આવી ઘંટી જોયે તો દસકા વીતી ગયાં – છેલ્લી એ ક્યારે જોયેલી એ યાદ પણ નથી. સોરી! એ તો ભુલાઈ જ ગયું કે, અમેરિકા આવ્યા પહેલાં નોકરી કાળમાં સાબરમતી પાવર હાઉસની કોલોનીમાં રહેતાં હતાં, અને ઘેર જ ઇલેક્ટ્રિક ઘરઘંટી હતી! એને જોયે પણ સત્તર વર્ષ વીતી ગયાં. હવે તો કદીક દેશમાં જઈએ તો નજીકની કરિયાણાની દુકાનેથી લોટ જ લાવીએ છીએ. એ અમેરિકન રીત દેશવાસીઓએ પણ અપનાવી લાગે છે!
તો પછી ઘંટી વિશે અવલોકન કેમ?
વાત જાણે એમ છે કે, કલ્પના બહેન રઘુ કોઈને કોઈ જૂનો શબ્દ યાદ કરી, એના વિશે સંશોધન કરી, સરસ મજાના લેખ લખે છે. એવો એક લેખ ‘ઘંટી’ વિશે તેમણે લખેલો – આ રહ્યો. આ જણને આમેય શબ્દ વિશેની રમતો ગમે છે. એમાં આમ જૂના શબ્દોને યાદ કરવાની તેમની પ્રવૃત્તિ ગમી છે. ઘંટી વિશેના તેમના લેખમાં યાદ ઉમેરવાની પણ બહુ મજા આવી. પણ એ પછી દાવડા ભાઈએ એ ચર્ચાને સરસ મજાનો વળાંક આપ્યો .
એમનો પ્રતિભાવ આ રહ્યો ..
“ચલતી ચાકી દેખકે, દિયા ‘કબીરા’ રોય,
દો પાટનકે બીચમે બાકી બચા ન કોય.”
અને બાપુ! આપણી અવલોકન યાત્રા શરૂ થઈ ગઈ.
ઘંટી જેવા કાળના ચક્રના પડ વચ્ચે પીસાતા, રીબાતા, માનવજીવનની યાતના વિશે કબીરજીનો આ દોહો બહુ જ જાણીતો છે. એવી જ માનવજીવનની યાતનાઓનું પ્રતીક ઘાંચીની ઘાણીનો બળદ છે. એ રૂપકમાં પણ આપણા રગશિયા, એકધારા, બીબાંઢાળ જીવન પર આક્રોશ છે. ગરીબાઈની રેખાથી નીચે જીવતા માનવજંતુઓની વેદના તો એમાં પ્રતિબિંબિત થાય જ છે. પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગના લોકો પણ એમાંથી બાકાત નથી. સૌ કોઈ ને કોઈ જાતની ઘંટીમાં ફસાયેલા હોય છે. બધા એમના બીબાંઢાળ જીવનથી ત્રસ્ત જોવા મળે છે. શહેનશાહથી સિપાઈ સુધી કોઈને ય જીવે જંપ નથી.
આમ કેમ છે? એનો ઉકેલ શો? એ પ્રશ્નો એટલા તો મોટા છે કે, એના પર શાસ્રોના ઢગલે ઢગલા લખાયા છે. મોટા ભાગની ફિલસુફીઓ, ધર્મો, સમ્પ્રદાયો આ હકીકતના કારણે ઉદભવ્યાં છે. કેટકેટલી કવિતાઓ અને ગઝલો?
Our sweetest songs are those,
that tell of sorrow.
એ બધાંનો કોમન ફેક્ટર – ‘એમાંથી શી રીતે ઉગાર થઈ શકે?’ એ માટે જાતજાતના નૂસખાઓ શોધાયા! પછી ‘આપણો નૂસખો શ્રેષ્ઠ’ એનો વળી નવો વિવાદ. ઢગલાબંધ ચર્ચાઓ અને યુદ્ધો. નવી જાતની ઘંટીઓ અને ઘાણીઓ. હાથથી ફરતી ઘંટીની જગ્યાએ ઈલેક્ટ્રિક ઘરઘંટી આવી- એટલો જ ફરક !
પણ પીસાવાનું તો એમનું એમ જ રહ્યું.