Monthly Archives: December 2018
પ્રેમ એક પરમ તત્વ -ગીતાબેન ભટ્ટ
પ્રેમ એટલે શું?
“પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ”
પ્રેમના ગુણનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું છે.
આપણે પ્રેમ કઈ રીતે એ કેળવી શકીએ અને રોજબરોજના જીવનમાં એને બતાવી શકીએ?
જિંદગીમાં ક્યારે ક્યારે પ્રેમની ઝલક આપણે માણી છે.
જાન્યુઆરી આવે અને નવું વરસ લાવે !
નવા વર્ષની નવી પ્રભાત
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
ફેબ્રુઆરી મહિનો લાવે વેલેન્ટાઈન ડે !
પ્રેમ ચારેકોર વર્તાય
વધે પ્રેમ આપસમાં !અને આંનદ મઁગલ થાય!
માર્ચ મહિનો આવે , એ તો હોળી ધુળેટી !
સ્નેહના રંગ ઉડાડો !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
એપ્રિલ મહિનો આવે, લાવે વસન્ત પંચમી !
ખીલે જીવનની વસન્ત!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
મે મહિનો આવે….એતો મધર્સડે લઇ આવે !
વ્હાલી મા….. ત … ને વન્દન !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
જૂન મહિનામાં ગ્રેજ્યુએશન ઉજવણી !
કરો જ્ઞાનનું ગૌરવ !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
જુલાઈ મહિનો લાવે તહેવાર જુલાઈ ૪થ
હો બન્ને ભૂમિને પ્રેમ.
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
ઓગષ્ટ મહિને આવે રક્ષાબન્ધન ને બળેવ !
નિઃસ્વાર્થના બન્ધન ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
સપ્ટેમ્બર મહિનો આવે , એ તો શ્રાદ્ધના દિવસ !
કરો શ્રદ્ધાથી સૌ કામ ,
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
ઓક્ટોબર મહિનો આવે , હેલોવીનનો મહિમા !
ભગાડો ભૂત સૌ મનનાં ,!
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
નવેમ્બર મહિનો આવે: એ તો થેંક્સગિવિંગ ડે!
આભાર કહેવાનું !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
ડિસેમ્બર મહિનો લાવે ક્રિશમ્સની રોશની !
જલાવો દીપ અંતરના !
પ્રેમ વધે આપસમાં! અને આંનદ મઁગલ થાય!
Geeta Bhatt🙏
દ્રષ્ટિકોણ 24: “અગત્યનું ગણવાનું” વિશ્વયુદ્ધ 2 દરમ્યાનની સત્ય ઘટના – દર્શના
મિત્રો, હું, દર્શના વારિયા નાડકર્ણી અને બેઠક તમને આ ચેનલ ઉપર આવકારીએ છીએ. આ ચેનલ ઉપર આપણે નવા વિષયોને અને ક્યારેક નવા દ્રષ્ટિકોણ થી વિષયોને માણવાનો પ્રયત્ન કરીએ છીએ.
આજનું શીર્ષક છે – “અગત્યનું ગણવાનું”
પાછલું વર્ષ પૂરું થવામાં છે અને બે દિવસ માં નવા વર્ષ ની શરૂઆત થશે. ઘણી વાર નવું વર્ષ શરુ થાય ત્યારે લોકો ને નવો નિર્ણય (રિસોલ્યુશન) કરવા માટે પ્રેરણા મળે છે. પહેલા તો એ વિચારવાનું રહ્યું કે જિંદગી માં શું અગત્યનું છે કે જેને ગ્રહણ કરવાથી આપણે જિંદગી ને ઉચ્ચ સ્તરે લાવી શકીએ. ક્યારેક આપણે વધારે પૈસા કે મોટું ઘર કે નવી ગાડી માટે આશા રાખતા હોઈએ છીએ. પણ સાચું સુખ શામાં છે અને કેવું વર્તન અપનાવવાથી તે પ્રાપ્ત થશે તે આગામી વિચાર પણ જરૂરી છે. તમને સર્વે વાચકોને નવા વર્ષ ની ખોબો ભરીને શુભેચ્છા ઇચ્છતા હું એક નાની સત્ય ઘટના સંભળાવવા માંગુ છું.
વિશ્વયુદ્ધ 2 દરમ્યાન ઇંગ્લેન્ડ ના ઘણા હવાઈ જહાજ ને જર્મની તોડી પડતું હતું તેથી ઇંગ્લેન્ડે એક વખત તેના વિજ્ઞાનીકો, એન્જીનીઅર, ગણિતશાસ્ત્રી અને આંકડાકીય નિષ્ણાતોને ભેગા કર્યા અને તેમને કહ્યું કે યુદ્ધમાં થી પાછા ફરેલા હવાઈ જહાજ નો અભ્યાસ કરો અને જણાવો કે હવાઈ જહાજ ને મજબૂત બનાવવા માટે ક્યાં બખ્તર સમાન આવરણ લગાવવું। સમય અને ખર્ચ ની મર્યાદા જાળવવાની હતી અને વિમાન ઉપર ખુબ વજન ન વધી જાય માટે નાની જગ્યા ઉપરજ આવરણ લગાવી શકાય તેમ હતું.
આ નિષ્ણાતોએ બારીકાઈથી પાછા ફરેલા વિમાનો નું નિરક્ષણ કર્યું અને નિર્ણય આપ્યો કે મોટા ભાગના વિમાનો ઉપર ગોળીના નિશાન અને ઘોબા વિમાનોની ટેઈલ સેક્શન એટલે કે પાછળના ભાગ ઉપર હતા અને તેને આધારે તે જગ્યા ઉપર આવરણ લગાવવાની જરૂર હતી. અબ્રાહામ વાલ્ડ કરીને એક નિષ્ણાત હતા તેમનું જબરું માન હતું. તેમણે જુદો નિર્ણય આપ્યો. તેમણે કહ્યું કે આવરણ એન્જિન ના ભાગ ઉપર લગાવવું જોઈએ. બધા આશ્ચર્યચકિત થઇ તેમની સામે તાકી રહ્યા. પાછા ફરેલા વિમાનોમાંથી બહુ થોડાજ વિમાનો ને એન્જિન ની જગ્યા ઉપર ગોળી લાગેલી હતી. પણ વધુ ફોડ પડતા વાલ્ડ બોલ્યા: આ પાછા ફરેલા વિમાન છે અને તેને જોઈને આપણે કહી શકીએ છીએ કે મૉટે ભાગે ગોળી વિમાનના પાછળના ભાગ ઉપર લાગેલી છે અને ત્યાં આવરણ ની જરૂર છે. પરંતુ જે વિમાનને એન્જિનના ભાગ ઉપર ગોળી લાગી છે તે વિમાન તો પાછા ફરીજ નથી શકતા તેને આપણે ભૂલી જઈએ છીએ. અને મારા મત અનુસાર આપણા મોટા ભાગના વિમાનો પાછા હેમખેમ પરત આવી શકે તેને માટે એન્જિન ના ભાગ ઉપર આવરણ લગાવવાનું અનિવાર્ય છે.
વિલિયમ કેમેરોન નામના મહાનુભાવે કહેલું કે – “ઘણી વખત આપણે જે અગત્યનું નથી તેને ગણતા હોઈએ છીએ અને ઘણી વખત જે અગત્યનું હોય છે તેને ગણતા નથી”. તમે તેવું જોયું છે? વાલ્ડ કેવી રીતે જોઈ શક્યા જે મોટા મોટા વિજ્ઞાનીકો ના ધ્યાન બહાર રહ્યું?
ચોપાસ-4
સિક્કિમમાં રાત ખુબ જલ્દી થતી, ચાર વાગ્યાના અંધારા પછી સમય પસાર કરવા અમે પત્તા રમતા બુખારો જામતો (પાના ની રમત) પણ રાણી ઉતર સાથે પેલી સ્ત્રી યાદ આવતી ..એ સ્ત્રી કોણ હશે ,અને જેમ્સ સારો માણસ છે ને ? એવા પ્રશ્ન પણ થતા.
કોઇ પ્રવાસ સ્થળે ફરવા જવું એ હંમેશાથી એક રોમાંચકારી અનુભવ હોય છે અને તમે ત્યાંથી પરત ફરતી વખતે એકલા નથી આવતા, તમારી સાથે હોય છે, ત્યાંની અનેક યાદો. વાત ભલે કોઇ એવા સ્થળની હોય કે ત્યાંના લોકો સાથે અનુભવેલા કોઈ પ્રસઁગની હોય કે બન્ને સ્થિતિમાં તમને કંઇ નવું જોવા અને શીખવા સાથે રોમાન્ચ નો પણ અનુભવ થતો જ હોય છે. બસ અમને પણ એવો જ અનુભવ થયો.
બીજે દિવસે અમારા નાસ્તાના ટેબલ પર જેમ્સની વાતો થઇ.. અમે નાસ્તો પતાવી ફરવા માટે તૈયાર થઈને બેઠા પણ જેમ્સ ન આવ્યો ,અમે ફોન લાગવ્યો તો કહે નાસ્તા કરતા હું અભી આ રહા હું અમે ત્યાં સુધી હોટલના ગાર્ડનમાં બેઠા ફોટા પડ્યા આજુ બાજુ સુંદર દ્ર્સ્યો હતા. પણ મન જેમ્સની રાહ જોતું હતું, ત્યાં જેમ્સ આવ્યો, મારી ફ્રેન્ડે હાસ્ય સાથે જેમ્સને પૂછ્યું જેમ્સ આજ કયો લેટ હો ગયા ? જેમ્સ બોલ્યો નાસ્તા કર રહા થા અને અમારો સામાન ગોઠવવા મંડ્યો..ગાડી શરુ થતા જ અમે કહ્યું આજ કિસીકો ગાડીમેં લિફ્ટ દેનેકા નહિ એતો તરત જ બોલ્યો કલ આપકો ના બોલના ચાહીએ મેં તો નહિ લેને વાલા થા..
આપને હા બોલા તો મેં ક્યાં કરું ? અચ્છા તો તુને ઉસકો હોટેલ્સે પહેલે કયો નહિ ઉતાર દિયા ? ઓર ઘર તક છોડને ગયા ? એ કહે એ જે ની સાથે વાતો કરતી હતી તે ઉપરથી લાગ્યું કે એ મારા ઓળખીતા ગામની છે મેં મારા ઘરે ફોન કર્યો તો તેમણે કહ્યું તેના ઘરે જ એને મૂકી આવજે આપણા જાણીતા છે ? અને હું ત્યાં જ રોકાણો એમણે મારી સારી આગતાસાગતા કરી મને નાસ્તો પણ કરાવ્યો.
હવે અમારી જીજ્ઞસા વધી તું પરણેલો છે ? તો કહે હા અને ના ..
અમે હસ્યા ..એટલે ?
મેં લગ્ન કર્યા છે મારી પત્નીને મેં ભગાડી લગ્ન કર્યા છે એ મારા ઘરે જ રહે છે પણ તેના પિતાએ મને સ્વીકાર્યો નથી ,મારી પત્ની ઘરમાં સૌથી નાની છે તેની બે મોટી બેનના લગ્ન થયા નથી, મારા સસરા અઢી લાખ મારી પાસે માંગે છે પછી જ લગ્ન કરાવશે એના ઘરના બધા મારી વિરુદ્ધ છે. અમારા સમાજમાં પુરુષે ડાવરી દેવાની હોય છે.એને દેવા માટે હું પૈસા ભેગા કરું છું. અમે કહ્યું …પણ હવે તો એ તારા ઘરે રહે છે તો શું ફર્ક પડે ? .
ના સમાજ સામે લગ્ન કરીશ અમારા રીતરિવાજ સંસ્કારને સાચવીને એને પરણીશ ..
અમે મૌન થઇ ગયા .કેવા વિચારો અમે કર્યા ?
આ સ્ત્રી મારા સસરાના પરિવારની હતી,મને તેની ફોન પરની વાતચીત થી ખબર પડી કે એ મારી પત્નીનાં કાકાની દીકરી થાય,….
મારા સસરા મને સ્વીકારે કે નહિ ?
પણ મેં તો તેને સસરા તરીકે સ્વીકાર્યા છે ને ? …મારે તેને સાચવવી જોઈએ ને ?
એક અભણની કેટલી મોટી સમજણ ?
કેટલી સરળતા ?
સંબંધોમાં આટલી આત્મિયતા ?
વાત અભિપ્રાય ની છે……
કોઈ વ્યક્તિ માટે,…. અમારા મને કેવા અભિપ્રાય આપ્યા ?
આખું મનજ અભિપ્રાયથી બંધાયેલું જ રહ્યું.એનાથી પ્રેશ્નોનું, દ્વન્દ્વોનું, સર્જન થયું,
અભિપ્રાયોને લીધે અમે કુદરતી સૌંદર્ય કે ઉગતા સૂરજને પણ માણી ન શક્યા
કુદરતી સૌંદર્ય માણવાને બદલે
મનના વિચારો, આંદોલનો, વમળો, તેની અવળચંડાઇ ……
અને અભિપ્રાયોએ ચોપાસથી અમેને ઘેરી લીધા
સાંકડા થતા મનમાં આપણે પણ ક્યાં અટવાઈ ગયા ?
તેનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.
અને અમે સૌ ચુપચાપ। ..દ્રષ્ટિ .બારી ની બહાર ……જોતા રહ્યા
અહીં શું નથી ? ભરપૂરતા અને વિપુલતા.. વિશાળતા અને ગહનતા
એને માણવાણી સંપૂર્ણ સમજણ તો આપણે જ કેળવી પડે ને ?
ધીરે ધીરે વિચારોની સાથે મન આસપાસની કુદરત સાથે તાદાત્મય થતું ગયું અને અમે ચુપચાપ કુદરતમાં પરમાનંદ નો અનુભવ લેતા રહ્યા।
પ્રજ્ઞા દાદભાવાળા
૯ – કહેવત-ગંગા – કલ્પના રઘુ
ધરમીને ઘેર ઘાડ, અધરમીને ઘેર વિવાહ
ધરમીને ત્યાં ધાડ અને અધરમીને ઘેર કુશળ એટલે નીતિમાન માણસોને દુઃખ અનુભવવું પડે છે જ્યારે અનીતિવાળા માણસો આનંદ કરે છે. આ વાત કર્મનાં સિધ્ધાંતની બિલકુલ વિરુધ્ધ છે. ભલા ધર્મનું આચરણ કરનાર ક્યારેય દુખી હોઈ શકે ખરો? કર્મનો સિધ્ધાંત કહે છે, “જેવું કરો તેવું પામો”, “જેવી કરણી તેવી ભરણી”, “જેવું વાવો તેવું લણો”. તો પછી પ્રશ્ન થાય છે કે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર વિવાહ, મંગળ એવું કેમ?
સમાજમાં મોટા ભાગે એવું જોવા મળે છે કે ધર્મ, નીતિ અને ન્યાયનો પથ કાંટાળો હોય છે. તેના પર ચાલનાર દુઃખી થતો દેખાય છે. જ્યારે અધરમીને ઘેર કહેવાતું સુખ, મોટર-બંગલા, નોકર-ચાકર અને સમૃધ્ધિની રેલમછેલ જોવા મળે છે ત્યારે ઈશ્વર પરની શ્રધ્ધા ડગુમગુ થાય છે. આથી સામાન્ય માણસ અનીતિ કરવા પ્રેરાય છે. સરળતાથી પ્રાપ્ત થતી સિધ્ધિ કોને ના ગમે? પરંતુ એમ કહેવાય છે, “સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. લક્ષ્મી આઠ પ્રકારની હોય છે. એમાં જે કાવાદાવા કે અનીતિથી પ્રાપ્ત થયેલી હોય તે લક્ષ્મી માણસને પચે નહીં. લાંબે ગાળે તે તેનું રુપ બતાવે છે અને જેવા રસ્તે આવે છે તેવા રસ્તે ચાલી જાય છે.
ઈશ્વરને ન્યાયી કહેલ છે. સર્વોત્તમ, સર્વોચ્ચ ન્યાયાધીશ એવા ઈશ્વર માટે કહેવત છે, “ઈશ્વરને ઘેર દેર છે પણ અંધેર નથી.” આ બધામાં કર્મનો સિધ્ધાંત કેન્દ્રમાં રહેલો છે. સારા કર્મનું સારુ ફળ અને ખરાબ કર્મનું માઠું ફળ, સમાજમાં ઘેરઘેર જોવા મળે છે. ઉદાહરણો શોધવા જવા પડતાં નથી.પરંતુ ઘણી વખત પહેલી દ્રષ્ટિએ દેખાય છે ધરમીને ઘેર ધાડ અને અધરમીને ઘેર દિવાળી. પરંતુ વ્યક્તિનાં સમગ્ર જીવનનું દર્શન કરીએ તો જણાય છે કે નીતિ અને ધર્મનું પાલન કરનાર વ્યક્તિ ક્યારેક દુઃખના દાવાનળમાં ફસાયેલો હોય છે પરંતુ ઈશ્વર તેનો અદ્દભૂત રીતે બચાવ કરીને જીવનમાં ન ધારેલી સફળતા અપાવે છે. આ વ્યક્તિ રાત્રે શાંતિથી સૂઈ શકે છે. આવી વ્યક્તિ કર્મના સિધ્ધાંત અનુસાર આ જન્મે કે પૂર્વજનમમાં કરેલાં કોઈ સંચિત ખરાબ પાપકર્મોને કારણે દુઃખી થાય છે. પરંતુ તે કર્મનું ફળ ભોગવી લે એટલે તેના સારા કર્મોના ફળ ભોગવવાનું નસીબ જાગે છે. તેવી જ રીતે અધર્મીએ પૂર્વ જન્મમાં કરેલાં સારા કર્મોના ફળ આ જન્મે તે ભોગવે ત્યારે તે સુખી દેખાય છે પરંતુ આજીવન અધર્મ અને અનીતિ આચરતાં તેનું જીવન અને મૃત્યુ દુઃખદ રહે છે. આ એક સનાતન સત્ય છે. અધર્મનો અંત કેવો આવે છે તે આપણે સૌ જાણીએ છીએ. મહાભારતના યુધ્ધથી આપણે ક્યાં અજાણ છીએ? શ્રી કૃષ્ણ પણ ધર્મના પક્ષે હતાં. કૌરવ પક્ષે અઢાર અક્ષૌહિણી સેના હોવા છતાં અંતે તેઓની હાર થઈ હતી.
એક સરસ વાર્તા છે. એક બહેન રોજ એક રોટલી વધુ બનાવે અને બારી પર મૂકે. એક બાબા રોજ આવે. રોટલી લે અને બોલે, “તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” રોજ આ સાંભળીને આ બહેન ઈરીટેટ થતી કે આ બાબા ગજબ છે, રોજ એના માટે ખાસ રોટલી બનાવું છું તો થેન્ક યુ કહેવાને બદલે આવું કેમ બોલે છે? મેં ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તે ચીડાઈ ગઈ અને ગુસ્સામાં આવીને મનમાં બોલી, કે આમાંથી છૂટકારો મેળવવા ઝેર ભેળવીને રોટલી બનાવું. બનાવી પણ ખરી અને તે ઝેરી રોટલી બારીમાં મૂકી. ત્યાં જ અંદરથી અવાજ આવ્યો,”આ તું શું કરે છે? તું કોઇનો જીવ લે છે.” તેણે તરત જ રોટલી લઈ લીધી અને સારી રોટલી બનાવીને બારીમાં મૂકી. બાબા આવ્યા. રોટલી લઈને પહેલાની જેમ જ બોલીને ચાલતા થયા. પરંતુ તેણે તેની દરકાર ના કરી. આ બહેનને એક દીકરો હતો જે ઘણાં સમયથી બહાર ગયો હતો. પણ કોઈ સંદેશ ન હતો. તે ચિંતિત રહેતી. અચાનક ડોરબેલ વાગે છે. જુએ છે તો તેનો દીકરો સામે ઉભો હતો. તે ખૂબ જ અશક્ત અને દુબળો લાગતો હતો. પૂછતાં ખબર પડી કે તે જે દેશમાં હતો ત્યાં યુધ્ધની પરિસ્થિતિ હતી. દુશ્મનો પાસેથી જેમતેમ કરીને તે ભાગી આવ્યો હતો. તેણે કહ્યું, “મને ભૂખથી ચક્કર આવતા હતા. રસ્તામાં એક બાબા મળ્યાં મેં ખાવાનું માંગ્યું. તેમના હાથમાં એક રોટલી હતી જે મને આપી.કદાચ એને કારણે હું ચાલીને આવી શક્યો. એ બાબાએ કહ્યું,”તારું ખરાબ કરેલું તારી પાસે રહેશે અને તારું સારું કરેલું તને પાછું આવીને જરુર મળશે.” માને વાત સમજાઈ ગઈ. માએ પ્રભુનો આભાર માન્યો, સારું થયું કે તેણે ઝેર વાળી રોટલી બારીમાં મૂકી ન હતી.
કેટલી સુંદર વાર્તા? આપણે કોઈનું સારું કરીએ અને થાય કે ક્યાં એની કદર થાય છે? અને સારું કરવાનું છોડી દઈએ પણ સારાશની કદર થાય કે ના થાય, સારા કે ખરાબ કર્મો હરીફરીને બૂમરેંગની જેમ પાછા આવેજ છે. રોપેલું કર્મનું બી વૃક્ષ બનીને યોગ્ય સમયે ફળ આપેજ છે. ધરમીને ઘેર ક્યારેય ધાડ ના હોઇ શકે! આ કર્મનો સિધ્ધાંત સૂચવતી નિવડેલી કહેવત છે.
લોહીનો એકજ લાલ રંગ
પિતાએ વહાલસોઈ દીકરી નું નામ પરી પાડ્યું હતું કારણકે તે રુપ રુપનો અંબાર હતી.તેની આંખો બ્લુ અને ગોરોવાન.થોડા થોડા રુપે ઘડેલી અને મીઠી મધ જેવી પરી પરાણે વહાલી લાગે તેવી હતી.માતા-પિતા અને પરી ખૂબ આનંદથી જીવતા હતા અને અકસ્માતમાં પરીના પિતાનું મૃત્યુ થયું. પાપાની દુલારી પર આભ તૂટી પડ્યું.પરીને લઈને તેની માતા સુમી તેના ભાઈને ત્યાં હંમેશ માટે રહેવા આવી ગઈ જે સુમીની ભાભીને જરાપણ ગમ્યું નહી.સુમી નાે ભાઈ અને તેના પિતા મા-દીકરીને ઓછું ન આવે એટલે તેમનું ખૂબ ધ્યાન રાખતા અને ખૂબ પ્રેમ કરતા.પરતું મામીને કાયમ માટે પોતાના માથે પડેલા મા-દીકરી આંખમાં કણાની જેમ ખૂંચતા.એક દિવસ સવારે નાસ્તાના સમયે પરીએ મામાને પોતાને ગમતા શેમ્પુ અને ક્રીમના નામની ચિઠ્ઠી આપી તો મામીએ બધાની વચ્ચે જ તેને સંભળાવ્યું કે મામાના એકલા પગારમાં આ બધા તારા નખરાં નહી પોસાય.ઝંખવાણી પડી ગએલ નાદાન ને યુવાન પરી રુમમાં જઈ માને વળગીને ખૂબ રડી.
પછી શાંત થઈ તેણે તેની માને કીધું “મમ્મી આપણે થોડા વર્ષની જ વાર છે.મારું બારમાંનું રીઝલ્ટ આવશે એટલે હું મેડીસીનમાં એડમીશન લઈશ.મમ્મી એકવાર હું ડોકટર થઈ જઈશ પછી તારી બધી ચિંતા દૂર. મારા પેપર્સે બહુજ સરસ ગયા છે.” નાના પણ બંને દીકરી ને સાંત્વના આપવા અંદર આવી રહ્યા હતા ને બારણા પાસે આવતા જ પરીની વાત સાંભળી તેને ભેટી પડ્યા.
મામા ને બાળકો નહોતા પણ મામીના માતાપિતા નાનપણમાં ગુજરી ગયા હોવાથી તેમનો એકનો એક નાનોભાઈ તેમની સાથે જ રહેતો હતો.પરી કરતા તે ચારપાંચ વર્ષ મોટો હતો. તે મેડીસીનનાં છેલ્લા વર્ષમાં જ હતો.પરી નાની હતી ત્યારથી મામાને ઘેર આવતી ને મામીના ભાઈ પ્રિયમ સાથે રમતી . પ્રિયમ તેને બાઈક પર બેસાડી આઇસક્રીમ ખાવા, ફરવા અને ક્યારેક પીક્ચર જોવા પણ લઈ જતો.તેના લીધે પરીને મામાના ઘેર પણ આવવું ગમતું.તેને જોઈને જ પરીને પણ ડોકટર બનવું હતું.પરીની હોશિયારી જોઈ પ્રિયમ પણ પરીને ડોકટર બનવા પ્રોત્સાહન આપતો.અને એ દિવસ આવી ગયો ;પરીનું રીઝલ્ટ બાણું ટકા આવ્યું.પરીના નાના અને મામા મીઠાઈ વહેંચવા લાગ્યા અને પ્રિયમ પણ ઘેર પરીને ગમતો આઇસક્રીમ લઈને આવ્યો.પરી ને તેની મા પણ ખૂબ ખુશ હતા કે હવે તેમની મુશ્કેલીનો અંત હાથવેંત જ છે.પણ તેમ ન બન્યું.મામીએ તો કહી દીધું કે પરીને ડોકટર બનાવવા માટે જેટલા ફી ના પૈસા જોઈએ તેટલા પૈસા તેમની પાસે નથી.તેને ભણવું જ હોય તો સાદું ગ્રેજયુએશન કરે. પરીની બધી આકાંક્ષા પર પાણી ફરી વળ્યું. તે તેની મા અને નાનાને વળગી ખૂબ રડી.નાના પણ પોતાના હ્રદયના ટુકડા જેવી પરી ને જોઈ પોતાની બેબસીને કોસી રડતા રહ્યા.પોતે જ એંસી વર્ષની ઉંમરે દીકરા વહુ પર આધારિત હતાં તેથી તે શું બોલે?પ્રિયમ તો એમ જ સમજતો હતો કે પરી મેડીસીન નું જ ફોર્મ ભરશે પણ જ્યારે પરીએ આર્ટસ કોલેજનું ફોર્મ ભર્યું ત્યારે તે પણ પરી પર ખૂબ ગુસ્સે થયો પણ પરીએ તેને કોઈ ખુલાસો ન કર્યો.
સુમી આખા ઘરનું બધું જ કામ કરતી અને પરી ક્યારેક તેની બહેનપણીઓ જોડે મોબાઈલ પર વાત કરતી તો પણ મામી તેને સંભળાવતા કે પરી ફોન પર વાત કરવાને બદલે હવે રસોઈ અને ઘરના કામમાં ધ્યાન આપે.નાના,સુમી અને પરી મામીની વાતો સાંભળી ખૂબ દુ:ખી થતાં અને પરી તો રાત્રે તેની માને વળગીને જ સૂઈ જતી.મામાનું ઘર તેને હવે પરાયું લાગતું હતું ને તે તેના પિતાને યાદ કરી આંસુ સારતી હતી.એવામાં એક દિવસ મામીની એક બહેનપણીએ પરી જેવીજ રુપાળી સુમીને જોઈને તેને ફરીથી પરણાવી ,મા-દીકરી બન્ને ને આ ઘરમાંથી બહાર કાઢવાનો રસ્તો સુઝાડ્યો.મામીએ તો લગ્નબ્યુરોનાં આંટા મારી સુમી માટે કરોડપતિ બીઝનેસમેન અજયભાઈને શોધી કાઢ્યા.અજયભાઈ મોટા એક્સપોર્ટર હતા.તેમને એક મોટો વીસ વર્ષનો દીકરો ને તેર વર્ષ ની દીકરી હતી.તે તેમની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને કેન્સરની ટૂંકી માંદગીમાં તે ગુજરી ગઈ હતી.તેમના બાળકોનું ધ્યાન રાખે તેવી પત્નીની શોધમાં તે હતા. જેથી પોતે કામથી ફોરેને જાય તો તે બાળકોનું ધ્યાન રાખે. સુમી માટે મામીને અજય એકદમ બરોબર લાગ્યો.તેનો મહેલ જેવો બંગલો,અધધ સંપત્તિ,મસ મોટો બીઝનેસ અને અનેક મોટરગાડીઓની વાતો કરી એણે પોતાના પતિ અને સસરાને સુમીના લગ્ન માટે મનાવી લીધા.
સુમીની જરાપણ ઈચ્છા બીજા લગ્નની નહોતી પણ પિતાએ તેનેસમજાવી કે લગ્ન કરીને આ ઘરની પરવશતા ને મામીના મહેણાં-ટોણાથી છુટકારો મળશે.પરીને ડોકટર બનાવી શકાશે અને તેને પોતાનું ઘરને પરીને પિતાની છત્રછાયા મળશે.સુમી માત્ર પરીનો વિચાર કરીનેજ લગ્ન માટે તૈયાર થઈ.યુવાન પરી પોતાની માના બીજા લગ્નથી બિલકુલ રાજી નહતી પરંતુ નાનાએ સુમીને જે રીતે સમજાવી તેમ જ પરીને તેજ વાતો થી સમજાવી. પ્રિયમ પણ સુમીને પરાણે અજય સાથે પરણાવવાની બેન ની વાત થી ખુશ નહોતો.
પિતાની ઈચ્છા અને પરીના ભવિષ્યના વિચારે સુમી અજય સાથે લગ્ન કરવા તૈયાર થઈ.સુમીના લગ્ન અજય સાથે થયા .પરી હવે મામાને ત્યાં સાવ એકલી થઈ ગઈ હતી.મામા-મામી અને નાનાએ વિચાર્યું કે સુમી થોડી સાસરે સેટલ થાય પછી પરી જશે.અજયના દીકરા દીકરીને સુમી પોતાની પરીથી પણ અધિક રાખતી.અજય આ જોઈને ખૂબ ખુશ રહેતા અને બંને બાળકો પણ સુમી સાથે ખૂબ ખુશ રહેતા. સુમી ને પરી ખૂબ યાદ આવતી.પરી તો રુમમા બેસીને મા વગર ખૂબ રડતી.એક દિવસ અજયે સુમીને પૂછ્યું”આટલી સુખ સાહેબી છતાં તું કેમ ખુશ નથી?”ત્યારે સુમીએ કીધું “મારું જીવન મારી દીકરી વગર અધૂરુંછે તમે કહો ત્યારે હું એને અહીં મારી સાથે લઈ આવું” અને અજયે જે જવાબ આપ્યો તે સાંભળી સુમી સાવ ભાંગી પડી.અજયે કીધું “બીજાના લોહીને હું ક્યારેય મારી દીકરી તરીકે અપનાવી ન શકુ. એ મારા ઘરમાં આવે તો તારું બધું ધ્યાન તેના તરફ જ થઈ જાય.તે ક્યારેય મારા ઘરમાં આવી નહી શકે.હા તેને તારે જેટલા પૈસા,કપડાં આપવા હોય તે આપ.”સુમી એ અજયને સમજાવા લાખ કોશિશ અને કેટલીએ કાકલુદી કરી પણ અજય તેની વાતમાં એકનો બે ન થયો.
માના ગયા પછી સુમીના નાજુક દિલને ખૂબ ધક્કો લાગ્યો હતો. તેપત્થર બની ગઈ હતી.તેનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું.ચુપચાપ રહી આખો દિવસ મામીના ઘરનું કામકાજ કર્યા કરતી.એવામાં એક દિવસ તે પ્રિયમનો રુમ સાફ કરી રહી હતી અને ત્યાં તેણે એક સરસ પરફ્યુમ જોયું અને પોતાના કપડાં પર છાંટ્યું.તેજ વખતે રુમમાં પ્રિયમ પ્રવેશ્યો અને તેણે પાછળથી આવીને એના હાથનું કાંડું પકડી લીધું.પરી તેને અવાચક થઈને જોઈ રહી…….
વધુ આવતા અંકે -પ્રિયમ પરીને પોતાના પ્રેમનો એકરાર કરશે કેઠુકરાવશે?
તે તેની મા સાથે ક્યારેય નહી રહી શકે?
જિગીષા પટેલ
વાત્સલ્યની વેલી :૧૦) મેરી ક્રિશ્ચમસ!!
મેરી ક્રિશ્ચમસ!!
આજથી સાડા ત્રણ દાયકા પહેલાં , બાળ ઉછેર અને બાળ શિક્ષણનું પધ્ધતિસરનું જ્ઞાન મેળવ્યાં પૂર્વે માતૃસહજ પ્રેમ અને સ્નાનુભવ ભાવથી પ્રેરાઈને ઘેર બેઠાં મારું બેબીસિટીંગનું કામ ચાલતું હતું .
અમારી પડોશમાં એક ચુસ્ત કેથલિક કુટુંબ રહે : એ ઘરની ગૃહિણી એડ્રિયા મારી બેનપણી અને એનાં બાળકો અમારા છોકરાંઓનાં મિત્ર. કોઈ માંદગીમાં એમણે પિતા ગુમાવ્યા બાદ ચર્ચે તેઓની જવાબદારી લઇ લીધી. ક્રિશ્ચમસ પર એ બાળકોને ઓછું ના આવે એટલે ઘણી બધી ગેઇમ્સ અને રમકડાં ચર્ચ તરફથી પહોંચાડ્યા !
બાળપણમાં તેઓની આર્થિક પરિસ્થિતિ એવી કથળેલી નહોતી , પણ; ‘અમે બધાં તમારી સાથે છીએ ‘ એવો વણકથયો સંદેશો એમાં છુપાયેલ હતો. આપણે ત્યાં મંદિરો અને ધર્મગુરુઓની જે જવાબદારી છે તેનાથી ઘણી જુદા પ્રકારની જવાબદારીઓ અહીંના ધર્મ ગુરુઓની હોય છે. અને તે પશ્ચિમના બધા દેશ સંસ્કૃતિ માટે સહજ છે .ચર્ચ કે સીનેગાગ ( યહુદીઓનું પ્રાર્થના સ્થળ ) સૌ સ્થળોએ આ જાતની વ્યવસ્થા સહજ સ્વાભાવિક છે: તેનાં નોંધેલા સભ્યો હોય; બધાંને પાદરી (કે રેબાઈ )ના માર્ગદર્શન હેઠળ કાર્યરત અન્ય સભ્યો દ્વારા સહાય મળે !
ક્યારેક ચર્ચનાં સંબધીને નર્સિંગ હોમમાં મળવા જવાનું હોય તો ક્યારેક કુદરતી આપત્તિમાં ફસાયેલ વ્યક્તિઓને સહાય કરવા જવાનું હોય! અમારે ઘેર પણ ચર્ચમાંથી એવીરીતે ખબર અંતર પૂછવા એ લોકો ક્યારેક આવતાં હતાં !બાળકો પણ આ બધી પ્રવૃત્તિઓ જુએ અને મોટા થઈને આવી સહાયક પ્રવૃત્તિમમાં પોતાનું યોગદાન આપે!!
નાનપણમાં આપણો જે રીતે ઉછેર થયો હોય છે તેની છાપ જીવનના અંતિમ સમય સુધી રહે છે. અને તેથી કોઈને મદદ કરવી, કાંઈક આપવું ; કોઈ જાતનું પુણ્ય મળશે એવી આશા વિના – એ ગુણો મેં અહીંની નવી પેઢીમાં જોયા છે! ક્રિશ્ચમસ એનું સર્વોત્તમ ઉદાહરણ છે. હા , ક્યારેક એ ઉમદા ગુણો ખીલવવા નાના બાળકને સમજાવવું પડે છે; પણ આચરણ કરીને સારું દ્રષ્ટાંત ઉભું કરી શકાય છે.એડ્રિયાના સંતાનોને પહેલેથી જ આમ ધાર્મિક સંસ્થા ચર્ચ પ્રત્યે લગાવ થઇ ગયો ; અને સ્વાભાવિક રીતે જ મને પણ અહીંના લોકોની આ જીવન શૈલી ગમી !
એ જ અરસામાં અમને એક ફેમિલીએ એમને ત્યાંક્રિશ્ચમસ પાર્ટીમાં આમંત્ર્યા. ઘરના યજમાન કે જેમનાં બાળકો અમારે ઘેર બે ત્રણ વર્ષથી આવતાં હતાં ,એમનાં ફેમિલીમાં કોઈનેય ઇન્ડિયા કે ઇન્ડિયન વિષે બરાબર માહિતી નહોતી ! એન્જલિનાની દાદીએ મને પૂછેલું કે સાપને તમે મારો નહીં તો એ પાછો તમારે ઘેર કે પડોશમાં બીજાને ઘેર જાય તો? તમે ઉંદરને મારો કે નહીં? હા, વીંછી , ઉંદર , સાપ એ બધાંયને જીવવાનો અધિકાર છે જ , પણ તમારાં બાળકોને સલામત સ્વસ્થ જીવન આપવું એ શું તમારી ફરજ નથી ?એમણે અમને પૂછ્યું . ત્યાર પછી ગાયને માતા ગણવાની વાત તો એ સારી રીતે સમજ્યાં. પણ હાથીના મોં વાળા ગણપતિ દાદા વિષે અમે બહુ સ્પષ્ટ સમજાવી શક્યાં નહીં. આમ અમે બે ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે, પણ પ્રેમ અને હૂંફથી ઉછરી રહેલ એમનાં સંતાનો એન્જલિના અને એરિક સાથે અમારાં સંતાનો , બીજાં અન્ય બાળકો વગેરે વિષે વાતો કરી રહ્યાં હતાં…
એમનાં ઘેર તે દિવસે રસોડામાં એન્જલિનાના દાદા અને ડેડી બધું કામ કરતા હતાં. જમ્યા પછી એમણે નવા ખરીદેલા બીજા ડીપ ફ્રિઝની જાહેરાત કરી અને જણાવ્યું કે આગલે અઠવાડીએ જ હરણના શિકાર કરવાની ઋતુ શરૂ થઇ હતી અને એન્જલિનાના ડેડીએ હરણનો શિકાર કર્યો હતો !!! હવે બધું પ્રોફેશનલી પેક થઈને આવશે ત્યારે આ ડીપ ફ્રીઝમાં વરસ સુધી રાખશું !
પ્રેમ , કરુણા , જીવદયા એ બધાનું બાષ્પિભવન થઈને ભંયકર ઠંડી માંય હું પરસેવે રેબઝેબ થઇ ગઈ ! એ બધાં આનંદથી જાણે કે વાઘ માર્યો હોય તેમ વાતો કરી રહ્યાં હતાં :જોકે અહીંયા તો સાચ્ચેજ નિર્દોષ બિચારાં હરણાંની વાત હતી.. મને જાણેકે ચક્કર આવતાં હોય તેમ લાગ્યું .. હવે કૉફી અને ઘેર બનાવેલ અંજીરની કૂકીઝ અને બીજાં અનેક કેક ,પાઇ ,પેસ્ટ્રીનો સમય હતો પણ અમારે ઇન્ડિયા અગત્યનો ફોન કરવાનો છે એમ કહીને -એ લોકોના ખુબ આગ્રહ છતાં -અમે ભાગ્યાં !
ફરીથી બે સંસ્કૃતિઓ બે રાષ્ટ્રો અને બે કુટુંબો વચ્ચે સમતોલન કરવાના વ્યર્થ પ્રયાસમાં મારી વાત્સલ્યની વેલ ઝૂલી રહી હતી!
જો કે બીજે દિવસે બધાં બાળકો અમારે ઘેર રેગ્યુલર સમયે આવી ગયાં અને સાન્તાક્લોઝ , ગિફ્ટ્સ વગેરેય વાતો કરતાં હતાં પણ પેલું હરણ જાણેકે મારાં મનમાંથી ખસતું જ નહોતું ! કહો કે જડ ભરત મૃગલામાં મોહ્યા હતાં અને બધી તપશ્ચર્યા નિષ્ફ્ળ બની જતાં પુનર્જન્મના ચક્કરમાં ફસાયા હતાં તેમ કોઈ અગમ્ય લાગણીઓથી હું ન જોયેલ હરણનો શોક કરતી હતી.. ક્યાં પેલાં વૃક્ષને પ્રેમ કરતી ,ક્યાં હરણોને પોતાના પ્રેમની વાતો કરતી ,શકુન્તલાનો દેશ ભારત અને ક્યાં એન્જલિનાનો બાપ !! મને પાંચ વર્ષે હવે
મારી મા ભોમ યાદ સતાવતી હતી..
૧૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક
વિશ્વના કોઈપણ ખૂણામાં રહેતો માનવ ઉત્સવપ્રેમી તો ખરો જ…દરેકના પોતીકા તહેવારો અને પોતીકી ઉજવણી. જરાક ઊંડાણથી જોઈએ તો ક્યાંકને ક્યાંક તો એની ઉજવણીમાં સામ્યતા ય નજરે પડશે જ.
દરેક તહેવારો આપણી રોજીંદી ઘટમાળમાં અનન્ય ઉત્સાહ અને તાજગી લઈને પ્રવેશે. દરેક તહેવારો પાછળ કોઈને કોઈ ધાર્મિક સમજ કે સામાજિક હેતુ પણ હોવાનો જ. દિવાળી હોય કે ક્રીસમસ ચારેકોર રોશનીનો ઝગમગાટ. પછી ભલે એ દિપ પ્રાગટ્ય સ્વરૂપે હોય કે ક્રીસમસ કેન્ડલ કે પછી લાઈટોનો ઝગમગાટ પણ મૂળે વાત રોશન થવાની. મનમાં, જીવનમાં રોશની- ઉજાસ ફેલાવાની વાત. રાજી થવાની -રાજી કરવાની વાત.
આજના અતિ કામઢા- પ્રવૃતિમય દિવસોમાં ઘરમાં જ રહીને પણ ઘરના સદસ્યો એકમેક માટે કે એક બીજાને સમય આપી નથી શકતા ત્યારે આવા તહેવારો સૌને સાથે રહેવાનો સમય અને સંજોગો આપે છે. દિવાળીમાં સૌ સાથે જમે એવી રીતે ક્રીસમસ ડિનરનો રિવાજ છે જ ને!
બાળકો કેટલા નિર્દોષ અને સહજ હોય છે નહીં? એને મન તો ક્રિસમસ એટલે ઘરમાં સજાવેલું મસ્ત મઝાનું એક લીલુછમ ટ્રી જેની પર ચાંદલીયા જેવી નાની નાની લાઈટો ઝિલમિલાતી હોય. લાલ, લીલા, સોનેરી, રૂપેરી , વાદળી રંગના મઝાના બોલ લટકાવેલા હોય. વચ્ચે વચ્ચે નાની અમસ્તી ઘંટડીઓ ટીંગાડી હોય અને એ લીલાછમ રોશનીથી શોભતા ટ્રીની સૌથી ઉપર એક તારો મુકેલો હોય. કહેવાય છે કે આ તારો એ દૈવી હાજરીનું પ્રતીક છે પણ બાળકોને આ બધા સાથે શી નિસ્બત? એમને તો રસ હોય છે પેલા દૂર દૂરથી સ્લેજ પર સવાર થઈને ખભે ગિફ્ટનો થેલો લટકાવીને આવતા ગોળમટોળ સાન્તા ક્લોસમાં અને સાન્તા તરફથી મળનારી ભેટમાં .રાત્રે સૂઈ જાય ત્યારે આ સાન્તા ચીમની વાટે આવીને એમના માટે ભેટ મુકી જશે અને કદાચ આ ક્રીસમસ ટ્રી નીચે સૂઈ જવાથી એમનો ભેટો પણ થઈ જાય એવી મનમાં ઊંડે ઊંડે આશા પણ ખરી જ તો.
આપણી દિવાળીમાં બાળકોને આશીર્વાદરૂપે જે કંઈ આપવામાં આવે એને બોણી કહીએ છીએ એવી જ રીતે અહીં બાળકો અને પરિવારના સભ્યોને ગિફ્ટ આપવાની પરંપરા. આ પરંપરા અહીં જરા જુદી રીતે ઉજવાય. અહીં ક્રીસમસની આગલી રાત્રે શણગારેલા ક્રીસમસ ટ્રી નીચે ગિફ્ટ્સ મુકાઈ ગઈ હોય જે નાના બાળકોને સાન્તા ક્લોસ તરફથી મળે છે એવું કહેવામાં આવ્યું હોય છે અને એ કાલ્પનિક પાત્ર બાળકોને એટલું તો વહાલું છે કે એ કલ્પનાથી પણ બાળકો રાજી રાજી થઈ જાય. આ સાન્તા એક એવી જ વણદેખી પણ માની લીધેલી, સ્વીકારી લીધેલી વ્યક્તિ છે જેને આવકારવાની ઉત્સુકતા અને ઉલ્લાસ બાળકોના મનમાં હંમેશ એટલો તો અનેરો હોય છે. આપણામાં ય દેવદૂત કે પરીની એવી જ કાલ્પનિક છબી લઈને બાળક કેટલું રાજી રહેતું હોય છે? આ સાન્તા , દેવદૂત કે પરીઓનું સામ્રાજ્ય તો એવું તો અનોખું અને અડોલ…..
અને એટલે જ ઘરમાં વર્ષે એકવાર પેલા ચીમની દ્વારા આવતા મોંઘેરા મહેમાન માટે કૂકી કે ચોકલેટસ મુકવાનું પણ બાળકો ભૂલતા નથી. કેવી સરસ આતિથ્યની ભાવના ! અહીં પણ નાનપણમાં કંઈક લેવાની સામે કંઈક આપવાની ભાવના ય વિકસે જ ને? આ પરંપરામાં કદાચ પૈસાનું મહત્વ કે મૂલ્ય નથી . મહત્વ છે કોઈના ચહેરા પર ખુશીની લહેર લાવવાનું. સમગ્ર વિતેલા સમય દરમ્યાન કોઈએ આપણા માટે કશું કર્યું છે એની કદર કરતા શીખવાનું. કોઈ વ્યક્તિ આપણા માટે કેટલી મહત્વની છે એ લાગણી એના સુધી પહોંચે એ દર્શાવવાનું.
પરંપરા પૂર્વની હોય કે પશ્ચિમની એક વાત સર્વવિદિત છે કે પામવાની સાથે આપવાની ભાવના કેળવવાની. અહીં નાનપણથી જ બાળકો પણ શેર કરવાનું શીખે જ છે ને! પરમપિતા પાસેથી જે કંઈ મળ્યું છે એને સૌ સાથે વહેંચીને ભોગવવાની વાત છે. આ શેર – આ ભાગ સ્વજનના નામે, સ્નેહીના નામે કે સાન્તા ક્લોસ નામે પણ હોઈ શકે.
એવી જ રીતે.. ભગવાનનો ભાગ તો રાખવાનું આપણેય ક્યાં ભૂલીએ છીએ?
યાદ છે ને…આ પંક્તિઓ ?
બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
–આ ભાગ ટીંકુનો
– આ ભાગ દીપુનો.
– આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
આ ભાગ ભગવાનનો!
સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા.
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.
ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઈ જાય એમ કહેતા.
અને અહીં પણ બાળકો એમ જ માને છે ને કે રાત્રે ક્રીસમસ ટ્રી નીચે સાન્તા ક્લોસ આવશે અને એમના માટે મુકેલી કૂકી અને કેન્ડીનો ભાગ રાજી થઈને ખાશે….કલ્પના જ કેટલી સોહામણી છે નહીં!
આવું જ સોહામણું સૌનું વર્ષ વિતે એવી શુભેચ્છા…
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
દ્રષ્ટિકોણ 23: અલહ્મ્બ્રા ની કરુણ કથની અને કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ – દર્શના
નમસ્તે મિત્રો. હું, દર્શના વારિયા નાડકર્ણી, તમને બેઠક ની દ્રષ્ટિકોણ કોલમ માં આવકારું છું. આજે ઇતિહાસ માં ડૂબકી મારીએ। આ અઠવાડિયે નાતાલ ની ઉજવણી ચાલી રહી છે તો આપણે એક અદભુત ચર્ચ અને મસ્જિદ છે તે જગ્યા વિષે માહિતી મેળવીએ। મને વિજ્ઞાન, ભૂગોળ, ખગોળશાસ્ત્ર વગેરે બધા વિષયો ગમે છે પણ ઇતિહાસ મારી દીકરી અને મારો પ્રિય શોખનો વિષય (હોબી) છે. મારી દીકરી ની સ્કૂલ ખતમ થઇ ત્યારે કોલેજ માં જતા પહેલા તેણે મને કહ્યું કે મારી હંમેશા ઈચ્છા હતી કે સ્કૂલ પુરી થાય ત્યારે આપણે સ્પેઇન માં અલહ્મ્બ્રા પેલેસ જોવા જઈએ. મેં કહ્યું તો આપણે તે ઈચ્છા પુરી કરીએ. તેણે કહ્યું કે પણ મમ્મી,આપણી પાસે પૈસા તો નથી. મેં કહ્યું, હું કામ માટે ખુબ મુસાફરી કરતી હતી તેના માઈલ ભેગા થયા છે અને બાકી આપણે બસ માં મુસાફરી કરશું અને હોસ્ટેલ માં રહેશું. પણ મેં તેને કહ્યું કે જતા પહેલા સ્પેઇન નો પૂરો ઇતિહાસ શીખી લે. તેણે પૂરો અભ્યાસ કર્યો અને મને નાની નાની સ્પેઇન ની વાતો કહેતી હતી. ત્યાં ગયા ત્યારે અમે ગાઈડ ના પૈસા તો રાખ્યા નતા પણ કિન્ડલ ઉપર રિક સટિવ્સ ની ગાઈડ બુક લઇ ગયેલા. દરેક જગ્યાએ જે જોતા હોઈએ તે પેજ ઉપર ખોલીએ એટલે ગાઈડ આપે તેવીજ માહિતી લખી હોય. એટલે દરેક જગ્યાએ અમે જોતા જોતા તે માહિતી વાંચતા જતા.
મારી દીકરીને અલહ્મ્બ્રા નો પેલેસ ખાસ જોવો હતો. તેણે મને તેના વિષે એક વાત કહેલી એટલે હું પણ જોવા માટે આતુર હતી. તો સ્પેઇન ની વાત સાંભળો. વાત ની શરૂઆત સ્પેઇન ની મશહૂર ક્વિન ઇસાબેલા થી કરીએ. 1400 ની સદી માં, એ સમયે કુરાન અને બાઇબલ ના શિક્ષણ પ્રમાણે ક્રિસ્ટીઅનસ અને મુસલમાનો વ્યાજ ઉપર પૈસાની લેવડદેવડ કરી શકતા નહિ. તેથી તે કામ જુઇશ લોકોએ સાંભળેલું. ધીમે ધીમે તેમાંથી જુઇશ લોકો વધારે ધનવાન બની રહ્યા હતા અને તેમની તરફ વિરોધ અને શત્રુતા નું વાતાવરણ ફેલાઈ રહ્યું હતું. 1469 માં ઇસાબેલા અને ફર્ડીનાન્ડ ના લગ્ન થયા. ઇસાબેલા કેસ્ટિલ નામની રાજધાની ની રાજકુંવરી હતી અને ફર્ડીનાન્ડ આરોગોન નામની રાજધાની નો રાજકુંવર હતો. તેમના જોડાણ થી બે રાજ્યો ભેગા થયા અને તેમનો સતા વધી ગઈ. તેના ભાઈ નું તેવામાં મ્રત્યુ થયું અને ઇસાબેલા અને ફર્ડીનાન્ડ નું રાજ્ય શરુ થયું. જે આજે સ્પેન તરીકે ઓળખાય છે તે રાજ્ય ઇસાબેલા અને ફેર્ડીનૅન્ડ હેઠળ એકીકૃત થયેલ. ઇસાબેલા ક્રિશ્ચિયન ધર્મ આખી દુનિયા માં ફેલાવવા માંગતી હતી. ધીમે ધીમે તેણે જુઇશ અને મુસલમાન લોકોને બદલવાનું અને કેટલાયને દેશનિકાલ કરવાનું શરુ કર્યું. આજુબાજુના રાજ્યો સાથે ઇસાબેલા અને ફર્ડીનાન્ડ યુદ્ધ કરતા અને પોતાની સત્તા જમાવતા ગયા. તેમને 7 બાળકો થયા. ઘણીવાર પ્રેગ્નન્ટ હોવા છતાં ઇસાબેલા પોતે યુદ્ધ માં ઉતરતી અને હંમેશા સફેદ કપડાં ધારણ કરીને તે યુદ્ધ માં જતી.
લડ નહિ તો રડ
મોટા ભાગના મુસલમાન અને જુઇશ લોકોને દેશનિકાલ કર્યા બાદ એક ગ્રેનેડા નું રાજ્ય બાકી રહ્યું. Emirate of Granada નું રાજ્ય મુસલમાન રાજા બોબદીલ ના હાથ માં હતું. આખરે તેઓએ ત્યાં યુદ્ધ કર્યું. આસપાસ ના નાના નાના રાજ્યો ખરી પડ્યા અને આખરે ગ્રેનેડા એ હાર સ્વીકારી. તેમણે પેલેસ ની ચાવી ઇસાબેલા ને સોંપી અને ઇસાબેલા એ તેના બદલામાં તેઓને શાંતિ થી દેશનિકાલ થવાની પરવાનગી આપી. મારી દીકરીએ મને એક વાત કહેલ કે જયારે બોબદીલ ગ્રેનેડા ના પેલેસ, જેને લોકો “પૃથ્વી ઉપર ની જન્નત” નામે જાણતા, તેની ચાવી ઇસાબેલા ને સોંપી ને બધા લોકો જોડે દેશનિકાલ થતો હતો ત્યારે બોબદીલ રડતો હતો. તેને રડતો જોઈને તેની મા એ તેને તાણો માર્યો કે “એક મર્દ ની જેમ લડીને તું તારું રાજ્ય બચાવી શક્યો નહિ, જા હવે એક સ્ત્રીની માફક રડ”.
અલહ્મ્બ્રા નો પેલેસ
અલહ્મ્બ્રા નો પેલેસ અદભુત ઇસ્લામિક ઇમારત ના પ્રતીક સ્વરૂપે મશહૂર છે. અલહ્મ્બ્રા ને UNESCO World Heritage Site ગણવામાં આવે છે. તેની અંદર ની કારીગીરી અને જીણા જીણા કોતરેલ કુરાન ના શ્લોકો, તેની આસપાસ ના બગીચા, ફુવારા વગેરે તેઓની પ્રગતિશીલ સંસ્કૃતિ નો પુરાવો છે અને ત્યાંની સુંદરતાએ ને કવિઓએ ઘણા કાવ્યો માં વણી લીધી છે. તે સમય ના કવિઓ અલહ્મ્બ્રા નું વર્ણન આ પ્રમાણે કરતા – “નીલમણિ વચ્ચે જડેલ મોતી”। ઇસાબેલા એ કોર્દોબા ની મસ્જિદ ને તોડી નહિ પણ તેને ચર્ચ માં બદલી નાખી. મારી દીકરી અલહ્મ્બ્રા પેલેસ જોવા આતુર હતી પણ હું તો કોર્દોબા ની મસ્જિદ/ચર્ચ ને જોઈનેજ તાજ્જુબ થઇ ગઈ.
કોર્દોબા ની ચર્ચ/ મસ્જિદ
છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન મુસલમાનોએ અરજી કરેલ છે કે તેમને પણ ત્યાં પ્રાર્થના કરવાની પરવાનગી મળે પણ તે અરજી મંજુર કરવામાં આવી નથી. પણ જબરજસ્ત મસ્જિદ અને ચર્ચ માં બંને ધર્મ ને જુદા જુદા દ્રષ્ટિકોણ થી જોવા મળે છે. મસ્જિદ તરીકે જોઈએ તો એક મુલ્લા ની પદવી સામાન્ય માનવી કરતા ખુબ ઊંચી નથી. તેથી ત્યાં મુલ્લા ની જગ્યા ઊંચી નથી. મુલ્લા નો અવાજ ચારે કોર સંભળાવો જોઈએ અને તે પ્રમાણે એ બોલે ત્યાં એ પ્રકારનું બાંધકામ છે કે ત્યાંથી મોટો પડઘો ચારે બાજુ સંભળાય છે. પ્રાર્થના હોલનું કેન્દ્રબિંદુ મુલ્લા જ્યાંથી બોલે છે તે મિહરાબ છે. દરેક મસ્જિદ માં મિહરાબ નું મહત્વ હોય છે. મિહરાબ એટલે એક વિશિષ્ટ જગા જે દરેક પ્રાર્થનાર્થીને મેકકા તરફ ની દિશા બતાવે છે. કોર્દોબા માં મિહરાબ ઉપર એક ચમકતો ગુંબજ છે અને તેને ઘેરીને સ્તંભો છે જેના ઉપર અરબી ભાષાના શિલાલેખ સાથે બાયઝેન્ટાઇન-શૈલી ના મોઝેઇક થી કરેલ ચિત્રકામ છે. દરેક મસ્જિદ માં મીનરેટ હોય છે જ્યાંથી પાર્થના માટે લોકોને બોલાવાય છે. મસ્જિદ માં કોઈ મૂર્તિ કે સ્ટૅચુ હોતા નથી.
આ અધભૂત મસ્જિદ ને ઈસાલબેલા ના લોકોએ તોડી નહિ પણ આ અદભુત જબરજસ્ત મસ્જિદ ની વચ્ચોવચ તેમણે એક ચર્ચ ચણી દીધું। મસ્જિદ ની વચ્ચેવચ આ કૈથેડરલ છે. તેમાં છે જબરજસ્ત ઓલ્ટર, ગોથિક છત, બરોક લેક્ટરન અને પ્રિસ્ટ માટે પલ્પપીટ અને વચ્ચે મોટા મેરી અને જીસસ ના સ્ટેચ્યુ। ચર્ચ ના શિક્ષણ અનુસાર ભગવાન લોકો થી દૂર અને ખુબ મોટા અને ઉપર બિરાજે છે. તેની છત આસ્તે આસ્તે તેને ફરતી મસ્જિદ માં ભળી જાય છે. આ મસ્જિદ/ ચર્ચ ની બહાર અને મધ્યમાં ફુવારા સાથેનો આંગણ, નારંગી ગ્રોવ, અને આંગણાને ફરતા કવરવાળા વૉકવે અને મીનરેટ છે. આ ચર્ચ અને મસ્જિદ નું જે મિશ્રણ કોર્દોબા માં છે તે ધર્મ નું એક અનોખું દ્રષ્ટિકોણ દાખવે છે. ભગવાન નું નિશ્ચિત સ્વરૂપ નથી. ભગવાન લોકોની શ્રદ્ધા અને માન્યતા પ્રમાણે આકાર લ્યે છે. અને એકજ જગ્યાએ તે જોવાનો અનુભવ એક અદભુત અનુભવ છે.
Alhambra
Cordoba
ચોપાસ-3-
સિક્કિમની અમારી સફર દરમ્યાન કુદરત ની સાથે કુદરતના ખોળે રહેતા માણસોને જોવાનો એક મોકો મળ્યો. મારી નજર કોણ જાણે કેમ પહાડોની સાથે રસ્તા પાર ચાલતા નિશાળે જતા બાળકો પર પડતી અને મારી ઉત્સુકતા અમારા ડ્રાઈવર જેમ્સને પૂછી ઉઠતી ,અહીં સ્કૂલ બસ નથી આ બાળકો આમ પહાડમાં એકલા જાય છે ,તમને ડર નથી લાગતો। .આ છોકરીઓ સાવ સુમસાન રસ્તા પર જાય છે તો। …અને હું વાક્ય પૂરું ન કરું તો પણ એ સમજી જતો અને તરત જવાબ આપતો આજ સુધી કોઈ તમે વિચારો છો તેવી ઘટના સર્જાય નથી.મસ્તીમાં ક્યારેક ભૂતની વાતો કરે અને પૂછે ડર લગતા હે? .. અમે પૂછીએ અહીં ભૂત દેખાય છે તો કહે હા દેખાય છે. તમે ડરો છો ?મેં કહું દેખા નહિ તો કહેશે પતા ચલે! .દેખના હે ? તો ડરો જો ડરતા હે ઉસે ભૂત દિખતા હે…… ચાર વાગ્યામાં તો અંધારું થઇ જાય..મોટા પહાડો અને ગીચ જંગલ।..કોઈ વાઘ વરુ કે એથી પણ વધારે કોઈ વરુ જેવા માણસો ..અને હું વિચાર માત્ર થી ધ્રુજી ઉઠતી એ જ ધ્રુજારી મને એમની જિંદગીમાં ડોકયા કરાવતી ..આખી મુસાફરી દરમ્યાન આમારો ડ્રાઈવર અમને કૈક અવનવી વાતો કહેતો. સિક્કિમના પહાડી લોકોના રીત રિવાજ વગેરે અમે એની પર્સનલ વાત પણ ક્યારેક મજાક કરીને પૂછતાં.સાંજે અમને હોટેલમાં પાછા મુકતા પહેલા અચૂક બિયરની બે બોટલ લેતો અમને મૂકી પછી પોતાના રહેવાના સ્થળે જઈ ખુબ પીતો એકવાર હું મારુ ચાર્જર ગાડીમાં ભૂલી ગઈ મેં ફોન કરી એને કહ્યું જરા રૂમ પર આપી જશે તો કહે નહિ અભી નહિ અબ મેં બેડ સો ગયા કલ ગાડીમેં ચાર્જ કર લેના.. અને ફોન મૂકી દીધો.આ રોજ નો એનો પ્રોગ્રામ સવારે પણ વહેલો ન આવે ચિક્કર પીને જલ્દી ઉઠતો નહિ. .
આખો પ્રદેશ ખુબ રળિયામણો અને આજુબાજુ ગીચ જંગલ, નાના નાના ગામ અને હાટડીઓ જેવી નાની ગરમ કપડાંની દુકાનો ,ચાર વાગે ત્યાં બધું શાંત જાણે બધા પોતાના ઘરમાં ન ઘુસી ગયા હોય.. .
એક દિવસ ફોટા પાડવામાં સમય વીતતો ગયો, સૂર્યે અસ્તાચલ પરથી વિદાય લીધી.અમે ફરીને પાછા આવતા થોડું મોડું થઇ ગયું ચોપાસ રાતનું અંધારું પથરાવા લાગ્યું. અને ગાઢ અંધકાર ફેલાઇ ગયો,અંધારામાં ઘાટમાં એ ગાડી ચલાવે ત્યારે ખુબ ડર લાગે,બેત્રણ વાર કહેવાય જાય ભાઈ ધીરે ચલાવજે ,પણ જુવાન લોહી અને વાતચિતમાં થોડો અલ્લડ પણ અમે ડરતા ડરતા બેસી રહ્યા।..અને એને ઘરે પોંહચવાની ઉતાવળ એટલે કહે બીજીવાર ફોટા પાડવામાં આટલું મોડું ન કરતા.ત્યાં એક નાનકડું ગામ આવ્યું બરાબર દાખલ થતા પોલીસો દેખાણા અમારી ગાડી ઉભી રખાવી એને નીચે ઉતાર્યો કાગળ માંગ્યા ક્યાં જાય છે ? પૂછ્યું, પછી પોલીશ અમારી ગાડી તરફ આવ્યો, આવી ગાડીમાં જોયું અને પુછ્યું બીજું કોઈ છે ? બસ ચાર છો ? અમે કહ્યું હા આ પ્રાઇવેટ ટેક્સી છે.. ક્યાંથી આવો છો। .અમે મુંગા મુંગા ઈશારા કર્યા.. .અમે ભારતીય છે અને મુંબઈથી આવ્યા છીએ એમ કહ્યું..ત્યાં (NRI )માટે અમુક જગ્યા એ જવા માટે પરમિટ જોઈએ છે એ અમે જાણતા હતા.. અમારા ચહેરા પર થોડો ભય ઉપસી આવ્યો. પોલીસ બોલ્યા આ સ્ત્રીને તમારી ગાડીમાં બેસાડો.હાથમાં એક પર્સ અને નાની થેલી, ખુબ દેખાવડી અમે જવાબ વાળીએ તે પહેલા ત્યાં જેમ્સ આવ્યો અને કહે આ સ્ત્રીને આપણી ગાડીમાં લિફ્ટ આપું છું એને આપણી હોટલ પાસેજ જવું છે. અને દરવાજો ખોલી અમારી બાજુમાં બેસાડી. અમારો ડર વધી ગયો આ કોઈ આડાઅવળા ધંધા તો નહિ કરતી હોય ને ? ક્યાંયક કોઈ માલની હેરાફેરી હશે તો ?આ હવાલદાર જેમ્સ અને સ્ત્રી બધા મળેલા હશે તો ? અને વધુ કંઈ પૂછીએ કે બોલીએ એ પહેલા જેમ્સે ગાડી હંકારી.અમે સૌ મૌન….અણઘટતા સવાલો થી આ પોલિશ હેરાન નહિ કરે ને ? ડરના માર્યા બેઠા રહ્યા.પેલી એ કહ્યું તમારી હોટલ પહેલા મારુ ગામ આવશે મને ઉતારજો હું અંદર ચાલીને જઇશ, સફર દરમ્યાન ચાર પાંચ કોઈને ફોન લગાવતી રહી એની ભાષામાં વાત કરે હશે.જેમ્સ સમજે અને એની ભાષામાં વાત કરે અને પેલી જવાબ વાળે . હોટેલ પહેલા બજારમાંથી દારૂની દુકાન માંથી જેમ્સે દારૂ લીધો અને સામે એક બીજો ટેક્સીવાળો એનો મિત્ર હશે તેને કહ્યું ચલ મળીએ આ લોકોને મૂકીને જલ્દી આવ્યો જ સમજ.પેલીએ પણ હસીને એને હાય કહ્યું .અમારી હોટલ આવી પણ એ ન ઉતરી અમારો સમાન જેમ્સે હોટલમાં ઉતાવળમાં જ ઉતાર્યો અને બોલ્યો હું જાવ છું .. તો કાલે 10 વાગે મળશું। .. અને પેલી સ્ત્રી હસતી હસતી એની બાજુમાં આગળ ગોઠવાઈ ગઈ। ..અને જેમ્સે ગાડી મારી મૂકી। .અમારું બધાનું મોઢું જોવા જેવું હતું। . આ સ્ત્રી કોણ હતી….સારી હતી કે ધન્ધો કરનારી ?..એની થેલીમાં શું હશે? . એ પહેલા ઉતરવાની હતી તો કેમ ન ઉતરી ? એના થેલામાં શું હતું ? આટલી મોડી અંધારામાં ઘરે જવા કેમ નીકળી? આ જેમ્સના કોઈ લોચા નથી ને ?આટલા નિર્જન રસ્તાપર અજાણ્યા લોકોની લિફ્ટ માગવી અને એ પણ પોલિશ અને જેમ્સ સાથે મળી ગાડીમાં એને બેસાડવી .. અમે કુદરતી સૌંદર્ય જોયું હતું તે ભૂલી ગયા અને અમે પ્રશ્નોના ચોપાસથી ઘેરાઈ ગયા। . અમે આખી રાત અને ડિનર દરમ્યાન વિચારોમાં ઘેરાયેલા જ રહ્યા અંતે આ સ્ત્રી હતી કોણ ?
વધુ આવતા શુક્રવારે
પ્રજ્ઞા દાદભાવાળા