ચાંદીના ચમકીલા વાળ-(2) મહેન્દ્ર શાહ

 

mahendra shah

 કોને અંકલ કહી બોલાવવા?

મારી સાળી અને સાઢુંભાઈને ફાઈલ કરી ભારતથી જ્યારે મેં અમેરીકા બોલાવ્યા, અને કોઈ પાર્ટી અગર મેળાવડામાં એમને લઈ જવાનું થતું ત્યારે હંમેશાં મારા ઓળખીતા, મીત્રો સાથે ઓળખાણ કરાવું, શરુંઆતમાં મારા મિત્રોને કયા સંબોધનથી બોલાવવા એ બાબતમાં એમને બહું કન્ફ્યુઝન રહેતું.., ઉંમરમાં એ મારાથી નાના, અને મારા મિત્રો, ઓળખીતાઓને ખોટા સંબોધનથી બોલાવે, ને કદાચ મારું ખરાબ ના દેખાય એનો એમને ડર લાગ્યા કરતો, એ ભારતથી નવાનવી આવેલ અને અહીંના હવાપાણીને લીધે એમને લોકોની ઉંમરના પ્રમાણમાં ચહેરા પરથી જુવાન વધારે લાગે, પણ ખરેખર  હકીકતમાં તો મારા સાઢુંભાઈ કરતાં વધારે ઉંમરલાયક હોય! કન્ફ્યુઝન અને એમ્બરેસમેન્ટ ટાળવા એ જેને મળે  એ બધાને “અંકલ” કહી બોલાવે! Just for the safe side..,   એમનાથી નાના હોય એમને પણ ” અંકલ ” કહી બોલાવવા લાગ્યા.., શરૂઆતમાં તો મેં આંખ આડા કાન કર્યા.., પછી લાગ્યું કે.., ” This is going too far!” એટલે જ્યારે એક પાર્ટીમાં એમણે મારા મિત્રના દીકરાને ” અંકલ ” કહી બોલાવ્યો.., કે તરતજ ધીમે રહી હું એમને બાજુંમાં લઈ ગયો અને  સલાહના રૂપમાં એક ” Golden thumb rule ” સમજાવ્યો.,

” તમારે ” અંકલ ” કહીને ફક્ત બે ટાઈપના લોકોને જ બોલાવવાના.., જે ને ટાલ હોય તે, અને જેના માથામાં સફેદ વાળ હોય તે!”  પછી તો આ Thumb rule એમને બરાબર માફક આવી ગયો!

મહેન્દ્ર શાહ

જાન્યુઆરિ મહીના નો વિષય ” ચાંદીનાં ચમકીલા વાળ” – ( (1)હેમાબેન પટેલ નો લેખ સાથે સામેલ છે)

મિત્રો

સફેદ વાળ હોવાનાં લાભો અને નુકસાનો વિશે આપનો  લેખ ૧૦૦૦ શબ્દો નો મોકલવા વિનંતી ( શક્ય હોય તો હાસ્ય પ્રચુર અને  ૩૦જાન્યુઆરી પહેલા)

ચાંદીના ચમકીલા વાળ. – હેમાબેન પટેલ

photo 2

સામાન્ય રીતે ઘડપણ આવે એટલે માથે ચાંદી આવે, પરંતુ ભાઈ આતો કળીયુગ છે, ના જોએલુ, ના સાંભળેલુ, પહેલાં ના બનેલુ,જાણવા મળે.અત્યારે શરીરને ઉંમર સાથે કોઈ સંબધ ન હોય એમ લાગે .નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગે.કરવું શું ? માથે કલપ લગાડી ચાંદી સંતાડવી પડે.કહેવાય છે બહુ ચિંતાઓ કરો તો વાળ જલ્દી સફેદ થાય, મારી સાથે કંઈ ક આવું જ થયું છે, નાની નાની વાતમાં ચિંતાઓ કરવી,આપણે જાતે જ ન કામની ચિંતા કરીએ તો બીજાં શું કરે? એ લોકો થોડા આપણને કહે છે તૂં ચિંતા કર, જાતેજ ઉભી કરેલી ઉપાધી છે.આતો બાળકો સ્કુલ કોલેજ્થી મોડા આવે તો ચિંતા ! પતિ કામેથી મોડા આવે તો ચિંતા ! મહેમાન આવવાના હોય તો તેમને જમાડવા માટે મેન્યુની ચિંતા ચાર દિવસથી ચાલુ થઈ જાય.રાત્રે ઉંઘ ના આવે.ઘણા લોકોનો નિયમ હોય, ‘टेन्सन देनाका, टेन्सन लेनाका नही’ અહિંયાં તો ‘टेन्सन लेनाका’ વાળી વાત છે.

‘ मींया दुबले क्युं ? सारे गांवकी फिकर’ હવે આવા માણસોનુ કંઈ થાય ? વધારે ચિંતાઓ કરવાથી કોઈ ફાયદો તો ના થયો, એક દિવસ માથું ઓળતાં અરિસામાં માથામાં એક સફેદ વાળ જોયો,૩૦ વર્ષની ઉંમરે માથાએ રંગ બદલવાનુ ચાલુ કર્યું, મૉઢામાંથી ઉદગાર નીકળી ગયા, અરે આતો ઘડપણ ડોકિયાં કરી રહ્યું છે.ના ના આટલું જલ્દી ના આવીશ.હજુ તારે આવવાની વાર છે. વાળ એતો ચહેરાની સુંદરતા છે,અને વાળને જ તકલીફ ઉભી થઈ,મન તો એટલુ વ્યાકુળ થઈ ઉઠ્યું જાણે આજે જ બુઠાપો આવી ગયો.જલ્દી જલ્દી સફેદ વાળ તોડી નાખ્યો.એક સફેદ તોડ્યો બીજો ઉગ્યો, બીજો તોડ્યો ત્રીજો ઉગ્યો, કેટલા તોડવા ?વાળ તોડી તોડીને થાકી ગઈ જાણે મારે અને વાળને યુધ્ધ ચાલ્યુ હોય એમ બે તોડું તો બીજા ચાર સફેદ દેખાઈ આવે, આખરે આખી મોટી લટ સફેદ, અરે આ શું ! મને તો ૩૦ વર્ષે ઘડપણ આવ્યું હોય એમ લાગ્યું.મેં હાર માની લીધી અને હથિયાર નીચે ફેંક્યા. સફેદ તોડવા નથી એને જ સુંદર બનાવી દઉં તો કેવુ સારુ.વાળને રંગવાનુ કામ ચાલુ કર્યું, કેટલી બધી જફા ! એક અઠવાડિયામાં તો સફેદી ફરીથી દેખાવાની ચાલુ થાય. ૨૦ વર્ષ સુધી રંગવાનુ કામકાજ ચાલુ રહ્યુ, સાથે સાથે વાળની માવજત માટે પેપર અને મેગેઝીનમાં જાત જાતના નુસકા આવે એ ચાલુ કર્યા, કોઈ કહે મહેંદી લગાડવાથી સારુ રહે, મેહેંદી લગાડી, જાત જાતના તેલની માલિસ, આમ વિવિધ પ્રયોગો વાળ સાથે ચાલુ જ રહ્યા.માથા પરના સફેદ વાળ માટે આટલી બધી માથાકુટ ! આટલા ધમ પછાડા શેને માટે,ઈશ્વરે જે આપ્યું તે સ્વીકારે લોને. આ મનુષ્ય નામનુ પ્રાણી ભગવાને જે આપ્યુ હોય તેનાથી કોઈ દિવસ ખુશ રહ્યું છે ?સફેદ વાળની રામાયણ તો ચાલતી જ રહી, ખબર છે ધોળા ચાલુ થયા છે હવે તે ક્યારે તેના અસલી રંગમાં નથી આવવાના.અમેરિકા આવી અહિયાં તો કાળીયા લોકો અને ધોળીયા લોકોના વાળ જોયા તો લાલ, લીલા, પીળા,જામલી,ગોલ્ડન એમ રંગ બે રંગી વાળ જોઈને મને તો એક રસ્તો મળી ગયો ચાલો હવે વાળને કલર કરવાનુ બંધ, રંગ બેરંગી વાળમાં ગોલ્ડન કલર સાથે આ સીલ્વર કલર પણ ચાલી જશે કોઈ જોવાનુ નથી ગમે તેવા વાળ રાખો કોઈને તમારી પડી નથી.

મારી સાથે સફેદ વાળને કારણ ઘણા ફાયદાકારક કિસ્સા બન્યા.મુન્નાભાઈ એમ.બી.બીએસ રીલિઝ થઈ ત્યારે અમે થીયેટરમાં ફિલ્મ જોવા ગયાં થીયેટરમાં બહુજ લાંબી લાઈન હતી સીક્યારીટી ઉભી હતી, હું લાઈનમાં પાછળ ઉભી હતી સીક્યારીટીવાળો આવ્યો મને લાઈનમાંથી બોલાવી સૌથી આગળ ઉભી રાખી હું તો ખુશ થઈ ગઈ ચાલો જલ્દી નંબર લાગશે, મને પહેલી વાર મારા સફેદ વાળ ગમ્યા. ક્યાંય પણ જાઉ સિનિયોરિટી માટે મારે મારી આઈ ડી નથી બતાવવી પડતી, મારા સફેદ વાળ જ બોલે હું સિનિયર સિટીઝન છું.લંડન ગઈ હતી ત્યાં બસમાં મુસાફરી કરતા હતાં બસ આખી ભરેલી હતી હું સળીયો પકડીને ઉભી હતી એક છોકરો ઉભો થઈ તરત જ બેસવા માટે સીટ આપી.

માર્ચ મહિનામાં ઈન્ડિયા ગઈ હતી શીરડી સાઈબાબાના દર્શન કરવા ગયાં , દર્શનની મોટી લાઈન હતી, મારી બેનથી લાઈનમાં ઉભુ રહેવાતુ નથી હું તેને મારુ પર્સ સાચવવા આપીને વોલેટ લઈને લાઈન વીના દર્શન થાય તેને માટે પાસ લેવા ગઈ મારી આયડી પર્સમાં રહી ગઈ હતી, પાસ આપવા વાળાએ મારી પાસે સિનિયરસિટીઝનના પ્રુફ માટે આઈડી માગી મેં કહ્યું મારી પાસે આઇ ડી નથી તેણે કહ્યું બર્થ સર્ટીફિકેટ બતાવ મેં કહ્યુ કોઈ બર્થસર્ટિફિકેટ સાથે લઈને થોડું ફરે, તૂ મારા વાળને ધ્યાનથી જો અને મને પાસ આપ. તેણે મારા ચહેરા ઉપર નજર કરી મારા વાળ જોયા અને તરત જ પાસ આપી દીધા. મારા સફેદવાળ મુસીબતના સમયે બહુજ સાથ આપે છે.બહોત ગઈ થોડી રહી ,માથાની સફેદી સાથે સમાધાન થઈ ગયું છે હવે ઘડપણ સાથે ન કોઈ ફરિયાદ. મીરાની પંક્તિઓ ગુન ગુનાવાનો સમય છે “ રામ રાખે તેમ રહીએ ઓધ્ધવજી” મુખડાની કરચલીયો સાથે ચાંદીના વાળ ખુબજ શોભે છે.ચાંદીના ચમકીલા વાળ માટે નથી રહી કોઈ ફરિયાદ, હવે વરદાનરૂપ લાગે છે.

 

જીવનની જીવંત વાત (19) દિવ્યા સોની “દિવ્યતા”

મારા મોટાભાઈ ના લગ્ન નો પ્રસંગ હતો. ઍમે સૌ દેશ વિદેશથી ઇંડિયા પહોચી ચૂક્યા હતા. લગ્નના આ પ્રસંગ ની શરુઆત મોસાળા ના ગીતો દ્વારા મામાના ઘરેથી થવાની હતી. એના મુખ્ય બે કારણ હતા. મારો મોટો ભાઇ મામા ના ઘરે રહી ભણ્યો અને મોસાળ પક્ષે પણ એ સૌથી પહેલું સંતાન હોય ખુબ વહાલો હતો. અને બીજું અગત્યનુ કારણ હતા અમારા નાનીમા અમે એમને મોટી મમ્મી ના નામે બોલવીએ. અમારા મોટી મમ્મી,  એ હુલામણુ નામ પણ એમને અમારા મોટાભાઈએ જ આપેલુ.

મોટી મમ્મી એટલે જીવતી જાગતી ઉજવણી. નાની નાની વાતો મા અમારી આ નાનીમાની મોટી મોટી આંખો ઉત્સાહથી છલકાતી. નાના મોટા સૌની ઝીણી ઝીણી વાતો નુ એવુ તો એ ધ્યાન રાખે કે એની આજુબાજુ ના સૌને પોતાની જાત એની એ આંખો મા ખુબ ખાસ લાગે. મારા ઘરે લગ્નની  તૈયારીઓ હજી બાકી હતી, પણ મોટી મમ્મી નો ઊત્સાહ અને તૈયારી એટલી હતી કે આ ગીત પહેલા મોસાળા ની વદાગરી ( વિદાયગીરી) ની નાનામા નાની વસ્તુ પણ બેગો માં પેક થઇ ગયેલી. મોટી મમ્મી નો ઉત્સાહ એટલો કે એણે સર્વે મહેમાનોને એટલા ભાવથી આમંત્રિત કર્યા હતા કે એક પણ મહેમાન આ પ્રસંગ માં ગેરહાજર રહે એ શક્યજ નહોતું. ત્યા સુધી કે અમારા એક ફોઇ તો સીધા એરપોર્ટ પરથી જ આ મોસાળા ના ગીતો માણવા આવી પહોચ્યા હતા. એમની ભાડે કરેલી કાર સાથે મોટી મમ્મી એ મોસાળા ની બધી જ વસ્તુ ઓ અમારા ઘર તરફ રવાના કરી આપી. અમે સૌ હસ્યા પણ ખરા કે મોટી મમ્મી ને બહુ ઉતાવળ લાગે છે. અને એ બોલી હા છે જ ઉતાવળ.

એ દિવસે સાંજે આ ગીતો હતા સવારે મોટી મમ્મી એ ઘરના સર્વે ને પોતાના હાથે બાસુંદિ ખવડાવી. સાંજે અલ્પાહાર ના એના પ્રખ્યાત ઢોકળા અને ચટણી રેડી રાખ્યા હતા. અમને પણ સવારથી જ ત્યા પહોચવાનુ ફરમાન હતું પણ મને ત્યા પહોચતા સાંજ ના ચાર થઇ  ગયા, જેનો અફસોસ મને જીવનભર રહેશે. મને જોઇને વળગી પડેલી એ મોટી મમ્મીની આંખો જોઇ મને મારા પોતાના પર અભિમાન આવી ગયું કોઇને હુ આટલુ બધુ ગમુ ? મારા મા કઈક તો ખાસ છે જ , હા એ વાત જુદી કે મોટી મમ્મી ના હૈયે અમે બધાજ એટલા ખાસ . થોડી જ વાર મા લગ્ન ગીતો શરુ થયા.

મોટી મમ્મી મારી સામે જ બેઠી , ગુલાબી રંગ ની સાડીમાં એ શોભી રહી હતી જે એણે મારી મમ્મી પાસે મંગાવી હતી જે એના સ્વભાવથી વિપરીત હતુ. એના ચેહરા  પર અનોખું ગુમાન તરી રહ્યુ હતુ. એનો લાડકવાયો થોડાજ દિવસો માં ઘોડી ચઢવાનો હતો. એણે માંડેલો પ્રસંગ એના ધારેલા સમયે એણે બોલાવેલા સર્વે નિમંત્રિતો સહીત, એણે જોયેલા સપના જેવો જ ઉજવાઇ રહ્યો હતો. આ બધું જોઇ ને મારું મન ધન્યતા અનુભવી રહ્યું હતું , હુ મમ્મી સામે જોઈ હસી ત્યાજ એ ખિજ્વાઇ ને બોલી જય ને કહે કે ઓમ ને લઈ ઊપર આવે . એ મારા પતિ જે મારા દિકરાને લઈ નીચે બધા સાથે વાતો કરી રહ્યા હતા એમને બોલાવવા કહી રહી હતી. ત્યાજ મારા પતિ દાદર ચઢ્યા એમને વધાવવા એ દોડી જય ને વળગી અને વાતો એ મંડી. જય સાથેની વાતો આટોપી મોટી મમ્મી ફરી ગીતો ની રમઝટ મા આવી પહોંચી એણે પણ એક સુંદર ગીત ગવડાવ્યુ. શું એનો અવાજ શું એનો આનંદ બધુ શબ્દોમાં સમજાવવુ અશક્ય જેવુ લાગી રહ્યું છે મને . એ અનુભૂતિ જ દિવ્ય હતી .

થોડીવાર માં મારો દિકરો દોડ્તો મારા ખોળા મા આવી ચડ્યો ને પરદાદી ને હૈયે આનંદની જાણે હેલી ઉમટી. દરરોજ ની જેમજ એમણે મારા દિકરાને પ્રેમથી બોલાવ્યો “ આવો આવો ઑમ આવો આવો ! “ ને બસ તેજ ક્ષણે તેઓ ઢળી પડ્યા આનંદથી પરમાનંદ ની ગોદમાં !

તારી ખુશી સામે જાન ધરી દઈશ બધાએ સાંભળ્યું હશે. અમે તે અનુભવ્યુ. હજી ઘણા મહેમાનો લગ્ન ગીત માં સામેલ થવા હળવી મજાક કરતા દાદરો ચઢી રહ્યા હતા. અમારા બધા માટે આ વાત પચાવવી ખુબ મુશ્કેલ હતી અને હજીય છે. અમે સૌ આખી રાત એજ સાજ શણગાર સાથે એ જીવંત આત્માના પર્થિવ શરીર પાસે દિગ્મૂઢ બેસી રહ્યા , બસ એજ વિચારતા કે શું તે પોતાના જ મરણ નો સમય સ્થાન અને આમંત્રિતો નક્કિ કરતી હતી? શું એ એટલે જ આટલી ગુમાન માં ફરતી હતી. શું એ મૃત્યુ ને જીવંત કરવાને આટ્લુ હસતી હતી ? ત્યા એકત્રિત કરી અમને જેણે જીવતા શીખવ્યું એ જ આજે મ્રુત્યુંજય પાઠ શિખવતી હતી ?

તે રાત્રી નુ તથા બીજા દિવસેય અમને સૌને ચાલી રહે એટલું ભોજન પણ એ તૈયાર કરી ગઇ હતી , કે કોઇ ભુખ્યુ ના રહે અને અમે બધા એ જમ્યા પણ , એના હાથે બનાવેલ ભોજન માય એના વહાલ ની અમિ ભારોભાર ભર્યું હતું એતો બગાડવુ ના જ પોસાય.

આ છે મારા જીવનની જીવંત વાત જે મને મારા જીવનનેજ નહીં મરણ નેય જીવંત રાખવાની પ્રેરણા આપે છે.

અસ્તુ,

દિવ્યા સોની “ દિવ્યતા “

જીવનની જીવંત વાત -(18)-પી. કે. દાવડા

અને હું બચી ગયો

૧૯૭૦ માં મુંબઈમાં જરમન કંપણી (Hoechst) હેક્સ્ટ ફાર્મસીનાexpansion નું કામ લાર્સન એન્ડ ટુબરોના કંસ્ટ્રક્શન વિભાગ ECC નેઆપવામાં આવ્યું હતું. હું એ પ્રોજેક્ટનો Resident Engineer હતો.

કંપનીના મેઈન ગેટથી જ કંપનીના કડક કાયદા કાનુનનો અંદાજ આવીજતો. એ સમયે ડો. વાઘનર નામના કંપનીના ડાયરેકટરની એટલી ધાકહતી, કે એમના નામ માત્રથી લોકો ડરતા. મને અગાઉથી આ બાબતનીજાણ કરવામાં આવેલી. કંપનીમાં સ્વચ્છતા માટેના નિયમો એટલા સખતહતા, કે એવા નિયમો એ અગાઉ કે એ પછી મેં ક્યારે પણ જોયા નથી.અમારો માલ સામાન લાવતી ટ્રકોના ટાયર કંપનીમાં ટ્રક દાખલ થાય તેઅગાઉ પાણીથી ધોઈને સાફ કરવા પડતા. આ કાયદાને લીધે અમારાસપ્લાયરો પણ માલ આપવાની આનાકાની કરતા. મજૂરો માટે જાજરૂ,કંપનીની બહાર બનાવવામાં આવ્યા હતા, અને સામાન્ય પેશાબ કરીનેઆવવા જ્વામાં પણ મજૂરોનો સારો સમય બરબાદ થતો.

એકવાર અમારો એક મજૂર કંપનીની અંદરના એકાંતવાળી જગ્યાએ એકઝાડની આડમાં સંડાસ કરી આવ્યો, અને એક સીક્યુરીટી ગાર્ડે એને પકડીપાડ્યો. મારા કાને આ વાત આવી, એટલે એટલું તો નક્કી હતું કે મારીResident Engineer તરીકે હકાલપટ્ટી થવાની જ. મને ડોક્ટર વાઘનરેબોલાવ્યો ત્યારે પણ મેં મનમાં નક્કી કરેલું કે માફી માગી લેવી અને જેકહે એ શાંતિથી સાંભળી લેવું.

મને ડોકટર વાઘનરે પૂછ્યું, “તમને બનાવની જાણ છે?” મેં કહ્યું, “હાસાહેબ, અને મને એટલી પણ જાણ છે કે જાણી જોઈને કરવામાં આવેલોનિયમભંગ ન હતો, This was the failure of human system. હું કે તમેહોત તો પણ આવું જ થાય. (ટુંકમાં સંડાસ નીકળી ગઈ).” ડો. વાઘનરથોડીવાર મારી સામે જોઈ રહ્યા, પછી બોલ્યા, “એ મજૂરને અમારાદવાખાનામાં મોકલો, ડોકટર એને યોગ્ય દવા આપસે.”

અને હું બચી ગયો.

-પી. કે. દાવડા

પ્રેમલતાબેન- સ્ત્રી પ્રેરણાનું વટવુક્ષ (તરુલતા મહેતા)

‘ખામોશ પ્રેમલતાબેન’ 

‘બેસું ન પગ વાળીને હવે,સરી રહું મન ચિન્ધ્યા જ માર્ગે ,

બેસું નહિ હવે ખામોશ રહીને ,મારા જ રંગે હવે રંગી લઉં મુજને.’

ચિર ખામોશી-શાંતિમાં સ્થિત પ્રેમલતાબેન આપણને સૌને જીવનમાં સદાય ક્રિયારત રહી  સર્જનાત્મક બની  અને નવાં ઉડાન સર કરવાની પ્રેરણા આપી ગયાં છે.એમના વિચારોનું આકાશ અતિ મુક્ત ,નિર્બન્ધ.જીવનમાં કઈક નવું કરવાની ,નવા ચીલા ચાતરવાની તેમની ધગશ અનંત હતી.બે એરિયાના વડીલ એટલે સૌના બા,પણ મારે મન આદરણીય ગુરુ અને પ્રેમાળ સખી.તેમનું

મનોઆકાશ,સુંદર વાણી ,પ્રેમાળ વર્તાવ હમેશાં તાજગીથી ભરેલું.એમનો હાસ્ય અને સ્નેહથી છલકાતો ચહેરો મારા માટે ગોરવપૂર્ણ

નારીનું બેનમૂન ઉદાહરણ.તેઓ સદાય યુવાન અને ઉત્સાહથી ભરપૂર,કલા ,સંગીત ,નુત્ય કે સાહિત્યના કાર્યક્રમો મજમુંદાર દંપતીથી શોભે.એટલું જ નહિ અનેક સાહિત્યકારો અને કવિઓને એમણે નીમન્ત્ર્યા છે.કેટલીય મહેફીલો માત્રાબેન મજમુદારના નિવાસે માણી છે.સમાજસેવાનું કામ મજમુદાર  કુટુંબે હમેશાં સહર્ષ કર્યું છે.

પ્રેમલતાબેન સ્ત્રી-પ્રેરણાનું વટવુક્ષ હતાં,વડોદરમાં 1920માં નાગર  જન્મેલા એઓને સાહિત્ય અને કલાનો શોખ ગળથુથીમાંથી મળેલો હતો.તેઓ કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થી હતા,અને ઉત્તમ શિક્ષકા હતા.આજથી નવ દાયકા પહેલાં જયારે કન્યાઓને ભારતમાં  નિશાળમાં મોકલવાનું નહિવત હતું ત્યારે નાગર જેવી કોમમાં

નારી શિક્ષણ માટેની જાગૃતિ પ્રેરણાદાયક હતી.તેમના ‘કન્યાનું સ્વપ્ન ‘કાવ્યમાં નવા જમાનાની નારીનું સ્વપ્ન છે.સીતાની જેમ અગ્નિ પરીક્ષાનહિ પણ  સુનીતા વિલીયમની જેમ અવકાશના શિખર સર કરવાની મહેચ્છા ધરાવે છે.તેમના વિદ્યાર્થીકાળ અને યુવાનીમાં ગાંધીજીની સ્વાતન્ત્રની ચળવળની આબોહવા તેમનાં ફેફસામાં બળ પૂરતી હતી.કર્મયોગી ગાંધીજીની જેમ તેઓ હમેશાં

કાર્યરત રહ્યાં,પગ વાળીને બેસે તે પ્રેમલતાબેન નહિ,નિત મનમાન્યા  માર્ગ ચાલનારા હવે તેઓ અનંતની યાત્રાએ ઉપડી ગયાં છે,પણ એમનાં રંગે આપણને સૌને રંગીને ગયાં છે.તેમનું માતબર સર્જન ગુજરાતી સા હિત્યમાં હમેશાં યાદ રહેશે.તેમની કવિતા,વાર્તાઓ ,લેખો ,અનુવાદો અને બીજું ધણું મારા જેવા સેંકડોને પ્રેરણાના પીયુષ પાશે.તેમનું જીર્ણ થયેલું વસ્ત્ર આપણી વચ્ચેથી કાળના વાયરામાં ઉડી ગયું છે,પણ તેમનાં શબ્દોનો વારસો આપણા હેયામાં સદાય જીવંત રહેશે.તેમને મારી વંદનીય,ભાવભરી અંજલિ.

તરુલતા મહેતા

કન્યા નું સ્વપ્ન

પાંચીકા  રમું ને , ઊછાળું આકાશમાં
ફૂંદડી  ફરું ને ફરેજ પૃથ્વી

એક સપનું મખમલી મનમાં
અર્ધ ચન્દ્ર ને ઝૂલે ઝૂલું ઉચેરું

વળી પાછું થાય બનું હું વીરાંગના
ઉડાવો ઝંડો ,રહું મોખરે રણે

સીતા શું બેસું ,ધનુષઘોડલે
ભૂલાવું હું અગ્નિ પરીક્ષા

મહિલાતણી પછી તો થાય રક્ષા
વેચાવું મારે નહી તારામતિ શું

દ્રોપદી શાં ન ચીર મારા ખેંચાય
દડો બનાવી ધરાને ,ધરાને હું ઊછાળું

મીરાં શો રંગ મતવાલો જમાવું
સ્વાતંત્ર્ય નો જ શ્વસી રહું પ્રાણવાયુ

અવકાશમાં ઉડું ચાવલા જેવું
ગોતી વળું હું બ્રહ્માંડના પડને

હવે તો ચહું સુનીતા વિલયમશું
ખોજવાને જ ,અંતરીક્ષમાં  ઉડે

ટકે ના પગ હવે ધરતી પર
મારે ન કોઈ કિનારે નિર્બંધ હું

બેસું ન પગ વાળીને હવે
સરી રહું મનચિંધ્યા  જ માર્ગે

બેસું નહિ હવે ખામોશ રહીને
મારાજ રંગે હવે રંગી લઉં મુજને

પ્રેમલતા મજમુંદાર

શ્રધ્ધાંજલી-કલ્પના રઘુ

2013-06-16

 

‘બા’ના હુલામણા સંબોધનથી અમેરીકાના કૅલીફોર્નિયા સ્ટેટમાં જાણીતા શ્રીમતિ પ્રેમલતા મજમુંદાર, તેમની પાછળ દાદા, એક પુત્ર અને બે પુત્રીના પરિવારને મૂકીને માગશર સુદ પુનમની રાત્રે, ડીસેમ્બર ૨૫, ૨૦૧૫ના રોજ ૯૬ વર્ષની વયે પ્રભુપ્યારા થઇ ગયાં છે. સ્નેહ, સૌજન્ય અને સરળતા, જેમના જીવનમાં વણાયેલી હતી, એવા શાંત અને નમ્ર સ્વભાવ, પ્રેમાળ હ્રદય અને હંમેશા હસતો ચહેરો ધરાવતા પ્રેમલતાબેનનો જન્મ વડોદરા નિવાસી પ્રસન્નકુમાર દેસાઇને ત્યાં થયો હતો. તેઓ વડોદરા-નિવાસી જયકરલાલ મજમુંદારના પુત્ર હરિકૃષ્ણ મજમુંદારની સાથે સને ૧૯૪૬માં લગ્નગ્રંથીથી જોડાયાં હતાં.

એ જમાનામાં નાગર કોમમાં તેમનો B. A. (Hons), M. Ed., અને ‘સાહિત્યરત્ન’નો અભ્યાસ નારી-જાત માટે ગૌરવની વાત ગણાય. તેઓને સ્વ. સયાજીરાવ ગાયકવાડને હસ્તે ‘Good Conduct’નો ગોલ્ડ મેડલ મળ્યો હતો. સન ૧૯૮૩થી દિકરીએ સ્પોન્સર કરી બોલાવ્યા એટલે છેલ્લા ૩૨ વર્ષથી અમેરીકામાં રહ્યાં. અમેરીકામાં ભારતીય સીનીયર સેન્ટરમાં ‘ક્રિએટીવ રાઇટીંગ’ની ‘છજ્જુકા ચૌબારા’ નામની પ્રવૃત્તિ શરૂ થતાં, તે થોડો વખત તેના પ્રેસીડન્ટ તરીકે રહ્યા. સાન ફ્રાંસીસ્કોના ‘ચિન્મય મિશન’માં દસેક વર્ષ ભારતીય બાળકોને હિન્દી તથા ગુજરાતી ભાષા શીખવી. ઇમીગ્રન્ટસને ના સમજાતી અંગ્રેજી ભાષામાંથી હિન્દી અને ગુજરાતીમાં તેઓને લગતાં નિયમોનું ભાષાન્તર કરવાનુ કામ ત્યાંની ‘લેંગ્વેજ બેન્ક’ નામનાં વિભાગે તેમને સોંપ્યું હતું. તેઓ ગવર્મેન્ટ તરફથી ઓફીશીયલ ટ્રાન્સલેટર તરીકે નીમાયા હતા. એક સફળ શિક્ષિકા તરીકે કારકીર્દીની શરૂઆત કરી હતી અને એક સફળ લેખીકા તરીકે જીવન વિતાવ્યું. તેમેનાં લખેલા પુસ્તકો, ‘ઇટ્યો’, ‘રણમાં અટ્ટહાસ્ય’ અને ‘મેટસેન્સ્કની લેડી મૅકબેથ’ સાહીત્ય જગતને યાદગાર ભેટ છે.

શ્રી હરિકૃષ્ણ મજમુંદાર એટલેકે ‘દાદા’ના કહેવા પ્રમાણે તેઓ સતત સામાજીક કાર્યોમાં જોડાયેલા રહેતા. અનેક સ્ત્રીઓની સામાજીક મુશ્કેલીઓને સમજીને તેમને મદદ કરવા માટે તેઓ સદાય તત્પર રહેતાં. ગૃહજીવન, દાંપત્યજીવન અને સામાજીક બાબતોની ગૂંચ ઉકેલવા માટેની આંતરિક સૂઝ, દ્રઢ મનોબળ અને સહનશીલતાની તેઓ સાક્ષાત મૂર્તિ હતાં. દાદાનાં સોશીયલ વર્ક માટે બા તેઓની પ્રેરણામૂર્તિ હતા. તેઓના અંગત જીવનના ભોગે પતિ અને કુટુંબ માટે હંમેશા તૈયાર રહેતાં. તેઓ વ્યક્તિ સ્વાતંત્ર્યમાં માનતા. પોતાને સાચુ લાગે તે કરતાં. તેમના સામાજીક કાર્ય કરવાના સ્વભાવને કારણે સમગ્ર કુટુંબ તેમની સાથે જોડાયેલું રહેતું. આમ ‘વસુધૈવ કુટુમ્બકમ્‍’ની ભાવના અને ‘જીન્દગી મજાથી કેવી રીતે જીવવી’ એ સંસ્કાર-વારસો તેઓએ બાળકોને તેમના શૈશવકાળથી આપ્યો હતો.

આજે સાહિત્ય જગતને, અનેક સંસ્થાઓને, તેમજ સમગ્ર હરિકૃષ્ણ મજમુંદાર પરિવારને આ નારી શક્તિની ખોટ પડશે. આ જગ્યા પૂરાય તેવી નથી. સદ્‍ગતનો આત્મા પરમાત્મામાં ભળી જાય, એજ ઇશ્વરને પ્રાર્થના.

કલ્પના રઘુ

Presentation1

જાણે એ ગાંધી તું કસ્તુરબા

સદા બહાર બનીને હસતા રમતા આપણા આ બેન

સન્માન આપી સહુને ખુશખુશાલ રાખતા આપણા બેન

વ્યથા કથા સંભાળવી સહુની ,સાચો રાહ દેખાડે આપણા વ્હાલા બેન

આગળ વધવા ઉત્સાહી કરે, ના પાછળ હઠતા  કદી બેન

બચપણ, જવાની વિતાવ્યા તે હામ ભીડીને મારી બેન

જીવન એક પડકાર છે એવો દીધો સહુને તે મારી બેન

રુકવાનું કામ નહિ ,આગળ વધવું એવું લક્ષ તારું બેન

સુંદર કર્યો એવાકર્યા  કે અમે અનુસરીએ તને  સહુ મારી બેન

દાદાજીને આપી સહકાર આપી મધમધતું બનાવે જીવન બેન

પુરક  બન્યા એકબીજાના,જાણે એ ગાંધી તું કસ્તુરબા મારી બેન

વૃધાવ્સ્થાના આ સુવર્ણકળશને પ્રેમ થી દીપાવે બેન

જીવન નદી સમું સહજ  બનાવી ,પરિપૂર્ણ બનાવે અમારી વ્હાલી  બેન  

ચંદ્રિકાબેન વિપાણી

હૂંફના  હસ્તાક્ષર – પ્રજ્ઞા દાદભાવાળા

 
​  2013-06-16

આજે શબ્દોને પ્રાર્થના માં ફેરવતા કહીશ કે

બે એરિયાના ગુજરાતી સમાજની અગ્રેસરની પ્રેરણા એટલે પ્રેમલતા મજમુંદાર  

એટલે બે અરીયાના “બા”

મિત્રો આપણા શબ્દોના સર્જનના કે બેઠક  આપણે તો હમણાં શરુ કર્યું ગણાય ,પણ બા એતો સર્જનાત્મક લેખન પ્રવૃત્તિ ઘણા વર્ષ પહેલા શરુ કરી હતી ,આજથી ઘણા વર્ષ પહેલા એમનું આ સમણું હતું કે લોકો કલમ ઉપાડે।.એમણે એમની બે પંક્તિમાં કહું છે કે.. પાંચીકા રમું ને ઊછાળુ આકાશમાં ,એક સપનું મખમલી મનમાં, એક ખમીરવંતી  અને દ્રઢ કવીએત્રી….સૌથી મોટીવાત એ છે કે લેખન ,સમાજ સેવા ,પ્રોત્સાહન આપતા આપતા તેઓ એક માયાળુ સહ્ચારિણી બન્યા ,દાદા સાથે ખભે ખભા મિલાવી તેમના વિચારોને માન દઈ હૃદયથી સાથ આપ્યો ,જેણે પરિસ્થિતિ ને પ્રેમ કરતા શખવ્યું એટલુજ નહિ એમની પ્રવૃતિમાંથી પોતાને ગમતી સર્જનાત્મક પ્રવૃત્તિ શોધી બા (પ્રેમલતા બેન )એક લેખિકા બન્યા ,અને દુઃખતા ઘુટણ ની ફરિયાદ ન કરતા હાથમાં થેલો અને લાકડી લઇ પોતાની આકાશમાં ઉડવાની ઝંખના અંત સમય સુધી રાખી ​ અને આજે  હૂંફના હસ્તાક્ષર છોડી અંતિમ ઉડાન લઇ ચાલ્યા ગયા છે ત્યારે બા વગર બાળકો સુના પડ્યા,એવા પ્રેમલતાબેનને​ “બેઠક” અને “શબ્દોના સર્જન””સહિયારું સર્જન”ના  ​દરેક વાચકો તરફથી અને લેખક ,લેખિકા,…​તરફથી અંતિમ પ્રયાણ માં પ્રાર્થના

બાએ લીધી અંતિમ ઉડાન -​પ્રેમલતા મજમુંદાર​ ની ચિર વિદાય-પ્રજ્ઞા દાદભાવાળા-

બેસું નહિ હવે ખામોશ રહીને
મારાજ રંગે હવે રંગી લઉં મુજને

IMG_1978કન્યા નું સ્વપ્ન

પાંચીકા  રમું ને , ઊછાળું આકાશમાં
ફૂંદડી  ફરું ને ફરેજ પૃથ્વી

એક સપનું મખમલી મનમાં
અર્ધ ચન્દ્ર ને ઝૂલે ઝૂલું ઉચેરું

વળી પાછું થાય બનું હું વીરાંગના
ઉડાવો ઝંડો ,રહું મોખરે રણે

સીતા શું બેસું ,ધનુષઘોડલે
ભૂલાવું હું અગ્નિ પરીક્ષા

મહિલાતણી પછી તો થાય રક્ષા
વેચાવું મારે નહી તારામતિ શું

દ્રોપદી શાં ન ચીર મારા ખેંચાય
દડો બનાવી ધરાને ,ધરાને હું ઊછાળું

મીરાં શો રંગ મતવાલો જમાવું
સ્વાતંત્ર્ય નો જ શ્વસી રહું પ્રાણવાયુ

અવકાશમાં ઉડું ચાવલા જેવું
ગોતી વળું હું બ્રહ્માંડના પડને

હવે તો ચહું સુનીતા વિલયમશું
ખોજવાને જ ,અંતરીક્ષમાં  ઉડે

ટકે ના પગ હવે ધરતી પર
મારે ન કોઈ કિનારે નિર્બંધ હું

બેસું ન પગ વાળીને હવે
સરી રહું મનચિંધ્યા  જ માર્ગે

બેસું નહિ હવે ખામોશ રહીને
મારાજ રંગે હવે રંગી લઉં મુજને

પ્રેમલતા મજમુંદાર

“ક્રિસમસ ટ્રી ૨૦૧૫” શુભેચ્છા સહ-પદમાં-કાન

 

એક,બે,ત્રણ પ્રભુનો માનીએ ગણ,આ પૃથ્વી પર કરાવ્યું ઉતરણ

પ્રકૃતિમાં નિહાળીએ અનેક પ્રકારની વ્હેરાયટી

નાના નાના ઢીંગલા ઢીંગલી ને નાના સહુ પશુ પંખી,

મસ્ત બનીને ડોલે, ઓન ધી ક્રિસમસ ટ્રી.

નાના રંગની  નાના બલ્બમાં ,જ્યોતિ ઝબુકે પલકે પલકે

ઉપર નીચે ફેરા ફરતી ઓન ધી ક્રિસમસ ટ્રી.

આ પીંડ એક પેડ છે,એમાં જલાવો ડાળે ડાળે જ્યોતિ,

પ્રત્યેક સેલ સેલમાં થાય અનોખી અનુભૂતિ ,

ખૂબ સજાવો ને ગજાવો,

આનંદે નાચી ઊઠે,આપણું દેહ ક્રિસમસ ટ્રી.

નાચો,ગાવો,મોઝ મનાવો ,ને થઇ જાવો ટેન્શન ફ્રી.

બે હસ્ત જોડી માથું નમાવો ,ઈ જ છે  એક કી  

સુસ્વાગતમ બે હઝાર ને પંદર,કરો આંતર દર્શન

એટલી જ ફી છે ફ્રી,ઓન ધી ક્રિસમસ ટ્રી.

પદમાં-કાન

જીવનની જીવંત વાત (17)પ્રજ્ઞા દાદભાવાળા

તારે તે તીર્થ

કહેવાય છે તારે તે તીર્થ, જે કોઈ બીજા ને તીર્થ યાત્રા કરાવે એનો ભવ સફળ થાય અને પુણ્ય નું ઉપાર્જન કરે.સમેતશિખરજી તીર્થ ૨૦-૨૦ તીર્થંકરો ની નિર્વાણ ભૂમી છે. અસંખ્ય મુનિવરો ના મોક્ષગમન થી અહીં નો પ્રત્યેક રજકણ પાવન બન્યો છે. એવી પવન ભુમી ની જાત્રા અમને સહપરિવાર કરવાનો મોકો ઘણા વર્ષ પહેલા  અમને સહ પરિવાર મળ્યો હતો તે વખતે મને થયેલો અનુભવ મારા જીવનમાં એક જીવંત પળ  ની જેમ યાદ રહેશે 

તે દિવસે જમી અમારી પાંચ બસોમાં બધા ગોઠવાઈ ગયા  હા અમે સમગ્ર નાથાભવાનનું કુટુંબ જાત્રા એ ગયા હતા નાના બાળકથી માંડીને વૃદ્ધ સૌ કોઈ સાથે પ્રભુના દર્શન કરતા આનંદ સાથે જાત્રા માં આગળ વધી રહ્યા હતા ,બધાની સગવડતનો ખ્યાલ કરતા જુવાનીયાઓ  બધાને બસમાં ગોઠવી છેલ્લે પોતાની બસમાં ગોઠવાણા,અમારી બસમાં બધા જુવાનીયા અને બાળકો હતો, બસનો ડ્રાઈવર સમજુ અને શાણો હતો, છતાં વડીલોએ સલાહ આપી હતી કે બસ ભગાવવી નહિ દરેક બસ સાથે રાખવી  અને અંધારુ થાય તે પહેલા સમયસર મુકામે પોહોચી જવું  ગીતો ગાતા તો ક્યારેક સ્તવનો ગાતા રમતો રમતા સમય બસમાં પસાર થઇ જતો હતો , તો ક્યારેક જમ્યા પછી બધા જોલે  ચડી જતા હતા ,અચાનક ડ્રાઈવરે  બસ ખુબ ભગાવી,લગભગ સાંજ પાડવા આવી અને અચાનક અમારી બસ બીજી બસોથી છુટી પડી ગઈ ,બસના બધા પુરુષો મુંજાણાં ,બસ ના ડ્રાઈવરને કહ્યું ભાઈ આમ બસ ભગાવ નહિ સંભાળીને ચલાવ ,તું કૈક કર પણ બધી બસો સાથે થઇ જા  તો કહે વાત એમ છે કે આપણે હિંદુ મુસ્લિમના હુલ્લડમાં ફસાયા છે જુઓં દુકાનો  ટપો ટપ બંધ થઇ રહી છે,  ડ્રાઈવર કહે  આ સંવેદનશીલ  શહેર છે.સંભાળવું પડશે  ક્ષણભરમાં વાતાવરણ બગડતા બંને કોમના ટોળા દ્વારા સામ સામા આવી જતાં વાતાવરણ અતિ તંગ બન્યું છે . શહેરમાં વગર કર્ફ્યું એ કફર્યું જેવું વાતાવરણ દેખાતું હતું બીજી બસો  આગળ  નીકળી ગઈ આપણી બસ રહી જતા મેં અંદરની નાની ગલીમાં વાળી છે ,ત્યાં તો અમને પણ “અલ્લા હો અકબર” અને  હિંદુ ઓના “જય ભવાની”  આવાજ સંભાળતા હતા હવે શું કરશું ,સ્ત્રીઓ અને બાળકોથી બસ ભરેલી હતી  ડ્રાઈવરે કહ્યું બધાને કહો સીટ નીચે બેસી જાય બાળકો રડે નહિ તેનો ખ્યાલ રાખજો હું બસ ભગાવીશ ,અવાજ ન કરશો માત્ર એક જણ  મારી પાસેની સીટમાં બેસે, ત્યાં તો એક મોટું ટોળું હાથમાં તલવાર સાથે નીકળ્યું માથા પર ધર્મનું જનુન  અને આંખોમાં રોષ જે કોઈ હિંદુ મળે એને કાપી નાખશું બસ એવું ભૂત સવાર હતું અને બરાબર અમારી બસ પાસેથી પસાર થયું ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ગલ્લીના ખૂણે લાઈટ બંધ કરી બસ ઉભી રાખી અને બધા બસમાં સંતાઈ બેઠા  ટોળું જતા બસ બીજા રસ્તે કાઢી જ્યાં હિન્દુઓની વસ્તી હતી.

આ તરફ અમારી ચાર બસો તો મુકામે પોહચી ગઈ પણ અમારી બસ ન આવતા બધા વડીલો ચિંતામાં પડ્યા ,બસ ગઈ ક્યાં?ત્યાં સમાચાર આવ્યા કે રસ્તામાં બે બસ મુસાફરો સાથે બાળી નાખી સ્ત્રીઓને તો સમાચાર પણ ન આપ્યા ,નહીતો રોકકળ મચી જાય બધા નવકાર મંત્ર બોલતા બેસી રહ્યા. 

અમારી બસ થોડી આગળ ગયી ફરી મસાલો દેખાવા માંડી ,બસ વાળાએ વાંકી ચૂકી ગલી માંથી એક મોટા ડેલા જેવા દરવાજા પાસે ઉભી રાખી અને દરવાજો ખખડાવ્યો જલ્દી ખોલો આ બસને અંદર સંતાડી દયો  અને દરવાજો ખુલતા બસ અંદર સંતાડી લાઈટ બંધ કરી બસમાં બેસી રહેવા કહ્યું બસ બંધ કરી ક્યાંક જતો રહ્યો,અમને માત્ર  “અલ્લા હો અકબર” અને  હિંદુ ઓના “જય ભવાની”  આવાજ સંભાળતા હતા,અંધારું ઘોર કંઈ દેખાય નહિ, ક્યાં છીએ ? બહાર કોણ છે ? કશી જ ખબર નહિ ,બધા ભગવાનનું નામ લેતા ઉચાં જીવે બેઠા રહ્યા તોફાનીઓએ બે કલાક સુધી શહેરને બાનમાં લીધું,  પરિસ્થિતી અત્યંત કાબુ બહાર રહેતા  ઠેર ઠેર પોલીસ-એસ.આર.પી.ની ફોર્સ ગોઠવાઈ ગઈ   

વાતાવરણ સારું થતા  ડ્રાઈવર  આવ્યો બસ કાઢી   અને અમારે મુકામે અમને સુરક્ષિત પહોચાડ્યા,ડ્રાઈવર ની મદદ વગર આ શક્ય નહતું ,મુસલમાન ટોળાને ખબર પડતે કે હિન્દુની બસ છે, તો કદાચ આખી સળગાવી પણ દેત હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદીઓથી ચાલી રહેલા આ ખેલમાં તલવારની ધારે ધર્માંતર, લવ જેહાદ, દેશના ભાગલા, કોમી રમખાણો… આવું   થાય છે ધર્મના નામે આવું જનનુંન લોકોમાં પોસી ધર્મ ગરુ અને રાજનેતા જ ફાયદો ઉઠ્વતા હોય છે  એ આપણે સૌ જાણીએ છીએ. 

પણ જાતે હુલ્લડમાં ફસાવું અને તેમાંથી એક  ડ્રાઈવરના હાથે ઉગરી જવું એક અસામન્ય ઘટના છે. અને એથી પણ વિશેષ એણે અમને એક મુસલમાનના ઘરમાં સંતાડી દીધા હતા.  

હા  એ ડ્રાઈવર મુસલમાન પછી માનવ પહેલા હતો 

કહો સાચો મુસલમાન કોણ ?

અમારો ડ્રાઈવર કે જનુંની મુસલમાન ટોળું