કોઈપણ સર્જન અથાગ પરિશ્રમ અને કલ્પનાનો આવિષ્કાર હોય છે. મુનશીનાં સર્જનને સમજવા માટે, તેમનાં જીવન અને ઉછેરની બારાખડી ઉકેલવા માટે તેમની જીવન કથાની ત્રણ કૃતિઓ સૌ પ્રથમ વાંચવી જરૂરી છે.
1. ‘અડધે રસ્તે’ પહેલો ભાગ 1887થી 1906 સુધીનો
2. ‘સીધાં ચઢાણ’ બીજો ભાગ 1906થી 1922 સુધીનો
3.’સ્વપનસિદ્ધીની શોધમાં’ ત્રીજો ભાગ 1923થી 1926 સુધીનો.
છ બહેનોના ભાઈ કનૈયાલાલ મુનશીનો જન્મ ઈ.સ. 1887ની ડિસેમ્બરની 3મી તારીખે થયો હતો. માતૃપાલવમાં છુપાયેલું બાળપણ એ સમૃદ્ધિનો આસોપાલવ છે. આ એ સમય છે જેમાં વ્યક્તિત્વનો અણસાર અને ભણકાર રહેલો છે. વ્યક્તિનું કૌશલ્ય, તેનાં સ્વપ્નો, તેની સમજણ, તેના સ્વભાવનો નકશો તેના બાળપણમાં અભિપ્રેત છે. તેથી જ ‘અડધે રસ્તે’ની શરૂઆત થાય છે ‘ટેકરાના મુનશીઓ’થી. ચારિત્ર્યઘડતર પર મુખ્યત્વે ત્રણ પરિબળો અસર કરે છે:
2. ઉછેરગત પરિબળો
3. રાજકીય, આર્થિક પરિબળો
‘ટેકરાના મુનશીઓ’ વાંચતાં કનૈયાલાલ મુનશીના સંદર્ભમાં આ તમામ પરિબળોનો તેમનાં જીવન પર કેવો પ્રભાવ રહ્યો હશે તેનો અંદાજ આવે છે. તેમાં ટેકરાનું સ્વામિત્વ અને ગૌરવની વાત આપણી સમક્ષ તાદૃશ થાય છે. ટેકરાના મુનશીઓની કૌટુંબિક વાતો, ભરૂચના ભાર્ગવ બ્રાહ્મણનો મિજાજ, તેમની ઉગ્રતા અને મુત્સદ્દીગીરી, સામાજિક સ્થાન, તેમની ન્યાત, પૂર્વજોની કીર્તિ, મુનશીગીરીનો રૂઆબ અને કારભાર આપણને જાણે તે સમયખંડમાં લઈ જાય છે. મુનશીઓની વિદ્વતા, વાક્પટુતા અને ઔદાર્યની મિસાલ લેવાતી હતી. તો ધીરજકાકા જેવા વિનોદવૃત્તી ધરાવતા વડીલો પણ હતા. વિદ્યાવ્યાસંગી, ગર્વિષ્ઠ, બાહોશ અને કર્તવ્યનિષ્ઠ કુળના મુનશીઓએ પરદેશી રાજ્યતંત્રની વફાદારી કરી મુનસફગીરી મેળવી. મુનશીજી એ સમયની સામાજિક, રાજકીય, કૌટુંબિક સ્થિતિનો તાદૃશ ચિતાર રજૂ કરે છે.
એ સમયની સ્ત્રીઓનું જીવન કેવું હતું, તેમનું સ્થાન કેવું હતું તેની વિસ્તારપૂર્વક વાતો મુનશી કરે છે. રુખીબા જેવી સ્ત્રીઓ કે જેના પ્રતાપે ભાર્ગવની ન્યાત થરથર કાંપતી. તેઓ ભયંકર ગાળોનો લાવા સમા દઝાડતા વરસાદથી ગામના છેડે આવેલાં ઘરમાં આગ ઉડાડી શકતી. તેનાથી બીજી સ્ત્રીઓનું જીવન અનુકંપાપાત્ર બની જતું. તો ગામના ઝગડા, કુટુંબના ઝગડા, મિલકતના ભાગ માટે યાદવાસ્થળીની વાતોમાં એ સમયનું સમગ્ર સમાજજીવન સુપેરે ઊભરી આવે છે. મુનશીના માતાપિતા-બાપાજી અને બા- માણેકલાલ ઉર્ફે માણકાભાઈ અને તાપીનું પાત્રાલેખન ખૂબ સુંદર છે. બંને વચ્ચે પ્રેમ છે, સમજણ છે, આદર્શમય ઐક્ય છે અને સાથે મળીને જીવનના પડકારોનો સામનો કરવાની તૈયારી પણ છે. એ યુગના લોકોનાં અભિમાન અને બાલીશતા કેવાં હતાં તે કલ્પવા જઈએ તો આજે કલ્પના પણ ન ચાલે. એવું જ સ્ત્રીઓની બાબતે પણ કહી શકાય. સ્ત્રી કેળવણી વિરુદ્ધનો પવન હતો. બાળલગ્ન અને બાળવૈધવ્ય ખૂબ સામાન્ય હતાં. મુનશીની બે બહેનો 17 અને 19 વર્ષની વયે વિધવા બની. આ જમાનાને તો ‘ન્યાત મળી’ કે ‘ન્યાતની પટલાઈ’ નો અર્થ સમજતાં પણ વાર લાગશે.
કેટલાક શબ્દચિત્ર મુનશીની કલમમાં જ માણીએ.
મુનશી પોતાના માટે કહે છે:
* ઘરનાં છજામાં બેસી લીમડો જોઈ વન, ઉદ્યાનની કલ્પના કરી આનંદ લેતો. છેક નાનો હતો ત્યારે, સરસ્વતી મને એમની મારફતે વિદ્યા મેળવવાના સંદેશા મોકલતી એમ હું માનતો.
* હું જન્મ્યો ત્યારે ઘણો મોંઘો અને માનીતો હતો. મારા પગલે બાપાજી મામલતદારીમાં કાયમ થયા. હું નાનો હતો ત્યારે મારામાં ઘણું ડહાપણ છે એવી માન્યતા મેં પ્રસારી હતી, કેવી રીતે તે મને ખબર નથી.
* મૃત્યુલોકમાં હું મારી મેળે, દેવોની મહેરબાની વગર આવી ચડ્યો. ઊતરતી વયે બાએ બાધા લીધી કે પુત્ર આવે તો કોઈ દેવદેવીને કંઈ ન કરવું: ને હું આવી પડ્યો. મારામાં દેવો વિશે અશ્રદ્ધા અને આચાર વિચારની ભખળતા આજ કારણથી આવી છે એમ ઘરડાં સંબંધીઓ ખાતરીથી માને છે.
* મોંઘા દીકરાનું જતન કરવા બધાં, સકારણ કે અકારણ, કંઈ ને કંઈ કર્યા જ કરતાં, તેથી મને ટેવ પડી ગઈ. એવું કરતાં ચૂકી જાય તો મારો જીવ ગૂંગળાઈ જાય, મને જીવન નિરર્થક લાગે અને વૈરાગ્ય પર પ્રેમ આવી જાય.
* હું ટેકરા પર વૈરનું ફળ બનીને આવી પડ્યો. બાપાજી એ છેલ્લીવારના છોકરા માટે ભાગ માંગ્યો. ચાલીસ વર્ષ પછી મોટાકાકાના કારભારમાં હાથ નાંખવાનો પ્રયત્ન થયો…ગજબ થઈ ગયો! યુદ્ધનાં ડંકા નિશાનો વાગવા માંડ્યા, શંખનાદ ફૂંકાયા, પ્રતિશબ્દ થયા ને ટેકરા પર યાદવાસ્થળીનો પ્રારંભ થઈ ગયો.
આ ઝાંખી પરથી ખ્યાલ આવશે કે કનૈયાલાલ મુનશીના જીવનની શરૂઆત કઈ રીતે થઈ. બાળપણ એક ઉંબરો છે. તે ઉંબરો છોડ્યા પછી કિશોરાવસ્થા અને યુવાવસ્થા આવે છે. બંને ચિત્રમાં રંગ જુદા છે. બાળપણનાં સંસ્મરણોમાં હજુ બાળક પોતાની આસપાસનાં કૌટુંબિક જીવનનો પરિચય મેળવે છે. મુખ્ય રંગ હોય છે વાત્સલ્ય કે તોફાનમસ્તીનો. કિશોરાવસ્થામાં પ્રવેશ્યા બાદ વિકસતી સમજણ વડે ચારિત્રઘડતર થાય છે.
એ જોઈશું આવતા વખતે…..
— રીટા જાની