વહાલ થી વધાવીએ વર્ષ બે હઝાર અગિયાર

ચાલો નવા વર્ષ નું સ્વાગત કરીએ, વહાલ થી વધાવીએ વર્ષ બે હઝાર અગિયાર,.

વીતી  ગયું  આ  વધુ એક વર્ષ;

ઉગ્યું  નવું,  સ્વાગત  હો  સહર્ષ.

મસ્તી ની મૌજ માં બિન્દાસ તરીયે, આઝાદી ની હવા માં બિન્દાસ ફરીએ, તો ચાલો હેમંતભાઈની સુંદર કવિતાથી નવા વર્ષની શરૂઆત કરીએ ..જે ના કર્યું હજુ કૈક એવું કરીએ.. નવા વર્ષ ની ખુબ ખુબ શુભેચ્છાઓ !!

અમેરિકા  માં   વસતા  સિનીયર   મિત્રો   ને  ધ્યાન માં રાખી ને

ચાલો  વહાલ થી વધાવીએ   બે હઝાર  અગિયાર

ચાલો વહાલ થી વધાવીએ  વર્ષ  બે હઝાર  અગિયાર
આ વર્ષે થઈએ દિલ થી બાળકો ના પ્રિય   યાર
અહમ ને અળગો કરતા  લગાડો  જરાય  ના  વાર
સ્વજનો ના પ્રિય થઇ ને કરજો સ્નેહ અપરંપાર
બે દેશ  બે ધરતી ને  દિલ થી કરતા રહેજો પ્યાર
અને બેય દેસ ના આનંદે ઉજવાજો સઘળ તહેવાર
જનની  ,જન્મભૂમી અને દેવો ને કરજો પ્રણામ વારંવાર
જેણે જીવન આપ્યું અને સુખના લગાવ્યા  ચાંદ   ચાર
જીવન સજાવ્યું જેણે એ અમેરિકા નો રાખજો શિરે ભાર
ભારત ની સંસ્કૃતિ  જાળવી વતન પર  દયા કરજો અપાર
વતન પર  દયા કરજો અપાર

ઓમ માં ઓમ
હેમંત  ઉપાધ્યાય

બની રહેજે તું દયામૂર્તિ

પ્રકૃતિ એટલે ઈશ્વરના આ વિરાટ સ્વરુપ અને સૌંદર્યની અનુભૂતિ .પરમાત્માને અનુભવવાનો સહુથી સરળ માર્ગ છે પ્રકૃતિ. કહેવાય છે કે પ્રકૃતિ પરમાત્માની પ્રતિનિધિ છે. પ્રકૃતિ ઉજવણી એટલે ઉલ્લાસની ઉજવણી, આનંદની ઉજવણી, અસ્તિત્વની ઉજવણી..નદીઓ, પહાડ, જંગલ, વનસ્પતિ અને જીવ, બધા પરમાત્માના પ્રતિનિધિ છે.જ્યાં પ્રકૃતિ છે ત્યાં ઈશ્વરનું રૂપ છે ..મિત્રો ..આવી જ પ્રકૃતિની ના દર્શન અમારા સીનિઅર સિટિઝન  હેમંત ઉપાધ્યાય  એમની કવિતામાં કરે છે .

બની   રહેજે  તું  દયામૂર્તિ

તારી  નથી  કોઈ આકૃતિ , પ્રણામ  અમારા તને  પ્રકૃતિ
કદી હસાવે ,કદી રડાવે ,અગમ્ય ,અકલ્પ્ય છે તારી કૃતિ
પવન  પાણી  ને ધરા થી ,પ્રફુલ્લિત  કેવી  તું  ભાસતી
ચાંદ  , તારા  ને ગગન થી, પ્રણય આનંદે  તું  દિપતી
પર્વત  વૃક્ષ  ને ઝરણા ના, આભૂષણો થી તું શોભતી
મેઘધનુષ રંગે જયારે આકાશ, ત્યારે તું આનંદે રાચતી
ઉર આનંદે હરખાતો માનવ, જયારે તું કૃપા રાખતી
રાય પણ   બની જતો પામર રંક, જયારે તું કોપતી
પ્રાર્થીએ અમે સહુ ધરાવાસી , તું રહેજે સદા મહાલતી
રક્ષા  કરજે  ઓ  પ્રકૃતિ , બની રહેજે  તું દયા  ની મૂર્તિ
બની રહેજે તું દયા ની મૂર્તિ
ઓમ  માં ઓમ
હેમંત ઉપાધ્યાય
અમેરિકા   phone  ૪૦૮-૯૪૫-૧૭૧૭

મેરી ક્રિસ્ટમસ

મિત્રો ,
નાની હતી ત્યારે ક્રિસમસ  ની રાજા ક્યારે પડે તેની રાહ જોતી ..પરંતુ  આજે આટલા વર્ષે ક્રિસમસ કેમ અને શા માટે ઉજવાય તે ખરા અર્થમાં જાણીયું.પદ્માબેન ની કવિતામાં તમને ઉત્સવ કેમ ઉજવાય ,કેવી રીતે ઉજવાય ,શા માટે ઉજવાય એ બધા સવાલ ના જવાબ મળી જશે .આખા તેહાવારને એવો  શબ્દમાં વણી લીધો છે .કે તમે જેમ વાંચતા  જશો તેમ  તેમ ઉજવતા હશો એવું લાગશે ..
બે ઘડી તમે બાળક બની જજો પછી માણજો આ કવિતા ..

બાળક પૂછે દાદીને ..દાદી ક્રિસમસ કેમ ઉજવાય …
તો  સાંભળ બેટા ….

ક્રિસ્ટમસ

આ   જગતમાં  ખૂણે   ખૂણે ઝળકતી  ” ક્રિસ્ટમસ”   ઉજવાય
દાદા  “સાન્તાક્લોઝ”   મધ્ય  રાત્રીએ  રમકડા  મૂકી જાય
સોનેરી ચશ્મા શોભે,  ખભે  થેલો   ઉચકતા   ક્યાંક દેખાય
લાલ કપડામાં શોભે દાદા, શ્વેત દાઢી મૂછોમાં મલપતા જાય

લાલ ઝીણા બોરના શુકનવનતા લીલા વૃક્ષો આંગણીએ સોહાય
શાંતિ ચાહક સફેદ કબુતર,  શાંતિ દૂત અને સંદેશ વાહક ગણાય
‘પોન્સીઆના’ના  સુંદર પર્ણો,  ચોકલેટ કેન્ડી કેક પાઈ   વહેંચાય
રંગ બેરંગી ચળકતી માળા – તોરણ સુશોભનો ઘર ઘરમાં સોહાય

હીરામોતીની કિંમતી ચીજો, ઝળકે વૃક્ષો પર,સંગીત પણ સંભળાય
ઈલેક્ટ્રોનિક રમકડાની કરામત જોઈ નાનામોટા  સૌને અચરજ થાય

” માં મેરી ને પિતા જોસેફની ” પ્રાર્થનાઓ ભક્તિમય સમુહમાં યોજાય
દેવળમાં પણ ધર્મગુરુઓના સવાર સાંજ રોજ વ્યાખ્યાનો  યોજાય
‘વેટિકન’ શહેરમાં મુખ્ય દેવળમાં  અનુયાયીઓ ‘બેપ્ટાઇઝ’  થાય
સાચો સેવક ઇસુ ખ્રિસ્ત,પરોપકાર સેવામાં જનતાનો માનીતો થાય

દ્વેષીલા વિરોધીઓ સઘળા ભેગા થઈને ઇસુનો વધ કરવા પ્રેરાય
રૂઢી ચુસ્ત સૌ ધર્મગુરુઓ ભલા ઈસુને વધ સ્તંભ પર લઇ જાય
નિર્દોષ પવિત્ર મેરીના સપુત ઈસુને ક્રોસ પર ઘસડી જાય
રોતી કકળતી માં મેરી, ‘મારા ઈસુને બચાવો’  વિલાપ કરતી જાય

કાંટાળા મુગટમાં લટકતા ક્રોસ પર નિર્દોષ ઇસુ પર ખીલા જડાય
મેઘગર્જના  વિજળી સાથે મેહ વરસ્યા ત્યાંય ઈસુના રૂધિર મહી રેલાય
ગરીબ વૃદ્ધ રોગીયોના આંસુડા રેલાયા ત્યાં તો નવતર ચમત્કાર સર્જાય
રક્તપિત્ત ને કોઢિયા માનવ ચેતનવંતા નીરોગી થઇ ખુબ હરખાય

ઇસુ  ખ્રિસ્તનો જય કાર થયો  ,   હવે ઇસુ જગમાં મહામાનવ કહેવાય

આથી

સારા વિશ્વમાં  ક્રિસ્ટમસ  પર્વ ખૂબ ખૂબ  આનંદે ઉજવાય…..ખૂબ  આનંદે ઉજવાય

પદ્માબેન કનુભાઈ શાહ


ચાલો ઉજવીએ ક્રિસમસ હેમંત ઉપાધાય્ય


પધારો મિત્રો !

બે ઘડી હસી લઇએ. હસતાં હસતાં  જોજો રડી ન પડાય .. હા મિત્રો આજે  હેમંત  ઉપાધ્યાયની એક હાસ્ય કવિતા લઇને આવી છું.ઘણી વાર જિંદગીની  વાસ્તવિકતા પર હસવામાં જ મજા હોય છે .“હસે તેનું ઘર વસે” એ ગુજરાતી કહેવત બધાયને ખબર હશે, પણ કોઇ મને એ કહેશે કે ‘અમેરિકામાં  વસ્યા પછી તમે કેટલું હસ્યા…? !! નથી હાસ્ય  તો આજે હસી લ્યો …

હાસ્ય   કવિતા

અહીં  ના  વૃદ્ધ   નાગરીકો   ની  મનોદશા  પર
( સામાન્ય  રીતે વૃદ્ધ વ્યક્તિઓ   જીદ્દી   હોય તેવા અનુમાન સાથે )

ચાલો  ઉજવીએ  ક્રિસમસ

આપણે  થવું નહીં ટસ ના મસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
ભારત ની કરતા  રહીશું  ભસ ભસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં તો ઘર માં જ રહેવું બસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં સીનીયરોનાચહેરા રડમસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
અહીં બુદ્ધિશાળી  ને જ મળે જશ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ  

અહીં એસ એસ આય સિવાય નથી રસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
હીં વતન ના જતન માં નથી કસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ
ગુજરાતી સીનીઓર  કરો હસાહસ
ચાલો  ઉજવીએ  ક્રિસમસ

(ઓમ માં ઓમ)
હેમંત  ઉપાધ્યાય

પ્રેમલતા મજમુંદાર

પ્રેમલતા મજમુંદાર  નો પરિચય એટલે બે અરીયાના બા
અમેરિકામાં” સર્જનાત્મક લેખન ” પ્રવુતિ શરુ થતાં તે થોડો વખત તેના પ્રેસિડેન્ટ તરીકે રહ્યા . આજે આપણે એક કવિએત્રી  તરીકે ઓળખશું.

એમની કવિતામાં સ્વપ્નો છે માત્ર એક કોડીલી કન્યાના નહી ..પરંતુ સમગ્ર સ્ત્રી જાતિના  વિષે ની વાત છે .

આકશમાં  ઉડવું છે .અહી કઈ નવું નથી ..રસીલું નથી ફક્ત અંતરમાંથી ઉલેચાએલી  લાગણીઓને શબ્દો થી સજાવી કવિતામાં મુકાયા  છે .દરેક સ્ત્રીને સુનીતા,કલ્પના ચાવલા કે મીરાં બનવું છે . અને અંતમાં …

બેસું નહિ હવે ખામોશ રહીને
મારાજ રંગે હવે રંગી લઉં મુજને ..એક ખમીરવંતી  અને દ્રઢ કવીએત્રીના દર્શન  થાય છે ..પ્રેમલતા માસી મનચિંધ્યા   માર્ગે  જવામાં માને છે એ વાત જેમ વાંચશો  એમ પામતા જશો..

આ માત્ર સ્ત્રીના  સ્વપ્નોને  વાચા આપતું કાવ્ય નથી પરંતુ પ્રોત્સાહન આપતું એક પ્રેરણાતમ્ક કાવ્ય છે ..
.

 


કન્યા નું સ્વપ્ન

પાંચીકા  રમું ને , ઊછાળું આકાશમાં
ફૂંદડી  ફરું ને ફરેજ પૃથ્વી

એક સપનું મખમલી મનમાં
અર્ધ ચન્દ્ર ને ઝૂલે ઝૂલું ઉચેરું

વળી પાછું થાય બનું હું વીરાંગના
ઉડાવો ઝંડો ,રહું મોખરે રણે

સીતા શું બેસું ,ધનુષઘોડલે
ભૂલાવું હું અગ્નિ પરીક્ષા

મહિલાતણી પછી તો થાય રક્ષા
વેચાવું મારે નહી તારામતિ શું

દ્રોપદી શાં ન ચીર મારા ખેંચાય
દડો બનાવી ધરાને ,ધરાને હું ઊછાળું

મીરાં શો રંગ મતવાલો જમાવું
સ્વાતંત્ર્ય નો જ શ્વસી રહું પ્રાણવાયુ

અવકાશમાં ઉડું ચાવલા જેવું
ગોતી વળું હું બ્રહ્માંડના પડને

હવે તો ચહું સુનીતા વિલયમશું
ખોજવાને જ ,અંતરીક્ષમાં  ઉડે


ટકે ના પગ હવે ધરતી પર
મારે ન કોઈ કિનારે નિર્બંધ હું

બેસું ન પગ વાળીને હવે
સરી રહું મનચિંધ્યા  જ માર્ગે

બેસું નહિ હવે ખામોશ રહીને
મારાજ રંગે હવે રંગી લઉં મુજને

પ્રેમલતા મજમુંદાર

મેઘલતાબહેન મહેતા

મેઘલતાબહેન  મહેતા .
જેમની કવિતાજ એમની ઓળખ છે .એમની ભાષામાં…..કહું તો
.સ્વાનુભવ  તો સૌ કહે ..
પણ પરનો કહે તે કવિ …
સીધે સીધું સૌ કહે ..ચોટ લગાડે તે કવિ ..
એમણે કવિતામાં  હ્દયની સાચકલી  લાગણી ઓં ,ભાવનાઓ  સંવેદનો  અને કેટલેક અંશે અનુભવો  ઉતર્યા છે ..
જિંદગીને  નોટબુકની નહીં,સ્લેટની જેમ વાપરતા જાઓ ,
ભૂત ભેગો કરો નહીં,પણ ભૂતકાળ ભૂંસતા જાઓ .
લખેલું બધું લુછ તાં જાઓ ,ને નવું નવું લખતા જાઓ
ગૂંચવાડે ગૂંચવાઓ  નહીં ને ,આજ આનંદે ઉજવતા જાઓ ..

જેમ જેમ વાંચશો તેમ તેમ એવું લાગશે  કે હા , આવુજ થાય છે …શબ્દો ના એવા આટાપતા રમે કે આપણે વિચાર કરતા થઈ જઈએ..પોતાની કવિતા દ્વારા બીજાને વિચાર કરતા કરે   તે કવિએત્રી
આવા મેઘલાતાબેહન  મહેતા ની કવિતા માણો પછી તમે પણ મારી જેમ જ કહેશો..

ભમરડા
ભૂમિ ઉપર ચક્કર ફરતા કંઈક ભમરડા ઘૂમે
પડતા ખડતા ,ઘૂમરી લેતા  ધરતી ને જઇને ચૂમે
ફરી વીંટાઈ  દોરી દેહે , ફરી જોશથી છુંટે,
કોઇઇ નશીબ ના બળિયા ,હેતે હથેળીમાં લોટે .

અનંત યુગથી રમત રમીને ,ઈશ હજી ના થાકે .
છેલ્લી ઘડીએ ડચકા ખાતા જીવો જોમ ગુમાવે .
નિષ્પ્રાણ થતાં ને ,પુનજન્મ થી ફેરામાં ઘૂમરાવે .
કંઈક લાડકા સરળ સરકતા ,સીધો મોક્ષ જ પામે .

પૃથ્વી પણ છે  એક ભમરડો ,અગણિતોનો સાથી .
કોના હાથે છુટ્યો ,છોડવે કો આ ચક્કરમાંથી  ?
કોણે પૂર્યા પ્રાણ ,કદી શું ગતિ મંદ થવાની ?
કે પુન :જન્મ પામીને પછી ગરબામાં ઘૂમવાની ?

કોણ આપશે ઉત્તર આનો ,ખેલાડી રેહતો જ પરોક્ષ .
કેવો થાશે અંત વિશ્વનો ,લથડાતો કે સીધો મોક્ષ ?

 

 

 

હેમંતભાઈ ઉપાધ્યાય

મિત્રો
આજે હેમંતભાઈ  નો લખેલી  એક વાર્તા લાવી છું.હેમંત ભાઈ ની કવિતા હોય કે લખાણ કે વાર્તા તેમને એમનો વતન પ્રત્યેનો પ્રેમ જરૂર દેખાશે . અને સાથે સાથે પ્રભુ પરની શ્રધા છતી થયા વગર નહિ રહે .. હા આજ  એમનો  પરિચય . લોકો પોતાના અનુભવ લખી શકે  પરંતુ બીજાના અહેસાસ શબ્દોમાં  એવી રીતે વણી લેવાના  કે લોકો વાર્તા અંત સુથી વાંચે જ આવી એક ખૂબી તમને એમના લખાણમાં જોવા મળશે .
( હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે)વાર્તાની આ  લીટી વાંચ્યા પછી  હું નિ:સંકોચભાવે એટલું તો જરૂર કહીશ કે … હું મારા વતન  થી ઘણી દુર છું  મારી માં , મારા સાસુ  મુબઈમાં છે પણ અમરિકામાં   આવી અને જયારે  પણ કોઇ ની વડીલ માં ને  જોવ છું  તો તેમાં મારી માં દેખાય છે .હેમંત ભાઈની વાર્તાનું આ  વાક્ય એની સાર્થકતા પુરવાર કરે છે .આપણે આપણાં વતન ને ભલે છોડી ને આવ્યા હોય  પરંતુ  આપણે હજી આપણાં  સંસ્કાર  છોડી નથી દીધા એ જ વાત  તમને હેમંતભાઈ ના લેખો અને કવિતામાં નજરે ચડ્યા વગર નહી રહે .

બસ હવે તમે ઘરમાંથી નીકળો..
પણ હું ક્યાં જાઉં? આ જમીનમાં મારા વરનો પણ ભાગ છે.
આટલા વર્ષે તમે ભાગ લેવા નીકળ્યાં છો ભાભી? હવે તમને ભાગ બતાવું છુ….રામજીભાઈ ગર્જયા..
રામજી અને હરજીવન બે સગા ભાઈ…જન્મે બ્રાહ્મણ હોવા છતા બાપદાદાની જમીનમાં બેઉ જણા સંપીને ખેતી કરે અને બેય કુટુંબ આનંદથી રહે.
આમ તો એમના પિતા પ્રાણજીવને ખેતરમાં જ બેય દીકરા નાં ઝૂંપડાં અલગ બનાવેલા પણ માતાપિતાના મૃત્યુ પછી ય બંને ભાઈઓ એક જ ઝૂંપડાં માં રહે …
હરજીવન ના પત્નીનું નામ પરસન…પણ બધા એમને લાડથી પસીબા કહે..અને તેમને એક જ પુત્ર નામે રાવજી….
રાવજી ભણવામાં હોંશિયાર અને માતા પરસન બા ભલે અભણ હતાં છતાંય તીવ્ર યાદશક્તિ વાળા  એટલે રાવજીને રોજ રામાયણ, ભાગવત, મહાભારતની વાતો કરે….જુદા જુદા શ્લોકો શીખવાડે અને ધાર્મિક જ્ઞાનથી સમૃદ્ધ કરે …
રામજી ભાઈ નાં પત્નીનું નામ જસોદા, ભગવાને તેમને કોઈ સંતાન આપ્યું નથી..એકવાર ખેતરમાં પાણી વાળતાં હરજીવન ભાઈને સાપ કરડ્યો. બૂમાબૂમ અને દોડાદોડી કરી..નાનકડું ગામ….આ રામપુર ગામમાં ડોક્ટર મળે નહિ..
હરજીવન ભાઈને માતાના મંદિરે લઇ ગયા. ભુવાએ દાણા નાખ્યા અને સાપનું ઝેર ઉતારવાના પ્રયોગો કર્યા પણ પરસનબા ના નસીબમાં પતિસુખ નહિ લખ્યું હોય તે હરજીવન ભાઈ મૃત્યુ પામ્યા. માત્ર ૨૮ વર્ષની ઊંમરે પરસનબા પર આભ તૂટી પડ્યું. રાવજી હજી માત્ર ૧૦ વર્ષની છે અને પાંચમાં ધોરણમાં ભણે છે.
રામજીભાઈએ ભાઈના ક્રિયાકર્મ કર્યાં…..પાંચેક વર્ષતો બધું સમુસૂતરું ચાલ્યું. નાનાં મોટાં ઘણાંય અપમાન, તિરસ્કાર અને મહેણાં ટોણાંથી પરસનબા હવે ટેવાઈ ગયા હતાં પણ માત્ર છોકરા રાવજીને ભણાવી ગણાવી મોટો બનાવવા બધું જ સહન કરતાં હતાં.
હવે રાવજી પણ દસમાં ધોરણમાં છે. અભ્યાસમાં ધ્યાન આપીને સારા માર્ક્સ સાથે પાસ થવા માટે ખુબ મહેનત કરે છે.  આજે કાકા રામજીભાઈએ કહ્યું..ખેતરમાં રાત્રે પાણી વાળવા જતા પતિ ગુમાવનાર પરસનબા એ કહ્યું..ના રાવજી નહિ જાય.. અને એમના જેઠ રામજીભાઈ ગર્જયા…બસ, ભાભી આજે જ ઘરમાંથી નીકળો..
પરસન બા કહે..ક્યાં જાઉં?   રામજીભાઈ કહે સામેનું ઝૂંપડૂં તમારું જ છે ને? આજથી મારે અને તમારે  કોઈ સંબંધ નહિ….પરસનબા  એ કહ્યું..આ જમીનમાં મારા ધણીનો ભાગ છે. અને રામજીભાઈ નું પોત પ્રકાશ્યું..
આ જમીન તમારા ધણી અને મારા ભાઈ હરજીવને મને લખી દીધેલ છે…..આ તો છોકરો નાનો હતો એટલે મેં દયા રાખેલી ..જમીનમાં તમારો ભાગ છે જ નહિ….પરસનબા ના માથે  આભ તૂટી પડ્યું….પતિના અવસાનનો વજ્રઘાત તો પરાણે સહન કરેલો પણ આજે તો સાચા અર્થમાં નિરાધાર અને નિસહાય થઇ ગયાં….. પાસે પૈસો નથી. છોકરો દસમાં ધોરણમાં છે….હવે શું થાય? ચોધાર આંસુએ પોક મુકીને રડ્યાં છે. પિયરમાં પણ કોઈ નથી જે હાથ ઝાલે.
ગામમાં  સરપંચને  આજીજી કરી, પંચને  કાલાવાલા કાર્ય પણ બધાએ રામજીભાઈ ને સાથ આપ્યો…વિધવા સ્ત્રી, એક બાળકને લઈને સાવ એકલી પડી ગઈ. રાવજી કહે……માં, તું રડીશ નહિ, આપણા હાથનું લઇ ગયા..ભાગ્યનું તો નહિ લઇ જાયને? બસ, પુત્ર રવજીના સહારે અને હિંમતે ઘર છોડીને પોતાના ઝુંપડામાં નવી જિંદગી શરૂ કરી…..રાવજીએ ભણવાનું છોડી દઈ અને પશાકાકાની કરિયાણાની દુકાને મજૂરી શરૂ કરી….સવાર થી સાંજ કોથળા ઊંચકે અને દુકાને મહેનત કરે…સાંજ પડે પશાકાકા, પાવલું ગોળ અને શેર બાજરી આપે. જેમાં મા દીકરો ખાય. ધિક્કાર મળતો હોવા છતાંય રાવજી ખંતથી દુકાનમાં મહેનત કરે અને ક્યારેય બેઈમાની કરતો નહિ. પરસનબા બે ત્રણ ઘરનાં વાસીદાં કરે અને ચપટી કમાય..ક્યારેક એક ટંક અનાજના ફાંફાં પડતાં, ત્યારે પાણી નો એક ગ્લાસ પસીબાનું ભોજન બની રહેતો. બંને મા દિકરાને પ્રભુ પર અડગ શ્રદ્ધા …રણછોડજીના બંને પરમ-ભક્ત  રોજ સવાર સાંજ, મા-દિકરો બોલે
હે રણછોડ જી છે સાથે
હે રણછોડ જી રહેજે સાથે
હે રણછોડ જી ચાલ  સાથે
“હરિ કરે તે ખરી” “વહાલો રાખે તેમ રહેવું” એનાં મા-દિકરાનો મંત્ર….પશાકાકાની દુકાને રાવજી તનતોડ મહેનત કરે, પ્રામાણિકતાથી અને નીતિથી દુકાન ચલાવે…કયાંય કામચોરી નહિ કે પૈસાની ઘાલમેલ નહિ…..પશાકાકા દિલથી એ વખાણ કરે પણ જીભથી તો રોજ અપમાન જ….રાવજી આખો દિવસ કામ કરતાં કરતાં શ્લોકો બોલતો જાય….અને નવા નવા શ્લોકો શીખતો જાય.
આજ રામપુર ગામમાં નવનીતભાઈ આવ્યા છે. આ ગામના જ વતની છે પણ વર્ષો થી અમેરિકા રહે છે અને મોટેલમાં સારું એવું કમાયા છે. પશાકાકા ના સગામાં હોવાથી છેલ્લા બે ત્રણ દિવસથી રોજ દુકાને આવે અને અમેરિકાની સમૃદ્ધિની વાતો કરે…..રાવજીને અમેરિકાની વાતોમાં ખુબ રસ પડે..ધ્યાનથી સાંભળે..ત્યાતો નવનીતભાઈએ પૂછ્યું…રાવજી, અમેરિકા આવવું છે? સામેથી  સ્વર્ગમાં આવવાનું નિમંત્રણ…..રાવજી શું બોલે? કહે….હું ભણેલ નથી અને મને અંગ્રેજી આવડે નહિ…..નવનીતભાઈ કહે…તારે અમારી સિટીના મંદિરમાં પૂજા કરવાની..રણછોડજી નું જ મંદિર છે ત્યાં જ રહેવાનું અને પૂજા પછી ગામમાં કોઈને કથા વગેરે કરવી હોય તો કરી આપવાની ..સારા એવા પૈસા મળશે…
રાવજી તો ખૂબ ખુશ થઇ ગયો..બસ હવે તે અમેરિકાનાં સ્વપ્નાં જોવા માંડ્યો. પરસનબા ને વાત કરી…બસ એક જ આધાર હતો તે ય જતો રહેશે  — દિલ પર  પથ્થર મૂકી, પરસનબા, રાવજીની વાતો સાંભળે છે. મનમાં ઘણી ઈચ્છા છે કે દિકરો મારી પાસે જ રહે…પણ મા જેનું નામ..પરાણે હસતું મ્હોં રાખીને વાતો સાંભળે…રાવજીએ માન્યું કે મા ની સંમતિ છે.
એણે નવનીતભાઈ ને કહ્યું..તમે મદદ કરતા હો અને મારો હાથ પકડતા હો તો હું આવવા તૈયાર છુ……પાસપોર્ટ અને બીજી બધી તૈયારીઓ શરૂ થઇ.  નવનીતભાઈ એ ત્યાંથી પૂજારી વિઝા માટેના કાગળો મોકલ્યા …આ બધી તૈયારીઓમાં પરસનબાના રહ્યાં સહ્યાં ઘરેણાં અને મૂડી બધું જ ખર્ચાઈ ગયું અને માથે પશાકાકાનું ત્રણ હજારનું દેવું થયું..
હવે પરસનબાની સંપતિમાં બે રોટલા, સાડલા અને દિકરો ખૂબ કમાશે એવા અરમાનો….એક દિવસ રાવજી મુંબઈ વિઝા લેવા ગયો..કુદરત તેની તરફેણમાં અને રણછોડજી ની કૃપા ….વિઝા ઓફિસરે હિન્દી માં પૂછ્યું…….”પૂજા કરના આતા હૈ?”   રાવજી કહે…. “હાંજી” .  તો કોઈ શ્લોક સુનાઈયે .. રાવજી એ “સ્વસ્તીન: ઇન્દ્ર” શ્લોક ગાયો અને તેને વિઝા મળી ગયા… રાવજી જયારે અમેરિકા જવા નીકળ્યો ત્યારે વિદાય આપવા આખું ગામ આવ્યું…….ન આવ્યા માત્ર રામજીકાકા અને જસોદાકાકી……
મા ની મમતા, આંખમાંથી વહેતાં સતત આંસુઓમાં વહી રહી છે…..હવે પરસનબા સાચા અર્થમાં અસહાય, અનાથ, નિરાધાર અને એકલાં પડી ગયાં….તેમનો સહારો માત્ર “રણછોડ” રહી ગયો..માંદે-સાજે કોઈ મદદ કરનાર કે પાસે બેસનાર પણ ન રહ્યું…
જ્યાં તેઓ ઘરકામ કરતાં હતાં તે એક જ ઘર રહ્યું, જ્યાં હૈયું ખોલીને વાત કરી શકે…..રાવજી અમેરિકા પહોંચી ગયો..નાનકડું ગામ એટલે ટેલીફોન પણ ના મળે. એક મહિના પછી સમાચાર મળ્યા કે રાવજી પહોંચી ગયો છે…નવનીતભાઈએ પશાકાકાને સમાચાર મોકલેલા જે તેમણે દસ દિવસ પછી કોઈકની સાથે પરસનબાને પહોંચાડ્યા.. અહીં રાવજી ખૂબ મૂંઝાય છે. અલગ દેશ, સવારે ૬:૦૦ થી ૧૦:૦૦ અને સાંજે ૬:૦૦ થી ૯:૦૦ મંદિરમાં પૂજા કરવાની અને બપોરના ૧૦:૦૦ થી સાંજ ના ૬:૦૦ સુધી નવનીતભાઈ ની મોટેલ પર કામ કરવાનું.
નવનીતભાઈ પગાર આપે નહિ…કહે તને અહી લાવ્યા તેના બદલામાં મારી મોટેલ પર કામ કરવું પડશે. જે ભક્તો મંદિરમાં પૈસા મૂકે તે ટ્રસ્ટમાં જાય..ક્યારેક કોઈક રાવજીના હાથમાં બે-પાંચ ડોલર આપે તે જ તેની કમાણી….મંદિરમાં પણ પગાર નહિ….ભક્તોએ મૂકેલાં ફળ વગેરે ખાવાનાં….
રાવજીને ખુબ મન થાય કે ક્યારેક ભાખરી,દાળ-ભાત કે ખીચડી ખાવાની મળે…પણ મહિનાઓ સુધી તેને આવું નસીબ પ્રાપ્ત થતું નહિ…તેને ‘મા’ ખૂબ યાદ આવતી….ક્યારેક પૂજા કરતાં કરતાં રણછોડજી ના ચરણોમાં મસ્તક  મૂકીને ખૂબ રડતો…આટલાં દુઃખો છતાંય તે હમેશાં આનંદમાં રહેતો અને પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતો…ધીમે ધીમે તે સિટીમાં તેનું માન થવા માંડ્યું..સત્યનારાયણ કથા અને બીજા કર્મકાંડ મળવા માંડ્યા અને દક્ષિણા રૂપે મળતી રકમથી તે બે પાંદડે થવા માંડ્યો…
તેને ઘણીવાર થતું કે મા ને પૈસા મોકલું …એક બે વાર, નવનીતભાઈ મારફત પૈસા મોકલવા ના પ્રયત્ન કર્યો ત્યારે તે રકમ નવનીતભાઈએ જ લઇ લીધી…કહે તને અહીં લાવવામાં મને ખર્ચ થયો છે.  અહીં પરસનબા ધીમે ધીમે સૂકાતાં ચાલ્યાં. દિકરાના વિરહની આગે તેમનું શરીર અશક્ત કરી દીધું.. વહેલું વૃધ્ધત્વ આવી ગયું અને કેન્સરની બિમારી લાગુ પડી ગઈ…ત્રણ ત્રણ વર્ષ થયાં….મા-દિકરાની વાત નથી થઇ કે કોઈ સમાચાર નથી. અનેક દુઃખો વચ્ચે પણ રાવજીએ રણછોડજી માંથી શ્રદ્ધા છોડી નથી…દુઃખો એ હજી રાવજીનો સંગાથ છોડ્યો નથી…
એક દિવસ સવારે ઊઠીને જોયુંતો રણછોડજી ના ગળામાં પહેરાવેલ સોનાનો હાર ગાયબ…રાવજી ખૂબ ગભરાયો…ટ્રસ્ટીઓને જાણ કરી ..મંદિરમાં ચોરી થયાની વાત વાયુવેગે પ્રસરી ગઈ..માત્ર રાવજી જ મંદિરમાં રહે છે એટલે શંકાની  સોય તેના તરફ જ રહી……ટ્રસ્ટીઓને રાવજીની પ્રામાણિકતા માટે શંકા નહોતી છતાંય લોકલાજે પોલીસને બોલાવીને ચોરીની ફરિયાદ લખાવી…..આખા મંદિરમાં ચોરી થયાનાં કોઈ નિશાન નથી..કયાંય કોઈના હાથ કે પગની છાપ મળતી નથી…પોલીસ પણ ખૂબ મુંઝાય છે અને ચોરીનો આરોપ રાવજીને માથે મુકીને તેને ગુનેગાર તરીકે પકડવામાં આવ્યો.
અમેરિકાની કોર્ટે પણ આ કેસમાં લાંબી તપાસ કરી નહિ અને રાવજીને ત્રણ વર્ષની કેદની સજા કરવામાં આવી. રાવજી ખૂબ પસ્તાયો છે. અમેરિકા દેશ માટે તેને નફરત થઇ છે. જે ગુનો કર્યો જ નથી તેની સજા ભોગવી રહેલો રાવજી વારંવાર રણછોડજી ને પૂછે છે..પ્રભુ, આ ક્યાં કર્મો ની સજા? આમ ને આમ બે વર્ષ વીતી ગયાં છે. રાવજીએ પ્રભુમાં શ્રદ્ધા ગુમાવી નથી…આ બાજુ મંદિરના નવનિર્માણનું કાર્ય શરૂ થયું છે. મંદિરમાં મૂર્તિની આસપાસની દીવાલો પરથી ટાઈલ્સ કાઢીને આરસપહાણ  લગાવવાના છે. દીવાલોમાં કેટલેય ઠેકાણે પડેલાં કાંણાને પહેલાં પૂર્યાં હતાં તે પણ આ મરામત વખતે ફરીથી ખુલ્યાં છે.  ટ્રસ્ટીઓની હાજરીમાં જયારે દીવાલોમાંથી ટાઈલ્સ કાઢવામાં આવી અને કાંણા ફરી ખુલ્યાં ત્યારે સહુના આશ્ચર્ય વચ્ચે એક મરેલા ઉંદરના મુખમાં રણછોડજી ના ચોરાયેલા હારની દોરી હતી અને આખો હાર બાજુ માં પડેલો….જે હારની ચોરીના આરોપમાં રાવજી જેલની સજા ભોગવતો હતો તે હારનો ચોર તો ઉંદર હતો…ટ્રસ્ટીઓને ખૂબ દુઃખ થયું..ફરીથી પોલીસને બોલાવી અને સાચી વસ્તુ બતાવી. પોલીસે ફરીથી કોર્ટમાં અરજી કરીને રાવજી નિર્દોષ હોવાના પુરાવા રજૂ કર્યા.
અમેરિકાની કોર્ટના જજે રાવજીને નિર્દોષ જાહેર કરીને જેલમાંથી છોડી મુક્યો સાથે ચુકાદો આપ્યો કે પોલીસે ખોટી રીતે તેને ગુનેગાર ઠરાવ્યો હતો માટે રાવજીને દર મહિનાના $૫૦૦૦ વળતર આપવું, સાથે જ મંદિરના ટ્રસ્ટીઓએ રાવજીને મહીને $૩૦૦૦ ચુકવવા. આમ રાવજી જેલમાંથી છુટ્યો ત્યારે તેની પાસે બે લાખ ડોલર મળ્યા. આટલી રકમ મળી છતાંય તેને હવે અમેરિકા રહેવું નથી. તેને તો બસ રામપુર જઇને ‘મા’ ને મળવું છે. તે કહેતો..
કદી પરદેશ માં ભૂલા પડ્યા છો?
પોતે જ પોતાની સાથે લડ્યા છો?
વતન અને મા શું છે, શું સમજાવું તમને?
કદી કોઈ વાર ‘મા’ માટે રડ્યા છો? 

અને ગમે તેમ કરીને રાવજી અમદાવાદ આવી પહોંચ્યો. ગાડી કરીને રામપુર પહોંચ્યો છે. મા ને મળવાના ખૂબ કોડ છે. બસ દિવસોના દિવસો મા ના ખોળામાં માથું મૂકીને સૂઈ રહેવું છે. રાવજી ની ગાડી પોતાની ઝૂંપડી પાસે ઉભી રહી. સામેથી ડાધુઓ ને આવતા જોયા..એક ધ્રાસકો પડ્યો. તેની જ મા ના અંતિમ સંસ્કાર કરીને ગામના લોકો આવી રહ્યા હતા. ચોધાર આંસુએ એક નાના બાળક ની જેમ રાવજી રડે છે. એને ખૂબ પસ્તાવો થયો છે. નસીબમાં સતત આવી રહેલાં દુઃખો સહન કર્યા પણ આજના દુઃખે તેને કંગાળ કરી મૂક્યો છે. અનહદ આક્રંદ સિવાય તે કશુ જ કરી ના શક્યો.. હવે તેણે સંકલ્પ કર્યો કે આ ગામની દરેક   ‘મા’  માં તે પોતાની માનાં દર્શન કરશે અને તેને સુખી કરવા પ્રયત્ન કરશે..
તેણે ગામમાં નિશાળ બંધાવી, ગામમાં પાણીની ટાંકી કરાવી, ઘરે ઘરે નળ મૂકાવ્યા જેથી કોઈ સ્ત્રીને પાણી ભરવા જવું ના પડે….ગામમાં એક ડોક્ટરની વ્યવસ્થા કરી જેથી દરેકને તાત્કાલિક સારવાર મળે. દરેક ઘરને આધુનિક સગવડોથી ભરી દીધું તથા દરેક સ્ત્રી અને કન્યાને શિક્ષણ માટે પ્રેરણા આપી. અને તેથી જ લોકો રામપુર ને રાવજીનગર કહેવા માંડ્યા ત્યારે તે પ્રેમથી કહેતો આને તો મા ની મમતાનું નગર એટલે મમતાનગર કહેવું જોઈએ.
તેણે એક સુંદર કામ કર્યું. ગામમાં એક મંદિર બંધાવ્યું. જેમાં કોઈ દેવી દેવતા નહિ, કોઈ મૂર્તિ નહિ, કોઈ છબી નહિ….મંદિર ની આગળ તેણે લખ્યું…. જે પુત્ર ની પાસે મા છે તે  સૌથી નસીબદાર..જે પુત્ર માથી દૂર છે તે પણ ભાગ્યશાળી છે અને જેમણે ‘મા’ ગુમાવી છે તે આ મંદિરમાં પોતાની ‘મા’ નાં દર્શન કરે… આ મંદિર “મા નું મંદિર” કહેવાયું……દરેકને પોતાની માને પ્રભુના સ્વરૂપે જોવાની ટેવ પડી ગઈ જેથી આસપાસના કેટલાંય ગામોમાં વૃદ્ધાશ્રમ થતા અટકી ગયા….મંદિર ની બહાર સુંદર લખાણ છે……
“મા ને વહાલ, મા ના ચરણો માં પ્રણામ,
મા તારા સ્વરૂપ ને નમે છે આખું ગામ”
ગામ લોકો ના આગ્રહ ને વશ થઇ ને તેણે એક ગરીબ કન્યા સાથે લગ્ન કર્યાં અને જીવ્યો ત્યાં સુધી આ મમતાનગર ની સેવા કરી….કદાચ પરસનબા ની સેવા નહિ કરી શક્યાનું આ જ સાચું પ્રાયશ્ચિત હતું……પત્નીનો તેને આ કાર્ય માં પ્રશંશનીય સહકાર રહ્યો…

ઓમ મા ઓમ

અભિવ્યક્તિ

બ્લોગ જગતમાં ભાવ ભર્યુ અને સ્નેહ નીતરતું સ્વાગત્.
વડીલની હાજરી અમને સૌને સર્જનમા નવી રાહ ચીંધશે.  …..

આ બ્લોગ મારા  ૯૪ વર્ષના માતા સમાન સાસુશ્રી શાંતાબેન દાદભાવાળા ને અર્પણ

આપ સાહિત્ય પ્રેમી હોવ અને આપને કંઈક લખવાની ઈચ્છા હોય……..રોજિંદા જીવનની ઘટમાળ અને ઘોંઘાટ વચ્ચે જે કંઈ હૃદયને તીવ્રતાથી સ્પર્શી ગયું, જાણ્યું-માણ્યું કે અનુભવ્યું; તેને આપ સૌ વાચકમિત્રો સાથે વહેંચવાનો પ્રયત્ન કરજો. તો બસ, ઉઠાવો કલમ…….. અમને આપનો લેખ, આપની કૃતિ આ વેબસાઇટ પર પ્રકાશિત કરવા માં અત્યંત આનંદ થશે !…

પદ્માબેન કનુભાઈ શાહ

મિત્રો,
પદ્મામાસીનો પરિચય એમની ગુજરાતી ભાષાનો પ્રેમ છે .એમના શબ્દોમાં  કહુતો “હું પરદેશમાં ટકી રહી છું તે કવિતાને કારણે… મારે જો ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઇ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ.કવિતા મારી ગુજરાતી પણાની  ઓંળખ અને ગૌરવ છે ..એમની કવિતામાં  મુલાયમ લાગણીઓ ભરપુર ઉછાળા મારતી અનુભવાય છે.એમની ભાવનાઓ જ્યારે શબ્દદેહ ધારણ કરે છે ત્યારે સર્જાય છે કવિતા .આજની એમની દિવાળી વિશેની કવિતા વાંચ્યા પછી  તમે પણ આવુજ અનુભવશો …….સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. ..
દિવાળી
 
દિવાળીની  દિપાવલી,  પ્રકાશ  પ્રસારતી  આવી
ઉમંગ  ને  ઉત્સાહથી,  શમણા ભાવિક  જનોમાં લાવી
 
ધન્ન્ધાના સરવૈયા માટે,    નવા ચોપડા લાવી
નાના મોટા સૌ જનમાં, નવચેતન લઈને આવી
 
અન્નફૂટના થાળ સજાવી,    ગૃહિણી મંદિરે લઇ આવી
ભક્તિ ભાવથી મિઠાઈ મેવા,   શ્રીજી ચરણે પધરાવી
 
હર્ષઘેલા કિશોર કિશોરીઓ, રંગોળી વિવિધ લાવ્યા સજાવી
ઝગમગ ઝગમગ દિવાડીઓ શોભે,   અંતરને અજવારી
 
લક્ષ્મી પૂજન ને શારદા પૂજન,   શુભ મુહુર્તમાં થાતા
ભાઈ બીજના મીઠા ભોજન,   ભાઈ બેન સાથે જમતા
 
ઘારી ઘૂઘરા ઘેબર મઠડી,    મિષ્ટાન સ્વાદમય  બનતા
નવા વર્ષના સાલમુબારક, જૈશ્રીકૃષ્ણ  આનંદભેર કહેતા
 
માત પિતા ને વડીલોના,    આશિષ ઉમળકે સૌ લેતા
અભિનંદન અભિવાદન કરીને, શુભ શુકન અનુભવતા
 
પદ્માબેન કનુભાઈ શાહ