વિસ્તૃતિ…૨૫ -જયશ્રી પટેલ.

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679


શરદબાબુની ૧૯ નવલકથાઓ સુધી આપણે પહોંચ્યા અને આ પચ્ચીસમી વિસ્તૃતિ કરતાં આનંદ અનુભવું છું. આપ સૌ મિત્રો સુધી મશહૂર લેખકને મારા સ્વ મંથનથી પહોંચાડી શકી તેનો મને આનંદ છે. તેમના અગણિત ચાહકો અને વાચકો છે.તેમની નવલકથાઓનો અનુવાદ દરેક ભાષામાં થયો છે. આ વાર્તાનું પુસ્તક કે તેના અનુવાદ કરેલી નવલકથા મને મળી નથી,બહુ વર્ષો પહેલા વાંચેલી વાર્તા ને આજે હું આપની સમક્ષ રજૂ કરું છું.
“મીની” લઘુનવલકથામાં શરદબાબુની એક સ્વાભિમાની સ્ત્રીનું પ્રતીક છે . મીની મામાને ત્યાં ઊછરી છે. મામાની દુનિયા મીની, પુસ્તકો અને ચર્ચાઓની આસપાસ જ ફરે છે. જમીનદારનો પુત્ર નરેન તેઓને ત્યાં આવે જાય છે. કલકત્તામાં અભ્યાસ કરતો નરેન,મામા અને મીની માટે જુદા જુદા પુસ્તકો વારંવાર લાવતો. મામા સ્નાતક હતા ને હવે નિવૃત્ત છે નરેન અને મીનીનાં અંતઃકરણને મામા જાણે છે બંને એક બીજાને ચાહે છે.મીનીનાં વાંચન શોખ ને જોઈ મામા ખુશ થાય છે.મામા, નરેન અને મીની સમાજની કે બીજી અનેક નાની મોટી ચર્ચાઓ કર્યા કરે છે.
મીનીની મા વિધવા છે. ભક્તિ પૂજા પાઠમાં રહેતી હોય છે .મીની મોટી થઈ ગઈ છે ,દીકરીની તેને ખૂબ ચિંતા થાય છે.ઘરમાં આવતો નરેન તેને પસંદ નથી. તેઓની ક્રિયા પ્રતિક્રિયાઓથી નારાજ રહે છે. મીનીની ફોઈ તેના માટે વારંવાર કોઈને કોઈ મૂરતિયા માટે સંદેશો મોકલતી રહે છે .મામા માટે મીની ને હજુ બી. એ પૂર્ણ કરવાની મહેચ્છા છે તેથી તે આ વાતોને એન કેન પ્રકારે ટાળે છે.એક દિવસ મીનીને ફોઈ એક ઘઉંના વેપારી ઘનશ્યામ નામનું પાત્ર શોધી જ કાઢે છે. મીનીની માતા તેના ભાઈને મીનીનાં આ ભાવી પતિને ત્યાં વાત કરવા મોકલે છે.
સૌદામિની વાર્તાનું મુખ્ય પાત્રને છે બધાં જ તેને મીઠાં નામ મીની તરીકે બોલાવે છે. મીની થોમસ હાર્ડી અને હ્યુગોની વાત કરનારી ભણેલી યુવતી છે.નરેન તેના માટે ભેટ રૂપે પુસ્તક ‘ધ વે ઓફ ઓલ ફ્લેશ’ લાવે છે.
તે વિચાર વિમર્શ કરી મામાને અને નરેન્દ્રને ચકીત કરી દે છે. સ્વભાવમાં તેને બંગાળી સ્ત્રીઓ કરતા થોડાં નવાં અને આધુનિક વિચારસરણી વાળી ચિત્રિત કરી છે. શરદબાબુએ.
વારંવાર કહેતી આવી છું કે શરદબાબુએ સ્ત્રીઓનાં અનેકરૂપ આલેખ્યા છે અને તેમની રીતે આજ સુધી કોઈ સ્ત્રી પાત્રને ચિત્રિત કરી શક્યું નથી. તેના પરિવારમાં તેને અલગ તરીકે સ્વીકારવામાં આવી છે. તેથી તે તેનાં સ્વાભિમાનને સાથે રાખે છે તેનાં માટે મામા જાણતા હોવા છતાં ઘનશ્યામ સાથે તેના લગ્ન નક્કી કરી આવે છે. તે નરેનને પત્ર લખી જણાવે છે ,પણ અફસોસ વાર્તાનાં એક ભાગરૂપે નરેન સમય પર આવતો નથી અને મીની પરણી જાય છે. તેની સાવકી મા અને સાવકા ભાઈ નરેશ સાથે રહેતો હતો. એ ઘરમાં સાવકી માનું ચલણ હતું. ઘનશ્યામ રાત દિવસ એક કરી કામ ધંધો કરતો અને બહુ ભણેલો નહોતો તેના જ ઘરમાં તે પરાયો હતો. સવારે જતો ત્યારે પણ નોકરચાકર કે કુટુંબમાંથી કોઈપણ હાજર નહોતા રહેતા કે રાત્રે થાકેલો આવે ત્યારે પણ કોઈ તેની સેવામાં નહોતું રહેતું. નાનાભાઈની આજુબાજુ બધાં જ મંડરાતા અને નોકરી કરતો હતો પણ ઘરમાં તે કાંઈ જ સહભાગી નહોતો.ઘનશ્યામ સાથે અહીં સાવકીમાને શોભે એવું જ વર્તન મા કરતી . તો પોતાના દીકરા દીકરી વહુ પર હેત ઉભરાતું .મીની પરણીને આવી તેને પહેલાં જ દિવસથી પતિ સાથે દૂરી બનાવી લીધી હતી.તે ઘનશ્યામની બીજીવારની પત્ની હતી. ઘરમાં બધાં જ તેના વર્તનથી અચંબામાં પડી ગયાં હતાં. ધીરે ધીરે સર્વેના વર્તન દેરાણીનો ઓરડો બધું જ જોઈ તે સમજી ગઈ હતી. પતિ સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે. સ્વામી નરેનથી અલગ છે. એક હળવા વ્યક્તિ છે, તે બધાંને ક્ષમા કરી દેનાર વ્યક્તિત્વ ધરાવે છે.મીનીને પણ દિલનો ભાર હળવો કરવા સમજાવે છે, સમય જતાં જતાં મીની સ્વામીને તેના સ્વભાવને સ્વીકારતી થાય છે.પતિ ઘનશ્યામ પણ માના ભલાબૂરા વચન સાંભળી મીનીને સાચવે છે.સ્વમાની મીની આ બધું ચૂપચાપ સહી નથી લેતી.તે માથું ઊંચકે છે અને તે દરમિયાન જ દિયરના મિત્ર તરીકે નરેનનો પ્રવેશ તેના સાસરામાં થાય છે. સાસુ જાણે છે કે નરેન મીનીનાં ગામનો છે,તેથી તેને નણંદ જે દહેજની આપ લેને કારણે ઘરમાં જ છે તેના લગ્ન નરેન સાથે થાય તેવી ઈચ્છા જાહેર કરે છે. નરેન અને મીનીને એકાંતમાં મળતા જ જોઈ નણંદ તાયફો કરે છે. સાવકી મા ઘનશ્યામના કાન ભરે છે અને ઘનશ્યામ તેની માની માફી માંગવાનું મીનીને કહે છે.
ચાર ચાર સ્ત્રીનાં ચારિત્રને અહીં ઉજાગર કરાયું છે સાવકી સાસુ જે મહેણાં ટોંણાં જ મારે છે દયાહીન છે, દેરાણી પતિના એસો આરામ સિવાય કંઈ જ જાણતી નથી ,ચારુ નતો સારી નણંદ બની શકે છે ન સારી મિત્ર. ત્યારે મીની નિર્દોષ છે, તેથી સ્વમાનને ખાતર નરેન સાથે જ ઘરની બહાર મર્યાદાનો ઉંબરો ઓળંગી નીકળી પડે છે.

અંતમાં આ વાર્તાની એક નાજુક પળ આવે છે ટ્રેન સ્ટેશન ઉપર પ્રવેશે છે,જે નરેન સામાન લઈ તેને સાથે જવા ઈચ્છે છે. તે સમયે મીની પોતાનાં મનનું આત્મનિરીક્ષણ કરે છે.



આત્મનિરીક્ષણ કરવું જ જોઈએ જેથી સાચો માર્ગ મળે. શરદબાબુની વાર્તા ને અંતે એક સ્વાભિમાની સ્ત્રીનાં મનમાં જેની સાથે આટલો સમય વિતાવ્યો હતો તેવા સ્વામીને માટે એક પ્રેમાળુ ખૂણો હૃદયમાં જાગૃત થાય છે. તે સચોટ રીતે વર્ણવ્યું છે.મીની સ્વામી માટે વિચારે છે પોતાના લોકો વચ્ચે પણ પરાયો થઈ જીવી લેતો આ વ્યક્તિ તેના માટે કેટલો નજીક છે તે પળ વારમાં પોતાના પતિ દ્વારા અભિવ્યક્ત થતી કરુણા, ક્ષમા અને સહનશીલતાનો અર્થ સમજે છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવી અને નરેનને લઈ પ્લેટફોર્મ પરથી વિદાય થાય છે. સૌદામનીને લેવા પતિ ઘનશ્યામ તેની સમક્ષ આવી ઊભો રહે છે,તેને માની માફી માંગી લઈ ફરી ઘરમાં પ્રવેશવા કહે છે. તે એક રાઝ ખોલે છે કે તેના મામાએ નરેન માટે તેને કહ્યું હતું .તે જાણે છે તેના ખભે હાથ મૂકી તેને ઘર તરફ વાળે છે. મામાની સમજદારીનાં શબ્દો મીની યાદ કરે છે કે નરેન સાથ આપી શકશે પણ તેને સમજશે ઘનશ્યામ જ. બધી જ રીતે તારા માટે ઘનશ્યામ જ યોગ્ય છે.
થોમસ હાર્ડી અને હ્યુગોની વાત કરતી મીની એની સમજથી બંગાળી સમાજની ધરોહર સંભાળી લે છે.


મિત્રો,આખી વાર્તામાં એટલું જરૂર કહીશ કે ક્ષમા , કરુણા
સહનશીલતાને એક પુરુષના વ્યક્તિત્વમાં મૂકી ખરેખર શરદબાબુએ પોતાની હથોટી અધ્દ્ભૂત રીતે શોભાવી છે.

મિત્રો ,વાર્તા આખી કહેવાનો મારો ભાવ એ જ છે કે ખરેખર વાચક વર્ગ તરીકે વાર્તાને તમે જાણી અને માણો. આ જ વાર્તા પર સ્વામી ફિલ્મ બનાવવામાં આવી હતી શબાના આઝમી, ગિરીશ કર્નાડ અને વિક્રમે સુંદર અભિનય કરી તેને નિખારી છે .તો શશીકાલે સાવકીમાનું અનોખું રૂપ ભજવ્યું છે.જોવાય તો જરૂર જોજો આ પિક્ચર અને માણજો .
મિત્રો આવતા અંકમાં જરૂર ફરીથી શરદબાબબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ,

જયશ્રી પટેલ
૩૧/૭/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૨૦: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.

                           “ગીતબિતાન”ની રચનાઓ થકી ગુરુદેવે આપણને માનવજીવનની સંવેદનાઓના મેઘધનુષનો પરિચય તો  કરાવી જ રહ્યા છે. પણ સાથે સાથે તેમની આધ્યાત્મિકતાના જુદા જુદા પરિમાણો પણ આપણી સામે ફલિત થઇ રહ્યા છે. ગુરુદેવે તેમની રચનાઓ થકી એ પરમશક્તિને અલગ અલગ દ્રષ્ટિએ નવાજી છે અને અલગ અલગ ભાવથી સજાવી છે. આ રચનાઓમાં ક્યારેક કવિવર સંપૂર્ણ સમર્પણ દ્વારા પોતાને વહાવી દે છે તો ક્યારેક એક દીન યાચક બની એ પરમચેતના પાસે પોતાના અસ્તિત્વને નિજમાં સમાવી લેવાની યાચના કરે છે. આવાજ યાચક ભાવને રજુ કરતી એક   સુંદર પ્રાર્થનાને આજે આપણે જાણીશુંઅને માણીશું. 1912માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે প্রাণ ভরিয়ে তৃষা হরিয়ে(Prano Bhoriye, Trisha horiye) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “આપો મને …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ખમાજમાં કર્યું છે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી  છે.    

કેટલો સરળ અને સહજ ભાવ! કવિવર અહીં એક દીન અને નમ્ર બનીને પ્રભુ પાસે યાચના કરે છે. અહીં પ્રભુ પાસે કવિવર કોઈ લૌકિક માંગણી ન કરતા, પોતાના મન, દ્રષ્ટિ, બુદ્ધિ, આત્મા અને જીવનને ઉન્નત કરવાની યાચના કરે છે. એ દિવ્ય ચેતનાના સતત સાંનિધ્ય અને સામિપ્યની યાચના કરે છે.  જયારે કવિવર 1912માં “City of Glasgow” નામની સ્ટીમરમાં બેસીને વિદેશયાત્રા કરી રહ્યા હતા ત્યારે તેમણે જયારે ક્ષિતિજે આકાશને દરિયાનો સ્પર્શ કરતા નિહાળ્યું ત્યારે તેમના મનમાં આ રચનાના બીજ રોપાયા હતા. 

દીનતા અને નમ્રતાએ પ્રભુને પામવાની સીડીના પ્રથમ બે પગથિયાં છે. આ રચનામાં કવિવરે અલગ અલગ રીતે દિવ્યશક્તિનો  સતત સંગ પામવાની જ યાચના કરી છે. આમતો રચનાની પ્રત્યેક પંક્તિઓમાં એ દિવ્યશક્તિના સંગની સતત ઝંખના પ્રગટ થાય છે, પણ મને પ્રભુના પ્રેમના પ્રવાહમાં “હું”ને વહાવી દેવાની જે યાચના કરી છે તે સૌથી વધુ સ્પર્શી ગઈ. આ “હું” એટલેકે આપણી અંદર રહેલો અહંકાર – મહદઅંશે જીવનની મોટા ભાગની સમસ્યાનું મૂળ હોય છે. આ “હું” એટલેકે EGO – the three-letter word carrying the weight of most problems of the life. મારા મતે તો આપણા વ્યવહારમાં જ્યાં જ્યાં  “હું”, “મારું” અને “મને”નું પલ્લું ભારે બને ત્યારે સમજવું કે આપણે એ વખતે અહંકારના સકંજામાં આવી રહ્યા છીએ. શ્રીમદ ભગવદ્ગીતામાં તો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જયારે તમે તમારી જાતને આ શરીર થકી ઓળખો છો એ પણ એક અહંકાર છે કારણકે આ શરીર તો એક વસ્ત્ર સમાન છે જે હાલ પૂરતું આ આત્માએ ધારણ કર્યું છે…. પ્રભુ કૃપા થાય અને તેમના પ્રેમના પ્રચંડ પ્રવાહના પૂરમાં જો આ “હું” વહી જાય ત્યારેજ કદાચ સાચું દીનત્વ પ્રાપ્ત થાય…

તો ચાલો, આજે આ રચનામાં કવિવરે પરમાત્માને કરેલી પ્રાર્થનાનું ચિંતન કરતાં કરતાં  હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 


ઓશો દર્શન-27. રીટા જાની

wp-1644023900666




કવિ શ્રી.રાજેન્દ્ર શુક્લ મનનું રહસ્ય ઉદ્ઘાટિત કરતા કહે છે….
મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે,
એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નિપજતું હોય છે.
ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કંઈ ક્યાં ઉપજતું હોય છે.

કવિ ખરું જ કહે છે કે સુખી થવું કે દુઃખી થવું, ખુશીના ખજાના લુંટવા કે દુઃખના ડુંગર ઉંચકવા, સંકલ્પ કરવો કે વિકલ્પમાં અટવાવું એનો આધાર માણસના પોતાના મન પર છે. માણસ એ ઈશ્વરનું અદભુત સર્જન એ માટે જ છે કે તેનામાં બુદ્ધિ અને મનની ઈચ્છાઓ આપમેળે સમાયેલી છે. ઓશો કહે છે કે મનની ચાલ બહુ અગમ્ય છે. જેમ ધુમાડામાં આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, તે જ રીતે મનમાં એટલા વિચારોનો ધુમાડો હોય છે કે વાસ્તવિક સ્થિતિને આપણી દ્રષ્ટિ ઓળખી શકતી જ નથી. ધર્મ અને તત્વજ્ઞાન મનથી મુક્તિની વાત કરે છે. પણ શું મનથી મુક્તિ શક્ય છે? મનનો સ્વભાવ છે દ્વંદ્વ. જો ઉપવાસ કરે તો ભોજન યાદ આવશે અને જો ભોજન કરે તો ઉપવાસના ગુણગાન ગાશે. મન સાથે લડો નહીં, તેને સમજો. જે રીતે દીવો કરવાથી અંધકાર દૂર થાય છે, સુરજની હાજરીમાં ઝાકળ ઉડી જાય છે, તે જ રીતે મનને સમજવાથી તે વિસર્જિત થઈ જાય છે. જો તેને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, તો મનનો પાર પામી શકાય છે. મન વિશે આમ તો ઘણું બધું કહી શકાય પણ ઓશોદર્શનમાં આજે આપણે વાત કરવી છે સ્વતંત્ર મનની.

ઓશો કહે છે કે આપણું મન જાત જાતની બેડીઓથી જકડાયેલું છે, ગુલામ છે, પરતંત્ર છે. એ બેડીનું નામ દેશ, સમાજ, સંપ્રદાય, ધર્મ, શિક્ષણ, સંસ્કાર, રૂઢિ -કંઈ પણ હોઈ શકે. પરંતુ વ્યક્તિત્વનો જન્મ સ્વતંત્ર મન વિના સંભવ નથી. વ્યક્તિનું મન જ્યારે પરતંત્ર હોય ત્યારે વિદ્રોહ અને ક્રાંતિ અસંભવ થઈ જાય છે. વિચારહીનતા, શ્રદ્ધા, આસ્થા અને માન્યતાઓ માનવીને તેના મનથી સ્વતંત્ર થવા દેતી નથી. જે મન પરતંત્ર છે, તે શરીરને જાણી શકે છે. પરંતુ જો મન સ્વતંત્ર થઈ જાય તો તે આપણી અંદર જે પરમ સ્વતંત્રતાનો મૂળ સ્ત્રોત છે તેની જાણી શકે છે, જેને આપણે આત્મા કે પરમાત્મા કહીએ છીએ. સ્વતંત્ર મન જ સ્વતંત્રતાને જાણવા માટે સમર્થ હોઈ શકે છે. પરતંત્ર મન પરતંત્ર શરીર સુધી જોવામાં જ સમર્થ છે.

જીવનના ત્રણ સ્તર છે. શરીર પરતંત્ર છે અને સ્વતંત્ર થઈ શકતું નથી. મન પરતંત્ર છે પરંતુ સ્વતંત્ર થઈ શકે છે. આત્મા સ્વતંત્ર છે અને પરતંત્ર થવા માટે અસમર્થ છે. પ્રશ્ન થાય કે આપણું મન સ્વતંત્ર છે કે પરતંત્ર? આપણે ફક્ત વસ્ત્રો, ભોજન, રીતભાત બીજા જેવી રાખીએ એવું નથી, આપણે વિચારો પણ બીજા જેવા કરીએ છીએ. વિચારના સ્તરે પણ અનુસરણ કરીએ છીએ. કોઈપણ પ્રશ્નનો ઉત્તર જો તમારો પોતાનો જાણેલો નથી કે તમારા અનુભવમાંથી આવતો નથી પરંતુ આજુબાજુના વાતાવરણમાંથી એ તમારામાં પ્રવેશ્યો છે, કોઈ શાસ્ત્રમાંથી સમજી લીધો છે કે ગુરુ પાસેથી સ્વીકાર્યો છે તો નક્કી જાણજો કે તમારું મન પરતંત્ર છે.

વિચાર એક પ્રકારનું તપ છે. વિચાર માટે વેદનામાંથી પસાર થવું પડે છે, ચિંતા કરવી પડે છે, દુઃખ સહન કરવું પડે છે. વિચારમાં તમે એકલા પડી જશો, ત્યાં કોઈ સહારો નથી હોતો કે નથી હોતી આજુબાજુમાં કોઈ ભીડ. જો જીવનને મેળવવું હોય તો બધા આધાર છોડી દો. બીજાના ખભા ઉપર હાથ રાખીને ઉભા રહેવું ખોટું છે. જો તરવાનું શીખવા માંગતા હોય તો પાણીમાં કૂદકો મારવો પૂરતો છે. પણ જો કોઈ એવું વિચારે કે તરવાનું શીખતા પહેલાં હું પાણીમાં નહીં ઉતરું, તો તે કદી તરવાનું શીખી નહીં શકે. એક દિવસ તો અજ્ઞાત અને અજાણ્યા પાણીમાં કૂદવું જ પડશે. તો જ તરવાની ક્ષમતા જાગશે. આપણું મન સતત આશરો શોધતું હોય છે -પછી તે ગુરુ હોય, ભગવાન હોય, અવતાર હોય કે ધર્મ- કોઈ પણ હોય. મનના સ્તરે જો તમે સ્વતંત્ર થવાનો નિર્ણય કર્યો તો આ દુનિયામાં આત્માને જાણવાથી કોઈ તમને વંચિત નહીં રાખી શકે. જો આટલું સાહસ નહીં હોય તો જીવનને મેળવી નહીં શકાય કે મન સ્વતંત્ર નહીં થાય.

પશુ અને મનુષ્યમાં ફક્ત એક જ ફરક છે કે મનુષ્ય વિચાર કરવા માટે સક્ષમ છે. અને જો આપણે વિચાર કરવાનો બંધ કરી દઈએ પોતાની ગરિમાને, પોતાની વિચારવાની સ્વતંત્રતાને મારી નાખીએ તો માણસની સ્થિતિ પણ પશુથી વધારે સારી ન હોઈ શકે. મનુષ્ય કાં તો લડે છે અથવા લડવાની તૈયારી કરે છે. આ મનુષ્યની પરતંત્રતાનું ફળ છે. જો આને તોડવી હશે તો મનુષ્યને સ્વતંત્ર કરવાનું સાહસ કરવું જ પડશે. મનુષ્ય જો સ્વતંત્ર હશે, અભય હશે, સચ્ચાઈને જાણતો હશે તો અશુભને પરિવર્તિત કરાવશે. અશુભનું દર્શન જ અશુભના પરિવર્તનનું કારણ બની જશે.

ધ્યાન મનની પરિપૂર્ણ સ્વતંત્રતામાં જવાનો પ્રયોગ છે. બહાર જે કંઈ છે તેમાં આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે અંદર જે છે તેના ઉપર આપણી દ્રષ્ટિ પડતી નથી. જો એકલા બેઠા હોઈશું તો પણ દુનિયાએ શું આપ્યું, મિત્રો, દુશ્મનો, ધંધા વિશે વિચારવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને તમે એકલા નહીં થઈ શકો. જ્યારે અંદરના બધા જ વિચારો નાબૂદ થઈ જાય, બધી ચિંતાઓ શાંત અને શૂન્ય થઈ જાય, અંદર કોઈ તરંગ ના ઉઠતો હોય એવી શાંતિ અંદર ઉતરે – એવી સ્થિતિનું નામ ધ્યાન છે. ઘણીવાર આપણો અનુભવ હશે કે માળા, જપ અને ભજનથી પણ મન શાંત થતું નથી, મૌન થતું નથી, ત્યાં કંઈકનું કંઈક ચાલતું જ રહે છે. ધ્યાન એ જાગૃતિનો પ્રયોગ છે આપણી આસપાસ જે બની રહ્યું છે, તે પ્રત્યે પુરા સજાગ રહેવાનું છે- કોઈ પંખી ટહુકે, કોઈ પાંદડું હલે, કૂતરો ભસે, બાળક રડે કે કંઈ પણ અવાજ આવે તેના પ્રત્યે જાગૃતતા કેળવવી છે. જેમ જેમ તમારું મન શાંત થશે તેમ તેમ ધીમા અવાજો પણ સંભળાવવા શરૂ થઈ જશે. ચારે તરફ ઘટતી ઘટનાઓ પ્રત્યેની સજાગતા એ જ ધ્યાન છે.

આપણી અંદર વિચારોનો ઉહાપોહ, વિચારોનું આંદોલન વિચારોની ભીડ તો બહુ છે, પણ તેની અંદર વિચારવાની શક્તિ સુષુપ્ત છે. વિચારવાની શક્તિ એ જોવાની ક્ષમતા છે, પરંતુ વિચારોની ભીડના કારણે જોવાની આ ક્ષમતા છુપાઈ જાય છે. જો સમસ્યા આપણી તો સમાધાન પણ આપણું જ હોવું જોઈએ. પરિવાર, શાસ્ત્રો કે સિદ્ધાંતોનું ઉધાર ન ચાલે. વિચારનો અર્થ છે જીવનની સમસ્યાનું સમાધાન પોતાની ચેતનામાંથી ઉદભવવું. ઓશો કહે છે કે સમસ્યાઓના જવાબ તમારી સ્મૃતિમાં કે ભૂતકાળમાં ન શોધો. જીવનની ગતિનો તાલમેલ મનની ગતિ સાથે કરો, તો ચેતના જાગશે અને પ્રશ્ન હલ થશે. જીવનના સામાન્ય કામોમાં સ્મૃતિ ઉપયોગી સિદ્ધ થતી હોય છે એટલે એવું લાગે છે કે જીવનની ઊંડી શોધમાં પણ તે કામ આવશે. પરંતુ હકીકત એ છે કે આત્મિક સમાધાન સ્મૃતિને મૌન કર્યા પછી જ મળી શકે. કાગળના ફૂલ તો તત્ક્ષણ મળી શકે પરંતુ સાચા ફૂલ જોઈએ તો પ્રશ્નનું બીજ તમારામાં નાખી દો અને પછી અંકુર ફૂટવાની ધીરજ પૂર્વક રાહ જુઓ. પહેલા અંકુર ફૂટશે, પછી ફૂલ ખીલશે, પછી ફળો મળશે. એ માટે રાહ જોવી પડશે.

ઓશો કહે છે કે જીવન આપણી અંદર કેદ છે અને બારણે વિચારનું તાળું છે. જો વિચાર સાથેના મમત્વનો ત્યાગ કરીએ તો મન શાંત બનશે. વિચાર પ્રત્યે તટસ્થ સાક્ષીની અવસ્થા અનુભવીએ. કોઈ વિચાર તમારો નથી, સારો નથી કે ખરાબ નથી, માત્ર વિચારોના પક્ષી ઉડી રહ્યા છે અને તમે ચૂપચાપ દૂર બેઠા તેને જોઈ રહ્યા છો. આનો સતત પ્રયોગ, એ વાતની ધારણા તમને તટસ્થ બનાવશે. વિચારોની ભીડ ઓછી થશે અને તમને આશ્ચર્ય થશે કે વિચારો અકસ્માતે આવેલા ન હતા, આપણા નિમંત્રણ થકી આવ્યા હતા. જે દિવસે આપણે તટસ્થ બનીશું ત્યારે એ ગાયબ થઈ જશે, દરેકની અંદર અમૃત ભરેલું છે, બીજરુપ જીવનની ઉર્જા છુપાયેલી છે તેનો પરિચય થશે.

શ્રી. વિજયશંકર કામદારની (ધમ્મપદ પરથી) સુંદર પંક્તિઓથી સમાપન કરીશું.
માત કે તાતથી જે ના બને, વા સ્વજનો વડે,
સંયમી ચિત્તથી લાધે શતાધા શ્રેય આપણું.

રીટા જાની
29/07/22

સંસ્પર્શ-૨૬

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

આજે વાત કરીશું “ લવલી પાન હાઉસ” નવલકથાની. હા,આ ધ્રુવદાદાની જ નવલકથા છે. નામ સાંભળીને વિચારમાં પડી ગયા ને? તો ,આઓ ,વાત કરીએ આ નવલકથાનાં પાત્રોની,તેમાં વર્ણવેલા લોહીનાં નહીં એવા લાગણીથી તરબતર માનવસંબંધોની.ભારતનાં વિવિધ જાતિ-પાંતિનાં એકમેક સાથે હળીમળીને રહેતા માનવોની.ધ્રુવદાદાની કલમ હોય એટલે કંઈક નવું ,કંઈક અલગ અને હટકે તો હોય જ. આ નવલકથામાં તેમણે કોઈ કુદરત,પ્રકૃતિ ,દરિયો કે જંગલની વાત નથી કરી પણ વાત કરી છે રેલ્વે સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરનાર કુલી સ્ત્રીઓની,તેમના બાળકોની ,લવલી પાન હાઉસ પર આવતા અનેક જુદા-જુદા માણસોની અને તેમના સંબંધોની ,તેમના પહેરવેશ ,બોલી,માન્યતા અને વાતચીતની લાક્ષણિકતાઓ અને તેની સાથે આગળ વધતી રસપ્રદ વાર્તા તો ખરી જ.

ટ્રેઈનની ‘છવ્વીસબાણુ’વેગન માંથી એક નાનું થોડા સમય પહેલાં જન્મેલું બાળક મળે છે. પરાણે વહાલું લાગે તેવું ગોરું ,રૂપાળું બાળક જોઈ સ્ટેશન પર સામાન ઊંચકવાનું કામ કરતી કૂલી સ્ત્રીઓ, તેને પોલીસને કે અનાથાશ્રમમાં આપવાની ના પાડે છે. બધાં સાથે મળીને તેને ઉછેરવાની જવાબદારી લે છે.જન્મનો દાખલો લેવા ,ચિઠ્ઠી ઉપાડી ,જેનું નામ નીકળે તે ચોપડે તેની મા બને છે – રેવા.રંગે ગોરો હોવાથી લાડકું નામ ગોરીયો અને ટ્રેનની યાત્રા કરતો મળ્યો એટલે ભણેલા સાહેબે નામ રાખ્યું યાત્રિક.”કોઈનો નહીં તે સૌનો” એમ ગોરીયો ટ્રેનની વેગનને રાત્રે પોતાની બેડરુમ બનાવી ,બધી મજૂર બહેનોનાં છોકરાઓ સાથે રમીને સૌનું આપેલ ખાઈને,સૌ મા નો અને મિત્રોનો સ્વાર્થવિહીન પ્રેમ પામતો મોટો થાય છે તેની સુંદર વાત દાદાએ કરી છે. 

કાળિયો,ટીકલો,વામન,સત્તુ,ભીખમંગી જેવા સ્ટેશન પર રખડતાં ,કૂલી સ્ત્રીઓનાં છોકરાઓનાં જેવાં માત્ર નામ જ નહીં પણ ,તેમના માના જ એક ન હોય તેમ તેમની અંદર જાણે હૂબહૂ ઉતરી જઈને ઉતારી હોય તેવી તેમની મનસ્થિતિ અને વિચારોનું અદ્ભૂત વર્ણન ધ્રુવદાદાએ કર્યું છે. સાથેસાથે પાત્રોનાં વિચારો દ્વારા વ્યક્ત કરાએલ દાદાની જીવનની ફિલસુફી ,અગમ્ય વિચારધારાનાં છાંટણાં વાંચીને તો આપણે પણ વિચારોની હારમાળામાં ગરકાવ થઈ જઈએ.જૂઓ-

“ કાળ કાગળિયાં ખાય, દેહનેય ખાય,મનને થોડો ખાય હકે?”

“પ્રયત્નપૂર્વક પણ ન સમજાતું હોય તો એ કે માણસ પૃથ્વી પર રહે ત્યાં સુધી તેને સમયખંડોમાં વહેંચાયેલા રહેવું પડે તેવી રચના શા માટે કરાઈ છે! શા કાજે તેના જન્મ ,ઉછેર, ભણતર, ગણતર,સફળતા,નિષ્ફળતા,ઈચ્છા ,સ્વપ્નો,આનંદ,પીડા અને સ્મૃતિ બધુંય સમય સાથે આવે કે જાય છે.સમયના બંધને ભેદી શકાય તેવી કોઈ વ્યવસ્થા કેમ નથી કરાઈ?”

આવા તો અનેક વિચારો નવલકથામાં આપણને પણ એ દિશામાં વિચારતાં કરી દે તેવા સરસ રીતે આલેખાયા છે.

સ્ટેશન પર વેગનને પોતાનું ઘર માની તેમાં આનંદ સાથે જીવતાં ગોરીયાનું શબ્દચિત્ર,તેમજ ગોરીયાને લવલી પાન હાઉસનાં માલિક મુસલમાન વલીભાઈ પોતાનાં ઘરમાં જ દિકરાની જેમ રાખે છે તે તેમજ વલીભાઈની પત્ની ગોરીયાને શાકાહારી ભોજન જ ખવડાવી તેને અભડાવતી નથી જેવી અનેક ઉમદા વાતો દાદાએ નવલકથામાં સરસ રીતે રજૂ કરી છે. અને તે યાદ અપાવે ફિલ્મ ‘ધૂલ કા ફૂલ ‘ગીતની પંક્તિઓ

“તું હિન્દુ બનેગા ,ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઈન્સાન બનેગા”

“માલિકને હર ઇન્સાન કો ઇન્સાન બનાયા,હમને ઉસે હિન્દુ યા મુસલમાન બનાયા”

તેમનાં ગરીબોની ઝૂંપડીમાં ડોકાતાં હૂબહૂ શબ્દચિત્રોથી મને યાદ આવી ગઈ ,પેલી ઝોયા અખ્તરની ફિલ્મ “ગલી બોય” જેમાં આખેઆખી મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટીની જિંદગી દર્શાવી હતી. હું પણ ફિલ્મ દિર્ગદર્શક હોત તો ‘લવલી પાન હાઉસ’ પર પીક્ચર જરૂર બનાવત. એટલાં સુંદર સંવાદો,વિચારો,હૂબહૂ શબ્દચિત્રો છે આ નવલકથામાં. બધું જ સાવ કાલ્પનિક,છતાં સાવ સાચું, ગરીબાઈમાં પણ આદર્શ સંસ્કારિતાનું દર્શન, માનવ મનની ઊંડાઈનું સ્વાભાવિક દર્શન તેમજ જાતિ-પાંતિ,ઘર્મ,વર્ણ વગરનાં સ્વાર્થવિહીન માનવ સંબંધોની ,વાહ !પોકારી જાવ તેવી વાતોનું દર્શન. અને આ નવલકથામાં એક સાથે બે વાર્તા એક જ નાયક ગોરીયા- યાત્રિકની ચાલે છે એની આગલી અને પાછલી જિંદગીની ,ફિલ્મમાં ફ્લેશબેક આવે એમસ્તો !!!આને માટે નવલકથા વાંચો તો જ સમજાય હંધુંય ……

આ સાથે દાદાની અલ્લાહ સાથેની વાતચીત કરતા હોય તેવી ગઝલ…. નવલકથામાં મુસ્લિમ વલીભાઈ મુશાયરામાં જાય અને ગોરીયો રાબિયા અને તેની અમ્મી સાથે મોટો થાય એટલે મને પણ દાદાની ગઝલ જ મૂકવાનું મન થાય ને!

મૂકી છે જાત મેં આખી લે ચરાગી કબૂલ કર

મને ખલાસ કર અને તું ખલ્લાસી કબૂલ કર

કશાથી શોધ જાતની કે તમારી થતી નથી 

જો તું હયાત હો તો મારી હયાતી કબૂલ કર

અહીં એ કહી ગયા હતા તે કશું સાંભળ્યું નહીં

અમે સતત કરી છે ફિર્કા -ખિલાફી કબૂલ કર

ના તું સાકી મને એ સજ્જનોનાં ઘર બતાવ મા

ભરી દે જામ ને આ જાત શરાબી કબૂલ કર

અહીં ને આ પળે તારા સમીપે જઈ ઊભો રહું 

જરા વિચાર મારી ઈશ્ક -મિજાજી કબૂલ કર

અને શું હું જ તને રાન રાન શોધતો ફરું

લે ચાલ ઘેર ને મારી ચપાટી કબૂલ કર

ચરાગી- પીરની દરગાહ પર ફાતિયો કરાવતી વખતે દીવા તળે મુકાતી રોકડ

જિગીષા દિલીપ

૨૭મી જુલાઈ ૨૦૨૨

હેલીના માણસ – 27 | જિંદગી એક સમરાંગણ | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-27 ‘જિંદગી એક સમરાંગણ’ એની 26મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

જિંદગીને કાચનું વાસણ મળ્યું, 

મોતને કારણમાંથી કારણ મળ્યું! 

 

પાનખર તોડી ગઈ છે પાંદડાં, 

શુભપ્રસંગોને ય ક્યાં તોરણ મળ્યું! 

 

કંકુ પગલાં કોણ આ પાડી ગયું, 

સાથિયા શોભાવતું આંગણ મળ્યું! 

 

શક્તિશાળી દરિયાનું દુર્ભાગ્ય જો, 

એને પાડોશી સ્વરૂપે રણ મળ્યું! 

 

ક્યારે હું તલવાર રાખું મ્યાનમાં, 

જિંદગી કાયમનું સમરાંગણ મળ્યું! 

 

જોઈતું’તું એ મળ્યું એવું નથી, 

જે નહોતું જોઈતું એ પણ મળ્યું! 

 

ઝેર ઉપરાછાપરી પીધું ખલીલ, 

ઝેરને ખુદ ઝેરનું મારણ મળ્યું! 

– ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

કોઈને ગંભીર બિમારી હોય ત્યારે તે ખાસ સારવાર અને કાળજી માંગી લે છે. એમાં થોડી પણ ગફલત કે બેદરકારીને અવકાશ નથી હોતો. કાચની બરણીની જેમ એને સાચવવો પડે! ખરેખર તો જિંદગી પોતે કાચના વાસણ જેવી અને જેટલી જ જોખમી છે ને? ક્યારે એમાં તિરાડ પડશે ને ક્યારે એ તુટી જશે? કેટલું અનિશ્ચિત છે! ખાસ વાત તો એ છે કે, જિંદગીનું કાચ જેવું હોવાપણું જ એના અંતનું પણ કારણ બને છે આખરે. 

જિંદગીને કાચનું વાસણ મળ્યું, 

મોતને કારણમાંથી કારણ મળ્યું! 

શુભપ્રસંગે આપણાં બારણે આસોપાલવનાં તોરણ બાંધવાની પ્રણાલી વર્ષોથી ચાલી આવે છે. એમાં ભાગ્યશાળી આસોપાલવને માનવો કે પછી બારણાને? કે પછી બન્નેને ને સાથે સાથે બાંધનારને પણ? એ બધું તો ખરૂં પણ જે તહેવાર કે અવસર પાનખરમાં આવે તેનું શું? ત્યારે તો પાંદડાંને પાનખર ખાઈ ચુકી હોય છે! બધાં પાંદડાં ખરી પડ્યાં હોય છે. ત્યારે પછી આવામાં આપણે આંગણામાં સાથિયા પુરીને અને ઉમરે કંકુનાં સ્વસ્તિક પુરીને અવસર ઉજવીએ છીએ. 

પાનખર તોડી ગઈ છે પાંદડાં, 

શુભપ્રસંગોને ય ક્યાં તોરણ મળ્યું! 

કોઈ અતિ ધનાઢ્ય વ્યક્તિના મહેલ જેવા આવાસની પાડોશમાં કોઈ કંગાળની નાની ઝુંપડી હોય તે કેવું? અને કોઈ મહા પ્રખર જ્ઞાની, બુધ્ધિશાળીની પાડોશમાં કોઈ મૂર્ખ વસતો હોય તો?ઝુપડીનું અને મૂર્ખનું તો સદ્ભાગ્ય પણ મહેલનું અને જ્ઞાનીનું તો દુર્ભાગ્ય જ ને? આ તો એવું થયું ને! જાણે અગાધ જળરાશિના સ્વામિ સમુદ્રની પાડોશમાં પાણીનાં ટીંપા માટે ય વલખાં મારતુ રણ! 

શક્તિશાળી દરિયાનું દુર્ભાગ્ય જો, 

એને પાડોશી સ્વરૂપે રણ મળ્યું! 

જિંદગીની પોતાની તાસિર જોઈ છે? એમાં નસીબદાર હોય તેને જોઈતું બધું મળે એતો ગમે, સારું લાગે પણ ના જોઈતું પણ એટલું જ મળતું હોય છે. અને એટલે હર પળે સામે એક પડકાર હોય છે એને ઝેલતા રહેવું પડે છે, સજ્જ થઈને સામનો કરવો પડે છે, લડવું પડે છે. અને સતત ચાલતી આ લડત માટે શસ્ત્રો તો હાથવગાં જ રાખવાં પડે! એટલે આવામાં બિચારી તલવારને તો મ્યાન નસીબ ક્યાંથી થાય! 

ક્યારે હું તલવાર રાખું મ્યાનમાં, 

જિંદગી કાયમનું સમરાંગણ મળ્યું! 

કયો રોગ કઈ દવાથી મટશે? કઈ તકલીફ શું કરવાથી દુર થશે? આના જવાબ તો મળી જાય. આજકાલ તો બધું જ આંગળીના ટેરવે, સાવ હાથવગું. પણ ઘણીવાર એક ઝેરનું મારણ બીજું ઝેર જ હોય ને ક્યારેક તો એ જ ઝેર પર ફરી એનું એ ઝેર મારણ બનતું હોય છે. સખત માથું દુખતું હોય ત્યારે ટાઈગર બામ લગાવીએ તો દુખાવાથી બમણી લાય બળે ને દુખાવાનો અહેસાસ નહીંવત્ થઈ જાય. 

ઝેર ઉપરાછાપરી પીધું ખલીલ, 

ઝેરને ખુદ ઝેરનું મારણ મળ્યું! 

આ બધી જ વાતો દિલો દિમાગ પર છવાઈ જાય એવી છે. જિંદગી વિશેની ઝીણવટભરી સમજ આપતી આ મઝાની ગઝલ આપ સૌનૈ પણ ગમી હશે. ફરીથી ખલીલ સાહેબની એક બીજી ગઝલને માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર 

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ… ૨૪ જયશ્રી પટેલ 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

 

‘અભાગીનું સ્વર્ગ’ આ લઘુનવલકથાનો ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટજી એ કર્યો છે.
આ લઘુનવલકથામાં કાંગાલીની મા અભાગીની મરણ માટેની અંતિમ ઈચ્છાઓનો તેમજ નીચ કુળમાં જન્મેલી માની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે કાંગાલીનો અથાગ પ્રયાસનું દર્દ ભર્યું વર્ણન લેખક શરદબાબુએ કર્યું છે.
તેઓ જે રીતે સ્ત્રીને સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી વર્ણવી શક્યા છે તે આજ સુધી કોઈ જ લેખક નથી કરી શક્યા.
આનવલકથાની શરૂઆત ઠાકુરદા મુખર્જીના વૃદ્ધ પત્નીનાં મૃત્યું અને તેનાં અંતિમ સંસ્કારોથી થાય છે .
તે સૌભાગ્યવતી મૃત્યુ પામી હતી તેથી તેને શણગાર સજાવી દીકરી અને વહુઓએ તૈયાર કરી હતી. તેના
પગમાં અળતો અને માથામાં સિંદૂરનાં લેપથી તે દીપી ઉઠી હતી. પુષ્પ, પત્ર , ગંધ માળા અને કલરવ પરથી
આ કોઈ શોકનો પ્રસંગ હોય એવું નહોતું લાગતું ,જાણે ફરી તે પતિ ગૃહે જતી હોય તેમ લાગ્યું. હરિ નામના ફરી ફરી પ્રચંડ ધ્વનિથી પ્રભાતનું આકાશ ગજવતું આખું ગામ પાછળ પાછળ ચાલ્યું જતું હતું. કાંગાલીનાી મા તે રસ્તે જતી હતી હાટમાં જવાનો તેનો આ સમય હતો .તે આ દ્રશ્ય જોઈને ઊભી રહી ગઈ .
કાંગાલીની માનો જીવન ઇતિહાસ ટૂંકો હતો .સંતાનનું નામ કરણ કરતી વખતે મા બાપ ખૂબ ખુશ હોય છે . કાંગાલીને માનો જન્મ થયો અને તેની મા તુરંત મૃત્યું પામી તેથી તેના બાપે ગુસ્સામાં તેનું નામ અભાગી પાડ્યું. બાપે તેની સામે ન જોયું છતાં પણ તે મોટી થતી ગઈ અને અંતે કાંગાલીની મા પણ બની .પરણીને થોડા જ સમયમાં પતિ રસિક વાઘ બીજી સ્ત્રીને પરણીને અલગ થઈ ગયો બીજા ગામે જતો રહ્યો .અભાગી દીકરાના સહારે જીવન જીવતી રહી દીકરો પંદર વર્ષનો થયો અને નેતરનું કામ ધગસથી શીખવા માંડ્યો. માના દુઃખનો ભાર ઓછો કરવા લાગ્યો એ જ અભાગી જ્યારે બ્રાહ્મણના અંતિમ સંસ્કાર જોવા ઉભી રહી અને આકાશમાં ઉડતા ધૂમાડામાં બ્રાહ્મણીને જોતી રહી તેને લાગ્યું કે જાણે બ્રાહ્મણી રથમાં બેસી સ્વર્ગે જઈ રહી છે. દીકરાના હાથે અગ્નિદાહ પામી તેવો જ તેને પણ કાંગાલી અગ્નિદાહ આપશે એવા સપના જોવા લાગી. ત્યાં જ અચાનક કાંગાલી આવ્યો અને મા ને ભાત રાંધવા આગ્રહ કરવા લાગ્યો. તેને ભૂખ લાગી હતી.સ્મશાનમાં મડદાને તો નહોતી અડકી,છતાં બાજુના તળાવમાં મા દીકરાએ ડૂબકી મારી બંને ઘર તરફ વળ્યા. મડદું શબ્દ સાંભળી દીકરાને સમજાવ્યો કે બ્રાહ્મણી તો સતી મા લક્ષ્મી હતી ગમે તેમ ન બોલાય. તે પણ તેના ચરણજ લેવા માંગતી હતી ,પણ નીચ કોમને તે કેમ એ કરી પોસાય તેમ નહોતું. કાંગાલી જાણતો હતો બાપના ગયા પછી મા જ હતી જે ભૂખી તરસી રહી તેનું પેટ ભરતી . કેટ કેટલાય ફરી લગ્ન કરવા સમજાવેલી પણ તે એકની બે નહોતી થઈ .આટલો મોટો થયો છતાં માના ખોળામાં બેસી તેની છાતીએ માથું ભરાવી કે ટેકવી દેતો. નાનપણથી તેને મિત્રો નહોતા કર્યા આખું ગામ કહેતું હતું કે કાંગાલીની મા જેવી સતી લક્ષ્મી ભોઈવાડામાં (હલકાવરણના વાડામાં )બીજી કોઈ નથી.
અભાગીનું શરીર ગરમ લાગતા દીકરાએ માને આડા પડી આરામ કરવા કહ્યું ને માએ પણ દીકરાને નોકરીએ ન જતા પોતાની પાસે બેસાડી રાજપુત્ર કોટવાલ પુત્ર ને પક્ષી રાજ ઘોડાની વાતો કહેવા માંડી હતી. સંધ્યા ટાણે ઘરમાં દીવો ન પ્રગટ્યો શરીર તાવથી ધકી રહ્યું હતું. તે તાવના બડબડાટમાં સ્વર્ગ અને પતિની અંતિમ ચરણજ માટે દીકરાને વિનંતી કરવા માંડી .જે પતિએ તેની સામે નહોતું જોયું ,આખી જિંદગી પીડા જ આપી હતી ,તે પતિને બોલાવવાની જીદ કરવા લાગી જાણે તેના જીવનના નાટકનો અંતિમ અંક પૂરો થવા આવ્યો હતો.
માંડ ત્રીસેકએક વર્ષનું જ આયુષ્ય પામી હતી.
મા, માટે દવા લેવા વૈદ પાસે જવા એની પાસે એક પૈસો ન હતો. ઘરનું પાણી ભરવાનું માટલું ગીરવે મૂકી વૈદ પાસે ગયો.વૈદે આવ્યા નહીં બે ચાર પડીકાં બાંધી દીધાં તે પડીકાંઓ ,પણ અભાગીએ ચૂલામાં ફેંકી દીધાં. દીકરાને ભાત રાંધી ખાવા કહ્યું .ક્યારેય ન રાંધેલો ભાત તેણે જેમ તેમ કાચો પાકો રાંધ્યો અને ખાધો. ફરી પતિને બોલાવી લાવવા વિનવવા લાગી .તેની ચરણજની આશ રાખી બેઠી .દીકરાને પાછાં ફરતા વાળંદની વહુ પાસેથી ચપટી અળતો માંગી લાવવા પણ કહ્યું .
દીકરો બીજા દિવસે બાપને બોલાવી લાવ્યો રસિક ભોઈ આવ્યો,ત્યારે અભાગીને ભાનસાન નહોતું . કાંગાલીએ માને રડીને કહ્યું,”બાપુ આવ્યા છે ચરણજ નથી લેવી ?” કાન સુધી શબ્દો પડ્યા ન પડ્યા અને એક હાથ લંબાયો .રસિક પણ રડી પડ્યો. તે સ્ત્રીની સામે પણ નહોતું જોયું આખી જિંદગી !તેને મારા ચરણજની જરૂર છે ?તે દિગ્મૂઢ થઈ ગયો .
ગામની સ્ત્રી બોલી ઉઠી,”આવી સતી લક્ષ્મી બ્રાહ્મણ કાયસ્થના ઘરે ન જન્મતા અમારાં ભોઈના ઘરે શા માટે જન્મી ?પણ હવે ક્રિયા કરમ કરજો ભાઈ, કાંગાલીના હાથે અગ્નિદાહ પામવાના વાંકે તો તેણે જીવ આપ્યો છે.”
મિત્રો, વાર્તા હવે અહીં શરૂ થાય છે. અભાગી શુદ્ર છે.તેને પોતાના ઘરનાં આંગણે વૃક્ષ વાવ્યું હતું.તે કાપવા માટે કાંગાલીએ કુલ્હાડી ઉપાડી તો દરવાનજી આવી પહોંચ્યો અને તેને ન કાપવા દીધું .ફરિયાદ લઈ એ બ્રાહ્મણને ત્યાં ગયો તો એ લાકડાં ઉપર તેઓને પત્નીનાં કારજ માટે લાકડું જોઈએ છે કરી હક્ક જમાવ્યો. ભોઈને વળી અગ્નિદાહ શેના?કરી ધુતકાર્યો અને માને ચપટી મીઠું લઈ ગંગા કિનારે દાટી દેવાની સલાહ આપી અને ખૂબ માર માર્યો .બે કલાકની આજીજીમાં તો વૃદ્ધ દેખાવા લાગ્યો નદીનાં ભાંઠામાં ખાડો ખોદી સ્વપ્ન જોવાના પણ અધિકાર નથી હોતા તેવી કોમમાં જન્મેલી સ્ત્રીને સુવાડવામાં આવી તેના હાથમાં એક ઘાસનો પુળો સળગતો આપી તેના હાથ વડે માનાં મુખે અડાડી નાંખી દીધો. સૌએ ભેગા મળી દાટ દાટી દીધી.કંગાલીની માનું અંતિમ ચિહ્ન લુપ્ત કરી દીધું. પુળામાંથી ધૂમાડો નીકળતો હતો તેને કાંગાલી અપલક નજરે જોતો રહ્યો,ન તેને રથ દેખાયો ,ન ઉંચે ઉડતો ઘોડો !કેવો વિરોધાભાસ! નીચીકોમનાં હાથે વાવેલું વૃક્ષ જે તેણે એ જ હાથોએ સિચ્યુ હતું,તેનાં લાકડાં ઊંચી કોમને ખપતા હતાં, પણ તે જાતિને ન તો એ લાકડાં આપી શક્યા ના તેની ઈચ્છા પૂર્ણ કરી શક્યા .નામ પ્રમાણે અભાગી આખી જિંદગી અભાગી જ બની રહી.જન્મી મા મરી ગઈ ,પરણી પતિએ છોડી દીધી, દીકરાનું સુખ પામતા પહેલાં મૃત્યું ખેંચી ગયું.

મિત્રો, શરદબાબુની આ કરુણાંતક વાર્તા એ મારાં હૃદયને ઝંઝોડી નાખ્યું,શું કોઈ આટલું બડભાગી હોય શકે ?શું જીવનમાં ક્યાં શ્રાપે તેને અભાગણી બનાવી દીધી હશે ?જાતિ ભેદના આ કટાક્ષને ખરેખર તે વખતે સમાજે કેવો પ્રતિભાવ આપ્યો હશે? શરદબાબુએ બંગાળી સમાજની ક્રૂર સચોટતા વર્ણવી દીધી છે આ નવલકથામાં.
વાચકવર્ગ ,વાર્તાનું શીર્ષક પણ અભાગીનું સ્વર્ગ કેવું સચોટ આપ્યું છે જે જાતિને સ્વર્ગની પણ કલ્પના કરવાનો અધિકાર નથી એ અહીં આપણી સમક્ષ વિચાર વિમર્શ કરવા પૂરતું જ છે !

મિત્રો,આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ,
જયશ્રી પટેલ
૨૪/૭/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૯: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.

જેમ જેમ હું “ગીતબિતાન”માં રહેલી રચનાઓને વધુ નજદીકથી સમજવાનો પ્રયત્ન કરું છું, તેમ તેમ મને ગુરુદેવની સંવેદનાઓ સાથે સાથે તેમના વિશાળ અસ્તિત્વના ફલકનો પણ પરિચય થઇ રહ્યો છે. જીવનના કેટલાય અનુભવો અને ઉતાર-ચઢાવ  પછી આટલી સહજતા અને સંવેદનશીલતા સાથે કવિવરે તેમના અંતરની ભાવનાઓને શબ્દોમાં વહાવી હશે. ગુરુદેવનું કોમળ ઋજુ હૃદય આધ્યાત્મિકતાના રંગે રંગાયેલું હતું અને આ આધ્યાત્મિકતાનો અજવાસ  તેમની અનેકાનેક રચનાઓમાં અને ખાસ કરીને તેમણે રચેલી પ્રાર્થનામાં સ્પષ્ટપણે પ્રગટ થાય છે. આજે આપણે આવી જ એક સુંદર પ્રાર્થનાને જાણીશું અને માણીશું. 1914માં રચાયેલીઆ રચનાનું શીર્ષક છે আগুনের পরশমণি (Aguner poroshmoni) જેનું ભાવાનુવાદિત શીર્ષકછે “નિર્મળ કરો…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ગૌડ-સારંગમાં  કર્યુંછે અને તેને દાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે.  મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્ય સ્વરૂપેભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  આ રચનાને કવિવરે પૂજા  વિભાગમાં વર્ગીકૃત કરી  છે.    

કેટલો સુંદર ભાવ! અહીં પ્રભુ પાસે કવિવર કોઈ લૌકિક માંગણી ન કરતા, પોતાના મન, દ્રષ્ટિ, બુદ્ધિ, આત્મા અને જીવન અને પોતાનું સર્વસ્વ નિર્મળ કરવાની યાચના શબ્દો દ્વારા વહેતી મૂકે છે. આફતોના અગ્નિને પણ અવસર ગણાવતી આ રચનામાં, જેમ અગ્નિમાં તપીને સોનુ શુદ્ધ થાય તેમ પોતાના જીવનને આફતોના અગ્નિ દ્વારા તપાવી શુદ્ધ કરવાની પ્રાર્થના કવિવરે આ રચનામાં કરેલ છે. આ રચનાની ગણતરી રબીન્દ્રસંગીત ની  એક અતિ પ્રખ્યાત રચનામાં થાય છે. કવિવરે પોતે તો આ રચના પ્રથમવાર માઘ-ઉત્સવના ઉત્સવની ઉજવણી વખતે રજુ કરેલ હતી. કવિવર એવું દ્રઢપણે માનતા શુદ્ધત્વની યાચના જીવનના અંતે નહિ પણ જીવનકાળ દરમિયાન કરવામાં જ જીવની સાર્થકતા છે.

      શુદ્ધત્વ, નિર્મળતા, purification. અણીશુદ્ધ પરમાત્મા એ શુદ્ધત્વની પરમ પરાકાષ્ટા છે. દરેક જીવ જયારે જન્મે ત્યારે એ પરમાત્માના અંશ લેખે તેટલોજ શુદ્ધ હોય છે…જયારે બાળક જન્મે ત્યારે તેનું મન, બુદ્ધિ, દ્રષ્ટિ, આત્મા એ કેવું પારદર્શક અને શુદ્ધ હોય છે અને એટલેજ આપણે નાના અબુધ બાળકને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. જ્યાં સુધી બાળકમાં “મારું”-“તારું”ની સમજ ના આવે ત્યારે તેનું સર્વસ્વ અણીશુદ્ધ હોય છે પણ ધીમે ધીમે એમાં માનવસહજ મલિનતા વધતે કે ઓછે અંશે પ્રવેશતી જાય છે. માયાના આવરણોમાં ધીમે ધીમે લપટાતો જાય છે. જીવનની ધારામાં વહેતા વહેતા, જીવનની પછડાટોમાં વળોટાતા વળોટાતા જીવનના અમુક મુકામે આ શુદ્ધત્વને પામવાની ઈચ્છા ફરી એક વાર પ્રબળ બને છે. અને શ્રીમદ્દ ભગવદ્ ગીતાના  નીચેના શ્લોકમાં કહેવાયું છે તેમ, યોગીની જેમ માયામાંથી મુક્ત (detached) થઇ મન, બુદ્ધિ, શરીર અને ઇન્દ્રિયોથી કર્મ કરવાથી  શુધ્ધત્વની પ્રાપ્તિ તરફ ગતિ શક્ય બને છે.

कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि |
योगिन: कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये || 11||

આ શુદ્ધત્વ તરફની યાત્રાની યાચનાજ કવિવરે આ પ્રાર્થનામાં કરી છે અને જે હરિકૃપા થકીજ પામી શકાય.  As I end this article, my sincerest prayer to the Almighty is to purify this life of mine, to clarify this life of mine and to simplify this life of mine.  તો ચાલો, આજે આ રચનામાં કવિવરે પરમાત્માને કરેલી પ્રાર્થનાનું ચિંતન કરતાં કરતાં  હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવો નીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ઓશો દર્શન-26. રીટા જાની

wp-1644023900666




ઓશો એક નવોન્મેશ છે,નવા મનુષ્યના. ઓશોનો આ નૂતન માનવ ‘ઝોરબા દિ બુદ્ધા’ એક એવો મનુષ્ય છે, જે ઝોરબાની જેમ ભૌતિક જીવનનો પૂરો આનંદ તો માણે જ છે સાથે ગૌતમ બુદ્ધની જેમ મૌનમાં ઉતરી ધ્યાનમાં ઉતારવા પણ સક્ષમ છે. આ નૂતન માનવ સમગ્ર અને અવિભાજ્ય મનુષ્ય છે તથા ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ છે.

પોતાના પ્રવચન દ્વારા ઓશોએ માનવ ચેતનાના વિકાસના પ્રત્યેક પાસાને પ્રકાશિત કર્યા છે. બુદ્ધ હોય કે મહાવીર, કૃષ્ણ હોય કે શિવ કે પછી હોય શાંડિલ્ય, નારદ , જીસસ કે તેમની સાથે હોય ભારતીય અધ્યાત્મ આકાશના અનેક નક્ષત્રો – આદિ શંકરાચાર્ય, ગોરખ, કબીર, નાનક, મલૂકદાસ, દરિયાદાસ, મીરા વગેરે પર તેમના હજારો પ્રવચન ઉપલબ્ધ છે. જીવનનો એવો કોઈ પણ આયામ નથી જે એમના પ્રવચનોથી અસ્પર્શિત રહ્યો હોય. યોગ, તંત્ર, તાઓ, ઝેન, હસિદ, સુફી જેવી વિભિન્ન સાધના પરંપરાઓના ગૂઢ રહસ્યો તેમણે વિસ્તારથી પ્રકાશિત કર્યા છે. સાથે જ રાજકારણ, કલા, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, દર્શન, શિક્ષણ, કુટુંબ,સમાજ, ગરીબી, જનસંખ્યા વિસ્ફોટ, પર્યાવરણ તથા સંભવિત પરમાણુ યુદ્ધ જેવા અનેક વિષયો પર તેમની ક્રાંતિકારી જીવંત દ્રષ્ટિ ઉપલબ્ધ છે.

જીવનમાં નાની કે મોટી દરેક બાબતમાં અદભુતતા રહેલી છે તો સાથે ક્ષણભંગુરતા પણ રહેલી છે. તેને જો પિછાણીએ તો તમારા હૃદયમાં જરૂર કરુણા જાગશે. તમારા નેત્ર ખોલો, જેથી કશું જ તમારા ધ્યાન બહાર ન જાય. તમારું હૃદય ખુલ્લું કરો અને પ્રેમને વહેતો રાખો. દરેક જીવ પ્રેમ પામવા માટે ઝંખે છે. જેમ તમે આપશો, તેમ તમે પામશો. તમે એક બગીચામાં જાઓ અને સુંદર ખીલેલા ફૂલોને જુઓ. તમને ખ્યાલ આવશે કે આ ફૂલોનું જીવન કેટલું ક્ષણજીવી છે. સાંજે તો આ જ સુંદર ફૂલો મુરઝાઇને ધૂળમાં મળી જશે, તો તમારા હૃદયમાં કરુણા નહીં જાગે? તમારી સામે તમે જે મનુષ્યને જુઓ છો, તમને ખ્યાલ આવે કે કેટલાક ચહેરા તમે ફરી ક્યારેય નહીં જુઓ, તો તમારા હૃદયમાં કરુણા નહીં જાગે?

ઓશો બુદ્ધના જીવનનો એક પ્રસંગ ટાંકી કરુણાની વાત સુંદર રીતે સમજાવે છે. એકવાર એક ગામમાં બુદ્ધ પ્રવચન આપી રહ્યા હતા. ત્યાં એક વ્યક્તિ આવી બુદ્ધ પર થુંકે છે. બુદ્ધ જરા પણ ગુસ્સે થયા વગર તેને પૂછે છે કે તારે બીજું કંઈ કહેવું છે? અને એ માણસ ક્રોધમાં ચાલ્યો જાય છે. એ વ્યક્તિ ઘેર જઈને વિચાર કરે છે અને રાતે તેને પસ્તાવો થાય છે. બીજા દિવસે આવી એ બુદ્ધના ચરણોમાં પડી જાય છે. ત્યારે તેમના શિષ્ય આનંદ બુદ્ધને પૂછે છે કે તમે આજ્ઞા આપો તો હું આ વ્યક્તિને શિક્ષા કરું. એ તમારા પર થુંક્યો તો પણ તમને ગુસ્સો ન આવ્યો? બુદ્ધ કહે છે કે મને એના પર કરુણા જાગે છે. તેને કોઈ વાત માટે ક્રોધ છે પણ એ બતાવવા માટે શબ્દો અસમર્થ છે. માટે એ થુંકવાનું કૃત્ય કરે છે. આજે એને પસ્તાવો છે, જે વ્યક્ત કરવા માટે પણ શબ્દો અસમર્થ છે. માટે એ મારા ચરણોમાં પડી જાય છે. ઓશો કહે છે કે ખરાબમાં ખરાબ માણસના હૃદયમાં પણ ઋજુ ભાવ હોય છે. જરૂર છે કે આપણે તેના હૃદયના ભાવ જોઈએ. પણ આપણે શું જોઈએ છીએ? આપણે જોઈએ છીએ તેની મજબૂરી, જેના કારણે તે ક્રોધ કરે છે, નિંદા કરે છે, ગાળો આપે છે. હકીકતે તો આવા લોકો કરુણાના અધિકારી છે, દયાપાત્ર છે. છતાં જોવા એવું મળે છે કે એક વ્યક્તિને દુઃખી કરવા અનેક વ્યક્તિ પાછળ પડી ગયા હોય છે. હકીકત એ છે કે તમે જે વહેંચો છો, તમે જે આપો છો, તે જ તમે પ્રાપ્ત કરો છો. જો તમે ખુશી વહેંચો છો, તો ખુશી મળશે; આનંદ વહેંચો છો, તો આનંદ આવશે; પ્રેમ આપશો, તો પ્રેમ પ્રાપ્ત કરશો; સુખ આપશો, તો સુખ મેળવશો. બાજી તમારા હાથમાં છે કે તમારે શું પ્રાપ્ત કરવું છે, તે તમે બીજાને આપો. જે દુઃખ આપવાની ચેષ્ટા કરે છે, તેના જીવનમાં દુઃખના કેન્દ્રો વિકસિત થાય છે અને જે સુખ આપવાની ચેષ્ટા કરે છે, તેના જીવનમાં સુખના કેન્દ્ર વિકસિત થાય છે. સાધનામાં પ્રવેશ કરવા માટે કરુણાનો ભાવ વિકસિત કરવો અત્યંત જરૂરી છે.

આપણે આસપાસ નજર કરીશું તો આપણને વિષાદયુક્ત, થાકેલા, હારેલા, પરાજિત લોકો નજરે પડશે. લોકો એવા તો હતાશ અને નિરાશ હોય છે કે જાણે મૃત્યુ આજે જ આવવાનું હોય. ઓશો કહે છે કે જીવન ગમે તેટલું ટૂંકું હોય અને મૃત્યુ ગમે તેટલું નિશ્ચિત હોય, પણ જેનામાં સમજ છે તે હંમેશા પ્રસન્ન અને ઉલ્લાસિત જીવન જીવવાનું પસંદ કરશે. આપણે એવા લોકો છીએ જે જીવનમાં પણ દુઃખી છીએ અને કેટલાક એવા લોકો છે જે મૃત્યુ સામે પણ ખુશ છે. ઓશો સુકરાતની વાત કરતા કહે છે કે તેમને મોતની સજા મળી તો પણ તેઓ જરા પણ દુઃખી ન હતા. તેમણે કહ્યું કે મૃત્યુ આવશે તો પછી દુઃખ બચશે જ નહીં અને જો હું બચી જઈશ તો પછી દુઃખ ક્યાં રહ્યું? જે પણ ગુમાવ્યું તે મારું ન હતું, માટે એનો શોક શા માટે? આપણી અંદર આપણે એટલી ખુશી અને આનંદ ભરી દઈએ કે મોત પણ હારી જાય. સાધનામાં ગતિ કરવા માટે એ અત્યંત જરૂરી છે. જેટલી તીવ્ર ગતિ જોઈએ એટલું જીવન હલકું જોઈએ. જીવનને ખુશીથી ભરી દઈએ અને મૃત્યુને ઉત્સવ બનાવીએ એ જીવનનું સાર્થક્ય છે.

સંવેદનાની વ્યાખ્યાને જ પલટી નાખીએ તો પછી જીવનમાં દુઃખની બાદબાકી થઈ જશે. આપણે જીવનનું અર્થઘટન એવું કરીએ છીએ કે ગમતું થાય તો સુખ અને અણગમતું થાય તો દુઃખ. પણ આ વ્યાખ્યાને જો ઉલટાવી નાખીએ અને પ્રતિકૂળતામાં પણ અનુકૂળતા સાધીએ તો દુઃખ ક્યાંય રહેશે જ નહિ. આ માટે પ્રકૃતિને ગુરુ બનાવીએ. જીવનમાં આવતા સુખ અને દુઃખને પ્રકૃતિ બહુ જ સહજ રીતે સ્વીકારે છે. અમાસની રાત્રિએ ચંદ્ર ક્યારેય દુઃખી થઈને એમ નથી કહેતો કે હું તો આ દુઃખમાં ડૂબી ગયો છું ને ફરી ક્યારેય પૂનમની ચાંદની નહીં રેલાવું. ઓટ વખતે હસતા મુખે પીછેહટ કરતા દરિયાના મોજાંઓ ભરતીમાં આકાશને આંબવા મથતા હોય તેમ ઉછળે છે. સાંજે અસ્તાચળે જતો સૂર્ય સવારે પ્રકાશ રેલાવી સમગ્ર જગતને ચેતનવંતું કરે છે. આપણે પણ જીવન પ્રત્યે આવી હકારાત્મક દ્રષ્ટિ રાખીએ તો સુખ અને દુઃખ કોઈ વિપત્તિ નહીં રહે. સૌથી પહેલા તમારા પોતાના શરીર પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા અનુભવો, ત્યારે જ તમે બીજા પ્રત્યે પ્રેમ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી શકશો. ઓશો જીવનને અદભુત બનાવવાની ચાર ચાવી આપણને આપે છે. એ છે – મૈત્રી, કરુણા, પ્રસન્નતા અને કૃતજ્ઞતા. જ્યારે આપણે આપણા જીવનમાં આ ચાર ગુણ વિકસિત કરીશું, તો જરૂર સાધનામાં ગતિ કરી શકીશું અને જીવન ધન્ય બની જશે.

રીટા જાની
22/07/2022

સંસ્પર્શ-૨૫

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

ધ્રુવદાદાએ તત્વમસિ નવલકથામાં માનવનાં માનવ સાથે,કુદરત સાથે,લોકમાતા નર્મદા જેવી નદી સાથે અને સમગ્ર સંસ્કૃતિ સાથેનાં અનોખા સંબંધોની વાત કરી છે.વાત આમ તો નર્મદા નદીની છે ,પરતું નદીની સાથે સાથે તેની આસપાસ વસતાં લોકોનાં જીવનની,સજીવ સૃષ્ટિની ,વનનાં સાગનાં વૃક્ષોની ,નર્મદાનાં પરિક્રમાવાસીઓની વાત પણ સંકળાયેલી છે.નદીને ભારતીય સંસ્કૃતિમાં માતાનો દરજ્જો કેમ આપવામાં આવ્યો છે? આપણી ગંગા,યમુના,નર્મદાને પગે લાગી તેનાં પાણીને ચરણામૃત કેમ કહીએ છીએ? કારણ ,આ નદીઓ માનવજીવનને કે બહોળા અર્થમાં તમામ પ્રકારના જીવનને ટકાવી રાખનારી,વિકસાવનારી શક્તિ જ નથી ,તે એક સંસ્કૃતિના પરિવહનનું,પરિપક્વતાનું અને તેની સતત વધતી વિસ્તરતી જીવનગાથાનું અમરગાન છે.

નર્મદા કિનારાવાસીઓ માટે તે જીવનદાયિની છે.નવલકથાની શરુઆતથી અંત સુધી સાંકળતી કડી સ્વરૂપે લોકમાતા નર્મદા અને તેની આસપાસનાં વિસ્તારોનું મનોહર વર્ણન દાદાએ કર્યું છે.તેમજ પરિક્રમાવાસીઓ સાવ અજાણ્યા હોય તે છતાં તેમને સાહજિકતાથી મદદરુપ થતાં લોકોનાં સંવેદનાસભર સંવાદો દ્વારા દાદાએ નર્મદાતટવાસીઓનો પરિચય કરાવતાં સમગ્ર ભારતીય સંસ્કૃતિનો હ્રદયંગમ પ્રભાવ ઊભો કર્યો છે.

બિત્તુબંગાનાં ભાઈ બંગાને ,જે વાઘણ ખાઈ ગઈ હતી, તે વાઘણનું મોં ગલસંટામાં ફસાઈ ગયું અને બિત્તુ તેને કુહાડી લઈ મારી નાખવા ગયો ,પરતું જ્યાં તેણે તેનાં નાનાં બચ્ચાંને જોયાં અને પોતે મા વગર ઉછર્યો હતો અને તે વેદના યાદ આવતાં એને વાઘણને છોડી દીધી. પોતે જીવેલી મા વગરની જિંદગી એને વાઘનાં બચ્ચાંઓને આપવી નહોતી.આ પ્રસંગ સાથે જ સાંકળેલ મહાભારતનો પ્રસંગ- દ્રૌપદીનાં પાંચપુત્રોને અશ્વત્થામાએ ઊંઘમાં સૂતા જ મારી નાંખ્યા છતાં જ્યારે અશ્વત્થામાને હણવાની દ્રૌપદી ના કહે છે અને કહે છે પુત્રહીનતાનું દુ:ખ શું હોય છે ?તે હું જાણું છું,કૃપીને એ દુ:ખ કદી ન મળો.આમ નવલકથાનાં આદિવાસી અભણ લોકો હોવા છતાં અને જેમણે શાસ્ત્રો ક્યારેય વાંચ્યાં નથી તેમનાં સંસ્કારોની ઉચ્ચતા દાદાએ કુશળતા પૂર્વક આલેખી છે.અને તેની સાથે મહાભારતનાં પાત્રોની વાતની ગુંથણી પણ સરસ રીતે રજૂ કરી છે.આમ નાયક આદિવાસી લોકોની કેવી કેવી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી અભિભૂત થાય છે તેનાં ખૂબ સંવેદનશીલ સંવાદો દાદાએ સુપેરે પાત્રો દ્વારા રજૂ કર્યા છે.

નર્મદા નદી ભારતને બે ભાગમાં વહેંચેં છે તેવી માન્યતા સામે દાદા માને છે કે નર્મદા ઉત્તરાખંડ અને દક્ષિણાખંડને જોડીને એક સાથે રાખે છે. એક નદી સાથે વિકસેલી ,નદી કિનારે પાંગરેલી અને તેના જ પુણ્ય પ્રતાપે હજીયે વિકસતી આપણી સંસ્કૃતિમાં તેનું મહત્વ અનન્ય છે એમ સમજાવતાં દાદા લખે છે” અમરકંટકથી નીકળીને સમુદ્રને મળે છે ત્યાં સુધીમાં આ નદી કેટકેટલી શ્રધ્ધા ,કેટકેટલી સાંત્વના,કેટકેટલા પ્રેમ,આદર અને પુણ્યો સમાવતી દંતકથાઓનું સર્જન કરે છે.એક ઝરણ સ્વરૂપથી સાગરને મળવાના સમગ્ર પ્રવાસમાં તે પોતે બદલાય છે અને તેના સંસર્ગમાં આવનારનાં જીવન બદલી નાંખે છે.” પાણીનાં એક પ્રવાહને એટલે જ આપણી સંસ્કૃતિમાં લોકમાતાનું બિરુદ અપાયું હશે!

નવલકથાની પરિપક્વ ક્ષણો સમયે નાયકનું માનસ પરિવર્તન ખૂબ સહજ જણાય છે.એમાં કોઈ એક પ્રસંગ કે ઘટનાનો ભાગ નથી,પરતું સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન તેણે અનુભવેલું એ નિતાંત આહ્લાદક સૌંદર્ય છે,જે ફક્ત માનવજીવનનું નથી,વનરાજીનું,પ્રાણીઓનું,માન્યતાઓ અને તેનાં અર્થઘટનનું અને સૌથી વધુ લોકમાતા નર્મદાનું છે.દરેક પરિક્રમાવાસીને નર્મદા દર્શન આપે જ છે એવી માન્યતાની તેમની આગવી પુષ્ટિ કોઈ ચમત્કાર નહીં ,સાક્ષાત્કાર બની રહે છે.

નવલકથાનાં અંતમાં નદીની અર્ધપરિક્રમાએ નીકળેલો નાયક કાબાઓ દ્વારા લુંટાઈ છે ત્યારે તેમના મને કરેલું અર્થઘટન સચોટ અને અર્થગર્ભિત છે.તેઓ કહે છે કે કાબાઓની માન્યતા છે કે પરિક્રમાવાસી સાધુઓને લૂંટવાની ,અરે ! તેમના વસ્ત્રો સુધ્ધાં લઈ લેવાની આજ્ઞા તેમને ‘મા’ નર્મદા આપે છે.કારણ “ભૂખ્યો તરસ્યો,જીવનનિર્વાહ માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઈ ગયા ફશે.સંન્યાસ શુંછે? ત્યાગ શું છે? જીવન શું છે?આવા તમામ પ્રશ્નોનો જવાબ તેને સ્વયં મળી ગયા હશે.આવું સચોટ અને સત્યાર્થ રજૂ કરતી ફિલસુફી જ નવલકથાને બીજા કરતાં આગવી ઓળખ આપે છે.નવલકથાનાં બધાં જ પાત્રો શરુઆતથી અંત સુધી આપણને લાગણીની અલગ સફરે લઈ જાય છે.આપણે પણ પાત્રોની સાથે નર્મદાની અને તેની આસપાસનાં જંગલોની ,આદિવાસીની ઝૂંપડીઓની સફરનો અનુભવ કરીએ છીએ.ગુણદોષથી ભરેલા તે આદિવાસીઓ શહેરનાં માણસથી જુદા પડે છે કારણ તે કુદરત સાથે જોડાએલ છે. કુદરત સાથેનો તેમનો સંબંધ સાવ નોખો છે ,કારણ કુદરત તેમના અસ્તિત્વ નો એક ભાગ છે.

આ સાથે ઘ્રુવદાદાની ચાર પંક્તિઓ-

ક્યાં કહું છું હું અને તું એક હોવા જોઈએ.

માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.

એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી

શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.

સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે.

પણ બધાંની દ્રષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.

જિગીષા દિલીપ

ર૦ મી જુલાઈ ૨૦૨૨

હેલીના માણસ – 26 | અફવા | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-26 ‘અફવા’ એની 25મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

ગઝલ –

જીભ મુંજવણમાં પડી છે તારી! 

આંખ વાચાળ બની છે તારી! 

 

તનબદનમાં છે ગજબ ચટકારા, 

મુગ્ધતા માથે ચડી છે તારી, 

 

યાદ ને સ્વપ્નની ટક્કર વચ્ચે, 

ઊંઘ ચૂંથાઈ ગઈ છે તારી! 

 

એક બે વાર હવાઓ દ્વારા, 

ક્યાંકથી ભાળ મળી છે તારી! 

 

હસતાં રહેવાની તારી આદત છે, 

અમને એ ટેવ ગમી છે તારી! 

 

આ વિરહ રાત ખસેડી લેને,

આ વિરહ રાત સગી છે તારી? 

 

તુ ખલીલ એના ખુલાસા ના કર, 

એ બધી અફવા ઊડી છે તારી! 

 

ખલીલ ધનતેજવી 

 

રસાસ્વાદ –

આમ આપણને લાગે કે, બોલવું તો સહેલું. કોઈ મળે ત્યારે સહજતાથી આપણે ખબર પૂછી લઈએ કે, સામેથી થયેલા પ્રશ્નનો ઉત્તર આપી દઈએ. એમાં શું? પરંતુ તમે જોજો કેટલીકવાર આપણી બોલતી બંધ થઈ જતી હોય છે. કહેવાનું ઘણું હોય છે મનમાં વાક્યો ગોઠવાઈ ગયેલાં હોય છે પણ એને વાચા આપનારી જીભ મુંઝવણમાં પડી હોય એમ સલવાઈને, નિઃશબ્દ બનીને, ઉભી રહે છે. આવા સમયે આંખો તેની મદદમાં આવે છે અને જે વાત કહેવાની હોય તે લાગણીઓ બનીને આંખો દ્વારા સ્પષ્ટ કરી દે છે. સામેની વ્યક્તિ આંખોની ભાષા ઉકેલીને સંદેશ જાણી લે છે. જીભ ભલે મૌન ધારણ કરીને બેસી જાય પણ એનું સમગ્ર શરીર ગજબનું હલનચલન કરીને મનમાં ફૂટતી વાતોને છતી કરે છે. મુગ્ધતા જાણે માથે ચડી હોય તેમ દિલના ઊંડાણમાં ને મનના પડદે છવાઈ જતી ભાષા વગર કહ્યે જ કહેવાઈ જતી હોય છે અને સમજાઈ પણ જતી હોય છે. 

જીભ મુંજવણમાં પડી છે તારી! 

આંખ વાચાળ બની છે તારી! 

કોઈ આવી મુગ્ધાનો ભેટો જેને થયો હોય તેની તો પથારી ફરી જાય! દિવસ આખો અજંપામાં તો જાય જ. રાત્રે તો વળી એથી ભૂડી દશા થાય. ઘડીભર એની યાદ આવે ને  જ્યાં આંખ મીંચાય ત્યાં સ્વપ્નમાં દર્શન દે! આમ બીજી બાજુ મુગ્ધા પણ મુંઝવણમાં ઘેરાયેલી હોય અને યાદો અને સ્વપ્નની વચ્ચે આવન જાવન કરવામાં પૂરી રાત ઉંઘ અને આરામ વગરની પસાર થાય. સુખચેન જાણે હરાઈ જાય. આ બધું તો એકવાર અચાનક મળવાનું થાય ત્યારે બની ગયું હોય પછી તો દિદાર કેવા ને વાત કેવી? કોઈ વાવડ તો મળે જ શાનાં! આવામાં એ મિલન સ્થળેથી આવતી હવા પણ જાણે પોતાની લાગે. એ હવા ભાળ આપતી હોય તો! બાકી તો ન ભાળ ન સમાચાર! 

યાદ ને સ્વપ્નની ટક્કર વચ્ચે, 

ઊંઘ ચૂંથાઈ ગઈ છે તારી! 

આટલા ઓછા સમયમાં એકબીજાની ટેવની ખબર તો કેવીરીતે પડે? પણ મોં પર અનાયાસ અંદરની ખુશીને બયાન કરતું હાસ્ય તો પ્રગટી જ ગયું હોય અને દિલમાં એવું તો કંડારાઈ જાય કે, વારંવાર આંખો સમક્ષ ઉપસ્થિત થાય, કેમે ય ભૂલ્યું ના ભૂલાય! પણ આવતી બધી રાતો તો વિરહ રાતો જ બનીને આવતી હોય જેનો જાણે કોઈ અંત જ ન હોય! એ રાતને વચ્ચેથી કોણ ખસેડી શકે! 

આ વિરહ રાત ખસેડી લેને,

આ વિરહ રાત સગી છે તારી? 

વાત કંઈ હોય કે ના હોય પણ એક અચાનક મળવાની ઘટના ઘટે તેના વિશે અફવાઓ જરૂર ફેલાવા લાગે છે. પેલી કહેવત છે ને કે, વા વાયા ને નળિયું ખસ્યું, તે દેખીને કુતરૂં ભસ્યું. અને કોઈને લાગે ચોર આવ્યા! પછી અફવા એવી ફેલાય કે, ગામ આખું ચોરનો સામનો કરવા સજ્જ થઈ જાય, એના જેવું થાય! અને એ અછડતી મુલાકાત વિશે અનેક અનેક અફવાઓ વહેતી થઈ જાય! આની ખબર મુગ્ધાને પડે એટલે સાવ અજાણ એવી એ, દરેક અફવાના ખુલાસા આપવા બેસી જાય! હવે માંડ બીજીવાર મળવાનું થયું હોય એમાં આવા ખુલાસા કરવા બેસવાનું? 

તુ ખલીલ એના ખુલાસા ના કર, 

એ બધી અફવા ઊડી છે તારી! 

આમ સૌ કહેતાં હોય છે કે, સમય જ નથી મળતો! પણ કોઈ બનાવ બન્યાની જાણ થાય તો તો બસ! બધું પડતું મુકીને તપાસ કરવા બેસી જવાનું. વારાફરતી ફોન પર ફોન કરીને વાત વહેતી કર્યે જ રાખવાની. એમાં સચ્ચાઈ ઓછી ને અફવા વધારે હોય! ખરુંને મિત્રો, મઝા આવી ને?

આવી જ મઝાની બીજી એક ગઝલ લઈને મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. 

નમસ્કાર 

રશ્મિ જાગીરદાર