
30મી જાન્યુઆરીના ગાંધીજીના નિર્વાણદિને એમને મારી અંજલિ એમના
‘સત્યના પ્રયોગે’ને સ્મરીને આપું છું. ગુજરાતી ભાષા જીવંત રહેશે કારણ કે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીએ એમની આત્મકથા પોતાની વહાલી માતૃભાષા ગુજરાતીમાં લખી છે.દુનિયાની મોટાભાગની ભાષાઓમાં અનુવાદિત થઈ ચૂકી છે.જીવનને જેમણે સત્યની પ્રયોગશાળા બનાવી હતી,મન,કર્મ અને વચનથી સત્યને આચરવાના અગ્નિમાં જેમણે જીવનને હોમી દીધું હતું તે પરમવિભૂતિ ગાંધીનો શબ્દદેહ અમરતાને વરેલો છે.
સાહિત્યના સર્જનની વાત કરીએ ત્યારે મારી દ્રષ્ટિએ સર્જકના શબ્દોમાં જીવનનું બળ મહત્વનો ભાગ ભજવે છે.ગાંધીજીનું જીવન દેશની મુક્તિની ચળવળમાં સંપૂર્ણપણે અર્પિત હતું,પણ પોતાના વિચારોને જનતા સુધી પહોચાડવા તેમણે કલમ ઉપાડી હતી.એમણે કોશિયો (ખેતરમાં પાણી કાઢવા માટે કોશ ચલાવે તે ) સમજી શકે તેવી સરળ ભાષામાં લખવાનું અપનાવ્યું.એટલું જ નહિ સીધી જીવનની વાણી.જીવનમાં
સત્ય,અહિસા ઉપરાંત આરોગ્યના જેવા કે પાણીના અને માટીના પ્રયોગો,
બ્રમચર્યના , ભોજનના અપવાસના,મોનના ,આશ્રમમાં હરિજન નિવાસના એમ અનેક બાબતોને એમણે ‘સત્યના પ્રયોગો ‘માં લખી છે.સ્કૂલમાં ગાંધીજીએ માસ્તરનો ઈશારો હતો છતાં પરીક્ષામાં ચોરી નહોતી કરી,એમના ખરાબ અક્ષરની કબૂલાત આવી વાતો જયારે હું સ્કૂલમાં હતી,ત્યારે વાંચવામાં આવેલી,એમ થતું ગાંધીજીના આપણી જેમ ખરાબ અક્ષર હતા,સાદી ભાષામાં લખાયેલું વાંચવાની મઝા આવતી.
મારું કહેવાનું તાત્પર્ય એ છે કે મેં ‘સત્યના પ્રયોગો ‘ પુખ્તવયે વાંચી છે ત્યારે મને ખૂબ આનંદ મળ્યો છે,આ આત્મકથા જીવનના સનાતન તત્વોની વાત વ્યક્તિગત અનુભવ દ્રારા કરે છે.એમાં ગાંધીજીની રમૂજીવૃત્તિ છે,વેદના ,મંથન ક્યાંક પોતાના શરીર ,મન તથા સ્વજનો ,અનુયાયીઓ પ્રત્યેની કઠોરતા પણ છે,જુદા જુદા રસમાં એમના જીવનના પ્રસંગો વાચકને તરબોળ કરે છે.દરેક પ્
રસંગે તેમની કલમે ગુજરાતી ભાષા ઘડાતી જાય છે,તેમના શબ્દો આપણા હદય સોંસરવા ઉતરી જાય છે.નાનપણમાં વાચેલું વાક્ય ‘ખરાબ અક્ષર અધૂરી કેળવણીની નિશાની છે.’કદી ભૂલાયું નથી.જો કે હવે ટેકનોલોજીએ આપણી સમસ્યા ટાળી છે.ગાંધીજીનો એકે એક શબ્દ સૌને સમજાય તેવો,અમલમાં સમય બદલાતા ન મૂકાય એ જુદી બાબત છે,પણ એ સત્યની વાણી અમર છે.
ગાંધીજીના પ્રભાવથી જે ગુજરાતી સાહિત્ય સરજાયુ તે ‘ગાંધી યુગનું ‘ ગણાયું ,ગાંધીયુગમાંથી માતબર કવિઓ અને ગદ્યસ્વામીઓ સાહિત્યને મળ્યા.ઉમાશંકર જોશી ,સુંદરમ ,કાકા કાલેલકર ,અનેક પ્રતિભાઓ સૌ જાણે છે,’સત્યના પ્રયોગો ‘ના વાચનથી હું એટલું સમજી કે મારે શબ્દોની સાધના કરવી હોય તો જીવનના અનુભવથી રસાયેલી સૌ સમજી શકે તેવી વાત -વિચારો -સંવેદનાઓ રજૂ કરવી.પૂર્ણ સત્યને મારી મર્યાદાના આવરણમાં -વાદળોમાંથી આછી ઝાંખીરૂપે જોઉં તો પણ મારા પ્રયત્નો અવિરત રહે તેવી પ્રભુ પ્રાર્થના. રાત્રે કાળા આકાશમાં વાદળો વચ્ચે સંતાકુકડી કરતો ચન્દ્ર મન બહેલાવે તેમ માતૃભાષામાં શબ્દોના સર્જનના આનંદની
અગરબત્તી મહેકાવી ‘સત્યના પ્રયોગો ‘ જેવી મહાન રચનાને ગાંધીજીના નિર્વાણદિને સ્મરી કૃતાર્થ થાઉં તો ધણું !
‘મારું જીવન એ જ મારો સંદેશ ‘ –ગાંધીજી
તરુલતા મહેતા 30મી જા.2016