માણસ હોય કે પશુ પંખી હોય દરેક જીવને સુખી થવું ગમે છે. સુખની વ્યાખ્યા શું છે? મનને અનુકુળ વાતાવરણ એટલે સુખ, અને પ્રતિફૂલ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે, અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમશા સારો જ હોય, પણ બુધ્ધિ બે પ્રકારની. (૧)સદબુધ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ (૨)બીજું કુમતિ ત્યાં દુખ.
સુખની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે દરેકની સુખની વ્યાખ્યા એટલે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના”. જમવામાં કોઈને શ્રીખંડ, પૂરી ને પાતરામા સુખ લાગે તો કોઈને રોટલો અને કાંદામાં. કૃષ્ણ ભગવાનને તો માટી ખાવામાં સુખ લાધ્યું હતું. નાના બાળકોને માટી અને રેતીમાં જ રમવું ગમે છે. વયની સાથે સાથે સુખની વ્યાખ્યા બદલાતી જાય. થોડા મોટા થતા ક્રિકેટ, વોલીબોલ, હજી થોડા મોટા થતા સંગીત ખુરશી, બેઠા બેઠા રમી શકાય એવી હાઉઝી અને પત્તા રમવામાં સુખ માણે છે. કોઈને વાંચવામાં, તો કોઈને ગાવામાં, નૃત્યમાં સુખ લાધે છે.
ઊંઘ આવવા માટે મોટા પલંગની જરૂર નથી, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય તે સુખ છે. જેની પાસે સંપતિ હોય અને જુદે જુદે સ્થળે ફરવાનો શોખ હોય તો તે દુનિયાના કોઈ પણ છેડે અને ચન્દ્ર્લોકમાં પણ જઈ શકે છે. પણ આ સુખ માણવા તમારું સ્વાસ્થ્ય સારું હશે તો? ને એટલે જ કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સ્વાસ્થ્ય સુખ, સંપતિ સુખ પત્ની સુખ અને સંતાન સુખ તો જેના ભાગ્યમાં હોય તેને જ મળે છે. આ સંસારિક સુખ એક બીજા પર આધાર રાખે છે.
સુખ માણસની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.એક જ વસ્તુ કે વ્યક્તિનો પ્રેમ આજે સુખની ટોચે લઈ જાય છે, ને એ જ પ્રેમ બીજા દિવસે તેના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે સુખ સ્થાઈ નથી.
આમ જોઈએ તો સુખ અને દુઃખ બે જોડિયા ભાઈ જેવા છે, પણ તે બન્ને સાથે નથી રહેતા. એકની ગેરહાજરીમાં બીજો અચૂક હાજરી આપે છે.કદાચ ક્યારેક જોડિયા ભાઈ ભૂલેચૂકે સાથે જોડાઈ ગયા તો? તો એક અનોખા સુખની અનુભૂતિ થાય છે. તે કેવી રીતે?
દીકરીને સાસરે વિદાયવેળાનો પ્રસંગ, તે દરેકની આંખમાં આંસુ લાવી દે છે, તો પણ એ ધામધુમથી ઉજવાય છે.કારણ કે તેમની દિકરી પ્રભુતામાં પગલા માંડી રહી છે.એનો આનંદ પણ છે. બીજું એટલે કૃષ્ણના વિયોગમાં રાધા અને ગોપીઓ સહુ વ્યાકુળ છે, છતાં કૃષ્ણનો વિયોગ એ દુખ જેવું લાગતું નથી. કારણ કે વિરહમાં સતત સ્મરણમાં તેમનું મન જોડાયલું છે. કૃષ્ણ તેમનાથી દુર નથી, તો દુખ શાનું? વિરહ અને મિલન બંને ભાવ આમાં સમાયા છે. આ બન્ને પ્રસંગમાં સુખદુખ સાથે છે, દુખની સાથે સુખ છે એટલે દુખની અનુભૂતિ નથી થતી, ને કઈ અનોખું જ વાતાવરણ સર્જાય છે. સુખ દુઃખ અનુભવતા તેમાં જો આપણી દૃષ્ટિને બદલીશું અથવા તો બદલાવ લાવીશું તો એક અનોખા સુખનો અનુભવ કરી શકીશું.
સંસારિક સુખ એક ક્ષણિક સુખ, અલ્પ સુખ છે,આગિયાના ચમકારા જેવું. આધ્યાત્મિકતાના પંથે જતા મનને થોડું સમાધાન,શાંતિ મળે છે. તમે એવું વિચારતા થઈ જશો, કે જે કઈ થાય છે તે પ્રભુની મરજીથી થાય છે, અને જે થાય તે સારા માટે.આ વિશ્વાસ તમારી મનની શક્તિને વધારી દે છે. જે દુઃખ આવ્યું તે તો એક અણધાર્યો મહેમાનની જેમ આવ્યો અને તેની તરફ ધ્યાન ન દેતા તે દુઃખ હારીને ચાલ્યું જશે બસ, એટલું જ સમજી લો, બીજું કઈ નહી. તમે હળવા ફૂલ થઇ જશો.
એક કવિએ તો વળી એમ કહ્યું છે કે “કલહ વિના ન ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા”. તેવી જ રીતે સાચા સુખનો પરિચય દુઃખ જ કરાવી શકે છે. જીવનની પ્રગતિમાં સુખ કરતા દુઃખનો ફાળો મોટો છે. એ તમે સમજી જશો તો ને ધીરજથી કામ લેતા શીખી જશો તો દુઃખ ની હિમ્મત છે કે તમારા મનને સ્પર્શી શકે?
પદમાં-કાન