આભાર અહેસાસ કે ભાર (8) રોહિત કાપડિયા

માનનીય પ્રજ્ઞાબેન,

કુશળ હશો. આ સાથે ‘ અંતર્ગત એક લેખ મોકલું છું.

     આભાર-અહેસાસ કે ભાર

————————————–

ટેક્ષીમાં એ એક અજાણ્યા દેશમાં એનાં પરિચિતને ત્યાં જઈ  રહયા હતાં. શિયાળાની ખુશનુમા સવાર હતી. ડ્રાયવર મીઠું મીઠું ગીત ગણગણતાં ટેક્ષી હંકારી રહ્યો હતો.ત્યાં જ અચાનક એક કચરાની દુર્ગંધ મારતી ટ્રક એમની ગાડીને ખોટી રીતે ઓવરટેક કરીને જતી રહી.  એને થયું કે ટેક્ષી ડ્રાયવર હમણાં બે ચાર ગાળો ભાંડશે,

એનાં બદલે એણે  તો પાસે રહેલી પરફયુમની બાટલી ખોલીને ટેક્ષીમાં છાંટી દીધું. આગળ સિગ્નલ પર એ જ કચરાની ગાડી પાસેથી પસાર થતાં એણે ગાડીની બારીનો કાચ ખોલીને પેલાં ડ્રાયવરને કહ્યુંઆભાર.અને એ આગળ નીકળી ગયો.સહેજ આશ્ચર્ય સાથે પ્રવાસીએ પુંછ્યુંતમે ગુસ્સો કરવાને બદલે શા માટે આભાર વ્યક્ત કર્યો ?એણે હસીને કહ્યુંસાહેબ, એનાં કારણે તો મને પરફયુમ છાંટવાનું યાદ આવ્યું આપણી ટેક્ષીને મહેંકતી કરવામાં સહાયરૂપ થવા બદલ મેં એનો આભાર માન્યો.આ છે આભારની એક નવી પરિભાષા.આભાર વ્યક્ત કરીને ગુસ્સાને હાસ્યમાં ફેરવી શકાય. નકારાત્મકતાને હકારાત્મક્તામાં પલટાવી શકાય.અહીં ધુમ્રપાન કરવાની મનાઈ છે’ ના બોર્ડના બદલેઅહીં ધુમ્રપાન ન કરવા બદલ આપનો આભાર’ કેટલી સુંદર અસર છોડી જાય છે.

આપણને મુસીબતમાંથી બહાર કાઢનાર ,આપણી આર્થિક તકલીફને દૂર કરવામાં મદદરૂપ થનાર,આપણને નાની મોટી સહાય કરનાર, આપણા દુઃખમાં સહભાગી થનાર, આપણને સાચી રાહ દેખાડનાર કે જિંદગીની સફરમાં આપણને સાથ દેનાર એ બધાં  ‘આભાર’ ના હકદાર છે.આભાર વ્યક્ત કરવાથી આપણે થોડો ભાર ઉતારી શકીએ છીએ.થોડાં હલકા,થોડાં હળવા થઇ શકીએ છીએ. અલબત,આભારનાં એ ઉદગાર માત્ર મુખેથી બોલાયેલાં શબ્દો નહીં પણ હૃદયથી પ્રગટેલો ભાવ હોવા જોઈએ.આ જિંદગી ભલે આપણી હોય એ જિંદગીને ધબકતી રાખવામાં કૈંક હજારો માનવી કારણભૂત હોય છે. કદાચ આપણને એનો ખ્યાલ સહજતાથી નથી આવતો,પણ જો જરાક સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો ડગલે ને પગલે આપણને આપણા પર ઉપકાર કરનાર વ્યક્તિ મળે. આપણને આ ધારા પર અવતરવામાં નિમિત બનનાર માં-બાપ,આ અવતરણને સફળ બનાવનાર ડોક્ટર,નર્સ,શિશુ અવસ્થામાં આપણું દયાન રાખનાર સ્વજનો,શિક્ષા આપનાર શિક્ષકો,અન્ન ઉગાડનાર ખેડૂત,આપણા કપડાં સીવનાર દરજી,આપણા પગરખાં સીવનાર મોચી, આપણું ઘર બનાવનાર શિલ્પીઓ,મજૂરો,આપણને એક સ્થળેથી બીજા સ્થળે સહી સલામત પહોંચાડનાર રીક્ષા,ટેક્ષી,ટ્રેન કે પ્લેનના ચાલક,આપણા આંગણને અને શહેરને સ્વચ્છ રાખનાર કર્મચારીઓ,આપણામાં ધર્મનાં સંસ્કાર સિંચનાર ગુરુઓ,આપણી જીવન જરૂરીયાતોને પૂરી કરનાર વિવિધ કળામાં પારંગત એ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિઓ આ યાદીને જેટલી લંબાવવી હોય તેટલી લંબાવી  શકાય.આ બધાનો આભાર જો શબ્દોથી ન વ્યક્ત કરી શકાય એમ હોય તો આપણું વર્તન,આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે ઉપકાર કરનારને સંતોષનો અનુભવ થાય.

આ ઉપરાંત વહેતી હવા,ફળ-ફૂલની ભેટ આપતાં વૃક્ષો,જીવન માટે અમૃત રૂપી જળને પૂરું પાડતી નદીઓ,અડીખમ ઉભા રહીને પ્રકૃતિનું સંતુલન જાળવતાં પર્વતો,પ્રકાશ પાથરતો સૂર્ય,શિતળતા આપતો ચંદ્ર,અને આ બધાથી ઉપર આખી સૃષ્ટિનો સંચાલક પરમેશ્વર એ સર્વનો હર પલ આભાર માનવો જોઈએ.એક શાયરે બહુ જ સરસ વાત કહી છે —એ હવા ! તારી સખાવતને સલામ, ક્યાય તારાં નામની તકતી નથી.આભાર માનવાથી અહં નીકળી જાય  છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા , શકટનો ભાર જેમ શ્વાન તાણે આ વાતનો ખ્યાલ આભાર માનવાની વૃતિથી આવે. ડગલે ને પગલે આભાર માનવાથી જીવનમાં સરળતા આવે છે.બોઝિલ જિંદગી હળવી બને છે.આભાર’ના બે શબ્દો બોલવામાં ગુમાવવાનું કશું નથી પણ મેળવવાનું ગણું છે. વરસાદથી બચવા આપણે છત નીચે ઉભા હોઈએ ને કોઈક છત્રી લંબાવીને અંદર આવી જવા કહે ને આપણે આભાર માનતા અંદર ઘુસી જઈએ અને પછી છૂટા પડતા પણ આભાર માનીએ.આ ટૂંકી સફરમાં બંને થોડા થોડા ભીંજાય જતાં હોય છે ને તો પણ એકને મદદ કર્યાનો આનંદ હોય છે તો બીજાને થોડું ઓછું ભીંજાયાનો આનંદ હોય છે.આભાર એ આનંદની વહેંચણી છે.આભાર જો સાચા હૃદયથી માનવામાં આવે તો એ ભાર નહીં પણ એક એવો અહેસાસ બની રહે કે જેમાં ઋણમુક્ત થવાની ઝંખના પ્રબળ બને.

                                                રોહિત કાપડિયા

અહેવાલ -ગઝલકાર જયારે ગઝલ ગાય છે, ત્યારે વરસી જાય છે અને ન બોલે ત્યારે લોકો તરસી જાય.

કેલિફોર્નિયા મીલ્પીટાસ, ઇન્ડિયા કમ્યૂનિટિ સેન્ટર ખાતે “બેઠક”માં તારીખ ૨૭મી મે 2017ના એક અનોખી

“મનની મહેફિલ” ગુજરાતી ભાષાની “બેઠક”મા પ્રેક્ષકે  માણી.

“બેઠક” મા શરૂઆત મનીષાબેન પંડ્યા  તરફથી આવેલ ભોજનથી કરી. કોઈ એ કહ્યું છે ને અન્ન ભેગા ત્યાં મન ભેગા ​બસ અને લોકો સાત્વિક ગુજરાતી ભોજન સાથે ગુજરાતી પણાનો આનંદ લેતા “બેઠક”માં ગોઠવાયા. શોભિતભાઈની હાજરી થતા’બેઠક’માં કલ્પનાબેને પ્રાર્થના શરુ કરી અને શોભિતભાઈની લખેલ પ્રાર્થના રજૂ કરી બેઠકનો દોર શરુ થયો  ત્યારે બાદ પ્રજ્ઞાબેને સૌને  ‘બેઠક’નો પરિચય આપતા ગઝલ સાથે સૌને આવકાર્યા.“પુસ્તક પરબ”ના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યાને મંચ પર સંબોધન કરવા આમંત્રણ આપતા પ્રજ્ઞાબેને જણાવ્યું કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદની ગુજરાત શાખાના અધ્યક્ષ પદે  “પુસ્તક પરબ”ના પ્રણેતા  શિક્ષણવિદ્દ ડૉ. પ્રતાપભાઈ પંડ્યા અને જાણીતા સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.અને માટે આજે સમાજના અગ્રણી શ્રી સુરેશભાઈ પટેલ પ્રતાપભાઈ પંડ્યાનું ખેસ ઓઢાડી સ્ન્મ્માન કરશે.સુરેશભાઈ પટેલે પ્રતાપભાઇને અભિનંદન આપતા ખેસ પહેરાવી ભેટી નવાજ્યા.અને જાગૃતિબેને ફૂલોનો ગુલદસ્તો આપી આભિનંદન આપ્યા. ડૉ.પ્રતાપભાઈએ ‘બેઠક’ને  સંબોધન કરતા કયું બધાના સાથ સહકારથી જ આ કાર્ય થાય છે. આપણે સૌ સાથે મળી વધુ કાર્ય કરશું.

 

ત્યાર બાદ  શ્રી શોભીભાઈ હસ્તક સપનાબેન વિજાપુરા ના પુસ્તકનું વિમોચન  થયું સપનાબેનનો અને તેમના પુસ્તકનો પરિચય જયશ્રીબેને આપતા કહ્યું કે સપનાબેન હવે બેઠકના લેખિકા છે. ગઝલમાં કલમને કેળવી છે. પણ એક નોખા જ વિષય સાથે આ પુસ્તકમાં વાર્તાઓ લખી ગદ્ય પરીસ્યું છે તો સપનાબેને  આભારની લાગણી વ્યક્ત કરતા  કહ્યું કે શોભિતભાઈ મારા પ્રિય સર્જક છે એમના હાથે મારા પુસ્તકનું વિમોચન થયું તે ખરેખર મારા માટે ખુબ અમુલ્ય છે.  ‘બેઠક’જેટલા જ   પ્રતાપભાઈ મારું બળ છે અને મને સતત પ્રેરણા આપે છે. 

શોભિતભાઈ મંચ પર આવ્યા તે પહેલા ખ્યાતી બ્રમ્ભટ્ટએ એમની એક ગઝલ ની રજૂઆત કરી એમની કલમનો પરિચય આપ્યો તો શિવાની દેસાઈએ વિગતવાર ગઝલ સાથે એમનો પરિચય આપી ‘બેઠક’ના પ્રેક્ષકોને શોભિતભાઈ સાથે જોડી દીધા. પ્રેક્ષકો જેની રાહ જોતા હતા તેનો અંત આવ્યો શોભિતભાઈ એ મંચ સંભાળ્યો. અને પછી સતત કોઈ પણ ડોળ કે આડંબર વગર એમણે સહજ રજૂઆત કરતા ગયા કરતા ગયા અને લોકો ક્યારેક તાળીઓ તો ક્યારેક વાહ વાહ કહી દાદ દેતા,પણ શોભિતભાઈ ક્યાં તાળીઓ સંભાળતા હતા?  એ તો બસ વહેતા જળની જેમ અટક્યા વગર બસ ગઝલનું એક અનોખું માહોલ ઉભું કરી જાણે શબ્દોમાં પોતાને જ શોધતા હતા.ભાવક ચાહક અને પાઠક ત્રણે મહેફિલમાં હાજર હતા. વિસ્મય અને આનંદ બંને બેઠકમાં છલકાતા હતા.

એક કલાક ઉપર સતત બોલ્યા પછી એક બ્રેક લીધો ત્યારે આણલ અંજારિયાએ એમની સ્વરબદ્ધ ગઝલની સુંદર રજૂઆત કરી.લોકો એ તાળીઓથી એમને વધાવી.શબ્દો ને જયારે શૂર મળે છે ત્યારે તે શબ્દો જીવંત થાય છે.મહેશભાઈ રાવલે એ પણ પોતાની રજૂઆત કરી ત્યાં સુધી શોભિતભાઈ ચાર્જ થઇ ફરી મંચ પર ગોઠવાઈ ગયા.ફરી ‘બેઠક’નો એક નવો દોર શરુ થયો.નવા વાતાવરણમાં મરીઝ, કૈલાસથી લઈને ગાલિબ જાણે હાજર થઇ ગયા શોભિતભાઈએ અર્પણ કરેલી ગઝલે એમની યાદ તાજી કરાવી.આખી રજુઆતમાં મસ્તી બે હાથ ઉપર કરી ક્યારેક આકાશ તરફ તો ક્યારેક આપણી તરફ જોઈ વાત કરતા હોય. તો વળી ક્યારેક અચાનક ગઝલ યાદ આવી ગઈ હોય તેવા હાવભાવ સાથે બોલે આહાહા આ સાંભળો…,ક્યારેક અંદર છુપાયેલો કલાકાર ડોક્યું કરતો બહાર આવે અને સ્મિત કરી ગઝલ એવી તો બોલે કે એનો અર્થ શીરાની જેમ સોસરવો ઉતરી જાય. અને ક્યારેક તો કહેતા

  શોભિત ..

ઘડાયેલા નિયમને હું અનુસરવા નથી આવ્યો 

કોઈની પણ અહી ખાલી જગ્યા ભરવા નથી આવ્યો ….. 

જવા કોઈ તૈયાર ન હતું પણ ગયા ત્યારે લોકો તો ખોબો ભરીને ઘણું લઈને ગયા. તેમની અર્થ સભર સરળ ગઝલે લોકોનું અને નવા સર્જકોનું દિલ જીતી લીધું.જમવાના જેટલોજ સંતોષ શોભિતભાઈને પ્રત્યક્ષ સાંભળ્યાનો પ્રેક્ષકોમાં વર્તાતો હતો.અંતમાં ‘બેઠક’ની પ્રણાલિકા પ્રમાણે શોભિતભાઈને એક સ્મુતિચિન્હ “પુસ્તક પરબ” પરિવાર તરફથી આપી તેમના સાહિત્યમાં યોગદાનને પ્રતાપભાઈ પરિવારે નવાજ્યા.તો જાગૃતિબેને ‘બેઠક’તરફથી ખેસ પહેરાવી શોભિતભાઈને પ્રેમથી સંન્માનયા.

 

સૌનો આભાર વ્યક્ત કરતા રાજેશભાઈએ કહ્યું સૌ સાથે મળી કામ કરીએ છીએ તેનો આનંદ છે તેમ છતાં આભાર વ્યક્ત કરવો જરૂરી છે. એક વાત ખુબ સરસ કરી રાજેશભાઈએ કે ગઝલકાર જયારે ગઝલ ગાય છે, ત્યારે વરસી જાય છે અને ન બોલે ત્યારે  લોકો તરસી જાય. અને આ વાત સાથે સૌ સંમંત થઇ શોભિતભાઈભાઈના કાવ્ય સંગહ વાગોળવા હોશે ઘરે લઇ ગયા. ગુજરાતી ભાષા કે સંસ્કૃતિ કેટલી ટકશે તેની લોકો ચિંતા કરતા હોય ત્યારે આવી ‘બેઠકો’ ભાષાને જીવંત રાખતી હોય છે.એ વાત શોભિતભાઈ એ નિહાળી અને કહ્યું અમને પણ તમારા જેવા જ પ્રેક્ષકો અને વાચકો લખવાની વધુ પ્રેરણા આપે છે.તમે અહી ભાષાનું જતન કરો છો.આ બેઠક માત્ર બેઠક નહિ અર્થ સભર એક યાદગાર ગઝલ બની રહી.

શોભિતભાઈએ પ્રજ્ઞાબેનને  અને દીપકભાઈને તેમના એકએક સુંદર પુસ્તક ભેટ આપી  સાહિત્યના કામ કરવાની પ્રેરણા આપી. 

અહેવાલ ‘બેઠક’ના આયોજક:પ્રજ્ઞા દાદભાવાળા.   

          

 

   ​​

આભાર – અહેસાસ કે ભાર ? (7)જયવંતિ પટેલ

મન એ એક દર્પણ છે.  મનનો અહેસાસ આવશ્યક તેમજ ઉચ્ચ છે.  મનુષ્યને એક બીજા સાથે સીધો અથવા આડકતરો સબંધ રાખવો જરૂરી હોય છે.  અને આ સબંધ તમારાં સંસ્કાર , નીતિ , અને કેળવણી ઉપર ખૂબ આધાર રાખે છે.  કોઈની પણ સાથે દલીલબાજી પર ઊતરી પડવું જરૂરી નથી હોતું , અને છતાં એવા ઘણાં દાખલાઓ બને છે કે જેમાં બિનજરૂરી દલીલબાજી કરવી પડે છે.  અથવા દલીલબાજી પર ઊતરી જવાય છે.  આ સિક્કાની એક બાજુ થઇ.  હવે બીજી સાઈડ જોઈએ.

જીવનમાં અચાનક એવા મિત્રો કે માનવને મળવાનું થાય કે જેમને મળવાથી એમ લાગે કે આપણે તેને વર્ષોથી ઓળખીએ છીએ.  નજરથી નજર મળે, ધીમું સ્મિત મુખ પર લાવી,  આપણો આભાર માને ત્યારે તો એમજ થાય કે આનું નામ શિસ્ત.  શું નમ્રતા છે!  શું વિવેક છે !  આભાર માન્યો તે પણ કેટલા વિવેકથી.

જાણે એ ક્ષણને વાગોળ્યા રાખવાનું મન થાય. બસ, આજ કહેવા માંગુ છું.  કોઈનો આભાર માનીએ તે પણ એટલી નિખાલસતાથી અને વિવેકથી કે સામી  વ્યક્તિને લાગે જ નહીં કે તેમનો આભાર માન્યો અને છતાં કૃતજ્ઞતાની ભાવના છવાયેલી રહે.

આપણી સંસ્કૃતિમાં બોલીને આભાર નથી માનતા.  કૃતજ્ઞતા નજરથી વર્તાય છે, વર્તનથી વર્તાય છે.   એક બીજા સાથે મીઠો સબંધ કેળવી તેને ટકાવી રાખવો એ એક આભાર માનવાની રીત છે.  આમ કરવામાં ઘણી વખત કડવો ઘૂંટડો ગળી જવો પડે છે.  અને વર્ષો વિતિ જાય છે તેને ઓળખવામાં અને સમજવામાં.  સહનશીલતાની કસોટી થાય છે.  એમાં છીછરાપણું બિલકુલ નથી હોતુ,  એને  જ કદાચ સમર્પણ કહેતા હશે.  નાના હતાં ત્યારથી ઘરમાં એક બીજાનું કામ આટોપી લેતા આવ્યા છે.  પણ થેંક્યુ કે સોરી શબ્દ વાપર્યો નથી.  પણ હવે નવા જમાનાને અનુકુળ વારે વારે આભાર વ્યક્ત કરવો પડે છે.  તેમાં કાંઈ ખોટુ નથી પણ એ ભાર કદાપી ન બનવો જોઈએ.

ઘણી વખત વિચાર આવે કે કુદરતનો કેટલો આભાર માનીએ જેણે આપણા શરીરની રચના જે રીતે કરી છે !!  આપણા શરીરની રચનાને જોઈ એ સર્જનહારને દંડવત કરવાનું મન થાય અને ઊપકાર માનતા મન થાકે નહીં.  શું રચના કરી છે!! ખોરાકને ચાવી, વાગોળી, એક રસ થાય એટલે પેટમાં જાય.  ત્યાં પાછું ઘુમે.  એવું ઘુમે કે આંતરડામાં જાય ત્યારે બારીકાઈથી લોહીમાં જતુ રહે અને આપણા શરીરને પોષણ મળે.  આ તો એક વિભાગ. એવા તો કેટલાય વિભાગ બનાવેલ છે  .મળ મુત્રને જુદા માર્ગે નિકાસ કરી શરીર શુધ્ધ રાખે છે.  લોહીને આખા શરીરમાં ભ્રમણ કરાવે છે.  બધી નળીઓ કેવી એક બીજા સાથે સઁકળાયેલી છે.  અને ક્યારેક વાગે કરે તો સંદેશો મગજ સુધી પહોંચાડી તરત તેનો રસ્તો કાઢી સંરક્ષણ માટે તૈયાર રહે છે.  મગજની સાથેનું જોડાણ અને હ્દયમાં રહેલું મન તેનું કનેક્સન કળી ન શકાય તેવું છે.  સુઃખ દુઃખ ની લાગણી, સારા નરસાની ઓળખ, અને એક બીજા માટે ન્યોછાવર થઇ જવાની ભાવના પણ એ મન જ  નક્કી કરે છે…..કેટલીયે શોધ ખોળ થઇ છે.  રોબોટ બનાવાયા છે.  ડ્રોન પ્લેન બન્યા છે.  અને હજુ ઘણી શોધ ચાલુ જ છે.  પણ

જે કુદરતે કળા કરી આપણું શરીર બનાવ્યું છે તેની તોલે તો કોઈ ટેક્નોલોજી, પૈસો કે ભાવના ન આવી શકે !  તો એ સર્જનહારનો કેવી રીતે આભાર માનવો ?  થેક્યું થેક્યું  –  આભાર આભાર નો સતત જાપ કરવો પડે.

અને છતાં એ અનિર્વાય છે કે આપણે એકબીજાની સાથે પ્રેમથી વર્તન કરીએ. આપણે માટે કોઈ કાંઈ કરે તો આપણને તરત થાય કે તેનો આભાર કઈ રીતે માનું ?   માં બાપનું ઋણ કેવી રીતે ચૂકવાય ?  જયારે ઘરડાં થાય ત્યારે તેમની લાગણીપૂર્વક સારસંભાળ રાખી આભાર વ્યક્ત કરાય.  એ પણ સહેલું નથી કારણકે ઘણાં માબાપો દુઃખી હૃદયે સંતાનોથી અલગ રહે છે કે જયારે તેમને સૌથી વધારે બાળકોનાં સાથની જરૂરીયાત હોય છે.

આભારની સાથે સંતોષની લાગણી સંકળાયેલી છે.  એવા કેટલાયે લોકોને મેં જોયા છે જેને બે ટંકનું ખાવાનું નથી મળતું, રહેવાં ઘર નથી હોતું પણ સંતોષથી જીવે છે.  આપણને સારું ઘર, સારો ખોરાક અને પોતાનો પરિવાર મળવા છતાં ઘણી જગ્યાએ અસંતોષની લાગણી નિહાળવા મળે છે.  જેને બદલે ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે જે આપ્યું છે તે પુરતું છે અને મને સંતોષ છે.  હું પ્રફુલ્લિતતાથી જીવું છું.

આભાર વ્યક્ત કરવો એટલે પર્યાવરણને જીવંત રાખવું.  આને અલગ તરીકે આભાર માનેલો કહેવાય.  આપણે સૌ એટલું તો જરૂર કરી શકીયે કે વૃક્ષોને કાપવા નહીં.  દર વર્ષે બાળકો પાસે તેમજ આપણે પોતે પણ વૃક્ષો રોપવા.   બાયોડિગ્રેડેબલ (એટલે કે જે પ્રકૃતિ સાથે મળી જાય એવી) વસ્તુ વાપરવા ઊપર ભાર રાખવો.   જેથી પ્રકૃતિ જીવંત રહે.  કદાચ તમને થશે કે આ જરા હું ફેરફાર કરું તેમાં શું વળવાનું છે પણ દરેકનો થોડો ભાગ એક મોટો હિસ્સો બની જાય છે.  પ્રકૃતિનો આપણે આભાર માનેલો ગણાશે.  જાગૃત મન અનેક સ્વરૂપે આભાર માની શકે છે અને આભારી છે.

જયવંતિ પટેલ

 

એક ગૌરવવંતા સમાચાર -પ્રેરણા ની પરબ-

અખિલ ભારતીય સાહિત્ય પરિષદની ગુજરાત શાખાના અધ્યક્ષ પદે  “પુસ્તક પરબ”ના પ્રણેતા  શિક્ષણવિદ્દ ડૉ. પ્રતાપભાઈ પંડ્યા અને જાણીતા સાહિત્યકાર ડૉ. બળવંતભાઈ જાનીની પ્રભારી તરીકે વરણી કરવામાં આવી છે.

માનનીય શ્રી પ્રતાપભાઈ, અને  શ્રી બળવંતભાઈ જાનીને ખુબ ખુબ અભિનંદન. 

આપ અવિરત આવા કર્યો કરો તમારા હાથે સારામાં સારું સાહિત્યનુ કાર્ય થાય તેવી શુભેચ્છા. લોકો વાંચન થકી આગળ વધે અને “પુસ્તક પરબ”  અને આપ બંને સારા કાર્યોના  નિમ્મિત બનો  એવી  “બેઠક”ના દરેક વાંચક અને સર્જકો તરફથી શુભેચ્છા. 

“પુસ્તક પરબ” એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. “બેઠક”આપના  યજ્ઞમાં એક  નાનકડું કોડિયું પણ બની છે,તેનો  આનંદ છે.

 આપના આશીર્વાદ થકી ‘બેઠક’ આગળ વધશે અને ‘બેઠક’ એજ “પુસ્તક પરબ” છે એ ભાવના ને ધ્યાનમાં  રાખી ભાષાનું ઋણ આપણે સૌ ચુકવતા આપણે આપની પ્રગટાવેલી દીપમાળા ને વધારે પ્રગટાવી આગળ વધારશું. 

ફરી એકવાર આપ બંનેને  વાચકો અને સર્જકો તરફથી ખોબે ખોબે અભિનંદન. 

તમારી પ્રેરણા ની પરબ ની ખુશબુ ચોમેર ફેલાતી રહે તેવી ઈશ્વર ને અભ્યર્થના. 

કવિ શ્રી શોભિતભાઈ દેસાઈનું બેઠકમાં સ્વાગત છે.

પુસ્તક પરબના પ્રણેતા શ્રી પ્રતાપભાઈ પંડ્યા  શ્રેષ્ઠ  ગઝલકાર શ્રી શોભિત દેસાઈનું આ મહિનાની “બેઠક”માં સ્વાગત કરે છે.

આયોજક :”પુસ્તક પરબ” ‘જવનિકા’ ‘બેઠક’

સર્વ મિત્રોને સમયસર આવવા વિનંતી 

આભાર અહેસાસ કે ભાર(6) નિરંજન મહેતા

આભારનો ભાર

પહેલી નજરે લાગે કે આવા સંવેદનશીલ શબ્દનો ભાર કેવો ! પણ પછી વિચાર્યું કે જેમને માટે આભાર વ્યક્ત કરવો એ એક બોજો છે તેમને તે જરૂર ભાર લાગશે અને વિચારશે આ ભાર?

આભાર કહીને આમ જોઈએ તો આપણે આપણી કોઈ પ્રત્યેની એક પ્રકારની લાગણી વ્યક્ત કરીએ છીએ, ખાસ કરીને કોઈએ આપણું એવું કોઈ કામ કરી આપ્યું હોય કે જેને માટે આપણે તેના ઋણી બની જઈએ છીએ અને આપોઆપ ‘થેંક્યું’ શબ્દ નીકળી પડે છે. હવે આ ‘થેંક્યું’ પણ એક અજબ શબ્દ છે. ગુજરાતી હોવા છતાં અને ગુજરાતીમાં વાત કરતા હોવા છતાં આ અંગ્રેજી શબ્દ તમારે મોઢે આવી જ ચડે છે. શું ‘આભાર’ એટલે ભાર માનીને આપણે આમ કરીએ છીએ? કે પછી અંગ્રેજીમાં કહેવાથી તેનું વધુ વજન પડશે એટલે તેમ કરીએ છીએ?

ખેર, આ ચર્ચાનો વિષય નથી. ચર્ચાનો વિશ્હાય છે આભારનો ભાર.

મારું માનવું છે કે ‘આભાર’ કે ‘થેંક્યું’ કાઈ પણ બોલીએ પણ તેમ કરતાં અચકાવું ન જોઈએ કારણ ભલે સામેની વ્યક્તિએ તેની અપેક્ષા ન રાખી હોય પણ તેમ છતાં તે સાંભળીને અંદરથી તો તે રાજી થવાનો અને પછી વિવેક ખાતર કહી પણ બેસે કે એની જરૂર નથી. પણ તમારે તો તે ધ્યાન બહાર જ રાખવું નહિ તો તેની સાથે ચર્ચા વધતી જશે.

પ્રજ્ઞાબેને આ સંદર્ભમાં લખ્યું છે કે જ્યારે આપણે કોઈનો આભાર માનીએ છીએ ત્યારે કુદરતી રીતે આપણા હોઠ સ્મિતમાં રૂપાંતરિત થઇ જાય છે. તે જોઇને સામી વ્યક્તિ પણ સમજે છે કે આપણે દિલથી તેનો આભાર માનીએ છીએ નહી કે કહેવા ખાતર. આ જ મહત્વનું છે. બંને વ્યક્તિ કોઈ ભાર વગર એકબીજાની લાગણીઓને સમજી શકે તો જ કહેલુ સાર્થક છે.

એમણે એમ પણ લખ્યું છે કે આભાર એ અહમને ઓગાળતી એક ક્રિયા છે. કેટલી સાચી વાત. આભાર આ એક શબ્દ કહેતા આખું વાતાવરણ બદલાઈ જાય છે તે તો કહેનાર બરાબર જાણે છે અને અનુભવે છે. જેણે આમ કર્યું નથી તેણે એક સુખદ અનુભવ જેવું કાઈક ગુમાવ્યું છે તે ચોક્કસ વાત છે.

તમે બેંકમાં જતા હો કે રેલ્વેની ટિકિટ લેતા હો અથવા એવી જ કોઈ સાર્વજનિક સેવા પ્રદાન કરતી સંસ્થામાં જાઓ ત્યારે તમે એમ માનો છો કે તમારૂ કામ કરવું એ એમની ફરજ છે એટલે તમને તેઓ જે કોઈ સેવા આપે છે તે માટે આભાર વ્યક્ત કરવાની જરૂર નથી. સામાન્ય રીતે મોટા ભાગના લોકોની આ માન્યતા છે. પણ આ માન્યતાની બહાર જઈ, આભાર/થેંક્યું કહેવું જરૂર નથી એ ભૂલી જઈ, એકવાર તમે આભાર/થેંક્યું કહેશો તો મને નથી લાગતું કે તે અસ્થાને ગણાશે.

જ્યાં આવી સંસ્થાઓમાં તમે નિયમિત જતા હો અને આભાર વ્યક્ત કરવાનું શરૂ કરશો તો બીજી વાર તમે જશો ત્યારે તમને ત્યાં સ્મિતસભર આવકાર મળશે. તે જોઈ તમે પણ ખુશ થશો અને તેને એક નિર્જીવ સંસ્થા ન ગણતા તમે તેને જુદા દ્રષ્ટિકોણથી જોશો.

તરુલતાબેને તેમના લેખમાં લખ્યું છે કે ન કેવળ ‘થેંક્યું’ પણ ‘સોરી’ શબ્દનો પણ છૂટથી ઉપયોગ કરવો જોઈએ. એક રીતે તેમની વાત પણ સાચી છે પણ મારા મત મુજબ ‘સોરી’ શબ્દ ત્યારે વપરાવો જોઈએ જ્યારે ખરેખર તમે તેવી લાગણી અનુભવી છે. નહી તો હાલમાં ‘સોરી’ શબ્દ જે રીતે હાલતા ચાલતા બોલાય છે તેથી લાગે છે કે જાણે કોઈએ જાણી જોઇને તમાચો મારી માફી ન માંગી હોય !

જન્મથી મૃત્યુ પર્યંત ડગલેને પગલે આભાર વ્યક્ત કરવો પડે એવો માહોલ બની ગયો છે. પણ બાળપણમાં તો તેનો ખયાલ ન હોય એટલે તેમ થતું નથી અને સામેની વ્યક્તિ પણ તે સમજે છે અને આભારની અપેક્ષા રાખતી નથી. પણ એકવાર સમજદાર થયા પછી જો આમ કહેવાની ટેવ પડે તો જીવનનો નજારીયો બદલાઈ જાય. જો કે આ માટે તેના વડીલોએ તેને માર્ગદર્શન આપવું જરૂરી છે. યુવાવયે આ વાત આપોઆપ સમજાઈ જાય છે. સિવાય કે શું જરૂર છે માની તે યુવાન આભાર વ્યક્ત ન કરે તો તે જુદી વાત છે.

આ જ રીતે જિંદગીમાં એવા સંબંધો હોય છે જે આપણે Taken for granted કરીએ છીએ અને આભાર વ્યક્ત નથી કરતા. જેમકે પતિ-પત્નીના સંબંધો, મિત્રોના સંબંધો, પિતા-પુત્રના સંબંધો. આવા સંબંધોમાં આભાર વ્યક્ત ન કર્યાનો અફસોસ કે ભાર નથી લાગતો કારણ આ સંબંધો જ એવા હોય છે. તેમ છતાં ક્યારેક આભાર શબ્દ બોલાઈ જાય તો જરૂર તે સામી વ્યક્તિ માટે એક સાનંદ અનુભવ હશે. ક્યારેક અજમાવી જોજો.

પણ સૌથી મહત્વનો સંબંધ છે મનુષ્ય અને ભગવાન વચ્ચે. ભગવાન તો નિરાકાર, નિર્મોહી છે એટલે તે માનવી પાસે આભારની અપેક્ષા ન રાખે પણ આપણે તે ન ગણકારતા તેને યાદ કરીએ તે પણ આભાર વ્યક્ત કરવાનો જ માર્ગ છે. એવું નથી કે મંદિરમાં જઈને દર્શન કરીએ અને ભગવાનને પગે લાગીએ એટલે કામ પતી ગયું. આમ કર્યા વગર પણ સાફ દિલથી જીવન વ્યતિત કરીએ તો તે પણ ભગવાનનો આભાર માનવાનો એક અન્ય માર્ગ છે. એ જ રીતે જરૂરતમંદ લોકોને સહાય કરીને, આમ કરવા ભગવાને તમને સશક્ત બનાવ્યા માની તમે ભગવાનનો ભાર વગરનો આભાર વ્યક્ત કરી શકો છો.  

પરંતુ જ્યાં અનિચ્છાએ પણ આભાર માનવો પડે તે જરૂર ભારરૂપ થઇ શકે છે, કહેનાર માટે અને સાંભળનાર માટે. તો અમુક પ્રક્રિયાઓ ભલે આભાર વ્યક્ત કરવા માટે હોય પણ તે આડકતરી રીતે તો કોઈક પ્રકારનો ભાર ઊતારવાનું જ કાર્ય છે. જેમ કે લગ્નોમાં, પાર્ટીઓમાં રિટર્ન ગીફટની પ્રથા. આમ કરવું જરૂરી ન હોવા છતાં પણ જરૂરી છે એવી માન્યતા કેટલાક સમયથી ઘર કરી ગઈ છે અને વળી આવા પ્રસંગે ભેટ લઇ આવનાર પણ સામેથી  ગીફ્ટ મળશે તેની અપેક્ષા રાખતા થઇ ગયા છે. આમ આ આભારની પ્રથા હકીકતમાં તો ભારરૂપ જ ગણી શકાય. એટલે જ શું હવે લગ્નોમાં ભેટ કે ચાંદલો ન લેવાની પ્રથા આવી ગઈ છે?

અંતમાં એટલું જ કહીશ કે આભાર રાજીખુશીથી કહેવાય તો તે ખરા અર્થમાં કહેવાય છે તેમ માની લેવાય નહી તો તે ભાર જ બની રહે.

નિરંજન
Niranjan Mehta

ગુજરાત ગૌરવ દિવસ (Gujarat Day, 2017) સમારંભ

ગુજરાતની ધરોહર

 સ્થાનિક લેખિકા મેઘલતાબેનના  ગીતો અને નાટકને સ્થાનિક કલાકારો દ્વારા પ્રસ્તુતિ, સંગીત, નૃત્ય અને ભવાઈ ત્રીજી પેઠી રજૂ કરી ગુજરાતી અસ્મિતાને ઉજાળીઅને ગુજરાતની સંસ્કૃતિ,કલા  અને ભાષાને જીવંત કરી.

બે એરિયા ગુજરાતી નોર્ધર્ન કેલિફોર્નિયા દ્વારા, હર વર્ષ ની જેમ હમણાં ગુજરાત ગૌરવ દિવસ સમારંભ ઉજવાયો. ગુજરાત દિવસ કાર્યક્રમ માં દર વર્ષે પ્રજ્ઞાબેન દાદભાવાલા ઉત્તમ કાર્યક્રમ દ્વારા ગુજરાતની ધરોહર ને હેમ ખેમ રાખીને ગુજરાતી રંગભૂમિ, સાહિત્ય અને સંગીત ના વારસાને ધબકતો રાખે છે.

IMG_20170514_111110બે એરિયા ના જ લેખિકા પૂજ્ય સ્વ મેઘલતાબેન મહેતા દ્વારા લખાયેલ સંગીત અને નાટિકા ને બે એરિયા ના કલાકારોએ જીવંત કરીને તેમના વારસાને માત્ર અમર નહિ કર્યો પણ ત્રણ ત્રણ પેઢીઓને સમારંભ માં વણીને કાર્યક્રમના આયોજક પ્રજ્ઞાબેન અને તેમના સાથીઓએ ગુજરાતની ધરોહર ને ગુજરાતતિ છેટે બે એરિયા માં પણ સાચવી લીધી છે. કાર્યક્રમ ની શરૂઆત માં બે એરિયા ના બાળકોએ મેઘલતા બેન ની લખેલી એક સુંદર રચના પ્રસ્તુત કરીને પ્રેક્ષકો ના દિલ  જીતી લીધા. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા મેઘલતા બેન કાનુડા હારે થપ્પો રમે તેને સંગીત માં ઉતારે તેમની દીકરી અને જમાઈ, માધવીબેન અને અસીમભાઇ મેહતા ને તે ગીત ને તેમની ત્રીજી પેઢી બીજા અન્ય બાળકો જોડે, મજાની છટા થી પીરસે તો બોલો કેવો સચવાય છે બે એરિયા મા ગુજરાત ની સંસ્કૃતિ અને સાહિત્ય/ સંગીત નો વારસો  ?
હું તો થપ્પો રામુ મારા કાનુડા ની સાથ
પછી પકડી પાડું એનો પકડીને હાથ


ગુજરાત ની ઓળખાણ એટલે ઉત્સવોની ઉજવણી
।  તેમાં હોળીના રંગબેરંગી રંગો થી લઈને દિવાળી ના જગમગ પ્રગટતા દીવડા સુધીના બધા ઉત્સવો આવી જાય. મેઘલતા બેન લિખિત કાના અને રાધાની મસ્તીને હોળીના રંગે રંગી લીધી તે ગીત પ્રસ્તુત થયું ને પ્રેક્ષકો ના દિલ પ્રેમની પિચકારી થી ભીંજાય ગયા.
રાધા સંગ ખેલે હોરી, કાના રાધા સંગ ખેલે હોરી
હંસત હંસત દેખો, કરે રે ઠીઠોરી


હિના બેન દેસાઈ
અને તેમની દીકરી રિના દેશાઇ શાહ ના દિગ્દર્શન હેઠળ સહિયર ડાન્સ ટ્રુપ દ્વારા પ્રસ્તુત થયો અતિ સુંદર દીવડા ન્રત્ય અને દિવાળી ની ઝગમગ  ચારે કોર પ્રસરી ગઈ.

પણ અવસર કઈ બહાર જ નથી થતા. ઉજવણી તો મન ની આશા માં ઉગે છે. અનિલભાઈ ચાવડા ની સુંદર ગઝલ પ્રસ્તુત થઇ. આની ખાસ વાત એ છે કે બે એરિયા ના લગભગ 27 જેટલા કલાકારોએ સાથે મળીને ગીત ને પ્રસ્તુત કર્યું.  આટલા ઉચ્ચ કોટિના કલાકારો પોતાનો અહંકાર ઓગાળીને સહકલાને આગળ વધારે ત્યારે તેમની કલા ઔર ખીલે છે અને શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જ સર્જનાત્મક સ્વરૂપ ધારણ કરે છે તે સાબિત થઇ ગયું.

મંદમંદ આ મહેક ઉઠી છે ચાલો રસભર થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ
કોઈના સૂકા રસ્તા ઉપર ભીનો પગરવ થઈએ
એકમેકના મનમાં એવો સુંદર અવસર થઈએ

આ નિઃશુલ્ક સમારંભ ના અંત માં હતું શ્રીમતી રમાબેન પ્રતાપભાઈ પંડ્યા તરફથી સ્પોન્સર કરવામાં આવેલ સુંદર ગુજરાતી ભોજન. પણ તે પહેલા પ્રસ્તુત થઇ ભવાઈ. ગુજરાતી રંગભૂમિના પગલાં મંડાયા કાઠિવાડમાં પ્રચલિત નાટ્ય પ્રકાર ભવાઈ થી. રંગલો અને રંગલી વેશ ધારણ કરે અને ગામના પાદરે ભવાઈ જોવા ગામ ભેગું થાય. આવી ભવાઈ વિષે થોડું ઘણું સાંભળેલું પણ ક્યારેય ભવાઈ જોવાનો મોકો મળ્યો નતો. એવી ઉમદા ભવાઈ પ્રસ્તુત થઇ કે જાણે મારા જન્મ સ્થળ, ભાણવડ ગામ ના પાદરે હોવ તેવું લાગ્યું.

IMG_20170514_123109185_TOP

ખુબ ભવ્ય રીતે રંગલાએ પ્રેક્ષકો ને નિમંત્ર્યા
“એ નાના ને નાની      સલામ ….
ઓલા મોટા ને મોટી…..સલામ
પેલા જાડા ને  અને પેલા હસતા ને……
અમેરિકન સાહેબ ને અમેરિકી સલામ”

સર્વે ગુજરાતી ભાઈ બ્હેનોને …..ગુર્જરી  સલામ …..

IMG_20170514_124548064_TOP

ઘડીક માં રંગલી રંગલા ને ગોતે:  “રંગલા તું ક્યાં ગયો રંગલા? મને લાગે છે આ ભોળી છોકરીઓ પાંહે વાતોમાં ફસાઈ ગયો હશે. મને કેને હું કેવી લાગુ છું?” ને ઘડીક માં રંગલો ગોતે કે “ક્યાં ગઈ મારી રંગલી?”

એમાં વળી અમેરિકા જવાનું ભૂત વળગ્યું કે રગલી બને મેમ ને સપના જોવા લાગે!….

“ફરવા જોશે મની મની,
રંગલી બનશે પરી પરી
ડુ નોટ રંગલા વરી વરી”

પ્રેક્ષકો એ તો ખીલખીલાટ હસી હસીને ને આ જોરદાર કાર્યક્રમ ને વધાવ્યો. નરેન્દ્રભાઈ વ્યાસે માત્ર ભવાઈ માણી નથી પણ ભજવી પણ છે. શિવમ અને ખુશી વ્યાસે ગળથુથી માં મળેલ ગીત ના વારસા વડે સંગીત શોભાવ્યું। ખ્યાતિ બ્રહ્મભટ્ટે તેની છટાદાર શૈલી થી બે અલગ પાત્રો ભજવ્યા। તેનો ડાયલોગ તો હજી એ મગજ માં ઘૂમે છે “K એટલે કંસાર અને M એટલે મોહનથાળ, N એટલે નાનખટાઈ અને O એટલે તો??? ઓ માડી”.  મૌનિક ધારિયાએ વિદુષક નું અને કલ્પનાબેન રઘુએ મોટી ઉંમરના માસી નું પાત્ર સુંદર ભજવ્યું. અને ખાસ તો રંગલા અને રંગલી ના પાત્ર માં નરેન્દ્રભાઈ શાહ અને પ્રજ્ઞાબેન દાદભાવાળાએ એવું જોરદાર પરફોર્મન્સ આપ્યું કે ભવાઈ નો રંગ નિખરી આવ્યો.

છેલ્લા દસેક વર્ષ થી ગુજરાત ગૌરવ દિવસ ની ઉજવણી અહીં થાય છે અને દરેક વર્ષે આગલા વર્ષથી અધિક સુંદર કાર્યક્રમ પ્રજ્ઞાબેન પ્રસ્તુત કરે છે. સુરેશમામા જેવા અગ્રણી ગુજરાતીઓનું નેતૃત્વ, પ્રજ્ઞાબેન ની કુશળતા અને એક છત્ર નીચે નાની મોટી ગુજરાતી સંસ્થાઓ, કલાકારો અને સાહિત્ય અને સંગીત પ્રેમીઓનું મળવું અને આટલો ઉમદા કાર્યક્રમ લોકો સુધી પહોંચાડવો તે આપણા વહાલા ગુજરાત નું ગૌરવ નહિ તો બીજું શું કહેવાય? આવતા વર્ષે આવવાનું ચુકતા નહિ — અત્યારથી જ આમન્ત્રણ આપી રાખું છું.

 

 

 

 

https://darshanavnadkarni.wordpress.com/

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા યોજાયેલ ‘ગુજરાત ગૌરવ દિવસ’

બે એરિયામાં ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા દ્વારા મે ૧૪ ૨૦૧૭ ના દિવસે ગુજરાત ગૌરવ દિવસ ખૂબજ શાનથી ઈન્ડિયા કોમ્યુનીટી સેન્ટરમાં ઉજવવામાં આવ્યો.પ્રજ્ઞાબેન દાદભાવાળાના નેતૃત્વ નીચે છ મહીનાથી વધારે સમયથી જોરદાર તૈયારી ચાલી રહી હતી.કાર્યક્રમનીની શરૂઆત પ્રજ્ઞાબેને સૌ મહેમાનોને સ્વાગતથી કરી હતી અને જ્યાં મળે ગુજરાતી ત્યાં રોજ દિવાળી કહી લોકોના દિલ જીતી લીધા હતાં. સરવસ્તી વંદના સુગમ સંગીતમાં મોટું નામ ધરાવતા શ્રીમતી માધવી મહેતાના મધૂર સૂરથી કરવામાં આવી.તેમના સુરીલા સ્વરે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલા. ત્યારબાદ બે એરીયાના સ્તંભ સમા શ્રી સુરેશભાઈ પટેલ જે સુરેશમામા તરીકે જાણીતા છે એમણે શ્રોતાઓને સંબોધન કરેલું. તેમણે જણાવ્યું હતું કે બેઠક તથા પુસ્તક પરબ તથા બે એરિયાની બીજી સંસ્થાઓ મળી ગુજરાતીને જીવંત રાખવાની કોશિશ કરી રહી છે.પ્રજ્ઞાબેન તથા બીજી સંસ્થાઓના કાર્યને બીરદાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવનો હેતુ નવી તથા જુની પેઢીને એક ધાગેથી મજબુત રીતે બાંધવાનો છે.અને બે એરિયાની દરેક સંસ્થાને એક છત્ર નીચે લાવવાનો છે.

ત્યારબાદ એમણે ત્રણ વ્યકતિઓ જે સમાજ સેવા અને દરેક ક્ષેત્રમાં કામ કરે છે એમને વાર્ષિક પુરસ્કારથી સન્માનીત કર્યા હતાં. આ એવોર્ડ શ્રી વિનોદભાઈ પટેલ શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષા પંડ્યાને અર્પણ કરવામાં આવ્યા હતાં.શ્રી વિનોદભાઈ પટેલને સમાજસેવા કરે છે અને ગુજરાતીઓ ને ડગલે લે મદદ કરે છે શ્રી વિનોદભાઈ ભારત અને અમેરિકા વચ્ચે જોડતી કડી બન્યા છે.પરદેશમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ને સામાજિક કાર્યક્રમો નું આયોજન કરી યુવાનોને પ્રેરણા આપી રાસ ગરબા ફિલ્મ અને લોક નૃત્ય સ્પર્ધા યોજી ૫૬૦ થી વધુ કલાકાર ૪૦ થી વધારે કોરિયોગ્રાફરએ એક મંચ પર એમણે કલાને વિકસાવી છે..શ્રી મહેશભાઈ એક બીઝનેસ મેન તરીકે તથા ગુજરાતી સમાજને મદદરૂપ થવા બદલ અને મનીષા પંડ્યાને બાળકો તથા બાળકીઓને ગુજરાતી સંસ્કૃતી અને નૃત્ય શીખવવા બદલ તેમજ આપણી સંસ્કૃતિ અને અસ્મિતા ટકાવી રાખવા માટે તથા તેને ઝળહળતી રાખવા માટે વિદ્યાર્થીઓને, કલાકારને અને સાહિત્યકારોનો પ્રેરણા આપવા તન અને મનથી સતત પ્રયત્ન કરવા માટે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. શ્રી મહેશભાઈ પટેલને શ્રીમતી શાંતાબેન પટેલે એવોર્ડ અર્પણ કર્યો હતો.

ત્યારબાદ એક બાળનૃત્ય પ્રસ્તૃત કરવામાં આવ્યું. “થપ્પો” હું તો થપ્પો રમુ મારા કાનુડા સાથ” મેઘલતા મહેતાબેનનું આ કાનુડાનું બાળગીત નાના ભૂલકાઓએ પ્રસ્તૃત કર્યુ શ્રોતા મુગ્ધ ભાવે આ અમેરિકામાં વસતા ગુજરાતી બાળકોના મુખે
ગુજરાતી ગીત સાંભળી રહ્યા.સપ્તક વૃંદ બે એરિયાનું સૂરીલું સંગીત વૃંદ છે. અસિમભાઈ મહેતા અને શ્રીમતી માધવી મહેતાના નેતૃત્વ નીચે ૨૬ કલાકારોએ મળીને કર્ણપ્રિય ગીતોથી શ્રોતાને મંત્રમુગ્ધ કર્યા. આ સપ્તક બે એરિયાના સુરીલા કલાકારો મળી એક વૃંદ બનાવ્યું છે. પ્રજ્ઞાબેનના શબ્દોમાં કહું તો ‘એક ડૂબકીમાં તો આખો દરિયો’બે એરિયાના બધાં કલાકારો એક છત્ર નીચે કામ કરે છે. જ્યાં શબ્દો,હોય, સૂર હોય, રાગ હોય, સંગીત હોય, સર્જન હોય, વાધ્ય હોય્ અને સાર્વત્રિક એકતાની સંવેદના હોય ત્યા સપ્તક વૃંદ પહોંચી જાય.આ વૃંદમાં દર્શના ભુતા, અંજના પરીખ, મિનૂ પુરી, નિકિતા પરીખ, પ્રણીતા સુરૈયા,પરિમલ ઝવેરી,મુકેશ કાણકિયા,મહેશ શીંગ, ક્રિશ્ના મહેતા, લહેર દલાલ, બેલા દેસાઈ, નેહા પાઠક, સંજીવ પાઠક, આણલ અંજારિયા, અચલ અંજારિયા,ગૌરાંગ પરીખ, રત્ના મુનશી, પલક વ્યાસ,આશિષ વ્યાસ અને હેતલ બ્ર્હ્મભટ્ટ.સંગીતમય મધૂર ગીતો પછી સહિયર ટ્રુપે એક સરસ નૃત્ય કર્યુ. આસમાની ચૂંદડી અને પીળા રંગના ખૂણિયામાં મુગ્ધા ઓ સુંદર દેખાતી હતી. ૧૯૮૦ માં શ્રીમતી હીના દેસાઈએ ગુજરાતી સસ્કૃતિને અમેરિકામાં નૃત્ય દ્વારા જીવીત રાખવા તેમણે નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી હતી. જેની શરૂઆત પોતાની દીકરી રીના દેસાઈ શાહથી કરી. ૧૯૯૪ માં સહિયર ટ્રુપની રચના થઈ.

અંતમાં ભવાઈ કરવામાં આવી જેમાં પ્રજ્ઞાબેન દાદભાવાળાએ રંગલી અને નરેન્દ્ર શાહે રંગલાનો રોલ ભજવ્યો હતો. વિદુષાક તરીક મૌનીક ધારિયા હતાં. ભવાઈ ૧૪ મી સદીમા સ્થાપિત થઈ હતી. અસાઈત ઠાકરે એક વાર એક પટેલની દીકરીની લાજ બચાવી હતી જેથી લોકોએ એને નાત બાર મૂકેલા જીવનનિર્વાહ નો પ્રશ્ન ઊભો થયો તો મંદિરમાં પ્રાર્થના માટે ગયા ત્યાં ઘુઘરા મળ્યા..તો એમના મુખમાંથી તા થૈયા નીકળી ગયું.અને ભવાઈનો જન્મ થયો. એમણે ત્યારબાદ ૩૬૫ વેશ કર્યા. પણ આ જે ભવાઈનો કાર્યક્રમ તે ગુજરાતી ભાષાને જીવંત રાખવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. રંગલો અને રંગલી હસતા અને રડતા આખું નાટક ભજવી જાય છે અને ગુજરાતી ભાષાની એહમીયત સમજાવતા જાય છે. અમેરિકાના જુદાં જુદાં રાજ્યમાં ગુજરાતી ને જીવંત રાખવા પ્રયત્ન થઈ રહ્યા છે. અમેરિકાના બે એરિયામાં એક નાનકડું ગુજરાત બનાવવામાં પ્રજ્ઞાબેનનો મોટો ફાળો છે શ્રી પ્રતાપભાઈ પંડ્યા જે હાલમાં ભારતમાં છે તે અને પ્રજ્ઞાબેન દાદભાવાળા પુસ્તક પરબ અને બેઠક જેવી સંસ્થાઓ ચાલી વાંચન અને લેખનને વેગ આપે છે. મોટા મોટા કલાકારોને નિમંત્રીત કરવા અને કાર્યક્રમ કરવા અને ગુજરાતી ભાષાને બાળકો તથા યુવાનોમાં જીવીત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભવાઈ પછી શ્રી શરદભાઈ દાદભાવાળાએ આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું.કાર્યક્રમના અંતમા પુરી શાક ખમણ દહીંવડા અને ગુલાબ જાંબુના પેકેટ આપી કાર્યક્રમ નું વિસર્જન થયું. અમેરિકાની મિટ્ટીમાં થોડી સુગંધ ગુજરાતની મિટ્ટીની સોડમ ભળી ગઈ જ્યારે અમેરિકામાં ગુજરાતીમાં ભવાઈ થાય છે, ગુજરાતીમાં કવિઓના કાર્યક્રમ થાય છે ત્યારે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ બાળકને દાખલ કરવા લાખો રૂપિયા ખર્ચવા માં આવી રહ્યા છે ત્યારે જોઈએ ગુજરાતી ને જીવંત રાખવામાં કોનો મોટો ફાળો હશે!! ગુજરાતનો કે અમેરિકાનો?
સપના વિજાપુરા

આભાર અહેસાસ કે ભાર(૫) હેમાબેન પટેલ

                                            આભાર

સુશિક્ષીત સભ્ય સમાજનો સંસ્કારી શબ્દ ‘આભાર’ ખુબજ કિંમતી શબ્દ છે. આ એક શબ્દ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા માટે પુરતો છે.આભાર બોલનાર અને સાંભળનાર બંને પક્ષની ખુશી જ જોવા મળે. થેંક્યુ બોલવામાં આપણો અહમ પીગળીને એટલા સમય પુરતુ દિલની અંદર ક્ષણિક નિખાલસ ભાવ આવી જાય છે. આખા દિવસમાં ઘણી બધી વખત સાંભળવા મળે અને આપણા મુખમાંથી પણ કેટલી બધી વખત થેંક્યુ શબ્દ સરી પડે છે.થેંક્યુ બોલવું એ એક સભ્યતા ગણાય.અને સાથે સાથે આપણુ મગજ પણ કોઈના અહેસાન, ઉપકાર બદલ બોજ નથી અનુભવતું. કોઈ વ્યક્તિએ આપણને કામમાં મદદ કરી હોય, જેનો પણ ઉપકાર આપણા ઉપર હોય તેની પ્રતિક્રિયારૂપ  આભાર શબ્દ, જાણે તે ઉપકારનુ ઋણ તરત જ ચુકવી દેતા હોય એમ લાગે છે. બીજી વ્યક્તિના અહેસાનનો ભાર,ઉપકારનુ ઋણ ઉતારવાની પ્રતિક્રિયા એટલે ‘આભાર’. જેણે આપણા પર મોટો ઉપકાર કર્યો હોય તો તેનુ ઋણ આપણે જીંદગી ભર ન ભુલી શકીએ, તેના બદલે ભેટ- સોગાદ-ઉપહાર આપીએ અને ઘણી વખત જીવનભરના સબંધો બંધાઈ જાય. અભાર વ્યક્ત કરવાની ઘણી બધી રીત છે.આપણા ઉપરનો  અહેસાનનો ભાર ઉતારી દઈએ, કોઈનુ ઋણ ચુકવી દઈએ એનો અર્થ જ આભાર છે. આભાર માની લીધો બોજ હળવો થઈ ગયો, મન હળવું થઈ જાય છે. આભાર માનવો એ મનની પ્રસંનતા છે.

પહેલાંના સમયમાં કોઈ એક બીજાને ખુબ ખુબ આભાર કે થેંક્યુ ક્યાં બોલતા હતા અને ખાસ કરીને નાના ગામડાઓમાં લોકો ક્યારેય આ શબ્દ વાપરતા નહી. આભાર બોલીને નહી, ચુપચાપ કંઈ પણ બોલ્યા વીના સામેની વ્યક્તિનુ સારુ કામ કરીને, મદદ કરીને  આભાર વ્યક્ત કરતા હતા. ત્યારે લોકોને પૉલીસ ભાષા બોલતાં આવડતુ નહી. ભોળપણ હતુ, નાદાન લોકો હતા, ઝાઝી સમજ હતી નહી, બોલવામાં ઘણી બધી   મર્યાદાઓ અને શરમ હતી.

સ્થળ અને સમય બદલાય તેમ રહેણી  કરણી બદલાઈ ગઈ એટલે બોલવા ચાલવામાં ફેરફાર આવી ગયા.  અત્યારે સારી વસ્તુ જોઈએ અને આપણને ગમે એટલે તરત જ આપણો અભિપ્રાય આપી દઈએ. કોઈ બહેને સુંદર સાડી કે ડ્રેસ પહેર્યો હોય, સુંદર આભુષણ પહેર્યા હોય તેના  વખાણ કર્યા વીના રહેવાય નહી, તો તરત જ સામેથી તેના પ્રતિક્રિયા રૂપે થેંક્યુ ! તમારુ બેબી કેટલું ક્યુટ છે, તમારુ ઘર સુંદર છે, તમારો ગાર્ડન સુંદર છે, એટલેથી નથી અટકતું,  કુતરા અને બિલાડીના પણ વખાણ કરવા પડે છે, તરત જ થેંક્યુ ! અનાયાસે જ મૉઢામાંથી ‘ થેંક્યુ ‘ શબ્દ સરી પડે છે.આ ક્ષણો સુખદ છે.મોટા મોટા કામોમાં આ નાના શબ્દો, સોરી અને થેંક્યુ  દિલની અંદર સારા ભાવો જગાડે છે, તો જ્યાં બોલવાની જરૂર ત્યાં બોલાય તો જીવનની કડવાશ દુર થઈ પ્રેમ ભાવ અને મૈત્રી ભાવ જાગૃત થયા વીના નથી રહેતો. અત્યારના સમયમાં આભાર શબ્દ એક સભ્યતા જ ગણાય, અને સોરી, થેક્યુ બોલવું અનિવાર્ય થઈ ગયું છે.અત્યારે દરેક માણસો તણાવભરી જીંદગી જીવતાં હોય તેમાં આ નાના શબ્દો સુખ આપતા હોય તો બોલવામાં કંઈ ખોટુ નથી.

નાનુ બાળક હજુ બોલતાં શીખ્યુ છે અને તેના હાથમાં કંઈ આપીએ એટલે તરત જ તેની કાલીઘેલી ભાષામાં આપણને થેંક્યુ બોલે છે.શરમાય અને થેંક્યુ ના બોલે તો આપણે શીખવાડીએ બેટા થેંક્યુ બોલો, કોઈ આપણને કંઈ આપે તો થેંક્યુ બોલવાનુ ઓકે બેટા. એક્સીડંન્ટ થયો અને બચી ગયા ‘થેંક્સ ગોડ કંઈ થયું નહી.’ પડી ગયાં વાગ્યુ નહી ‘ થેંક્સ ગોડ વધારે વાગ્યુ નહી હાડકુ તુટ્યુ હોત તો મુશીબત ઉભી થઈ જાત .

જીવનની સામાજીક રચનાને કારણ આપણે એક બીજા પરના ઉપકાર નીચે દબાયેલા હોઈએ છીએ. થેંક્યુ સીવાય બીજો કોઈ વીકલ્પ નથી. સોરી શબ્દ સમાધાન કરે છે તો થેંક્યુ શબ્દ દિલમાં સુખદ અહેસાસ કરાવે છે. આ ધરતી પર આવ્યા છીએ કેટલા બધાના ઋણી છીએ ! માતા-પિતા, ઈશ્વર, ગુરુ, ધરતી, પ્રકૃતિ, ઋષિ-મુનિ, પરિવાર, સમાજ, અરે પશુ પક્ષીઓનો પણ આપણા ઉપર ઉપકાર હોય છે. આ સર્વેના કોઈને કોઈ કારણથી તેમના ઋણી છીએ. આ ઋણ કેવી રીતે ઉતારવું ? ભગવાનને દરોજ પ્રાર્થના કરીએ છીએ, જ્યારે પરમાત્માને ભીના હ્રદયે થેંક્યુ કહીએ ત્યારે એ શ્રેષ્ઠ પ્રાર્થના બની જાય છે. ઈશ્વરના અગણીત ઉપકાર બદલ દરોજ તેમનો આભાર માનીએ છીએ. આપણા હિન્દુ ધર્મની અંદર શાસ્ત્રોએ વનસ્પતિ, પશુ-પક્ષી, નદીયો, સમુદ્ર વગેરેની પુજા અર્ચના કરવાની બતાવ્યુ છે,  એ શું છે ? આભાર વ્યક્ત કરવાની એક ક્રિયા જ છે. પ્રકૃતિ પાસેથી ઘણુ બધું મળ્યુ છે માટે પુજા-અર્ચના કરીને આપણે આભાર વ્યક્ત કરી છીએ. શાસ્ત્રોના મોટા ભાગના રિતિ રિવાજ અને પરંપરા એ આભાર વ્યક્ત કરવા માટે બતાવ્યા છે. ભગવાને બુધ્ધિ આપી છે, સારા-ખોટાની સમજ છે માટે જ માનવ જાતી માટે ઉપકાર બદલ તેનો આભાર માનવો બહુ જ અનિવાર્ય ગણાય, ના બોલીએ તો માણસ અને પશુમાં કોઈ ફરક નહી. ખુલ્લા દિલે આભાર માનનારને ખુશી થાય છે.

આપણે સૌ જાણીએ છીએ શ્રી કૃષ્ણ અને સુદામા બાળસખા હતા, તેમની દોસ્તી ઘેહરી હતી. મિત્રતાનુ ઋણ ચુકવવા માટે શ્રી કૃષ્ણએ ગરીબ સુદામાને ધનવાન બનાવી સુદામાના પરિવારની દરીદ્રતા દુર કરી સુખી કર્યા. જ્યારે કર્ણએ દુર્યોધનની મિત્રતાનુ ઋણ ચુકવવા માટે, જાણવા છતાં અધર્મનો સાથ આપી જીવન બલિદાન કર્યુ. ભગવાન પોતે ભક્તોનુ ઋણ ચુકવે છે, શ્રી કૃષ્ણએ ભક્તનુ ઋણ ચુકવવા માટે નરસિંહમહેતાના અનેક કામ કર્યા છે, મીરાંના વિષને અમૃત બનાવી દીધુ. જો ઈશ્વર પોતે કોઈના ઉપકારનુ ઋણ ચુકવે છે તો આપણે એક તુચ્છ માનવી કેમ નહી કોઈના ઉપકારનુ ઋણ ચુકવી શકીએ. શ્રી કૃષ્ણ ભક્તોનુ ઋણ ચુકવે છે તો ઉપકાર અહેસાનના બદલે તેનો આભાર માનવાની રીત પણ સમજાવે છે.

શાસ્ત્રમાં એક કથા જાણીતી છે, ગોવર્ધન પુજા. ઈન્દ્ર વરસાદ મોકલે તેને લીધે આનાજ પાકે છે, માટે ઈન્દ્રનો આભાર વ્યક્ત કરવા તેમને ભોગ અર્પણ કરવો પડતો હતો. શ્રી કૃષ્ણએ પ્રથા બદલી. ગોવર્ધન પર્વત આપણી રક્ષા કરે છે, ગાયો ચરે છે તેમને ખાવાનુ મળે છે માટે ગોવર્ધનની પુજા કરીશું, હવે ગોવર્ધનને ભોગ ધરાવવાનો, ઈન્દ્રને નહી. શ્રી કૃષ્ણ પર્વતની અંદર બિરાજમાન થઈને શ્રીનાથજીનુ સ્વરૂપ ધારણ કરીને ગામ લોકોએ અર્પણ કરેલો ભોગ આરોગે છે. કથા ઘણી લાંબી છે અહિંયાં પ્રકૃતિ, વરસાદ, જ્યાં રહેતાં હોઈએ તે ભુમિનો આભાર માનવાની રીત શ્રી કૃષ્ણ લોકોને સમજાવે છે.

એક બીજાનો આભાર માનીને ખુશ રહીને બીજાને ખુશ કરીશું તો ખુશી ડબલ થઈ જશે.

હેમાબેન પટેલ

“બેઠક”ના આયોજન હેઠળ ગુજરાત ગૌરવ દિવસ સંગીત નૃત્ય અને ભવાઈ જેવા વૈવિધ્યયુક્ત કલારૂપોની રજૂઆત કરીને ઉજવાયો.

સંગીત નૃત્ય અને ભવાઈ જેવા  વૈવિધ્યયુક્ત કલારૂપોની ર​જૂઆત કરીને આપણા ગુજરાતની અનોખી મિરાતની ઝાંખી કરાવવાનો અને સાથે ઉજવવાનો આ અવસર

એટલે “ગુજરાત ગૌરવ દિવસ” .

“બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયા આયોજિત ભાતીગળ ભપકાદાર કાર્યક્રમ “ગુજરાતની ધરોહાર”માં સંગીત નૃત્ય અને ભવાઈ ને પરદેશમાં જીવંત કરી એક આગવી છાપ ઉભી કરાઈ.સ્થાનિક લેખક સ્થાનિક નૃત્ય કલાકારો એ અને સ્થાનિક કલાકારોએ જ સંગીત કમ્પોઝ કરી કલાની વિરાસતને આવતી પેઢીમાં સોંપતા ગુજરાતની સંસ્કૃતિને અમેરિકામાં જીવંત કરી. “

તસ્વીરમાં મહેમાન Raj Salwan, Councilmember,Mr. K. Venkata Ramana Consul (Community Affairs, ccasf[at]cgisf[dot]org Information & Culture) હાજરી આપી ઉત્સવનો ઉત્સાહ વધાર્યો .

                           “ગુજરાતની ધરોહર” એક જાજરમાન ભાતીગળ ભપકાદાર કાર્યક્રમ.  

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ત્યારે કેલિફોર્નિયામાં પણ 14મી મે 2017ની ખુશનુમા સવારે મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા.”બેઠક”ના આયોજન પાછળ આ ઉત્સવનો હેતુ નવી અને જૂની પેઢીને મજબૂત બનાવવાનો અને દરેક સંસ્થાને એક છત્ર નીચે ભેગા કરી આપણી ગુજરાતની અસ્મિતાને જાળવી આપણી ધરોહર નવી પેઢીને સોંપવાનો સહિયારો પ્રયત્ન હતો.

અમેરિકામાં આ દિવસ મધર્સ ડે તરીકે ઉજવાયો ત્યારે બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા આયોજિત “ગુજરાતની ધરોહર’સમાંરભમાં સૌ ગુજરાતીએ માની સાથે માતૃભૂમિ અને માતૃભાષાને પણ વંદન કરી પોતાનું ઋણ ચુકવ્યું.                                                                                                 

હોલની બહાર ચાના રસિયા ગુજરાતી કેમ છો ?ના હર્ષ ભર્યા ઉદગાર સાથે હાથમાં ગરમ ચાના પ્યાલાની ચૂસકી લેતા હતા તો હોલની અંદર સાંસ્કૃતિક અવસરનો આનંદ અને મહેક પ્રસરી ગઈ હતી ત્યારે સહજે કહેવાનું મન થાય “ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત” પરદેશમાં  મુલકની સોડમ લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે..હદયના છલકતા  ઊર્મિહિલો​ળાથી ​સંચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં બે એરિયાના માનવંતા સર્જક કવિયત્રી,ભવાઇના લેખિકા આદરણીય સ્વ.મેઘલતાબેનના ગીતોને,ભવાઈને  સ્ટેજ પર  જીવંત કર્યા.ત્રણ પેઢીનું સંયોજન,સાથે સંગીત નૃત્ય અને નાટકની સ્ટેજ પર રજૂઆત થઇ ત્યારે એ ઘટના એટલી વિરલ અને ​હૃદયસ્પર્શી હતી કે ભયો ભયો થઈ જવાયું!

કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાએ​ ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. દરેક માતાને વંદન કરીને ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું અને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.સ્ટેજનું ગુજરાતીના કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન લોકોને આકર્ષી ગયું .

માધ્વીબેન ​અને ​અસીમભાઇની પ્રાર્થનાથી સુંદર શરૂઆત થઇ ત્યારબાદ મેઘલતાબહેનના ‘થપ્પો ‘ ગીતની નિર્દોષ,નટખટ રજૂઆતે લોકોને ભાવવિભોર કર્યા,નાનામોટા બાળકોએ એવું સુંદર ગીત ગાયું કે પ્રેક્ષકોના હાથ પકડી દિલને જીતી લીધું. ગીત કોમ્પોઝીશન માટે ,બાળકોને તૈયાર કરવા માટે અને મનભર રજૂઆત માટે અભિનંદન.માધ્વીબેન,અસીમભાઇ,આણલબેન,જાગૃતિબેનની અથાગ મહેનતને બાળકોએ સાર્થક કરી હતી. તેમનો ઉત્સાહ અને હરખ જોઈ સૌના હૈયામાં ધરપત થઈ કે પરદેશમાં અગ્રજી વાતાવરણમાં પણ નવી પેઢી વારસાને જાળવવા તૈયાર છે.

​​

ગુજરાત એક  અનોખી  જન્મભૂમી છે અને આપણે સહુ સાથે મળી પરદેશમાં ગૌરવદિન ઉજવીને ધન્યતા અનુભવીએ છીએ ત્યારે સમાજના ગૌરવ​વંતા ગુજરાતીનું માન સન્માન કરવું જરૂરી છે.બે એરિયા ​ગુજરાતી સમાજ દર વર્ષે બે એરિયામાં ગુજરાતી કોમ્યુનિટી માટે મદદ કરતા સેવાભાવી કાર્યકરો કે દાતાઓ કે જેમણે આપણા ગુજરાતી વારસાને જીવંત રાખવા તેમજ સમાજમાં વિશેષ ફાળો આપી ગુજરાતીઓને પ્રોત્સાહન આપ્યું છે તેમને સન્માનપત્ર આપી નવાજે છે.આપણે સૌ એવા સમાજ અને વાતાવરણમાં જીવીએ છીએ જયાં સૌને રોજ કંઇક નવું શીખતા અને નવું કરતા રહેવાનું મન થાય,ત્યારે લોકોને તન,મન,ધનથી પ્રેરણા આપી પ્રગતિ તરફ લઇ નિમત્ત બનવું એ ખરેખર પ્રશંસનીય છે.અંગત અને વ્યક્તિગત નામના કમાવવા માટે લોકો રાત દિવસ એક કરી દેતા હોય છે, જયારે સમાજ પાસેથી જે કઈ મેળવ્યું તેને ચારગણું પાછુ વાળી આપવાની ભાવના રાખતા, આપણા ગૌરવંતા ગુજરાતી શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષાબેન પંડ્યાને તેમના યોગદાન માટે  સમગ્ર ગુજરાતીઓ નવાજ્યા.આ ત્રણેય સમાજ સેવકોને બધાજ ગુજરાતી ભાઈ બ્હેનો તરફથી સલામ અને અભિનંદન.કલ્પનારઘુ અને રાજેશભાઈ શાહ નું વક્તવ્ય અને મહેમાનોની ઓળખવિધિ સુંદર છાપ મૂકી ગઈ.

૨૭ કલાકારાના સમૂહગીતોની સંગીતમય રજૂઆતમાં દિવાળીના ગીતે વગર દિવાળીએ દીવડા પ્રગટાવ્યા તો હોરીનું ગીત ‘રાધા સંગ ખેલે હોરી ‘ કલાકારોએ મન મૂકીને ગાયું,તેમના ગીતમાં સૌને કલ્પનામાં રંગબેરંગીન હોરી રમાતી દેખાતી હતી .જ્યાં જ્યાં ગુજરાતીઓ મળે ત્યાં રંગો ઉછળે અને આનંદ સાથે ધૂળેટી વર્તાય, આ  વાત ગીતો સંભાળતા સૌએ અનુભવી  તો અનિલ ચાવડાનું  સૌને આકર્ષી લેતું ગીત ‘મન્દમન્દ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ’ ગવાયું અને સૌ રસતરબોળ થયાં.વતનની મહેક જાણે વાતાવરણમાં છવાઈ ગઈ અને  પ્રેક્ષકોએ તેમના ગુંજામા નહી દિલમાં મહેક ભરી પરદેશમાં વતનની ખુશ્બુ ને માણી.કાગળ પર લખાયેલા ગીતને સૂર સદેહે મળ્યો ત્યારે પ્રેક્ષકો મન્ત્રમુગ્ધ થયા.સપ્તકવૃંદે સામુહિક રીતે મધુર ગીતને લયબદ્ધ આરોહ અવરોહમાં રજૂઆત કરી સુરોનું મેઘધનુષ્ય રચ્યું.બે એરિયાના મધુર કંઠી ગાયકો ગુજરાતના ઉત્તમ ગાયકોની પડખે ઊભા રહી શકે તેવાં ખમતીધર છે. માધ્વીબેન અને અસિમભાઈનું કમ્પોઝીશન અને સૂઝ આખા કાર્યક્રમને સંગીતમય કરવામાં મૂલ્યવાન બની દીપી ઉઠયું.બધા જ ગાયકો મુગટના અમૂલ્ય રત્નો સમાન છે.

હીના અને રીના દેસાઈની મા દીકરીની જોડીએ અન્ય કલાકારો સાથે નૃત્યની રજૂઆત કરી એક અનોખી ચેતના ઉપસાવી ગુજરાતી સંસ્કૃતિને અમેરિકામાં નૃત્ય થકી સાચવવાના અને આવતી પેઢીમાં ગુજરાતી કળાને રોપવાના હેતુ સાથે ગુજરાતી રાસ ગરબા અને નૃત્ય શીખવાડવાની એક શરૂઆત હીનાબેને કરી હતી ત્યાર બાદ રીનાબેને આ ધરોહરને વિરાસતમાં લઇ ગુજરાતી કલાને વિકસાવી.તેમના નૃત્યની રજૂઆતે લોકોને તાળીઓ પાડવા મજબૂર કર્યા.

 

વતન છોડીને આવ્યા પછી ગુજરાતી નાટકો ઘણી વાર જોયાં પણ ‘ભવાઈ ‘ વાહ! ભૂલાયેલી યાદ આજે તાજી  થઇ ગઈ.ભવાઈમાં સંગીત ,નૃત્ય,નાટક એમ સર્વ લલિતકલાઓનું મિલન સર્જાતું હોય છે.વ્યંગ અને હાસ્ય સાથે રંગલો રગલીએ તે પીરસ્યા.ગુજરાતી લિટરરી ગ્રૂપ “બેઠક” દ્વારા તૈયાર થયેલ સ્વ.મેઘલતાબેન રચિત આ ભવાઈમાં સાંપ્રત ભાષા સમસ્યાને કેન્દ્રમાં રાખી વેશ ભજવાયો. ભવાઇનું પોત ગદ્ય, પદ્ય, વિવિધ સ્થાનિક વાદ્યો, ગેયતા, નૃત્યો અને અભિનય કળાથી શોભે છે. ‘સરગમ ગ્રુપે’ સંગીત આપી ભવાઈને દીપાવી, પલક, આશિષ વ્યાસ સાથે નાનકડા શિવમેં પોતાની કલા થકી ભવાઈ જીવંત કરી, દુંદાળા ગણેશના પાત્રમાં ખુશી વ્યાસે ચહેરો ઢાંકી ને ભવાઈ ની શુભ શરૂઆત કરી ભવાઈની પ્રણાલિકાને રજૂ કરી.નરેન્દ્રભાઈ શાહે ભવાઈ વિષેની પ્રારંભિક ઓળખ આપી ભૂંગળ સાથે માહોલ સર્જ્યું અને ભવાઈ વિષે બોલતા કહ્યું સામાન્ય રીતે લોકભવાઈના વેશ  ભજવાય ત્યારે રામાયણ ,મહાભારતના પ્રંસગો વધુ ભજવાતા.સીતાનું પાત્ર પણ પુરુષ જ ભજવે.અહી આજે આ ભવાઈમાં બધા જ સ્ત્રી-પુરુષ  પાત્રોએ પોતાની ભૂમિકા સરસ ભજવી  રંગ રાખ્યો છે.તાળીઓ પાડવાની જવાબદારી પ્રેક્ષકોને સોંપી,દિગ્દર્શક પ્રજ્ઞા દાદભાવાળાએ રંગલીનો વેશ ભજવી તબલાના તાલે સૌને તા થૈયા થૈયા..તા થઇ  કરતા કર્યા .. રંગલો નરેન્દ્ર શાહ, સુત્રધાર ખ્યાતી બ્રમ્ભટ્ટ સાથે વિદુષકના ઠેકડાએ ભવાઈને જીવંત કરી.’ભાષા ખોવાણી’ ના વેશમાં ખાટલા નીચે પાણી અને અંગ્રેજી શબ્દ વોટર વોટર બોલતા દીકરાનો પ્રાણ પાણી વગર જાય એવો  ઊંડો ઘા કરતો કટાક્ષ રજૂ કરાયો.કલ્પનારઘુ કકુંબાના પાત્રમાં અનોખા રહ્યા, સંગીત અને નૃત્યથી સ્થાનિક કલાકારોએ ભવાઈને ઊચ્ચ પ્રકારના નાટક જેવા અભિનયથી રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીત્યા.નરેન્દ્રભાઈ વ્યાસે એ ભાતીગળ ભવાઈની યાદ અપાવી તો દીપાની પ્રેક્ષકમાંથી એન્ટ્રી અનોખી રહી.લેખિકા મેઘલતાબેને સ્વરચિત ભવાઈને ભાવપૂર્ણ રીતે ભજવાતી જોઈ હોત તો રાજીના રેડ થયા હોત ! ભારતથી  દસ હજાર માઈલના અંતરે અમેરિકામાં ગુજરાતનું વિસરાતું લોકભોગ્ય ભવાઇનું સ્વરૂપ પુનર્જીવિત થાય એ રોમાંચકારી ઘટના માટે સ્થાનિક કલાકારો ,સંગીતકાર, વેશભૂષા, સ્ટેજ મેનેજર ઝંખના અને બેકસ્ટેજમાં રઘુભાઈ શાહ ,સત્યન અને નૈમેષ ની સેવા સાથે મેકઅપ માટે દિવ્યા શાહને  અઢળક અભિનંદન.આવનાર ગુજરાત ગૌરવ દિનના પ્રંસગોએ આવી ગુજરાતની અનેક કલાના પ્રયોગોની રાહ જોવાશે.

આ કાર્યક્ર્મની ખૂબી એ હતી કે સામુહિક ગીત,સંગીત નૃત્ય અને ભવાઈમાં અભિનયનો ઉત્સવ હતો.ઉત્સવપ્રિય ગુજરાતી પ્રજા સમૂહમાં ગરબા કરે, હોળી-ધૂળેટી રમે,ભજનમંડળીમાં કિરતાર વગાડે અને ભવાઇના વેશ પણ કરે.એવું જ લોકપ્રિય વાતાવરણ ગુજરાત દિવસની ઉજવણીનું હતું.બે એરિયાના નાના મોટા સર્વ કલાકરોને સ્ટેજ પર પોતાની કલા રજૂ કરવાની તક મળી.એક સાથે ૬૦થી  વધારે કલાકારોએ પોતાના ગુજરાતની ધરોહર સમી કલા પ્રસ્તુત કરી.માવડી મેઘલતાબેનનાં દીકરી માધવીબેનના કુટુંબે માતૃઋણ સાથે  ગુજરાતી વારસાને નવી પેઢીને આપવાનું પ્રસંસનીય કલાત્મક પગલું ભર્યું . રંગબેરંગી વેશભૂષા, મધુર સુરીલા ગીતોની રમઝટ અને ગુજરાતી લહક અને લચક આંખ્યે દેખવાનો જે ઉત્સવ માણ્યો તે એક લ્હાવો હતો. આપણા વારસાની પરંપરાને મજબૂત કરવા એકત્ર થયેલી સર્વ ગુજરાતી સંસ્થાઓએ સ્વેછાએ તન,મન ધનથી ગુજરાત ગૌરવની ઉજવણીમાં ભાગ લીધો સૌએ સાથે મળી કાર્ય કર્યું અને પ્રજ્ઞાબેને બધાને સાંકળી લઇ એક છત્ર નીચે કામ કરી એકતા પુરવાર કરી ત્યારે ગુજરાતપ્રેમીઓનું માથું ગર્વથી ઊંચું થાય તે સ્વાભાવિક છે.

દર વર્ષની જેમ ગુજરાત ગૌરવ દિવસની સ્મરણિકા પ્રસિદ્ધ થઇ, સ્મરણિકામાં દરેક કલાકારોનો પરિચય આપી ઉજળા કર્યા તો આજના દિવસનો વિષય “ગુજરાતની ધરોહર” અને ‘ભવાઈ’,સાથે ગીતોનો સુંદર ભાવાર્થ તરુલતાબેન,રાજુલબેન, પી.કે.દાવડા સાહેબ,કલ્પનારઘુ, સી.બી.પટેલ અને જયશ્રીબેન મર્ચન્ટ એ સ્મરણિકામાં રજૂ કર્યા અને આમ સંગીત, નૃત્ય, નાટક સાથે સાહિત્ય પણ લોકોએ માણ્યું.દરેક કલાકારોને સ્મૃતિ ચિન્હો એવોર્ડ તરીકે આપી નવાજ્યા.અને તેમના યોગદાનની પણ કદર સમાજે કરી.નિશુલ્ક પ્રોગ્રામ સાથે રમાબેન પંડ્યા નું સ્પોન્સર કરેલ ભોજન પિરસી,માણ્યું તો આ રીતે “બેઠક”નું આયોજન સુંદર રહ્યું આટલા કલાકારો આટલી સંસ્થા ને બે એરિયા ગુજરાતી સમાજ સૌને  ભેગા કરે છે, તે માટે સૌએ સુરેશભાઈ પટેલ સાથે પ્રજ્ઞા દાદભાવાળાના નેતૃત્વને બિરદાવવું રહ્યું.

૪00થી વધુ લોકોની હાજરી,સ્વયંસેવકોની સેવા,આટલી બધી લલિતકળાઓનો સંગમ, દરેક પેઢીનું યોગદાન, ભાવભરી સાંસ્કૃતિક કલામય રજુઆત “ગુજરાત ની ધરોહર”ના મંચ પર પ્રગટ થઇ,પરદેશમાં આપણી અસ્મિતાને જીવંત કરતા દરેક ગુજરાતીઓને ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધારનાર આપ સૌને લાખ લાખ શુભેચ્છા છે.

સૌ ગુજરાતીઓ  

ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !

અમારો ગુણીયલ ગુર્જર દેશ ! (ન્હાનાલાલ )

તરુલતા મહેતા 15મી મે 2017