પ્રેમ એક પરમ તત્વ- 14-હેલ્ધી હાર્ટ- સપના વિજાપુરા

પ્રેમનું ઉદ્ભવસ્થાન દિલ હોય છે. આ દિલના અનેક નામ છે. દિલ, હ્ર્દય, અંતઃકરણ, મન, કાળજું વગેરે. શાયરો એ અને કવિઓ દિલને અનેક નામથી ઓળખ્યું છે. હવે સવાલ એ છે કે ખરેખર પ્રેમનું ઉદ્ભવસ્થાન દિલ હોય છે? કે દિમાગ? આપણે આપણી જાતને આ સવાલ પૂછીએ તો આપણને શું જવાબ મળે છે ? દિલ!
પણ મારી એક મિત્ર જે સાયન્સ માં પી એચ ડી કરેલું છે એ કહે છે કે દિલનું કામ ફકત લોહીને ધમવાનું છે બીજું કાંઇ કામ દિલનું નથી!! હવે સવાલ એ આવે છે કે તો આ લાગણી, આ પ્રેમ, આ કરુણા, આ દયા, આ અનુકંપા, આ ગુસ્સો આ નફરત, આ બધું ક્યાંથી ઉદ્દભવે છે. દિલ પછી બીજું નામ દિમાગનું આવે છે. તો શું આ બધાંનું ઉદ્ભવ સ્થાન દિમાગ છે!! પણ દિમાગ એટલે તો બ્રેઈન. મગ. તો શું આપણે વિચારી વિચારીને બધી લાગણીઓ દર્શાવી એ છીએ.અને એનો અર્થ એ પણ થયો કે દિમાગ આપણને કંટ્રોલ કરે છે.
તો એમ માની લેવું કે હા આ બધી લાગણીઓ દિલથી નથી નીકળતી પણ દિમાગની કરામત છે. તો “દિલમે છૂપાકે પ્યારકા તુફાન લે ચલે, હમ આ અપની મૌતકા સામાન લે ચલે” કે પછી દિલ હી તો હૈ ના સંગોખેસ્ત દર્દસે ભર ના આયે ક્યું, રોયેંગે હમ હઝાર બાર કોઈ હમે સતાયે ક્યું?” કે “યેહ દિલ ઔર ઉનકી નિગાહોકે સાયે!!” આ બધી ગઝલ લખવા વાળા શું દિમાગ ને  દિલ સમજતા હશે?
દિમાગ બધી વાત સમજી વિચારીને કરે. દિમાગ પાસે અક્કલ છે જેથી જે વાત માં એનું નુકસાન હોય કે જે રસ્તે જવાથી તકલીફ પડવાની હોય તે રસ્તે જતું નથી!! પણ દિલ પાસે આંખો નથી. બધાં કામ સમજ્યા વિચાર્યા વગરનાં કરે એ. જે કામ કરવાની દિમાગ ના પાડે છે એ કામ દિલ કરવા માગે છે. દિલ અને દિમાગમાં પહેલા લોકો દિલની સાંભળે છે અને જ્યારે દિલ જ્યારે ધોખો ખાય છે ત્યારે દિમાગ ની સાંભળે છે.ઇંગ્લિશ માં  એક સરસ કહેવત છે કે “Follow your heart but take yourbrain with you” ગુજરાતી માં કહે છે કે જે દિલથી કામ લે તે ઈમાનદાર, જે દિમાગ થી  કામ લે તે બેઇમાન અને જે બન્ને થી કામ લે તે સમજદાર!!
સાયન્સમાં  પ્રગતિ કરનાર માણસ કદાચ આ ક્યારેય નહી જાણી શકે કે પ્રેમ દિલથી થાય છે કે દિમાગ થી પણ કવિ લોકો તો સારી રીતે જાણે છે કે પ્રેમ દિલથી થાય છે. દિમાગ થી તો મતલબ ના કામ થાય છે. દિલ જે સાચું બોલે છે. દિલ અને દિમાગ ની જંગ માં દિલની વાત સાંભળો કારણકે  દિલ સાચી સલાહ આપે છે. દિમાગ દરેક વાત અક્કલનો ઢોળ ચડાવે છે. પરમ પ્રેમ પામવા માટે જે દિલ કહે એ મંજૂર રાખો. બન્ને વાતોમાં વિરોધાભાસ દેખાય છે  એક બાજું દિલ ધોખો ખાય એવું લાગે છે અને બીજી બાજું દિલની વાત મંજૂર રાખવાની વાત છે. દિલની વાત માનવાથી ધોખો ખાઓ તો પણ દિલની વાત એ આત્માની વાત છે અને આત્મા એ પરમાત્માનો અંશ છે. અને આત્મા તમને દગો નહી દે હા તમારા દિલને આત્માને લોકો ઠેસ પહોંચાડી શકે છે પણ તમે ખોટું નથી કર્યુ એનો સંતોષ રહેશે. હાર્ટ ડે હોવાથી હેલ્ધી હાર્ટ માટે સાત્વિક ખોરાક  ખાઓ, હમેશા ખુશ રહો.જે દિલમાં પ્રેમ વસે છે એને તંદુરસ્ત રાખો.
ગુસ્સો અને નિરાશાની સામે લડવા માટે ઉત્સાહ પ્રેરણા અને ખુશી જોઈએ. એ માટે સૌથી આસાન ઈલા છે લખવાથી પ્રેમ કરો એ સૌથી મોટી થેરાપી છે. તમારું દિલ તમારું છે એને દુખી કરવાનો અધિકાર કોઈને ના આપો. દુનિયા તો તમને ગુસ્સે કરવા તમને અશાંત કરવા તમને ચિંતિત કરવા તત્પર  છે પણ એ અધિકાર કોઇને ના આપો ખુશ રહો પ્રેમમગ્ન રહો!! હેલ્ધી હાર્ટ ડે!!!
સપના વિજાપુરા

દ્રષ્ટીકોણ 11 – વિશ્વ હૃદય દિવસ – દર્શના

નમસ્તે મિત્રો. હું દર્શના વારિયા નાડકર્ણી તમને બેઠક માં આવકારું છું. અહીં આપણે જુદા દ્રષ્ટિકોણ થી અને વિવિધ વિષયો ઉપર વાત કરીએ છે. આજે વિશ્વ હૃદય દિવસ નિમિતે હૃદય ઉપર થોડી વાત કરીએ. વિશ્વ હૃદય દિવસ શાને કાજે ઉજવાય છે અને આ દિવસ ના નિમિતે તેઓ કેવી ભલામણ કરે છે?
વિશ્વમાં Cardiovascular disease (CVD) એટલે કે હૃદય ના રોગો મૃત્યુ અને વિકલાંગતા માટેના અગ્રણી કારણો છે. CVD માં હૃદય ને લગતા રોગ, મગજ ની રક્તવાહિની ને લગતા રોગ અને સામાન્ય રક્તવાહિની ના બધાજ રોગ નો સમાવેશ થાય છે. આમાં સૌથી વધુ પ્રચલિત છે  coronary heart disease જેમ કે heart attack અને cerebrovascular disease જેમકે strokeઆપણું હૃદય આપણી મુઠ્ઠી જેવડું હોય છે પણ શરીર માં સૌથી મજબૂત સ્નાયુ છે. આરોગ્ય હૃદય, ગર્ભ ધારણ થતા સૌથી પહેલે એટલે કે ત્રણ અઠવાડિયા માં ધબકવાનું શરુ કરે છે અને પછી થોભ્યા વગર આખી જિંદગી ધબકતા રહેવાનું કામ નિયમિત રૂપે કરે છે.  સતત ધૂમ્રપાન, બિનઆરોગ્યપ્રદ આહાર અને નિરંતર સ્ટ્રેસ ના કારણે હૃદય ઉપર નો ભાર વધી જાય છે અને તેવી સ્થિતિ માં હૃદય નબળું થતું જાય છે. કોઈક વાર આનુવંશિક કારણોને લઈને પણ હૃદય રોગ થાય છે. જયારે હૃદય નબળું પડે છે ત્યારે તેની અસર શરીરમાં ઘણી જગ્યાએ વર્તાઈ શકે છે તે બધાને  Cardiovascular disease (CVD) માં આવરી લેવામાં આવે છે.
Global Atlas on cardiovascular disease prevention and stroke ના સંશોધન ને આધારે 17.5 મિલિયન મ્રત્યુ દર વર્ષે હૃદય રોગ ને કારણે દુનિયા માં થાય છે. તેમાંથી 7.3 મિલિયન હાર્ટ એટેક ને કારણે થાય છે 6.2 મિલિયન મ્રત્યુ સ્ટ્રોક ને કારણે થાય છે. આજે વિશ્વ હૃદય દિવસ નિમિતે વિશ્વ હૃદય મહામંડળ લોકોમાં હૃદય વિશેની જાગૃતિ ફેલાવતી જાહેરાત દ્વારા વિનંતી કરે છે કે બને તેટલો આરોગિક ખોરાક નો આહાર કરવો, ધૂમ્રપાન કરવું નહિ, નિયમિત રીતે ભૌતિક પ્રવૃત્તિ ની આદત પાડવી, બ્લડ પ્રેસર ને કાબુમાં રાખવું અને રોજિંદી જિંદગીના નાના મોટા અવરોધો માં વગર મફતની સતત ચિંતા અને સ્ટ્રેસ નહિ કરવો।
Image result for heart attack grillછતાં પણ કોઈને હૃદય ની આરોગ્યતા માં રસ ન હોય તેને માટે બીજો રસ્તો પણ અમેરિકા જેવા દેશમાં મળી શકે છે. લાસ વેગાસ માં Heart Attack Grill નામની રેસ્ટોરેન્ટ છે જેણે તેના ગ્રાહકોને મ્રત્યુ પાસે લાવવામાં દુનિયામાં નામ કમાઈ લીધું છે અને થોડા ગ્રાહકો ત્યાં જમીને તુરંત મોત ને ઘાટ ઉતરી ગયા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. ત્યાં દાખલ થતા જ પહેલા તો તમારે હોસ્પિટલ માં દાખલ થતા કરવું પડે તેવું ડિસકલાઈમેર સાઈન કરવું પડે કે કઈ પણ થાય તો તમે રેસ્ટોરેન્ટ ને જવાદાર નહિ ગણો. ત્યાં રસોઈ કરનાર મુખ્ય શેફ ડોક્ટર ના કપડામાં અને થોડા વેઈટર ડોક્ટર તરીકે અને થોડા નર્સ તરીકે કપડાં ધારણ કરેલા જોવા મળે. તમારે ડિસક્લેમર સાઈન કર્યા પછી તમારા કપડાં ઉપર, હોસ્પિટલ માં પહેરો તેવા ગાઉન પહેરવા પડે. તે પછી તમે મેનુ માંગો અને તેમાં તમને બર્ગર ના ઓર્ડર માં કેટલી કેલરી હોય તે જાણવા મળે. તમને 10,000 થી લઈને 20,000 કેલરી વાળા બર્ગર મળે. ઉપર થી વાઈન ઓર્ડર કરો તો હોસ્પિટલ માં લોહી ચડાવવામાં આવતી IV બેગ સાથે મળે. અને તમે બધુજ ખાવાનું ખતમ ન કરો અને કંઈપણ એઠું છોડો તો તમને વેઇટ્રેસ પાસેથી સ્પેન્કીન્ગ એટલે કે માર ખાવો પડે. એવા પણ કિસ્સા ત્યાં બન્યા છે કે કોઈ ગ્રાહક આટલી અતિશય કેલરી ખાય અને ત્યાંથી જમીને નીકળે અને બહાર નીકળતાંજ રસ્તા ઉપર ઢળી પડે. હા અને એક ઔર વાત. જો તમારું વજન 300 પાઉન્ડ થી ઉપર હોય તો ત્યાં તમને નિઃશુલ્ક ખાવાનું મળે.  ના ના, આ વાત મેં બનાવી કાઢેલ નથી. આ સત્ય હકીકત છે. તમે ગુગલ માં જોઈ શકો છો. તે રેસ્ટોરેન્ટ ના મલિક પોતે ક્યે છે કે મૃત્યુ અમારે માટે વ્યાપાર છે.
પણ જો હૃદય રોગ થી દૂર રહેવું હોય તો બીજી વાર એલીવેટર ગોતવાની બદલે મારી જોડે પગથિયાં ચડીને ઉપર પહોંચવાની તૈયારી રાખશો.

૪૯ – શબ્દના સથવારે – આંસુ – કલ્પના રઘુ

આંસુ

આંસુ એટલે અશ્રુ, નેત્રજળ, નેત્રાંબુ, રોદન, અસ્ત્ર, અસ્ત્રુ, ઝળઝળિયાં. અંગ્રેજીમાં ‘tear of grief or joy’ કહે છે. જે ખાડામાં ડોળો રહે છે તે જ ખાડામાં ઉપરની બાજુ બહારનાં ખૂણામાં બદામ જેવડી અશ્રુપેશી રહેલી હોય છે જેમાંથી આંસુ પેદા થાય છે. આ રસને લીધે આંખની સપાટી હંમેશા ભીની રહે છે. પોપચાની ઉઘાડ-બીડને લીધે વધારાનું પાણી અંદરનાં ખૂણા તરફ વહી, નળીઓ અને અશ્રુનળી વાટે નાકમાં ઉતરી ત્યાં પવનની આવજાને લીધે વરાળ થઇ ઉડી જાય છે.

આંસુ ૩ પ્રકારનાં હોય છે. બેસલ ટીયર્સ, આંખને ભીની રાખે છે. ધૂળ કે બેક્ટેરીયા ઇન્ફેક્શનથી આંખોનું રક્ષણ કરે છે. રીફ્લેક્ષ ટીયર્સ એટલે આંખમાં કણાં કે કસ્તર જેવી બહારની કોઇ વસ્તુ પડે કે ડુંગળીનાં વેપર્સ કે અન્ય કોઇ ગંધ કે ગેસથી થતાં ઇરીટેશનથી આવતાં આંસુ, જેનાથી આંખ સ્વચ્છ બને છે અને આંખનું રક્ષણ થાય છે. સાઇકીક ટીયર્સ, હર્ષ, દુઃખ કે દિલગીરીની લાગણીને કારણે પેદા થાય છે.

કોઇપણ નાતજાત કે રંગની વ્યક્તિને આંસુની ભાષા શીખવવી પડતી નથી, બાળક હોય કે વૃધ્ધ. આ ઇશ્વરની દેન છે. આંખ અને આંસુનો જન્મથી નાતો હોય છે. ક્યારેક મૂંગા પ્રાણી-પક્ષીની આંખમાં પણ આંસુ જોવાં મળે છે. જીવન દરમ્યાન સમય, સંજોગો, પરિસ્થિતિ પ્રમાણે આંસુનાં નામ, રૂપ, ગુણ બદલાય છે.

સતિદહન બાદ શબને હાથમાં લઇ આઘાત સાથે તાંડવ કરતાં શિવ, સીતાહરણ બાદ રામની મનોદશા, કૃષ્ણ વિયોગે રાધાજી, કાનાની પ્રતિક્ષામાં અંતિમ શ્વાસ સુધી મા યશોદાની મનોદશા, મીરાંની તડપ, શહીદોનાં પરિવારની દશા, પરદેશ ગયેલાં સંતાનનાં મા-બાપની દશા, દીકરીવિદાય, અંતિમવિદાય, આ તમામ પ્રકારની જૂદાઇનાં અંતે વિરહ સાથે માત્ર આંસુ હોય છે.

આંસુ પાંપણનાં બંધ કમાડમાં સચવાય છે. એ ક્યાં કોઇની પ્રતીક્ષા કરે છે? આખરે એ પણ એનો રસ્તો કરી લે છે. પાંપણનાં કમાડ ભીડાય કે ઉઘડે, આંખની નાનકડી દાબડીમાંથી કિંમતી આંસુ સરી પડે છે, છલકાઇ જાય છે, ઝુમ્મર બની લટકે છે, તોરણ બનીને ઝૂલે છે. ક્યારેક મોતી જેવડાં તો ક્યારેક બોર જેવડાં આંહુડા ક્યારેક આંખ્યું કરતાં પણ મસ મોટાં હોય છે. આંસુનું ટીપું, ઝરણું કે ધોધ હોય છે. તે ખારાં હોય છે, ગરમ અને શિતળ પણ હોય છે, ક્યારેક ચોધાર તો ક્યારેક મગરમચ્છનાં હોય છે. આંસુ જીવનની વસંતનાં પણ હોય અને પાનખરનાં પણ. ક્યારેક હાથથી તો ક્યારેક રૂમાલ, ખભો કે પાલવથી લૂંછાય. જ્યારે બૂઢી આંખોનાં ઝળઝળિયાં લૂંછનાર કોઇ ના હોય ત્યારે બૂઢાપાનાં બેબસ હાલમાં આંસુ સૂકાઇ જતાં હોય છે ત્યારે આંસુ ખૂદ રડે છે તેની નિષ્ફળતા પર! અને ત્યારે થાય છે! ‘હરિનાં લોચનીયાં ભીનાં …’ જીવનમાં એવો કોઇ હમસફર કે સાથી જોઇએ કે જે આંસુ વિનાનું રુદન સમજી શકે. દુખિયારાનાં આંસુ લૂછવાં એ મોટી સેવા છે. કુદરતી હોનારત વખતે લોકોની આંખોમાં અનુકંપાનાં આંસુ પણ જોવા મળે છે.

જીવન દરમ્યાન જેણે સારાં કર્મો કર્યા હોય તેનાં અંતિમ સંસ્કાર વખતે લોકો અશ્રુભીની વિદાય આપતા હોય છે. આમ લોકો અશ્રુતર્પણ કરે છે. એક ગઝલમાં ‘બેફામ’ કહે છે, ‘મળ્યું જેને મરણ એ ભાગ્યશાળી થઇ ગયા બેફામ, જે વંચિત રહી ગયાં એ આંખમાંથી અશ્રુ સારે છે’. બેસણાં વખતે ખોટાં આંસુ સારનાર ભાડે મળે છે. ઇરાનમાં મરણ પ્રસંગે રડવા આવતા સગા-સંબંધીઓને તેમનાં આંસુ ઝીલી લેવા માટે વાદળી આપવામાં આવે છે. પછી તે વાદળી નીચોવીને આંસુ સંઘરી રાખવામાં આવે છે. આ રીતે એકઠાં કરેલ આંસુ, દવા તરીકે વપરાય છે. આમ આંસુઓ વેચવાનો ધંધો પણ ચાલે છે.

ભીની નજર હોય અને આંસુ ના હોય, કેમ બને? અશ્રુ પર અનેક શાયરી લખાઇ છે. આંસુ આંખોની ભાષા છે, મનની પરિભાષા છે, સંવેદનાની સરવાણી છે. મૌનની અભિવ્યક્તિ છે, બાળક અને સ્ત્રીનું શસ્ત્ર છે, પ્રભુભક્તિની પરાકાષ્ઠા છે. મોરારિબાપુ કહે છે, ‘માયારૂપી નર્તકી પાસે ઇશારા હોય, ભક્તિનાં નર્તનમાં આંસુ હોય છે’. આંસુ એ પશ્ચાતાપનું ટીપું છે જે સાબુનું કામ કરે છે. જેનાંથી હ્રદયની બધીજ મલિનતા ધોવાઇ જાય છે અને મન શુધ્ધતા તરફ પ્રયાણ કરે છે.

ચાર્લી ચેપ્લીન કહેતો, ‘મને વરસાદમાં ચાલવું ગમે જેથી કોઇ મને રડતો ના જોઇ શકે’. બાકી આખું ભીતર, અંતર વલોવાય, ભીતરમાં વલોણું વલોવાય તોજ આંસુ પાંપણ સુધી આવે. પાંપણે આંસુનાં તોરણ બંધાતા કવિ બેફામે કહ્યું છે,

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં,

પાછા નયનનાં નૂર ને વાળી શક્યો નહીં,

આંસુનું સાક્ષી હોય છે, ઓશીકું અને એકલતા. વિરહ પછીની મિલનની ક્ષણો આંસુનો સૈલાબ લાવે છે. આંસુને રોકતાં કે ગળી પીતાં આવડવું તે પણ એક કળા છે.

પૃથ્વી પરથી પાણી અદ્રશ્ય થશે તેવી સંભાવના છે પરંતુ માનવની આંખનાં આંસુ ક્યારેય અદ્રશ્ય નહીં થાય, માત્ર આંસુ સ્વરૂપે પાણીની હયાતી અવશ્ય રહેશે.

જિગીષાબેન પટેલ -વ્યક્તિ પરિચય- વિષય પરિચય ​

આજે નવો વિભાગ શરુ  કરીએ છીએ ..વિભાગનું નામ છે “સંવેદનાના પડઘા”  જે દર બુધવારે  આપના સૌના માનીતા લેખિકા “જિગીષા પટેલ”  લખશે.આવો પરિચય કરાવું. 
જિગીષાબેન પટેલ 
ઋણાનુબંધ કહો કે  લેણદેણનો સંબંધ જિગીષાબેનની  રાજુલબેને ઓળખાણ કરાવી, અને બસ મિત્ર થકી  નવી મિત્ર મળી.એટલું જ નહિ મારા ઉદ્દેશને પુર્ણ કરવાં એક સાથ મળ્યો,મેં કહ્યું “ચાલો સાથે મળીને ભાષાને ગતિમય રાખશું” એક નિર્દોષ સ્મિત સાથે જિગીષાબેન બોલ્યા “હા, અમે તમારી સાથે છીએ”.
જિગીષાબેનનો  જન્મ ગાંધીવિચાર શરણી ધરાવતા પરિવારમાં અમદાવાદમાં થયેલો. બાળપણથી જ મોટા ગજાના સાહિત્યકારો ,સમાજસુધારકો અને ધર્મધુરંધરેાના સતત સંપર્ક અને સત્સંગને કારણે સાહિત્ય ,આધ્યાત્મ અને સમાજસુધારણામાં ઊંડો રસ ધરાવતા થયા  સેન્ટ ઝવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા. ફેશન, ફૂડ અને ફિલ્મ દરેક ક્રિએટીવ વસ્તુ એમને ખૂબ ગમે છે.અમદાવાદમાં પચ્ચીસ વર્ષ સુધી Nikki’s નામથી બુટિક ચલાવ્યું છે.બાળકો અમેરિકામાં સ્થાયી થયા હોવાથી છેલ્લા દસ વર્ષથી અમેરિકામાં બે એરિયામાં રહે છે પણ ગુજરાત અને ગુજરાતી ભાષા તેમના વહે છે . બેઠકના નિયમિત સભ્ય બન્યા બધાની સાથે લખવાની પ્રવૃત્તિ શરુ કરી મારુ કામ માત્ર એને પ્રોત્સાહન આપવાનું બન્યું ,વિચાર તો હતા સાહિત્ય વાંચ્યું હતું એટલે કલમ ચાલવા માંડી, સ્વભાવે સરળ એવા જિગીષાબેનની ભાષા તો સરળ છે,સાથે એની મૌલિકતા એનું બળ છે અને સંવેદના પણ તમારા મારા આપણા જેવી જ છે.જિંદગીમાં જે જોયું અનુભવ્યું અને સ્પર્શી ગયું બસ તે કલમમાં ઉતારી મુકવા મંડ્યા રાજુલબેને  સાથ આપ્યો,અને કલમે નિજાનંદ સર્જ્યો ,કોઈએ કહ્યું છે ને કે સુખની સંગત માણવા કોઈ પોતીકું નથી રહેતું અને નથી રહેતું પારકું, બસ સંગતમાં પ્રત્યેક પળ બની જાય ઉત્સવ,  મોસમ ખીલે,અને શબ્દો ફૂલ બની સંવેદના સમર્થન આપે અને રચાય છે “સંવેદના પડઘા” જિગીષાબેનનો પોતાનો પોતીકો અવાજ છે.જે સ્પર્શે છે એ લખે છે અને વાતો કહેતા કહેતા વાર્તા રચાય છે.
​’બેઠક’ના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા
વિષય પરિચય- “સંવેદનાના પડઘા”
​વાત જયારે વાર્તા બને તો શું થાય ?પછી ભલે તે દાદાજીની વાતો હોય ,જાતક કથા હોય, પંચતંત્રની કથા કે દક્ષિણ ભારતની બુર્રા કે બિલ્લુ પાતુની હોય. અથવા તો પછી તે ઇન્ટરનેટ કે ડિજિટલ મીડિયા મારફતે જાણવા મળતી આપણા જમાનાની આપણી પોતાની ‘YourStory’ની હોય. વાતો અને વાર્તા માનવીનું   હિમોગ્લોબીન છે.આપણે જેને હિમોગ્લોબીન કહીએ છીએ તે લોહતત્વ (આર્યન)નું બનેલું હોય છે. બાળક ગર્ભાશયમાં હોય ત્યારથી તેના વિકાસમાં લોહતત્વ અગત્યનો ભાગ ભજવે છે. ગર્ભસ્થ બાળકના શરીરના બધાજ અંગોનો શ્રેષ્ઠ વિકાસ માતાના હિમોગ્લોબીનના પ્રમાણ પર આધારિત હોય છે. તેજ રીતે વાર્તાનું મહત્વ છે.જિંદગીના બનતા પ્રસંગો વાતો બની વાર્તા રૂપે વહેતી થાય છે. જીવનમાં વાર્તા માનવ જીવનમાં અનેક રંગોનું પ્રતિનિધિત્વ કરે છે.
આ વાર્તા શું છે ?  વાર્તા માનવીની સંવેદના પડઘા છે, વાર્તા સર્જન છે, વાર્તા પડછાયો છે, વાર્તા પ્રતીતિ છે,વાર્તા હકીકત છે, વાર્તા અનુભવ છે,.વાર્તા પ્રસંગ છે ,વાર્તા વર્ણન છે,વાર્તા લાગણીનો સંબંધ છે,અંદરનો અવાજ છે,વાર્તા કોઈની અંગત જિંદગી છે,વાર્તા વિચાર છે. વાર્તા યાદો છે.વાર્તા પ્રવાસ છે ,વાર્તા વર્ણન છે કુદરતનું સૌંદર્ય છે. વાર્તા રસ છે,  વાર્તાની  આંખોએ  નિર્દોષતા માણીએ  છીએ .મન બાળક બની વાંચે છે  વાર્તા આપણને આંગળી પકડીને અમુક દ્રશ્યો તરફ ખેંચી જાય છે. કેટલીક સંવેદનાઓ આપણા  મનને ઝણઝણાવી જાય  અને તેમાંથી‘પારિજાતનું ફૂલ’ખીલે છે. વાતોથી વાર્તા બને છે  જીવનના પ્રસંગો વાર્તા સર્જે છે. એને શોધવા કે શીખવા જવું પડતું નથી, વાત તમારી છે મારી છે આપણી છે જિગીષાબેનની છે.હા હવેથી આપણા બ્લોગ પર  દર બુધવારે જિગીષાબેનની કોલમને માણશું જે  “સંવેદનાના પડઘા” લઈને આવશે,જિગીષાબેન  જે સમયમાં જીવે છે એ સમયગાળાને પૂરોપૂરો સમજીને અને તેને આત્મસાત કરીને તેમાં જે કંઇ પણ બને છે તેને અનુભવીને પકડવાનો પ્રયાસ કર્યો છે એટલેકે સાંપ્રતની કેટલીક ક્ષણોને પકડવાનો અને એ સંવેદનોને ભાવક સુધી પહોંચાડવાનો આ એમનો પ્રયત્ન છે. 
બેઠક’ના આયોજક -પ્રજ્ઞા દાદભાવાળા

૫૦) આવું કેમ? પ્રશ્નોની પરંપરા: આવું કેમ!

પ્રિય વાચક મિત્ર!
આજે ફરી એક વાર , એટલેકે પચ્ચાસમી વાર, વળી એક પ્રશ્ન લઈને આવું છું: આવું કેમ!
દર અઠવાડીએ વળી એક નવો પ્રશ્ન! અને એમ આપણો આ સંવાદ શરૂ થયો ! “ શબ્દોનું સર્જન “ બ્લોગ દ્વારા અસંખ્ય ગુજરાતી સાહિત્ય હિતેચ્છુઓનો પરિચય થયો! અને રોજિંદા જીવનમાં “શબ્દ સર્જન” બેઠકે સ્થાન લઇ લીધું !
હા ; “આવું કેમ?”પ્રશ્ન તો ઉખેડ્યો , પણ પછી શું?
ઘણા ઘણા પ્રશ્નો ઉદભવ્યા આ પચાસ અઠવાડિયાઓમાં ! કેટલાક મુદ્દાઓ જુના પુરાણા હતા , કેટલાક મુદ્દાઓ નવા , ન સમજાય ન ચાંચ ડૂબે તેવા – પણ વાતમાં તથ્ય હતું , સવાલ પણ વ્યાજબી જ હતા કે આવું કેમ છે ? આવું કેમ થાય છે?
આપણી જ સંસ્કૃતિ – ધાર્મિક માન્યતાઓ , રીત રિવાજને પડકારતા કેટલાક પ્રશ્નો , ચીલાચાલુ ઢાંચામાંથી કાંઈક નવું વિચારવા વાચકમિત્ર સાથેનો આ સંયુક્ત પ્રયાસ હતો !
સાચી દીવાળી- ધનતેરસ , દેવ દીવાળી, રથયાત્રા, પદ યાત્રા વગેરે મુદ્દાઓ ઉપરાંત ધર્મ ‘ગુરુઓનું ક્વોલિફિકેશન શું ?’ એવા પાયાના મુદ્દાઓને સ્પર્શવા પ્રયત્ન કર્યો !
કોમેન્ટ બોક્સમાં વાચકમિત્રોએ કૉમેન્ટ્સ લખીને પોતાના અભિપ્રાયો પણ આપ્યા.અને આવકાર્યાં.
કેટલાક પ્રશ્નો રજૂ કર્યા તે બહુધા બે સંસ્કૃતિઓ , બે દેશમાં રહેવાને કારણે ઉદભવેલા કહી શકાય! કૈંક નવું જોયું ને વાચક સમક્ષ રજૂ કર્યું : પાનખરમાં પ્રેતાત્માનો ઉત્સવ હેલોવીન;કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ થેંક્સગિવિંગ ડે; ક્રિશ્ચિયન લોકોનો ધાર્મિક તહેવાર: ઈસ્ટર અને ધાર્મિકતા ;જીસસ અને કૃષ્ણ ; અને આપણી બે સંસ્કૃતિ વચ્ચે મથામણ કરતો લેખ : જન્મોત્સવથી શ્રાદ્ધોત્સવ ; વગેરે વગેરે… જેને આપ સૌએ રસથી આસ્વાદયા.
થોડાક પ્રશ્નો આપણી કૌટુંબિક જીવન શૈલીને સ્પર્શતા હતા :
ટી વી અને આજના બાળકો; બાળ ઉછેર અને સ્ટ્રેસ; તહેવારો અને વડીલ વર્ગ; સફળતા અને એકલતા ; લગ્ન વિચ્છેદ / પણ શા માટે ? વગેરે પરિવારને સ્પર્શતા મુદ્દાઓ ઉપર પણ થોડી વિચારણાઓ કરી . અને આપ સૌનો તેને ટિપ્પણીમાં યોગ્ય ન્યાય મળ્યો !
રાજકીય ક્ષેત્રને બને તેટલું દૂર રાખવાનો વિચાર હતો પરંતુ સીધા નહીં તો આડકતરે માર્ગે થોડાક પ્રશ્નો એ વિષયમાં પણ ઉભા કર્યા !
દા . ત . ચૂંટણી અને મતદાન ! નશાકારક ડ્રગ્સને કાયદેસર કર્યા તે ;અમેરિકાનો સ્વતંત્ર દિન; મેમૉરિઅલડે – શહીદ દિન ;લેબર ડે શ્રમ દિવસ ..વગેરે વગેરે!
તો આજે આપણે સતત જે વાતાવરણમાં શ્વસી રહ્યાં છીએ તે પર્યાવરણને લગતાં પ્રશ્નો જે વિષે ચર્ચા શરૂ કરતાં પહેલાં જ મારી મુંઝવણ વધી ગઈ હતી : આવું? આવા વાતાવરણમાં આપણે જીવીએ છીએ? તે મુદ્દાઓ હતા- અકુદરતી ધુમ્મસ , પોલ્યુશન અને ફોગ, જ્વાળામુખી ની નદીઓ અને હજુ હમણાં જ તાજેતરમાં લખેલ લેખ: ‘કુદરતી પ્રકોપ અને માનવી ! ‘ જે લખતાં લખતાં જ સતત લાગ્યાં કર્યું : કેટલો પામર છે માનવી! શું તાકાત છે આપણી કુદરત સામે ઝઝૂમવાની ?
તો શિક્ષણ વિષયક પ્રશ્નો પણ છેડ્યા વિદ્યા મંદિરને દ્વારે જેવા લેખમાં !
અને રશિયાની મારી મુલાકાત દરમ્યાન વેકેશનની વાતો પણ કરી!
હા , આ અને આવા અવિરથ વણ થંભ્યા પ્રશ્નોની વણઝારમાં વાચક સાથે જાણેકે પોતીકાપણાનો ભાવ બંધાયો , અને નિવૃત્તિને આરે ઊભીને શિકાગોનું જૂનું ઘર ખાલી કરી નવા ગામ લોસએન્જલ્સમાં ,નવા રાજ્યમાં જવાની ઍન્ગ્ઝાયટી પણ વ્યક્ત કરી અરે, રોજનીશી અને ડાયરી વિષેય લખી જ કાઢ્યું !
ને હજુયે પ્રશ્નોનો પ્રવાહ તો ચાલુ જ છે ! મેડિકલ મિરેકલ કે માનવીનું વિજ્ઞાનમાં પામરત્વ – હે માનવી, બીજું બધું તો ઠીક , લોહીનું એક ટીપું તો બનાવી જો – અરે બનાવવાની વાત તો દૂર રહી , લોહીના એક સેલનેય પૂરો ઓળખી શકાયો નથી ! તો આવા મહત્વના અનેક મુદ્દાઓને સ્પર્શવાનો સમય જ ના મળ્યો સાંપ્રત સમસ્યાઓ – અહીંયા અને દેશમાં અગણિત છે! તેની છણાવટ પણ હવે ભવિષ્યમાં ફરી કોઈ વાર કરીશું !
પણ ત્યાં દિલના એક ખૂણામાં પ્રશ્ન થયો : આ શું ? આટ આટલા પ્રશ્નો , પણ તેં કેટલા પ્રશ્નો ઉકેલ્યા ? કે કેટલા પ્રશ્નો ઉકેલવા પ્રયત્ન કર્યો ?
ને મન કોશવા માંડ્યું : તેં કલમ ઉપાડી ; હવે ચરણ ઉપાડ !
ને થયું : હવે આ કોલમને અહીં વિરામ આપીએ !
કાંઈક નવું કરીએ !
કોઈ નવો વિષય , કોઈ નવો વિચાર! કાંઈક નવી શૈલીમાં કાંઈક નવું ! શું? કેમ ? ક્યારે ? કેવીરીતે ?
તો આપના મંતવ્ય , અટકળ ,અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ..
આમ તો નક્કી છે જ;તો પણ આજે નહીં કહું !
આવું કેમ? બસ ,એવું જ!

પ્રેમ એક પરમ તત્વ- 13- પશુ પંખી નો પ્રેમ -સપના વિજાપુરા

ઈશ્વરે  દરેક માનવી ના તથા પશુ પંખીના જોડા બનાવ્યાં છે. નર અને માદા. અને નર અને  માદા હોય તો જ પ્રજનન વડે એનો વિસ્તાર વધે છે.પશુ પંખી સિવાય છોડ અને ફૂલોમાં પણ આજ વ્યવસ્થા હોય છે.
આજ આપણે વાત કરીએ માનવ અને પશુના પ્રેમ વિષે. પશ્ચિમ  ના દેશોમાં પશુ પ્રત્યે વધારે પ્રેમ જોવા મળે છે। ‘પેટ’ રાખવું  એક ખૂબ સામાન્ય વાત છે. pet  એટલે પાળેલું પ્રાણી. એમાં મોટે ભાગે કૂતરા અને બિલાડાં હોય છે. કૂતરા  અને બિલાડાં એ શબ્દો જરા કઠે  છે. જેથી આપણે એને ડોગ અને કેટ કહીશું. ઘણાં  લોકો પંખી પણ અને ઘણા લોકો સાપ અને ઉંદર પણ પાળેછે.
માણસ જો નિર્જીવ વસ્તુ સાથે રહે તો એની સાથે પણ પ્રેમ કરતો થઇ જાય છે.તો  પ્રાણીઓ તો જીવંત છે. એની સાથે રહી એનીસાથે ખુબ પ્રેમ થઇ જાય છે. પ્રાણીઓની બીજી એક સારી આદત એ માનવી જેવા બેવફા નથી હોતાં. બેવફાઈ પ્રાણીઓ માં નથી હોતી। માનવ તમને ક્યારેક પણ દગો દઈ જાય અરે વરસો સુધી સાથે રહેતા હોઈએ તો પણ તમારી પીઠ પાછળ શું ચાલે છે એની તમને ખબર નથી પડતી।  માનવ ના સ્વભાવમાં સ્વાર્થીપણું હોય છે.  પણ પ્રાણીઓ જો મોત આવે તો તમારાથી જુદાં થાય અથવા તમે જ એને તમારાથી જુદાં કરો તો!! માનવ સ્વભાવ મુજબ!
નાલા અમારે ઘરે પહેલીવાર આવી. મારી દીકરી ફાતિમા લઇ આવી. ફાતિમા ને હું દીકરી કહું છું પણ એ મારી પુત્રવધુ છે. અને નાલા  એની ‘કેટ’ છે. નાલા  ફાતિમાની જાન છે. એ દિવસે નાલા  અમારે ઘરે પહેલીવાર જ આવેલી એટલે એને થોડું અજાણ્યું લાગતું હતું। અને મારું ઘર મોટું પણ. એને દોડાદોડી કરવાની મજા પડી.હું અને ફાતિમા પણ વાતોમાં મશગૂલ થઇ ગયાં. અને થોડી વાર પછી નાલા ક્યાંય દેખાય નહીં!! ઘરમાં દોડાદોડી થઈ ગઈ!! અને ફાતિમા તો ચોધાર આંસુડે રડી પડી!! હું એને સંભાળું કે નાલાને શોધું? છેવટે હું આડોશ પડોશમાં ચેક કરવા ગઈ કદાચ ઘરમાંથી નીકળી ગઈ હોય તો!! અને હું બહાર રસ્તા પર પણ ફરી વળી. ક્યાંય નાલા ન હતી. ફાતિમા તો બરાડા પાડીને રડતી હતી!! દીકરાનું મોઢું એકદમ નાનું થઈ ગયેલું. ફાતિમા કહે,” નાલાને લાવો નહીંતર નાલા વગર હું મરી જઈશ.” એટલામાં મારા પતિએ કહ્યું કે સોફા ના રિક્લાયનર ખોલીને જુઓ અને ખરેખર નાલા એ સોફા માં ફસાઈ ગયેલી!!
ફાતિમા તો નાલાને વળગી પડી નાના બાળક ની જેમ!! એ નાલાને એટલો પ્રેમ કરે છે કે એના વગરનું જીવન એ કલ્પી શકતી નથી!!અહીં પશ્ચિમ દેશોમાં લોકો પોતાના પેટને પોતાના સંતાનો કરતા પણ વધારે પ્રેમ કરે છે. અને આ પેટ પણ પોતાના માલિક માટે જાન પણ દઈ દે છે. ઘણાં કિસ્સા પેટના પ્રેમ વિષેના સાંભળેલા છે.
એક વૃધ્ધ માણસ એકલો રહેતો હતો. જુઓ બધાં સંતાનો એને એકલો કરી ગયાં હતાં. ત્યારે આ ડોગ એની પાસે હતો. કોઈ પણ સ્વાર્થ વગર કોઈપણ પૈસાની લાલચ વગર અને દિવસ રાત એની આજુબાજું ફરે એનાં ખોળામાં બેસે, એના હાથને ચાટે એના મુખને ચૂમે।જેટલું વહાલ કરી શકાય એટલું કરે જાણે એ વૃદ્ધની એકલતાને જાણતો હોય!! એક દિવસ વૃદ્ધ પડી ગયો અને બેભાન થઇ ગયો. એ ડોગ એની આસપાસ પાગલની જેમ ફરવા લાગ્યો। વૃદ્ધ એ એને 911 નંબર ડાયલ કરતા શીખવાડેલો।ડોગ સમજી ગયો કે મારો માલિક  મુશ્કેલી માં છે એને તરત જ ફોન મોઢેથી પકડી પગથી 911 ડાયલ કર્યો અને ભો ભો કરવા લાગ્યો। પોલીસ એમ્બ્યુલન્સ લઇ એ સરનામાં પર પહોંચી ગઈ અને વૃદ્ધ ને બચાવી લીધો। પ્રેમ આને કહેવાય।
બીજા એક કિસ્સામાં જ્યારે કચ્છ માં ધરતીકંપ થયો. તો એક સ્ત્રી ત્રીજા માળા ઉપર રહેતી હતી. કહેવાય છે કે પ્રાણીઓને કુદરતી આફતની પહેલા ખબર પડી જતી હોય છે. એ ડોગ પોતાની માલિકણને  સાડી ખેંચી ત્રણ માળેથી બહાર લઇ ગયો. એ કહેતી રહી,”બોબી શું ગાંડા કાઢે છે.” પણ બોબી એ ના સાંભળ્યું અને જેવા એ રસ્તા પર પહોંચ્યા ધરતીકંપ  થયો અને ત્રણ માળાનું મકાન જમીનદોસ્ત થઇ ગયું!
હું માનવ માનવ પ્રત્યેના પ્રેમનો ઇન્કાર નથી કરતી. પણ આપણા દિલમાં ઊંડે ઊંડે આપણે જાણીએ છીએ કે આપણે સંબંધ ,પ્રેમ,લાગણી બધું સ્વાર્થ માટે રાખીએ છીએ. માતા પિતાના સંબંધ ની વાત કરું તો દીકરો મોટો થશે અમારી સેવા કરશે. પતિપત્ની ના સંબંધમાં શારીરિક સુખ મળે છે એક સલામતી ભરેલું ઘર મળે છે. અને સંતાનો માતાપિતા સાથે સંબંધ રાખે છે કે જરૂરિયાતના સમયે મદદ મળે છે. હા, બધા કેસમાં આ સાચું નથી હોતું પણ મોટા ભાગના કેસમાં આ વાત સાચી પડે છે.જ્યારે પ્રાણીઓ મરતા દમ સુધી સાથ નીભાવી  જાણે છે. ઈશ્વરે આ પ્રાણીઓને કદાચ ઇન્સાન માટે જ બનાવ્યા હશે. કહેવાય છે કે આ ઈશ્વરનીબનાવેલી આ દુનિયામાં કોઈ પણ ચીજ મિથ્યા નથી બનાવી। હું ઈશ્વરની આ દુનિયાને એમાં વસતા માનવીઓને એમાં વસતા પ્રાણીઓને પ્રેમ કરું છું અને એજ પરમ પ્રેમ  મને  પ્રેમી ઈશ્વર તરફ લઇ જશે!
સપના  વિજાપુરા 

દ્રષ્ટિકોણ 10 – વિશ્વ કૃતજ્ઞતા દિવસે માતાપિતા ને નવાજીએ – દર્શના

નમસ્તે મિત્રો. આજે વિશ્વ કૃતજ્ઞતા દિવસ ઉજવાઈ રહ્યો છે. સૌ પ્રથમ આ દિવસ 1965 માં ઉજવાયો અને ત્યાર બાદ United Nations Meditation Group દ્વારા દર વર્ષે September 21 ના આ દિવસ મનાવવાની પ્રથા જાહેર થવામાં આવી. જિંદગીમાં કૃતજ્ઞતા કેળવવાથી અને દર્શાવવાથી વ્યક્તિને પોતાને ઘણા ખુબ ફાયદા થાય છે અને સૌથી પહેલે માતા પિતા પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું તેઓ સૂચન કરે છે. આમેય માતા પિતા નું સ્થાન જ ઔર છે. એક માતાના કે એક પિતાના પ્રેમ ની ઊંડાઈ માપી શકાય નહિ. તે બીજા કોઈ સંબંધ જેવો પ્રેમ નથી. તેમના હૃદય માં બાળક માટે ચિંતા અને બાળક ની ભલાઈ માટેની ભાવના સતત વહેતી હોય છે. અને છતાં માતાપિતા અને બાળકો વચ્ચે મતભેદ તો થવાના જ. એક જેનેરેશન ગેપ છે તે ન રહે અને બાળકો માતાપિતાના ઘાટ માં જ બીબાની જેમ ઢળે તો જિંદગીમાં ઉન્નતિ કેમ થાય? બાળકોના મત માતા પિતાના મત કરતા ઘણી વખત જુદા પડે, બાળકો તરફ તેમને નિરાશા ઉપજે, બાળકો તેમનું ન સાંભળે અને મનમાન્યું કરે તેમજ ધીમે ધીમે બાળકો પોતાની ભૂલો કરે અને તે ભૂલો માંથી જિંદગીના પાઠ શીખે અને તેમની નવી સમજણ અને સચ્ચાઈ પ્રમાણે નિર્ણયો લ્યે અને તેમજ જિંદગીની પ્રગતિ ચાલુ રહે.
પરંતુ ઘણી વખત બાળકો માતાપિતાની તેમના પ્રત્યેની નિરાશાને વળગી રહે છે અને તેની પાછળ છુપાયેલ તેમના પ્રેમ અને લાગણી ને જોઈ નથી શકતા. ક્યારેક માતા પિતા ની ઉમર મોટી થાય અને તેઓ ભૂલો કરવા લાગે અને ત્યારે બાળકો ધીમે ધીમે કારોબાર અને વધુ જવાબદારી સંભાળતા થાય અને માતા પિતા બાળકો જેવા બનતા જાય અને તેમને વધુ મદદ ની જરૂર પડે તો પુખ્ત વયના બાળકો ને તેમના ઉપર રોષ આવવા લાગે છે. આ બધું તો જીવન માં થાય જ છે. પણ આજે હું એમ કહેવા માંગુ છું કે જો માતા પિતા ભગવાનના આશીર્વાદે ખુબ મોટી વય સુધી પહોંચે ત્યારે એક દિવસ બેસીને પુખ્ત વયના બાળકે મનોમન એક નિર્ણય કરવાની જરૂર છે. તેઓ મૃત્યુને શરણ થાય તે પહેલા આ નિર્ણય થાય તો વધુ ઉત્તમ. પુખ્ત વયના બાળકો એક દિવસ બેસીને નિર્ણય કરી શકે કે હવેથી જેવો પ્રેમ અને કાળજી મારા બાળપણમાં મને મારા માતા પિતાએ દાખવ્યો તેજ નિખાલસ અને અવિરત પ્રેમ હું તેમને અર્પણ કરીશ. અને તે દિવસ થી તેમને ખીજાવા, ઠપકાવવાની બદલે તેમના તરફ ના વર્તન માં ખુબ કાળજી અને પ્રેમ ભરી દઈએ અને તેમનો હાથ પકડી, આંખમાં જોઈને તેમના તરફ ખરા દિલથી આભાર વ્યક્ત કરીએ તો કેવું? ક્યારેક મોડું થઇ ગયું હોય અને માતા કે પિતા પ્રત્યક્ષ હાજર ન હોય તો પણ મનોમન આભાર વ્યક્ત કરવાની હળવાશ આપણે અનુભવી શકીએ છીએ.
ક્યારેક આવા કાર્ય માટે નિમિત્ત ની જરૂર હોય છે. તો આજે આ બ્લોગ ને નિમિત્ત માનીને વિશ્વ કૃતજ્ઞતા દિવસે ચાલો આપણે આપણા માતા પિતાને આપણા વર્તન અને વાણી દ્વારા કૃતજ્ઞતા અને અવિરત પ્રેમ ની લાગણી દર્શાવીએ. જો તેઓ જીવિત ન હોય તો શબ્દો દ્વારા વર્તાવી શકાય છે.
નીચે મેં મારી મા માટે લખેલ કાવ્ય તમે લિંક માં સાંભળી શકો છો અને નીચે વાંચી પણ શકો છો.

બાળકો ના સપના માં માતાની જીંદગી
એકવાર માં તું હતી સૌન્દર્યપૂર્ણ, સુશોભિત, યુવાન
ડૂબી ગયા હશે ઘણા જુવાનો, જોઈ તારા નયન
સાકાર થઇ રહેલા હશે તારા દિલ માં ઘણા સપના
ઘણી ઈચ્છાઓ, દેશ દેશાંતર ફરવાની ભાવના
પરંતુ સામાજિક ધોરણો ને અનુસાર તે દિશા બદલી
તારા સપના ને ધરબી દઈ ને તું સાસરે ચાલી
તારી કુખે અમે જન્મ્યા, તું તારી ફરજ નિભાવતી રહી
ક્યારેક અમે સમજ્યા નહિ, જીદ કરી, તારું માન્યા નહિ
પરંતુ તારા પ્રેમ માં ક્યારેય તે કચાસ ન કરી
એવું બન્યું નહિ કે તે અમારી વાત ને કાને ન ધરી
તે ફેરવ્યું તારા સપના નું અમારા સપના ઉપર લક્ષ્ય
અમને હસતા રાખવા એ જ તારી ખુશીનું રહસ્ય
તું ભૂખી રહી પણ અમારું ખાવાનું રાખ્યું નિત્ય ગરમ
બની ગયા તારા બાળકોજ તારા ભગવાન, તારો ધરમ
જીવનની મુસીબતો ગળીને હસતા હસતા તે નિભાવી ફરજ ,
અમે તો વિચાર પણ ના કર્યો, આ તે કેટલું મોટું કરજ
તે જાડુ વાળ્યું, વાસણો વિછર્યા, રસોઈ બનાવી, કપડા ધોયા
મોડી સવાર સુધી સપના અમારી પાંપણો ઉપર નાચતા રહ્યા
કદાચ હવે તને યાદ પણ નહિ હોય તારા સપના ને તારું મોટું બલિદાન
હવે તું નથી જુવાન, નથી બળવાન, કે નથી સૌંદર્યવાન
અમારા સપના થયા સાકાર, તારી મહેનત નું પરિણામ
ઘર, બંગલા, ગાડી માં અમે થયા ઠરીઠામ
અમે પણ શું ભૂલી ગયા તારું અમારા ઉપરનું મોટું ઋણ?
તો આ તારી નહિ, પણ અમારા જીવન ની કથની છે, કરુણ.
https://youtu.be/dFhGpgpJ_cE 

૪૮ – શબ્દના સથવારે – મૂળ – કલ્પના રઘુ

મૂળ

 ‘મૂળ’ એટલે વનસ્પતિ કે કોઇપણ પદાર્થની જડ, ટીકા વગેરેનો ગ્રંથ, અસલ મૂડી, આકાશમાં એક નક્ષત્ર, આદિ પુરુષ, મુખ્ય, પ્રધાન, પ્રથમ, પાયો, મંડાણ, નદીનું ઉત્પતિ સ્થાન, મૂળ કારણ, પૂર્વજ, જેનાં વીર્યથી વંશ વિસ્તાર પામ્યો હોય તે પુરુષ, આરંભ, એક જાતની મૃગયા, કંદમૂળ, જટા, પરિગ્રહ, પર્વતની તળેટી, મૂળ લખાણ, આધાર, પીપરીમૂળ નામની ઔષધિ, પુષ્કરમૂળ, બીજમંત્ર, ગણિતમાં સંખ્યાનો ઘાત, આદ્ય, તદ્દન, બિલકુલ. અંગ્રેજીમાં મૂળને ‘root of plant or tree’, ‘foundation’, ‘base’, ‘source of river’, ‘origin’, ‘root-cause’, ‘19th lunar mansion’, ‘original text or writing’, ‘original ancient’, ‘bottom cost’, ‘fundamental price’ કહેવાય.

જ્યોતિષશાસ્ત્રમાં ૨૭ માહેનું ૧૯મું નક્ષત્ર મૂળ છે. આ અધોમુખ નક્ષત્ર છે. આ નક્ષત્રમાં જન્મ લેનાર વૃધ્ધાવસ્થામાં શરીરે રોગી, કલાનુરાગી, માતૃપિતૃહંતા અને આત્મીય લોકોને ઉપકારક થાય છે. મૂળરાજનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો. ડૉક્ટર જ્યારે રોગનું નિદાન કરે ત્યારે રોગનાં મૂળને શોધી તેનું નિવારણ પહેલા કરવું જોઇએ તો જ રોગ નાબૂદ થઇ શકે.

મને ‘ધાડ’ ફિલ્મની એક સુંદર વાત યાદ આવે છે. ચેરીઆના છોડ વિશે. તેમાં જોતાંજ પ્રશ્ન થાય કે ખાતર વિહોણા, ચીકણી માટીવાળા, કાદવનાં ઢગલામાં દરિયાનું ખારૂં પાણી પીને આ છોડ ક્યાંથી ખોરાક મેળવતો હશે? અને કેવી રીતે જીવતો હશે? ફિલ્મનો હીરો કહે છે, આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઉંડા જાય છે તેથી એ છોડ પોતાનાં થડ ઉપર મજબૂત બને છે. પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આજુબાજુ પથરાઇ જઇ પોતાનાં કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે! પરંતુ કોઇવાર વંટોળિયાનાં કારણે કાદવનાં ઢગલાં પર ધૂળ પથરાય ત્યારે ચેરીઆનાં મૂળિયાંનાં કાંટા ધૂળથી દટાઇ જાય છે અને આ છોડ સૂકાઇને મરી જાય છે. ચેરીઆ પાસેથી માનવે શિખવાનું છે, જીવતાં રહેવાનો ભેદ. જીવન છે એટલે જીવવાનું છે પરંતુ મૂળ સાથે જોડાઇ રહેવું એટલુંજ જરૂરી છે. માનવ જીવનમાં અનેક પ્રકારનાં સમયાનુસાર વાવાઝોડાં આવતાં જ રહેવાનાં પરંતુ પોષણ તમારૂં મૂળ જ પૂરું પાડે છે તે વાત ભૂલવી ના જોઇએ. આ વાત આકાશમાં ઉડતો નિર્જીવ પતંગ સમજાવી જાય છે. પતંગ દોરીથી જ્યાં સુધી જોડાયેલો છે ત્યાં સુધી તે ગમે તેટલો ઉંચો ચગે, વાંધો નથી આવતો. પરંતુ જેવો તે કપાઇ જાય છે, તેનાં મૂળથી છૂટો પડી જાય છે ત્યારે શરૂઆતમાં આકાશમાં ખૂબ ઉંચે જાય છે, પવન તેને દૂરદૂર ખેંચી જાય છે. તેને લાગે છે કે મૂળથી દૂર જવામાં તેની ખૂબ ઊંચી ઊડાન થઇ રહી છે પરંતુ આખરે તે નીચે બેહાલ દશામાં ફેંકાઇ જાય છે.

ઘણાં લોકોનાં ઘરમાં ફેમીલી ટ્રી હોય છે. તેનાં થડમાં અને મૂળમાં પરદાદાનાં ફોટાં હોય છે જેનાં દ્વારા આવનાર પેઢીને પણ મૂળનું સ્મરણ રહે છે. આ સંસ્કારની વાત છે. હમણાં હું એક સીનીયર ડૉક્ટર દંપતિ સાથે ગણેશ પૂજામાં જતી હતી. તેમની ગાડીમાં ગણેશ સ્તોત્ર વાગી રહ્યું હતું. મેં સહજ કહ્યું કે હું આજ સ્તોત્ર પૂજામાં ગાવાની છું. ત્યારે તેઓએ એક સુંદર વાત કરી. ‘આ મારાં પિતાજીનાં અવાજમાં તેમણે ગાયેલાં, તેમને ગમતાં, સ્તોત્ર, પાઠ અને ભજનોની સી. ડી. છે. હું હંમેશા કારમાં આજ વગાડું છું’. કેટલું સુંદર! તેમનાં સ્મરણમાં તેમનાં મૃત મા-બાપની યાદ જીવંત હતી. મૂળ સાથે જોડાયેલી વ્યક્તિ કે વસ્તુ ક્યારેય સૂકાતી કે નાશ પામતી નથી. મૂળ દ્વારા તાજગી, પોષણ, સંસ્કાર મળે છે. સમય, શિક્ષણ, ટેક્નોલોજીને કારણે સંતાન ગમે તેટલી ઉંચાઇએ પહોંચે પરંતુ એ ઉંચાઇ મા-બાપનાં ખભા પર ઉભા રહ્યાં પછીની છે એ સંતાને ભૂલવું જોઇએ નહીં કારણકે મૂળમાં આપણાં શરીરમાં પિતૃઓનાં ડી. એન. એ. રહેલાં હોય છે. શરીરનો રંગરૂપ બદલાય છે પણ મૂળ તે જ રહે છે. પુસ્તક ચાહે ગમે તેટલું જૂનું થાય, તેનાં શબ્દો બદલાતાં નથી.

આધુનિક સમયમાં એવું માનવામાં આવે છે કે અતીત પછાત હતું, વર્તમાન અને ભવિષ્ય વિકાસમાન છે. આ પશ્ચિમની વિચારસરણી છે જ્યારે ભારતની મનીષા બિલકુલ વિપરીત છે. આપણે માનીએ છીએ કે મૂળ શ્રેષ્ઠ છે. માનવની શ્રેષ્ઠતા તેનાં મૂળ પર, ગર્ભમાં છૂપાયેલાં બીજની શ્રેષ્ઠતા પર આધારિત છે.

શ્રીકૃષ્ણે ગીતાજીનાં ૧૫મા અધ્યાયમાં કહ્યું છે,

ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ વેદવિત

સામાન્ય રીતે વૃક્ષોનું મૂળ નીચે અને પ્રશાખાઓ ઉપરની બાજુએ હોય છે. ઉપરની બાજુએ મૂળવાળા તથા નીચેની બાજુએ શાખાઓવાળા સંસારરૂપી આ પીપળાનાં ઉલટા વૃક્ષને પ્રભુ અવિનાશી કહે છે. શ્રીકૃષ્ણ આ સંસારરૂપી વૃક્ષને અશ્વસ્થની ઉપમા આપીને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે તેનું છેદન કરીને પરમ તત્વની પ્રાપ્તિ કરવાનું કહે છે એટલા માટે તુલસીદાસે રામાયણમાં કહ્યું છે,

‘નરક-સ્વર્ગ, અપવર્ગ નિસેની, ગ્યાન, બિરાગ ભગતિ શુભ દેની’.

માનવજીવનની તીર્થયાત્રાનું એકમાત્ર અંતિમ લક્ષ્ય છે સત્‍ ચિત્‍ આનંદ. આનંદનો મૂળ ઉર્જા સ્ત્રોત આપણી અંદર છે અને એ માણસનો મૂળ સ્વભાવ છે માટે માનવે પોતાનાં મનનાં મૂળ સુધી પહોંચવું જ રહ્યું.

મૌન પણ બોલે છે ..

 મને આ વાત બાળપણમાં સમજાઈ હતીત્યારે  હું ૧૧માં ધોરણમાં હતી. સ્વાભાવિક ઉંમર એનું કામ કરતી હતી. મને કશુક નવું કરવું ગમતુંજેને એડવેન્ચર કહી શકાય. એક દિવસ રીસેસમાં ગાપચી મારી હું મારી બહેનપણી સાથે મેટેની શોમાં પિક્ચર  જોવા ગઈમારી માસીની દીકરી મારા જ વર્ગમાં હતી. તેણે મારી મમ્મીને વાત કરી કે હું શાળામાંથી પિક્ચર જોવા ગઈ હતી.
હું ઘરે આવી. સમય કરતા થોડીક જ મોડી અને મમ્મીએ માત્ર એટલું જ કહ્યું કે આવી ગઈસારું, જમી લે અને સ્કુલનું lesson કરી લેજે.’ ત્યાર પછી શનિરવિની રજા હતી. રજા પછી શાળામાં ગઈ ત્યારે મારી બહેનપણીએ કહ્યું. તારી મમ્મીએ પૂછ્યું હતું કે પ્રજ્ઞાની  ફિલ્મની ટીકીટના તને કેટલા પૈસા દેવાના છેને  તારા પપ્પા મમ્મી મને રવિવારે પૈસા આપી ગયા..’ હું બે ક્ષણ માટે એને જોઈ રહી અવાચકઆ વાત જાણ્યા પછી મમ્મી પપ્પાનું આ મૌન મને ખટકી ગયું. હા, અહીં એમનું મૌન બોલતું હતું. શબ્દો ન કરી શકે તે કામ મૌને કર્યું. હું મારી જાતે બધું સમજી ગઈઆવી વાત આપણી હો કે ગાંધીનીપણ શબ્દો અને વાણી વિનાની મૌનની એક અજબની પરિભાષા છે.
 હું તો ક્યારેક મારા શહેરનું પણ મૌન સાંભળું છું. મુંબઈ શહેર એટલે ચોવી કલાક હાંફ્તું ,ધબકતું અને ક્યારેય ના થાકતુંધાંધલ ધમાલ, ઉથલપાથલનું શહેરએ મૌન કેવી રીતે હો શકેહીં મુંબઈ શહેર તમને ખોટા પાડે છે. કારણ  શહેરનું મૌન  ભેદી હોય છે. મુંબઈ શહેર શબ્દોનું મહોતાજ નથી. ભાવની ભરતીનું શહેર છે. એનું મૌન ક્યારેક ડર પહેરીને આવે છે તો ક્યારેક ચિંતા ઓઢીને આવે છે.અહી મૌનની તીક્ષ્ણતા આકરી હોય છે. હા ક્યારેક શહેરનું મૌન શબ્દોથી પણ તેજધારદારઘાતકજીવલેણ અને તીક્ષ્ણ બની જતું હોય છે. ત્યારે જાણે મૌન શબ્દની આબરૂ લેતું હોય તેવું ભાસે છે. હા,પણ મૌન બોલે છે.
સાંભળો તો મૌન ઘણું બોલે છે. મૌન માણસને ચીરી નાખે છે તેમ મૌન માણસને સીવી નાખે છે મૌન જીવન છેમૌનમાં ધબકાર છે. મૌનમાં શ્વાસ છે. મૌન એ શબ્દોની કબર નથી. મૌન હૃદયના ધબકારામાં ગાજતું હોય છે..હા મૌન બોલતું હોય છે.
 પ્રજ્ઞા દાદભાવાલા

મારો પત્ર  દેવિકાબેને અને રાજુલબેન શાહએ તેમના બ્લોગ પર  ​ગયા રવિવારે પર મુક્યો છે . પ્રતિભાવકો એમના બ્લોગ પર​ આપના  અભિપ્રાય આપશો.

https://devikadhruva.wordpress.com/

https://rajul54.wordpress.com/