અવલોકન -૨૪-નિશાળમાં

chicago-1-jumbo

     મારી દીકરીના દીકરાને શાળામાંથી બપોરે ઘેર પાછો લાવવાનો સમય છે. આમ તો હું બરાબર સમયે જ જાઉં છું. પણ તે દિવસે બહાર ગયો હતો અને થોડો વહેલો પરત આવ્યો હતો.  ઘેર જાઉં તો તરત દસ જ મિનિટમાં નીકળી જવું પડે. એટલે વહેલો નિશાળે પહોંચી ગયો. બધું સૂમસામ લાગતું હતું. એકાદ બે કાર મારા જેવા કોઈ વહેલા પક્ષી આવી ગયાની ચાડી ખાતી હતી!  પણ શાળાની અંદર તો બાળકો અને શિક્ષકોની વણજાર ધમધમતી હશે. એના કોઈ અણસાર બહાર જણાતા ન હતા. હું શાળાના મુખ્ય દ્વાર પાસે આવેલા બાંકડા પર બેઠો.

   થોડીવારે એક પીળી સ્કુલ બસ ધમધમાટ કરતી આવી પહોંચી.  થોડી વારે ડે કેર વાળાની એક બસ પણ આવી ગઈ. એક પછી આવી બસો અને મારા જેવા વાલીઓની કારો  આવવા માંડી. શાળાનો પાર્કીંગ લોટ ભરાવા માંડ્યો. બસોના ડ્રાઈવરો અને વાલીઓ ભેગા થવા માંડ્યા. શાળાને સામાન પહોંચાડનાર એક જણ ઠેલણગાડીમાં (ટ્રોલી)  સામાન ભરીને લઈ આવ્યો. બારણું ખોલીને મેં તેને અંદર જવા સગવડ  કરી આપી. મારો આભાર માની તે શાળાની અંદર ગરકી ગયો.

     થોડીવારે લાઉડસ્પીકર પરથી કાંઈક ગોટપીટ ગોટપીટ જાહેરાત થઈ. અને લ્યો! થોડી જ વારમાં નાનકડાં ભટુરીયાંઓની એક  છુક છુક ગાડી આવી પહોંચી. એનું  એન્જીન હતું – આગળ પીઠ રાખીને ચાલતી એક શિક્ષિકા! એની આમ અવળા ચાલવાની આવડત દાદ માંગી લે તેવી હતી. જોકે, આમ અવળી ચાલની આદત અને કુશળતા તો ઘણાંને હોય જ છે ને !  નાનકડાં ભુલકાં એવાં તો વહાલસોયાં લાગતાં હતાં. એમની નાનકડી કાયા અને પીઠ પર ભરવેલો મસ મોટો બગલ થેલો એમને નાનકડા સૈનિક જેવો નિખાર આપતાં હતાં. બધાં લાઈનમાં એમના મમ્મી પપ્પા અને વાલીઓના આવવાની રાહ જોતાં બેઠાં. અને કલબલાટ શરુ.

   એક પછી એક બાળગાડીઓ (!) આવતી ગઈ. બાળકોની ઉમ્મર પણ વધવા માંડી! ધોળી અને કાળી શિક્ષિકાઓ અને જાતજાતના રંગનાં અને રંગબેરંગી કપડાં પહેરલાં બાળકોનો એ સમુદાય શાળાનું શાળાપણું સાર્થક કરતો રહ્યો.  રણમાં વીરડી જેવા ઘર ભેળા થઈ જવાની તલપ બધાંને લાગી હતી. શિક્ષિકાઓ કદાચ આખા દિવસની લમણાંઝીંકમાંથી મુક્તિ મેળવવાની આશા સેવી રહી હતી. કોઈક બાળકો શાળા સમયમાં સંઘરી રાખેલી અદાવતોનો હિસાબ ચૂકતે કરવા બાઝી રહ્યાં હતાં. એમની શિક્ષિકા એ ઝઘડા નિપટાવવાના પોલિસ કામમાં વ્યસ્ત હતી.

     ત્યાં મારા દોહિત્રના વર્ગની ગાડી આવી ગઈ. ઊછળતો  અને કૂદતો એ ફોર્થ ગ્રેડર મારાથી આગળ, અમારી કાર તરફ ભાગ્યો. હું ડોસા સ્ટાઈલે ડગમગતા પગલે તેને અનુસર્યો. અમે કારમાં વિરાજમાન થયા. રસ્તા પર પહોંચતાં થોભી જવું પડ્યું. પગે ચાલીને ઘેર પહોંચતાં સૌને રસ્તો ઓળંગવાની સુવિધા કરવા માટે,  ગણવેશધારી  સ્વયંસેવકે રસ્તા પરના ટ્રાફિકને અટકાવી દીધો હતો. એ ગાડીઓ પણ પસાર થઈ ગઈ.

     આવાં બીજાં બેચાર વિઘ્ન પતાવી અમે આગળ ચાલ્યા. ઘરની નજીક પહોંચતાં સામેથી એક સ્કુલ બસ આવી પહોંચી. સ્ટોપ સાઈન અને ઝબુક ઝબુક લાલ લાઈટ ચાલુ. રસ્તા પર પસાર થતી અમારી કાર  સમેત ત્રણ ગાડીઓ સ્થીર ! બસનું બારણું ખુલ્યું અને ચાર બાળકો બહાર આવી ગયા. બસ વિદાય થઈ અને અમે ઘર ભેગા થયા.

     શાળામાં બીજો એક કલાક અને રોજનું કામ પતાવી, છેલ્લી શિક્ષિકા પણ શાળાના મુખ્ય દ્વારને તાળું લગાવી વિદાય થઈ જશે. શાળાનો એ પરિસર બીજા દિવસની સવાર સુધી સાવ સૂનો. એકલવાયો, ભેંકાર, પ્રાણવિહીન બની જશે.

     પણ.. હું શાળાએ પહોંચ્યો તે સમયની શાંતિ,  ઘર પાછા આવી ગયા બાદની હાશ, શાળાના એ પરિસરની ગમગીન સાંજની એ કલ્પના અને આ બધાંની વચ્ચેની બધી ગડમથલ મને કશોક સંદેશ આપતી ગઈ.

      જન્મ બાદની પહેલી ચીસ, અને એ પહેલાંની અને પછીની નિદ્રા; અને જીવનના છેલ્લા તબક્કા બાદની ચીર નિદ્રા – એ બેની વચ્ચેની બધી ગડમથલ અને બધી અવઢવ, જાતજાતની અને ભાતભાતની ગાડીઓ, યાત્રાઓ, અવસ્થાઓ, રંગ, રોગાન, કલબલાટો, કોલાહલો, વ્યથાઓ, રૂકાવટો, શિસ્ત , શિસ્તભંગ, આશાઓ, અપેક્ષાઓ, ઝગડા, હાર, જીત, સમાધાનો, વિઘ્નો, અને બીજુંય કેટલું બધું  ….

જીવનનો એક નાનકડો ચિતાર

5 thoughts on “અવલોકન -૨૪-નિશાળમાં

 1. થોડા દિવસ પહેલા હું પણ મારી પૌત્રીને લેવા એની શાળામાં ગયો હતો. શાળા છૂટી ત્યારે મેં પણ તમે જોયું એ બધું જ જોયું. મારૂં અવલોકન, “કેટલો સુંદર નજારો છે, કાળા-ગોરા-પીળા-ઘઉંવર્ણા બધા જ બાળકો એક બીજા સાથે ખુશી ખુશીથી વાતો કરતાં હતાં. બધી કોમના, બધા દેશના માતા-પિતા એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા હતા, આ દૃષ્ય મને અલૌકિક લાગ્યું. અમેરિકાની શાળા છૂટવાના દૃષ્ય જોવા બધા જ દંગાઈઓને થોડ દિવસ મોકલવા જોઈએ.”

  Liked by 1 person

  • હા! અવલોકન અનેક રીતે કરી શકાય. જીવનને એક શાળા તરીકે પણ જોવાય, અને એને ફૂલગુલાબી બાળકો જેવાં ફૂલોથી મઘમઘતા ઉપવન તરીકે પણ આપણે જોઈ શકીએ.
   ખરેખર તોઅવલોકન એક સ્વૈર વિહારી ગદ્ય કાવ્ય છે – લખવામાં સાવ સહેલું – કોઈ બંધારણનું બંધન જ નહીં! જેમ કવિતા કાંઈક સંદેશ આપી જતી હોય છે; તેમ જ અવલોકન પણ. અને લેખકે લેખકે જૂદા જૂદા નજ઼ારા !

   Like

 2. વાહ , શાળા અને જીવનના કોલાહલો પર સુરેશભાઈ નો મનોવિહાર -અવલોકન- ગમ્યું. અહીં લગભગ બધી જ શાળાઓનું રોજનું દ્રશ્ય એક સરખું હોય છે, પણ એ જોવાની દ્રષ્ટી એક સરખી નથી હોતી. જેવી દ્રષ્ટી એવી સૃષ્ટિ .

  Like

 3. આપના અવલોકન અને અભિવ્યક્તિને દાદ…
  દરેક સમયે વિચારોમાં કશુંક અવનવું જ નીપજે છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.