૩૭-કબીરા

કબીર આપણી આસપાસ છે એવો અહેસાસ કરાવે શબનમ વીરમનીજી


અઢાર અઢાર વર્ષથી જેમણે કબીરયાત્રા કરીને કબીર પ્રોજેક્ટ પર કામ કર્યું છે અને કબીરની સાચી ઓળખ પામવા અને દુનિયાનાં તમામ લોકો સુધી પહોંચાડવા પ્રયત્નશીલ છે તેવા શબનમ વીરમનીજી કબીર માટે શું કહે છે તે ચાલો, આપણે જાણીએ.શબનમજી આપણા હ્રદયનાં તારને તેમના ગાયેલા કબીરનાં ભજનોથી હચમચાવી નાંખે છે.તેમની ઊંડું સંશોધન કરીને દિર્ગદર્શન કરેલ કબીરની દસ્તાવેજી ફિલ્મો જોઈને કબીરજીની હાજરી આપણી આસપાસ અનુભવવા લાગીએ છીએ.શબનમજીએ કબીરા ખડા બાજારમેં”,”હદ અહદ”,” ચલો હમારે દેશ”, “”કોઈ સુનતા હૈ”, અને “અજબ શહર” જેવી નેશનલ એવોર્ડ વીનીંગ ફિલ્મો બનાવી છે.

આપણે આજે વાત કરીશું ,કબીરની અને તેમના અનોખા ઉપદેશની વાત કરતી ફિલ્મોની,જેનું દિર્ગદર્શન શબનમજીએ ભારતનાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં અંતરિયાળ ગામોમાં ફરી કબીરનાં ભજનિકો,શેરીગાયકો,મહાત્માઓ,આમ જનતા સાથે બેસી તેમનાં વિચારો જાણી તેની ફલશ્રુતિ રુપે બનાવી છે.
કબીર બનારસમાં વર્ષો સુધી રહ્યાં અને બનારસ એમનાં જમાનાનું ધાર્મિક,રાજકીય અને વ્યાવસાયિક દ્રષ્ટિએ જાણીતું અને ધમધમતું શહેર હતું.બનારસનાં ઘાટ,ઘાટનાં પગથિયા,મહેલો,કિલ્લાઓ તેની વચ્ચેથી સમયનાં પ્રવાહ સમ વહેતી પવિત્ર ગંગા અને તેના ઘાટ પર ધોબીઘાટ,બાજુમાં ક્રિકેટ રમતાં બાળકો અને બાજુમાં સ્મશાનઘાટ પર જિંદગીને છેલ્લી સલામ કરીને ચિતા પર ચડતી લાશો,ગંગાનાં પવિત્ર પણ ડહોળા પાણીમાં પોતાનો મેલ ધોવા ડૂબકી લગાવતાં યાત્રીઓ-આ બધું કબીર જોતાં તેને આધ્યાત્મિક ઉદાહરણોમાં રૂપક બનાવી આલેખતાં.કબીર પોતે જોયેલ અને અનુભવેલ દુન્યવી સ્થિતિ અને દ્રશ્યોને સુંદર રીતે પોતાની રીતે સમજીને પદો અને ભજનોમાં ગાતા.કબીરનાં ભજનો અને દુહા શબનમજીએ પોતાનાં બુંલદ અવાજમાં ગાઈને “અજબ શહર”માં આપણને સમજાવ્યા.
અજબ શહર એટલે કબીરે આપણા શરીરને અજબ શહેર તરીકે વર્ણવ્યું છે.

તારા રંગમહલમેં અજબ શહરમેં આજારે હંસાભાઈ ,નિર્ગુણ રાજાપે સિરગુન સેજ બિછાઈ…
અરે ….હાંરે ભાઈ ……દેવલિયામેં દેવ નાહીં ઝાલર ફૂટે…ગરજ કસી

અરે…. હાંરે ભાઈ…. મંદિરીયામેં દેવ નાહીં ઝાલર ફૂટે…ગરજ કસી

કબીર આપણા શરીરને રંગમહેલ, નસમજી શકીએ તેવું અજબ શહેર કહે છે.જેને જાણવા આપણી પાસે નેવીગેટર નથી,તેમાં જોઈ ન શકાય તેવો નિર્ગુણ રાજા(આત્મા) છે.કબીર આત્મા રૂપી હંસને આ શરીર રૂપી રંગમહેલ (આનંદમહેલ) માં બોલાવે છે. આત્મા સાથે એકરૂપ થવા પ્રયત્ન કરે છે.આ શરીર રૂપી અજબ શહેરમાં ન જોઈ શકાય તેવો આત્મા ,રાજા થઈને આરામથી સૂતો છે.આ અજબ શહેરનાં દસ દરવાજા છે.(નાક,કાન,આંખ વિગેરે) એમાં ડકૈત પણ છે(કામ,ક્રોધ ,લોભ,મોહ,અહંકાર).આપણે સૌ આપણા નામથી આપણી જાતને ઓળખીએ છીએ ,પણ કબીર કહે છે “તું કોણ છે?” એને ખરેખર તું જાણવા કોશિશ કર.તારા અજબ શહેરમાં જોવા કોશિશ કરીશ તો ખરેખર તને સમજાશે કે તું કોણ છે ?અને નિર્ગુણની ઓળખ થતાં પરમાનંદ અનુભવાશે.શરીરને કબીર એટલે અજબ ઓળખાવે છે.શરીરને પવિત્ર કહે છે કારણ તેના દ્વારા જ આપણને નિર્ગુણનેા અનુભવ થાય છે ,અને અલૌકિક આશ્ચર્ય સાથે પરમાનંદનો આનંદ મેળવી શકીએ છીએ.કબીરઆગળ ગાય છે:

નિર્ગુણ આગે સગુણ નાચે,બાજે સોહાન્ગ તુર;
ચેલે કે પાંવ ગુરુ લાગે,યે હી અચંમ્ભા પુર…

કબીરની વાણીને રહસ્યવાદી કહી છે કારણ તેમનાં આધ્યાત્મિક ઊંડાણ ભરેલા રહસ્ય સમજવા અઘરા છે.કબીર શરીર રૂપી અજબ શહેરને કાયાનગરી તરીકે પણ નવાજે છે.નિર્ગુણ આગળ સગુણ નાચે છે.તે કબીરને ચેલાને ગુરુ પગે લાગતા હોય તેવું આશ્ચર્યજનક લાગે છે.


મન મથુરા,દિલ દ્વારકા,કાયા કાશી જાન;
દસ દ્વાર કા પીંજરા,યા મેં જ્યોત પીછાન…

તો આ દુનિયામાં આવેલ આ જૂઠનગરીનાં બજારનું પણ સુંદર વર્ણન તેમના દોહામાં કર્યું છે.

સાચ કોઈ ન પટીયાયી,જૂઠે જગ પટીઆયી,ગલી ગલી ગો રસ ફિરે,મદિરા બૈઠ બિકાઈ…

રામ નામ કી લૂંટ હૈ,લૂંટ સકે તો લૂંટ,અંતમે પસ્તાએગા,જબ પ્રાન જાએગા છૂટ…


કબીર આપણને કહે છે બાવરા! તેં દુનિયામાં આવીને ગોવિંદો ગાયો નહીં તો તું શું કમાયો?
આપણે આ જગરૂપી બજારમાં આવ્યા પણ જન્મારો ખોટા કામ કરવામાં ગુમાવી દીધો.ફેરો નકામો કરી દીધો ,મૂર્ખામી કરીને.અને ગાય છે:


કબીર સો ધન સંચીએ,જો આગે કો હોય,
સીસ ચઢાયે પોટલી,લે જાત દેખા ન કોય…


કબીર કહે છે”તું એવું ધન કમાય કે જેનાથી પરમને મળવામાં તે મદદ રૂપ થાય બાકી તો અહીં ભેગું કરેલ પોતાની સાથે માથે પોટલી બાંધીને લઈ જતું કોઈને જોયું નથી.”  

શબનમજી સૂફી સંત શાહ લતીફની કવિતા સમજાવતાં એક સરસ વાત કહે છે.જૂનાગઢનો રાજા પોતાના મહેલમાં બેઠો હોય છે અને એક સુંદર વાજિંત્ર (સુરન્દો) વગાડતો શેરી ગાયકને સાંભળીને રાજા ખુશ થઈ જાય છે.ચોકીદારને એ ગાયકને મહેલમાં બોલાવી લાવવાનું કહે છે.તેનું નામ બીજલ હોય છે.બીજલને રાજા પોતાની સામે બેસાડી વગાડવાનું કહે છે.બીજલની વાજિંત્ર વગાડવાની કળા પર રાજા મંત્રમુગ્ધ થઈ જાય છે.રાજા તેને કહે છે “માંગ માંગ માંગે તે આપું!” બીજલ કહે છે “હું જે માંગીશ તે આપ નહીં આપી શકો.” રાજા કહે છે “હું રાજા છું મારી પાસે બધું છે હું કેમ નહીં આપી શકું?માંગી તો જો!” બહુ રકઝકનાં અંતે બીજલ કહે છે “આપવું જ હોય તો મને તમારું મસ્તક ઉતારીને આપી દો!” રાણીઓ,દરબારીઓ,સૌ જોતાં રહી જાય છે અને રાજા પોતાનું મસ્તક આપી દે છે!!!!

કવિ લતીફના મતે જૂનાગઢ એટલે આ દુનિયા,બીજલ એટલે આપણા ગુરુ જે આપણી પાસે આપવી ખૂબ અઘરી હોય તેવી વસ્તુ માંગે છે.રાજા એટલે સત્યની શોધ માટે ફરતો શિષ્ય અને બીજલે માંગેલી કિંમતી ભેટ એટલે ખુદી(અહંકાર) જે સૌને ખુદાને(પરમને) મળતાં રોકે છે.અને પરમને મળવા જેના થકી શક્ય બન્યું તે છે સંગીત.આ અનહદનો નાદ સાંભળવામાં મદદરુપ થાય છે સંગીત ,માટે જ કબીર અને શબનમજી સંગીત દ્વારા જ અનહદને પામવા કોશિશ કરે છે.ચાલો,આપણે પણ શબનમજીનાં સંગીત દ્વારા અનહદનાં નાદને સાંભળવા કોશિશ કરીએ.અને અજબ શહેરને જાણવા કોશિશ કરીએ.શબનમજીની કબીરયાત્રાને માણતાં મળીએ ફરી આવતા અંકે…

જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 37) મેઘાણીનું એ અમર કાવ્ય :છેલ્લો કટોરો !


આપણે ઝવેરચંદ મેઘાણીના સાહિત્ય અને જીવન વિષે ચર્ચા કરી રહ્યાં છીએ . એમાં ઉપસી આવતું એમનું વ્યક્તિત્વ આમ તો બહુ વિધ હતું .
કેટકેટલાં પાસાઓ હતાં એમનાં વ્યક્તિત્વનાં!
હા , મુખત્વે એ પત્રકાર ; અને જીવ એમનો લોકસાહિત્ય તરફ વળેલો . પણ , ગાંધીજીના સ્વદેશાગમન સાથે દેશમાં પરિવર્તન આવવું શરૂ થઇ ગયું હતું. એવું પરિવર્તન જે મેઘાણી પણ ઝંખતા હતા : સામાન્ય જનને ભણેલ વર્ગ સાથેજોડવાની ઝંખના ! ‘ ભેદયુંની ભીંત મારે ભાંગવી ! ‘
ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં ‘ બે જાતના સમાજ ઉભા થઇ ગયેલ હતા તે બંને વચ્ચે ની ભીંત તોડીને બ્રિજ કરવાનો હતો !
તો એ વ્યક્તિત્વ ના તો પત્રકારનું હતું કે ના તો લોક્સાહિત્યકારનું : એ તો ધબકતું હતું રાષ્ટ્રની મુક્તિ કાજે ; અને વહાવતું હતું રાષ્ટ્ર પ્રેમનું જ સંગીત ! હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ .. એમ કહીને ..
ગાંધીજી દેશની આઝાદી માટે બ્રિટિશ સત્તાને સત્ય અને અહિંસાના શસ્ત્રથી અસહકારની લડતથી હંફાવી રહ્યા હતા અને દેશમાં એક જાતનો આઝાદી માટેનો જુવાળ ઉભો થયો હતો . મીઠાનો સત્યાગ્રહ કર્યા બાદ (૧૯૩૦) દેશ પર લદાયેલ મોટા મોટા કરવેરામાંથી મુક્તિ અપાવવાની ઝુંબેશ ગાંધીજીએ વ્યાપક કરી હતી . બસ્સો વર્ષથી દેશને લૂંટી રહેલ અંગ્રેજોને દેશ છોડવો જ નહોતો . પણ એમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો ! એટલે એમણે અંદર અંદર ફાટફૂટ પડાવવા પ્રયત્નો આદર્યાં. મંત્રણા કરવા ગાંધીજીને લંડન બોલાવ્યા હતા . (૧૯૩૧-સપ્ટેમ્બર ) ગાંધીજીએ ૧૧ મુદ્દાઓ મૂક્યા હતા . પણ કાંઈજ માન્ય થવાનું નહોતું . બધાંને ખબર હતી કે આ માત્ર એક બનાવટ જ છે .એ અંગ્રેજો લોકો તો માત્ર રમત જ રમી રહ્યા હતાં. માત્ર નાટક . તે સમયે મેઘાણીએ ‘સૌરાષ્ટ’ સાપ્તાહિક માટે એક કાવ્ય રચ્યું ; જે કાવ્યઅમર થઇ ગયું . જે વાંચીને ગાંધીજી બોલી ઉઠેલા : “ મારી સ્થિતિનું આ કાવ્યમાં આબેહૂબ વર્ણન છે ..
એ કાવ્ય હતું :
છેલ્લો કટોરો !
છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ !
ઈન્દુકુમાર જાનીએ લખ્યું છે : “ સમુદ્રમંથનમાંથી નીકળેલું ઝેર પી જનાર નીલકંઠનો નિર્દેશ કરતું આ કાવ્ય ‘ છેલ્લો કટોરો’ છાપાનું સેટિંગ થતું હતું ત્યારે છેલ્લા એક કલાકમાં લખાયું હતું . આ કાવ્ય ‘સૌરાષ્ટ્રના’ તંત્રી અમૃતલાલ શેઠે વાંચ્યું અને એક સુધારો સૂચવ્યો ; જ્યાં બંધુ શબ્દ વાપરેલો ત્યાં બાપુ શબ્દ સૂચવ્યો . મેઘાણીને પણ એ સૂચન વ્યાજબી લાગ્યું ; તરત જ સુધારો કરીને ‘સૌરાષ્ટ્ર’ના મુપૃષ્ટઃ પર છપાયું . પણ સાથે સાથે ‘ આર્ટ પેપર ‘પર છપાવીને ખુદ અમૃતલાલ શેઠ તે મુંબઈ લઇ ગયા અને ઑગષ્ટની ૩૧ મી તારીખે , સમયસર “રાજપુતાના” જહાજ પર જેમાં ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈ અને મીરાબેન સફર કરી રહ્યા હતાં ત્યાં પહોંચાડી દીધું .

ગાંધીજીએ કાવ્ય વાંચીને કહ્યું ; “ આ કવિ જાણે કે મારા દિલમાં પેસી ગયો હોય અને મારાં અંતરના એકેએક પ્રવાહો જોઈને જ જાણે કે આલેખ્યા હોય , બસ એવું આબેહૂબ આલેખન આ કાવ્યમાં છે !”
અર્થાત , જે દૂર રહ્યે પણ દેશવાસીઓની નાડ પારખી શકે છે તે , સમગ્ર દેશની મનઃ સ્થિતિ સમજી શકે છે તે રાષ્ટ્રીય કવિ !
અને એમની સાથે જ સફર કરી રહેલ મહાદેવભાઈ દેસાઈએ શું લખ્યું છે ?
એ લખે છે ; “ વહાણ ઊપડ્યું અને કિનારા ઉપરનાં પ્રેમાળ મુખો દેખાતાં બંધ થયા એટલે અમે અમારી ઓરડીમાં આવ્યાં. કૂડીબંધ તારો અને કાગળો આવેલાં હતાં, તે વાંચવા માંડ્યાં. ત્યાં મેઘાણીનું કાવ્ય ; “છેલ્લો કટોરો” હાથમાં આવ્યું .
બાપુએ કહ્યું ,’ મારી સ્થિતિનું જે વર્ણ કર્યું છે ને તે તદ્દન સાચું છે” પણ પછી મીરાંને કહ્યું કે એનું ભાષાંતર તો મહાદેવ કરશે જ, પણ એનું કાવ્યત્વ , એની ભાષા તને શી રીતે સમજાવશે ?”
હા , કાવ્યત્વ ! આ જુઓ કાવ્યનું કાવ્યત્વ :
“હૈયા લગી ગળવા ગરલ , ઝટ જાઓ રે બાપુ !
ઓ સૌમ્ય -રૌદ્ર ! કરાલ – કોમલ ! જાઓ રે બાપુ !

બ્રિટનમાં જઈને માત્ર ઝેર જ તો પીવાનું હતું ને ? અને એવું જ થયું હતું જેની વાત ફરી ક્યારેક .
પણ સંત મહાત્મા ગાંધીજી એટલા કોમળ હતા કે, લોકોનાં દુઃખે બોર બોર આસું સારીને રડતા ; અને ગમ્ભીર ક્ષણોમાં પણ હળવાશ ઉભી કરવા ખડખડાટ હસી શકતા . ને બ્રિટિશ સત્તા સાથે વાટાઘાટ વેળાએ અડગ અચળ રહીને , સિદ્ધાંતોની વાત આવે ત્યાં રૌદ્ર સ્વરૂપ દાખવતા .
મહાદેવભાઈ લખે છે કે ‘ એમની સાથે ચોવીસે કલાક રહેવા છતાં અમે ન આપી શક્યાં તે આબેહૂબ ચિત્ર જેને બાપુ સાથે રહેવાનો લ્હાવો નથી મળ્યો પણ જેની અદભુત કલ્પના શક્તિ બાપુને રોમ રોમ ઓળખી ગઈ છે તેવા કવિએ બાપુનું આ શાસ્વત ચિત્ર આલેખ્યું છે !!!
સુર અસુરના આ નવયુગી ઉદધિ – વલોણે,
શી છે ગતાગમ આ રત્નના કામી જનોને?
તું વિના , શંભુ ! કોણ પીશે ઝેર દોણે?
હૈયા લગી ગળવા ગરલ, ઝટ જાઓ રે બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજો બાપુ !
આજે માત્ર દેશ જ નહીં વિશ્વના ખૂણે ખૂણે મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મજ્યંતી ઉજવાઈ રહી છે ત્યારે મહાત્મા અને મેઘાણી બંનેને વંદન !

૩૮ -સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

સમય કપરો ચાલી રહ્યો છે. ચારેકોર અજાણ્યો, અદ્રશ્ય એવો એક આતંક ફેલાયેલો છે. ક્યાંય કોઈનાય વાંક ગુના વગર પણ એ ગમે ત્યારે ગમે તેને પોતાના ભરડામાં લેતો જાય છે. ગમે તેની પર એનો કાળ કોરડો વિંઝતો જાય છે અને સાવ અસહાય એવા આપણે કશું જ કરી શકતા નથી ત્યારે માત્ર અને માત્ર ઈશ્વર પર શ્રદ્ધા રાખીને એના હાથમાં આપણાં જીવતરનાં ગાડાંની રાશ સોંપીને, જીવતરને સાર્થક કરવાની નેમ રાખીને સમય પસાર કરવાનો છે ત્યારે અવિનાશ વ્યાસની એક રચના યાદ આવે છે.

તારા દુ:ખને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ

પાણીમાં કમળની થઈને પાંખ, જીવતરનું ગાડું હાંક ..

સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

કેટલી સમજણપૂર્વ એ જીવન જીવી લેવાની વાત કરે છે? જન્મથી માંડીને માનવ સુખ અને દુઃખ વચ્ચે તાલમેલ મેળવવાનો પ્રયત્ન કરતાં કરતાં જીવતરનું ગાડું હંકારે જાય છે. ઈશ્વરે સૌના નસીબમાં એક સરખા સુખ કે દુઃખના પડાવો નિશ્ચિત નથી કર્યાં. શાસ્ત્રોની વાત સ્વીકારીએ તો એ આપણાં કર્મને આધિન અવસ્થાઓ છે. એ અવસ્થાઓ આ જન્મની હોઈ શકે અથવા પૂર્વજન્મની હોઈ શકે. જો કે પૂર્વજન્મ કે પૂર્વજન્મમાં કરેલા કર્મો વિશે તો આપણે કોઈ નિર્ણયાત્મક રીતે કહી શકીએ એમ નથી પણ આ જન્મના કર્મોને અનુરૂપ સંજોગો ઘડાતા હોય તો એ વર્તમાનમાં આપણાં દ્વારા થતાં કર્મો આપણાં હસ્તક છે પરંતુ એ પછીના ફળ સ્વરૂપે મળતા સંજોગો આપણાં હસ્તક નથી એટલે ત્યારે જેવો સમય આવે કે જે સંજોગો ઊભા થાય એને સ્વીકારી લેવાની તથસ્થતા કેળવી લેવાની અવિનાશ વ્યાસ વાત કરે છે. પાણીની વચ્ચે ખીલતા કમળની પાંદડીઓને પાણી સ્પર્શતું નથી એમ સુખ કે દુઃખ આપણા મનને સ્પર્શે નહી એવી અવસ્થા કેળવી લેવાની વાત છે. જળ કમળવત શબ્દ આજ સુધીમાં આપણે અનેકવાર સાંભળ્યો છે પણ સાચે એવી અવસ્થા આપણે કેળવી શક્યા છીએ ખરા? જેમ જળબિંદુઓ કમળની પાંદડીઓ પર પડવા છતાં તેને સ્પર્શતા નથી એવી અલિપ્તતાનો ભાવ કેળવવાની વાત અવિનાશ વ્યાસ કરે છે. 

આશરે પાંચસો વર્ષ પહેલાં પણ નરસિંહ મહેતાએ આ જ વાત કહી,

“સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથના જડિયાં”

જે સુખ કે દુઃખ આપણા નસીબ સાથે જોડાઈને આવ્યું છે, રઘુનાથે જે નિશ્ચિત કર્યું છે એ થવાનું જ છે. એને કેમે કરીને ટાળી શકાય એમ ન હોય તો એ મન પર હાવી ન થાય એટલી સ્થિરતા કેળવવાની છે. એથી આગળ વધીને વિચારીએ તો રઘુનાથ એટલે કે રામને પણ ક્યાં ખબર હતી કે એમના માટે નિશ્ચિત થયેલા

રાજ્યાભિષેકના બદલે વનવાસનું નિર્માણ થશે?

“થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે?

ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે?”

તો આ શેર માટીના માનવની શી વિસાત? એને પણ એના ભાવિમાં શું છે એની જાણ ક્યાં છે?

માનવ મન એવું છે કે ભાવિની વાત તો દૂર એને વર્તમાન સમયે, જ્યારે જે મળ્યું છે એમાં એને સંપૂર્ણ સંતોષ નથી હોતો. એને ક્યાંક કશુંક ઓછું પડે છે.

મઝાની વાત તો એ છે કે અત્યંત તેજસ્વી સંન્યાસીને જોઈને સંસારીને સંન્યાસ સારો લાગશે. એને સંસાર ત્યાગીને સંન્યાસી બનવાની ઇચ્છા જાગે તો શક્ય છે કે સંન્યસ્તનો અનુભવ લેતા સંન્યાસીને સંસારમાં પાછા વળવાની ઇચ્છા થાય. જે મળ્યું છે એનાથી કંઈક જુદુ અથવા હજુ કંઈક વધુ મેળવવાની લાલસા મનમાં સતત રહે છે ત્યારે અવિનાશ વ્યાસ કહે છે,

માટીના રમકડા ઘડનારાએ એવા ઘડ્યા,

ઓછું પડે એને કાંકનું કાક…જીવતરનું ગાડું હાંક ..

સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ.”

અવિનાશ વ્યાસ ક્યારેક માનવને રાખના રમકડાં કહે છે તો ક્યારેક માટીના રમકડાં કહે છે. માનવ માટીનું રમકડું હોય કે રાખનું પણ એને એના રામના ભરોસે જીવન જીવવાની વાત એ કરે છે. જીવનની આ ઘટમાળમાં માનવી અનેક સપના જોતો હોય. આ સપના એટલે રાત્રે ઊંઘમાં આવતાં સપના નહીં પણ ઉઘાડી આંખે જોયેલા સપનાની વાત છે અથવા એવું સપનું જે  ઊંઘતા જગાડી દે. જીવનમાં કંઈક કરવાની, કંઈક પામવાના સપનાની આ વાત છે. સપના જોવા એ સફળતા તરફનું પ્રથમ પગલું છે. ગીતામાં કહ્યું છે એમ ફળની આશા રાખ્યા વગર આ સપનું સાકાર કરવાના સંનિષ્ઠતાપૂર્વક પ્રયાસો પણ કરવાના છે પણ જો એમાં સફળતા ન મળે તો એ જીરવી લેવાની અહીં વાત છે. શક્ય છે આપણે જે કંઈ ઇચ્છ્યું હોય કે ધાર્યું હોય એ ન મળે તો એમાં દુઃખી થવાના બદલે એના દુઃખને મન પરથી ખંખેરી નાખવાની અહીં વાત છે. શક્ય છે આપણે આદરેલા કાર્યોનો અંજામ ઈશ્વરે કંઈક જુદોય નિર્ધાર્યો હોય જેની આપણને જાણ ન હોય તો એનો વસવસો કરવાના બદલે ફરી એકવાર નહીં વારંવાર પ્રયાસ કરવાની હામ હોવી જોઈએ.

તારું ધાર્યું કઈ ના થતું, હરે કરે સો હોય,

ચકલા ચકલી બે માળો બાંધેને, પીંખી નાખે કોય

હે… ટાળ્યા ટળે નહીં લેખ લલાટે, એમાં કોનો વાંક ..?

..જીવતર નું ગાડું હાંક ..

સંસારી રે … તારા રામનો ભરોસો તું રાખ ..

તારા દુ:ખ ને ખંખેરી નાખ .. તારા સુખને વિખેરી નાખ.

જોવા જઈએ તો નરસિંહ મહેતા કે મીરાંબાઈએ અલગ અલગ રીતે પણ આ વાત જ કહી છે ..

મીરાંબાઈ કહે છે,

“રામ રાખે તેમ રહીએ ઓધવજી, આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ”

આ સૌના શબ્દો અલગ છે આપણા સૌનો રામ એક જ છે તો બસ આપણે પણ અવિનાશ વ્યાસ કહે છે એમ રામનો ભરોસો રાખીને દુઃખને ખંખેરીને, સુખને વિખેરીને જીવતરનું ગાડું હંકારીએ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી -36



મુનશીની આત્મકથા પણ કોઈ નવલકથાથી કમ રસપ્રદ નથી. મુનશીએ પોતાની આત્મકથા ત્રણ ભાગમાં આલેખી છે.
1. અડધે રસ્તે
2. સીધાં ચઢાણ
3. સ્વપ્નસિદ્ધિની શોધમાં
આજે આપણે ઇ.સ. 1907 થી ઇ.સ. 1922 સુધીના સંસ્મરણો આલેખતી આત્મકથા ‘સીધાં ચઢાણ’ની વાત કરવી છે. સીધાં ચઢાણ એ આત્મકથા છે પણ એ માત્ર પોતાની વાતો નથી. સાહિત્ય એ આત્માના ગીત અને
સંગીતની અનુભૂતિનો સમન્વય છે .

મુનશી દર વર્ષે પોતાની ડાયરીની શરૂઆતમાં બે સૂત્રો લખતાં.
* મરણ તો નિશ્ચિત છે જ,
તો પછી શેં બેસી રહેવું –
લાંબા જીવનના અંધકારમય દિવસોમાં –
નકામા, નેમ વગર ને નામ વગર?

* જીવન તો દેવદીધા ભાર છે:
એને નીરખી લે, ઊંચકી લે.
સ્વસ્થ રહી એકનિષ્ઠાથી નિભાવી લે;
શોકનો માર્યો હારતો ના,
પાપનો બીધો ડગમગતો ના.
ને સ્થિર પગલે આગળ વધ.
આગળ ને ઊંચે –
ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી.

આ બે સૂત્રો મુનશીની મનોસ્થિતિ અને જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણને સારી રીતે સમજાવે છે. સમય હતો હિંદની સ્વાતંત્ર્ય ચળવળનો. મુનશી વડોદરા કોલેજમાં ભણતાં. સૌ વિદ્યાર્થીઓ અરવિંદ ઘોષની ભાવપ્રધાન તલ્લીનતા અને મહારાજ સયાજીરાવ ગાયકવાડના પ્રજાહિતના કાર્યોથી અંજાયેલા હતા. વિદ્યાર્થી મુનશી પર મહારાજ સાહેબના પ્રવચનનો ઊંડો પ્રભાવ પડ્યો, જેમાં તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાના માટે, ન્યાત માટે નહિ પણ રાષ્ટ્ર માટે કર્તવ્ય કરે. રૂઢિ અને પૂર્વગ્રહને જીતી મહાન રાષ્ટ્રભાવનાના ભાતૃભાવથી, રાષ્ટ્રીય કલાસાહિત્યથી અને સમૃદ્ધ વ્યાપારથી શોભતું રાજ્યતંત્ર બનાવવું એ આ બહાદુર, મુત્સદ્દી અને સમર્થ રાજવીની આકાંક્ષા હતી.

ઇ.સ. 1907માં મુનશી એલ.એલ.બી. નો અભ્યાસ કરવા મુંબઈગરા બન્યા. હવા ઉજાસભરી હવેલીમાં એકલા ઉછરેલા તાપીબહેનના લાડકા દીકરા માટે કોલાહલ, દુર્ગંધ અને ગંદકીથી ભરપૂર ખોલીમાં રહેવું અસહ્ય હતું. તેથી તેઓએ પિટીટ લાઇબ્રેરીને જ પોતાનું પ્રેરણાસ્થાન ને ઘર બનાવ્યું. બી.એ. માં પ્રથમ આવવા માટે ઇલિયટ પારિતોષિક અને પ્રથમ એલ.એલ.બી. માં પહેલા આવવા માટે અંબાલાલ સાકરલાલ પારિતોષિક મળેલું. બંને પારિતોષિક પુસ્તકરૂપે હતા. દલપતરામની સાથે મળી એ પુસ્તકો વેચી ખર્ચ માટે સોએક રૂપિયા મેળવ્યા. આજે એક વર્ષમાં પુસ્તકોના બે સેટ ખરીદનાર માબાપ ને બાળકોને એ યુગની અછત અને કરકસરની વાત કેમ સમજાશે? મુંબઈની રંગભૂમિ અને જયશંકર સુંદરી મુનશીની ભાવસમૃદ્ધીમાં જડાઈ ગયા હતા.

મુનશીની બાલસખી ‘દેવી’ની આસપાસ તેમણે એક નાનીશી સૃષ્ટિ રચી હતી. તેમની ઝંખના થોકબંધ કાગળ અને નોંધમાં ધબકતી. ધીમે ધીમે દેવી સંસ્મરણમૂર્તિ મટીને સદાની સહચરી થઈ ગઈ. મુનશી તેની સાથે પ્રેમ સંવાદ કરતાં. અને આ સંવાદોએ જ મુનશીની સર્જનાત્મક કળાનો પાયો નાખ્યો. પોતાની શક્તિના ભાન વિનાના સાહિત્યકારની સર્જકવૃત્તિ આ રીતે ડોકિયાં કરતી હતી :
” સ્વપ્નસૃષ્ટિના પ્રકાશમાં જ્યાં સંસ્મરણો આછી છાયા સમાન પ્રસરે છે, ત્યાં એક સ્વરૂપ દેખાય છે: પ્રકાશમય, દૈવી અને મોહક; આવતી ઉષાના તેજસ્વી અને શરમાતા સૌન્દર્યથી શોભતું. મારા જીવનને શાસતિ એ તારલિકા છે. ઉલ્લાસથી એ મારી નાવ હંકારી જાય છે. એ મારું આશ્વાસન ને એ મારી પ્રેરણા. એ મારે માટે તલસે છે. હું અનંત કાળની અવગણના કરુ છું, વિયોગનો દુસ્તર સાગર હું તરી જાઉં છું. અમે મળીએ છીએ – કદી છૂટાં ન થવાં.અને સાથે ને સાથે જ રહીએ છીએ. દરેક સ્થળે – સ્વર્ગનાં સૌન્દર્ય મંદિરમાં, ભવ્ય કો વિશ્વખંડમાં, દૂર ચમકતા કો તારા પર અને પ્રલયકાળમાં અને સાથે ને સાથે લય પામી છીએ. “
ચાર વર્ષ પછી આ આખો સ્વાનુભવ ‘વેરની વસૂલાત’માં નવો દેહ ધરે છે. મુનશી મહામહેનતે પોતાની અસ્વસ્થ મનોદશા પર સ્વામિત્વ મેળવે છે.

મનુકાકા સાથેનો પત્રવ્યવહાર વિદ્યાર્થી મુનશીને પ્રગટ કરે છે તો તેમની પાસે અંગ્રેજીમાં ભાષણ, પ્રાર્થનાઓ કે માનપત્ર લખાવી નીચે ગુજરાતી ઉચ્ચારણ પણ લખાવી વાંચતા કેવું હાસ્ય નીપજે છે એની વાત મુનશી કરે છે. શિખા, અબોટિયું જેવી રૂઢિઓ છોડી, છોડાવી, મિત્રોને નાટકના ગીતો ગાતાં, કસરત કરતાં કર્યા, સ્ત્રીઓને અક્ષરજ્ઞાન આપ્યું ને અઘરણીની ન્યાતનો રિવાજ બંધ કર્યો એટલું જ નહિ ભરૂચમાં ‘દાદાભાઈ નવરોજી ફ્રી લાઇબ્રેરી’ નું મકાન ઊભું કર્યું. એમાં સમાજ સુધારો કરવાની મુનશીની ધગશ દેખાઈ આવે છે.

મુનશીએ અંગ્રેજીમાં લેખો લખવાનો શરૂ કર્યું, જે ત્રણેક જગ્યાએ પ્રગટ થતાં. ને 1910માં એલ.એલ.બી. પાસ થયા. મુનશી ડિગ્રી લેવા મુંબઈ ગયા ત્યારે એડવોકેટ ભુલાભાઈ દેસાઈને મળ્યા, જેઓ અનાયાસે જ તેમના ભાવિના ઘડતરમાં ફાળો આપી રહ્યા. તેમની તબિયત નાદુરસ્ત રહેતી. તેથી પત્ની લક્ષ્મીને લઈને મુંબઈ આવ્યા. તેમણે અનેક ઉભરા કાઢ્યા. પિતા નહોતા, પૈસાની તાણ હતી, મનુકાકા સાથે મૈત્રીમાં અનેક અપમાનો સહ્યાં હતાં. દામ્પત્યજીવનમાં અપૂર્ણતા હતી. જીજીમાના દુઃખના પ્રત્યાઘાત થતાં હતાં. મનને અને શરીરને નિર્બળતા સાલતી હતી. અસંતુષ્ટ અને અકળાતી મહત્વાકાંક્ષાના શૂળ હૈયું કોરતાં હતાં. જીવનના સીધા ચઢાણ ચડતા અનહદ મુશ્કેલીઓ તેમને ગૂંગળાવી રહી હતી. ત્યારે લક્ષ્મી નિ:શબ્દ સેવાથી પતિદેવને રીઝવતી. એ એટલું બધું કરતી કે એને જોઈ મુનશીના પગમાં નવું ચેતન આવતું ને તેમનું મનસ્વી ને સ્વાર્થી હ્રુદય લક્ષ્મીને વશ થઈ એના તરફ મમતાથી વળવા લાગ્યું. મુનશી લખે છે કે તેમના સદભાગ્યે કસોટીના અને નિર્ધનતાના સમયમાં તેમને લક્ષ્મી મળી , જે તેમની અભેદ્યતાની સર્જનહાર હતી. એના હસતાં મુખે આવકારથી મુનશીના થાક ને અકળામણ દૂર થઈ એ સ્વસ્થતા અનુભવતા. લક્ષ્મી તેમનામાં પૂર્ણ આત્મશ્રદ્ધા પ્રગટાવતી, જેના વગર મુનશી નિશ્ચિત પણે ભાંગી પડ્યા હોત એવું તેમણેનોંધ્યું છે. તેઓ સાથે હસતાં, બોલતાં, આનંદ કરતાં ને ખૂબ મઝા કરતાં. લક્ષ્મીના અદ્ભુત આત્મસમર્પણથી એ મુનશીના જીવનની ભાગિયણ બની ગઈ.

લૉ ક્લાસમાંથી ટ્રામમાં ઘેર આવતાં તેમનો પરિચય ચંદ્રશંકર પંડ્યા સાથે થયો. ને તેમણે ‘ધી યુનિયન’ સભામાં જવાનું શરૂ કર્યું, જે પાછળથી ‘ગુર્જર સભા’ કહેવાઈ. ત્યાં દર રવિવારે મિત્રમંડળ ભાષણ કરવા મળતું. પહેલા તો મુનશીને સંકોચ થતો કે તેમને સારું અંગ્રેજી બોલતાં નથી આવડતું. પણ એક વાર તેમણે પોતાની ચિત્રાત્મક અંગ્રેજીમાં તીખી તમતમતી રીતે આગળના વક્તાની ઝાટકણી કાઢી ને પોતાની પ્રગતિનું એક સીમાચિહ્ન વટાવી દીધું. પહેલી વાર મુનશીને એવું મંડળ મળ્યું, જે સાહિત્યને જીવનનું પ્રથમ અંગ માનતું હતું, એના સંસ્કારો સાહિત્યકારોએ ઘડ્યા હતા, ઉચ્ચ અભિલાષાઓ રાખવી એને ધર્મ માન્યો હતો. મુનશી પણ સંસ્કાર તરસ્યા હતા, સાહિત્યિક જીવન તેમને પ્રિય હતું. તેથી તરત જ તેઓ આ મંડળમાં ભળી ગયા. મુનશીની પ્રવૃત્તિઓ અને ઉપલબ્ધિઓ વધતી ગઈ. નવા નવા મંડળોમાં ભાષણ આપતાં થયાં. ‘મોતીલાલ પારિતોષિક નિબંધ’માં વિજેતા બન્યા, જેનું પારિતોષિક લેડી રતન ટાટાના હાથે મળ્યું. ‘ગુર્જર સભા’માં મંત્રી બન્યા. ‘ભાર્ગવ ત્રિમાસિક’ની સ્થાપના કરી ને તેના તંત્રી બન્યા. ‘સમાજ સુધારા કોન્ફરન્સ’ માં પણ મંત્રી બન્યા.

મુનશીના સમયમાં એડવોકેટની પરિક્ષા જાણે જુવાનિયાના જીવન વેડફી મારવા રાખવામાં આવી હોય એમ મનાતું. શું વાંચવાનું તેની કોઈ મર્યાદા નહિ, ક્યા વિષયના પ્રશ્નપત્ર નીકળશે એ પણ નક્કી નહિ, માર્ક્સ પણ નહિ, ભાગ્યે જ કોઈ પહેલે વર્ષે પાસ થાય. બેચાર વર્ષ બેસવું પડે એ તો સામાન્ય અનુભવ. ડુમ્મસના બંગલે જઈ પરીક્ષાની તૈયારી કરી ને પરિક્ષા પૂરી કરી માથેરાન ગયા. મુનશી નોંધે છે કે તેમણે જિંદગીમાં પહેલી જ વાર પર્વત જોયો. એનાં પરના વૃક્ષોની ઘટા, એની એકાંત ઝાડીઓ, એનાં ગાતા બુલબુલ ને જંગલી પુષ્પોએ હંમેશા તેમને શાંતિ અને પ્રેરણા આપ્યા છે. અહીં તેમણે જીવનના કેટલાક મહાસંકલ્પો કર્યા ને આ જીવન કથની પણ ત્યાં બેસીને જ લખી. પહેલા પ્રયત્ને જ એડવોકેટની પરિક્ષા પાસ કરવા મુનશી નસીબદાર રહ્યા. બહુ પડ્યા, આથડ્યા, ઘા પણ બહુ ખમ્યા. આખરે સીધા ચઢાણ વાળી ટૂક તેમણે વટાવી….પણ એનાથી બીજી વધારે કપરી ટૂક મુનશીની આંખ સામે ઉભી હતી….આત્મકથા એક તરફ જીવન સિદ્ધિની પ્રસ્તુતિ છે તો બીજી તરફ સાહિત્યરસનો આસ્વાદ પણ છે . જીવનસિદ્ધિ એ સોપાનસિદ્ધિ છે અને સ્વપ્નસિદ્ધી અને લક્ષ્યસિદ્ધિની વચ્ચે અગત્યના સોપાનનું ગૌરવપ્રદ સ્થાન છે સંકલ્પસિદ્ધિનું. સાહિત્યરસની આ સફર એ જીવન સંગીતની સુરાવલી છે. સૂર વહેતાં રહે છે, સુરાવલીઓ સર્જાતી રહે છે અને સફરના મુકામો બદલાતા રહે છે. સાહિત્યરસ સહિત જીવન સંગીતની સુરાવલીઓના વિશેષ પ્રસંગો સાથે મળીશું આવતા અંકે…..

રીટા જાની

૩૭ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

શ્રી કૃષ્ણની વ્રજલીલા -મીરાંબાઈના પદોને સથવારે…. રાસલીલા

ભગવાનની સર્વે લીલાઓમાં ઐશ્વર્ય અને માધુર્ય રસનું દર્શન સર્વોપરી છે. કદાચ એવું પણ કહી શકાય કે પોતાના અચિંત્ય ઐશ્વર્યના પ્રભાવથી ભક્તોના મનોરથ પૂર્ણ કરવાજ ભગવાનનું  પ્રાગટ્ય થયેલ. અને આ ઐશ્વર્યનો પ્રભાવ તેમના મત્સય, વરાહ,નરસિંહ આદિ અવતારોની લીલા માં જોવા મળે છે. પણ જયારે  ભગવાન માતા-પિતા થકી સર્વે પાર્ષદો સાથે જયારે શ્રી રામ કે શ્રી કૃષ્ણ તરીકે અવતાર ધારણ કરે છે ત્યારે જે લીલા કરે છે તે સર્વે માધુર્ય મયી લીલા છે.

શ્રી કૃષ્ણની માધુર્ય રસ થી ભરપૂર સર્વોચ્ચ લીલા એટલે રાસલીલા. સાધારણ બુદ્ધિથી તો રાસલીલાને સમજવી અશક્યજ છે. શરદપૂર્ણિમાની રાત્રે શ્રી કૃષ્ણએ શ્રી રાધાજી અને ગોપીઓ પર પ્રેમની વર્ષ કરી તેમના મનોરથ પૂર્ણ કરવામાટે રાસલીલા કરેલ હતી. આ રાસ શબ્દ સમજવા જેવો છે. “रसानां समूह: रासम” અર્થાત એક નહિ પણ અનેકાનેક રસોના સમૂહ એટલે રાસ. રાસલીલામાં શૃંગાર,કરુણા,વીર, વાત્સલ્ય, સખ્ય જેવા વિધ વિધ નવરસ છલકાય છે.

રાસલીલામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પ્રધાન નાયક અને શ્રી રાધાજી પ્રધાન નાયિકા હતા. વ્રજની અન્ય ગોપીઓ પ્રકાશના પુંજની માફક નાયક-નાયિકાને આસપાસ ભ્રમણ કરતી હતી. આ ગોપીઓના વિવિધ સ્વરૂપ હતા. કોઈક પૂર્વ વરદાન પ્રાપ્ત હતી તો કોઈક દેવાંગના રૂપ હતી. કોઈ શ્રુતિ રૂપ હતી તો કોઈ ઋષિ રૂપ હતી. કોઈક પરિણીત હતી તો કોઈક કુંવારીકા હતી. પણ આ બધાની એક પ્રધાન નાયિકા રાસેશ્વરી શ્રી રાધાજી હતા.

મીરાંબાઈની શ્રી કૃષ્ણ પ્રત્યેની ઉપાસના અને ભક્તિજ વ્રજભાવમય છે અને પૂર્વ જન્મના સંસ્કારવશ, મીરાંબાઈ પોતે રાસલીલાનાં માધુર્યનો તાદ્રશ અનુભવ કરી શકતા અને તેથીજ કદાચ તેમને રાસલીલાને લગતા ઘણા પદની રચના કરેલ છે. અને નીચેના પદમાં તો મીરાંબાઈ પૂર્વ જન્મના ગોપી હોવાનું શબ્દો દ્વારા સમર્થન પણ આપે છે.

राधा हाथ मांड्यो छे जी माज़ल रात
वृन्दावन की कुंजगलिनमे सहस्त्र गोपी एक नाथ
मनोजी मनो ठाणे कृष्ण मानावे, हस हस पकडे छे हाथ
कान्ह कुंवर थे रसरा लोभी, राधाजी रो गोरो गोरो हाथ
मीरा के प्रभु गिरिधर नागर, बार बार बलि जात

રાસલીલામાં માધુર્યભાવ સાથે સાથે શૃંગારભાવ પણ છલકતો હતો.મીરાંબાઈએ નીચેના પદ દ્વારા શૃંગારરસને સુરુચિપૂર્ણ શાબ્દિક દેહ આપેલ છે જેમાં એક ગોપીની શ્યામસુંદર સાથે રાસ રચાવવાની ઉત્કંઠા અને વિનંતીને શબ્દ સ્વરૂપે મીરાંબાઈએ વહેતા મુક્યા છે.  

क़ुरबानी क़ुरबानी तुम पर क़ुरबानी क़ुरबानी
एक बार करो महेरबानी तुम पर क़ुरबानी
गोरे गोरे अंगे भला सालुडा बिराजे, फरती जरक किनारी
गोरे गोरे अंगे अतलस की चोली ऊपर हार हजारी
वृन्दावन नी कुंज गली में, रास रमे गिरिधारी

 રાસલીલામાં શ્રી રાધાજી પ્રધાન નાયિકા હતા. કહેવાયછે કે રાધાજીના હઠાગ્રહના લીધેજ રાસબિહારી શ્રી કૃષ્ણે શરદપૂનમની રાત્રીએ વૃંદાવનમાં મહારાસની લીલા કરી હતી. મીરાંબાઈ એ આજ ભાવ નીચેના પદમાં ખુબ સરળ શબ્દોમાં રજુ કરેલ છે  

क़ुरबानी क़ुरबानी तुम पर क़ुरबानी क़ुरबानी
एक बार करो महेरबानी तुम पर क़ुरबानी
गोरे गोरे अंगे भला सालुडा बिराजे, फरती जरक किनारी
गोरे गोरे अंगे अतलस की चोली ऊपर हार हजारी
वृन्दावन नी कुंज गली में, रास रमे गिरिधारी

રાસલીલાનું વર્ણન શ્રીમદ ભાગવતના રાસપંચાધ્યાયમાં થયેલ છે. રાસલીલા કોઈ સામાન્ય રાસલીલા કે નૃત્યલીલા નથી, ખુબ ગૂઢ અર્થ ધરાવતી આધ્યાત્મિક લીલા છે. નિત્યનિતાંતરથી સમગ્ર વિશ્વ એક નિયમબદ્ધ ગતિ થી આગળ વધે છે જેમકે દિવસ પછી રાત, ઋતુચક્ર, બાલ્યાવસ્થા થી વૃદ્ધાવસ્થા.વિશ્વની ઉત્ત્પત્તિ અને લય પણ એક ક્રમબદ્ધ ગતિનો ભાગ છે. આપણે સૌ પણ નિયમબદ્ધ ગતિને આધીન છીએ. નિયમબદ્ધ ગતિને શ્રી ભગવાનના મહારાસ સાથે સરખાવી શકાય. ભગવાનતો સૌ જીવોને પોતાના મધુર આહવાહનથી મહારાસમાં આમન્ત્રિત કરીજ રહ્યા છે. જે જીવ પોતાના અહંને સંપૂર્ણપણે ત્યાગીને દ્રઢ નિશ્ચયથી શ્રી કૃષ્ણને સર્વસમર્પિત થાય છે તેનેજ રાસલીલાનાં અલોકિક આનંદનો અનુભવ થઇ શકે છે અને પરમ તત્વની સમીપ જઈ શકે. મીરાંબાઈ આવા સર્વસિદ્ધ જીવ હતા અને એટલેજ તેઓ અલૌકિક આનંદને પ્રાપ્ત કરી શક્યા.

રાસલીલાના  હાર્દને અને માહાત્મ્યને વાગોળતા  હું  મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે ફરી મીરાંબાઈના પદોને સથવારે આપણું વ્રજલીલા દર્શનની સફરને આગળ ધપાવીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૩૬-કબીરા

કબીર કાફે- નાં નવયુવાન રોક ગાયકોનો અદકો પરિચય

‘કબીર કાફે’ વિશે તો જાણ્યું પણ તેનાં નવયુવાન ગાયકો કબીરને ગાવા કેમ પ્રેરાયા ?અને એ લોકો કબીરને લોકો સુધી પહોંચાડવા કેમ માંગે છે ?તેની રસપ્રદ વાતો જાણી સમજીએ કે કબીર કેમ?કબીરનાં દોહા સ્ટેજ પર હજારો નવયુવાનને સામે ગાતા અને તેના અર્થ ઉકેલતાં ‘કબીર કાફે’નાં પાંચ યુવકોની વાત:


એક કહું તો હૈ નહીં,દો કહું તો ગારી;

હૈ જૈસા તૈયાર રહે ,કહે કબીર બિચારી.


“માત્ર સંગીત અને મેલડી માટે નહીં પણ કબીર અને તેમના જીવનદાયી સરળ દર્શનને લોકો સુધી પહોંચાડવા તેમણે માત્ર ,કબીરને ગાવાનું પસંદ કર્યું છે.” આવું કહેનાર યુવાન નિરજ આર્યા ‘કબીર કાફે ‘ શરુ કરનાર અને ‘કબીર કાફે’ રોક બેન્ડનાં મુખ્ય ગાયક છે.નિરજે અમેરિકાની વિસ્કોનસન યુનિવર્સિટીમાંથી ફિલ્મ મેકીંગ અને એડીટીંગનો કોર્સ કર્યો છે.બહુ બધાં કવિઓ અને રચનાકાર છે પરતું કબીર જ કેમ? અને તમારી કબીર સાથેની યાત્રા અને આ “કબીર કાફે “કેવીરીતે શરું કર્યું ?તેની રસપ્રદ વાત તેમના જ શબ્દોમાં…..


“હજી પણ હું કબીરને શોધી રહ્યો છું. ૨૦૦૬ થી શોધી રહ્યો છું.મેં તો માત્ર દસ માર્કસ મેળવવા માટે સ્કુલમાં કબીરનાં દોહાને ગોખ્યા હતાં.પરતું શબનમ વીરમનીજીનાં કબીર પ્રોજેક્ટમાં કબીરની સંગીતમય પ્રસ્તુતિ અને તેમની કબીરની દસ્તાવેજી ફિલ્મ “કબીરા ખડા બાજારમેં”જોઈ મને કબીરને શોધવાની અને સંગીતમાં ઉતારવાની પ્રેરણા મળી:”

“પોથી પઢ પઢ જગ મુઆ ,પંડિત ભયા ન કોય,ઢાઈ આખર પ્રેમકે પઢે સો પંડિત હોય”


“આવા આવા કબીરનાં દોહા સાંભળી ,સમજી,પ્રેમનો ભાવ રાખવો બહુ જરુરી છે તે સમજાયું.બધાં લોકો કબીર છે અને બધાંની અંદર કબીર જીવે છે.અજ્ઞાનનું પોલ્યુઝન આવે ત્યારે કબીર છુપાઈ જાય છે.કબીરનાં જ્ઞાનનાં પ્રકાશથી સાફ કરીએ એટલે પાછો કબીર દેખાવા લાગે છે. એ સમજાયું.હું પોતાની ભીતર જોવા અને દરેક નવયુવાનને પોતાની ભીતર જોતાં કરવા માંગું છું.માલવાનાં અંતરિયાળ ગામોમાં જઈને કબીરને ગાતાં શીખી સમજવા પ્રયાસ કરી રહ્યો છું.”

આવો કબીરનો સંદેશ લોકો સુધી પહોંચાડવાના ભાવ સાથે બાંન્દ્રાનાં રેલ્વે સ્ટેશન પર ઊભો રહી પોતાની મસ્તીમાં મસ્ત બની નિરજ ગિટાર સાથે કબીરને ગાતો હતો. તેના જીવન પ્રત્યેના ઉત્સાહ ભરેલ અભિગમને જોઈ વાયોલિન વાદક મુકુંદ તેના તરફ આકર્ષાયો.મુકુંદ વાયોલિન વાદક હતો એટલે તેનું ધ્યાન ટ્યુન પર જ હતું શબ્દો પર તેનું ધ્યાન બહુ ઓછું હતું.’કબીર કાફે’ સાથે કાયમ માટે જોડાઈ સૂર સાથે શબદને જાણતો થઈ ગયો.


બિઝનેસ એડવર્ટાઈઝીંગ કંપનીમાં ક્રિએટીવ ડાચરેક્ટર તરીકે કામ કરતાં રમન ઐયરને જ્યારે પૂછવાનાં આવે છે કે કબીરને ગાઈને તમને કેવી અનુભૂતિ થાય છે? ત્યારે તેનો જવાબ સાંભળીને કબીરનાં શબ્દો આજનાં યુવાનોના હ્રદયમાં પણ સોંસરવા ઊતરી જાય છે તે સમજાય છે.ચાલો,જાણીએ રમણનો જવાબ…..

“એડવર્ટાઈઝ રાઈમ કરતાં નીરજ અને મુંકુંદની ઓળખાણ થયેલી.મન મળી ગયાં,કોઈ અનોખું ખેંચાણ અનુભવાયું.શનિ,રવિ કબીરનું ભજન પ્રેક્ટીસ કરતાં તે મારી અંદર વાગોળાતું.સોમવારની સવારથી મારું એડવર્ટાઈઝીંગ અને માર્કેટીંગનું કામ કરવાનું ,લોકોને જે નથી તે બતાવવાનું,અને જે હકીકતમાં છે એને છુપાવવાનું. એ વાત મારા આત્માને સતત ડંખવા લાગી.મેનીપ્યુલેશન કરવાનું કામ,કબીરની વાતથી એકદમ વિરુદ્ધ વિચારધારા હતી.રોજ કબીરવિચારધારાથી વિરુદ્ધ વર્તનથી રાતની ઊંઘ હરામ થઈ ગઈ.તો બીજીબાજુ કબીરનાં ભજન માટેની પ્રેક્ટીસ કલાકોને બદલે રાતોની રાતોમાં ફેરવાઈ ગઈ.કબીરનાં સંગીતે અમને એકમેકમાં ભેળવી દીધા.હું કબીરમય બની ગયો.નોકરી છોડી ‘કબીર કાફે’ સાથે જોડાઈ ગયો.કબીરને ગાતા ગાતા અંદરથી જ આપણે બદલાઈ જઈએ છીએ. કબીર ક્યારેય શોખ માટે ન હોય.તે તો આપણા રોજબરોજનાં જીવન સાથે જોડાએલા છે.કબીરને તો સતત જીવવો પડે.રોજ અનુભવવો પડે.કંઈક મેળવવાની ચાહમાં ખરેખર સુખી થવા અને જીવનનો સાચો આનંદ મેળવવા શું કરવું? તે મને સમજાઈ જાય છે.નકામી દુન્યવી સુખો પાછળની દોટ વાહિયાત લાગવા માંડે છે.મૂળ હું દક્ષિણ ભારતનો એટલે કબીરનાં હીન્દી અને જુદી ભાષામાં લખાયેલ શબ્દો મારે માટે ટ્રાન્સલેશન હતા,પણ કબીરને ગાતાં ગાતાં તેના શબ્દોએ મને અંદરથી ઓગાળીને કબીરનાં શબ્દોનાં સત્યને સમજતો કરી દીધો.તેના શબ્દોની સમજ જીવનમાં કેટલી જરુરી છે તે શબ્દે શબ્દે સમજાતી ગઈ અને અનુભવાતી ગઈ.”અને ગાય છે અને સમજાવે છે:


સુનતા નહીં ધૂનકી ખબર,અનહદ કા બાજા બાજતા;

કાશી ગયા ઔર દ્વારકા,તીર્થ સકલ ભર મત ફિરે…

ગાંઠે ન ખોલી કપટકી તિરથ ગયા તો ક્યા હુઆ?


“આપણી અંદરથી અવાજ આવે છે કે આપણે સાચું કરીએ છીએ કે ખોટું !પણ આપણે તો ભગવાનને આપણી શરતોથી તોલીએ અને મૂલવીએ છીએ.અંદરનો માંહ્યલો તો સાચું કહે છે ,પણ આપણે ભગવાનને આપણી રીતે મૂલવી પૈસા અને ચડાવા-ભેંટો આપી ભગવાનને મનાવવાનો દેખાડો કરીએ છીએ.”

‘કબીર કાફે ‘નો સૌથી યુવાન ૨૧ વર્ષનો વિરેન સોલંકી કબીરપંથી પરિવારનો જ છે.તેના પિતાજી માલવાનાં ફોક મ્યુઝીશીયન હતા.વિરેન બાળપણથી કબીરની અમૃતવાણી રોજ સવારે સાંભળીને મોટાે થયાે હતો. તેણે કબીરને વાંચ્યાં પણ હતા. તે કહે છે” હું કાર્ટર રોડ પર ચાલતો જતો હતો અને મેં આ લોકોને કબીરને જુદી રીતે પ્રસ્તુત કરતાં જોયાં અને અમે મળવાનું શરુ કર્યું .મારી ભીતર તો કબીર હતા પણ ઓળખી નહોતો શક્યો.હજુ પણ મારી અંદર રહેલા કબીરને ઓળખવા પ્રયત્ન જ કરી રહ્યો છું.


‘કબીર કાફે’ બેન્ડ તો ચાર જણાથી સંપૂર્ણ થઈ ગયું હતું.પરતું ત્યાં Britto kc ‘કબીર કાફે ‘નાં મિત્રોને મળે છે.તે આઠ વર્ષથી પૂનામાં સંગીત શિખવાડતો અને વગાડતો હતો.તેના પિતા મણીપુરમાં રહેતા અને શિલોંગમાં રેાકબેન્ડમાં વગાડતા એટલે બ્રીટો પણ કોઈ બેન્ડની શોધમાં હતો.તેને સાઉન્ડ એન્જિનયરે ‘કબીર-કાફે’ બેન્ડની ઓળખ કરાવી. બ્રીટો કહે છે”હું સંગીત જાણતો હતો પણ કબીરને નહીં.કબીરનાં દોહા અને તેમાંથી મળતી શાંતિએ મારામાં જાદુ કર્યો. બધાં સાથે મળીને કબીરના પદ,ભજન,દોહા ગાવા વગાડવાનો આનંદ કંઈક જુદો અને અદ્ભૂત છે.ગમે તે હોય દરેક માણસ અંદરથી આધ્યાત્મિક જ હોય છે.અમારે માટે કબીર સુસંગત છે.”


કબીરને તેમના બેન્ડનો પહેલો મેમ્બર ગણાવતા તે સૌ સાથે મળીને કહે છે.”અમે દેશમાં,પરદેશમાં,લગ્નમાં કે ફિલ્મોમાં કબીરને જ સંગીતમય રીતે ગાઈએ છીએ.અમે કબીરને જ ગાઈએ ત્યારે ક્યારેક લોકો અમારું વિવેચન પણ કરે છે. અમારી અંદર કબીર જીવે છે અને અમે કબીરને તેના વિચાર,વાણી,સંગીત અને ‘કબીર કાફે’દ્વારા જીવતો રાખવા માંગીએ છીએ.કબીરની ફિલોસોફી અને મનોરંજન ભેગા કરીને પીરસવામાં અમને ખૂબ આનંદ મળે છે તે આનંદ લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ.


‘કબીર કાફે’મોટી સંખ્યામાં નવયુવકોને ભેગા કરી મોતની ફિલસુફી પણ ગાયછે અને ગવડાવે છે :


ઈસ જગત સનાયેમેં ,હૈ મુસાફીર,રહના દો દિનકે..

.ક્યોં વૃથા કરે હૈ માન,મુરખ ઈસ ધન ઔર જોબનકા

નાહીં ભરોંસા પલકા,યું હી મર જાયેગા….

.ક્યા લેકે આયા જગતમેં,ક્યા લેકે જાયેગા..

દો દિનકી જિંદગી હૈ,દો દિનકા મેલા…..


જિગીષા પટેલ

પારદર્શી લેખક/ભાઈ શ્રી નવીન બેંકરને શબ્દાંજલિ…—દેવિકા રાહુલ ધ્રુવ

૯-૨૬-૧૯૪૧ થી ૯-૨૦-૨૦૨૦

બાળપણમાં  જેમની સાથે જીંદગીને, એના સંઘર્ષોને નજીકથી જોયા હોય તેવા  નિકટના આત્મીય ભાઈને માટે  ’હતા’ લખવાનું આવે ત્યારે  કેવું અને કેટલું લાગી આવે? નાનપણથી જ સંઘર્ષોના વહેણમાં અમે સાથે વહ્યા છીએ.. અનાયાસે જ નવીનભાઈની અને મારી એકસરખી લેખનશક્તિ કેળવાઈ અને એકસરખા  સાહિત્યના રસ બંનેના વિકસતા રહ્યાં. હા, પ્રવાહ બદલાતા રહ્યા. પ્રવાહની દિશા બદલાતી ગઈ  અને તેમના પ્રવાસનો મુકામ પણ આવી ગયો.

શું લખું? ઘણું બધું, એક દળદાર પુસ્તક જેટલું બધું અંદર ઘૂમરાય છે..જોરથી વલોવાય છે.

 ગઈ રક્ષાબંધને…

 આ છેલ્લી છે, એ જાણ સાથે હૈયું હચમચાવીને, રાખડી બાંધી’તી.

છેલ્લી ન રહે, એ ભાવ સાથે  ઘૂંટ ગટગટાવીને રાખડી બાંધી’તી. 

ચાહ એવી ખૂબ જાગે, ચમત્કાર થાય  ને સઘળુ સારું થઈ જાય પણ

ખોટા, જૂઠા દિલાસા સાથે, કડવું સચ પચાવીને રાખડી બાંધી’તી. 

જાણ્યું’તું સમય બળવાન છે, પણ કોપાયમાન આવો? સાવ કટાણે?

વિધિની વક્રતાના દ્વારો ખૂબ ખટખટાવીને રાખડી બાંધી’તી. 

મજબૂત છીએ, આવજે પણ પીડા વિના મળજે ભાઈને, માની જેમ જ,

હકભર્યા હુકમના સાદ સાથે, બહુ જ મન મનાવીને બાંધી’તી. 

जानामि सत्यं न च मे स्वीकृति, એ લાચારી ને વેદનાને હરાવી

રુદિયે શ્રધ્ધાસભર સૂતરનો તાર કચકચાવીને રાખડી બાંધી’તી.

પણ….  આખરે સપ્ટે.૨૦ની રાત્રે ૧૧.૧૫ વાગે તેમણે જીવનમંચ પરથી વિદાય લઈ જ લીધી. આમ તો તેમની જીવન-કિતાબના પાનેપાના ખુલ્લાં જ હતા. પણ છેલ્લે સંવેદનાના સાત સાત સાગર સમાવીને સૌને અલવિદા કહીને સૂઈ ગયા.

 જીવનના સારા-માઠા, હળવા-ભારે પ્રસંગો, હજ્જારો બનાવો, એના પ્રતિબિંબો મારા માનસપટ પર ઉભરાઈ આવે છે. અત્યારે તો  યાદ એ આવે છે કે આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે મારી પાસે પોતાના વિશે લખવા જણાવ્યું હતું ત્યારે તો મેં તરત લખી આપ્યું હયું પણ આજની અને ત્યારની વાત વચ્ચે કેટલો મોટો ફરક છે? છતાં એમાંનો  કેટલોક ભાગ અહીં… 

 નવીન બેંકર એટલે  એક બહુમુખી પ્રતિભા અને બહુરંગી વ્યક્તિત્વ.                                                           

 નવીન બેંકર એટલે એક મસ્ત મઝાના, રંગીલા–રસીલા,મળતાવડા, નિખાલસ, ઉમદા અને ખુબ જ ઊર્મિશીલ માનવ. તેમની કલમ એટલે કમાલ ! અજબનો જાદૂ. અમેરિકન ફિલ્મ હોય કે ગુજરાતી નાટક, વ્યક્તિ પરિચય હોય કે હ્યુસ્ટનની કોઈપણ સંસ્થાની પ્રવૃત્તિ; તેમનું અવલોકન અને અહેવાલ આબાદ જ હોય. નાટક–સિનેમા, ફોટા,સંગીત અને લેખન તેમના મુખ્ય રસના વિષયો.

“સંકટભરી આ જીંદગીથી હારનારો હું નથી,સાગર ડુબાડી દે મને તેવો કિનારો હું નથી.” એવી જુસ્સાદાર શાયરીઓ ગણગણવાના નાનપણથી શોખીન, તો વળી નજર સામે સતત ‘આ દિવસો પણ વહી જશે’નું સૂત્ર રાખી જીવનના ચડાવ–ઊતારની ફિકરને, ફાકી કરી ફરનાર અલગારી પણ લાગે. ક્યારેક પોતાને ‘નિત્યાનંદભારતી’ બનાવે તો ક્યારેક શાંતિકાકા બની જાય. એક ઠેકાણે એમણે લખ્યું છે કે,”જિન્દગીમાં, મેં એવા અને એટલા બધા અનુભવો કર્યા છે અને સત્યોને ધરબાઇ ગયેલા જોયા છે એટલે ‘સત્યમેવ જયતે‘ સ્લોગનમાં મને વિશ્વાસ રહ્યો નથી.”  

કદાચ એટલે જ એ જીંદગીને શિસ્તથી કે ગંભીરતાથી ક્યારેય જીવી જ શક્યા નથી.

 આજે તેમના ભીતરમાં ડોકિયું કરતો વિશેષ પરિચય આપું. ૧૯૪૧માં ભૂડાસણ નામે નાનકડાં ગામમાં તેમનો જન્મ; ઉછેર અમદાવાદમાં અને ૧૯૭૯થી અમેરિકામાં સ્થાયી થયાં હતા.  દાદા શરાફી પેઢી ચલાવતા અને ઘણાં ધનિક. પણ કાળે કરીને સઘળું ઘસાતું ચાલ્યું. તેથી પિતાની સ્થિતિ અતિ સામાન્ય.  અમે નાની ચાર બેનો અને એક નાનો ભાઈ. પોતે સૌથી મોટાં. ચૌદથી અઢાર વર્ષની કિશોરાવસ્થામાં  અમદાવાદમાં દોઢસો જેટલી જગાએ છાપાં નાંખવા જતા..પગમાં જુતિયાં પણ નહિ અને બપોરે ધોમધખતા તાપમાં છાપાનાં ‘વધારા’ પણ બૂમો પાડીને ખપાવવા જતા.દિવાળી ટાણે ખભે પાટિયું ભરાવી માણેકચોકમાં દારુખાનું વેચતા અને ઉતરાણના આગલા દિવસોમાં પતંગ દોરી પણ વેચવા નીકળતા. અરે! આ બધા કામો કરતાં કરતાં ૧૯૫૬માં મહાગુજરાતના તોફાનોમાં છાપાવાળા તરીકેનો પાસ હોવા છતાં પોલીસનો માર ખાઈ જેલ પણ વેઠેલી !

આર્થિક સંકડામણો અને યુવાનીના અધૂરા ઓરતાની વચ્ચે ઝઝુમતા નવીન બેંકર ૧૯૬૨માં બી.કોમ. થયાં. સરકારી ઑડિટર તરીકે અમદાવાદની એકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં પૂરાં ૨૩ વર્ષ કામ કર્યું. આ ખર્ચા–નિયમનનું કામ તેમણે બરાબર ખબરદારી અને રુઆબભેર કર્યું. હંમેશા તેમને લાગતું કે જીંદગીનો એ દોર સુવર્ણકાળ હતો.

બાવીસની ઉંમરે કેન્દ્રિય સચિવાલય હિન્દી પરિષદ યોજિત “પ્રેમચંદજીકી સાહિત્ય સેવા” એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં વૈવિધ્યપૂર્ણ વક્તવ્ય આપ્યું હતુ અને પ્રથમ ઈનામ પણ મેળવેલું. તેમાં તેમની વાક્‍છટા દાદપાત્ર બની હતી. સિનેમા અને નાટકો પ્રત્યેના અનુરાગ પછી લેખનનો છંદ લાગ્યો અને પછી તો એ જ જીવનનો રંગ બની ગયો. ૧૯૬૨માં નવીનભાઈની પહેલી વાર્તા ‘પુનરાવર્તન’ કોલેજના વાર્ષિક અંકમાં છપાયેલી. અનંતરાય રાવળ, રમણલાલ જોશી, અશોક હર્ષ અને પીતાંબર પટેલે તેમને નવલિકાલેખન અંગે માર્ગદર્શન આપેલું. ત્યાર પછી ‘સ્ત્રીઓ અને સરકારી નોકરી’ કટાક્ષિકા, ’દિલ એક મંદિર’ ‘ ચાંદની’ માં પ્રગટ થઈ. તે પછી વાર્તાલેખનમાં વેગ આવ્યો. ઉપરાછાપરી સવાસો જેટલી તેમની નવલિકાઓ જુદા જુદા મેગેઝીનોમાં પ્રકાશિત થતી રહી. સ્ત્રી, શ્રી, મહેંદી, શ્રીરંગ ડાયજેસ્ટ,આરામ, મુંબઈ સમાચાર, કંકાવટી, જન્મભૂમિ પ્રવાસી, નવચેતન વગેરેમાં છપાતી રહી.તેમની ઘણી વાર્તાઓને ઈનામો પણ મળ્યાં. આમાંથી પાંચ વાર્તાસંગ્રહો બન્યાં.” હેમવર્ષા’, ‘અરમાનોની આતશબાજી’, ’રંગભીની રાત્યુંના સમ’,’કલંકિત’ અને ‘પરાઈ ડાળનું પંખી’. ૧૮ જેટલી રોમેન્ટીક પોકેટબુક્સ પણ ૧૯૬૪ થી ૧૯૭૧ દરમ્યાન પ્રસિધ્ધ થઈ હતી. એ જમાનામાં, બે રુપિયાની કિંમતમાં ૯૬ પાનાની પોકેટબુકોનું ચલણ હતું. રસિક મહેતા, કોલક, લક્ષ્મીકાંત વોરા..એમના જમાનાના જાણીતા લેખકો. આ પોકેટબુકો એસ.ટી સ્ટેન્ડો પર વધુ વેચાતી.

નવીનભાઈની વાર્તાને અંગત જીવન સાથે સીધો સંબંધ.હ્રદયમાં હેલે ચઢેલી ઊર્મિઓએ તેમની પાસે વાર્તા લખાવી છે. તેમની કલ્પનાની ત્રિજ્યા , જીવનના વર્તુળ બહાર જઈ શકી નથી. આભને અડવા કરતાં વાસ્તવિકતાની નક્કર ધરતી પર સહજ રીતે  તેમની  કલમ સરી છે. અતીતમાં જઈ વાર્તાના ઉપાડ અને ઉઘાડની તેમની શૈલીની રસાળતા ઘણી સફળ અને વાંચકને  જકડનારી રહી છે.

 ૧૯૬૪થી ૧૯૭૭ સુધી તેમણે  ડઝનેક એકાંકીઓ અને  કેટલાક  ત્રિઅંકી નાટકોમાં કામ કર્યું હતું. ૧૯૭૦ થી ૧૯૭૪ દરમ્યાન ગુજરાતી રંગમંચ અને ફિલ્મી જગતના જાણીતા કલાકારોની વ્યક્તિગત મુલાકાત અંગેના લેખો  સ્વ. ચાંપશી ઉદ્દેશીના ‘નવચેતન’માં દર મહિને નિયમિત છપાતા. પ્રતાપ ઓઝા, માર્કન્ડ ભટ્ટ,અરવિંદ પંડ્યા, મનહર રસકપૂર, પ્રાણસુખ નાયક, પી.ખરસાણી, સ્વ.વિજય દત્ત, નરોત્તમ શાહ, દામિની મહેતા, જશવંત ઠાકર, દીનેશ શુક્લ, નલીન દવે વગેરે.. નામોની યાદી તો ખુબ લાંબી છે પણ મુખ્યત્વે આ છે. ૧૯૭૯માં અમેરિકા આવ્યાં. ન્યુયોર્કની ‘Russ Togs‘નામની કંપનીમાં અને સબ–વે સ્ટેશનો પરના કેન્ડી સ્ટોરોમાં અર્થ–ઉપાર્જનના કામની સાથે સાથે ઈતર પ્રવૃત્તિઓ પણ ચાલુ રહી. ફિલ્મો, ગુજરાતી નાટકોના અહેવાલ, અવલોકનો આદિ વિષય પરના તેમના અભ્યાસપૂર્ણ લેખો  ‘ગુજરાત ટાઈમ્સ’, ગુજરાત સમાચાર’,  ‘નયા પડકાર’ વગેરેમાં આવતા રહ્યાં.પહેલાં તો આ લેખોની તેઓ અનુક્રમણિકા રાખતા.૧૯૯૧–૯૫ દરમ્યાન આ આંકડો ૧૦૭ સુધી પહોંચી ગયો. પછી તો એ દિનચર્યા છોડી દીધી!

૧૯૮૬માં ન્યુયોર્કના ગુજરાતી સમાજે યોજેલી એક નાટ્ય હરિફાઈમાં નવીન બેંકર દિગ્દર્શિત નાટક ‘ધનાજીનું ધીંગાણુ’ રજૂ થયેલું જેમાં તેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૧૯૮૮માં હ્યુસ્ટન સ્થળાંતર કર્યા પછી હ્યુસ્ટન નાટય કલાવૃંદ સાથે જોડાયા અને  ક્યારેક ‘મહાભારત’ના અંધ ધૃતરાષ્ટ્ર બને તો ‘શોલે’ના કાલિયાનો રોલ કરે. હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતા, અને સીનીયર  સિટીઝન એસોસિયેશન સાથે પણ જોડાયા.દરેક સંસ્થાની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે તે અચૂક હાથ બઢાવે જ. નાટક સ્પોન્સર કરતાં પહેલાં પ્રમોટર, તે નાટકના કલાકારો અંગે નવીનભાઈનો અભિપ્રાય પૂછે. જૂની અવેતન રંગભૂમિના નાટકોથી માંડીને આજના નાટકો સુધીનું, તેમનું જ્ઞાન અજોડ હતું.

નવીનભાઈને એક કામ અતિ પ્રિય અને તે નાટ્યમંચ કે ફિલ્મ જગતની કોઈપણ વ્યક્તિ હ્યુસ્ટનમાં આવે ત્યારે તેમની સાથેની મુલાકાત અને વાર્તાલાપનું આલેખન. આવનાર વ્યક્તિ પણ તેમને મળીને અચૂક કૃતકૃત્ય થઈ જાય. એ અંગેની રસપ્રદ વાતો  નવીનભાઈના મુખે સાંભળવાની મઝા આવે.અને આલ્બમ જુઓ તો નવાઈ જ પામો. મન્નાડે, આશાભોંસલે, અનુમલિક,એ.આર. રહેમાન,ધર્મેન્દ્ર,અમીરખાન, અક્ષયકુમાર, બબીતા, કરિશ્મા, પ્રીતિઝીન્ટા,પરેશ રાવલ, પદમારાણી,ફાલ્ગુની પાઠક, નાના પાટેકર, અનિલકપૂર,ઐશ્વર્યારાય,અમિતાભ બચ્ચન, સલમાનખાન અને આવાં બીજાં તો અનેક..નવીન બેંકરની દરેક સાથે તસ્વીર તો હોય જ! આમાનાં ઘણાં કલાકારોને પોતાની કારમાં બેસાડીને હિલક્રોફ્ટ પરના ઈન્ડીયન સ્ટોરોમાં, હિન્દી ચલચિત્રો દર્શાવતા સિનેમા થિયેટરોમાં અને હોટલોમાં લઈ ગયા છે. શો કરવા આવતા કલાકારોને હોટલ પરથી લાવવા લઈ જવાની, સ્ટેજ પરની વ્યવસ્થામાં મદદ કરવાની  કામગીરીની રોમાંચક વાતોનો તો તેમની પાસે ખજાનો છે.અત્યાર સુધીમાં તેમણે ૨૫૦ જેટલાં અહેવાલો લખ્યાં. કોઈ સંસ્થામાં આગેવાનીનું પદ ન લે, કોઇ કમિટીમાં મેમ્બર  પણ નહીં. પોઝીશનનો જરા યે મોહ નહિ પણ મૂક સેવક રહેવાનું પસંદ કરે.

૨૦૧૦ની સાલમાં હ્યુસ્ટનના વરિષ્ઠ મંડળે નવીનભાઈના આ પ્રદાનને સન્માન–પત્રથી નવાજ્યું.. ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર ઓફ હ્યુસ્ટને તેમને ‘સ્પીરીટ ઓફ ટાગોર એવોર્ડ’  કોન્સ્યુલર જનરલના શુભ હસ્તે ,૧૫મી ઓગસ્ટના સમારોહમાં, એનાયત કર્યો હતો.

મંદિરમાં ભજન ચાલતું હોય કે ક્યાંક  સંગીત ચાલતું હોય તો ખંજરી લઈ વગાડવા બેસી જવાનું તેમને ખુબ ગમે, બંસરી વાદન પણ કરી જાણે. ગાડી ચલાવતાં ચલાવતાં ગીતો ગણગણવાનું પણ ચૂકે નહિ! જ્યારે જ્યારે ભારત જાય ત્યારે અમદાવાદની સાંજે ઠાકોરભાઈ દેસાઈ  હોલમાં જઈ નાટકો જોવા જાય જ.ભગવતીકુમાર શર્મા, રજનીકુમાર પંડ્યા સિધ્ધાર્થ રાંદેરિયા,અશોક દવે વિનોદ ભટ્ટ, વગેરેને અવશ્ય મળે. અમદાવાદનાં પોતાના મકાનમાં જઈ, એકાંત મહેસૂસ કરી,ખુદમાં ખોવાઈ જવાની વાતો પણ કરે. દરિયા કિનારે રેતીમાં પડેલાં છીપલાં જેવા સંસ્મરણોને વાગોળવામાં પણ તેમને મઝા આવતી. આ છીપલાં પણ કેવા? ખુબ અમોલા પણ વ્યવહાર જગતમાં એનું મૂલ્ય ?!!! ખરું?

ઈન્ટરનેટ પર તેમનો એક બ્લોગ બનાવેલ–

‘એક અનૂભુતિ  એક અહેસાસ’ http://navinbanker.gujaratisahityasarita.org/

‘મારા સંસ્મરણો’ શિર્ષક હેઠળ પોતાની આત્મકથાના પાનાં ત્યાં ખુલ્લાં કર્યા છે. કેટલાક રેખાચિત્રો પણ આલેખ્યા છે.

બહુરંગી વ્યક્તિત્વ અને બહુમુખી પ્રતિભા ધરાવતા નિખાલસ નવીન બેંકરના ખજાનામાં આવું ઘણું  બધું છે. કશી યે ઓછપની, ક્યારે ય ફરિયાદ વગર, નાની નાની વાતોમાંથી મોટો આનંદ માણવો તે નાનીસૂની વાત નથી.

આજે આ વિશેષ પરિચય લખીને મારી ભીની થઈ ગયેલી કલમને શબ્દાંજલિ અર્પીને અટકાવું.

શબ્દાંજલિઃ

વંદન કરી,ચરણે તમારા, ભાવથી નમીએ અમે.

શબ્દો તણા ફૂલો ધરી, સાથે મળી ઝુકીએ અમે.

મીંચી ભલે હો આંખ આજે ને થયાં વિલીન પણ,

લેખન થકી રહેશો અમર, મનમાં સદા સ્મરીએ અમે.

સુગંધ જે  ફેલાવી છે, અક્ષર થકી ચારે દિશે,

એ મ્હેંકને સામે ધરી, શબ્દાંજલિ  દઈએ અમે.

વંદન કરી,બે હાથ જોડી, પ્રેમથી સૌ પ્રાર્થીએ

તમ આતમાની શાંતિ અર્થે અંજલિ દઈએ અમે.

 અસ્તુ.

દેવિકા રાહુલ ધ્રુવ
(સપ્ટે. ૨૨,૨૦૨૦)

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 36) ધૂળ ધોયાનું કામ એટલે લોકસાહિત્યની શોધમાં જવું !

ધૂળ ધોયાનું કામ એટલે લોકસાહિત્યની શોધમાં જવું !

આપણે મેઘાણીએ સાહિત્યની શોધમાં કરેલ રઝળપાટની ચર્ચા કરી રહ્યાં છીએ .

મેઘાણીએ પત્રકારત્વની નોકરી સ્વીકારેલી એટલે એ સાથે પોતાને મનગમતી સાહિત્યની સેવા પણ થઇ શકતી. સોમવારથી ગુરુવાર સુધી “સૌરાષ્ટ્ર “ છાપાં માટે લખવાનું અને છાપવાનું (મુદ્ર્ણનું ) કામ ચાલે , પછી શુક્રવારે , બધાં છાપાંઓ પર સરનામાં અને ટિકિટ વગેરે ચોંટાડવાનું કામ પતાવીને તેઓ જાતે જ છાપાં પોષ્ટ ઓફિસમાં આપી આવતા . અને પછી શુક્રવારથી રવિવાર ખભે થેલો લટકાવી મેઘાણી નીકળી પડતા લોકસાહિત્યની શોધમાં !

ઝવેરચંદ મેઘાણીએ પોતે જ આ રઝળપાટ માટે લખ્યું છે, “ દરેક પ્રદેશને એનો આત્મા ( sprit ) હોય છે . એની સાથે એકાકાર થવું જ પડે નહીં તો બધું માત્ર પથ્થર , પાણી અને ધૂળથીયે બદતર માનવ માળખાનું સ્થાન જ લાગે .
આ બધું ધૂળ ધોયાનું કામ કરવા ઝંખના જ એકઠી કરવી પડે ! ”
મેઘાણી આગળ લખે છે :
“રેલગાડી જે છેલ્લા બિંદુ સુધી લઇ જાય ત્યાંથી જ તો સાચી મુસાફરીનો આરંભ થયો સમજવું . જે લોકો પાસે આ સાહિત્ય છુપાયેલું પડ્યું હતું તેમનાં સુધી પહોંચવું પણ સરળ નહોતું . જ્યાં ટપાલ પણ પહોંચતી ન હોય જ્યાં કાચા રસ્તાએ ના હોય , અરે પીવા માટેનું પાણીયે કોઈ ખારવાની કાટ ખાઈ ગયેલ ગાગરમાંથી કચરાવાળું હોય તેને પહેરણની ચાળ વડે (બાંય વડે ) ગાળીને પીવું પડે અને સૂવા માટે એ લોકો કે જેઓ મહિનાઓથી ન્હાયા નથી તેમની સાથે શરીર ઘસાય
એટલું નજીક બિછાનું કરવું પડે અને દારૂ અને ગાંજાની વાસ જ્યાં શ્વાસે શ્વાસે પેટમાં ઉતારવી પડે , અને એના રોટલાથી જ જઠર ભરવી પડે , એટલું કષ્ટ ઉપાડીએ ત્યારે લોકસાહિત્ય સુધી પ્હોંચાય !
અને એ લોકો પાસેથી એમનાં કંઠેથી સાહિત્ય કઢાવવા એમની જોડે એમનાં જેવાં બનવું પડે , કાલાંઘેલાં બનવું પડે , એમનો ભરોસો જીતાય પછી જ એ લોકો બોલે ને ? “
ઈન્દુકુમાર જાની એક પ્રસંગ લખે છે કે સાગર ખેડું નાવિકોની પાસેથી એમનું લોકસાહિત્ય મેળવવા નીકળેલા મેઘાણીને એક વાર કેવો અનુભવ થયો હતો .
નાવિકો પાસેથી લોકગીતો મેળવવા મેઘાણી સાગરખેડુઓ સાથે સાગરની સફરે નીકળ્યા હતા . સવારે પ્રાતઃ કર્મ ક્યાં પતાવવાની દ્વિધા ઉભી થઇ ! આવડો મોટો દરિયો , અને નાનકડી આ નાવડી ! કુદરતી હાજતે ક્યાં અને કેવી રીતે જવું ?
એ લખે છે ,” ખારવો મછવાની પછવાડે ઉતર્યો . સુકાનનો ડાંડો બે હાથે ઝાલ્યો અને સુકાનનો પાણીમાં રહેતો પંખાનો ભાગ , તેની ઉપર વાંદરાની જેમ પગનાં આંગળાં ભરાવીને “દસ્ત -આસન” કરી બતાવ્યું !!”
અંગ્રેજી શિક્ષણ સાથે ગ્રેજ્યુએટ થયેલો એ નવયુવાન , સૌરાષ્ટ્ર સાપ્તાહિકનો તંત્રી એ નવયુવાન , ગુજરાતી સાહિત્ય એકાદમીનો રણજિતરામ સુવર્ણ ચંદ્રક ધારણ કરેલ એ નવયુવાનની આ વાત છે ! એટલું સાહસ કરવાની તૈયારી કેટલાં લોકોમાં હશે?
કહેવાનું તાતપર્ય એ જ છે કે લોકસાહિત્યની શોધમાં મેઘાણીએ કેવાં કેવાં સાહસ કર્યા હતાં!
ત્યારે તો આપણને “સૌરાષ્ટ્રનાં ખંડેરો “અને “પરિભ્રમણ “જેવાં પ્રવાસ અને સંશોધનનાં પુસ્તકો મળ્યાં છે !”લોકસાહિત્યનું સમાલોચન “અને “ધરતીનું ધાવણ “જેવાં મહત્વનાં પુસ્તકો મળ્યાં !
લોકસાહિત્યમાં ભક્તિથી લઈને છેક ભવાઈ સુધીનું બધું જ એમાં આવી જાય ! પ્રાચીન ઇતિહાસથી લઇ ને પુરાતત્ત્વની ઇમારતો અને શહાદતની કથાઓ બધું જ એમાં આવી જાય ! અરે પુષ્ટિમાર્ગના આચાર વિચાર અને રહસ્ય પાછળનું સાહિત્ય પણ જાણવાની એમની ઈચ્છા હતી !એમને મન તો લોકસાહિત્ય જાણે કે દશમો વેદ હતો !!

ગઈ વખતે કેટલાંક વાચક મિત્રોનો પ્રશ્ન હતો કે જો મેઘાણીએ જ લોકસાહિત્યનું સંશોધન કર્યું હતું , તો તેમની પહેલાં નવરાત્રી અને લગ્ન પ્રસંગોએ શું રાસ, ગરબા , દુહા છંદ ગવાતાં નહોતાં ?
એ માટે આપણે ભૂતકાળ પર નજર કરવી પડે . એ જમાનોમાં મુસ્લિમ અને અંગ્રેજ શાશન ને કારણે નાની કુંવારિકાઓ સિવાયની અન્ય સ્ત્રીઓ ગરબા ગાતી નહોતી , અને પુરુષો જ ગરબી ગાતા . નરસિંહ ,મીરા , શામળ , પ્રેમાનંદ વગેરે ગુજરાતી કવિઓનાં ભજન , પ્રભાતિયાં , આખ્યાન વગેરે આનંદ પ્રમોદ માટે ગવાતાં. પણ આજની જેમ આવી વિશાલ માત્રામાં ગરબા – નવરાત્રી મહોત્સવો ઊજવાતા નહોતા !

લોકસાહિત્ય ની શોધમાં ભટકતા મેઘાણીને પણ સ્ત્રીઓ પાસેથી એ લોકગીતો મેળવવામાં તકલીફ પડી હતી . સ્ત્રીઓનો વિશ્વાશ મેળવતાં પહેલાં તેમનાં ઘરવાળાઓનો વિશ્વાશ પ્રાપ્ત કરવો અને પછી બહેનોને બોલતી કરવી , એમને શંકા પડે કે આ જણ અમે બોલીએ છીએ તે કેમ કાગળ પર ટપકાવી દે છે ? એટલે એમનીયે શંકા દૂર કરવી વગેરે મુશ્કેલીઓ તો અનેક હતી જ . પણ એક વખેત બહેનોનો વિશ્વાશ બેસી જાય પછી લોકગીતોની રમઝટ બોલતી : એવા પ્રસંગો આગળ આ કોલમમાં લખ્યા જ છે . “રઢિયાળી રાત” પુસ્તક એટલે જ મેઘાણીએ “ બગવદરનાં મેરાણીબેન ઢેલી” ને અર્પણ કર્યું છે ! લોકસાહિત્ય ભેગું કરવા , મનોબળ જોઈએ , ધગસ જોઈએ , તત્પારતા જોઈએ ,અને આગળ જોયું છે તેમ કુનેહ જોઈએ !
એમની વાર્તાઓમાં આ લોકોની વાણી ચોંટદાર, છટાદાર , વાચકને ગમી જાય તેવી હોય છે :ધારદાર , લોકબોલીની વિવિધ ભંગીઓ , મરોડો અને લહેકા આપણને ગમી જાય છે . આ જુઓ :
‘છાલિયું છાસ’નું એક પાત્ર બોલે છે ;
“ અમે ખાખરાના પાંદના પરડિયામાં ખીરું દોહીને કાંચું ને કાંચું પી જઈએ . ને તમે તો એની રાંધેલી બળીએ ન પચાવી શકો ને અમે નરયું ખીરું પીએ. ને ખીરું પીધા પછી બે દાડા સુધી ન પાણી પીએ , ન અનાજ લઈએ !એ ખીરાંના બન્યાં છે આ હાડ અમારાં! દીપડા હામેય બાથોડાં લેવાની તાકાત છે એમાં . લોઢા જેવું અજર છે આ હાડ..
આમ લોક્સાહિત્યનાં પાત્રોએ તેમને ત્યાંથી જ મળ્યાં છે .
જોકે આ “લોકો” જે અંગ્રેજી ભણેલાં નહોતાં અને અભણ , અણઘડ ગણીને સુજ્ઞ , પંડિત સમાજ તમને તરછોડતો હતો , તેમની સંસ્કૃતિ , તેમનાં રીત રિવાજો અને રહેણી કરણીને મેઘાણીએ ગૌરવ બક્ષ્યું !
એમને એ એટલા ઉત્સાહથી કર્યું કે વાચકોને , શ્રોતાઓને , સૌને એનું ઘેલું લાગ્યું હતું !
અને તેમનાં પગલે પન્નાલાલ પટેલે “મળેલાં જીવ” નવલકથા લખી હતી જેને કવિ નાનાલાલે ,” પટેલિયા – ગાંયજા સાહિત્યમાં પ્રવેશ્યાં છે ? તો એ પુસ્તકને નાંખી દો!” એમ સૂચન કર્યું હતું !
પણ હરિનો માર્ગ તો છે શૂરાનો ; નહીં કાયરનું કામ ! એટલે તો મેઘાણીએ વળતો જવાબ આપ્યો!

નરસિંહરાવ દીવેટિયાએ કરેલી ટીકા અને ક. મા. મુનશીની ટિપ્પણી ને મેઘાણીએ જવાબ આપતા કહ્યું હતું ; “ભદ્ર સમાજમાં આબરૂનું ચલણ પ્રેમના ચલણ કરતાંયે વધારે છે , નહીં ? નહીં તો “દેવદાસ” માં પાર્વતીને દેવદાસ પાસે પહોંચાડે કેમ નહિ ? અને દેવદાસ પણ એને મળ્યા વિના રહેજ કેમ ? એ ય બળહીન અને સમાજ પણ બળહીન જ ને ?”
વાચક મિત્રો , આ કહેવાનું તાતપર્ય એ જ છે કે જયારે આપણે ;” વહુ એ વગોવ્યા મોટા ખોરડાં “ કે “ દાદાહો દીકરી “ વગેરે લોકગીતો ગાઈએ ત્યારે યાદ રહે કે સો વર્ષ પૂર્વે કેવો સમાજ હતો , અને કેવા સંજોગોમાં મેઘાણીએ એ ‘ લોક’ સાહિત્યનું સંપાદન કર્યું હતું ! ધૂળ ધોયાનું કામ કર્યું હતું !

‘લોકમાનસ , લોક જીવન અને લોક સાહિત્યની એકાગ્ર નિષ્ઠાથી ભક્તિ કરનાર મેઘાણીનો જોટો ગુજરાતમાં જ નહીં હિન્દુસ્તાનમાં મળવો મુશ્કેલ છે .. શરીર ટક્યું ત્યાં સુધી સેવા કરી … કાકાસાહેબ કાલેલકરના આ શબ્દો સાથે આજે બસ આટલું જ !

૩૭ – સદાબહાર સૂર-અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

આજે આપણે હથેળીમાં સમાઈ જતા નવી ટેક્નૉલોજિની દેન સમા મોબાઈલથી આખા વિશ્વ સાથે જોડાઈ શકીએ છીએ અને દેશ વિદેશ સુધી પ્રસરી શકીએ છીએ. થોડાક વર્ષો પહેલાં ક્યાં આ શક્ય હતું અને ત્યારે પણ અવિનાશ વ્યાસના ગીતો, ગરબા દેશ-વિદેશ સુધી પહોંચ્યા હતા. અવિનાશ વ્યાસ માટે એવું કહેવાય છે કે નાનપણથી જ એમને ગાવાનો શોખ હતો. મુંબઈ એક એવું શહેર છે જ્યાં આગળ વધવાની અનન્ય તકો મળી રહે. અવિનાશ વ્યાસે પણ મુંબઈની નેશનલ ગ્રામોફોન કંપની સાથે એક ગીત રેકોર્ડ કર્યું. ત્યારપછી આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા માંડ્યા. અવિનાશ વ્યાસે મુંબઈમાં તેમના સૌ પ્રથમ નૃત્યરૂપક ‘જય સોમનાથ’નું સર્જન કર્યું. તેમણે લખેલા ગીત-ગરબાના સંગ્રહમાં મેંદીના પાન (૧૯૪૭) દૂધગંગા, (૧૯૪૮) સથવારો(૧૯૫૨)વર્તુળ વગેરે મુખ્ય છે.

ક્યારેક અનાયાસે એવી કોઈ માહિતી મળે જેને દસ્તાવેજી પુરાવાની જેમ સાચવી રાખવાની હોય. કહે છે કે પૂજ્ય સંત શ્રી શાંત્વનદાસજી મહારાજને અવિનાશ વ્યાસે કેટલાક પત્રો લખેલા જેમાં એમની આંતરિક યાત્રાની સમૃદ્ધિ છે. એમાં એમણે જીવ અને સદાશીવ વચ્ચેનો સેતૂ સાધ્યો છે અને જયશંકર સુંદરીના પુત્ર ડૉ. દિનકર ભોજકે એનું સંપાદન કર્યું છે. આ પુસ્તકમાં જુદા પ્રકારની છણાવટ કરવામાં આવી છે.

કહેવાય છે કે મા જગદંબા અને મા નર્મદા પર અવિનાશ વ્યાસની શ્રદ્ધા અખૂટ હતી. એનો ધ્વની આ એક પત્રમાં રજૂ થયો છે.

૧૧ /૭ / ૧૯૭૭નો પત્ર

પ્રેરણામૂર્તિ

ગુનેગાર  લખે એમ લખું છું, કેટલીકવાર દેનાર અને લેનાર એમ બંને દોષિત હોય છે. અત્યારે હું જે પુરેપુરો પ્રવૃત્તિમય બની રહ્યો છું એનો જશ જગદંબા કે મા નર્મદાને હોય પણ હવેલીના સાતમા માળે પહોંચવા જેમ સોપાનની જરૂર પડે એમ અને હવામાં ઉડવા એરક્રાફ્ટની જરૂર પડે એમ પરમેશ્વરીનું સાનિધ્ય સાધવા શાંત્વનજીની જરૂર પડે છે. એમનું માધ્યમ જ કારણ બની શકે . રામચંદ્રજીને નૈયાના નાવિકે કહ્યું ” હે રામ તમે તો ભવસાગર પાર કરાવનાર ભગંવત છો. હું તમને નદી પાર ઉતારું કે તમે મને ભવ પાર ઉતારો ? આ બધી મૂંઝવણ આ પ્રકારની છે. હું તો એક ઊંટ જેવો છું. ગમે ત્યાં ભવરણમાં ભટકું પણ  મ્હોં તો મારવાડ ભણી જ . મુંબઈ યાદ તો આવે જ. ગુંગળાઈ ગયો છું. અકળાઈ ગયો છું પણ ઘડપણને ભૂલવા પ્રવૃત્તિ જેવુ બીજું ઔષધ કયું હોઈ શકે . હવે જમીન પર ઉતરું? 

આગળ લખે છે કે——– 

આંખ અવાચક, જીભ આંધળી, કામ કોઈનું કોઈ કરે, આવ્યા સપના આંખ સંઘરે, ઓછું એ જીભથી નિસરે? આંખને જીભ નથી, આંખ અવાચક, બોલી શકતી નથી, જીભ આંધળી દેખી શકતી નથી, સપના આંખને આવે છે, ને વર્ણન કરે છે જીભ, કદાચ જો આંખ બોલી શકતી હોત તો કેવું સારું?  પ્રતીક્ષા પણ એક મનગમતી શિક્ષા છે. વિયોગ પછીનો સંયોગ એવો બીજો આનંદ કયો? 

કવિતા લખવાની એક મઝા છે , લખાતી કવિતાઓનું  એક સંગીત હોય છે જે કવિતાના શબ્દો કવિના કાલાઘેલા શબ્દોનું આસામી છે પરંતુ લખાઈ ગયા પછી કવિના શબ્દોમાં કાવ્ય પ્રગટે છે. એનું સંગીત કવિના લયમાં ખોવાઈ જાય છે પણ સાચા સંગીતકારને એ અનાયાસે જડી જાય છે.

આવા પુસ્તકો સમય જતાં દસ્તાવેજી પુરાવા બની રહે છે. આવો જ દસ્તાવેજી પુરાવા જેવો એક પત્ર શ્રી રજનીકુમાર પંડ્યાના સૌજન્યથી મળ્યો છે એ પ્રસ્તુત છે. આ પત્રમાં ‘દૂધગંગા’ પછી ‘સથવારો’ અંગે  અવિનાશ વ્યાસના ભીતરની વાત એમના શબ્દોમાં રજૂ થઈ છે.

પ્રસ્તુત છે અવિનાશ વ્યાસ લિખિત પત્ર..

“દૂધગંગા પછી મ્હારા નવનીત ગીત અને સંગીતકમનો ‘સથવારો’ લઈને દોડ્યો આવતો હતો, ત્યાં ઠેસ વાગી. યુરોપ જવાની ઉતાવળમાં, થોડાંક રહી ગયેલાં વધારે ગીત અને સ્વરદર્શનથી શણગારવો હતો એટલો ‘સથવારા’ને શણગારી શકાયો નથી. દૂધગંગાના પ્રકાશ પ્રસંગે ઝંખેલી “ઝંખના” પછી થોડાંક વર્ષોનો નાનકડો ગાળો ગુજરી ગયો. એ દરમ્યાન મારી ઝંખેલી ઝંખનાની ઝોળીમાં ઘણું પડ્યું છે અને ઘણું ઘણું નથી પડ્યું. મ્હારું મન કહે છે કે આછા પાતળા અંધકારમાંયે ગુજરાતને જરૂર કોઈ દિશા જડી છે.

ગુજરાત ગાવા માંડ્યું છે એવો ગર્વ આપણે નહીં અનુભવીએ તો યે ગુજરાત ગુંજવા માંડ્યુ છે એવો સંતોષ સર્વત્ર દેખાય છે ખરો. મણિપુરી, ભરતનાટ્યમ્ કથ્થક કે કથકલી, નોખી નોખી આ નૃત્યની નિશાળનું ગુજરાત નિષ્ણાત નહીં બન્યું હોય પણ જુદાં જુદાં ઝાંઝરનાં રણકારમાં કોનું કયું ઘરેણું છે, એનું પારખું ગુજરાતને જરૂર થતું જાય છે. કુંજનથી કલ્લોલતી કોયલ સરખી નવનીત કવિતાની કેડી ગુજરાતે લાધી છે.

પહોંચવા ધારેલું પેલું પૂર્ણવિરામ દૂર રહ્યું છે તો યે ગુજરાતને ગીત જડ્યું છે. આટલું ઓછું નથી, હોં.

છેલ્લી ઘડીયે / અવિનાશ વ્યાસ

તારીખ ૧૬ -૬- ૫૨

લંડન..

ગુજરાતને જડેલા આ ગીતોમાંથી બાર હજાર ગીતો તો માત્ર યુગપ્રવર્તક ગીતકાર-સંગીતકાર શ્રી અવિનાશ વ્યાસના છે. એમાનું એક ગીત આજે અહીં..

હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…

મેં તો લગામ દીધી હાથ હરિને,

હરિ ચાહે તો પાર ઉતારે..

દેવની ડેલી દૂર નથી, કઈ કરણી કરેલ કહી દે

ને વધ્યું ઘટ્યું કંઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈ દે

સતનામ જેવી કોઈ મૂડી નથી કે જે આવે હારે હારે….

હરિ હળવે હળવે હંકારે, મારુ ગાડું ભરેલ ભારે…


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

કલમના કસબી : કનૈયાલાલ મુનશી -35



આપણે છેલ્લા બે હપ્તાથી ‘જય સોમનાથ’ની વાત કરી રહ્યા છીએ. આજે વાત કરીશું તેના ત્રીજા અને અંતિમ ચરણની.આ કથામાં તત્કાલીન ગુજરાતી સમાજનું તથા દેશના વહીવટનું જીવંત નિરૂપણ છે. અહીં ભીમદેવ, ચૌલા, ઘોઘાબાપા, સામંત, વિમલ મંત્રી, ગંગ સર્વજ્ઞ જેવાં જીવતાં જાગતાં પાત્રો સર્જી, પાત્રોની ઐતિહાસિક ઘટનાઓની રસિક ગૂંથણીથી એકધારો રસ પ્રવાહ અસ્ખલિત વહાવીને સર્જકે લોકહૃદયમાં ચૈતન્ય પ્રગટાવ્યું છે. અતીતની અસ્મિતાના ભક્ત ને પ્રશંસક તથા ભારતીય સંસ્કૃતિના ઉપાસક મુનશીજી ભાવક – વાચક સમક્ષ પ્રગટે છે. તેમની ઐતિહાસિક નવલકથાઓ હકીકતે ઇતિહાસરંગી રોમાન્સ છે. સોમનાથ મંદિરનું પુનનિર્માણ હકીકતે સ્વપ્નદૃષ્ટા મુનશીનું સ્વપ્ન હતું. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુએ મુનશીને આમંત્રણ આપી મંદિરનું કામ શરૂ કરાવ્યું. ત્યારે એમણે કહ્યું હતું કે “નવસર્જનની શક્તિ હંમેશા વિધ્વંસક શક્તિ કરતાં વધુ હોય છે એ વાત સોમનાથ મંદિર સિદ્ધ કરે છે.’

હમ્મીર પ્રભાસ તરફ ચઢી આવે છે એ કરતા ભીમદેવ મહારાજ સેના સાથે આવે છે તે ખબરથી પ્રભાસમાં અજબ ચેતન આવી ગયું. ચૌલા પણ તેને બચાવનાર પ્રતાપી ભીમદેવને પોતાની અકથ્ય ઉર્મીઓથી આવકારવા વ્યાકુળતાથી રાહ જોઈ રહી. ‘જય સોમનાથ ‘ ની ઘોષણા સાથે પાટણના નરેશનો ભવ્ય સત્કાર થયો. ગુરુદેવ ગંગ સર્વજ્ઞએ દેવીની પૂજાના પુણ્યધામોમાં ચાલતો અત્યાચાર બંધ કરાવ્યો. ત્યાંથી ચૌલાને છોડાવી તથા શિવરાશિને પ્રાયશ્ચિત આપ્યું. તેથી તેમનો પટ્ટશિષ્ય શિવરાશિ એમ માનતો હતો કે એ મહાપાપને લીધે જ ગુરુને વિનાશવા હમ્મીર આવતો હતો. ભીમદેવની પ્રેરણાથી પ્રભાસમાં તૈયારીઓ શરૂ થઈ. ચૌલાને ભીમદેવ અને ગુરુદેવની સરભરાનું કામ સોંપાયું ને ભીમદેવની સેવા કરવી એ તેના શ્વાસ ને પ્રાણ થઈ ગયા.

ક્યાંક શંખનાદ થયા તો ક્યાંક રણશિંગુ ફૂંકાયું તો વળી ક્યાંક ભેરીનાં નાદ થયા. જાણે મોટી રેલ આવતી હોય એમ હમ્મીરની સેના અભેદ્ય વ્યુહમાં પ્રભાસના આસપાસ પ્રલયની માફક વીંટળાઈ વળી. દરિયા સિવાયની ત્રણ બાજુએથી પ્રભાસ ભીડાઈ ગયું. હમ્મીરે જગત જીતવાના એમના ક્રમમાં અનેક વાર આવા ગઢો પર આક્રમણ કરેલું. પણ આ ધામ બધાથી શ્રેષ્ઠ હતું. અહીં આવવા એમણે અણખેડેલા રણ ખેડ્યાં હતા ને અપ્રતિમ સાહસ કર્યાં હતાં. આસુરી પ્રાબલ્ય ધરાવતાં હમ્મીરના પ્રચંડ સૈન્ય સામે ભગવાન સોમનાથની લાજ રાખવાની ભયંકર પ્રતિજ્ઞા લઈ નાનકડું ક્ષત્રિય સૈન્ય ખડું હતું.

આજની હાઈ ટેક પેઢીને કદાચ આ યુદ્ધનો અંદાજ પણ ન આવે. પણ ત્યારે યુદ્ધમાં કુશળ વ્યૂહ રચના ને સાધનોની સાથે શારીરિક બળનો પણ મોટો ફાળો રહેતો. ભીમદેવ મહારાજ ક્યારેક ઘોડા પર તો ક્યારેક પગ પર ફરીને સૈનિકોને આજ્ઞા કરતાં, અચૂક બાણો છોડતા ને ‘જય સોમનાથ’ની ગર્જનાથી બધાને પ્રોત્સાહિત કરતા. મંદિરના શિખર પરથી ચૌલા અને ગુરુદેવ રુદ્રના અવતાર સમા ભીમદેવ મહારાજનું શૌર્ય નિહાળતાં. ગુરુદેવે ભીમદેવના અદભુત શૌર્યની વાત સાંભળી હતી, પણ નજરે આજે જ જોયું. હમ્મીરનું સૈન્ય ધાર્યું હતું તેનાથી મોટું હતું તો ભીમદેવનું બળ પણ ધાર્યું હતું તેનાથી વધુ હતું. મધ્ય દરવાજા પર ભીમદેવ મહારાજ અને દ્વારકા દરવાજા પર રા’ એ રંગ રાખ્યો અને પોતાની બાહોશીથી દુશ્મનના સૈન્યને ફાવવા ન દીધું. જૂનાગઢ દરવાજે પરમારે સૈનિકોને પ્રેરવામાં અને પોતાનું શૌર્ય બતાવવામાં કોઈ કસર છોડી ન હતી. છતાં ત્યાં પરિસ્થિતિ કઠણ બની. ભીમદેવની ઈચ્છાને અનુસરી વૃદ્ધ માતાપિતા ને નવપરિણીત વધૂને છોડી તે રણે ચડ્યો હતો ને બહાદુરીથી દુશ્મનો સામે ઝુઝતા મૃત્યુના મોંમાં પડ્યો હતો.

ભીમદેવ મહારાજ પોતાના ઉતારે ગયા ત્યારે તેમના કાનમાં સ્વર્ગીય સંગીત ગુંજતું હતું .એમણે અપ્રતિમ શૌર્ય દાખવ્યું હતું . દાવાનળ સમા હમ્મીરને પાછો હટાવી સત્કાર અને કીર્તિ મેળવ્યા હતા. હર્ષથી પ્રફુલ્લ તેમનું મન ચૌલાનો વિચાર કરવા બેઠું. પોતાની જાતને પાર્વતી માનતી એ અદ્ભુત બાલિકા હતી. જગતની જંજાળ એને સ્પર્શતી નહિ. ચંદ્રિકા મઢી એક નાનકડી ઊર્મિ હોય તેમ જ આખા જીવનની પળેપળમાં અપૂર્વ છટાથી નાચતી હતી. એ તો ચંદ્રના તેજની, પુષ્પોની સુવાસની, જળતરંગોના નૃત્યની બની હતી. આવા વિચાર કરતાં તેઓ અધીરા બની ચૌલાને ઝંખતા હતા. ને ચૌલા તો એક અંધારા ખૂણામાં લપાઈને અધીરા થતાં મહારાજને હસતે નયને જોઈ રહી હતી. એની દૃષ્ટિએ તો પાટણ પતિ ભીમ રણે ચઢયા ન હતા, પણ ભગવાન શંભુ પોતે ત્રિપુરાસુર સાથે યુદ્ધે ઉતર્યા હતા. કૈલાસ પર એ – હિમવાન પર્વતની કન્યા – પતિની વાટ જોતી બેઠી હતી. વિજયી શિવ અત્યારે એની વાટ જોતાં હતા. અચાનક તેનાથી હસી દેવાયું ને ભીમદેવે એને પકડી પાડી ને ફૂલની માફક હાથમાં લઈ આલિંગન આપ્યું. પાર્વતી અને પરમેશ્વર કહી ચૌલા ભીમદેવ હાથમાં લપાઈ ગઈ. અદ્ભુત રાત્રિ હતી, ચંદ્ર અમી વરસાવતો હતો, આંખો મીંચી પોતાના ભગવાનને શરણે ચૌલા ગઈ.

આ તરફ સામંત ચૌહાણ વહાણમાં જરૂરી સામાન સાથે આવી લાગ્યા. ને તેમણે યવનોએ બાંધેલા તરાપાના સેતુના દોરડા કાપી દુશ્મનનો વ્યૂહ ઊંધો પાડ્યો. સામંતે ભીમદેવને કહ્યું કે ચૌલા મારી ધર્મની બહેન છે. જો આજ રાત પછી એ પાટણના ધણીની પત્ની ન થવાની હોય તો અહી જ ફેંસલો કરી લઈએ. એમ કહી સામંતે ખંજર કાઢી ભીમદેવની છાતી પર ધર્યું. ભીમદેવે કહ્યું કે યુદ્ધ પતે એટલે તું જ કન્યાદાન દેજે. પણ સામંતના કહેવાથી ગુરુદેવને બોલાવી ભીમદેવ અને ચૌલાના ઘડિયા લગ્ન લેવાયાં. બહેનને રક્ષા બાંધવા આવનું કહી તે દ્વારિકા દરવાજે દોડી ગયો. બીજી તરફ ચૌલા પોતાના હાથમાંથી ગઈ જાણી ગાંડા બનેલા શિવરાશિએ કપટપૂર્વક પોતાના એક માણસને સામંતની પાછળ દ્વારિકા દરવાજેથી બહાર મોકલી યવનોને સુરંગમાં થઈને આવવાનો છુપો રસ્તો બતાવ્યો. ભીમદેવ અને રા’ બહાદુરીથી દુશ્મનોને રોકી રાખવામાં સફળ થયા હતા પણ છુપા રસ્તે આવેલા દુશ્મનોએ જૂનાગઢી દરવાજો ખોલી નાખ્યો ને રજપૂત સેનામાં હાહાકાર મચ્યો. રા’ એ અભૂતપૂર્વ પરાક્રમો કરી શહીદી વ્હોરી. ને મહારાજ પણ પડ્યા. હજુ થોડો જીવ હતો. ત્યાં સામંત આવ્યો ને એણે મહારાજ અને ચૌલાને મોકલી આપ્યા કે જો એ જીવતાં હશે તો ગુજરાત ભસ્મમાંથી ઊભું થશે.

પ્રભાસમાં કતલ, લૂંટ ને આગનું સામ્રાજ્ય હતું. શિવરાશિએ હમ્મીરને મંદિરમાં જતા રોકવાનો પ્રયત્ન કર્યો પણ તે એના માથામાં તલવાર મારી મંદિરમાં ગયો. હમ્મીરે ઘણા મંદિરો જોયા હતા ને તોડ્યા હતા. પણ અસ્ત થતાં સૂર્યના પ્રકાશમાં ઝગમગતો આવો મણિમય પ્રાસાદ એણે જોયો ન હતો. તેણે લોખંડની ગદા મારી. સૃષ્ટિ વખતે સર્જાયેલા ભગવાન સોમનાથના બાણના ત્રણ કકડા થઈ ગયા.

ભીમદેવને કંથકોટ ને ચૌલાને ખંભાત લઈ જવામાં આવ્યા. હમ્મીરનું સૈન્ય થાકીને બળવો કરે એવું લાગવાથી તે પાછો ફર્યો. ઘોઘાબાપાની યશગાથા ઘેર ઘેર ગવાતી થઈ. મહારાજ પાટણ આવ્યા ને ગઢ નવો થવા લાગ્યો. મહારાજે સોમનાથ પાટણ ફરી બંધાવી સ્થાપના કરવાનો હુકમ આપ્યો. ચૌલાને ભાન થયું કે એ સગર્ભા હતી. પણ એ ભ્રષ્ટ ને અધમ બની હતી એમ તે માનવા લાગી. તેણે પાટવી કુંવરને જન્મ આપ્યો. તેણે વ્રતનું બહાનું કરી મંદિરની સ્થાપના સુધી પ્રભાસમાં રહેવાનું નક્કી કર્યું. દેવને રીઝવવાનું મૂકી મનુષ્યને પ્રેમ કરવાનો તેને અફસોસ હતો. તેને લાગતું હતું કે ભગવાનના કકડા થયા ને તે – ભગવાનની દાસી – શા માટે જીવતી રહી. આ જગત એને પોતાનું ન લાગતું. તે યંત્રવત ખાતીપીતી ને નૃત્યના કપડામાં હીરા, મોતી, માણેક ભર્યા કરતી.

છેવટે, ભગવાનની પ્રતિષ્ઠાનો એ શુભ દિવસ આવી ગયો. નવું પ્રભાસ અનુપમ સૌંદર્યથી શોભતું હતું. ભીમદેવ મહારાજના વૈભવ અને કીર્તિને સીમા ન હતી. ગર્વમાં હરખાતા ને યુદ્ધની રાત્રે માણેલા ક્ષણિક આનંદને વિસ્તારવાના સપનાં જોતાં તે પ્રિયતમા ચૌલાને મળવા ગયા. પણ કોઈ પરલોકવાસીની હોય એમ તેને જોતાં આભા બની ગયા.

સાંજની આરતીનો સમય થાય છે. ઝાકઝમાળ સભામંડપમાં મણિમય સ્તંભો ને દિવાઓના તેજ છે. ચંદનચર્ચિત, બીલીના ઢગમાં શોભતા ભગવાનના દર્શન થાય છે. ઉપર સુવર્ણની જલાધરી લટકે છે. ‘જય સોમનાથ’ની ઘોષણા થાય છે અને પ્રભાસ આખું સોમનાથમય બને છે. નૃત્ય શરૂ કરવાનો પોકાર થાય છે. હીરા, મોતી, ને રત્નોથી ઝળકતી દિવ્ય કો દેદીપ્યમાન અપ્સરા બધાને આંજી દેતી નૃત્ય શરૂ કરે છે. અદ્ભુત નૃત્યથી શિવને વિનવે છે, પ્રાર્થે છે, રીઝવે છે, ક્ષમા યાચે છે , શિર પટકે છે ને આક્રંદ કરતી હોય તેવું નૃત્ય કરે છે. ચિત્રવત્ બનેલી મેદની ગાંડી બની જોઈ રહી છે. અચાનક નર્તકીના મુખ પરનું લૂગડું ખસી જાય છે ને એના સ્વરૂપવાન મુખ પર દિવ્ય સુખનું અમર તેજ તપે છે ને આંખોમાં પ્રણયની વિદ્યુત લેખા ચમકે છે. તે ઉમરા પર માથું ટેકવે છે….મૃદંગ અટકે છે….ઝાંઝર પણ અટકે છે….નિશ્ચેતન શરીર શિથિલ બની ઢગલો થાય છે…આ ધન્ય પળે, ચૌલાએ, અધ્યાત્મિક પ્રેમની પરાકાષ્ટાએ, એના ભોળાનાથને સર્વસ્વ સમર્પણ કરી દીધું હતું….

ગંગા સ્નાનની ડૂબકી એ સ્નાન સાથે આધ્યાત્મિક અનુભૂતિ પણ છે. આવું જ કંઇક ‘જય સોમનાથ’ દ્વારા અનુભવી શકાય છે. યુગો બદલાય, પણ મુલ્યો અવિચળ રહે છે…શ્રદ્ધા અને ભક્તિ, દેશદાઝ અને દેશપ્રેમ , પ્રણય અને સમર્પણ .. રંગોનું મેઘધનુષ્ય યુગો પછી પણ અનુભવાય તે છે કસબ…’જય સોમનાથ’…

રીટા જાની