૨૦- વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

અભાગીનું સ્વર્ગ

ઠાકુરદાસ મુખોપાધ્યાયના ઘરમાં એ દિવસે અત્યંત શોકનું વાતાવરણ છવાયેલું હતું. સાત સાત દિવસ સુધી તાવથી પીડાઈને એમની વૃદ્ધ પત્ની દેવશરણ થઈ હતી.

આર્થિક-પારિવારિક અને સામાજિક રીતે સમૃદ્ધ એવા ઠાકુરદાસની પત્નીના અંતિમ પ્રસ્થાનની તૈયારી ચાલી રહી હતી. ઘરમાં ચાર પુત્ર, ચાર પુત્રીઓ, એમનો પરિવાર, પાડોશીઓનો સમૂહ, નોકર-ચાકરની ભીડ હતી.

સેંથીમાં સિંદૂર, ભાલ પર ચંદનનો લેપ, પગમાં અળતો, મૂલ્યવાન વસ્ત્રોથી શોભી રહેલા મૃતદેહને જોવા કેટલાય લોકોની ભીડ જમા થઈ રહી હતી. પત્રપુષ્પ, સુગંધિત ફૂલોની માળાથી પ્રસરતી સુવાસ જાણે શોકમય વાતાવરણના બદલે કોઈ ઉત્સવની તૈયારી થઈ રહી હોય એવો આભાસ ઊભો કરતી હતી. શબ-યાત્રાની તૈયારી જોઈને એવું લાગતું હતું કે અંતિમ-યાત્રાના બદલે કોઈ ગૃહિણી પચાસ વર્ષે ફરી એક વાત પતિગૃહે પ્રસ્થાન કરી રહી છે.

શાંત વદને બેઠેલા વયોવૃદ્ધ મુખોપાધ્યાયની આંખોમાંથી એમની ચિર-સંગિનીને અંતિમ વિદાય લેતી જોઈને સતત આંસુની ધાર વહે જતી હતી તેમ છતાં મન મક્કમ રાખીને સંતાનોને આશ્વાસન આપવાનો વ્યર્થ પ્રયાસ કરતા હતા.

સવારનું શાંત વાતાવરણ “રામ-નામ સત્ય હૈ”ના ધ્વનિથી આંદોલિત થઈ ઊઠ્યું. પરિવારની સાથે ગામ આખાના લોકોએ એમને વિદાય આપવા અંતિમ સ્થાન તરફ પ્રયાણ આદર્યું.

આ આખી ભીડથી થોડે દૂર કંગાલીની મા આ દ્રશ્ય જોઈ રહી હતી. પોતાના આંગણામાં ઊગેલા એક માત્ર રીંગણના છોડ પરથી ઉતારેલા રીંગણ વેચવા બજાર તરફ જવા એના પગ ન ઉપડ્યાં. તાજા તોડેલાં રીંગણ એના પાલવમાં બાંધીને એ શબ-યાત્રાની પાછળ જોડાઈ.

આંખમાં વહેતાં આસું સાથે એ ગરુડ નદીના તટ પરના સ્મશાન ઘાટ પહોંચી. ત્યાં ઊભેલા પરિવારજનોની સાવ પાસે જવાની  હિંમત ન થઈ તો થોડે દૂરના ટીંબા પર જઈને વિસ્ફારિત આંખે  અંત્યેષ્ટિ માટે ખડકાયેલા ચંદનના લાકડાં, ઘી, ધૂપથી ઊઠતી ધૂણી એ જોઈ રહી. 

મોટી અને પહોળી ચેહ પર દેહ ગોઠવવામાં આવ્યો. અળતાથી રંગાયેલા પગ તરફ નજર જતાં જાણે આંખને ટાઢક પહોંચી એવું લાગ્યું. એને ઇચ્છા થઈ આવી કે દોડીને મૃતકના પગના અળતામાંથી એક બૂંદ લઈને એ પોતાના મસ્તક પર લગાડી દે.

હરિનામ ધ્વનિ અને મંત્રોચ્ચાર સાથે માતાના દેહને દીકરાએ આગ મૂકી એ જોતાની સાથે કંગાલીની મા ના આંખમાંથી આંસુની ધાર વહી ચાલી. મનોમન એણે પ્રાર્થના કરી,

“સૌભાગ્યવતી મા, તું તો સ્વર્ગે ચાલી પણ મને આશીર્વાદ તો આપતી જા કે હુ પણ કંગાલીના હાથે આમ દાહ પામું.”

દીકરાના હસ્તે અગ્નિ સંસ્કાર કોઈ સાધારણ વાત નહોતી. પતિ, પુત્ર, પુત્રી-પુત્રવધૂ. પૌત્ર-પૌત્રીઓ, દાસ,દાસીઓ સમેત સંપૂર્ણ ગૃહસ્થીને ઉજાળીને સ્વર્ગારોહણ કરવું એ અત્યંત સૌભાગ્યની વાત હતી!

હમણાં જ પ્રજ્વલિત થયેલી ધુમાડાની ઘેરી છાયા આછી થતી થતી આકાશને આંબવા મથી રહી હતી. એક નજરે એને તાકી રહેલી કંગાલીની મા ને આ છાયાની વચ્ચે નાના એવા રથની આકૃતિનો ભાસ થયો. આ રથની ચારેકોર અનેક ચિત્રો ઉપસી આવતા દેખાયા. રથની ટોચ અનેક ફૂલ-વેલથી સજાવેલી હતી. રથમાં બેઠેલી વ્યક્તિનો ચહેરો તો સ્પષ્ટ ન જોઈ શકી પણ એના સેંથાનું સિંદૂર, અળતાથી શોભતા પગ જોઈને કંગાલીની મા ફરી એક વાર રડી પડી.

એને થયું આમ સૌની હાજરીમાં દીકરાના હાથે અગ્નિદાહ પામવાનું આ સૌભાગ્ય એનાય નસીબમાં હશે તો ખરુંને?

અચાનક એકદમ ધ્યાનાવસ્થામાં સરી ગયેલી કંગાલીની મા નો પાલવ ખેંચાયો.

“તું અહીં આવીને ઊભી છું, મારા માટે ભાત નહીં રાંધે મા?”

પંદર વર્ષનો કંગાલી એના પાલવનો છેડો ખેંચીને એને સમાધિવસ્થામાંથી આ દુનિયામાં પાછી લાવવા મથતો હતો. “હા રે, કેમ નહીં રાંધુ, પણ પેલા રથમાં બેસીને એ બ્રાહ્મણી સ્વર્ગ તરફ જઈ રહી છે એ તો જો.” આકાશ તરફ આંગળી કરતા એ બોલી.

“ક્યાં?“ આશ્ચર્યથી કંગાલી આકાશ તરફ જોઈ રહ્યો.

“મા તું પાગલ થઈ ગઈ છો? ત્યાં તો માત્ર ધુમાડો છે અને હવે તો બપોર થઈ ગઈ છે. મને ભૂખ નહીં લાગતી હોય?” ભૂખના દુઃખથી ગુસ્સે થયેલા કંગાલીનો આક્રોશ મા પર ઠલવાયો અને તરત મા ની આંખમાં આંસુ જોઈને એ વ્યથિત થઈને બોલી ઊઠ્યો.

“બ્રાહ્મણી મરી ગઈ છે મા, એમાં તું શાની રડે છે?”

હવે કંગાલીની મા હોશમાં આવી. અન્યના સ્મશાનમાં ઊભા રહીને આમ રડવા માટે એને જરા લજ્જા આવી. તરત જાતને સંયત કરતા બોલી, “ના રે, મારે કોના માટે રડવાનું, આ તો ધુમાડાની અસરના લીધે આંખમાં પાણી આવી ગયા.”

“હા, ધૂમાડો જ લાગ્યો હતો, તું ક્યાં રોતી હતી?” કંગાલીએ જરા મરડમાં કહ્યું. કદાચ દૂર ભડભડતી ચિતાના અગ્નિ  કરતાં જઠરાગ્નિનીની જ્વાળા એને વધુ દઝાડી રહી હતી.

મા એ કોઈ વાદ-વિવાદમાં પડવાના બદલે કંગાલીનો હાથ પકડી લીધો અને ઘાટ પર પહોંચી. કંગાલીને સ્નાન કરાવીને પોતે પણ માથાબોળ સ્નાન કરી લીધું અને ઘરે પાછી વળી.

સ્મશાન પર થતાં અંતિમ સંસ્કારની અંતિમ વિધિય જોવાનું પણ એના ભાગ્યમાં નહોતું.

બંગાળી લેખક શરતચંદ્ર ચટોપાધ્યાયની વાર્તા “अभागी का स्वर्ग” આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

HopeScope Stories Behind White Coat – 20 Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

વાડીનો પ્રોગ્રામ….!!!

“વડલા નીચે જયારે ગામની બેઠક જામે એટલે સમજી લેવાનું કે કોઈક તો સારા સમાચાર છે જ.”
ગામનાં લોકોની સાથે સરપંચની બેઠક તો હંમેશા જીવાબાપા અને મીઠી બાના ડેલામાં જ થતી હતી. આજે નક્કી ગામવાળા માટે કંઈક સારા સમાચાર લાગે છે.
બેઠકની બે દિવસ પહેલા ગામમાં સરપંચની બેઠકનો ઢંઢેરો પીટાયો ત્યારથી જ ગામલોકમાં ચર્ચા ચાલુ થઇ ગઈ.

વડલા નીચે ગામનાં સરપંચ જીવાબાપા એક હાથમાં ચાની રકાબી અને બીજાં હાથમાં હુક્કાનું નાળચું પકડીને પગ પર પગ ચડાવીને બેઠાં હતાં.
બૈરાંઓના ટોળામાં મીઠીબા મુખ્ય હરોળમાં હતાં અને પુરુષોના ટોળાંમાં એમનો વીસ વરસનો પુત્ર અને ગામના યુવા મોરચાનો પ્રમુખ નાથુ પ્રથમ હરોળમાં બેઠો હતો. એ પણ પોતાના બાપા જીવાબાપાની જેમ થોડી થોડી વારે હમણાં જ નવી-નવી ફૂટેલી મૂછ મરોડતો હતો.
ગામનાં બધાય લોકો ટોળાં વળીને બેઠકની આજુબાજુ બેસી ગયાં. અમુક ભોંય પર બેઠાં તો અમુક ઉભલખ પગે બેઠાં. ઘણાં લોકો વડલાની ફરતે બેઠાં. બૈરાઓ બૈરાના ટોળાં બેઠાં અને યુવા મોરચાના સભ્યો નાથુ પાસે બેઠાં.

હુક્કાના સિસકારા અને બે ત્રણ ખાંસીના ખખડાટ સાથે સરપંચ જીવાબાપાએ ગામ લોકોનું અભિવાદન કર્યું.
“ગામ ભાઈઓ, આપણા ગામના લોકોની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે એટલે સુવિધાઓ પણ વધારવી જ પડશે.” બીજો સુટ્ટો માર્યો, જીવાબાપાની અંદરનું ફર્નિચર પાછું ખખડ્યું.
“ભાઈઓ, આપણા ગામમાં સ્નાનાગાર છે. પુસ્તકાલય છે. નિશાળ છે. કુસ્તી અને કસરતના સાધનોની સુવિધા પણ છે.સિનેમા…ખાણીપીણી….” જીવાબાપાએ પાછો સુટ્ટો માર્યો અને મૂછ મરોડીને બધાના ચહેરાઓ તરફ એમના હાવભાવ જોવાં લાગ્યાં.
“અરે હા..હા..બાપા….આપણા ગામ પાસે બઘી સુવિધાઓ તો છે જ હવે શેની જરૂર છે?” એમનો દીકરો થોડો અધીરો થયો. કેમકે કોઈને બાપા શું વિચારતા હતા એની જાણ ન હતી.
“જો પેલ્લી જમીન દેખાય છે?” જીવાબાપાનું શરીર તો સ્થિર રહ્યું. માત્ર ડોક ફેરવીને વિશાળ જમીન તરફ આંગળી ચીંધતા કહ્યું.
“તો?”
“ત્યાં હવે ગામ માટે એક વાડી બનાવવી છે. જ્યાં ગામના લોકોનાં જન્મ-મરણ અને લગ્નોના જમણવારો થશે. મેળાવડાને ઉજાણીઓ કરીશું.”
“થોડી ઘણી આર્થિક સહાયોથી એક પરિવારનો પ્રસંગ આખા ગામનો પ્રસંગ બની જશે.” બાપાએ વળી પાછી મૂછ મરડી અને ગામના લોકોમાં હોહાપો મચી ગયો.
બધા જાણે અત્યારે જ ઉજાણીમાં આવ્યા હોય એમ રાજી રાજી થઇ ગયા.
રાજા રજવાડાનો જમાનો હોત તો બધાએ જીવાબાપાની જય પણ બોલાવી હોત.
પણ આ ગામ તો વિકસતા જમાનાનું જાગૃત ગામ હતું.
ગામ જેવી રહેણીકરણી પણ ઓછી હતી અને બોલીમાં પણ સુધારો હતો.
“બાપા…આમાં હું સહમત નથી થાતો.” ગામના લોકોમાં તો જીવાબાપા સામે બોલવાની તાકાત ન હતી. પણ નાથુ તો એમનો જ દીકરોને.
એ પણ નવો નવો યુવા મોરચાનો પ્રમુખ એટલે એને પણ કંઈ કારણ હોય કે ન હોય સરકાર વિરુદ્ધ નન્નો જ ભરવાનો..
એટલે એણે આ વાડી બનાવવાની વાત સામે વાંધો ઉઠાવ્યો.

“નાથુ..તમને યુવા મોરચો સંભાળવા આપ્યો છે એ સારી પેઠે સંભાળો…આપણા ગામે ઘણું નરસું વેઠ્યું છે. ભૂકંપ, વાવાઝોડા, પૂર…રોગચાળા વિગેરે વિગેરે”
“તો?” પાછો તોંતેર મણનો તો બોલી નાથુ અટકી ગયો.
“તો શું! હવે આપણે માણવાના દિવસો છે..સારી એવી જમીન પણ પડી છે.. કોન્ટ્રાક્ટર પણ ગામના જ છે..એટલે આપણને એટલો ખર્ચ પણ નહીં નડે.”
“બાપા..મારી માનો તો એ જ ખર્ચ અને એ જ જમીનથી આપણા જ ગામમાં જો કોઈ સારી અસ્પતાલ બનાવીએ તો આપણા ગામના લોકોને જીલ્લા અસ્પતાલમાં ના જવું પડે. હવે તો ત્યાં પણ કલેક્ટરની ચિઠ્ઠી હોય તો જ મફતમાં સારવાર થાય છે..” યુવા મોરચાનું ભાષણ કરતો હોય એમ નાથુ ઉભો થઇને બોલવા લાગ્યો.
“અવે…ગામમાં અસ્પતાલ તો છે જ ને!! અને હું પણ વૈદ્ય છું.”
“ચાલીસ ચાલીસ વરસથી ગામના લોકોની સારવાર કરું જ છું. સરપંચ તો ગામવાળાએ મને બનાવ્યો છે..” બાપા થોડાં ઉકળી ગયાં.
ગામના લોકો તો આ શબ્દોની ટેબલ ટેનિસ જોતાં જ રહી ગયાં. બંનેમાંથી એકેય પોતાનો બોલ પડવા ન હતું દેતું.
“હા બાપા અસ્પતાલનાં નામે જાળા બાઝી ગયેલું જર્જરિત મકાન છે..જયારે જુઓ ત્યારે અસ્પતાલના પલંગમાં દર્દી નહીં પણ અહીંના કામચોર દાક્તરો જ આડા પડ્યાં હોય છે.”
બધાય દાક્તરોનો એક જ જવાબ હોય છે કે બે-ચાર દા’ડા આરામ કરો..સારું થઇ જશે..દાઢ દુખે તોય આરામ? આવી કેવી દાક્તરી?” આ સાંભળીને ગામના લોકો પણ અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યાં.
“ના જ કામ કરેને કેમકે આપણા ગામમાં તો કોઈ માંદુ જ નથી પડતું ને! બધાં લોકો દિવસના બે-બે લીટર દૂધ પીવે છે..ઘીથી લથબથ લાડવા ખાય છે..જમ્યા પછી પાછો મોહનથાળ જોઈએ એ અલગ….” સાંભળતા જ નાથુએ મોં મચકોડ્યું અને એ દલીલ કરવાં જાય એ પહેલા જીવાબાપા પાછા તાડુક્યાં.
“આ તો તમે બધાં ગોલ્ડસ્પોટ પીવાવાળા માંદા પડો!”
“અમારે તો સફેદ એ સોનુ…દૂધ પીને તો અમારી કાયા ઘડાઈ છે.” ગોલ્ડસ્પોટ સાંભળીને નાથુનો પિત્તો ગયો.
“તો તમે શું લોકોનો ઈલાજ કરવાના, હોમિયોપેથી અને આયુર્વેદનો ફરક તો મેં સમજાયો તમને બાપા..!” આ સાંભળતાની સાથે જ મીઠીબા અને બીજાં બે ચાર બૈરાંઓ પણ ઊભા થઇ ગયાં..
“તું શું મને સમજવાનો. હે….હું તારો બાપ છું…!!” જીવાબાપા એ જોરથી રાડ પાડી…
“અવે..આને ઊંટવૈદ્યુ કહેવાય..ઊંટવૈદ્યુ…પોતાનો ડાયાબિટીસનો રોગ તો સરખો થતો નથી અને ગામમાં ઉજાણીઓ કરવી છે..” બંને બાજુ રાડારાડ મચી ગઈ…
આખુંય ગામ જામેલી મેચ જોવા ઉભું થઇ ગયું…..
એકાદ-બે એ તો એવું પણ વિચારી લીધું હશે કે નક્કી આજે એકાદ વિકેટ પડવાની…
ઊંટવૈદ્યુ સાંભળીને…જીવાબાપા ઉભા થઇને મોંઢામાંથી લાંબી લચક…..ગાળ નીકાળવા જ જતાં હતાં અને ત્યાં જ એમનું અડધું શરીર અક્કડ થઇ ગયું અને ખાટલે પટકાયા..
હાય…હાય… શું થઇ ગયું? શું થઇ ગયું? જીવાબાપા..જીવાબાપાની રાડારાડ અને ચીસાચીસની વચ્ચે આખોય સંઘ જીવાબાપાને જિલ્લાની હોસ્પિટલમાં લઇ ગયો.
બેઠકની જાણે જગ્યા ફેરવાઈ ગઈ હોય એમ 5-7 જીપ અને ખટારા ભરીને ગામ લોક પણ ત્યાં પહોંચી ગયાં. પોતે સરપંચ અને નાથુ યુવા નેતા એટલે કોઈ ચિઠ્ઠીની જરૂર ન પડી…

બેભાન હતા એટલે ડૉક્ટરોની સૌ પ્રથમ તપાસ સુગરની જ હોય. એટલે લેબમાંથી ટેક્નિશિયનને જીવાબાપાની સુગર ચેક કરવાં માટે બ્લડ સેમ્પલ લેવાં બોલાવ્યો.
ટેક્નિશિયને બ્લડ લેવાં જેવી સોંય નસમાં નાખી અને જોયું તો…..આ શું?
“આવું ઉજળું પ્રવાહી!” જીવાબાપાની ભેંસના દૂધ જેવું સફેદ..! બ્લડ તો માત્ર દસ ટકા જ
લોહી લેનાર ટેક્નિશિયન પણ ચકડોળે ચડી ગયો.
એણે તુરંત જ પેથોલોજીસ્ટને આ વાતની જાણ કરી. એમણે બ્લડની તપાસ કરાવવાનું કહ્યું. ચકાસણી કરતા જાણવા મળ્યું કે જીવાબાપાના લોહીમાં આ સફેદ કલરનું પ્રવાહી તો ટ્રાઇગ્લિસરાઇડ નામની ચરબી છે.
“અરે…અરે…જીવાબાપાને શહેરની અસ્પતાલમાં લઇ જવા પડશે.”
નાથુએ કહ્યું “ડૉક્ટર સાહેબ જીવાબાપા તો ગામના સરપંચ છે. આખાય જિલ્લાના લોકલાડીલા છે. ચિંતા ન કરો હમણાં તો આખુંય શહેર જ અહીંયા આવી જશે.”
નાથુના એક ફોનથી શહેરથી ચાર ડૉક્ટરની ટીમ થોડી જ વારમાં જિલ્લા અસ્પતાલ આવી પહોંચી.
જીવાબાપાના શરીરમાંથી ચરબીવાળું લોહી કાઢી અને નવું લોહી ચઢાવવાની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. સાથેસાથ ડાયાબિટીસને કંટ્રોલ કરવાના ઇંજેક્શન પણ ચાલુ કરી દીધા.
બે દિવસે જીવાબાપા ભાનમાં આવ્યાં અને સ્વસ્થ થયા ત્યાં સુધી આ ચાર ડૉક્ટરની ટીમ ત્યાં ગામમાં જ રહી.
કેમકે શહેરથી આવેલ એ ચારેય ડૉક્ટર એમના ગામના જ હતા અને જીવાબાપાના માર્ગદર્શન અને ઘણી ખરી આર્થિક સહાયથી જ ડૉક્ટર બનીને શહેરમાં સ્થાયી થયા હતા.
“જીવાબાપા તમે તમારા ડાયાબિટીસનું ધ્યાન તો નથી જ રાખ્યું, સાથે સાથ સુગરના કારણે લોહીમાં વધતી ચરબીનું ધ્યાન પણ નથી રાખ્યું. શહેરથી આવેલા ડાયાબિટીસ નિષ્ણાતે કહ્યું.
બાપા ચરબીના લીધે તમારું લોહી તો દૂધ જેવું ઉજળું થઇ ગયું હોં!! બીજા ડૉક્ટરે પણ સૂર પૂરાવ્યો.
બેટા…મીઠીનું લોહી પીવું તો ડાયાબિટીસ આકાશે આંબે. અને ચરબીના કારણે મારૂં લોહી પણ ભેંસના દૂધ જેવું ઉજળું થઇ ગયું.”
લગભગ વડલા નીચેની આખે આખી બેઠક આ અસ્પતાલના રૂમમાં સમાઈ ગઈ. જીવાબાપાએ બેઠકને જણાવ્યું કે ગામલોક હવે એ ગામની જમીનમાં આ ચારેય દાક્તરોના નેતૃત્વ હેઠળ એક આધુનિક અસ્પતાલ બનશે!
વાડીનો પ્રોગ્રામ કેન્સલ..!
હવે લોહી લોહીની જગ્યાએ અને દૂધ દૂધની જગ્યાએ….બધાં ખડખડાટ હસવા લાગ્યાં.

સ્પંદન-19

રૂપકડાં સપનાંનો સંસાર
જીવનનો ઉતારે સહુ ભાર
આંખમાં આવે એક ચમકાર
જ્યાં મનમાં આશાનો સંચાર

ઉડે પંખાળે ઘોડે કલ્પનાની
આશા છે કાબેલ સુકાની
કોડભરી બને જિંદગાની
પ્રાણ ભરી દે જીવન કહાની

ઊડી જાય મનની ઉદાસી
સફળતા આશા કેરી દાસી
ઉડવા છે સકળ આકાશ
દિલમાં ઉગે જો એક આશ

આશા છે એવું સુમન
ચિંતા, મુસીબત કરે દફન
ઝળહળે દીપ, ખીલે ચમન
સફળતા કરે એને નમન

રાત અને દિવસ…ક્યારેક તારાઓનું સૌન્દર્ય તો ક્યારેક  અરૂણિમ ઉષાનું પ્રાગટ્ય. પણ કાજળઘેરી રાત્રિના અંધકારમાં ઉષાના પ્રગટવાની કલ્પના કોણ કરી શકે? જીવનનો હેતુ શું છે?  જીવનનો હેતુ છે કોઈ પણ ભય વગર નિતનવા અનુભવોને જાણવા ને માણવા. જીવનનો હેતુ છે ખુશી મેળવવી…ભવિષ્યમાં નહીં…આજે… અહીં…અત્યારે જ. ખુશીનો આધાર એના પર નથી કે તમે ક્યાં છો…તમે કોણ છો…તમે શું ધરાવો છો. તમારી પાસે જે નથી તેની અપેક્ષામાં જે છે તેનો આનંદ લેવાનો ચૂકશો નહિ. આશાવાદી બનો અને જીવનને ખુશહાલ બનાવો.  શક્ય છે કે ક્યારેક તમારા સંજોગો વિપરીત હોય, જેથી તમે ખુશ રહી ન શકો.  સાચી ખુશીને  શોધવાની સૌથી શ્રેષ્ઠ જગ્યા આશા છે. જીવન ખૂબ મૂલ્યવાન છે. આશા માનવીને ડિપ્રેશનથી તો બચાવે જ છે પણ જીવનને આનંદથી ભરી દે છે, તકલીફોથી ઉપર ઉઠીને સફળતા અપાવે છે. આશા ઇતિહાસ સર્જી શકે છે, મૂંઝવણનો ઉકેલ આપી શકે છે, સપનાને પાંખો આપી શકે છે, નિરાશાના વાદળોને હટાવી શકે છે. આશા સ્વપ્નોના મહેલને વાસ્તવની ધરતી પર ઉતારી શકે છે.

અગણિત તારાઓથી છલકાતું તારા વિશ્વ અને એમાં સતત ઘૂમતી પૃથ્વી…પૃથ્વીની વિશેષતા એ છે કે પૃથ્વી જીવંત છે. જીવન અહીં પ્રગટ્યું છે અને ફુલ્યું ફાલ્યું છે. જીવનચક્ર પ્રાગૈતિહાસિક કાળથી માંડીને ઉત્ક્રાંતિના અંતિમ ચરણ માનવ સુધી…રાત દિવસ વિકાસ પામતું જ રહે છે. માનવજીવનની વાત કરીએ તો પુરાતન કાળના આદિમાનવથી આજના વિકસિત માનવ વચ્ચે ડીએનએનું સામ્ય રહ્યું છે પણ વિકાસની હરણફાળ એ હદે પહોંચી છે કે પગે ચાલતો માનવી આજે  પૃથ્વી જ નહીં પણ અવકાશમાં કદમ માંડતો થઈ ગયો છે. આનું એકમાત્ર કારણ છે માનવીની આંખોમાં યુગોથી જોવાતાં સ્વપ્નો. માનવી રાત્રે  સ્વપ્નસૃષ્ટિ માણે છે પણ દિવસે પ્રવૃત્તિશીલ રહીને એ સ્વપ્નોને વાસ્તવમાં પલટવાની કોશિશ કરતો રહે છે.  આ કોશિશ ક્યારેક ગુફાવાસી આદિમાનવની પણ હતી અને આજે પણ છે. માનવ સંસ્કૃતિ કહો કે સભ્યતા કે વિકાસ, તેની સાથે આ સ્વપ્નો રહયાં છે. સ્વપ્નોના આ સંસારનો પાયો છે આશા. પ્રલયના પડકાર સામે બાથ ભીડી રહેલા માનવીને વિકાસની સફળ સીડી પર પહોંચાડનાર એક માત્ર પરિબળ છે આશા. આવતી કાલનો સૂર્ય આજ કરતાં વધુ સારો હશે એવો વિશ્વાસ દરેક માનવીને રહ્યો હોય છે…તે જ છે તેના વિકાસનું રહસ્ય.

આશાનું વિશ્વ ક્યાં નથી ?  સમુદ્રના તોફાનમાં સપડાયેલ જહાજ હોય કે બર્મુડા ટ્રાયેંગલમાં ફસાયેલ વિમાન – દિશા સૂઝતી ન હોય, સંજોગો કપરા હોય, જીવન દાવ પર લાગ્યું હોય ત્યારે માનવી કયા આધારે લડતો રહે છે… તેવા પ્રશ્નનો ઉત્તર છે… આશા. સહુના દિલમાં આશાનો  દીપક જલતો રહે છે અને એ જ છે માનવના જુસ્સા અને જોમનું રહસ્ય. માણસ સંજોગોથી નાસીપાસ ન થાય તો આશાના બળથી ગમે તે તોફાન પાર કરી જ શકે.

આશા વિનાનો માનવી એટલે હલેસાં વિનાની નૌકા. જ્યાં આશા નથી ત્યાં બળ નથી. યુદ્ધમાં ઉતરતા સૈનિકને જીવન અને વિજયની આશા છે. કોર્પોરેટ કલ્ચરના માંધાતાઓને સફળતાની અને વધતા નફાની આશા છે. ઉમેદવારને જીતી જવાની આશા છે.  હોસ્પિટલના દર્દીને , દર્દીના આપ્તજનોને  અને ડૉક્ટરને પણ  દર્દીના સારા થવાની આશા છે. આ આશા જ સહુની પ્રવૃત્તિનું પ્રયોજન છે. યાદ કરો કે ગમે તેવા લોકડાઉન વચ્ચે પણ કામ કરતો માનવી દિલમાં આશા અને અરમાન લઈને ચાલી રહ્યો છે કે આ રોગનો – કોરોનાનો અને તેની વિટંબણાઓનો અંત આવશે. કોઈ પણ દવા કે વેક્સિનના મૂળમાં વિજ્ઞાન તો છે જ પણ એ જ વિજ્ઞાન આશાના સામ્રાજ્ય વિના પાંગળું છે, અશક્તિમાન છે.

સફળતાની સીડીની ટોચ પર રહેલો માનવ પણ આશાના પગથિયાં વિના આરોહણ કરી શકતો નથી. કદાચ આ જ વાત એવરેસ્ટના આરોહકને પણ લાગુ પડે છે.
એવરેસ્ટ આરોહણમાં નિષ્ફળતા મળવાથી  ખડતલ શેરપા તેનસિંગ એકદમ નિરાશ અને હતાશ હતો. એવામાં તેને હિમાલયના બર્ફીલા પહાડોમાં દિગંબર અવસ્થામાં વિચરતા સ્વામી સર્વેશ્વરાનંદ મળ્યા.
સ્વામીજીએ તેનસિંગને પૂછ્યું:”ક્યા બાત હૈ?”
“ગૌરીશંકર શિખરપે જાના ચાહતા હું.” (19મી સદીમાં કેટલાક યુરોપિયન નકશા બનાવનાર અને ઘણા લોકો ભૂલથી ગૌરીશંકરને જ એવરેસ્ટ માનતા)
“સંકલ્પ કરો કે તુમ ચોટી પર પહુંચોગે, તો જરૂર પહુંચોગે.”
બાકી તો ઇતિહાસ છે.
અમાપ શિખરોને માપવાની અખંડ આશા સાથે તેનસિંગે મુસીબતોનો મુકાબલો કરી અશક્ય સામે બાથ ભીડી પ્રચંડ પુરુષાર્થ કર્યો.
વિશ્વ જાણે છે કે તેનસિંગ એવરેસ્ટની ચોટી પર પહોંચ્યો!
મારે, તમારે, સૌને કોઈ શિખરની ટોચે પહોચવું છે….જો દિલમાં હશે આશા…સાથ મળે પુરુષાર્થનો…તો એ આશા જરૂર ફળશે….તમને પણ તમારું શિખર મળશે.

આજનો યુગ ઇન્સ્ટન્ટનો યુગ છે. બધું જ ત્વરિત જોઈએ. ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ ફોટો, ઇન્સ્ટન્ટ મની ટ્રાન્સફર વગેરે વગેરે….આશા પણ ઇન્સ્ટન્ટ જ ફળવી જોઈએ. પરંતુ એ શક્ય નથી. જ્યારે તમામ સંજોગો વિપરીત હોય ત્યારે પણ જે આશા રાખે એ સાચો આશાવાદી. અફાટ મહાસાગર… ક્રિસ્ટોફર કોલંબસ અને તેના ત્રણ જહાજો… સાલ 1492. સ્પેનથી નીકળ્યા ને દિવસો થયા પણ જમીન કે કિનારો દેખાતો નથી. સાથીઓની ધીરજ પણ ખૂટી છે અને મૂંઝવણ પણ છે જ.  આગેકૂચ કરવી કે પીછેહઠ? છતાં કોલંબસે આશા છોડી નહિ અને અમેરિકાનો નવો ખંડ તેણે શોધ્યો.

એક કહેવત છે – ‘જ્યાં લગી શ્વાસ, ત્યાં લગી આશ.’ સફળતાની આશા એ આ વિશ્વમાં થતાં નાનામોટા બધા જ  કાર્યોનું  અનિવાર્ય અંગ છે. આશા જીવનને બળ આપે છે, મનને ચેતનવંતુ બનાવે છે, સ્વપ્નોને સાકાર કરે છે. આશા વગર જીવવાનું અશક્ય બની જાય. આશા એવું અમૃત છે જે જીવનને રંગ અને રસસભર બનાવે છે. પણ બહારની કોઈ વ્યક્તિ તમારી અંદર આશા ભરી દે એ શક્ય નથી. આશાનો છોડ દરેક વ્યક્તિએ જાતે જ ઉગડવો પડે છે. ચારે તરફ નિરાશાના કાળા વાદળો ઘેરાયેલા હોય… છતાં એક માત્ર આશાનો દીપક જો જલતો હશે તો એના વડે ફરી ઉત્સાહ, શાંતિ, હિંમત અને સમૃદ્ધિના પ્રકાશનું પ્રાગટ્ય થશે….એટલે જ, આપણાં ઘરમાં અને મનમાં હંમેશા આશાનો દીવો જલતો રાખો…

….. 24×7 નિરંતર દોડતી દુનિયાનો આ વર્તમાન  નવીનતમ  અનુભવ…. લોકડાઉન…વ્યથા …અકળામણ…. નિરાશાનું સામ્રાજ્ય…. જાણે કે આજે વિશ્વના ઉપવનની પાનખર… પુષ્પોનો પમરાટ હોય કે મધમાખીનું ગાન…બધું ગુમ અને વિશ્વની સડકો ગુમસુમ… પ્રશ્ન થાય કે વસંત ક્યારેય નહીં આવે? …ઉત્તર…કોશેટો બનીને પુરાયેલ વિશ્વ નવી સજ્જતા સાથે બહાર નીકળવા થનગની રહ્યું છે … એ આશાના સહારે…કોશેટો તૂટશે … નજરે પડશે રંગબેરંગી પાંખો સાથેનું નવું પતંગિયું … એ જ આશા… અમર આશા…

રીટા જાની
28/05/2021

૨૦,”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

માતૃત્વના મહિનાને ઉજવતા મે મહિનાના અંતિમ પડાવ પર આપણે પહોંચી ગયા છીએ. આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત મા અને માતૃત્વના મહિમાને ઉજવતી જુદી જુદી ભાષાઓની કવિતાઓના ભાવાનુવાદને જાણ્યા અને માણ્યા. મા અને બાળકનો સબંધ – એક સનાતન પારદર્શક સબંધ.  બાળકના જન્મ પહેલાથી મા પોતાની ભીતરમાં પાંગરતા અંશ લાગણીના તાંતણે જોડાય છે. પછી બાળકનો જન્મ થાય ત્યારે ગર્ભનાળનું ભલે છેદન થાય પણ આ લાગણીનો તાંતણો અકબંધ અડીખમ. સમયનું ચક્ર અવિરત એકધારું ચાલતું જ રહે છે. બાળક તેના જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે અને તેજ રીતે મા પણ તેના જીવનના વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે… અને એક દિવસ મા પોતાની અંતિમ ગતિ તરફ પ્રયાણ કરે છે….અને ત્યારે સંતાનના જીવનમાં જે શૂન્યાવકાશ સર્જાય છે તે તો જેણે અનુભવ્યો હોય તેજ સમજી શકે…”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આપણે આવીજ કંઈક વેદના રજુ કરતી એક German કવિતાનો ભાવાનુવાદ જાણીશું અને સમજીશું. આ કવિતાના રચયિતા છે Friedrich W. Kaulisch. મૂળ German કાવ્યનું English translation તમે અહીં વાંચી શકશો. http://www.echoworld.com/B08/B0805/B0805p1.htm

German ભાષામાં લખાયેલી આ કવિતામાં જિંદગીનું સનાતન સત્ય ખુબ સરળ શબ્દોમાં વ્યક્ત કરેલું છે. કવિતાની શરૂઆતમાંજ કવિ માની હાજરી હોવી એનેજ ઈશ્વરની અપાર અને અસીમ કૃપા ગણાવે છે. અને જ્યાં સુધી માની હાજરી જીવનમાં છે ત્યાં સુધી તેને સ્નેહ અને લાગણીથી ભીંજવી દેવાનો અનુરોધ કરે છે. આગળ જતા કવિ માના લાલનપાલનને યાદ કરતા કરતા પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને છેલ્લે કવિ કહે છે કે સમયાંતરે સદેહે માની વિદાય આ પૃથ્વી પરથી થાશે પણ છતાંય સંતાન પોતાની આજુબાજુ માના આશિષ અને રક્ષાનું કવચ અનુભવશે…

Friedrich W. Kaulisch દ્વારા રચિત આ સંવેદનાસભર કવિતામાં તેમના અંતરના ભાવોનું નિરૂપણ થયેલ છે. Friedrich W. Kaulisch was a famous German poet and a teacher. This poem, “Wenn du noch eine Mutter hast” is one his most famous poem and is very popular in Germany.  

દરેક વ્યક્તિની મા પોતાની આવરદાની અવધિ અનુસાર એક દિવસ તો પોતાની અંતિમ ગતિ તરફ પ્રયાણ કરવાની જ છે પણ જયારે એ ઘટના જીવનમાં બને ત્યારે હૃદયની અંદર જે અફાટ ખાલીપો ઉભો થાય, જે અનાથપણાની લાગણી ઉભી થાય, જે વેદનાની ટીશ ઉઠે તેને મારા કોઈ પણ શબ્દો વર્ણવી ના જ શકે. તે પીડા તો જેણે અનુભવી હોય તેજ સમજી શકે. મા ગમે તેટલી વૃદ્ધ અને પાકટ વયે સ્વર્ગે સિધાવે પણ આ વેદના અને ખાલીપાનો અહેસાસ તો એક સરખોજ થાય. મા ના જવાથી જીવનમાં જે શુન્યાવકાશ સર્જાય એ ગમે તેટલા વર્ષો વીતે પણ એવોને એવોજ અકબંધ રહે છે અને એ ક્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની હાજરીથી સંપૂર્ણપણે પુરી શકાતો નથી એવું મારો સ્વાનુભવ કહે છે. અને એટલેજ જ્યાં સુધી મા સદેહે આપણી  આસપાસ હોય ત્યાં સુધી પોતાની વ્યસ્ત જિન્દગીમાંથી સમય કાઢીને તેને સ્નેહ અને લાગણીથી ભીંજવીએ એમાજ સમજદારી અને શાણપણ છે. સંજોગોવશાત જો મા ને પૂરતો સમય ના આપી શકાય તો તેનો રંજ અને વસવસો ક્યારેક સંતાનોને તેમના છેલ્લા શ્વાસ સુધી સતાવ્યા કરે છે. I read this beautiful quote today. “A mother is a shooting star who passes through your life only once. Love her because when her light goes out, you will never see her again”.

તો ચાલો મમ્મીના એ પ્રેમ અને વહાલની છોળોને યાદ કરતા કરતા હું મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે નવા મહિને, નવા વિષય સાથે ફરી મળીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે…. 

– અલ્પા શાહ      

અજ્ઞાતવાસ-૧૯

જીવનમાં આવેલ વળાંક


મેં ગભરાટ સાથે પરેશનો પત્ર વાંચવાંનું શરુ કર્યું.મારી શંકા સાચી જ પડી હતી. સારા કે ખરાબ સમાચારનાં વાવડ જાણે આપણને મળી જ જતાં હોય છે! ટીનાની અનિચ્છાએ ,તેનું કંઈ જ સાંભળ્યાં વગર ટીનાનાં પપ્પાએ તેનાં વિવાહ ,અમેરિકાનાં ન્યુજર્સીથી આવેલા છ ગામનાં પટેલ ,શ્રીમંત છોકરા સાથે કરી નાંખ્યાં હતા.પરેશે લખ્યું હતું,” ટીનાનો તરવરાટ,ચુલબુલાહટ,અરે ! તેનું યૌવન જ જાણે લુંટાઈ ગયું છે.માતા-પિતાની સમાજમાં ઇજ્જત જાળવવા એણે વિવાહ કરી નાંખ્યો છે. અને આમ પણ તું અહીંયા નથી ,હમણાં તારા પાછા આવવાનાં પણ કોઈ વાવડ નથી. તો એ કરે પણ શું?” સાચીવાત હતી પરેશની.

હું પત્ર હાથમાં લઈ બેસહાય બની,સૂનમૂન બેસી રહ્યો હતો. બેબસ મન મારી જાતને જ કોસી રહ્યું હતું. વેદનાનો ડૂમો મારા ગળામાં ફસાઈ ગયો હતો.મારી અંદરની મુંઝવણ ,ભડભડતાં ભેંકાર મનનાં એકાંતમાં મને શેકી રહી હતી.દિલ માનવા જ તૈયાર નહોતું કે મારી ટીના ,મારી નહીં રહે! હું કંઈ જ કરી શકું તેમ નહતો.પરતું ટીનાંનાં પગલાંને અકબંધ મારી ભીતરમાં રાખી ,એક તાજમહેલ મેં કાયમ સજાયેલ રાખ્યો ,જ્યાં તેનાં પ્રેમની સુગંધ લઈ ,હું મહેંકતો રહું.કહું કે હું જીવતો રહું,તેની સાથે બેસીને હંમેશા વાત કરતો રહું.


અમેરિકામાં દૂરથી જેટલું દેખાય છે તેટલું રહેવાનું,ભણવાનું,વગર પૈસે સર્વાઈવ થવાનું કશું જ સહેલું નહોતું.હું જ મારું ગુજરાન પરાણે કરતો હતો.હજુ ભણવાનું પણ બાકી હતું.પ્રેમનાં સપનાં જોવા અને ખરેખર વાસ્તવિક જીવનમાં તે પૂરા કરવા બંનેમાં બહુ ફરક હતો.


માધવ રાજે મને થોડી સાંત્વના આપી અને જીવનનાં આજ રંગરૂપ હોય તે સમજાવ્યું.જીવન તેની ગતિ પકડી ચાલી રહ્યું હતું.હું હવે લોસએંજલસનાં Albrahmra માં હતો.ભક્તા ફેમિલીઓનો ખૂબ સપોર્ટ હતો.અમે ગુજરાતી છાપું ચાલું કર્યું.U.C.L.A.યુનિવર્સિટીમાં minority કમ્યુનિટિ પ્રિટિંગ પ્રેસમાં,ફ્રી પ્રિટિંગ થતું હતું.ઈન્ડીયાનાં છાપામાંથી કટ એન્ડ પેસ્ટ કરી અમે રાત્રે ત્રણ કલાક ઊભા રહી છાપું પ્રિન્ટ કરી,સવારમાં સબસ્ક્રાઈબરને છાપું પહોંચાડતા.કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં મારું ભણવાનું પણ ચાલું હતું.હું થોડી એડવર્ટાઈઝ પણ લઈ આવતો. પણ આમાં સૌથી રસપ્રદ વાત ભારતથી જે નેતા -અભિનેતા કે સેલિબ્રિટિ આવતાં તેમનો ઈન્ટરવ્યું માધવ રાજ લેતાં.મોરારજીભાઈ દેસાઈ,પીલુ મોદી જેવા નેતાઓનાં ઈન્ટરવ્યુ કરીને છાપામાં છાપતાં.

પીલુ મોદી ઈન્દીરાજીએ કરેલી ઈમર્જન્સીમાં જેલમાં હતાં અને જેલમાંથી બહાર આવીને,અમેરિકા આવ્યા હતાં. મારે એમની સાથે ખૂબ દોસ્તી થઈ ગઈ હતી.પીલુ મોદી સ્વતંત્ર પક્ષનાં ભારતનાં Cofounder હતાં.પીલુ મોદી,અમેરિકનને પરણ્યાં હતાં અને તે સાન ફ્રાન્સિસ્કો તેમના પત્નીનાં પપ્પા-મમ્મીનાં ઘેર હતાં. હું અને માધવ રાજ તેમને મળવા સાન ફ્રાન્સિસ્કો ગયા.તેમણે અમને સાન ફ્રાન્સિસ્કેા રેસ્ટોરન્ટ અને જુદીજુદી વાયનરીમાં ફેરવ્યા.તે બર્કલીમાં ભણેલાં અને તેમનો રુમ પાર્ટનર પાકિસ્તાનનાં પ્રેસિડન્ટ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો હતાં.પીલુ મોદીએ અમને ભુટ્ટોની વાતો કરી,તે ખૂબ રસપ્રદ હતી અને અમને પાકિસ્તાન ફોન કરાવી ભુટ્ટો સાથે વાત પણ કરાવી.ભક્તા ફેમિલીવાળાની મોટેલ દરેક રાજ્યમાં અમેરિકામાં હોય જ અને અમારી ઉપર તેમની મહેરબાની હતી એટલે સાનફાંન્સીસ્કો જેવી સુંદર જગ્યાએ મિત્રો સાથે ફરવાનું અને રહેવાનું અમેરિકા આવ્યા પછીનું પહેલું સારું વેકેશન હતું.વેકેશન પછી અમે પાછા લોસએન્જલસ ગયાં અને છાપાંનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતાં.


એવામાં બહેન અમને ત્રણે ભાઈબહેનને મળવાં અમેરિકા આવી અને હું હર્ષાને છોડીને લોસએન્જલસ મોટેલમાં રહેતો હતો,એટલે બૂમાબૂમ ,ફોન પર કરીને ,મને શિકાગો પાછો બોલાવી લીધો.મેં પાછું ચોથું સમેસ્ટર નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાં શરુ કર્યું.હું હંમેશા પ્રોફેસરોને કોલેજમાં એવું પૂછી પૂછીને હેરાન કરતો હતો કે મારે બિઝનેસ શરુ કરવો હોય તો કેવીરીતે કરાય ?તે શીખવો.મને ભણવા કરતાં બિઝનેસ કરવામાં જ રસ હતો.


મારી બહેન હર્ષા તેના ડિઝાઈનિંગનાં ક્ષેત્રમાં ખૂબ આગળ હતી.તે જે કંપની માટે કામ કરતી હતી તે કંપની તેની ડિઝાઈન કરેલ કપડાંને લીધે ખૂબ આગળ વધી રહી હતી. હર્ષાનાં ડિઝાઈન કરેલ કપડાં એટલાં વેચાતાં હતાં કે કંપની દિવસરાત ખૂબ મોટા નફા સાથે grow થતી જતી હતી.મેં હર્ષાને કીધું તારી ડિઝાઈન કરેલ ડ્રેસીસ આટલાં બધાં વેચાતાં હોય તો તારે કંપની પાસે કમીશન માંગવું જોઈએ.


હર્ષાએ કંપની પાસે કમીશન ૮ ટકા માંગ્યું જે કંપનીએ ૬ ટકા મંજૂર કર્યા. એની કંપનીમાં હર્ષાની ડિઝાઈન કરેલ કપડાંનું વેચાણ દર મહિને વધતું જ ગયું. હર્ષાનાં કમીશનનાં ચેક ૫૦૦૦ $ થી શરુ થઈ ૧૦,૦૦૦ $ પછી ૧૫૦૦૦$ એમ દર મહિને વધવાં લાગ્યો.અને એક દિવસ કંપનીનાં માલિકને આટલાં પૈસા આપવાનાં ખૂંચ્યાં એટલે એણે કીધું,” હું હવે કોન્ટ્રાકટ બ્રેક કરું છું,હું હવે કમીશન નહીં આપું.” અને એણે હર્ષાને કંપનીમાંથી ફાયર કરી દીધી. હર્ષા ખૂબ દુ:ખી થઈ ગઈ.હું પણ એકદમ અચંબિત થઈ ગયો હતો!!


પરતું મેં હર્ષાને સાંત્વનાં આપતાં કીધું,”તું જરાપણ ગભરાઈશ નહીં ,આપણે આપણો બિઝનેસ શરુ કરીએ.”હર્ષા કહે ,”શું??”.અને મેં પૂરા આત્મવિશ્વાસ સાથે કીધું,”આપણે આપણો પોતાનો ધંધો ચાલુ કરીએ.” મારાં મિત્રો અને જેની સાથે હું વાત કરતો તે બધાં મારી મજાક ઉડાવતાં હતાં.પણ મેં તો મારા બિઝનેસ પ્લાન કરવાનાં શરુ કરી દીધાં હતાં. લોસએંન્જલસનાં મોટેલનાં પટેલો અને ભક્તા ફેમિલીનાં મોટા મોટાં વડીલો જેમને હું હર્ષાનું કામ અને જૂની કંપનીની ફેક્ટરી બતાવવાં લઈ ગયો હતો તેમને મારાં નવા બિઝનેસ શરુ કરવા અંગેની વાત મેં અને ભાઈએ પણ કરી. મારે તો 100000 $ ની જરુર હતી. પટેલ અને ભક્તા કુટુંબ મળીને પાંચ વડીલો દસ,દસ હજાર ડોલર રોકવા તૈયાર થઈ ગયાં.હર્ષાની જુની કંપનીમાં તેના માલિકથી નારાજ બે મુખ્ય માણસો મિ.ટી.જાપનીઝ ડાયમેકર અને મિસ ટ્રીશીયા પેટર્ન મેકર પણ અમારી સાથે કામ કરવા તૈયાર થઈ ગયાં.મારે હજુ બીજા ૫૦,૦૦૦ ડોલરની જરુર હતી.ભાઈને મેં વાત કરી,બીજા પૈસાની સગવડ કેવીરીતે કરીશું? મેં ૧૦,૦૦૦ સ્ક્વેર ફૂટની જગ્યા પણ જોઈ રાખી હતી.


હું મારા બિઝનેસ પ્લાન માટે ખૂબ હોમવર્ક કરી રહ્યો હતો પણ પૈસા વગર મુંઝાઈ રહ્યો હતો.ત્યાં એક દિવસ ઈન્ડીયાથી પત્ર આવ્યો અને વાંચ્યો તો…….


જિગીષા દિલીપ

૨૫ મેં ૨૦૨૧

એક સિક્કો – બે બાજુ :19) મુખમેં રામ બગલમેં છૂરી !


‘ઝાંઝવાનાં જળ ભર્યો સાગર નિહાળ્યો – એ સમય ;
ને દિલ તણાં સાગરમાં આવી’તી સુનામી – એ સમય !’
એક સિક્કો : બે બાજુ ! આ કોલમમાં આજે વાત કરવી છે જે બહુ જ ચર્ચાઈ છે અને વગોવાઈ છે તે , માણસાઈ મૂકીને કોરોનામાં કાળાબજારિયાઓની ! એક બાજુએ આ મહામારીના કપરા સમયમાં ક્યાંક ક્યાંક માનવતા પ્રગતિ રહી હતી, તો મુખમેં રામ બગલમે છૂરી ની જેમ શેતાનિયતનાં બનાવો પણ બહાર આવી રહ્યા છે !
હજ્જારો માણસો ટપોટપ મરતાં હતાં ત્યારે કેટલાક તક સાધુઓ આ તકનો લાભ લઈને પૈસા કમાવામાં લાગી ગયાં હતાં ! કેટલાક અમાનુષી લોકોએ મદદ કરવાને બહાને લોકોને લૂંટી લીધાં , કેટલાકે સત્તાના જોરે વધુ શક્તિશાળી બનવા ઓક્સિજનના સિલિન્ડરો કબ્જે કરી લીધા ,અને કેટલાકે આવી પરિસ્થિતિમાં અનાથ બાળકોને મદદને બહાને અઘટિત વ્યવહાર કર્યા !
એક તરફ માનવતાનો સાદ પડ્યો હતો , બીજી તરફ એ જ સાદનો સોદો થઇ રહ્યો હતો !
દેશમાં લોકો ટપોટપ ઓક્સિજનના અભાવે મરી રહ્યાં હતાં ત્યારે કોઈ એક સદ્ગૃહસ્તે પોતાની કાર વેચીને લોકોને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટે જન સેવા શરૂ કરી હતી , અને ધીમે ધીમે પાંચ સિલિન્ડર મોકલવાની દિવ્ય ભાવનામાંથી સાતસો સિલિન્ડરો , દવાઓ ,અને ક્યાં કઈ હોસ્પિટલમાં કેટલી સુવિધા પ્રાપ્ત છે એવી માહિતીનું સંચાલન મોટા પાયે થવા માંડ્યું હતું … એક વ્યક્તિમાંથી અનેક સ્વયંસેવકોએ ભેગા થઈને આ ઉમદા કાર્ય ઉપાડી લીધું જેમાં દેશ વિદેશથી પણ ફાળો મળવા માંડ્યો! એ મૂક સેવકોએ લગભગ સાત હજજાર લોકોને મુંબઈમાં જીવન દાન દીધું ! આ થઇ મહામારી સમયની ઉજળી બાજુ !

અને એ જ મુશ્કેલીના સમયમાં જીવન બચાવવા જરૂરી દવાઓ અને ઓક્સિજનના કાળાબજાર કરનારાઓ પણ ફૂટી નીકળ્યા !
ઘણાં લાગવગ લગાવનારાઓ અને સત્તાધારીઓએ ઓક્સિજનના સિલિન્ડરો ઘરમાં સંઘરી રાખ્યાં ! દેશ પરદેશથી આવેલ ઓક્સિજનના સિલિન્ડરો અને ઓક્સિજન હવામાંથી મેળવી શકાય તેવાં જનરેટર વગેરે લોકો સુધી – હોસ્પિટલો સુધી પહોંચાડવાને બદલે પોતાનાં સગાંઓને કામમાં આવશે , કે કોઈ રાજકારણીને વ્હાલા થવા કામમાં આવશે એમ ગણતરીથી સઁગ્રહી રાખ્યા નાં કિસ્સાઓ પણ બહાર આવ્યા છે ! તો કોઈએ દશ ગણા ભાવમાં વેચીને એ તકનો લાભ લીધો ..એવું પણ ઠેર ઠેર બની રહ્યું !
લોભિયા વૃત્તિથી , લોકોના જીવન સાથે રમત રમનારાઓ , ભેળસેળ કરીને દવાઓ , ઇન્જેક્શનો અને જીવન જરૂરિયાતનો પ્રાણવાયુ વેચનાર પણ ઓછા નહોતાં! દવાને બદલે માત્ર ગ્લુકોઝનો પાવડર કે બનાવટી ઇન્જેક્શન પણ માર્કેટમાં મૂકીને આ ધૂતારાઓએ લોકોના જીવન સાથે રમત રમવામાં જરાયે ખચકાટ નાં અનુભવ્યો !!
દિલ્હીમાં એક ભયન્કર કિસ્સો બહાર આવ્યો !
વર્ષા એન્જીનીઅરીંગ નામની કંપની પાસેથી દિલ્હીની હોસ્પિટલે ઓક્સિજનના સિલિન્ડરોની માંગણી કરી ત્યારે પચાસ કે બહુ તો સો ડોલરનાં એ સિલિન્ડરના જયારે એ લોકોએ બસ્સો ડોલર માંગ્યા ત્યારે કોઈ ચેરિટી સંસ્થાએ એ કંપની બાબત તપાસ હાથ ધરી , કે આ કંપની કોણ છે , ક્યાંથી આ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે , એના સિલિન્ડરો ક્યાંથી આવે છે વગેરે વગેરે .
પણ , પોલીસ રેડમાં ખબર પડી કે આગ હોલવવા માટે જે સિલિન્ડર રાખવામાં આવે છે એ સિલિન્ડરોને રંગી . ઓક્સિજન સિલિન્ડર જેમ ખપાવવામાં આવતાં હતાં! ફાયર એક્સટિગ્યુશર એટલા બધાં સ્ટ્રોંગ હોતાં નથી ! વળી આગ હોલવવા માટેના આ સિલિન્ડરોમાં માત્ર અંગારવાયુ જ નથી હોતો ; એને સાચવવા માટેનો કોઈ પાવડર પણ એમાં ભેળવેલો હોય છે ; ત્યારે એ જ સિલિન્ડરોમાં ઓક્સિગજન ભરવાથી દર્દી બિચારો મૃત્યુ પણ પામી શકે છે ! વળી ઓક્સિજન સિલિન્ડર એક સખ્ત હવાચુસ્ત વાલ્વથી સાચવવાના હોય છે ; એમાં સહેજ પણ ગફલત થાય તો દર્દીનું અને આજુબાજુની અન્ય વ્યક્તિનું પણ મૃત્યુ થઇ શકે છે !
આવડી મોટી છેતરપિંડી ?
ચેરીટેબલ સંસ્થાના સ્વયંસેવક શ્રી મુકેશ ખન્ના નાં જણાવ્યા પ્રમાણે એ છેતરપિંડી કરતી વર્ષા એન્જીનીઅરીંગ કંપનીના માલિકને આ જીવન જેલની સજા ફટકારવા અરજી કરી છે ; અને હા , આજે એવા અનેક ઠગ , લુચ્ચા ધુતારાઓ જેલમાં છે , મુકેશ ખન્ના જેવા પરમાર્થીઓની સહાયથી ! પણ આવાં ખતરનાક લોકોથી તમને ગુસ્સો અને અરેરાટી સાથે ઘૃણા પણ ઉત્પન્ન થઇ હશે , નહીં ?
પણ , આ ભેળસેળ , છેતરપિંડી , દગો , એ સૌથી વધારે ખતરનાક , હચમચાવી નાખનારી વાત હવે આવે છે : કોરોના મહામારીમાં બંને માતાપિતા ગુમાવનાર બાળકોને ઘર મળે એ હેતુથી દત્તક આપનાર ગવર્મેન શાખાઓ અને પ્રાઇવેટ કમ્પનીઓએ આ ક્ષેત્રમાં પણ અનિષ્ટ થતું અટકાવવા સજાગ પ્રયત્નો કર્યા છે .
હૈદરાબાદમાં અનાથ બાળકોને દયા ભાવથી દત્તક લેનાર સારાં લોકો હશે જ , પણ , નાની છોકરીઓને વેશ્યા બનવા મજબુર કરનાર એવી એક અન્ડગ્રાઉન્ડ ટોળકીને પકડી પડી છે .. સારું ઘર મળશે એ ભાવનાથી છોકરીઓને લઇ જઈને ગમે ત્યાં વેચી દેવાની , અનૈતિક કામ કરવા મજબુર કરવાની ??માણસાઈને નામે અમાનુષી વર્તન ?

દરેક સિક્કાને બે બાજુ હોય છે . દયા , પ્રેમ , લાગણી , માણસાઈ આ બધું આજે કપરા કાળમાં સજ્જનોના કાર્યમાં જણાઈ આવે છે ; પણ એટલું જ દુર્જન પોતાની શક્તિ પરિસ્થિતિનો ગેરલાભ લેવામાં વાપરે છે .. અને આવું સમગ્ર વિશ્વમાં બનતું હોય છે , અહીં અમેરિકામાં પણ આવાં સમાચારો સાંભળીએ છીએ : કાગડા તો બધે કાળા જ હોવાના , ને ? કોઈ જગ્યાએ થોડા તો ક્યાંક ઘણા કાગડાઓની જમાત હોવાની . બસ , એને પકડવા આકાશમાં બાજ પક્ષીઓ હોય એટલે બસ ! ,
હા , ક્યારે કઈ પરિસ્થિતિમાં કેવું વિચારવું એ વ્યક્તિગત હોવા છતાં જીવનમાં કેટલાક ઉચ્ચ મૂલ્યો હોવા જરૂરી છે .
મનુષ્યમાં દેવ અને દાનવ બંને બનવાના ગુણ – અવગુણ પડેલા છે . એને પંપાળીને ઉપર લાવવા કે દબાવી દેવા એ માનવીની ઈચ્છા શક્તિ ઉપર અવલંબે છે .
ઉમાશંકરે જોશીની એ કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :
વ્યક્તિ માટી હું બનું વિશ્વ માનવી ;
માથે ધરું ધૂળ વસુન્ધરાની !
ક્યારેક માત્ર પોતાનું જ નહીં પણ સમાજનું અને પછી રાષ્ટ્રનું વિચારવાથી અજુગતું થાય તો પણ આપણો અંતરાત્મા આપણને કૈક સારું કર્યાનો હાશકારો આપે છે , એ સદાયે યાદ રાખીએ !
અને એજ ઉમાશંકર જોશીનો પ્રકોપ પણ અહીં જોઈ લઈએ :
‘સ્વપ્નોને સળગવું હોય તો બધીય સગવડ છે :
બજારોના કોલાહલનાં કાષ્ઠ , અને મીંઢા મૌનનો તણખો
-ભળ ભળ બળે સ્વપ્નાં’
ના , આજે અહીં તો સ્વપ્નાં નહીં સાચુકલાં માનવીઓના ઢગલાં બળી રહ્યાં છે .. આ મહામારીની કહાની છે! અસ્તુ !

૧૯-વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

– મુસ્કાન-

આપણે ગયા અંકમાં જોયું કે જે વાત ગુણસુંદરી સત્યેન્દ્રને પ્રત્યક્ષ રીતે અથવા સુશીલાની હાજરીના સંકોચને લઈને ન કહી શકી એ એણે પત્રમાં વ્યક્ત કરી હતી, પત્રમાં ગુણસુંદરીએ શું લખ્યું હશે? એ રહસ્ય આજે જાણીએ.

ગુણસુંદરીએ પત્ર લખ્યો છે એ સાનંદાશ્ચર્યમાં સત્યેન્દ્ર સ્તબ્ધ બની ગયો. ધડકતા હ્રદયે, કાંપતા હાથે એણે પત્ર ખોલ્યો.

પૂજ્ય જીજાજી,

ન માન્યું તમે મારું કહ્યું અને છેવટે પત્ર લખ્યો જ. ક્રોધ, ક્ષોભ અને ગ્લાનિથી મારું મન વ્યથિત થઈ ગયું હતું, તમારો પત્ર મળે એ એ પહેલાં જ મને પાછી બોલાવવા હેમચંદ્રને પત્ર લખી દીધો હતો.

એક વાર તો વિચાર આવ્યો કે આપનો પત્ર ખોલ્યા વગર જ સુશીલાબેનને આપુ પરંતુ એમ કરીને દાંપત્ય જીવનમાં તમે જે વિશ્વાસઘાતી પગલું લેવા જઈ રહ્યા હતા એની જાણ કરીને હું દીદીને દુઃખી જ કરત. કદાચ તમારા માટે દીદીના મનમાં ખોટ ઊભી થાત અને અંતે તો એનું પરિણામ મારી નિષ્પાપ બેનને જ ભોગવવાનું આવત. દુઃખ તો મને એ વાતનું છે કે આપ જેવા વિદ્વાન આચાર્યે આવું ધૃણિત કૃત્ય કરતાં સહેજ પણ લજ્જા ન અનુભવી. છિ..

કદાચ તમે એવું વિચારી લીધું કે એક તો સાળી અને તે પણ બાળ વિધવા, એને ભ્રષ્ટ કરવાનો મને અધિકાર છે. એક ક્ષણ પર એવો વિચાર ના કર્યો કે સંસારભરની સાળીઓ અને બાળ વિધવાઓ કામદેવની ઉપાસિકા નથી હોતી.  ધર્મ, વિવેક કે સતીત્વને તુચ્છ ગણીને મદન-દેવની ઉપાસનમાં વહી જાય એવું બધે નથી બનતું. વૈધવ્યના અંધકારમય જીવનને પણ ભક્તિ-સાધનાથી ઉજ્જ્વળ બનાવી શકીએ છીએ.

ભલેને તમે બૃહસ્પતિના સાક્ષાત અવતાર જેવા હો પણ મારું હ્રદય તમે પારખવામાં ઓછા ઉતર્યા. મને યાદ છે ત્યાં સુધી મેં તમારી સમક્ષ એવું કોઈ આચરણ નહોતું કર્યું કે જેનાથી તમે આવો પત્ર લખવા પ્રેરાવ. હા, એક વાર તમને જોઈને મારા મ્હોં પર સ્મિત જરૂર આવી ગયું હતું, એમાં તમને મારામાં મુગ્ધભાવ અનુભવાયો હશે પરંતુ ખરેખર તો તે દિવસે તમારા ચહેરા પર આછા છલકતા મૂર્ખતાભર્યા ભાવથી મારા ચહેરા પર મુસકરાહટ આવી હતી અને પ્રખર પંડિત સાહિત્યાચાર્ય -શ્રીમાન સત્યેન્દ્ર એમ.એ.પી.એચ.ડી મહાશયે જે અર્થ શોધ્યો એમાં તો મેં અત્યંત આત્મ-ગ્લાનિ અનુભવી હતી એ આજે કહું છું.

જીજાજી, તમે સાવ સરળ એવી સુશીલા સાથે જે વિશ્વાસઘાત કર્યો છે એના માટે તમે એની માફી માંગો એમાં જ તમારું શ્રેય છે. એનામાં ઝાકળબિંદુ જેવી સુકોમળતા છે તો દુર્ગા જેવી શક્તિ પણ છે. એનામાં સમુદ્ર જેવું ઊંડાણ છે તો એમાંથી ઊઠતા વડવાનળનો અગ્નિ પણ છે જે જાગૃત થશે તો તમારું વિશ્વ ભસ્મ થઈ જશે.

જીજાજી, ઉંમરમાં હું તમારાથી નાની છું એટલે ક્ષમાને પાત્ર છું. અજાણતાંય મારાથી એવી કોઈ ચેષ્ટા થઈ હોય જેનાથી તમારું મન ભ્રમિત થયું હોય તો ઉદાર હ્રદયે મને ક્ષમા આપશો સાથે પ્રાર્થું છું કે ક્ષણિક આવેશમાં આવીને તમે જે પત્ર લખવાની ચેષ્ટા કરી એને એક સરિતાના વહેતા પાણીની જેમ મનમાંથી વહી જવા દેજો પણ હા, દુર્ગા-પૂજાના અવસર પર દીદીને લઈને આવવાનું ન ભૂલતા. આ સાથે તમારો પત્ર પરત કરું છું જે મેં પૂરો વાંચ્યો પણ નથી. શરૂઆતની બે-ચાર લાઈનો વાંચીને તમારા ભ્રષ્ટ વિચારોનો અંદેશો તો આવી જ ગયો હતો. આશા છે મારી વાત સમજી શકશો.

તમારા વાત્સલ્યને પાત્ર -ગુણસુંદરી.

પત્ર પૂરો થતાની સાથે સત્યેન્દ્રનું મોહાવરણ તૂટ્યું અને સમજાયું કે એ શું કરવા જઈ રહ્યો હતો.  એ પત્ર પકડીને જાણે મૂર્છિત જેવી અવસ્થામાં એવો સરી ગયો કે સુશીલાના આગમનની એને જાણ સુદ્ધા ન થઈ.

સત્યેન્દ્રનો વ્યથિત, ફિક્કો પડી ગયેલો ચહેરો જોઈને સુશીલાએ પાસે આવી. હળવેથી એણે સત્યેન્દ્રનો હાથ પોતાના હાથમાં લીધો અને પ્રશ્નાર્થસૂચક નજરે એને જોઈ રહી.

અને સત્યેન્દ્રની આંખો વરસી પડી. આ જ ક્ષણ હતી એના અપરાધની ક્ષમા માંગવાની.  સતત એ બોલતો રહ્યો, સુશીલા સાંભળતી રહી. એણે બંને પત્રો સુશીલાના હાથમાં મૂકી દીધા. સુશીલાએ એ પત્રો ખોલ્યા વગર જ બાજુમાં મૂકી દીધા. નિરભ્ર આકાશની જેમ એનો ચહેરો ચમકી ઊઠ્યો.

“બસ આટલી જ વાત! આટલી વાત માટે તમે આકાશ-પાતાળ એક કરી દીધા?”

સુશીલાની વાતે સત્યેન્દ્રને હળવો ફૂલ કરી દીધો. હ્રદય પરથી જાણે કેટલોય બોજો ઉતરી ગયો.

*****

ગુણસુંદરીના આગ્રહને માન આપીને આજે સત્યેન્દ્ર, સુશીલા એમના પુત્રને લઈને દુર્ગા-પૂજામાં સામેલ થવા આવ્યા અને પછી જે ઘટના બની એ તો ગુણસુંદરીએ પણ કલ્પી નહોતી.

ગુણસુંદરીની સમક્ષ આવીને ઊભો, એની આંખમાં સીધી નજર માંડીને સત્યેન્દ્ર બોલતો રહ્યો,

“ ગુણસુંદરી, કોઈ એક રમણીના ચહેરા પરના ભાવ જોઈને હું ભૂલાવામાં પડ્યો. તારા ચહેરા પરનું સ્મિત જોઈને મેં એમાં ભાવો ધારી લીધા, મનગમતા અર્થ કરી લીધા .વાસ્તવમાં અમે પુરુષ લોકો સાચે જ મૂર્ખ હોઈએ છીએ પણ હું મનથી પ્રાયશ્ચિત કરીને આવ્યો છું. હું ક્ષમાને પાત્ર તો નથી પણ આજે હે જગજ્જનની, હું ખરા મનથી, સાચા હ્રદયથી તારી ક્ષમા પ્રાર્થુ છું. મને માફ કરીશ ને?”

અને સત્યેન્દ્ર ઘૂંટણિયે બેસી પડ્યો.

ગુણસુંદરીના ચહેરા પર પ્રભાત જેવી ઉજ્જ્વળતા ફેલાઈ રહી. બંનેને જોઈને દૂર ઊભેલી સુશીલાનો ચહેરો અત્યંત પ્રસન્નતાથી ખીલી ઊઠ્યો.

ચંડીપ્રસાદ-હ્રદયેશની વાર્તા ‘મુસ્કાન’ પર આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

અનુભવની અભિવ્યક્તિ -પ્રકરણ 6 -કુમુદબેન પરીખ

                                         સીડીનું પગથિયું  6

જેમ દરિયાના મોજા અવિરત દોડતા કુદતા  નજરે પડે છે તેમ વિચારો ના મોજા પણ હંમેશા ચાલુ જ રહેતા હોય છે સ્વપ્નમાં જૂની સ્મૃતિ નવી સ્મૃતિ કોઈવાર જોયેલુ કાને સાંભળેલું અનુભવેલું બધાને જોડેથી એક નવી જ ફિલ્મ સપના દ્વારા જોવા મળે છે આટલા નાના મગજ માં આટલી બધી યાદો કયા ખૂણામાં સંતાઈ ને બેઠી હશે?  એ અકલ્પનીય છે.
            આજે  મારા મનમાં પણ  એક જૂની યાદ તાજી થઇ. જીવનમાં ઘણા  ખાટા-મીઠા કડવા અનુભવમાંથી આપણે પસાર થતા જ હોઈએ છીએ. એ બધા અનુભવોમાંથી  કંઈક તો શીખવા મળતું જ હોય છે.  મારું મન પણ સરખામણી કર્યા વગર રહેતું નથી.
ઇન્ડિયામાં ચાર વર્ષ શિક્ષિકાની નોકરી કર્યા બાદ અમેરિકા આવી. ૧૯૬૬ની સાલ હતી. અને મને પહેલી જોબ IBM  કંપનીમાં મલી.
          હું થોડી શરમાળ  આત્મવિશ્વાસનો  અભાવ એના લીધે હું કોઈનામાં ભળતી નહીં..બ્રેક ટાઈમે પણ  શાંતિથી  બધાને સાંભર્યા કરતી. પણ એમાં ભાગ લેતી નહીં. મારી સુપરવાઇઝર આ બધું નોટિસ કરતી. મને ઇન્ડિયા વિશે જાતજાતના પ્રશ્નો પૂછતી પોતે ઊંચી પોસ્ટ પર હોવા છતાં નાનામાં નાની વ્યક્તિનું ધ્યાન રાખતી.  મારી ભૂલ ને પણ શાંતિથી શીખવાડવાનો પ્રયત્ન કરતી.
બીજી એક વાત અમારી કંપની નો ટોપ મેનેજરે મને એની ઓફિસમાં બોલાવી મનમાં તો હું ગભરાતી હતી કેમ બોલાવી હશે?  મારી શું ભૂલ થઇ હશે? ધીમે રહીને બારણા પર knock કર્યું .અને તેને મને પ્રેમથી આવકારી.  હું ખુરસી માં બેઠી ત્યાં સુધી એ ઉભા રહ્યા.  મને કોઈ તકલીફ નથી તે પૂછવા લાગ્યા.  એમની લાગણીસભર વાતો આજે પણ ભુલાતી નથી.
           ત્રીજો પ્રસંગ યાદ આવે છે મારી પ્રેગ્નન્સીના કારણે કામ કરતા કરતા જ મને ઘણીવાર ઊંઘ આવી જતી. મશીન પર જ માથું ઢળી પડતું. તે વખતે મારી સુપરવાઇઝર ગુસ્સે થયા વગર મને પ્રેમ થી થપથપાવી  જગાડતી અને કહેતી આઇ અન્ડર સ્ટેન્ડ. ત્યારે મારાથી ઇન્ડિયાના બોસ અને અમેરિકાના બોસ ની સરખામણી કર્યા વગર રહી શકાતું નથી.
 ઇન્ડિયામાં મારા બોસ  પ્રભાવ પાડવા કે પોતે બોસ છે એ સતત યાદ કરાવવા પ્રયત્ન કરતા જ રહેતા. કદાચ બધા એવા ના પણ હોઈ શકે. આ તો મારા પોતાના અનુભવની વાત છે. બધાની વચ્ચે મારી ભૂલને દોહરાવતા પણ અચકાતા નહીં.
          ચારેક વર્ષ વીતી ગયા મારા સંસારમાં બાળકોની જવાબદારી વધતી ગઈ. અને જોબ ની વિદાય લઇ ઘર ની જોબ સ્વીકારી લીધી. થોડા વર્ષો બાદ અમે અમારો મેનેજમેન્ટનો બિઝનેસ શરૂ કર્યો અને અમારી કંપનીની હું બોસ  બની ગઈ.  ઘણીવાર ઘણા પ્રોબ્લેમ આવતાં રાત્રે વાવાઝોડાની જેમ વિચારો ઘુમરાતા. અને આંખમાં ઊંઘ  વેરણ થઈ જતી. મને હંમેશા બીજાની ભૂલ જ વધારે દેખાતી. સવારે ઉઠતા જ મને થતું ક્યારે ઓફિસમાં જાઉં અને જેને ભૂલ કરી હોય તેને ધમકાવી નાખુ  અને ઓફિસમાં જતાં જ બધાની વચ્ચે તેમને ધમકાવી નાખતી.  ત્યારે મને લેસન શિખવાડનાર મારી ઓફિસનો  મેનેજર મારી ઓફિસ કેબીનમાં આવી મને કહે “કુમુદ  પેહેલા  ગુડ મોર્નિંગ કહે  પછી શાંતિથી અમે શું ભૂલ કરી એ તું કહે.  બધાને જ રિસ્પેક્ટ વહાલુ  હોય છે પ્રેમથી કહીશ તો તારા અને અમારા બંને માટે લાભદાયક છે”. અને એ દિવસથી એક લેસન હું શીખી રિસ્પેક્ટ, રિસ્પેક્ટ બધાને જ પ્યારૂ  હોય છે. એના ફાયદા પણ મને ઘણા થયા. ફાયદા એટલે સુધી થયા કે મારા અપાર્ટમેન્ટ મેનેજરને મારે ફાયર કરવાનો પ્રસંગ આવે ત્યારે એની ભૂલ હું તેને શાંતિથી સમજાવતી અને તેઓ પણ કોઈ પણ પ્રોબ્લેમ આપ્યા વગર ચાલી જતા.
           ૨૫ વરસ મારી કંપનીમાં કામ કર્યું. અને રિસ્પેક્ટ મંત્ર થી આજ પણ મારા સ્ટાફના માણસો નો પ્રેમ સંપાદન કર્યાનો મને ખૂબ જ આનંદ છે. આજે તો મારી દીકરીઓ કંપની સંભાળે છે અને તેમને પણ આ જ મંત્ર શીખવાડવાનો  પ્રયત્ન કરું છું આમ જીવનમાં નવું નવું શીખતાં શીખતાં  સીડીનો છઠ્ઠું પગથિયું ચઢી ગઈ. 

કુમુદ પરીખ 

HopeScope Stories Behind White Coat – 19 Maulik Nagar “Vichar”

By:Maulik Nagar “Vichar”

“ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ”

વિશ્વાસે ધરતી સામે જોયું.
ટૂંક જ સમયમાં થનાર સસરા અને સાળા પૃથ્વી સામે જોયું.
ધરતીને આંખ મારી.
પત્તાને ચુમ્મી કરી.
ચટાક કરતુ પત્તું ફેંક્યું અને બોલ્યો, “લે પૃથ્વી આપણી આ ગલ્લા ભારે રાણી! આ તો આપણો જ હાથ!”
પૃથ્વી અને વિશ્વાસ બંને એક બીજાને તાળીઓ આપીને કૂદાકૂદ કરવા લાગ્યાં…
“પપ્પા, આ બંને ચિટરીયાઓ જોડે ક્યારેય રમી રમવાનું જ નહીં” ધરતીએ હારેલો હાથ લઇ લીધો અને આખી બાજી વેરણછેરણ કરી નાખી.
“હાથ લાવ દીદી….”
“તમને અને પપ્પાને રમતા જ ના આવડ્યું દીદી..”
“તમારો હાથ ગયો..ડિક્કો…ડિક્કો” પૃથ્વી ડિક્કો…ડિક્કો અને કિટ્ટા બુચ્ચા કરે એટલો નાનો હતો નહીં. પણ રમતની ગેલમાં આવી જાય એટલે બધાં નાના જ થઇ જાય.

“હવે ઘડિયાળ જુઓ તમે બધાં..રાતના બે વાગ્યાં છે.” શોરબકોરથી જાગેલા પૃથ્વી અને ધરતીની મમ્મી ભારતીબેન ટકોર કરવા આવી ગયાં.
“અરે હા!! ધરતી કાલે તો આપણી એક્સ્ટ્રા શિફ્ટ છે. ભૂલી ગઈ કાલે પ્રજાસત્તાક દિન છે.
આપણાં ત્રણ ડૉક્ટર્સ રજા પર છે.” વિશ્વાસ તો ભારતીબેનનો કહ્યાગરો થનાર જમાઇ હતો.

એમ.બી.બી.એસના પાંચમાં વર્ષમાં ભણતાં વિશ્વાસ અને ધરતી બંને જણા સિનિયર ડૉક્ટરોના ડાબા અને જમણા હાથ હતા.
પાડોશમાં જ રહેતા વિશ્વાસે પોતાનું જીન્સ ખંખેર્યું . અહીંયા પણ બધાં બાજી સમેટીને પોતપોતાના રૂમમાં સૂવા ગયાં.

રાષ્ટ્રગાનની સાથે ધરતીના “મમ્મી સુવા દે ને, પ્લીઝ લેટ મી સ્લીપ…”ના સૂરો પણ ભળ્યાં. ઊંઘમાં તો ધરતી એવું જ વિચારતી હશે કે મમ્મી અત્યારે પલંગ ઝંઝોળીને કાલ રાતની ભડાશ કાઢી રહી છે.
બે-પાંચ સેકન્ડમાં તો બહારથી ભયાનક ચીસો અને બૂમો સંભળાવવા લાગી.
ધરતી જરાક પડખું ફેરવીને ઉભી થઇ ત્યાં તો બિલ્ડરની કચાશ કહો કે નસીબની, ધરતીની આજુબાજુ છત પરથી ઈંટના રોળં પડવાનાં ચાલુ થઇ ગયાં અને ઘડીક જ વારમાં કાટમાળનો ઠગલો થઇ ગયો.
“દીદી..દીદી..હાથ લાવ..”ની બૂમો પાડતો પૃથ્વી ધરતીને બચાવવા તો આવ્યો પણ આ વખતે ભગવાને જ પત્તુ ફેંક્યું હોય એમ ઉપર લબડતો સ્લેબ ચટાક કરતો પૃથ્વીના માથે પડ્યો.
ધરતીથી આ દ્રશ્ય જોઈને ચીસ તો નંખાઈ ગઈ પણ એ એક જ કાને હાથ મૂકી શકી. એ ચીસ પૃથ્વીને જોઈને પાડી કે પોતાનાં નિશ્ચેતન હાથ માટે…!! એ તો ધરતી જ જાણે.

અત્યાર સુધી ધરતીકંપ શબ્દ માત્ર સાંભળવામાં જ આવ્યો હતો. આ વખતે ગુજરાતની ધરતીએ એનો કડવો અનુભવ પણ કરી લીધો. ધરતીકંપના લીધે ધરતીના જીવનમાં તો વાવાઝોડું આવ્યું હતું.
પોતાનો ડોમિનન્ટ હેન્ડ ગુમાવવાનો દર્દ હતો એટલો જ દર્દ ધરતીને પોતાનો ભાઈ ગુમાવવાનો પણ હતો. સર્જન બનવું તો દૂરની વાત પણ હવે એમ.બી.બી.એસની આખરી પરીક્ષા પણ કઈ રીતે પાસ કરવી એ મોટો પ્રશ્ન હતો.
બીજી બાજુ વિશ્વાસ સાથેના સંબંધનો પણ શ્વાસ રૂંધાતો હતો.
‘થોડું ભણી લઉં, ક્લિનિક થઇ જાય પછી, મોટી બેનના લગ્ન થઇ જાય’ જેવા અવનવા બહાનાં સાથે વિશ્વાસે લગ્નના પ્રસ્તાવને આડકતરી રીતે નકારમાં આપવાનું ચાલુ કરી દીધુ હતું.
ખરેખર તો પોતાના મમ્મી પપ્પા સામે એ પોતે જ ગલ્લો હતો.

માનસિક, શારીરિક એવી અનેક કઠિનાઈઓ વચ્ચે ધરતીએ ફાઇનલ પરીક્ષામાં રાઇટર રાખીને સારા ગ્રેડ સાથે એમ.બી.બી.એસ પાસ કર્યું. એક સમયે જે સર્જન ડૉક્ટરોનો ડાબો જમણો હાથ હતી તે લોકો જ આ એક હાથવાળી સ્ટુડન્ટના પગ ખેંચવા લાગ્યાં.
પ્રોત્સાહનના નામે અનેક કડવી સલાહો પણ મળતી.
ઘણા લોકો પોતાના જેવો જ એક હાથ કે એક પગવાળો સાથી શોધીને પરણી જવા કહેતું, તો કોઈક દાક્તરી કે સર્જન બનવાના સપનાઓ બાજુ પર મૂકીને ટ્યૂશન ક્લાસ ચાલુ કરવાની સલાહ આપતું. પરંતુ ધરતીની સાથેસાથે એનાં મમ્મી-પપ્પા પણ મક્કમ હતા. બંને જણાએ બેવડી તાકાતથી ધરતીને પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું.

અલગ અલગ રાજ્યોની મેડિકલ કોલેજોમાં વિવિધ ફેકલ્ટીઓ માટે ફોર્મ ભરવાનાં શરૂ કરી દીધા. ઘણા ખરાં તો ડિસેબિલિટીના કૉલમમાં ટિક માર્ક જોઈને જ રિજેકટ થઇ ગયાં. જ્યાં કોઈ જ ન જાય એવી દૂર દૂરના રાજ્યોની અમૂક કોલેજે ઈન્ટવ્યુ માટે બોલાવ્યાં તો પણ ખરા પરંતુ ત્યાંથી પણ વળતરમાં વણમાંગેલી ટિપ્પણીઓ અને સલાહો જ મળી.
“ધરતી એક હાથે તો કઈ રીતે સર્જરી કરી શકે?”
ધરતી ધીરે ધીરે હવે ડિપ્રેશનનો શિકાર થવા લાગી. ક્યારેક તો એવું પણ વિચારતી કે એ ભૂકંપમાં પૃથ્વી સાથે એ પણ….

વાંચનની શોખીન ધરતીને એક દિવસ વિચાર આવ્યો કે આ જ પરિસ્થિતિને જો બીજી દ્રષ્ટિથી જોઈએ અને દાક્ટરીમાં જ જો કોઈ એવી ફિલ્ડ લઈએ કે જ્યાં હાથનો વપરાશ જ નહિવત્ હોય.

“પપ્પા, મારે હવે સર્જન નથી બનવું.” ધરતીના અવાજમાં થોડો ભાર તો હતો પણ મૂડ હળવો હતો.
મમ્મી પપ્પા બંનેએ એક સાથે જ પૂછ્યું, “કેમ?” વધુમાં પપ્પાએ ઉમેર્યું, “બેટા, આટલું જલ્દી નાસીપાસ ના થઇ જા, ઈશ્વર અનેક રસ્તા દેખાડશે!”
“પપ્પા, ઈશ્વરે આંગળી ચીંધી દીધી છે. ભલે હું સર્જન ન બની શકું તો કંઈ નહીં, પણ આ ભૂકંપ અને આવી અનેક માંદગીઓ જેવી કે આજકાલ સોશ્યલ મીડિયાની માંદગી પણ ખૂબ વધી છે. તો હું મનોચિકિત્સક ડૉક્ટર બનું તો? એમાં તો એક શું બંને હાથ ન હોય તો પણ ચાલી જાય.”
મમ્મી પપ્પા તો આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઇ ગયા. ધરતી એ દ્રષ્ટિકોણ બદલ્યો એટલે નહીં પણ છેલ્લાં છ મહિનામાં ધરતી પહેલી વખત આટલી હળવાશ અનુભવતી હતી.

એમ.ડી ઈન સાયકિયાટ્રીમાં એડમિશન લેવા માટે પપ્પા અને દીકરીનો એડમિશન અધ્યાય શરૂ થયો.
શહેરની કોલેજોમાંથી એને ધક્કો મળ્યો અને રાજ્યની કોલેજોમાંથી મુક્કો…ક્યાંક કોઈ જગ્યાએ મેરીટથી અટકે તો ક્યાંક કમનસીબથી અટકે.
રાજ્યની બહારની એક મેડિકલ કોલેજમાંથી થોડા શુભ સંકેત આવ્યા. પણ તેઓના હાથમાં પણ તીર હતું. તેઓ એન.આર.આઈ સીટ ઉપર એડમિશન આપવા રાજી થઇ ગયા.
એન.આર.આઈ સીટ એટલે ચાર-પાંચ ઘણી ફી.
પૃથ્વીના ટ્યુશન માટે બચાવેલ રાખેલ સિલ્લક અહીં કામ લાગી ગઈ.

એન.આર.આઈ સીટના કારણે કૉલેજમાં ધરતીનું માનપાન વધી ગયું. કેમકે માત્ર કોલેજનું મેનેજમેન્ટ જ જાણતું હતું કે તેમણે તકનો લાભ લીધો છે.
ભણવામાં તો ધરતી પહેલેથી હોશિયાર હતી જ. સિનિયર ડોક્ટર્સના કામ કાઢી આપવાથી ક્લિનિકલ માસ્ટરી પણ હાથવગી હતી.
આ બધાની વચ્ચે જે વાંચનનો શોખ હતો અને એના અલગ જ દ્રષ્ટિકોણને કારણે અન્ય વિદ્યાર્થીઓ કરતા એ અલગ જ તરી આવતી હતી.

ડૉ ધરતીના નામની આગળ હવે ગોલ્ડ મેડલીસ્ટ ઈન સાઇક્યાટ્રી ઉમેરાયું.
ધરતીએ બે-બે આસિસ્ટન્ટ સાઇક્યાટ્રી ડૉક્ટર્સ રાખીને સાઇક્યાટ્રી ક્લિનિકની સ્થાપના એકલા હાથે કરી. “પૃથ્વી સાઇક્યાટ્રી ક્લિનિક”
થોડાક જ સમયમાં સાથે ભણતો હતો તે આકાશ સાથેની મૈત્રી પ્રેમમાં પરિણમી. ઠાવકા, વિવેકી અને પ્રેમાળ આકાશ સાથેના હસ્તમેળાપ સાથે ધરતીના બાવળા મજબૂત થયા. સેવા અને સંપત્તિ વચ્ચે ધરતી અને આકાશના ઘરે ખ્યાતિનો જન્મ થયો.
ઉખડખાબડ ભર્યું ધરતીનું જીવન હવે સમતલ થવા લાગ્યું. સવાર સાંજ માનસિક બીમાર લોકોના સમાધાન કરતાં કરતાં એટલું થાકી જવાતું કે પલંગમાં પડતાં વેંત જ ઊંઘ આવી જતી હતી.
શિયાળાની એક રાત્રે ધરતી પૃથ્વીના નામની ચીસ પાડીને એક કાને હાથ દઈને ઝબકીને જાગી ગઈ.
“શું થયું ધરતી, કેમ આટલું હાંફે છે?” આકાશે ધરતીના ખભે હાથ મૂકીને પોતાની તરફ જકડીને પૂછ્યું.
આકાશ છેલ્લા ઘણાંય દિવસથી રોજ રાત્રે મને પૃથ્વીના ભણકારા સંભળાય છે.
“હાથ લાવ દીદી…હાથ લાવ દીદી…”

સ્પંદન-18

ક્યારેક તીખી તલવાર
ક્યારેક આંસુડાં ચોધાર
અજબ આ નયનની દ્રષ્ટિ
બદલી જાય સકળ સૃષ્ટિ
આશા અભિલાષાની ઉષા
કે આતુર નયનોની તૃષા
ખોળે ખુશીઓનો ખજાનો
સકળ સંસાર લાગે મજાનો
ક્યારેક હસાવે, ક્યારેક રડાવે
જિંદગી હમેશાં નિતનવા પડાવે

આંખો …સ્વપ્નિલ સંસારની પાંખો…આંખોમાંથી અમી વરસે.. ને ક્યારેક ગુસ્સો તો ક્યારેક જુસ્સો…તો ક્યારેક વેરનું  ઝેર…આંખો માનવીનો ભાવ છે અને સંસાર સૃષ્ટિમાં દ્રષ્ટિનો પ્રભાવ છે.  આંખો એ મનના સોફ્ટવેરનું હાર્ડવેર છે  અને દ્રષ્ટિ એ આ સોફ્ટવેરનો પ્રોગ્રામ છે. મન અને આંખોનું સંકલન હોય છે. મનના ભાવનો આંખો પર હમેશાં પ્રભાવ હોય છે. દીપક કેટલો પણ નાનો હોય, પ્રણામનો અધિકારી બને છે. આગ કેટલી પણ મોટી હોય, ધિક્કારને પાત્ર બને છે.

સામાન્ય રીતે આંખો સવારમાં ખૂલે અને દિવસની શરૂઆત થાય છે. તેથી જ કદાચ કહેવત પડી હશે કે  ‘જાગ્યા ત્યારથી સવાર’. આ કહેવત તો જૂના સમયથી હશે પણ પ્રશ્ન એ છે કે માણસ જાગે છે ખરો? દુનિયાદારીની પળોજણમાંથી તે છૂટી શકતો નથી. પ્રથમ પૈસાની દોડમાં તે શરીર સ્વાસ્થ્ય ગુમાવે છે , પછી સ્વાસ્થ્ય મેળવવા માટે પૈસા ખર્ચે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે જીવનની દૃષ્ટિના કેન્દ્રમાં શું હોઈ શકે ? ધન કહો કે સંપત્તિ , બંગલા, કાર કે બેંક બેલેન્સ, આ બધાં માનવસર્જિત સાધનો છે. તે  જીવનને સરળ ચોક્કસ બનાવી શકે છે પણ તે જીવન નથી. જીવન એ રોજબરોજના જીવનની સરળતા છે,  જેના પર કદાચ કોઈનું ધ્યાન ભાગ્યે જ જાય છે. હવા, પાણી અને શુદ્ધ વાતાવરણ કે આરોગ્યપ્રદ ખોરાકનું મહત્વ ઓછું ન આંકી શકાય. ચોવીસ કલાક શ્વાસ લેતો માનવી પણ જો થોડી મિનિટ શ્વાસ ન લઈ શકે તો શું થઈ શકે તે કોરોનાથી થંભી ગયેલું વિશ્વ  જાણી ગયું છે.  ગઈકાલની સફળ દુનિયા આજે હાંફી રહી છે. ત્યારે થાય છે કે જીવનની દૃષ્ટિ, વિકાસની દૃષ્ટિ શું હોઈ શકે ? અસ્તિત્વ અને વિકાસનો સંઘર્ષ આજે સહુ અનુભવે છે. મિત્રતા અને સત્કાર , ટુરિઝમ અને બીઝનેસ  આજે માસ્ક અને વેક્સિનનો પડકાર ઝીલી રહ્યાં છે. અર્થ પંડિતોને પણ જીવનના અર્થનું મહત્વ સમજાયું છે.  વિશ્વની દૃષ્ટિ બદલાઈ છે.  જીવનનો હેતુ માત્ર વિકાસ જ નહીં,  કલ્યાણ પણ છે તેવી દ્રષ્ટિ ઉદભવી છે.  દૃષ્ટિ એ માત્ર ભૌતિક નથી, વ્યક્તિગત નથી,  સાર્વત્રિક પણ છે. તેમાં જ માનવ કલ્યાણ છે તેવી સમજણ હવે આકાર લઇ રહી છે. આ  તો સામાજિક કે આર્થિક દૃષ્ટિબિંદુ છે પણ માણસની વ્યક્તિગત દૃષ્ટિ શું હોઈ શકે?

દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, વક્ર દૃષ્ટિ અને કૃપા દ્રષ્ટિ. ક્યારેક લાગે કે આ તો જ્યોતિષ વિજ્ઞાન ચાલી રહ્યું છે. શનિની વક્રદ્રષ્ટી અને ગુરુની કૃપાદૃષ્ટિની વાતો ઘણાના મનમાં જાગૃત થતી હોય છે. ગ્રહો તે પ્રમાણે વર્તન કરે છે કે નહીં તે મતમતાંતરનો વિષય છે. પણ સંસારચક્રના રાહ પર ચાલનારા સહુનો અનુભવ છે જ કે કોઈની કૃપાદૃષ્ટિ મેળવવા માટે ઘણા લોકો જાતજાતની યુક્તિ પ્રયુક્તિઓ અજમાવતા હોય છે.  દૃષ્ટિ, ભાવનું સર્જન કરે છે. કોઈના પ્રત્યે ભાવ કે અનુરાગ હોય તો સ્નેહદૃષ્ટી પ્રગટતાં વાર લાગતી નથી.  જીવનભર એકબીજાની અમીદ્રષ્ટિ પામવાની અભિલાષા  સહુ કોઈની હોય છે. કદાચ પ્રેમ શબ્દ પણ આ જ પ્રકારમાં આવી શકે છે.

દૃષ્ટિ શું કરી શકે અને શું ન કરી શકે? આ વાતનો તાગ મેળવવા મહાભારતથી ઉત્તમ ઉદાહરણ બીજું કયું હોય? દ્રષ્ટિહીન રાજા ધૃતરાષ્ટ્રનો સાથ આપવા આંખે પટ્ટી બાંધી રાખતી  પતિભક્ત ગાંધારી યાદ આવ્યા વિના ન રહે. પતિપરાયણતા  એ પણ દ્રષ્ટિ જ જન્માવે છે.  જો  ધૃતરાષ્ટ્રને સામાન્ય દૃષ્ટિ હોત તો કદાચ મહાભારતનો ઈતિહાસ જુદો જ હોત. મહાભારત પણ પુત્રમોહથી પીડિત ધૃતરાષ્ટ્ર અને રાજ્યમોહથી પીડિત દુર્યોધનની કથા જ છે ને? તો ગુરુ દ્રોણાચાર્ય અને રાજા દ્રુપદની  વેર દ્રષ્ટિ અને કૌરવ પાંડવના વેરની દ્રષ્ટિની કથા પણ છે.  હજારો વર્ષ પછી પણ મોહ, વેરઝેર , ઈર્ષ્યા અને સિંહાસનનો મોહ  આજના  વિશ્વમાં પણ દેખાશે જ. વેક્સિન હોય કે વેપાર, સમગ્ર વિશ્વ વિશ્વશાંતિની ઝંખના વચ્ચે, બબ્બે વિશ્વયુદ્ધ બાદ આજે પણ વિભાજીત છે. અનુભવ એવો રહ્યો છે કે સ્પર્ધા , પ્રતિસ્પર્ધા અને કાવાદાવાનું , વેરઝેરનું વિશ્વ આજે પણ જીવંત છે. શક્ય છે કે  ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણના કારણે જ આવું બને છે. માનવીની દૃષ્ટિ સમાન હોતી નથી અને સમાનતાની વિચારસરણી હોવા છતાં કેટલાક પ્રત્યે પક્ષપાત એ વાસ્તવિકતા છે.

એક જ પરિસ્થિતિમાં પણ કેટલો અલગ પ્રતિભાવ હોઇ શકે તે જાણવા જેવું છે. …એક દારૂડિયા પિતાનો પુત્ર હતો. જન્મથી જ તેણે જોયું કે પિતા દારૂ પીવે છે, સાંજે કામ પરથી ઘેર આવી મારપીટ કરે છે, ગાળો બોલે છે. તેણે એવું વિચાર્યું કે જીવન આ રીતે જ જીવાય. તે પણ કુસંગે ચડી દારૂ પીવા લાગ્યો, પિતાની જેમ જ દારૂડિયો બની ગયો…પોતાનું જીવન વેડફી દીધું. જ્યારે આવીજ પરિસ્થિતિમાં બીજા એક દારૂડિયાનો પુત્ર હતો. તેણે વિચાર્યું કે પિતા દારૂ પીને આવે છે. માતાને મારપીટ કરી રડાવે છે. આ જોઈ તેણે નક્કી કર્યું કે હું ક્યારેય દારુને હાથ નહિ લગાડું…માટે ફક્ત સંજોગો કે પરિસ્થિતિને દોષ આપીએ તે યોગ્ય નથી. જેવો આપણી પ્રતિભાવ તેવું પરિણામ.
માટીને ગરમી મળે તો કઠણ થાય ને મીણને ગરમી મળે તો એ  પીગળે. ગરમી એ જ છે પણ પરિણામ અલગ. તમે કેવા છો ….તમારી દૃષ્ટિ કેવી છે…એના પર બધું નિર્ભર છે.

કેન્યાનો દોડવીર આબેલ મુતાઈ ફિનીશ લાઈનથી થોડે દૂર હતો ને કોઈ નિશાની જોઈને ગૂંચવાઈ ગયો. તેને લાગ્યું કે તેણે રેસ પૂરી કરીને જીતી લીધી છે. તેની પાછળ જ હતો સ્પેનિશ દોડવીર, ઇવાન ફર્નાન્ડીઝ, જે  વસ્તુસ્થિતિ સમજી ગયો. તેણે મુતાઈને દોડવાનું ચાલુ રાખવા બૂમ પાડી. પણ ભાષા ન સમજવાના કારણે મુતાઈને ખબર પડી નહિ. આથી ફર્નાન્ડીઝે મુતાઇને ધક્કો મારી વિજય અપાવ્યો. રિપોર્ટરે ઇવાનને પૂછ્યું કે તે રેસ જીતી શકે તેમ હતો છતાં તેણે શા માટે મુતાઇને જીતાડ્યો. ત્યારે તેણે કહ્યું કે રેસ તેની જ હતી ને તે જીતી રહ્યો હતો. જો હું જીતું તો તેમાં ઉત્કૃષ્ટતા ક્યાં રહી? એ એવોર્ડ મને માન સન્માન આપી શકે? મારી માતા મારા માટે શું વિચારે?  આખરે તો ગાંધી ચિંધ્યા માર્ગે સાધન અને સાધ્યની શુદ્ધિની વાત અપનાવવાની વાત છે. આપણા બાળકો ક્યા મૂલ્યો શીખે એમ આપણે ઇરછીશું? કેટલાક લોકો એવા પણ હોય છે જે બીજાને શક્તિશાળી બનાવવાના બદલે તેની નબળાઈનો લાભ ઉઠાવે છે. જો આપણે બીજાને ફિનીશ લાઇન સુધી પહોંચાડીએ તો એમાં જીત આપણી પણ  છે.

બહારના વિશ્વ માટે આસપાસના લોકોનો સહકાર જોઈએ. અંતરંગ વિશ્વ માટે તો ફક્ત પોતાની જ જરૂર છે. સાથે એ પણ એટલું જ સાચું છે કે તમારી આસપાસ અશાંતિ અને અરાજકતા હશે તો તમે કઈ રીતે શાંતિથી રહી શકશો? આપણી દૃષ્ટિ લાઈફબોટ જેવી નહિ પણ લાઈટહાઉસ જેવી રાખો. લાઈફબોટ તો થોડા લોકોને જ બચાવી શકે. પણ લાઈટહાઉસ તો ઘણા લોકો માટે પથપ્રદર્શક બની શકે. આપણા જીવનનું લક્ષ્ય તો લાઈફબોટ કે લાઈટહાઉસ બનવાનું નહિ પણ  ધ્રુવતારક બનવાનું હોય. એ જ છે જીવનની સાચી દૃષ્ટિ.

રીટા જાની
21/05/2021