હાસ્ય સપ્તરંગી -(૨૮)ત્રણ ફ્રેમ!-રશ્મિ જાગીરદાર

“ગુડ મોર્નિંગ રજત કેમ બે દિવસ થી દેખાતા નથી બહાર ફરી આવ્યા કે શું ? ”

રજત જેવો ઓટલે નીકળ્યો તેવું જ કામેશ ભાઈએ કહ્યું. સળંગ ઓટલા વાળા ઘરમાં રહેતા બે પાડોશી ઓ વાત કરી રહ્યા હતા.
રજત કહે :–“ના ભાઈ  ના, ક્યાંય  ગયા નથી, આતો ત્રણેક દિવસથી મહેમાન છે, એમાં અટવાયો છું”.
કામેશ કહે :–” ઓહ એમ વાત છે ,કોઈ સગા માં હશે નહિ ?”
રજત કહે :–” હા દુરના સગા છે સાસરી તરફના.”
અવાજ સાંભળી ને રજતની પત્ની સીમા બહાર આવી ને કહે , ” ખરા છો તમે , મહેમાન, મહેમાન  શું કરો છો હમણા ઉઠી એ આવશે તો કેટલું ખરાબ લાગે !”
ત્રણે  જણ થોડીવાર વાત કરતાં ઉભાં હતાં, એટલામાં મહેમાન રમણ ભાઈ આવીને ઉભા.
કમલ કહે :–“ઓહો, આ મહેમાન છે એમ ને ?કેમ છો ? આવો આવો ભાઈ, અમારા  ઘરે ચા પાણી કરીએ , પાડોશી ના મહેમાન એ અમારા પણ મહેમાન .”
રમણ કહે :– ”  મઝા માં છું પણ વાત એમ છે કે , હું રાત્રે 2 ની ફ્લાઈટ માં જ આવ્યો અને સુઈ ગયેલો હજી હમણાં જ ઉઠ્યો એટલે ચા પાણી  પણ બેન બનેવી ને ત્યાં નથી કર્યા તો એમને ખરાબ લાગે , ફરી ક્યારેક આવીશ “
કમલ કહે :–”  વારુ  તમારી અનુકુળતા એ આવજો “
પછીના દિવસે  કમલ,  રજતનાં  ઘર  આગળ જઈને કહે ચાલો , આજે તો ઘરે બટેટા વડા  બનાવ્યા છે , મહેમાનને લઇને આવો , ”  કોઈ દેખાયું નહિ એટલે કહે મહેમાન હજી નથી ઉઠ્યા કે શું ?
સંભાળીને રજત  કહે ” એ તો ગયા.”
એટલામાં રજત ની પત્ની આવી અને કહે :–” અરે તમને શું કહું કમલ ભાઈ , એ મારી ફોઈનો દીકરો હતો, શનિવારે અડધી રાત્રે આવી ને સુઈ ગયેલો ,અને હજી ઉઠીને આપણે  વાત કરતાં  હતા ત્યારે ,આ સાહેબ કહે ત્રણ દિવસથી મહેમાન છે . એ દિવસે માત્ર ચા પીને જે કામે આવેલો તેને માટે નીકળી ગયેલો તે છેક મોડી  રાતે  આવીને સુઈ ગયેલો, આમ રવિ વારે પણ જમ્યો તો નહિજ અને સોમ વારે સવારે તો વહેલો ઉઠીને ગયો પણ ખરો તેની ફ્લાઈટ  સવારે 4 વાગે હતી  હવે બોલો, આમને  શું કહેવું મારે ?”
રજત કહે:–” હા એજ ને જો શની રવિ ને સોમ 3 દિવસ થયા કે નહિ ?”
મહેમાન ને લઇ ને કમલ આવ્યો નહિ એટલે એની પત્ની તપાસ કરવા આવી કહે મને થયું કેમ કોઈ આવ્યું નહિ .
કમલ કહે :- ” સીતા, આ તારા અમદાવાદી પાડોશીની વાત સાંભળ જો , પેલો બિચારો શની અને રવિની રાત સુઈ જ રહ્યો  છે માત્ર રવી વારે સવારની ચા જ પીધી છે ” કમલને અધવચ્ચે અટકાવીને,  રજતની પત્ની કહે :– ” જોરદાર વાત તો એ છે કે શનિ વારે આવી ને માત્ર ઉંઘી ગયેલા મહેમાન માટે એમણે કહ્યું કે 3 દિવસ થી મહેમાન છે !  બોલો આ કેવી ફિલોસોફી !”  બધા ખડખડાટ હસી પડ્યા , હસતાં હસતાં સીતા કહે  ” સાંભળો, સાંભળો.  આવી જ મઝાની એક વાત મને પણ યાદ આવે છે, મારા પપ્પાના એક મિત્ર એક દિવસ ઘરે આવ્યા ને કહે , અલ્યા , મારે ઘેર તો જબરું નુકશાન થયું !!! મારા પપ્પાએ પૂછ્યું, “કેમ શું થયું ?”  તો કહે , “મારા દાદા નો મોટો ફોટો હતો કાચની ફ્રેમ વાળો યાદ છે ? બહાર ડ્રોઈંગ રૂમમાં લટકતો હતો?”
મારા પપ્પા કહે:–” હા , તેને શું થયું ?”
 મિત્ર કહે :–” એ ફોટો પડી ગયો ને કાચ એટલે તૂટી જ જાય ને? મારે તો  ત્રણ ફ્રેમની ઉઠી !!!  કેટલો ખર્ચો ! બોલો “
 પપ્પા કહે :–” ત્રણ ફ્રેમ કેમની તોડી નાખી એકસાથે ?”
મિત્ર કહે :–” યાર સમજો તો ખરા , એક ફ્રેમ હતી કે નહિ ?
પપ્પા કહે :–” બરાબર “
મિત્ર:-” એક ફ્રેમ તૂટી કે નહિ ?”
પપ્પા કહે :–” હા ભાઈ તૂટી, તેનું શું ?”
મિત્ર કહે :–” હવે એક ફ્રેમ નવી લાવવી પડશે ખરું કે નહિ ? તો મને તો ત્રણ ફ્રેમની ઉઠી ને ભાઈ!”  આ વાત સાંભળીને બધા તો હસી જ પડ્યા પણ જયારે રજત પણ ખડખડાટ હસી પડ્યો, અને કહે, ” હસવું તો પડશે જ હોં ભાઈ!” ત્યારે સૌને ફરી એકવાર હસવું આવ્યું.

હાસ્ય સપ્તરંગી -(૨૭)જુતાની કમાલ.-જયવંતી પટેલ

હાસ્ય એ સપ્તરંગી મેઘધનુષ સમાન છે.  જીવનનાં અનેક પ્રસંગો જુદા જુદા રંગે જોવા, જાણવા મળે છે.ચાલો જોઈએ જુતાની કમાલ.

 

પાવડી, પગરખાં, મોજડી ને ચંપલ

બુટ, નાઈકી સુઝ, હીલ તો લાગે ઝંઝટ

રંગ બે રંગી જુતા, નાના મોટા ને ગમતાં

ફાટેલાં જુતા, સહુને હસાવતાં

જે ચલાવે અટપટી ચાલ, દેખતાં રહીએ જુતાની કમાલ

 

ફાટેલાં જુતાની તો વળી વાત હોય !! તેને તો ફેંકી દેવાના હોય !  પણ નવા ન આવે ત્યાં સુધી શું કરવું ? કોઈ મોચી પાસે સંધાવી લેવા !  અને અરે ! રસ્તામાં ચાલતાં ચાલતાં ચંપલ તૂટી જાય તો ભારે પંચાત.  પવન સૂસવાટા લેતો હોય, મેઘરાજાની કૃપા વૃષ્ટિ થતી હોય, છત્રી લેવાનું ભુલાય ગયું હોય, કપડાં ભીંજાય ગયા હોય અને ચંપલ તૂટી જાય ત્યારે મનમાં એવી ભાવના આવે જ આવે કે આ ચંપલ જેવું દગાખોર બીજું કોણ હોય શકે?

 

જુતા વિના કોઈ દિવસ તમે ચાલ્યા છો ?  જુતા કેટલી અગત્યની જરૂરિયાત છે એ તો જયારે તમારે જુતા વિના પાણીમાં, અગર ગરમ લાય બળતી જમીન પર કે તીણા પથ્થરવાળા રસ્તા પર ચાલવું પડે તો ખબર પડે!  બાકી ઠંડા પ્રદેશમાં વસતા લોકો બરફ કે ઠંડીમાં જુતા વગર ચાલી શકતા હશે એવું સ્વપ્નમાં પણ નહીં વિચારતા.  બરફમાં ચાલવાં માટે તો ખાસ બરફમાં લપસી ન પડાય તેવા જોડા પહેરવાં પડે છે.  અને ઠંડીથી બચવા અંદરની બાજુ ગરમ સુંવાળુ ઊન રાખી જુતા બને છે.  તમે કોઈ દિવસ એ વિચાર્યુ છે કે જુતા કેટલી પ્રકારના, માપનાં, ડીઝાઈનના, રંગના, કિંમતના હોય છે ?  આખું એક પૂસ્તક લખાય જાય.

 

લંડનની એક ફેમિલી, પતિ, પત્નિ અને બે બાળકો પહેલી વખત, સંયુક્ત, દેશ ફરવા ગયા.  દેશ પહોંચ્યા એટલે જૂની પ્રથા પ્રમાણે પહેલી મૂલાકાત મંદિરની કરી.  ચારે જણા તેમનાં લંડનના સુઝ યાને કે જુતા બહાર કાઢી, ભગવાનના દર્શન કરી રહયા હતાં ત્યારે બહાર આરામથી એમના જુતા લઈને કોઈ પલાયન થઇ ગયું.  મંદિરની બહાર આવ્યા ત્યારે શોધાશોધ થઇ રહી.  પણ કંઈ પત્તો ન લાગ્યો.  આખરે ત્યાંથી રીક્ષા કરી સીધા જુતાવાળાની દૂકાને જઈ બીજા જુતા ખરીધ્યા.  ચોરાયેલા જુતા રવિવારની બજારમાં વેચવાં મૂકાય ગયા અને એમનાં એક સગાએ જઈ એ ખરીદી લીધા.  ભગવાન પણ મૂંઝાય ગયા હશે કે આ મારા દર્શન કરવા આવનારની શું દશા થઇ છે ?  મારામાંથી શ્રધ્ધા ઓછી ન થઇ જાય તો સારૂ !!!

 

મારો એક પ્રસંગ એવો બન્યો કે ભૂલાતો નથી.  યોગાના વર્ગમાં લગભગ 50/60 વિદ્યાર્થીઓ હાજર રહે છે.  દરેકને જુતા દરવાજાની પાસે કાઢવાના હોય છે.  પછી પોતપોતાની મેટ્સ ઊપર જઈ બેસી જવાનું.  વર્ગ પૂરો થાય ત્યારે પોતપોતાનાં જુતા પહેરીને જતા રહે –  એક ભાઈ મારા પીન્ક લીટીવાળા, પીન્ક દોરીવાળા જુતા પહેરીને જતાં રહયા.  હું બધાને પૂછી વળી.  આખરે થાકીને જુતા વિના કારમાં બેસી ઘરે ગઈ.  બીજે દિવસે એ ભાઈની રાહ જોતી પહેલાં જ પહોંચી ગઈ.  જેવા એ ભાઈ આવ્યા એટલે તેમણે જુતા કાઢી બારણા પાસે મૂક્યા અને મેં એ તરત લઇ લીધા.  જાણે કોઈ જંગ સર કર્યો હોય એવો મનમાં આનંદ થયો.

વર્ગના અંતમાં એ ભાઈને એમના જૂના જુતા પહેરતાં મેં જોયા.  પાસે જઈ પ્રશ્ર્ન કર્યો ત્યારે કોઈપણ ભાવ વગર મારી સામે જોતા રહયા, થોડું મુશ્કુરાયા અને ચાલવા માંડ્યું.  શું જુતાનું આકર્ષણ !!!

 

જુતાની શું વાત કરું ?  એક દરદી હોસ્પિટલમાં આવી રહયો હતો.  એનો એક પગ લંગડાતો હતો.  ત્યાં ઊભેલા બે ડોક્ટરોએ એને જોયો.  એક ડોકટરે ધારણા કરી કે ચોક્કસ, મને એવું લાગે છે કે એના ઘુટણમાં દુઃખાવો હોવો જોઈએ જેનાં કારણે એ લંગાઈને પગ મૂકે છે ત્યારે બીજો ડોક્ટર કહે કે ના, એના નળાના સાંધામાં દુઃખાવો છે જેથી એ પગ બરાબર મૂકી નથિ શકતો.  દરદી અંદર આવ્યો એટલે બંને ડોક્ટરોએ પાસે જઈને પૂછ્યું કે ભાઈ, તને શું દર્દ છે ?  તારો પગ કેમ આટલો લંગાઈ છે ?  તો પેલો કહે,” સાહેબ ,

મારુ ચંપલ તૂટી ગયું છે એટલે મારે પગ ઊંચકીને મૂકવો પડે છે.” બંને ડોકટરો ખૂબ હસ્યા.  જુતા તમારી કેવી કેવી પરીક્ષા લઇ શકે છે કે ભણેલા ગણેલા ડોકટરો પણ નાપાસ થાય છે !!

 

ઘણી બહેનો ઉંચી પાતળી એડી વાળા સુઝ પહેરે છે જેને સ્ટીલેટો કહે છે ઘણીવાર આ પાતળી હીલ રસ્તામાં કે લિફ્ટમાં, સાઈડમાં રખાતી જગ્યામાં બરોબર બંધ બેસી જાય છે જાણે એને રહેવાનું સ્થાન ન મળી ગયું હોય !!ત્યારે પહેરનાર માટે ભારે મુસીબત ખડી થઇ જાય છે.  કેમે કરી નીકળે નહી.  એક પગમાં સુઝ વગર કુદકા મારતાં ચાલવું પડે છે.  એમને જોઈ ઑસ્ટ્રેલિયાના કાંગારુ યાદ આવી જાય, આમજ કુદકા મારતું ચાલે છે ભારે ગમ્મત પડે છે જોવાની.

 

જુવાની દિવાની હોતી હૈ.  એ અહીં બરાબર લાગુ પડે છે. જુવાનીમાં જુદી જુદી તરેહના જુતા પહેરી શોખ પૂરો કરી લેવો કારણકે ઘડપણમાં એવા ફેશનેબલ જુતા નહીં પહેરાય, એ નક્કી છે.  તમારું બેલેન્સ નહીં જળવાય, પડી જવાશે, પગ મોચવાઈ જશે અને ન દુખવાના સમયે પગ દુઃખ આપી દગો કરશે.  આપોઆપ ફેશનેબલ જુતાને તિલાંજલિ યાને કે રામ રામ કહી, બેલેન્સ બંધ સુઝ પહેરતા થઇ જશો.

 

જુતાનો સૌથી સદઉપયોગ તો ત્યારે થાય છે જયારે કોઈ છોકરીની કે સ્ત્રીની છેડતી થઇ હોય અને એ પગમાંથી ચંપલ કાઢી પેલાને બે ચાર ચંપલ મારે !!

 

ઈરાક ઉપર ચઢાઈ કરી ખેદાન મેદાન કરી નાખ્યું.  પછી જોર્જ બુશ ઈરાકની મુલાકાતે ગયો.  બગદાદમાં ભાષણ આપવા ઊભો થયો ત્યારે ત્યાંના એક ઈરાકીએ તેમની ઉપર જોડો ફેંક્યો હતો અને કહયું હતું કે આ તમારે માટે ફેરવેલ કીસ છે કારણકે તમે અસંખ્ય બહેનોને વિધવા બનાવી છે અને બાળકોને અનાથ.

જોયું જુતાનું જોર, ગમે ત્યાં કામે લાગી જાય છે.

 

લગ્ન પ્રસંગે જુતા સંતાડીને વરરાજાની સાળીઓ ખાસ્સા એવા પૈસા મેળવી શકે છે અને તે પણ પ્રેમથી.  “હમ આપકે હૈ કૌન ”  ફિલ્મમાં વરરાજાની સાળીઓ જુતા સંતાડીને ભારે હલચલ મચાવી દયે છે.

 

બ્રિટનની પ્રાઈમ મિનિસ્ટર ” થેરેસા મે ”  જૂદી જૂદી સ્ટાઈલના અને હિલવાળા જુતા પહેરે છે અને તેને માટે એ ખૂબ પ્રખ્યાત છે કહેવાય છે કે માર્ગરેટ થેચર તેની હેન્ડબેગ માટે પ્રખ્યાત હતી કે જે એનાં નિર્ણયો લેવામાં    મદદ કરતા અને થેરેસા મે તેનાં નાની એડી, વિવિધતા થી ભરપૂર જુતા માટે જાણીતી છે અને એના નિર્ણયો લેવામાં કદાચ મદદરૂપ થશે.  આવી છે જુતાની કમાલ !!

 

જયવંતી પટેલ

જોડણીદોષ-  નિરંજન મહેતા

મિત્રો આપ જાણો છો “આપણે આપણી ભાષાને ઉજાગર કરવા ,ગુજરાતી ભાષાના વૈશ્વિક પ્રચાર, પ્રસાર અને જાળવણીના એક નાનકડો પ્રયાસ રૂપે શબ્દોનુંસર્જન અને “બેઠક”ની શરૂઆત કરી છે જેના.ફળ સ્વરૂપે માત્ર વાંચન નહિ લખવાનું કાર્ય બેઠકમા થાય છે આપણો હેતુ છે,પુસ્તક દ્વારા નવા વિચારો સમાજને આપવા અને વાંચન ની સંવેદના ખીલવવાનો. વાંચન સાથે સર્જન કાર્ય પણ થાય છે એ સારી વાત છે.નિતનવા વિષયો સાથે લખવું અને ભાષાની સાથે કલમને પણ સર્જકોએ કેળવવી”. પરંતુ જોડણી ભૂલો દેખાય છે તો આ લેખ આપણને સૌને  માર્ગદર્શન આપશે. 

જોડણી દોષ 

આપણા નામની અંગ્રેજી જોડણીમાં જો કોઈ ભૂલ કરે તો તે આપણને તરત ખૂંચે છે અને તે સુધારવાનાં પગલાં લઈએ છીએ. પરંતુ આપણી ભાષા ગુજરાતી ભાષામાં થતી આવી ભૂલો તરફ આપણે ઉદાસીનતા દાખવીએ છીએ. મૂળ આમાં ભાષા પ્રત્યેનું અજ્ઞાન પણ કારણભૂત છે. અભ્યાસ દરમિયાન અન્ય વિષયો તરફ વધુ ધ્યાન અપાય એટલે ગુજરાતી ભાષા સાથે સાવકી મા આપે તેવું વર્તન શાળાઓમાં થતું હોય છે અને હવે તો ગુજરાતી માધ્યમની શાળાઓ એક પછી એક બંધ થતાં ભવિષ્યની પેઢી વિદેશી ભાષાઓમાં માહેર હશે, પણ પોતાની માતૃભાષા અને તેની સમૃદ્ધિ વિષે અજાણ રહેશે.

જો કે ગુજરાતી ભાષાની અસ્મિતા વિષે કેટલાક સમયથી જાગૃતિ આવી છે તે આવકારદાયક છે. સાથે સાથે ગુજરાતી ભાષામાં લખનાર વર્ગ પણ વધતો ગયો છે પણ તેઓથી થતી જોડણીભૂલો તરફ યોગ્ય ધ્યાન અપાય તે અપેક્ષિત છે, કારણ કે હાલના સમયમાં ગુજરાતી ભાષા ઘણાં પરિબળો વચ્ચે અતિક્રમણ સહી રહી છે. ગુજરાતી અખબારો અને સામયિકો વાંચતાં જણાય છે કે જોડણીદોષ સુધારવા તરફ પૂરતું ધ્યાન નથી અપાતું યા તો તે માટે કોઈ જાણકાર વ્યક્તિ નથી હોતી. વળી અમુક અખબારોમાં સમાચારો પૂર્ણ ગુજરાતીમાં ન આપતાં વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે છે. આથી જાગરૂક વાચક માટે આ અસહ્ય હોવા છતાં તેને તે ચલાવી લેવું પડે છે.

એમ તો મનફાવતી રીતે જોડણી કરનાર પ્રત્યે તો ગાંધીજીએ પણ પોતાનો આક્રોશ દાખવ્યો હતો.

જે ભૂલો સામાન્ય છે તે હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈની હોય છે, જેમ કેપરિસ્થિતિમાં બધી હ્રસ્વ ઇ હોય છે જેની જગ્યાએ ક્યાંક ક્યાંક દીર્ઘ ઈ પણ લખાય છે. એક અન્ય ભૂલ માતા માટે વપરાતો શબ્દ મામાટે થાય છે. કેટલાય લખનાર તે માંલખે છે. માંનો અર્થ છે અંદર, પણ તેને ધ્યાન બહાર રખાય છે. હા, હિન્દીમાં મા માટે માંશબ્દ વપરાય છે; પણ તે ગુજરાતીમાં લખીએ તો તે અયોગ્ય છે.

અન્ય શબ્દ છે પતિએટલે કે ભરથાર. પણ કેટલાક તે પતીલખી ખરેખર તેને પતાવી દે છે! તો વળી પત્નીમાં દીર્ઘ ઈના સ્થાને હ્રસ્વ ઇ લખે છે!

અનુસ્વાર માટે પણ પૂરતું ધ્યાન નથી અપાતું. જ્યાં જરૂર ન હોય ત્યાં પણ અનુસ્વાર મુકાતાં હોય છે. આ માટે ચોક્કસપણું રાખવું જરૂરી છે. ચિતાશબ્દની ઉપર અનુસ્વાર આવી જાય તો તેનો આખો અર્થ જ ફરી જાય. જ્યાં અનુસ્વાર મુકાવો જોઈએ, ત્યાં જોડીને શબ્દ લખવાની આદત છોડવી જોઈએ; જેમ કે અંગને બદલે અન્ગ લખાય તે ખોટું છે. તે જ રીતે સંતાન, બેંક વગેરે જેવા શબ્દોમાં પણ અનુસ્વારનો ઉપયોગ થવો ઘટે.

અનુસ્વારની જેમ હ્રસ્વ અને દીર્ઘમાં પણ અર્થફેર થઇ જાય છે – ‘સુરતઅને સૂરત’, ‘પુરીઅને પૂરી

ડો. ભાવસારના સાર્થ જોડણીકોશમાં સવિસ્તાર આ નિયમો વિષે લખાયું છે, જેમાંથી થોડુક:

૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ શબ્દ પ્રમાણે રાખવી; જેમ કે મતિ, ગુરુ, નીતિ, નિધિ વ.

૨. શબ્દના બંધારણમાં ઈ પછી સ્વર આવતો હોય તો તે ઈને હ્રસ્વ સ્વર કરી ઉમેરીને લખવું; જેમ કે દરીઓ નહીં પણ દરિયો, કડીઓ નહીં પણ કડિયો વ.

૩. ચાર અથવા વધારે અક્ષરોના શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખવાં. ઉદા. મિજલસ, હિલચાલ, ખિસકોલી વ.

૪.એલુંપ્રત્યયવાળા અક્ષરોમાં ઉમેરીને લખવા જેમ કે ગયેલું , જોયેલું, થયેલું, વ.

૫. શબ્દોને છેડે આવતા ઈ કે અનુનાસિક ઇં દીર્ઘ કરવા દા.ત. કીકી, કીડી, સીડી, અહીં, દહીં, નહીં વ.

૬. તે જ રીતે ઉ કે અનુનાસિક ઉં હ્રસ્વ કરવા ખેડુ, ગાઉ, ટાપુ, ટીપું, બિહામણું વ.

૭. જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં જોડાક્ષર પૂર્વેના ઇ કે ઉ હ્રસ્વ લખવા દા.ત. કિલ્લો, બિલ્લો, ઇજ્જત, કિસ્મત, હુન્નર.

૮. મધ્યાક્ષ્રર દીર્ઘ હોય ત્યારે પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ હ્રસ્વ લખવાં. કિનારો, જિરાફ, મિનારો, ઉનાળો, ઉચાટ વ.

૯. મધ્યાક્ષ્રર હ્રસ્વ હોય ત્યારે પ્રથમ અક્ષરમાં ઇ કે ઉ દીર્ઘ લખવા. કીચડ, દીવડો, લીમડો, કૂકડો, ભૂસકો.

૧૦. શબ્દના બંધારણમાં ક્યાંય પણ શ્રુતિ આવતી હોય તો ત્યાં પૂર્વેનો ઈ હ્રસ્વ કરવો ઘોડિયું, માળિયું, પિયર, મહિયર, વ.

જોડણીદોષ ઉપરાંત જે સામાન્ય ભૂલો નજરે પડે છે તે વિરામચિહ્નોની. સળંગ વાક્યમાં જ્યાં જરૂરી હોય ત્યાં અલ્પવિરામ મુકાતાં નથી. તો પૂર્ણવિરામ પણ એક નહીં, બે મુકાય છે. તે જ રીતે આશ્ચર્યચિહ્ન પણ એકના બદલે બે કે ત્રણ વપરાય છે. આનાથી શબ્દની અસરમાં કોઈ વૃદ્ધિ નથી થતી, એટલે આવા પ્રયોગ ન કરવા.

આ બાબતમાં મમતામાસિકમાં શ્રી મધુ રાય દર અંકે નિવેદન આપે છે તે નોંધવા યોગ્ય છે. તેમના કહેવા મુજબ

૧. વાર્તાકારો શબ્દ ન જડે, ત્યારે ત્રણ ત્રણ ટપકાં (….) મૂકીને ઊભરો દર્શાવે છે.

૨. (!!)કે (!?) જેવાં ચિહ્નો નિરર્થક હોવા છતાં તેનો ઉપયોગ થાય છે.

૩. સંવાદની શરૂઆતમાં અને અંતે અવતરણ ચિહ્ન હોય તે હિતાવહ છે.

૪. પૂર્ણવિરામ કે કોઈ પણ વિરામચિહ્ન પછી જગ્યા છોડવી. ઊંધી માત્રા ન વાપરવી.

૫. શંકા હોય ત્યાં જોડણીકોશ જોઈ લેવો.

એ પણ ધ્યાનમાં આવ્યું છે કે ઘણાં લખાણો સળંગ વાક્યોમાં લંબાણથી લખાતાં હોય છે. લાંબા ફકરા જોઈ વાચક રસક્ષતિ અનુભવે છે. એ જરૂરી છે કે લખાણ નાના નાના ફકરામાં વહેંચાઈ જાય, જેથી કરીને વાચકને તે વાંચવાનો અને માણવાનો વધુ લહાવો મળે.

તે જ રીતે જ્યારે પાત્ર પાસે સંવાદ બોલાવાય, ત્યારે જો કહ્યું કેશબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે અવતરણ ચિહ્ન ન મૂકવાં, પરંતુ સંવાદની વધુ અસર દાખવવા કહ્યુંપછી કેશબ્દ ન મૂકવો અને અલ્પવિરામ મૂકી પછી અવતરણ ચિહ્ન મૂકવું અને સંવાદ પૂરો થાય ત્યારે પણ તે ચિહ્ન મૂકવું.

કોઈકવાર એક વ્યક્તિનો સંવાદ એક કરતાં વધુ ફકરામાં આવતો હોય છે. આવે વખતે પહેલો ફકરો પૂરો થયા પછી અવતરણ ચિહ્ન ન મૂકવું અને જ્યારે તે વ્યક્તિનો સંવાદ પૂરો થાય ત્યારે છેલ્લા ફકરાના અંતે અવતરણ ચિહ્ન મૂકવું.

એક અન્ય સામાન્ય ભૂલ થતી હોય છે. અને શબ્દ પહેલાં અલ્પવિરામ મૂકવાની. મારા મતે અનેશબ્દ બે શબ્દોને જોડતો શબ્દ છે; જેમ કે મહેશ અને સુરેશ વાતો કરી રહ્યા હતા.હવે મહેશ શબ્દ પછી અલ્પવિરામ મુકાય તે યોગ્ય નથી. તો કોઈક કોઈક વાક્યની શરૂઆત પણ અનેશબ્દથી કરે છે. આ પણ ખોટું છે. અંગ્રેજી લખાણમાં આ રીત અપનાવાઈ છે, જે તેમના સદીઓ જૂના વ્યાકરણના નિયમોથી વિરૂદ્ધ છે.

એ જ રીતે લેખકો નું, –ની, –માં, –થી જેવા પ્રત્યયોવાળા શબ્દોમાં આ પ્રત્યયોને જુદા કરી નાખે છે. રમેશનું મનની જગ્યાએ રમેશ નું મનલખાય તે ખોટું છે. લેખકે આ પ્રત્યે ધ્યાન આપવું જરૂરી છે જેથી યોગ્ય રૂપમાં શબ્દ રજૂ થાય.

આપણે બોલતી વખતે વારંવાર અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ આપણા લખાણમાં તેની જરૂર ન હોય અને યોગ્ય ગુજરાતી શબ્દ હોય તો તેનો ઉપયોગ કરવો હિતાવહ છે; કારણ કે ગુજરાતી ભાષાનું ભંડોળ ઘણું વિશાળ છે અને યોગ્ય શબ્દો મળી જ આવે છે, તો પછી અન્ય ભાષાના શબ્દનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? જેમ કે શાળાને બદલે સ્કૂલ, જાળીને બદલે ગ્રિલ, મિત્રને બદલે ફ્રેન્ડ, પત્નીને બદલે વાઈફ. આમ કંઈ કેટલાય અન્ય ભાષાના શબ્દો જે બોલવામાં સહજ હોય છે તે લખવામાં પણ વપરાય છે, કારણ કે લેખક માટે તે એક ફેશન બની રહે છે. તો પછી આપણી ભાષાનો ક્યાંથી ઉદ્ધાર થાય?

આ માટે gujaratilexicon.com અત્યંત ઉપયોગી બની રહે છે અને તેનો બહોળો પ્રચાર જરૂરી છે. તે ઉપરાંત લખનાર કોઈ જોડણીકોશ વસાવે અને ઉપયોગ કરે તો તે પણ ઉત્તમ.

ગુજરાતી ભાષાની અસ્મિતા જાળવવા બધાંએ મળીને પ્રયાસ કરવો જોઈએ તે કહેવું જરૂરી છે? તે જ પ્રમાણે તેની શુદ્ધતા માટે પણ દરેક લખનાર જાગરૂકતા દેખાડી બને તેટલું દોષરહિત લખે તો જરૂર ભાષાની શોભામાં વધારો થશે. વેબગુર્જરીના મિત્રો આ નાના લખાણને ધ્યાનમાં રાખી પોતાની રચનાઓ યોગ્ય બીબામાં મૂકશે, તો તે આનંદની વાત બનશે.

 

હસ્યસપ્તરંગી -(૨૬ )વાત ખાનગી… લોટરી લાગી…રમેશ પટેલ(આકાશદીપ)

  શ્રી નરેન્દ્રભાઈ મોદીની વાત આવે એટલે બધા સમાચાર side line થઈ જાય…એવો તેમનો મોભો થતો જાય છે… અમારા નજીકના મિત્રે કહ્યું. જુઓને શ્રી મોદીજી ગુજરાતમાં નેનોલઈ આવ્યા , આજે તેમના વ્યક્તિત્ત્વ આગળ સૌ નેનોલાગે છે. મોદીજીનું નામ કાને પડતાં જ , ઘરમાંથી શ્રીમતીજી  ટહુકો કરતાં પધાર્યા….સાંભળો.. મારે તમને એક ખાનગી વાત કહેવાની છે.

મેં કહ્યું.. કહી નાખો…સારું મૂહર્ત જ છે.

ના હમણાં નહીં, મારે થોડું કામ છે…તમે યાદ કરાવજો પછી…

મારા મિત્ર ગયા ને શ્રીમતીજી દોડતા આવ્યા ને કહ્યું…પેલા તમારા ખાસ મિત્ર ગયા ને?.. હું રાહ જ જોતી હતી..ક્યારે ટળે. તમારા એ મિત્ર એટલે ખાનગી શબ્દનો કશો જ અર્થ  ના સમજે..પાછા ઈન્ટરનેટી છાપુંસાત સાગરે વાતનો વાવટો લગાવે ને તમને કરોડોનું નુકશાન થઈ જાય.

મેં કહ્યું..કરોડોની વાતનું સ્વપ્ન તને આવ્યું કે શું ? અહીં તો મહિને મોંઘવારી પછી , કશું સરકારે ને તેં વધવા દીધું છે.. એજ રામાયણ કરવાની હોય છે.

શ્રીમતીજીએ કહ્યું..પૂરી વાત તો સાંભળો.  મારી બહેનપણીને બમ્પર લોટરી લાગી…તેણે મને તમારા માટે જતેની પોતાની,  ખાનગી વાત મને કહી છે…તમે ભલા માણસ ને એટલે ફક્ત તમારા માટે જ લાગણી થઈ.

હું વિચારમાં પડી ગયો…આ ઉછીના પૈસા લાવશે ને વાપરશે તો ..કરોડ પતિને બદલે રોડપતિ વાળી જરૂર થઈ જશે…

મને ગહન ચીંતનમાં ડૂબેલો ભાળી..ચૂંટલી ખણી શ્રીમતીજી કહે..પહેલાં આ ખાનગી વાત સાંભળો…મારી બહેનપણીને લોટરી કઈ રીતે લાગી તેની..

જુઓ…ગાંધીનગરમાં રહો છો એટલે તમે,શ્રી નરેન્દ્રભાઈ મોદીની દરેક ગતિવિધિથી તો પરિચિત જ છો…દરેક દિવાળીએ ..નવા વર્ષે તેઓ પંચદેવ મંદિરે જઈને દર્શન કર્યા બાદ જ  બીજા કામ હાથમાં લેતા. હવે થયું એવું કે , મારી બહેનપણીના

ઘરવાળા પણ , પંચદેવ મંદિરે બેસતા વર્ષે વહેલી સવારે ગયેલા…શ્રી મોદી સાહેબ જે ચોઘડીયું જોવડાવી દર્શન કરેલા..તેની પાછળ જ એ પહોંચી ગયા ને દર્શન કર્યા.જુઓ હવે ખાનગી વાત હવે આવે છે…

શ્રી મોદી સાહેબે… સી. એમ.માંથી પી.એમ. નો સંકલ્પ  કર્યો ને કેવો ફળી ગયો..ખૂબ જ પાકો એમનો વહિવટ.

મેં કહ્યું…એમાં તારી બહેનપણીને શું મળ્યું …એતો દિલ્હી પહોંચી ગયા. સંસદમાં નવ સંચાર થઈ ગયો…એ લોકો લાભ્યા.

શ્રીમતીજી કહે..હવે જરા નજીક આવો..એટલે ધીમેથી ખાનગી વાત કહું..કોઈ સાંભળી ના જાય..કોઈ આવી જાય તો?….

હું નજીક સરક્યો ..શ્રીમતીજી ગળામાં જ ગરણું મૂકી બેરે બેરે સંભળાય તેમ કહ્યું..તેનો વર સીધો જ ટીકીટ લઈ આવ્યો ને લોટરી લાગી. શ્રી નરેન્દ્રભાઈ બેસતા વર્ષે જ્યાં દર્શન કરે ..તેની પાછળ થઈ લાગેલા ને લોટરી લઈ આવ્યા…બમ્પર પ્રાઈઝ લાગી ગયું.તમેય તેમના પગલે ચાલો ને બે પાંદડે થાઓ..

શ્રીમતીજી ભલે ધીરેથી બોલ્યા ..હું તો વિચારમાં પડ્યો..કોઈ કમાન્ડો મારો સાળૉ હોય તોય મેળ ના પડે..એટલી અઘરી વાત આતો કહેવાય…તારી બહેનપણીનો વર તો ગાંધીનગરમાં પીછો કરી ફાવી ગયો.

શ્રીમતીજીએ પાછો મને જાગૃત કરવા ચૂંટલી ખણી…મેં કહ્યું..લોટરી કઈંની લાગશે.. તને ખબર છે?

આપણા નરેન્દ્રભાઈ નવા વર્ષે લડાખ -૩૦ ડીગ્રીમાં ગયા ને ગાયત્રીમાતાનાં દર્શન..સેનાના નવજુવાનો સાથે કર્યા…મારે તો આ સ્વેટરની સેવા દશકાથી લઉં છું , તોય રીટાયર કરવાનું મન નથી થતું..બજેટના ફાંફા થાય છે….તેમના પગલે મૂહર્તનો મેળ કરવો હવે અઘરો નહીં અશક્ય છે.

શ્રીમતીજી તડૂક્યાં…તમારું નામ તમારા બાપાએ આશારામ રાખ્યું છે..કઈંક તો આશા બંધાવો. સાંભળો… મારી ખાસ બહેનપણી ..એટલે તેણે તેની આ ખાનગી વાત કહી ..પછી પાછું કહ્યું..જો ને શ્રી નરેન્દ્રભાઈ સી.એમ. હતા ..તેથી મને તો કરોડની  લોટરી લાગી..તારું નશીબ તો મારાથી મોટું જ છે..નરેન્દ્રભાઈ હવે તો પી.એમ. છે….ને તેથી જો તારા વર આવતા બેસતા વર્ષે વહેલા ઊઠી..તેમના મૂહર્તે પીછો કરી..લોટરી લેશે..તો ચોક્કસ …મને તો લાગે છે કે..અમેરિકાની બમ્પર લોટરી તમને લાગશે…બીચારા ખૂબ ભોળા છે એટલે જ સ્તો. 

 બોલો…કયો તમારો સગો..  આટલું બધું  આપણું ભલું ઈચ્છે

લોટરી….  લોટરી..જપ જપતાં…શ્રી મોદીજી પાછળ આ કેજરીવાલા લોટરી લગાડવા ગયા …એમની હાલત મેં સગી આંખે  જોઈ છે..સપનામાં નહીં…મનમાં રટતો….હું હર હર ગંગે કહેતો સ્નાન કરવા બેસી ગયો…

જોઈએ હવે… આવતી દિવાળીની રંગોળીના રંગો કેવા હોય છે?..લોટરી લેવા જેવા કે???….

રમેશ પટેલ(આકાશદીપ) 

 

હાસ્ય સપ્તરંગી -(૨૫)દામ્પત્યનું રહસ્ય-ગીતા ભટ્ટ

અમારા પ્રસન્ન દામ્પત્યનું રહસ્ય

આમ તો આ અમારી અંગત વાત છે ,એટલે કોઈનેય ના કહેવાય . પણ તમેય તે ક્યાં પારકા છો? એકજ ડાળના પંખી જેવાં તો છીએ આપણે સૌ! તો પેટ છૂટી વાત કરું. વાત છે અમારા પતિદેવની!

જ્યારથી પતિદેવ retired થયા છે ત્યારથી મને તો ટાયર્ડ જ કરી દીધી છે! પરીક્ષાના ફરજીયાત પ્રશ્ન પત્રની જેમ રોજ સવારે એમનો પ્રશ્ન ખડો થઇ જાય ! હજુ તો સવારની ચાય પુરી થઇનાહોય ને પતિદેવ પૂછશે :” હની , આજે લંચમાં શું બનાવીશ ?”

“વઘારેલો ભાત! ” હું બોલવા જતી હતી , પણ સહજ શબ્દો સરી પડ્યા :” કેમ આજે કોઈસ્પેસીઅલ દિવસ છે? ”

” અરે મેંતો એમજ પૂછું કે હની આજેલંચમાં શું બનાવીશ

હું ફ્રેશ ફાર્મ માંથી તાજા શાક ભાજી લઇ આવું ,તે તું તાજો સૂપ અને તાજી ભાજીની grilled સેન્ડવીચ ને સાથે તાજો ફ્રૂટ જ્યુશ તૈયાર કરજે!”

હસબન્ડે તો હસીને કહ્યું પણ મારું હસવાનું બંધ થઇ ગયું.

જેટલી વાર એ “તાજા ” બોલે એટલી વાર હું ‘ના જા’ બોલું ! મારા તો હાજા ગગડી ગયાં! બાપરે! અને આતો હજુ લંચનું જ menu છે! અને હજુ સાંજના ભોજનની ફરમાઈશ તો ઉભી જ છે !

એના આ retirement ના ક્રેઝને રેડિરેક્ટ કરવોજ રહ્યો . મેં મનમાં વિચાર્યું : જો રોજ આમ જચાલશે તો હુંસોશ્યિલ સિક્યોરિટી ભોગવવા સુધી નહિ ખેંચું .

દ્વંદ્વ યુદ્ધમાં પરાસ્ત થયેલ યોદ્ધા જેવી હું જમીન પર જાણેકે ફસડાઈ પડી હતી !પતિદેવનોretiredment ક્રેઝ ફેસ આનંદમાં ખીલ્યો હતો. ઉવાચ્યા :” હની, i don’t want you to be in the kitchen all day, so this quick lunch will be okey! અને તને ભાવેછે તે ગુજરાતીભાણું સાંજે જમીશું : તું ખીચડી શાક ભાખરી નિરાંતે બનાવજે . It doesn’t take too long to make Khichdi , right?”

ખલ્લાસ ! હવે મારે ઝડપથી કોઈ rasto શોધવો જ રહ્યો મારા cinnamon માટે ! હા એcinnamon અને હું એની honey !

હુંમધની મીઠાશ અને એ તજનો તમરાટ! મારે મારા સીનેમન ને નિવૃત્તિમાં કોઈપ્રવૃત્તિ માંલપેટવો જ રહ્યો.

એનો આ ફ્રેશ ફૂડ ફેન્ટસી ગાળો તો ઘણો લાંબો ચાલ્યો !

રોજેરોજ ત્રણ ત્રણ ટંક તાજું રાંધી ને મેં મારા રસોડાને પણ abused કર્યું હતું !

પણ બપોરની એની અઘોરીની જેમઘોરવાની પ્રવૃત્તિને એ બ્લડ recharge કરવાનીઅગત્યની એકટીવીટીગણાવે છે. તો એને કોઈપણ નાના મોટા કામમાં જોતરવો હવે અઘરું જ નહિ અશક્ય છે!

પણ અશક્ય નેશક્ય કરી શકે છે આ કાળા માથાની સ્ત્રી – ને એ માથું જયારે ‘ nice n easy ‘ હેર ડાય થી કર્યું હોય ત્યારે તો ખાશ. મેં દાણાં નાંખ્યા : ” cinnamon ! “મેંકહ્યું,”પેલા મુરબ્બી કાકાનો ફોન હતો. તને યાદ કરતાંતા.”

પતિ દેવ ગાડીમાં બેસવા જતા હતા તે પાછા વળ્યા,”કેમ શુંકહ્યું, ખાશ કાંઈ કામ હતું?
” તને ગ્લોબલ ગુજરાતી પ્રગતિ સમાજના પ્રમુખ પદ માટે ઉભા રહેવાનું કહેતા હતા”

” પણ આપણને આવા પ્રગતિ – બગતી સમાજમાં શું આવડે?”

” હવે એમાં આવડવાનું શુંહોય? ઉભારેહ્તા આવડે એટલે બસ !

પછી ગતિ જે બાજુ થાય તે પ્રગતિ જ કહેવાય ! તારું કામ સ્ટેજ પર ફોટા પડાવવાનું ! જા મારાહેન્ડસમ સીનેમન ! બની જા પ્રમુખ !” મેં એને નાટકીય અદાથી પાનો ચઢાવ્યો .

પણ નિવૃત્તિની માજા માણ્યા પછી એને આટલુંય કામ ગમતું નહોતું .

” પણ , હું માંડ નિવૃત્ત થયો છું ને – ના ભાઈ , મારે આ માંથાઝીક ના જોઈએ ! મારે તો એયબસ ખાવું , પીવું , ઊંઘવું ને t v ની ચેનલો જોવી – એટલુંજ કરવું છે ! ” એણે કહ્યું .

” પણ તારે એજ તો કરવાનું છે! નરેન્દ્ર મોદી સાન ફ્રાન્સિસ્કો આવશે ત્યારે તારેસ્ટેજપરહારતોરા કરવા ને ફોટા પડાવવા બસ એવું તેવું જ કામ કરવાનું છે! અરે વિચાર કર , તારો કેવોવટ્ટ પડશે !” મેં વધારે દાણા વેર્યા .

થોડો વિચાર કરી સીનેમન તૈયાર થયો.

” ચાલ , તો હવે મુરબ્બી કાકાને હમણાંજ મળવા જા. ક્યાંક એમનો વિચાર બદલાય એપહેલાં ( ખરેખર તો એનો વિચાર બદલાય એ પહેલાં) હેમર ધ આયર્ન વ્હેન ઈટ ઇસ હોટ !

મેં એને વઘારેલા ભાત , દહીં અને આગળ દિવસનું જે – તે જમાડીને મુરબ્બી કાકાની ઘેરધકેલ્યો .

હાશ ! બે ચાર દિવસ મેંય છુટકારાનો દમ ખેંચયો. પણ અક્કરમીનો પડ્યો કાણો! એમમારી આ શાંતિ ઝાઝી ના ટકી.

બપોરે હું નિરાંતે આનંદનો દમ ખેંચતીતી ને એણે ઘેર પાછાં પધારી ને હૈયા વરાળ કાઢી ; “આપણા લોકોનો એજ તો વાંધો છે ,હની!”

” હાય હાય! શું થયું? ” મને ફાળ પડી ;” શું નરેન્દ્ર મોદીનું આવાનું કેન્સલ થયું? પેલો પપ્પુ અને એની મા એવાં તો મોદી પાછળ પડ્યાં છે ને- એ ઇટાલિયન ને કહીદો કે માતાજી તમેતમારે પિયર રહેવા જાઓ થોડા વર્ષ !”

” શું તુંયે ?” સીનેમને કહ્યું ,” અરે એવી કોઈ વાત નથી

એણે મારી સામે વિચિત્રતાથી જોયું .

પણ મારુ આ frustration વ્યાજબી હતું . મારી, મારા રસોડાની , મારા ઘરની , મારાજીવનની શાંતિ જોખમમાં હતી .મેં અધીરાઈથી પૂછ્યું,” શું થયું? થયું શું? કોણે આ શાંતિયજ્ઞમાં હાડકું નાખ્યું ? ”

” પ્રમાદ ! પ્રમાદ પટેલ ! એણે પ્રમુખ થવા ઉમેદવારી નોંધાવી છે!”

” પ્રમાદ? અરે ગોવર્ધનરામની . નવલ સિવાય બીજે ક્યાંય ” પ્રમાદ” વ્યકિવાચક નામઅવતુંજ નથી. you mean પ્રમોદ પટેલ! આ અમેરિકન ભાષાનો પ્રતાપ છે. તમને આનંદીમાંથી આળસુ, એશ – અરામી , વિલાસી એટલેકે પ્રમાદી બનાવી દે ! ” મેં મારું જ્ઞાન બતાવ્યું.

” હા , એ પ્રમોદ પટેલને ચૂંટણી કરવી છે!! ને ચૂંટણી માટે તો લોકોનો સપોર્ટ લેવો પડે. ”

” તે – તે આપણે એ ય કરી શું! હવે તો કરેંગે યા મરેંગે ! ‘ મેં કહ્યું

” પણ મારે સ્પોર્ટ્સ ને સપોર્ટ સાથે લહેણું નથી. નકામું પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવું થશે! લોકો મોંઢે કહે કંઈક ને પાછળ કરે કંઈક! ના ભૈ, એ મારું કામ નહિ ! હની, મારે તો બસ હુંભલો ને મારી આ રિક્લાઈનર ચેર ભલી! એય તમારે નિરાંતે તાજું તાજું ખાવાનું , પીવાનું અનેપછી નિરાંતે અહીં લંબાવવાનું ! ” એણે હાથમાં રિમોટ પકડીને રીક્લાઈનરમાં લંબાવતા કહ્યું. And I already said NO to them!”

મારી આંખમાં ઝળઝળિયા આવી ગયાં.

” કેમ શું થયું તને ?” એણેપ્રેમથી પૂછ્યું.ને ખુરશીમાંથી ઉભો થયો

” ખાશ કાંઈ નહિ. મને એમ કે તું મોટો પ્રમુખ બનશે .” મેં કાંઈ ખોટું તો નહોતું કહ્યું,

એને સારું લાગ્યું – મારી એના પ્રત્યેની આટલી આ તીવ્ર લાગણી જોઈને –

” ચાલ હની , આજે તો હું તારા માટેલંચ બનવું .” એણે કહ્યું ,” તાજો સૂપ , તાજી વેજી સેન્ડવીચને ફ્રેશ જ્યુશ !”

હું ચકિત થઇ ગઈ ;” આ બધ્ધું તું બનાવીશ?”

” ફ્રેશ ફાર્મના eatery સેક્શન માં આ બધ્ધું જ મળે છે.” એણે લુચ્ચું સ્માઈલ આપતાં કહ્યું ,”હુંત્યાંથી લઇ આવું”

ત્યાં બારણે બેલ વાગી.

કોણ હશે ? મેં બારણું ખોલ્યું તો પ્રમોદભાઈ પટેલ! ને સાથે મુરબ્બીકાકા !

મેં તેમને અંદર આવકાર્યા

” જો પ્રમોદભાઈ પ્રમુખ બને તો ઉપ પ્રમુખ પદ માટે અમે તમને આમંત્રણ આપીએ છીએ ,ભાભી ?”

મારા સીનમને મારીઆંખમાં આંખ પરોવી કહ્યું;” હની, મારા કરતાં તું

આ ફિલ્ડમાટે વધુ યોગ્ય છે. મારું આ કામ નહિ, ”

ને પછી હસતાં હસતાં કહ્યું,” તારે તો આ રોજની રમત છે”

હાસ્ય સપ્તરંગી (૨૪) શું નવા જૂની ?-પ્રજ્ઞા દાદભાવાળા

કેમ છો? ઉમેશ,  શું નવા જૂની ?

 આ ક્રેડીટ કાર્ડ નવું અને બૈરી જૂની ,.

એટલે ? 

આ નવી આવતી નથી અને જુન જતી નથી ? ઉપાધી ના આબા વાવ્યા છે ને કઠણાઈ ની કેરી ખાઈએ છીએ.

કોની વાત કરે છે ?

અરે ભાઈ પત્ની ની જ વાત કરું છું ..

એટલો તો  કંટાળી ગયો છું.

અરે તારે પહેલેથી જ કંટ્રોલમાં રાખવાની જરૂર હતી ,હવે પસ્તા !

શું કરું યાર, આખો દિવસ મને ટોક ટોક કરી કંટાળો આપે છે,  આ સોરી અને થેન્ક્યું કહી ને થકી ગયો છું એક તો આ પારકા દેશમાં નોકરી,કેટ કેટલા બીલ અને ઉપરથી વાસણ અને કપડા ધોવાનું  જાણે લાઇસન્સ મળી ગયું ના હોય?  પાછો  ડ્રાઈવર પણ હું જ, તને ખબર છે ઉપરથી  મને એ ધમકી આપે એ તો વધારાની, ૯૧૧ એક હથિયાર જાણે..

બકુલે સળી કરતા પુછ્યું ,તું તો આજ કાલ પાર્ટીમાં પણ આવતો નથી ?

શું કરું ? તને ખબર છે ને તારે ત્યાં પાર્ટીમાં મેં ડ્રીંક લીધા પછી જરા એની મજાક કરી તો શું કહ્યું હતું

ઘરે આવો પછી વાત છે.

પછી

પછી શું ?મારો બધો નશો ઉતરી ગયો,એ દિવસે આખી રાત ઘરે ગયો જ નહિ

યાર મારે તને એક વાત પૂછવી છે, આ મરેજ સર્ટીફીકેટમાં  એક્સપાઇરી ડેટ હોય ખરી ?

ના હોય મૂરખા એનો અંત માત્ર છુટાછેડા જ હોય….

તું હસે છે ?

હસું જ ને તું એનાથી ડરે છે ને ?

નાના પણ સાચું કહું મારી વાઈફમાં સેન્સ ઓફ હ્યુમર છે જ નહિ ,

તો

એનામાં હ્યુમર નહિ ટ્યુમર છે.

તને ખબર છે મેં એક વાર એને કહ્યું રાજા દસરથ ને ત્રણ રાણી હતી કેટલો સુખી માણસ ! કામ કેવું વેચાઈ જતું હશે નહિ ?તો શું કહ્યું ખબર છે?

હા દ્રૌપદી પણ ખુબ નસીબવાળી હતી એને પાંચ પતિ હતા. જલસા હશે નહિ ?

ચલ જવા દે પણ તારી પત્ની કરે છે શું ?

પંચાત.

શું પંચાત ?

હા આખો દિવસ કાં તો ચેટીંગ અથવા ફોન પર વાતો…તમે કયા ગામના ? થી શરુ થાય તો આખી દુનિયા ને આવરી લે, તમારા મમાને ઓળખું અને કાકા તો અમારી પોળમાં  રહે છે અને બધાની કુંડળી ખોલી નાખે એની મેમરી પણ ગજબની છે.અરે ઓબામાને પણ ન છોડે.

તે બંધ કરાવતો હોય તો ?

એરે એમ સહેલું થોડું છે ,આફૂડી થાકે એટલે કહે જવા દે આપણે શું ? ત્યારે સમજવાનું હવે ફોન બંધ થશે.

સારું થયું ને તું  હજી પરણ્યો નથી.સાચું કહું લગ્ન એ પબ્લિક ટોઇલેટ છે…..,

એટલે ?

જે બહાર છે એ અંદર આવવા માંગે છે, અને જે અંદર છે એ નીકળી ને ભાગવા માંગે છે…..

આ તારી જ  વાત લે ને …અમે છુટવા મથીએ છીએ અને તને બધા કેવા પરણાવા મંડી પડ્યા છીએ

એની વે,બોલ તારી શું નવા જૂની ? તને ગમતી કોઈ છોકરી મળી કે નહિ ?

બસ નવા જૂની શું હોય ?તારા જેવું છે,દરેક નવી આવે છે અને હું એનો એજ જુનો

હવે કાલની જ વાત લે,હું એક છોકરી ને મળ્યો. શું વાત થી  શરુઆત કરું ખબર  જ ન પડે

ત્યાં એણે મને  પુછ્યું શું નવા જૂની ?

મેં કહ્યું તું નવી અને હું જુનો !

પછી ?

પછી શું,? મને કહે પડ્યો રહે જુના સમાન જેવો અને ચાલી ગઈ.

પણ સાચું કહ્યું, યાર આજ કાલ સારી છોકરી ક્યાં મળે છે ?

દેશથી  છોકરી લઇ આવવવાની !,એ ખુબ સ્માર્ટ હોય છે.

એરે યાર એમાં પણ બહુ લફરા છે.

તને ખબર છે હમણાં દેશથી એક છોકરી અમેરિકા આવી હતી અને ફેસબુક પર જાહેરાત કરી ટુક સમય માટે આવું છું …સમજી ગયા ને ?

મારો ફેસ ગમ્યો હોય તો આ નબર પર ફોન કરી શકો છો…

અને મેં  અને ફોન કર્યો, શું થયું ખબર છે ?

ફોન જોડતાની સાથે વિચિત્ર મેસેજ હતો.

મારો ફોટો ગમ્યો હોય તો 1 દબાવો

મારી સાથે લગ્ન કરવા હોય તો 2 દબાવો

પપ્પા સાથે વાત કરવી હોય તો ૩ દબાવો

સીધા ગોળધાણા ખાવા હોય તો ૪ દબાવો

અને તમે લુખ્ખા હો તો ૫ દબાવી રજા  લો

અને ઇન્ટ્રેસન ન હતો તો શું કામ ફોન કર્યો ?

ટાઇમ પાસ કરવા ?

તેલ લેવા જાવ ….

હવે તું જ કહે આવી છોકરી સાથે લગ્ન કરાય ?

હા  આ બધી મોબાઈલની  વોટ્સ અપ અને ફેસબુક ની રામાયણ છે.

અમેરિકામાં લગ્ન એ ખુબ મોટો પ્રોબ્લેમ છે ? કોઈ જુવાનીયા  લગ્ન કરવા તૈયાર જ નથી અને બુઢાઓં  બીજીવાર પરણી રહ્યા છે ?

આ મારો ફેન્ડ સિદ્ધ જોને ? એણે તો પરણવાનું માંડી વળ્યું ને ?અને તેના બાપા એના નામે છોકરીઓ સાથે  જલસા કરે છે

આજ કાલની છોકરીઓ બહુ બિન્દાસ થઇ ગઈ છે ? અને એડવાન્સ પણ

તને ખબર છે મારા મિત્રના સિદ્ધના  પપ્પા

નામ  જેઠાલાલ છે, પણ પોતાને જેક્સન .કહે છે .

તો શું ,આગળ બોલ

એ કાકા ખાઈ પી કમાઈ ને બેઠા છે, મોટેલો ચાલે છે અને બેઠી આવક  એટલે આવી છોકરીઓ ને નવાર બેઠા છોકરાના બહાને ફોન કરે છે 

એક દિવસ એક છોકરીને ફોન કર્યો

છોકરી સ્માર્ટ હતી બધી વાત જાણીને કહે ઓં.. તમે તો સુગર ડેડી છો.

આમ પણ અમેરિકા આવી તેનો ખરચો કાઢવાનો હતો.,એટલે ડેટ પર બોલાવ્યા ,

કાકા તો પરફીયુંમ લગાડી  નીકળ્યા ..

જીવીકાકીએ પુછયું તો કહે દીકરા માટે છોકરી જોવા જાવ છું..

કાકી  બિચારા દીકરો પરણે એની રાહ જોઈ બેઠા છે.

અને કાકા ને ખબર છે કે દીકરો પરણવાનો જ નથી ,કારણ ગે છે, પણ બાપ દીકરો આ રમત ચાલુ રાખે છે.

દીકરો ઘરે દેખા જ નથી દેતો અને  કાકા દિવસે દિવસે જુવાન દેખાય છે.

કાકા આ છોકરી ને જમવા લઇ જાય ,પિક્ચર દેખાડે, પાછુ એટલું જ નહિ કાકી પાસે થેપલા બનાવડાવી પેલી ને ખવડાવે.

કાકી  દિવસે દીકરો પરણાવાના સપના જોવે .અને  કાકા સાંજે જલસા ..

આમાં અમારા જેવા છોકરાવ તો વાંઢા જ રહે ને …

પછી ..

અરે તું તો ખરો છે તને મારો પ્રોબ્લેમ નથી દેખાતો અને કાકા ના જલસામાં  રસ પડે છે ?..

જો સાંભળી લે .. આવું બધું જાજુ ન ચાલે …

હા તારી વાત સાચી છે.થોડા દિવસમાં વાત લીક થઇ ગઈ.,છોકરી કાકા ને ફોટા દેખાડી બ્લેક મૈલ કરતી હતી  

કાકા એ મારી ખાનગીમાં મદદ માગી

પછી  ખબર પડી કે પેલી છોકરી અમારા બધા કરતા એડવાન્સ નીકળી. અમે કહી કરીએ તે પહેલા

એણે જસીકાકીને કહ્યું દીધું અને બમણા પૈસા કઢાવ્યા ..

કાકીએ એને પૈસા આપી રવાના કરી,

હા પછી

અલ્યા આ કઈ રામાયણ છે? કે હોકરા કરીને પૂછે છે.

એક દિવસ કાકીએ દીકરા ને બોલવ્યો ,તને આટલી છોકરી બાપા દેખાડે છે તો એક પણ ગમતી નથી

દીકરો શું બોલે .?.

પોતાને બચાવવા કહે મમ્મી તું બહુ ભોળી છો, પપ્પા તારી ફેન્ડની છોકરીઓં  જોવા તો લઇ જાય છે પણ ..

પણ શું ?

તને કોઈ ગમતી હોય તો કહે,  હું એની સાથે પરણાવી દઈશ.

મમ્મી  વાત એમ છે…..

જો હવે તું નહિ પરણે ને તો …

જીવી કાકીએ એને એમોશનલ બ્લેકમેલ કરવાનું શરુ કર્યું ..

છોકરાને થયું લાવ મારા પરથી મમ્મીનું ધ્યાન પપ્પા પર મુકું તો મારી વાત ટાળી શકાશે.

મમ્મી તું  પપ્પાને પૂછજે ,એને બધું ખબર  છે.

સારું પણ એક મારી ફેન્ડની છોકરી મેં તારા માટે જોઈ છે, તું  મળી આવજે.આલે ફોન નંબર  

સારું કહી છોકરો મળવાના બહાને મમ્મી પાસથી  છુટી ગયો.

એ છોકરી જોતો અને ઘરે આવી કાલે જવાબ આપીશ  કહી ત્રીજે દિવસે ના કહેતો

એકવાર કાકી ખુબ ખીજાણા અને કહે તું કેમ ના પાડે છે ?

હવે દીકરાએ મૌન તોડ્યું..

અને કહે સાચી વાત કહું તું પપ્પા ને ખીજાઇશ નહિ ને ?

ના

અને ડિવોર્સ નહિ આપે ને ?

હું આ ઉમરે શું કામ ડિવોર્સ આપું ,આવી શું વાતો કરે છે ?

તમે આજની જનરેશન આવું કરો અમે તો સમજદારીથી કામ લઈએ.

અને દીકરાએ મમ્મીને ધીરેથી વાત કરી

જો મમ્મી તું  ઇન્ડિયાથી અહી આવી ,મોર્ડેન રીતભાત અને કપડા બધું અપનાવ્યું પણ

પણ શું ?

તું બહુ ભોળી છો મોમ !

શું કહેવું છે બકી નાખ !

તું ધારે છે એટલે પપ્પા સીધા નથી.

મારે તારા પપ્પાની વાત નથી સંભાળવી ,તારી વાત કર ,એને તો હું છેલ્લા ૪૦ વર્ષથી ઓળખું છું, એ કદાચ  મને નહિ ઓળખતા હોય.

.એ તો ઘરે આવે એટલી વાર છે……

હવે સિદ્ધે હિમંત કરી કહી દીધું મમ્મી તને ખબર છે પપ્પા ને ઘણા લફરા છે.

કોઈ નવી વાત ,તારી વાત કર…

વાંદરો ઘરડો થાય તો પણ ગુલાંટ ન છોડે સમજ્યો ?

ન..ના પણ હાઉ કેન હી ડુ ધીસ ટુ યુ ,એ ચીટીંગ ન કરી શકે.

દીકરાએ મમ્મીને રવાડે ચડાવવા કોશિશ તો કરી પણ ..

બેટા એને હું જાણું છું …તું તારી વાત કર

તે પેલી મારી ફેન્ડ ની દીકરી જોઈ હતી એનું શું થયું ?

સારી છે ..

મને બધી છોકરી સારી લાગે છે !

તો મને કહેતો કેમ નથી ?

મેં પપ્પાને કહ્યું હતું !

તો ..

હા પણ

ફાટી પડને…

મમ્મી મને તમારી ફેન્ડ ની દીકરી ગમે છે આઈ લાઈક ,હું બધાને લાઇક કરું છું.

જો  આ ફેસબુક નથી …..લાઈક ફેસબુક માટે રાખ ….લગ્નની વાત કર

બધા જ સારા હોય મમ્મી પણ એને વાઈફ તરીકે ..

ઓં કે ….મને એ કહે તને કેવી વાઈફ ગમે ?

બસ તારા જેવી જે મને સમજી શકે.તારા જેવી તું કેવી કપડા સ્ટાઈલ માં મોર્ડેન પણ

એક સારા કલ્ચરલ વેલ્યુ વાળી.. અને .મોર્ડેન વિચાર વાળી

આજ કાલની છોકરી તો પતિ હોય તો પણ બીજા સાથે ફરે ..સમજ છે ને ?

દીકરાએ ફરી મમ્મીનું ધ્યાન બીજે દોરવા કોશિશ કરી.  

આપણા પપ્પા ની વાત લે ને

હવે આમાં તારા પપ્પા ક્યાં વચ્ચે લઇ આવ્યો ?

હું પણ એજ કહું છું

મારે તને પરણાવાનો છે, એને નહિ ?

એક્ઝેકલી -બરાબર વાત કહી મમ્મી તમે

તમને ખબર છે હું જેટલી ગર્લ્સ દેખાડું તો પપ્પા શું કહે છે ?

ફરી તારા પપ્પાને લઇ આવ્યો ?

મારે હવે તારા પપ્પા વિષે કઈ સંભાળવું નથી સમજ્યો

તારા પપ્પા શું કહે છે બધું જાય ભાડમાં ,તું તારી વાત કર, અને ગોળ ગોળ વાત નહિ કરતો ,કોઈ સાથે લફરું હોય તો કહી દે

મોમ સંભાળ તો,તું ખુબ રીએક્ટ કરે છે શાંતિ થી સંભાળ

હું તને સાચી વાત કહું છું ,પ્લીઝ બેસી જા ,નહી તો તારું બ્લડ પ્રેસર વધી જશે.

મને કહી નહિ થાય કહે  જે કહેવું હોય તે કહે

તારે પરણવું છે કે નહિ ?

મારે પરણવું છે. પણ છોકરી સાથે નહિ

એટલે ?

જો સંભાળ મેં ઘણી છોકરી જોઈ મીટીંગ કરી પપ્પાને દેખાડી ,પણ

અરે  પણ પણ શું ?

વાત એમ છે કે હું છોકરી ને પસંદ કરું તો પપ્પા ના પાડે  છે!

અરે એમના ના પડવાથી શું થવાનું ?

મમ્મી તું બહુ સીધી ,સરળ પતિવ્રતા સ્ત્રી છો.

પણ..

પપ્પા ના પાડે છે,એમ જ ને ?અને તું એનું માને છે.

હા

તો સાંભળ ,એનું માનવાની જરૂર નથી

જરૂર છે ?

કેમ ?

એ કહે છે આ તારી બહેન છે.

હા ….

બધી છોકરી ?

હા ..હા હા  બધી તારી ફેન્ડ ની દીકરી મારી બ્હેન છે !

પપ્પાના કેટલા લફરા છે. જો ..હું શું કરું

હવે જીવી કાકી નો અવાજ મોટો થયો અને  બોલ્યા એટલે તું છોકરી ગમવા છતાં લગ્ન નથી કરતો

હા હા મમ્મી

તો સાંભળી લે હવે કાન ખોલીને

તારા  આ પપ્પા તારા ફાધર  નથી ,સમજી જા આટલામાં …..

ઉમેશ ને તાળી દેતા બકુલ બોલ્યો ચાલો આવજે  આજે  આટલી જ નવા જૂની…

 

પ્રજ્ઞા દાદભાવાળા

હાસ્ય સપ્તરંગી (૨૩) સો ….. રી! -કલ્પનારઘુ

 

હ્રદયના ખેતરમાં હાસ્યરસના છોડવા પથરાયેલા હોય છે. પરંતુ મુઉ મન છેને, એ હાસ્યને ભૂલીને કાંટાળી વેદના ચૂંટે છે અને પછી તેને માણ્યાં કરે છે! બળ્યું જીવનજ એવું હોય છે. પામર માનવ બિચારો કરે શું? જયાં હાસ્યના પતંગિયા જીવનબાગમાં ફરતા હોય, આંખોને, મનને ગમે પણ પછી આવતાં દુઃખના વાદળોમાં એ હાસ્ય દફનાઇ જાય છે અને આપણે દુઃખને કે તેના આભાસને વાગોળ્યા કરીએ છીએ. વાગોળીને પેટ ચોળીને પીડા ઉભી કરીએ છીએ.

તો ચાલો, એ પતંગિયાને પકડવાની કોશીષ કરીએ. હમણાંનીજ વાત કરૂં. અમેરીકામાં એક પાર્ટીમાં જવાનુ થયું. પાર્ટી હતી, ‘બેચલર પાર્ટી’. મેં મારા પતિને કહ્યું કે બેચલર પાર્ટીમાં આપણને કેમ આમંત્રણ? પછી થયું, ચાલોને બાળકો સાથે જવાનુ છે. પછી વિચારવાનુ શું? મારી બાળપણની મિત્રની દીકરી માટેની હતી આ પાર્ટી! અને મારી દીકરીની ખાસ મિત્ર. અનેક વિચારો મનમાં ચકરાવે ચઢયા. વિચારોને થોડું નોતરૂ આપવાનું હોય છે? એ તો એકબીજાને તાળી આપીને શરૂ થઇ જાય વણજાર! એવું તો નહીં હોયને! રીટા કુંવારી તો નથી! તો પછી રીટા અને મેકને બનતુ ના હતું એટલે કદાચ છૂટાછેડાની પાર્ટી હશે. છૂટાજ પડી ગયા હશે! ના – ના, પણ એવું તો શું થયું હશે કે છૂટા પડવુ પડ્યુ? રામ જાણે, બાકી હવેના છોકરાંઓમાં થોડીએ સહનશક્તિ નથી રહી. મોના કહેતી કે મારી રીટા તો સર્વગુણ સંપન્ન છે. બધું આવડે પણ વટનો કટકો હતી. જેવી મા એવી દીકરી. પછી થાય શું? સંસ્કાર તો માના જ હોય ને. મારી બેનપણી કહેવાય પણ આખા ગૃપમાં કોઇની સાથે તેને બનતુ નહોતું. બધાથી જુદી પડે.પોતાનું ધાર્યુજ કરે. અરે! જમાઇનું નામ પણ બદલી નાંખ્યું. મોહનમાંથી મેક કર્યુ. હવે જો ભોગવવાનું આવ્યું ને? પણ રીટા હતી સ્માર્ટ. અહીંની બોર્ન અને બ્રોટઅપ, પછી પૂછવુંજ શું? અને એના સાસુ સસરા ઘણીવાર ભારતથી આવતા હતા. ૩-૪ મહિના રહેતાં પણ હતા. પણ કયારેય સાંભળવામાં નથી આવ્યું કે કોઇ ઝગડા થયા હોય. હા, નાનુ અમથું તો કંઇને કંઇ બધાના ઘરમાં થતુંજ હોય છેને? અને બધાંય કાચના ઘરમાં રહે છે. ના બોલવામાં નવ ગુણ! પણ હા, છેલ્લે મળ્યાં ત્યારે એના સાસુ સસરા કંઇ મૂડમાં ન હતાં. બિચારા એ બન્ને કામ કરતા હતા. મેક ઓફીસેથી આવ્યો નહતો અને રીટા તો એના રૂમમાંજ ભરાઇ રહી હતી. બહાર આપણને મળવા પણ ના આવી. નક્કી કંઇક તો થયુંજ હશે. હા, હવે તાળો મળે છે આ ‘બેચલર પાર્ટીનો’. તે હેં કહું છું તમે બધુ સાંભળો છોને? એમ કહો, લગ્નને પાંચ વર્ષ થયાં છતાં પણ એકે બાળકો નથી થયાં. સારૂ થયુ. જે થાય છે તે સારા માટે. બાકી, મોનાની તો દશાજ બેસી જાત, એ પણ બિચારી એકલીજ છે. મહેનત કરીને છોકરીને મેક સાથે પરણાવી. પહેલા તો સોનાનો સૂરજ ઉગ્યો હોય એવુ લાગ્યું. પણ હવે, હે ભગવાન આ તેં શું કર્યું? બીચારી મોના, એક વિધવા સામે પણ તેં ના જોયું? આ તમે, કેમ મારી સામે આવી રીતે જુઓ છો? મને ટાઇલેનોલ આપો. મારૂ તો માથુ ભમી ગયુ છે. ચાલો હવે સીમા અને મયંકભાઇ પણ ઓફીસથી આવી જશે. તૈયાર થઇ જઇએ. પણ હેં! આ બેચલર થાય એટલેકે બ્રેકઅપ થાય એમાં પાર્ટી! શું જમાનો આવ્યો છે! તમને ખબર છે? હમણા એક વિડીયો આવ્યો છે. એક ફેમીલી બતાડયું છે. લોકો પણ કેવા ફોરવર્ડ થઇ ગયા છે? ડાઇનીંગ ટેબલ પર બધા બેઠા છે. ગ્રાન્ડડોટર મૂડમાં નથી. કારણકે તેનો બ્રેકઅપ થયો છે. બધા તેને મૂડમાં લાવવા પોતાના પહેલાના અફેરની વાતો કરે છે અને તમને ખબર છે, તેના દાદા શું બોલે છે? “દિલ તૂટેગા નહીં તો જોડેગા કૈસે?” બોલો મને તો નવાઇ લાગી, આ દાદા મોર્ડન બની ગયા હશે કે આ પોતાની જાતને આજના સમાજમાં મોર્ડન બતાડવાનો પ્રયત્ન કરતા હશે? જે હોય તે, સીમા તો પાર્ટીનું કારણ જાણતીજ હોવી જોઇએ. પણ હા, તમે કહ્યું તેમ આપણાથી આજના છોકરાઓને પૂછાય નહીં. એ તો વાજતે ગાજતે આવશે. પાર્ટીમાં જઇશું એટલે ખબર પડશે. તો ચાલો તૈયાર થઇ જઇએ. છોકરાઓ આવી ગયા. બધા પાર્ટીમાં જવા નીકળ્યા. બન્ને ગ્રાન્ડ ડોટર સાથે. આખા રસ્તે બધા ચૂપ હતા. હા, ગીતો ચાલુ હતા. અમે બધા બ્લેક ડ્રેસમાં હતાં કારણકે કહેવામાં આવ્યુ હતું બ્લેક ડ્રેસ કોડ હતો! વળી રીટાના હાથમાં ગીફટબેગ હતી. મારા મગજમાં વિચારોના પડીકા એક પછી એક બંધાતા જતા હતા. અડધો કલાકનો રસ્તો મારા માટે પૂછો નહીં કેટલો લાંબો લાગ્યો હશે! અને અમે પહોંચ્યા.

મોટી પાર્ટી લાગી. ઘણાં લોકોને ઇનવાઇટ કર્યા હોય તેવું લાગ્યું. શુક્રવારની સાંજ હતી. અમેરીકાની બેચલર પાર્ટીમાં જૂની આંખે નવા ચશ્મા ચઢાવી અમે બન્ને, પરિવાર સાથે અંદર પ્રવેશ્યા. મને હતું બધાના મોઢા સોગીયા હશે. હું પણ તેવા હાવભાવ ક્રીએટ કરીને મોનાને ભેટી. એ તો ખુશખુશાલ હતી! હું તો વિચારમાં પડી ગઇ. પણ મને થયું પેલા વીડીયો વાળા દાદાની જેમ આ મમ્મી પણ ચહેરા પર મ્હોરૂ પહેરીને ફરતી હશે. આમેય ભારતની સરખામણીમાં અમેરીકામાં પ્લાસ્ટીક ચહેરા વધુ જોવા મળે છે. જોકે બધાંજ ખુશખુશાલ હતાં. ત્યાં તો રીટા સુંદર ડ્રેસમાં બહાર આવી. ખૂબ સુંદર લાગતી હતી. તેના માથા પર કાળી કેપ હતી! એક ટેબલ પર કેકનું અનાવરણ થયું. સરપ્રાઇઝ! સુંદર કેક. કેક પણ કાળી કેપની બનાવેલી. ગ્રેજ્યુએશનમાં હોય તેવી અને દરેક કપકેક પણ કેપની હતી. કેક કટીંગ થયું અને વિસ્ફોટ થયો. રીટા ‘બેચલર’ બની હતી તેની કેક હતી! તેની પાર્ટી હતી. Oh my God! ત્યાં મૂકેલા બધા બલૂનમાંથી જાણે હવા નિકળી ગઇ. મારા પતિ મારી સામે ઘૂરકી રહ્યાં હતાં. તાળીઓના અવાજમાં એમનો અવાજ ડૂબી ગયો. માત્ર મને સંભળાયું, થોડા ગુસ્સામાં અને થોડા લાડમાં “ઓ મારી ડોબી ! જોયુંને?” મે કાનની બૂટ પકડીને કહ્યું, “સો…..રી!”

કલ્પના રઘુ

હાસ્ય સ્પતરંગી-(૨૨)- લમણેશની લમણાઝીંક-સાક્ષર ઠક્કર

અંગ્રેજીમાં એક શબ્દ છે હાઈપોકોન્ડરીઆક

Hypochondriac – a person who is abnormally anxious about their health

(રોગનો ભ્રમ સેવનાર)

મારો મિત્ર લમણેશ ડિસોઝા (નામ, અટક, જ્ઞાતિ, જાતિ, મારી સાથેનો સંબંધમાંથી કેટલુક બદલેલ છે ) Hypochondriac નથી. Hypochondriacને રોગ ન હોય તો પણ એવો ભ્રમ રહ્યા કરે કે એને કોઈ રોગ છે.  લમણેશને ખરેખર અલગ અલગ વિચિત્ર જાતના રોગ થયા કરતા હોય છે અને એને દવા લેવાની નથી ગમતી. બે દિવસ પહેલા  લમણેશના ઘરે અમે જમવા ગયા હતા અને લમણેશ મેડીકલ સ્ટોરથી એની દવાઓ લેવા ગયો હતો ત્યારે એની પત્નીએ એની જે વ્યથા વર્ણવી તે તેમના જ શબ્દોમાં કંઈક નીચે મુજબ છે:

જવા દો ને બહુ તકલીફ છે.  બે અઠવાડિયા પહેલા જ એમને ખંજવાળની તકલીફ ઉપડી હતી, બે દિવસ સુધી જ્યારે બેસે ત્યારે પલાઠી વાળીને જ બેસે અને પગની પાનીઓને ખંજવાળ્યા કરે. હવે ઘરે છે ત્યાં સુધી ઠીક છે, પણ અમે રેસ્ટોરન્ટમાં ગયા ત્યાંય પલાઠી વાળીને બેસી ગયા. એમ પાછા સ્વચ્છતાના આગ્રહીગંદા હાથ વડે ખવાય નહિ એટલે બધું ચમચીથી ખાધું. સૂપ સુધી તો બધું બરાબર હતું, પણ જેવો પાપડ આવ્યો, એને ચમચીથી ખાવામાં સ્ટીલની થાળીમાં એટલું બધું ટંગ ટંગ કરીને ખાધું, બધા ટેબલવાળા અમારી તરફ જોતા હતા. પછી ઘરે જઈને કહે કે આજે પાપડ ચમચીથી ખાધો એટલે બરાબર પાચન નથી થયું અને ઝાડા થઇ ગયા છે, તો ૧ કલાકમાં ૫થી ૬ વાર ટોયલેટ જઈ આવ્યા, અને આ બાજુ પગની પાનીએ ખંજવાળ તો ચાલુ ને ચાલુ જ એટલે અંદર જઈને દઈ જાણે શું ય કરતા હશે, જ્યારે જાય ૨-૩ મિનીટમાં ધડામ દઈને અવાજ આવે.

મેં બહારથી પૂછ્યું, “બધું બરાબર તો છે ને?”

તો કહે કે “હા સહેજ બેલેન્સ જતું રહ્યું હતું, Indian ઝાઝરૂ હોત તો હાલત વધારે ખરાબ થાત”.

આટલી બધી તકલીફ હતી તો મેં કીધું ઝાડાની હાલત થોડી સારી થાય તો ડોક્ટરને બતાવી આવો ખંજવાળ માટે,

તો કહે  કે “ખંજવાળ કંઈ જીવલેણ રોગ થોડો છે તો એમાં ડોક્ટરને બતાવાનું હોય”

પછી એમને કંઈક યાદ આવ્યું એટલે ગાદલાની નીચે મૂકી રાખેલા  “સહિયર”ના “દાદીનાં નુસખા”ના કટીંગ કાઢ્યા, એમાંથી એક કાગળિયાંમાંથી કંઈક વાંચીને, એક હાથમાં “સહિયર”ના કટિંગ અને બીજા હાથથી ડાબા પગની પાની ખંજવાળતા મને કહે કે “લાવ મને અખરોટ આપ, આમાં લખ્યું છે એક અખરોટનો ટુકડો ૯ વખત ચાવીને ખાવાથી ઝાડામાં તરત રાહત મળે છે”

હું અખરોટ અને ખાંડણી લઇને આવી, તો  “ખાંડણીની શું જરૂર છે! આ મારા મજબુત દાંત ક્યારે કામમાં આવશે?” એમ કહીહું કહું કે “અત્યારે ઝાડા થયા છે ને એમાં દાંતથી તોડવાનું risk નાં લેશો” એની પહેલા જ અખરોટ લઇ સીધી દાંતથી તોડવા લાગ્યા, અને એટલામાં જ એમને હેડકી આવી તો અખરોટ આખી મોઢાની અંદર જતી રહી. પછી કંઈક કેહવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ એમના મોઢામાં રહેલ અખરોટને કારણે મને બસ  “અ અ આં આં” જ સંભળાયું. એનો એમને ખ્યાલ આવતા ફોનની બાજુમાં પડેલ પેન લઇ અને સહિયરના “દાદીમાંના નુસખા”ના કટિંગમાંના દાદીમાના ક્લોસ-અપ ફોટોમાં, દાદીમાંના કપાળ પર કંઈક લખ્યું અને મને બતાવ્યું. ત્યાં દાદીમાંના કપાળ પર લખ્યું હતું, “પક્કડ લઇ આવ”

હું પક્કડ લઇ આવી, પછી પક્કડ લઇને એમણે જોરથી અખરોટ બહાર ખેંચી, અખરોટ બહાર નીકળીને દુર ફેંકાઈ ગઈ અને એ તરત ટોયલેટ તરફ દોડવા લાગ્યા, બારણું બંધ કરતા પહેલા મને કહ્યું, “ખંજવાળ મટી ગઈ”

દસેક મિનીટ પછી બારણું ખુલ્યું અને એ તરફથી બુમ આવી, “લમણીકા….. અહીંયા આવ કંઈક બતાવું”, મેં મારા કલ્પનાઓના ઘોડાઓને સહેજ પણ દોડાવ્યા વગર એ તરફ ગઈ તો એ ટોયલેટની બહાર અરીસા સામે મોં ખુલ્લું રાખી ને ઉભા હતા , “આ જો અહિયાં દાંત આગળ સોજો આવી ગયો હોય એવું લાગે છે?”

Dentist એ આખી અખરોટ વાળી ઘટના સાંભળી અને હસવાનું રોકતા રોકતા કહ્યું, “સોજો તો આવ્યો છે પણ એ મોટી તકલીફ નથી, સોજો તો જાતે બેસી જશે… પણ તમારો પાછળનો એક દાંત સડી ગયો છે, અત્યારે તો એ આ સોજાને કારણે કાઢી નહિ શકાય, પણ ૨-૩ દિવસમાં સોજો બેસે એટલે મળવા આવી જજો”

ડોકટરે કીધું એમ સોજો તો બે દીવસમાં ઉતરી ગયો, પણ એ વખતે dentist પાસે ના ગયા, એના પછી ૧ અઠવાડિયા પછી બીજી નવી તકલીફ ચાલુ થઇ. “આંખની ભ્રમર (eyebrow)માં દુખાવો”

સવારે ઉઠીને જ મને કીધું કે “eyebrow દબાવી આપ”, માણસની ઉપર કોઈ ઘોડો બેસીને માણસની સવારી કરતો હોય એવું દ્રશ્ય ભાળીને કોઈ પણ માણસના જેવા હાવ-ભાવ હોય તેવા હાવ-ભાવ સાથે મેં પૂછ્યું, “હેં….???” તો કહે “બેરી થઇ ગઈ છે? Eyebrow દુખે છે, દબાવી આપ તો ભગવાન તારું ભલું કરશે”.

એમને શિયાળામાં ઠંડીને લીધે અમુક વાર માથાના વાળ તો દુખતા જ હોય છે એ વખતે કપડા સૂકવવાની કલીપ વાળ પર અડધો કલાક લગાવી દે અને એમને રાહત થતી હોય છે. આ eyebrow વાળો દુખાવો નવો હતો. પણ હું એમને ઓળખું એટલે બીજું કંઈ આગળ પૂછ્યા વગર મેં એમની જમણી eyebrow દબાવવાની ચાલુ કરી, તો મારો હાથ પકડીને કહે કે “ડાબી eyebrow દુખે છે, આ નહિ”

એટલે મેં ડાબી eyebrow દબાવવાનું ચાલુ કર્યું. આ કામનો પહેલા અનુભવ નહિ એટલે પહેલા ધીમા દબાણથી દબાવવાનું ચાલુ કર્યું, તો એમણે કહ્યું, હજુ જોરથી દબાવ, મેં થોડું જોર વધાર્યું તો “ઓ….” કરીને ચીસ પાડી. એમણે ચીસ પાડી એના લીધે મને એમના દાંત દેખાયા અને ખબર પડી કે જેમ કેરીના કોથળામાં એક બગડેલી કેરીને લીધે બીજી બધી કેરી બગડવા માંડે એમ એમના બીજા બે દાંત પણ સડી ગયા હતા. એમાંથી એક દાંત તો આગળનો વચ્ચે નો દાંત સડી ગયો હતો.

એના પછી બે દિવસ એમને સમજાવ્યા ત્યારે Dentist પાસે ગયા ત્યારે ડોકટરે કહ્યું, “થોડા વહેલા આવ્યા હોત તો દાંતને બચાવી શક્યા હોત, પણ અફસોસ હવે તો દાંતને કાઢવા પડશે.” આ સાંભળીને એનેસ્થેસિયા આપ્યા વગર એ જ વખતે એમના દાંત ખેંચી કાઢ્યા હોય એવું એમનું મોઢું થઇ ગયું. પછી તો… 

એટલામાં લમણેશ બારણાંની અંદર આવ્યો. દવાઓની કોથળી ટેબલ પર મૂકી, સોફા પર બેઠો. મેં પૂછ્યું, “શું ચાલે લમણેશ? તબિયત કેવી છે?” લમણેશે પલાઠી વાળી, બંને હાથથી એની બંને પગની પાની ખંજવાળતા ખંજવાળતા, નીચેના એક દાંત વગરનું સ્મિત આપી એ બોલ્યો,

બસ જલસા છે.”

સાક્ષર ઠક્કર

હાસ્ય સપ્તરંગી -(21-શીખી લઈએ રોહિત કાપડિયા

પ્રેમ, લાગણી અને સંવેદના જ્યાં દિન-પ્રતિદિન ઘટતાં જાય છે. સુખ જ્યાં ચપટી જેટલું અને દુઃખ જ્યાં સૂંડલા જેટલું છે ત્યાં ખુશ રહેવાં માટે પહેલાં તો હસતા રહેવાનું શીખવું જરૂરી છે. કંઈક આવા જ વિચારથી કરેલી એક નાનકડી રચના મોકલું છું. જો વિષયને અનુરૂપ લાગે તો જ પ્રકાશિત કરશોજી.
                                                                                 રોહિત કાપડિયા
                                                                      શીખી લઈએ 
                                                                ————————
                                                દુઃખ, દર્દ ,વેદના તો જીવનમાં આવતાં જ રહેશે,
                                                ચાલો, હર હાલમાં હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                ચપટી જેટલાં સુખ સામે દુઃખ ભલે હો સૂંડલા જેટલાં ,
                                                થોડાને ઘણું માની, હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                 ફૂલોની જેમ કંટકોને પણ દિલથી અપનાવી લઈએ,
                                                 ચાલો નફરત ભૂલીને, હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                  ભેગું કરેલું બધું જ આખરે અહીંયા જ રહી જવાનું,
                                                  ચાલો, ત્યાગનાં રસ્તે હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                  જીવન મળ્યું છે તો શાને ઝિંદાદિલીથી ન જીવવું,
                                                  ચાલો, મોતને ભૂલીને  હસતાં રહેવાનું શીખી લઈએ.
                                                                                                             રોહિત કાપડિયા

હાસ્ય સપ્તરંગી – (20)”માનસિક નજરીયો ” પન્ના રાજુ શાહ

જીવનમાં દરેક વ્યક્તિ ને નાની મોટી બબાલ જીભાજોડી ઠંડું વાગ્યુદ્ધ થતું જ હોય . દરેક ધર માં. સામાન્ય છે. પતિ પત્ની વચ્ચે તો ખાસ . એ ખાસ માં માતા પિતા, “” જો જો હોં પતિ ના , પત્ની ના માબાપ વિષે તો બિચારા પતિ ની હિંમત નો હાલે ” બાળકો માટે ભાઈબહેનો માટે ભાઈબંધો માટે . પણ , આજે હું વાત કરીશ મારા “husband ” ની કે જેઓ એ હસવા નું બંધ કરી દીધું છે . મારી હયાતિ માં. હાજરી તો કહેવાય નહી .
મારા marriage થયા ત્યારે મારા husband business સાથે શેરબજાર ની હવા માં રંગાયેલા . આ હવા સ્વ હર્ષદ મહેતા ને આભારી . પણ આ બધું કરતા ભાર વધી ગયેલો . એ સમયે “ભલે પૈસા ડુબે, દેવું કેમ ન થાય પણ લબરમુછીયા છોકરાઓ પણ ઝુકવા માંડેલા . મને ખબર છે એ ગાળા માં તો નવરા બેઠેલા કે રખડી ખાતા છોકરાઓ ને પૂછીએ ” શું ભાઈ શું ભણ્યો , હાલ શું કરી રહ્યો છે?! ” તો એક જ જવાબ સાંભળવા મળતો ” શેર બજાર” . મારા પતિ નો copper wire નો treading નો business . Cooper King ગણાય પણ તેઓ ને પણ શેર બજાર નો ચસકો લાગી ગયેલો . તે સમયે તો રોજ સવાર પડે ને જુદી જુદી company ના issue forms બહાર પડતાં. પહેલા તો લોકો forms મેળવવા પડાપડી કરે , પછી ભરી ને જમા કરવા લાં——બી કતાર માં ઊભા રહે . ક્યારે પણ ભગવાન ને પગે ના લાગનારા issue ખુલવા ના હોય ત્યારે ભગવાન ને સ્વાર્થ માટે મસ્તક નમાવી દેતા .આ😀બધા માંથી પસાર થઈ ચૂક્યા છીએ .
વાત એમ છે કે તે વખતે forms ભરાતા . Forms મા સહીઓ કરવી પડતી . આ બધી જફા મને ગમતી નહી . મારી સહી કપાવવા ની હોય ત્યારે બીચારા પતિદેવ મને રીતસર થી કરગરે , પણ હું મચક ના આપું ત્યારે ગુસ્સેથી બોલી સહી કરવા કહે . નાનપણ મા બાપ દાદા એ શીખવ્યું હતું પેપર વાંચ્યા વગર સહી કરવી નહી ને કોરા કાગળ પર તો કદાપિ નહી . એટલે જેવું હું form વાંચું કે !તે ભડકી ઊઠે . ત્યારે જો પાણી નો બાઊલ માથે મુકાય તો પાણી ગરમ થઈ જાય હોં !!! આજે છેલ્લો દિવસ છે ને તેનું listing બહાર પડશે ત્યારે ઊંચા ભાવ ની શક્યતા છે તે આમાં સરભર થઈજશે . આ શેર લાગ્યા તો ઘી કેળાં . મને થતું ,રોટલી વરસો થી કોરી ખાય, ઘી નો ઘર મા જવલ્લે વપરાશ, કેલશયમ ઓછું તેના માટે ડોકટર દૂધ કેળાં લેવા નું કહે ત્યારે શરીર પર ચરબી ના થર જામી ના જાય તેથી લો ફેટ દૂધ ને કેળા માં શર્કરા વધુ એટલે તે પણ ના લેવાય . હવે તમે જ વિચારો , કાગળિયા ,પસ્તી માં તેને ધીકેળાં દેખાય .
એક વાર તો એક company ના issue બહાર પડવા ના હતા ત્યારે મને કહે આ શેર ની તો બધા કાગડોળે રાહ જોઈ રહ્યા છે . બે દિવસ પછી તે નું listing હતું . મને પણ ઈનતેજારી હતી કેમકે તેના “લગભગ પંદર forms મા ં મે સહીઓ કરી હતી . બે દિવસ પછી તેનો issue બહાર પડ્યો . CNBC TV18 channels પર તેનો review આવ્યો ને તેના ભાવ ની જે ગણતરી કરી હશે તેનાથી વિપરીત પરિણામ જાહેર થયું . જેઓ ને શેર નહોતા લાગ્યા તેમણે હાશકારો મેળવ્યો ને !!!!!! મેં પેપર ંમાં સમાચાર જાણીજોઈ ને વાંચી બળતા મા ઘી હોમ્યું . ત્યારે મને કહે , તારા કારણે જ આ થયું . લો ભાઈ તેનું નશીબ ના ચમક્યું ને દોષ નો ટોપલો મારા પર ??!!!!!!!
એ સમયપહેલા હર્ષદ મહેતા ને પછી કેતન નો . આ બે જણા એ બધા ને એવા નિચોડી કાઢેલા કે થોડા સમય માટે શેરબજાર નું નામ લેવાનું ભુલી ગયેલા .
સવારે ૯:૦૦ /૯:૩૦ ની આસપાસ office જાય , ને ૧૧:૦૦થી ૧૨:૦૦ મા તો ફોન આવી જાય . એક જ રટન ( જાણે tapના મુકી હોય!!!!😀)postman આવી ગયા !? JM finances Naiya નું courier આવ્યું છે કે નહી ?!! મારો જવાબ ના હોય તો તરત જ મને સામે બીજો સવાલ હોય , ” આવે તો તરત જ ફોન કર . તે તો ગડાબૂડ શેરબજાર માં ખુંપતા જ જતા હતા . ત્યારે પછી મેં મારો માનસિક નજરીયો રહદય મા અંકિત કરી લીધો . મારા મનો ભાવ ને મેં પદયકૃતિ મા કંડારી દીધી. તમે સૌ “બેઠક પરિવારજનો”હાસ્યરસની મજા ને માંડશો. મારી કાવ્ય રચના ના શબ્દ છે
“”માનસિક નજરીયો””
એક સવાર મેં જોઈ , એક સવાર તે જોઈ.
મેં સવાર ની કુદરત ને નિહાળી, તે સવાર ને અખબાર થી નિહાળી .
જોવા ની દ્રષ્ટી એક જ , નજરીયો અલગ અલગ .
એક બપોર મેં ઝંખી,અેક બપોર તે ઝંખી .
મેં પત્ર અને સ્વજન ની યાદ ની ઝંખના કરી .
તે JM finances Naiya ના courier ની ઝંખના કરી .
ઝંખના બન્ને ને પણ ઈનતેજારી અલગ અલગ .
એક સાંજ મેં આવકારી ,એક સાંજ તેંઆવકારી .
મેં સૂરજ ને ડૂબતો જોઈ ચંદ્ર ની શીતલતા ને આવકારી .
સલૂણી સંધ્યા ના સોનલવરણી પરિધાન ને આવકારી .
તે N.S.C, B.S.E ના ચડાવ ઉતાર ને આવકારી ,
આવતીકાલે Sensex ,dollar index, Nasdaq ,
Up જશે કે Down તેના વિચારો ને આવકાર્યા .
આવકાર ની ભાવના જરૂર હતી ,પણ ——–!!!!!!!!
મેં જીવન ઝરમર ને આવકારી , તે રૂપિયા ના ચડાવ ઊતાર ને આવકાર્યા .!!! પણ સદ્દભાગ્યે ————-
રાત્રી ની નિરવ શાંતિ મા “સવારે શું થશે !!!?”
તેની વિવસતા એ “આપણ બન્ને ” ને સપના માં સરતા ં બતાવ્યા ં. ,,,
જીવન મા આવા ખટટમીઠાં મનામણા ં રિસામણાં ના પ્રસંગો દરેક ના જીવન મા હાસ્ય રસ પેદા કરતા હોય છે. આવી રમૂજ ટીખળ જીવન નું યાદગાર સંભારણું બની જાય . તેને વાગોળવું પણ ગમે . બસ આ વિષય નો રસથાળ અહીં પુરો કરું છું .

મારા “બેઠક પરિવાર” ને જય હાસ્ય , શુભ સવાર , શુભરાત્રિ . જયશ્રી કૃષ્ણ .