ખુલ્લી બારીએથી-ગોવર્ધનરામ ત્રિપાઠી -વાચક -જયવંતીબેન પટેલ

સમાજ સુધારક ગોવર્ધન માધવરામ ત્રિપાઠી
 
પહેલી વખત જયારે “સરસ્વતીચંદ્ર ” વાંચી ત્યારથી ગોવેર્ધનરામ  ત્રિપાઠી પ્રત્યે મારું માન ખૂબ જ વધી ગયું હતું. જે વ્યક્તિ ગમે તેમના વિષે જાણવાની ઉત્સુકતા વધે અને મેં પણ એમના વિષે વધુ વાંચવાની કોશિશ કરી.
તેમનો જન્મ નડિયાદની નાગર જ્ઞાતિમાં થયો હતો. 1883 માં એલ એલ બીની પરીક્ષા પાસ કરી એમણે મુંબઈમાં વકીલાત શરૂ કરી. અભ્યાસમાં તેમનો પહેલો-બીજો નંબર આવતો નહી, કારણ કે તેમનું ધ્યાન પાઠ્યપુસ્તકો કરતાં બહારના સામાન્ય પુસ્તકો વાંચવામાં વિશેષ પ્રવૃત્ત  હતું. કૉલેજકાળ દરમિયાન તેમણે સાહિત્ય તથા કવિતાનો આમૂલ અભ્યાસ આદર્યો.ગોવર્ધનરામ ત્રિપાઠી ચાળીસ વર્ષના થયા. પોતે કરેલા સંકલ્પ મુજબ વકીલાતનો અત્યંત ધીકતો ધંધો સમેટી લીધો ૪૦ વર્ષની વયે નિવૃત્ત થયા બાદ બાકીના જીવનમાં શું વાંચવું , શું લખવું , શાનો અભ્યાસ કરવો, વિવિધ પ્રવૃત્તિઓને કેટલું સ્થાન આપવું છે તેનો વિચાર તેમણે ઈ.સ. ૧૮૮૫ સુધીમાં કરી લીધો હતો. તે જ વર્ષથી તેમણે નિયમિત પોતાની રોજનીશી લખવા માંડી હતી.ગોવર્ધનરામનું વાંચન વિશાળ હતું. તેમણે અંગ્રેજી સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો.
એમણે ધંધામાંથી નિવૃત થઇ એમણે સાહિત્ય અને સમાજસેવામાં મન પરોવ્યું. સૌથી મહત્વ પ્રવૃત્તિ કહીએ  તો તે ‘સરસ્વતી ચંદ્ર’ના પહેલા ભાગના આરંભને કહી શકાય. ઈ.સ.૧૮૮૫ માં તે પૂરો લખાઈ ગયો ને ઈ.સ.૧૮૮૭ માં પ્રગટ કર્યો.પોતાના વિચારો પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચી શકે એ હેતુથી પોતે નિબંધને બદલે નવલકથાનો આશ્રય લીધો એવું લેખકે સ્પષ્ટ સ્વીકાર્યું. સરસ્વતીચંદ્ર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા છે. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે.
“સરસ્વતીચંદ્ર”ને નવલકથા કરતાં કુટુંબકથા, રાજ્યકથા અને જ્ઞાનકથા તરીકે વધુ જોવામાં આવે છે. “સરસ્વતીચંદ્ર” એ આ લેખકનું મહાન પ્રદર્શન છે. એમની મહત્તાનું માપ આ પુસ્તકો વાંચીને માપી શકાય છે. “સરસ્વતીચંદ્ર” એ ગુજરાતી સાહિત્યમાં અનન્ય ગ્રંથ છે. એમનું પાત્રાલેખન વાસ્તવિક અને વિવિધતાભર્યું છે. એમની સુંદર , સાદી અને અલંકારિક ભાષાએ ગુજરાતી ગદ્યસાહિત્યને નવું બળ આપ્યું છે. “સરસ્વતીચંદ્ર” ગુજરાતી ગ્રહજીવનનું પુરાણ લેખાય છે. ગુજરાતી આચારવિચારને ભાવિ પ્રજા સમક્ષ સુંદર રીતે રજૂ કર્યો છે. આજ તો એમનો ઉદેશ હતો.ગોવેર્ધનરામે સરસ્વતીચંદ્ર દ્વારા એ વખતનાં ચાલતાં ચુસ્ત રૂઢિઓ અને રિવાજોને પડકાર્યા છે. એમનાં અનેક પુસ્તકો દ્વારા સમાજસુધારણાની પ્રવૃત્તિને બળ મળ્યું . એમની નવલકથા બોધપ્રધાન, સામાજિક નવલકથા ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં એક અગત્યનું અંગ બની અને આ નવલકથાને ખૂબ વેગ મળ્યો,ઘણી ઘણી સુંદર નવલકથાઓને બાજુએ રાખી “સરસ્વતીચંદ્ર” ઘણાં પગથિયાં ઉપર ચડી ગઈ તેમની આ કૃતિમાં કવિતા ભરપૂર છે. ખૂબ જ સરળતાથી વિચારો, ભાવમય રીતે તેમના કાવ્ય દ્વારા પ્રદર્શિત કર્યા છે.તેમની કવિતાઓ મૃદુ છતાં વીજળીના ચમકારા લેતી, રસવૃષ્ટિ છે. એમ પણ કહી શકાય કે આ સારો ગ્રંથ રસગ્રંથ છે. તેને મહાભારત કે રામાયણ સમો કહી શકાય. સરસ્વતીચંદ્ર એટલે મહાકાવ્યોનો ગદ્યાવતાર. કુમુદનાં પાત્રમાં સીતાજીની આછી – પાતળી છાયા પણ મને દેખાય છે. તો બીજી તરફ કુમુ -ચંદ્રની પ્રબળ વેગવંતી સ્નેહકથા આપણું દિલ જીતી લે છે અને બાણભટ્ટનાં જેવી ગાજંતી તેમની વર્ણન માળા – મનને પ્રફુલ્લિત કરી દે તેવી છે એટલું જ નહિ -વિપુલ પાત્રો આ નવલકથાની બીજી વિશેષતા છે. સરસ્વતીચંદ્રના દરેક પાત્રને તેમનાં ગુણ પ્રમાણે નામો આપી લેખકે અનોખી શૈલીની ઓળખ આપી છે.
ગોવેર્ધનરામ એક વિદ્વાન લેખક થઇ ગયા.એમણે વાંચનથી શબ્દને ઉછેરી પોંખી પોખીને વાપર્યા છે. “એમ કહેવાય છે સત્યનો ચહેરો જોવો હોય તો ગાંધી પાસે જાવ,સૌન્દર્યનો ચહેરો જોવો હોય તો ટાગોર પાસે જાવ મૌન અને શાંતિનો ચહેરો જોવો હોય તો બુદ્ધ પાસે જાવ,” પણ મેં આ બધાનો સુમેળ માત્ર એક નવલકથામાં જોયો છે.એમના પાત્રો અને કથાવસ્તુ એમની વ્યાપક વિષયોને ઊંડાણમાં લેવાની મનોવૃત્તિના સૂચક છે. સંસારત્યાગમાં નહીં, સંસારસેવા અર્થે જીવન સમર્પિત કરવું એ જ સાચો સંન્યાસ એવી પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના એમણે આ કથામાં રજૂ કરી છે. પિતાની ધર્મનિષ્ઠા અને માતાની વ્યવહારુતા – બંને ગોવર્ધનરામ વારસામાં મળ્યા હતા જેના પડઘા મેં નવલકથામાં જોયા છે.
સરસ્વતીચંદ્ર “માત્ર પ્રણયકથા નથી;લાગણીનો માત્ર સૂક્ષ્મ સંઘર્ષ નથી પણ પ્રણયકથા નિમિત્તે એ સંસ્કૃતિકથા છે. સમકાલીન ઘટનાઓ વિશે ચિંંતન-મનન કરાવતી આ કથાનું નાટ્યરૂપાંતર પણ થયું છે અને હિન્દીમાં ફિલ્મ પણ ઉતારી છે. ઇતિહાસ કહે છે કે જયારે “સરસ્વતીચંદ્ર ” છપાયો ત્યારે એટલે કે એ તિથિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યે જગતસાહિત્યમાં પગ મુક્યો. ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પ્રથમ સાહિત્યકાર ગણાય છે.
ગોવર્ધનરામનાં બીજાં સર્જનોમાં નવલરામની જીવનકથા તથા પિતૃઅંજલિ-રૂપ લખેલું : ‘માધવરામ-સ્મારિકા’. આ ઉપરાંત ધર્મ, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર આદિ અનેક વિષયો પર તેમનાં ભાષણો તેમ જ અંગ્રેજી અને ગુજરાતી સામયિકો માં તેમણે લખેલા કેટલાક લેખો પણ ઉચ્ચ કોટિના હતા. પણ મારા માટે તો “સરસ્વતીચંદ્ર” અને “ગૌવર્ધનરામ ત્રિપાઠી” એક શ્રેષ્ઠ સર્જક અને કથા એક શ્રેષ્ઠ સર્જનાત્મક ગ્રંથની છાપ સાથે હજી પણ અકબંધ છે.
જયવંતી પટેલ

સંકલન વિશેષ :અભ્યાસકાળ દરમિયાન એમણે જીવન જીવવા માટે ત્રણ સંકલ્પ કર્યા,
૧. એલ.એલ.બી. થઈ મુંબઈમાં વકીલાત કરવી,
૨. ક્યારેય નોકરી કરવી નહિ,
૩. ચાળીસમે વર્ષે નિવૃત્તિ લઈને શેષજીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું.
‘સરસ્વતીચંદ્ર’ : ભા.૧ (૧૮૮૭) નવલકથા એમની ગ્રંથરૂપે પ્રગટ થયેલી પહેલી કૃતિ છે. પછી ક્રમશઃ બીજા ભાગો ચૌદ વર્ષ દરમિયાન પ્રગટ થયા.સરસ્વતીચંદ્ર –ભા. ૧,૨,૩,૪ (૧૮૮૭, ૧૮૯૨, ૧૮૯૮, ૧૯૦૧) : ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની બૃહત્કાય નવલકથા. આશરે અઢારસો પૃષ્ઠમાં વિસ્તરેલી આ કથાને ‘પુરાણ’, ‘પંડિતયુગનું મહાકાવ્ય’, ‘મહાનવલ’ વગેરે રૂપે ઓળખાવવામાં આવી છે. આ બૃહત્ નવલકથામાં ઓગણીસમી સદીના અંતભાગમાં જીવનને આટલા વ્યાપક સંદર્ભમાં જોવા-મૂલવવાનો અને તેને કળારૂપ આપવાનો જે પુરુષાર્થ એના સર્જકે કર્યો છે તે ઘટના ગુજરાતી સાહિત્યમાં જ નહીં, બલકે સમગ્ર ભારતીય સાહિત્યમાં અજોડ છે.-જયંત ગાડીત.

૨૭ એપ્રિલ ૨૦૧૬ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગોવર્ધનરામ ત્રિપાઠીના માનમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગાંધીનગર ખાતે આ ટિકિટનું વિમોચન કર્યું હતું

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 07

વ્હાલા વાચકો,
‘પૃથિવીવલ્લભ’ નવલકથાની પશ્ચાદભૂની વાત કરીએ તો પૃથિવીવલ્લભ એટલે પ્રતાપી દેશ માળવાનો મહારાજા મુંજ, સરસ્વતીનો લાડીલો, કાવ્યરસિક, માળવાની ચારે દિશા ધ્રુજાવતો દિગ્વિજયી, જેની ખ્યાતિ અત્યાર સુધી ઊતરી આવી છે. તેણે સોળ વખત તૈલપને હરાવેલો એ ઐતિહાસિક હકીકત છે. એનું બિરુદ એના પ્રભાવનું પ્રતિબિંબ પાડે છે, અને સમકાલીન કવિઓની પ્રશંસા પણ તેની સાક્ષી પૂરે છે. અનેક લેખકો મુંજની કીર્તિ તરફ ખેંચાઈને તેને વિશે લખવા પ્રેરાયા. મુનશીજી કહે છે કે તેઓ પણ અનેક નવલકથાકારોની માફક મુંજ તરફ આકર્ષાયા અને આ વાર્તાનો આરંભ કર્યો. વિવેચકોના મતે શ્રેષ્ઠ ગણાતી આ નવલકથા  ‘પૃથિવીવલ્લભ’ ધાર્યા કરતાં વધુ ચર્ચાસ્પદ રહી.

આ નવલકથાનો સમય છે વિક્રમની અગિયારમી સદીનો. હિન્દુ રાજાઓ અંદર અંદર લડતાં રહેતા. રાજ્યોની સ્થાપના ને વિનાશ ચાલ્યા કરતા. સમૃદ્ધ અને સંસ્કારી આર્યાવર્ત સ્વાતંત્ર્યનો આનંદ અનુભવતું હતું.  મહંમદ ગઝનવીએ દેશનાં બારણાં તોડવાનો આરંભ નહોતો કર્યો. પરતંત્રતા નજરે ચડતી, તે માત્ર પોતાની પુરાણી સંસ્કૃતિની જ.

આ સદીમાં થઈ ગયેલા પ્રતાપી રાજાઓમાં તૈલાંગણનો ચાલુક્ય વંશનો રાજા તૈલપ પણ હતો. તે રાષ્ટ્રકૂટ રાજાઓને એક કરી દક્ષિણમાં એકચક્ર રાજ કરવાં લાગ્યો. તે ગુજરાતમાં પોતાની આણ વર્તાવી ભારતખંડમાં ચક્રવર્તી થવાની હોશ ધરાવવાં લાગ્યો. આ ચાલુક્યરાજની કીર્તિ પર એક મોટું કલંક હતું કે માળવાના મુંજરાજે તેને અનેક વાર હરાવી, પકડી, અવંતી લઈ જઈ સામાન્ય સામંતની માફક તેની પાસે સેવા કરાવી હતી. તૈલપ જ્યારે દક્ષિણમાં સામ્રાજ્ય સ્થાપવાના પ્રયત્નો કરતો હતો ત્યારે આર્ય સંસ્કારોના તે વખતના કેન્દ્રસ્થાન અવંતીના ધણી મુંજરાજે ઉત્તર હિન્દુસ્તાનમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું. અનેક વર્ષો થયાં તે આખા ભારતખંડમાં પોતાની હાક વગાડતો હતો. પોતાની પ્રશંસા કરાવી કવિઓની શક્તિને કસોટી પર ચઢાવતો હતો. રૂપમાં તેની તુલના કામદેવ સાથે થતી. કવિઓ તેના રસવાક્યો સાંભળીને સુંદર કાવ્યરચનાઓ લખવાં પ્રેરાતા. ગણિતશાસ્ત્રીઓ તેની સહાયથી તે શાસ્ત્રને પૂર્ણ કરવાં મથતા. તે વિદ્યાવિલાસી હતો. ખુની અને જુલ્મી મનાતો. તેને વિશે અનેક દંતકથાઓ ઊડતી અને તૈલાંગણમાં તે બધી જ મનાતી. તેનું નામ સાંભળતાં આખા દેશમાં લોકો કાંપતા.

આ પૂર્વભૂમિકા પછી રખે એમ માનતા કે હું અહી ‘પૃથિવીવલ્લભ’ નવલકથાની પૂરી વાત કરવાની છું. એ તો પુસ્તકમાં લખેલી જ છે. પણ એ નવલકથા વાંચી મેં જે અનુભવ્યું, મને જે વિચારો આવ્યા, પાત્રોનું મારા મનમાં જે રેખાચિત્ર ઊપસ્યું તેની આજના સંદર્ભમાં વાત  કરવી છે. આ નવલકથા આજથી એક શતાબ્દી પહેલા લખાઈ અને એમાં લગભગ એક સહત્રાબ્દી પૂર્વેની વાત છે છતાં એમાં એવું શું છે કે આજે પણ વાંચવાની ગમે છે?

મુંજ અને મૃણાલવતી,  વિલાસ અને રસનિધી, તૈલપ અને ભિલ્લમરાજ જેવાં પાત્રોને લેખકે શબ્દદેહ આપી વાચક સામે એવી સચોટતાથી રજૂ કર્યા છે કે વાચક પણ જાણે એ સમયખંડનો ભાગ હોય એમ તેમાં ખોવાઈ જાય છે. મુનશીજીના  પ્રભાવશાળી પાત્રો, પાત્રોના ભાવ ભંગીમાનું વર્ણન, તેની આસપાસની પરિસ્થિતિનો તાદૃશ ચિતાર, ઐતિહાસિક સંદર્ભ અને ધારદાર સંવાદો વાચકોની રસવૃત્તિને વશ કરવાં માટે પૂરતાં છે. આ નવલકથાનાં કેટલાક પાત્રો અને પ્રસંગોથી આ વાત વધુ સ્પષ્ટ થશે.

પૃથિવીવલ્લભ મુંજ : પ્રચંડ કદ, અપૂર્વ ઘાટ, મોહક મુખ, સુરસરિતાનાં જળ સમા લાંબા કાળા વાળ, શંકર શા વિશાળ ખભા, ફણીધર જેવી લાંબી ડોક, વિશાળ છાતી, ઘાટીલી પાની પર ધરણી ધ્રુજાવતા પગ, મત્ત ગજેન્દ્ર સમાન બળવાન શરીર, વિશાળ ભાલની સ્ફટિક શી નિર્મળતા, મોટી તેજસ્વી આંખોમાંથી ઝરતી મધુરતા, દિવ્ય મુખમાં કાવ્યની મીઠાશ, હાસ્યમાં પુષ્પધનવાનું  સચોટ શરસંધાન અને બેપરવાઈ ભરેલું પ્રતાપી વ્યક્તિત્વ એટલે માલવપતિ મુંજ. આવા મુંજને જ્યારે કાષ્ટપિંજરમાં  લાવ્યા તો મુખ પર શાંતિ, ગૌરવ, હાસ્ય અને સ્વસ્થતા સાથે જેમ હોંશથી હાથીએ ચઢતો હોય તેમ તે પાંજરામાં કૂદીને આવ્યો ને એક સૈનિકને લાત મારી હવામાં ઉડાડ્યો ને પોતાના સ્નેહાળ અવાજ અને પ્રતાપી મુખથી લોકોને આકર્ષી રહ્યો. મુંજ ભલે કેદી હતો પણ આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું. દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવાં બેઠું. મરતાં મરતાં પણ મુંજ પોતાનો વિજયધ્વજ  ફરકાવી ગયો.

તૈલપ :  માન્યખેટના ચાલુક્ય વંશનો રાજા તૈલપ પોતે મહાન વિજેતા હતો. તે રાષ્ટ્રકૂટ રાજા ભમ્મહની પુત્રી જક્કલાદેવી સાથે પરણ્યો હતો. સોળ વખત માળવાના રાજા મુંજના હાથે પરાજિત થયા બાદ આખરે તેણે મુંજને હરાવી માળવા પર વિજયપતાકા ફરફરાવી હતી. તે કઠણ હૃદયનો, ગણતરીબાજ અને પહોંચેલ હતો. બહેન મૃણાલે આપેલ કેળવણીના પ્રતાપે આર્દ્રતાનો અંશમાત્ર પણ રહ્યો ન હતો. કેદ કરેલા રાજાનો વધ ન કરાય એવી એ સમયની રીત હતી. તેથી તેને રીબાવી, ગર્વ ગાળી, મહેરબાની યાચતો કરી સોળ વખતની હારનો બદલો લેવાનું નક્કી કર્યું. આથી તૈલપે મૂંજને કાષ્ટપિંજરમાં પૂરવાનો હુકમ કર્યો.  અવારનવાર કઈક નરેશો તૈલપરાજના બાહુની પ્રબળતાથી નિરાધાર બની આ પિંજરમાં પોતાનો પશ્ચાતાપ કરવા આવતા. જાહેરમાં, તિરસ્કારથી હસતા પ્રજાજનો સમક્ષ આખો દિવસ ગાળવો એ ગમે તેનો ગર્વ ગાળે તેવો અનુભવ થઈ પડતો. અધમતાના આવા અનુભવે કેદી લાચાર બનતો અને તૈલપરાજની કીર્તિ દશે દિશામાં પ્રસરતી. તૈલપે ઢંઢેરો પીટી જાહેર કર્યું કે પાપાચારી મુંજને સાત દિવસ નગરમાં ભિક્ષા મગાવી છેલ્લે મૃણાલવતી પાસે ભિક્ષા મંગાવી રહ્યા પછી, હાથીના પગ તળે કચરવામાં આવશે. નીતિ છોડીને તેણે રાજહત્યા કરવાનો નિર્ણય લીધો.

પ્રિય વાચકો, આ નવલકથાના મુખ્ય પાત્રો ભલે મુંજ અને તૈલપ દેખાતા હોય, પણ તેનો પ્રાણ છે મુંજ અને મૃણાલવતીના સંબંધોની કશ્મકશ. તમે જ કહો કે જો પુષ્પમાં પરાગ ન હોય, ગીતમાં લય ન હોય, સુરજમાં તેજ ન હોય અને ચંદ્રમાં શીતળતા ન હોય તો આ બધાનું એટલું મહત્વ હોઈ શકે? એવું જ મહત્વ ‘પૃથિવીવલ્લભ’માં મુંજ અને મૃણાલવતીનું છે તેની રસિક વાત કરીશું આવતા અંકે….

— રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 07 : અલ્પા શાહ

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું સત્સંગનો રસ ચાખ…

ગઈકાલે સવારે surgery centerનાં ઓપરેશન થિયેટરમાં જયારે ડૉક્ટર એનેસ્થેસિયા આપવાની તૈયારી કરતા હતા ત્યારે સૂતાં સૂતાં મને મારી જિંદગીની એક એક ક્ષણની કિંમત વધુ સારી રીતે સમજાઈ. જિંદગીમાં હજુ કેટલું કરવાનું બાકી છે તેની સૂચિ નજર સામે તરી આવી. હમણાં અકાળે અસ્ત પામેલો મારો પ્રિય ખેલાડી કઉબી બ્રયાન્ટ ખૂબ યાદ આવ્યો. એક ક્ષણ એવો પણ વિચાર આવી ગયો કે, અહીંથી પાછી બહાર નહિ જવાય તો? ઈશ્વરકૃપાથી બધું નિર્વિઘ્ને પાર પડી ગયું અને ઘરે પણ સહી સલામત આવી ગઈ.

જયારે એક મહિના પહેલા કઉબી બ્ર્યાન્ટ ઘરેથી સવારે નીકળ્યો ત્યારે તેને ખબર પણ હશે કે તે ઘરે પાછો પહોંચવાનો નથી? અમેરિકાનો  ૪૧ વર્ષીય બાસ્કેટબોલ ખેલાડી કઉબી અને એની ૧૩ વર્ષની દીકરીની અણધારી અને આકસ્મિક વિદાયને ગઈ કાલે એક મહિનો થયો. 26 જાન્યુઆરી 2020, ભારતના પ્રજાસતાક દિવસે લોસ એન્જલિસ પાસે, હેલિકોપ્ટર અકસ્માતમાં કઉબી બ્રયાન્ટ અને એની સાથે બીજા નવ લોકો અકાળે મૃત્યુ પામ્યા.

હમણાં 24મી ફેબ્રુઆરીએ તેની હૃદયસ્પર્શી મેમોરિયલ સેરિમની હતી. એ જોતાં જોતાં મને વિચાર આવ્યો કે, આ ખેલાડીની પાસે શું ન હતું? પૈસો, પ્રસિદ્ધિ, પદવી, પ્રતિષ્ટા, પરિવાર વગેરે બધું તેનાં કદમો ચૂમતાં હતાં. આવી ઘટનાઓ જીવનની ક્ષણભંગુરતાની યાદ તાજી કરાવી દે છે. આ કાયા ક્યારે રાખ થઈ જશે તેની આપણને કોઈને ખબર નથી છતાંયે આ કામણગારી કાયાના મોહપાશમાં આપણે સૌ બંધાયેલા રહીયે છીએ. મીરાંબાઈએ આવું જ કંઈક તેમનાં એક પદની આ પંક્તિઓમાં લખ્યું છે.

આરે કાયાનો ગર્વ ના કીજે, અંતે થવાની ખાખ રે…
હસ્તી ને ઘોડા, માલ ખજાના, કંઈ ન આવે સાથ રે….

ગઈકાલે એશ વેન્સ ડે પણ હતો. Ash Wednesday ખ્રિસ્તીઓનો પ્રાર્થના અને ઉપવાસ કરવાનો દિવસ છે જે ઈસ્ટરના ચાલીસ દિવસ પહેલાં આવે. આ એશ વેન્સ ડેનું પણ એ જ હાર્દ છે અને તે પણ આ જ સંદેશો આપે છે. ‘Remember that you are dust, and to dust you shall return.’ આમ તો બધા મહાપુરુષો અને સંતો આપણને આજ શીખ આપે છે. ક્યારે આપણે વર્તમાનકાળમાંથી ભૂતકાળ થઈ જઈશું એની ખબર નથી અને એ ક્ષણે આપણી વસાવેલ Tesla અને Lexus કે પછી માલ-ખજાના બધા અહીં જ મૂકીને, જે રીતે ખાલી મુઠ્ઠી લઇ આવ્યા હતા તેવી જ રીતે ખાલી મુઠ્ઠી લઈને પાછા જવાના છીએ.

મીરાંબાઈનાં આ નાનકડા પણ ચોટદાર પદમાં જીવન જીવવાની ચાવી આપી છે. મને તો મીરાંબાઈનાં પદો વાંચું ત્યારે એમ લાગે કે જીવન જીવવાની ફિલસુફી પણ મીરાંબાઈએ ગિરિધર ગોપાલની ભક્તિમાંથી જ આત્મસાત કરી હશે કે પછી જીવનના ઝંઝાવાતો એ તેમને ફિલસૂફ બનાવી દીધા હશે?

સત્સંગનો રસ ચાખ પ્રાણી રે તું સત્સંગનો રસ ચાખ…
પ્રથમ લાગે તીખો ને કડવો, પછી આંબા કેરી શાખ…
આરે કાયા નો ગર્વ ના કીજે, અંતે થવાની ખાખ રે…
હસ્તી ને ઘોડા, માલ ખજાના, કઈ ન આવે સાથ રે….
સત્સંગ થી બે ઘડી માં મુક્તિ, વેદ પુરે છે સાખ…
બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર નાગર, હરિ ચરણે ચિત્ત રાખ…

આ પદમાં સત્સંગનો અર્થ શું? સત્સંગ એટલે કે સત્+સંગ એટલે એનો સીધો સાદો અર્થ તો સત્યનો સંગ એવો થાય. જે પરમ સત્ય છે તેનો સંગ એટલે સત્સંગ. એ સત્સંગનું માધ્યમ ગમે તે હોઈ શકે; કીર્તન, પ્રવચન, નૃત્ય, સંતોનો સમાગમ કે પછી સેવા. દરેક માનવી માટે પોતપોતાના વિચાર, શ્રદ્ધા અને વિશ્વાસ પ્રમાણે સત્સંગનો અલગ અર્થ હોઈ શકે. મીરાંબાઈ માટે તો ગિરિધર ગોપાલની ભક્તિ અને હરિચરણમાં સમર્પણ એ જ સાચો સત્સંગ હતો. મારા માટે સત્સંગનો અર્થ એટલે મારી અંદર રહેલાં પરમ ચૈતન્યનું નૈકટ્ય અનુભવવું. મારા એ માંહ્યલાને વધુ સારી રીતે ઓળખવો અને હું મારી પોતાની જાતને એક પારદર્શિકતા સાથે આત્મનિરીક્ષણ કરીને શોધી શકું એ મારો સત્સંગ. જેમ મહાત્મા ગાંધીજી કહે છે તેમ ‘The best way to find yourself is to lose yourself in the service of others.’ તમે તમારી જાતને જરૂરિયાતવાળા મનુષ્યોની સેવામાં ખૂંપાવી દો એ પણ એક જાતનો સત્સંગ જ છે. માનવસેવા કરવી એ તો આપણી માણસાઈની સાબિતી પૂરી પાડે છે. મારા માટે ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ એ કહેવતને જીવનમાં ઉતારી એનો અમલ કરતી કરતી જીવન પસાર કરું એ જ મારો સત્સંગ. જેમ મીરાંબાઈ કહે છે તેમ શરૂઆતમાં કોઈપણ માધ્યમ દ્વારા થતો સત્સંગ કદાચ તીખો અને કડવો લાગશે પણ ધીમે ધીમે મધુરતાના મીઠા ઓડકાર એ જ સત્સંગ દ્વારા આવવાં લાગશે. એ સત્સંગ થકી જ આ જીવ પરમ મુક્તિનો અનુભવ કરી શકશે.

તો ચાલો, આપણે સૌ પણ આપણી જિંદગીની બાકી રહેલી નિશ્ચિત ક્ષણો આપણી પોતાની સમજ પ્રમાણેના સત્સંગમાં પ્રવૃત કરીએ અને આ પદનું શ્રવણ કરતાં કરતાં મારી કલમને વિરામ આપું છું.

અલ્પા શાહ

૬ -કબીરા

કબીરો મારો પ્રેમપંથનો ઓલિયો

તિવિંર સાઁઝ કા ગહરા આવૈ,છાવૈ પ્રેમ મન તન મેં |
પચ્છિમ દિસકી ખિડકી ખોલો,ડૂબહુ પ્રેમ ગગન મેં |
ચેત-કઁવલ-દલ રસ પીયો રે,લહર લેવું યા તન મેં |
સંખ ઘંટ સહનાઈ બાજૈ,શોભા-સિંધ મહલ મેં |
કહે કબીર સુનો ભાઈ સાધો, અમર સાહેબ લખ ઘટમેં |

પંદર વીસ દિવસનાં માંદગીને બિછાને નિરાશ થઈને પથારીમાં ઉદાસ મન સાથે સૂતી હતી. ત્યાંજ મારા કબીરાને ઉપરનાં પદની પંક્તિઓને દોહરાતા સાંભળું છું.

કબીર મને કહે છે – પશ્ચિમ દિશાની બારી ખોલી નાખ અને તારા તન મનને પ્રેમના આકાશમાં ડુબાડી દે.આમ રમમાણ થતા થતા અનુભવ સઘન બનતો જાય છે ત્યાં ફરી બીજી પંક્તિઓ કાને પડે છે કે તારા આ ચિત્તરુપી કમલદલનું રસપાન કર, મનમાં જ ઊંડો જા અને એનો ઊંડો અનુભવ કર.આમ કરતા કરતા પેલો આરંભનો અનુભવ તીવ્રતમ બનતો જાય છે ને એમાં ઉમેરાતાં જાય છે અનુભૂતિનાં મોજાંઓ,એ છે, શંખ,ઘંટ,શરણાઈના તાલ સૂર. એ શમે છે શોભાના આ સમુદ્રમાં એટલેકે મારા જ અંત:કરણમાં. આમ મારા માટે એ અદકેરો અનુભવ બની રહે છે.અને ત્યાં તો મારો કબીરો મારે ખભે હાથ મૂકી કહેછે. આ અસીમ અનર્ગળ આનંદ આપનાર સ્વામી તારી અંદર જ બિરાજમાન છે તેને તું આમ જ પામતી રહે.કબીરનું પદ નાનકડું, પણ એ પદનો અનુભવ આખો અવતાર ચાલે એટલો.

કેવી અદ્ભૂત વાત !!!સહજતાથી કબીર સમજાવે છેકે તારી અંદર જ જે સમાયેલ છે તેને શોધવા તું શીદને બહાર ફાંફાં મારે છે.આ સાથે જ ટાગોરના એક ગીતની પંક્તિ યાદ આવે છે.

કોને ખબર હતી નથી દૂરે,એ તો છે મુજ તનમાં,
ખીલ્યું છે એ મધુર કમલ તો મારા ઉર ઉપવનમાં.

બહુજ વિહવળતાથી જાણે રવિન્દ્રનાથ ટાગોર ગાતા ગાતા મારી સમક્ષ આવતા દેખાય છે ઉપરના ગીતની કડીઓ અને બીજી બાજુ કબીરો ગાય છે- ‘ચેત-કઁવલ-દલ રસ પીયો રે ,લહર લેહુ યા તન મેં’
સાંજના સુંદર સન્નાટામાં ટાગોર અને કબીર બંને એક જ વાત ગાતા હોય ત્યારે એનો અનુભવ શબ્દાતીત જ હોય ને!

ગીતાંજલીનાં આ કાવ્યનો કબીરના ઉપરોક્ત પદ સાથે જે સુંદર સંયોગ રચાયો છે તે જાણે મનને તદ્રુપતા સાધી આપે છે.

નાચે નાચે તેજ ,ભાઈ,આ મુજ પ્રાણોની પાસે,
બાજે બાજે તેજ,ભાઈ,આ ઉરવીણાએ બાજે,
જાગે ગગન,પવન જો દોડે હસે સકલ આ ધારા,
તેજ,તેજ મુજ તેજ,અહા એ તેજ ભુવન ભરનારાં.

અને ટાગોર ગાય છેઃ
જ્યારે વિશ્વ મગ્ન નિદ્રામાં ,ગગન વિશે અંધાર,
કોણ જગાડે વીણાતારે મુજ આવા ઝંકાર?

આ બંને કાવ્યોમાં અદીઠ તત્વની સક્રિયતા ચીંધી છે જે આપણા જ હૈયામાં છે ને છતાં આ સૃષ્ટિના કોલાહલને કારણે આપણે સાંભળી શકતા નથી.પરતું દિવસ ઢળી જાય, સાંજ શાંત મુદ્રા ધારણ કરે અને અંધકાર ધીમે ધીમે ડગ માંડે ત્યારે પ્રાણની પાસે એ તેજ લહલહે છે.ઉરમાં એ વીણા બજે છે અને પછી અદ્વૈત સધાય છે.એ છે ભાવ સમાધિ.આમ કબીરના પદમાં અને ટાગોરના કાવ્યમાં ઢળતી સાંજે એક સરખી ભાવસમાધીમાં આપણને લઈ જાય છે.ઓછા શબ્દોમાં એક અનુભવના જ્ઞાની કબીરે કવિવર ટાગોર જે નોબલ વિજેતા હતા તેમના જેવીજ પ્રેમગગનમાં ડૂબવાની અનુભૂતિ કરાવી છે.

(રવીન્દ્ર ટાગોર પોતે કબીરની વાણીથી ઘણા પ્રભાવિત હતા અને માટે જ તેમણે વિવિધ સાહિત્યસ્વરૂપે કબીરનો પરિચય જગતને કરાવ્યો છે.કબીર કેવળ ભારતના જ નહીં, વિશ્વના અનન્ય કવિ છે. પ્રસિદ્ધ કવિ રોબર્ટ બ્લીએ કબીરનાં કાવ્યોનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કર્યો છે. )

જિગીષા પટેલ

ઋણસ્વીકાર -ગીતાંજલી અનુવાદ નગીનદાસ પારેખ
સંકલન- સિલાસ પટેલિયા

હાં રે દોસ્તત હાલો અમારે દેશ -7)સોરઠ , તારાં વહેતાં પાણી .

સોરઠ , તારાં વહેતાં પાણી .
હા , જે પાણી વહેતું છે એ નિર્મળ છે અને જીવનનું પણ એવું જ છે !
ઝવેરચંદ મેઘાણીનું જીવન પણ આમ વહેતી નદી જેવું અનુભવોથી પુષ્ટ અને પુલકિત હતું . પણ શું એમણે એવું ઇચ્છ્યું હતું ખરું ,આ આટલી બધી દોડાદોડી , આટલો બધો રઝળપાટ? હા, નાનપણથી જ એમનામાં એક ઈચ્છા પ્રબળ બનતી જતી હતી – જે સમાજ વચ્ચે એમનો ઉછેર થતો હતો , જે સંજોગોમાં એ પેલાં અભણ પણ દિલાવર દિલનાં ગરીબ લોકોના સંપર્કમાં આવતા હતા એ ઉપરથી એમણે જાણેકે એક ધ્યેય નક્કી કર્યું હતું ; અભણ અબુધ ભલી પ્રજામાં છુપાયેલ લોક સાહિત્ય પ્રકાશમાં લાવવું !


જીવનમાં કોઈ નાનેરું પણ ધ્યેય હોવું એ એક વાત છે અને ધ્યેય હાંસલ કરવા કૃતનિશ્ચયી બનવું એ બીજી અને અઘરી વાત છે. ‘હું આવું છું’ એ અંતરના અવાજને અનુસરવા મેઘાણીએ પુરી કિંમત ચૂકવી છે, અને હા, રાષ્ટ્રીય શાયર , પ્રખર સાહિત્યકારનું માન પણ એમને એટલે જ મળ્યું છે . પોતાની જાતને એ પહાડનું બાળક ગણાવે છે . ચોટીલા અને ગીરના પહાડો વચ્ચે ઉછરેલ મેઘાણીએ ક્યારેક ઘોડા ઉપર તો ક્યારેક ઊંટ ઉપર ને ક્યારેક પગપાળાં ડુંગરો , કોતરો , ભયાનક જંગલ ઝાડીઓ , નદી નાળા, પસાર કરીને શાળા જીવન દરમ્યાન અનુભવોનું ભાથું બાંધ્યું છે .. એ લખે છે ; “ નદીની ભેખડ પરના અમારા નિવાસની બારીઓમાંથી હૂ હૂ ભૂતનાદ કરતા પવન સુસવાટાએ મારી નીંદરું ઉડાવીને પહાડોના સંદેશા સંભળાવ્યા છે ..”
કયા હતા આ સંદેશાઓ ? એ , જે એમનું જીવન ધ્યેય બન્યા ! ફાગણી પૂનમના હુતાશણીનાં ભડકા ફરતા ગોવાળિયાઓ , ખેડુ – દુહાગીરો સામસામા દુહા સંગ્રામ માંડતાં તે આ બાળના માનસપટ પર સદાયે કોરાઈ ગયા. બે ચારણો સામસામા માત્ર ડાંગને ટેકે ઉભા રહીને કલાકોના કલાકો સુધી દુહા લલકાર્યા કરે, એવા અનેક પ્રસંગો એમના દિલમાં જડાઈ ગયા હતા .. વરસતા વરસાદમાં ઘોડાપુર પાણીમાં અંધારી રાતે જંગલો વચ્ચે બહારવટિયાઓના ભય સાથે કુદરત પ્રકોપ એ બધુંય ખરું અને દૂર કોઈ નેસડામાં રાત વાસો કર્યો હોય અને ઘરનો માલિક કોઈ દુહા શરૂ કરે ને પછી તો છેક સવાર પડે એ બધું આ પહાડના છોરૂંએ અનુભવ્યું …અને પછી એના ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ પડ્યો! ભાવનગર અને જૂનાગઢ કોલેજોમાં મહાવિદ્યાલયોનું શિક્ષણ મળ્યું અને વિશ્વ લોકસાહિત્યની સમજ ઘડાઈ,દ્રઢ થઇ ,મન ઉતાવળું બન્યું એ સોરઠ અમૃત વાણીને વહાવવા.. સુજ્ઞ સમાજને આ અભણ સમાજનું સાહિત્ય દર્શાવવા ! ‘અદભુત ખજાનો! મારા સોરઠી સાહિત્યનો! આ અભણ અબુધ નિર્દોષ પ્રજાને કોણ સમજાવે કે ભાઈ આ બધું તો કાચું સોનુ છે? હું એ કરીશ! ‘એમણે વિચાર્યું હશે પણ – પણ ?

ભણી લીધા બાદ ભાવનગરમાં શિક્ષકની નોકરી મળી પણ ભાઈને માંદગીમાં મદદ કરવા કલકત્તા ગયા . જોકે સારું થયું કારણકે ત્યાં બંગાળી ભાષા પણ શીખી લીધી! મોરના ઈંડાને કાંઈ ચીતરવા પડે ? ભણવામાં પહેલેથી જ હોશિયાર !રોજ ઘેરથી નીકળીને સાયકલ પર હુગલી નદી સુધી જાય , ત્યાંથી બોટમાં સામે પાર નોકરી કરવા જાય , ત્યારે સવારે અને સાંજે દુકાનોના બોર્ડ વાંચે ને ધીમે ધીમે બંગાળી ભાષા પર પ્રભુત્વ મેળવ્યું !રવીન્દ્રનાથ ટાગોરના કાવ્યોનો ભાવાનુવાદ પણ હસ્તગત કર્યો !આ બધું જ એમને એમના ભાવિ ઘડતરમાં સહાયક થયું.

ઉમાશન્કર જોશી લખે છે , ‘ સારું થયું કે લોકસાહિત્યના ( આ ) સંસ્કારો પર અંગ્રેજી , સંસ્કૃત , બંગાળી સાહિત્યનો પુટ લાગ્યો ; નહીં તો સેંકડો સરસ્વતીપુત્રો – ચારણો સૌરાષ્ટ્રમાં હોવા છતાં હજી સુધી લોકસાહિત્ય નવા યુગનો સમાદર પામ્યા વગર રહ્યું હતું એ સ્થિતિનો અંત કેમ આવત?’ પણ આ માનવીના જીવનમાં ભગવાને હજુ ભ્રમણ લખ્યું હતું .. ૧૯૨૧માં કલકત્તાથી પાછા આવેલ આ ધ્યેયનિષ્ટ યુવાનને સૌરાષ્ટ દૈનિકમાં નોકરી મળી…અહીં એમણે પોતાની સૌ પ્રથમ સાહિત્ય કૃતિ પ્રકાશન કર્યું . રવીન્રન્દ્રનાથ ટાગોરની ‘ કથા ઓ કાહિની ‘ બંગાળી કવિતોને મેઘાણી ‘ કુરબાનીની કથાઓ ‘ એમ ભાવાનુવાદ કર્યા.લોકસાહિત્યનું મંગલાચરણ પણ ત્યારેજ થયું “ડોશીમાની વાતો ‘ દ્વારા .. અને લોકસાહિત્યની ભેખ પહેરેલ આ યુવાનને ધ્યેય સિદ્ધિની બધી અનુકુળતાઓ કુદરતે બક્ષી…

અબ્દુલ કલામે કહ્યું છે ને કે સાચું સ્વપ્નું તો એ છે કે તમને સુવા પણ ના દે; જેને સાકાર કરવા દિલ તત્પાપર હોય !
ઝવેરચં મેઘાણીએ માત્ર સાત વર્ષમાં સૌરાષ્ટ્રની રસધારના પાંચ ભાગ સાહિત્ય જગતને આપ્યા! બાળગીત , નારી ભાવનાને ઝીલતાં ‘ વેણીનાં ફૂલ’ અને ‘કિલ્લોલ’ આપ્યાં ! સાહિત્ય જગતનો ઉગતો સિતારો ! અને એટલે જ તો ૧૯૨૮નો પ્રતિષ્ઠિત ‘ રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થયો ! ગાંધી પ્રવાહ હેઠળ ૧૯૩૦માં રાષ્ટ્રભાવના ઉત્તેજિત કરે તેવા શૌર્ય ગીતોનો સંગ્રહ ‘સિંધૂડો’ પ્રગટ કર્યો.

કુદરત ફરી પોતાનો દાવ રમી ગઇ,જોધાણી નામની કોઈ વ્યક્તિને પકડવાની હતી પણ પોલિશ કોન્સ્ટેબલ મેઘાણીને પકડી ગયા અને બે વર્ષની જેલની સજા ફટકારી ત્યારે કોર્ટમાં મેઘાણી ગુજરાતી સાહિત્યની અનમોલ પંક્તિઓ બુલંદ અવાજે ગાયું ત્યારે  કોર્ટમાં બેઠેલાં બધાંની આંખો ભીંજાઈ ગઇ ન્યાયાધીશ પણ બાકાત ન રહ્યા એમની આંખમાં ઝળઝળિયાં આવી ગયા..

હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ ..
કલેજાં ચીરતી કંપાવતી એ ભય કથાઓ
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આસુડાંઓ
સમર્પણ એ સહુ પ્રભુ તારે ચરણ હો !

જેલમાં બીજાં સત્યાગ્રહીઓ સાથે એ પરિચયમાં  આવ્યા ! જેના  પ્રભાવે જેલમાં પણ  એમણે ઘણાં અમર કાવ્યો રચ્યાં , તે વિષે આગળ સ્વતંત્ર લેખમાં વાત કરીશું.

પણ મેઘાણીની ગેરહાજરીમાં ‘સૌરાષ્ટ્ર ‘મેગેઝીન સરકાર જપ્ત કરી લીધું એટલે “ ફૂલછાબ” શરૂ થયુ અને જેલમાંથી છૂટ્યા બાદ મેઘાણી એ સાપ્તાહિકને સક્ષમ બનાવવા મચી પડ્યા. ત્યારે કુદરત ફરી કારમો ખેલ ખેલી ગઇ. દમયંતીબેનના અકુદરતી મૃત્યુથી સ્તબ્ધ બની ગયેલ મેઘાણી બરફ શીલા જેમ થીજી ગયા.. એક તરફ જોબ પોલિટિક્સ : “સૌરાષ્ટ્ર અને ફૂલછાબ રાજ રંગોમાં ઝબોળાયાં અને જીવતર પર હિમ પડ્યું .. મેં ખસીને માર્ગ આપ્યો..” મેઘાણી લખે છે ; “ એ હિમ ઉપર મિત્રોના સ્નેહ કિરણ ચમકતાં રહ્યા .. કાળ સંજોગો મેઘાણીને મુંબઈ લઇ આવ્યા.. જેમણે ‘સૌરાષ્ટ્ર ‘શરૂ કરેલ તેઓ જ હવે મુંબઈમાં એક નવું દૈનિક શરૂ થયુ ત્યાં મેઘાણીને છાપાનો એક નાનકડો વિભાગ આપ્યો  મેઘાણી લખે છે , “ મારી ઝીણી બત્તી અજવાળી શકે એટલો નાનકડો ખૂણો”

તેમણે જન્મભૂમિના કલમ અને કિતાબ કોલમમાં લેખક અને વાચક બન્નેને રસ પડે તેવું પિરસયું ; સોરઠના વહેતાં પાણી હવે છેક મુંબઈ પહોંચી! કેવી રીતે અણગમતી પરિસ્થિતિમાં ટકી રહીને ગમતી પરિસ્થિતિ માટે ઇંતેજાર કરવો એ કોઈ મેઘાણી પાસેથી શીખે ! કેવાં વિપરીત સંજોગો હતા પણ કોઈ ઉચ્ચ ધ્યેય માટે દુઃખના વાદળોમાંથી બહાર નીકળવું જરૂરી હતું ..અને એજ અરસામાં નેપાળના રાજદરબાર ઘરાનાની સંસ્કારી વિધુર દીકરીને લઈને એ પંડિત કુટુંબ લાખ્ખોની મિલ્કત ગુમાવીને મુંબઈ આવ્યા હતા . સત્યાગ્રહના સંગ્રામ વેળાએ યરવડા જેલમાં જનાર આ વિધવા ચિત્રાદેવી પણ હતાં જેમની સાથે મેઘાણીના મિત્ર પત્ની પણ હતાં.

વિધિની વિચિત્રતા તો જુઓ! ઝવેરચંદ મેઘાણી ઉપર ચાર બાળકોને ઉછેરવાની સમસ્યા તો હતી જ ; અને મિત્ર પત્ની ચિત્રાદેવીનું નામ સૂચવ્યું,  જે માત્ર ચૌદેક વર્ષે જ વિધવા થયેલ .. એટલે એ બંને લગ્નગ્રંથિથી જોડાય છે . કોઈ સમાજસુધારક આ આખા પ્રસંગને ‘ સુધારક પગલું ગણી એની ઉજવણી કરવા સૂચવ્યુ  પણ મેઘાણી એને કહ્યું  ; “ અમે તો અમારી સગવડનો જ વિચાર કર્યો છે” એમની  નિખાલસતો જોવો …

મા વિનાના બાળકને ઉછેરવામાં પડતી મુશ્કેલીઓનું આબેહૂબ હ્ર્દયસ્પર્શી વર્ણન એમની ટૂંકી વાર્તાઓમાં દેખાણું જાણેકે સ્વાનુભવમાંથી જ આવતું હોય તેમ લાગે છે ! પણ આ સોરઠી જીવે જાણેકે જીવન વહેતાં પાણી જેમ વહેતું રાખ્યું હતું , તે ફૂલછાબ બંધ પડી જાય તેમ હતું એટલે બે જ વર્ષમાં એ પાછા બોટાદ આવી ગયા અને ત્યાં અંતિમ શ્વાશ છોડ્યા .આ સાહિત્યજીવ માનવ હૈયાને દિલથી ચાહનારો હતો , માત્ર લોકસાહિત્ય અને બહારવટિયાઓની લુખ્ખી વાતો કરનારો નહોતો.

કિશોરભાઈ વ્યાસ લખે છે; “ પ્રજાની રસરૂચીને સંવર્ધે એવું સાહિત્ય આપવા સાથે વ્યાપારી વૃત્તિઓથી દૂર જીવનના પ્રાણ સમ શુદ્ધ સાહિત્ય આરાધનાનો યજ્ઞ માંડેલો ; અને એવી જીવનશૈલી અપનાવેલી . રાણપુર નજીક નાગનેશ ગામ પર બહારવટિયા ચડી આવ્યા ત્યારે બહારવટિયાઓને ભીંસમાં લેવા પોલીસોની સાથે આખી રાત ખાઈમાં પડી રહ્યા હતા. બન્દૂક લઈને નીકળી પડેલ મેઘાણીને ખ્યાલ હતો કે ગામને પાદર બહારવટિયા આવે ને આપણે સામનો ન કરીએ તો બીજાને શું (ધર્મ સમજાવીએ)? જેવું લખવું એવું જ જીવવું એ મઁત્ર સાથે એ જીવેલા !”

એમના સાહિત્યમાં ચમકતા ઓજસ્વી તેજ પુંજ ની સરળ અને ભવ્ય વાતો આવતે અંકે !

૦૭ – સદાબહાર સૂર ‘અવિનાશ વ્યાસ’ : રાજુલ કૌશિક

હું અમદાવાદનો રિક્ષાવાળો,
નવસો નવ્વાણું નંબરવાળો,
અમદાવાદ….અમદાવાદ બતાવું ચાલો
એવી રિક્ષા હાંકુ હેરત પામે ઉપરવાળો.

એકવાર આ ગીત સાંભળો. પાંચ મિનિટનાં આ ગીતમાં અમદાવાદની સરસ રીતે સાચુકલી ઓળખ ગીતકાર અવિનાશ વ્યાસે આપી છે. આ..હા..હા, જાણે આખેઆખાં અમદાવાદની સિકલ નજર સામે આવી જાય. રીચી રોડના અડ્ડા પર ગરમ ફાફડા-જલેબીની સુગંધ, રાતના સમયની માણેકચોકની વાનગીઓની જ્યાફત, લવ ગાર્ડન કે લૉ ગાર્ડનમાં બેઠેલા છોરા-છોરીની  ઘૂટરઘૂ જેવી મસ્તીભર્યા અમદાવાદની વાત કરવાની સાથે ભદ્રકાળી મંદિર અને સાબરમતીનાં પાણીની પરખ કરાવનારા બાપુનેય એમણે સ્મર્યા છે. એમાંય આ ગીતની સાથે જ્યારે કિશોરકુમારનો રમતિયાળ, જરા તોફાની કહી શકાય એવો સ્વર જોડાય ને ત્યારે આપણે પણ એમની એ રીક્ષામાં ફરતાં હોઈએ એવું લાગવા માંડે.

બે દિવસ પછી ૨૬ ફેબ્રુઆરીએ અમદાવાદ દિન આવશે અને સૌને ફિલ્મ ‘માબાપ’નું આ ગીત જરૂર યાદ આવશે. આ એક જ ગીત કેમ? એની સાથે બીજુંય એટલું જ પ્રસિદ્ધ ગીત પણ યાદ આવશે-

અમે અમદાવાદી,
જેનું પાણી લાવ્યું ભારતની આઝાદી
અમે અમદાવાદી

આ ગીતમાં પણ અમદાવાદની તાસીર અને અમદાવાદીઓની ખુબીઓને સરસ રીતે વણી લીધી છે. ગીત સાંભળીએ ને નજર સામે અમદાવાદની મિલોથી માંડીને અમદાવાદની પોળ, શેરી, ગલી, ખડકી તરવરવા માંડે. પણ, આજે તો અવિનાશ વ્યાસની નજર સામે દ્દશય ઊભું કરતી કલમના જાદુની સાથે આજે એમના વ્યક્તિત્વના જાદુ વિશે વાત કરવી છે.


‘હું અમદાવાદનો રીક્ષાવાળો’ ગીત કિશોરકુમારે ગાયું છે ઉપરાંત, આજે વેટ કરવી છે કિશોરકુમાર દ્વારા ગવાયેલુ ફિલ્મ ‘લાખો ફુલાણી’નું  સૌ પ્રથમ ગુજરાતી ગીતની.

ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે,
શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.

કિશોરકુમાર કેવા મુડી હતા એ તો સૌને ખબર જ છે. કદાચ ક્યારેક તો એમને સનકીની કક્ષાએ મૂકી શકાય એવા મુડી હતા. બોલીવુડની ફિલ્મો માટે પણ એમની પાસે ગીત ગવડાવવામાં નવ નેજા પાણી ઊતરતું એવું સાંભળ્યું છે. તો આ તો  કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની વાત હતી. લોઢાના ચણા ચાવવા જેવી અઘરી વાત એ તો…


અવિનાશ વ્યાસને કિશોરકુમાર સાથે ગાઢ પરિચય. હવે એ સમયે બનતી ગુજરાતી ફિલ્મના કૉમેડી ગીત માટે દિગંત ઓઝાને કિશોરકુમાર યાદ આવ્યા. હિંદી ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોના ઓછા બજેટ પ્રમાણે એ તૈયાર થશે કે કેમ એ સૌથી પહેલો સવાલ હતો. તેમ છતાં અવિનાશ વ્યાસ જેમનું નામ.. હાથમાં લીધેલું કામ પાર પાડવાની એમનામાં દ્રઢતા હતી. કિશોરકુમારનું રેકૉર્ડિંગ જ્યાં ચાલટુંબહતું ત્યાં ફિલ્મના પ્રોડ્યુસર દિગંત ઓઝા અને નિરંજન મહેતા સાથે પહોંચી ગયા.


અહો આશ્ચર્યમ! કિશોરકુમાર અવિનાશ વ્યાસને અત્યંત અહોભાવ અને લાગણીથી પગે લાગ્યા. એ જોઈને તો દિગંત ઓઝા અને નિરંજન મહેતાય નવાઈ પામી ગયા. કિશોરકુમાર જેવા ભારતભરના લાડીલા ગાયક વળી એક ગુજરાતીને પગે લાગે? હા, પણ એમણે જે જોયું એ હકિકત હતી. આ પ્રભાવ અવિનાશ વ્યાસનો હતો, એક અદની વ્યક્તિનો હતો.


જે જોયું એ સપનાં સમાન વાસ્તવિકતા હતી પણ સમસ્યા હવે આવતી હતી. કિશોરકુમારને ગુજરાતી તો આવડે નહીં. અવિનાશ વ્યાસના પુત્ર ગૌંરાગ વ્યાસ સૌ પ્રથમ સંગીતકાર તરીકે ઓળખ પામવાના હતા. આ વાતને લઈને અવિનાશ વ્યાસે કિશોરકુમારને આગ્રહપૂર્વક સમજાવવા પ્રયત્ન કર્યો. અવિનાશ વ્યાસના આગ્રહ અને સમજાવટના લીધે હવે કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા અને બીજા દિવસે ડીટેલમાં વાત કરવા ઘરે તેઓને ઘરે બોલાવ્યા.

બીજા દિવસે  સવારે દસ વાગ્યે કિશોરકુમારના ઘરે પહોંચ્યા તો ચોકીદાર થકી જાણવા મળ્યું કે કિશોરકુમાર તો સવારના બહાર નીકળી ગયા હતા. અવિનાશ વ્યાસની સાથે નિરંજન મહેતા, દિગંત ઓઝા, અરૂણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ હતા. ચોકીદારની વાત સાંભળીને સૌ નિરાશ થયા સાથે કિશોરકુમારના ધૂની સ્વભાવ વિશે જે જાણકારી હતી એનાં પર મત્તુ લાગી ગયું.  હવે કિશોરકુમાર પાસે ગુજરાતી ગીત ગવડાવવાની ઈચ્છા પૂરી નહીં થાય એમ માનીને પાછા વળ્યા.  બીજા દિવસે અવિનાશ વ્યાસે કિશોરકુમારને ફોન કર્યો ત્યારે ખબર પડી કે એ તો ઘરમાં જ હતા પણ બારીમાંથી અવિનાશ વ્યાસ સાથે અન્ય પાંચ જણને જોઈને એ થોડા મૂંઝાઈ અને ગભરાઈ ગયા હતા એટલે નીચે નહોતા આવ્યા.


અંતે અવિનાશ વ્યાસે કિશોરકુમારને સમજાવી જ લીધા અને કિશોરકુમાર દ્વારા ગવાયેલું ફિલ્મ ‘લાખો ફુલાણી’નું  સૌ પ્રથમ ગુજરાતી ગીત ‘ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે.’ રેકૉર્ડ થયું. કિશોરકુમારે ફિલ્મ ‘સંતુ રંગીલી’નાં ‘લોકો તો કહે છે મુંબઈમાં છે બહુ કમાણી’ ગીત માટે પણ પોતાનો સ્વર આપ્યો છે. જોકે, અવિનાશ વ્યાસે ૧૯૫૪માં ‘અધિકાર’ ફિલ્મ માટે લખેલાં ગીત માટે પણ કિશોરકુમાર-ગીતા દત્તે પોતાનો સ્વર આપ્યો હતો. કહે છે કે ગીતા દત્તને પણ અવિનાશ વ્યાસ માટે અત્યંત માન હતું. કિશોરકુમારની જેમ ગીતા દત્ત પોતે બંગાળી હોવા છતાં એમણે બંગાળી કરતાંય ગુજરાતી ગીતો વધારે ગાયાં છે.

અરે ! એક ગુજરાતી ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસ માટે સ્વરની દુનિયાના દિગ્ગજ કહેવાય એવા મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, તલત મહેમુદ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર પણ પોતાનો સ્વર આપી ચૂક્યા છે.

વાત ક્યાંથી ક્યાં પહોંચી નહીં? આવું જ થાય જુની યાદોની વાત કરીએને તો એમાં પોળ, એમાંથી ગલી અને ગલીમાંથી શેરી, ખડકી અને એના કોઈ ઝરૂખે બેસીને જોઈએ તો આવા કેટલાય કિસ્સાઓ મનમાં તાજા થાય. અવિનાશ વ્યાસે તો અમદાવાદ ઉપરાંત બીજા અનેક શહેરોની વાતો પોતાનાં ગીતોમાં વણી છે. જેની વાત ફરી આજ-કાલ કે ભવિષ્યમાં કરીશું


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

“वाचिकं सर्व वाङ्ग्मयम ”-નયનાબેન પટેલ.

મિત્રો  આજનું વાચિકમ પ્રસ્તુત છે.તમારા પ્રતિભાવ ગમશે.

શીર્ષક -તરફડતો પસ્તાવો પ્રસ્તુતકર્તા- નયનાબેન પટેલ -U.K.

 

 

ખુલ્લી બારીએથી -હરિપ્રસાદ મણિરાય વ્યાસ -વાચક પ્રજ્ઞા દાદભાવાળા

 
 
મારું નાનપણ આમ તો રમતમાં વધારે ગયું પણ મને વાંચન તરફ વાળવા મારા પપ્પા બકોર પટેલ લાવી આપતા. સૌથી વધુ આકર્ષણ મને એમના મોઢાનું હતું  અને બીજા મને શકરી પટલાણી ખુબ ગમતા કારણ એ ઉતાવળિયા બકોર પટેલને હરાવતા.   ઘર પાસે “બાલોધ્યાન” કરીને એક પુસ્તક કલબ હતી જે દીના પાઠકના ભાઈ ડો.બિપીનભાઈ ચલાવતા,ત્યાં દર રવિવારે તમને એક પુસ્તક મળે જે વાંચીને પાછું લઈ આવવાનું અને હું હંમેશા બકોર પટેલના પુસ્તકો શોધતી,પછી તો રીતસરનું ઘેલું લાગતું. બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે ભુલાતી નથી. તેમના લખાણમાં સરળતા અને શૈલી પણ કેવી રોચક ? વાંચવાની મજા સાથે ઉત્સુકતા કેળવે. બાળકો તો હોંશેહોંશે માણે પણ મોટેરાઓને પણ આમાં એટલો રસ પડે. મૂળ વાત આજે મારે તેના લેખકની કરવી છે. તે વખતે લેખક વિષે જાણવાની ઉત્સુકતા જ ક્યાં હતી ? પણ આજે થાય છે કે આવું પાત્ર શોધનાર લેખકને મારા પ્રણામ,તેની કલ્પનાશક્તિ માટે મને માન ઉપજે છે. ચાલો તો તેના ઈતિહાસને ઉખેડીએ…
મૂળ નામ હરિપ્રસાદ મણિરાય વ્યાસ ગુજરાતી હાસ્યલેખક અને બાળસાહિત્યકાર. તેમણે મોટેભાગે બાળસાહિત્ય જ કર્યું અને એમાં જ તેઓ પ્રસિદ્ધ થયા. હરિપ્રસાદ વ્યાસે ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ,શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું . તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી. બકોર પટેલની ૨૦૦થી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’  માસિક માટે લખી હતી.આવા અમરપાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા સંભવતઃ ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓના પાઠયપુસ્તકમાં નથી એ પણ નવાઈની વાત નથી ? એ સિવાય પણ બાળસાહિત્ય મામલે વર્તમાનમાં આપણી પાસે બતાવવા માટે નોંધપાત્ર કંઇ છે નહીં…..
બકોર પટેલની વાર્તાઓ સામાજિક પાર્શ્વભૂમિ ધરાવતી હતી અને શહેરના ઉપરી મધ્યમ વર્ગની સામાન્ય વિગતો રજુ કરતી હતી. આ વાર્તાઓ મોટા અક્ષરોમાં ચિત્રો સાથે છાપવામાં આવતી હતી. આ લખાણ અને ચિત્રો સુરતના કલાકાર ભાઇઓ તનસુખ અને મનસુખ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા,જોકે મારા ભાગે તો તેમના સંગ્રહ જ આવ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિબંધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા પણ મારું આકર્ષણ લેખક કરતા તેના પાત્રો હતા આમ પણ ગુજરાતી બાળસાહિત્યનું સર્વાધિક લોકપ્રિય પાત્ર એટલે બકોર પટેલ જ ગણાય. એમણે હસતા હસાવતા જીવનના પાઠ શીખવ્યા,સાદું સીધું સમાજજીવન, એના નાના-નાના આનંદો, મિત્રોની હૂંફ, પતિ-પત્નીનું ઐક્ય, કહેવાતા આમલોક સાથેનું પોતાપણું, સંબધોની મીઠાશ ને ગરિમા, ચગળી-ચગળીને જીવાતું જીવન. કોઈ માંગ નહીં, લાલચ નહીં, માત્ર મળેલાં જીવતરને અવસર માનીને જીવવાનો નીતર્યો આનંદ એટલે બકોર પટેલ ના પુસ્તકો . છેલ્લા બે દાયકા પહેલાં આખી એક પેઢીએ જીવેલું આ જીવતર એ સમયનું પ્રતિબિંબ ઝીલીને આખાય કાલખંડને લેખકે પ્રસ્તુત કર્યા.બધો શ્રેય તેના સર્જક હરિપ્રસાદ વ્યાસને જ જાય.આમ જોવો તો બકોર પટેલ નું પાત્ર ગુજરાતી ભાષામાં બાળસાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય.
હરિભાઈનો  જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોઝે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.ખાસ તો ગર્વ સાથે જાણવાનું કે International Companion Encyclopedia of Children’s Literatureમાં પણ આ સાહિત્યકાર અને તેના સર્જનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને પેરીસના એક કાર્ટૂન ગેલેરીમાં બકોર પટેલનું સ્ટેચ્યુ પણ મુકવામાં આવ્યું છે. બીજું તારક મહેતા જેવા લેખકને પણ બકોર પટેલે હાસ્ય લેખ લખવાની પ્રેરણા આપી હતી.
 
વિશેષ નોંધ : ડૉ. રતિલાલ બોરીસાગરે આ કથાઓનું તાજેતરમાં પુન:સંપાદન કર્યું છે જેમાં તેમણે મૂળ કૃતિના ભાવને યથાતથ રાખીને આજની પેઢીને નવા ને અજાણ્યા લાગતા શબ્દોનું સરલીકરણ કર્યું છે; એ સમયના વજનના માપને આધુનિક માપમાં ઢાળ્યા છે ને કર્મણિ વાક્યરચનાઓને કર્તરિમાં રૂપાંતરિત કરી આપી છે. અત્યારે આ વાર્તાઓના કુલ્લ ૩૩ ભાગ ગુર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રાપ્ય બન્યા છે એ આનંદની ઘટના છે.] તેમના બાળસાહિત્ય – બકોર પટેલ( ૩૦ ભાગ), ભેજાંબાજ ભગાભાઈ( છ ભાગ), હાથીશંકર ધમધમિયા( છ ભાગ), ભોટવાશંકરનાં પરાક્રમો, સુંદર સુંદર( છ ભાગ), બાલવિનોદ, હાસ્યવિનોદ, આનંદવિનોદ,..બાળનાટકો – ચાલો ભજવીએ( દસ ભાગ),હાસ્યલેખો – હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, કથાહાસ્ય, પોથામાંના રીંગણાની આવૃત્તિઓ બહાર પડી છે.

સંકલન -પ્રજ્ઞા દાદભાવાળા

ઘણી વિગતો અહી પણ મળશે-

https://shabdonusarjan.wordpress.com/2017/06/21/%e0%aa%ac%e0%aa%95%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%9f%e0%ab%87%e0%aa%b2-%e0%aa%b9%e0%aa%b0%e0%aa%bf%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/https://shabdonusarjan.wordp

કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 06

અત્યાર સુધી આપણે કનૈયાલાલ મુનશીનો સામાન્ય પરિચય મેળવ્યો. તથા તેમની આત્મકથા પર આધારિત તેમના જન્મ, બાળપણ અને કોલેજકાળની વાતો જાણી અને માણી. પણ મને ખબર છે કે મારા વાચકો હવે અધીરા બન્યા હશે તેમના સહિત્યલેખનની વાતો જાણવા. તો વહાલા વાચકો, ચાલો પહોંચી જઈએ મુનશી રચિત સાહિત્યના દરિયામાં ડૂબકી લગાવવા. મુનશીજીએ આમ તો  સાહિત્યના  ઘણા પ્રકારો પર હાથ અજમાવ્યો છે, પણ તેમાં શિરમોર તો છે તેમની ઐતિહાસિક નવલકથાઓ.

મુનશીજીની શ્રેષ્ઠ નવલકથા કંઈ એ વિશે મતમતાંતર હોઇ શકે પણ વિવેચકોના મત પ્રમાણે ‘પૃથિવીવલ્લભ’ એમની શ્રેષ્ઠ નવલકથા છે. એની પહેલી આવૃત્તિ 1921માં એટલે કે લગભગ એક શતાબ્દી પહેલાં પ્રગટ થઈ.  એની અનેક આવૃત્તિઓ ગુજરાતી, હિન્દી, મરાઠી, બંગાળી, તામિલ, કન્નડ અને અંગ્રેજીમાં પ્રગટ થઈ છે. ગુજરાતી અને સંસ્કૃતમાં તો એ નાટ્ય સ્વરૂપે પણ રજૂ થઈ છે. જે તેનાં સારાપણા અને સજીવતાનો પુરાવો છે. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 167 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. ‘પૃથિવીવલ્લભ’ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે અને નાટક પણ ભજવાયું છે. આ નવલકથા જ્યારે પ્રગટ થઈ ત્યારે જેટલી વખણાઈ એટલી વખોડાઈ પણ હતી.

ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’  વાંચી.  વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી ‘પૃથિવીવલ્લભ’નું શૉર્ટ ફૉર્મ ‘પ્ર. વ.’ એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ

ભાઈ મુનશી,

કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે ‘પૃથિવીવલ્લભ’ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. . ‘પ્ર. વ.’ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઈચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.

હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ ‘મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું.’ રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? ‘છૂંદો થઈ રહ્યું’ ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.

બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ

પૂજ્ય બાપુજીની સેવામાં,

‘પૃથિવીવલ્લભ’ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.

પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.

આપે ‘Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે ‘પૃ. વ.’ સૂચવ્યું હતું એમ કહેતા હતા.

આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ ‘માનવતાના આર્ષદર્શનો’ નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ‘ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિ’માં આવે છે.)

કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, ‘પૃથિવીવલ્લભ’ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.

જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?

સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક ‘પૃ. વ.’ છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કઈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.

મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!

પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ

‘પૃથિવીવલ્લભ’ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા ‘વેરની વસૂલાત’ ગણે છે. એમાં ‘કર્મયોગ’ની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.

આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું ‘પૃ. વ.’ ને ‘બ્રહ્મચર્યાશ્રમ’ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.

લિ.
ક. મા. મુનશીના પ્રણામ

ગાંધીજીને ‘શરીરનો રોટલો થઈ ગયો’ શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ

‘તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.’

મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યો છે! 
આ નવલકથા વિશે વધુ આવતા અંકે…

— રીટા જાની

मेरे तो गिरधर गोपाल – 6 : અલ્પા શાહ

હમણાં હમણાં દુનિયાના સમાચારમાં જ્યાં જુઓ ત્યાં કોરોના વાયરસના સમાચાર દેખાઈ રહ્યા છે. ચીનમાં લગભગ પંચોતેર હજારથી વધુ લોકો આ વાયરસનાં લીધે બીમાર પડેલ છે અને લગભગ બે હજારથી વધુ લોકો મૃત્યુંનાં મુખમાં હોમાઈ ગયા છે. નવજાત બાળકો પણ એમાંથી બાકાત નથી રહ્યાં. કોઈ વાંકગુના વગર હોમાઈ ગયાં છે. મને તો, જે પોતાના જીવનાં જોખમે ફરજ બજાવી રહ્યાં છે તે ત્યાંના ડોક્ટરો, નર્સો અને બીજા કાર્યકરો માટે ખૂબ સહાનુભૂતિ છે. ક્યારેક એવો પણ વિચાર આવી જાય છે કે, શા માટે કુદરત આવી આપત્તિ માનવજાત પર મોકલતી હશે? આવી કુદરતી આપત્તિઓ જ્યારે આવે છે ત્યારે મનુષ્ય, જેને પોતાની તાકાત પર આટલો અહં છે, કેટલો વામણો લાગે છે? કુદરત જે સંજોગોમાં આપણને રાખે તે સંજોગોમાં મારે, તમારે અને આપણે સૌએ રહેવું જ રહ્યું.

મીરાંબાઈએ પણ એવું જ કંઈક આ પદમાં પણ લખ્યું છે.

રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ.
હે આપણે ચીઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી!
કોઈ દિન પહેરણ હીર ને ચીર તો કોઈ દિન સાદા ફરીએ,ઓધવજી!
કોઈ દિન ભોજન શિરો ને પૂરી તો કોઈ દિન ભુખ્યાં રહીએ,ઓધવજી!
કોઈ દિન રહેવાને બાગ-બગીચા તો કોઈ દિન જંગલ રહીએ, ઓધવજી!
કોઈ દિન સૂવાને ગાદી ને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઇએ, ઓધવજી!
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ, ઓધવજી!
રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ.

મીરાંબાઈ આ પદમાં કેટલા સરળ શબ્દોમાં કેટલી ગૂઢ અને ગહન વાત કહી જાય છે. આ પદમાં મીરાંબાઈ પોતાના પ્રભુનું, પોતાના સ્વામીનું આધિપત્ય નમ્રતાથી સ્વીકારીને આપણને જીવનમાં સુખી થવાની અમૂલ્ય ચાવી આપતાં ગયાં છે. મીરાંબાઈએ માત્ર પદમાં જ નહિ, પોતાની જિંદગીમાં પણ પદને શબ્દોને આત્મસાત કરીને જીવન પસાર કર્યું છે. She has walked the talk in her life. જીવનની કોઈપણ પરિસ્થિતિમાં મનને સંયમમાં રાખીને સંતોષ, આનંદ અને પ્રેમથી આ સંસાર સાગર પાર કરવો એ જ તો સંતની સાચી ઓળખ છે. જીવનમાં આવતાં સુખ અને દુઃખ બંનેને હસતા મોઢે અપનાવી જાણે એ જ તો સંતની મહત્તાની સાબિતી આપે છે.

મીરાંબાઈ તો હતાં એક રાજકુંવરી અને મેવાડના રાજરાણી. તેમને ક્યાં કશી ખોટ હતી? ગિરિધર ગોપાલની પ્રીતને ખાતર વિપરીત સંજોગોને પણ પ્રભુનો પ્રસાદ ગણી, પોતાના ધ્યેયમાં અડગ રહી ‘મેરે તો ગિરિધર ગોપાલ, દુસરો ના કોઈ.’ કરતાં કરતાં વૃંદાવનની કુંજ ગલીઓમાં જોગણ બની વિચરતાં મીરાંબાઈ ઇતિહાસમાં પોતાના સંતત્વને સ્થાપિત કરતાં ગયાં. ‘ઈશ્વરેચ્છા બલિયસી, કે ‘ધાર્યું તો ધરણીધરનું જ થાય’ – ભાગ્યેજ કોઈ એવો મનુષ્ય જોવા મળશે કે જે આ શબ્દો સાથે સહમત ન થાય. ગમે તેટલો નાસ્તિક માણસ હશે પણ તેને જીવનમાં ક્યારેક તો આ વાત સ્વીકારવી જ પડે છે. આપણે તો ફક્ત નિષ્ઠાપૂર્વકના કર્મ કરી શકીએ છીએ કે હૃદયપૂર્વકની પ્રાર્થના કરી શકીએ છીએ. બાકી, કર્મનું ફળ તો પ્રભુના હાથમાં જ છે. કોઈપણ પરિસ્થિતિમાં ધાર્યું તો ધરણીધર નું જ થાય છે.

મીરાંબાઈ આ પદમાં સુખ અને દુઃખ જે આપણાં જીવનમાં મહેમાનની જેમ આવે અને જાય છે તેની સામે મક્કમતાથી ટકી રહેવાની શીખ આપતાં જાય છે. એક જગ્યાએ મેં વાંચ્યું હતું કે, ‘સુખ એટલે શું? સુખ એટલે દુઃખનો અભાવ. અને દુઃખ એટલે શું? દુઃખ એટલે સુખ નો અભાવ.” સુખ અને દુઃખ તો તડકા અને છાંયડા જેવાં છે. સુખ અને દુઃખનું ચક્ર તો નિરંતર ચાલ્યાં જ કરવાનું છે. જયારે દુઃખ આવે ત્યારે માનવ સ્વભાવ મુજબ આપણે સૌ અકળાઈ જઈએ છીએ, ક્યારેક પ્રભુ પ્રત્યે રીસ પણ ચઢી જાય છે અને ગુસ્સો પણ આવે છે. પણ ગૌતમ બુદ્ધ જેમ કહે છે તેમ Happiness follows sorrow, sorrow follows happiness, but when one no longer discriminates happiness and sorrow, a good deal and a bad deed, one is able to realize freedom. આપણે સુખ અને દુઃખ બંનેને હસતા મોઢે આવકારવાં જ અને અપનાવવાં જ રહ્યાં. માત્ર આવકારવા જ નહિ પણ સાથે સાથે સુખ અને દુઃખ સામે સ્થિતપ્રજ્ઞતા  કેળવવી અને સમતાકેળવવી એટલી જ જરૂરી છે.

હું પણ હજુ એ કક્ષાએ પહોંચી નથી કે જ્યાં હું પણ સુખ દુઃખ સામે સંપૂર્ણપણે સ્થિતપ્રજ્ઞ રહી શકું. પણ હા, હું પ્રયત્ન જરૂર કરું છું ત્યાં પહોંચવાનો. તો ચાલો, આપણે પણ ‘રામ રાખે તેમ રહીએ’એ દ્રઢતાથી સ્વીકારી પોતાનું કર્મ નિષ્ટાપૂર્વક કરતાં રહીએ. દિપાલી સોમૈયાના મધુર સ્વરમાં આ પદ સાંભળતાં સાંભળતાં.

આપના પ્રતિભાવો અને માર્ગદર્શનની અપેક્ષા સાથે મારી કલમ ને અત્યારે વિરામ આપું છું.

— અલ્પા શાહ