એ તમારો ખુદનો અનુભવ ન બને, જ્યાં સુધી તમે શાસ્ત્રોના સાક્ષી ન બનો, ત્યાં સુધી એ તમને મુક્ત ન કરી શકે, એ માત્ર સુંદર નિરર્થક કથન જ રહેશે. એવી એક પણ જગ્યા નથી જ્યાં ઈશ્વર નથી. આપણે હંમેશા એનામાં છીએ અને એ હંમેશા આપણામાં છે. પણ એના માટે જાગૃતિની જરૂર છે.

માનવીને પસંદગીની સ્વતંત્રતા છે. એ ઉપર ઉઠવાનું કે નીચે પડવાનું પસંદ કરી શકે છે, અંધકારનો કે પ્રકાશનો રસ્તો પસંદ કરી શકે છે. જીવન ત્રિપરિમાણીય છે. જો માણસે આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા રહેવું હોય તો આપણે આ ત્રણ પરિમાણ વચ્ચે મેળ બેસાડવો પડશે, તેનું સંયોજન કરવો પડશે. એક પાસે વિજ્ઞાનને જોઈએ તેવું તર્કબદ્ધ મન છે, બીજો સૌંદર્યશાસ્ત્રને જોઈએ તેવો કાવ્યમય છે અને ત્રીજો બુદ્ધોના કહ્યા પ્રમાણે ધ્યાનસ્થ અને જાગૃત છે. આ ત્રણેયનું સંયોજન ધરાવતો ચોથો માણસ વિશ્વની આશા છે.


ધ્યાન એ યાંત્રિકતા દૂર કરવાની પદ્ધતિ છે. જાગૃતિનો પ્રકાશ વસ્તુઓને કિંમતી અને અસાધારણ બનાવે છે. ઈચ્છા એટલે ભવિષ્યમાં હોવું. ભવિષ્યમાં જીવવું એટલે ખોટું જીવવું, બનાવટી જીવવું. ધ્યાન તમને વર્તમાનમાં લાવે છે. બારી ખૂલે છે અને પહેલી જ વખત આકાશ જેવું છે એવું તમે એને જુઓ છો. તમે જીવનને સ્પર્શ કરવા લાગો છો. પછી જીવન એક શબ્દ નથી રહેતો પણ વાસ્તવિકતા બની જાય છે. ધ્યાન તમને મનને પેલે પાર લઈ જઈ શકે છે. ધ્યાન એ ન માંગવાની, ન પૂછવાની, ન વિચારવાની સ્થિતિ છે. બુદ્ધ ધ્યાન માટે ‘સમ્માસતિ’ શબ્દનો ઉપયોગ કરે છે. એ ચેતના છે; પરંતુ એમાં કોઈ વિચાર, કોઈ ઈચ્છા રહેતી નથી, કોઈ પ્રયત્ન તમે કરતા નથી, કોઈ વિશેષ પદાર્થ પર ધ્યાન પણ કેન્દ્રિત કરતા નથી, કોઈ મંત્ર જાપ કરતા નથી. મન સાવ ખાલી છે. એ છે પોતાનામાં સંપૂર્ણપણે હળવાશ અનુભવતી એક શુદ્ધ ઉપસ્થિતિ, જેને ક્યાંય જવું નથી. એ જ પરમ સુખ છે – મન પર વિજય, સમય પર વિજય, અહંકારને પેલે પાર.

ધમ્મપદમાં બે વિધાનોનો એકથી વધુ વાર ઉલ્લેખ છે. એક છે- ‘એસ્સ ધમ્મો સનાતન’. જીવનનો અંતિમ નિયમ છે કે તમે અદ્રશ્ય થઈ જાઓ અને તમે તમારી જાતની શોધી શકશો. બીજું વિધાન છે- ‘એસ્સ ધમ્મો વિશુદ્ધા’. નિર્દોષ, શુદ્ધ બનવાનો આ નિયમ છે. જીવનનું ધ્યેય સ્વતંત્રતા છે. અહીં રાજકીય, સામાજિક કે આર્થિક સ્વાતંત્ર્યની વાત નથી. સ્વતંત્રતા એટલે સમયથી મુક્તિ, મનથી મુક્તિ, ઇચ્છાથી મુક્તિ – જ્યારે તમે બ્રહ્માંડ સાથે એકાકાર થઈ બ્રહ્માંડ જેટલા જ વિશાળ થઈ જાવ છો. જ્યારે તમે તાણયુક્ત હો ત્યારે નરક છે અને જ્યારે તમે એકદમ હળવા હો ત્યારે સ્વર્ગ છે. તમે આ ક્ષણને નરક કે સ્વર્ગ બનાવી શકો છો. ધ્યાન એ અગ્નિ છે, જે તમારા વિચારોને, તમારી ઇચ્છાઓને, તમારી યાદોને, ભૂતકાળ અને ભવિષ્યને પણ બાળી નાખે છે, તમારા મનના અહંકારને બાળી નાખે છે, જે તમે છો એવું તમે માનો છો એ બધું જ લઈ લે છે. તમે પુનર્જન્મ પામો છો, તમારી ઓળખ સાવ ભૂલીને એક નવી જીવનદૃષ્ટિ મેળવો છો. એ જીવનદ્રષ્ટિ જ ઈશ્વર, ધમ્મ, તાઓ છે. એ મુક્તિ છે, મોક્ષ છે, નિર્વાણ છે.

રીટા જાની
22/02/2022

Vicharyatra : 13 Maulik Nagar “Vichar”

મોટામાં મોટો ખાડો એટલે દેખાડો

આ જમાનામાં “દેખાડો” અનેક રોગોમાંનો એક નવો રોગ છે. એને માપવાનું કોઈ થર્મોમીટર નથી. પરંતુ જો એ ઝંઝાળમાં કોઈ પડે તો બહુ લાંબે સુધી ઉતરી જાય.
દેખાડો તો જાણે કે એક વ્યસન છે. વર્તનથી ફેલાતો એક માનસિક રોગ. દેખાડો કરનાર માણસ પોતે જ પોતાના માટે ઉપદ્રવી હોય છે. પહેલાંના જમાનામાં આ રોગનું ઉદ્ભવ સ્થાન માત્ર પરિવાર કે પાડોશ જ હતું પરંતુ હવે તો સોશ્યલ મીડિયાના કારણે આનો ફેલાવો ઠેર ઠેર પહોંચી ગયો છે.

દેખાડો અને દેખાદેખી એ મામા ફોઈના દીકરા દીકરી જેવાં છે. દેખાડો કરનાર અને આતંકવાદી વચ્ચે લગભગ કોઈ તફાવત નથી. જે વ્યક્તિ દેખાડો કરે છે એને ખબર નથી કે એના સંસાધનો કે પ્રતિષ્ઠાની એ એટલી બધી ગોળીબારી કરે છે કે તેનાથી અનેક લોકોના ઘમંડ ઘવાઈ જાય છે. સાચી વાત તો એ છે કે જે દેખાડો કરતો હોય તે અંદરથી તો ખોખલો જ હોય છે. એટલે જ કહે છે ને કે “દુકાનમાં માલ નહીં અને ડેકોરેશનનો પાર નહીં”. ખરેખર તો જેની પાસે દેખાડવા લાયક છે તેને એની પાસે તે હોવાનું ભાન જ નથી માટે જ તે આટલો તટસ્થ રહી શકે છે. એટલે થોડુંક ઘણું અજ્ઞાની હોવું પણ આ જમાનામાં આશીર્વાદરૂપ છે.

આપણે દેખાડો નથી કરતા તેમ કહેવું પણ એક જાતનો દેખાડો જ છે. પૈસા ટકાનો દેખાડો તો હવે ઓલ્ડ ફૅશન થઇ ગઈ કહેવાય. હવે તો માણસ ઑર્ગનિક અને હમ્બલ બનવાનો દેખાડો કરે છે. થોડાં દિવસ પહેલાં જ એક બહેનની ફેસબુક પર પોસ્ટ જોઈ હતી. તેમાં તેમણે લખ્યું હતું કે ‘વધુ પડતો વપરાશ અને સમયનો બગાડ થતો હોવાથી આજથી હું ફેસબુક વાપરવાનું બંધ કરું છું.'(આ વાક્ય તેમણે અંગ્રેજીમાં લખ્યું હતું.) થવાનું શું હતું! ઉપરાછાપરી મેસેજ અને સેડ ઈમોજી ચાલુ થઇ ગયા. ‘વી વીલ મિસ યુ બેના…’, ‘એની ટાઈમ કમ બૅક માય ડિયર’, ‘થેન્ક્સ ફૉર યોર પ્રેઝન્સ’ વિગેરે વિગેરે..વધુમાં કોઈક હાર્ડકોર સોશ્યલ માણસ હતો તેણે તો એવું પણ લખી નાખ્યું કે ‘રેસ્ટ ઈન પીસ’. અને એ જ પોસ્ટમાં એ બહેન લોકોને સાત-આઠ દિવસ સુધી ‘થેન્ક યુ’, ‘મી ટુ..’ વિગેરે કરતા રહ્યાં.
દેખાડો તો મૂર્ખ માણસની અને નબળા વ્યક્તિત્વની નિશાની છે.

સાચે, આપણે દેખાડો ઘણો કરવો છે પણ અંતે આપણને જ ખબર નથી હોતી કે આપણે આવા છીએ કે નહીં.

-મૌલિક “વિચાર”