મિત્રો,
૮ મી મેં એ મારાં અને આપણાં સૌનાં વ્હાલા ધ્રુવદાદાનો જન્મદિવસ હતો. તો ચાલો સૌ પ્રથમ તો આજની સંસ્પર્શ શ્રેણીમાં ધ્રુવદાદાને વંદન અને વ્હાલ સાથે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીએ.૮મી મેં અને ૧૯૪૭નાં રોજ ભાવનગરનાં નીંગાળા ગામમાં માતા હરિવ્રતાબહેન અને પિતા પ્રબોધરાયનાં ત્યાં જન્મેલા ધ્રુવ ભટ્ટ જીવનનાં ૭૫ વર્ષ ખૂબ સુંદર રીતે જીવ્યા.પ્રેરણાદાયી જીવન જીવી તેમનાં સ્વાનુભવો અને સ્વાનુભૂતિને અલગ રીતે જ પુસ્તકોમાં કંડારી દાદાએ આપણને નવી જીવનદ્રષ્ટિ આપી.દાદા જ્યારે ૭૬માં વર્ષમાં પ્રવેશે છે ત્યારે તેમનાં સ્વસ્થ અને આનંદમય શેષ જીવનની પ્રભુને પ્રાર્થના કરીએ.
ચાલો, આજે એમની જીવનયાત્રાની મધુર વાતો વાગોળી તેમાંથી આપણે પણ કંઈ શીખીએ.
ધ્રુવદાદાનાં પિતાની સરકારી નોકરીમાં બદલી થવાને કારણે તેઓ અગિયારમાં ધોરણમાં આવ્યાં ત્યાં સુધીમાં ૧૧ ગામ ફર્યા. જુદાં જુદાં ગામનાં પાણી પીને ,જાતભાતનાં લોકોને મળી,જાફરાબાદનો દરિયો ,ગામની નદી,ખેતરો ,ઝાડવાં અને કુદરતને પ્રેમ કરી તે સંવેદનોને તેમણે સમર્થ સર્જક બની કલમમાં કંડાર્યા.
તેમની ઊંધું વિચારવાની રીતે અને નાનામાં નાના માણસો અને બાળક સાથે બાળક જેવા સહજ અને નિર્દોષ બનવાની તેમની રીતે તેમને બધાં સાહિત્યકારોથી સાવ નોખું જ સર્જન કરનાર લેખક,નવલકથાકાર અને અનોખા ગીતનાં રચયિતા બનાવ્યા.તેમના દરેક સર્જનમાં તમને અનુભૂતિનું ઊંડાણ,માનવીની સંવેદનાનું કંઈક જુદીજ રીતે અનુભવેલ સંવેદન,કશુંજ સીધેસીધું ન કહેવાયા છતાં ,પાત્રોનાં સંવાદોમાંથી નીતરતાં જીવન જીવવાનાં સાચાં મૂલ્યો અને સચ્ચાઈની અદ્ભૂત વાતો જોવા મળે છે..નદી,દરિયો,જંગલ,ઝાડ,પહાડ,પર્વત,વાદળ કે વરસાદ સાથે વાત કરી આપણને પણ કુદરતની લગોલગ પહોંચાડવાની તેમનાં મૌન શબ્દોની તાકાત તેમનાં દરેક સર્જનમાં નીતરે છે. તેમનાં શબ્દોની તાકાત,તેમની સહજ ,સરળ ભાષા કે બોલી ,તમને અનોખી સંવેદનામાં નવડાવી તેને અઢળક પ્રેમ કરતાં કરી દે છે.અકૂપારનું ગીરનું જંગલ હોય,સમુદ્રાન્તિકેનો દરિયો હોય,તત્વમસિની રેવા હોય,તિમિરપંથીનાં અડોડિયા કે ડફેર લોકો હોય કે અતરાપીનાં સારમેય જેવા કૂતરા હોય તમે ધ્રુવદાદાનાં પુસ્તક વાંચી તમે પણ તેને પ્રેમ કરતાં થઈ જાઓ.
તેમનાં સહચારિણી દિવ્યાબહેનનો સાથ એટલો પ્રેમાળ અને હૂંફાળો કે “દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે “તે વાક્યને તેઓ શબ્દસ: પૂરવાર કરે છે.જીવનની દરેક મુશ્કેલીમાં અને દાદાની દરેક વાતમાં કે ઘટનામાં -ભલેને તે નોકરી છોડવાની વાત હોય ,નિવૃત્તિ લેવાની વાત હોય કે બાળકોને દરિયે પ્રવાસ કરવા લઈ જવાનાં હોય ,દિવ્યાબહેન ધ્રુવદાદાની લગોલગ હસ્તે મોંએ હાથ ફેલાવી ઊભા જ હોય .સ્ત્રી પાત્રોનાં સપોર્ટથી જ આ દુનિયા દોડી રહી છે એવું કદાચ દિવ્યાબહેનના સાથને લીધે જ દાદાને લાગ્યું હશે કારણકે તેમની નવલકથાનાં બધાંજ સ્ત્રી પાત્રો ખૂબ બાહોશ,ચપળ અને ઉજ્જવલ અને દિલનાં સાફ તેમજ અલગ તરી આવે તેવાં મજબૂત છે. તે અકૂપારની સાંસાઈ,અગ્નિકન્યાની દ્રૌપદી,સમુદ્રાન્તિકેની અવલ હોય.
ધ્રુવદાદા નાના હતાં ત્યારે તેમને ભણવાનું બહુ ગમતું નહીં,એટલે કોલેજનાં પહેલા વર્ષ પછી તેમણે ભણવાનું છોડી દીધું. ભણવાનું ભલે છોડી દીધું પણ એમની અંદર પોતાની જાત પરનો આત્મવિશ્વાસ,ભીતરમાં ભરેલી સચ્ચાઈ,નાનામાં નાની વ્યક્તિને પ્રેમ કરવાની વૃત્તિએ તેમને ઉત્તમ સર્જક અને અદના માનવ તરીકે ઉજાગર કર્યા.
ધ્રુવદાદાએ નક્કી કર્યું હતું કે ૫૦ વર્ષ પછી નોકરી છોડી દેવી અને બાળકો માટે ભણવાનું ન હોય અને છતાં તેમનો કુદરતી રીતે વિકાસ થાય તેવી સ્કુલ કરવી હતી.તેમના મિત્ર કાન્તીભાઈએ દાદાને નવી સ્કૂલ કરવાને બદલે ,તેમની પિંડવળની સ્કૂલનાં બાળકોને જ એવી પ્રવૃત્તિ કરાવવાનું કહ્યું. દાદા જ્યારે સ્કુલમાં ગયા તો નાના ,સાત આઠ વર્ષનાં બાળકો પ્રાર્થના કરી રહ્યાં હતાં,
“મારાં પાપ ભર્યા છે એવા હું ભૂલ્યો કરવી સેવા” તો દાદાને તરત વિચાર આવ્યો કે આટલાં નાનાં છોકરાઓએ શું પાપ કર્યા છે ? અને એ લોકો જ ભગવાનનાં સ્વરૂપ છે ,તો એમને શું ભગવાનની સેવા કરવાની અને એમણે બાળકોને કહ્યું કે આજથી આપણે આવી પ્રાર્થના નથી કરવી અને આપણે કંઈક રમત રમવાનું અને કવિતાઓ અને ગીતો ગાવાનું શરુ કરીએ.
ધ્રુવદાદાએ એક એક બાળકને ઊભા કરી ,તે બાળકે પોતાને ગમે તે પાત્ર બની તેની એક્ટીંગ કરવાનું કહ્યું. કોઈ બાળક રીંગણ બન્યું તો કોઈ મરચું અને આમ દરેક બાળકે પોતે જે બન્યો હોય તેની એક્ટીંગ કરી થોડો પરિચય આપવા ઊભું થતું.આમ બાળકની કલ્પનાશક્તિ અને બધાં વચ્ચે ઊભા રહી બોલવાથી બાળકનો આત્મવિશ્વાસ પણ વધે તેવું દાદા વિચારતાં. બધાં છોકરાઓનો વારો પતી ગયો એટલે બાળકો કહે ,”દાદા હવે તમારો વારો.”બાળકોએ કહ્યું ,”દાદા હવે તમે શું બનશો? દાદા તમે વાદળ બની જાઓ.”અને દાદા વાદળ બની ગયાં અને તે જ સમયે લય સાથે જે ગીત પ્રગટ્યું તે….
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે
આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતા વાવણા મિષે
આપણે તો આકાશ ભરીને આવવું અને છટકી જાવું એવડું વનેવન
નાગડા ના’તા છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ ના’વાનું મન
હોય એવું તો થાય ગણીને આપણે તો બસ વરસી જાવું ગામને માથે સીમને માથે, ઉગમણે આથમણી દિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણા વિશે
સાવ ધોળાં કે સાવ કાળાં જેમ ચાહીએ એવા ફૂલ ગુલાબી રંગની રેલમછેલ
આપણી મોજે આપણાં ચિત્તર કાઢીએ એવું આયખું મળે દેહની તૂટે જેલ
આપણે તો બસ આપણામાંથી નીકળી જાવું ઝરમરને કોઈ અજાણી ઝાકળ-ઘેલી પાંદડી વિશે
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈઆપણા વિશે
આમ ધ્રુવદાદાને તો વાદળ બની પેલા પરમનાં પ્રેમનાં ધોધમાં ન્હાવું છે. પ્રેમનાં એ ચિરંતન વહેતા ધોધમાં નાનકડાં બાળકની જેમ નાગડા ઊભા રહી,સંસારનાં વેરઝેર,ઈર્ષા ,દંભનાં વસ્ત્રો ઊતારી મનભરી ન્હાવું છે.દેહની જેલ તોડી , ફૂલ ગુલાબી રંગોની રેલમછેલ કરી,મોજનાં ચિત્રો દોરવા છે.ચાલો ,આપણે પણ ધ્રુવદાદા સાથે જોડાઈ આપણાંપણાંમાંથી નીકળી ,અહંકારનાં આંચળાને દૂર કરી ,વાદળ બની પ્રેમનાં ધોધમાં બાળક બની ન્હાવા જઈએ.જન્મદિવસ નિમિત્તે દાદાને ચરણસ્પર્શ સાથે અઢળક શુભેચ્છાઓ.
જિગીષા દિલીપ
૧૧મી મેં ૨૦૨૨