
નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર, આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-45 ‘ચાર દિન’ એની 44મી ગઝલ અને રસાસ્વાદ.
આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર. સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા
ગઝલ –
જિંદગીના ઠાઠભપકા ધિંગામસ્તી ચાર દિન,
ચાર દિ’ કચરામાં રોટી પેંડા બર્ફી ચાર દિન!
રોશની અંધકાર આંસુ સ્મિત પીડા શાંતિ,
સૌનું આ આવાગમન છે વારાફરતી ચાર દિન,
છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા,
ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન!
કોની પાસે છે સમય ને કોનો માંગું હું સમય!
એ મને પણ ક્યાં કદી નવરાશ મળતી ચાર દિન!
એ તરફ જોવાની ફુરસદ ક્યાં હતી મારી કને,
એણે તો ખુલ્લી જ રાખી’તીને ખિડકી ચાર દિન!
એ મને ભૂલી નથી એ વાત સાબિત થઈ ગઈ,
આવવા માંડી મને હિચકી પે હિચકી ચાર દિન,
પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી,
દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન!
– ખલીલ ધનતેજવી
રસાસ્વાદ :
આખરે માણસને જિંદગી જીવતાં આવડી જ જાય છે. જેવા સંજોગો તેને અનુરૂપ આચરણ કરવાનું અનાયાસ આવડી જતું હોય છે. આમ છતાં ગમે તેટલી તકલીફ હોય, પૈસાની તંગી હોય છતાં, તહેવારોની ઉજવણી કરવી, તેને માટે યોગ્ય ખાણીપીણીની તેમજ પહેરવેશની વ્યવસ્થા કરવી, આ બધું પણ જીવતરનો જ એક ભાગ છે, તે માનવી જાણે છે. એટલે ખુશીની પળો માણી લેવાનું તે ચૂકતો નથી. પછી ભલે બીજા દિવસથી ફરી પાછી રાબેતા મુજબની જ જિંદગી જીવવાની હોય! એટલે જેમ આપણે જાણીએ છીએ તેમ, દિવાળીના તહેવારો નજીક આવતા હોય ત્યારે આખું બજાર ખરીદી કરનારાઓથી ઊભરાતું હોય છે. આવું નાતાલ કે, બીજા નાના મોટા તહેવારોમાં પણ બનતું હોય છે. ગરીબ અને નિચલા મધ્યમવર્ગીય લોકો માટે આ અનિવાર્ય છે. કારણ કે, તેઓની પાસે એવા વધારાનાં કપડાં નથી હોતાં જે તહેવારમાં પહેરી શકે. એટલે એ ચાર દિવસ ઠાઠથી ફરી લે. પછી તો પાછું એનું એ જ!
સુખ દુઃખ, દિવસ રાત, ઉજાસ અંધકાર, શાતી પીડા, હસવું રડવું, આ બધાં દ્વંદ્વ વારાફરતી બદલાતાં રહે છે. સ્થાયી કશું જ નથી. અહીં આપણને આ ગીત યાદ આવી જાય છે.
રાત ગયી ઓર દિન આતા હૈ,
ઈસી તરહ આતે જાતે હૈ,
યે સારા જીવન જાતા હૈ.
હો…. રાત ગયી.
અને આ આવાગમનને લીધે જ માણસથી જીવી શકાય છે. વિચાર કરો કે, વર્ષો સુધી રાત જ રહે તો? પીડા કે દુઃખનો અહેસાસ કાયમ રહે તો? જીવન કેટલું દોહ્યલું થઈ પડે! આવાગમનને લીધે દુઃખના દિવસોમાં આપણાં મનમાં ધરપત રહે છે કે, આ સમય પણ જતો રહેશે. અને એ આશાએ કપરો સમય પસાર થઈ જાય છે. પણ હા, સુખના દિવસો વધુ હોય તો પણ જાણે, ઝડપથી પુરા થઈ જાય છે. અને દુઃખના ચાર દિવસ પુરા થતાં જ ન હોય તેવું લાગે છે. પ્રેમીઓ માટે મિલનનો સમય આંખના પલકારામાં પતી જાય છે. ને પાછી આવીને ઉભી રહે જુદાઈ! અને તેમાં ય વિરહના એ દિવસો તો યુગ જેવા લાંબા લાગે! અને ત્યારે પ્રેમી અનાયાસ જ આ ગીત ગાઈ ગદ્દગદીત થઈ ઉઠશે.
ચાર દિનકી ચાંદની ઓર ફિર અંધેરી રાત હૈ!
શેર છે :
છે બહું લાંબા વિરહના ચાર દિવસ આકરા, ખૂબ ટૂંકી છે મુલાકાતોની અવધિ ચાર દિન!
ઘણીવાર આપણને એવો અનુભવ થાય છે કે. આપણે કોઈની જરૂર હોય પણ એને સમય જ ન હોય. એ પોતાના વ્યવસાયમાં, સંસારમાં, અને જવાબદારીના ભારણમાં બિલકુલ વ્યસ્ત હોય. એને ખરેખર સમયનો અભાવ હોવાથી તે આપણી મદદે નથી આવી શકતો પણ આપણું મન દુઃખ અનુભવે છે. આપણને ખોટું લાગે છે. પરંતુ આવા સમયે આપણે એ દિવસો યાદ કરવા જોઈએ, જ્યારે આપણને પણ નવરાશ નહોતી. આપણે પણ કોઈ માટે સમય નહોતા આપી શકતા. કોઈ આપણી ગમે તેટલી રાહ જોતું તો પણ આપણી પાસે એમની પાસે જવાનો કે, એ તરફ નજર કરવાનો પણ સમય નહોતો. કોઈ ગમે તેટલી રાહ જુએ છતાં આપણાંથી ના જ જવાય ત્યારે આપણને તે યાદ કરે છે તેનો અહેસાસ કેવીરીતે થાય ખબર છે? આપણને હેડકી આવવા લાગશે! લાંબા સમય સુધી.
સ્નેહીના મિલનનો અભરખો તો ઘણો હોય છે. કાગ ડોળે એની રાહ જોવાતી હોય છે. પણ જ્યારે અચાનક સામનો થઈ જાય ત્યારે બોલતી બંધ થઈ જાય છે. હજારો વાતો કહેવા વિચાર્યું હોય પણ સમય આવે ત્યારે ના જ બોલાય! બધું જાણે બાષ્પીભવન થઈ જાય અને દાંતો તળે આંગળી દબાવીને બસ ઉભા રહ્યા સિવાય કશું જ ન થઈ શકે! એ દ્રશ્યને ખલીલ સાહેબ આ શેરમાં હુબહુ ખડું કરે છે.
પાંચમાં દિવસે ખલીલ એ સ્હેજ કંઈ બોલી શકી,
દાંતમાં દાબીને ઊભી’તી એ ટચલી ચાર દિન!
જીવનના જુદાજુદા પડાવો પર આવી મળતાં, ખુશી અને ગમ, ચડતી અને પડતીને સમતોલ રહીને જીવવાની વાતો કહી જતી આ ગઝલ આપ સૌને જરૂર ગમી હશે. ફરીથી સુંદર મઝાની એક ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.
રશ્મિ જાગીરદાર