divyabhaskar.com.NRG

USAનાં ગુજરાતી લેખકોએ રચ્યો 12000 પાનાંનો મહાગ્રંથ, રેકોર્ડ માટે થશે પ્રયાસ

USAનાં ગુજરાતી લેખકોએ રચ્યો 12000 પાનાંનો મહાગ્રંથ, રેકોર્ડ માટે થશે પ્રયાસ

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં વસતા ગુજરાતીઓ સાહિત્ય સાથે નાતો બનાવી રાખવા માટે 15 વર્ષ પહેલા ગુજરાતી સાહિત્ય સરિતા નામક સંસ્થા બનાવી હતી. અહીં માતૃભાષાના પ્રેમીઓ ગુજરાતી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજતા. જે પૈકીની એક પ્રવૃત્તિ છે સહિયારું સર્જન. અમેરિકામાં વસતા સર્જકોએ ગદ્યમાં ખૂબ પ્રદાન કર્યું. હ્યુસ્ટનમાં વસનારા ગુજરાતી સાહિત્ય રસિકોએ બ્લોગ અને ઇ-મેઇલનો બહોળો ઉપયોગ કર્યો.
ગીનીઝ બુક માટેનો પહેલો અટેમ્પ્ટ નિષ્ફળ
બ્લોગ અને ઇ-મેઇલથી આગળ વધીને હ્યુસ્ટનના સર્જકોએ ક્રિયેટસ્પેસનો યૂઝ કરીને 2014 સુધીમાં 25 સહિયારા સર્જનોને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝમાં સ્થાન મળ્યું. 2014માં સાન્ફ્રાન્સિસ્કોના પ્રજ્ઞાબેન દાદભાવાલાએ નિબંધ અને આસ્વાદો જેવી કેટેગરીમાં લેખકોને લખવા પ્રેર્યા. ધીરે ધીરે લેખકોનું જૂથ વિશાળ બન્યું અને 50 પુસ્તકોનો પ્રયાસ પૂર્ણ થયો. સંસ્થા સાથે સંકળાયેલા વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાલા, પ્રવીણા કડકિઆ અને હેમા પટેલે વિશ્વના સૌથી જાડા (thick) પુસ્તક બનાવવાનું બીડું ઝડપ્યું.
અમદાવાદી પબ્લિશરે ઝડપ્યું બીડું
જો કે, ગુજરાતી પુસ્તકને ગીનીઝ બુકમાં સ્થાનમાં ન મળ્યું. બાદમાં અમદાવાદના ‘બુક પબ.ઇનોવેશન્સ’ના કિરણ ઠાકરે 12,000 પાનાંનું પુસ્તક તૈયાર કરી આપવાની સહમતિ દર્શાવી. અમેરિકન સર્જકોને ટહેલ નંખાઇ અને ઘણા મિત્રોએ તેમના બ્લોગ અને તેમની કૃતિઓથી 12000 પાનાંના ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથને તૈયાર કરી દીધો.
અમેરિકામાં ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથનું વિમોચન 5 જૂન સાન્ફ્રાન્સિસ્કો અને 17 જૂનના રોજ હ્યુસ્ટન ખાતે કરવામાં આવશે.
આગળ વાંચોઃ ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથની મહત્વતા
(અહેવાલ સૌજન્યઃ પ્રજ્ઞા દાદભાવાલા, સાન્ફ્રાન્સિસ્કો)
(ફોટોગ્રાફ સૌજન્યઃ વિજય શાહ, હ્યુસ્ટન)

સંવર્ધન માતૃભાષ।નું મહાગ્રંથ સાથે સર્જકો અને પબ્લિશર.

સંવર્ધન માતૃભાષ।નું મહાગ્રંથ સાથે સર્જકો અને પબ્લિશર.
પ્રજ્ઞાબેને જણાવ્યું હતું કે, ‘સંવધર્ન માતૃભાષાનું’ કદાચ ગુજરાતી કે અન્ય ભાષાનું પહેલું પુસ્તક હશે જેમાં 12000 પાનાં હોય. મહાગ્રંથ બનાવવાનો હેતુ કોઇ રેકોર્ડ બનાવવાનો નહીં પરંતુ એકસોથી વધુ લેખકોનો પરદેશમાં ભાષા જીવતી રાખવાનો પ્રયત્ન છે. સાહિત્યમાં ગતિનું પણ મહત્વ છે માતૃભાષા માટેનું યોગદાન અને સંવર્ધનમાં ફાળો છે. વિશ્વસ્તરે ગુજરાતી ભાષાની ઓળખ આ પુસ્તક છે. એક જાગૃતિનું પ્રતિક છે લોકોનું ધ્યાન આપણી ભાષા તરફ જશે.
ડૉ ચીનુ મોદીએ ‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથને આવકારતા કહ્યું હતું કે, આવું સંવર્ધન કાર્ય કદાચ ભારતની કોઇ પણ ભાષામાં થયુ નથી. અને તે બહુ જ આવકારનીય પ્રયાસ છે. આ પુસ્તક દ્વારા સર્જન ક્ષેત્રે પોતાના આગવા પ્રદાન સાથે આવતા લેખકોની નોંધ જોશો તો સમજાશે કે અમેરિકામાં ઘણાં સર્જકો છે જેઓ તેમના પ્રથમ ગદ્ય સર્જન દ્વારા પ્રકાશમાં આવી રહ્યા છે. ઉદાહરણ તરીકે સાન્ફ્રાન્સિસ્કોનાં કલ્પના રઘુ, ન્યુ જર્સીનાં મહેન્દ્ર ભટ્ટ, નટવર મહેતા અને ઉમાકાંત મહેતા, શિકાગોનાં રેખાબેન શુકલ, સપના
વિજાપુરા અને હ્યુસ્ટનનાં શૈલા મુન્શા, વિશ્વદીપ બારડ, ચારુ શીલા વ્યાસ અને દેવીકા ધ્રુવ.
(ડાબેથી જમણે) સર્જકો વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાલા, પ્રવીણા કડકિઆ, હેમા પટેલ અને પબ્લિશર કિરણ ઠાકર.

(ડાબેથી જમણે) સર્જકો વિજય શાહ, પ્રજ્ઞા દાદભાવાલા, પ્રવીણા કડકિઆ, હેમા પટેલ અને પબ્લિશર કિરણ ઠાકર.
‘સંવર્ધન માતૃભાષાનું’ મહાગ્રંથ કે જેમાં 100 કરતાં વધુ પુસ્તકો છે તેને થોડા દિવસો અગાઉ જ વેચાણ અર્થે રજૂ કરવામાં આવ્યું છે. પુસ્તકની કિંમત 2250૦ રૂ. રાખવામાં આવી છે.
‘ગીનીઝ બુક ઓફ રેકોર્ડ્ઝ’માં સ્થાન મળ્યા પછી આ મહાગ્રંથ 800થી હજાર પાનાનાં નાના પુસ્તકોનાં સેટ તરીકે મળશે.

“ગૌરવ દિવસ “

માનનીય વિજયભાઈ / પ્રજ્ઞાબેન,
                  કુશળ હશો.
                          મા સરસ્વતીની અસીમ કૃપાથી , અનેક વિદેશસ્થિત પણ દિલથી સંપૂર્ણ દેશપ્રેમી એવી કલમો દ્વારા રચાયેલ સુંદર કૃતિઓ જ્યારે પ્રજ્ઞાની પ્રવીણતા થકી એક દળદાર ગ્રંથમાં સંકલિત થાય છે ત્યારે માતૃભાષાનો અનેક હેમવંત તેજસ્વી કિરણોથી ઝળહળતો સૂર્યરથ વિજયપથ પર આગેકૂચ કરતો સફળતાના શિખરે પહોંચી નવી ઊંચાઈને આંબે એ જ પરમાત્માને અંત:કરણથી પ્રાર્થન,આજનો દિવસ “ગૌરવ દિવસ ” તરીકે ગુજરાતી ભાષાનાં ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થશે. બેન પ્રજ્ઞાબેન, વિજયભાઈ, હેમાબેન, પ્રવિણાબેન તથા કિરણભાઈને સાચા દિલથી લાખો સલામ. ભવિષ્યમાં પણ ગુજરાતી ભાષાની મીઠી માધુરી સુગંધને આ રીતે જ વિશ્વભરમાં ફેલાવો એ જ શુભેચ્છા.
                                                                     રોહિત કાપડિયા

યુગ પાલનપુરીની ગઝલોમાં આધ્યાત્મિકતા

Prof. Mehboob Desai's Blog

શૂન્ય પાલનપુરી અને ઓજસ પાલનપુરી જેવા પાલનપુરના જાણીતા શાયરોએ પોતાની ગઝલો દ્વારા ગુજરાતી સાહિત્યમાં પોતાનું નામ ઘાટા અક્ષરોમાં અંકિત કરેલ છે. ઓજસ પાલનપુર તો એક માત્ર શેર,
“મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પૂરી ગઈ”
થી આજે પણ જાણીતા છે. એવા પાલનપુરમાં વસતા એક અન્ય શાયર યુગ પાલનપુરી, પાલનપુર શહેર અંગે લખે છે,
“દિલમાં ખુશ્બુ આંખમાં નૂર
એ જ અમારું પાલનપુર”
આમ તો યુગ પાલનપુરીનું મૂળ નામ ઈબ્રાહીમ કુરેશી છે. પણ તેમનું તખ્લુસ (ઉપનામ) તેમણે “યુગ પાલનપુરી” રાખ્યું છે. કારણ કે એ તખ્લુસની અંદર જીવે છે એક ધબકતો મઝહબી ઇન્સાન, જેની રચનોઓમાં ખુદાનો ખોફ અને ઇન્સાનિયતની સુગંધ પ્રસરેલી છે. હમણાં તેમનો ગઝલ સંગ્રહ “કુંજગલી” અનાયાસે મારા વાંચવામાં આવ્યો. ભાષાની મીઠાશ અને સરળતા સાથે વિચારોની મૌલિકતા સાચ્ચે જ ગમી જાય તેવા અનુભવ્યા.
“સુખમાં છું છતાંય પરેશાન થાઉં છું
સાચે જ સાચ એ ઘડી ઇન્સાન થાઉં છું
હિન્દુ ન થાઉં ન મુસલમાન થાઉં છું

View original post 444 more words

ડાયા સ્પોરા-અછાંદસ -(16)પ્રજ્ઞા દાદભાવાળા (૧૭)અર્ચના શાહ

હું અમેરિકા આવી
ના મારા માતા પિતા મને અહી લઇ આવ્યા,
અમે શા માટે અહી આવ્યા ખબર નથી!
અમારી પાસે શું ન હતું  ?
સંયુક્ત કુટુંબમાં, બા, દાદા,કાકા કાકી બધાં જ
હા બધા સાથે હતા.
મારા પિતા નવી નોકરીમાં બોસ ને બદલે!
એક પગારદાર નોકર. 
મારી માં ક્યારેય કામે નહોતી ગઈ
પણ હવે નોકરી કરે છે.
હું અને મારી બહેન
હવે પ્રાઈવેટ સ્કુલને બદલે
પબ્લિક સ્કુલમાં ભણી આગળ વધીએ છીએ
વધારામાં અમે એક ગ્રેડ પડીએ છીએ
ત્યાં શાળામાં યુનિફોર્મ હતો.
અહી મારી પાસે નવા કપડા નથી
માટે મિત્રો મને અલગ નજરે જોવે છે.
મમ્મી કહેતી ઘર લેવા ડોલર ભેગા કરવાના છે.
મારા વિશ્વમાં ઊંધુંચત્તુ થઇ જાય છે.
મને અમેરિકા જેલ લાગે છે.
શનિ રવિ માત્ર મંદિર જવાનું
ક્યારેક ટમેટો કેચપ સાથે  બર્ગર ખાવાના
અને બધાનું એ હસવાનું !
અને ત્યારે સવાલ થતો,
અહી પીઝામાં મીઠું કેમ નથી નાખતા ?
મમ્મી પાઉંવડા નથી મળતા કેમ  ?
ખોરાક, વરસાદના દિવસો, બધું જ ચૂકી ગયા
ઉનાળામાં અહી ખૂબ ગરમી
અને શિયાળામાં  ખૂબ ઠંડી  છે.
પાછા જવાના વિચાર માટે,
મમ્મી કહે છે ડોલર ભેગા કર
હું ભણતા ભણતા,
એરલાઈનમાં નોકરી લઉં છું.
વોલમાર્ટ ના વખાર જેવા
સ્ટોરમાંથી મિત્રો માટે ખરીદી કરું છું.
અને પાંચ વર્ષ પછી 
એક દિવસ ફરી એ ગલ્લીમાં
પહોંચી જવું છું.
હું ખુશ છું
ફરી મજા કરશું ,બધે ફરશું
બધા  મિત્રો સાથે પાણી પુરીના ગલ્લા પર
ખાવા જાવ છું
અને ભૈયાજી કહે છે,
બેબી કબ આયી ?
ઠહેરો,
તુમારે લીએ મિનીરલ વોટર વાલી આલગ હે!
હવે ભૈયાજી પણ મને  NRI ગણતરીમાં  મુકે છે.
હું હવે જુદી છું
મારા મિત્રો કરતા
અમેરિકન સીટીઝન
અને અમેરિકા જવા માંગતા ઉત્સાહી
જુવાન  મારા મિત્રો માટે
એક વિઝા બની જાઉં છું.
અને પાણીપુરી આંખોમાં આંસુ બની
 અને ગળામાં અટકીને ડૂમો  બને છે.
પ્રજ્ઞા દાદભાવાળા
***********************************************************

ગલગોટા કે મેરીગોલ્ડ્સ 

પીળા ચટક હળદરીયા રંગના ગલગોટા 

ઝુલી રહ્યા છે ડોલમ ડોલ મારા બેકયાર્ડમા 

ફહેવાય છે અહી મેરીગોલ્ડસ અને શોભે છે ફક્ત પ્રાંગણમા

પણ નીરખું છું જયારે મેરીગોલ્ડસને ગલગોટાની ઝંખના થઇ છે 

વાતાવરણમાં તહેવારની ખુશ્બુ લાવતો કેસરિયો રંગ 

ગલગોટા અને દશેરાનો જાણે જનમોજનમ નો નાતો 

બહેન લઇ લ્યો 20 રૂપિયાના બે 

છાબડીમાં મઘમઘતા ગલગોટાનાં હાર વાળી ફૂલવાળી 

હિલોળા લેતા હાર દરેક ધ્વાર ઉપર જોવાની કુતુહુલતા 

ને વળી જલેબી-ફાફડાના નાસ્તાની સોડમ 

કહેવાઈ ભલે મેરીગોલ્ડસ પણ આ ગલગોટા વતનની મીઠી યાદો સંભરાવે 

રહું ઘણી દૂર પણ ભૂલવા નથી દેતા વતનને 

આ અજબના મેરીગોલ્ડસ

અર્ચનાબેન શાહ  

ડાયા સ્પોરા-અછાંદસ કાવ્ય -(15) રશ્મિ જાગીરદાર

કે મન તરસે
અવની,
રૂપેરી ઓઢણી ઓઢી,
સ્વત્વ સંકેલી પોઢી.
ઘર- આંગણ રસ્તાને શેરી,
ટેકરીઓની હારમાળા સ્નોથી દીસે અનેરી,
તરુવર તણા ડાળ -ડાળી પણ નર્યા ચંદેરી,
ચમકતી ચાંદી જ્યાં ત્યાં  સઘળે છવાઈ,
ગાત્રો  ગાળતી શીતળતામાં હું પામું નવાઈ!
કે, મન,
 મારું મન તરસે,
તપ્ત તડકાની પીળાશ જોવા,
સુવર્ણ રંજીત,
ઘર, આંગણ, રસ્તાને શેરી ત્યાં તપે કેવાં?
ગાત્રો બાળતી ઉષ્ણ ગરમીને ચાળવા,
બાંધેલ ખસની ટટ્ટી પર પાણી છાંટવા!
કે મન
મારું મન તરસે,
૫૦ ના તાપમાને તપતી,
મુજ વતનની બળતી ધરાને,
થોડી જ – બસ થોડી જ ઠંડક બાંટવા!
                 રશ્મિ જાગીરદાર

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(14)હેમા બેન પટેલ

દિલમાં ધડકતું વતન.

માતૃભુમિ છોડી, વતન છોડ્યુ, છોડ્યુ તુલસી આંગન

આવી વસી હું પરદેશમાં

અમેરિકાની ધરતી અને વતનની ધરતીમાં નહી કોઈ ફરક

છતાં પણ

પરદેશની માટીમાં શોધુ કેમ વતનની માટીની ખુશ્બુ ?

ફુલ-ઝાડ-નદી-ઝરણાં-સાગર-સરોવર-પર્વત

અહિયા અને ત્યાં નહી કોઈ ફરક,

છતાં પણ, નયનોમાં કેદ વતનની ઝાંખી.

પરમ શાંતિ અહિયાં, છતાં પણ ,

કાનમાં ગુંજતા મંદિરની આરતીના એ ઘંટનાદ-શંખનાદ-ઝાલર- ઢોલ-નગારા.

કુક્ડાની કુકડે કુક અને કોયલના મીઠા બોલ.

Sandwich thin માટેના પતલા બન અને

Tortillas પર લખેલી સામગ્રી વાંચી, હૈયુ બળે

અઢળક કેમિકલ ઓળ્યાં પેટમાં.

આવે યાદ ઘરની મિલસેન્ટ ઘર ઘંટી

તાજુ દળી તાજા લોટ, તાજી રોટલી-ભાખરી-થેપલા

નો લેફ્ટ ઓવર.

પહેલી રોટલી ગાયની, વધ્યુ ઘટ્યુ આપતાં નોકર-ચાકર-ગરીબ-કુતરાને.

ગરવી ગુજરાત,દીપ,સ્વાદ,નાનકના ફ્રોજન

ફરસાણ-મિઠાઈ,નાન-પરાઠા-થેપલા-ઢેબરા-સમોસા

અરે ઘણુ બધું ! અને ઘરમાં અવાર નવાર

તાઢીસેરી ખાઈને

આવે યાદ, રોજ શીતળા સાતમ.

પરદેશની રહેણી-કરણી નીરાલી,

પરિવાર છુટા પડ્યા, થયાં વિભક્ત કુટુંબ

આવે યાદ, સંયુક્ત કુટુંબ.

વતન અને પરદેશ

જ્યાં રહ્યાં ત્યાં અનુકુળ થઈ,ગોઠવાઈને સમાઈ ગયાં

છતાં પણ દિલમાં ધડકતું વતન.

સુખ-વૈભવ, સુપર પાવર દેશમાં જીવતાં જીવન સારુ લાગે

છતાં પણ, દિલમાં ધડકતું વતન.હેમા   

–  જય શ્રી કૃષ્ણ.

 

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(13) રોહિત કાપડિયા

                                                          મનોવ્યથા
                                                     ———————
                                  ઘરથી બહુ દૂર આવીને ,ઘર તો વસાવી લીધું.
                                  સુખ- સાહ્યબીનાં સાધનોથી એને ભરી તો દીધું.
                                  ન જાણે તોયે કેમ બહુ એકલું એકલું લાગે છે.
                                  ખુશ્બુવિહોણા ફૂલોથી જાણે ઉપવન સજાવી લીધું.
                                  એ પ્યારથી બોલાવનારા ભાઈ-બહેન ક્યાં છે ?
                                  આંગળી પકડી રાહ ચીંધનારા પિતા ય ક્યાં છે ?
                                  કદાચ રાહ મળી જશે, જૂઠો પ્યાર પણ મળી જશે,
                                  દુઃખ-દર્દ મટાડનારો મા નો પ્રેમાળ સ્પર્શ ક્યાં છે ?
                                  હોમ થિયેટરમાં એકલો સિનેમા તો જોઈ લઉં છું,
                                  વીક એન્ડમાં મિત્રો સાથે મસ્તી પણ કરી લઉં છું,
                                  તો પણ સમય ક્યારેક અટકી ગયેલો લાગે છે.
                                  ચહેરો હસતો રાખીને હું ભીતરમાં રડી લઉં છું.
                                  અહીં મોસમ હર પળ એનો મિજાજ બદલે છે.
                                  અહીં સૌંદર્ય પ્રકૃતિનું હર પળ રંગો બદલે છે.
                                  તો પણ મનમાં ઊંડે ઊંડે ઉદાસીનતા લાગે છે.
                                  તહેવારો વગર એ બધું ય નીરસ લાગે છે.
                                  આવી પળે હું ઈશ્વરની છબીને નિહાળી લઉં છું.
                                  ઈશ્વર તો સર્વત્ર છે, એ વિચારે હસી લઉં છું.
                                  મારી એકલતા અને ગમગીનીને ભૂલી જઈને,
                                  વિશ્વાસથી મંઝીલ પર હું આગળ વધી લઉં છું.
                                                                                      રોહિત કાપડિયા

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(12)વતન સાંભરે ત્યાં-વિજય શાહ

 

ગમતુ તો હતું બધું જ અહીનું આકંઠ છતાં

વાતે વાતે ઓછું આવી જતું, વતન સાંભરે જ્યાં…

ફોન કરીને આવતા તેથી અતિથિ તો કેમ કહેવા

પણ મીનીટે મીનીટે તમને વાંધો તો નથીને ?

પુછતા દીકરાને શું કહેવું? તારો તો એ હક્ક છે
વાતે વાતે ઓછું આવી જતું, વતન સાંભરે જ્યાં…

છે આમતો બધું જ ત્યાંનાં જેવું અહીં ,

સવાર એવી, સાંજ એવી એવીજ બપોર છતા

એ.સી. માં શું ફેર પડે

જ્યાં કદી પરસેવો ના વળે ને

અનુભવાય શીતળતા ના, .વતન સાંભરે જ્યાં…

બધાય તહેવારો ઉજવાતા અહીં દરેક રવીવારે

કોણ જાણે કેમ નૂતન વર્ષાભિનંદે

યાદ આવી જ જાય વતનની

ગમતુ તો હતું બધું જ અહીનું આકંઠ છતા

વાતે વાતે ઓછું આવી જતું, વતન સાંભરે જ્યાં…

ડાયાસ્પોરિક વાતો તો જાણે ઘણીજ ઘટે અહી
નથી હવે કોઇ વડીલો વતનમાં છતાં
પણ મળે બે દેશી જ્યાં, વતન સાંભરે ત્યાં

વાતે વાતે ઓછું આવી જતું, વતન સાંભરે જ્યાં…

અહેવાલ-રાજેશ શાહ

બેઠકમાં નિતનવા વિષય પર ઉગતા કવિઓને સ્થાન અપાય છે

– માઇક્રો ફિકશન વાર્તા.. એક નવો જ વિષય

– વિષય નવીન હોવા છતાં ગુજરાતી ભાષાના ૭૮ પ્રેમીઓએ વિચારો મોકલ્યા

બે એરિયા, તા. ૯

‘પુસ્તક પરબ’ના અનોખા અંદાજ સાથે શરૃઆત થયેલ કાર્યને આગળ ધપાવવા ‘બેઠક’માં દર મહિને નિતનવા વિષય ઉપર બે એરિયાનાં ઉગતા કવિઓ-લેખકો અને ગુજરાતી ભાષા સાહિત્યમાં રૃચિ ધરાવનારાઓ નવિન સર્જન કરી શકે તેવું વાતાવરણ અને તક ઉભી કરવાનો મહાયજ્ઞા ચાલી રહ્યો છે.
બેઠકનું વાંચન અને લેખન કાર્ય યોગ્ય દિશામાં વિકસીત થાય તેવા હેતુથી પ્રતાપભાઈ પંડયાના પ્રોત્સાહનથી મળેલા પુસ્તકો બેઠકના સભ્યોને અપાય છે.એપ્રિલ મહિનાના વિષય માઇક્રોફિકશન વાર્તા લઇને ‘બેઠક’નો કાર્યક્રમ શુક્રવાર ૨૮ એપ્રિલ, ૨૦૧૬ના રોજ મિલપિટાસના ઇન્ડિયા કોમ્યુનિટિ સેન્ટર ખાતે યોજાયો હતો.

પ્રજ્ઞા દાદભાવાળા સૌને આવકાર આપી ‘બેઠક’ ગુ્રપના આયોજકોએ આજના કાર્યક્રમમાં પ્રતાપભાઈ પંડયાનું હાર્દિક સ્વાગત કર્યું હતું. કલ્પના રઘુ શાહે સરસ્વતી વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૃઆત કરી હતી. બે એરિયામાં સાહિત્ય ક્ષેત્રે અપ્રતિમ પ્રદાન કરવા અંગે તાજેતરમાં જ બે એરિયા ડગલો પરિવાર તરફથી સન્માનપત્ર મેળવનાર બેઠક ગુ્રપના સક્રિય ભાષાપ્રેમી શ્રી પી. કે. દાવડાનું પ્રતાપભાઈના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.વિષય નવીન હોવા છતાં ૭૮ ગુજરાતી ભાષા પ્રેમીઓએ પોતાના વિચારો- માઇક્રોફિકશન વાર્તા બેઠક ગુ્પને મોકલી આપી હતી.શ્રી પી. કે. દાવડાએ બેઠકના આવતા મહિનાના વિષય ડાયસ્પોરા લેખન વિષે સમજ આપી હતી અને દરેકને આ વિષય ઉપર પોતાના વિચારો લખી મોકલવા જણાવ્યું હતું.વિનુ મરચન્ટ વાર્તા સ્પર્ધા – ૨૦૧૬માં ભાગ લીધેલ ટૂંકી વાર્તાઓમાં ઇનામ વિજેતા વાર્તાની જાહેરાત જયશ્રીબેન મરચન્ટે કરી હતી. જયશ્રીબેનના પતિ શ્રી વિનુભાઈની યાદમાં શરૃ થયેલ વિનુ મરચન્ટ વાર્તા સ્પર્ધામાં આ વર્ષે ૧૮ ટુંકી વાર્તાઓએ ભાગ લીધો હતો.

જયશ્રીબેન મરચન્ટે સૌ પ્રથમ ૩ વિજેતા કૃતિઓ અને ૨ આશ્વાસન કૃતિઓની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સર્વે વાર્તા સર્જકોએ સુંદર રજૂઆત કરી છે અને સર્વૈના પ્રયત્ન માટે અભિનંદન આપ્યા હતા. પ્રથમ વિજેતા ‘નાખુદા’ માટે લેખક વિજયભાઈ શાહ દ્વિતિય વિજેતા- મમ્મી, સાંભળતો ખરી માટે  પ્રજ્ઞા દાદભાવાળા ,તૃતિય ઇનામ – એ દિલે નાદાન માટે રાજુલ કૌશિકને બે આશ્વાસન ઇનામો – ચીંથરે બાંધેલ સંસ્કાર માટે ભુમિકાને અને ‘ન ઓળખી શક્યા’ માટે જયવંતીબેનના નામ જાહેર કરી વિજેતાઓને પુરસ્કાર અને અભિનંદન અપાયા હતા.

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(11)હજુ પણ કઇંક ખૂટે છે !-વિનોદ પટેલ,સાન ડીએગો

હજુ પણ કઇંક ખૂટે છે !

જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં ,

કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા ,

આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં !

નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું ,

અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં .

મચી પડ્યા , દિન રાત, ગધ્ધા મજુરી કરી ,

ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા.

સરસ ઘર, મોટર ,સુખ સગવડો ઉધારે લઇ ,

લોન પૂરી કરવા, ત્રીસ વર્ષનો રહેવાસ લખાઈ ગયો !

પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર .

આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી,

પરત આવી જઈશું મૂળ દેશ વતનમાં.

પરંતુ આ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ ,

દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને

પેઢી દર પેઢી માટે ઊંડો પાયો નંખાઈ ગયો વિદેશમાં.

બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે ,

છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

કઈ જ ખબર નથી પડતી,

સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ?

પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ?

માતૃભુમી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને

કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,.

જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં.

ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે ….

અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,

સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

વિનોદ પટેલ,સાન ડીએગો