આજના જમાનામાંય આપણને વાંચવી ગમે એવી ,જે આઉટ ડેટેડ ના લાગે તેવી સો વર્ષ જૂની વાર્તાઓમાં એવું ક્યુ તત્વ હોય જે આપણને આકર્ષિત કરે ?
મેઘાણીની બધી વાર્તાઓ નહીં પણ કેટલીક વાર્તાઓ એવી છે કે જે કાળના પ્રવાહમાં ,સ્થળ અને સમય પાર કરીનેય ટકી રહેશે .
મારી સમક્ષ એમની નવલિકાઓના પુસ્તક ભાગ ૧ અને ભાગ ૨ (2008) પડ્યા છે . એમાં મેઘાણીની કુલ દોઢસો જેટલી વાર્તાઓમાંથી વીણેલી ચાલીસ વાર્તાઓનો સંગ્રહ થયો છે . તેમાંથી દશેક જેટલી વાર્તાઓ ખરેખર કાળના પ્રવાહમાં ટકી રહે તેવી ગણી શકાય . જોકે અમુક વાર્તાઓ વાર્તા તત્વ સિવાય તત્કાલીન સમાજનું ચિત્ર અને તળપદી ભાષા વગેરેને લીધે પણ પ્રશંસીય બની છે .
ચાલો , આજે હું તમને મેઘાણીની નવલિકાઓ ભાગ –૧) ની પહેલી જ વાર્તા ચંદ્રભાલની ભાભી! ની વાત કરું :
વાર્તાનો ઉઘાડ જુઓ :
“ વાર્તાલેખક ચન્દ્રભાલની સ્ત્રીનું જયારે અવસાન થયું ત્યારે આખાયે ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની! એની સ્ત્રી દશ બાર મહિનાનું બાળક મૂકીને મરી ગઈ હતી”
હં, તમે કહેશો કે એમણે પોતાની વાત તો નથી લખી ને ?
ઝવેરચંદ મેઘાણી તો વાસ્તવના લેખક હતા .
એમને ગુજરાતની અસ્મિતા કે સઁસ્કૃતિની મહાનતાની વાતોના બણગા ફૂંકવામાં રસ નહોતો . નરી વાસ્તવિકતામાં ઝઝૂમતો માનવી એની મુશ્કેલીઓ અને તેમાંથી બહાર નીકળવાની તાલાવેલી અને વીટમ્બણાઓને મેઘાણી વાચા આપવા માંગતા હતા
, તેથી જ તો એ આપણને સ્પર્શી જાય છે !
ચંદ્રભાલને દિલાસાના પત્રો ઢગલાબંધ સવાર સાંજ અવિરથ મળતા હોય છે , પણ પેલા રડતા , માંદલા બાળકને કોણ સાચવે ? વાર્તાઓય લખાય કેવી રીતે ?
એના વાર્તા સંગ્રહને બહાર પાડવા પ્રકાશકે લોકો પાસેથી લવાજમના પૈસાયે લઇ લીધા છે !ચંદ્રભાલને એ કહે છે ; “ આ લ્યો વધારે રૂપિયા . છોકરા માટે આયા રાખી લો ને તમે માથેરાન જઈ આવો, મન ચાહે તો તાજમહાલની પ્રેમ યાત્રા કરો , પ્રેરણા મળશે !”
પોતાના બાળકને સાચવવાની ચિંતાનો ખ્યાલ ગરજુડા પ્રકાશકોને ક્યાંથી હોય ? ચંદ્રભાલને બાળકને સાચવવા કોઈ યોગ્ય વ્યક્તિ મળતી જ નથી .. મેઘાણી લખે છે ,
‘ કેટલીક સ્નેહી સ્ત્રીઓ જેને ચંદ્રભાલે પોતાનાં વાર્તા સંગ્રહો અર્પણ કર્યા હતા , મા વિનાનાં બાળકોની વાર્તાઓ વાંચીને આ સ્નેહ મૂર્તિ બહેનો ચિત્રકારનાં ચિત્રોનેય વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી , તેમણે પણ; ‘ મન કઠણ કરી ને કામમાં લાગી જજો ‘ એથી વિશેષ કાંઈ લખ્યું નહીં !
કોઈને આ મુશ્કેલી છે અને કોઈને તે ! બાળકને સાચવામાં એ રઘવાયો થઇ જાય છે … ને માંદલું બાળક સખ્ત હેરાન થાય છે અને હેરાન કરે છે …
આપણને મેઘાણી એ વાર્તા પ્રદેશમાં ઘસડી જાય છે ..
એક વિધવા કણબણ છોકરાની સંભાળમાં આવે છે અને ; ‘ અહીં રાત રહેવાનું કહેતા લાજતો નથી? ચૂલામાં જાય તારો છોકરો ! હું આખી રાત તારા – વાંઢાના ઘરમાં છોકરું સાચવવા રઉ ? મને તેં એવી નકટી જાણી ?’ કહી ગાળો આપીને જતી રહેછે .
છેવટે જેને આવવા માટે સ્પષ્ટ ‘ ના’ નો તાર કર્યો હતો તેં ચંદ્રભાલની ભાભી આવીને ઉભી રહે છે !
“ ના’ નો તાર પોંચ્યો ‘તો તોયે લાખ વાતે ય આયા વિના રઉ ?રઈ કેમ શકાય ?” લાંબી મુસાફરીએથી આવેલી ભાભી કહે છે!
ચંદ્રભાલ સમક્ષ પોતાની સાહિત્ય સખીઓ ને મિત્ર પત્નીઓના મધુર ચહેરા સળવળી રહ્યા હતા ત્યાં આ ઠેબું આવ્યું . જુના ઢેબરાંની ગંધમાં અપચાના ઝાડાંની વાસનું મિશ્રણ હતું . આવનાર સ્ત્રી [ ભાભી] ના હાથમાં વીસેક ચોમાસાં ખાધેલી એક જૂની ટ્રંક હતી . એણે ચંદ્રભાલનાં દુખણાં લીધાં.. એમાંથી છીંકણીની ગંધ આવી ..
‘ મરતી મરતી પોગી હો ભાઈ ! રસ્તામાં સુરતથી મને ઝાડો ને ઉલ્ટી , ઝાડો ને ઉલ્ટી, શરૂ થિયાં ..તમારા પુણ્યે જ પોગી છું !’
અહીં મેઘાણી એક શબ્દ પણ આ દિયર ભોજાઈના વિષે કહ્યા વિના ઘણું કહી દે છે .. ચીસો પડતા બાળકને ચીંથરું છોડીને ભાભી ગાંઠિયાનો ટુકડો ખવડાવે છે ને બાળક શાંત થઇ જાય છે .
અઠવાડિયા પછી બાળકને પ્રેમથી એ ગંવાર સ્ત્રી પોતાની ઘેર લઇ જાય છે અને બાળકનાં રોગો પણ એ ગંવાર ભાઈ ભાભીના પ્રેમ હેઠળ અદ્રશ્ય થઇ જાય છે . બે વર્ષમાં બાળક સરસ થઇ જાય છે .. ચંદ્રભાલ પણ સાહિત્યમાં ખુબ આગળ વધી જાય છે .. એની હ્ર્દયસ્પર્શી વાર્તાઓ વાંચીને પેલી સખીઓ ; “ તમારી બધી વાર્તાઓ જેટલી વાર વાંચીએ છીએ એટલી વાર રડીએ છીએ” એમ લખે છે .
બે વાર્તા સંગ્રહ એ પોતાનાં ભાઈ ભાભીને અર્પે છે.
ભાઈ ભાભીને છોકરાં થતાં નહોતાં . ચંદ્રભાલ ક્યારેય પોતાના છોકરાને મળવા ગયો જ નથી .કહે છે , ‘ એ તો હવે એનો જ છોકરો છે – જીવે કે મરે!
પણ ત્રણેક વર્ષે હવે ચંદ્રભાલને વિચાર આવે છે ,’ પરણવું નથી . મુક્ત જીવન શું ખોટું છે ?
બાળકને પાછું બોલાવી લઉં? મારે સોબત થશે અને કોઈ નોકર રાખીશ! એ પત્ર દ્વારા બાળક પાછું માંગવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને ભાભી જેનના જીવનમાં બાળક ઓતપ્રોત થઇ ગયું છે , તે સહેજ પણ આનાકાની વિના બાળકને મુકવા આવે છે !
છોકરો ભાભીનો હેવાયો છે એટલે ચંદ્રભાલ ખિજાયો ; ‘ છોકરાને આટલો બધો શો હેડો? તમે એને ન પંપાળો .. એ ભાભીને કહે છે
“ હું શું કરું ભાઈ ? ‘ ભાભી છાનાં છાનાં રડતાં.
‘ હેડો કેવી રીતે છોડાવવો ? પોતાના પરથી હેત ઉતારીને બીજાના કંઠે કેવી રીતે પહેવરાવવું ? ‘
‘તમે જશો એટલે એ તો એની જાતે જ ઠેકાણે આવી જશે !’
હવે એને ફરી પાછી ભાભીના નાહ્યા વિનાનાં દેહની , કપડાંની ,છીંકણીની ,દુર્ગંધ આવવા લાગી
અને છેવટે ભાભી અને બાળક ઉપર ગુસ્સો કરીને , જે ગાંઠિયા નો ટુકડો ભાભીએ ત્રણ વર્ષ પહેલાં બાળકનાં મોમાં મુકેલો અને બાળક શાંત થઇ જતાં ચંદ્રભાલે શાંતિ અનુભવેલી , બસ એ જ રીતે બાળકને ભાભીના ખોળામાં બેસીને ગાંઠિયા ખાતાં જોઈ એ વાડકી ખુંચવી લે છે અને પછાડે છે . વાર્તા ત્યાં પુરી થાય છે .
આ વાર્તા મને કેમ ગમી ? આજે પણ સમાજમાં અમેરિકા આવીને પોતાનું જીવન બનાવનારા માં બાપ વતનમાં બાળકોને મૂકીને પોતાને મરજી પડે ત્યારે બાળકોના દિલ સાથે ખેલતાં નથી ,શું ? જ્યાં લાગણીનો તંતુ બંધાઈ ગયો છે તેવાં ભાઈ ભાભી શું અપને સમાજમાં જોતાં નથી ? પોતાની સગવડનો જ વિચાર કરતાં મા કે બાપને આપણે જયારે સમાજ માં જોઈએ ત્યારે ‘ચંદ્રભાલનાં ભાભી’ વાર્તા યાદ આવે .. વાચકને બસ એ જ વિચારબિંદુએ છોડીને મેઘાણી આપણાં lમન માં રમ્યા કરે : શું થયું હશે પછી ? શું બાળક ભાભી સાથે પાછું ગયું હશે ? કે ચંદ્રભાલે એને પરાણે રાખ્યું હશે ? તમે શું માનો છો ? મેઘાણીના વાર્તા વૈભવ વિષે ઘણું લખી શકાય પણ અપને મહત્વના સીમા ચિન્હો વિષે જ જોઈશું
મેઘાણીની બહુજ પ્રસિદ્ધ વાર્તા વિષે આવતે અંકે.,