વિસ્તૃતિ.. ૫ * જયશ્રી પટેલ


શરદબાબુની નવલકથાઓનાં પાના ઉથલાવતા એક એવું સ્ત્રી પાત્ર નજર સમક્ષ ઉભું થયું ને તે પાત્ર એટલે લલિતા. લલિતાને યાદ કરતાં આપણી નજર સમક્ષ ઊભી થઈ જાય છે, મિનાકુમારી, સુલક્ષણા પંડિત અને અંતે વિદ્યાબાલન. બંગાળીમાં મૌસમી ચેટર્જી.જાજરમાન અભિનેત્રીઓ કે જેમણે શરદબાબુની લલિતા બની તખ્તો સંભાળ્યો સાથી શેખરની ભૂમિકા ભજવી અશોકકુમારે ફિલ્મ ૧૯૫૩માં આવી.પરિણીતા નામ ન રાખતા ફિલ્મ સંકોચ જેમાં સુલક્ષણા પંડિત અને જિતેન્દ્ર બન્યાં શેખર ને એ ફિલ્મ આવી ૧૯૭૬માં. અંતિમ ફિલ્મ બની શૈફઅલીખાન અને વિદ્યાબાલનની જે બની ૨૦૦૫માં. ૧૯૬૯માં બંગાળીમાં ફિલ્મ બની સૌમિત્ર ચેટર્જી અને મોસમી ચેટર્જની અભિનય કળાનાં ખૂબ વખાણ થયાં.
ત્ચારેય ફિલ્મોએ તહેલખો મચાવ્યો ને યુવાન છોકરા છોકરીઓએ પરિણીતા ખરીદીને વાંચી.આવી પરિણીતાનો ગુજરાતીમાં અનેક લેખકોએ અનુવાદ કર્યો છે. વિવેચના કરી છે.
આ વાર્તા એટલી સામાજીક હતી કે તે સમયનું બંગાળ સચિત્ર ઊભું થાય. અહીં પણ બ્રાહ્મો સમાજ અને બંગાળી સમાજની સુદૃઢતાનું ચિત્ર વિશેષપૂર્વક ઊભું થયું છે. દરેક પાત્રોને ખૂબ જ ખૂબીથી લેખકે આલેખ્યા છે.સાહિત્યની દ્રષ્ટિ પણ આ રચના શ્રેષ્ઠ છે.
રા.વિ.પાઠક લખે છે,” આ વાર્તા અનેક દ્રષ્ટિએ સુંદર છે. તેના પ્રસંગોની ગૂંથણી સુંદર છે. તેના અંગપ્રત્યંગનાં પરસ્પર પ્રમાણો સુંદર છે.વાર્તાની નાયિકા લલિતાનાં માનસનો વિકાસ. તેની લાગણીનાં પરિવર્તનો અને તેને લીધે વાર્તાનાં બદલાતા જતાં ભાવો અને સમગ્ર રસ -બીજી તરફ વાર્તાનાં પાત્રોનાં સ્વભાવોનું વૈવિધ્ય અને તેની ફૂલ ગૂંથણી અને બંનેમાં કવિએ કવિએ વિશિષ્ટ શક્તિ બતાવી છે.”
લેખકને મતે સ્ત્રીઓ ઘરમાં દમન પામે કે બહાર બળાત્કારનો ભોગ બને બન્ને સ્ત્રીઓ સમાન જ છે. આખરે તે પીડિતા જ છે.ઘરથી તરછોડાયેલી કે નારાજગી પામેલી કે પતિતા સ્ત્રીઓ પ્રત્યે તેઓનો જુદો આર્વિભાવ હતો તેથી તેઓ અંતઃકરણથી તેને પોતાના સાહિત્યમાં ન્યાય આપવામાં પ્રયત્ન કરતાં.
પરિણીતાની લલિતા તેમાંનું જ એક પાત્ર હતું.પરિણીતા આમ જોવા જાવ તો પ્રણય મિકોણની વાર્તા છે પણ ખરેખર ત્રણે પાત્રો અલગ જ પ્રેમની ભાષા જાણે છે. શેખર જીદ્દી ને અડિયલ છે તો લલિતા પ્રેમનાં શ્રૃંગારથી એકનિષ્ઠ પ્રેમિકા ને ગિરીનબાબુ બ્રાહ્મોસમાજી
પણ શિક્ષિત સહૃદયી મિત્ર સાબિત થાય છે.
આમ ૧૯૧૪માં લખાયેલી વાર્તાએ અનુવાદ રૂપે ગુજરાતી ભાષામાં પ્રવેશ કર્યો ત્યારે તે વખતે સ્ત્રીને તુચ્છ સમજનાર સમાજ સમક્ષ આવી ઉત્કૃષ્ટ વાર્તા આવી અને સમાજમાં એવી તો લોકોને સ્વીકાર્ય લાગી કે સાહિત્ય જગતમાં ડંકો વગાડી ગઈ. આવી સુંદર વાર્તાને વાંચી યુવા પેઢી સ્ત્રી પ્રત્યે એક ઊંચો ભાવ સ્પંદન કરી ગઈ.

પ્રસાદ બ્રહ્મભટ્ટજી ૨૦૦૮ ને ૨૦૧૧ તેની ગુજરાતી આવૃત્તિ વાંચકો સમક્ષ વિશ્લેષણ અને આસ્વાદ સહિત મૂકી પૂર્ણ ન્યાય આપ્યો.ડો.ભરતકુમાર ઠાકરે તેને ભારતીય નારીનાં પ્રેમાળ આંતરવિશ્વને ઉજાગર કરતી નવલકથા કહી છે.

મિત્રો વિસ્તૃતિની આગલી શ્રેણીમાં શરદબાબુની શ્રેષ્ઠવાર્તામાંની એક પરિણીતાનો આસ્વાદ જે હું સમજી છું તે રજુ કરીશ


જયશ્રી પટેલ
૨૬/૨/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান : ૫ – અલ્પા શાહ 

નમસ્કાર મિત્રો,  

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

“ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વારઆપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

આજની રચના કવિવરની આધ્યાત્મિકતાના એક નવા પરિમાણનો પરિચય કરાવે તેવી છે. પ્રકૃતિ અને પરમેશ્વરના પરમ ઉપાસક એવા કવિવર “બ્રહ્મ”ની અનુભૂતિ પોતાની બહાર નહિ પણ પોતાની ભીતર કરતા.  અંધશ્રદ્ધા અને ક્રિયાકાંડના પ્રખર વિરોધી કવિવર રામકૃષ્ણ પરમહંસ દ્વારા પ્રભાવિત થયેલ હતા અને કદાચ એટલેજ કવિવરે  ઘણી બધી રચનાઓ નિરાકાર બ્રહ્મને કેન્દ્રમાં રાખીને કરી છે. વેદ-ઉપનિષદના પ્રખર અભ્યાસી કવિવર માનતા કે દરેક મનુષ્ય માટે આત્મામાં રહેલા પરમાત્મા સાથેનું સતત સાનિધ્ય અને સાતત્ય અનુભવતા રહેવું અને એજ પરમ ચેતનાની પ્રાપ્તિ માટે સતત પ્રત્યનશીલ રહેવું તેજ મનુષ્યનો અંતિમ ધ્યેય છે. ગુરુદેવ ભીતર રહેલા “બ્રહ્મ”સાથે એકાકાર થવા માટે વિરહનો તાપ અનુભવતા અને એ સાતત્ય સાધવા સતત પ્રયત્નશીલ રહેતા.

ગુરુદેવની આદ્યત્મિક્તાના આજ પરિમાણને દર્શાવતી એક રચના કે જે પૂજાપારજોયમાં(વિભાગમાં) અને વિરહ ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે તેને આપણે આજે જાણીશું અને માણીશું. આ રચનાનું શીર્ષક છે “তোমার পূজার চলে” (Tomar Pujar Chole) જેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “ એક તને જ હું વિસરી ગયો… “. 1914માં રચાયેલી આ રચના રાગ પીલુ પર સ્વરબધ્ધ થયેલી છે અને દાદરા તાલમાં તાલબદ્ધ કરેલ છે. .  મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  

આ રચનામાં કવિવરે એક નિખાલસ કબૂલાત દ્વારા એક એવા વિષયને રજુ કર્યો છે કે જે મારા, તમારા સૌના મનમાં એક પ્રશ્નબીજ રોપી દે છે. તટસ્થ ભાવે વિચારો તો આ રચનામાં કવિવર ધાર્મિક હોવું  (“being religious”)  અને આધ્યત્મિક હોવું (“being spiritual”) એ બે વચ્ચે જે ભેદરેખા છે તે પ્રકાશમાં લાવ્યા છે.

હું અંગત રીતે એવું માનું છું કે ધર્મ અને ધાર્મિક માન્યતાઓ એ તો સૌની પોતપોતાની અંગત બાબત છે અને પ્રત્યેક વ્યક્તિ માટે ધર્મની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે અને તેમાં કશું ખોટું પણ નથી. આપણે સૌ એ દિવ્ય શક્તિ સાથે જુદા જુદા માધ્યમ અને રસ્તાઓ થી જોડાતા હોઈ છીએ. પણ આ રચનામાં કવિવરે પરમાત્માને પામવા થતા ક્રિયા-કર્મ માં આપણે એ કર્મ પાછળનું હાર્દ વિસરી તો નથી જતાને તે પ્રશ્નને વાચા આપી છે…

પ્રભુની પૂજાના ભાગરૂપે ધાર્મિક ક્રિયા-કર્મ અને રીતિ-રિવાજોનું પાલન કરવું-ન કરવું એ તો સૌની અંગત બાબત છે પણ એટલું તો હું ચોક્કસ કહીશ કે આ ક્રિયા-કર્મ કરતા પહેલા એક વાર જરા પોતાની અંદર રહેલા આત્મા સાથે વાત કરી લેવી… ક્યાંક આપણે આ ક્રિયા-કર્મ માત્રને માત્ર આપણો ખુદનો અહમ સંતોષવા કે લોકોને બતાવવા કે આંજી દેવા તો નથી કરતાને? આ ક્રિયા-કર્મ કરવા પાછળનું હાર્દ તો આપણે વિસરી નથી જતાંને? આ ક્રિયા-કર્મ પાછળનો આપણો ભાવ તો અણીશુદ્ધ છે ને? શબરીના એઠાં બોર આરોગનાર શ્રી રામ અને છપ્પનભોગ છોડી વિદૂરની ભાજી ખાનારો મારા શ્યામ તો આપણે જાણીએ છીએ તેમ ફક્ત ભાવના ભૂખ્યા છે અને આપણા મનમાં રહેલા ભાવ બીજું કોઈ જાણી શકે કે નહિ, પણ એ તો ચોક્કસ જાણે છે…

કવિવર આવીજ કંઈક વાતને આ રચના દ્વારા માર્મિક રીતે રજુ કરે છે…શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् |
मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ सर्वश: || 11||

અર્થાત દરેક મનુષ્ય જે ભાવ અથવા માધ્યમથી મારી સાથે જોડાય છે તે જ રીતે હું તેની સાથે પાછો જોડાઉં છું. એટલે જો પરમેશ્વર સાથે આપણે ફૂલહારના ઢગલા થકી કે દીવા-અગરબત્તીના સુગંધિત ધુમાડા થકીજ જો સ્થૂળ રીતે ઉપરછલ્લી રીતેજ જોડાવા માંગતા હોઈશું તો પ્રભુ પણ આપણી સાથે કદાચ એ રીતે જોડાશે. પણ આ ફૂલહાર અને અગરબત્તી-દીવાની વચ્ચે પણ, જો આપણે આપણી ભીતર રહેલા “બ્રહ્મ” સાથે અંતરનું જોડાણ સાધવા પ્રયત્નશીલ રહીશું તો કયારેક આપણે પણ એ દિવ્ય શક્તિનું સતત સાતત્ય અને સાનિધ્ય અનુભવવાને કાબેલ બની શકીશું…

તો ચાલો, આપણી ભીતર રહેલા પરમાત્મા કે “બ્રહ્મ” સાથે સાતત્ય સાધવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ, 

અલ્પા શાહ 

ઓશો દર્શન-6. રીટા જાની

ભારતીય સંસ્કૃતિ એ આચાર અને વિચારનો સમન્વય, સંયોગ અને સંગમ એવી વિશાળ પરિકલ્પના પર રચાયેલી છે. ઉપનિષદો આ સંસ્કૃતિના અગત્યના અંગો રહ્યાં છે. ઉપનિષદો એ જ્ઞાનમાર્ગ પણ છે અને તત્વદર્શન પણ. કોઈ પણ વિચારની મુલવણી કરવા માટે નેતિ નેતિના શબ્દો દ્વારા તેની પરીક્ષા કરવાનો ઉપનિષદોમાં પણ પ્રયત્ન છે જ. સત્ય સનાતન છે અને સમય કે કાળથી પર છે તેવી વિચારધારા એ વૈદિક સંસ્કૃતિનું દર્શન છે. આ કારણે જ અહીં નવી નવી ધર્મ અને દર્શનની વિચારધારાઓ પ્રગટી છે. ઓશો દર્શન પણ કંઇક આવો જ પ્રયત્ન છે. વિજ્ઞાનની જેમ જ સાબિતી વિના કોઈ વાત માનવી નહિ તેવા અભિગમ સાથે જ્ઞાન પિપાસાને તૃપ્ત કરવાનો અને સાથે જ ઉદાહરણો આપી તેને સિદ્ધ કરવાનો અભિગમ એટલે ઓશો દર્શન.

મોતી જોઇએ તો મહાસાગરના મરજીવા બનવું પડે. આસમાનને આંબવું હોય તો મનમાં કલ્પનાની પાંખ સાથે દ્રઢ નિશ્ચયની ગાંઠ પણ હોવી જ જોઈએ. હિમાલયના હિમશિખરની ઊંચાઈને સર કરવી હોય તો મનમાં જોઈએ સ્પષ્ટ ધ્યેય અને દ્રષ્ટિ, કસાયેલાં કદમોનું કૌવત અને હૈયે હામ. તો વિચાર દર્શનના મહાસાગરમાં આપણી માનસ નૈયાને ઉતારવા માટે શું જોઈએ?

જ્યારે દ્રષ્ટિ અને સૃષ્ટિ મહાસાગરને પાર કરવા અધીર બને છે, ત્યારે શરૂ થાય છે એક સફર. ચિંતન કણિકાઓ તો માર્ગના પડાવોનું દર્શન છે, પણ સાચી સજ્જતા વાચકની મનોસ્થિતિની છે. આજે એ સજ્જતા કેળવવાના હેતુ સાથે એક એવું વિચાર દર્શન કરીશું, જ્યાં અનુભૂતિ એ જ આકર્ષણ હશે. આ અનુભુતિમાં ઓશો દર્શનના વિચારક અને લેખક શ્રી રમેશ પટેલના – “ઓશો મારી બારીએથી” પુસ્તકના વિચાર અંશો અને અવલોકનો તો સામેલ છે જ પણ ઓશોની વિચારધારામાંથી કંઇક નવું શોધવાની આપણી જીજ્ઞાસા અને સત્યને પામવાની આપણી ઉત્કંઠાનો અંશ પણ હશે જ.

ઓશો એક વિચારક પણ છે અને મનને સંસારના ઝંઝાવાતની વચ્ચે સ્થિરતા આપવાના પ્રયત્નોનું પ્રભાવક્ષેત્ર પણ છે. શ્રી રમેશ પટેલના શબ્દો યાદ કરીએ તો-
“ઓશો એક મહા શૂન્ય છે. બ્લેક હોલ છે. એવું શૂન્ય કે જેની નજીક આવતો પદાર્થ તેના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે કે પીગળવા માંડે છે. પોતાનું પદાર્થ તરીકેનું અસ્તિત્વ ગુમાવવા માંડે છે. “ઓશો તો આકાશ છે. સંપૂર્ણ આકાશને જોવાનું આ નાની દ્રષ્ટિમાં ક્યાંથી સામર્થ્ય હોય? ઓશો જેવા અનંત આકાશને પેન્ટિંગ દ્વારા કેનવાસ પર ઉતારવાનો ભાવ પ્રગટ કરતાં તેઓ કહે છે કે હું મારા રંગો, તેના અવકાશ અને વિશાળતાને ઉતારી શકવા સમર્થ નથી.

આજે જ્યારે દરેક વિચારશીલ વ્યક્તિ એક સ્પષ્ટ દિશા તરફ જવા પ્રયત્ન કરે છે ત્યારે ઓશોની વિચારસરણીની ચેતનાના રંગોને આપણી બારીએથી જોવા, સમજવા અને માણવા પ્રયત્ન કરીશું. કોઈ પણ દર્શન એ ચિંતન, મનન અને ધ્યાન એવા ત્રણ સોપાનોની વિકાસયાત્રા છે. આ વિકાસયાત્રા દરેકની આગવી છે, પણ તેની શરૂઆતનો અગત્યનો તબક્કો છે ધ્યાન. ઓશોના પુસ્તક ‘ધ્યાનસૂત્ર’ વડે લેખકને જાણ થાય છે કે ધ્યાન શું છે. ધ્યાન એ જીવનને સમજવાની ચાવી છે. ધ્યાન આત્મચેતનાને જગાડવા માટે છે. ધ્યાન માત્ર પુસ્તકો કે તર્કથી અલગ બૌદ્ધિક કે સચેતન મનને દાખલા દલીલોથી સમજાવવા માટે નથી, પણ જીવનના તત્વને જાણવા માટે છે. તેથી જ ઓશો ધ્યાન કરવા કહે છે. ઓશોના ધ્યાનના પ્રયોગમાં પતંજલિના યોગ, શિવના તંત્ર , કૃષ્ણના કર્મયોગ, બુદ્ધનું ધ્યાન, લાઓત્સેના શૂન્યતા અને ઝેનની છલાંગનો સમન્વય છે. આ જ્ઞાન સરિતાનો પાયો ધ્યાન છે તેમ ઓશો કહે છે. ઓશોના શબ્દોમાં કહીએ તો – ‘હું શૂન્ય છું, વાંસળી જેવો છું, પોલો છું. તમે તેમાં જેવો સૂર વગાડશો તેવો વાગશે.’

માનવજીવન એ જૈવિક શક્તિ અને પ્રાણશક્તિનો સમન્વય છે. શક્તિ પરમાત્માનું સ્વરૂપ હોવા છતાં મન પરમાત્મા અને વ્યક્તિ વચ્ચે અંતરાય પેદા કરે છે. ખરેખર મનુષ્યની અંદર છે તે જ બહાર છે પણ મનરૂપી પડના કારણે બંને જુદા પડે છે અને બંને વચ્ચે દ્વૈત પેદા થાય છે. ધ્યાન દ્વારા દ્વૈતને પાર એવી જીવંતતાનો અનુભવ કરી શકાય છે. ધ્યાન પાયો છે, ઉપાય છે મનની પાર જવાનો. જો તે તમને જીવંત બનાવે તો જ ધ્યાન. લેખક કહે છે કે ધ્યાનને બધા વખાણે છે કારણ કે ધ્યાનને વખોડવા જેટલી પ્રમાણિક હિંમત તેમનામાં નથી. આ પ્રમાણિક હિંમત જેમનામાં હોય તેમના માટે ધ્યાન છે. લોકો કહે છે કે ધ્યાન અદભુત છે, ધ્યાનથી મન શાંત થાય, ધ્યાનથી પરમાત્મા મળે. પણ ધ્યાન એ કંઈ ધ્યાન સાથે પરમાત્મા ફ્રી એવી સ્કીમ નથી. ધ્યાન એ વ્યક્તિમાં માત્રાત્મક નહિ પણ ગુણાત્મક ફર્ક લાવે છે.
પ્રશ્ન સહજ છે. શું છે આ ફર્ક?
ઓશો દ્રષ્ટાંત આપે છે-
દ્રષ્ટાંત છે સમ્રાટ અકબર અને ગાયક તાનસેનનું. એક વાર તાનસેનના ગાયનથી અતિ પ્રસન્ન થઈ સમ્રાટ અકબર બોલી ઉઠે છે, ‘તાનસેન, હું નથી ધારતો કે સમગ્ર ભારત વર્ષમાં તારા જેવો ગાયક ક્યારેય થયો હશે કે કેમ?
તાનસેન જવાબ આપે છે, ‘જહાંપનાહ, મારાથી પણ ઉત્તમ ગાયક આપણા શહેરમાં જ છે’. સમ્રાટે પૂછ્યું,’તે કોણ છે?’ તાનસેને કહ્યું, ‘એ છે મારા ગુરુ હરિદાસ. પણ તે અહીંયા આવીને ગાશે નહિ’. અકબર કહે છે તેને આ અદભુત ગાયન સાંભળવું છે અને અકબર તાનસેનના કહ્યા મુજબ ગુપ્ત રીતે સવારના ત્રણ વાગ્યે ગુરુ હરિદાસ યમુના કિનારે ગાતા હોય છે ત્યારે સાંભળે છે અને મંત્રમુગ્ધ થઈ કહે છે, ‘આવું ઈશ્વરીય ગાન મેં કદી સાંભળ્યું નથી. પણ આવું ગાયન તને તારા ગુરુએ ન શીખવ્યું કે પછી તું ન શીખી શક્યો? આ ફર્ક કેમ?’
તાનસેન જવાબમાં કહે છે, ‘જહાંપનાહ, આ ફર્કનું કારણ એ છે કે હું એક સમ્રાટ માટે ગાઉં છું અને તેઓ પરમાત્મા માટે. હું ધન માટે ગાઉં છું અને તેઓ ધન્યતા માટે.’

ધ્યાની અને બિન ધ્યાનીમાં કૃત્યમાં પણ આટલો ગુણાત્મક ફર્ક હોય છે. ધ્યાન વિષે આ અદભુત સમજણ ઉદભવે છે ઓશો દર્શનમાંથી. ધ્યાન એ સૃષ્ટિ છે જે મનની પાર જઈ હૃદય અનુભવે.

આકાશના તારા ઈશ્વરનું સર્જન છે. આપણે જોઇએ છે, હબલ ટેલીસ્કોપ પણ જુએ છે અને તદ્દન નવીન જેમ્સ વેબ ટેલીસ્કોપ પણ જુએ છે. પરંતુ દરેક કંઇક જુદું જુએ છે, કારણ ફરક છે દૃષ્ટિનો. આ ચિંતન કણિકા એ દૃષ્ટિ છે જે આપણને ધ્યાનની ક્ષમતા વિકસિત કરવા પર અને નવી દૃષ્ટિની ક્ષિતિજો વિકસાવવા પર પ્રેરિત કરે છે. હૈયે હામ હોય અને હાથમાં હલેસાં હોય તો મહાસાગર પાર કરવો એ ક્ષમતા અને શક્યતાના સુમેળનો ધ્રુવતારક છે. આ ધ્રુવતારકને શોધવાની દૃષ્ટિ એટલે ઓશો દર્શન, જીવનના કેનવાસ પર આપણા આત્મદર્શનના રંગો વિકસાવવાની ક્ષમતા, સજ્જતા અને તકનો સંગમ.

રીટા જાની
25/02/2022

Vicharyatra : 5 Maulik Nagar “Vichaar”

સમયની ધીરજ…

એક સમય એવો હતો જયારે ખરેખર સમય પાસે સમય હતો. એક એક ક્ષણ મંદ ગતિએ હસતી રમતી મુસ્કુરાતી વીતતી હતી. ટપાલી તો જાણે મહેમાન જેવો લાગતો હતો. ભલેને દસ પંદર દિવસે સંદેશો મળતો! પણ એ સંદેશાની રાહ જોવાતો સમય પણ આપણને ગળ્યો લાગતો હતો. દરેક સેકંડ મધપૂડામાંથી નીતરતા ટીપાં જેવી લાગતી હતી. ઘણાં સામાયિકોમાં પેન ફ્રેન્ડ બનાવવા માટે વિદેશના નાગરિકોના સરનામાં છપાયેલાં મળતા. તેઓને આપણે મિત્રતાનો પત્ર લખીએ અને તે આપણને વળતી મૈત્રી મોકલાવે. જે દિવસે પત્ર મળે અને એજ દિવસે જો આપણે વળતો મૈત્રીનો સંવાદ મોકલીએ તો પણ આખા વર્ષમાં માંડ ૪ પત્રની આપ-લે થતી. સમય કેટલો ધીરો અને ઘેરો ચાલતો હતો!! હાલની ઘડીથી તો આપણે વાકેફ જ છીએ…!!!

મને તો એવું લાગે છે કે સમયને જ શ્વાસ ચડ્યો છે. સમય પોતાની જ ધીરજ ગુમાવી બેઠો છે. સમયની અત્યારની પરિસ્થિતિ જોઈને તો એવું લાગે છે કે ‘સમય પોતે તો હાંફે જ છે, સંગાથે આપણને પણ હંફાવે છે. ધારાવાહિકમાં કહો કે આપણા વડીલો આપણને કહેતા, “સમય બહુત બલવાન હૈ!!” સાચી વાત, એ સમય બળવાન હતો. એ જ સમય આપણને બળ આપતો હતો. આપણને કંઈક શીખવતો હતો. અત્યારે આપણે સમયના ગુલામ છીએ. સમયમાં સમાઈ ગયા છીએ. ખબર નથી પડતી કે સમય આપણી આગળ દોડે છે કે આપણે એની પાછળ ભાગીએ છીએ.

ગમે તે હોય પણ સમય હવે તેની સુંદરતા ગુમાઈ ચૂક્યો છે. થોડાંક દિવસ પહેલાં આપણા જ એક લેખક મિત્રએ એક્ઝિટની સ્ટ્રેટેજીની વાત કરી, બીજાં એક લેખક વડીલે મને ધીરજ ઉપરનો પોડકાસ્ટ મોકલાવ્યો…એનાથી મને એવું જ લાગ્યું કે સાચે જ આપણે એક આખા દિવસને છવ્વીસ કલાક સમજીને જીવવો જોઈએ. એવું કરવાથી સમયની ગતિ તો મંદ નહીં પડે પણ આપણા કલાકોનો કૌંસ વધી જશે! સમયને માન તો આપવાનું જ છે પણ એનું ધ્યાન પણ રાખવાનું છે. સમય ભલેને અમર હોઈ શકે પણ એનું સ્વાસ્થ્ય જરૂર નબળું પડ્યું છે. સમયની શુદ્ધતામાં યુદ્ધતા ભળી ગઈ છે. એક જમાનામાં લોલકની ઝડપે ચાલતા સમયમાં સૌમ્યતા હતી. સમય તો સાચું શિક્ષક કહેવાતું હતું. આજે એ જ શિક્ષકની શિસ્ત સાત ઇંચના સ્ક્રીનમાં વેડફાઈ ગઈ છે.

સમય અત્યારે સવારી પર ચડ્યો છે. આપણે તો માત્ર અશ્વ જ છીએ. સમયની નિર્દોષતા આપણે જ ખંડિત કરી છે. સમયનો મોટામાં મોટો દુશ્મન છે, “એનો સદ્દઉપયોગ”. જો આપણે સમયનો સદ્દઉપયોગ કરતાં પાછું શીખી જઈશું તો એ ચોવીસે ચોવીસ કલાક આપણા કાંડે મલકાશે. હજી પણ સમય સુધારવાનો સમય છે. સમય સાથે રહીને સમયનો સત્સંગ કરીએ, તો સમયને પણ ધીરજ આવશે.

  • મૌલિક નાગર “વિચાર”

સંસ્પર્શ-5 –

jigisha -સંસ્પર્શ -youtube

ગીરના તળની મીઠી મધ જેવી અસલ ભાષા ધ્રુવદાદાએ અકૂપારમાં તેના એકેએક પાત્રનાં સંવાદોમાં મૂકી છે.આ તળની ભાષાનાં સંવાદો આપણને જાણે ગીરમાં સાંસાઈ,લાજો, મુસ્તફા અને વિક્રમ સાથે વાતો કરતાં કરતાં, ગીરનાં જંગલમાં ફરતાં હોઈએ તેવો અનુભવ કરાવે છે.આ પ્રવાસ વર્ણન ખાલી ગીરની જાણકારી આપતું પ્રવાસ વર્ણન નથી પણ દરેક પાત્રો વાંચતાં વાંચતાં તે આપણાં પોતીકાં બની જાય છે .આપણે ગીરનાં નેસડામાં બેસીને જાણે લાકડાનાં ચૂલેથી,માટીની કલાડીમાંથી ઉતરતાં ,ગરમ ગરમ રોટલા સાથે ભેંસનું તાજું દોહેલ દૂધનું શિરામણ કરતાં હોય તેવું લાગે છે.અને રાતની ઠંડીમાં ઠૂંઠવાતાં હોઈએ ત્યારે સાંસાંઈએ બનાવેલી ચા રકાબીમાં પીતા હોય તેવો અનુભવ કરીએ છીએ.
 
“સ્હાવજું વધી ગ્યા એટલે બારા નીકળી ગ્યા સે ઈ બધી વાંત્યું છાપાની.ગયર ક્યાં લગણ કેવા’ય ઈંની બાયરનાંવને સ્હું ખબર પડે?સ્હાસું તો ઈ સે કે ગયરની માલીકયોર આપડે રે’વા મંડ્યા;તોય ગયરના જીવ માતરે આપડી આમન્યા રાખી.ઈંની જગ્યા દબાતી ગય એમ ઈ અંદર જાતા ગ્યા.પસી વધતું જ જાય તો સ્હાવજ ક્યો કે બીજાં જીવ ,જાય ક્યાં?”
 
કોઈએ જ્યારે ગીરનાં જંગલનાં વિસ્તારની વાત કરી કે “આ ગામ જંગલની હદમાં નથી ,નકશા પ્રમાણે આ ગીર નથી લાગતી.પહેલા સાવજ અહીં સુધી નહોતા આવતાં, હવે ગીરનો વિસ્તાર વધી ગયો એટલે સાવજ બહાર આવતા થયાં.”આના જવાબમાં સાંસાઈ સાવજ એના પોતાના હોય, તેમ તેનો પક્ષ લઈ ,માણસોએ પોતાની આમન્યા ઓળંગી એટલે સિંહ અને બીજા પ્રાણીઓને બહાર આવવું જ પડે છે ,તેમ કહે છે.તેની ભાષામાં આવું પણ કહે છે કે”નક્સાવાળી ગયર આપડે નથ્ય જોતી. ઈંને ટુરિસ હારું રાખો. આપડે તો જ્યાં સ્હાવજ હાલ્યો ઈ બધીયે ગયર,પસી ભલે ઈ ઘરેડને દરિયે પોગે કે બયડાના ડુંગરે જાય”અને ગીર જાણે આખેઆખું પોતાની માલિકીનું હોય તેમ ખિજાઈને બોલતી સાંસાંઈનો આ સંવાદ ,જાણે દીકરીને તેનાં માતાપિતાને માટે કે તેના પિયરનાં ઘર માટે કોઈ બોલે અને કાળજામાં ઘા લાગ્યો હોય અને છેડાઈ જઈ હાડોહાડ લાગી આવે તેવો લાગે છે.સાંસાઈનાં મુખેથી બોલાયેલ આ સંવાદ દ્વારા ,ધ્રુવદાદાએ તળનાં લોકોનાં હ્રદયની પારદર્શકતા સાથેનાં પોતાની ભૂમિનાં જોડાણનું અદ્ભૂત આલેખન કર્યું છે.જૂઓ આ સાંસાંઈનો સંવાદ”,અને ગયરને નામે તમારી કેરીઓ વેસો,ગયરના નામે ઘી વેસો ,ત્યાં આયાં ગયર નો લાગે ઈ કેમ યાદ નથ રે’તું? “
 
 
કદાચ ધ્રુવદાદાનાં આવા મીઠાં,ચોંટદાર ,હ્રદયસ્પર્શી સંવાદ અને પાત્રાલેખનને કારણે જ શ્રી અદિતિ દેસાઈને ‘અકૂપાર ‘ નાટક તરીકે ભજવવાનું મન થયું હશે! અને સાંસાંઈનાં પાત્રને દેવકીએ એટલું અદ્ભૂત રીતે ભજવ્યું છે કે સાંસાઈ નામ આવતા દેવકી જ સાંસાઈનાં પાત્રમાં આપણી નજર સમક્ષ રજૂ થઈ જાય છે.
 
લાજોની અને સાંસાઈની સખીઓની વાતોથી ,તળની સ્ત્રીઓની વ્હાલપથી ભરપૂર મિત્રતા,લાજોની પિયરની આપેલ ગાય સાથેની લાજોની નિ:શબ્દ થઈ જઈએ તેવી પ્રીતિ અને ગિરવાણ ગાયને સાવજે ગળેથી પકડી છે અને ગાય ,લાજો સામે તેને છોડાવવા લાજોને વિનંતી કરતી હોય તેવી ગાયની આંખોનું વર્ણન આપણને તે વાત વાંચતાં જ ગાયની આંખોનાં દર્દ અને વિનવણીનું ચિત્ર ,મનોપટ પર અંકાઈ આંખને ભીની કરી દે છે. એકવાર જે ગાયનાં ગળા પર સાવજનાં દાંત પડ્યા હોય તે ,લાજો તેને સાવજનાં મોંમાંથી છોડાવે તો પણ તેનું મોત હેરાન થઈને થાય તેના કરતાં તેને ખાઈને સાવજનાં બચ્ચાં નું પેટ ગાયને ખાઈ ને ભરાયની વાત ,સાંભળીએ ત્યારે લાજોની વાત ન્યાયાધીશ જેવી લાગે છે. તેમજ ગાયને સાવજનાં મોંમાંથી નહીં છોડાવવાની વાત ,દર્દીને કોઈપણ હિસાબે સારું થાય એવું ન હોય અને તેનાં સ્નેહીઓ વેન્ટીલેટર પરથી દર્દીને ઉતારી લેવાની ડોક્ટરને મંજૂરી આપતા હોય તેવું લાગે છે.
 
મને તો ગીરનાં પ્રેમાળ લોકોની મહેમાનગતિ,તેમનો મહેમાનનો સાથેનો પ્રેમસભર અહોભાવ,ગીરની ભૂમિ તેનાં ઝાંડવા,ડુંગરોની સાથેનો પ્રેમ ,સાથેસાથે વ્હાલાં ગીરનાં સાવજ અને ગિરવણની ગાય ,ભેંસ,રોઝડા સાથેનો પ્રેમ જે સહજતાથી છલકાતો દેખાય છે.તળનાં લોકો જાણે આપણાં શહેરનાં માણસો કરતાં કંઈ જુદી જ માટીનાં બનેલ હોય તેવાં નિસ્વાર્થી,નિર્દોષ અને એકદમ સાચાં માણસાઈથી ભરપૂર માણસો લાગે છે.માણસ માણસને તો પ્રેમ કરે પણ તેમનો પ્રાણીઓ અને પ્રકૃતિપ્રત્યેનો અને ગીરની ધરા પ્રત્યેનો પ્રેમ પણ ધ્રુવદાદાએ એટલો સહજ,સરળ રીતે દર્શાવ્યો છે કે તે લોકોની સરળતા આગળ શહેરનાં દરેક માનવી આપણને સાવ દંભી અને સ્વાર્થી લાગે છે.
 
ગીરનું વર્ણન કરતાં તેમણે કેવી સરસ વાત કહી કે ગીર જંગલ,વન,અરણ્ય,અરે! વિપિન,ગહન,ગેહિની,કાનન,ભિરુક,વિકૃત,પ્રાન્તર નથી તો શું છે ગીર???
“આ ગીર છે .માત્ર ગીર. રૈવતાચલની પરમ મનોહર પુત્રી,જગતના તમામ ભૂ-ભાગોથી અલગ, આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી,હંમેશા જીવતી ,સદાસોહાગણ સદા મોહક ગીર,સાંસાઈની ગાંડી ગીર,જગસમસ્તમાં નારીવાચક નામે ઓળખાતી આ એકમાત્ર વિકટ-ભૂ ને પોતાના નામ સિવાયનાં બધાં જ વર્ણનો,બધાં જ સંબોધનો અધૂરાં પડે.”અનેક પ્રકારનાં ભૂપૃષ્ઠ ધરાવતી ગીરની ધરા પર પ્રકૃતિનાં અનેક સ્વરૂપો,તત્વો એક જ સ્થળે પરિશુદ્ધ સ્વરુપે વિકસ્યા છે તેનું આબેહૂબ વર્ણન કરી દાદાએ આપણને ગીરની ધરતીનાં ધબકાર સંભળાવ્યા છે .અને ગીરનાં ગીતો પણ, લો સાંભળો આ ગીરની લોકસંસ્કૃતિનું દર્શન કરાવતું ગીત,”
 
શિયાળાની ટાઢ્યું હું ખડ કેમ વાઢું
સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા.
ઉનાળાના તડકા મારા પેટમાં બળે ભડકા
સોમાસાના ગારા મારે માથે ખડના ભારા
સિપાઈ દે છે ડારા તમે નીકળો ગીર બારા
 
અને જાણે ગીરનાં એમ્બેસેડર ન હોય તેમ સૌને ગીર જીવનમાં એકવાર તો જોવા અને સાવજની ત્રાડ સાંભળવા તેમજ વનકેસરીનાં દિદાર કરવા જવું પડે તેવો ઘ્રુવદાદાએ અનુભવ કરાવ્યો છે.
 
અને મને ધ્રુવદાદાનું ગીત કાનમાં ગુંજે છે,
 
લીલાં લીલાં જંગલ જેવું કંઈક હતું અહીં કાલ,આજે નગર વસે છે.
કોઈ જનમની લેણદેણથી બધ્ધ હવાને ધીરે ધીરે નગર શ્વસે છે.
સાગરમાંથી પર્વત ઉપર જઈ રડી છે નદીઓ એવું કોને કહેવું
કહેવા કહેવા કરવા જેવું કંઈક હતું અહીં કાલ આજે નગર વસે છે.
 
શહેરનાં ધસી આવતાં પ્રવાહની વચ્ચે જ્યારે ગીર જેવા રમ્ય પ્રદેશો,વન્ય સૃષ્ટિ,અને વન્યજીવો ઘટતાં જશે ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણ અને તેમાં જીવતાં વન્યપ્રાણીઓ માટેની સહજ ચિંતા દાદાનાં શબ્દોમાં ટપકતી દેખાય છે!
 
જિગીષા દિલીપ
૨૩ફેબ્રુઆરી ૨૦૨૨
 

ફરી…કલરવ અને કોલાહલ – 4

પારકી થાપણ

મારી નાની દિકરી ‘ખૂબી’ એટલે જાણે વાતોનું વાવાજોડું! એક ટોપિક પરથી બીજા ટોપિક પર એટલી ઝડપથી ફરી વળે કે ઘણીવાર મગજ અને કાન બન્ને થાકી જાય. છે દસ જ વર્ષની પણ વાતો કરે ડહાપણ વાળી (ક્યારેક દોઢ ડહાપણ પણ ખરું) અને તર્કયુક્ત. હમણાં ખૂબી ઘરમાં સ્લાઇમ (બાળકોને રમવાનો એક ચીકણો પદાર્થ) બનાવી રહી હતી. સ્લાઇમને કેમ બનાવવું તે વાત પર અમારા બાપ-દીકરી વચ્ચે સરખી દલીલ થઈ અને બાપના રૌફમાં આવી મેં તેને આકરા શબ્દો કહ્યા અને ચૂપ કરી દીધી. મારા શબ્દો સાંભળી ખૂબીના ચહેરાનું સ્મિત ગાયબ થઈ ગયું. તેનો ઉત્સાહ શમી ગયો અને થોડી વાર પછી તે ઉભી થઈ ને પોતાના કક્ષમાં ચાલી ગઈ. મારા પત્ની અમી આ જોઈ રહી હતી અને ખૂબીના ગયા બાદ મારી તરફ ફક્ત નજર કરી, જેમ ગુનેગાર તરફ જજ જુએ તે રીતે. મને મારી ભૂલ સમજાઈ. તરત જ ઉભો થઈ ખૂબી પાસે ગયો, તેની માફી માંગી, તેને મનાવી અને સ્મિત સાથે પાછા રમવા બેઠા. એકલા પડ્યા બાદ અમીએ  મને કહ્યું, “મને ગમ્યું કે તમે ખૂબીની માફી માંગી. બાપના અહમને તમે વચ્ચે આવવા ન દીધો. તેના બાળ માનસ ઉપર કોઈ અણગમતી અસર પડે એ પહેલા જ વાત વાળી લેવી જોઈએ. આજે આપણે ભૂલની માફી માંગશું તો બાળકો આપણને જોઈને શીખશે. દિકરીઓ વધારે સંવેદનશીલ હોય એટલે બોલવામાં વધુ ધ્યાન રાખવું.” 

હું વિચારતો થઈ ગયો. આપણે ત્યાં માતૃભાષા માટે કેટલું બધું લખાયું અને ચર્ચાયું છે પણ પિતૃભાષા માટે અલ્પ વાતો સાંભળવા મળશે. પરંપરાગત પિતાની ભાષા શિસ્ત અને વ્યવહારુ સમજથી ભરપૂર હોવી એવો સ્ટીરિયોટાઇપ (stereotype) છે – એમાં લાગણીવેડા ન હોય. પણ ખરેખર તો સંવેદનશીલતા એ નબળા વ્યક્તિની નિશાની નહી, પણ પરિપક્વ પુરુષની પરિભાષા છે. જો પિતા પ્રેમ અને લાગણીની પણ અભિવ્યક્તિ કરી શકે તો તેના બાળકો સાથેનો સંબંધ ખૂબ જ ઊંડો થશે. અને ખાસ કરીને દિકરી સાથે. દિકરીને ઉછેરવી એ જવાબદારી સાથે સાથે એક વિશેષાધિકાર (privilege) છે! આપણો સમાજ ભલે દિકરીને ‘પારકી’ ગણે પણ દિકરીના પોતીકાપણા અને હૂંફ નો જોટો તમને ક્યાંય ન જડે. મારે ઉદાહરણો ગોતવા બહાર જવાની જરૂર નથી!

અમી જ્યારે ૧૫ વર્ષની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું. તેના ભાઈ-બહેન તેનાથી ૮-૧૦ વર્ષ નાના હતા. ઘરમાં નેવું વર્ષના દાદી હતા, બહોળો મામા-માસી-ફઈઓનો પરિવાર હતો છતાં પણ નાનપણથી અમી જવાબદાર બની ગઈ. ઘરના અને બધાના કામો પુરા કરી પછી વધ્યો સમય પોતાના ભણવામાં આપ્યો અને Interior Designer બની. તેના પિતાજી ખુબજ શાંત સ્વભાવ ના. અમી પર તેને ઘણો ભરોસો અને એનો ઘણો ટેકો પણ ખરો. અમી કહેતી કે તેના પપ્પાએ ભાઈ-બહેનોને ક્યારેપણ ઉંચા અવાજે કહ્યું નથી. અમી નવું નવું રોટલી કરતા શીખતી હતી. રોટલી ગોળ બનાવતા બનાવતા દેશ-વિદેશના નકશા બની જાય, રોટલી બળી જાય તો પણ પપ્પા ક્યારે પણ ટોકતા નહી. ઉલ્ટાનું પ્રોત્સાહન આપતા, “તારા હાથની જ બનાવેલી રોટલી જમીશ”. પોતાનો મત રાખવો હોઈ તો પપ્પા એવા હળવેથી વિચાર રજુ કરે કે છોકરાઓને વાત શીરાની જેમ ગળે ઉતરી જાય. અમી ઉપર પિતાના આ ગુણોની ખાસ્સી અસર પડી હતી.

૨૩મેં વર્ષે અમી અને મારા લગ્ન થયા ત્યારે તેના ભાઈ-બહેન હજી નાના અને ભણતા હતા. દાદી ગુજરી ગયા હતા. પપ્પા કઈ રીતે ઘરની જવાબદારી સંભાળશે તેની ચિંતા અમીને સતત રહે. લગ્નજીવનનો ઉત્સાહ તો ખરો પણ મન પિયરમાં ખેંચાય અને ત્યાંના નાના મોટા કામોમાં બનતી સહાયતા તે કરે. જ્યારે તેના પિતાના ફરી લગ્ન કરાવવાંનો પ્રસ્તાવ મુકાયો ત્યારે અમીએ પપ્પાને મનાવવાનું મોટું કામ કર્યું. તેમના પાછલા જીવન અને ભાઈ-બહેનના ઉછેરને ધ્યાનમાં રાખી તેના પિતાને પરણાવ્યા. વર્ષોબાદ બંને ભાઈ-બહેનનો ભણી, પરણીને સારી રીતે સેટ્ટલ થઇ ગયા. ગત વર્ષે અમી ના પિતાજીની તબિયત નાદુરસ્ત થઈ. દરોજ્જ સિંગાપોરથી વિડિઓ કૉલ કરી પપ્પાને નવકાર અને વિધિ કરાવે. તબિયત વધારે લથડી તો તરતજ અમી મુંબઈ પહોંચી ગઈ. ICU માં પપ્પાને છેલ્લી વાર નવકાર સંભળાવ્યો. અંતિમયાત્રામાં પિતાના નશ્વર દેહને તેણે કાંધો આપ્યો, અને ત્રણેવ ભાઈ-બહેનોએ પિતાને અગ્નિદાહ આપી દેવોને સુપ્રત કર્યા. સમાજમાં કેટલાકને આ જોઈને અજુગતું લાગ્યું હશે કે દિકરી થઈ ને સ્મશાને ગઈ ને અગ્નિદાહ આપ્યો પણ દિકરીને મન તો આ બાપને વળાવવાની વેળા હતી – તેનો પ્રત્યક્ષ ઋણસ્વીકાર કરવાની આખરી તક હતી. 

બધાના અનુભવો ભિન્ન-ભિન્ન હશે પણ પ્રત્યેક દિકરીને તેના માવતાર માટે અને ભાઈ-ભાંડુઓ માટે આવીજ લાગણી હશે. આવી દિકરીઓને ઉછેરવાનું સૌભાગ્ય આપણને આવ્યું હોય તે આપણા સુકર્મ. તો સમર્પણ અને પ્રેમની એ કાચી માટીમાં આપણી લાગણી અને સંવેદનાનું જળ છાંટીએ તો આ મૂર્તિ કેવી અદભુત તૈયાર થશે!

રવિવારે બપોરે જમીને લંબાવ્યું ત્યાં ફોનની ઘંટડી રણકી. કોલ કરનારનું નામ પરિચિત ન હતું. થોડા અણગમા સાથે ફોન ઉપાડ્યો. સામે છેડે અવાજ આવ્યો: “મિહિરભાઈ, હું કિશોર બોલું છું. આપણા સમગ્ર કુટુંબનું એક ‘પરિવાર વૃક્ષ’ (family tree) બની રહ્યું છે અને તેના માટે થોડી માહિતી જોઈએ છે.” નાનપણમાં પિતાજીએ મને સાત પેઢીના નામ મોઢે કરાવ્યા હતા એટલે હું તો કડકડાટ બોલી ગયો અને પછી અભિવાદન માટે થોભ્યો હોય એમ નાટકીય વિરામ આપ્યો. ત્યાં સામેથી બીજો પ્રશ્ન આવ્યો “બહુ સરસ. મેં બધાજ નામો નોંધી લીધા છે. હવે તમારે અને ભાઈને શું સંતાનો છે?” મેં કહ્યું અમારે બન્નેને બે દિકરીઓ છે. થોડી ક્ષણો માટે કોઈ પ્રતિસાદ ના આવ્યો. પછી કિશોરભાઈએ  ટૂંકમાં પતાવ્યું “કાંઈ વાંધો નહિ. વંશ વૃક્ષ તમારા સુધી રહેશે  – તમને ડ્રાફ્ટ થોડા સમયમાં મોકલાવશું. જય શ્રી કૃષ્ણ”.  મારો ચહેરો ગંભીર થઈ ગયો. મનમાં આવ્યું કે હજી પણ આ જ વિચારધારા છે? વંશ વધારવો એ ફક્ત શું પરિવારના નામને કે ‘અટક’ને જીવતી રાખવા પૂરતું સિમિત છે? કેટલો સંકુચિત દૃષ્ટિકોણ! વંશ વધારવો એટલે તેની વિચારધારા, તેના સંસ્કારો અને તેના ગુણોનો વધારો કરવો હોવો જોઈએ.

તેના મોટા ઉદાહરણો આપણી સમક્ષ છે : ઇંગ્લેન્ડનો રજવાડી પરિવાર (Royal Family) – તે પરિવારની દીકરી અને હાલની મહારાણી (Queen of England) દ્વારા ટકી રહી સમૃદ્ધ થયો છે. પંડિત નહેરુનો વંશ આજની તારિખમાં તેની પુત્રી ઇન્દિરા દ્વારા જીવંત છે. અને આવા તો કેટલાય દાખલાઓ આપણને મળશે. તો કેમ ફર્ક છે તેમના અને આપણા વિચારો માં? આપણી માનસિકતા ક્યાં અટકી ગઈ છે?

બહુજ પ્રચલિત અને જુનું ગુજરાતી લગ્નગીત છે :  “દિકરીને ગાય દોરે ત્યાં જાય … દિકરી તો પારકી થાપણ કહેવાય”. મારુ વિનમ્રપણે માનવું છે કે હવે આ ગીતના શબ્દો બદલવાની જરૂર છે: “દિકરી જોતા દેવો હરખાય … દિકરી તો કુળનું ડહાપણ કહેવાય”.

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (22-Feb-2022)

હેલીના માણસ – ૫ | પુણ્યશાળી પાપની ક્ષણો!

નમસ્કાર મિત્રો,

કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સહુનું અભિવાદન કરું છું.

‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-5 એની ચોથી ગઝલ અને રસાસ્વાદ – 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. 

સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા.

 

ગઝલ

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,

તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી.

આપણે એકાંતમાં ક્યારેય ભેગાં ક્યાં થયાં ?

તો ય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી.

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,

એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું,

આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી.

આપણે તો પ્રેમના અરમાન પૂરવાના હતા,

ક્યાં અજૂગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી ?

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,

ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ,

કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી ?

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ,

એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.

– ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

યુવાન વયે હૈયું જ્યારે કોઈ સાથે હળી મળી જાય ત્યારે મનનો મયુર થનગનવા લાગે, તનમાં અદ્ભુત તરવરાટ ફેલાઈ જાય અને આચરણમાં ચંચળતા પ્રવેશે! કોઈ ગમી ગયું છે તેની જાણ તો માત્ર પોતાને જ છે! તેવું ભલેને માને! પણ બન્ને બાજુ થયેલા પ્રેમના પ્રવેશથી મનમાં જે હલચલ મચે છે, તેની જાણ સર્વત્ર થઈ જાય અને આખી દુનિયા જાણે વચમાં આવીને ઉભી રહે. આ બધાય નડતર પાર કરીને, આંખો જ્યારે દિલનો આ સંદેશ સાચા સરનામે પહોંચાડી દે ને, ત્યારે દિલના તાર પણ મળી જાય. આવા સમયે કોઈ કશું કહે કે ન કહે, પણ આ વાતની જાણ તો સુગંધની જેમ પ્રસરી જાય. હજુ ક્યારેય મળવાનું તો થયું જ ના હોય તોય જાણે હવામાં એ અફવા ફેલાઈ જાય. 

બન્ને પ્રેમી પંખીડા પોતાના નહીં, એકબીજાના શ્વાસે જીવતાં હોય તેવી અનુભૂતિ સાથે મિલનની પ્રતિક્ષા કરતાં રહે. વાત બે જણાંનાં દિલની જ હતી. બે જણાંના મનમાં જ હતી એને વાચાની  કોઈ જરૂર પણ નહોતી. પણ છતાં પોતાની ખૂદની મર્યાદા, સત્તા બનીને બન્નેની વચ્ચે ઉભી રહી જતી હતી. અંતરતરમાં છવાઈ ગયેલા સ્નેહને પોંખવાનો હતો, પોષવાનો હતો, માણવાનો હતો બસ! બીજી કોઈ સારી ખોટી ઈચ્છા બિલકુલ નહોતી. અહીં આપણને, ‘થોડા હૈ થોડે કી જરૂરત હૈ.’ એ ગીત મનમાં સ્ફુરિત થાય. કવિશ્રી આ વાતને કેટલા સુંદર રૂપક દ્વારા કહી જાય છે!  “આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું, ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?” 

પલળવા માટે સમુદ્રના અગાધ જળરાશિની આવશ્યકતા છે જ નહીં , ઝાકળજળ પુરતું છે, ને ખરેખર તો પલળવા માટે પ્રેમ જ જોઈએ. પરંતુ  શું માત્ર વ્યંજનની મધૂર સુવાસ પાચનતંત્રને સંતોષ આપી શકે? એકબીજા માટે ઉદ્ભવેલી સ્નેહની લાગણી અને પ્રતિક્ષા જ્યારે માઝા મુકે ત્યારે સર્જાય છે સ્નેહમિલન! દુનિયા એને ભલે પાપ ગણે, એ પાપની પ્રત્યેક ક્ષણ પણ પૂણ્યશાળી બનીને મિલનને મધૂર બનાવી દે છે. પરંતુ જગતની દ્વેષભાવ યુક્ત વ્યક્તિઓ એ મિલનની પળોને પાપ ગણીને સજા રૂપે બન્ને પ્રેમીઓને કાયમ માટે જુદા પાડી દે છે, અહીં કવિ રામના વનવાસ માટે કારણરૂપ ગણાતી મંથરાનું રૂપક દર્શાવી, કેટલા સુંદર શબ્દોમાં કહે છે! ‘એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી.’ અને એ ઈર્ષા રૂપી મંથરાએ રામને તો 14 વર્ષોનો વનવાસ આપ્યો હતો પણ પ્રેમીઓને સદા માટે વિખૂટા પાડી દીધા! મિત્રો, અહીં આપણને શિરી-ફરહાદ, હિર-રાંઝા યાદ આવી ગયાં ખરું કે નહીં તો વળી ફિલ્મ ‘એક દુજે કે લીયે’ પણ કેમ ભુલાય? 

તો મિત્રો, ખલીલ સાહેબની લાખેણી લાગણીભરી ગઝલને મારી નજરે તમે ચોક્કસ માણી હશે. અને હવે પછીની ગઝલ સાથે માણવા મળીએ આવતા સોમવારે. નમસ્કાર. 

અસ્તુ. 

રશ્મિ જાગીરદાર

 

ગઝલના રસાસ્વાદનું વાચિક્મ : હેલીના માણસ – ૫ | પુણ્યશાળી પાપની ક્ષણો :

વિસ્તૃતિ …૪ જયશ્રી પટેલ

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


આગલા ભાગમાં દેવદાસ વિશે લેખક અને ઝવેરચંદ મેઘાણીના મંતવ્ય જોયા તેથી જ આ દેવદાસ નવલકથાનો પણ આપ સમક્ષ રજુ કરું છું.આજથી ૭૧ વર્ષ કે તે પહેલા સિનેમા રૂપે આપણે દેવદાસને ઓળખતા થયા એ દેવદાસ શરદબાબુની ઉત્તમ કથારૂપે આજે પણ પ્રશંસનીય છે .કથાની સરળતા ને લીધે વાર્તા ખૂબ જ હૃદયસ્પર્શી બની છે વાર્તાના પાત્રોનો ખૂબ જ પ્રભાવ વાંચકના માનસ પર છોડી જાય છે .સ્ત્રી પાત્રોની હૃદયસ્પર્શી મનોભાવનાં જુદા જુદા વિચાર ચિંતનમાં પ્રસ્તુત થઈ છે.
દેવદાસ જમીનદારનો પુત્ર છે તે જમાનામાં જમીનદારના પુત્રોને ખૂબ જ સરસ એશોઆરામ મળતો દેવદાસને નાનપણથી જ ઉછેરનાર ધર્મદાસ હતો, દેવદાસ ને ખૂબ જ પ્રેમ ને વ્હાલથી રાખતો બાળપણનાં વધુ પડતા લાડ તોફાન ને કારણે એને અંતે કલકત્તા મામાને ત્યાં ભણવા મોકલવામાં આવ્યો. તે દુઃખી પારોને કહીને ગયો કે પારુ! પાછો જલ્દી આવીશ જો નહીં આવવા દેતો નાસી આવીશ.રડતી પારોને છોડી ઘોડાગાડીમાં ચાલી ગયો.
પારો પણ ફરી પાછી શાળાએ ભણવા જવા લાગી દેવા વિના દિવસો શૂના થઈ ગયા દેવદાસના પત્રોમાં પણ હવે આનંદ નહોતો આવતો,મનમાં તેણે જાણે ધારી લીધું કે દેવદાસને ગૃહ ત્યાગ પોતાને લીધે જ થયો, આ ભાવના દિલના ખુણામાં રાખી ,ધીરે-ધીરે દેવદાસ પ્રત્યેનો પ્રેમ ગાઢ થતો ગયો.
ધીરે-ધીરે વર્ષો વીતવા લાગ્યા  દેવદાસને સાથે સાથે પારો પણ મોટી થતી ગઈ .દેવદાસમાં શહેરીપણું આવ્યું.વિલાયતી જોડા, સુંદર પહેરણ ,ફક્કડ ધોતિયું ,સોટી ,સોનાની ઘડિયાળ, સોનાનાં બટન આ બધું ન હોય તો તે ક્ષોભ પામતો હવે તે બંદૂક લઇ શિકારે જતો થયો ,ચર્ચામાં પણ હવે રાજકારણ ક્રિકેટ કે ફૂટબોલની ચર્ચા ગમતી .રજાઓમાં બહારગામ જતો તાલસોનાપુર  જવું ગમતું નહીં ,રજાઓમાં ફરવા જતો રહેતો.આમાં તે એક વાર માતા-પિતાને આગ્રહ વસ ગામ આવ્યો ને ફરી માનસપટ પર તેર વરસની કન્યા પારો તેની સમક્ષ આવી. પાર્વતી પારુ/પારો આ વાર્તાનું મુખ્ય નારી પાત્ર .આમ પણ શરદબાબુના નારી પાત્ર વિશે આપણે પહેલાં કહી ગયા છીએ .
          મિત્રો, પાર્વતી બાળપણથી દેવદાસ રૂપે દેવાને અંતઃકરણથી ચાહતી હતી. તેર વર્ષની ઉંમરે દાદીએ દેવાની મા આગળ પોતાની પૌત્રીની વાત કરી ,તો તેણીની વાત  ઠુકરાવી દેવામાં આવી. પાર્વતી પણ દુઃખી થઈ પણ જ્યારે દેવદાસ આવ્યો હતો તેને પોતાના હૃદયની વાત કરવા સમાજથી ડર્યા વગર મધરાતે તેના શયનકક્ષ સુધી પહોંચી ગઈ અને પ્રેમનો એકરાર કર્યો .દેવદાસે તેની હિંમત જોઈ અને બીજે દિવસે મા-બાપને જણાવ્યું, પણ અકૂલિન ઘરની પુત્રી કહી સ્પષ્ટ વિરોધ કર્યો હતો. દીકરીનો  વ્યય કરનાર ને પાડોશના પરિવારનો અસ્વીકાર કરી દેવાયો.એક ચિઠ્ઠી પાર્વતીના નામે લખી દેવદાસ ચાલ્યો ગયો,પાર્વતીને દુઃખ તો થયું પણ મક્કમ મન કરી પોતે બીજે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ.
      દેવદાસ પાછો આવ્યો તો તેણે તેનો બહિષ્કાર કર્યો તેના અહંકાર પર દેવદાસે તેના કપાળ પર સોટો ફટકારી દીધો કલંક રૂપી ડાઘ ને પીડા આપી દીધાં,એ ઘા  રૂઝાયો પણ ડાઘ બાકી રહી ગયો.દેવદાસ ચાલ્યો ગયો, પણ પાર્વતી એ હાતીપોતા ગામના જમીનદાર શ્રી.ભુવનમોહન ચૌધરી સાથે લગ્ન કરી જ નાંખ્યા .ચાલીશથી વધુ ઉંમરના ભુવન બાબુ ને જોઈ લોકોએ વાતો કરી પણ પાર્વતી શુભદ્રષ્ટિ સમયે હાસ્ય કરી  તેમને સ્વીકારી લીધાં.જમીનદાર નારાયણ મુખર્જી દેવદાસના પિતા આજે તેના વાલી બની આવી ગયા ,અને પાર્વતીએ ધનાઢ્ય પતિને ત્યાં સાવકા બાળકો સાથે સંસાર માડી બેઠી. દેવદાસ કલકત્તાના ઈડન ગાર્ડનમાં અસહાય બેસી રહ્યો.
         અહીં જુઓ મિત્રો ,પ્રેમ હતો છતાં એ સમાજ પણ હતો કાયર  પુરુષ દેવદાસ પણ હતો સાહસી  વીરાંગના પારો એ સમાજને સ્વીકારી જિંદગીની સફરે ઉપડી ગઈ. દેવદાસની હવે દશા શું ?તેણે મોજીલા ચુનીબાબુનો સહારો માંગ્યો. ચુનીલાલે એ આપ્યો.
            ત્યાં તેના જીવનમાં ચેતપુરની વેશ્યા ચંદ્રમુખીનો પ્રવેશ થયો. તે ચોવીસ વર્ષની હતી શરૂઆતમાં તેણીને ઘૃણા યુક્ત વાક્યોથી નવાજી અને ઘૃણિત હોવા છતાં પણ દેવદાસને મનોમન ચાહતી રહી .દેવદાસ વારંવાર કહેતો ” હું કંઈ જીરવવાને માટે દારૂ નથી પીતો પણ અહીં રહેવું છે એટલે પીઉં છું.” આ અઘટિત વાક્ય સાંભળ્યા છતાં તે દેવદાસને દારૂ પીતા અટકાવતી. દેવદાસના મોઢે લેખકે જ આ નારી પાત્ર જે વેશ્યાવૃત્તિ ચલાવે છે તેને માટે લખ્યા.”આહા !સહિષ્ણુતાની પ્રતિમૂર્તિ લાંછના ,તિરસ્કાર, અપમાન ,અત્યાચાર અને ઉપદ્રવ સ્ત્રીઓ કેટલા સહન કરી શકે છે ,એનું તમે ઉદાહરણ છો!”
       પિતાના મૃત્યુ સમયે ગામમાં ગયેલા દેવદાસને જોઈ તેની મા પારોનાં દાદી તેના ભાઈ ભાભી અપાર દુઃખ પામ્યાં. પિતાજીના હિસ્સામાંથી પા ભાગનો હિસ્સો લઈ તે ફરી ભારત ભ્રમણ કરવા નીકળી ગયો. મિત્ર ચુનીલાલ ને ત્યાં પહોંચ્યો ત્યારે તાવ ભર્યા શરીરે પહોંચ્યો .ધર્મદાસે માને ખબર આપવાનું કહ્યું તો ,પણ પોતાના આ ઘૃણિત ચહેરાને મા સામે લઈ ના જવાય” એમ કહીને ચૂપ કરી દીધો મુંબઈ તરફ પ્રયાણ કર્યું .ત્યાં તબિયત થોડી સારી થઈ ફરી માટને મળવાનું મન થયું છતાં ટાળ્યું. ફરી બરોળના રોગે ઉથલો માર્યો, શરીર માથાથી પગ સુધી રૂક્ષ થઈ ગયું .અંતે ઘર તરફ જવા હુગલીની ટિકિટ કરાવી ,પણ દેવદાસને અંતઃકરણથી થઈ ગયું હતું હવે નહીં પહોંચાય ઘરે ,પણ છતાં ટ્રેનમાં બેઠા પાંડુઆ સ્ટેશને ધર્મદાસને ઊંઘમાં જ મૂકી તેના કપાળે સ્નેહાળ સ્પર્શ કરી ચાલી નીકળ્યો ,ગાડી ઉપડી ગઈ .ઘોડાગાડીવાળા સમક્ષ અંતિમ ઈચ્છા વ્યક્ત કરી હાતીપોતા ગામે જવા માટે,જ્યાં હૃદય સ્થાને બેસાડેલી પારોનું નિવાસ સ્થાન હતું .ઘોડાગાડી વાળા એ મના કરી તો બળદગાડી કરી આઠ-દસ કોશ ગામ દૂર હતું ને ગાડીવાળાને કહ્યુ,” જરા જલદી લે બાપુ હવે વખત નથી” પાણી માંગી પાણી પીધું.સાંજ પડતાં નાકમાંથી લોહી ટપકવા લાગ્યું ,દાંતમાંથી લોહી શરૂ થયું, શ્વાસોશ્વાસ લેતાં મુશ્કેલી પડી. બાર વાગ્યે ગાડી હાતીપોતા પહોંચી. દેવદાસ મૂર્છિત હતો ,ગાડીવાળાએ પીપળાનાં વૃક્ષ નીચે સુવાડ્યો .સભાનતા આવતા ગાડીવાળાને સો રૂપિયા આપ્યા .
      શરીર પરનાં કપડાં, સાલ અને ગજવાના બે પત્રો અને હાથમાંની વીંટી અને છુંદણા પરથી કળાયું કે વ્યક્તિ તાલસોનાપુર ગામનાં દેવદાસ મુખર્જી હતાં. બ્રાહ્મણ કુટુંબનો પુત્ર પણ કોઈ અડકવા તૈયાર નહીં ,છેવટે ભંગીઓ ઉપાડી ગયાં. સૂકા તળાવને કાંઠે અડધો પડધો બાળી ફેંકી દીધો, કાગડા ગીધ ઉપર આવી બેઠાં. શિયાળ કુતરા મડદા માટે લઢવા તૈયાર થયાંને લોકોના મોઢે શબ્દો જ રહ્યાં,ઓહ! ભદ્રલોક !મોટો માણસ! ભુવનબાબુ અને મહેન્દ્રે ઘરમાં જાણકારી આપી ને પાર્વતી દેવદાસની પારો હા જાણતા જ દોડી પણ મોટા ઘરની વહુ દરવાજે પણ ન પહોંચી શકી,બેભાન બની પડી રહી મૂર્છા ઉતરતા જાણ થઈ પૂછ્યું “રાત્રે આવ્યા હતા ?ને આખી રાત ? વાક્ય અધૂરું રહ્યું ,પાર્વતી સહિષ્ણુતાની મૂર્તિ ચૂપ થઈ ગઈ .
        આ હતી શરદબાબુની સહિષ્ણુતાની મૂર્તિ સમી નાયિકા લેખકનો આ અંત લોકોને હચમચાવી ગયો લેખક પોતે બોલી ઉઠ્યા.” જે સાચો પ્રેમ રાખે છે તેજ સહન કરી શકે છે !પારો હોય કે ચંદ્રમુખી !લાંછના, તિરસ્કાર ,અપમાન ,અત્યાચાર અને ઉપદ્રવ સહન કરનારી સહિષ્ણુતાની સાક્ષાત પ્રતિમાઓ !શરદબાબુની
કરુણાંતક કરુણાભરી  નવલકથા એટલે “દેવદાસ”.મેં જે ભાવ સમજ્યો તે મિત્રો આપ સમક્ષ અર્પણ કર્યો છે ,એટલું જ કહીશ કે આવો કરુણ અંત માનવીને પ્રેમમાં કદી ના મળે .દેવદાસ પારો ને ચંદ્રમુખીનાં અસિમ પ્રેમને દર્શાવતી આ નવલકથા એટલે બે પ્રેમીઓ ને ના ભેગા થયાંનો કરુણ અંજામ. શરદબાબુના બીજીવારના પત્નીને જ્યારે દેવદાસ માટે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તમારા દાદા આવું કેમ લખતા હશે ?કે જે વાંચીને બે જુવાન છોકરા છોકરીએ આપઘાત કર્યો !એકવાર તેઓ નવલકથા વાંચી રહ્યાં હતાં ત્યાં શરદબાબુ પહોંચ્યા ને તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું કે આવું કંઈક લખો કે વાંચીને રડવું આવી જાય. મિત્રો વધુ કાંઈ નહીં કહું ઇચ્છું છું કે તમને મારો આસ્વાદ ગમશે જ ચાલો વધુ એક નવલકથા સાથે આપણે આગલી શ્રેણીમાં ફરી મળીશું .
અસ્તુ .

જયશ્રી પટેલ
૨૦\૨\૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૪ : અલ્પા શાહ 

રબીન્દ્રસંગીતમાં છલકતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન… 

નમસ્કાર મિત્રો, 

 “ગીતબિતાન” શ્રેણીમાં આપ ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

જેમ મેં અગાઉ જણાવ્યું તેમ કવિવર ટાગોરને સતત એવું લાગ્યા કરતુ કે કોઈક અણદીઠીચેતના, કોઈક અગમ્યશક્તિ તેમને સર્જન કરવા પ્રેરી રહીછે. આ દિવ્ય શક્તિથી અભિભૂત થઇ કવિવર  કહેતા કે મારીસર્જનાત્મકતા એ “મારી” નથી પણ આ દિવ્ય શક્તિ  મનેહાથ પકડીને કરાવી રહી છે. તેમના માટે એ દિવ્ય શક્તિ, એ પરમચેતના તેમની સર્જનત્મકતાની ધરોહર હતી. કવિવર એક આધ્યાત્મિક કવિ હતા. આધ્યાત્મ એટલે કે “spirituality” તેમના વ્યક્તિત્વ સાથે એકરૂપ થયેલ હતું . તેઓ એવું દૃઢ પણે માનતા કે દરેકના આત્માની સરગમ એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલી છે અને ધબકતી રહે છે. અને તેઓ એ પરમાત્મા સાથે પ્રાર્થનાના માધ્યમથી સતત જોડાયેલા રહેતા. અને કદાચ એટલે જ કવિવરે તેમની અનેકાનેક રચનાઓ, એ દિવ્ય શક્તિને પ્રાર્થના રૂપે સંબોધીને કરેલી છે. 

આજે આપણે પણ એવી જ એક રચના કે જે પૂજા પારજોયમાં(વિભાગમાં) અને પ્રાર્થના ઉપ-પારજોયમાં (ઉપ વિભાગ) વર્ગીકૃત થયેલી છે અને જે કવિવરની એ દિવ્ય શક્તિ સાથેની સાતત્યતા પ્રદર્શિત કરે છે તેને જાણીશું અને માણીશું . આ એક પ્રાર્થના છે  જેની રચના ગુરુદેવે 1913 માં કરી હતી.  અને તેનું શીર્ષક છે  তোমারি নাম বলবো – Tomari Naam Bolbo” અર્થાત  “સતત તારા જ નામનું સ્મરણ હું કરું  …”. આ રચનાનું સ્વરાંકન રાગ ખંભાજ પર આધારિત છે અને તેને ત્રિતાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાના સ્વરાંકન પર બંગાળના લોક સંગીત – બાઉલ સંગીતની પણ છાંટ જોવા મળે છે.  મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું..   

આ સરળ રચનામાં કવિવરે કદાચ એક જીવનના અંતિમ ધ્યેયને પામવાની એક ચાવી આપી દીધી છે. કવિવર આ રચનામાં પોતાની પ્રત્યેક મન:સ્થિતિમાં એ દિવ્ય શક્તિના નામને સ્મરવાની વાત કરે છે. આનંદના અવસરે કે વિષાદના વમળે, ભીતરે  ડગ માંડતા કે જગત સાથે ચાલતા, કોઈ પણ કારણ અને અપેક્ષા વિના પ્રભુના નામને સ્મરવાની વાત કવિવર અહીં કરે છે. મૂળ રચનામાંતો કવિવર એમ પણ કહે છે કે જેમ નાનું બાળક પોતાની માને જે રીતે સતત ઝંખતું હોય, તેવી રીતે હું તારું સ્મરણ કરું.

પ્રત્યેક સ્થળ, સમય અને સંજોગોને પેલે પાર  જઈને પણ જો આપણે મનથી સતત નિરંતર એ દિવ્ય શક્તિનું સ્મરણ કરી શકીએ તો તો  કદાચ “Art of Living” સિદ્ધહસ્ત થઇ જાય. મને આજથી 29 વર્ષ પહેલા કોઈકે એક ખુબ સરસ વાક્ય કહ્યું હતું  અને એ વાક્ય મારા મનમાં અંકિત થયી ગયેલું છે. “I want to live the life with keeping Krushn in the center” પ્રભુને કેન્દ્રમાં રાખી તેનું સતત સ્મરણ કરતા કરતા પ્રત્યેક કાર્ય કરીએ તો કદાચ જીવનને એક નવાજ  પરિમાણથી માણી શકીએ. 

આપણા વેદ અને પુરાણો પણ સતત નામ સ્મરણ કે નામ સંકીર્તનનો મહિમા વર્ણવે છે. નામ સ્મરણ એટલે કે સતત પ્રાર્થના  એ કદાચ પ્રભુ સુધી પહોંચવાનો સીધો અને સરળ માર્ગ છે. નવધા ભક્તિના નવ પગથિયામાં, સ્મરણ અને કીર્તન એ પહેલા બે પગથિયાં છે. શ્રીમદ ભગવદ્દ ગીતાના નવમાં અધ્યાય “પરમ ગુહ્ય જ્ઞાન ” માં સતત કીર્તનનો મહિમા વર્ણવતા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે 

सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: ।
नमस्यन्तश्च मां भक्त्य‍ा नित्ययुक्ता उपासते ॥ १४ ॥

આ રચનામાં કવિવર અકારણ એટલે કે કોઈ પણ કારણ વગર અને કોઈ પણ અપેક્ષા વગર પ્રભુને સ્મરવાની વાત કરે છે તે તેમના ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ભાવને ફલિત કરે છે. સામાન્યતઃ આપણી રોજિંદી જિંદગીમાં આપણે મસ્ત બની ને વિહરતા હોઈએ છીએ પણ જયારે જીવનમાં અચાનક અણધાર્યો વણાંક આવે કે પ્રભુની મદદની જરૂરિયાત ઉભી થાય, કંઈક કારણ ઉદ્ભવે ત્યારે આપણે પ્રાર્થનાનો સહારો લેતા હોઈએ છીએ અને  दुःख में सुमिरन सब करे, सुख में करे न कोई પંક્તિઓને સાર્થક કરતા હોઈ છીએ. પણ જો આપણે સતત એ દિવ્ય  શક્તિનું સ્મરણ કરતા રહીએ અને તેને કેન્દ્રમાં રાખીને દરેક પ્રવૃત્તિ કરતા જઈએ તો ” जो सुख में सुमिरन करे, तोह दुःख काहेको होय” પંક્તિઓ આપણા જીવનમાં પણ સાર્થક થાય. મેં હમણાં એક ખુબ ગહન વાક્ય વાંચ્યું ” The value of persistent prayer is not that God will hear us, but that we will finally hear God”. અર્થાત સતત સ્મરણ – પ્રભુ આપણને સાંભળે એટલે નથી કરવાનું  પણ  આપણા અંતરમાં રહેલા દિવ્ય શક્તિનો અવાજ આપણે સાંભળી શકીએ એટલે કરવાનું છે. અને જો આ ચોમેર થતા ઘોંઘાટમાં આપણને એ અંતરનાદ સંભળાઈ જાય તો તો ખરેખર सच्चिदानन्दની પ્રાપ્તિ થઇ જાય…

તો ચાલો, કવિવરે આ રચનામાં દર્શાવ્યું છે તેમ પ્રત્યેક ક્ષણે અને પ્રત્યેક પાળે એ દિવ્ય શક્તિનું સતત સ્મરણ કરવાનો પ્રયત્ન કરતાં કરતાં હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાય હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ, 

અલ્પા શાહ 

ઓશો દર્શન-5. રીટા જાની




14 ફેબ્રુઆરી વેલેન્ટાઈન ડે ગયો ત્યારે વર્તમાનપત્ર, મેગેઝીન અને સોશિયલ મીડિયા પર પ્રેમ શું છે અને પ્રેમ કેવો હોય તે વિશે જાણે વાવાઝોડું આવી ગયું. ત્યારે પ્રેમ વિશે ઓશોનું દર્શન જાણવું રસપ્રદ થઈ પડશે. ગત લેખમાં આપણે પ્રેમ વિશે થોડી વાત કરી. પરંતુ પ્રેમ વિષય એવો છે અને ઓશોએ પ્રેમ વિશે ઘણું ઘણું કહ્યું છે. તો આજે પણ આપણે પ્રેમને થોડા ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીશું.

ઓશો કહે છે પ્રેમ મુક્તિ છે બંધન નહીં. જે બાંધી દે તે તો પ્રેમના નામ પર થતી છેતરપિંડી છે. પ્રેમ છે ખૂલવું અને ખીલવું. જ્યારે ફૂલ ખીલે ત્યારે તેની સુગંધ પ્રસરે છે. જેને લઇ લેવી હોય તે લઈ લે, જેને પીવી હોય તે પી લે. પ્રેમ મુક્તિ છે, પરમ મુક્તિ છે.

પ્રેમ તો વહેતી ગંગા જેવો છે. એ પ્રકૃતિની બાધાઓ, અવરોધોને ઓળંગીને સમુદ્રને જઈને જરૂર મળે છે. તેને કોઈને પૂછવાની જરૂર જ નથી પડતી કે નથી જરૂર તેને ગુગલ મેપની અથવા કોઈને દિશા પૂછવાની કે સાગર કઈ તરફ છે. તે તો હિમાલયને કાપીને દૂર-સુદૂર સાગરને ખોળી જ લે છે. સિવાય કે માનવસર્જિત એન્જિનિયરિંગના અવરોધો તેના પ્રવાહને રોકી લે છે. આવું જ પ્રેમની બાબતે પણ કહી શકાય. પ્રેમ એ માણસનો સ્વભાવ છે, જે સહજ રીતે પ્રગટે છે, અનુભવાય છે, અન્ય સાથે વહેંચાય અને પરમને પામે છે. પરંતુ જ્યારે સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ, જ્ઞાન કે સમાજના અવરોધો તેને રોકે છે ત્યારે તે સહજ સ્વરૂપે પ્રગટ થઈ શકતો નથી. ત્યાંરે ફક્ત પ્રેમની વાતો થાય છે, પ્રેમના ગીતો ગવાય છે, પ્રેમના ભજન થાય છે પણ સાચો પ્રેમ નથી થતો. તેના બદલે પશુ – પંખી સાચો પ્રેમ પ્રદર્શિત કરે છે. આપણો સૌનો અનુભવ છે કે નાનું ગામડું હોય જ્યાં સીધા-સાદા લોકો હોય ત્યાં શહેર અથવા કહેવાતા સભ્ય સમાજ કરતા વધુ પ્રેમ દેખાય છે.

પ્રેમનું બીજું એક રૂપ આપણી આસપાસ જોવા મળે છે. ઘણીવાર મજબૂરીમાં પ્રેમ છે તેમ કહેવું પડે છે. માણસ પ્રેમના નામે પાખંડ પાળે છે. બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી આપણે પ્રેમ પર કબજો જમાવવાની કોશિશ કરીએ છીએ. પહેલા મા-બાપ કોશિશ કરે છે, પછી પતિ-પત્ની કોશિશ કરે છે, પછી છોકરાં કોશિશ કરે છે. કોઈ કહે તમારું કર્તવ્ય છે એને પ્રેમ કરો, તો તમે વિચારી શકો પ્રેમ શું ખાક હશે! એ તો માત્ર દેખાવ હશે, વંચના હશે, ધોખો હશે, ઉપર ઉપરથી પ્રેમ હશે, પ્રેમની વાત માત્ર હશે, પ્રેમ નહીં. આપણે પ્રેમને માલિકીનું સાધન બનાવીએ છીએ જ્યારે કે સાચો પ્રેમ મુક્તિ છે. પ્રેમ એકથી શરૂ થાય છે પરંતુ ફેલાતો જાય છે અને આ અસ્તિત્વનો કોઈ કિનારો નથી. જેમ શાંત તળાવમાં એક કંકર પડતાં જ લહેર ઉઠે છે, એક લહેર, પછી બીજી લહેર, લહેર પર લહેર ઉઠતી જાય છે અને દૂર કિનારા સુધી ફેલાતી જાય છે.એને રોકી શકાતી નથી, તે જ રીતે પ્રેમને પણ રોકી શકાતો નથી.

પ્રેમ ધ્યાનની ચરમસીમા છે, પ્રેમ ધ્યાનની જ્યોતિ છે. પ્રેમ એ જીવનની પરમ સંપદા છે. બ્રહ્મજ્ઞાની પ્રેમથી ભરેલો હશે, એટલો છલોછલ હશે કે પ્રેમ એના ઉપરથી વહેતો હશે, કર્તવ્ય નહીં હોય. બ્રહ્મજ્ઞાનીના જીવનમાં એ જે કરે છે તે પ્રેમથી કરે છે. પ્રેમ એક માત્ર કસોટી છે, એ જ સાચું સોનુ છે. જે પ્રેમમાં ખરો નથી ઉતર્યો તે ખોટો છે.

પ્રેમના ત્રણ સ્તર છે શરીરના સ્તર પર એ કામ છે, મનના સ્તર ઉપર પ્રેમ છે જ્યારે આત્માના સ્તર પર એ પ્રાર્થના બની જાય છે. પ્રેમનું વિશુદ્ધ સ્વરૂપ શું હોઈ શકે? ઓશો કહે છે કે સંસારમાં દેખાતો પ્રેમ એ પ્રેમ છે જ નહિ. કેમ કે તેમાં ક્યારેક નફરત , ઘૃણા કે અહંકાર પણ દેખાય છે. શુદ્ધ પ્રેમમાં આમાંનું કંઈ જ ન હોય. તે ફક્ત નિર્મળ અને નિર્મોહ પ્રેમ જ હોય. આવો પ્રેમ કુદરતી છે અને તેમાં ઈર્ષ્યા, મોહ કે ઘૃણા જેવાં તત્ત્વો નથી. તે આસમાનમાંથી ઉતરેલ છે જ્યારે મોહ ઉત્પન્ન કરનાર પ્રેમ એ ધરતીમાંથી પ્રગટ થાય છે. તે દુન્યવી પદાર્થો સાથે જોડાયેલ છે, તે મોહ છે અને બંધનકર્તા છે. આ પ્રેમ મમતા છે જે બંધન છે, જ્યારે શુદ્ધ પ્રેમમાં લેનાર કે આપનાર કોઈને બંધન હોતું નથી. તે સ્વતંત્ર છે, મુક્ત છે અને મુક્તિદાતા છે. પરંતુ આવો પ્રેમ મળે છે ખરો? કહે તો છે કે મને ખૂબ પ્રેમ છે, પરંતુ એવું શું બને છે એ પ્રેમ ઘૃણામાં, નફરતમાં પલટાઈ જાય છે? પ્રેમી મટીને તે દુશ્મન થઈ જાય છે? પ્રેમી ઉપર એસીડ એટેક થાય છે? કે સુરતની બદનસીબ દીકરીને પ્રેમના નામે જાનથી હાથ ધોવા પડે છે? આ પ્રેમ તો ન જ હોઈ શકે. પ્રેમ એ પાપ નથી. એ તો કઠણ હૃદયની આર્દ્રતા છે, ઋજુતા છે, કરુણા છે, પ્રેમ પરમ તત્વ છે. ઓશો કહે છે સંસારમાં બે પ્રકારના લોકો જોવા મળે છે – એક સંસારી કે ભોગી કે જેમના પ્રેમમાં ઉપરના બંધનકર્તા તત્ત્વોનું મિશ્રણ હોય છે. અહીં પણ અશુદ્ધિના ધુમાડા પાછળ પ્રેમની નિર્મળ જ્યોત જોઈ શકાતી નથી. ઓશો અનાસક્ત કે મોહરહિત પ્રેમના સ્વરૂપને પ્રગટ કરવાનું કહે છે. બીજી તરફ જે વૈરાગી છે તેને પણ આવો પ્રેમ મળતો નથી, કારણ કે તે પ્રેમમાં રહેલી અશુદ્ધિઓના કારણે તેનાથી દુર ભાગે છે. જ્યારે વિશુદ્ધ પ્રેમ તો છે ઈશ્વરીય ભેટ અને પ્રાર્થના પણ.

પ્રેમના શુદ્ધ અને નિર્મળ સ્વરૂપને જાણ્યા બાદ કદાચ આપણી પ્રાર્થના જો સૃષ્ટિ પ્રત્યે, પ્રત્યેક માનવ પ્રત્યે અને પ્રત્યેક જીવ પ્રત્યે પ્રેમ અને અનુકંપાનું ઝરણું બને તો કદાચ દરેક ધર્મોનો સાર પ્રેમ તરીકે પ્રગટ થાય. આ ઓશોદર્શનને આપણો પ્રેરણા સ્ત્રોત બનાવીએ, પ્રેમ અને મોહના ભેદને જાણીએ, સમજીએ, અપનાવીએ અને તેનાથી આપણા જીવન અને જગતને સાચા પ્રેમના પમરાટથી મહેકાવીએ.

રીટા જાની
18/02/2022