પાત્રો : મંજુલાબેન – માતા
સન્મુખરાય – પિતા
સુજાતા – પુત્રી
સુમિત – પુત્ર
મારિયા અને લક્ષ્મી – સુમિતની મિત્રો
(પડદો ખુલે ત્યારે એક મધ્યમવર્ગના દીવાનખાનાનું દ્રશ્ય દેખાય. સ્ટેજના મધ્યમાં સોફા, સ્ટેજની જમણી બાજુએ એક ટેબલ જેના પર છાપાં, સામયિકો અને ફોન. ડાબી બાજુએ નાનું મંદિર જ્યાં મંજુલાબેન પૂજા કરતા દેખાય છે. સોફા પર સન્મુખરાય છાપું વાંચતા હોય છે. સુજાતા ટેબલ આગળ બેસી કામ કરતી હોય છે. દીવાલ પરના કેલેન્ડરમાં ઓક્ટોબરની તારીખ. )
કોર્ડલેસ ફોનની ઘંટડી વાગે છે અને સુજાતા ફોન ઉપાડે છે.
સુજાતા: ભાઈ, કેટલા વખતે ફોન કર્યો? તબિયત સારી છે ને? ત્યાં ન્યુયોર્કમાં ઠંડી કેવી છે? દિવાળી પર આવો છો ને?
મંજુલાબેન : સુમિતનો ફોન છે? સ્પીકર પર મુક.
(સુજાતા ફોન સ્પીકર પર મુકે છે.)
સુમિત : ના. તબિયત સારી છે અને ઠંડી પણ ઘણી છે. જો કે આ વર્ષે પણ નહીં અવાય.
મંજુલાબેન ઊભા થાય છે અને ફોન આગળ આવે છે.
મંજુલાબેન: ફરી પાછું શું થયું? દર વર્ષે કોઈને કોઈ બહાનું બતાવી આવવાનું ટાળે છે. પાંચ વર્ષ થઇ ગયા તને અહીં આવ્યે. શું અમને મળવાનું મન નથી થતું? અમારે પણ તારું મોઢું જોઉં હોય કે નહીં? કે પછી લગ્નની વાત ટાળવા આવવાનું માંડી વાળ્યું?
સુમિત: ના મા, એવું નથી. કામ જ એટલું છે કે નિરાંતે આવવા જેટલી રજા મળે તેમ નથી. નિરાંતે આવું ત્યારે લગ્નની વાત જરૂર કરશું.
સન્મુખરાય: કામ શું તું એકલો જ કરે છે? અન્યો પણ કામ સાથે રજા ભોગવાતાં જ હશેને? તને માતા, પિતા, બહેન છે તે યાદ છે કે નહીં?
સુમિત: પપ્પા, નારાજ ન થાઓ. મને પણ ત્યાં તમને બધાને અને મિત્રોને મળવાનું બહુ મન છે. પણ દિવાળી પર આવી નહીં શકાય તેમ નથી. જો કે નાતાલ પર અહીં રજાઓ હોય છે એટલે તે વખતે મેળ પડશે તેમ લાગે છે.
મંજુલાબેન: (નારાજગીના સ્વરમાં) હા, પછી ત્યારે પણ ફોન કરશે કે નથી આવતો.
સુમિત: મા, હું ચોક્કસ આવવા વિચારું છું. થોડા દિવસ ધીરજ રાખ. મેં ફોન એટલા માટે કર્યો કે મારે સુજાતાનું કામ છે.
સુજાતા: બોલો ભાઈ, શું કામ છે?
સુમિત: મારી ઓફિસની એક સાથી નામે મારિયાને ભારતની સંસ્કૃતિમાં બહુ રસ પડ્યો છે ખાસ કરીને મારી સાથે કામ કરીને. મારી પાસેથી આપણા દેશની વાતો સાંભળીને તેને ભારતદર્શનની ઈચ્છા થઇ છે. અન્ય ઠેકાણે તેણે વ્યવસ્થા કરી લીધી છે પણ મુંબઈ માટે મેં તેને આપણે ઘરે રહેવા કહ્યું છે જેથી તું તેને સંગાથ આપી શકે અને મુંબઈદર્શન કરાવી શકે. તે આઠેક દિવસ રોકાશે.
મંજુલાબેન: જરાય નહીં. આપણે ચુસ્ત હિંદુ ધર્મ પાળનાર. આપણે ત્યાં તારી તે મેડમ આઠ દિવસ તો શું એક દિવસ પણ ન રહી શકે. ક્યાં આપણી રહેણીકરણી અને ક્યાં મેડમની રહેણીકરણી. મારા તો પૂજા-પાઠ અભડાય.
સુમિત: મમ્મી, તું તેની ચિંતા ન કર. મેં તેને આપણા રીતરિવાજ અને ધર્મ્ચુસ્તતા માટે બરાબર સમજાવી છે. તેને પણ સમજાઈ ગયું છે. વળી સુજાતા જેટલી જ વય છે એટલે તેમની મિત્રતા બની રહેશે તેની મને ખાત્રી છે. કેમ સુજાતા, બરાબરને?
સુજાતા: હા, ભાઈ. તમે ચિંતા ન કરો. આપણે તો અતિથિ દેવો ભવમાં માનનારા. તમે તે ક્યારે આવે છે તેની વિગતો મને ઈ-મેલ કરી દેજો એટલે હું તેને એરપોર્ટ પર લેવા જઈ શકું.
.દ્રશ્ય ૨
(સુજાતા મારિયાને લઈને દાખલ થાય છે અને સન્મુખરાય અને મંજુલાબેનની ઓળખાણ કરાવે છે. મારિયા તેમને શેકહેન્ડ કરવા હાથ લંબાવે છે પણ પોતાની ભૂલ સમજાય છે અને નીચા વળી નમન કરે છે. સુજાતા તેને રહેણીકરણી વિષે સમજાવે છે. વાતો અંગ્રેજીમાં થાય છે પણ નીચે તે ગુજરાતીમાં અનુવાદિત છે.)
સુજાતા: મારિયા ડિયર, મારા મમ્મી-પપ્પા થોડાક ચુસ્ત છે. એટલે તેમના મનને દુ:ખ થાય કે લાગણી દુભાય નહીં તેનો તારે ખાસ ખ્યાલ રાખવો પડશે. તારે ઘરમાં ચંપલ કે સ્લીપર પહેરીને નહીં ફરવાનું.
મારિયા: પણ મને તો તે વગર ન ફાવે. છતાં કોશિશ કરીશ.
સુજાતા: અમારે ત્યાં રોજ નહાવાનો રીવાજ છે. એટલે તારે પણ તેમ કરવું પડશે.
મારિયા: રોજ નહાવાનું? એ મારાથી નહીં થાય.
સુજાતા: મને ખબર છે કે તને આ ટેવ નહીં હોય પણ આઠ દિવસનો સવાલ છે. થોડુક સાચવી લેજે જેથી મમ્મીને સારૂં લાગે.
મારિયા: ઓ.કે.
(પણ હકીકતમાં જુદું જ થતું. બીજે દિવસે સવારે)
મંજુલાબેન: (બૂમ મારતાં) સુજાતા, દસ વાગ્યા છતાં તારી મેડમ હજી ઊંઘે છે. ક્યારે નહાશે અને ક્યારે પરવારશે?
(ત્યાં મારિયા લઘરવઘર ગાઉન અને સ્લીપર સાથે રૂમની બહાર આવે છે અને રસોડા તરફ જાય છે. આ જોઈ મંજુલાબેનના મુખ પરનાં હાવભાવ બદલાઈ જાય છે.)
મંજુલાબેન: આ જો, આના વેશ જો અને વળી સ્લીપર સાથે ફરે છે. મારૂ તો રસોડું અભડાયું અને મારા દેવ પણ અભડાઈ ગયા. વળી તારા પપ્પા આગળ આમ આવશે તો સારૂં લાગશે?
સુજાતા: મમ્મી, આજે પહેલો દિવસ છે. હું સમજાવી દઈશ.
મંજુલાબેન: શું ધૂળ સમજશે? પહેલે દિવસે આમ છે તો બાકીના દિવસો કેવા જશે તે મારો પ્રભુ જાણે.
(મંજુલાબેન અંદર જાય છે. મારિયા બહાર આવે છે.)
સુજાતા : મારિયા, કાલે રાતે કહ્યું હતું પણ તું બધું ભૂલી ગઈ?
મારિયા: સોરી, આદત પ્રમાણે થઇ ગયું. પણ હવે ધ્યાન રાખીશ.
સુજાતા: કાલે રાતે તું તારા કુટુંબીજનો અને મિત્રો સાથે મોબાઈલ પર વાત કરતી હતી ત્યારે કેટલું મોટેથી બોલાતી હતી?
મારિયા: એ તો મારો નોર્મલ અવાજ છે ફોન પર વાત કરતી વખતે.
સુજાતા: હા પણ મારા મમ્મી પપ્પાને આમ કોઈ મોટેથી વાત કરે તેનો ત્રાસ થાય છે. સવારે જ પપ્પાએ મને કહ્યું તને ધીરે અવાજે વાત કરવાનું કહેવા. વળી તું ભાઈ સાથે પણ વાત કરે છે તે સાંભળી તેમને પણ શરમ આવે છે કારણ તારી વાતો એવા પ્રકારની હોય છે જે તે સાંભળી શકે એમ નથી.
મારિયા: ફરી સોરી, આદત પ્રમાણે થઇ ગયું..
દ્રશ્ય ૩
(થોડા દિવસ પછીની એક સાંજે મારિયા બહારથી આવે છે. હાથમાં એક પડીકું હોય છે.)
સુજાતા: ક્યા ગઈ હતી એકલી?
મારિયા: આ સામે હોટેલ છે ત્યાં.
સુજાતા: કેમ?
મારિયા: રોજ ઘરનું વેજ. ખાવાનું ખાઈને કંટાળી ગઈ હતી એટલે ત્યાંથી મટન સમોસા લઇ આવી છું.
(મમ્મીએ આ સાંભળ્યું એટલે અંદરથી બહાર આવી.)
મંજુલાબેન: મટન સમોસા? હાય રામ, શું થવા બેઠું છે? આ બલા ક્યારે ટળશે? તે જાય પછી મારે તો આખું ઘર શુદ્ધ કરવાની વિધિ કરવી પડશે. (અને પાછા અંદર જાય છે.)
સુજાતા: મારિયા, તને પહેલાં પણ કહ્યું હતું કે અમે સુદ્ધ શાકાહારી. ઈંડા પણ આ ઘરમાં ન આવે. કાંદા લસણ પણ ન આવે અને તું મટન સમોસા લઇ આવી?
મારિયા: મને શું ખબર? ત્યાં તો સુમિત બધું ખાય છે એટલે તમને આનો વાંધો નહીં હોય એમ માન્યું.
સુજાતા: શું? ભાઈ આવું બધું ખાય છે?
મારિયા: હા, કેટલાય વખતથી.
સુજાતા: એ તો ત્યાં આટલા વરસથી રહે છે એટલે કદાચ આવું ખાતો હશે પણ ભૂલેચૂકે પણ મમ્મીને આ વાતની ખબર ન પડવી જોઈએ નહીં તો ભાઈનું આવી બનશે. સારૂં છે કે કાલે તારે દિલ્હી જવાનું છે એટલે હવે મમ્મી નિરાંતનો શ્વાસ લેશે.
દ્રશ્ય ૪
(દીવાનખાનામાં નોકર સાફસુફી કરતો નજરે પડે. મંજુલાબેનનાં મુખ પર ક્રોધના ભાવ. સન્મુખરાય ટેબલ આગળ બેસી લખતાં હોય છે.)
મંજુલાબેન: છે તમને કોઈ તકલીફ કે ચિંતા?
સન્મુખરાય: મને કહ્યું?
મંજુલાબેન: અહીં બીજું કોણ છે તમારી સિવાય?
સન્મુખરાય: શેની વાત કરે છે/
મંજુલાબેન: આ મારિયા મેડમને કારણે મારૂં તો ઘર, રસોડું અને દેવસ્થાન અભડાઈ ગયા. તમને તેની કાંઈ ચિંતા છે?
સંમુક્ખ્રાય: તું સાફસફાઈ તો કરે છે પછી હવે શું છે?
મંજુલાબેન: મારે પૂજા કરાવવી છે અને સાથે સાથે પાંચ બ્રાહ્મણને પણ જમાડવા છે.
સન્મુખરાય: આ બધાની શી જરૂર છે?
મંજુલાબેન: મારા તો દેવ અભડાયા એટલે ફક્ત સાફસફાઈથી નહીં ચાલે.
સન્મુખરાય: હું તો આ બધામાં નથી માનતો. મારિયા પણ આપની જેવી જ હતી કોઈ જાનવર નહીં કે બધું અભડાઈ જાય અને પૂજા કરાવવી પડે.
મંજુલાબેન: (ઉગ્ર સવારે) એ હું કાંઈ ન સમજું. તમે હું કહું તેમ કરશો કે નહીં?
સન્મુખરાય સમજી ગયા કે હવે કોઈ ચારો નથી એટલે બોલ્યા: ભલે તું તે બધાની વ્યવસ્થા કર. ખર્ચના પૈસા આપવા સિવાય બીજું મારે કાંઈ કરવાનું છે?
મંજુલાબેન: હમણાંને હમણાં સુમિતને ફોન કરો અને તેને કહો શું વીત્યું છે મેડમના આવ્યા પછી અને હવે પછી આવા કોઈને મોકલે નહીં.
સન્મુખરાય અત્યારે ત્યાં રાતના બાર વાગ્યા છે એટલે સુમિત સુઈ ગયો હશે. રાતના કરશું.
મંજુલાબેન: સુતો હશે તો ઉઠશે પણ ફોન હમણાં જ લગાવો.
(હવે છૂટકો નથી સમજી સુમિતને ફોન લગાવે છે અને સ્પીકર પર મુકે છે જેથી મંજુલાબેનને પણ શું વાત કરી અને શું સામેથી જવાબ આવ્યો તે સંભળાય.)
સન્મુખરાય: સુમિત, ઊંઘમાંથી નથી ઉઠાડ્યોને?
સુમિત: થોડું કામ હતું એટલે તે પતાવી સુવા જ જતો હતો. બોલો શું કામ હતું?
સન્મુખરાય: ખાસ તો કશું નહીં પણ તારી મિત્ર મારિયા વિષે વાત કરવી હતી.
સુમિત: શું કર્યું તેણે? કોઈ ગેરવર્તાવ? મેં તેને બધું સમજાવીને મોકલી હતી કે કેમ રહેવું કેમ વર્તવું. મારી સાથે ફોન પર વાત કરતી પણ એવો કોઈ અણસારો ન આવ્યો કે તેનાથી તમે નારાજ હો.
સન્મુખરાય: કર્યું તો ઘણું બધું છે જેનાથી તારી મા એકદમ નારાજ છે અને પૂજાપાઠ અને બ્રાહ્મણો જમાડવાની વાત કરે છે.
સુમિત: શું વાત કરો છો? વાત એટલી વણસી ગઈ છે?
સન્મુખરાય: ઘરમાં સ્લીપર પહેરી ફરવું, બહારથી મટન સમોસા લાવવા, સ્લીપર પહેરી રસોડામાં જવું, ફોનમાં મોટે મોટેથી અડધી રાતે ત્યાં અમેરિકામાં તેના મિત્રો અને તારી સાથે વાતો કરવી. આ સિવાય પણ બીજી ઘણી વાતો છે પણ તેને છોડ.
સુમિત: અરે, આટલું બધું થઇ ગયું અને તમે મને પહેલા ન જણાવ્યું? ખેર, હવે તે ત્યાંથી જતી રહી છે એટલે સારૂં છે. તે અહીં પાછી આવશે ત્યારે હું તેને બરાબર ધમકાવીશ અને તમારી આગળ માફી પણ મંગાવીશ.
મંજુલાબેન: હવે તેની કોઈ જરૂર નથી. થઇ ગયું તેનું હું પ્રાયશ્ચિત કરી રહી છું તે બસ છે. હા, હવે પછી તારી આવી કોઈ મિત્ર અહીં રહેવા માંગતી હોય તો અત્યારથી જ તને ચેતવી દઉં છું કે હું તેને એક મિનિટ પણ આ ઘરમાં ઊભી નહીં રાખું.
સુમિત: સોરી મા, ફરી તારી માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું નહીં થાય તેનું ધ્યાન રાખીશ. હું નાતાલમાં ગમે તે રીતે ત્યાં આવીશ, બસ?
દ્રશ્ય ૫
(કેલેન્ડરમાં નવેમ્બર ૨૭ તારીખ. પ્રથમ દ્રશ્ય જેવું જ વાતાવરણ. ફોન વાગે છે અને નંબર જોઈ ભાઈનો છે કહી સુજાતા તે ઉપાડે છે અને સ્પીકર પર મુકે છે.)
સુજાતા: ભાઈ, કેમ છો? ઘણા વખતે ફોન કર્યો.
સુમિત: બસ સારૂં છે. ત્યાં આવવાની તૈયારી માટે ઓફિસમાં કામ પતાવવામાં સમય મળ્યો ન હતો. હવે મારૂં આવવાનું નક્કી છે એટલે ફોન કર્યો.
મંજુલાબેન: હાશ, આખરે મારો દીકરો આવે છે. ક્યારે?
સુમિત: ૨૪મી ડિસેમ્બરે આવીશ અને પંદર દિવસ રહીશ કારણ રજા માંડ માંડ આટલી જ મળી છે.
મંજુલાબેન: શું તું પણ? આટલા ઓછા દિવસમાં કેટલી વાતો થાય? વળી હવે તારા હાથ પીળા કરવાના તે માટે પણ સમય જોઈએને?
સુમિત: બધું થઇ પડશે. મા, તું નારાજ ન થાય તો એક વાત કરવી છે.
મંજુલાબેન: શું કોઈ છોકરી પસંદ કરી છે?
સુમિત: ના મા, એવી કોઈ વાત નથી. વાત બીજી જ છે.
મંજુલાબેન: બોલને શું વાત છે? અચકાય કેમ છે/
સુમિત: મા, એવું છે ને કે દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને પીએ એવી વાત છે.
મંજુલાબેન: શું કહે છે તે સમજાયું નહીં.
સુમિત: વાત એમ છે કે મારી ઓફિસમાં એક શ્રીલંકાની સાથીદાર છે જેનું નામ લક્ષ્મી છે. નાતાલમાં તેના ઘરે જાય છે. તે પહેલા તેને મુંબઈ ફરવું છે. મુંબઈમાં તે હોટેલમાં રહે તેના કરતાં આપને ત્યાં રહે તેમ હું ઈચ્છું છું. કારણ સુજાતા તેને કંપની આપી શકે. ત્યાં ચાર દિવસ રોકાઈ પછી તે તેને ઘરે જશે. મારિયાએ તેની આપણા કુટુંબ અને તેની સાથે થયેલો વ્યહવાર વર્ણવ્યો જે તેને ગમી ગયું.
મંજુલાબેન: કેવો વ્યહવાર? અરે તારી શરમે અમે તેને ઘરની બહાર કાદ્ધી ન શક્યા. હવે તેમ છતાં તું અન્ય પરદેશી મહિલાને રહેવા દેવાનું કહે છે? એ શક્ય નથી.
સુમિત: મા, તું ધારે છે તેમ નથી. આ તો શ્રીલંકાની રહેવાસી જે ભારતીય સંસ્કૃતિને સારી રીતે સમજે છે, કારણ તેના દેશમાં પણ લગભગ આવી જ સંસ્કૃતિ છે. વળી તેને થોડું ઘણું હિન્દી પણ આવડે છે એટલે તને વાત કરવાની બહુ તકલીફ નહીં પડે. સુજાતાને ચાર દિવસ તેને સાથ આપવા કહેવું હતું કારણ મારી અને એની રજાઓનો મેળ નથી ખાતો એટલે, નહીં તો હું જ તેને ત્યાં લઇ આવતે અને મુંબઈદર્શન કરાવતે.
(મંજુલાબેન કશું બોલવા જાય તે પહેલાં સન્મુખરાય બોલે છે.)
સન્મુખરાય: સુમિત, તારી વાત પર વિશ્વાસ રાખીએ છીએ. ચાર જ દિવસનો સવાલ છે અને સુજાતાને પણ ત્યારે કોલેજમાં વેકેશન હશે એટલે તે તેને સાથ જરૂર આપશે, કેમ સુજાતા બરાબરને?
(સુજાતા હકારમાં ડોકું ધુણાવે છે. )
મંજુલાબેન: હવે બાપ-દીકરી એક થઇ ગયા છે તો મારાથી ના કેમ પડાય? પણ ધ્યાન રહે મારિયા જેવું તે વર્તન ન કરે.
દ્રશ્ય ૬
(કેલેન્ડરમાં તા. ૧૮ ડિસેમ્બર. મંજુલાબેન અને સન્મુખરાય બેસીને વાતો કરતાં હોય છે. સુજાતા અને લક્ષ્મીનો પ્રવેશ..દરવાજે લક્ષ્મી પોતાના શુઝ ઉતારે છે તે જોઈ મંજુલાબેનના મુખ પર આછું સ્મિત.)
સુજાતા: લક્ષ્મી, my parents.
(લક્ષ્મી નીચે નમી બંનેને પગે લાગે છે. બંને તેને આશીર્વાદ આપે છે.)
મંજુલાબેન: (તૂટીફૂટી હિન્દીમાં) કૈસા રહા ટ્રાવેલિંગ?
લક્ષ્મી: અચ્છા રહા.
મંજુલાબેન: સુજાતા તેને તારા રૂમમાં લઇ જા. રાત ઘણી વીતી છે તે થાકી પણ ગઈ હશે. સવારે આગળનો કાર્યક્રમ નક્કી કરજે.
સુજાતા: (મમ્મીના અવાજમાં નરમાશ જોઈ નવાઈ પામે છે) ભલે મમ્મી.
દ્રશ્ય ૭
(કેલેન્ડરમાં તા. ૧૯ ડિસેમ્બર. સવારનો સમય. મંજુલાબેન પૂજાપાઠ કરતા હોય છે. લક્ષ્મી નહાઈને સ્વચ્છ કપડામાં તૈયાર થઇ રૂમમાંથી બહાર આવે છે અને મંજુલાબેનને પગે લાગે છે અને પછી ત્યાં બેસી એક ભજન ગાય છે. આથી મંજુલાબેનના મુખના હાવભાવ બદલાતા જતાં હોય છે.)
મંજુલાબેન: વાહ. લક્ષ્મી, તુમેરેકું ગાના અચ્છા હૈ.
લક્ષ્મી: જી, હમારે ફેમીલીમેં ઐસા શીખાયા જાતા હૈ.
મંજુલાબેન: એ હમારે પ્રભુ હૈ, શ્રીક્રુષ્ણ.
લક્ષ્મી: માલુમ હૈ, મૈને પઢા હૈ મહાભારત.
મંજુલાબેન: અરે વાહ, બીજું ક્યા ક્યા પઢા હૈ?
લક્ષ્મી: રામાયણ ભી પઢી હૈ.
મંજુલાબેન: બહાર કે લોગ આવું પઢે તો હમારેકો આનંદ થાય છે.
(ત્યાં સુજાતા તૈયાર થઇ આવે છે.)
સુજાતા: ચાલો લક્ષ્મીજી, હમ મુંબઈદર્શન કર કે આતે હૈ.
મંજુલાબેન: જાઓ બેટી, ફરીને આ જાઓ ફિર હમ સાથે જમેંગે.
(સુજાતા મમ્મીનો આ વ્યવહાર જોઈ નવાઈનાં ભાવ દર્શાવે છે કારણ મારિયા સાથે આવું કશું બન્યું ન હતું. તેમના ગયા પછી)
મંજુલાબેન: સાંભળો છો?
(સન્મુખરાય રૂમમાંથી બહાર આવે છે.)
સન્મુખરાય: શું વાત છે?
મંજુલાબેન: આ લક્ષ્મી તો બહુ સંસ્કારી છે. કાલે પગે લાગી હતી. આજે પણ નહાઈને સારા કપડાં પહેરી બહાર આવી. મને અને ભગવાનને પગે લાગી, એક ભજન પણ ગાયું. મેં પૂછ્યું તો કહે મહાભારત અને રામાયણ પણ વાંચ્યા છે. ક્યા મારિયા અને ક્યા લક્ષ્મી. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ.
સન્મુખરાય: વાહ, તું પણ શીખી ગઈ ઉપમાઓ આપતાં. ખેર, તને તેની વર્તણુક ગમી એટલે બસ. મને તો કાલે તેને જોઇને જ થયું હતું કે તે સંસ્કારી છે પણ હું તારે મોઢે સાંભળવા માંગતો હતો. ચાલો હવે ચા-નાસ્તો આપો એટલે હું બહાર આંટો મારી આવું.
દ્રશ્ય ૮
(કેલેન્ડરમાં ૨૩ ડિસેમ્બર. બેઠક્ખાનામાં મંજુલાબેન, સન્મુખરાય અને સુજાતા બેસીને વાતો કરે છે.)
સુજાતા: લક્ષ્મી કાલે ગઈ પણ ઘર તેની ગેરહાજરીથી જાણે સુનુંસુનું લાગે છે. તે ચાર જ દિવસ રહી પણ આ ચાર દિવસમાં તેની સાથે ફરતા હું તો જાણે તેની વર્ષો જૂની બહેનપણી હોઉં એમ લાગ્યું.
મંજુલાબેન: સાચી વાત છે. કેવી સંસ્કારી. તેને ખબર હતી કે હું રોજ સાત વાગે પૂજા કરૂ છું એટલે રોજ નાહીને સારા કપડાં પહેરી તે વખતે ત્યાં આવી બેસે અને એક ભજન પણ ગાય. ઘરનું વાતાવરણ કેવું પ્રફુલ્લિત થઇ જતું? આવી સંસ્કારી વહુ હોય તો કેવું?
સન્મુખરાય: તમારા બંનેની વાત સાચી છે. તે ગાતી તે મને અંદર રૂમમાં સંભળાતું અને હું જાગી જતો.
સુજાતા: હવે કાલે ભાઈ આવે છે એટલે થોડા દિવસ પાછું ઘરનું વાતાવરણ ભર્યુભર્યું થઇ રહેશે અને તેમના ગયા પછી ઠેરના ઠેર.
મંજુલાબેન: આ જ તો સત્યતા છે જીવનની. ખેર, જે થાય તે ભોગવવાનું રહ્યું. મેં તો લક્ષ્મીને હજી રોકાવાનું કહ્યું હતું પણ તેને પણ તેના માતા-પિતાને અને અન્યોને મળવાની બહુ ઈચ્છા હતી અને રજા પણ મર્યાદિત એટલે સંકુચિત મને ના પાડી.
દ્રશ્ય ૯
(કેલેન્ડરમાં ૨૪ ડિસેમ્બર. બેઠક્ખાનામાં મંજુલાબેન, સન્મુખરાય અને સુજાતા બેસીને વાતો કરે છે. ત્યાં સુમિતનો પ્રવેશ.)
મંજુલાબેન: (એકદમ ઉભા થઇ) ભાઈ, આવી ગયો? રસ્તામાં કોઈ તકલીફ ન હતીને? તારા માટે ભાવતી પૂરણપોળી અને ઢોકળાં બનાવ્યા છે. સાથે તારા ભાવતા ભરેલા બટાકાનું શાક પણ છે.
સન્મુખરાય: અરે, તેને શ્વાસ તો લેવા દે. મુસાફરીનો થાક પણ હશે. બેટા, તું ફ્રેશ થઇ જા એટલે બધા સાથે બેસીએ.
(સુમિત અંદર જાય છે અને મંજુલાબેન ટેબલ પર જમવાની તૈયારી કરે છે. થોડીવારે સુમિત ફ્રેશ થઇ બહાર આવે છે અને બધા ટેબલ પર બેસે છે.)
સુમિત: મા, પપ્પા, મારિયાએ તેની વર્તણુક બદલ તમને જે તકલીફ પડી તે માટે માફી માંગી છે.
સન્મુખરાય: હશે, જે થઇ ગયું તે. અમે ભૂલી ગયા છીએ.
મંજુલાબેન: તારા શબ્દો પર વિશ્વાસ રાખી અને તારી મિત્ર છે માની અમે સહન કર્યું. હવે અમે ભૂલી ગયા છીએ પછી શું કામ તું તેની યાદ અપાવે છે? આપણે હવે આગળની વાત કરવાની છે. તું આવ્યો છે તો સારી છોકરીઓની વાત આવી છે. તું તેમના ફોટા જોઈ લે અને યોગ્ય જણાય તેની સાથે મુલાકાત ગોઠવી લઈએ.
સુમિત: મા, હજી હમણા તો આવ્યો અને સીધી લગ્નની વાત? હું આરામ કરવા આવ્યો છું અને સાથે સાથે તમારી સાથે જે થોડા દિવસ છે તેને શાંતિથી અને આનંદથી વીતાવવા માંગુ છું. તારી લાગણી સમજુ છું એટલે લગ્નની ના નથી પણ એક વાત ધ્યાનમાં રાખજે મારે એવી કન્યા સાથે લગ્ન કરવા છે જે મારા કામમાં સાથ આપે, મારી સાથે ખભા મિલાવી મારી જીવનનૈયા સંભાળે. ભલે પછી તે બીનગુજરાતી હોય, પરનાતની હોય.
મંજુલાબેન: એટલે તારા મનમાં કોઈ એવી કન્યા છે એટલે તું આમ કહે છે, બરાબરને?
સુમિત: એમ માનવું હોય તો એમ.
મંજુલાબેન: સ્પષ્ટ કહેને કે તને મારિયા પસંદ છે? એટલે જ તેને અહીં મોકલી હતી? એમ હોય તો જરા પણ નહીં. એવી વહુ મને જરાય નહીં ચાળે.
સુમિત: પણ એ ક્યા અહીં રહેવાની છે? તે તો મારી સાથે અમેરિકામાં રહેશે.
મંજુલાબેન: તો પણ નહીં. ક્યા આપણા રીતરિવાજ અને ક્યા તેની રહેણીકરણી? મને તે બિલકુલ પસંદ નથી. તારી મિત્ર હતી પણ મારૂં તો ઘર અપવિત્ર કરી ગઈ હતી. તારે જોઈએ તો બીજી છોકરી પસંદ કર પણ તે સંસ્કારી અને આપણા ઘરનાં વાતાવરણને અનુકુળ હોય. ભલે તમે ત્યાં રહો પણ અહીં તો સમાજમાં અને સગાઓમાં મારૂં માન સચવાઈ રહેને?
સન્મુખરાય: અરે, તમે બંને જમતી વખતે શું લઇ બેઠા? આ વાત પછી પણ નિરાંતે થશે. આવતાની સાથે તેને લગ્નની વાતો કરી દુ:ખી ન કર.
સુમિત: કશો વાંધો નહીં પપ્પા. હું આ માટે તૈયાર જ હતો. ઠીક છે મારિયા માટે ના હોય તો હું પછી વિચાર કરી જણાવીશ.
(ફોનની રીંગ વાગે. સુજાતા ઉભી થઇ ફોન લે છે અને પછી સુમિતને ફોન આપે છે.)
સુમિત: યસ, લક્ષ્મી.
લક્ષ્મી:……….
સુમિત: ઈટ ઇસ ઓ.કે. વીથ મી. સ્યોર. આઈ વીલ મેનેજ.
(ફોન મૂકી દે છે.)
સુમિત: લક્ષ્મીનો ફોન હતો. હું પાછો જાઉં ત્યારે તે પણ મારી સાથે આવવા માંગે છે એટલે તેની ટીકીટ તો છે પણ તે મારી સાથે કરવા કહ્યું છે.
મંજુલાબેન: એક કરતાં બે ભલા. સમય સારી રીતે પસાર થઇ જશે. પણ બેટા, એક વાત કહું? તેને બે દિવસ વહેલા આવવાનું ન કહેવાય? કોણ જાણે કેમ પણ તેની સંસ્કારિતાએ મારૂં મન જીતી લીધું છે. બે દિવસ રહેશે તો મને ગમશે. કેમ સુજાતા બરાબરને?
સુજાતા: મમ્મીની વાત સાચી છે. મને પણ તેની સાથે જે ચાર દિવસ સાથે રહેવા મળ્યાં હતાં તે યાદ કરૂં છું ત્યારે મન પ્રફુલ્લિત થઇ જાય છે.
સુમિત: મા, તેને પણ તેના મા-બાપ સાથે વધુ દિવસ ગાળવા હોય ને? તેમ છતાં હું વાત કરૂ છું.
(સુમિત ફોન કરે છે.)
સુમિત: લક્ષ્મી, મમ્મી વોન્ટસ યુ ટુ કમ એન્ડ સ્ટે ફોર ટુ ડેય્ઝ વીથ હર. વીલ ઈટ બી ઓ.કે?
સુમિત (સામેથી જવાબ સાંભળી કહે છે): મા, તેણે તારી વાત માની છે. તે જતાં પહેલા બે દિવસ આપણી સાથે રહેશે.
દ્રશ્ય ૧૦
(કેલેન્ડરમાં ૧૫ જાન્યુઆરી. બેઠક્ખાનામાં મંજુલાબેન, સન્મુખરાય અને સુજાતા બેસીને વાતો કરે છે.)
મંજુલાબેન: લાગે છે હવે સુમિત ત્યાં બરાબર ગોઠવાઈ ગયો હશે. પણ હજી તેનો ફોન નથી આવ્યો. સુજાતા ફોન લગાવને. મારે વાત કરવી છે.
સન્મુખરાય: બધી માઓનું આ જ દુઃખ. દીકરાને શાંતિથી રહેવા નહીં દે.
મંજુલાબેન: માના દિલને તમે પુરુષો ક્યાંથી સમજો? અમે તેને નવ મહિના રાખ્યો હોય એટલે મા-દીકરાનો સંબંધ બાપ-દીકરાથી જુદો જ હોય છે.
(સુજાતા ફોન લગાવે છે અને સ્પીકર પર મુકે છે.)
સુજાતા: ભાઈ, બરોબર પહોંચ્યાને? બધું ટાઈમસર હતું ને?
સુમિત: હા, હજી આજે બધું વ્યવસ્થિત થયું છે એટલે રાતના ફોન કરવાનો જ હતો.
સુજાતા: પણ મમ્મીને ધીરજ રહે તો ને? લો વાત કરો તેની સાથે.
મંજુલાબેન: સુમિત, કેમ છે? થાક ઉતરી ગયો?
સુમિત: હા, મા. બધું નોર્મલ છે. તમે બધા કેમ છો? આટલા દિવસ સાથે રહ્યા એટલે મને પણ બે દિવસ ગમ્યું નહીં પણ હવે થાળે પડી ગયું છે.
મંજુલાબેન: એટલે જ હું તને લગ્નની વાત કર્યા કરૂ છું. પછી તેં કોઈ વિચાર કર્યો?
સુમિત: મા, હજી હમણાં તો આવ્યો. મને વિચારવા થોડા દિવસ તો આપ?
મંજુલાબેન: તેનો વાંધો નથી પણ હવે બહુ લાંબુ ન ખેંચ. તને વાંધો ન હોય તો એક વાત કરૂં?
સુમિત: શું વાત છે?
મંજુલાબેન: લક્ષ્મી તને કેમ લાગે છે?
સુમિત: મા, તેની સાથે મારે મૈત્રીનો સંબંધ એટલે તે દ્રષ્ટિએ એવી કોઈ વાત કરી નથી. તેને વાત કરૂં તો પણ તે કેવી રીતે વિચારશે તેની મને ખબર નથી. તેને તેના મા-બાપને પણ પૂછવું પડે ને?
મંજુલાબેન: વાત તો કરી જો. મને તે મારી વહુ બને તેનો વાંધો નથી. તે ના પાડે તો પછી આગળ વિચારશું.
સુમિત: ભલે મા, પણ પપ્પાને પૂછ્યું?
મંજુલાબેન: તેમને પૂછવાની જરૂર નથી તેમની હા જ છે.
(સન્મુખરાય હશે છે.)
સુમિત: ઠીક છે. મને આઠ દિવસનો સમય આપ. પણ કદાચ વધુ સમય પણ થાય માટે કારણ જો તેની ઈચ્છા હશે તો તેને તેના મા-બાપ સાથે વાત તો કરવી પડેને? એટલે તું ફોન ન કરતી. વાત થયા બાદ હું જ તને જણાવીશ.
દ્રશ્ય ૧૧
(લગભગ પંદર દિવસ બાદનો દિવસ. ફોનની ઘંટડી વાગે છે. સન્મુખરાય તે લે છે.)
સન્મુખરાય: (નંબર જોઇને) બોલ સુમિત, શું ખબર છે?
સુમિત: મા સાથે વાત કરવી છે.
સન્મુખરાય: મંજુલા, અમેરિકાથી ફોન છે.
(મંજુલાબેન રસોડામાંથી લગભગ દોડતાં બહાર આવે છે.)
મંજુલાબેન: બોલ સુમિત, શું વાત છે/
સુમિત: મા, તારી ઈચ્છા પૂરી થાય છે.
મંજુલાબેન: લક્ષ્મીએ હા પાડી?
સુમિત: હા, મા. તેની તો હા હતી પણ તેના વડીલોને વાત કરતા અને મનાવતા થોડા દિવસ નીકળી ગયા એટલે ફોન કરવામાં મોડું થયું.
મંજુલાબેન: (હર્ષથી) હાશ, હવે મારા જીવને શાંતિ. આગળ ક્યારે કેમ કરવાનું છે તે જણાવજે એટલે અમે તે મુજબ તૈયારી કરીએ.
સુમિત: સાંભાળ, અમે બંને પંદર દિવસ પછી ત્યાં આવશું. લક્ષ્મીના મા-બાપ અને ભાઈ પણ તે દરમિયાન તેમના એક મિત્રને ત્યાં આવીને રહેશે. તે પછીના અઠવાડિયે તું મૂરત જોવડાવી મને જણાવ એટલે હું પણ તેમને તે વિગતો આપી શકું. તેમની ઈચ્છા છે કે લગ્ન બહુ સાદાઈથી કરવા છે એટલે બહુ ધામધૂમ ન થાય તે જોજે. આપણે પણ માત્ર ખાસ સગાઓને આમંત્રણ આપશું.
મંજુલાબેન: બેટા, લગ્ન તો મહાલવાના પ્રસંગ હોય. સાદાઈથી કરશું તો કેમ ચાલશે?
સુમિત: મા, જમાનો બદલાયો છે. આપણે દેખાડો નથી કરવો. લક્ષ્મીની પણ તે જ ઈચ્છા છે. આમ અમે બંને આ બાબતમાં એક છીએ એટલે મહાલવાના અભરખા માંડી વાળ.
મંજુલાબેન: (કચવાતે મને) ભલે, તું કહે તેમ પણ મારા ઘરમાં એક સુંદર અને સંસ્કારી વહુ આવે છે તે જ ઘણું છે.
દ્રશ્ય ૧૨
(લગ્નને કારણે ઘરનો યોગ્ય શણગાર. મંજુલાબેન, સન્મુખરાય, સુજાતા, સુમિત અને લક્ષ્મી બેઠેલા હોય. સુમિત અને લક્ષ્મી વરઘોડીયાને અનુરૂપ પોશાકમાં.)
મંજુલાબેન: ચાલો અંતે ઓછા સમયમાં પણ બધું શાંતિથી પતી ગયું.
સુમિત: મા, તે મારી વાત માની અને સાદાઈથી ઉજવ્યું એટલે આભાર.
મંજુલાબેન: શું થાય? દીકરાને નારાજ થોડો કરાય? ચાલો, તમે થોડો આરામ કરો. થાકી ગયા હશો.
લક્ષ્મી: નહીં મા, થોડી દેર બાત કરતે હૈ.
મંજુલાબેન: અરે તે મારી વાત સમજી? કેવી રીતે?
લક્ષ્મી: થોડા થોડા ગુજરાતી સમજતી હું, સુમિત કે સાથ રહે કે.
(મારિયાનો પ્રવેશ.)
મારિયા: (શુદ્ધ ગુજરાતીમાં) નમસ્તે મમ્મીજી.
(અવાજ સાંભળી મંજુલાબેન ચમકે. આ બલા ક્યાંથીના ભાવો.)
મંજુલાબેન: નમસ્તે. તું અહિયાં? અચાનક? અરે, તું ગુજરાતીમાં વાત કરી શકે છે?
મારિયા: જી, મમ્મીજી. મને તે આવડે છે.
સુજાતા: પણ અમને આ વાતની ખબર નહીં એટલે મમ્મી તો તારા માટે કેવું કેવું બોલતી હતી? તમે બધું સાંભળ્યું હશે અને અમારા માટે કેવું વિચાર્યું હશે?
મારિયા: મને કશું ખોટું નથી લાગ્યું કારણ પ્લાન પ્રમાણે મારે તે જણાવવા દેવાનું ન હતું. સુમિત, બધું સારી રીતે પતી ગયું?
(પણ પ્લાન શબ્દ સાંભળી મંજુલાબેન, સન્મુખરાય અને સુજાતા ચમકે છે. સુમિત અને લક્ષ્મી સ્મિત કરે છે.)
સુમિત: હા, બધું પતી ગયું, થેન્ક્સ ટુ યુ..
મારિયા: મિત્ર માટે મારિયા બધું કરી શકે છે.
મંજુલાબેન: મને કોઈ સમજાવશો કે આ પ્લાનની શી વાત છે?
સુમિત: મા, પપ્પા, મને માફ કરજો પણ મારે બનાવટનો આશરો લેવો પડ્યો.
સન્મુખરાય: કેવી બનાવટ? સમજાય તેવું કહે.
સુમિત: હકીકતમાં હું અને લક્ષ્મી કેટલાય વખતથી સાથે કામ કરતા હતાં અને સમય જતાં એકબીજાના પ્રેમમાં પડી ગયા. પણ આંતરરાષ્ટ્રીય અને બીનગુજરાતી હોવાથી તમે લગ્ન માટે હા પાડો કે કેમ તેની મૂંઝવણ હતી. અમે તો અમેરિકામાં લગ્ન કરી તમને જાણ કરવાના હતાં પણ આ મારિયાએ અમને અટકાવ્યા.
મંજુલાબેન: કેમ તેને તારી સાથે લગ્ન કરવા હતા?
સુમિત: ના એવું નથી. મારિયાએ ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે. તે આપણા રીતરિવાજથી પણ વાકેફ છે તેણે જ અમને ત્યાં લગ્ન ન કરતા અહીં આપણી રીતે કરવા સલાહ આપી. મા-બાપની ખુશી અને આશીર્વાદ સાથે લગ્ન થાય તો તે ઉત્તમ બની રહે તેમ મને કહ્યું. પણ મેં મારી મુશ્કેલી જણાવી ત્યારે તેના મનમાં એક પ્લાન આવ્યો. મને અને લક્ષ્મીને થોડો ખચકાટ હતો પણ મારિયાએ કહ્યું કે એકવાર તેને પ્રયત્ન કરવા દો. જો તે સફળ નહીં થાય તો જરૂર અહીં લગ્ન કરજો.
સન્મુખરાય: પણ પ્લાન શું હતો?
સુમિત: પપ્પા તમને ન સમજાયું? પ્લાન એ હતો કે પહેલા મારિયા અહીં આવીને રહે અને તેની વર્તણુકથી તમારા બધાના મનમાં નફરત ઊભી કરે. ત્યારબાદ લક્ષ્મી અહીં આવે અને તે સારી રીતે વર્તે. આથી તમારા દિલ તે જીતી લે. ત્યાર પછી લગ્નની વાત મા કરે ત્યારે કદાચ તે લક્ષ્મી માટે તેનો વિચાર આગળ કરે. હવે જ્યારે આ પ્લાન સફળ થવામાં હતો ત્યારે મેં જ મારિયાને અહીં બોલાવી છે. એક તો તેની કાબેલિયતની તમને જાણ થાય અને બીજું સફળતા માટે આભાર માનવા.
સુજાતા: વાહ, કહેના પડે ભૈયા!
મારિયા: આભારની જરૂર નથી. એક મિત્રને મદદ કરવી અને તેમાં સફળતા મળે તેનો આનંદ ઓર જ હોયને? સાચું કહું આભાર તો મારે તને કહેવાનો હોય કે તે મારી વાત સાંભળી અને આમ કરવાને હા પાડી.
મંજુલાબેન: સુમિતની વાત સાચી છે. તારો આભાર તો અમારે માનવાનો જ છે એક સારી વહુ મેળવી આપવા બદલ. ભલે તારી પ્રણાલી જુદી હતી પણ સારા મકસદની હતી. આમ કર્યું એટલે સુમિત અમારો હતો અને અમારો રહ્યો. બાકી અમારી સંમતિ નહીં મળે માની ત્યાં લગ્ન કર્યા હોત તો અમે તેને ખોઈ દીધો હોત. હવે અમારૂ કુટુંબ ન કેવળ લક્ષ્મીને કારણે પણ મારી આ મારિયા દીકરીને કારણે વિસ્તૃત થઇ ગયું છે.
મારિયા(મંજુલાબેનને ગળે વળગી પાડીને): મમ્મી!! મારા અહોભાગ્ય કે તમે મને દીકરી ગણી.
નિરંજન મહેતા
Like this:
Like Loading...