ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(10)વળામણા -અર્ચિતા દીપક

વળામણા

ઠંડા ઠંડા સ્નો ફોલ

ને સ્કીઈંગ ની મઝા સાથે

બરફમાં ખૂંપી જતા પગને ય ઝંખના

તો પેલા ગરમ રેતીના ઢુવા ની

ધોમધખતા અંગારા આકાશ ની

છેતરતી લુચ્ચી મરીચિકા ની

ઓર્કિડ જોઈએ પણ લાગે કે

ક્યાંક મહોરે મોગરો ને

રૂડો પીળો ગરમાળો તો કેવું સારું ?

ને યાદ આવે …. કોઈ દૂધાળા કાંટાઓની વચ્ચે

સાલમાં એક વાર ખીલતું જંગલી ફૂલ !

બરફની છટાદાર સવારીએ સાંભરે ગાડા !!!

ગજવે રસ્તા ચાસ પાડીને !!

ગોરી ઉજળીયાત વસ્તીમાં થાય ;

કે જોઈએ સૂરજની મહેર અને

તો ચામડી તતડાવી તડકો દેતો તામ્બેરી રૂપની ભેટ ….!!!

મને સિસ્કાવતી ઠંડીમાં ય જાણે

રણ નીતરાવે સ્નેહથી

પરસેવાની યાદમાં રેલમછેલ !

જન્મ ભૂમિ વળગે તારી યાદ સોંસરવી

ડુંમે અને ધ્રુસકે જણ્યુ એક પગલું

માતૃભૂમિ ને ખોળે વળાવે છેક ….!!!!

અર્ચિતા દીપક

ચશ્માં- જયવંતી પટેલ –

ચશ્માં

બાળપણનાં પાંગરે ચાલતી હું

જુવાનીના જોશમાં દોડતી હું

જોતી નાના મોટા માનવોને

ચશ્મા લગાડી ફરતાં બહુ

સહજ વિચાર આવતો નિજને

શા માટે આટલી સુંદરતા સ્વમુખની

ચશ્મા પહેરી ઝાંખી કરે છે આ સહુ

વ્યોમ વાદળી હું નીરખું

સપ્તરંગી મેઘધનુષને

સોનાનો સૂરજ આકાશે તપતો

ચોમાસામાં જળજળ બંબાકાર  થતો

મારી આંખો સૌમ્ય શીતલતા અનુભવી

એમ વિચારતું – શા માટે મને દેખાય તે

બાકી સર્વે ન જોઈ અનુભવી શકે એ

કેટલો આહલાદક ખુશનુમા સમીર છે

આંખો ઠારે તેવો અમીર છે

ત્યાં તો દિવસ એક ઝાખું દેખાયું

તપાસ કરાવી ત્યારે સમજાયું

ચશ્મા પહેરવા અનિર્વાય થયા

કાન મારાં રાતાચોળ થઇ ગયા

નથી ગમતાં ફાવતાં આ ચશ્મા

તો કઢાવો કોન્ટેક લેન્સ વળતા

નહીં પહેરવા પડે આંખો પર ચશ્મા

કોઈને ખબર નહિ પડે રંગ તમારી આંખોનો

તમને ગમે તે રંગે રંગી દયો

તમારા પોકેટને અને નયનોને

હવે મારા ચશ્મા વગર મને જરાયે નથી ગમતું

મારાં જીવનનો સારથી હવે

તેનાં વિના પગલું ન માંડવું ગમે

ત્યાં તો એક દિવસ ચશ્મા મારા ચોરાઈ ગયા

મારી નાનકડી દુનિયાના કમાડ ઢંકાઈ ગયા

શું નીરખું ? શું પઢું ? શું  રંગુ ?

ન ખાળી શકી અશ્રુ તણા વહેણને

હવે સમજાયું શા માટે આટલા પ્રેમથી સહુ

ચશ્મા પહેરી રોફ મારે છે બહુ

ધોળી લાકડી લઇ ચાલતો કિશોર કે વૃધ્ધ
લાગે છે થડકો દિલમાં એને જોઈ અંધ
દોડી જઈ મદદ કરું એને
સંભાળીને રાખું મારા નવા ચશ્માને.

જયવંતી પટેલ

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય(9)મારી મોટેલ – મારુ ખેતર-જયવંતી પટેલ-

નથી ભુલાતું ખેચુંક ખેચુંક કરતો પંપ

જે બારે માસ સીંચતો પાણી ખેતર માય

નાના ખાબોચિયા, નાની પાળો

વચ્ચે ચાલતો બેલ ગાડાનો હળ

દાણા વેરતાં, પાણી સીચતા

ભરી લેતાં બાર મહિનાનો પાક, દાતરડે કાપતા

અહીં આ મોટેલના રૂમો જોઈ

હૈયું ચિચિયારી પાડતું નાના ખેતરવા જોવા

ન દિવસ ન રાત જોવી

ઘરાક આવે ત્યારે મોસમ વરતાતી

હાસ્ય સાથે આવકારતી

કડક લીલી નોટ ગલ્લામાં પડતી

સવાર પડે ને ચાદરો ખેચવી

ઝપાટે રૂમો કરવા સાફ સુતરા

સાંજ પડે ને પાછા આવે ઘરાક

એજ કૃતિમ હાસ્ય સાથે આવકારું જરાક

ત્યાં વલોણા સંભળાય, પંખી કોકરવ

સીમ ભણી જતી ધેનુ ભાંભરતી સંભળાય

મંદિરમાં ઘંટ વાગે ને આરતી થાય

બાળકો નિશાળ ભણી દોડી જાય

કેમ કરી વિસારું એ અણસાર

મોટેલના રૂમો તાજામાજા કરવા

ને સિગરેટની ગંધને બહાર નીકળવા

છાટીએ પાઈન અને લેમનનું સ્પ્રે

ત્યારે અંતરમન ઝંખે એક વિશ્વાસ

ભીની માટી ને તાજા મોરની સુવાસ

થાકીને લોથ થાઉ ત્યારે મંગાવું પીઝા

સાથે પીઉં કોકાકોલા કે સ્પ્રાઇટ ના પીણા

ન આવે તોલે એ મારા તાજા લીલા પોંક જેવા

તીખી સેવ સાથે લસણની ચટણી આપે સેવા

પીણામાં પીઉં તાજી વલોવેલી છાસ

જાણે સ્વર્ગ ઉતર્યું પૃથ્વી પર આકાશ.

જયવંતી પટેલ

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય…..(8)“ઘોંઘાટ” – દર્શના નાડકર્ણી

બેઠકનો આ મહિનાનો વિષય છે કે માતૃભુમી થી દુર નિવાસ કરવાથી “ડાયાસ્પોરા” ને જે અનુભૂતિ થાય તેના ઉપર “અછાંદસ” કવિતા લખવાની.  આપણે ખરેખરી રીતે “ડાયાસ્પોરા” ન ગણાઈએ।  અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે જે લોકો ને કમને અથવા પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની જન્મભૂમી છોડવી પડી હોય તેને “ડાયાસ્પોરા” કહેવાય અને આપણે તો આપણી ઈચ્છા સાથે અહીં આવ્યા છીએ.  છતાયે માતૃભુમી પ્રત્યેની ખેંચ અને ઘણી લાગણીઓ તેવીજ તેજ હોય છે.

પહેલા નવો લાગતો આ દેશ હવે પોતીકો થયો, દિલમાં વસ્યો
ક્યારેક જન્મભૂમી ખુબ દુર ને અળગી લાગે છે
નવા દેશમાં નવા ઝાડ રોપ્યા, નવા ફૂલ ખીલ્યા
નવી ઝીંદગી માં કડી કડી જોડાણી ને મિત્રો અહી નવા બન્યા

છતાયે અચાનક આવીને દિલ ને ભીન્જાડી જાય છે, વરસાદના છાંટણા જેમ
માતૃભુમી ની યાદ..  ક્યારેક વસે છે મોગરાના ફૂલ ની સુવાસ માં,
ક્યારેક ગૌરવભેર આંખ ભીની થાય છે
જયારે ગુજરાતી માં ગીત ગુંજે છે ગુજરાતદિન નિમિતે
પહેલાના દિવસો postman ની રાહ જોવામાં ગુજર્યા
પણ હવે તો કમ્પ્યુટર ખોલતા આંખ ઇન્બોક્ષ તરફ મંડાય છે

દિલ અધૂરું થાય છે પડોશમાં રહેતી સહેલીના સમાચાર વાંચવા
સાથે કોલેજ જતા, સાથે ખાતાપીતા ને સાથે વાંચતા
ઉનાળાની રજામાં કંટાળીએ તો કેરમ રમવા બેસતા
ને ચોથું પાત્ર ખૂટે ત્યારે મમ્મીને બેસાડતા

ક્યારેક ખાખરા ને અથાણું ખાવા મન ખેચાય છે
માસીના જ હાથના બનાવેલા..
મમ્મીની દાળ યાદ આવે ત્યારે
હું પૂછું છું, “મમ્મી મને કેને તારા જેવી દાળ કેમ બનાવવાની”
મમ્મી ક્યે છે “દાળ તો નવવધુ સમાન છે, ઘરેણા બરોબર પહેરાવીશ તો સારી જ બનશે”
પણ ક્યારેય મમ્મી બનાવતી તેવી બનતીજ નથી

ભારતની સહેર કરીને આવ્યા પછી શાંત બપોરે બેસું છું ત્યારે….
માસી, મમ્મી ને બહેનપણી ને યાદ કરું છું ને આંખ ભીની થાય છે
ઝટ આંસુ લુછી નાખું છું. હવે તો અહીજ મન પરોવવાનું
તોયે આખીયે શાંત બપોરે મન કકળાય છે

પહેલી વખત અમેરિકા આવ્યા ની યાદ તાજી થાય છે
મમ્મી પપ્પાની યાદ ને તો ત્યારેય ઝટ ભૂંસી નાખતી
પણ આ અખંડ નીરવ શાંતિ….
ન ભેદાય, ન ખંખોરાય, ન ભૂંસાય, ન છેદાય
એવી નિર્જીવ શાંતિ માં……
ભારતનો ઘોંઘાટ શોધતું દિલ ગૂંગળાય છે

XXXXXXXXXXXXXXXXXX

 

ગુજરાતી સાહિત્ય મંચ

GSM_hdr
આ મંચ ગુજરાતી ભાષા અને સાહિત્યની લાક્ષણિકતાઓ અંગે જાણકારી અને તેના ઊંડાણથી અભ્યાસ માટે છે. નેટ ઉપર ઉત્તરોત્તર વધી રહેલા ગુજરાતી બ્લોગો અને વેબ સાઈટોની ગુણવત્તા શી રીતે સુધરે તે આ મંચનો મુખ્ય હેતુ છે. ———-
સભ્યો માટે આચા ર સંહિતા. ૧. ગુજરાતી સાહિત્યના ‘ચર્ચા મંચ’ તરીકે જ આ ગ્રુપ રહેશે. ૨. બને ત્યાં સુધી ગુજરાતી લિપિમાં લખવુ. જેને ન આવડતું હોય તેમને નીચે આપેલી લિન્ક પરથી ગુજરાતીમાં લખવાનો સોફ્ટવેર મળી જશે. એ બાબત માર્ગદર્શન અને મુશ્કેલી નિવારણ માટે મોડરેટરને જણાવશો, તો મદદ કરવામાં આવશે. ૩. નવી કોઈ પણ પોસ્ટ એને લગતા વિભાગમાં જ કરવી, જેથી ભવિષ્યમાં તે શોધવામાં મુશ્કેલી ન પડે. કોઈ નવો વિભાગ શરૂ કરવો હોય તો, મોડરેટરને જણાવવું. ૪. અંગત રચનાઓની જાહેરાત માટે કોઈ સભ્યે આનો ઉપયોગ કરવાથી દૂર રહેવું. ૫. આમંત્રણથી જ શરૂઆતમાં આ ગ્રુપમાં સભ્યો ઉમેરવામાં આવશે. છતાં કોઈને સભ્ય થવું હોય તો મોડરેટર એ બાબત નિર્ણય લઈ એ વ્યક્તિને સામેલ કરી શકશે. ૬. એક મોડરેટર ભાષાના નિષ્ણાત અને બીજા ટેક્નિકલ રહેશે.

લેટર બોક્સ – મારી દિકરીને પત્ર ( હેમા પટેલ )

અભિનંદન હેમા બેન -ટોપ ૨૦માં ૧૨ માં સ્થાને (૭૫માં થી) (પ્રતિલિપિ લેટરબોક્ષ વિભાગની સ્પર્ધામાં) મારી લાડલી રાજકુમારી, કેમ છે બેટા ? ઘરની અંદર સૌ કુશલ મંગલ હશો.કાયમ ફોનથી વાતચીત થાય છે આજે લેટર લખવાન…

Source: લેટર બોક્સ – મારી દિકરીને પત્ર ( હેમા પટેલ )

ગુજરાતી સાહિત્ય મંચ-​મહેન્દ્ર ઠાકર

મિત્રો આ જરૂરથી વાંચશો આપને માર્ગદર્શન મળશે.
 
‘મારેય લેખક બનવું છે. શું કરવું?’
વાંચો-વાંચો-વાંચો. આ છે પહેલો મંત્ર.
અને અંગત ડાયરીમાં લખ-લખ-લખ કરીને ભાષા તેમજ શૈલીની સમજ કેળવો. આ બીજો મંત્ર.
જ્યાં સુધી આ બે પૂર્વશરતોનું પાલન ન થાય ત્યાં સુધી કશુંય લખીને છપાવી નાંખવાની ઉતાવળ નહીં કરવાની.

લખવાનો શોખ છે અને લેખક બનવાનું સપનું જુએ છે.
• કોઈને પોતાની વાર્તા-કવિતા છપાવવી છે
• કોઈને કોલમ્નિસ્ટ બનવું છે
• કોઈને ધારાવાહિક નવલકથા લખવી છે
• કોઈને પુસ્તક પ્રગટ કરવું છે
તેઓ ફોન કરે,ઈમેઈલ મોકલે, વોટ્સએપ અને ફેસબુક પર મેસેજ મૂકે, પોતાની કૃતિ વાંચી આપવા માટે વિનંતી કરે.
પ્રત્યેક લેખક સૌથી પહેલાં તો વાચક હોય છે અને આ પ્રકારના તબક્કામાંથી પસાર થઈ ચૂક્યો હોય છે.

વાંચવું એટલે માત્ર છાપું અને પૂર્તિની કોલમો વાચંવી એમ નહીં. આ બધું તો ખરું જ, પણ તે સિવાય તમે બીજું શું શું વાંચો છો?અઠવાડિયે, મહિને, બે મહિને, વરસે તમે પાંસ-દસ-વીસ-પચ્ચીસ પુસ્તકો વાંચી નાંખો છો? તમને જેમાં ખૂબ રસ પડે છે તે વિષયનાં પુસ્તકો? પછી તે નવલકથાઓ, વાર્તાસંગ્રહો, કવિતાની ચોપડીઓ, જીવનકથાઓ, સાયન્સ ફ્ક્શિન, નોન-ફ્ક્શિન કંઈ પણ હોઈ શકે.

મારે વાર્તા-નવલકથા લખવી છે એવું કોઈ કહે એટલે એની સામે ફટાક કરતું આ લિસ્ટ ધરી દઉં છું:
શું તમે ઓલરેડી પન્નાલાલ પટેલ, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ચુનીલાલ મડિયા, ધૂમકેતુ, ચંદ્રકાંત બક્ષી, મધુ રાયને વાંચી કાઢયા?
કુંદનિકા કાપડિયા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટને?
આ સિવાય પણ ખૂબ બધાં નામો છે.
ઓકે, આ સૌનું સમગ્ર સાહિત્ય ભલે ન વાંચ્યું હોય તોપણ તેમનાં કમસે કમ બેસ્ટ પાંચ-સાત-દસ પુસ્તકો વાંચ્યાં?
કવિતા લખવાનો શોખ હોય તો આપણા ભાષાના ગઈ કાલના અને આજના ઉત્તમોત્તમ કવિઓનાં સંગ્રહોમાંથી પસાર થયા?
તેમાં રમમાણ રહૃા?
આપણે સવારે જે વાંચ્યું હોય તે સાંજે પણ યાદ હોતું નથી, પણ એવું તે શું છે આ સાહિત્યકારોનાં લખાણમાં કે લોકો પચીસ-પચાસ-સો વર્ષ પછી પણ ભારે રસથી વાંચે છે? અને વાંચીને જબરદસ્ત આંતરિક સમૃદ્ધિનો અનુભવ કરે છે? આ પ્રશ્નોનો જવાબ જાતઅનુભવથી મેળવ્યો?

વાંચતાં વાંચતાં આપણો ટેસ્ટ કેળવાતો જાય છે. ક્યા પ્રકારના લેખકો અને ક્યાં પ્રકારનાં પુસ્તકો આપણને વધારે અપીલ કરે છે તે સમજાતું જાય છે.
શક્ય છે કે, તમને ગ્રામ્ય કથાઓ ઓછી અને શહેરી મિજાજવાળું સાહિત્ય વધારે સ્પર્શે. આના કરતાં ઊલટું પણ બને.
શક્ય છે કે કોઈ મધુ રાય પાછળ ગાંડા ગાંડા થઈ જાય તો કોઈને મધુ રાય બધુ અઘરા લાગે.

ફેર ઈનફ. જ્યાં સુધી વાંચનભૂખ અકબંધ છે ત્યાં સુધી બધું જ માફ. વાંચનની રીતસર ઘેલછા જાગવી જોઈએ. રાત-રાત જાગીને ચોપડી પૂરી કરી નાંખવી, વાંચવામાં એવા ખૂંપી જવું કે ભૂખ-તરસ-ટીવી-ફેસબુક-વોટ્સએપનું ભાન ન રહેવું, મનગમતાં પુસ્તક ખરીદવા બીજાં ખર્ચ પર કાપ મૂકવો – જો તમારામાં આ બધાં લક્ષણો દેખાય તો, કોન્ગ્રેચ્યુલેશન્સ! તમે સાચા રસ્તે જઈ રહૃા છો.
ગુજરાતી સાહિત્ય પછી હિન્દી અને અંગ્રેજી ભાષા તરફ્ નજર દોડાવવી. અંગ્રેજી પુસ્તકો વાંચવાની ટેવ ખાસ કેળવવી. આગળ જતાં તમારું ગુજરાતી વાંચન મર્યાદિત થઈ જાય અને અંગ્રેજી પુસ્તકોનું વાંચન મોટા ભાગનો સમય રોકી લે એવુંય બને.

ગોલ્ડન રૂલ નંબર ટુ.
લખવાનો રિયાઝ શરૂ કરો. શરૂઆત ડાયરીથી કરો. સરસ મજાનો બસ્સો પાનાંનો ફુલસ્કેપ ચોપડો લઈ આવો. રોજ એમાં કંઈક ને કંઈક લખો. એક પાનું, બે પાનાં, ત્રણ પાનાં. કંઈ પણ લખો.
• મનમાં ઘુમરાતા વિચારો વિશે
• દોસ્તો -પરિવારના સભ્યો – સગા-સંબંધી
• સમાજમાં ને દેશમાં બનતી ઘટના
• જે પુસ્તક વાંચી રહૃા હો તેના વિશે,
• સરસ ગમી ગયેલા લેખ
• મનગમતી ફ્લ્મિ-ટીવી શો-નાટક
રોજેરોજ નિયમિતપણે શિસ્તપૂર્વક લખતા રહેવાથી ધીમે ધીમે ભાષા ઘડાતી જશે, લખાણમાં સફાઈ આવતી જશે, વ્યાકરણ અને જોડણી આવડતાં જશે, અભિવ્યક્તિની સમજ અને કૌશલ્ય કેળવાતાં જશે, આત્મવિશ્વાસ દઢ બનતો જશે.
પત્રલેખન પણ એક સરસ એક્ટિવિટી છે, પણ આ ડિજિટલ જમાનામાં તે અપ્રસ્તુત બની ગઈ છે.

ઓકે. ફાયનલી તમે વાર્તા (કે લેખ, કવિતા કે કંઈ પણ) લખવાના તબક્કા સુધી પહોંચો છો.
જે લખ્યું છે તેને ફરી ફરીને લખવાનું,બે-ત્રણ-ચાર કે તેનાથીય વધારે ડ્રાફ્ટ લખીને લખાણને બને એટલું સુરેખ બનાવવાની કોશિશ કરવાનું. જેમના પર તમને ભરોસો હોય તેવા મિત્ર કે પરિચિતના અભિપ્રાય અનુસાર તમારાં લખાણમાં નવેસરથી સુધારાવધારા કરો. યાદ રાખો, આળસ કરવાથી નહીં ચાલે.
ક્યાં ક્યાં છાપાં-મેગેઝિનમાં ટૂંકી વાર્તા-કવિતા વગેરે છપાય છે તેની તમને ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો લાઈબ્રેરીમાં જઈને વ્યવસ્થિત સમજી લેવાનું. અમુક છાપાં-મેગેઝિન દિવાળી અંક અને વાર્ષિક અંકમાં ખૂબ બધી વાર્તાઓ પ્રકાશિત કરે છે. બસ, તેમને સુંદર-સુઘડ અક્ષરમાં લખેલી અથવા પ્રિફરેબલી ટાઈપ કરેલી કૃતિ મોકલો અને જવાબની રાહ જુઓ.
અમેરિકા-ઇંગ્લેન્ડ જેવા દેશોમાં નવોદિતો માટે પણ લિટરરી એજન્ટ્સ હોય છે, જે તમારી કૃતિની છપાવવાની માથાકૂટ સંભાળી લે છે. આપણે ત્યાં આવી લકઝરી નથી એટલે બધું જાતે જ કરવું પડશે. કૃતિ ‘સાભાર પરત’ થાય તો નિરુત્સાહી બિલકુલ નહીં બનવાનું. ભલભલા લેખકોની કૃતિઓ શરૂઆતમાં સાભાર પરત થઈ હતી. અરે, જાણીતા બની ગયા પછી પણ થાય છે.
પાછી ફરેલી કૃતિને અન્ય પ્રકાશનમાં ટ્રાય કરો. હિંમત નહીં હારવાની. અહીં જ તમારામાં કેવુંક ઝનૂન અને લગની છે તેની કસોટી થશે. મેઈનસ્ટ્રીમ છાપાં-મેગેઝિનોમાં છપાતી વાર્તાઓની ગુણવત્તા કાયમ ટનાટન હોય છે તે જરૂરી નથી. ‘પરબ’-‘શબ્દસૃષ્ટિ’ જેવાં સાહિત્યિક સામયિકોની વાત અલગ છે. આવી કોઈ જગ્યાએ તમારી વાર્તા-કવિતા છપાય તો સમજવાનું કે તમને હવે ખરેખર લખતા આવડવા માંડયું છે. ચિયર્સ!
હવે જોકે, ફેસબુકને કારણે ઊભરતા લેખકોની ‘સાભાર પરત’ની પીડા ખાસ્સી ઓછી થઈ ગઈ છે.
અહીં તો સૌ પોતાનું લખાણ દુનિયા સાથે શૅર કરી શકે છે. લખાણ કાલુંઘેલું ન હોય તો પણ લાઈક્સ અને ‘વાહ વાહ’ મળવા લાગે છે.
સોશિયલ મીડિયા પર મળી જતી આ ઈન્સ્ટન્ટ સ્વીકૃતિ ખતરનાક નીવડી શકે છે. નબળું લખનારો ભ્રમમાં જીવ્યા કરે છે અને પોતે કેટલા છીછરા પાણીમાં ઊભો છે તેનો એને અંદાજ આવતો નથી. આથી આપણે પોતે જ પોતાના અત્યંત કડક જજ બનવાનું છે. સોશિયલ મીડિયાના પ્લસ પોઈન્ટ્સ પણ છે. શૅર થયેલી કૃતિને યોગ્ય વ્યક્તિઓ દ્વારા મળતી કમેન્ટ્સ ચોક્કસ ઉપયોગી બને છે. ફેસબુક પર અવારનવાર મુગ્ધ થઈ જવાય એવાં સુંદર લખાણ આપણે સૌએ જોયાં છે. કોલમ્નિસ્ટ અભિમન્યુ મોદી ફેસબુકની ડિસ્કવરી છે. અક્ષય આંબેડકર નામના યુવાનની અફ્લાતૂન ફેસબુક પોસ્ટ્સ વાંચો તો તમને થાય કે આ કોઈ ઘડાયેલા ફિલ્મ કોલમ્નિસ્ટનું લખાણ છે. અભિષેક અગ્રાવત પોતાની ક્ષિતિજ વિસ્તારશે તો એમને ફુલફ્લેજ્ડ લેખક-વાર્તાકાર તરીકે પ્રસ્થાપિત થતાં કોઈ રોકી શકવાનું નથી. અવનિ દલાલ અને જિતેશ દોંગાની નવલકથા પહેલાં ડિજિટલ માધ્યમમાં વખણાઈ હતી. પછી તેનું પ્રિન્ટ વર્ઝન બહાર પડયું. – શિશિર રામાવત

આ મંચના બધા મિત્રોને આ લખાણ પર વિચારી, તેમના વિચાર જણાવવા આમંત્રણ છે.-સુરેશભાઈ જાની 

ડાયાસ્પોરા અછાંદસ કાવ્ય….. (7)ઉજડેલો પંખીનો માળો !વિનોદ પટેલ

ઉજડેલો પંખીનો માળો !
કોઈ એક છેવાડાના ગામમાં,
વૃક્ષ નીચે ખાટલામાં સુતેલ,
એકલો અટૂલો નિવૃત વૃદ્ધ જન ,
નીરખી રહ્યો ઉંચી નજર કરી ,
વૃક્ષની ડાળે રચેલ પંખીના માળાને.
માળો જોઈ વિચારે ચડ્યો કે ,
તિનકા તિનકા ગોઠવી દિનરાત,
કેવો મજાનો રચ્યો છે આ માળો
બે મહેનતુ પંખી યુગલે !
ચણ વીણી લાવી ચાંચમાં એમની,
જાતે ભૂખ્યા રહીને પણ પોષ્યાં ,
કેવાં એમનાં વ્હાલાં બચ્ચાંઓને ,
ઠંડી, ગરમી કે વરસાદમાં પણ
પાંખો ફેલાવી કેવું જતન કર્યું હતું એમનું હેતથી !
કેવાં ખુશ થયાં હતાં જોઈ એમને મોટાં ,
પણ આ શિશુ પંખીડાં મોટાં થઇ ગયાં ,
એમની પાંખો મજબુત થઇ ગઈ ,
જોત જોતામાં તો ઉડી ગયાં એક દિન,
અને ખુબ મહેનતે રચેલો એમનો ,
આ સુંદર પંખી માળો ઉજડી ગયો !
વૃક્ષ નીચે સુતેલ વિચાર મગ્ન વૃદ્ધ ,
ઊંડો નિસાસો નાખી, કહી રહ્યો  એના મનને,
પંખીડાં મારાં પણ ઉડી ગયાં છે વિદેશે ,
પોત પોતાનો આગવો માળો રચવાને,
પેલાં પંખીઓની જેમ મારો પણ ,
માળો જોત જોતામાં કેવો ઉજડી ગયો !
રહી ગયાં માત્ર હું ને મારી વેદનાઓ,
અને મારાં પંખીડાંની એ હરી ભરી યાદો ,
ઓ મારાં ઉડી ગયેલ પંખીડાંઓ ,
સુખેથી ચણજો, રહેજો ,તમારા રચેલ માળામાં,
આશીર્વાદ આપી રહ્યો  છે તમને આજે,
ખાટલે સુતેલ આ એકલો અટૂલો તમારો ,
શરીરે હવે નબળો પડેલો વૃદ્ધ બાપ !
વિનોદ પટેલ,સાન ડીએગો

મારા જન્મ દિવસની આપ બધાની શુભેચ્છા

આપ બધાની શુભેચ્છા
મારે માટે .મંગલસૂચક
અમીની દૃષ્ટિ છે..
સ્વસ્તિવચન છે.
તુષ્ટિવચન છે,
પ્રભુનો સ્પર્શ છે.
મારા બે ખુલા હાથોમાં આપની શુભેચ્છા
આવતા ખોબો ભરાઈ ગયો છે .
મેઘધનુષ્ય રચાય છે.
અને હું ડુંગરા ઓળંગી જાવ છું
જીવન વહેવા માંડે છે.
શરીર ઉર્જા થી ભરાય છે.
આપ બધાની શુભેચ્છા મને
ખુબ પોષણ આપ્યું છે
કરુણાનો દીપક પ્રગટાવ્યો છે.
અને મારામાં સંવેદના ની સરવાણી ફૂટે છે.
આપની શુભેચ્છા મારી તાકાત છે.
એક મારો પોતાનો
પોતીકો વિશ્વાસ છે.
આપ સર્વેના હ્ય્દયમાંથી નીકળતી
આ અભિવ્યક્તિ
મને અહેસાસ કરાવે છે.કે
હું એક જીવંત,ધબકતી માનવી છું
આપની શુભેચ્છા મારા
કાનને સાંભળવી ગમે છે.
આંખો ને વાંચવી ગમે છે.
હું આવી અનેક શુભેચ્છાને શોધું છું
જે મારા હ્ય્દયને,
સખત થતું અટકાવશે
અને મારામાં માનવતાને
પ્રજ્જવલિત રાખશે
આજે મારા જન્મદિવસે
સાચા હૃદયથી એક લાગણી
એક હૃદય ની શુભ સંવેદના
જાણે આપ સાથે
રૂ -બ- રૂ
જોડાણ પુરવાર થઇ છે.
ક્યારેક શુભેચ્છા શબ્દો
તો
ક્યારેક કાર્ડ
તો
ક્યારેક ફુલો બની આવી છે.
આપના હ્ય્દયનામાંથી ફૂટી નીકળતી
આ મંગળ ભાવનાએ
મને ભાગ્યશાળી બનાવી છે
અને હું કંઈ પણ કહું
કે હું આભાર શબ્દ લખું
તો
કોણ જાણે આપ સહુને
અળગા કરતી હોઉં તેવું લાગે
હું નિશબ્દ બનું છું
અને
આંખની ભીનાશ
આસું બની ટપકે છે…

ડાયાસ્પોર’ અછાંદસ કાવ્ય …(6)આરતી રાજપોપટ

પાલક માં
એક હળવો આંચકો ને
છુક છુક …
ઉપડીતી ટ્રેન,ને ચાલી તી હું
માં-ભોમ થી દુર …
નવ-દેશ ,નવ-ભૂમિ રચવા નવજીવન …
અહા !
કેટલા વર્ષો વીતી ગયા…
છોડી આવી તી તે જન્મભૂમિ,
અહી બની કર્મ ભૂમિ ..
ના વિદેશ ની ધરતી નહિ
બંને છે મારી ભારત
માતા ની જ સંતાન !!
એક માં તો બીજી
“માં”સી (પાલક મા )
એવીજ આબોહવા એવીજ મીઠાસ
જેટલી સમાનતા એટલીજ
અલગતા..!!
એકે આપ્યું શૈશવ ,યૌવન ભણતર..તો બીજે પામ્યું
પૂર્ણત્વ ,માતૃત્વ ગણતર…
ખુશ છું, સંતુષ્ટ છું..
જાઉં વર્ષે દહાડે મારી ” માં”
ને મળવા…
સંભારણા ની
ઝોળી ભરવા…
પણ …
થાય થોડા દિવસ ને
બોલાવે છે મને કરી યાદ
જાણે માં યશોદા બોલાવે
કાન્હા ને પ્રેમે દઈ સાદ !
ને જયારે એરોપ્લેન ના પૈડા ધડધડા હત સાથે ઉતારે છે ત્યારે રોમાંચ ની એક મીઠી ધ્રુજારી થાય છે..
ને ભૂમિ ના ચરણ સ્પર્શ થતા
બાહ ફેલાવી મને આવકારે છે મારી પાલક માં !!!

આરતી રાજપોપટ