મિત્રો
આજે એક ખુબ જ સુંદર અને અતિ સંવેદનશીલ કાવ્ય લાવી છું.
બહુ જ સરસ શબ્દો છે.ઉમરની સાથે પ્રેમ કરવાની રીત પણ બદલાઈ જાય.
પ્રેમ કયારે વ્યક્તિની આદતમાં સમાય જાય છે અને આપણને ખબર પણ પડતી નથી ..
રોજ રોજની આપણી ક્રિયા અને કાર્ય … દવા આપવી ,ચશ્માં ગોતવા ,પ્રેમ દર્શાવવાનું માધ્યમ બની જાય છે ..
હવે વેણી લાવવી નથી પડતી પણ મોજા પહેરાવી વ્હાલ દર્શાવાય છે,અને
જગડવાનો તો સવાલ જ નથી પરંતુ એમના સિવાય હવે કોઈ જગડવા માટે છે પણ નહિ . .
છેલ્લે તો આપણે બે જ હોઈશું આ શબ્દો કહે… .માળો ખાલી છે….
કવિ, સર્જક અને સર્જન
ગુજરાતી સાહિત્યકાર રાજેન્દ્રભાઈ ના પત્ની ના શબ્દો માં કહું તો….
એનું બધુ જ જેવું હોય તેવું ગમે ગમે… -નયના શુક્લા
ભલે ઝગડીએ,ક્રોધ કરીએ,એકબીજા પર તૂટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
જે કહેવું હોય એ કહીલે,જે કરવું હોય એ કરીલે,
એકબીજાના ચોકઠા શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બેજ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે,યાદશક્તિ પણ પાંખી થશે,
ત્યારે,એકબીજાને એકબીજામાં શોધવા છેલ્લે તો આપણે બેજ હોઈશું.
ઘુટણ જયારે દુખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગનાં નખ કાપવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.
મારા રીપોર્ટસ તદ્દન નોર્મલ છે,આઈ એમ ઓલરાઈટ ,
એમ કહીને એકબીજાને છેતરવા,છેલ્લે તો આપણે બેજ હોઈશું.
સાથ જયારે છૂટી જશે,વિદાય ની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.
“મૃગાંક શાહ
