ને ગમતાંનો કરીએ ગુલાલ.

તમને સૌને પીરસતાંપહેલા આભાર ખાસ જુગલકિશોરભાઈ વ્યાસને સુંદર લખવા માટે અભિનંદન

સૌજન્ય: પ્રદીપભાઈ રાવલ

મિત્રો મે ઘણા વખત પહેલા ધીરુબહેન પટેલની કિચન કવિતા વાંચી હતી અને હું ઘણી પ્રભાવિત થઇ હતી ત્યારે મે મારા સિનીયર સિટીઝન મિત્રો સાથે રસોડાના હથિયાર સાથે ડાન્સ કરાવ્યો હતો.ખુબ લોકોએ વખાણ્યો અને મને આનંદ મળ્યો તે નફામાં. અહી મૂળ વાત પર આવું કે જુગલકિશોરભાઈ તો પુરુષ કહેવાય તેમને રસોડાનું આટલું જ્ઞાન અમુક સાધનોઅને ક્રિયા લખી છે તે નામો તો હું જાણતી પણ નથી.માનના પડેગા ભાઈ.

આપણે રસોડામાં ૨૪ કલાક ન કહો તો પણ ઘણો સમય વિતાવીએ છીએ પણ આ વાતને વ્યક્ત નથી કરી શક્યા. મને આ લેખ વાંચ્યા પછી જે આનંદ થયો તેમાં આપ સૌને સહભાગી કરું છું.

રસોડાનો ધ્વનિવૈભવ !!

ઓશો દર્શન -46. રીટા જાની


હિન્દી ભાષાના યશસ્વી કવિ ડો. કિશોર કાબરા કહે છે કે ઓશોમાં કલા અને કવિતા બંને એકસાથે છે. એટલે અસ્મિતાનો વિસ્તાર અને પછી એમાંથી મુક્તિ એનું જ નામ છે રજનીશ દર્શન. ઓશો સમસ્તના સ્વીકારને સંન્યાસ કહે છે. એમનો સન્યાસ ત્યાગ નથી, પણ ઉપલબ્ધિ છે. એમના સન્યાસીને એમને ત્રણ સૂત્રો આપ્યા છે. “પરમાત્મા છે મંઝિલ, સંતોષ છે ચાવી અને અસુરક્ષા છે આધાર, ધ્યાન છે સ્વેચ્છયા સ્વીકૃત મૃત્યુ અને જો એ પૂરા જીવનમાં ફેલાઈ જાય તો માનવું કે સંન્યાસ ફલિત થયો.”

આ શ્રેણી અંતર્ગત આજે આપણે ડો.અમૃત રાણિંગા અનુવાદિત પુસ્તક ‘અગમ્ય જીવન યાત્રા’ ઉપર આધારિત ઓશોદર્શન જોઈશું. ઓશો કહે છે કે મૃત્યુની ઓળખાણથી જ સંન્યાસનો જન્મ થયો ધ્યાનનો જન્મ થયો આ સત્યની સ્વીકૃતિ સાથે જ તમે નવા બનવા લાગશે નાખશો. દેહ મંદિર છે પણ સંસારી લોકો મંદિરની દીવાલમાં જ ખોવાઈ ગયા છે. મંદિરમાં છુપાયેલી મૂર્તિ સુધી તેઓ પહોંચી શકતા નથી. મૃત્યુ નિશ્ચિત છે છતાં જાગૃતિ નથી. લોકો ક્ષુલ્લક વાતો પર લડી રહ્યા છે. લોકો ધન, પ્રતિષ્ઠા, પદ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત છે.

ઓશો કહે છે કે ત્યાગી હોય કે ભોગી -બંનેની નજર શરીર પર છે. શરીર સાથે મિત્રતા પણ ન કરો કે શત્રુતા પણ ન કરો. દેહનો સ્વીકાર કરો અને તેને જ પગથિયું બનાવી તેની ભીતર છુપાયેલા શાશ્વતની શોધ કરો. જીવન એક અવસર છે. તેને તમે વ્યર્થમાં ડુબાડી દો કે પછી સાર્થકની તપાસમાં લગાવી દો -તે તમારા પર નિર્ભર છે. જે સમ્યકરૂપે, ધ્યાનપૂર્વક, જળકમળવત જીવે છે તેમને મૃત્યુમાંથી પણ અમૃતનો સ્વાદ મળે છે. જે વ્યક્તિ બરાબર જીવવાનું જાણી લે છે, તે બરાબર મરવાનું પણ જાણી લે છે. તેમના માટે મૃત્યુ જીવનની સૌથી ઊંચી અનુભૂતિ છે. દેવસ્થાનોમાં વાગતી ઘંટડીઓ તમારા જીવનનો થાક કે ચિંતા દૂર નહીં કરી શકે. એ ઘંટડીઓ તમારા અંતસ્તલમાં વાગવી જોઈએ.

મૃત્યુને કોઈ હરાવી શક્યું નથી કે મૃત્યુને જીતવાની કોઈ સંભાવના પણ નથી. મૃત્યુ તો અંધકાર જેવું છે. એ માટે એક જ કામ થઈ શકે. જ્યોતિ પ્રગટાવો અને અંધારું નહીં રહે. ધ્યાનની જ્યોતિ જલતાં જ મૃત્યુને જાણી શકાશે. એકવાર મૃત્યુને જીવનનું અનિવાર્ય અંગ માનીને સ્વીકાર કરો તો જિંદગી તત્ક્ષણ બદલાવી શરૂ થઈ જશે. પછી તમે ક્રોધ નહીં કરો. સફળતા મળે કે વિફળતા, સુખ આવે કે દુઃખ -બધું બરાબર લાગશે. તમારી ભીતર સમ્યકત્વ પ્રવેશી જશે, સાક્ષીભાવ આવી જશે. જેનાથી સદાકાળ માટે છૂટા પાડવાનું છે, ત્યાં દૂર્ભાવ શા માટે પેદા કરીએ? થોડા ફૂલ ઉગાડીએ, ઉત્સવ ઉજવીએ, દીવા પ્રગટાવીએ. આ બે ઘડીના જીવનને સુગંધિત પ્રાર્થનામય, પૂજન બનાવી કૃતજ્ઞતા, ધન્યવાદ, આભાર વ્યક્ત કરીએ.

આ સંસાર ઇન્દ્રધનુષ્ય જેવો છે: દેખાય ખૂબ સુંદર, પણ મુઠ્ઠીમાં પકડો તો હાથમાં કંઈ જ ન આવે. મનુષ્ય પણ એ જ રીતે પદ, પ્રતિષ્ઠા અને ધનના ઇન્દ્રધનુષને પકડવા દોડતો રહે છે. લોભ અને ભય એક જ સિક્કાની બે બાજુ છે અને હંમેશા સાથે આવે છે. મોટાભાગે લોકો નર્કના ભયથી કે સ્વર્ગના લોભથી ધર્મના શરણે જતાં જોવા મળે છે. મોક્ષનો અર્થ છે ભય અને લોભથી મુક્તિ. જેના જીવનમાં ભય અને લોભ નથી તેની તમામ જીવન ઉર્જા પ્રેમ બની જાય છે અને પ્રેમની પરાકાષ્ઠા છે પ્રાર્થના.

અધ્યાત્મનું ગણિત અર્થશાસ્ત્રના ગણિતથી એકદમ વિપરીત છે. ઉપનિષદ પણ કહે છે: ‘ તેન ત્યક્તેન ભુંજીથા: ‘. ભીતરની સંપદા વહેંચવાથી જ વધે છે. વિચારોથી મુક્ત થઈ જવાથી સંતોષની વર્ષા થાય છે, મૃત્યુની પાર અમૃતનું આકાશ દેખાય છે.

ઓશો બીજના ઉદાહરણ દ્વારા સુંદર સમજ આપે છે. બીજ ખાલી છે. બીજમાંથી વૃક્ષ બને છે, વૃક્ષ ઉપર ફૂલ ખીલે છે, તેમાં ફળ પણ ખીલે છે. એ સંતોષ બીજ જો બીજરૂપે જ રહે તો એને ના મળે. માણસ પણ પરમાત્માનું બીજ છે. માણસ જ્યારે ફૂલેફાલે, ખીલે ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે. માટે જ આપણે બુદ્ધ, મહાવીર, કૃષ્ણને ‘ભગવાન’ કહીએ છીએ. એનો અર્થ એ કે તેમના દ્વારા પરમાત્માનું તત્વ ખીલ્યું છે, દિવ્યતાની સુગંધ પથરાઇ છે.

વિચાર ઓછા કરો, અનુભવ વધારે કરો. જેમ જેમ અનુભવ વધશે તેમ તેમ જીવનનું રહસ્ય ઉદ્ઘાટિત થતું જોવા મળશે. જીવન એ બે પરસ્પર વિરોધી ધ્રુવ છે અને તેના કારણે જીવન વધુ સમૃદ્ધ બને છે. ઓશો કહે છે કે જો તમે પ્રેમ કરશો તો બધી જ લાગણીઓ પછી તે નકારાત્મક હોય કે હકારાત્મક – પુનર્જિવિત થશે. આપણે પડછાયાને દૂર ન કરી શકીએ. તે જ રીતે નકારાત્મક લાગણીઓ હકારાત્મક લાગણીઓની સાથે જ રહેવાની છે. જો ક્રોધની જરૂર પડે પ્રેમ ક્રોધ કરવા તૈયાર છે. કોઈપણ બાળકને કદી માતા પિતા પ્રત્યે માઠું નહિ લાગે ભલે તેઓ પ્રેમથી ક્રોધિત થયા હોય. કારણ કે બાળક તમારા પ્રેમને સમજે છે. પણ જો મા-બાપ કે પતિ પ્રેમ વિના ક્રોધ કરે તો તે અહમ છે, તેને માફ ન કરી શકાય.

પક્ષીઓ ગાય છે, પુષ્પો ખીલે છે, સરિતા વહે છે, ઘટનાઓ સતત ઘટતી રહે છે, સમગ્રતયા રંગીન ઉત્સવો ઉજવાતા રહે છે અને આપણે એટલા બંધ છીએ કે એક કિરણ પણ તેમાં પ્રવેશી શકતું નથી. આ કેદને છોડીને બહાર આવીએ તો વાસ્તવિક જીવનનો અનુભવ મળશે. માટે ભવિષ્ય માટે જીવન મોકુફ રાખવું જરૂરી નથી. જીવન અહીં જ છે. જ્યારે ધ્યાનની અવસ્થામાં વિશ્રામ કરીએ તો જીવન કેટલું સુંદર અને મધુર છે તેનો કલ્પનાતીત અનુભવ થશે, સત્ – ચિત્ – આનંદનો અનુભવ થશે. સામાન્ય રીતે આપણે બહાર દ્રષ્ટિ રાખીને જીવીએ છીએ અને ધનની, સત્તાની પ્રતિષ્ઠાની શોધખોળ કરીએ છીએ. જ્યારે આપણું લક્ષ્ય તો ભીતર હોવું જોઈએ. ભીતર શાંતિ છે, મૌન છે, સ્થિરતા છે, પ્રભુતા છે. જે વ્યક્તિ ભીતરના પરમાનંદને જાણશે તે જ બીજાને એ વહેંચી શકશે. કબીર કહે છે કે પોતાના સ્વરૂપ તરફની યાત્રા એ જ પરમાત્મા તરફની યાત્રા.

રીટા જાની
14/04/2023

વિસ્તૃતિ…૫૧-શરદ સાહિત્યનું સમાપન-જયશ્રી પટેલ


98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

આપ સૌ સમક્ષ એક સાહિત્યિક પ્રેમી તરીકે
પા પા પગલી માંડતી સાહિત્યકાર એવી મેં જ્યારે બેઠકમાંથી આવેલા કેલિફોર્નિયાની બેઠક મંચના ફોન દ્વારા આ એકાવન શ્રેણીનાં પ્રસ્તાવને સ્વીકાર્યો ત્યારે મને
મનમાં એક ડર હતો.. હું પૂર્ણ કરી સકીશ કે નહિ ! વિષય વસ્તું શું પસંદ કરવો. મનમાં બે લેખકો પ્રત્યે અઢળક પ્રેમ
એક તો ધૂમકેતુ ને બીજા શરદચંદ્ર ચટ્ટોપાધ્ય્ય.મેં ધૂમકેતુ પસંદ કર્યા પણ તે આગળ કોઈએ લખ્યાં છે એવો સંકેત મળ્યો. તેથી શરદબાબુના શરદસાહિત્યને પસંદ કર્યું .
મારે તેમને શોધવાના જ નહોતાં તેઓ તો મારાં પુસ્તકભંડારમાં જ હતાં. બંગાળી ભાષામાંથી ગુજરાતીભાષામાં અનુવાદ રૂપે. ખૂબ નાની ઉંમ્મરથી ત્રણ ત્રણ સાહિત્યવિદો વચ્ચે ઉછેર થઈ રહ્યો હતો. મારાં દાદી, મારા પિતાજી ને મારી સાત ચોપડી ભણેલી માતા.
તેઓએ મને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો ને
આઠમાં ધોરણમાં મારાં હાથમાં શરદ સાહિત્ય મૂક્યું. મારી માતા તો શરદબાબુની ને કે.એલ. સાયગલની પાછળ ઘેલી હતી. ત્યારે તો એક વાંચક તરીકે તેમની વાર્તાઓ વાંચતી ને રડતી પણ ખરી. અંક લેખિકા તરીકે જ્યારે તેમના વિષે વિસ્તૃતિ કરવાની આવી ત્યારે વાર્તાનાં
ગુઢાર્થને , ગામની વાતો ને, કલકત્તા ને હુગલી નદીની આસપાસના નાનાં નાનાં ગામડાઓને સાથે રંગૂન(બર્મા)
ને ઓળખતી થઈ. બંગાળની સ્વમાની નારીઓને ઓળખતી થઈ. હવે ગુગલ પરના શરદબાબુના નાનાં જીવન ચરિત્રના કિસ્સા મને ફિક્કા લાગવા લાગ્યા તેથી
તપાસ કરતા હિન્દી આવૃત્તિ “ आवारा मसीहा”श्री विष्णु
प्रभाकर जी નું પુસ્તક દિલ્હીના ખાન માર્કેટમાંથી પ્રાપ્ત થયું. જાણે ચારેય વેદ હાથમાં આવી ગયાં.શરૂઆતમાં તેમને વાંચ્યા એકવાર નહિ બે વાર ને ત્રીજીવાર વાંચતા વાંચતા અનુવાદ કરવા લાગી અમૂક હિસ્સાનો મારે મારાં વાંચકો સુધી તેમની કલમનાં હાર્દને પહોંચાડવો હતો.એક વાર દર રવિવારની જેમ જૂના પુસ્તકવાળાને ત્યાં ગઈ તો મારાં નસીબે ત્યાં સામે જ આવારા મસીહાનો ગુજરાતી
અનુવાદ શ્રી હસમુખ દવે દ્વારા થયો હતો તે મારી સમક્ષ હતો. જાણે એક ખોવાયેલો ખજાનો મળી ગયો.
તેમની મુખ્ય વાર્તાઓ નવલકથાઓ ફરી ઉથલાવતી ગઈ જેટલું બને એટલું સંક્ષેપમાં બધું સમાવી તે વાર્તા તેના આસ્વાદને વાંચક વર્ગ સમક્ષ મુકવાની મારી કોશિશ રહી. તેમના ચરિત્રનાં પણ જેટલાં યોગ્ય લાગ્યા તેટલાં પ્રસંગો વીણીચૂંટી મુકવાની વાંચનાર ને સાંભળનાર બન્નેને રસ પડે તેમ ઓડિયો સાથે મૂકી શરદબાબુને ન્યાય આપવાની કોશિશ કરી.બંગાળી સાહિત્ય ને બંગાળી સંગીત બન્ને ભારતવાસીઓના હૃદયમાં ઉંચ્ચ સ્થાન ધરાવે છે.
દર સોમવારે મુકાતી મારી આ “વિસ્તૃતિ” શ્રેણીને પસંદ કરનાર, મને સાથ આપનાર મારા સખી ,માર્ગદર્શક પ્રજ્ઞાબેન ,જીગીષાબેન અને રીટાબેનની હું ખૂબ ખૂબ આભારી છું.

આ સાહિત્ય રચતા રચતા ઘણું નવું જાણવા મળ્યું. કેટલાય નારી પાત્રોમાંથી ઘણું શીખી ને પુરુષપ્રધાન ભારત દેશની તે સમયની મનોસ્થિતિ અને આજની મનોસ્થિતિમાં થયેલાં નજીવા ફેરફારની ભેદરેખા તાણી શકી. સમાજ ને તેના રીતરિવાજોને તે સમયની પ્રણય ગાથાઓથી હૃદય ભરાય ગયું.પારો ને ચંદ્રમુખી કે સતી , લલિતા જેવા પાત્રો, દેવદાસ, શેખરબાબુ કે ગિરીનબાબુ જેવા યુવક યુવતીને લઈ કે તે સમયે વિકસિત થયેલાં બ્રાહ્મો સમાજને તેની આધુનિકતા મને ખૂબ વિચાર
કરતી કરી મૂકી હતી.
મિત્રો, મારા આ અંશને પૂર્ણ કરતા વાંચકો ને શ્રોતાઓથી દૂર જવાનું ને શરદબાબુને ક્યાં ક્યાં શોધવાનું કાર્ય હવે અટકી જશે તેનો ખેદ જરૂર રહેશે. ફરી મળીશું આમ જ ક્યાંક મનગમતી શ્રેણીમાં.

અસ્તુ,
(સંપૂર્ણ)
જયશ્રી પટેલ
૨૬/૨/૨૩

વિસ્તૃતિ..૫૦ -જયશ્રી પટેલ

 

 

 

 

 

 

 

 

શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયાં.
શરદબાબુ વિષે એક અદ્ભૂત વાત કહેવી રહી તેમના પત્ની ગણો કે સહિયર હિરણ્યમયીદેવી સાથે કોઈ બ્રાહ્મણો કે મંદિરના દેવદેવીઓ કે સમાજના લોકોની ઉપસ્થિતિમાં લગ્ન નહોતા કર્યા ,છતાંય તેણી પ્રત્યે તેમને હાર્દિક પ્રેમ હતો. તેણી ઓછું ભણેલી, અનેક વાતોથી અજ્ઞાત સરલ સ્વભાવની કપટરહિત નારી હતાં, તેઓની ને શરદબાબુની એક પણ તસ્વીર સાથે નથી .એકવાર બર્મામાં તૈયારી કરી હતી પણ તે જ ક્ષણે તેમના પેટમાં દુખાવો ઉપડ્યો ને તેણીએ પછી ક્યારેય ઈચ્છા જ ન કરી શરદબાબુ સમજી ગયા હતા કે આમાં તેણીને રુચી જ નહોતી. તેમણે ક્યારેય આગ્રહ પણ ન કર્યો.
શરદબાબુ તેમને બહુ કે બડીબહુ કહી બોલાવતા. શરદબાબુ તેમનાં ખૂબ વખાણ કરતાં.જ્યારે મિત્રો કે સંબંધીઓને પત્ર લખતા તો પોતાના ગૃહસ્થ જીવન વિશે સંતોષ વ્યક્ત કરતા.તેમના જીવનને તેણી કેવી સાચવતી,ખરાબ ટેવોને કેવી કાબૂમાં રાખતી તે સર્વે ને કહેતા. ઉમ્મર વધતી ગઈ બન્ને વચ્ચે પ્રેમની ઘનિષ્ટતાની
વ્યાખ્યા બદલાય ને આત્મીયતા ને હાર્દિકતા વધતી ગઈ.અંતે એ બે જ રહ્યાં હતાં કૂતરો ભેલુ પણ સાથ છોડી ગયો હતો. જેની સાથે અત્યંત લગાવ હતો.
તબિયત લથડતી ગઈ, ઘરમાં એકલતા લાગતી મૃત્યુનાં પગલાંના ભણકારા વાગવા લાગ્યા હતા. ડોક્ટરે બદલાતા રહ્યાં , ઉપચારો બદલાતા રહ્યાં. તેમના ઘનિષ્ઠ મિત્ર એવા મામા સુરેન્દ્રનાથ ગાંગુલી તેમની સાથે રહેવા આવ્યા. તેઓ શરદબાબુને કહેતા કે તારે તો ઘણું બધું કરવાનું બાકી છે! તો તેઓ માંદગીથી ત્રાસી કહેતા કે આ પરિત્રાણ ભોગવવા સિવાય કંઈ જ બાકી નથી. તેમને હવાફેર માટે લઈ જવાનું નક્કી થતાં તેમણે મક્કમ મને
રૂપનારાયણને કિનારે શાંતિથી જીવવાની ને પોતાના ભાઈ પ્રભાસની સમાધી પાસે રહેવાનું મન મનાવ્યું. આવી તબિયતે એકવાર એમનો એક ચાહક અમૃતલાલ નાગર તેમને મળવા આવ્યો તે એટલો તો ભક્ત હતો શરદબાબુનો કે પોતાના પુસ્તકોના કબાટ પર ‘શ્રી ગણેશાય નમઃ’ ની જગ્યાએ ‘શ્રી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય નમઃ’ લખતો. એને જોઈને મળીને ખૂબ સાંત્વના થઈ એમને થયું જાણે સાહિત્યકાર થવું સાર્થક થઈ ગયું.
તેઓનો ઉપકાર માન્યો ઘડીભર આનંદ આપવા માટે.
શરીર ઘસાઈ ગયું હતું સૂકાઈને કાંટા જેવું થઈ ગયું હતું. ખાવાપીવાનું ધીરે ધીરે અટકી જવા લાગ્યું હતું.
કલકત્તા લાવવામાં આવ્યા નવી નજરોથી જોતા રહ્યાં કલકત્તાને જાણે બાળપણ પાછું આવ્યું. ફરી ડોક્ટરો ફરી પરિક્ષણ ને પરિણામ એક દિવસ સારો ને બે દિવસ ખરાબ જતાં.અંતે ડો.મોકની હોસ્પિટલમાં દાખલ કરાયા.
ત્યાંથી સુશીલના નર્સિંગ હોમમાં ,આમ શરીર સાથ નહોતું આપતું છતાં તબિયતથી હારી ગયેલા લોકોને આધીન થઈ જતાં. પત્નીને મિત્ર ઉમાપ્રસાદને સોંપી દીધાં હતાં.

અંતિમ ઈચ્છા જાહેર કરી ફૂલો તો ગમે છે, પણ બે કેનેરી પક્ષી લાવો મારી સાથે મારાં જ ઓરડામાં પીંજરું રાખો. પક્ષી આવ્યા તો આનંદથી તેની મીઠી બોલી સાંભળતા ને તેની સાથે વાતો કરતા કે આટલું મીઠું ન બોલો એક દિવસ મારી જેમ જ મધુર કંઠ બંધ થઈ જશે.

તેમને પેટમાં પાઈપ નાંખી ખોરાક અપાતો હતો. અંતમાં પાણીની તરસ ખૂબ લાગતી તેથી પાણી માંગતા.
ડોક્ટરને કહેતા કે તરસ તરસ! મરુભૂમિની છાતી પણ ફાડી નાંખે તેટલી તરસ લાગે છે ડોક્ટર! બધાં જ રડી ઉઠતાં. ફરી ૧૨મી જાન્યુઆરીએ ઓપરેશન કરવાનું નક્કી થયું. તેમની અનુમતિ જોઈતી હતી. કુમુદશંકર રોયે
અનુમતિ લખી ને તેઓએ અંગ્રેજીમાં હસ્તાક્ષર કર્યા. અંતે પોતે ઉમેર્યું કે ઓપરેશનમાં જે કંઈ પણ વિધ્ન આવે એની સંપૂર્ણસજવાબદારી મારી છે. હું ડોક્ટર કે.એસ. રોયને વિનંતી કરું છું ઓપરેશન કરે.આ પત્ર પર તા. ૧૨/૧/૧૯૩૮ ને શરદબાબુએ આડી સાહી કરી હતી ને ફરી નીચે લખ્યું હતું કે સંપૂર્ણ હોંશ અને હોંસલા સાથે…

મિત્રો, આ કાર્ય પછી બોલ્યા હતા “હાંશ બહુ સારું લાગ્યું લખવામાં મજા આવી.” જીવનભર કાગળ ને કલમને સંગી બનાવ્યા હતાં. અંતિમ વિદાય ક્ષણે આ લખાણ તેમને સંતોષી ગયું.

ઓપરેશન કરતા ડોક્ટર સમજી ગયા લીવર તો ખલાસ જ થઈ ગયું હતું. કંઈ પણ કર્યા વગર પેટ સીવી દેવાયું. લોહી પાડોશીનું ચઢાવ્યું પણ બધું વ્યર્થ ને અસફળ હતું ઓક્સિજન પણ કામ ન કરતો ને ધીરે ધીરે દીવો બુઝાતો જતો હતો.૧૪મી જાન્યુઆરીની અડધી રાત્રે ચિત્કાર કરી ઉઠ્યા,”હું મરી રહ્યો છું, બડબડતા રહ્યાં “આમાકે…આમા…આમાકે દાઓ.. આમાકે…દાઓ
(મને આપો …મને આપો..) શું આપો ?એ પ્રશ્ન જ રહ્યો. કદાચ ઈશ્વર પાસે મૃત્યું જ માંગી રહ્યાં હશે….આ યાતનામાંથી.
વૈરાગી પુરુષ, અલગારી માનવ,કલમને શબ્દોના કથાશિલ્પી બંગાળની જનતાના જન પ્રિય લેખક શરદસાહિત્યના ધનાઢ્ય માલિકે ૧૬મી જાન્યુઆરીને રવિવાર ૧૯૩૮ના દિવસે આ ધરા પરથી વિદાય લીધી.
શરીર નિશ્ચેતન થઈ ગયું. આખુ બંગાળ ચોધાર આંસુએ રડ્યું.કલકત્તાના રસ્તા પર માનવમહેરામણ ઊભરાયું,
રેડિયો પણ સમાચાર આપી રડતો હોય તેવું લાગ્યું ભારતના ખૂણે ખૂણે શોક છવાય ગયો.કેવડાતલ્લાની સ્મશાન ભૂમિમાં પાંચને પિસ્તાલીસ મિનિટે લેખક શરદચંદ્ર ચટ્ટોપાધ્યાયનો ભૌતિક દેહ પંચતત્વમાં લીન થઈ ગયો… રહી ગયું પાનાઓમાં ફક્ત શરદસાહિત્ય.
કોઈ દિવસ હીન કે નીચ કામ ન કર્યું પૂરું જીવન નવલકથાની જેમ ક્યારેક શ્રીકાંત તો ક્યારેક દેવદાસ બની જીવી ગયાં. બંગાળની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડી ગયાં.નારીઓને સન્માનિત કરતા ગયાં ક્યારેક
સતી બનીને તો ક્યારેક રાધોની મા બનીને ક્યારેક બડીદીદી બનીને ક્યારેક દેવદાસની પારો બની ને. કેવાં અમર થઈ ગયાં બધાં પાત્રો.

મિત્રો, વિશ્વભરમાં તેમના પુસ્તકોનો અનુવાદ થયો આજનો યુવાવર્ગ જો વાંચે તો કવિવર પછી બીજા નંબરે આ સાહિત્યના પ્રેમી બની જાય.

મિત્રો, તમારો ને મારો સાથ ઘણો જ રહ્યો. આ સાહિત્યની સફર મારાં જીવનની એક અમૂલ્ય સફર રહી છે. તેના વિશે આવતા અંતિમ અંશમાં જરૂર જાણીશું.

અસ્તું,
જયશ્રી પટેલ
૨૬/૨/૨૩

ઓશો દર્શન -45. રીટા જાની



ગત ત્રણ અંકથી આપણે ઓશો દર્શન અંતર્ગત સંસાર સૂત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. ઓશોની સૂક્ષ્મ દ્રષ્ટિએ સંસારના વિવિધ પાસા ઉપર પ્રકાશ ફેંક્યો છે તેમજ તેની વિવેચના કરી છે. સંસાર સમુદ્રમાંથી સાચા મોતી મેળવવા હોય તો થોડું સાહસ રાખીને ઊંડાણમાં ઉતરવું પડે. પણ જો પાણીમાં ઉતરશો જ નહીં અને મોજાઓના તોફાન જોઈને પાછા ફરી જશો કે કિનારે બેસી રહેશો તો કંઈ પ્રાપ્ત નહીં થાય. આજે ઓશોની દ્રષ્ટિએ સંસારનું અવલોકન કરી વધુ સૂત્રો સમજીએ.

રોકેટની ગતિએ દોડતા જગતમાં મનુષ્ય બસ દોડ્યા કરે છે. એ દોડ સત્તા માટે હોય, ધન માટે હોય, પદ માટે હોય, પ્રતિષ્ઠા માટે હોય, શિક્ષણ માટે હોય કે પછી મનોરંજન માટે અથવા બીજા કોઈ પણ કારણસર હોય; શાંતિ ખોવાઈ ગઈ છે. એ શાંતિની શોધમાં સમગ્ર જગત આજે ધ્યાનનો મહિમા ગાઈ રહ્યું છે. ઓશો કહે છે કે ધ્યાનની વિધિ સરળ છે. જે ક્ષણે શરીર વિશ્રાંત હોય છે, તે ક્ષણે શાંતિ આપોઆપ હૃદયમાં ઉતરી આવે છે. માટે સ્વાભાવિક રીતે જ હૃદય, શાંતિનો સ્ત્રોત છે. જ્યારે તમે શાંતિથી ભરેલા હોય ત્યારે બાહ્ય જગત પ્રત્યેનો તમારો વ્યવહાર વધુ પ્રેમમય અને વધુ નિકટ હશે. તમે જેવા છો તેવું જગત પ્રતિબિંબિત થાય છે.

મનનો સ્વભાવ એવો છે કે તે જ્યાં છે ત્યાંથી ભાગતું રહે છે અને જ્યાં નથી તેમાં રસ જાગે છે. જે મળ્યું છે તે વ્યર્થ લાગે છે અને જે નથી મળ્યું તે સારું લાગે છે. જ્યારે ધ્યાન કરો તો ભજનમાં રસ જાગે છે અને ભજન કરતા ધ્યાન કરવાનું મન થાય છે. ભોજન કરો તો ઉપવાસમાં રસ જાગે છે અને ઉપવાસ કરો તો ભોજન યાદ આવે છે. મનના ભટકવાથી મુક્ત થવું હોય તો જાગૃત થઈ જે કંઈ કરો તેને રસપૂર્વક કરો. તેનાથી એકાગ્રતા આપોઆપ આવશે. તમને જેમાં રસ પડે, જેમાં આનંદ આવે, ઉમંગ આવે પછી તે ગમે તે હોય પ્રાર્થના બની જશે. જ્યાં રસ છે ત્યાં જ પરમાત્મા છે. સચોટ ઉપાય બતાવતા ઓશો કહે છે કે તમે જ્યાં છો, હજી બહાર છો, ત્યાં જ ધ્યાન કરો. ભોજનને ધ્યાન બનાવો, ધનને ધ્યાન બનાવો, ક્રોધ પર ધ્યાન કરો અને એ સમાપ્ત થઈ જશે. ક્રોધ અને લોભ જતા રહેશે, માત્ર ધ્યાન રહી જશે. સંસાર પર ધ્યાન કરો, સંસાર ખોવાઈ જશે અને અંતર્યાત્રા શરૂ થઈ જશે. તમે એ જગ્યાએ પહોંચી જશો જ્યાં હજારો સુર્ય એક સાથે ઉગી રહ્યા છે અને જે કદી અસ્ત થતો નથી. તમારી અંદર જ પરમ સૂર્યોદય છુપાયેલો છે.

આપણા જીવન પર દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે નાના નાના સુખ-દુઃખ, ચઢાવ-ઉતાર આપણા મનને કેટલું વિચલિત કરી દે છે. જીવન અને મૃત્યુની ફિલસૂફીને સમજાવતા ઓશો કહે છે કે સારી રીતે જીવવાની કળા મૌન છે. જગતમાં આવતા તોફાન તમને કંપાયમાન ન કરે અને તમે શાંત ભાવથી જીવો, આંધી તમારા તપને હચમચાવી ના શકે, વસ્તુ નષ્ટ થાય છતાં તમે અસ્પર્શિત રહો એવું તમારું મન હોય તો તમે જીવવાની કળા જાણી તેવું સમજો. અને જે જીવનની કળાને જાણી રહેશે તે એક દિવસ મૃત્યુના પરમ રહસ્યને પણ સમજી શકશે.

સમગ્ર જીવનને પૂર્ણ રૂપે સ્વીકાર કરવાનું કહીને ઓશો સફળતાના 14 સૂત્રો આપે છે.
1. નિષ્કામ ભાવ : પરિણામની આકાંક્ષાથી મુક્ત રહી પોતાનું કાર્ય શ્રદ્ધા રાખીને યથા સંભવ કરતા રહો.
2. હોશ: હંમેશા હોશપૂર્વક, સંપૂર્ણ જાગૃત રહીને કામ કરો, મશીન કે રોબોટની જેમ નહીં.
3. ધ્યાન: કોઈપણ કામને નાનું કે મોટું ન ગણો. દરેક ચીજ પર ધ્યાન આપો. પરમાત્માને તમે દરેક જગ્યાએ શોધી શકો છો.
4. કેન્દ્રિત રહેવું : પોતાની ધારણાઓથી અથવા બીજા કોઈના માર્ગે ન દોરવાઓ અને કેન્દ્રિત રહી કાર્ય કરો.
5. ક્ષણ ક્ષણમાં જીવો : દરેક સંભાવના માટે ખુલ્લા રહો અને પૂર્વ અનુભવોની બહાર નીકળવા તૈયાર રહો.
6. ચિંતાનું સમર્પણ : ચિંતાથી સ્વયંને અલગ કરી સમર્પણ કરી દો અને અસ્તિત્વ પર બધું છોડી દો.
7. નિરાશામાં અટકી જાઓ: નિરાશા કાયમ રહેતી નથી. અંધારી રાત્રિ પછી સૂર્યોદય જરૂર થાય છે. માટે નિરાશા જતી ન રહે ત્યાં સુધી સતર્ક બની અટકી જાઓ.
8. સંઘર્ષ: તોફાનો અને આંધીઓમાંથી પસાર થઈને પણ આપણે સમૃદ્ધ બનીએ છીએ. માટે થોડો સંઘર્ષ પણ જરૂરી છે.
9. લીલા : યાદ રાખો કે તમે જે પણ કંઈ કરી રહ્યા છો તે એક ખેલ છે. તેમાં તમારી ભૂમિકા ગંભીર બન્યા વગર નિભાવો.
10. યોગ્યતા: પોતાની યોગ્યતા સિદ્ધ કરવાની હોડમાં પોતાની જાતને એક વસ્તુ ન બનાવો. યાદ રાખો કે જીવનનો વિરાટતમ અનુભવ પ્રેમ અને ધ્યાનથી આવે છે.
11. લોભ : તમારી પાસે કરોડો રૂપિયા આવી જાય તેનાથી કોઈ ફરક પડવાનો નથી. લોભ દ્વારા જીવનને અર્થપૂર્ણ બનાવી લેવાનો પ્રયાસ એ નાસમજી છે.
12. અધિકાર, આધિપત્ય : જે લોકોને પોતાના પર વિશ્વાસ નથી, ભયભીત છે, તેઓ બીજા પર અધિકાર જમાવવા માંગે છે. તમે પૂરેપૂરા આશ્વસ્ત રહો, કોઈથી ડરવાની જરૂર નથી.
13. અપરિપક્વતા : જે વ્યક્તિ પોતાના અતીત તરફ જોઈ વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધે છે, તે અપરિપક્વ છે. કારણ કે આ પરિસ્થિતિને અતીત સાથે કોઈ સંબંધ નથી. માટે હંમેશા પૂરેપૂરું ધ્યાન વર્તમાન પરિસ્થિતિ પર કેન્દ્રિત કરી, વર્તમાન પરિસ્થિતિનું સમાધાન શોધવું જરૂરી છે.
14. ઉત્તરદાયિત્વ : જીવનની દરેક સમસ્યાઓમાં પૂરેપૂરું ઉત્તરદાયિત્વ પોતાનું જ હોય છે. તમે એવી સ્થિતિમાં આવી જાઓ કે દુનિયા તમારી સાથે કંઈ પણ કરે, પરંતુ તમને વિક્ષિપ્ત ન કરી શકે.

ક્રોધ એક માનસિક તાણ છે. કોઈપણ વાતનો અસ્વીકાર કરવાથી ક્રોધ જન્મે છે. જે વસ્તુનો તમે સ્વીકાર કરી લો છો, પછી તેના પ્રત્યે ક્રોધ નથી થતો. ક્રોધ છે, બીમારી છે, માથું દુઃખે છે – જે પણ પરિસ્થિતિ છે – તેનો સ્વીકાર કરો. તમે જેવો સ્વીકાર કરી લો કે તમારા અંતરમાં ફૂલ ખીલી ઉઠે છે અને જેવો અસ્વીકાર કરો છો, તમારા અંતરમાં કાંટા ખુંચવા લાગે છે. માટે પરમ સ્વીકાર કરતા શીખો. ભૂલ કરો તો અચકાયા વગર કરો, પરંતુ એક જ ભૂલ ફરીથી ન કરો. પ્રેમ પણ આપણે ક્યાં પૂરેપૂરો કરીએ છીએ? જેને પ્રેમ કરતા હોઈએ તેમનામાં પણ આપણને હજારો ભૂલ દેખાય છે. ક્રોધ, લોભ, મોહ, કામના બધું જ સંયુક્ત છે, કરોળિયાના જાળાની જેમ જોડાયેલું છે. માટે તમે એક એક સમસ્યાને ના ઉકેલી શકો. એના નિશ્ચિત ઉપાયનું સૂત્ર છે – સાક્ષી બનો, દૃષ્ટા બનો. પ્રબુદ્ધ વ્યક્તિના ચૈતન્યની એવી સ્થિતિ હોય છે, જ્યાં ક્રોધ જન્મતો જ નથી. જો તમે ક્રોધને ધ્યાનપૂર્વક જોશો તો ક્રોધ ચાલ્યો જશે. જો તમે પ્રેમને ધ્યાનપૂર્વક જોશો તો પ્રેમ વધશે. સ્વીકારની શાંતિમાં જ સમજનો દીવો પ્રગટે છે. એ સ્થિતિમાં ચેતના એટલી સતેજ હોય છે કે ત્યારે ક્રોધ કરવાનો વિચાર પણ અસંભવ થઈ જાય છે. તમારા જાગૃત અવલોકનથી જે વધે તે પુણ્ય અને તમારા જાગૃત અવલોકનથી જે ક્ષીણ થાય તે પાપ.

જીવન કેવી રીતે આનંદથી ભરાઈ જાય? ઉત્સાહ વગરનું, ઢીલું, સુસ્ત, મંદ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. જે લોકો ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવે છે, તેમને ક્યારેય આનંદનો અનુભવ થતો નથી. જે વ્યક્તિ પ્રતિક્ષણ જીવે છે, વર્તમાનમાં જીવે છે, જે કંઈ ઉપલબ્ધ છે તેને સ્વીકારી લે છે જાણે કે આ ક્ષણ અંતિમ ક્ષણ છે અને વર્તમાન ક્ષણ સિવાય કોઈ ચીજનું અસ્તિત્વ નથી તેના માટે વર્તમાનની ક્ષણ આનંદના અનુભવનું, પરમાત્માનું દ્વાર બની શકે છે.

રીટા જાની
24/02/2023

વિસ્તૃતિ…૪૯ જયશ્રી પટેલ


98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

શ્રી વિષ્ણુપ્રભાકરજીની આવારા મસીહાને બે થી ત્રણવાર વાંચ્યા પછી ગુજરાતી અનુવાદ કરનાર શ્રી હસમુખ દવેજીને પણ વાંચ્યા અંતિમ પ્રકરણો તો હૃદયને સ્પર્શી ગયા.
ગાંધીજી સાથે આંદોલનમાં જોડાયા તો મન પણ
તે જ વિચારો કલમ દ્વારા પ્રગટ થવા લાગ્યાં. ‘પથેર દાબી’નું સર્જન થયું. પૂરા દેશભરમાં આ નવલકથાએ આંદોલન ઊભું કર્યું. ત્યાં સુધી કે ‘ બંગવાણીમાં’ ચોવીસ હપ્તામાં છપાઈ. પ્રકાશકોને અંદાજ આવી ગયો હતો કે સરકાર પથેર દાબી પુસ્તક રૂપે નહિ જ છાપવા દે.
આથી છેલ્લા હપ્તામાં ક્રમશઃ એમ લખી છાપી દીધું. તેથી પોલીસને એમ કે નવલકથા અપૂર્ણ જ છે. એ દરમ્યાન તે છપાઈ જ ગઈ. હોબાળો મચ્યો પુસ્તક જપ્તે કરાયું. બસ, શરદચંદ્રની ધરપકડ બાકી રહી. ક્રાંતિકારીઓમાં પુસ્તક ખૂબ પ્રિય થયું.

આ બાબતે ગુરુવર્ય રવિન્દ્રનાથનો પત્ર દ્વારા અભિપ્રાય માંગવામાં આવ્યો. તેઓએ જે ઉત્તર મોકલ્યો તેનાંથી શરદબાબુ નિરાશ થયાં. તેમણે આક્રોશ સહ
પત્રનો ઉત્તર લખી તેમને અંગ્રેજોના હિમાયતી કહ્યાં. ઉમાબાબુ પથેર દાબીની ફાઈલ લઈ તેમની સમક્ષ આવ્યા અને કંઈક લખી આપવા કહ્યું. થોડીવારની નિરાશા પછી પહેલાં પાના પર વચ્ચે ઉમાબાબુનું નામ લખ્યું. નીચે એમની જન્મ કુંડલી બનાવી. જન્મતિથિ અને જન્મ સમય પણ લખ્યો. પછી મૃત્યું શબ્દ લખી પાનું છોડી દીધું.ફાઈલના અંતિમ પાના પર લખ્યુંઃ
ધરતી પરે ઝરી પડે જે કળી,
મરુ પથે ખોવે ધારા જે નદી
જાણું છું જાણું છું હું
તે કદી લુપ્ત થતાં નથી.. લુપ્ત થતા નથી
( સૌજન્ય ઃ આવારા મસીહા)

આટલા થોડા શબ્દોમાં કેટલું બધું સમાવી દીધું.
તેમને અફીણ ખાવાની આદત હતી. પથેર દાબીને લીધે જેલમાં જવું પડશે તો ત્યાં અફીણ ખાવા નહિ મળે માની
અચાનક અફીણ છોડી દીધું. ડોઝ ટેપર કરવાને બદલે
અચાનક ત્યાગ્યું તેથી તેઓ બિમાર પડ્યા ઓપિયમ ફિવરનાં શિકાર બન્યા.
પથેરદાબી લખતા લખતા જ સુંદર કુદરતનાં સાંનિધ્યમાં તે જમાનામાં સત્તરથી અઢાર હજારનાં ખર્ચે
પોતાનું મકાન બનાવ્યું. ત્યાં રહેવા ચાલી ગયા. જિંદગીનાં ઉતાર ચઢાવમાં અનેક સ્વજન ખોયા. સંત સમાન ભાઈ પ્રભાસચંન્દ્રનું મૃત્યું તેમની સમક્ષ થયું. તેમણે તેની સમાધી તેમના નિવાસસ્થાન પાસે નદીકિનારે બનાવી. તેઓ ભાઈભાંડુને અંતઃકરણથી ચાહતા તેનો આ ઉત્તમ દાખલો હતો.
તેઓને ધર્મ પર ઈશ્વર પર ટીકા કરતા જોઈ લાગતું કે તેના વિરુદ્ધ છે , પણ એવું નહોતું. તેઓ તુલસીની માળા ને જનોઈ બન્ને ધારણ કરતાં. તેમને અંધશ્રદ્ધા ને સંકુચિતતા પર સખત ઘૃણા હતી. ગામમાં ગયા પછી તેઓમાં મોટું પરિવર્તન આવી ગયું હતું. તેમને નાના મોટા લેખકોની ચિંતા થતી તેઓ તેમને માટે કે તેમને એવોર્ડ મળે તે માટે અગાધ પ્રયત્ન કરતાં.
તેમની સાંઠમી વર્ષગાંઠ ગુરુવર્ય સાથે ઉજવાય હતી. એ બંગલા દેશની અદ્ભૂત ઘટના હતી. સૂર્ય ને ચંદ્ર સમાન બન્ને કલમના ધનાઢ્ય હસ્તી એક સાથે , કવિ ગુરુવર્ય રવિન્દ્રનાથે સરસ ને સરળતાથી આશિષ આપ્યા કે શરદ સાહિત્ય અમર છે, રહેશે.બંગાળે તેમના સાહિત્યને પોતીકું માન્યું છે.એમને કોઈ પ્રમાણપત્રની જરૂર નથી.

એક વિદ્યાર્થી યુવકને એમણે કહ્યું હતું મારું સાહિત્ય
તને રડાવે છે તો બહુ રડવાથી આંખો બગડી જાય માટે હાસ્યપ્રધાન કથાઓ પણ વાંચો. આમ રમુજ પણ હળવી શૈલીમાં કરી લેતા. તેઓને પોતાની પ્રશંસા જરા પણ પસંદ નહોતી. એક વાર એક યુવકે તેમની પાસે આવી કહ્યું હતું કે સતી સુંદર નવલકથા છે, આવું તમે જ લખી શકો. તેમનો જવાબ હતો કે તમે રવીન્દ્રનાથની વાર્તાઓ વાંચી છે? પેલા યુવકે કહ્યું હતું કે હા, વાંચી છે પણ એટલી સારી નથી. શરદબાબુએ કહ્યું હતું કે ફરીથી વાંચો તો જ જાણશો કે એવી વાર્તાઓ વિશ્વ સાહિત્યમાં પણ મળવી મુશ્કેલ છે!
મિત્રો,આમ ગુરુવર્યના તેઓ મોટા પ્રશંસક હતા.
ધીરે ધીરે તબિયત લથડવા માંડી હતી. માથાના દુઃખાવાથી શરૂ થયું હતું બહુ ઉપાયોને અંતે ડોક્ટરોએ હવા ફેરની સલાહ આપી હતી.ડો. રમેશચંદ્રને પોતાના મજાકિયા સ્વભાવમાં લખ્યું હતું..કે
*વિધવિધ છાપની બાટલીઓ,*
*વિધવિધ માપના ડબ્બાઓ:*
*વ્યાધિની આંધી એવી ઉઠી!*
*ગઈ દેહને ખાલી ખોખું કરી,
*ડોક્ટર કહે,હવા બદલ ભાઈ દર્દી !
(*આવારા મસીહાના સૌજન્યથી)*

સ્થાન ત્યાગવાની ઈચ્છા વ્યક્ત કરી પણ ખુદના
જીવનથી છૂટવાની તીવ્ર ઈચ્છા વૈરાગી જીવને જાગૃત થઈ હતી, તબિયતથી હારી લેખનવૃત્તિ બંધ થઈ ગઈ હતી. પ્રકાશકોએ આત્મકથા લખવાનું સૂચન કર્યું . તેમનો સ્પષ્ટ જવાબ હતો,”હું આત્મકથા ન રચી શકું, હું સત્યવાદી કે વીર નથી. આત્મકથાના લેખકમાં આ ગુણ હોવા જરૂરી છે.કહેવાય છે કે ગુરુવર્ય રવીન્દ્રનાથે પણ આ સૂચન કર્યું હતું, પણ શરદસાહિત્ય તો બંગાળની સામાન્ય ગરીબ પ્રજાની આસપાસ ને બંગાળની વિવિધ નારીઓની આસપાસ તેની કરૂણા, સમાજની બદી અને
તેમના સ્વાનુભવને આધીન હતું.

મિત્રો, આપણે પણ ધીરે ધીરે શરદબાબુના અંતિમ છોર પર પહોંચી ગયા છીએ. તેમના અંતિમ સમયની વાતો આવતા અંશમાં જોઈશું.

અસ્તુ
જયશ્રી પટેલ
૧૮/૨/૨૩

ઓશો દર્શન -44. રીટા જાની

wp-1644023900666

  ઓશોના વ્યક્તિત્વની વાત કરતા ‘કહૈ કભી દીવાના’ ની પ્રસ્તાવનામાં ડો. આરસી પ્રસાદ સિંહ કહે છે કે ઓશો સાહિત્યના ક્ષિતિજ ઉપર એક દાર્શનિક, ચિંતક, ગુરુ અને તત્વદ્રષ્ટા જ્ઞાનીની છબીમાં ઉભરે છે. છતાં તેઓ એક મહાન કવિ, કથાકાર અને કલાકાર પણ છે. તેમની કાવ્ય કલા ચિંતન, મનન અને દાર્શનિક શૈલીમાં રૂપાયિત થઈ છે, છતાં એમાં શાસ્ત્રીય જટિલતા કે દાર્શનિક શુષ્કતાનો નિતાંત અભાવ છે. બલ્કે એક અત્યંત પ્રખર તાર્કિક અને સર્વગ્રાસી સમીક્ષકનું ચિંતન હોવા છતાંય વિષય વસ્તુ અને પ્રસ્તુતિ એવી સ્નિગ્ધ, સરસ અને કમનીય છે કે સાંભળવા અને વાંચવામાં એક નવલકથા વાંચવાનો આનંદ મળે છે. તેનો પ્રવાહ એટલો વેગવાન અને શૈલી એવી સહજ સ્ફૂર્ત છે કે આદિથી અંત સુધી જે તાજગી અને મહેક સાથે તમે કોઈ પ્રવચન કે પુસ્તકની યાત્રા શરૂ કરો છો તે અંત સુધી કાયમ રહે છે. ઓશોના સાહિત્યનો કોઈપણ અંશ ગમે ત્યાંથી ઉઠાવી લો, એમાં સર્વત્ર એક જ પ્રાણધારા કલકલ સ્વરોમાં ઉચ્છલ પ્રવાહિત જોવા મળશે.

કવિ શ્રી બરકત વિરાણી કહે છે કે ‘નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી’. છતાં સામાન્ય માણસને જીવનની સફરમાં મંઝિલ  કઈ દિશાએ મળશે, કયો માર્ગ પસંદ કરવો, ક્યાંક ભળતા માર્ગે તો નથી જતા રહ્યા ને એવી વિમાસણ હંમેશા રહેતી હોય છે. ત્યારે સંસારને સફળતાથી પાર કરવા કોઈ ફોર્મ્યુલા, કોઈ સૂત્ર હોઈ શકે કે કેમ તેવો વિચાર આવ્યા વગર રહેતો નથી. ઓશોએ ખૂબ સુંદર રીતે પ્રેમ, ભક્તિ-નૃત્ય, ધ્યાન, કુંડલિની-શક્તિપાત, ક્રોધ, સુખ-દુ:ખ, અહંકાર, આનંદ, પાપ-પુણ્ય વગેરે વિષયો પર ચર્ચા કરી સંસારના સુત્રો આપ્યા છે, જેની વાત આપણે ગત બે અંકથી કરી રહ્યા છીએ.  આજે સંસાર સૂત્રો અંતર્ગત પ્રાર્થના, ભક્તિ, સાધના, તીર્થયાત્રા, ભજન, શ્રદ્ધા, સંગત વગેરે વિષય ઉપર ઓશોનું દર્શન જોઈશું.

કબીરજીની વાત કહી ઓશો પ્રાર્થનાની સુંદર સમજ આપે છે. કબીરજીને કોઈએ પૂછ્યું કે આપ ક્યારે પ્રાર્થના કરો છો? ક્યારે પરમાત્માની સેવા કરો છો? ક્યારે મંદિરની પરિક્રમા માટે જાવ છો? તો કબીરજીનો જવાબ હતો: ઊઠું બેસુ એ પરિક્રમા અને ખાવું પીવું એ સેવા. એવું જરૂરી નથી કે માળા લઈને મંત્રના જાપ કે ઈશ્વરનું નામસ્મરણ કરીએ તે જ પ્રાર્થના કહેવાય. દરેક શ્વાસ સાથે અખંડ પ્રાર્થના થતી રહે તે સાચી પ્રાર્થના. હકીકતે, પ્રાર્થના એ એકાંતનું ગીત અને સંગીત છે, તે હૃદયનો ઉદગાર છે, એમાં કેટલી માળા ફેરવી તેનો હિસાબ રાખવાનો ના હોય. આ નાની એવી જિંદગી જે મળી છે, તેને પ્રાર્થના બનાવી દો એ જ જીવનની સાર્થકતા હશે.

ઓશો કહે છે કે ભક્તિ સાધના પણ છે અને સિદ્ધિ પણ છે. ભક્તિનો અર્થ છે પરમ પ્રેમ, અહોભાવ, સ્વયંને મિટાવવાની કળા. જ્યાં સુધી પરિણામની આકાંક્ષા છે, ત્યાં સુધી પ્રાર્થનાનું પરિણામ નહીં આવે. લોકોને જોઈએ તો ખ્યાલ આવે છે કે પ્રાર્થનામાં મોટાભાગે માગણી અથવા ફરિયાદ હોય છે. સાચી પ્રાર્થનામાં ન કોઈ અપેક્ષા હોય છે, ના કોઈ શબ્દ હોય છે, માત્ર સમર્પણભાવ હોય છે, ત્યારે પ્રાર્થના જ પરમાત્મા બની જાય છે.

ભક્તિ એટલી જીવનનો પરમ સ્વીકાર. આપણા અંતરમાં એક ઊર્જા છે, જેને આપણે પ્રીત કહીશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવંત છીએ. પ્રીતતત્વ શ્વાસ જેટલું જ અનિવાર્ય છે. પ્રીતના ત્રણ પ્રકાર છે. પોતાનાથી નાની ઉંમરના લોકો પ્રત્યે જે પ્રીત હોય તે સ્નેહ, સમાન સ્તર પર હોય તે પ્રેમ અને માતા-પિતા, ગુરુ પ્રત્યે હોય તે શ્રદ્ધા. આ ત્રણેય અવસ્થાઓ જ્યારે સમ્યક બને છે, ત્યારે પ્રીતની ચોથી અવસ્થા નિર્મિત થાય છે. તેનું નામ છે ભક્તિ. ભક્તિ એટલે પ્રીતની પરાકાષ્ઠા, સર્વસ્વ પ્રત્યે પ્રીત, પરમાત્મા પ્રત્યે પ્રીત. જે રીતે સહજતાથી બીજ અંકુરિત થઈ વૃક્ષ બને છે અને એક દિવસ તેમાં ફૂલ અને ફળ આવે છે એ જ રીતે મનુષ્યતા ભગવતતામાં રૂપાંતરિત થવી જોઈએ. પ્રીત, ભક્તિ બનવા માટે જ જન્મી છે. ભલે પ્રીતની ઉર્જાને ભક્તિ થવાના માર્ગ પર ઘણા અવરોધો હોય. સ્નેહ શુદ્ધ હોય તો પ્રેમ બને, પ્રેમ શુદ્ધ હોય તો શ્રદ્ધા અને શ્રદ્ધા શુદ્ધ હોય તો ભક્તિ. આ સ્થિતિમાં તમે કઈ તરફ જશો તે તમારા  પર નિર્ભર છે. જો અહંકાર તૂટે તો સંપૂર્ણ સ્વર્ગ તમારી પ્રતીક્ષામાં છે. સ્નેહથી ભક્તિ સુધીની તીર્થયાત્રા અવશ્ય લાંબી છે, પરંતુ ભક્તિ એ પરમ અવસ્થા છે, પ્રીતની પરાકાષ્ઠા છે.

ભક્ત ભજન કરે છે, ત્યારે પ્રશ્ન થાય કે ભજન એટલે શું? ભજન એ ઔપચારિકતા નથી, ભજન કોઇ વિધિ નથી. ભજન છે ભાવનું નિવેદન, હૃદયથી ઉતારેલી આરતી, વિરાટ સાથેની વાત, જે કરવાથી પરમાત્માની જ્યોત અંદર પ્રગટ્યા કરે છે. ભાવ હોય તો પ્રત્યેક કૃત્ય ભજન થઈ શકે છે. પરમાત્મા અનુમાન નથી, તર્ક નથી, સિધ્ધાંત નથી, અનુભવ છે. પરમાત્મા અને કૃતિ બે નથી, સ્રષ્ટા અને સૃષ્ટિ બે નથી, પરમાત્માનો પહેલો અનુભવ એનું નામ પ્રેમ છે. કૃષ્ણ, ભક્તિને શ્રેષ્ઠતમ યોગ કહે છે, જ્યારે ભક્ત અને ભગવાન બે ન રહેતા એકનો અનુભવ થાય છે. તેથી  તે છે યોગ, પરમ ઐક્ય. આ જગત એક પ્રતિધ્વનિ છે. તમારા હૃદયમાં જે કંઈ હોય તેને જ તમે સાંભળો છો. હૃદયમાં જ્યારે પ્રભુ પ્રત્યેનો પ્રેમ ગહન થાય છે, એ અવસ્થામાં જે પણ કરો તે બની જશે પ્રભુ પૂજા.

શ્રદ્ધા એ વિશ્વાસ નથી. શ્રદ્ધા એક અનુભવનું પરિણામ છે. પ્રેમથી શ્રેષ્ઠ કોઈ અનુભવ નથી. તેથી જ ભક્તિ શ્રેષ્ઠતમ માર્ગ બને છે, કારણ કે તે પ્રેમનું જ રૂપાંતરણ છે. ઓશો કહે છે કે ભક્તિનો અર્થ છે કે પરમાત્માને બુદ્ધિ દ્વારા નહીં, હૃદય દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. વિચાર દ્વારા નહીં, ભાવ દ્વારા  પ્રાપ્ત કરી શકાય છે. ચિંતન દ્વારા નહિ, પ્રેમ દ્વારા અનુભવી શકાય છે. જે ક્ષણે તમે સ્વયંને વિસ્મૃત કરી દો છો, તે જ ક્ષણે અમૃતની ઉપલબ્ધિ થાય છે.

બીજા માર્ગો – યોગ, તંત્ર, જ્ઞાન, તપ, ત્યાગ – આ બધાની સરખામણીમાં ભક્તિ વધુ સુલભ છે. કારણ અન્ય માર્ગો પર મનુષ્યને પોતાના માથા પર બોજો લઈને ચાલવું પડે છે, જ્યારે ભક્તિના માર્ગે સમર્પણ છે. તે બોજો પરમાત્માને આપી દે છે. હૃદય જીવંત હોય, હૃદયના સરોવરમાં તરંગો હોય, હૃદયના વૃક્ષ પર ફળફૂલ ઉગે તો ભક્તિ ખૂબ સુલભ છે. માટે જ ભક્તિના માર્ગનું અનિવાર્ય અંગ છે શ્રદ્ધા. ભક્તિનું સૂત્ર છે: તમે જે કંઈ કરો તેમાં તન્મય થઈ જાવ અને ભક્તિ ફલિત થશે. ભક્તિના માર્ગ પર ધૈર્ય અને અનંત પ્રતીક્ષા રાખવી જરૂરી છે. ભક્તિ કોઈ શાસ્ત્ર નથી, યાત્રા છે; કોઈ સિદ્ધાંત નથી, જીવનરસ છે. ભક્તિ જો તમારા હૃદયમાં થોડી લગની જગાડે તો તમારું જીવન સાર્થક બનશે.

ભક્તિ એટલે દ્રષ્ટિ, ભક્તિ એટલે સ્વયંના અંતરમાં રૂપાંતરણ, ભક્તિ એટલે જીવનનો પરમ સ્વીકાર, ભક્તિ એટલે જીવનમાં સંગીત જન્માવવાની એક વિધિ. ભક્તિ તો અણુ શક્તિ સમાન છે, એક નાના અમથા અણુમાં છુપાયેલી વિરાટ શક્તિ છે. ભક્તિ  અંતરની આંખ ખોલે છે. ઓશો કહે છે કે અહીં જે કંઈ છે, તે પરમાત્મા જ છે, પ્રત્યેક વસ્તુ આરાધ્ય છે. મૂર્તિઓ ઘડવાની કે મંદિરો બનાવવાની જરૂર નથી. સમગ્ર અસ્તિત્વ તેનું મંદિર છે, સમગ્ર જગત જ તીર્થ છે. આકાશ તીર્થ છે, બધી નદીઓ ગંગા છે, સંપૂર્ણ પૃથ્વી પવિત્ર છે. જ્યાં તમારી દ્રષ્ટિ પડે તે ભજનીય છે. જગત પરમાત્માનું બાહ્ય રૂપ છે અને પરમાત્મા જગતનો અંતરાત્મા. જે રીતે દેહ અને આત્મા, તે જ રીતે માયા અને બ્રહ્મ  આ જગતમાં જે વિપરીતતા દેખાય છે – દિવસ અને રાત, શ્રમ અને વિશ્રામ, વસંત અને પાનખર, જીવન અને મૃત્યુ – તેને ગહનતાથી  શોધવાથી સમજાય છે કે તે પણ વિપરીત નથી, એકબીજાના પરિપૂરક છે. ઓશોના સંસારસૂત્રો અંતર્ગત જીવનના મુખ્ય આયામો – સંસાર, ધ્યાન, ગુરુ – શિષ્ય, સન્યાસ, સમાધિ વગેરે વિશે વાત કરીશું આવતા અંકે….

રીટા જાની
17/02/2023

વિસ્તૃતિ…૪૮ જયશ્રી પટેલ.



શરદબાબુની વાર્તાઓ સાથે આપણે તેમની જીવનીમાં પણ ડોકિયું કરીએ છીએ. શ્રી વિષ્ણુ પ્રભાકરજીની આવારા મસીહાનો ગુજરાતી અનુવાદ શ્રી હસમુખ દવેએ
આપણી સમક્ષ રજુ કર્યો છે. તેમાંથી થોડા અંશ સંક્ષેપમાં જોઈએ.
દેશની સ્વતંત્રતાનાં આંદોલન સમયની વાત છે, શરદબાબુ મુક્તિ આંદોલનમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા,
પરંતુ એના બધાં કાર્યક્રમોમાં તેમને શ્રદ્ધા ન હતી.ખાસ તો રેંટિયા અભિયાનમાં તો રજમાત્ર વિશ્વાસ નહોતો.છતાંય
નિયમિત કાંતતા, ખાદી પહેરતા. બને એટલા રેંટિયા કેન્દ્ર
ઊભા કરવા મહેનત કરવા માંડ્યા. તેમના મામાએ પણ નોકરી છોડી રેંટિયો કાંતવા માંડ્યો હતો ને તેમની સાથે રહેતાં.
એવું ઝીણું કાંતતા કે મહાત્મા ગાંધીએ પણ તેમના ઝીણા બારીક સુતરના વખાણ કર્યા હતા. તેઓએ બાપુને મોઢા પર કહી દીધું હતું કે તમે મને ગમો છો એટલે કાંતું છું નહિ તો નથી માનતો કે આનાથી આંદોલનમાં કંઈ
ફર્ક પડશે.ખાદી કાંતો ને સ્વયં ખાદી પહેરો એ તેઓ
લોકોને ઘરે ઘરે જઈ સમજાવતા.
એકવાર તેમનું કાંતેલું માથા પર લઈ મહાન વૈજ્ઞાનિક
પ્રફુલ્લચંદ્ર રોય નાચેલા. પ્રફુલ્લચંદ્ર રોયની બહુ ઈચ્છા હતી શરદબાબુને મળવાની, તો શરદબાબુને પણ બહુ ઈચ્છા હતી . એકવાર એક વિદ્યાર્થી શરદબાબુને પ્રફુલ્લચંદ્ર રોય પાસે લઈ ગયો. તેઓએ જોયું ચારે બાજુ
પેપર જ પેપર છે બેસવાની જગ્યા નથી તો શરદબાબુ પાટ પર જઈ બેસવા ગયા તો પ્રફુલ્લચંદ્ર રોયે તેમને વિદ્યાર્થી સમજી ત્યાં ન બેસવા કહ્યું ને બીજી ખુરશી પર બેસાડ્યા. વિદ્યાર્થીએ તેમને કહ્યું આ શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય છે ,તો તેઓ દોડ્યા બધાં વિદ્યાર્થીને ભેગા કર્યા ને શરદબાબુને બતાવી જુઓ આ તેમના પુસ્તકો જુઓ કરી તેમના પગ પાસે બેસી જાણે વર્ષોથી ઓળખતા હોય તેમ વાતો કરવા લાગ્યા. આ હતો શરદ સાહિત્યનો વાચક વર્ગ ને તેનો મહિમા.
મામા સુરેન્દ્રનાથે એકવાર એમને કહ્યું કે માત્ર કાતવાથી નહિ ચાલે શાળ બેસાડવી પડશે તો શરદબાબુએ ભાગલપુરમાં પાંચ સાત હાથશાળ નાંખી દીધી હતી.આમ તેમનો ગાંધીજી પ્રત્યેનો ભાવ ખૂબ ઉંડો હતો.
તેથી તનતોડ મહેનત કરી,કિંમતી વસ્ત્રોનો ત્યાગ
કર્યો હતો,તેલમાં તળેલી કચોરી ને સંકેલા ચણાં ખાઈ ગામે ગામ પ્રચાર કરવા નીકળી પડતાં.
ગાંધીજીને તેમણે કહ્યું હતું કે કાંતવાથી સ્વરાજ મળશે તેમ મને નથી લાગતું , સ્વરાજ તો સૈનિકો દ્વારા જ મળશે. સાંભળી ગાંધીજી ખૂબ હસ્યા હતાં.તેમણે સ્ત્રીઓ માટે “નારી કર્મ મંદિરની સ્થાપના પણ કરી હતી.
નારીની સંખ્યા વધી ત્યારે સંખ્યાબળમાં ન માનનારા શરદબાબુએ કહ્યું હતું કે વર્ષોથી ચૂલોચૌકો કરનારી સ્ત્રીઓ , જે વર્ષોથી ઘરની બહાર નથી નીકળી,
પ્રસૃતિઘર સિવાય કાંઈ ખબર નથી તે શું કરશે.. પણ
ગાંધીજીના વિશ્વાસને માની તેમણે લખ્યું કે કાદવમાં કમળ
એક દિવસ જરૂર ખીલશે ને દેશના સ્ત્રીધનમાંથી જ સૈનિકો મળશે.
મિત્રો આમ કલમ જ નહોતી પકડી પણ રેટિંયો કિતલી ને સુતર પણ તેમણે પ્રિય કર્યા હતાં. કલમ તેમની સમશેર
હતી તો ગાંધીજીની ચાહત તેમની તાકત હતી.
મિત્રો, આવતા અંકે ફરી આપણે શરદબાબુની નવીન વાત જાણશું.
અસ્તું,
જયશ્રી પટેલ
૬/૨/૨૩

ઓશો દર્શન -43. રીટા જાની


અનુ કપૂર એવું કહે છે કે ઓશો સમજવા માટે નથી, અનુભવવા માટે છે. તેમને માત્ર સાંભળવાના નથી, ગણવાના પણ છે. તેઓ માત્ર પ્રવચન કરતા નથી, હકીમ પણ છે. તેઓ રોગનું માત્ર નિદાન જ નથી, કરતા ઔષધિ પણ આપે છે. ઓશોએ ઘણા લોકોને ગુલામીની બેડીઓ અને દીનતાની જંજીરોમાંથી મુક્ત કર્યા છે. તેમની વાતો ગાગરમાં સાગર છે જે પાંચ ચાર પાનામાં ન સમજાય તે એક નાનકડી વાર્તાથી સમજાવી દે છે. તેઓ પ્રભાવિત કરવા નથી બોલતા, સમજાવવા માટે બોલે છે. તેમના વિષયો ગંભીર હોવા છતાં કંટાળો નથી આપતા. ગત અંકમાં આપણે ઓશોના ‘સંસાર સૂત્ર ‘ અંતર્ગત પ્રેમની વિષદ ચર્ચા કરી. આ વખતે એ જ વિષય પર – સંસારને સાધવા, સફળ બનાવવા – ઓશો વધુ કયા સૂત્રો આપે છે તેની વાત કરીશું.

જીવનનું કેન્દ્ર પરિવાર છે. આ પરિવાર પ્રેમના કેન્દ્ર પર નિર્મિત થવો જોઈએ, પરંતુ તે નિર્મિત કરવામાં આવે છે વિવાહના કેન્દ્ર પર. પ્રેમ પરમાત્માની વ્યવસ્થા છે, વિવાહ માણસની વ્યવસ્થા છે. અને તેથી જ પ્રેમના અભાવમાં ગૃહસ્થી સંઘર્ષ, ક્લેશ, દ્વેષ અને ઉપદ્રવનું સ્થાન બની જાય છે. તો જે ઘર પરિવારમાં પ્રેમ હોય, ભરોસો હોય, સાંત્વના હોય ત્યાં સુખાકારીનું નિર્માણ થાય છે. જીવનમાં કેટલાક આયામ ફક્ત હારવાથી જ મળે છે. ગણિત અને તર્ક ફક્ત જીત શીખવાડે છે, પરિગ્રહ વધારે છે. પણ જો બાળકોની બુદ્ધિ સાથે હૃદય પણ ખીલે તો એક સંતુલિત વ્યક્તિત્વ ઘટિત થાય છે. જગતની પ્રત્યેક ઘટનાથી બોધ લઈ શકાય છે, આંખો ખુલ્લી હોય તો જ્ઞાન જરૂર મળે છે. જીવનને જો સાર્થક બનાવીએ તો વૃદ્ધાવસ્થા ખુબ સુંદર અવસ્થા છે. તે જીવનની પરાકાષ્ઠા છે, જીવનનો નિચોડ છે, તમારી સંપૂર્ણ કથા છે. જેનો વાનપ્રસ્થાશ્રમ સુંદર હોય, તેના માટે અમૃતના દ્વાર ખુલી જાય છે. પછી મૃત્યુ અંત નથી, ફક્ત નવી યાત્રાનો પ્રારંભ છે.

ઓશો જીવનમાં પરમાત્માને પામવાનું રહસ્ય સમજાવતા કહે છે કે સંસારને દોડી દોડીને પણ પામવો મુશ્કેલ છે. જ્યારે પરમાત્માને પામવા માટે દોડવાની જરૂર નથી, અટકી જવાની જરૂર પડે છે. ગીતા પણ કહે છે: સ્થિતપ્રજ્ઞ. પરમાત્મા અંદર આવી જાય ત્યાં નૃત્યનો જન્મ થાય છે, જેમાં કોઈ ગતિ નથી, જ્યાં બધું સ્થગિત છે, પરિપૂર્ણ શૂન્ય મૌન છે. કહેવું અને સમજવું ખૂબ કઠિન લાગે છે પણ તેને જ અનાહત નાદ કહે છે.

તમારી દ્રષ્ટિનું પરિપ્રેક્ષ્ય જ સૃષ્ટિ છે. જેવી તમારી ચિત્તદશા, તેવું અસ્તિત્વ તમને દેખાશે. જો તમે પ્રસન્ન હશો તો તમારો પરમાત્મા પણ પ્રસન્ન હશે. જો તમે દુઃખી છો તો તે તમારી પસંદ છે અને જો તમે આનંદિત છો તો એ પણ તમારી જ પસંદ છે. તેના માટે બીજું કોઈ જવાબદાર નથી. તમારા જીવનની સ્થિતિ માટે પૂર્ણતઃ તમે જ જવાબદાર છો. આ ખ્યાલ જેવો અંતરમાં ઘનીભૂત થશે કે જીવનમાં ક્રાંતિની શરૂઆત થશે. બીજા લોકોને બદલવાનું તમારા હાથમાં નથી. પરંતુ સ્વયંમાં રૂપાંતરણ કરવાની વાત તમારા હાથમાં છે. ઘણા લોકો દુઃખની વાત કરી બીજાની પાસે સહાનુભૂતિની અપેક્ષા કરે છે. સહાનુભૂતિ નકલી પ્રેમ છે. સાચો પ્રેમ તો અર્જિત કરવો પડે છે. જે પ્રેમ આપી શકે છે તેને જ પ્રેમ મળી શકે છે. આનંદ એ જાગૃતિની સતેજ અવસ્થા છે, જ્યાં ન તો સુખ છે કે ન દુ:ખ. અંતરનું નિરીક્ષણ કરો. જ્યાં જ્યાં દુઃખ પેદા થતું હોય તેના કારણો તમને તમારી અંદર જ મળશે. સમગ્ર ખેલનું બીજ તો અંદર છે. બહાર માત્ર તેની પ્રતિધ્વનિ સંભળાય છે. માટે બહાર દુઃખ પેદા થતું હોય તો સમજજો કે અંદર કંઈક અયોગ્ય ખેલ ચાલી રહ્યો છે, જેનું પ્રતિકૂલન જગતના પડદા પર દેખાય છે. કમનસીબે આપણી મનોદશા એવી છે કે એક પગ સંસારની નાવમાં અને એક પગ બુદ્ધ પુરુષોની નાવમાં રાખી જીવન જીવવું છે. માટે જ દ્વંદ્વમાં જીવન વ્યતિત કરતા રહીએ છીએ.

આપણી બુદ્ધિ એ અનંત વિચારોની જોડ છે. એ વિચારોની ભીડના કારણે જ જીવનમાં શાંતિ સંભવી શકતી નથી. મહાવીરનું વચન છે ‘મનુષ્ય બહુચિત્તવાન છે’, જેની સાથે આધુનિક મનોવિજ્ઞાન પણ સહમત છે. તમારી પાસે એક નહીં પણ અનેક મન છે, જે જુદી જુદી આજ્ઞાઓ આપે છે અને તમે વિક્ષિપ્ત અવસ્થાએ પહોંચી જાવ છો. બુદ્ધિ વશમાં થવાથી સત્વની સિદ્ધિ થાય છે અને ખરું સ્વાતંત્ર પ્રાપ્ત થાય છે. ત્યારે તમે નિર્ણાયક હો છો અને મન તમારી પાછળ ચાલે છે. કબીર કહે છે કે ‘બહાર અને અંદર એક જ છે. ઝેન સાધુઓ પણ કહે છે કે સંસાર અને મોક્ષ એક છે. આવું કઈ રીતે બને? આપણને એ સમજાતું નથી કારણ કે માન્યતા એવી છે કે સંસારમાં તમે પીડિત છો અને મોક્ષ તેનાથી વિપરીત છે. જો સંસારથી મુક્ત થશો તો જ શાંતિ અને આનંદ મળશે. વાસ્તવિક રીતે અહંકાર સમાપ્ત થતાં બહાર અને અંદરનો ભેદ સમાપ્ત થઈ જાય છે. પછી બધું જ એકરૂપ છે. સંસાર અને સંન્યાસ પણ એક જ છે, મોક્ષ અને મુક્તિ એ અનુભવની દશા છે. આ ગહન વાત ઓશો ફક્ત ત્રણ સૂત્રો દ્વારા યાદ રાખવાનું કહે છે. એક – મનનું માલિકીપણું તોડવાથી સાક્ષી ભાવ ફલિત થશે. બીજું – મનની વિરુદ્ધ જવાથી નહીં પણ મનની પાર જવાથી સંભવશે. ત્રીજું – મનનું અતિક્રમણ કરવાનું છે, જેથી બધા દ્વૈત સમાપ્ત થઈ જશે.

આંખ બંધ કરીએ તો અસીમના દ્વાર ખુલી જાય છે. આ તરફ દ્રશ્ય દેખાય છે પેલી તરફ દ્રષ્ટા દેખાઈ જાય છે. પરંતુ આપણે જ્યારે આંખો બંધ કરીએ ત્યારે પણ દ્રશ્ય તો બહારના જ જોઈએ છીએ. જેથી આંખો બંધ કરવાની કોઈ અર્થ રહેતો નથી. આંખ બંધ રાખવાનો અર્થ છે સ્વપ્નો અને વિચારોથી મુક્તિ- શૂન્યતાનો અનુભવ. વિચાર અને દ્રશ્ય વિલીન થયા પછી જે પ્રગટ થાય છે તે શાશ્વત ચૈતન્ય છે, સત્ છે, ચિત્ત છે, એ જ આનંદ છે. સત્યનો મહિમા ગાતા ઓશો સમજાવે છે કે સ્વયંના જૂઠથી ગભરાવાની જરૂર છે. જે માણસ ખોટું બોલે છે તે ન તો શાંતિથી સૂઈ શકે છે, ન આરામ કરી શકે છે, ન ધ્યાન કરી શકે છે કે ન પ્રેમ કરી શકે છે. સત્યથી ભવિષ્યમાં સ્વર્ગ મળશે એટલે સત્ય ધર્મ નથી. સત્ય એટલા માટે ધર્મ છે કે સત્યથી તમને અહીં અને હમણાં જ સ્વર્ગ મળી જશે. સ્વર્ગ એટલે એવું જીવન જેમાં ગહન વિશ્રામ અનુભવાય. સત્યના માર્ગે વિશ્રામ મળશે, જૂઠના માર્ગે તણાવ મળશે. આપણી આંખો દર્પણ છે. જ્યાં ગુરુ અને શિષ્યની આંખ મળે છે, ત્યાં જ માર્ગ છે. આ માર્ગે કઈ રીતે આગળ વધવું તે અંગે ઓશોનું દર્શન જાણવા મળીશું આવતા અંકે…..

રીટા જાની
10/02/2023

વિસ્તૃતિ….૪૭ જયશ્રી પટેલ



ગતાંકથી ચાલું.શરદ ચંદ્રની વાર્તા મંન્દિરનો થોડો અંશ આપણે આગળ જોઈ ગયાં. તેનો આગળનો બીજો ભાગ અહીં પ્રસ્તુત કરતાં મને આનંદ થાય છે કે આ વાર્તા એક એવી સ્ત્રીના મનોભાવને વ્યક્ત કરે છે કે તેને તેના મંન્દિર સિવાય બીજા કોઈની લાગણી સ્પર્શી શકતી નથી.

આપણે આગળ જોઇએ મિત્રો કે અપર્ણાનાં લગ્ન અમરનાથ સાથે થઈ જાય છે જતાં જતાં અપર્ણા પોતાના પિતાને જણાવે છે કે પોતે જે પૂજા ,પાઠ ને સેવાની મંદિર માટે વ્યવસ્થા કરી છે તેને તેમ જ રાખજો. તેને માટે સૂતા, ઊઠતા બેસતા સર્વસ્વ મંન્દિર જ હતું. તે ઉદાસ થઈ ગઈ મંન્દિર છોડીને જવું પડશે વિચાર માત્રથી. તે રડી પડી ,પિતાએ પણ રડતાં રડતાં વચન આપ્યું કે તેમાં કોઈ ત્રુટી નહીં રહે. તે જતાં પિતાને રડતા જોઈ રહી તે એક પણ વાર પાછી ન ફરી . તેણે પિતાના આંસુ ના લૂછ્યાં.પાછળથી તે આ વાતથી દુઃખી રહેવા લાગી ને મંન્દિરની કલ્પના કરી રડતી રહી. સાસરે જતાં પાલખી ખોલી રડી રહી ને તેના પિતા પણ મંનદિરમાં મૂર્તિ સામે દીકરીની કાલ્પનિક મૂર્તિ જોઈ રહ્યાં. પહેલે દિવસે સાસરીમાં આવી તે નવ વિવાહિત જીવનને ન સ્વીકારી શકી. પતિ અમરનાથ બે ચાર દિવસ પછી તેની ઉદાસીનું કારણ પૂછ્યું તો તેણીએ પિયર જવાની વાત કરી. અમરનાથે દુઃખી થઈ પૂછ્યું, “ શું મારાં માટે તને કોઈ લાગણી નથી ?”
અપર્ણાએ આવી વાત ન કરવા કહ્યું આવી વાતોથી પતિ-પત્નીમાં ઝઘડા થાય છે એમ સમજાવ્યું . ફરી તે પોતાની જાતને પૂજા પાઠ ધર્મમાં વાળી વૈરાગીની જેમ ઓતપ્રોત રહેવાસલાગી.
અમરનાથ એ તેને એક દિવસ ફરી કહ્યું ,” આવ અપર્ણા આપણે ઝઘડી જ લઈએ .”
અપર્ણા આ બધાથી દૂર રહેવા માંગતી હતી. મિત્રો એક પતિ પોતાની પત્નીનું આ શૂન્ય મનસ્ક વર્તન જોઈ અકળાઈ જતો .અપર્ણાને મન અમરનાથ સાથે આમ જ જીવન જીવવું એ સરળ હતું, પણ અમરનાથ સંસારી જીવ હતો. એકવાર તે બે અત્તરની બે અત્તરની શીશી લઈ આવ્યો ને એક સુંદર ડબ્બી લઈ તેની પાસે આવ્યો. જેની પર સુવર્ણ અક્ષરે અપર્ણાનું નામ કોતરેલું હતું.રેશમી કપડાંમાં વીંટાળેલી આ ભેટ અપર્ણાને ધરી થોડીવાર તેની સામે જોઈ રહી બોલ્યો,” અપર્ણા આ તારા માટે છે.”
તે પણ એકી નજરે તેની સામે જોઈ રહી .અમરનાથ એ પૂછ્યું ,”તને ન ગમી ?” તેણે જવાબ આપ્યો મૂકી દો એને વાપરવા વાળા ઘણાં છે . અમરનાથનું હૃદય તૂટી ગયું એને આઘાત લાગ્યો તે કાંઈ જ બોલ્યો નહિ .બે દિવસ સુધી તેની સામે પણ ના આવ્યો. બે રાત્રિ ઘરની બહાર રહ્યો. અમરનાથની માતાએ આ જાણ્યું ને એણે બંનેને મીઠી દાટ ફટકાર આપી. તે રાત્રીએ અપર્ણાએ તેની ક્ષમા માંગી.અપર્ણાએ તેને એ પૂછ્યું કે શું મારાથી રિસાયા છો ? તેણે ના પાડી ,પણ વિચાર્યું કે તે કેવી રીતે માની ગઈ કે હું રિસાયો નથી !
અમરનાથે જલ્દી કલકત્તા જવાનો નિર્ણય સંભળાવ્યો તો અપર્ણાએ કહ્યું ,”શું બે દિવસ ન રોકાઈ શકો ?” તે રોકાયો પણ અપર્ણા તો તે જ નિર્લેપ ભાવે તેની સાથે રહી . તેણીને કોઈ ફર્ક ન પડ્યો. આખરે અમરનાથ ને અંદરથી થયું કે તે દૂર ચાલ્યો જાય તે જ સારું. કલકત્તા જઈ તે મુરઝાયેલો ને અંતરમુખી થઈ ગયો. ના અભ્યાસમાં ચિત્ત લાગ્યું ન ખેલ કુંદમાં.બે મહિના બાદ માનસિક વિટંબણા, નિરાશાને કારણે તે માંદો પડ્યો . પથારી પકડી લીધી.માતા-પિતા પહોંચ્યા પણ અપર્ણા ના આવી . અમરનાથ કાંઈજ ન બોલ્યો. તેણે અંતરમાં જ આ વાત ધરબી લીધી. ધીરે ધીરે સાજા નહિ થઈ તેણે મૃત્યુને સ્વીકારી લીધું.
અમરનાથના મૃત્યુથી અપર્ણાને આઘાત ન લાગ્યો તેને થયું તે આ બંધનમાંથી જાણે સાચેજ મુક્તિ ઇચ્છતી હતી. પિતા આવ્યા ખૂબ રડ્યા પોતે પણ રડી .બીજા દિવસે પિતાએ તેને કહ્યું ,” બેટા મદનમોહન તારી રાહ જોઈ રહ્યાં છે ચાલ .” અને તે પિતા સાથે જવા તૈયાર થઈ. પોતાનું મંન્દિર જોવા આકુળવ્યાકુળ થઈ ગઈ હતી તેથી તે ચાલી ગઈ .

બીજી બાજુ શક્તિનાથ પોતાના રંગ રોગાન કાર્યમાં મસ્ત રહેતો. પિતા મધુસૂદનના પૂજા પાઠના વ્યવસાયમાં તેને બિલકુલ રસ નહોતો. ક્યારેક માંદગીમાં તો તે જમીનદારને ત્યાં પૂજાપાઠ કરી આવતો. આજે પણ પિતા બીમાર હતા તેથી સોમનાથ સ્વયં જમીનદારને ત્યાં પૂજા કરવા આવ્યો ત્યાં અપર્ણા ને જોઈ .અપર્ણાનાં આગમનથી મંન્દિરનાં ઠાઠ- માઠ બદલાયા હતાં. પૂજા નૈવેદ્ય,ફળ ફૂલ અગરબત્તીથી ઓરડો મહેંકી ઉઠ્યો હતો. શક્તિનાથ તેને જોઈ મૂંઝાયો જેમ તેમ જળ પાન ફૂલ ચોખા ચડાવી પૂજા પૂર્ણ કરી. સીધું ને સામગ્રી આપતા અપર્ણાએ તેને કહ્યું ,”મહારાજ બ્રાહ્મણપુત્ર થઈ પૂજા કરતા નથી આવડતી.”

મિત્રો અહીં વાર્તાએ નવા સ્વરૂપે વળાંક લીધો. મોટા મંન્દિરનાં પૂજારી પૂજા કરવા આવવા લાગ્યા અને તેમણે શક્તિનાથની થાય તેટલી બુરાઈ કરી. તે જ અરસામાં બિમાર મધુસૂદનનું મૃત્યું થયું. નરમ દિલ અપર્ણાને લાગ્યું કે બ્રાહ્મણપુત્ર છે ,તેની રોજી રોટી ન છીનવી લેવાય ! આથી તેને બોલાવી કહ્યું કે જેવી આવડે તેવી પૂજા કરશો ભગવાન સમજી જશે . શક્તિનાથ આ સુંદર સફેદ વસ્ત્રો અને રૂખા વાળમાં શોભતી યુવતી તરફ આકર્ષાયો . ધીરે ધીરે તે હવે સંપૂર્ણ ધ્યાનથી પૂજા કરતો. આપર્ણા પણ મહારાજ બ્રાહ્મણ પુત્રનું પૂર્ણ ધ્યાન રાખવા લાગી જમવું પહેરવું શું ખાવું, બધું જ .

એકવાર શક્તિનાથના મામાનો દીકરો તેને લેવા આવ્યો અને તે અપર્ણાની રજા લઈ કલકત્તા ગયો. ત્યાં બે-ત્રણ મહિનામાં જ તેનું મન ભરાઈ ગયું. અહીં અપર્ણાએ તેની ગેરહાજરીમાં બીજા બ્રાહ્મણને પૂજાપાઠ માટે રાખી લીધાં તે વધુ દિવસો થતા તેનાથી દૂર થવા લાગી . કલકત્તાથી પાછા ફરતા શક્તિનાથ અપર્ણા માટે બે અત્તરની સુગંધિત શીશી લઈ આવ્યો હતો પણ તે આપવાની હિંમત ન કરી શક્યો. અપર્ણા આમ પણ વૈરાગ્ય પૂર્ણ ભક્તિ ભાવથી જીવન જીવતી હતી.

તેણે શક્તિનાથના આવ્યા પછી જે મહારાજને રોક્યા હતા તેમને રજા આપી દીધી હતી. શક્તિનાથ પૂજા કરવા આવવા લાગ્યો. શક્તિનાથને બે દિવસ સખત તાવ આવ્યો અને તો પણ તે નાહી ધોઈને પૂજા કરવા આવતો. અપર્ણાને આ ખબર પડી કે બે દિવસથી તે જમ્યો પણ નથી . આથી અપર્ણાએ તેને પૂછ્યું ,”કેમ તમે તબિયત સારી નથી તો પણ આવ્યા કરો છો ?” શક્તિનાથે હિંમત જોડી પાસે ના રેશમી કપડાંમાં બાંધેલી બે અત્તરની શીશી કાઢી અને કહ્યું કે આ તમારા માટે છે તમને સુગંધ પસંદ છે ને ? એમ કરી બે શીશી તેને ભેટ સ્વરૂપે ધરી. અપર્ણા હવે જે સંપૂર્ણ વૈરાગ્ય તરફ વળી હતી તે તો ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને તે બંને શીશી બહાર પડેલા સૂકા વપરાયેલા ફૂલોનાં ઢગલામાં જઈને ફેંકી દીધી.મહારાજ તમારાં મનમાં આ શું ચાલી રહ્યું છે કરી ધમકાવી કાઢ્યો.શક્તિનાથ દુઃખી થઈ ઘરે ચાલ્યો ગયો .એ પછી તે જમીનદારના ઘરે પાછો ન આવ્યો. અપર્ણાએ એ તેની ભાળ પણ ન કાઢી. તેને ગુસ્સો આવ્યો હતો કે મહારાજ ના મનમાં આટલું બધું મારા માટે ભર્યું હતું.હવે પાછા ન આવતા એમ કહી ને આંગળી બતાવી અને રસ્તો બતાવી દીધો હતો ,તેથી તે પણ તેની ભાળ કાઢવા ના ગઈ .

પૂજા કરવા મહારાજ રાખી દીધાં. યદુનાથ મહારાજ આવવા લાગ્યા હતા. અચાનક એક દિવસ બધો સામાન ભેગો કરતાં તેઓ બોલ્યા કે બિચારો બ્રાહ્મણ પુત્ર વગર ઈલાજે મૃત્યુ પામ્યો . ત્યારે અપર્ણાએ પૂછ્યું કે કોણ મૃત્યુ પામ્યું? મહારાજે કહ્યું તમે સાંભળ્યું નહીં મધુસુદનનો પુત્ર શક્તિનાથ મૃત્યુ પામ્યો . અપર્ણા બે ઘડી સ્તબ્ધ થઈ ગઈ !શક્તિનાથના સમાચાર તેને માટે આઘાતજનક બન્યા મહારાજના ગયા પછી પૂજાનાં ઓરડાના દરવાજા બંધ કરી ભગવાન સામે જમીન ઉપર માથું મૂકી અને તે રડતી રહી ,કારણ તે હવે સમજી કે તેની આ જાણી જોઈને કરેલી અવગણના જ શક્તિનાથને મૃત્યુ સુધી લઈ ગઈ. જ્યારે યદુનાથે કહ્યું કે પાપી મનથી પૂજા કરે તેને આવી જ દશા થાય આવું જ મૃત્યુ મળે .ત્યારે તે મનોમન બોલી ઊઠી પાપી કોણ શક્તિનાથ કે પોતે ! ભગવાન આગળ માથું પછાડીને ખૂબ રડી .થોડીવાર સ્વસ્થ થઈ પાછળ ફેંકી દીધેલી અત્તરની શીશી ફૂલોમાંથી ઉપાડી લાવી અને સસ્નેહથી માથે લગાડી તેણે તે મંન્દિર ઉપર મૂકી દીધી અને પ્રભુને કહ્યું કે પ્રભુ આ હું ન લઈ શકી તમે લઈ લો આજ સુધી મેં પૂજા નથી કરી ,આજે પૂજા કરી રહી છું સ્વીકારજો . તે પૂજા કરવા લાગી .
મિત્રો અહીં વાર્તામાં એક સ્ત્રીની નાસમજ તેના પ્રેમીઓની અવગણના બની અને છતાં પણ પ્રેમ બતાવી એ સ્ત્રી બે બે પુરુષના મૃત્યુ માટે જવાબદાર બની. પાપી એ હતી કે પ્રેમની ભાવના રાખનાર અમરનાથ અને શક્તિનાથ !
*મંન્દિર* તરફનું અપર્ણાનું આ ઘેલું જોઈ શરદચંદ્ર ચટોપાધ્યાયે તેને મુખ્ય શીર્ષક આપીને સાર્થક કર્યું. શું સ્ત્રી અહીં હૃદય નથી કે તે જાણી જોઈને પુરુષોના હૃદયને ઓળખી ન શકી કે તેણે જાણી જોઈને તેઓની અવગણના કરી ! એ આ વાર્તાનાં અંતે કેવું કરુણાંત બની રહ્યું !

શરદચંદ્રની આ વાર્તાનો ગુજરાતી અનુવાદ મને નથી મળ્યો પણ એક હિન્દી ઓડિયો મને મળતા મેં તેનો ગુજરાતી અનુવાદ કરી અહીં મૂક્યો છે .છતાં પણ આપણા મહાઅનુભવોએ જો અનુવાદ કર્યા હોય અને કોઈની પાસે મળી આવે તો જરૂર મને કહેશો . આવી દોઢસો વર્ષ જૂની વાર્તા સાંભળતા કે વાંચતા પણ એવું અનુભવાય છે કે જાણે આજે જ વાર્તાનું નિરૂપણ થયું હોય. કરુણા સભર વાર્તા ત્યારે પણ પ્રથમ ક્રમાંકે હતી અને આજે પણ છે.

અસ્તુ
જયશ્રી પટેલ
૩૦/૧/૨૩