૧-અજ્ઞાતવાસ-જિગીષા દિલીપ

 તેં કેમ મારી સાથે જ આવું કર્યું?
                હાજીઅલીનાં પથ્થર પર બેસીને,ફીણ ફીણ થઈ રહેલ દરિયાને જોતો હું ,કિનારા પર અથડાતાં દરેક મોજાં સાથે જીવનનાં પસાર થયેલ એક એક વર્ષને જોઈ રહ્યો હતો.દૂર ક્ષિતિજ પર ઝાંખો ઝાંખો દેખાતો ચંદ્ર ,સૂર્યની આગમનની લાલાશમાં પીગળી રહેલી ચાંદનીથી નિસ્તેજ થઈ વિદાય લઈ રહ્યો હતો.આકાશને મળવા ઉત્સુક દરિયાનાં મોજા ,હાર સ્વીકારવા પણ ક્યાં તૈયાર હતા? ?મોજાં બમણાં જોરથી કિનારાને અથડાતાં હતાં.ઘૂઘવાટા સાથે ખારા પાણીની છાલકો ઉડાડતો દરિયો જાણે આકાશને પામવાની એક અધૂરી આશ સાથે હૈયાફાટ રુદન કરતો હતો.ખારા આંસુ સારતો દરિયો પાછો ફરીથી ડબલ જોરથી આકાશને આંબવા મથી રહ્યો હોય તેમ મને લાગતું હતું.આબેહૂબ મારાં વિચારોનું પ્રતિબિંબ દરિયામાં જોતો હું કલાકો સુધી વિચાર કરતો દરિયાને જોઈ રહ્યો હતો.હું આપઘાત કરવાને વિચારે ભરતીનાં સમુદ્રને રાતભર જોતો રહ્યો હતો.વિચારોનાં ઘમસાણથી ફાટફાટ થતું માથું બે હાથથી દબાવી ત્યાં જ મેં જરાક લંબાવ્યું , અને ત્યાંજ એક ઝોકું આવી ગયું. 
        એક જોરદાર મોજાની છાલકમાં ઊડેલ પાણીથી આંખ ખુલી ત્યારે તો વહેલી સવાર થઈ ગઈ હતી. વિરાટ આકાશમાં રંગોળી પૂરતાં વહેલી સવારમાં હારબંધ ઊડતાં પક્ષીઓને જોતા હું મનોમન વિચારતો રહ્યો  “આ પક્ષીઓને પણ તેમનાં જેવા કેટલાંય બીજા પક્ષીઓનો સાથ છે અને હું  આ આખા જગતમાં સાવ એકલો! હંમેશા મારે મારી સાથે જ વાત કરવાની ?  મારા અંદર અજ્ઞાતવાસમાં રહેલ નકુલ સાથે… મને સમજાતું નહોતું કે કયા અને કોના ભરોસે હું આ જીવન હું જીવી રહ્યો છું ?    
Each day I live, I want to be
A day to give,
the best of me I  am only one, but not alone
My finest day is yet unknown
I broke my heart for every gain To  taste the sweet,
I face the pain
I rise and fall, yet through it all
This much remains, I want one moment in time
When I‘m more than thought I could be
When all of my dreams, are a heartbeat away
And the answers are all up to me
Give me one moment in time when I’m racing with destiny
Then in that one moment of time, l will feel, I will feel eternity 
I’ve lived to be the very best, I want it all, no time for less
 
     આપઘાત કરવાનો વિચાર જીવનમાં કેટલીયે વાર આવ્યો છે. અને આજે તો મન મક્કમ કરીને દરિયામાં કૂદી જ પડવાનો વિચાર હતો. ..પણ….દરવખતની જેમ આ વખતે પણ મારા દાદી રુખીબાના સીંચેલ સંસ્કાર, ભગવાન પરનાં વિશ્વાસે અને મરણની છેલ્લી ઘડીની બીકે મને આપઘાત કરતાં રોકી દીધો. જગતનાં સૌ લોકો પર વિશ્વાસ મૂકવાની મારી આદત જ મને માર ખવડાવતી હતી! 
બધી બાબતે હિંમતવાળો હું આપઘાત કરવા જતાં કેમ પાછો પડું છું.??? 
જીવનમાં નીરસતા સિવાય ક્યાં કંઈ બચ્યું છે .?
છતાં આપઘાત કરવા માટેની હિંમત મને ઓછી કેમ પડે છે?.. કેમ?    
મારો અંદરના એક વિશ્વાસે મને સફળતાની આશા આપી,અને મને આપઘાત કરતા રોક્યો… 
છેલ્લી એકવાર પ્રયત્ન કરી જોઉં,જીવનની બાજી રમવાનો….  
કદાચ આ વખતનો મારો પ્લાન સફળ થઈ જાય તો!  
અને મેં  જિંદગીને એક છેલ્લો ચાન્સ આપ્યો…….
       દરેક વખતે આપઘાત કરવાનો વિચાર આવે અને જાણે રુખીબાની કરેલ એક એક વાત મારી પર હાવી થઈ જતી.મારી અંદર આત્મવિશ્વાસ તો  ઠાંસીઠાંસીને ભર્યો હતો એમણે…પણ તકદીરને કોણ બદલી શકે?
       રુખીબાનું અદ્ભૂત વ્યક્તિત્વ યાદ આવતાં જ આંખમાં ભીનાશ અને ગળામાં ડુમો બાઝી ગયો.
’My World Best Dadi’,રુખીબાને યાદ કરતાં જ આંસુ સાથે તેમની સાથે ગાળેલાં એ સોનેરી દિવસો યાદ આવી ગયાં. ખાલી મારી દાદી જ નહીં! દુનિયાની મને સૌથી વધુ વહાલ કરતી વ્યક્તિ…
         હું સ્કુલેથી આવુંને,એટલે મારાં માટે કેસર ,બદામ ,પિસ્તા વાળું દૂધ,મસાલાપુરી,ચેવડો તો ક્યારેક પોટેટો ચીપ્સ તૈયાર જ હોય.હું કેટકેટલું પજવતો તેમને! મને આ દૂધ નહીં જોઈએ,તો મણીબહેનને કહે”મણીબહેન,બાબાભાઈ માટે ચોકલેટનું દૂધ બનાવી લાવો અને હા સાથે પેલા એનાં મામા અમદાવાદથી ગાંઠિયા લાવ્યા છે તે આપો. તે એને ભાવશે”અને હું ચોકલેટવાળુ દૂધ ને ગાંઠિયા હોંશે હોશેં ખાઈ લેતો.રુખીબા આખો દિવસ મારું ,મમ્મી,પપ્પા અને ઘરમાં આવતાં જતાં મહેમાનોનું  બધાનું ધ્યાન અને કાળજી રાખે !એજ એમનું જીવન.નકુલ શું ખાશે? શશીને શું ગમશે? જયદેવ ક્યારે આવશે? મણીબહેન ,ચોવીસ કલાક અમારી સેવામાં હાજર જ હોય. સવારે ઊઠીને રુખીબા મણીબહેનને કહેતા “પહેલાં ગાજરનો જ્યુસ શશીને મારી મમ્મી  આપી દો,પછી જ બીજું કામ કરો અને આજે જયદેવને મારા પિતાને,નાટકની પ્રેક્ટીસ છે ,મોડો આવશે તો ખાવાનું ઠેકાણું નહીં પડે,મેથીનાં ઢેબરાં કરી રાખો એટલે ન ખાય તો નાસ્તામાં પણ ચાલે’ બસ !
તેમને મન તો અમારી કુંટુંબસેવા એ જ ભગવાનની સેવા! મેં કેટ કેટલાંય આનંદના દિવસો દાદી સાથે વિતાવ્યા હતાં!
        મારા વ્હાલા દાદી ,બધાંને કહેતાં “તમને ખબર છે ? નકુલ પહેલો શબ્દ ઘોડો બોલતાં શીખ્યો હતો” મારી માસી અમદાવાદથી,હણહણાટી જેવો અવાજ કરે તેવો ,રમકડાંનો ઘોડો લાવી હતી .મને એ ઘોડો બહુજ ગમતો હતો.તેને જોઈને હું એટલો ખુશ થતો અને તેને હાથમાં લઈને જ સૂઈ જતો.ઘોડો મને બહુ ગમતો હતો,એટલેજ મારા પિતાએ મારું નામ પણ નકુલ રાખ્યું હતું.પણ મને કે ઘરનાં કોઈને પણ ક્યાં ખબર હતી કે મારે ઘોડા સાથે આખી જિંદગી સુધી ગાઢ સંબંધ રહેવાનો છે! મારાં જીવનમાં ખલબલી અને ક્યારેક શાંતિ પણ તેનાથી જ મળવાની છે.રેસકોર્સ અને ઘોડા,એ એક જ તો હતાં કે જેને લીધે હું મારી જિંદગી જીવી શક્યો.એ જ મારો આનંદ અને એ જ મને ટકાવી રાખનાર આધાર.
       ઊગતાં સૂરજને જોતાં જોતાં હું હાજીઅલીની મસ્જિદની વહેલી સવારની પોકારાએલ અઝાન સાથે ઈશ્વરને ફરિયાદ કરી રહ્યો હતો.મારા ક્યા ગુનાની સજા રૂપે તે મને આવું એકલવાયું જીવન આપ્યું છે?.
“ભગવાન! તેં કેમ મારી સાથે જ આવું કર્યું”?
 
-જિગીષા દિલીપ


-“वाचिकं सर्व वाङ्ग्मयम ”-7-વાગ્મી કચ્છી

મિત્રો હું નાની હતી ત્યારે વાર્તા સંભાળવી બહુ ગમતી..હું આંખ બંધ કરી સંભાળતી ત્યારે દ્રશ્યો આંખ સામે તરવરે ….હરણપગી વાર્તા અને ભાષા બન્ને હૃદય સુધી પહોંચી જાય. બસ એજ હેતુથી આ વિડીયો બનાવીએ છીએ ,જયશ્રીબેનની કલમ અને વાગ્મની પ્રસ્તુતિ બન્ને એમની રીતે શ્રેઠ. સાંભળો મજા આવશે.જો તમને આ વાર્તા સંભાળવી ગમી હોય તો તમારા બીજા મિત્રોને વાર્તા સંભાળવા જરૂર મોકલશો.

 

 

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 20

વધુ લખું એ પહેલા આજે એક નજર અહીં કરએ.

 

કનૈયાલાલ મુનશીની જીવન સફર કરેલા કાર્યોની યાદગાર યાદી
૧૯૦૪ – ભરૂચમાં મફત પુસ્તકાલયની સ્થાપના
૧૯૧૨ – ભાર્ગવ માસિકની સ્થાપના
૧૯૧૫ – ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
૧૯૨૨ – ગુજરાત માસિકનું પ્રકાશન
૧૯૨૫ – મુંબઇ ધારાસભામાં ચુંટાયા
૧૯૨૬ – ગુજરાતી સાહિત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
૧૯૩૦ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
૧૯૩૦-૩૨ – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
૧૯૩૩ – કોંગ્રેસના બંધારણનું ઘડતર
૧૯૩૭-૩૯ – મુંબઇ રાજ્યમાં ગૃહપ્રધાન
૧૯૩૮ – ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
૧૯૩૮ – કરાચીમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
૧૯૪૮ – સોમનાથ મંદિરનો જિર્ણોદ્ધાર
૧૯૪૮ – હૈદરાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
૧૯૪૮ – ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
૧૯૫૨-૫૭ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
૧૯૫૭ – રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
૧૯૫૪ – વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
૧૯૫૯ – સમર્પણ માસિકનો પ્રારંભ
૧૯૬૦ – રાજકારણમાંથી નિવૃત્ત
કનૈયાલાલ મુનશીની પ્રખ્યાત અને ખ્યાતનામ કૃતિઓ
ગુજરાતનો નાથ
પાટણની પ્રભુતા
પૃથ્વી વલ્લભ
કૃષ્ણાવતાર ભાગ ૧ થી ૮
રાજાધિરાજ
જય સોમનાથ
ભગવાન કૌટિલ્ય
ભગ્ન પાદુકા
લોમહર્ષિણી
ભગવાન પરશુરામ
વેરની વસુલાત
કોનો વાંક
સ્વપ્નદ્રષ્ટા
તપસ્વિની
અડધે રસ્તે
સીધાં ચઢાણ
સ્વપ્નસિદ્ધિની શોધમાં
પુરંદર પરાજય

ધૂમકેતુ : વાચક -પ્રજ્ઞા દાદભાવાળા

ગુજરાતી નવલિકાના આદ્ય પ્રણેતા એટલે ધૂમકેતુ. એમના વિષે ખાસ વાત આજે કરવી છે. તેમનો જન્મ 12મી ડિસેમ્બર 1892ના રોજ થયો હતો એટલે એમને મળવાનું આપણું ભાગ્ય કયાંથી હોય? પણ આ વખતે ભારત ગઈ ત્યારે તેમની વાર્તા ‘પોસ્ટ ઓફીસ’નું વાચિકમ સંભાળવાનો અવસર મને હિતેન આનંદપરાના એક પ્રેગ્રામમાં મળ્યો. ધૂમકેતુની અનેક વાર્તાઓ નાનપણમાં વાંચી હતી પણ આ વખતે ધૂમકેતુને જાણે અલીડોસાના રૂપે મળી.

નાનપણથી આપણે સૌ કોઈ વાર્તાઓ સાંભળતાં આવ્યા છીએ પણ કોઈ લેખક આટલાં વર્ષો પછી પણ આપણામાં જીવે તેને શું કહેવાય? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી પણ નહિ અને ‘ધૂમકેતુ’ પણ નહિ. આ લેખક અલીડોસા તરીકે દરેક ગુજરાતીમાં હજી પણ જીવી રહ્યો છે. વાત એમની કલમની તાકાતની છે. ઘણાને કદાચ ખબર નહિ હોય કે એમની નવલિકાઓમાં સામાન્ય, દીન-દરિદ્ર પાત્રોને એમણે પ્રવેશ આપ્યો પણ આ પ્રથમવારનો પ્રવેશ જ ક્રાંતિકારક હતો. તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્યમાં લાંબો સમય યાદ રહે તેવી છે. તેમની વાર્તાઓમાં વૈવિધ્ય ઘણું પીરસાયું છે. ધૂમકેતુએ લગભગ પોણા પાંચસો જેટલી વાર્તાઓ રચી છે.

ગુજરાતી સાહિત્યાકાશમાં ખળભળાટ મચાવી દેનાર ધૂમકેતુનું આગમન ૧૯૨૬માં તેમનો ‘તણખા’ નામે વાર્તાસંગ્રહ પ્રગટ થયો ત્યારે થયું અને લોકો જેને ઝંખતા હતા તેવી કલાઘાટવાળી ટૂંકી વાર્તાઓ તેમને મળી. એમની ભાવનાવાદી નવલિકાઓમાં મસ્તીભર્યા, રંગદર્શી, ઉત્કટ આલેખન એ જ એમની કલમનું બળ બન્યું. વાર્તાલેખનથી તેમણે સર્જનનો ખરો આરંભ કર્યો અને ચિરંજીવી યશના અધિકારી પણ નવલિકાના સાહિત્ય સર્જને જ એમને બનાવ્યા. લેખકનો શબ્દકેમેરો ફરતો ફરતો આપણી સામાજિક પરિસ્થિતિ પર ફર્યો. વાર્તામાં વાસ્તવિકતા પ્રગટ કરી તો ક્યારેક સમાજસુધારણાના વિચારો પ્રગટ કર્યા, આમ ગાંધી ભાવનાના પડધા પણ એમણે ઝીલ્યા. ધૂમકેતુની વાર્તાઓમાં અનુભવાતું ભાષાનું બળ મને સદાય અનોખુ વર્તાયું. તેમની ઉત્તમ વાર્તાઓમાં સર્જનાત્મકતા દેખાઈ. મને હંમેશા તેમની કથાવસ્તુનું પણ એક અનોખું આકર્ષણ લાગ્યું. એના માટે એમ કહી શકાય કે આજના લેખકોને આ જ કથાવસ્તુને નિમિત્ત બનાવી નવલકથા રચવાં કે ફિલ્મ બનાવવાં પ્રેરણા આપે તો નવાઈ નહીં.

નાનપણથી સ્વભાવથી જ મનમૌજી એવા ગૌરીશંકરનું બાળપણ ડુંગરાળ ધરતી, નદીઓ અને વોંકળા વચ્ચે કુદરતનાં સાનિધ્યમાં વીત્યુ હતું. કુતૂહલ અને નિર્વ્યાજ આનંદથી પ્રકૃતિનાં સૌંદર્યને, કુદરત તરફના સહજ અનુરાગે એમની વાર્તા કે લેખનમાં એના પડઘા પડ્યાં અને એટલે જ એમની વાર્તામાં ક્યાય કૃત્રિમતા નથી દેખાઈ. જે કઈ લખ્યું તેનો સ્વયં આનંદ લીધો. તેઓ સ્વમાની, સમભાવપૂર્ણ, ઊર્મિલ અને ચિંતનશીલ પ્રકૃતિના હતા. તેઓ કેટલેક અંશે ધૂની પણ હતા અને એટલે જ કદાચ માતબર સર્જન કર્યું. એમની વાર્તામાં આપણે એમનાં પાત્રો સાથે વાર્તાલાપ કરતા હોઈએ તેવો અનુભવ થાય અને અંતે આપણે એ પાત્ર બની જીવીએ. પાત્રની વિશિષ્ટ મન:સ્થિતિ આપણે અનુભવીએ અને હૃદય અચાનક બોલી ઊઠે વાહ…!

ધૂમકેતુની વિશ્વવિખ્યાત ટૂંકી વાર્તા ‘પોસ્ટઓફિસ’ કોઈ પણ સંવેદનશીલ માણસની આંખ ભીંજવી દેવા માટે સક્ષમ છે. અલી ડોસો અને તેની પુત્રી મરિયમ, એ માત્ર કથાનકનાં પાત્રો નહીં રહેતાં દુનિયાભરનાં પિતા-પુત્રીનાં પ્રતીક બની જીવી રહ્યાં છે. પુરુષમાં ઊગેલાં માતૃત્વને ધૂમકેતુ જેવી સબળ કલમ જ આલેખી શકે. ડોસાની પત્ર-પ્રતીક્ષાને બખૂબી વર્ણવી છે. પોતાની વહાલસોયી દીકરી મરીયમ, જે દૂર દેશાવર સાસરે હતી, તેનો પત્ર આજે ચોક્કસ આવશે જ એવી પૂર્ણ શ્રદ્ધા સાથે લાકડીના ટેકે ટેકે ડોસો રોજ પોસ્ટ ઓફિસે આવે, પરંતુ પત્ર ન આવે ને ખાલી હાથે પાછો જાય. ફરી બીજા દિવસે આવે. પાછો જાય. આમ તેની શ્રદ્ધા – વિશ્વાસ સાથે પોસ્ટ ઓફિસે આવવાનો ક્રમ રોજેરોજ નિયમિત જળવાઈ રહે છે. પોસ્ટ ઓફિસનો સ્ટાફ પત્રની પ્રતીક્ષા કરનાર આ ડોસાને તડપાવવા માટે “કોચમેન અલી ડોસા…” એવી બૂમ પાડે અને અલી ડોસો એમ માને કે પોતાની દીકરી મરીયમનો પત્ર આવ્યો છે અને તે પોસ્ટ ઓફિસની બારીએ જાય પરંતુ પત્ર ન હોય. આખરે એક દિવસ ખરેખર પત્ર આવે છે. પછી શું થાય છે, એ જાણવાની ખરી મજા તો એ વાર્તા વાંચો તો જ આવે. ખેર, એ અલીડોસો આજે નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ આ ‘પોસ્ટ ઓફિસ’ વાર્તા આજે પણ મારા દિલમાં હયાત છે. કહ્યું છે ને કે લેખક કદી મારતો નથી તેના શબ્દો અને કલમ તેમને જીવાડે છે.

— પ્રજ્ઞા દાદભાવાળા
 

વિશેષ માહિતી -સંકલન-

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ‘ટેનટેલ’ નામની પસંદ કરેલી શ્રેષ્ટ દસ વાર્તાઓમાં ‘પોસ્ટ ઓફીસ’નું પણ સ્થાન છે. ‘પોસ્ટ ઓફીસ’ વાર્તામાં અલી ડોસાનો પુત્રી-પત્ર વિરહનો વલોપાત આલેખાયેલો છે તે વિચારબીજ ગોંડલની એક જૂની પોસ્ટઓફીસ પરથી મળ્યું છે. અમેરિકામાં પ્રકાશિત થતુ stories from many landsમાં તણખા મંડળ-1માં ‘પોસ્ટ ઓફીસ’ વાર્તાને સ્થાન મળ્યુ છે. પોસ્ટ ઓફિસનું અંગ્રેજીમાં ‘ધ લેટર’ તરીકે અનુવાદ થયો છે. 

એ અલી ડોસો નથી કે નથી આ પાત્રના સર્જક ‘ધૂમકેતુ’ રહ્યા, પરંતુ એ પોસ્ટ ઓફિસ ગોંડલમાં હયાત છે. થોડા સમય પહેલાં એ પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચોકનું ‘ધૂમકેતુ ચોક’ નામકરણ થયું છે. ધૂમકેતુ ગોંડલ રેલવેમાં ટ્રાફિક સુપ્રિન્ટેન્ડેન્ટની ઓફિસમાં ક્લેઈમ્સ ક્લાર્ક તરીકે નિમાયા હતા. એ નોકરીમાં મજા ન આવી એટલે સંગ્રામજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે નોકરી કરી હતી. એ જમાનામાં કોઈ મેટ્રીક પાસ થાય તો પણ જાણે કે આઈએએસ પાસ થયા જેવું ગૌરવ ગણાતું! એ વેળા તેઓ મેટ્રીક થયા પછી જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં અભ્યાસ કરી બીએ થયા હતા. ભણવાની સાથે તેમની સાહિત્યરુચિ પણ ઘણી ખીલેલી હતી. કોલેજકાળ દરમિયાન ‘સાહિત્ય’ માસિકે નિબંધ સ્પર્ધા યોજેલી, જેનો વિષય હતો ‘૧૯૧૭માં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ કયો? અને શા માટે?’ તેમાં તેમણે ભાગ લીધો હતો અને દસ રૃપિયાનો પ્રથમ પુરસ્કાર પણ મેળવ્યો. કોલેજકાળ દરમિયાન ‘શૈલબાલા’ નામની વાર્તા રચેલી. તેમના પત્રો આનંદશંકર ધ્રુવના ‘વસંત’માં છપાયા હતા. તેમણે કુંકાવાવ, બાબરા, ગોંડલ અને અમદાવાદ એમ વિવિધ સ્થળોએ શિક્ષક તરીકે નોકરી કરી. ગોંડલ સાથે ધૂમકેતુને જાણે કે ઋણાનુબંધ હોય તેમ તેઓ પાંચમી અંગ્રેજી ભણવા ગોંડલ આવેલા હતા. નોકરી કરતાં કરતાં ગોંડલમાં જ ‘પોસ્ટ ઓફિસ’નું સર્જન કર્યું. એ સિવાય ઘણી વાર્તાઓ પણ ગોંડલમાં લખી.

ખુલ્લી બારીએથી -હરિપ્રસાદ મણિરાય વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

 
 
મારું નાનપણ આમ તો રમતમાં વધારે ગયું પણ મને વાંચન તરફ વાળવા મારા પપ્પા બકોર પટેલ લાવી આપતા. સૌથી વધુ આકર્ષણ મને એમના મોઢાનું હતું  અને બીજા મને શકરી પટલાણી ખુબ ગમતા કારણ એ ઉતાવળિયા બકોર પટેલને હરાવતા.   ઘર પાસે “બાલોધ્યાન” કરીને એક પુસ્તક કલબ હતી જે દીના પાઠકના ભાઈ ડો.બિપીનભાઈ ચલાવતા,ત્યાં દર રવિવારે તમને એક પુસ્તક મળે જે વાંચીને પાછું લઈ આવવાનું અને હું હંમેશા બકોર પટેલના પુસ્તકો શોધતી,પછી તો રીતસરનું ઘેલું લાગતું. બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે ભુલાતી નથી. તેમના લખાણમાં સરળતા અને શૈલી પણ કેવી રોચક ? વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી ? પણ આજે થાય છે કે આવું પાત્ર શોધનાર લેખકને મારા પ્રણામ,તેની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજે છે. ચાલો તો તેના ઈતિહાસને ઉખેડીએ…
મૂળ નામ હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર. તેમણે મોટેભાગે બાળસાહિત્ય જ કર્યું અને એમાં જ તેઓ પ્રસિદ્ધ થયા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ,શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું . તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. બકોર પટેલની ૨૦૦થી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’  માસિક માટે લખી હતી.આવા અમરપાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા સંભવતઃ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકમાં નથી એ પણ નવાઈની વાત નથી ? એ સિવાય પણ બાળસાહિત્ય મામલે વર્તમાનમાં આપણી પાસે બતાવવા માટે નોંધપાત્ર કંઇ છે નહીં…..
બકોર પટેલની વાર્તાઓ સામાજિક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો રજુ કરતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઇઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા,જોકે મારા ભાગે તો તેમના સંગ્રહ જ આવ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા પણ મારું આકર્ષણ લેખક કરતા તેના પાત્રો હતા આમ પણ ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર એટલે બકોર પટેલ જ ગણાય. એમણે હસતા હસાવતા જીવનના પાઠ શીખવ્યા,સાદું સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રોની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવાતા આમલોક સાથેનું પોતાપણું, સંબધોની મીઠાશ ને ગરિમા, ચગળી-ચગળીને જીવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ એટલે બકોર પટેલ ના પુસ્તકો . છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને લેખકે પ્રસ્તુત કર્યા.બધો શ્રેય તેના સર્જક હરિપ્રસાદ વ્યાસને જ જાય.આમ જોવો તો બકોર પટેલ નું પાત્ર ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય.
હરિભાઈનો  જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.ખાસ તો ગર્વ સાથે જાણવાનું કે International Companion Encyclopedia of Children’s Literatureમાં પણ આ સાહિત્યકાર અને તેના સર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેરીસના એક કાર્ટૂન ગેલેરીમાં બકોર પટેલનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. બીજું તારક મહેતા જેવા લેખકને પણ બકોર પટેલે હાસ્ય લેખ લખવાની પ્રેરણા આપી હતી.
 
વિશેષ નોંધ : ડૉ. રતિલાલ બોરીસાગરે આ કથાઓનું તાજેતરમાં પુન:સંપાદન કર્યું છે જેમાં તેમણે મૂળ કૃતિના ભાવને યથાતથ રાખીને આજની પેઢીને નવા ને અજાણ્યા લાગતા શબ્દોનું સરલીકરણ કર્યું છે; એ સમયના વજનના માપને આધુનિક માપમાં ઢાળ્યા છે ને કર્મણિ વાક્યરચનાઓને કર્તરિમાં રૂપાંતરિત કરી આપી છે. અત્યારે આ વાર્તાઓના કુલ્લ ૩૩ ભાગ ગુર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રાપ્ય બન્યા છે એ આનંદની ઘટના છે.] તેમના બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ,..બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ),હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાની આવૃત્તિઓ બહાર પડી છે.

સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા

ઘણી વિગતો અહી પણ મળશે-

https://shabdonusarjan.wordpress.com/2017/06/21/%e0%aa%ac%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/https://shabdonusarjan.wordp

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – નવી કોલમ : રીટા જાની

મિત્રો,
‘બેઠક’માં બધાનું સ્વાગત છે.

સામાન્ય રીતે માણસ વિચારી વિચારીને જીવતો નથી પણ વિચાર આવે તો લખવાનું મન થાય ખરું. વિચાર એ અનુભવની વાણી છે. અનુભવ માણસને સમૃદ્ધ કરે છે. સંવેદના અનુભવાતાં કલમ ઊપડે છે અને પ્રસરે છે અનુભૂતિનું અત્તર.

મિત્રો હવેથી દર શુક્રવારે ‘કલમના કસબી : કનૈયાલાલ મુનશી’ની કોલમ રજૂ કરશે, રીટાબેન જાની.

આમ જોવા જઈએ તો, રીટાબેનનો પરિચય રાજેશભાઈ શાહે કરાવ્યો. એક દિવસ રીટાબેન ‘બેઠક’માં આવ્યાં અને ચાલું ચર્ચાના વિષય પર પોતાના વિચારો પ્રગટ કર્યા. મને એમની મૌલિક અર્થઘટનની આવડત સ્પર્શી ગઈ. સારા સર્જકની કલમની તાકાત જે તે સર્જકની મૌલિકતા હોય છે.

બસ ત્યાર પછી ‘બેઠક’ માટે પણ તેમણે કલમ ઉપાડી. જેમ આપણાં જીવનનો આધાર જીવનની તંદુરસ્તી પર છે તેમ મનનાં વિચારો પણ જીવનને જતન કરવા જરૂરી છે એવું માનનારાં રીટાબેન શબ્દયોગી પણ છે. ‘બેઠક’માં લખેલી ‘અનુભૂતિનું અત્તર’ લેખમાળા. જેની પ્રથમ કૃતિને ‘સ્ટોરી મીરર’ પર ‘ઓથર ઓફ ધ વીક’નો એવોર્ડ મળ્યો એટલું જ નહિ, પણ ‘ઓથર ઓફ ધ યર-૨૦૧૯’ માટે નોમીનેશન મળ્યું.

રીટાયર્ડ બેન્કર, યોગ ટ્રેઈનર, લાઈફ સ્કીલ કોચ,’આદર્શ અમદાવાદ’ની સ્વયંસેવિકા અને શાળા-કોલેજ દરમ્યાન યુવક મહોત્સવ અને ત્યારબાદ ઈન્ટર બેંક સાહિત્ય વિષયક સ્પર્ધાઓમાં વિજેતા એવા રીટાબેન બેઠકમાં લખશે એ ખુબ મોટી વાત છે. સખી, તારાંગણ, બેંક કર્ણાવતી મેગેઝિન તથા સંદેશ, ફૂલછાબ વર્તમાનપત્રમાં લેખ અને વાર્તાલેખન લખી ચૂકેલી કલમને તમે માણસો એમાં કોઈ શક નથી.

કેવળ શરીર નહિ કે કેવળ મન નહિ પણ સાહિત્યની અભિવ્યક્તિ દ્વારા રીટાબેન મુનશીની ફરી ઓળખ કરાવશે. કનૈયાલાલ મુનશીને જીવંત કરીને એમણે આપેલ શબ્દ ગુજરાતી ‘અસ્મિતા’ ને ઉજાગર કરશે.

મિત્રો ગમતાને ગમતું મળે તો કોણ જતું કરે? બસ, આપણને સૌને ગુજરાતી સાહિત્ય વાંચવું-લખવું ગમે છે અને પરદેશમાં આપણી ભાષાને ઉજાગર કરવા કોઈ સાથ આપે તો આપણા ‘બેઠક’નો ધ્યેય અને યજ્ઞને આહુતિ મળી છે. આપણા સર્જકોને પ્રોત્સાહન આપવાની જવાબદારી સર્વે ગુજરાતી વાચકોની છે. શબ્દયોગી સર્જક રીટાબેન આપણી સાથે જોડાયા તેનો આનંદ આપણને સૌને છે. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે.

રીટાબેન, તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારાં માટે ગૌરવ અનુભવીએ છીએ.

પ્રજ્ઞા દાદભાવાળા-નિમિત્ત

નવી કોલમ – मेरे तो गिरधर गोपाल : અલ્પા શાહ

સર્જક અને વાચક મિત્રોનું ‘બેઠક’માં સ્વાગત છે.

હું લખીશ, શું લખીશ, ક્યારે લખીશ, કેવી રીતે લખીશ એ વિષે બહુ વિચાર્યું નથી – પણ મારી માતૃભાષામાં લખીશ એ નક્કી છે. વાચક જયારે સર્જક બને છે ત્યારે લેખન એક પ્રક્રિયાથી કઈંક વિશેષ બની રહે છે. કોઈક અદીઠ અંતઃસ્ફુર્ણાથી વિચાર ફૂટે અને શબ્દો ગોઠવાય અને કૃતિનું સર્જન થઈ જાય.

ક્યારેક મારાં મનના વિચારોને વહાવતું એક ઝરણું,
ક્યારેક મારી સુખ અને દુઃખની સંવેદનાઓનું તરણું,
ક્યારેક મારા આનંદના અતિરેકને બાંધતી એક પાળ,
ક્યારેક મારા આંતરિક ઉદ્વેગોને વહી જવાનો એક ઢાળ.
આવું કહેનારાં અલ્પાબેન શાહ હવે પછી આપણા બ્લોગ દર ગુરુવારે ‘मेरे तो गिरधर गोपाल’ નામની કોલમ લખશે અને મીરાંને પોતાની નજરે પોંખશે. ‘બેઠક’માં અલ્પાબેનનું સ્વાગત છે.

અમદાવાદના ખોળે જન્મેલાં અલ્પાબેન, Fremont, Californiaમાં લગભગ ૨૦ વર્ષથી રહે છે. બે એરિયામાં એક પ્રતિષ્ઠિત ટૅકનોલોજી કંપનીમાં software professional તરીકે ફરજ બજાવે છે. એમણે એમનાં હૈયાનાં સ્પંદનો કોલેજકાળ દરમ્યાન કંડાર્યા હતાં પણ પછી તો જિંદગીની ભાગદોડમાં કલમ ક્યાં અને ક્યારે ખોવાઈ ગઈ ખબર જ ન પડી અને એક દિવસ ખાલીપો ભરવાનો પ્રયત્ન કરતાં કરતાં ફરીવાર હાથમાં આવી ગઈ કલમ. અંતરની સંવેદનાઓનું સરોવર કાગળ પર ઊભરી આવ્યું અને એક કવિતાની રચના પણ એમણે કરી.

અલ્પાબેન અંગ્રેજી, ગુજરાતી અને ક્યારેક હિન્દી એમ, ત્રણેય ભાષામાં લખે છે. જોકે, એમની પહેલી રચના પોતાની માતૃભાષમાં લખાઈ તેનો એમને આનંદ છે. એમની પ્રથમ ગુજરાતી કવિતા ‘મારો માધવ મારી સાથે છે’ લખી હતી. એ હતું જિંદગીના ત્રિભેટે ઊભા રહીને, એમનું અને એમની અંદર રહેલા પરમાત્માનું એક અનોખું ગઠબંધન અને હવે તો કલમ સાથે એમને પાકી દોસ્તી થઇ ગઈ છે. જેનો લાભ ‘બેઠક’ના વાચકને એમની કોલમમાં મળશે.

વ્યસ્ત જીવનશૈલીના લીધે એ કોઈ અલાયદો સમય તો લેખન માટે ફાળવી શકતાં નહોતાં પણ ક્યારેક અદીઠ અંતઃસ્ફુર્ણાથી વિચાર ફૂટે અને યોગ્ય શબ્દોનો સાથ અને કોઈક કૃતિનું સર્જન કરવા પ્રેરાતાં ત્યારે લખતાં પણ હવે એમની કલમની કુંડળી બદલાઈ ગઈ છે, લેખનની પ્રક્રિયા આગળ વધતા હવે માત્ર ‘બેઠક’ માટે ખાસ સમય કાઢીને, મીરાંનો એક પરિચય એમની નજરે અને એમની કલમે આપણને કરાવશે. આમ જોવા જઈએ તો, શબ્દ એમના માટે સંજીવની છે. અથવા એમ કહો કે, શબ્દ એમના શ્રીકૃષ્ણ છે. જેમના માટે શબ્દ જ કૃષ્ણ હોય એ તો મીરાંને ઓળખે જ ને!

અલ્પાબેન મનની મોસમમાં ખીલતું વ્યક્તિત્વ છે. હવે કોમ્પુટરનાં અરણ્યમાંથી બહાર નીકળી શબ્દનાં નંદનવનમાં પ્રવેશી રહ્યાં છે. મીરાંનો અને તેમની રચનાનું પોતાની રીતે વિવેચના કરીને આપણને સૌને નવા જ વિચાર આપશે.

અલ્પાબેન, આપનું ‘શબ્દો ના સર્જન’ પર સ્વાગત છે.

મિત્રો, સર્જક અને સર્જનને વધાવવાની જવાબદારી આપણા સૌની છે. ‘બેઠક’ દરેકની સર્જન શક્તિને માન આપી માધ્યમ આપે છે એ ખરું! પણ સાથે લેખકની પોતાની નિષ્ઠા પણ અનિવાર્યતા છે, નિયમિત લખાવી ‘બેઠક’ એક પાઠશાળાની જેમ સર્જની વેલને ઉછેરે છે. આપ સૌ સાથ આપી પરદેશમાં ગુજરાતી સાહિત્યનું બી વાવી આપણી ભાષાના છોડને ઉછેરો છો અને જે રીતે ગતિમય રાખો છો તેનું મને ખૂબ ગૌરવ છે. આપણી આ સાહિત્યની સફરમાં અનેક મિત્રો જોડાશે એવો પણ મને અનેરો વિશ્વાસ છે.

આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. અલ્પાબેન, તમારાં યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
 
 
– પ્રજ્ઞા દાદભાવાલા

નવી કોલમ -કબીરા-જીગીષા પટેલ

પ્રિય વાચક મિત્રો,
આપ સર્વેનું ‘બેઠક’માં સ્વાગત છે.આ પહેલા દર બુધવારે આપ સૌએ જિગીષાબેનની કોલમ “સંવેદનાના પડઘા” વાંચી છે હવેથી નવા વર્ષની શરૂઆત જિગીષાબેન એમની નવી કોલમ “કબીરા”થી  શરુ કરી રહ્યા છે. ૧૪મી સદીના સંત કબીરને જિગીષાબેન તેમની કોલમમાં ફરી જીવંત કરશે.
        હું મિત્રતાની બાબતમાં હંમેશા ભાગ્યશાળી રહી છું. મૈત્રી આપમેળે અચાનક થઇ જતી એક ઘટના છે એમ હું માનું છું. જિગીષાબેન કહો કે કલ્પનાબેન કહો કે બીજા ઘણા મિત્રો હું  હંમેશા મારા મિત્રો થકી વિકસી છું. હું એમની સાથે ખુબ વાતો કરું છું,કૈક ને કૈક નવું જાણવા મળે છે.
     તમે સૌએ જિગીષાબેનની “સંવેદનાના પડઘા” કોલમ માણી છે. એમની પાસે અભિવ્યક્તિની સરળતા છે. એમની પાસે મૌલિકતા છે.બીજું જિગીષાબેન જળ જેવા પારદર્શક છે. એમને જે વાત સહજપણે સુઝે એજ વાત વહેતી કરે છે કદાચ એમના સરળ વ્યક્તિત્વનું એ પ્રતિબિંબ છે.એ પોતાને જે લાગે તે સચ્ચાઈથી કહી શકે તેટલી હિમત પણ છે. જિગીષાબેને કોઈ પણ જાતનો અંચળો ઓઢ્યા વિના જે સંવેદના અનુભવી તે નરી સરળતાથી કોઈ પણ અયાસ કે પ્રયાસ વગર અને જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર આપણી સમક્ષ મૂકી શકે છે. પરિણામે એમના લેખનું એક આકર્ષણ સદાય રહયું છે.  
      એમણે હમણાં હમણાં જ કલમ ઉપાડી છે પણ મેં અને આપ સૌએ પ્રસંગને મૂલવવાની ક્ષમતા એમનામાં જોઈ છે અને માટે જ એમના અનેક ચાહકો ઉભા થયા છે.એમને જે લાગે છે તે લખે છે. વિદ્વાનો કે વિવેચકોનો ભાર રાખ્યા વગર બેધડક લખે છે અને વાચકનો વિચાર કરે છે એટલો લેખક તરીકે પોતાનો ખુદવફાઈનો પણ ખ્યાલ રાખે છે અને લખવા માટે તે ખુબ વાંચે છે અને માટે જ કદાચ વાચકોએ તેમને વધાવ્યા છે. સંવેદનાના પડઘા કોલમમાં અનેક સત્ય સંવેદનશીલ હકીકતો પ્રસ્તુત કરી ઉઘાડ આપ્યો છે. હવે કબીરની આપણને એમની રીતે ઓળખ કરાવશે. ‘બેઠક’માં અને ‘શબ્દોનાસર્જન’માં જોડવા બદલ હું એમનો આભાર માનું છું. આ સાથે એમની કોલમ કબીરાને વધાવવાની જવાબદારી વાચકોને સોપું છું.
       ‘બેઠક’ અનેક રીતે બધાને પ્રગટ થવાનો મોકો આપે છે અને અહી અનેક લેખકોએ આત્મવિશ્વાસ પણ કેળવ્યો છે. સતત કોલમ લખવી એ ગૌરવની વાત છે.આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. જિગીષાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
   – પ્રજ્ઞા દાદભાવાલા

દ્રષ્ટિકોણ-દર્શનાબેન વારિયા નાડકર્ણી

મિત્રો,
દર શનિવારે રજુ થતી દ્રષ્ટિકોણ કોલમના ૫૧ લેખ
હવે પુરા થયા છે જેને માટે હું દર્શનાબેન વારિયા નાડકર્ણીને અભિનંદન આપું. 

       દર્શનાની સાથે અમારી મિત્રતા કોલેજ કાળથી છે. હું ઘણુબધું દર્શના પાસેથી શીખી છું અને મારી આ મિત્ર માટે મને ગૌરવ છે.દર્શનાબેને ઘણું લખ્યું છે તેમનો પોતાનો એક બ્લોક છે જેમાં તેના અનેક વાંચક છે.એમણે ચિક્કાર લખ્યું છે અને હજી પણ લખતા રહેશે.લખવું એ એમની ગરજ અને તરસ બન્ને છે.ભીતરથી નવું શીખવાની તેમની ઈચ્છાએ એમને નવો દ્રષ્ટિકોણ આપ્યો છે અને જેનો લાભ આપણને સૌને આ દ્રષ્ટિકોણ કોલમમાં મળ્યો છે.
      એક લેખકે ખુબ સરસ વાત કરી છે કે “તમે જાણતા નથી તે તમે નથી જાણતા, કારણ કે તમે તેને જાણતા નથી”,આપણને સૌને દર્શનાબેને અનેક વિષયને આવરી લઈને એક અલગ દ્રષ્ટિ આપણને પીરસી મોઢામાં તૈયાર કોળિયા દીધા છે પછી એ વિજ્ઞાન હોય ધર્મ હોય કે સમાજ હોય, મિત્રની જેમ વાતો કરીને જ્ઞાન પીરસી “અશક્યમાં જ શક્ય રહેલુ છે”એ વાત પુરવાર કરી છે.
      નવો જિંદગીનો અંદાઝ એમણે એમના દરેક લેખમાં રજુ કર્યો છે.આમ જોવા જઈએ તો માત્ર હું જ નહિ આપણે સૌ વિકસ્યા છીએ.પરંપરાગત વાતો, વસ્તુ અને વિચારોમાંથી આપણને સૌને દર્શનાબેને બહાર કાઢી એક નવા વિચારો થકી વૈશ્વિક દ્રષ્ટિકોણ આપ્યો છે.દર્શનાબેનની એક વાત મને ગમી છે દરેક વસ્તુનું એના પાસા પરત્વે જુદી જુદી રીતે જ્ઞાન થાય છે ..તેને સમજવાની કોશિશ કરીએ એજ તો અનુભૂતિ છે.આવી જ અનુભૂતિ આપણે સૌએ એમના પ્રેત્યેક લેખમાંથી મેળવી છે.
      દરેક લેખ વિડિયો દ્વારા રજુ કરી સમય સાથે ચાલતા શીખવ્યું છે.તેમની પ્રેત્યેક વિડ્યો ભાવવાહી છે.
દર્શનાબેને ગુજરાતી ભષાને ગતિમય રાખવાના આપણા યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું છે.’બેઠક’ એમના આ કાર્યની નોંધ લે છે.દર્શનાબેન તમે ખુબ વાંચો અને અવિરત લખતા રહો તેવી શુભેચ્છા.
અને છેલ્લે એમનો સંપર્ક કરવો હોય તો -Darshana V. Nadkarni, Ph.D.
Cell: 408-898-0000
Updates on Twitter @DarshanaN
Blog – ://darshanavnadkarni.wordpress.com/
આપણી ભાષા સમૃદ્ધ છે માટે વાંચન અને સર્જન સાથે ગતિમય રહેવી જોઈએ. આપણી માતૃભાષાને સાચવવાની જવાબદારી સૌની છે. દર્શનાબેન તમારા યોગદાનની ‘બેઠક’ કદર કરે છે અને અમે તમારા માટે ગૌરવ અનુભવીએ છીએ.
પ્રજ્ઞા દાદભાવાળા

bethak-8

નવા વર્ષે આવકાર

મિત્રો 
નવા વર્ષના નવા વધામણાં સાથે ચાલો કરીએ નવા વર્ષની શરૂઆત. 
છેલ્લા બે વર્ષથી આપ સૌએ  દરરોજ એક નવી કલમ  અને કોલમ માણી છે સાચું કહું તો આ કોલમે મને ઉઘાડ આપવામાં ઘણી મદદ કરી છે.માટે મારે સૌ એ સર્જકોનો આભાર માનવો જ રહ્યો. સાથે દરેક લેખકને પણ કોઈ એક વિષય પર ૫૧ લેખો લખવા બદલ અભિનંદન.
વાંચકો અને લેખકનો એક અનોખો સંબંધ હોય છે એવું હું માનું છું.એક લેખકની તાકાત એની કલમ હોય છે તેમ વાચકો તેમનુ બળ હોય છે.લેખક લખે છે ત્યારે એની પાસે એનું એકાંત  હોય છે. લખાણ પ્રગટ થયા પછી એનું એકાંત એના વાચકોમાં વહેંચાઈ જાય છે.વાચકો લેખકના અસ્તિત્વને માંજી આપતા હોય છે.વાચકના અભિપ્રાય ઝીલીને લેખકનો લેખક તરીકેનો પિંડ બંધાતો હોય છે કારણ શબ્દોનું સૌન્દર્ય માત્ર લેખનમાં નથી હોતું પણ વાંચનારની આંખોમાં પણ હોય છે. લેખક લખે છે પોતાની ભૂખને કારણે પણ પણ તેના ઓડકાર વાચક લે છે.’બેઠક’ના શબ્દોનુંસર્જનના  બ્લોગ ઉપર  આ વર્ષે પણ દર અઠવાડિયાની દરોજની નવી કોલમ આ મહિના થી શરુ કરતા આંનદ સાથે ગૌરવ અનુભવું છું. આપ પણ આપણી લેખિકાને પ્રેમથી વધાવશો.
સોમવારે -રાજુલ કૌશિક 
મંગળવારે -ગીતાબેન ભટ્ટ
બુધવારે -જિગીષાબેન પટેલ 
ગુરુવારે -અલ્પાબેન શાહ 
શુક્રવારે -રીટાબેન જાની
શનિવારે -પ્રજ્ઞા દાદભાવાલા 
રવિવારે -નયનાબેન પટેલ 
પ્રજ્ઞા દાદભાવાવાળા