તરુલતા વાર્તા સ્પર્ધા (7) ટેકનોસેવી -રેખા શુક્લ-

ટેકનોસેવી

‘રૂપલ ને ટેકનોલોજીની બહુ ખબર પડે’ કહીને પપ્પાએ ફોન તેને આપ્યો. ને બે જ મિનિટમાં કયા

બટન કઈ જગ્યાએ જઈને દબાવ્યા કે બધુ ફિક્સ કરીને હાથ માં આપતી રૂપલ આઠ વર્ષની

જ્યોતિને ઠેંગો બતાવી કુદતી કુદતી બીજા રૂમમાં ગઈ. મમ્મી એ દરવાજામાં જ રોકી ને ટોકી ‘ આમ ના કરાય, તને આવડે છે તેનું અભિમાન નહીં કરવાનું બેટા. બધામાં કંઈને કંઇ આવડત હોય જ છે સમજી ને ?’

‘હા, મમ્મી…! ‘ કહીને તે તો ભાગી..પાછળ વળીને જોયું પણ નહીં કે જ્યોતિનું મોઢું કેવું પડી ગયેલું. પપ્પા એ જઈને તરત જ તેને હગ કરી દીધી. જયોતિએ સ્માઈલ કર્યું ને મમ્મી તરફ આગળ વધી. અધિરાઈથી દોડી આવેલ દેવ ને જોઈને પપ્પા-મમ્મી ચિંતા કરતા શું થયું બેટા કહી તેને બાજુમાં

ખસેડી દેવ તરફ આગળ ધસી આવ્યા. દેવ કહે, ‘પપ્પા માર્કેટ ક્રેશ થઈ છે..!’

‘અરે..! પણ ધેટ્સ પેપર લોસ !! એમાં આટલી બધી ચિંતા કરાતી હશે..બી.પી બધી જશે કાં તો

હાર્ટ એટૅક આવશે આ જ્યારથી સ્ટોક માર્કેટ માં પડ્યો છે રોજ ને રોજ કોઈ ને કોઈ પ્રોબ્લેમ

જ છે… આ એકાઉન્ટિંગ નું ભણી ને શું કાંદા કાઢ્યા ? ડોક્ટર ના ખીસા ભરવા જ ને ..પણ કાલે

પાછી માર્કેટ ઉંચે જશે ને તું પાર્ટી કરીશ.’

‘ ના પણ આ વખતે ઉંચે આવતા વાર લાગશે પપ્પા..!’ બેચાર ફોન ના બટન દબાવતા કોઈની

સાથે વાત કરવા દેવ બીજા રૂમ માં ગયો. મમ્મીએ પપ્પાને શાંત થવા ઇશારો કર્યો.. શાંતિ

રાખો એમ. ને પપ્પા એ જઈને ફરી જ્યોતિને હગ કરી. મમ્મીએ પાસે આવીને માથે હાથ ફેરવ્યો. જ્યોતિ સ્માઈલ આપી ચાલી ગઈ.

દસ વર્ષના ગાળામાં દેવ સી.ઈ. ઓ ની પદવી પામી ને બેઠો હતો ઓફિસમાં. ડેસ્ક પર પોતાનો

ફેમિલી પિક ફ્રેઈમ કરેલો પડ્યો હતો. બાજુમાં રોલોડેસ્ક પેપર્સ ફાઈલ પેન-પેન્સિલ વગેરે સાથે હાઈ ટેક ફોન હતો. ઘરે સુખડનો હાર ચડાવેલો મમ્મીનો હસ્તો ફોટો હતો. દેવ ના લગ્ન પછી ના બીજા જ વર્ષે અચાનક દેવલોક પામેલા તે સમયે જ્યોતિએપોતાનો ફૂડ ક્રેઝ ના લીધે

ઓનલાઇન શો લોંચ કરેલો. ખૂબ સરળતાથી ને સભ્યનારીની પોષ્ટિક વાનગીઓ જોઈ ને શો હીટ જાય તે સ્વાભાવિક છે. ચાલો કમપ્યુટર સેવી હોવાનો લાભ તો લીધો …ને જ્યોતિની કેરિયરમાં ખૂબ પ્રગતિ થઈ. પપ્પા ખૂબ ખુશ હતા.. મમ્મી જોવા રહ્યા નહોતા પણ અંતરના આશિષ સાથે જ હતા. રૂપલ ને પણ નોકિયામાં હાઈ પોસ્ટ પર જોઈને બધા ખુશ હતા.જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ પાઠવ્યા પછી પપ્પા એ જ્યોતિ ને પૂછ્યું ખુશ છે ને બેટા ? ને માથે હાથ ફેરવ્યો ને ગંગા-જમના વહી રહ્યા. જ્યોતિ રડતી રહી થોડી વાર માં શાંત થશે પણ તે શાંત થઈ ના શકી. કારણ કંઈક નીજી પણ હોઈ શકે. સ્મૄતિપટ માં ધરબાયેલું ક્યારે બહાર આવે કોને ખબર … પણ જરૂર કંઈક થયું જ

હોવું જોઈએ પણ હમણાં નહીં પછી પોતાની જાતે વાત કરવા તૈયાર થશે ત્યારે સાંભળીશ. એમ વિચારી ફરી એની સામે જોયું ને જ્યોતિ બોલી પડી…’મમ્મી ને ગયા ને દસ-દસ વર્ષ થઈ ગયા ને મને કોઈ

યાદ પણ નથી કરતું ? એવું તે મેં શું કર્યું કે મારે મમ્મી સાથે તમને બધાને પણ ખોવા પડે ? ને આજે

અચાનક તમે પૂછ્યું કે હું ખુશ છું ને ..? પણ ક્યાંથી હોંઉ ખુશ ..??’ ‘અરે બેટા તું આમ ન બોલ … તને અમે રીચ આઉટ કરી પણ તારા કામ ને લીધે સંજોગોવશાત કોઈ ન કોઈ બહાને ના મળાયું પણ

એનો મતલબ એ નથી કે અમે તને ભૂલી ગયા…વિસરી ગયા જ હોત તો ક્યાંથી તારી બર્થ-ડે યાદ હોત બોલ ..!’

‘કમપ્યુટર યુગ માં કોઈને કોઈની સાથે હળવું મળવું ખૂબ સહેલું છે..આનું નામ તો ટેક નો સેવી હોવું તે જ  ને ‘કહી રૂપલ દાખલ થઈ. ફુલદસ્તો જ્યોતિ ને હાથ માં મૂકતા હેપ્પી બર્થ-ડે વીશ

કરી. ને ત્યાં જ તો દેવ ફૂલો ના ગુલદસ્તાથી ઢંકાયેલો ધીમે ધીમે આગળ વધતા બોલ્યો ‘અરે આ જ્યોતિદી ક્યાં છે …ધીસ ઇસ ટુ બીગ…! એન્ડ હેવી ટુ..!!’

જ્યોતિ એ જઈને દેવ પાસેથી ગુલદસ્તો લેતા બોલી; ‘આ રહી આપની જ્યોતિ ભાઈ !’

સૌને ભૂખ લાગેલી તેથી વાત અધૂરી મૂકી પપ્પા ને જ્યોતિ શાંતિથી સાંભળીશ તારી વાત કહી ફ્રેશનઅપ થવા ચાલ્યા ગયા.  ઘર ના સુંદર આર્ટિટેક્ટ ના વખાણ કરતો દેવ પણ લોબી માં આવી બહાર નો વ્યુ પણ માણી રહ્યો. રૂપલ ફોન માં પડેલી એસ ઓલ્વેઝ…. ‘લેટ મી ચેક બે મિનિટમાં આવું હો’ કહી બીજા રૂમના વોશરૂમ માં ભરાઈ ગઈ. એક રૂફ નીચે પણ બધા અજાણ્યા જાણે વર્ષો પછી મળ્યા પણ ઉત્સાહ આનંદ ઉમળકો નામ માત્ર ના જ હતા કે શું ? સૌસરખા જમ્યાં પછી ડીઝર્ટ્માં કપાયેલી બર્થ-ડે કેક ચાખતાં હતા ને રૂપલ પોતાની સરપ્રાઈઝ લેવા ગઈ ને તરત જ પાછી આવી. મમ્મી ની આફ્રિકન સ્ટોન ની માળા ઝગારા મારતી હતી.દેવે પણ મમ્મી-પપ્પાના ફોટા ને મમ્મીની

જૂની ચાંદીની ફ્રેમમાં મઢાવીને આપતા કહ્યું કે ધીસ વોઝ મોમ’સ વીશ ટુ..!! ને નાનીએ બનાવેલો હાથ નો ગૂંથેલ મોતી વાળો હેન્ડ હેલ્ડ ફેન ક્લીયર ડીપ ફ્રેમ માં મઢાવીને આપતા પપ્પા બોલ્યા… ‘હેપી બર્થ-ડે બેટા વી ઓલ લવ યુ એન્ડ મિસ યુ ટુ મચ ‘ જાણે અબોલા તૂટ્યાં હોય તેમ બધાની આંખોમાંથી આંસુ ઝર્યા ને જ્યોતિ થેંક્યુ પણ ના બોલી શકી. ડૂમો ભરાઈ આવ્યો હતો ને ધીમે ધીમે ભારે હૈયું ખાલી થતાં જ પપ્પા પાસે થી ખસવા જતી હતી ને પપ્પા બોલ્યા..’ બેટા કમપ્યુટર એજ નથી શીખવતું કદાચ

કે શું લેટ ગો કરવું ને શું સેવ કરવું .. ગાંધીજીના ત્રણ વાંદરા ને જો દુનિયા યાદ કરે તો દુનિયા જીવવા જેવી બને.. બાકી સેવ ઇમ્પોર્ટન્ટ એન્ડ લેટ ગો અધર..!! લાઈફ બીજું કંઇજ નથી.

માણવા જેવી છે જીન્દગી બસ આનું જ નામ ટેકનો સેવી…આ દુનિયામાં કોઈ કોઈથી ઉતરતું કે ચડિયાતું નથી વખત આવે સૌના દિલ કેવા મોટા છે કે છીછરાં છે તે દેખાય છે.. મોટા ને

મોટા કરવા પણ નાના ને પણ ના ભૂલવા બસ બેટા…તું તો ખૂબ સમજું છે. !’

રૂપલ થોડી ટગર ની કળીઓ ને થોડા કરેણ ના ફૂલ તોડી લાવેલી તો તેનો હાર બનાવતી હતી. બે આડી ને બે ઉભી ટગર પરોવી ને સુંદર હાર બનાવ્યો. ને બીજો ઉંધી કરેણ નાંખી ને

ગણેશજી નો હાર બનાવી ને પહેરાવ્યો. ટગર નો હાર મમ્મીના ફોટા ને ચડાવતા આંખોના ખૂણા ભીના થયા..પણ બધાને બોલાવ્યા કઠણ થઈને. બધા નમ્યાં વંદન કરી આશિષ લીધા.

—-રેખા શુક્લ

Thanks Pragnaben 🙂 fariyad karu chu ke fari fari yad karu chu em kahu chu .. lol  Enjoy your Day !! God bless you

 

 

તરુલતા વાર્તા સ્પર્ધા (6) ડિજિટલ યુગ ની માયાજાળ-અમીતા ધારિયા

ડિજિટલ યુગ ની માયાજાળ

દરેક વ્યક્તિને કોઈ ને કોઈ શોખ હોય છે. જેવા કે, વાંચવાનો, લખવાનો, ગાવાનો, રમતગમતનો, ડ્રોઇંગ, પેઇન્ટિંગ, નવા ઉપકરણો વાપરવાનો, સર્ફિંગ કરવાનો, નવી એપ્લિકેશન સર્ચ કરી તેની ડીટેલ જાણવાનો…. મનની સ્વસ્થતા માટે, કોઈ પ્રવૃત્તિ માટે, ક્રિએટિવ બનવા માટે, આવા શોખ હોવા જરૂરી છે.

સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં વ્યક્તિના શોખ બદલાતા ગયા. સ્વભાવ બદલાતા ગયા. જેમ જેમ નવા સંશોધન થતા ગયા, નવી ટેક્નોલોજી આવતી ગઈ, તેમ તેમ રોજ નવા નવા ઉપકરણો, સ્માર્ટફોન, ટેબ્લેટ ફૂટી નીકળ્યા. નવા જનરેશનની 24 કલાકની દિનચર્યા, સવારે મોડા ઉઠવાનું, મેસેજના જવાબ આપવાનું, ઘરનાંઓ સાથે સંબંધો સાચવવાના બદલે કિંમતી સમય ફોનમાં રચ્યાપચ્યા રહેવાનું, એ જ છે. મિત્રો સાથે ફેસબુક પર કેટલા મિત્રો છે તેની શરત લગાવવી, પોતે કેટલા બધા ગ્રુપનો એડમીન છે તેનો ગર્વ લેવો, ઓનલાઇન વિડીયોગેમ રમવી, એ બધાનું એવું ઘેલું લાગ્યું છે કે તેના પરિવારના સભ્યો, મા-બાપ, પત્ની, બાળકો તેની રાહ જોતા હોય છે તેની પણ પરવા નથી હોતી. બધા મિકેનિકલ બની ગયા છે.

અમીના ઘરનો પણ આ જ માહોલ હતો. દરેક સભ્યો સોશિયલ નેટવર્કની ચુંગલમાં ફસાયેલા હતા. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા ઘરના બધા સભ્યો સાથે હોવા છતા પણ સાથે નહોતા. પપ્પા ધંધાને લગતા ઈમેલ ચેક કરી રહ્યા હતા. મમ્મી કીટી ગ્રુપના વૉટ્સઅપ મેસેજ ધ્યાનથી વાંચી રહી હતી. અમીનો પતિ આકાશ તેના નવા એન્ડ્રોઇડ ફોનની નવી નવી એપ્લિકેશન જોઈ રહ્યો હતો. અમી ફેસબુક પર મૂકેલા ફોટા પર કેટલી લાઈક્સ, કૉમેન્ટ્સ આવી તે જોવામાં અને તેના જવાબ આપવામાં વ્યસ્ત હતી. નાનકડો આરવ સોફા પર આઇપેડ લઈને યુટ્યૂબ પર કાર્ટૂન જોઈ રહ્યો હતો.

બપોરે રોજના રૂટિન મુજબ અમીએ ટીવી ચાલુ કર્યું. ટીવી ઉપર આધેડ ઉંમરના માલતીબેનનો ઇન્ટરવ્યૂ આવતો હતો.

માલતીબેન કહી રહ્યા હતા, “અઠવાડિયા પહેલા એક યુવાન ચાલુ બાઈકે મોબાઈલ પર વાત કરી રહ્યો હતો. થોડીક જ દૂર ગયો ને તેનો અકસ્માત થયો. આ દ્રશ્ય જોઈ થોડીક ક્ષણ માટે હું અવાક થઈ ગઈ. પછી બીજા લોકોની મદદ લઈ તે યુવાનને હોસ્પિટલમાં દાખલ કર્યો. તરત સારવાર મળતાં તે યુવાનની જાન બચી ગઈ.”

જયારે માલતીબેનને પૂછવામાં આવ્યું કે તમારામાં આટલી હિંમત ક્યાંથી આવી? ત્યારે દિલના એક ખૂણામાં ધરબાયેલો તેમનો અતીત શબ્દો રૂપે બહાર આવ્યો. “ઘણા વર્ષો પહેલા મારા પતિએ નવો નવો મોબાઈલ લીધો હતો. એક દિવસ પ્લેટફોર્મ પરથી વાત કરતા હતા, ત્યારે કોઈનો ધક્કો લાગતા મેલ ટ્રેન સાથે તેમનો અકસ્માત થયો. નવા નવા લગ્ન, નવો ફોન, પ્રેગ્નનસી…. મારા દીકરાએ તો તેમને ફોટામાં જ જોયા છે. દિલ રડતું રહ્યું પણ હિંમત રાખી દીકરાને સ્વમાનથી મોટો કર્યો. વર્ષો વીતવા સાથે ઘા પણ કંઈક અંશે રુઝાવા લાગ્યો હતો. ત્યાંજ તે પાછો સતેજ થયો.”

“મારા દીકરા મંદારનું એન્જીનીયરીંગ પત્યું એટલે તે અને તેનો મિત્ર મયંક માથેરાન ગયા હતા, ફોટા પાડતી વખતે મયંકનો બ્લેકબેરી ફોન હાથમાંથી સરકી ગયો ને ખીણની કિનારી પર પડયો. આંખ સામે દેખાતા મનગમતા ફોનને લેવાની લાલચ મયંક રોકી ના શક્યો અને પગ લપસતાં ખીણમાં પડી ગયો. આંખ સામે જોયેલા પોતાના પ્રિય મિત્રના અકસ્માતથી મંદાર શૂન્યમસ્તષ્ક થઇ ગયો હતો. વર્ષો પહેલા મારી જે સ્થિતિ હતી તે મંદારની થઈ હતી.”

“એકાદ વર્ષ પછી મંદાર જોબ પર લાગ્યો. ત્યાં તેની મોના સાથે દોસ્તી થઈ. મોનાના સાથ સહકારથી ધીમે ધીમે તે સ્વસ્થ થવા લાગ્યો. તેને મોના સાથે લગ્ન કર્યા. લગ્નના 2 વર્ષ પછી માયરા દીકરીનો જન્મ થયો. ઘરમાં આનંદનો માહોલ હતો. પણ કાળના ગર્ભમાં કાંઈ બીજું જ લખાયું હતું. મોના 1 વર્ષની માયરાને બાથટબમાં નવરાવી રહી હતી. બાજુમાં મંદારે અઠવાડીયા પહેલા મોનાને વર્ષગાંઠ પર આપેલો આઈફોન પડયો હતો. માયરા પાણીમાં છબછબિયાં કરી રહી હતી. મોનાએ માયરા ના ફોટા પાડયા અને મંદારને મોકલ્યા તેમ જ વૉટ્સઅપના ગ્રુપમાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ મૂક્યા. માયરાને પાણીમાં છબછબ કરવામાં બહુ આનંદ આવતો હતો. ત્યાંજ મેસેજ નું નોટિફિકેશન આવ્યું. મોના મેસેજ વાંચવામાં એટલી મશગુલ થઈ ગઈ કે………”

“શું થયું ભગવાન જાણે, પણ અચાનક મોનાની ચીસ સાંભળી. હું બાથરૂમ પાસે ગઈ. જોયું તો હાંફળી ફાફળી મોના પાણીથી લથપથ માયરાને ઉંચકી રહી હતી. બાજુમાં ફોન પર હલો હલો સંભળાઈ રહ્યું હતું. પોતાની ભૂલના કારણે ગુમાવેલ દીકરીના આઘાતમાંથી તે હજી બહાર નથી આવી. તે જલ્દી સ્વસ્થ થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરીયે છીએ. આવા ઉપરા ઉપરી આઘાતોએ મને આટલી હિંમત આપી છે.”

અમી થોડીવાર શાંત ચિત્તે બેસી ઈન્ટરવ્યૂ વિષે વિચારતી રહી. અમીનો નિત્યક્રમ તેના સ્મૃતિપટ પર ડોકાઈ રહ્યો હતો. ફેસબુક, ટ્વિટર, યુટ્યૂબ, ઈમેલ તેના નજીકના મિત્રો હતા. તે પોતાનો ફોન ચશ્માની જેમ ગળે લગાવીને રાખતી, ક્યાંક કોઈ મેસેજ જોવામાં મોડું ના થઇ જાય. તે દિવસના 7 થી 8 કલાક ફોન પર સર્ફિંગ કર્યા કરતી. તેનાથી તેને અનિંદ્રા, ગુસ્સો, ચિંતા, બેધ્યાનપણું પણ થઇ જતું. તેના દીકરાને પણ તેને એ જ આદત પાડી હતી. હદ તો ત્યારે થતી, જયારે પતિ પત્ની એકબીજાના ફોન અને લેપટોપને હાથ લગાડતા ત્યારે ઘરમાં મહાભારત સર્જાતું, અંગત સંબંધો વણસી જતા અને ક્યારેક એ વાત ડિવોર્સ સુધી પણ પહોંચી જતી.

અમીને પોતાની ભૂલ સમજાઈ. ઘરના બધા સભ્યોની સંમતિથી નક્કી થયું કે ડાઇનિંગ ટેબલ પર આવતા પહેલા દરેક જણે પોતાના ફોન બાજુમાં રાખેલ ટોકરીમાં મૂકી દેવા. આરવને દૂધ પીતી વખતે, જમતી વખતે ફોન પર કાર્ટૂન બતાવવાના બદલે તે બાળસહજ વાતો કરવા લાગી.

ફેસબુક અને વૉટ્સઅપ ના લીધે વર્ષોથી ના મળેલા સ્કૂલ, કોલેજના મિત્રો તેમ જ વિખુટા પડેલા સ્વજનો ભેગા થાય છે. પહેલા દૂર રહેતા મિત્રો અને સગા સંબંધી ની બહુ યાદ આવે, મળવાનું મન થાય તો ઘરે જવું પડતું. હવે મન થાય ત્યારે ઇન્ટરનેટ દ્વારા વાત કરી શકાય છે. કોન્ફરન્સ કરીને બધા એક સાથે વાત કરી શકે છે. વડીલોનો, એકલા રહેતા લોકોનો ટાઈમપાસ થઇ જાય છે.

દુનિયા બહુ નજીક આવી ગઈ છે, પણ લાગણીઓ દૂર વહી ગઈ છે. ઘરના એક ખૂણામાં બેસીને કોઈપણ જાણકારી મેળવી શકીયે છીએ, પણ પરિવારનો સાથ ગુમાવી રહ્યા છીએ. દિવાળી અને વર્ષગાંઠ માટે કાર્ડ પસંદ કરવા સ્ટોરમાં જવામાં, તે મોકલવામાં અને આવેલા કાર્ડ વાંચવામાં જે મીઠાશ આવે તે ઓનલાઇન કાર્ડ મોકલવામાં કે વાંચવામાં નથી આવતી. સંબંધો બહુ વધ્યા છે, પણ ઉમળકો નથી જણાતો. ક્યારેક બાળકની ફોનની માંગણી પુરી ના થતા ઘરેથી ભાગી ગયાના, સેલ્ફી લેતા અકસ્માત થયાના કિસ્સા પણ સંભળાય છે. પહેલા પરિવાર સાથે બહાર જઈયે તો એકબીજામાં ઓતપ્રોત રહેતા. હવે આ સોશિયલ નેટવર્કિંગનો અતિરેક થતા પારિવારિક સંબંધો જોખમાય છે.

આજના મોબાઇલયુગમાં આધુનિક ટેક્નોલોજીની વચ્ચે રહેલા પરિવારના દરેક સભ્યોએ સમજવું જરૂરી છે કે આપણે જમાનાના બદલાવને આવકાર્યા છે. આધુનિક ઉપકરણોને પણ આવકાર્યા છે. પણ લેટેસ્ટ મોંઘા ફોન ખરીદી શોઓફ કરવાની જે ઘેલછા છે, નશો છે તે ખરેખર હાનિકારક છે. નવી ટેક્નોલોજી પાછળ આંધળી દોટ મુકવાને બદલે તેનો સમજીને ઉપયોગ કરીયે તો પારિવારિક સંબંધો, જિંદગી અસ્તવ્યસ્ત ના થાય.

— અમીતા ધારિયા

તરુલતા વાર્તા સ્પર્ધા (5)વૈશ્વિક ગ્રામ્ય-vijay શાહ

જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

વૈશ્વિક ગ્રામ્ય

મમ્મી અમારી તો ગુગલ જનરેશન,.. અમારા તો ગુગલ ગુરુ, ગુગલને પુછી ને જઈએ.

તમારી પેઢી પલાખા ને ઘડીયાની, અમે તો કેલ્ક્યુલેટરથી પળમાં જવાબો લઈએ.

છાપુ વાંચતા વનમાળીદાસે બુમ મારીને પત્ની રાધાને કહ્યું “લે હવે તારે ગ્રોસરી કરવા પણ નહીં જવું પડે”

“કેમ?” .

“એમેઝોન કંપની હવે ઘેર બેઠા આપી જશે..અને બ્લ્યુ એપ્રોન કંપની રેસીપી સાથે બધુ સિધુ સામાન ઘરે મોકલશે.. ફક્ત માઇક્રો વેવ કરીને પકવવાનું જ કામ બાકી રહેશે..”

“ હૈં.”

હા અને હવે તો એવી કાર નીકળી છે કે તેમા સરનામુ નાખો એટલે કાર તમને સરનામા ઉપર લઈ જાય અને તે પણ ડ્રાઇવર વિના”

“ઓહ એટલે કારની અંદર રોબોટ હોય?”

“તો તો મારે દિકરી ઉપર આધાર જ નહી રાખવાનો ખરુને?”

“હા ને હજી સાંભળ તો ખરી..ફ્રીજ ની અંદર વસ્તુ ખુટે તે પહેલા ફ્રીજ વોલમાર્ટને ઓર્ડર આપી દે અને ખાદ્ય સામગ્રી ફ્રિજબોક્ષમા ભરાઇ ને આવી જાય.”

અને પૈસા?

ઑટોમેટીકલી ક્રેડીટ કાર્ડ ઉપર ચાર્જ થઈ જાય

“હૈં?”

રાધાબહેન ની કેટલીય માનસિક તકલીફો નું નિરાકરણ થઇ રહ્યુ હતું…તેમને કાયમ થતું કે અત્યારે તો ઠીક છે પણ હાથ પગ ચાલતા બંધ થશે તો અમારું કરશે કોણ?

વનમાળી દાસ ફરીથી બોલ્યા “છોડી ૧૦૦૦૦ માઇલ દુર બેઠી છે અને તે આપણને સમજાવે છે કે થોડું કોમ્પ્યુટર શીખી લો.. એટલે વૉત્સ અપ પર રોજ ખબર અંતર તો પુછાય.”

“અરે છોકરીનું મોઢુ તો જોવાય..એ અહિં આવી હતી ત્યારે જમાઇ અને પૌત્રો સાથે કેવી વાતો થતી હતી?”

વનમાળી દાસ કહે “ આ પાકા કાઠલે ઓછા નવા ઘાટ ચઢે?”

રાધા કહે “દિકરી જમાઇને તો ટાઇમ નો હોય પણ બંટુ પાસેથી શીખાય ખરું”

“બંટુ પાસેથી હું શીખુ? મારે તો એને શીખવવાનું હોય”

“તમારે એને જ્ઞાન આપવાનું અને એની પાસેથી વિજ્ઞાન શીખવાનું”

“બરોબર.”

બરોબર તો છે જ પણ બંટુ આપણ ને શીખવે પણ એના ટાઈમ માણે આપણા સમયમાં ખાસો ફેર. ચાલને આપણે પણ ગુગલ નાં શરણે જઈએ…

એકાદ મહીનો બંને મથ્યા અને વનમાળીદાસ ઇ મેલ શીખ્યા ફેસ્બુક શીખ્યા અને વૉટ્સ અપ ઉપર વાંચતા શીખ્યા…રાધાબેન તો ગુજરાતીમાં ટાઇપ થાય એ જાણી ને રાજી નાં રેડ થઈ ગયા અને કહેતા પણ થઈ ગયા આ બધું લોકો માને છે તેટલુ અઘરુ નથી.

તે દિવસે રાધાબહેન નો જ્ન્મદિન હતો અને સરસ અમેરિકન ચોકલેટ અને તેમને ગમતા ગુલાબી રોઝ નો વાઝ આવ્યો. દસહજાર માઇલ દુરથી આટલા તાજા અમેરિકન ગુલાબ જોઇને રાધાબેન તો ખુબ ખુશ થઇ ગયા એમેઝોન ની કમાલ હતી અને દીકરીનાં વહાલ અને આદરની પારાકાષ્ઠા હતી.

સાંજે ફોન આવ્યો ત્યારે મા ખુબ આનંદમાં હતી “એકદમ તાજા અમેરિકન ફુલ હતા બેટા!.”.

“મોમ! તમને ગમ્યું એટલે મસ્ત મસ્ત..પણ ફુલો તો અમેરિકાનાં નહીં નેધરલેંડનાં છે અને સ્વીડન ની ચોકલેટ છે. અહીથી એમેઝોન ઉપરથી ઓર્ડર આપ્યો અને નિયત તારીખે ત્તાજાતાજા ફુલો તમને મ્ળ્યાને?

“હા બેટા જાણે હમણાજ તેડીને મોકલ્યા હોય તેવા તાજા અને સુગંધી ફુલો હતા.બેટા. સુખી રહો અને સ્વસ્થ રહો.”

બસ મોમ હવે તો તમે અહિં આવો અને આ દીકરીનાં ભાગ્યમાં કેટલું સુખ છે તે જોવા આવો.”

“હા બેટા  ત્યાં આવીયે પણ તમે બંને નોકરી એ અને મારા પ્રભુની હવેલી ત્યાં નહીં એટલે મન પાછુ પડે.,”

“અરે મોમ અહી બેઠા તમે કહો તો શ્રીનાથજી નાં દર્શન અને આરતી કરાવું ત્યાં જવાની જહેમત લીધા વિના, મોમ! પપ્પા વૉટ્સ અપ પર છે?”

“ હા.ગુગલ મહારાજ્ ની જય..”વનમાળીદાસે જવાબ આપ્યો

“અરે વાહ તમે તો કહેતા હતાને પાકે કાંઠે નવો ઘાટ ના ચઢે.”

અરે ધારો તો નવો ઘાટ ઘડી શકાય.. મારે તો બંટુ સાથે વીડીયો ગેમ રમવાની છે અને માઇક્રોસોફ્ટ માઈણ્ડ કરાફ્ટ સાથે મળીને નવી ગેમ કાઢે છે તે મારે શીખવાની ને?

“અરે વાહ બાપા તમે ૭૦નાં નહી ૧૭ ના લાગો છોને કંઈ!” દીકરી પોરસાતી  હતી…

“તારી મોમ તો કોમ્પ્યુટર ઉપર ચેસ રમીને કોમ્પ્યુટરને પણ હરાવે છે?”

“શુંવાત છે મોમ..તમે પણ? “

“હા તારા બાપા બંટુને હરાવે ત્યારે મારે પણ કંઇક કરવું તો જોઇએ ને?”

“પણ ચેસમાં કોમ્પ્યુટરને પણ હરાવો છો તે તો બહુ મોટી વાત કહેવાય.’

“સો વાર હારીયે ત્યારે બે ચાર વખત જીતીયે પણ મારો ટાઇમ સરસ રીતે પસાર થઈ જાય..હું જ્યારે જીતું ત્યારે તારા બાપા પણ બહુ ખુશ થાય.સ્ક્રીન નો ફોનથી ફોટો પાડી તેમના મિત્રમંડળમાં મોકલે અને ઇમેલ માં જ્યારે તેમના મિત્રોનાં અભિનંદન નાં સંદેશાઓ આવે ખુબ ખુશ થાય અને કહે તને અલ્હાઇમર થવાની શક્યતા નહી રહે..”

“ હા બા તમે અને પપ્પા એક વાતનું ખાસ ધ્યાન રાખજો..બહુ રમવામાં કાર્પલ ટનલ નાં ચિન્હો ના દેખાય તેનું ધ્યાન રાખજો.”

“એ વળી શું?” બાપા વચ્ચે ટહુક્યા

અમુક સ્થિતિમાં વધુ સમય કીબૉર્ડ ઉપર કામ કરો તો  તમારી આંગળીમાં સોંય ભોંકાતી હોય કેલાય બળતી હોય તેવા અનુભવો થાય.ક્યારેક આંગળી ઓ જુઠી પડી જાય. ગુગલ ઉપર લખ્યુ છે

“Do you feel pins and needles in your fingers, loss of sensation or even a burning sensation?
This may be the result of the awkward bent position your hand is forced into, when working with a mouse that does not give full support. You then get excessive pressure on the Median and Ulnar Nerve.”

મારુ બેટું આ નવું! કહે છે ને કે રમકડાં નવા અને તેની સાથે રોગો પણ નવાં..હજી સુધી તો કંઇ નથી થયુ પણ ન થાય તેનો કોઇ ઉપાય?

“ હા આ રોગ માઉસની ખોટી પકડથી થતો હોય છે એટલે પહેલા તો ૪૫ મીનીટે ૧૫ મીનીટ હાથને અને માઉસને આરામ આપવાનો.અને માઉસને આખો હાથ ફેલાય તેવી રીતે પકડવાનું

“પણ રમત જામી હોય ત્યારે તો ૪૫ મીનીટે આરામ કેવી રીતે શક્ય બને? પપ્પા બોલ્યા.”

“અહી તો બંટૂ ને એક નાનુ એલાર્મ આપ્યુ છે તે વાગે એટલે બંટુ ઉભો થઇ જાય.તમને એ પ્રોગ્રમ મોકલુ છુ ઈ મેલમાં તે તમારા કોમ્પ્યુટરમાં નાખી દો એટલે ભયો ભયો.અને બંટુ મોકલે તેજ વીડીઓ ગેમ રમજો નહીતર કોમ્પ્યુટર ક્રેશ થઈ જશે કે ઇન્ફેક્ટ થઈ જશે.”

ભલે બેટા! બંટુ નવી રમતો જાતે બનાવે છે.અને રમીને અમે તેનું પ્રાથમિક પરિક્ષણ કરવામાં મદદકરીએ છીએ.અને ઈ મેલ દ્વારા અમારા મિત્રોમાં પણ મોકલીએ છે.

“ વાહ બહુ સરસ, ચાલો આવજો સૌ”.

દીકરી ૧૦૦૦૦ માઇલ દુર હોવા છતા લાગતું નહતું કે તે દુર છે. ટેકનોલોજી ની આ તો બલિહારી છે કે તેના ઉપયોગે વિશ્વ સાંકડું થઈ ગયું અને વાડા અને સરહદો થી પર થઈ વૈશ્વિક ગ્રામ્ય બની રહ્યું.

સિમાડા પુરા ઘટી જશે

અને ઘટી જશે વીઝાની પ્રથા

અરબી સમુદ્રે ઉઠેલી ધૂળ

અમેરિકામા ઠરે, વીઝાની પ્રથા.

જરા કલ્પના તો કરો સરહદો  ઓગળી જાય તો કેટલી બધી બીન ઉપજાઉ જમીન ઉપજાઉ થઈ જાય..અવિશ્વાસ નાં માહોલ અને નકારાત્મકતા ખુદબ ખુદ ઘટી જાય. પોલિસ, પોલીટીશ્યન અને ધર્માંધતા ઘટી જાય.માનવતા મહેંકી ઉઠે અને જીવન ધન્ય બની જાય.

વિજય શાહ

તરુલતા વાર્તા સ્પર્ધા (4)વંદે માતરમ!! -સપના વિજાપુરા

જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા  માટે 

આજે સપનાબેને  વાર્તા મોકલી છે તેને વધાવશો. આપના અભિપ્રાય સર્જકને લખવાનું પ્રોત્સાહન આપશે.

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

 

વંદે માતરમ!!

ઝરીના કાશ્મીર પાસેના નાના ગામ મુઝ્ઝફર નગર માં રહેતી હતી. ઝરીના બેતાલીશ વરસની બેવા સ્ત્રી હતી  જેને એક દીકરી અને દીકરો હતાં. ઝરીનાનો પતિ સરહદ પર દેશની રક્ષા કરતા કરતા શહીદ થઈ ગયેલો. ઝરીનાના કેટલાક સગાંવહાલાં પાડોશી દેશમાં પણ રહેતા હતાં. ભાગલા થયાં ત્યારે એ પાકિસ્તાન જઈને વસી ગયેલાં. ઝરીના એકલા હાથે બન્ને બાળકો ને ઉછેરી રહી હતી પતિની શહાદત પછી દેશ તરફથી મળતા પૈસાથી એનો ગુજારો ચાલી રહ્યો હતો.પણ એ પૈસાથી ફક્ત જીવન જરૂરિયાત પૂરી થતી હતી. ગરીબી મકોડાના જાળાની જેમ એને વીંટળાયેલી હતી.

એક દિવસ પાકિસ્તાનથી એના મામા અનવરભાઈ અને એનો દીકરો રમઝાન અચાનક એના દરવાજા પર આવી ગયાં. ઝરીનાએ તો એ લોકોને બરાબર જોયેલા પણ નહીં. હાં કદાચ નાનપણમાં જોયેલા. એમના ચહેરા પણ યાદ ના હતાં. પણ ખૂન છેવટે ખૂન છે. એણે એ લોકોને મીઠો આવકાર આપ્યો. નાના અશરફને કહી બઝારમાંથી વસ્તુઓ મંગાવી અને ઘરમાં જે કાંઈ ખાવાનું હતું હાજર કર્યુ.ખૂબ પ્રેમથી મામા અને ભાઈને જમાડ્યા. ભારતની સંસ્કૃતિ અતિથિ દેવો ભવની બરાબર લાજ રાખી.રાત પડી ગઈ.ઝરીના ઘર ખૂબ નાનું હતું. એ થોડી ગૂંચવણમાં હતી કે મામા અને ભાઈને સુવડાવવા ક્યા? ઝરીનાના ચહેરા પરથી મામા પારખી ગયાં. મામાએ કહ્યુ,” બેટા, તું ચિંતા નહી કરતી અમે ફળિયામાં સૂઈ જશું અને અમે તને ખૂબ તકલીફ નહીં આપીએ, એક બે દિવસમાં નીકળી જઈશું. અમે તો બસ તને મળવા આવ્યા હતાં.”

ઝરીનાને થોડી નિરાંત થઈ. એણે જુના ગોદડાં તૂટેલાં ખાટલા પર નાખી દીધા. મામા અને ભાઈએ ખાઈ પી ને બહાર ખાટલામાં લંબાવ્યુ. થાકી પાકેલી ઝરીના પણ ઘરનું બારણું વાસી સૂઈ ગઈ. થોડી વાર પછી બહારથી થોડી ગુસપુસનો અવાજ આવ્યો તો ઝરીના ચોકીને જાગી ગઈ. એણે થોડી બારી ખોલી તો મામા થેલામાં થી કૈંક કાઢી રહ્યા હતાં. કોઈ ગોળ વસ્તુ હતી કપડામાં વીંટાયેલી અને પછી થેલામાં થી બે મોટી મોટી રાઈફલ બહાર કાઢી સાફ કરવા લાગ્યા.
ઝરીનાનાં જાણે શ્વાસ થંભી ગયાં!! આ ખરેખર મારા મામા હશે? મામા છે તો આ બૉમ્બ જેવું શું છે અને આ રાઇફલ શા માટે? બન્ને કૈંક વાત કરી રહ્યા હતાં, પણ સંભળાતું ના હતું. ઝરીના થોડી ગભરાઈ ગઈ. હવે શું કરું? કાલ સુધી રાહ જોઉં!! જાણવા કોશિશ કરું શું ચાલે છે!! ઝરીના આખી રાત પડખા બદલતી રહી!! એને સમજ પડતી નહોતી કે લોકો સંબંધ નામે કેવા દગા કરતા હોય છે!! જાણે કોઈ પણ સંબંધનો વિશ્વાસ જ ના થઈ શકે!!મેં તો રિશ્તેદાર સમજીને પનાહ આપી!! પણ આ લોકોના દિલમાં ખોટ છે એવું મને લાગે છે!! એ સવાર પડવાની રાહ જોવા લાગી!!

ફઝરની અઝાન થઈ. મામા  અનવર અને રમઝાન નમાઝ માટે ઉઠ્યાં. ઝરીના પણ નમાઝ પડી ચા નાસ્તો બનાવવા બેસી ગઈ. જાણે એને કાંઈ જ ખબર નથી. મામા અને એના દીકરાને ખૂબ પ્રેમથી નાસ્તો કરાવ્યો. અને દીકરા અને દીકરીને શાળાએ મોકલવાની તૈયારી કરવા લાગી!! પણ ત્રાસી નજરે અનવરભાઈ અને રમઝાન શું કરે છે એનું ધ્યાન પણ રાખી રહી હતી. બાળકોને શાળાએ  મૂકવા જાઉં છું એમ કહી બન્ને બાળકોને લઈને ઘરમાંથી બહાર નીકળી ગઈ. બાળકોને શાળામાં મૂકી એ સીધી પોલીસ સ્ટેશન પર ગઈ. અંદર જઈ એણે કહ્યુ કે મારે ઈન્સ્પેકટર સાહેબને મળવું છે. ઈન્સ્પેકટરે એને ઓફિસમાં બોલાવી!!

ઝરીના ઓફિસમાં દાખલ થઈ. સૌથી પહેલા એણે પોતાની ઓળખાણ આપી,” સાહેબ હું અમર શહીદ બહાદૂરસીંહની બેવા પત્નિ છું. મારા પતિ ભારત માતાની રક્ષા કરતા કરતા કાશ્મીરની સરહદ પર શહીદ થઈ ગયાં છે. આજ  હું આપની પાસે આવી છું એક ગંભીર વાત લઈને.” ઝરીના એક શ્વાસે આટલું બોલી ગઈ. પછી ઊંડો શ્વાસ લઈને કહ્યુ,” ગઈ કાલે મારે ઘરે પાકિસ્તાનથી બે મહેમાન આવ્યા છે એ કહે છે કે એ મારા મામા અને એમના દીકરા છે પણ મારાં મનમા શંકા આવી છે કે એ લોકો પાકિસ્તાનનાં જાસૂસ છે.” ઓફીસરે શાંતિથી પૂછયું,” તમને એમ કેમ લાગ્યું?” ઝરીનાએ એમના સામાનમાં બૉમ્બ અને રાઈફલ હોવાની વાત કરી.

થોડીવાર વિચારી ઓફિસરે સવાલ કર્યો, ” તમારી પાસે સેલફોન છે?” ઝરીનાએ હા કહી. ઓફિસરે કહ્યું,” જુઓ, તમે આ બન્ને પર નજર રાખો, હું તમને મારો વોટ્સ એપ નંબર આપું છું. તમે આજ શાંતિથી ઘરે જાઓ એની બધી પ્રક્રિયા પર નજર રાખો અને કાંઈ અજુગતું લાગે તો તરત જ મને મેસેજ કરો હું મારી ફોજ સાથે તૈયાર રહીશ અને તમારા મેસેજ હર મિનીટે ચેક કરીશ.તમે જરા પણ ગભરાતા નહી. હું બે પોલીસ સાદા વેશમાં તમારા ઘરની આજુબાજુ મૂકી દઉં છું. આપણે એમને રંગે હાથે પકડવા છે અને કદાચ જો પાકિસ્તાન સામાન્ય નાગરિક હોય તો આપણે એમને હેરાન પણ નથી કરવા.પણ તમારી વાત પરથી લાગે છે કે આ લોકો કોઈ મિશન પર આવેલા છે.ઝરીના થોડી ગભરાયેલી હતી. પણ એને ઓફીસરની વાત સાચી લાગી, કદાચ ખરેખર એ મામા પણ હોય શકે!!

એ ઘેર આવી!! બહાદૂર જવાનની બેવા હતી!! હિમત તો એનામાં હતી જ! સલામ દુઆ કરી!! ” મામા, શું જમશો? તમારા ભાવતા ભોજન કરાવું!! મારે ઘરે મહેમાન ક્યાંથી!! મામાએ કહ્યુ,” બેટા કાંઈ પણ બનાવો બસ પેટની ભૂખ ભાંગવી જોઈએ.” ઝરીના રસોઈ કરવામાં લાગી ગઈ.મામો અને એનો દીકરો ખાટલા પર બેસી તડાકા કરતા હતાં. ઝરીનાની એક નજર બન્ને પર હતી.ઝરીનાએ  વાતવાતમાં પોતાની અમ્મીની અને સગાંવહાલાંઓને લગતી વાત કાઢી પણ મામાએ ચાલાકીથી વાત ઉડાડી દીધી. એવું લાગતું હતું કે આ લોકો ખાલી ઝરીનાની અમ્મી વિષે થોડી માહિતી લઈ આવી ગયાં હતાં. રસોઈ કરતા ઝરીનાને પાકી ખાત્રી થઈ ગઈ કે આ મારા મામા નથી.પણ એ કાંઈ બોલી નહીં.  મામા અને એના દીકરાને જમાડી બાળકોને શાળામાંથી લઈ આવી. બાળકો જમી હોમવર્ક કરી સૂઈ ગયાં. ઝરીનાએ જુના ગોદડા મામાને આપી ખુદા હાફિઝ કહી અંદરથી દરવાજો બંધ કરી દીધો.

અહીં અનવર અને રમઝાનને એમ કે ઝરીના સૂઈ ગઈ છે.  એટલે એક નકશા જેવું કાઢ્યું અને લાઈન દોરવા લાગ્યાં. થોડીવારમાં મામાના સેલ ફોન પર કોઈનો ફોન આવ્યો. ઝરીના અંદરથી બધું જોઈ રહી હતી. મામાએ હરી ઝંડી આપી કે આજની રાત બરાબર છે.કારણકે એ લોકો ઝરીનાને ઘરે વધું રોકાઈ નહીં શકે!! આજ રાતે બે વાગે ઝરીનાના ઘરની બહાર આવી જજો! ઝરીનાએ ઓફિસરના વોટ્સ એપ પર આ મેસેજ મોકલી આપ્યો કે બે વાગે મારા ઘરની બહાર બધાં ભેગા થવાના છે.

બહાર ફળિયામાં ચાંદની ફેલાઈ હતી. ઝરીના અંદરના કમરામાં બન્ને બાળકોને છાતી સરસા લઈને ધડકતા દિલ સાથે બે વાગવાની રાહ જોવા લાગી. ઓફીસર એને વોટ્સ એપથી બધી વાતોથી માહિતગાર રાખતો હતો.સેલ ફોન પોતાની હથેલી પર રાખીને   સૂતી હતી. બે ના ટકોરા થયાં. મામો અને એનો દીકરો ડેલી ખોલી બહાર ગયાં. અને બહાર રમખાણનો અવાજ થવા લાગ્યો. ગોળીબાર પણ થયાં. ઝરીના બાળકોને કલેજાથી લગાવી બેસી રહી.થોડીવારમાં બહાર શાંતિ ફેલાઈ ગઈ. ઘડિયાળનો ટક ટક અવાજ સંભળાતો હતો. અને સેલફોનમાં મેસેજનો અવાજ આવ્યો. ઝરીનાએ મેસેજ ચેક કર્યો. ઓફિસરે લખ્યું હતું કે આતંકવાદી પકડાઈ ગયાં છે, તમારે ગભરાવાની જરૂર નથી બધાં લોકો જેલમાં છે.

બીજા દિવસે ઓફીસરનો ફરી મેસેજ આવ્યો કે ભારત દેશે ઝરીનાને બહાદૂરી માટે એવોર્ડ આપવાનું નક્કી કર્યુ છે. ઝરીનાની આંખમાં આંસું આવી ગયાં. એણે ભીંત પર લટકાવેલી બહાદૂરસીંહની તસ્વીર પર પ્રેમની નજર કરી અને પછી જમીન પર સજદામાં પડી જમીનને ચૂમી લીધી!! ઊભા થતાં થતાં બોલી,” માં ,તુજેહ સલામ!! વંદે માતરમ!!

સપના વિજાપુરા

Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

બાળવાર્તા -કુંતા શાહ

મિત્રો કુન્તાબેન ની આ બાળવાર્તા ગયા મહિનાનો વિષય છે. આ મહિનાનો વિષય છે

 તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) આજે નવા સર્જંક ઈલાબેને મોકલી છે તેને વધાવશો.

હજુ તો ગાડીને પાર્ક નથી કરી કે દર વખતની જેમ ચાર વરસનો રાજુ અને બે વરસની મીના દોડતા દોડતાનાની આવી, નાની આવીચીખતા ગાડીનો દરવાજો ખોલવા પહોંચી ગયા.  નાનીએ બહાર પગ મૂકતાં બેઉ એમને વળગીને કૂદવા લાગ્યા.  આઠ મહિનાની પારુ પણ મા, રતીના હાથમાંથી છુટવાના પ્રયત્નો કરી નાની પાસે જવા માટે કકળાટ કરવા લાગી.  રતી જોઇને હંમેશની જેમ મલકી ઉઠી.  ઘરમાં આવતા જ નાનીએ પારુને વહાલથી બાથમાં લઇ ઘણી બધી બચ્ચીઓ કરીને રમાડી..

રાજુએ પુછ્યુનાની, આજે કઇ વાર્તા કહેશો?”

રતી જાણતી હતી કે વાત કેમ આગળ વધશે. મા બધા હિસાબ પહેલા લેશે પછી વાર્તા!

નાનીનએ રાજુને પુછ્યુ “આજે કઇ તારીખ છે?”

“ચોવિસમી જુન.”

“મીના, આજે કયો વાર છે”

“શનિવાર”

“ગઇકાલે કયો વાર હતો?”

“શુક્રવાર.  અને એને આગલે દિવસે ગુરુવાર હતો.  આવતી કાલે રવિવાર છે.”

“ગઇકાલે માધવીબહેન શું શિખવાડિ ગયા, રાજુ ?”

“સા રે,  રે , મ, મ પ, પ ધ, ધ ની, ની સા, સા ની, ની ધ, ધ પ, પ મ, , રે, રે સા

રાજુ અને મીનાએ સાથે જ ગાઇ સંભળાવ્યુ.

તરુલતા વાર્તા સ્પર્ધા (3)જીવનસંધ્યાનું ડિજિટલાયઝેશન -ઈલા કાપડિયા

મિત્રો 

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો ) આજે નવા સર્જંક ઈલાબેને મોકલી છે તેને વધાવશો. 


Mrs. Ila Kapadia B.A. Psy, Eng. Lit (subs)                                                                                                                                                            50 North Way, London NW9 0RB     

Email-ilakapadia1943@gmail.com

Mob-07922952587

 

જીવનસંધ્યાનું ડિજિટલાયઝેશન  

શિવાનીએ નક્કી કર્યું આજે તો બસ જવું જ છે. આ ઉમ્મરે પરદેશના હોલીડે તો હવે બંધ થઈ જ ગયા  છે એટલે ઉંબરા ડુંગરા થાય તે પહેલા લોકલ તો ફરવા જવુ જ જોઈએ. આવતી કાલે વીંબ્લ્ડનના ટેનિસ સ્પર્ધાનો સાતમો દિવસ હતો.  એણે જલદી લેપટોપ પર ટેનિસની સ્પર્ધાનું શેડ્યુલ જોઈ લીધું.  અને મોબાઇલ પર વેધર ફોરકાસ્ટ પર નજર કરી ચોક્કસ કર્યું કે આજનો સોનેરી તડકો આખો દિવસ કાલે પણ ટકવાનો છે.  

હવે મિલનની આગળ વાત કેવી રીતે રજૂ કરવી તે વિચારવા લાગી કારણકે આજે આખો દિવસ એ એના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો લઈને આઇપેડ સાથે કોમ્પ્યુટર રૂમમાં હતો.  અને એ જ્યારે રૂમનું બારણું બંધ કરીને કામ કરે ત્યારે ‘ડોન્ટ ડિસ્ટર્બનું’ બોર્ડ ન હોયતો પણ માની લેવાનું કે એને જરા પણ ખલેલ ગમશે નહીં.  એટલે પહેલીતો એની ‘નાજ’ હશે –હમેશની જેમ…..  એને એક બ્રેઇન વેવ સ્ફુરયો.  લંચ સમયે એણે કહ્યું  ‘મિલન હું કાલે વિંબ્લડન જવાની છું, તારે અવવુ છે?’  ના ડિયર, તું જા, મારે થોડું કામ પતાવવું છે.  કેટલા વાગે નીકળશે?’ તેણે સામો સવાલ કર્યો.   ‘સાડા છએ તો નીકળવું જોઈએ’ .શિવાનીએ ઉત્તર આપ્યો.  અડધા કલાક પછી જેવુ શિવાની એ ધાર્યું હતું તેમ મિલન શિવાનીની પાસે આવી ગોઠવાયો.   એને ખબર હતી કે મિલન એને ‘ના’ કહી  નારાજ નહીં કરે. આવશે પણ સીધી હા નહીં કહે. ‘ઑ.કે. હું આવુ છું, પણ આટલું વહેલું જવાની જરૂરછે?’  સાડાઆઠે નિકળીશું તો ચાલશે.  

સવારે તૈયાર થઈ નાશ્તો, સેંડવીચીસ, ડ્રિંક્સ વગેરે સાથે શિવાનીએ પિકનિક બેગ તૈયાર કરી અને  મિલને સ્માર્ટ ફોન પર ચેક કર્યું કે નજીકનું ટ્યુબ સ્ટેશન આજે બંધ છે.   એટલે પોતાની કાર સ્ટેશન પર પાર્ક કરી જવાને બદલે એમણે બીજા ટ્યુબ સ્ટેશન સુધીની ટેક્સી કરી વીંબલ્ડન તરફ પ્રયાણ કર્યું.  ત્યાં પહોચતા લાઇન જોઈ થોડા ગભરાયા પરંતુ સિનિયર સિટીઝન્સને ખુબજ ત્વરાએ અંદર જવા દેતા હતા. તે  જોઈ બન્નેને હાશ થઈ.  ઘણા સમય પછી બહાર નીકળ્યા હતા એટલે ઉત્સાહ હતો, સુરજ દાદાની આજે લંડન પર મહેર હતી એટલે ધસારો ઘણો હતો અને ખાસ કરીને એમના જેવા વયોવૃદ્ધ ની સંખ્યા વધારે હોય તેમ લાગતું હતું. બન્ને એ ‘ગ્રાઉંડ’ ટિકિટ લેવાનું નક્કી કર્યું જેથી સેન્ટર કોર્ટ અને નંબર 1 કોર્ટ સિવાય બધીજ કોર્ટમાં ટેનિસ જોઈ શકાય વળી ત્યાની લાઇન પણ જલદી આગળ ચાલતી હતી.

દસ વાગે તો આખું મેદાન ચિકાર થઈ ગયું.  દરેકના ચહેરા પર ઉત્સાહ અને પગમાં જોર લાગતું હતું.  બેચાર કોર્ટમાં ટેનિસ જોઈ બન્ને હેનમેન હિલ તરફ વળ્યા જ્યાં વિશાળ સ્ક્રીન પર મીક્સ્ડ ડબલ ચાલુ હતી અને ભારત ના સોનિયા અને પેઇસની જોડી ખુબજ સારું રમતી હતી.   તાળીઓના ગગડાટ અને અમ્પાયર ‘ક્વાઇટ પ્લીસ’ પછી પ્રવર્તતી શાંતિમાં એટલા મશગુલ હતાકે બન્નેને  મોબાઈલ ચેક કરવાનો તો વિચાર પણ ન આવ્યો.  અને શિવાની કાયમ એનો ફોન સાયલન્સ મોડ પરજ રાખતી જેથી ડ્રાઇવિંગ કરતી હોય ત્યારે ડિસ્ટર્બ ન થાય. જોકે મિલિનના વર્ષ પહેલા થયેલા માઈલ્ડ સ્ટ્રોક પછી દિકરા કિશને ઘરમાં કેમેરાની સિસ્ટમ મુકાવી હતી જે તેના અને બહેન તૃષ્ણાના મોબાઇલમાં વાઇફાઇ દ્વારા જોડેલી હતી. જેથી તેઓ ઘરમાં મિલિન અને શિવાની પર નજર રાખી શકતા.   

તૃષ્ણા માર્કેટિંગ ડિરેક્ટર હતી અને  બે દિવસથી ફ્રાંસ અને જર્મનીની બિસનેસ ટ્રીપ પરથી આજે પાછી આવવાની હતી.  સવારે રોજની જેમ નવેક વાગે એણે મોબાઈલ પર જોયું તો ઘરમાં કોઈ હોય તેવું લાગયુ નહીં.  ફરી એણે બાર વાગે ટ્રાય કરી, તો પણ કોઈ દેખાયું નહીં એટલે એણે કિશનને ટેક્સ્ટ કર્યો પણ એ મોટર વે પર હતો. આજે એક મોટા પ્રોજેક્ટને હાસિલ કરવા એને બ્રિસ્ટોલમાં પ્રેઝન્ટેશન કરવાનું હતું.  ફોનનો બઝ સાંભળી એણે કાર હાર્ડ શોલ્ડર પર રાખી તૃષ્ણાને ટેક્સ્ટ કર્યો કે સવારે સાત વાગે એણે ચેક કર્યું ત્યારે ઓલ વોઝ ઓકે.  બંને, જોબ અને પોતાના ફમિલીમાં ઘણાજ વ્યસ્ત રહેતા અને વારંવાર ભાર પૂર્વક કહેવા છતાં શિવનિ અને મિલીન પોતાનું ઘર છોડી છોકરાઓની સાથે કાયમ રહેવા જવા તૈયાર ન હતા.  ચાળીસ વર્ષથી આ ઘરમાં રહ્યા પછી ઘર, એરિયા, પાડોશ વગેરેથી ખૂબ ટેવાઇ ગયા હતા.  તેથી કૅમેરા ઇન્સ્ટોલ કર્યા પછી બન્નેને મમી, ડેડીની ચિંતા ઓછી રહેતી.   

ચારેક વાગે લંડન આવતી ચેનલ ટનલની ટ્રેન પકડાતાં પહેલા તૃષાએ ફરી મોબાઈલ પર નજર કરી પણ કોઈ ઘરે દેખાયું નહીં એટલે હવે એને ફિકર થઈ, ફરી એણે મમને ફોન કર્યો, પણ જવાબ ન મળ્યો.  એના ફોન પર બિસનેસ કોલ્સ વેઇટ થતાં હતા એટ્લે એણે વિચાર્યુકે પોતાને ઘરે જાય તે પહેલા પેરણ્ટ્સ ના ઘરે જઈ આવશે.

ઘર નજીક આવતા ફરી એણે મોબાઈલ તરફ નજર કરી,  એને લાગ્યું કે ડાઈનિંગ ટેબલ આગળ કોઈ જમીન પર પડ્યુછે, ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યોકે  એતો એના ડેડ છે અને માથા આગળ લોહીનું ખાબોચિયું હોય તેવુ લાગ્યું.  તરત એણે ઈમરજન્સી સર્વિસિસનો નંબર જોડ્યો.  તે આવી ત્યારે પેરામેડીક્સ  આવી ગયા હતા અને તૃષ્ણાએ  આપેલી માહિતી મુજબ બાજુવાળા પાસેથી ચાવી લેવા ગયા હતા.  એ દરમિયાન ઘરે આવ્યા પછી શિવાની ઉપર કપડાં બદલી શાવર લઈને નીચે  આવી કિચન/ડાઈનેટ માં પેસતાજ એની નજર ભોય પરપડેલા મિલીન પર પડી.  કશું વિચારે તે પેહલા તૃષ્ણાએ બારણું ખોલ્યું અને પેરામેડિક્સની સાથે અંદર આવી.

હોસ્પીટલમાં ડોક્ટરે જણાવ્યૂ કે માઈલ્ડ સ્ટ્રોક લાગેછે પણ સ્કેન ક્લિયર છે, ચિંતાનું કારણ નથી અને ઘરે જવાની છૂટ આપી.  

બીજે દિવસે શિવાનીના મોં પર વીંબલ્ડન જવાના પશ્ચાતાપના ભાવ જોઈ તૃષ્ણાએ બોધપાઠ આપ્યો! ‘મમ તમે ફરી આવ્યા તે સારું કર્યું છે, ખોટા વિચાર ના કર.  હકારાત્મક વિચાર કર.  બંનેને કેટલો આનંદ મળ્યો? ડોકટોરે કહયુને કે સ્ટ્રોકનું કારણ ક્લોટ છે જેના માટે એસ્પિરિનનો ડોઝ વધાર્યો છે’. અને મમ અમે હમેશાં તમારી સંભાળ રાખીશું.

અરે હાં, તને ખબરછે ને? ડેડે કેમેરા સિસ્ટમ માટે કેટલો વિરોધ કર્યો હતો.

                              પેરામેડિક્સે શું કહ્યું? ‘વાઈફાઇ સિસ્ટમ કેન સેવ લાઈવ્સ’!!!!     

તરુલતા વાર્તા સ્પર્ધા (2)અતિ સર્વત્ર- રશ્મિ જાગીરદાર

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

 

 

અતિ સર્વત્ર

“મમ્મી, જો અમરનાથના યાત્રીઓ પર ગોળીબાર થયો,”

“હાય હાય હવે  ! મારી મમ્મીને માસી પણ ગયેલા છે . શું થયું હશે?”

“મમ્મી બધું કામ પડતું મુકીને શાંતિથી આ સમાચાર જોવા બેસ એમાં બધું જણાવશે. હમણાં કહ્યું કે સાત જણાનું મોત થયું છે.”

” રીતુ દીકરી, મારી મમ્મી ના કહેતી હતી મેં પરાણે  માસી સાથે મોકલી, અને જો હવે આવું થયું .(રડે છે.)

“મમ્મી રડ ના, ધ્યાનથી સાંભળ હમણાં બધાનાં નામો આજતક પર આવી જશે.”

થોડીજ વારમાં સમાચારમાં બોલ્યા કે મૃત્યુ પામેલામાં વલસાડના .. આટલું સાંભળતાં જ શાલુ રડવા લાગી. ” મોમ જો નામ બોલ્યા જો આ લીસ્ટ  છે સાત જણનું  એમાં નાનીનું કે માસીનું નામ નથી તું રડ ના પ્લીઝ.”

” પણ બેટા, -વલસાડના- એટલું સંભાળીને હું ગભરાઈ ગઈ, તેઓ પણ વલસાડના એટલે, પણ થેંક ગોડ કે બંને બચી ગયાં છે.”

શાલુને  હવે શાંતી  થઇ મનમાં એને હાશ થઇ. તે પાછી ઘરકામ આટોપવા રસોડામાં ગઈ. મનમાં ઉચાટ હતો એટલે તે સરખું જમી પણ ના શકી. હજી રસોડામાં જ હતી ત્યાં એના પતિ  હિતેશનો ફોન આવ્યો.તેણે  કહ્યું,”શાલુ, ટીવી ચાલુ કર જો સાંભળ, અમરનાથ યાત્રીઓ પર ગોળીબાર થયો છે પણ સાસુમા અને માસીજી બંને બચી ગયા છે.”

શાલુ વારંવાર ભગવાનનો આભાર માનતી રહી.સાંજે જમી પરવારીને શાલુએ ટીવી ચાલુ કર્યું. અને ઝી ટીવી પર પોતાને ગમતી સીરીયલ જોવા બેઠી, ત્યારે હિતેશ અકળાયો તેણે કહ્યું,.”અરે શાલુ તારું ટીવી બંધ કર મારે ઓફિસનું થોડું કામ છે, તેમાં આ ટીવીના અવાજથી કેટલી ખલેલ પહોંચે છે! આજની દુનિયામાં ટીવી એ સૌથી મોટું ન્યુસન્સ છે. ઘરની સ્ત્રીઓ આખો દિવસ સીરીયલો જોવામાં એવી વ્યસ્ત હોય છે કે, ઘરની સફાઈ, ઘરની રસોઈ અને ઘરના સભ્યો વચ્ચેનાં સંબંધો પર પણ તેની ખરાબ અસર ચોખ્ખી દેખાઈ આવે છે.”  ” પપ્પા,તમારી વાત સાચી હશે પણ તમે ટીવીને ન્યુસન્સ ના કહી શકો, એના લીધે તો નાની અને માસીજી સલામત છે તે આપણે  જાણી  શક્યાં, નહિ તો, મમ્મી રડતી જ રહી જાત.”શાલુ ખુશ થઈને કહે,” બોલો જવાબ આપો હવે,”

પણ .. હિતેશ કંઈ પણ જવાબ આપે તે પહેલાં તેના મોબાઈલમાં રીંગ વાગી.'”હેલો,હા હું હિતેશ બોલું, આપ કોણ? તમારો નંબર મારામાં સેવ નથી કરેલો, શું ? મારે વાડીલાલ પહોંચવાનું છે? પણ કેમ? ઓકે હું પહોંચું છું.”

હિતેશ ,શાલુ અને રીતુ ત્રણે ગભરાઈ ગયાં , તરત જ તૈયાર થઈને ઉપડી ગયાં.હિતેશ હોસ્પિટલ પહોંચીને સીધો કાઉન્ટર  પર ગયો અને પૂછ્યું કે મને આ નંબર પરથી ફોન આવ્યો હતો,કાઉન્ટર  પરનાં ભાઈએ તરત એક નર્સને બોલાવી અને હિતેશને મદદ કરવા જણાવ્યું. નર્સે વાત સમજી લીધી પછી હિતેશને કહ્યું,” ભાઈ એક એક્ષીડેંટ કેસ છે, તેમને ભાન નથી પણ તેમની પાસેથી તમારો નંબર મળ્યો એટલે તમને ફોન કર્યો હતો, કદાચ તમે કંઈ મદદ કરી શકો.” અને તેણી હિતેશના ફેમિલીને એક રૂમમાં લઇ ગઈ. ત્યાં જોયું તો બેડ ખાલી હતો, તેણે ત્યાં હાજર નર્સને પૂછ્યું કે અહીંનો દરદી ક્યાં ? તેને જાણકારી આપી કે, તેને આઈ સી યુમાં લઇ ગયા છે.

શાલુ હવે ચિંતામાં પડી કોણ હશે? શું થયું હશે? હિતેશ અને રીતુ પણ એ જ મુજવણમાં હતાં.ખાસો કલાક બધા બેસી રહ્યા.ડોકટરો આઈસીયુમાં હતા એટલે કોઈને જવા ના દીધા. સૌને ઇન્તેજારી હતી કે કોણ હશે જેની પાસેથી હિતેશનો નંબર મળ્યો હશે, સાથે થોડી નિશ્ચિંતતા પણ હતી જ કે, આપણે  ત્રણે તો સાથે જ છીએ સલામત છીએ. અને ઋત્વિક પણ અમેરિકામાં સલામત જ હશે તેની સાથે વાત કરાય તેવો ફ્રી સમય અત્યારે છે, પણ તેની તો જોબ ચાલતી હશે, આમ ખાસ ચિંતા વગર સમય પસાર કરવાનો હતો એટલે ત્રણે નિશ્ચિંત થઈને વાતો કરતાં બેઠાં.ખાસીવાર બેઠા પછી હિતેશ અકળાયો ત્યાં બેઠેલી નર્સને કહે,” બેન, ઘણી વાર થઇ અમે ઘરે જઈએ? કાલે સવારે પાછી બધાને જોબ પણ ખરી.” ” સર મને પાંચ મિનીટ આપો હું ડોક્ટરને પૂછી જોઉં, કારણ કે તમારી જરૂર હોય ને હું જવા દઉં તો યોગ્ય ના કહેવાય.” કહીને નર્સ આઈસીયુમાં ગઈ તેને પણ દસ મિનીટ થવા આવી. બધા અકળાયા હતા પણ કરે શું? છેવટે તેમની ધીરજનો અંત આવ્યો અને નર્સ તેમજ ડોક્ટર બંને સાથે બહાર આવ્યા.

હિતેશ નર્સને કંઈ પૂછે તે પહેલાં ડોકટરે કહ્યું, “હવે તમે પેશન્ટને મળી શકો છો, ચિંતા જેવું કઈ નથી.”

બારણું ખોલીને તેઓ ત્રણે અંદર ગયા, પેશન્ટ પાસું ફરીને સૂતેલો હતો,” હેલો ભાઈ આપ કોણ છો? હવે કેવું લાગે છે?” હિતેશે પૂછ્યું. પેશન્ટ ઘેનમાં કે પછી ઊંઘમાં હોય તેમ બોલ્યા વગર પડી રહ્યો. હિતેશે બીજીબાજુ જઈને દર્દીને ઢંઢોળ્યો.પણ…પણ..

તેને ચીસ પાડી,” રુતવી….ક ” શાલુ અને રીતુ ગભરાઈને દોડ્યા બીજી બાજુ.” ઓ મારા દીકરા તું ? શું થયું ? ” શાલુ રડતાં રડતાં બોલી, ચીસો સાંભળીને ડોક્ટર તેમજ નર્સ અંદર આવી ગયાં.” ડોક્ટર સાહેબ, મને ખબર નહોતી,આ તો મારો દીકરો છે તેને શું થયું છે? ”  ” ડોન્ટ વરી મી. ..” ” સર આઈ એમ હિતેશ શાહ.” ” ઓકે  મી. શાહ, ડોન્ટ વરી, એક્ષીડેંટનો કેસ છે. પગમાં સામાન્ય ઇન્જરી છે. ભાઈ બચી જ ગયા છે, પેઈન રીલીફ માટે ઇન્જેક્શન આપ્યું છે થોડીવારમાં ભાનમાં આવશે.પણ એક્ષી ડેંટનો કેસ હોવાથી પોલીસ આવી ગઈ છે, હમણાં બધું પતી જશે પછી તમે ઘેર લઇ જઈ  શકશો.”

પોલીસ બધી પૂછપરછ અને જરૂરી કાર્યવાહી કરીને નીકળી ગઈ, ત્યાં સુધી હિતેશ અને ઘરના ત્રણે બહાર હતાં.પોલીસના ગયા પછી તેઓ રૂમમાં ગયાં ત્યારે ઋત્વિક ભાનમાં હતો. શાલુ તેની પાસે જઈને માથે હાથ ફેરવે છે,પછી કહે,” તું અહીં ક્યાંથી બેટા? તને ક્યાં વાગ્યું છે? કેવું લાગે છે તને?” ” મોમ, આઈ એમ એબ્સોલ્યુટલી ફાઈન, ડોન્ટ વરી, મારે તમને સરપ્રાઈઝ આપવી હતી એટલે કહ્યા વગર આવીને તમારા ચહેરા પરની ખુશી જોવી હતી,બીજું હું કંપનીનાં કામે બે વિક માટે અહીં છું. એરપોર્ટથી ઉબેર કરીને આવતો હતો,એક સાયકલ વાળાને બચાવવા જતાં સામાન્ય એક્ષિડેંટ  થયેલો પણ સામેની સીટ પર માથું ભટકાવાથી અને કદાચ ડરથી હું બેભાન થઇ ગયેલો, બાકી ખાસ વાગ્યું નથી મને.” ઋત્વિકના મોબાઈલ પર વોટ્સેપ,નોટીફીકેશનનો અવાજ આવવા લાગ્યો. ફરી હિતેશ ચિડાયો,” આ ટીવી, મોબાઈલ, વોટ્સેપ, બધાથી કંટાળ્યો છું.” “પપ્પા, મોબાઈલ ને લીધે તો આપણે ભાઈ પાસે સમય પર આવી ગયા, બોલો હા કે ના?”

ગાડીમાં ઘરે જતાં અને ઘરે જઈને પણ આધુનીક ટેકનોલોજી જ તેમની ચર્ચાનો વિષય રહ્યો.

 હિતેશ કહે,” હા, એની તો ના પડાય તેમ નથી,પણ આ વોટ્સેપ, ઇન્સટાગ્રામ, ફેસબુક, ટવીટર, ગુગલ+, આ બધામાં  આપણો કેટલો બધો સમય પસાર થાય છે, એના લીધે પરિવારના સભ્યો એકબીજાને થોડોક સમય પણ આપી શકતા નથી, પરિણામે કોમ્યુનીકેશન ગેપ સર્જાય છે અને એની ઊંડી અસર પારિવારિક સંબંધો પર પણ પડે છે, એટલે સુધી કે ઘણાં ઘરોમાં ઘરનાં કામો થતાં નથી બધે ઉકરડા થાય છે અને એના લીધે ઝગડા પણ  થાય છે.બોલો હા કે ના?” ઋત્વિક કહે,” હા પપ્પા, એની પણ ના  પડાય તેમ નથી. એટલે પેલી કહેવત છે ને,- એવરી થિંગ ઇન એક્ષેસ ઇઝ હાર્મફૂલ,- એને અનુસરવું જોઈએ , કારણ કે આ બધાના જ પાછા ફાયદો તો છે જ.અને એના લાભથી વંચિત રહેવું પણ આજની તાકીદ પ્રમાણે યોગ્ય નથી ખરું કે નહિ?” શાલુ કહે,” હાસતો, પણ એમાં બે વાત યાદ રાખવી પડે, (૧) આધુનિક ટેકનોલોજીના દરેક સાધન માટે કેટલો સમય ફાળવવો, તે નક્કી કરવું પડે, જેથી તેમનો લાભ પણ લેવાય તેમજ  તેના નુકશાનથી બચી શકાય અને ઘરનાં કે ઓફીસના કરવા જેવા કામો રહી ના જાય. (૨) અને બીજું તો ઋત્વિકે કહ્યું તે જ સંન્સ્કૃત માં કહું તો અતિ સર્વત્ર વર્જ્ય્તે. બોલો હા કે ના?

રીતુ કહે, “હા માવડી હા તમે કદીય ખોટા હોઈ શકો? બીજું ટેકનોલોજીનો ઉપયોગ વધુ માં વધુ થતો હોય તેવા અને સાર્વજનિક બની ગયેલાં બે માધ્યમો છે એક ટીવી અને બીજું મોબાઈલ, અને એ બંનેને લીધે આજે આપણને લાભ જ થયા છે બોલો હા કે ના? “

અસ્તુ.

રશ્મિ જાગીરદાર

તરુલતા વાર્તા સ્પર્ધા-(૧)આધુનિક ઉપકરણો?-પ્રવિણા કડકિયા

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા 

વાર્તાનો વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

” ઓ મારી માવડી, આ સવાર પડી નથીને તું પાછી મંડી પડી. આ તારી ચા ઠંડી થઈ ગઈ’. નીરા સાંભળે તો ને! હાથમાં સેલ ફોન !

આ રોજની માથાકૂટથી નિલમ કંટાળી હતી. તેની કાંઇ ઉમર થઈ ન હતી. આ તો બે બાળકોને પતિદેવ હમેશા ,’ફટવે’. એટલે આ રસ્તો એણે અપનાવ્યો હતો. નીલ અને નીરા સવારના પહોરથી ‘ટેક્સટ’ કરતા હોય. બન્નેને કોલેજ જવાનું મોડું થાય.  રાતના ‘૨’ વાગ્યા સુધી ફોન યા ફેસબુક પર ગુંદરની જેમ ચોંટ્યા હોય. ઉપરથી ‘હુ કેર્સ”ની નીતિ અપનાવે. ત્યાં સુધી તો તેને વાંધો ન હતો. તેની ગાડીની પાછળ બન્ને જણ ગાડી પાર્ક કરે એટલે  બેંકમાં પહોંચવાનું  નિલમને મોડું થાય.

રોજ યાદ અપાવે, મારી કાર પાછળ તમે કાર પાર્ક ન કરો. હમેશા  બાળકો બે કાનનો ઉપયોગ કરે.

બેંક મેનેજરે ,સવારના પહોરમાં બેંક સમયસર ખોલવાની , નહિ તો કસ્ટમર્સની લાઈન લાગી જાય.  તેની પોતાની ગાડી ,ફુલ્લી લોડેડ હતી. ફોન ,’એપલનો, બ્રાન્ડ ન્યુ હતો. નિલમ , “ઔરંગઝબ ન હતી બાળકોના જવાબદારી વગરના વર્તનથી થાકી ગઈ હતી. હજુ તો કોલેજ ગયા ન હતા. અમેરિકામાં લાઈસંસ આવે કે તરત બાળકોને ગાડી મળે. ન આપી હોય તો ચાલે. બાપ સર્જન હોય પછી પૂછવું જ શું?

નિરવની ગાડીનું ગરાજ ‘ડીટેચ’ હતું જેને કારણે તેને તકલિફ પડતી નહી. નિલમની તકલિફ સમજવાનો તે પ્રયત્ન કરતો નહી. તેને મન તો તેના બાળકો ‘બેસ્ટ ઈન ધ વર્લડ ‘હતા.

નિલમે વિચાર્યું આ બધાને પાઠ ભણાવવાની જરૂર છે. આખા ઘરમાં બધના ફોન એક કંપનીના હતા. તેણે ટેમ્પરરી સર્વિસ કેન્સલ કરી. તેની પાસે બેંકનો પ્રાઈવેટ ફોન હતો. પતિ પાસે હોસ્પિટલનો ફોન અને બીપર બન્ને હતા. આજે તેણે પોતાની ગાડી કર્બ પર પાર કરી હતી. નિરવ, સવારે ઉઠીને વહેલી સર્જરી હતી એટલે નિલમ સાથે ચા પીને નિકળી ગયો.

નિલમ બાળકોના રૂમમાં જોવા પણ ન ગઈ. એલાર્મ ક્લોકે તેની ફરજ બજાવી. મમ્મી, રોજ ઉઠાડવા આવતી એટલે નીલ અને નીરા ઉઠ્યા નહી. આજે સીધા દોર કરવા હતા. નિલમ તૈયાર થઈને બેંક પર જવા નિકળી ગઈ. હવે બાળકો મોટા હતા એટલે મેઈડ ને સાંજે ‘૫’ વાગ્યા પછી બોલાવતી. જેને કારણે ડીનર પછી બધું કામ પણ તે કરીને જાય.

નિલમે બેંકના ફોનનો નંબર નિરવ સિવાય કોઈને આપ્યો ન હતો. નીલ અને નીરા  આખરે ઉઠ્યા. ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા. તેમણે ૮॥ વાગે ઘર છોડવું પડૅ તો ૯ પહેલાં સ્કૂલમાં પહોંચે. કોમકાસ્ટ વાળા લાઇન ઉપર કામ કરતા હતા, જેને કારણે ‘આઈ પેડ પણ ન ચાલ્યું. ‘વાઈ ફાઈ’ હોય તો કનેક્શન મળેને !.   હવે ‘ટાર્ડી’ મળવાનો ભય હતો. કારણ શું આપવું?

મમ્મીને ફોન કરવા પ્રયત્ન કર્યો, ‘ફોન વૉઝ ડેડ’. પપ્પાને  વૉટ્સ એપ’ પર પેજ’ કર્યા.  નસિબદાર કે એટલો વખત કનેક્શન કામ કરી ગયું. પેજર હતું નર્સિસ સ્ટેશન પર .

‘ ડો. દલાલ ઈઝ ઈન ધ સર્જરી.’ હવે શું ?

મમ્મીની બેંકમાં ફોન કર્યો. બેંકમાં તો આદત હોય, ‘ધિસ ઈઝ નેશન્સ બેંક, લોરા સ્પિકિંગ, કેન યુ હોલ્ડ” ? બસ પછી લોરા બહેન તો દસ મિનિટ સુધી કસ્ટમર્સને અટેન્ડ કરતાં હોય. જ્યારે ફોન લાઈન ઉપર પાછા આવે ત્યારે લાઈન કટ થઈ ગઈ હોય.  સ્માઈલ કરે અને ફોન પાછો મૂકે.

તમને શું લાગે છે,’નીલ અને નીરામાં આટલી ધિરજ હોય ખરી’?

છેવટે એવા નિર્ણય પર આવ્યા કે બન્ને જણા એક ગાડીમાં મમ્મીની બેંક ઉપર જઈએ. નહાયા વગર તો ચાલે નહી. ભૂખ હોય તો બ્રેકફાસ્ટ કરે ને ? ઉપડ્યા ‘નેશન્સ બેંક’ પર.

બેંકમાં આજે કોઈને મોટી ,’બિઝનેસ લોન ‘ જોઈતી હતી. કસ્ટમર મોટો વ્યાપારી હતો. નિલમને બધું કામ કમપ્યુટર પર કરવાનું હતું. કમપ્યુટરની સિસ્ટમ બે મહિના પહેલાં ‘અપ ગ્રેડ’ થઈ હતી. ત્યાર પછી આટલું મોટું કામ આજે પહેલીવાર આવ્યુ હતું. જ્યારે મોટી લગભગ મિલિયન ડોલરની લોનનું કામ કરવાનું હોય તો ખૂબ સાવચેતી રાખવી પડૅ. હવે પેપર વર્ક તો કશું હોય જ નહી. કમપ્યુટર પર બધા કામના ફોર્મ લોડ કરવાના, ભરવાના , પૂછે એટલા બધા સવાલના જવાબ ન આપો તો ‘નેક્સ્ટ પેજ’ના દર્શન જ ન થાય.

નિલમ તેના કામમાં ખૂબ ‘એફિશ્યન્’ટ હતી. જેને કારણે એક વર્ષથી, ‘બ્રાન્ચ મેનેજર’નું પ્રમોશન મેળવ્યું હતું. આમ પણ ભારતિય કામકાજના ચોક્કસ અને હાથના સાફ હોવાને કારણે અમેરિકામાં ખૂબ તરક્કી પામ્યા છે. તેની ઓફિસની બહાર “ડુ નોટ ડિસ્ટ્ર્બનું” બોર્ડ હતું. બે ટેલર હતા, નીલ અને નીરાએ કહ્યું કે અમારે .નિલમને મળવું છે. તેમને પેલું લટકતું બોર્ડ બતાવ્યું. નિલમ શિસ્તની ખૂબ પાકી હતી.

‘હવે શું ‘?

ચાલો પપ્પા પાસે હોસ્પિટલ જઈએ. નીલ અને નીરાને ખબર હતી ,’પેરન્ટસની નોટ્સ’ વગર હાઈસ્કૂલમાં અંદર જવા નહી દે.

પપ્પા સર્જન, ઓપરેશન નાનું હોય તો અડધો કલાક અને સિર્યસ હોય તો બે કલાક. તેમાં જો,’કોમ્પલીકેશન ‘ હોય તો લંબાઈ પણ જાય. ખબર છે ને ‘દુકાળમાં તેરમો મહિનો’. ઓપરેશન ટેબલ પર પેશન્ટ્નું હાર્ટ સ્ટોપ થઈ ગયું હતું. તેને ‘રીવાઈવ’ કરતાં સમય લાગ્યો. પપ્પાને ઓપરેશન થિયેટરમાંથી બહાર આવવાને અડધો કલાક હતો.

નીલ અને નીરા કાફેટેરિયામાં ડોનટ પિક અપ કરવા ગયા. કાફેટેરિયાનું કેશ રજિસ્ટર ‘આઉટ ઓફ ઓર્ડર ‘ હતું. કેશિયરને પૈસા ગણતા ખૂબ વાર લાગતી હતી. સમય જતો રહ્યો ને પપ્પાને બીજી સર્જરીમાં જવું પડ્યું. બન્ને માથે હાથ મૂકીને બેઠા.

ઓપરેશન થિયેટરની બહાર નર્સિંગ સ્ટેશન પર કહ્યું હતું કે , ‘વી આર ડોક્ટર દલાલ્સ’ ચિલડ્રન’.

નર્સે કહ્યું,’ ધિસ ઈઝ સ્મોલ સર્જરી, હી વિલ બી આઉટ’ ઇન ૨૦ મિનિટ્સ. ‘

બન્ને બહાર બેઠા. પપ્પા બહાર આવ્યા.

‘કેમ શું થયું ?

‘પપ્પા, ફોન ચાલતો નથી. અમે મોડા ઉઠ્યા.  હાઈસ્કૂલમાં પેરન્ટ્સની નોટ્સ નહી લઈ જઈએ તો દાખલ નહી થવા દે.’

ડોક્ટર દલાલના પ્રિન્સિપલ, ફ્રેંડ હતાં.  ડો દલાલે તેમને ટેક્સ્ટ કરીને મેસેજ આપી દીધો. બન્ને જણા લંચ ટાઈમે સ્કૂલમાં પહોંચ્યા.

જોઈને આધુનિકતાના ઉપકરોણોની બલિહારી.

જુલાઈ મહિના માટે તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

‘શબ્દોનું સર્જન ‘ પર જુલાઈ મહિનામાં તરુલતા મહેતા વાર્તાસ્પર્ધા જાહેર કરવામાં આવે છે.

વાર્તાનો વિષય –

વિષય : આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર.

(ફોન,આઈ-પેડ ,કોમ્યુટર ,અન્ય સૌ  ઘરમાં વપરાતા સાધનો )

સૌ સર્જકમિત્રોને

પોતાની મૌલિક અને બીજે ક્યાંય પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા મોકલવા આમંત્રણ છે.

નીચેના નિયમોનું ધ્યાન રાખવા વિનંતી છે.

વાર્તાનો વિષય છે આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર 

૮00 થી ૧000 શબ્દોની મર્યાદા  ૧૦૦૦થી વધુ ચાલશે પણ ૮૦૦ થી ઓછા નહિ .

મૌલિક હોવી જોઈએ ,બીજે પ્રકાશિત ન થઈ હોય તેવી વાર્તા સ્વીકારવામાં આવશે.

વાચકોની અને નિર્ણાયકની પસંદગી મુજબ ઇનામો જાહેર થશે.

વાર્તા મોકલવાની છેલ્લી તારીખ 15મી ઓગસ્ટ રહેશે .ઑગસ્ટ માસની ‘બેઠક’માં ઈનામોની જાહેરાત થશે.pragnad@gmail.com  પર મોકલશો.

વાર્તા લખતી વખતે ધ્યાનમાં  રાખવા જેવી વિગતો :

વાર્તામાં કથાવસ્તુની યોગ્ય પસંદગી અને વિકાસ 

પાત્રાલેખન અને તેની અસર 

સંવાદો અને તેની ગૂંથણી 

અંત સુધી રસનું નિરૂપણ 

ઉચિત અંત 

ભાષાશુદ્ધિ અને જોડણી પર ધ્યાન આપવું 

પ્રથમ ઇનામ $૫૧ ,

બીજું ઇનામ: $૩૫

ત્રીજું ઇનામ: $ 31

બીજા બે પ્રોત્સાહક ઇનામો $ ૧૫ ના રહેશે. 

તરુલતા મહેતા

જુન ૨૦૧૭ની – ‘બેઠક’નો અહેવાલ-કલ્પના રઘુ

     અમેરિકા  કેલિફોર્નિયાની ‘બેઠક’માં “સંબંધ” પુસ્તકના વિમોચનમાં વગર સંબંધે સૌ ગૂંથાઈ ગયા 

એક જ કામ સંબધમા કીધું. લીધું એથી બમણું દીધું.-શૈલ પાલનપુરી 

સૌને જોડીને જકડી રાખતો સબંધ એટલે આપણી માતૃભાષા 

‘બેઠક’ સ્પર્ધા નથી વિકસવાની તક છે. -તરુલતાબેન મહેતા 

મીલપીટાસ, કેલીફોર્નિયા ખાતે ICCમાં ૩૦ જુન, ૨૦૧૭એ યોજાયેલ ‘બેઠક’નો અહેવાલ

‘બેઠક’ની શરૂઆત કલ્પના રઘુ દ્વારા ઇશ્વર-સ્તુતિથી કરવામાં આવી. ત્યારબાદ સંચાલન કાર્ય તેઓએ સંભાળ્યું. સૌને આવકારતા તેમણે કહ્યું કે આજે ‘બેઠક’માં બહોળી સંખ્યામાં હાજરી છે પરંતુ ‘બેઠક’ના આયોજક પ્રાજ્ઞાબેનની ગેરહાજરી છે. આનંદના સમાચાર છે કે તેઓ નાની બન્યા છે. આમ તેમની પદવી મોટી થઇ છે. ‘કબીર’નો જન્મ થયો છે. સુંદર સુયોગ કહેવાય કે એના જન્મની જાહેરાત અને બીજી બાજુ આજનો વિષય છે ‘બાળવાર્તા’. સૌએ પ્રજ્ઞાબેન પર સ્પીકર ફોન દ્વારા અભિનંદનની વર્ષા કરી.

ત્યારબાદ બેઠકના ગુરૂ તરૂલતાબેનના પુસ્તકના વિમોચન માટે સહસંચાલક રાજેશભાઇએ તેમનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યુ કે તરૂલતાબેન M. A., P. HD. કરીને ૨૦ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યાં હતાં. અહીં આવીને સાહિત્યનું સર્જન, પ્રચાર, પ્રસારમાં તેમનુ બહોળું પ્રદાન રહ્યું છે. તેમને ઉમાશંકર જોશી એવોર્ડ મળ્યો છે. ‘બેઠક’ તમામ સાહિત્ય રસીકો માટે છે જેમાં ઉગતા સર્જકો જ્ઞાનનો લાભ લે છે અને જેઓ અનુભવી, ગુરૂ સમાન છે તેઓ જ્ઞાન વહેંચે છે. આ તબક્કે તરૂલતાબેન જેવા લેખિકાના પુસ્તકનું ‘બેઠક’માં વિમોચન થાય તે ‘બેઠક’ માટે ગૌરવની વાત કહેવાય. ડૉ. પ્રતાપભાઇ પંડ્યા કે જેઓ ‘પુસ્તક પરબ’ના પ્રણેતા છે તેમના હાથે ‘સંબંધ’ નામના પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું. સૌએ તેઓને તાળીઓથી અભિનંદન આપીને વધાવ્યા. રમાબેન પંડ્યાએ તેમને મુરારીબાપુના જીવન પરનુ ‘આહૂતિ’ પુસ્તક ભેટ આપ્યું. વસુબેન શેઠે પોતે બનાવેલુ કાર્ડ અને પુષ્પગુચ્છથી તેમનુ સન્માન કર્યું. આ પુસ્તક ડૉ પ્રતાપભાઇ પંડ્યાને અર્પણ કરવામાં આવ્યુ છે. જેથી તેઓ ભાવવિભોર બની ગયા હતાં. તેઓએ સુંદર પ્રવચન અને હાજરી દ્વારા વડીલ તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમણે ‘બેઠક’ના કાર્યને અને તમામ સર્જકોને પ્રોત્સાહન આપ્યુ હતું. તેઓએ ‘સંબંધ’ પુસ્તક વિષે કહ્યું કે તરૂલતાબેનના રૂવાંડામાં, અણુએ અણુમાં સાહિત્ય વ્યાપી ગયું છે. તેઓએ ‘સંબંધ’ દ્વારા સંવેદનોને વાર્તારૂપે રજૂ કર્યા છે.

તરૂલતાબેને ગુજરાતી ભાષા વિષે, ‘બેઠક’ વિષે અને સાહિત્ય વિષેની વાતો કરીને જીવન વિષે રસપ્રદ અને પ્રોત્સાહક સંદેશ આપ્યો કે કોઇપણ સર્જનનો આનંદ અદભૂત હોય છે માટે પોતાને ગમતુ કરવું. ‘બેઠક’માં સ્પર્ધા નથી પણ વિકસવાની તક છે. કોઇનો મહેલ જોઇને ઝૂંપડી ના બળાય. ટીકાકારો સારા, તેઓ શિલ્પી કહેવાય, જીવનને કંડારે છે. “જગતમાં સૌથી વડી, સ્નેહની કડી’ એ એમનો એક વાક્યમાં સંદેશ છે. જેઓ લખતા નથી તેઓ હ્રદયથી કોરા છે માટે નિજાનંદ માટે પણ લખો. શબ્દોનું સર્જન કરવાથી પણ સમાજની સેવા થાય છે. તરૂલતાબેન જેવા ગુરૂ મેળવવા બદલ ‘બેઠક’ને ગર્વ છે. ત્યારબાદ કલ્પના રઘુએ તેમના પુસ્તકની અનુક્રમણિકા વાંચીને સૌને ‘સંબંધ’ની સફર કરાવી. પ્રતાપભાઇએ જાહેરાત કરી કે બળવંતભાઇ જાની અને અંબાદાનભાઇ ગઢવી ‘બેઠક’માં આવ્યા હતાં. તેમણે ઋણ ચૂકવવાના પ્રયાસરૂપે ‘પ્રતાપભાઇ પંડ્યા ડાયસ્પોરા શ્રેણી’ શરૂ કરવાનુ કહ્યું. સૌ પ્રથમ ‘મારી બારી માહેથી’ પ્રજ્ઞા દાદભાવાળાના પુસ્તકનુ પ્રકાશન કરશે. જેમાં ‘બેઠક’ના સર્જકોના લેખો છે. પ્રતાપભાઇ વિષે પણ બળવંતભાઇ પુસ્તક લખી રહ્યાં છે. જેનું સૌને ગૌરવ છે.

ત્યારબાદ પ્લેઝન્ટનમાં તરૂલતાબેને શરૂ કરેલ ગુજરાતી ગૃપના શશીકાંત પારેખે આ પુસ્તક વિષેના તેમના અનુભવો કહ્યાં તેમજ તેમના લેખનકાર્ય વિષેનુ તેમનુ વક્તવ્ય રસપ્રદ રહ્યું. અમદાવાદથી આવેલ મહેન્દ્રભાઇ મહેતાનાં મિત્ર ગુણવંતભાઇ શાહે ‘બેઠક’ માટે શુભેચ્છા વ્યક્ત કરી.

‘બેઠક’નો આજનો વિષય ‘બાળવાર્તા’ વિષે દાવડાસાહેબે સુંદર માહિતી આપી. તેમણે તેમનુ વક્તવ્ય સંસ્કૃતમાં શરૂ કરીને વાતાવરણ હળવુ બનાવ્યું. અને કહ્યું કે સમયની સાથે વાર્તા બદલાય છે. કવિતામાં લય સાથે ‘બાળવાર્તા’ લખી શકાય. બાળકનું લોજીક સમજવુ જરૂરી છે. સંદેશને, શિક્ષણને વાર્તામાં વણી લેવું જોઇએ. તેમની કલ્પના શક્તિ ખીલે તે જરૂરી છે.

ત્યારબાદ મુલેન્દ્ર જોષી કે જે ૩૫ વર્ષ સાયકોલોજીના પ્રોફેસર રહ્યા હતા. તેમણે સચોટ ઉદાહરણો દ્વારા બાળકો વિષેના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સમજણ આપી જે ખૂબજ ઉપયોગી હતી.

ત્યારબાદ મુંબઇથી અમીતાબેન ધારિયા જેઓ પોતાનો બ્લોગ ધરાવે છે તેઓ પ્રથમ વાર ‘બેઠક’માં આવ્યા હતા. તેમણે તથા કલ્પના રઘુએ પોતપોતાની ‘બાળવાર્તા’ વાંચી સંભળાવી. સૌએ તેઓને તાળીઓથી વધાવ્યા. તરૂલતાબેને તથા પ્રતાપભાઇએ તેઓની વાર્તા વિષેના તેમના મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ નવી આવેલી વ્યક્તિઓમાં, દંપતિ જ્યોત્સ્નાબેન અને ઘનશ્યામભાઇ વ્યાસે ‘બેઠક’ વિષેના તેમના સકારાત્મક વિચારો રજૂ કર્યા. તેઓ મુંબઇથી પણ લેખો દ્વારા ‘બેઠક’ સાથે જોડાયેલા છે. ઘનશ્યામભાઇએ પોતાની બનાવેલી શીઘ્ર કવિતા રજૂ કરી. જ્યોત્સ્નાબેન પ્રીન્સીપાલ હતાં. આમ તેઓ સાહિત્ય સાથે સંક્ળાયેલા છે. ‘બેઠક’ને આ વાતનુ ગર્વ છે.

જયવંતીબેન કે જેમના પુસ્તક ‘પ્રતીતિ’નું વિમોચન ‘બેઠક’ તરફથી પ્રજ્ઞાબેને તેમની વર્ષગાંઠમાં કર્યુ હતું જેનો ઉલ્લેખ કલ્પનાબેને કર્યો. જયવંતીબેને તરૂલતાબેન માટે શુભેચ્છા વ્યક્ત કરી. કલ્પનાબેને આવતા મહિનાના વિષય અંગે તરૂલતાબેન તરફથી હરીફાઇની જાહેરાત કરી જેનો વિષય પ્રજ્ઞાબેન જણાવશે તેમ કહ્યું.

અંતમાં રાજેશભાઇએ સૌની આભારવિધિ કરી. તેમણે આ વખતનુ ભોજન તરૂલતાબેન તરફથી હતું માટે તરૂલતાબેનનો આભાર માન્યો. તેમજ પ્રતાપભાઇ, વક્તાઓ, મહેમાનો, સ્વયંસેવકો નરેન્દ્રભાઇ શુક્લ, જયવંતીબેન પટેલ, જ્યોત્સ્ના ઘેટીયા, જ્યોત્સ્ના વ્યાસ, ઉશા શાહનો તથા ICCનો આભાર માન્યો. સૌને ‘બેઠક’માં આવવા અને લખવા માટે કહીને, પ્રજ્ઞાબેનને યાદ કરીને સૌ છૂટા પડ્યાં.

અહેવાલઃ ‘બેઠક’ના સહસંચાલક કલ્પના રઘુ