"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

"બેઠક" Bethak

Vicharyatra : 10 Maulik Nagar “Vichar”

“હું સારો માણસ છું કે ખરાબ માણસ?”

જીવન જ્યાં સુધી અધૂરું રહે ત્યાં સુધી જ એ જીવનની મજા છે. જો જીવન સંપૂર્ણ થઇ જાય તો એની મજા પણ પૂર્ણ થઇ જાય. એટલા માટે જ તો આપણે ડેસ્ટિનેશન કરતાં જર્નીને વધારે માણી શકીએ છીએ. આજે એવી જ એક યાત્રાની વાત કરવી છે. કોઈ તીર્થધામ કે હિલ સ્ટેશનની યાત્રા નહીં પરંતુ સારાં માણસ બનવાની યાત્રા.

સમયાંતરે હું મારી જાતને એક પ્રશ્ન પૂછ્યા જ કરું છું. કે “હું સારો માણસ છું કે ખરાબ માણસ?” સ્વાભાવિક છે આમાં આધ્યાત્મિક જ્ઞાનીઓને સાંભળીને પંડિત બનેલા લોકો આનો એવો જ જવાબ આપશે કે “ભાઈ, દરેક વ્યક્તિ સારાં પણ હોય અને ખરાબ પણ હોય” આનું બીજું પાસું એવું પણ છે કે કોઈ વ્યક્તિ સંપૂર્ણ ખરાબ કે સંપૂર્ણ સારો નથી હોતો. સાચી વાત. પણ હું આ જ પ્રશ્નને અલગ દ્રષ્ટિથી જોઉં છું. બને ત્યાં સુધી નકારાત્મક તો વિચારવું જ નથી.

એટલે જો આ બાબતે હકારની જ હોડી હાંકવી હોય તો મારા મતે સારો માણસ એ કે જે હંમેશા સારું વ્યક્તિત્વ બનવા પ્રયત્ન કર્યા જ કરે. કેમકે સારાં ખોટાની કોઈ વ્યાખ્યા જ નથી. એમાં તો નકરું ગૂચ્ચમ જ છે.
દરેકમાં થોડાં ઘણાં દુર્ગુણ હોઈ શકે પણ એને એ બધાય દુર્ગુણોની જાણ હોય અને અમુક અંશે એને એ સુધારવાની ત્રેવડ અને આકાંક્ષા ધરાવતો હોય. એ જ સારો માણસ.એનું ચિત્ત હંમેશા પોતાને સુધારવામાં જ જાગ્રત રહેતું હોય. તે ખોટું થવાનો કે ખોટું કર્યાનો સ્વીકાર કરી શકે અને એને સુધારવાની પહેલ પણ કરી શકે.
એક વખત માણસે એવું નક્કી કરી લીધું કે મારે સારા જ વ્યક્તિ બનવું છે એટલે એની બ્લિસફુલ એટલે કે પરમ સુખની યાત્રા ચાલુ થઇ જાય.
જો કોઈ ખરાબ કર્મોવાળી વ્યક્તિ સારા વિચારો તરફ આકર્ષાય તો તે પછી તે વ્યક્તિ ખરાબ નહીં પણ સારા વ્યક્તિત્વનો યાત્રી બની જાય છે.
કેમકે હવે તેણે સારાં તરફની પહેલ કરી છે. આપણે તો નસીબદાર છીએ કે આપણને સારાં બનવાની તક તો મળી છે!
સારું વ્યક્તિત્વ બનવું એ તો એક સાહસ છે. અને એની યાત્રા હંમેશા સુખરૂપ હોય છે.

“જંગલમાં જો માત્ર સારું સંગીત ગાતા પંખીઓને જ ગાવાની છૂટ હોત તો જંગલના વાતાવરણમાં આટલું સંગીત ક્યાંથી આવત!” કેટલો બંધબેસતો વિચાર છે. “જે છે તે તો છે જ, પણ જે નથી જોઈતું તે પણ છે, અને જે જોઈએ છે એની યાત્રા હવે ચાલું થઇ છે! નિરંતર સદંતર નિરાંતે!”

  • મૌલિક “વિચાર”

સંસ્પર્શ-૧૦-જિગીષા દિલીપ

jigisha -સંસ્પર્શ -youtubeસમુદ્રાન્તિકે જ્યારે હું વાંચું છું ,ત્યારે તેમાં બધાંની જેમ મને ધ્રુવદાદાની નવલકથામાં ,અનુભવકથા,આત્મકથા કે પ્રવાસવર્ણન તો જણાય જ છે પણ મને સૌથી વધુ દેખાય છે ભારતનાં જ જુદાજુદા પ્રાંતમાં રહેતાં લોકોની સંસ્કૃતિભેદ.બે સાવ વિભિન્ન સંસ્કૃતિ – એક શહેરી ભણેલી ગણેલી સંસ્કૃતિ -જે પોતાની જાતને ,પોતાના વિચારોને,પોતાની માન્યતાઓને,પોતાની સમૃદ્ધિ અને જ્ઞાનને વિશેષ સમજી, અહંકારમાં મસ્ત છે.
તો બીજી દરિયાનાં ખારાપાટની અભણ,ગરીબ પ્રજા જે અંધ્ધશ્રધ્ધા સાથે પોતાની પરંપરાગત માન્યતાથી પોતાની મસ્તીમાં જીવતી પછાત પ્રજા છે.પરતું તેની સચ્ચાઈ અને પ્રેમસભર માનવતાવાદી નિર્મળ સંસ્કૃતિ કાબિલેદાદ છે.
નવલકથાનો નાયક કેમિકલની ફેક્ટરી નાંખવાનાં સરકારી પ્રોજેક્ટનાં કામે થોડા સમય માટે દરિયાકિનારાનાં લોકો સાથે રહે છે.બહારથી અભણ,અજ્ઞાન,ગરીબ અંધશ્રદ્ધાથી ભરપૂર લાગતા લોકોનાં ,ભીતરથી ચળકતાં હીરા જેવા હ્રદય, સંતોને શરમાવે તેવો પ્રેમથી ભરપૂર માનવતાવાદી વ્યવહાર,નાયકને પોતાની અંદર ઝાંખવાં પ્રેરે છે.
અવલ જેવી દરિયા કાંઠે રહેતી સામાન્ય સ્ત્રીનાં અસામાન્ય અદના વ્યક્તિત્વથી નાયક બેઘડી વિચારનાં વંટોળમાં ખોવાઈ જાય છે.એક અભણ સ્ત્રીનું વ્યક્તિત્વ આટલું સબળ? દરિયાકાંઠાનાં એક એક પાત્રો,અવલ,નુરભાઈ,ક્રિષ્ના,બંગાળીબાબુ,દરિયે ન્હાવા આવનાર માજી- દરેકે દરેકનાં નોખા વ્યક્તિત્વોની સાથે રહી નાયક છેવાડાનાં માણસોની જીવનરીતી અને વિચારોની ઊંચાઈથી અભિભૂત થઈ જાય છે.નાની બાળકીઓ દેવકી અને જાનકીનાં એક એક વાક્યમાં જાણે એકએક ઉપનિષદનાં વાક્યો અને શાસ્ત્રોનું ગર્ભિત જ્ઞાન નાયકને દેખાય છે.તેમનાં વાણી અને વર્તનની સચ્ચાઈ ,મેલા હ્રદયનાં શહેરી સમૃધ્ધ અને સાવ શુષ્ક હ્રદયનાં માનવ-માનવ વચ્ચેનાં ઝેર-વેર ઈર્ષા અને દેખાડાથી ભરપૂર લોકો કરતાં સાવ જ જુદાં છે તે સમજાઈ જાય છે.અને એક તોફાન ઊઠે છે તેનાં ઉરમાં.
અફાટ સમુદ્રનાં ભરતીનાં મોજાંનું પાણી ,વિચારોનું એક ધસમસતું ટોળું બનીને આવી નાયકનાં મનને આમથી તેમ ફંગોળી વિચલિત કરી મૂકે છે.નાયકની શહેરી સંસ્કૃતિના વામણા વિચારોનાં અંધકાર પર ખારાપાટનાં અભણ ,પરતું નિર્મળ હ્રદયનાં લોકોનાં અભિભૂત કરી નાંખતાં વિચારોનો અજવાસ કબજો કરી લે છે.શહેરી સંસ્કૃતિમાં મિલકત માટે સગીમાનાં પેટે જન્મેલ દીકરાઓ પણ કોર્ટે જાય છે ,અંદરોઅંદર મારામારી કરે છે.જ્યારે અહીં તો હાદા ભટ્ટ તેના ભાઈનાં દીકરા કેશા ભટ્ટને,જેને મરતાં સમયે તેના ભાઈએ હાદાની પત્ની ઉમાગોરાણીને સોંપેલો.હાદાએ પત્ની ઉમાગોરાણીની વાત સાંભળી સુલતાને આપેલ હવેલી,કૂવા સાથેની વાડીઓ,વજીફાં,જમીનો,ખેતરો બધુંજ કેશોને આપી દીધું.આવા ઈલમી આદમી ,નાયકે શહેરમાં સપનામાં પણ ક્યાં જોયા હતાં!બંગાળીબાબુનું કાંકરાં હાથમાં લઈ કહેવું,’ તેરી યા મેરી કિંમત ઈસે જ્યાદા નહીં હૈ’
સાંભળી કબીરવાણી યાદ આવી જાય છે,
“ મત કર માયા કા અહંકાર ,મતકર કાયા કા અહંકાર ,કાયા ગારસે કાચી” આખા જગતને જીતવા નીકળેલ સિકંદર છેવટે ખાલી હાથે નનામી પર ચડે છે અને માટીમાં ભળે છે.આટલી સાવ સાદીસીધી વાત નાના માણસો જેટલી સરસ રીતે જાણે છે એટલી ભણેલા દંભી લોકો,એ વાત જાણવા છતાં નાસમજની જેમ જીવન જીવે છે. આ છે એક જ પૃથ્વી પર વસતાં જુદાજુદાં લોકોનાં વિચારભેદ.દરિયાને માત્ર દરિયો નહીં પણ દેવ સમજનાર આ અભણ લોકોનું ગણિત તો જૂઓ ,”લાખો કરોડો જીવોને પોતાના પેટાળમાં પોશનાર દરિયો દેવ નહીં તો બીજું શું? “તેમનાં આવા ડગલે અને પગલે રજૂ થતાં વિચારો બેઘડી આપણને વિચારતાં કરી મૂકે છે!
આમ સમુદ્રાન્તિકેનાં એક એક પાત્ર દ્વારા બોલાએલ સંવાદો આપણને તેમની ભીતરની નિર્મળતા ,વિચારોની ઊચ્ચતા અને ચારિત્ર્યની સ્વચ્છતાથી નાયકનાં દિલોદિમાગની જેમ આપણને પણ પલાળી દે છે. શહેરી અને છેવાડાનાં લોકોની સાંસ્કૃતિક ભેદરેખાનાં છેદ ઉડાંડતાં હું શહેરી સંસ્કૃતિની વામણાઈથી શરમિંદગી અનુભવું છું અને નાયકની જેમ જ દરિયાને અને તેના પટ પર રહેતા ભોળાં માનવીઓને સલામ કરું છું.
અને હા, દરિયાકાંઠાંનાં લોકોની આવી આવી વાતો કરતાં ધ્રુવદાદા ગાઈ ઉઠે છે.
દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેના સરનામા હોય એવાં વણજાણ્યાં નામ છીએ આપણે
હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત એની ધરતીને સાંપડી સુગંધ
આપણો તો ક્લબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે
પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતાં કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકાં રોકાણ છીએ આપણે
યાયાવર ગાન છીએ આપણે
ધ્રુવદાદાએ આ ધ્રુવગીતમાં માનવ જાતને દરિયાની છાતી પર ઢોળાતાં યાયાવર પક્ષીનાં ગાન સાથે સરખાવ્યાં છે. યાયાવર પક્ષી એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ ખેડતાં,ટોળાંમાં ચિચિયારીઓ કરીને દરિયા પર ઊડતાં પક્ષીઓ છે.આપણે પણ ટોળાંમાં રહીને જીવન પસાર કરી એક જન્મ થી બીજા જન્મનાં ૮૪૦૦૦૦ લાખ ફેરાઓની ભવાટવીમાં પ્રવાસમાં મોજથી ફરી રહ્યાં છીએ. આપણાં જીવનસમદરની પારનાં સરનામા આપણી પાસે નથી.આપણે કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? ક્યાં જવાનાં છીએ ? એની કોઈ સાચી જાણ આપણને નથી.નથી આપણી પાસે ક્યાં જવાનાં છીએ તેનાં સાચાં સરનામા કે સાચા નામઠામ.
સમંદરની છોળો જેમ સમંદરમાં જ સમાઈ જાય છે તેમ આપણે આપણો મુકામ આપણી અંદર જ શોધવાનો છે.આપણું આ પૃથ્વી પરનું રોકાણ ,આપણો પ્રવાસ સાવ ટૂંકો છે તો જીવન આનંદનાં પ્રેમભરેલ આકાશને પાંખમાં ભરીને ચાલવાનું દાદા કહે છે.આ જીવન સાવ ટૂંકો પ્રવાસ છે તો તેના કિનારે બેસી મૌનનાં એકાંતને મોજનાં કલબલાટ થકી ,ટૂંકા રોકાણને યાદગાર બનાવી ,યાયાવર પક્ષીઓની જેમ દરિયાનાં પાણીની મસ્તી માણતાં માણતાં જીવનપ્રવાસ ઉજાળીએ.
જિગીષા દિલીપ
૩૦ મી માર્ચ ૨૦૨૨

ફરી…કલરવ અને કોલાહલ – 9

સંવાદ

‘ગુડ નાઈટ’ અને ફ્લાઈંગ કીસીસના પ્રદર્શન સાથે પાર્ટીમાંથી રૂખસત લઈ સાહિલ અને નિશા પોતાની પૉશ ગાડીમાં બેઠા અને ઘર તરફ જવા રવાના થયા. નિશા માનતી કે ‘હાય સોસાયટી’ની મહેફિલમાં વાતો ઓછીને આડંબર વધારે જોવા મળે,એટલે એને આ બધું બહુ ગમતું નહિ. નિશાનો ઉછેર સામાન્ય મધ્યમ વર્ગનો હતો જ્યારે સાહિલ પહેલેથીજ આ જીવન શ્રેણી જોતો – જીવતો આવ્યો હતો એટલે એના માટે આ બધું નોર્મલ હતું.  ગાડીમાં બેસતાજ નિશાએ ટકોર કરી: “ફલકને મળીને તને તો મજા પડી હશે ને? …એને ઘણા વખતે મળ્યો ને?…કે પછી?” હમણાં છેલ્લા ઘણા વખતથી ફલકના ફોન સાહિલ પર આવતા હતા તે નિશાથી છૂપું ન હતું. ફલક એક તેજસ્વી ફોરવર્ડ સ્ત્રી હતી. એટલે નિશાના પ્રશ્નમાં પત્નીનો વહેમ, આક્રોશ અને હતાશા બધું મિશ્રિત હતું. સાહિલે ખુલાસો કર્યો : “પ્લીઝ નિશા, આપણા લગ્નને પંદર વર્ષ થવા આવ્યા. હવે ટોન્ટ મારવાનું બંધ કર. આ તો માત્ર એક સામાન્ય મુલાકાત હતી. આપણે ઘરે પહોંચી ને વાત કરશું.” નિશા કંઈ આગળ બોલી નહિ. ચાલતી ગાડીના કાચ પર જેમ પ્રતિબિંબો એક પછી એક પસાર થઈ રહ્યા હતા તેમ નિશાની આંખ સામે જુના સંસ્મરણોની એક ‘રીલ’ ફરી વળી. 

સાહિલ અને ફલક બન્ને કોલેજમાં સાથે ભણેલા. ખુબ સારા મિત્રો. નિશા જાણતી હતી કે સાહિલ સ્વભાવે થોડો રંગીલો હતો – તે કોલેજમાં ફ્લર્ટ કરતો અને એની ઘણી બધી બહેનપણીઓ હતી પરંતુ ક્યારે પણ કોઈની સાથે નજીકના સંબંધ ન હતા. સાહિલના મિત્રો તરફથી તેના ઘણા કોલેજના મસ્તીભર્યા કિસ્સાઓ નિશાએ સાંભળ્યા હતા જે ઘણા ખરા હસવામાં ઉડાવી દીધા હતા. સાહિલે તેની બહેનપણીઓ સાથે ના ગાઢ સંબંધો લગ્ન પછી પણ જાળવેલા હતા. લગ્નની શરૂઆતમાં નિશા માટે તે અજુગતું હતું પણ ધીરે ધીરે તેણે સાહિલનું આ વ્યક્તિત્વ સ્વીકાર્યું હતું. “લગ્નને આટલા વર્ષ વીતી ગયા, એક દિકરો થયો. હવે ક્યાં સુધી જૂની વાતોને પકડવાની?” એમ નિશા ઘણીવાર પોતાના મનને સમજાવતી અને વાળતી.  પરંતુ ફ્લેશબેકના પાત્રો આંખ સામે આવે એટલે પાછા મનમાં જૂની શંકાના વાદળાઓ ઘેરી વળે, અને શાંત લગ્ન જીવનમાં જાણે એક વમળ ઉઠે.

ઘરે આવી બેડરૂમમાં નિશાએ વાત કરવા મથી પણ સાહિલનો રસ ન હતો. છેવટે વધુ વિવાદ ન કરતા દંપતિ ચાદરમાં ભરાઈને પોઢી ગયા – એ અપેક્ષા સાથે કે ચાદરમાં પડેલી સળ અને સંબંધોમાં પડેલી કળ, પસાર થતી રાત સાથે વળી જશે. પણ સવારનો સુરજ કઈંક ભળતોજ ઉગ્યો! નિશા ઉધરસ ખાતી અચાનક ઊંધમાંથી ઉભી થઈ અને કપાળે હાથ મુક્યો તો તાવ જેવું લાગ્યું. તેને તરતજ અનુમાન થયું કે નક્કી પાર્ટીથી પકડેલ પેંડેમીકની અસર છે. કોવિડની ઘર-ટેસ્ટની કીટ હતી તેમાં તપાસી જોયું તો કોવિડ પોઝિટિવ પકડાયું. સ્થાનિક કાયદા મુજબ નિશાને અલગ રૂમમાં અલગ રાખવાની હતી. પતિ સાહિલ, દિકરો નિનાદ બધા સફાળા જાગ્યા અને કામે લાગ્યા. તબીબો અને આરોગ્ય વિભાગને જાણ કરી, સૅનેટાઇઝિંગ કર્યું, બેડરૂમ ખાલી કરી સાહિલ, નિનાદના રૂમમાં આવ્યો. ઘરના બધાને રસી આપવામાં આવી હતી તેથી તે ચિંતાજનક ન હતું છતાં શાંત ઘરમાં એકાએક અફરાતફરી મચી ગઈ હતી.

ગઈ કાલની પાર્ટીની વાત લગભગ ભુલાઈ ગઈ હતી. એક પળ માટે સાહિલને રાહતનો વિચાર આવ્યો કે નિશાના આઇસોલેશનને  કારણે તેના સવાલોનો સામનો હવે તેને કરવો પડશે નહીં. ત્યાં તો તબીબોએ ફોન કરી જણાવ્યું કે નજીકના સંપર્ક હોવાને કારણે સાહિલે પણ કોવિડ  ટેસ્ટ  લેવી પડશે અને ટેસ્ટમાં સાહિલ પણ પોઝિટિવ આવ્યો. અર્થાત બંન્ને પતિ-પત્ની બેડરૂમમાં સાથે આઇસોલેટ કરવામાં આવ્યા. નિયમ અનુસાર સાત દિવસ રૂમ માં એકલા રહેવાનું. ઘરનું કામ અને નીનાદની જવાબદારી ઘરની હેલ્પરએ ઉપાડી લીધી. અંદર રૂમમાંથી નિશા બધી સૂચનાઓ આપ્યા કરતી હતી અને ઘર ચાલ્યા કરતુ હતું, દિવસો વિત્યા, સાહિલ બધું જોતો રહ્યો. બંને વચ્ચે ખપ પૂરતી વાતો થાય. એક રૂમમાં રહેવા છતાં જાણે બે અજનબી બની જીવતા હતા. એક પણ વાર નિશાએ ફલકની વાત કાઢી નહિ કે પાર્ટી વિષે કે એના મિત્રો વિષે કંઈક ટીકા કરી નહિ. છેવટે સાહિલથી ન રહેવાયું અને બોલ્યો : ” નિશા – મારે તને વાત કરવી હતી ..ફલકની..”. નિશા ચૂપ રહી .. સાહિલે ચલાવ્યું ” હમણાં છેલ્લા કેટલાક સમયથી ફલક અને હું મળી રહ્યા છીએ.” નિશા ના મનમાં ફાળ પડી. શું આગળનું સત્ય સાંભળવા તે તૈયાર હતી? તેના હાથ કામ કરતા અટકી ગયા અને સાહિલની આંખમાં આંખ નાખીને જોયું… સાહિલ બોલ્યો: “તેનો બાર વર્ષનો દીકરો, આપણા નિનાદની ઉંમરનો. કમનસીબે તેને મોટર ન્યુરોન રોગ થયો છે અને તેને શહેરના ટોચના ડોક્ટરની સલાહ લેવા માટે મારી મદદની જરૂર છે. એટલા માટે હું તેની મારાથી બનતી સહાયતા કરી રહ્યો છું.”  નિશા આ સાંભળીને સ્તભ રહી ગઈ. એક મોટું મોજું જાત પર જાણે ફરી વળ્યું હોય એવો અનુભવ થયો. ફલકની પરિસ્થિતિથી તે દુઃખી થઈ પણ પોતાનું લગ્ન જીવન હેમખેમ છે તે જાણી તેને રાહત થઈ. સાથે સાથે પોતાના વિચાર પર અફસોસ પણ થયો. તેણે સાહિલનો હાથ પકડ્યો અને રડતા બોલી “I am sorry. લગ્નજીવનના આટલા વર્ષો પછી પણ હજી મારી તમારા પ્રત્યેની ધારણા બદલાતી નથી, આ મારી સંકુચિતવૃત્તિ નહિ તો બીજું શું?” સાહિલે કહ્યું: “મને હવે સમજાય છે કે વાંક મારો પણ છે. આટલા વર્ષોમાં જે આપણે લડ્યા-ઝગડયા તેના મૂળમાં આપણી નાસમજ અને વાતચીત કરવાની અક્ષમતા હતી. જો મેં મારા વિચારો તને સ્પષ્ટ રીતે રજુ કર્યા હોત તો તને ક્યારે પણ અસુરક્ષિતતા ન લાગત. ખરેખર તો દામ્પત્ય જીવનમાં એક બીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધારવા એક બીજા સાથે સંવાદ વધારવાની જરૂર છે અને હું એમ સમજતો કે મિત્રો, સમાજ અને પાર્ટીમાં સમય ગાળવાથી મારુ સફળ જીવન જઈ રહ્યું છે. ” સાહિલ લાગણીશીલ બની ગયો અને બોલ્યો :  “આ ગત દિવસોમાં તારી સાથે સમય પસાર કરીને મેં અનુભવ્યું કે મારે તને કેટલું બધું કહેવું હતું, પણ મેં મારી તારા પ્રત્યેની ભાવનાઓને ક્યારે વાચા જ ન આપી. આજે એક ઓરડામાં બેસીને તું આખું ઘર ચલાવી રહી છે અને છેલ્લા કેટલા વર્ષોથી તું આપણો સંસાર ચલાવે છે અને મેં આ બધા વર્ષો કાં તો તારી અવગણના કરી હશે કાં તો ક્યારેક તને ઉતારી પાડી હશે.”

પાંપણો લૂછતી સ્મિત આપતી નિશા બોલી “ચાલો, કોવિડના આઇસોલેશનનો (અલગતાનો) કંઈક તો ફાયદો થયો. ભવની ભૂલ ભુલવણી નો તાગ મળ્યો. હવે છેવટે તો આપણે બેજ હોઈશું. પણ જેમ તમે આપણો પ્રોબ્લેમ સોલ્વ કર્યો એમ નિનાદનો પણ  સોલ્વ કરવાનો છે.” “કેમ, નિનાદને શું થયું?”, સાહિલે ચિંતિત સ્વરે પૂછ્યું. નિશા બોલી “થયું કંઈ નથી. પણ હવે તે ટીનએજરના આરે આવી ઉભો છે. હવે તેને દબડાવવાથી કામ નહિ ચાલે – તેની સાથે એક મિત્ર બની સંવાદ સ્થાપવાની આદત નાખવી પડશે.” હજી સાહિલ વિચારતો હતો કે ભવિષ્યમાં તે કરવાની તક મળશે ત્યાં તો બહારથી નિનાદનો અવાજ આવ્યો .. “મમ્મી – પપ્પા, હું પણ કોવિડ પોઝિટિવ ટેસ્ટ થયો છું. કોઈ ખાસ સિમ્પ્ટમ (રોગનું લક્ષણ) નથી પણ હવે તમારા રૂમની અંદર આઇસોલેશનમાં આવી રહ્યો છું.” 

નિશા અને સાહિલ બન્નેની આંખો એકબીજાને જોઈ સ્મિત આપતી રહી અને દંપતિ દિકરાને રૂમમાં સંવાદ સાથે આવકારવાની તૈયારી કરવા લાગ્યા.

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (29-Mar-2022)

 

હેલીના માણસ – 10 । કૂપમંડુકતા

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ -10 એની 9મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા. 

 

ગઝલ :

લય  વગર,  શબ્દો વગર,  મત્લા  વગર, 

હું  ગઝલ  લખતો  રહ્યો   સમજ્યા વગર. 

 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

 

કેદ છું ભીંતો વગરના ઘરમા હું, 

સંત્રી  પણ   ઊભો    છે  દરવાજા  વગર. 

 

સરહદો     સૂની      હશે      તો    ચાલશે, 

શ્હેરમાં    ચાલે    નહીં    પહેરા      વગર. 

 

મોરને    કો’    બાજપક્ષી     લઇ      ગયું, 

સીમ   સૂની     થઇ   ગઇ    ટહુકા  વગર. 

 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર. 

~ ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ :

કેટલીક વાર આપણાં રોજબરોજના વ્યવહારમાં અમુક સગવડોની એવી ટેવ પડી જતી હોય છે અને એ જીવન સાથે એટલી હદે વણાઈ જાય છે કે, પછી તેના વગર જાણે ચાલે જ નહીં! શહેરની આધુનિક બધી જ સગવડો સાથે રહેવાની ટેવ હોય તેને જો ક્યારેક નાના ગામમાં જવાનું થાય તો તેને બિલકુલ ફાવતું નથી. તે અકળાઈ જશે અને ત્યાંથી નિકળી જવાનું વિચારશે. ખલીલ સાહેબની આ ગઝલમાં તેમણે ‘વગર’ શબ્દને રદિફ તરીકે અને આકારાંત કાફિયા લઈને વાસ્તવિક જીવનમાં બનતી ઘટનાઓ પર ક્યાંક શીખ આપી છે તો ક્યાંક વ્યંગ કર્યો છે. આપણે જોયું તેમ સુખ સગવડમાં રહેનારને જેમ તેના વગર નથી ફાવતું તેમ અગવડમાં કે અછતમાં રહેવા ટેવાયેલાં હોય તેમને વધુ પડતી સગવડો પણ માફક નથી આવતી. રોજ સુકો રોટલો ખાઈને જમીન પર સુવા ટેવાયેલાં હોય તેમને ખાવા માટે પાંચ પકવાન અને સુવા માટે છત્રપલંગ આપો તો તે મુંઝાઈ જશે. કવિ પોતાની વાતને સરળ શબ્દોમાં પણ ઉમદા ઉદાહરણથી સમજાવે છે કે, 

તેં    તો    તારો   છાંયડો    આપ્યો   મને, 

હું   જ   ના   જંપી  શક્યો   તડકા   વગર. 

ભર તડકે આખો દિવસ મજુરી કરનારને છાંયડામાં જાણે પ્રતિકૂળતા અનુભવાય છે. આ જ વાતને વિશાળ ફલક પર વિચારીએ તો ઈશ્વરે તો તમામ ઉમદા રસ્તાઓ પર ચાલવાની સગવડ આપી છે પણ દરેક જણ પોતાની હેસિયત પ્રમાણે જ રસ્તો પસંદ કરીને ચાલશે. ટુંકમાં પોતાને જે ફાવે તે જ પરિસ્થિતિમાં રહેવા મન બનાવી લેવું શું યોગ્ય છે? અહીં આપણને ‘કૂપમંડુકતા’ યાદ આવે. કુવામાં રહેતા દેડકાને વિશાળ નદીના પટમાં મુકવામાં આવે તો? તો શું થાય ખબર છે? તે પોતાના કુવા જેટલા જ ભાગમાં ફર્યા કરશે અને એવું માનશે કે, આ જળાશય કુવા જેટલું જ છે! અથવા તો કુવાથી મોટું કશું હોય જ નહીં. કેટલીક વાર આપણે પણ આપણાં જ્ઞાનની સીમામાં ઘેરાઈને માની બેસીએ કે, આ જ્ઞાાનથી વધારે કશું હોઈ જ ના શકે. જો કોઈ કહે કે, ગઝલ લખવા માટે હું લય, મત્લા, કાફિયા, રદિફ એવી માથાકૂટમાં નથી પડતો પણ હું તો ખૂબ લખું છું એટલે હવે એવી ફાવટ આવી ગઈ છે કે, જે લખું તે ગઝલ બની જ જાય છે. શું આમ સમજ્યા વગર ગઝલ લખાય ખરી?  

કવિ કહે છે કે, ક્યારેક આદતોને નેવે મુકીને કંઈક નવું કરવા પ્રયાસ કરવો જોઈએ. કેવું સુંદર ઉદાહરણ! 

કોક     દિ’     દીવો    પવન   સામે   મૂકો, 

કોક  દિ’  ચલાવી  લો  અજવાળા   વગર.

કાયમ બસ પ્રકાશમાં જ રહેવું શું જરૂરી છે? ક્યારેક સળગતા દિવાને પવનમાં મુકો, હવે તે હોલવાઈ જશે. એ પછી અજવાળા વગરના માહોલને પણ માણતાં શીખો. સેન્ટ્રલ એસીવાળા, સુખ સગવડયુક્ત બંગલાને છોડી ક્યારેક સમુદ્રતટે કે પહાડો પર ઘુમવા નિકળી પડવું જોઈએ અને એમાં રહેલી મઝાને માણવી જોઈએ. કવિ ‘વગર’ શબ્દનો રદિફ તરિકે ઉપયોગ કરીને કેટલાક સુંદર વ્યંગોની રચના કરે છે તે જોઈએ. તેઓ કહે છે, હું ભીંત વગરના ઘરમાં રહું છું પણ દરવાજે સંત્રી જરૂર હોવો જોઈએ! બોલો હવે જે ઘર ખુલ્લું જ છે તેમા વૉચમેનની શી જરૂર! . દેશની સરહદો પર પહેરો નહીં હોય તો ઠીક છે પણ મારા શહેર ફરતો પહેરો હોવો જોઈએ. કારણ? શહેર સલામત રહે તો હું પણ સલામત! આ બન્ને વ્યંગાત્મક ઉદાહરણો માનવીના વિચિત્ર સ્વભાવનો નિર્દેશ કરે છે. મોર જેવો પક્ષીઓનો રાજા પોતાના ટહુકાઓથી સીમને લીલીછમ રાખતો હોય છે તે જો હણાઈ જાય તો સીમ સુની પડી જાય! તે જ રીતે જેની કાળજી, ચીવટ, અને દુરંદેશીથી ઘર, શહેર, રાજ્ય કે દેશ સુખી અને સમૃદ્ધ હોય તેની ઉપસ્થિતી આવશ્યક છે. નહીં તો અંધાધુંધી ફેલાઈ શકે. 

મિત્રો, કુપમંડુકતા ત્યજીને જ્ઞાનના બહોળા સાગરમાં મહાલવાની શીખ આપ સૌને જરૂર ગમી હશે. તો વળી રદિફ, કાફિયા અને મત્લાના જ્ઞાન વગર ગઝલ લખવાની વાત લઈને બનેલો શેર આપણને રમુજ કરાવી ગયો, ખરુંને? આવી જ બીજી ગઝલને માણીશું આવતા અંકે ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

તા. 28 માર્ચ 2022  

 

વિસ્તૃતિ …૯ -જયશ્રી પટેલ 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

બિંદુર છેલે ને એટલે કે બિન્દુનો બેટો( બિંદુનો બેટો) શરદબાબુની આ વાર્તા સામાજિક વાર્તા છે.જેમાં એક સંયુક્ત લાગણીપ્રધાન કુટુંબની વાર્તા વિણાયેલી છે વિભક્ત કુટુંબમાં આજકાલ જોઈએ છીએ તેમ ઉપર છલ્લી લાગણીઓ જોવા મળે છે.
અહીં મિત્રો ,બે સગા ભાઈની જેમ રહેતા બે ભાઈઓની આજુબાજુ વાર્તા ફર્યા કરે છે ,પણ બે સગા ભાઈઓ ન હોવા છતાં એમ જ લાગે છે કે જાણે બંને સગા જ છે .સ્વભાવે અને રહેણી કરણીમાં ફર્ક હોય છે . માનવી માનવી વચ્ચે તે અહીં ખૂબ જ ગૂઢતાથી દ્રષ્ટિમાન થાય છે .જાદવ મુકરજી અને માધવ મુકરજી સગા ભાઇ ન હતા એ વાત તેમનાં કોઈપણ વાણી-વ્યવહાર વર્તનમાં દેખાતું નહીં .તેથી આ વાત તે બંને ભાઈઓ તો ખરા જ પણ ગામમાં પણ બધાં વિસરી ગયાં હતાં .મોટાભાઈ જાદવ મુકરજી નોકરી કરતાં ને પોતાનાં નાના સરખા કુટુંબનું પેટ ભરતાં સાથે સાથે નાનાભાઈ માધવને કાયદાની એટલે કે વકીલાતની પરીક્ષા સુધી ભણાવ્યો .તેને જમીનદારની એકની એક પુત્રી બિંદુરવાસિની સાથે પરણાવ્યો પણ હતો. તેણી ખૂબ જ સુંદર હતી ,સાથે સાથે દસ હજાર રૂપિયા નકદ પણ લઈને આવી હતી. તેના રૂપને જોઈ જેઠજી એટલે માધવના મોટાભાઈ તેને મા કહી બોલાવતા તેનાં આગમનથી ઘરમાં સૌને લક્ષ્મીનું આગમન થયું હોય તેવું લાગતું હતું .અંત સુધી જાદવ તેને પ્રેમથી ને માનથી જોતો રહ્યો .

જાદવની પત્ની અન્નપૂર્ણા પણ સ્વભાવે ભોળી ને સાવકાને પોતાના ભેદ ને યાદ ન રાખનારી હતી ,તે સમજુ હતી .તેણી દેરાણી બિંદુરવાસિનીને જોઈ ખૂબ ખુશ થઈ હતી તેની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં,પણ ત્રણ-ચાર દિવસમાં તો તેની સમજમાં દેરાણી નો સ્વભાવ આવી જ ગયો હતો.તેણી પોતાના પતિને ઠપકો આપી ચૂકી હતી કે રૂપ ને પૈસા સાથે ચાર ગણું અભિમાન અને રૂઆબ પણ સાથે લઈને આવી છે નાનીવહુ. જાદવના માન્યામાં ન આવ્યું. તે શાંત પ્રકૃતિનો હતો કચેરીમાં કામમાં ભલો અને ઘરે સેવા પૂજામાં. નાનોભાઈ દસેક વર્ષ તેનાથી નાનો હતો .નવી નવી વકીલાત શરૂ કરી હતી તે પણ પોતાની વહુથી અસંતોષ પામ્યો હતો. ભાભીને મા સ્વરૂપ માનતો. તેથી તેણી પાસે આવી પોતાનું દુઃખ રડતા બોલ્યો,” મોટાભાઈ ને શું માત્ર રૂપિયા જ વહાલા લાગ્યા એ તો હું પણ કમાય લાવત.” ભલો લાગતો આ માનવી પણ શાંતિ ઇચ્છતો હતો.
નાનીવહુ એટલે બિંદુરવાસિની ઉપર મુજબ રૂપે રૂપાળી પૈસે ટકે સુખી ને જમીનદારની એકની એક દીકરી હતી .તેણીને રૂપ સાથે જ ભગવાને એક શ્રાપ અર્પ્યો હતો .તેણીને કોઈ ઊંચે સાદે વઢતું નહિ, કારણ તેણીને ફીટ જેવું ભયંકર દર્દ હતું.એ જોઈ ઘરનાં બધાં ડરતા હતાં. ડોક્ટર બોલાવ્યા વિના છૂટકો જ નહોતો . નોકર ચાકર, બ્રાહ્મણી તો દૂર જ રહેતાં.તેથી હોશથી કરેલા આ લગ્નમાં મોટી ભૂલ થઈ ગઈ હતી એવું સર્વે જાણતા હતા.માત્ર તેના જેઠ તેણીને જગદંબા મા લક્ષ્મી કહેતા અને અંતે બધું આગળ જતાં સારું જ થશે એમ કહેતાં.

અન્નપૂર્ણા અને જાદવને એક દોઢ વર્ષનો પુત્ર હતો ,તેનું નામ હતું અમૂલ્યચરણ એકવાર નાનીવહુ કોઈ વાતે નારાજ થઈ ગઈ અને તેને ફીટ આવવાની તૈયારી જ હતી ને અન્નપૂર્ણા ને શું સૂઝ્યું કે પોતાના દીકરાને ઊંઘતો જ ઉપાડી લાવી ને તેણીનાં ખોળામાં નાંખી ત્યાંથી ચાલી ગઇ. અમૂલ્ય કાચી ઊંઘમાંથી જાગી ગયો અને ચીસો પાડી રડી ઊઠયો .બિંદુ મહા મહેનતે આંખો ઊંચી કરી બાળક ને જોતી રહી ને પછી પોતાની છાતી એ વળગાડ્યો અને ઘરમાં ચાલી ગઈ .ઘરનાં બધાં એ આ જોયું ને અન્નપૂર્ણાને તો દેરાણી માટે ફીટની અમોધ ઔષધિ જ મળી ગઈ .
અહીંથી આ બધાં પાત્રો વચ્ચે મૂળ વાર્તા શરૂ થાય છે .અન્નપૂર્ણા ઘરનાં બધાં કામને લીધે દીકરાને સંભાળી નહોતી શકતી . તેથી અમૂલ્યને ઉછેરવાનું કામ નાનીવહુ બિંદુરવાસિનીએ ઉપાડી લીધું. તેથીજ વાર્તાનું નામ શરદબાબુ એ રાખ્યું બિંદુર છેલે એટલે કે બિંદુનો બેટો . બિંદુ દીકરાને ઉછેરવામાં એવી પડી ગઈ કે તે ભૂલી જ ગઈ કે આ અન્નપૂર્ણાનો દીકરો છે .તેને દૂધ આપવાથી લઈ જમવાનું ,રમવાનું બધું જ સમય પત્રક મુજબ ચાલવા લાગ્યું.અન્નપૂર્ણાનો કોઈ હક્ક જાણે રહ્યો જ નહિ અને પરિણામે મોટો થતો અમૂલ્ય કાકીને મા અને મા ને દીદી કહી બોલવા લાગ્યો .
સમય જતા બિંદુરવાસિની દીકરામાં ઓતપ્રોત રહેવા લાગી ને તેની ફીટ આવવાની બંધ થઈ ગઈ .તેની ઇચ્છા મુજબ દીકરો શાળાએ બંગાળી છોકરાઓ ને શોભે તેવા વસ્ત્રો પહેરી જવા લાગ્યો. ક્યારેક તેનો નાનો મોટો ઝગડો ,બોલાચાલી અન્નપૂર્ણા સાથે થઈ જતી . અન્નપૂર્ણા તેને નાની સમજી માફ પણ કરી દેતી. તેના જેઠની તે લાડકી વહુ મા હતી.તેનો પતિ પણ તેને બહુ દુઃખી ન કરતો .બિંદુરવાસિનીએ જેઠજીની નોકરી છોડાવી તેઓને આરામની જિંદગી જીવવા પણ પ્રેરી દીધાં.નવું મોટું ઘર બનાવવા પણ ઉત્સાહિત કર્યા .
જીવન આમ આનંદ મંગલમાં ચાલી રહ્યું હતું.નવાં ઘરમાં સગાવાલા ને આમંત્રણ મોકલાય રહ્યાં હતાં .ત્યાં જાદવે તેની ફોઈયાત બહેનને જેનું નામ એલોકેશી હતું ,તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે બોલાવી .તેણી તેના પતિ અને પુત્ર નરેન સાથે આવી પહોંચી .નરેન અમૂલ્ય કરતા મોટો હતો .તેનામાં સંસ્કાર ની ખામી હતી .એ તોફાની ,ઘમંડી અને નાના-મોટાનું માન
ન રાખતો. ઘરની પૂજા વગેરે માટે આવેલી એલોકેશી ધામા નાખી ભાઈઓની ભલમનસાઈનો લાભ લઇ રહી હતી .દીકરાને ત્યાં પાઠશાળામાં દાખલો લઈએ ભણવા પણ મૂકી દીધો.નરેનના લક્ષણો જોઈને બિંદુરવાસિની પોતાના પુત્ર અમૂલ્યને દૂર રાખવા ઈચ્છતી .
એકવાર નરેન સાથે તોફાન કરતા અમૂલ્ય શાળામાં પકડાયો, તેને રૂપિયા બેનો દંડ થયો પોતાની માથી તે ડરતો હતો,તેથી તેણે દીદી પાસેથી રૂપિયા લીધાં. દંડ ભર્યો. આ બનાવ ઘરની પૂજા પહેલાં જ બનેલો સ્વભાવગત બિંદુરવાસીની અન્નપૂર્ણા ને જે તે સંભળાવી ગઈ એટલે સુધી કે પિતા સમાન જેઠજી ઘરમાં બેસીને ખાય છે સંભળાવી દીધું .અન્નપૂર્ણા સ્વમાની હતી ,તેણીએ મનોમન નક્કી કરી દીધું કે પતિ નોકરી કરી લાવશે તોજ તે જમશે .દિયરની કમાણીનો એક દાણો પણ મોંમા નહિ મૂકે .આખરે જાવેદે નોકરી શરૂ કરી . પૂજાને દિવસે બિંદુરવાસિની હસતું મોઢું રાખી બધાંની
આવભગત ભારી મને કરતી રહી,કારણ જેઠજી, અન્નપૂર્ણા અને ત્યાં સુધી કે જેને દોઢ વર્ષથી આટલો મોટો કરેલો અમૂલ્ય પણ આ પૂજાનાં સમયે હાજર ન હતા . એકદમ આઘાતથી તેણી બોખલાય ગઈ હતી. બિન્દુરવાસિની બધું જ અસમંજસમાં કરતી રહી.તેનો પતિ માધવ ભાભી ને લઈ આવ્યો તેણી આવી પણ અન્નનો એક દાણો કે પાણી તેણે મોઢામાં ન નાખ્યાં ને રાત્રે પાછી ગઈ .
અમૂલ્ય શાળાએ નવા ઘરવાળા રસ્તે થઈને જ હતો ,પણ લાલ છત્રી આડી રાખીને બિંદુરવાસિની તેને દૂરથી જોતી રહેતી. થોડા દિવસથી તે પણ ત્યાંથી નહોતો જતો નરેન ને પૂછતાં તેને ખબર પડી કે તે શરમનો માર્યો અહીંથી પસાર નથી થતો .તેના થર્ડમાસ્તરે તેનો કાન આમળ્યો હતો .બિંદુથી રહેવાયું નહિ તે ભડકી ઊઠી કે કોઈએ તેને હાથ કેમ લગાડ્યો? તેની મનાઈ હોવા છતાં. અમૂલ્ય માટે કોઈ ખાવાનું નથી આવતું એ જાણી તેણીએ પણ જાણે જમવાનું છોડી દીધું તેને જાદવ નોકરી કરે છે એ જાણીને આઘાત લાગ્યો તેને લાગ્યું પતિથી માડી સર્વેએ તેનો જાણે ત્યાગ કર્યો છે .બિંદુનાં પિતાના ગંભીર માંદગીનાં સમાચાર આવ્યા. તેણી પિયર જવા માંગતી હતી ,તેને જવું પડે તેમ હતું .તે કદી જેઠ જેઠાણીની મંજૂરી વગર કે અમૂલ્યને મૂકી ગઈ નહોતી .જાદવે પોતાની મંજૂરીનો પત્ર મોકલ્યો. તે પાલખીમાં બેસી જતાં જતાં બોલી ગઈ ,”આ જાત્રા છેલ્લી થાય તો સારું .” એ અન્નપૂર્ણા ને દુખમાં ધકેલીને ગઈ.જાદવને ન ગમ્યું ,તેણે અન્નપૂર્ણાને સંભળાવ્યું,”મોટી થઈ તેં એની ભૂલ માફ ન કરી ,તું મોટી શાની?”
ત્યારબાદ સમાચાર આવ્યા બિંદુરવાસિનીને ત્યાંથી ,તેણીએ અન્નજળ ત્યાગ્યા છે .અંતિમ દિવસો છે. માધવ જઈ પહોંચ્યો હતો તેણે તેને પૂછ્યું ,”તારે કોઈ ને મળવું છે ?”પણ એક ખોટો અહંકાર ગળે વિંટાળી લઈ તેણીએ મક્કમ મને ને દ્રઢતાથી ના કહી દીધી. છતાંય સમજદારી દાખવી માધવ પાછો ઘરે આવી દાદા ,ભાભી અને અમૂલ્યને લઈને આવ્યો. માધવે બધાં આવ્યાના સમાચાર આપ્યાં. અન્નપૂર્ણા તેની પાસે તેના માથા આગળ બેઠી તેણીએ મોં ફેરવી લેતા અન્નપૂર્ણા એ કહ્યું ,”જો જેઠજી જાતે તને લેવા આવ્યા છે.”
બિંદુરવાસીનીને તાવ હતો .તેણી દીદી ને પહેલાં માફી આપવાનું કહેતી કહેતી અટકી ગઈ .જાદવે ને અન્નપૂર્ણાએ તેને ઘરે આવવા આગ્રહ કર્યો. મોંઢાપર ઓઢેલી ચાદર અને તેના કૃશ ચહેરાને જોઈ જાદવે કહ્યું કે આમજ એક દિવસ જ્યારે તમે આવડા એક હતાં ને ત્યારે હું જ આવીને તમને મારા સંસારની મા લક્ષ્મીને લઈ ગયો હતો. ફરી તેડવા આવવું પડશે તે નહોતું ધાર્યું ,પણ મા તેડવા આવ્યો છું તો લઈને જઈશ,નહિ તો ફરી ઘરમાં પગ નહિ મૂકું ,તમે જાણો છો હું કદી જૂઠ્ઠું નથી બોલતો. આ વાક્યો સાંભળી શરદબાબુની એ નાદાન નાયિકા બિંદુરવાસિની અન્નપૂર્ણા ને બોલી ઊઠી ,”લાવો દીદી શું ખવડાવવું છે?અને અમૂલ્યને મારી સોડમાં સુવડાવી દો તમે બધાં જઈને આરામ કરો .હવે ભાઈ હું નથી મરવાની .”
મિત્રો આમ સુખદ અંતવાળી આ નવલકથા લોકોને એટલી પસંદ આવી કે શરદબાબુ પણ એકવાર આશ્ચર્યચકિત થઈ ગયા હતાં, કારણ કરૂણાંતવાળી વાર્તાઓ રચનારે એક સુખાંત વાર્તા રચી હતી.નાના અહંકારના ટકરાવમાં કુટુંબ વિખરાયું પણ મોટીવહુ
અન્નપૂર્ણાનાં ઝૂકાવે ફરી પાત્રોને હસતાં રમતાં કરી દીધાં, માધવની જીદ હારી ,તો અમૂલ્યની મૂંઝવણ દૂર થઈ નાદાન બિંદુરવાસિનીની અંતિમ સમજદારી દ્વારા એક સામાજિક વાર્તાનો સુંદર અંત દર્શાવી શરદબાબુની બિંદુર છેલે એટલે બિન્દુનો બેટો અમર થઈ ગઈ .

અસ્તુ.
જયશ્રી પટેલ
૨૭/૩/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૮: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો,  “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. 

જોતજોતામાં 2022ના ત્રણ મહિના પૂરા થવા જઈ રહ્યા છે. અહીં USA માં Winterની સમાપ્તિ થઇ spring એટલે કે વસંતનું આગમન થઇ રહ્યું છે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય, ઋતુ બદલાય,પણ મનુષ્યની આનંદ અને ખુશી મેળવવાની મૂળભૂત ઝંખના હંમેશા અકબંધ જ રહે છે અને રહેશે. દલાઈ લામાએ ખુબ સરસ કહ્યું છે “The purpose of our lives is to be happy”. આ happiness એટલે કે સુખની કે આનંદની વ્યાખ્યા અને તેને મેળવવાનું માધ્યમ દરેક માટે અલગ અલગ હોય છે. કોઈકને ધોધમાર વરસતા વરસાદમાં ભીંજાવામાં અનહદ આનંદની અનુભૂતિ થાય તો કોઈને વરસાદનો એક છાંટો પણ પડે તો મન વ્યથિત થઇ જાય. આમ આનંદની અનુભૂતિ કરવાનો સમગ્ર આધાર આપણા જીવન પરત્વનાદ્રષ્ટિકોણ પર છે,આપણીમનઃસ્થિતિ પર છે  Dale Carnegieએ પણ એવુંજ કંઈક કહ્યું છે કે “Remember happiness doesn’t depend upon who you are or what you have; it depends solely on what you think”. કવિવર ટાગોરે તેમના જીવનમાં પરમેશ્વર અને પ્રકૃતિને સમાન ભાવે પૂજ્યા છે. તેમના મતે  પ્રકૃતિ અને  પ્રાકૃતિક તત્વો એ પરમેશ્વરે આપેલી સૌથી મોટી બક્ષિશ હતી અને કદાચ એટલે જ પ્રકૃતિ સાથે એકાકાર થવામાં કવિવરને અનહદ આનંદનો આવિષ્કાર થતો હતો. અને પરમેશ્વર તો સ્વયઁ  સત્તચિદાનંદ સ્વરૂપ છે. 

પરમેશ્વર કે જે સમગ્ર સૃષ્ટિ પર પોતાની સમષ્ટિ અને કૃપાદ્રષ્ટિ વરસાવે છે અને પરમેશ્વરના પ્રસાદ સમી પ્રકૃતિ- એ બંનેનો મહિમા વર્ણવતી   કવિવરની એક ખુબ પ્રખ્યાત રચનાને  આજે આપણે જાણીશું અને માણીશું. 1893માંરચાયેલી આ રચના  પૂજા પારજોયમાં(વિભાગમાં)  અને “વિવિધા ” ઉપ પારજોયમાં વર્ગીકૃત થયેલી છે. જેનું શીર્ષક છે আনন্দলোকে মঙ্গলালোকে(Aanandloke Manglaloke) અને તેનું ભાવાત્મક અનુવાદિત શીર્ષક છે “આનંદનો આવિષ્કાર…”. આ રચના મૈસુર રાજ્યમાં નિત્ય ગવાતા એક ભજન પર આધારીત છે અને અને ગુરુદેવે પોતે તેનું સ્વરાંકન તેજ રાગ પર કરેલું છે. આ રચનાને એકતાલ તાલમાં તાલબદ્ધ કરવામાં આવેલ છે. આ રચનાને બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારાઆપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.   

આ સુખ નો સાક્ષાત્કાર  અથવા આનંદ નો આવિષ્કાર થવો એ અમુક વ્યક્તિઓ માટે બહુ સહજ ઘટના હોય છે. Some people can be happy in about everything and everywhere. 

આ સુખ અથવા આનંદ એટલે શું? ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના અઢારમા અધ્યાયમાં  સુખના ત્રણ પ્રકાર કહ્યા છે. સાત્વિક, રાજસિક અને તામસિક સુખ . સાત્વિક સુખ કે જેમાં આત્મા એક અવર્ણીય આનંદની અનુભૂતિ કરે છે અને તેના થકી આત્માનું  પરમાત્મા તરફનું જોડાણ દ્રઢ બને છે. આ સાત્વિક સુખ  પ્રાપ્ત કરવાની પ્રક્રિયા ખુબ લાંબી અને કઠિન હોઈ શકે પણ અંતે એક અદ્વિતીય આનંદનો અનુભવ કરાવે છે.It is poison in the beginning and nectar in the end. આપણી ઇન્દ્રિયોના ઉપયોગથી મળતું સુખ  એટલે રાજસિક સુખ  જે ક્ષણિક આનંદનો અનુભવ કરાવે છે અને પ્રમાદ તથા અમર્યાદિત વિષય-વિલાસથી મળતું સુખ એટલે તામસિક સુખ. આપણા વેદ-ઉપનિષદમાં સાત્વિક અને રાજસિક સુખ માટે “શ્રેય” અને “પ્રેય” શબ્દોનો પ્રયોગ થયેલ છે. “શ્રેય” એટલે કે જે જેને પ્રાપ્ત કરવાની યાત્રા ભલે વિકટ હોય પણ અંતે જેના થકી અનંત આનંદની અનુભૂતિ થાય અને “પ્રેય” એટલે કે જેના થકી ફક્ત તત્કાલ ક્ષણિક આનંદની અનુભૂતિ થાય.

     પોતાની ભીતર રહેલા પરમાત્મા સાથે સાતત્યપૂર્ણ જોડાણ અનુભવતા કવિવર પોતાની કલમ અને અન્ય સર્જનાત્મક પ્રવૃત્તિ દ્વારા સાત્વિક સુખનો સાક્ષાત્કાર કરી શકતા હતા. પરમેશ્વરના શરણમાં જ અદભુતઅદ્વિતીય આનંદનો આવિષ્કાર કરી શકતા હતા  અને કદાચ એટલેજ તેમની કલમ દ્વારા પ્રકૃતિ અને પરમેશ્વરને પોંખતી આ રચના ઉદ્ભવી. 

તો ચાલો, એ સત-ચિત્ત-આનંદ સ્વરૂપ પરમાત્માનું સ્મરણ કરતા કરતા હુંમારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોનીસરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ, 

– અલ્પા શાહ 

ઓશો દર્શન-9. રીટા જાની

કુદરતના સાથમાં, ઉષા સંધ્યાને સંગ, માનવ જીવનમાં છવાય અજબ રંગ. ક્યાંક ફૂલ મહેકે તો ક્યારેક કોયલ ટહુકે, આમ્ર વનોમાં ઝૂમે  છે મંજરી અને આ સુગંધની સાથે જ્યારે મળે જીવનની સુવાસ ત્યારે એ રંગો છવાય જીવનના અંગે અંગ. કોઈને હોળીના રંગો દેખાય તો કોઈને ગ્રીષ્મના વાયરા દેખાય અને આવા રંગો વચ્ચે ક્યારેક શ્વેત બદલાય શ્યામમાં, આકાશ છવાય  વર્ષાના વાદળોમાં, કોયલના ટહુકા બદલાય મોરના ટહુકે, અને વર્ષાની રસધારોમાં નહાતું જીવન ક્યારે લીલી હરિયાળી ચાદરનો રંગ ઓઢી લે તે કોણ કહી શકે?

વર્ષાની રસધારા બને છે જીવનની સરવાણી અને આ સરવાણીઓનો સંગમ એટલે આપણી જિંદગીના રાત અને દિન, આપણા અનુભવની પળો, ક્યારેક આશા તો ક્યારેક અરમાનો, ક્યારેક અઘરા તો ક્યારેક આકરા સમયના ફરમાનો વચ્ચે વહેતી જિંદગીમાં સવારે આંખ ખૂલે અને માણસ હજુ વિચારે ત્યાં તો ઘટમાળ થાય શરૂ. કોઈ બાળકની ખૂલે શાળા, તો કોઈ ધંધા રોજગારના ખૂલે તાળાં. બસ પ્રવૃત્તિ જ પ્રવૃત્તિ અને જ્યારે આવે ઉત્સવનો પ્રસંગ ત્યારે જીવન પૂછે આપણને, ક્યાં ખોવાયો જીવનનો રંગ? આપણને થાય વિમાસણ આ તે કયા રંગની વાત? આ રંગ એટલે આજે સહુ જેને શોધે તે આનંદનો રંગ. કુદરતના વિવિધ રંગોમાં પણ દરેક શોધે છે આનંદનો રંગ –  ચાહે તે બાળક હોય કે વૃદ્ધ, સિટીઝન હોય કે સિનિયર સિટીઝન સહુ શોધે આ એક રંગ. આજે ઓશો દર્શનના આંગણે આપણે પણ શોધીશું આ જ રંગ અને જીવન મહેકશે આનંદના રંગોમાં. આજે આ રંગને નજીકથી માણીશું, શબ્દોથી જાણીશું અને તેની રંગ છટામાં રંગાઈશું.

ઓશો સુખ,ખુશી, આનંદ અને પરમાનંદને વ્યાખ્યાયિત કરે છે અને તેના વચ્ચેનો સૂક્ષ્મ ભેદ સમજાવે છે. સુખ બીજા પર નિર્ભર છે, આનંદ બીજા પર નિર્ભર નથી તેમ છતાં તે તમારાથી હજુ અલગ છે, પરમાનંદ નિર્ભર નથી અને ભિન્ન પણ નથી. તે તમારું અસ્તિત્વ સ્વયં છે, તે તમારો સ્વભાવ છે.

સુખની વાત કરીએ તો એ ખૂબ ઉપરછલ્લી ચીજ છે. સુખ શારીરિક છે, ઇન્દ્રિયગત છે, બાહ્ય પરિબળો પર આધારિત છે. સુખ દરિયાના મોજાં જેવું છે. મોજા પવનની દયા પર નિર્ભર છે. જ્યારે પવન ફુકાય છે, ત્યારે મોજાઓ ઊઠે છે. જ્યારે પવન અદ્રશ્ય થઇ જાય છે, ત્યારે મોજા શમી જાય છે. આથી જે પણ વસ્તુ પોતાની બહારની ચીજ પર નિર્ભર છે તે બંધન નોતરે છે. સુખ બીજા પર નિર્ભર છે. માટે જેટલી વધુ અપેક્ષા, વધુ કામના એટલો વધુ અભાવ. એ આહાર હોઈ શકે, ધન હોય શકે  કે બીજી કોઈ વ્યક્તિ હોઈ શકે. સુખની ઈચ્છા મૂર્ખામીભરી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. મન ઇચ્છાઓનું જાળું ગૂંથવાનું શરૂ કરી દે છે, જે ઇચ્છાઓ પરિપૂર્ણ થઈ શકે તેમ નથી. તે તમને છિન્ન ભિન્ન અને ચકનાચૂર કરી નાખે છે. સમગ્ર જીવન સંઘર્ષમય બની જાય છે. સુખને શોધતો માનવી સતત તનાવ, ઉદ્વેગ અને  ચિંતાગ્રસ્ત રહે છે. સુખ એ ક્ષણિક છે, અન્ય લોકો દ્વારા છીનવાઇ શકે છે. માટે સુખ જીવનનું ધ્યેય નથી અને હોઈ શકે પણ નહીં.

ઓશો કહે છે તમારું સુખ તે વાસ્તવિક સુખ નથી, કેવળ છુપાયેલું દુઃખ છે. સુખને સફળતા સાથે, મહત્વાકાંક્ષા સાથે, પૈસા, સત્તા કે પ્રતિષ્ઠા સાથે કોઈ લેવાદેવા નથી. સુખને નિસ્બત છે તમારી ચેતના સાથે.

સુખ એ શારીરિક છે તો ખુશી એ માનસિક છે. ખુશી થોડી વિશેષ ઉચ્ચ છે, પરંતુ સુખથી વિશેષ જુદી નથી. ખુશી ઉચ્ચ પ્રકારનું સુખ છે. સુખ વધુ પ્રાણીસહજ છે, તો ખુશી થોડી સંસ્કૃત, થોડી વધુ માનવીય છે. આપણને શારીરિક કરતાં માનસિક અનુભૂતિની વધુ પરવા છે, પરંતુ મૂળભૂત રીતે બંને જુદા નથી.

આનંદ સુખ અને ખુશીથી તદ્દન અલગ છે. આનંદ આધ્યાત્મિક છે. તેને બાહ્ય જગત, અન્ય વ્યક્તિ જે ચીજવસ્તુ સાથે કોઈ નિસ્બત નથી. આનંદ આંતરિક ઘટના છે, તે તમારો પોતાનો છે, તે  શાંતિ, મૌનની અવસ્થા છે, ધ્યાનની અવસ્થા છે. તમારી સર્જનાત્મક ઊર્જાને નિર્વિરોધ વહેવા દો, સમગ્રતા સાથે જે કરો છો તેમાં ખોવાઈ જાવ, કર્મમાં કર્તાને ઓગાળી દો –  તો એક ચિત્રકાર, એક નૃત્ય, એક સંગીતકારની માફક પરિણામનો નહીં પણ એ કરવાનો જ આનંદ ઉઠાવો.

આપણે જેને આનંદ માનીએ છીએ તે મહદ અંશે મનોરંજન હોય છે. જે ચીજ બહારથી આવે છે, બીજા પર આધારિત છે, તે આનંદ ના હોઈ શકે. એ  તમારા હાર્દમાંથી  ઉદ્ભવે છે. આનંદ ત્યારે જ ઉદ્ભવે છે, જ્યારે તમે નિજત્વમાં  પાછા આવો છો. મહાન રશિયન નવલકથાકાર મેક્સીમ ગોર્કી કહે છે વિશ્વ જેટલું વધુ આનંદહીન બનતું જાય છે એટલા વધુ મનોરંજનના સાધનોની તેની જરૂર પડે છે. ઉલ્લાસ પ્રાકૃતિક છે, સ્વાભાવિક છે. ઉલ્લાસ એ મુક્તિ છે, આઝાદી છે. પરંતુ સમાજ આવી વ્યક્તિને વિદ્રોહી ગણે છે. વિદ્રોહી વ્યક્તિ માનવ સર્જિત માળખાને બદલે પ્રકૃતિ પર ભરોસો રાખે છે. ઓશો ટકોર કરે છે આટલું મોટું બ્રહ્માંડ, પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, દરેક ચીજ સરકાર વગર ચાલતી રહે છે. તો મનુષ્યને સરકારની જરૂરિયાત શા માટે? ક્યાંક કશુંક ખોટું છે. આપણે ત્યાં બાળકને પણ જેનાથી સ્વયં સ્ફૂર્ત આનંદનો અનુભવ થાય  તે જાણે ખોટું હોય તેમ તેને ટોકવામાંમાં અને રોકવામાં આવે છે અને જેમાં તેને બિલકુલ રસ ન પડે તેવું કરવાનું કહી તેના ઉલ્લાસમય બનવાની, ખુશ, આનંદમય, પ્રસન્ન રહેવાની તમામ સંભાવનાઓને સતત ખતમ કરતા રહીએ છીએ. પરિણામે, દુઃખી થવું બરાબર છે, ખુશ થવું ખોટું છે – એવી ઊંડી ગ્રંથિ બની જાય છે. આ બિબાંઢાળ આદતના વશીકરણ  પર કાબુ મેળવી તેનો ત્યાગ કરીને જ તમે ઉલ્લાસિત થઇ શકશો, ગીત ગાઈ શકશો, નૃત્ય કરી શકશો, જીવન આનંદપૂર્વક જીવી શકશો.

આનંદથી ઉપર સંપૂર્ણ અને સર્વાંગી પરમાનંદ છે. તે  શારીરિક, માનસિક કે આધ્યાત્મિક નથી. તે તો છે તમારા અસ્તિત્વની ગહનતમ ઊંડાઈનો ભાગ,  જ્યાં અહમ પણ ઓગળી જાય છે. એ નાસ્તિની અવસ્થા છે. પરમાનંદ એ તમારો અંતરતમ સ્વભાવ છે. તે સમયાતીત છે, તેનો પ્રારંભ અને અંત નથી કે અન્ય લોકો તેને છીનવી શકતા નથી. સત્ય, ચેતના અને પરમાનંદ – આ બધા અંતિમ સત્ય છે. સત્ થી સભાન બનીએ તો ચેતનાની જ્યોત જાગૃતિ લાવશે, જે તમને પ્રજ્ઞ બનાવશે અને પરમાનંદની પ્રાપ્તિ થશે.

મેઘધનુષને પકડવા માટે દોડવામાં સમય ન બગાડીએ.  રંગો આપણી પોતાની અંદર જ રહેલા છે અને તે બહાર આવવાની અને ખુલ્લા થવાની રાહ જુએ છે. માટે ધૈર્ય રાખી, શાંત અને સ્થિર બની જે અંદર છે તેને પ્રગટ કરીએ.

રીટા જાની
25/03/2022

Vicharyatra : 9 Maulik Nagar “Vichar”

“દ્રાર…ધરતીની પેલે પાર”

થોડાં દિવસો પહેલાં એક મિત્રનો ફોન આવ્યો. એ સારા ગજાનો નાટકનો કલાકાર છે. એણે નવું ઘર લીધું છે એટલે ઘરમાં વાસ્તુની પૂજા રાખેલ હતી. તેનાં જ આમંત્રણ માટે તેનો ફોન હતો. આમંત્રણ અને આભારવિધિ પતી એટલે તેણે નિખાલસપણે કહ્યું. “મૌલિક, ઘરનું નામકરણ કરવાની ઈચ્છા છે. પણ મારે માતૃકૃપા, પિતૃવંદન, કૃષ્ણનિવાસ, હરિકૃપા…આવાં નામ નથી રાખવાં.” જો નામકરણમાં તું કંઈક મદદ કરી શકે તો?!”
એક ક્ષણ પણ વિચાર્યા વગર મેં તેને કહ્યું…”દ્રાર”. ઘરનું નામ “દ્રાર” રાખ.
એને નામ ખૂબ જ ગમ્યું. વધારામાં મેં ઉમેર્યું કે જો તને એ નામ ગમ્યું હોય તો નીચે એક ટેગ લાઈન પણ લગાવી દેજે. “દ્રાર…ધરતીની પેલે પાર”

ખેર, એણે એનાં ઘરની બહાર તે નામની તખ્તી લગાડી કે નહીં તે તો તે જ જાણે. પણ મને આ વિચાર અને નામ ખૂબ ગમી ગયું.
“દ્રાર” ચાર પાંચ વખત બોલજો. ખૂબ જ દિવ્ય લાગશે! ઘરનાં દ્રાર પરથી જ ઘરમાં કેટલી અને કેવી ઊર્જા છે તે જાણ થઇ જાય.
કોઈકના ઘરે જઈએ તો આપણને ત્યાંથી ઉભા થવાની ઉચ્છા જ ના થાય. એનાં ઘરમાં એટલી હકારાત્મક ઊર્જા હોય કે તમને ત્યાં શાંત્વન અને સુકુન મળે.
એ ઘરમાં આપણી દરેક નકારાત્મક વિચારોનો નાશ થઇ જાય અને મનને હાશ મળે. ત્યાં પંખા કે એ.સી વગર પણ શીતળતા જણાય. એ ઘરનાં લોકોમાં નમ્રતા અને અનોખી જીવનશૈલી હોવાનો અનુભવ થાય. તેમનું માત્ર ઘર જ નહીં, મન પણ ચોખ્ખું હોય. એ ઘર નાનું કે મોટું મટીને ઈશ્વરનું સ્થાન બની જાય.
બસ, એટલે જ મને આ નામ ખૂબ ગમ્યું. “દ્રાર…ધરતીની પેલે પાર”

ધરતીની પેલે પાર શું છે? ત્યાં તો ઈશ્વરનો વાસ છે. હકારનો ઉજાશ છે. ઈશ્વરનું આપણી પ્રત્યેનું અને આપણું એમનાં તરફનું આકર્ષણ છે. ઈશ્વર રોજ સવારે આપણા દ્રારે આંટો મારવા આવે છે. જો તેને એ ઘરની ઊર્જા આકર્ષે તો આખો દિવસ તે ત્યાં જ વસે છે. એનું, એટલે ઈશ્વરનું, ધરતી પર “ધરતીની પેલે પાર”નું ઘર, “ઘર” સમજીને.

મને “ઘર એક મંદિર”ની ફિલસૂફી ક્યારેય નથી ગમી. કેમકે, હજી પણ મને મંદિરના સંદર્ભમાં ઘણાં ભેદભાવ દેખાય છે. કેમકે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં મેલા મન સાથે જઈ શકે પણ પવિત્ર સ્ત્રી તેનાં માસિક સમયે ન જઈ શકે. હશે, એ તો રિવાજ અને પ્રથાની વાત છે.
એટલે જ મારે મારા ઘરને મંદિર ક્યારેય નથી કહેવું. એ તો “ધરતીની પેલે પારની” જગ્યા છે. કોઈ પણ વ્યક્તિ મારા ઘરનો બેલ વગાડે તો તેને કહું કે તે બેલ નથી વગાડયો, તે તો સંગીત વગાડ્યું છે. બસ આ સાંભળતા જ એ કંઈક વિચારવા લાગે અને હસી પડે. એની મુસ્કાનથી જ મારાં ઘરમાં ઈશ્વરની એન્ટ્રી થાય.

ક્યાંય પણ હું બહાર ગયો હોઉં અને જેવો હું ઘરનાં દ્રાર પાસે આવું, ઘરમાં દાખલ થઉં એટલે મને “ધરતીની પેલે પાર” પહોંચી જવાની અનુભૂતિ થાય. શબ્દ, સંગીત, વિચાર..આ બધાં તો મારાં ઘરનું વાતાવરણ છે. એ એવું આવરણ ઊભું કરે છે કે મારા ઈશ્વર સાથેના મૌન સંવાદના અનેક શબ્દો અને વિચારોમાં સૂર ભેળવે છે.
મારાં ઘરનાં લગભગ દરેક ખૂણે પુસ્તકોરૂપી દિવા મળે. જે મારાં અને મારાં પરિવારના સભ્યનાં વિચારોને ઝળહળતા રાખે છે. સંગીતનાં વાદ્યો મને એવો અહેસાસ કરાવે છે કે હું જ્યાં છું ત્યાં બહું કિંમતી જીવન જીવું છું. હવે તો ઘરની દીવાલો પણ કયો રાગ વાગે છે તે ઓળખી જાય છે. સાચે જ, હું ખૂબ જ સમૃધ્ધ જીવન જીવું છું.

Maulik Nagar “Vichar”

સંસ્પર્શ -9

jigisha -સંસ્પર્શ -youtube

જીવનમાં મોજ કોણ કરી શકે? જે ખૂબ yવિદ્વાન છે,જેણે ખૂબ વાંચ્યું છે, કે જેની પાસે ખૂબ પૈસા છે તે. ના, તમે આવા ભ્રમમાં હોવ તો તરત જ તેને દૂર કરો. તમને એક એક ઉદાહરણ સાથે વાતો કરતાં કરતાં ધ્રુવદાદા સમુદ્રાન્તિકેમાં સમજાવી દે છે ,કે આ દરિયા કિનારે વસતાં લોકો ભણેલાં નથી ,તેમની પાસે એક ટંક ખાવનો રોટલો અને કાંદો છે ,પણ તેઓ મોજથી જીવે છે ,કોઈ ફરિયાદ વગર.તેમનું હ્રદય દરિયા જેટલું વિશાળ છે. તેમણે વેદ,ઉપનિષદ વાંચ્યાં નથી પણ તેમને માણસ માણસ પ્રત્યે અખૂટ પ્રેમ છે.પ્રકૃતિ ,પશુપંખી અને પરમની બનાવેલ સમગ્ર સમષ્ટિને તે સાચા હ્રદયથી મનભરીને ચાહે છે. સચ્ચાઈથી ચાહે છે. જેમાં ક્યાંય દેખાડો,દંભ નથી.અને તે અનુભવને આપણી સાથે વહેંચી દાદા આપણને પણ એજ નિર્દોષતા સાથે સરળતા અને સહજતાથી ચાહવાનું શીખવે છે.

સમુદ્રાન્તિકે’ માં ધ્રુવદાદાએ દરિયા કિનારે વસતાં લોકોની વાતચીતમાંથી તારણ કાઢી ,સંવાદોમાં જે શબ્દો મૂક્યાં છે તે ખરેખર એક એક વાક્યોમાં આપણને જીવનનું તત્વજ્ઞાન પીરસી જાય છે. એક વૃદ્ધ સ્ત્રી જે ચાલી પણ નથી શકતી ,તે દરિયે ન્હાવા આવે છે.તેને જ્યારે કહેવામાં આવે છે કે એક ડોલમાં દરિયાનું પાણી લાવી આપીએ ,તમે તેનાથી નાહી લો.ત્યારે તે કહે છે,” દરિયો કંઈ ડોલમાં ના સમાય.”કેટલી મોટી વાત કરી આ વૃદ્ધાએ! દાદા કહે છે,આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે પણ તેને અહીં લાવનાર માત્ર ધર્મ નથી. તે તો તેના દરિયાને મળવા આવી છે. એ દરિયો, જેણે તેના બાળપણને શંખલા – છીપલાની ભેટ ધરીને શણગાર્યું છે.તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે. તેના સમગ્ર જીવનનાં કડવા-મીઠાં સ્મરણોનો જે સાક્ષી રહ્યો છે.તે દરિયો આ વૃદ્ધાને સાવ પોતીકો લાગે છે. તેને દરિયાને મળવું છે કારણ તે તેના દરિયાને અઢળક પ્રેમ કરે છે,તે તેના પ્રેમમાં ભીંજાઈ જીવનની પાછલી અવસ્થામાં આનંદ લેવા ઈચ્છે છે.

સમુદ્રાન્તિકેનો નાયક ,રાત્રે ક્રિષ્ના સાથે દરિયામાં શઢવાળી હોડીમાં સફર કરી રહ્યો હોય છે ,ત્યારે પણ ક્રિષ્ના કહે છે,” બધાંને બે જણ હંકારે, એક ઉપરવાળો ને બીજો દરિયો.’ભગવાન જેટલી જ લાગણી ,પ્રેમ અને મહત્વ તેઓ દરિયાને આપે છે.અને આ ખારાપાટનાં લોકોનો પ્રકૃતિનાં સર્જન પર પ્રેમ જોઈ ,આપણો દ્રષ્ટિકોણ પણ દરિયા માટે બદલાઈ જાય છે.

સુખી માણસ કોણ? કે સુખની વ્યાખ્યા શું ? મોજમાં જિંદગી કેવીરીતે ગુજારાય ? તેનો સુંદર સંદેશ પણ આ દરિયા કિનારે વસતાં લોકો આપણને આપે છે. દરિયા કિનારાની આ પથરાળ જમીનમાં અનાજ પકવવું કેટલું અઘરું છે? ભર બપોરની પરસેવે રેબઝેબ કરતી ગરમીમાં કામ કરતાં ખેડૂત આદિવાસીને જ્યારે નાયક પૂછે છે ,’કેમ છે?’ ત્યારે તે જવાબ આપે છે “ હાકલાં છીએ.” એટલે કે ખૂબ મઝામાં છીએ. અને ધ્રુવદાદાના સૌને ખૂબ ગમતા ગીતનું સર્જન થાય છે.

ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?

આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ

એકલી ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે

આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતની રહેમ છે. 

ધ્રુવદાદાનું આ ખૂબ વખણાએલું અને સૌનાં ખૂબ ગમતા ગીતમાં દાદા કહેવા માંગે છે ,આપણી પાસે પ્રભુની કૃપાથી બધુંજ હોવા છતાં કોઈ પૂછે કે ,કેમછો ? તો આપણને અનેક ફરિયાદો હોય છે. આ આદિવાસી ખેડૂત પાસે ફાટેલા કપડાં ,માથે ધગધગતો તપેલો સૂરજ, કાળીમજૂરીને અંતે પરાણે મળતો રોટલો અને રહેવા માટે નાની ઝૂંપડી છે,પણ છતાં એ કેટલો આનંદસભર જિંદગી જીવી ,પોતે રસ્તે જનારને પણ પોતાનો સાવ અંગત હોય તેમ ‘બાપા ,હાકલા છીએ ‘ તેમ કહે છે. જિંદગી કેમ જીવવી જોઈએ ,ફરિયાદ વગર મોજથી ,તે આ નાના માણસ પાસેથી શીખવાનું છે.તે તો દરિયા પાસે રહી દરિયાની જેમ જ હિલ્લોળા લેતો પોતાનું જીવન ગુજારે છે.

તેણે તો તેનાં ફાટેલા ખિસ્સામાં પણ પોતાની મોજને સાચવીને મૂકી છે.તેની પાસે કોઈ કિંમતી ખજાનો નથી પણ તેના આનંદ અને મનની મોજનો ખજાનો કિંમતી દરદાગીના અને પૈસાથી પણ વધારે છે.એની ભીતરની મોજ એટલી મોટી છે કે તેને પેટી પણ નાની પડે.એ એના ,અંદરનાં આનંદથી એટલો છલોછલ છે ,એટલે રસ્તે જતાં આવતાં લોકો પણ તેને પોતાનાં લાગે છે, એને ક્યારેય એકલાપણું લાગતું નથી. આનંદથી હર્યોભર્યો આ દૂબળો, હંમેશા મેળામાં ફરતો હોય તેવો આનંદ અનુભવે છે. આને ક્યાં જવાની જરૂર છે હિમાલયમાં તપ કરવા કે શાસ્ત્રોને વાંચવાંની!

અને આ મસ્તમૌલા આદમીને જોઈ ધ્રુવદાદા આગળ ગાય છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,

વધઘટનો કાંઠાંઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમીયે જાય મારી ઉપર આકાશ એમનેમ છે

આપણે તો કહીએ કે દરિયા -શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે

જીવનની કઠિનાઈઓ સાથે જીવતાં આ નિર્મળ હ્રદયનાં લોકોનાં જીવનમાં આંખમાં પાણી આવી જાય એટલી મુશ્કેલીઓ આવે છે પણ તેની સામે તેઓ ઝઝૂમે છે .પણ તેમની ભીતર રહેલી પ્રેમની ,લાગણીની,દરેક માનવને,સૃષ્ટિનાં સર્જનને અને તેના થકી પરમને ચાહવાની ભીનાશ ઓછી નથી થતી.દરિયાની ભરતી ઓટ ની ચિંતા કિનારાને કરવી હોય તો કરે, દરિયો તો તેની જરાયે પરવા કરતો નથી. એવીરીતે દરિયા કિનારે

વસતાં માનવીઓ પણ સૂરજ આથમે કે ઊગે,સુખ દુ:ખ આવે અને જાય પરતું આકાશની જેમ અડગ રહી તેમનો જીવન જીવવાનો સિધ્ધાંત અને સરળતા ,નિખાલસતા અને પ્રેમને એમનેમ રાખીને મોજમાં જીવે છે.તેમજ દરિયાશી મોજને પણ કુદરતની રહેમ સમજે છે.

ધ્રુવદાદાનું આ ગીત દુનિયાનાં દરેકે દરેક માનવીને કેટલી મોટી શીખ આપી જાય છે?આપણે માત્ર ને માત્ર આ ગીતને યાદ રાખીને જીવીએ તો પણ હંમેશા ખુશી અને આનંદથી દરિયા શી મોજમાં જીવી શકીએ.

જિગીષા દિલીપ

૨૨મી માર્ચ ૨૦૨૨

ફરી…કલરવ અને કોલાહલ – 8

હરીફાઈ

હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ વિદ્યાર્થીઓના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. આખરી વર્ષ પર્યન્ત બધા મિત્રો અલગ અલગ શહેરની યુનિવર્સિટીમાં ચાલ્યા જતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓ માતા-પિતા ભાઈ-બહેનથી દૂર, વર્ષો જુના મિત્રો થી પરે નવા અનુભવો અને નવા મિત્રો બનાવવા ઉત્સુક હોય છે, તો હો ઘણા ઉદાસ કે ડરતા પણ હોય છે. પરંતુ બધા જ વિદ્યાર્થીઓ, શાળાનું છેલ્લું વર્ષ એક અવિસ્મરણીય યાદ બની રહે, એવી કોશિશ અવશ્ય કરે છે. મારી મોટી દિકરી ‘રાશિ’ પણ આમા અપવાદ ન હતી. સિંગાપોરની જાણીતી શાળામાં તે ઘણા વર્ષોથી ભણતી હતી અને IB (International Baccalaureate) અભ્યાસક્રમના છેલ્લા વર્ષમાં આવી ત્યારે સ્કૂલમાં તેને એક સારી તક મળી. એક સાંજે તે ઘરે રુમઝુમ કરતી આવી અને બોલી “મમ્મી-પપ્પા, મને સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું છે કે આ વર્ષની હેડ ગર્લ (Head Girl – અર્થાત શાળાની સર્વ છોકરીઓના વડા)  માટે તારું નામ આગળ મુકવામાં આવ્યું છે.” આ સાંભળી અમે બધા ખુબજ ખુશ થઇ ગયા. રાશિને હું ભેટી પડ્યો. રાશિ ભણવામાં ગંભીર હતી પણ સાથે સાથે શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતી હતી. તેના શિક્ષકોએ આ જોઈને તેની પસંદગી કરી હશે એમ અમને લાગ્યું. પણ સોડા બોટલ ખોલવા પછી જેમ સોડાનો ઉભરો તરતજ  બેસવા લાગે એમ અમારો  ઉત્સાહ પણ રાશિના ચહેરાને જોઈને શમવા લાગ્યો. મેં રાશિને પૂછ્યું “કેમ તું ખુશ નથી દેખાતી?”. રાશિએ ફોડ પડ્યો: “પપ્પા – હેડ ગર્લની પસંદગી ચૂંટણીથી થશે. હું એકલીજ ઉમેદવાર નથી. બીજા પણ ઉભા રહેશે. અને મને હમણાજ ખબર પડી કે ‘આકૃતિ’ પણ આ પદ માટે ચૂંટણીમાં ઉભી રહેવાની છે.” 

અમને હવે સમજાયું. રાશિ અને આકૃતિ ખાસ બહેનપણીઓ – નાનપણથી સાથે ભણતી. અમે પારિવારિક મિત્રો પણ બની ગયા હતા અને ક્યારેક સાથે હરવા ફરવા પણ જતા. એક સાથે શાળામાં બેસવું ખાવું પીવું મજા કરવી – એવા જીગરજાન મિત્ર સામે ચૂંટણીમાં કેમ ઉભા રહેવાય?

રાશિની આ અસમંજસ જોઈને મને મારા કોલેજનો એક પ્રસંગ યાદ આવી ગયો જે મેં તેને કહ્યો. હું પોદાર કોલેજમાં ભણતો હતો, ત્યારે દર વર્ષે વર્ગની ચૂંટણીમાં ભાગ લેતો હતો. કોલેજમાં ચૂંટણી લડતી બે મહત્વની પાર્ટીનો હતી – હું એક પાર્ટીમાં હતો અને મારા ઘણા ખરા મિત્રો બીજી પાર્ટીને ટેકો આપતા હતા. કદાચ તેમની વિચારધારા અલગ હતી. પણ કોલેજના બીજા વર્ષે વર્ગમાં મારા માટે દુવિધા સર્જાઈ. ચૂંટણીમાં મારી સામે મારો ખાસ મિત્ર મુકુલ ઉભો રહ્યો – (સાપેક્ષતાના સિદ્ધાંતે એમ પણ કહી શકો કે એની સામે હું ઉભો રહ્યો). 

ચૂંટણીએ જોર પકડયું હતું. એક વાર વર્ગના થોડા વિદ્યાર્થીઓ કોલેજની કંઈક ઘટનામાં મુકુલની સંડોવણી વિશે પૂછવા માટે આવ્યા. મને ગળા સુધી ખાતરી હતી કે મુકુલ જેવો સીધો સાદો અને પારદર્શી વ્યક્તિત્વવાળો માણસ આમાં ન પડે. પણ તે વખતે મુકુલ મારો હરીફ હતો. તેની પાત્રતાનું પ્રમાણપત્ર આપવાથી મારી જીતવાની તક ઘટાશે એવો સ્વાર્થી વિચાર મન પર હાવી કરી ગયો. મને મહાભારતનું યુધિષ્ઠિરે બોલેલું વાક્ય યાદ આવ્યું “ન રોવા કુંજ રોવા.. અશ્વથામા મૃતઃ” મેં વિધાર્થીઓને ગોળ ગોળ જવાબ આપ્યો જાણે મને કંઈ ખબર નથી. યુધિષ્ઠિરનો સત્ય-રથ, જે જમીનથી અધ્ધર ચાલતો હતો, તે જવાબ આપ્યા બાદ નીચે ફસડાયો, તેમ મારો ‘મિત્ર-રથ’ પણ સ્વાર્થના કાદવમાં ફસાયો.  થોડા દિવસો બાદ મુકુલને મારા જવાબની ખબર પડી. મને મળીને ફક્ત એટલુંજ કહ્યું “દોસ્ત, you too?”. તેના આ શબ્દો મારા હૃદયની આરપાર નીકળી ગયા. મને ભૂલનું ભાન થયું અને મેં તેની માફી માંગી. મુકુલ વિશાળ હૃદયવાળો એટલે તરતજ મને માફ કરી દીધો.

ત્રીસ વર્ષ પહેલાનો આ પ્રસંગ અને આજની ઘડી – મુકુલ અને એના પરિવાર સાથેનું અનુસંધાન મારા માટે અમૂલ્ય છે. મારા વ્યવસાયિક કે મિલકત સંબંધિત નિર્ણયમાં તેની સલાહનો મોટો ફાળો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી મુકુલ, આધ્યાત્મિક દ્રિષ્ટિએ પણ ચર્ચા કરે અને કપરા સંગોજોમાં પણ હકારાત્મક વલણ રાખવા મને પ્રોત્સાહન આપે. મારા પત્ની ‘અમી’ એ જ્યારે મારો સરપ્રાઈઝ જન્મદિવસ સિંગાપોરમાં ઉજવ્યો ત્યારે મુંબઈથી પોતાના ખર્ચે મને અભિનંદન આપવા બીજા મિત્રો સહીત મુકુલ ખાસ સિંગાપોર આવ્યો. દોસ્ત હો તો ઐસા! 

રાશિને મેં છેવટે કહ્યું “બેટા, ચૂંટણીનું શું પરિણામ આવશે એની ચિંતા ન કરતી. બસ મિત્રતા અને માણસાઈ ન ચુકી જવાય એનો ખ્યાલ રાખજે. કોઈની લાઈન નાની કેમ કરવી એ પ્રયત્ન ન કરતા પોતાની લાઈન મોટી કેમ થાય એવું સાહસ કરવું.” આ સાંભળીને રાશિના ચહેરાપર સ્મિત ફરક્યું. તેના મનને થોડું સમાધાન મળ્યું હોય એવું લાગ્યું અને તે અમને ભેંટીને પોતાના રૂમમાં ચાલી ગઈ. આ વાતને આજે ચાર વર્ષ થવા આવ્યા. આજે પણ રાશિ અને આકૃતિની દોસ્તી એવીજ સક્ષમ છે. 

નાનપણથી આપણને સ્પર્ધાત્મક માનસિકતા રાખવાનું શીખવવામાં આવે છે કેમકે આપણા દેશમાં માણસો ઘણા છે અને તક ઓછી છે. તર્કની દ્રષ્ટિએ આ સાવ ખોટું નથી કારણકે જો સ્પર્ધા હશે તો જ વ્યક્તિ પોતાના ઉમદા ગુણો ને રજુ કરવા પ્રેરિત થશે. શ્રેષ્ઠ પ્રતિભાની છાંટણી બીજી કઈ રીતે કરાય? પરંતુ આ વિચારધારા સાથે વિવેક બુદ્ધિ જરૂરી છે (વિવેક એટલે સારા-નરસાની સમજ). નહી તો ઘણીવાર આપણી સરસાઈ કરવાની વૃત્તિ આપણી એકલતા અને દ્વેષનું કારણ બની જાય છે. 

તાજેતરમાં જાણીતા પૌરાણિક કથાશાસ્ત્રી શ્રી દેવદત્ત પટ્ટનાયક પાસેથી રામાયણમાં એક રસપ્રદ વાર્તા સાંભળી. જ્યારે મહર્ષિ વાલ્મીકિએ  રામાયણ કાવ્યની રચનાનું કાર્ય પૂર્ણ કર્યું ત્યારે તે તેનાથી તે ખૂબ જ સંતુષ્ટ અને ખુશ હતા. ત્યાં નારદ મુનિએ તેમને કહ્યું કે હનુમાને પણ રામાયણ કાવ્યની રચના કરી હતી જે આનાથી ઉત્તમ હતી. વાલ્મીકિ તુરંત હનુમાન પાસે પહુંચી ગયા અને તેમની કાવ્ય રચના વાંચી. કાવ્ય ખુબજ સુંદર લખાયું હતું. વાલ્મીકિ સહેજ ઝાંખા પડી ગયા અને હનુમાનને કહ્યું “તમે આટલું સારું કાવ્ય લખ્યું છે તો મારું કાવ્ય હવે કોણ વાંચશે?” આ સાંભળી હનુમાને તરતજ સ્વરચિત રામાયણના કાવ્યનો નિકાલ કર્યો અને કહ્યું “ૠષિવર, આપ સાથે હરીફાઈ કરવાનો મારો કદાપિ ઈરાદો ન હતો. તમે રામાયણનું કાવ્ય જગતને આપવા માટે રચ્યું છે જ્યારે મેં તો પ્રભુ શ્રીરામની નિકટ રહેવા અને તેને યાદ કરવા રચ્યું. હવે મારુ કાવ્ય કોઈ ને જડશે નહિ. તમે નિઃસંકોચ પાછા જાવ. જગત ફક્ત મહર્ષિ વાલ્મીકિ રચિત રામાયણ યાદ રાખશે.” જ્યાં પ્રેમ છે, ભક્તિ છે, ત્યાં સ્પર્ધા નથી, કોઈ હરીફ પણ નથી. માત્ર જતું કરવાની ભાવના છે. 

આપણે હરીફાઈની નહિ પણ શરીફાઈની દોટમાં આગળ નીકળવું છે. 

 

-મિહિર ચંદુલાલ સેલારકા

સિંગાપોર  (22-Mar-2022)

 

%d bloggers like this: