વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૯-અમિત રાડિયા

અષાઢની હેલીને ભીંજવે શ્રાવણનાં સરવડાં

બાદલ યૂં ગરજતા હૈ, ડર કુછ ઐસા લગતા હૈ,

ચમક-ચમક કે લપક કે, યે બીજલી હમ પે ગિર જાએગી…

રેડિયોના 93.5 સ્ટેશન પર વાગી રહેલું આ સુંદર ગીત જાણે કાન અને મનને તરબતર કરતું હતું. ઘરની બાલ્કનીમાં ‘ખાસ’ પોતાના માટે બનાવેલા ઝૂલા પર હળવે હળવે ઝૂલતી એ વરસાદી મદમસ્ત વાતાવરણને આંખોથી નીરખવાની સાથે જાણે આત્માને પણ તરબોળ કરવામાં તલ્લીન હતી, અષાઢા.

આ તલ્લીનતા કંઈ પ્રથમ વખતની થોડી છે. દર વર્ષે જ્યારે અષાઢ માસમાં આકાશમાં વરસાદ જામ્યો નથી કે અષાઢા એમાં ખોવાઈ નથી. અષાઢ મહિનો એટલે અષાઢાનો આરાધ્ય દેવ. અષાઢ માસ શરૂ થાય,આકાશમાં કાળાં ડિબાંગ વાદળાં છવાય, રમઝટ વરસાદ વરસ પડે ને અષાઢા પણ જાણે એ જ વરસાદનું ટીપું હોય એમ વરસી પડે. જલબિંદુઓની સાથે એ પણ હવામાં તરે, આમ-તેમ લહેરાય અને છેલ્લે પ્યાસી ધરતીની તરસ બુઝાવવા નીચે પડીને વિખેરાય જાય.

તમને થશે કે આ ‘અષાઢા’ વળી કેવું નામ! કોઈ છોકરીનું નામ તે વળી આવું હોતું હશે? પણ, એવું છે કે અષાઢાનો જન્મ પણ આવી જ એક વરસાદી અષાઢી સાંજના થયો હતો. અને એટલે જ, મમ્મ-પપ્પાએ વહાલી દીકરીને નામ આપ્યું, ‘અષાઢા’. બસ, ત્યારથી શરૂ કરીને આજે વીસની થવા છતાં અષાઢાને અષાઢી વરસાદ સાથે કંઈ અલગ જ નાતો છે. મીરાંબાઈ જેમ કૃષ્ણને ભજે તેમ આખુંય વર્ષ અષાઢા વરસાદની રાહ જુએ. કૉલેજના મિત્રવર્તુળમાં પણ તેનું નિકનેમ ‘વરસાદી ઝડી’ પડી ગયેલું.

અષાઢાનું કૉલેજિયન મિત્રવર્તુળ એટલે કાર્તિકા, ફાલ્ગુન, વૈશાખ, આશી અને શ્રવાણ, ‘હમ છહ’. આ અડધો ડઝનના ગ્રૂપની એકતા પણ ગજબની. રમત, નાટક, સંગીત અને હા શિક્ષણમાં તો ખાસ આગળ જ હોય. તેવામાં એક વાર આવી ‘યુવાપ્રતિભા શોધ’. આ મિત્રમંડળી તો એમાં હોય જ ને! તેમણે નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનું નક્કી કર્યું. નાટકનો વિષય પસંદ કરવા બધા મળ્યા, કૉલેજ કેન્ટીનમાં. ચીઝ સેન્ડવિચ મોઢામાં થઈને હોજરી સુધી પહોંચી અને બસ, બધાની વિચારશક્તિ ખીલી ઊઠી. કાર્તિકાએ કેકારવ કર્યો, ‘ભર્તૃહરિ અને પિંગલા’.

ત્યાં તો ફાલ્ગુન ટહુક્યો, ‘ના રે બાબા! બેવફાઈની કથા નહીં, હોં.’ વૈશાખ કહે, ‘હીર-રાંઝાની પ્રેમકહાની.’ ‘ઊંહુ… બોવ જૂનું…’ શ્રાવણે ચોકડી મારી. ક્યારની વિચારોમાં ખોવાયેલી અષાઢાને હચમચાવી આશી બોલી, ‘હવે તું જ કંઈ બોલને યાર, અષાઢા.’ અને કંઈક તંદ્રામાં ખોવાયેલા ભાવ સાથે અષાઢાના મોંમાંથી શબ્દો સર્યા, ‘મેઘદૂત’. સંસ્કૃત મહાકવિ કાલિદાસની પ્રેમ, વિરહ અને શૃંગાર એમ ત્રણ રસના ત્રિવેણીસંગમવાળા વિષયના નાટકને તરત જ બધાએ થમ્બ્સ અપની સાઇન બતાવી લાઇક કરી દીધું.

બસ, પછી તો શરૂ થઈ ધમાચકડી. સંવાદ લેખન, ડ્રેસિંગ, ગીત-નૃત્યના રિહર્સલ્સ. કૉલેજમાં ભણવાનું ને સાંજે નાટકની તડામાર તૈયારીઓ. ‘મેઘદૂત’ની યક્ષિણી બની અષાઢા ને યક્ષના પાત્ર માટે શ્રાવણ પર પસંદગીનો કળશ ઢોળાયો. દિવસોની મહેનત બાદ આખરે સ્પર્ધાનો દિવસ આવી પહોંચ્યો. શહેરના જાણીતા નાટ્યહોલમાં ભવ્ય સ્ટેજ અને નજર પહોંચે ત્યાં સુધીની ભરચક્ક મેદની. એક પછી એક નાટક રજૂ થતા ગયા. પ્રેક્ષકોની તાળીઓ પડતી રહી. મેઘદૂત નાટકનું નામ માઇક પરથી ગૂંજ્યું અને સૌની નજર પડદા ભણી ખેંચાઈ. પડદો ખૂલ્યો ને સૌ જોઈ જ રહ્યા, ‘અરે! આ શું?’ ‘લાઇટ ગઈ કે?’ ‘ઓહ! સભાગૃહ પર વીજળી પડી કે!’ એવા અનેક ઉદ્ગારો સંભળાઈ રહ્યા. અષાઢના કાળા ડિબાંગ વાદળછાયા આકાશ જેવું બૅકગ્રાઉન્ડ અને મૂશળધાર વરસાદમાં અચાનક જોરદાર વીજળી ચમકી. પરફેક્ટ લાઇટ ઍન્ડ સાઉન્ડ. પ્રેક્ષકો સ્તબ્ધતાથી જોઈ રહ્યા. અંતે વીરહી યક્ષની વ્યથાને વાચા આપતું શ્રાવણનું ગીત એના સુમધુર કંઠેથી વહેતું થયું અને લોકો હોશમાં આવ્યા. સતત ગડગડાટની વચ્ચે અષાઢા અને શ્રાવણના અભિનયને સૌએ વધાવ્યો. બંને જાણે કાલિદાસના યક્ષ-યક્ષિણીના વિરહને સ્ટેજ પર મૂર્તિમંત કરીને, પાત્રોમાં ઓગળી જઈને અભિનયનાં ઓજસ પાથરતાં રહ્યાં. કુદરતની લીલા કે બહાર પણ જોરદાર વરસાદ વરસે છે. એ જ અષાઢ માસ અને અષાઢી ઘનઘોર વર્ષા. હોલની અંદર પ્રેક્ષકો અભિનયના વરસાદમાં તરબતર અને હોલની બહાર દુનિયા આકાશી વરસાદમાં તરબોળ. સતત દસ મિનિટ સુધી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી રહ્યો ને નિર્ણયની રાહ જોયા વિના જ ‘મેઘદૂત’ને પ્રથમ જાહેર કરી દીધું.

અભિનંદનની ભવ્ય વર્ષા વચ્ચે પણ અષાઢા જાણે કંઈક વિચારમાં હોય તેવું લાગ્યું. અષાઢાની ભીતરમાં પણ અષાઢી વરસાદનું તોફાન જામ્યું હતું. નાટકમાં ભજવેલા પાત્ર સાથેનું તાદાત્મ્ય કે યૌવનની ઉંમરે વશ કરેલા દિલની ઊર્મિઓ. બસ અષાઢાના મનમાં એક જ વિચાર કે ક્યારે એકાંત મળે અને ક્યારે શ્રાવણને…

પણ, આ તો અષાઢા! અષાઢની ધોધમાર વર્ષા જડચેતન તમામને તરબોળ કરી દે, પણ અષાઢાની ભીતરનાં લાગણીના ઘોડાપૂરની લગામ કેમ છૂટે! ચલને, આપણી ટ્રોફી સાથે આપણો ગ્રૂપ ફોટો પડાવવા. બધા તને શોધે છે ને તું અહીં સંતાયેલી છે. આશીએ હાથ પકડીને ખેંચી ને પ્રેમનાં મેઘધનુષી અશ્વો પર સવાર અષાઢા વાસ્તવિકતામાં આવી પડી. બસ, આમ જ સમય વીતતો ગયો. અષાઢા પણ હૈયાની વાતને હૈયામાં રાખીને રુટિન લાઇફ જીવવા માંડી.

કૉલેજના ત્રીજા વર્ષની પરીક્ષાનું છેલ્લું પેપર. પેપર્સની વાતો કરતાં અષાઢા અને કાર્તિકા લોબીમાં જતાં હતાં. અચાનક કાર્તિકાએ કહ્યું, ‘અષાઢા ચાલ આપણે કૉલેજ ગાર્ડનમાં બેસીને બધાની રાહ જોઈએ.’ ‘ગુડ આઇડિયા’ અને બંને પહોંચી તેમની કાયમની જગ્યાએ. અચાનક અષાઢાનો હાથ પકડીને ફેરફુદરડી ફરતી કાર્તિકા બોલી ‘અષાઢા.., અષાઢા… માય ડીઅર, આઈ એમ ઇન લવ.’

‘વૉટ! વાઉ… કોણ છે એ બલિનો બકરો? જરા નામ તો બોલ.’ અષાઢાએ સાનંદાશ્ચર્ય પૂછ્યું.

‘હી ઇઝ શ્રાવણ. યસ, આઈ લવ શ્રાવણ. પણ, અષાઢા તું હમણાં કોઈને કહેતી નહીં. રિઝલ્ટના દિવસે દર વર્ષની જેમ પાર્ટીમાં બધાની વચ્ચે શ્રાવણને પ્રપોઝ કરીશ. પ્લીઝ ત્યાં સુધી કંઈ જ બોલતી નહીં.’

અને એવું તો કંઈ કેટલુંય કાર્તિકા બોલતી રહી, પણ અષાઢાના મનમાં તો પ્રેમ અનૈ મૈત્રી વચ્ચેનો જંગ ચાલુ થઈ ગયો. સ્તબ્ધ બની પૂતળાની જેમ તે ઊભી રહી ગઈ. કાર્તિકા પોતાની લાગણીઓનો ધોધ વહાવતી રહી.

બંનેના આ વિચારપ્રવાહને વિરામ મળ્યો બાકી બધાના આવવાથી. ભવિષ્યના પ્લાનની વાતોમાં, એકબીજાંના સંપર્કમાં રહેવું અને રિઝલ્ટના દિવસે મળવાના વાયદા સાથે સૌ છૂટા પડ્યા. પોતાના મનમાં ચાલતા વિચારોના ઘમસાણ યુદ્ધની સાથે અષાઢા ઘરે પહોંચી.

‘આવી ગઈ બેટા, કેવું રહ્યું પેપર? અને તારા માટે એક સરપ્રાઇઝ છે!’ કહીને મમ્મી-પપ્પાએ તેને આવકારી.

‘સુપર્બ. પણ, મારી સરપ્રાઇઝ શું છે એ તો કહો, મમ્મા.’ આંતરિક જગતમાંથી બહાર આવી નોર્મલ થતાં અષાઢા બોલી.

પપ્પાએ જવાબ આપ્યો, ‘અષાઢા, તને અમદાવાદ જોવાની બહુ ઇચ્છા હતી ને? તો સાંભળ તારી વિશ પૂરી થઈ. મને પ્રમોશન મળ્યું છે અને મારી બદલી અમદાવાદ થઈ છે. હવે આપણે ત્યાં જ રહીશું ને તું તારા મનગમતા કરિયર કોર્સ પણ કરજે. પરમ દિવસે જોઇન કરવાનું છે. ફટાફટ પેકિંગ કરીને કાલે જ નીકળી જવું પડશે.’

પપ્પાની વાત સાંભળીને અષાઢાના મનમાં ચાલી રહેલા વિચારયુદ્ધને વિરામ મળી ગયો. અષાઢાને લાગ્યું કે જાણે ભગવાને જ તેને રસ્તો દેખાડ્યો. પોતે તો દિલની વાતને વાચા આપી જ નહોતી. કોઈની સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો નથી. અરે! ખુદ શ્રાવણ પણ અષાઢાના પ્રેમની હેલીને ક્યાં પીછાણે છે? જ્યારે કાર્તિકાએ તો પોતાને પરમ સખી ગણીને પ્રિયપાત્ર પહેલાં જ તેને દિલની વાત કરી છે. પોતાના પર અતૂટ ભરોસો મૂક્યો છે. કયા શબ્દોમાં તેને કહેવું કે, ‘હું પણ શ્રાવણને…’

આ સાંભળીને તેના દિલ પર આઘાત લાગે ને? કેટલા વિશ્વાસથી તેણે મને કહ્યું છે. એનો વિશ્વાસઘાત મારાથી નહીં થાય. ‘થૅન્ક યૂ ભગવાન! પપ્પાની બદલી કરીને તમે મને ધર્મસંકટમાંથી ઉગારી લીધી. કાર્તિકાને તેનો પ્રેમ મળી જશે. બંને એકબીજાં સાથે ખૂબ ખુશ રહેશે.

અષાઢા એકવીસમી સદીની આધુનિકા હોવા છતાં તેનો પ્રેમ પવિત્ર છે. તેનામાં સ્વાર્થીપણું નથી. પોતાની મિત્રને તેનો પ્રેમ મળે અને તે સુખી થાય એવા સુંદર વિચાર સાથે મનની ઊર્મિઓને મનમાં જ સાચવીને અષાઢા મમ્મી-પપ્પાની સાથે અમદાવાદ શિફ્ટ થઈ ગઈ. સતત એકબીજાંના સંપર્કમાં રહેવાના વાયદાને તોડી કોઈનેય નવું એડ્રેસ કે કોન્ટેક્ટ નંબર આપ્યા વિના નવી દુનિયામાં રહેવા ચાલી ગઈ. કૉલેજનું રિઝલ્ટ પણ પપ્પાની સાથે જ મંગાવી લીધું. રિઝલ્ટના દિવસે એકલી રૂમમાં ભરાઈને અષાઢા ખૂબ રડી. જાણે અષાઢની હેલી બે મહિના વહેલી આવી ગઈ. અને એ પણ આકાશને બદલે અષાઢાની આંખોમાં. પણ એ આંસુ દુ:ખનાં નથી, ત્યાગનાં છે. જેમાં અષાઢા ભીંજાઈ રહી છે.

સમયની રેતી સરી જાય અને આપણી મુઠ્ઠી બંધ જ રહી જાય એમ જોતજોતાંમાં પાંચ વર્ષનો સમય વીતી ગયો. અમદાવાદના ‘આધાર’ ગ્રૂપ દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું. શૉ માટે શહેરના જાણીતા જીએમડીસી ગ્રાઉન્ડમાં સ્ટેજ શણગારાયેલું છે. વિધવિધ પ્રકારનાં આધુનિક વાજિંત્રોની સાથે સાજિંદા તૈયાર છે. શૉની તમામ ટિકિટો ધાર્યા કરતાં પણ ઝડપથી વેચાઈ ગઈ. લોકો શૉ શરૂ થવાના સમય પહેલાં જ પહોંચી ગયા અને મોટા ભાગની ખુરશીઓ ભરાઈ ગઈ. લોકોના આટલા ઉત્સાહનું કારણ છે, સંગીતસંધ્યાની ગાયિકા, અષાઢા.

જી હા, આ આપણી અષાઢા જ છે. કોયલનો કંઠ તો પહેલેથી જ હતો, તેમાં ભળ્યો બે વર્ષની સખત તાલીમનો રંગ અને અષાઢાએ સંગીતને જ કરિયર તરીકે સ્વીકારી લીધું. તેના અવાજમાં અજબ મોહિની છે. તેના ગીતને સાંભળીને જાણે વાતાવરણ પણ મુગ્ધ બનીને સાંભળી રહે. અષાઢાનાં ગીતોમાં પ્રભુભક્તિનો લય છે અને કરુણતાનો રાગ છે. સાંભળનારને લાગે કે જાણે કૃષ્ણવિરહમાં ઝૂરતી રાધા અને કૃષ્ણભક્તિમાં ડૂબેલી મીરાંનો સંગમ અહીં જ છે.

ધીમે ધીમે કાર્યક્રમ શરૂ કરવાનો સમય થઈ ગયો. બરાબર ઘડિયાળના કાંટે શૉ શરૂ થયો.

‘મેઘા છાએ, આધી રાત… બૈરન બન ગઈ નિંદિયા…’

અષાઢાએ આજે અષાઢ માસના સમયને વર્તીને વરસાદી ગીતોનો દોર શરૂ કર્યો. જેમ જેમ ગીતો જામતાં ગયાં તેમ તેમ શ્રોતાઓ પણ સંગીતની દુનિયામાં મગ્ન થતાં ગયા જે જાણે કુદરત પણ અષાઢાને સાંભળવા માટે આવી હોય તેમ અષાઢના છેલ્લા દિવસે અમદાવાદ પર ઘનઘોર વાદળ છવાઈ ગયાં. સતત બે કલાક સુધી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની અષાઢાના કંઠની મીઠાશને માણતા રહ્યા. એ સમયે આકાશ સામે પણ કોણ જુએ!

અંતે જ્યારે સ્ટેજ પરથી કાર્યક્રમ સમાપ્તિની જાહેરાત થઈ ત્યારે પણ લોકો તો ‘વન્સ મોર’, ‘વન્સ મોર’ જ પોકારતા રહ્યા. શરૂઆતની ઔપચારિક વિધિઓ બાદ ‘આધાર’ ગ્રૂપના યુવા કાર્યકરે માઇક સંભાળ્યું. ‘દેવીઓ અને સજ્જનો, આપ સૌ જાણો જ છો કે અમારું ગ્રૂપ છેલ્લાં ત્રણ વર્ષથી દિવ્યાંગ બાળકો માટે શાળા, સાધન સહાય, ઑપરેશન માટેની જરૂરી મદદ જેવાં અનેક કાર્યો કરે છે. આજની આ સંગીત સંધ્યા દ્વારા થનારી તમામ આવક પણ તેમાં જ વપરાશે. એક ખાસ જાહેરાત આ તકે કરવાની કે ગાયિકા શ્રી અષાઢાદેવીજીએ આજના શૉ માટે એક પણ રૂપિયાની ફી લીધી નથી. ઉપરાંત, પોતાના તરફથી સહાયનો ચેક અર્પણ કરશે.અમારી સંસ્થાના પ્રમુખશ્રી, જેઓ સંજોગોવશાત્ હાજર નહોતા રહી શક્યા, તેઓ હાલ જ અહીં પધાર્યા છે. તેઓ સંસ્થા વતી અષાઢાદેવીને આભારપત્ર અર્પણ કરશે. હું અષાઢાદેવીને સ્ટેજ પર આવવા વિનંતી કરું છું.’

કાર્યક્રમ પછી શ્રોતાઓની તાળીઓના ગડગડાટને ઝીલતી અષાઢા સ્ટેજ પર સૌને નમસ્કાર કરતાં હાથ જોડીને ઊભી રહી અને અધાર ગ્રૂપ તરફથી આભારપત્ર લઈને આવતા પ્રમુખની દિશામાં નજર કરી. બરોબર એ જ વખતે આકાશમાંથી એકાએક વરસાદ તૂટી પડ્યો. ક્યારનું ગોરંભાયેલું આકાશ જાણે ધરતીને મળવા માટે અધીરું બન્યું હોય તેમ મૂશળધાર વરસાદ વરસી પડ્યો.અષાઢાને સાંભળવા જ જાણે રોકાયા હોય તેમ મેઘરાજા, શૉ પૂરો થતાં જ મન મૂકીને વરસી પડ્યા. અષાઢી અમાસની રાત અને શરૂ થતા શ્રાવણનો પડઘો જાણે એકાકાર થઈ ગયા હોય તેમ અષાઢા અને શ્રાવણના મિલનને ભીંજવી રહ્યો અષાઢી મેઘ.

હા, એ શ્રાવણ જ હતો. અષાઢાને જોઈને સુખદ આશ્ચર્યથી બે ઘડી તેનો શ્વાસ પણ થંભી ગયો. અષાઢાની આંખોમાં તો અષાઢી હેલી ચઢેલી જ હતી. જનમેદની વિખેરાઈ ગઈ અને સ્ટેજનો સામાન પણ સંકેલાઈ ગયો, છતાં અષાઢા અને શ્રાવણ એકમેકને નીરખી રહ્યાં. જાણે સમયની એ ક્ષણ થંભી ગઈ છે અને આસપાસના જગતનું અસ્તિત્વ જ વિસરાઈ ગયું છે. એ જ સમયે અચાનક સ્ટેજની લાઇટ બંધ થતાં ‘સબ… સબ… સબ…’ કરતી ઇશાની વીજળી ચમકી અને બંને વાસ્તવિકતાની ધરતી પર આવ્યાં. શ્રાવણે દોડીને અષાઢાનો હાથ પકડ્યો અને પાર્કિંગમાં પોતાની કાર સુધી દોરી જઈ તેને કારની ડ્રાઇવિંગ સીટની બાજુની સીટ પર બેસાડી દીધી. બીજી તરફથી આવીને તે પણ સ્ટીયરિંગ સીટ પર બેસી ગયો અને બંને એકબજાંને અપલક નયને જોઈ રહ્યાં.

થોડી પળો આમ જ વિત્યા બાદ મૌનની એ ભાવસમાધિને તોડતા શ્રાવણ અષાઢાના બંને હાથ પકડીને તેને હચમચાવતાં બોલી ઊઠ્યો. ‘તું ક્યાં ચાલી ગઈ‘તી અષાઢા? તને કેટલી શોધી ખબર છે! તારા વિના હું જાણે ચાતક પંખી અને તું મારું સ્વાતિ નક્ષત્ર. તું કંઈક તો બોલ. શા માટે તારા શ્રાવણને તરસ્યો મૂકીને ચાલી ગઈ હતી, બોલ!’

‘તું અને કાર્તિકા… કેમ..! ક્યાં..?’ કંઈક અસમંજસમાં અષાઢાના મોંમાંથી શબ્દો સર્યા.

‘અરે! તો એ વાતે જ તે આમ કર્યું? ગજબ થઈ ગયો યાર. કાર્તિકા તો ક્યારેની એના ફાલ્ગુન સાથે ફેરા ફરીને સેટ થઈ ગઈ છે, પણ તારી માફી માગવા, હજી તને મળવા તરસે છે. જોકે, પહેલા તો તું મને માફ કર અષાઢા. મેં તો પરીક્ષાના આગલા દિવસે જ બધાને કહી દીધું હતું કે હું રિઝલ્ટની પાર્ટીમાં તને પ્રપોઝ કરીશ. બસ, તારા દિલની વાત જાણવા કાર્તિકાને કહ્યું હતું અને તેણે તારી મજાક કરી. ઓ મારી ગાંડી અષાઢા આ શ્રાવણ તો હંમેશાં તારો જ યક્ષ રહેશે અને તું મારી યક્ષિણી. ચાલ, હવે આપણાં વિરહનો ઉનાળો પૂરો અને મિલનનું ચોમાસું શરૂ.’ કહેતાં શ્રાવણે કારના દરવાજા ખોલી અષાઢાને બહાર લાવી અષાઢની વરસતી હેલીમાં લાવી મૂકી અને તેનો હાથ પકડીને પ્રપોઝ કરતાં કહ્યું, ‘હે અષાઢાદેવી! તમે મારી આજીવન સંગિની બનશો? અને આંખમાંથી ટપકતાં આંસુઓને લૂછતાં અષાઢાએ ટહુકો કર્યો, ‘હા, મારા શ્રાવણ, હા.’

પોતાના ઘરની બાલ્કનીમાં ‘ખાસ’ પોતાન માટે બનાવેલા ઝૂલામાં હળવે હળવે ઝૂલતાં એ વરસાદી મદમસ્ત વાતાવરણને આંખોથી નિરખતાં જાણે આત્માને પણ તરબોળ કરી રહી હોય તેમ તલ્લીન બનીને અષાઢા બેઠી છે અને એવું જ એક સુંદર ગીત ગણગણી રહી છે. ત્યાં તો પાછળથી શ્રાવણે અષાઢાના સૂરમાં પોતાનો સૂર મિલાવ્યો અને બંને સાથે જ એ સૂરાવલીમાં ભીંજાયા…

રિમઝિમ ગિરે સાવન, સુલગ સુલગ જાએ મન…

ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન…

હા, એ જ વરસાદી માહોલ છે. ફરક માત્ર એટલો છે કે આજે અષાઢની હેલી સાથે શ્રાવણી સરવડાં પણ જોડાયેલાં છે

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૮-આલોક ચાટ

અષાઢી વસંત

એક અષાઢી સાંજે એક તરફ આકાશમાં કાળા ડિબાંગવાદળો ઘેરાયાં હતાં અને બીજી તરફ વિચારના વાદળોએ અક્ષતના મનને ઘેરી લીધું હતું. એવી તો એના મનને ઘેરી વળેલી એસી ચેમ્બરમાં બેઠા હોવા છતાં એના ચહેરા પર પરસેવાના ટશિયા ફૂટી નીકળેલા. હાથમાં ચાનો કપ અને ટેબલ પર ફાઈલો, પણ નજર સતત મોબાઈલ પર. તે વારંવાર મોબાઈલ હાથમાં લઈ ગોળ ફેરવી સ્ક્રીન જોઈને ટેલબ પર મૂકી દેતો હતો. અજીબ બેચેની તેના ચહેરા પર સાફ દેખાઈ આવતી હતી. એના મનમાં સતત એક જ વિચાર સળવળી રહ્યો હતો કે ‘અક્ષરાનો ફોન કે મેસેજ કેમ ન આવ્યો.?’ સામેથી ફોન કરવો કે ન કરવો એ વિમાસણ પણ એના મનમાં ચાલતી હતી.

ઓગણત્રીસ વર્ષનો અક્ષત, ભરાવદાર પણ સપ્રમાણ બાંધો અને ઊંચી કદ કાઠી ધરાવતો હેન્ડસમ કહી શકાય એવો ‘મોસ્ટ એલિજીબલ બેચલર’ હતો. તે એક ખ્યાતનામ મલ્ટીનેશનલ કંપનીમાં સીઈઓની પોસ્ટ પર હતોઆ અને અક્ષરા એ જ કંપનીમાં ડાયરેક્ટર હતી. અક્ષરાની ઉંમર ચોત્રીસ વર્ષ હતી પણ જાણે હજી જુવાનીમાં ડગ માંડ્યા હોય એવું તેનું યૌવન કોઈ નવયૌવનાને પણ શરમાવે એવું હતું. આશરે દોઢ વર્ષ પહેલા અક્ષત અમદાવાદથી ટ્રાન્સફર થઈને બરોડા આવ્યો હતો. અમદાવાદના ધાંધલિયા અને ધુમાડિયા વાતાવરણમાં રહ્યા પછી બરોડાનું શાંત અને સુઘડ  વાતાવરણ તેને બહુ જ ગમ્યું. કંપનીએ આપેલા પાદરા રોડ જેવા પોશ એરિયાના ટુ બીએચકે ફ્લેટમાં સેટ થતાં તેને જરા’ય વાર ન લાગી. જોઈનીંગના પ્રથમ દિવસે જ અક્ષત લેટ થઈ ગયો હોવાથી ઉતાવળે ડાયરેક્ટરની ચેમ્બરમાં દાખલ થવા ગયો ત્યાં જ અક્ષરા સાથે ટકરાયો અને બંનેનાહાથની ફાઈલો ફર્શ પર ફેલાઈ ગઈ. ફાઈલો ઉપાડતા ઉપાડતા તેની નજર અક્ષરા પર સ્થિર થઈ ગઈ. ગૌરવર્ણ પર હોદ્દાને અનુરૂપવસ્ત્ર પરિધાન, ખૂબ સરસ રીતે સેટ કરેલા ખુલ્લા વાળ, સ્લિમ એન્ડ સેક્સી ફિગર  ધરાવતી અક્ષરા અક્ષતને  પહેલી જ નજરે મનમાં વસી ગઈ. એના કપાળે કરેલી લાંબી બિંદી, ગજબનું ચુંબક્ત્વ ધરાવતા ચહેરાને વધુ ચુંબકીય બનાવી રહી હતી. તેના ગાલમાં પડતા ખંજન અક્ષત માટે ખંજરનું કામ કરી ગયા.

અક્ષરાએ કરડાકી ભરી નજરે એની તરફ જોયું. તેણે માંડ પોતાની જાતને સાચવી અને અક્ષરાના સંમોહન માંથી બહાર આવીને માફી માગી,
“સોરી મેમ, આઇ એમ એક્સ્ટ્રીમલી સોરી..”
“ઇટ્સ ઓકે…” ગુસ્સામાં જ કહીને અક્ષર પોતાની ખુરશી પર બેસી ગઈ.
અક્ષતે ફાઈલો ટેબલ પર મૂકી અને હેન્ડ શેક કર્યું,
” હેલો મેમ, આઇ એમ અક્ષત શાહ.”
“વેલકમ, આઇ એમ અક્ષરા, આઇ ગોટ ધ મેઇલ ટુડે ઓન્લી.”
થોડી ઔપચારિક ચર્ચા બાદ બન્ને છૂટાં પડ્યાં. આ દરમિયાન પણ અક્ષતની નજર અક્ષરાના ચહેરા પરથી અને ખાસ તો એની આંખો પરથી હટતી જ ન હતી. એવામાં અક્ષરાની નજરમાં પોતે ઝડપાઈ જતાં તે છોભિલો પડી ગયો. અક્ષરાની સાદગી, સૌમ્યતા અને તેનું વ્યક્તિત્વ અક્ષતને સ્પર્શી ગયું. ડિરેક્ટર જેવી મોભાદાર પોસ્ટ પર હોવા છતાં અક્ષરાએ ચહેરા પર માત્ર એક બિંદી જ કરી હતી. બીજો કોઈ મેકઅપ કર્યો ન હતો. એની વાચાળ આંખો… જાણે કેટલાયે રહસ્યો ઊંડાણમાં છુપાવીને બેઠી હોય એવું લાગતું હતું.
બીજી બાજુ અક્ષતનો સરળ, જોલી અને હેલ્પફુલ નેચર અક્ષરાને ગમવા લાગ્યો હતો.  તેની પ્રામાણિકતા અને કામ પ્રત્યે કાર્યદક્ષતાએ અક્ષરાનું મન મોહી લીધું હતું.
થોડા જ દિવસોમાં બન્ને વચ્ચે સારી એવી દોસ્તી જામી ગઈ. એકલામાં અક્ષરા “મેમ” ને બદલે ફક્ત અક્ષરાઅને અક્ષત “મિ. શાહ” ને બદલે ફક્ત અક્ષત થઈ ગયો હતો.
ઓફિસ અવર્સ દરમિયાન રીસેસમાં વાતચીત ઉપરાંત મેસેજમાં પણ અંગત વાતો ઉપરાંત મજાક મસ્તીનો સિલસિલો ચાલુ રહેતો. વળી એટલું ઓછું હોય એમ  ઓફિસ બાદ પણ ક્યારેક કોફીશોપ તો ક્યારેક રેસ્ટોરાં તો ક્યારેક મોલમાં બેયકલાકો સાથે વિતાવતા.
અક્ષરા ઓછાબોલી હતી પણ તેની આંખો જાણે ‘વાચા મળે ને વાણી ફૂટે’ એટલી બધી એક્સપ્રેસિવ હતી. અક્ષરા સદાય હસતી રહેતી પણ અક્ષતને સતત એમ જ લાગતું કે જાણે એ અંદરથી પિડાઈ રહી હોય. અક્ષત ઘણી વાર તેને ભૂતકાળવિશે પૂછતો પણ એ પોતાના માતાપિતા સિવાય બીજી કોઈ જ વાત કરતી નહીં. અક્ષત એક પ્રયત્ન હંમેશા કરતો,જ્યારે એને લાગે કે અક્ષરા કઈંક વિષાદમાં ત્યારે એ તરત જ કોઈક વાત કરીને એને હસાવી દેતો.

એક દિવસ વધુ કામ હોવાથી ઓફિસ ટાઈમ બાદ અક્ષત અક્ષરાના ફ્લેટ પર ફાઈલો લઈને ગયો. બધું કામપતાવીને કોફી પીતા પીતા બંને વાતે ચડ્યા. એવામાં અક્ષતે અક્ષરાને કહ્યું, “હું હમેશા તારી આંખોમાં એક ન કળી શકાય એવો વિષાદ જોઉં છું અને તું દર વખતે મારા અમુક પ્રશ્નોને ટાળી દે છે, પણ આજે તો તારે મારા પ્રશ્નોના જવાબ આપવા જ પડશે.હું તને મારા સમ આપું છું અક્ષરા.. પ્લીઝ ટેલ મી શું વાત છે? પ્લીઝ શેર વીથ મી યોર પેઇન…” અક્ષરા સમ આગળ લાચાર બની ગઈ અને પોતાની વિતક કથા કહેવા લાગી,

“મુગ્ધાવસ્થાના અનેક સ્વપ્નો આંખોમાં લઈને હું આગળ વધતી માંડ એમબીએ કમ્પ્લીટ કરીને ફ્રી પડી ત્યાં સમાજના એક પ્રતિષ્ઠિત અને અમીર કુટુંબમાંથી મારાં માટેલગ્નનો પ્રસ્તાવ આવી ગયો. વેલનોન બિઝનેસ હાઉસ ‘શ્રી ત્રિલોકચંદ એન્ડ સન્સ’ના એકમાત્ર વારસદાર એવા દેખાવે ઠીકઠાક, ભીનેવાન તથા મધ્યમ કદ કાઠીધરાવતા ત્રીસ વર્ષના અનિમેષનું માગું મારાં માટે આવ્યું હતું. મારે એ સમયે જોબ કરવી હતી, મારી ઓળખ બનાવવી હતી, જોબ કરવી હતી આ રીતે લગ્નના બંધનમાં બંધાય જવું ન હતું, પણ મારાં મધ્યમ વર્ગીય માતાપિતાને મન આવા ખ્યાતનામ કુટુંબમાંથી આવેલું માગું જાણે સુદામાને ઘેર સ્વયં કૃષ્ણ પધાર્યા હોય એવું હતું. હું પ્રથમ મુલાકાતમાં જ અનિમેષની નજરમાં વસી ગયેલી પણ અનિમેષ મારાં મનમાં જગ્યા ન બનાવી શક્યો. મને એની વાતોમાં કૃત્રિમતા છલકતી હોય એવું લાગતું પણ માતાપિતાના દુરાગ્રહને વશ થઈને મારે સંબંધને સ્વીકૃતિ આપવી પડી અને અનિમેષ સાથે ધામધૂમથી પ્રભુતામાં પગલા માંડ્યા.

લગ્નની પ્રથમ રાતે જ અનિમેષનું સાચું રૂપ મારી સામે છતું થઈ ગયેલું. શરાબના નશામાં ધૂત અનિમેષ લથડિયા ખાતો રૂમમાં આવેલો અને મધુરજનીની આ રાતે એક ઓતપ્રોત પ્રેમીની જેમ તેના પ્રેમનો આસ્વાદ માણવાને બદલે એણે મારી પર પોતાનું પૌરૂષત્વ સાબિત કરવા માંગતો હોય એમ ખૂબ પાશવી રીતેસહશયન કર્યું. મારે મન એ બળાત્કારથી જરાયે કમ ન હતું. એ આખી રાત હું સૂઈ ન શકી. ઓશિકું ભીંજાતું રહ્યું અને જાગતી આંખે સવાર થઈ ગયું. મારાં સ્વપ્નોનો મહેલ જાણે ધરાશાયી થઈ ગયેલો અને હું એના કાટમાળમાં દબાઈ ગયેલી.હું તો એ જ દિવસે પિયર જતી રહેવાની હતી પણ પપ્પાના હૃદયરોગના લીધે મેં ચૂપચાપ પરિસ્થિતિ સંભાળવાનો નીર્ધાર કર્યો. સવારે અનિમેષનો નશો ઉતરતાં એણે એના રાતના વર્તન માટે માફી માગી અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવું નહીં થાય એવું વચન આપ્યુંએટલે મને હિંમત અને આશા મળેલી.
થોડા દિવસ બધું બરાબર ચાલ્યું પણ ફરી એક રાતે અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને મારાં પર પાશવીબળાત્કાર ગુજાર્યો. એ ઓછું હોય એમ હું કહી પણ ન શકું એવી જગ્યાએ મને સિગારેટના ડામ આપ્યા. હું ચીસો પાડતી રહી પણ મારી ચીસો બંગલાની ઊંચી દિવાલોમાં ગૂંગળાઈને રહી ગઈ. એ સિલસિલો રોજ ચાલુ થઈ ગયેલો. લગ્નનાં ફક્ત છ માસમાં હું એક જીવતી લાશ બની ને રહી ગયેલી. સિગારેટના ડામ શરીરની સાથે દિલ પર પણ લાગ્યા હતા. .અનિમેષે મને બંગલામાં કેદ કરી રાખી હતી. હું ના તો કોઈને મળી શકતી હતી ના કોઈ સાથે વાત કરી શકતી હતી.

જેમ તેમ કરીને હું દિવસો કાઢતી હતી ત્યાં એકગોઝારી રાત એવી આવી જેણે મારી જિંદગી જ બદલી નાખી. એ રાતે ફરી અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને મને જબરદસ્તી સહશયન માટે મજબૂર કરવા લાગ્યો. પણએ દિવસે હું એના તાબે થવા તૈયાર ન હતી. મેં પ્રતિકાર કર્યો એટલે અનિમેષે લેધર બેલ્ટ કાઢી મને એકદમ ઝનૂનથી મારવાનું શરૂ કર્યું. સ્વબચાવમાં મેં મેટલનું સ્ટેચ્યુ લઈ અનિમેષના માથા પર પ્રહાર કર્યો અને હું પણ બેભાન થઈને ત્યાં જ ઢળી પડેલી. થોડાં કલાક બાદ હું હોશમાં આવી ત્યારે જોયું તો અનિમેષ ચત્તોપાટ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. થોડીવાર માટે તો હું સુન્ન થઈ ગયેલી પણ પછી હિંમત ભેગી કરીને પોલિસને અને મમ્મીને ફોન કર્યો. થોડી જ વારમાં પોલિસ આવી પહોંચી. મારાં અને એનિમેશન માતાપિતા પણ બંગલે આવી પહોંચ્યા હતાં. મેં મારી આપવીતી કહી સંભળાવી ત્યાં અનિમેષ ભાનમાં આવ્યો. મેં એની વિરુધ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો અને એની ધરપકડ કરવામાં આવી.

પોતાના વંઠેલ દીકરાની કરતૂતથી ખૂબ શરમિંદા અનિમેષના માતાપિતાએ
‎મને પિયર જવા દીધી.  બંને માતાપિતા મારી હાલત સમજતાં હોવાથી મને થોડી હિંમત મળેલી. મેં અનિમેષથી છૂટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. જો કે અનિમેષ કાંઈ એમ સહેલાઈથી હાર માને એમ ન હતો. એણે પોતાની વગ વાપરીને ઘરેલુ હિંસાનો કેસ દબાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. એ ઓછું હોય એમ છૂટાછેડાના કેસમાં પણ એણે મને ચારિત્ર્યહીન સાબિત કરવાની પૂરો પ્રયત્ન કર્યો પણ આખરે સત્યની જીત થઈ. એક વર્ષની લડત બાદ મારી એની જીત થઈ અને અનિમેષથી છૂટકારો મળી ગયો.

આ સમગ્ર બનાવથી મારા માનસ પર  એટલી હદે ખરાબ અસર થયેલી કે મને આખી પુરુષજાત પ્રત્યે ઘૃણા થઈ આવેલી. હું થોડાં મહિના અહીં અમારા એક સંબંધીને ત્યાં બરોડા આવી ગયેલી. છ મહિનાના કાઉન્સેલિંગ પછી માંડ હું નોર્મલ થઈ શકેલી.  માતાપિતાના પ્રોત્સાહનથી હું મારું જોબ કરવાનું સપનું સાકાર કરવા તરફ આગળ વધી. અને આપણી કંપનીમાં કોમર્શિયલ આસિસ્ટન્ટની પોસ્ટ મળી ગઈ. એકલી સ્ત્રી  એટલે અહીં પણ ડગલે ને પગલે મારે લોકોની બેહૂદી નજર અને નિરર્થક સવાલોનો સામનો કરવો પડતો હતો પણ મેં મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે ગમે તે થઈ જાય હું હિંમત નહીં હારું. મારી કાર્યદક્ષતા અને કાબેલિયતના દમ પર  સીઈઓ અને ત્યારબાદ ડાયરેક્ટરની પોસ્ટ પર બઢતી મળી ગઈ. ડિરેક્ટર બન્યા બાદ કંપની તરફથી બરોડાના પોશ એરિયામાં ગણાતા એવા હરણી રોડ પર ફુલ ફર્નિશ્ડ લકઝરી ફ્લેટ અને કાર મળી. જોકે આ છ વર્ષના ગાળા દરમિયાન મેં માતાપિતા બંનેને ગુમાવી દીધા એનો વસવસો છે.”

અક્ષરા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી અને એ જોઈને અક્ષતની આંખો પણ છલકાઈ ઊઠી. અક્ષતે એને સાંત્વના આપી અને શાંત પાડી. રાત બહુ થઈ ગઈ હતી પણ અક્ષરા સ્વસ્થ ન થઈ ત્યાં સુધી અક્ષત એની પાસેથી ખસ્યો નહીં. અક્ષરાએ પોતાની જાતને સાચવી અને એ આખી રાત અક્ષત સૂઈ ન શક્યો બસ પડખાં જ ફરતો રહ્યો. સવાર પડતાં જ એણે અક્ષરાને ફોન કર્યો. અક્ષરા આગળ કાંઈ કહે એ પહેલાં જ એણે અક્ષરાને કહ્યું, “ અક્ષરા, આઇ લાઇક યુ એન્ડ આઇ લવ યુ વેરી મચ. હું તારા દુ:ખમાં તો ભાગીદાર ન બની શક્યો પણ મારા તમામ સુખ અને મારી આખી જીંદગી હું માત્ર તારી અને તારી સાથે જ શેર કરવા માંગું છું. સો અક્ષરા, વિલ યુ બી કાઇન્ડ ઇનફ ટુ મેરી મી? અક્ષતની વાત સાંભળી અક્ષરા સ્તબ્ધ થઈ ગઈ અને કાંઈ જ બોલી ન શકી ને એણે ફોન કટ કરી નાખ્યો. અક્ષરાનું આવું વર્તન અક્ષત માટે અકલ્પ્ય હતું. એણે ફરી ફોન જોડ્યો પણ અક્ષરાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો.
એ દિવસે અક્ષરા ઓફિસ ન ગઈ અને બેડ પરથી સોફા પર ને સોફા પરથી બેડ પર સતત વિચારશીલ મગજે બેસવા સૂવાની ક્રિયા કરતી રહી. એ દરમિયાન એનું મગજ અનિમેષ–અક્ષત અને સમગ્ર પુરુષજાત વિશે તુલનાત્મક વિશ્લેષણ કરતું રહ્યું. અનિમેષની પાશ્વીયતા, અક્ષતની સૌમ્યતા, નિખાલસતા અને પ્રેમાળ સ્વભાવ પર હાવી થઈ જતી હતી. કદાચ એ જ અક્ષરાને અક્ષતનું પ્રપોઝલ સ્વીકારતા રોકી રહી હતી.

બીજી બાજુ અક્ષત આખો દિવસ આકુળ વ્યાકુળ બની અક્ષરાના ફોન-મેસેજની રાહ જોતો રહ્યો. અંતે તેની ધીરજ ખૂટી એટલે ઓફિસથી નીકળી સીધો જ તે અક્ષરાના ફ્લેટ પર પહોંચી ગયો. કેટલીયે ડોરબેલ વગાડી પછી અક્ષરાએ બારણું ખોલ્યું જાણે એ જાણતી જ હતી કે દરવાજાની સામે અક્ષત જ ઊભો હશે. પણ એનો સામનો કરતાં ખચકાતી હતી. દરવાજો ખોલતાંની સાથે જ જેવી બંનેની નજરો એક થઈ કે અક્ષરાનો તમામ ખચકાટ અશ્રુ બની આંખોમાંથી વહી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના એ અક્ષતને વળગી પડી અને તેને જાણે મૂક સંમતિ આપી દીધી. અક્ષતે પોતાની અંદર રહેલી તમામ લાગણી સાથે અક્ષરાનું માથું ચૂમી લીધું. કેટલીયે વાર સુધી બંને એકબીજાને વળગી અશ્રુધારા છલકાવતાં રહ્યાં.

એ સાથે જ એ અષાઢી મેઘલી રાતે ગોરંભાયેલા કાળા ડિબાંગ વાદળો પણ ધોધમાર વરસી પડ્યા. સમગ્ર ધરતી ધોવાયને ઉજળી થઈ ગઈ અને વનરાજી ખીલી ઊઠી જાણે કેટલીયે પાનખરો એકસાથે વીતી ગયા બાદ વસંત પૂરબહારમાં ખીલી ઊઠી હોય…!!!

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા -૨૭-વસુબેન શેઠ

મોટી બેન-વસુબેન શેઠ

છાયાને આજે મોટી બેનની ખુબજ યાદ આવતી હતી. નાનપણથી બન્ને બેનો ખુબજ હળીમળી ને રહેતી, તેથી આત્મિયતા ખુબજ હતી. માયાબેનની માયામાં છાયા ઘણી વખત વિચારે ચડી જતી,અને એનામાં ખોવાઈ જતી

આજે ખબર નહીં કેમ પણ બેનને મળવાની બેચેની હતી.ઓહ….ત્યાં તો એને યાદ આવ્યું આજે તો મોટી બેનનો જન્મ દિવસ છે. અષાઢી બીજ ના ઝરમરતા વરસાદમાં ચાંદામામાને જોઈને વિનંતી કરતી હતી અને ઝોલા ખાતી,પગ વાળીને છજામાં બેઠી બેઠી ગણ ગણવાં માંડી

આકળ વાકળ હાલત ભીંજવે,
વરસાદ ભીંજવે,
થરથર કરતો વરસાદ ભીંજવે।

એટલામાં દરવાજાની સાંકળ ખખડી હોય તેવો આભાસ થયો.છાયા સફાળી બેઠી થઈ ગઈ,અત્યારે કોણ હશે?,લાવને જરા જોઉં ,બારણું ખોલતાંજ છાયાની આંખો પહોળી થઈ ગઈ. મોટીબેનને જોતાજ ભેટી પડી,અને હાથ પકડી ને અંદર ખેંચી લાવી.

છાયા..મોટીબેન તમે નહીં માનો ,આજે આખો દિવસ તમારા જ વિચારો આવ્યા છે. લાગે છે તમને ટેલીપથી થઈ.

માયા..અરે મને કેમ યાદ કરતી હતી ?

છાયા મોસમના મુડમાં ગાવા માંડી પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં…યાદ આવ્યા.. તમે યાદ આવ્યા 

માયા -સારું ….મારી બેન મને યાદ કરે પછી મારુ મન કેમ રોકાય ?

છાયા,,આજે મારે તમારી સાથે પેટ ભરીને વાતો કરવી છે,ચાલો પેલા છજામાં બેસીને અલક મલકની વાતો કરીએ અને બાળપણને વાગોળીએ.

માયા,,,હા બાળપણની ખાટી મીઠી યાદો કેમ ભુલાય!

છાયા,,,મોટીબેન યાદ છે રોજ સાંજે આજ છજા માં બેસીને આપણે દાદી સાથે કેટલી વાતો કરતા,

માયા।….હું પણ કશુંજ ભૂલી નથી,દાદી ના ખોળામાં માથું મૂકીને એમની હુરટી ભાષામાં વાતો સાંભળતા,વાતો શરૂ થાય કે પછી બંધ કરવાનું નામજ નહીં। .

છાયા ,,,બોલવાનું બંધ કરવા માટે તો ખાયણીમાં પણ ખાંડી ને ખવડાવવું પડતું,

માયા,,,દાંત ન હતા એટલે,તેમાં પણ ભાગ પડાવતા,રાતે ઓટલા પર બેસે,ઓલબેન,પોલીબેન ને બોલાવે અને બધાને એકેક રકાબી ચા પાય ,ચા ના ખરા શોખીન હતા.

છાયા,અષાઢ મહિનો હોય ,વરસાદ આવું આવું થતો હોય. વાદળ ઘેરાયા હોય..અને ત્યાં વરસાદ  ધોધમાર વરસે  અને  વાતાવરણમાં ચોમેર  ઠંડકનો અનુભવ થાય..વાતાવરણ ટાઢોડ્યું થઇ જાય છે. એટલે તરત જ દાદી  રસોડામાં આંટો મારીને હળવે સાદે કહે આજે કંઇક ગરમાગરમ અને ચટપટું બનાવો. અને આપણને ખબર હોય તો પણ પૂછીએ શું બનાવું?અને દાદી તરત બોલે ગરમાગરમ ભજીયાં બનાવો અને દાદી આપણી પાસે ભજીયા બનાવડાવે,ભેગા મળીને બધા ભજીયા ખાય અને ચા ના સબડકા એવા મારે જાણે ગરબીમા તાલ પૂરતા હોય,.પાછો ચાનો પલાખો બનાવી ને બધાને સંભળાવી અને હસાવે.

માયા..પલાખાની વાતથી યાદ આવ્યું.. આપણી શાળામાં માસ્ટરજીએ તને એક થી દસ સુધીના પલાખા લખવાનું કહ્યું તો તે ચા નો પલાખો લખ્યો, યાદ છે ને? શું થયું હતું ??…

છાયા..એ તે કેમ ભુલાય!..ફૂટ પટ્ટી હાથ માં પડી હતી,…અને માસ્ટરજી પારસીબાવા, મારુ બાવડું ઝાલીને મને કહે ”જા પાતળીનું છેલ્લું ”

માયા..દાદીની ઘોડે સવારી કેવી પડે.સવારના પહેલે પોરમાં ખેતરની દેખ રેખ રાખવા નીકળી પડતા.પછી ભલેને વરસાદની મોસમ કેમ ન હોય…પાછળ જીવલો છત્રી લઈને દોડે…

છાયા..હા દાદી ને જોઈને હું પણ એકવાર ઘોડા પર બેસવા ગઈ અને ધબાક કરતી પડી,હજુ પગ માં નિશાન છે.

માયા …પેલા રામજીભાઈ નો રોટલો ચોરી ને ખાવાની કેવી મજા આવતી.

છાયા ..અરે એમના પત્ની,કાશી કાકી ,એક નંબરના ઝગડાખોર,બધા સાથે ઝગડા જ કર્યા કરે..એક દિવસ એની છત્રી કાગડો થઇ ગઈ તો આપણી છત્રી લઇને કહે આ મારી છે.એટલે આપણે એમને ઓરડામાં કેવા પુરી દીધા હતા.દાદીને આ વાત ની ખબર પડી ત્યારે અપને બન્ને માર ખાધો.

.તારે મેહુલિયા કરવા તોફાન,અમારા લોકના જાય છે જાન
કેમ કરી જાઉં નિશાળ ,ચંપલ મારી છબછબ થાય.
ધોયેલા કપડાં બગડી જાય.

બેન યાદ છે વરસાદ પડે એટલે ગેલમાં આવી જતાં ટાબરિયાંઓ ખુલ્લા ડિલે પલળવા નીકળી પડે છે અને

આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની-ઊની રોટલી ને કારેલાનું શાક…’

 ગાતાં-ગાતાં ભીંજાવાની મોજ માણે…

ઉની રોટલી તો સમજ્યા જમવામાં કારેલાનું શાક ?,બેન હજી સુધી મને એ સમજ નથી પડતી આ કારેલાનું શાક અને વરસાદને શું સંબધ ?..છાયા હા …એતો મને પણ ખબર નથી.. પણ પહેલા વરસાદ ભીની-ભીની ખુશ્બુ ની મજા કાંઈક અલગ છે…છબછબયાની મજા …એ કાગળની હોળી બનાવવાની.. તરાવાની મજા અને   માયા પેલું ગીત યાદ છે તું ખુબ ગાતી …

આવ્યો રે વરસાદ, લાવ્યો પાણીનો પ્રસાદ
ઠેર ઠેર વરસ્યો છતાં થાક્યો ન વરસાદ.

બેન મોટા થઈએ એટલે વરસાદની પરિભાષા જ જાણે બદલાઈ ગઈ.હવે પલળવું એટલે રોમાન્સ ,અને એમાં કોઈ આપણને જોતું હોય તો ..શરમાવાનું … .ક્યારેક તો એવું થતું કે કોઈની સાથે પલળી જઈએ, રોમેન્ટીક થવાની મોસમ જાણે ન આવી હોય ?. સીધો સાદો માણસ પણ આ ઋતુમાં જેવો વરસાદનાં બે છાંટા પડે કે એનામાં રહેલો પ્રેમી જાગે છે અને પોતાનાં પ્રિયતમને યાદ કરી પ્રેમના ગીત કરવા માંડે..  હાથમાં હાથ પરોવીને ધોધમાર વરસાદમાં ગાવા માંડે

“‘ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ”‘

હા અને લગ્ન થાય પછી…પલળવાની ઈચ્છતો થાય પણ વરસાદ કોઈની યાદ લઈને આવે

 પાન લીલું જોયું ને પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

બેન વરસાદની મોસમ શિયાળાની ઋતુની જેમ બિલ્લી પગે થોડી આવે . એ તો આવે છે રાજા-મહારાજાની જેમ ઢોલ-ત્રાંસા-પડઘમ-નગારાં લઈને,વાદળોના ગળગળાટ અને વીજળી ના ચમકારા સાથે આવે.અને સુરજ કેવો વાદળ પાછળ છુપાઈ જાય!

આમ અલકમલક ની વાતો કરતા અડધી રાત વીતી ગઈ.છાયા ની આંખો ઘેરાવા લાગી,બેનના  ખોળામાં માથું મૂકી ને સુઈ ગઈ.સવાર પડતા દુધવાળાએ સાંકળ ખખડાવી.છાયા ઝબકીને જાગી ગઈ.મોટીબેનને ન જોતા માન્યું કે કદાચ ઓરડામાં જઈને સુઈ ગયા હશે.ચૂપ ચાપ દૂધ લાવી ને રસોડા માં મૂકીને ઓરડામાં જોવા ગઈ તો ત્યાં પણ બેન ને ન જોયા।.એટલામાં છાયાનું ધ્યાન એના વસ્ત્રો પર પડ્યું ,વસ્ત્રો ભીંજાયેલા જોઈ ને વિચાર આવ્યો।….આ વસ્ત્રો ભીના કેવી રીતે થયા ?….શું હું આખી રાત છજામાંજ સુઈ રહી?…એ વિચારમાં પડી ..ત્યાં તો ફોન પર નજર પડી,ફોનની રેડ લાઈટ ઝબુકતી હતી ..એટલે કોઈનો મેસેજ હતો…

તમારા માયાબેન અવસાન પામ્યા છે….આપ અહી આવી જાવ….

છાયા  મનોમન બોલી આ તે કેવી વિડમ્બના.રાતે મેં જે અનુભવ્યું તે શું સ્વપ્નું હતું એવી તે કેવી હું ભાવવિહોણી બની ગઈ કે મને સ્વપ્ન અને સત્ય નું ભાન જ ન રહ્યું.

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા -૨૬

અષાઢી મેઘલી રાત !

પંખીઓએ કલશોર કર્યો ભાઈ ;

ધરતીને સૂરજ ચૂમ્યો !

જેઠ મહિનાની કાળઝાળ ગરમી !  અસહ્ય ઉકળાટ ! ! ઘેરાતાં, વિખરાતાં અને વળી આશા આપતાં ઓલા વરણાગી વાદળાં! અને પછી  અચાનક જ આકાશમાં   માઝા  મૂકી ઉભરાઈ આવતાં  ઘનશ્યામ ! ઓહો ! વાદળના ગડગડાટ અને વિજલડીનાં ચમકારા , ગાંડો બનીને  ફૂંકાતો ઓલો વંટોળિયો અને ત્રાટકી પડ્યો વિયોગી મેઘ ! આંઠ આંઠ મહિનાની વિરહિણી અવની મિલન સાથે જ મહેકી ઉઠી ! જાણે કોઈ પ્રોષિતભર્તૃકા પિયુ મિલનથી ખીલે એમ ! વરસાદના પહેલાં છાંટણાઓથી  ભીંજાઈ આછું આછું  શરમાતી ધરતીમાં મહેકી ઉઠી માટીની સુવાસ !   અને એ અષાઢી સાંજને સૌ કવિઓએ ચગાવી છે એમની કલમે , પણ  નીનુ મજમુદારે   તો જાણે સૌના મનની વાતને ચગાવી , ચગળી છે !

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો ;

શરમની મારી ધરતીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો !

પહેલાં તો  જાણે  એ મીઠી લજ્જાથી  લાલ પીળાં મેઘધનુષને ચાડી ખાવા દે છે;  ફૂલડાંને પણ મહેકવા દે છે ;પણ પછી?

તાળી દઈ કરે ઠેકડી તીડો ; અને? અને  તમરાં સિસોટી મારે !

નવ યૌવના નાં લાવણ્ય પર મોહિત  તમરાં અને તીડ ! અને આ તમાસો જોવાં આગિયા ચાલ્યાં .. ઓલા કૂથલી કરતા સમીરની વાંહે!

પણ અરે ! આતો અષાઢની માદક મસ્ત રજની ! કોઈને કહેવું હોય તે કહે ; કામદેવ અને રતિ ક્યાં કોઈથી ડર્યા છે? અને  -પ્રગટ્યા દિવા કૈક ચપોચપ ; ઉઘડી ગગન બારી !  ને એ રાતલડીનાં  અંધકારની ઓથે કંઈક શમણાં ગવાય છે.,

અહો  વૈચિત્ર્મ !

આ કુદરતની રમણિયતા અને સંગીતના સુર .. પઁખીના ટહુકા , અગિયાઓ, સાંજના સમીરના સ્પર્શ  અને એ અષાઢી સાંજ ! નથી ભુલાતાં આજે અર્ધી સદી બાદ પણ! એ સમી સાંજે હું મેડીએ સુવા આવી હતી .. મારી સુંવાળી  પથારી , મહેંકતી હવા , ને દિવસભરના થાકને વિસામો આપ્યો .. બાજુની મેડીએ થી રેલાતું ગીત : તમે કહો તે સાચું વ્હાલમ ; તમે કહો તો હાર્યાં!  અને દબાતે પગલે પિયુંનું પ્રવેશવું ..અર્ધી સદી પછી પણ એ સાંજ વિસરાતી નથી .. અને  વર્ષા ઋતુના  એક પછી એક તહેવારોને લઇ આવતી એ, સ્વયમ કોઈ તહેવાર વિનાની  અષાઢી સાંજ , એક ઉત્સવ બની ગઈ !

વાહ ઓ સૃષ્ટિના સર્જનહાર ! વારી જાઉં છું તારી ઉપર જયારે જયારે વર્ષાનાં વધામણાં લઈને તું પૃથ્વી પર અવતરે છે!  પોણી સદીની આ જીવનયાત્રામાં ઘણી લીલી સુકી જોઈ ; નજરમાં હરિયાળી ભરીશું તો નજારા હરિયાળા  લાગશે ; નહીંતો આષાઢનાં તાંડવઃ નૃત્યમાં સઁગીતની સરગમ શોધવી સરળ નથી!

 

૨૬ – શબ્દના સથવારે – પગરખાં – કલ્પના રઘુ

પગરખાં

best-mens-shoes-footwear-street-style-2

પગને રાખે તે પગરખાં. પગરખું હમેશા જોડમાં હોય છે. જોડાં, જૂતાં, કાંટારખું, ખાસડું, પાદત્રાણ, મોજડી, ઉપાન, સેન્ડલ, પાવડી, ચપ્પલ, ચાખડી, બૂટ, સ્લીપર, સપાટ, પાદુકા તેમજ પગનું રક્ષણ કરે એવું ચામડાનું ટૂંકુ મોજું એટલે પગરખાં. પગની એડીની પાછળથી પટ્ટા વડે બાંધેલો જોડો, પાદરક્ષક કહેવાય. ઘસાઇ ગયેલાં જોડાને ખાસડાં કહેવાય. અંગ્રેજીમાં ‘Footware’ કે ‘Shoes’ એટલે પગરખાં.

પગરખાંનાં પણ અનેક પ્રકાર હોય છે. બેલેટ ફ્લેટ, સેન્ડલ્સ, હન્ટર બૂટ્સ, સ્લિંગ બેક્સ, પેન્સીલ હીલ, ચક્સ ટેલર ટુ ફોલ્ડ, પ્લેટફોર્મ, બૂટકટ, સ્નીકર્સ, સ્પોર્ટસ, ડાન્સ માટેનાં, સ્નો પર સરકવાનાં, આમ વિવિધ જાતનાં પગરખાં તેમજ એક્યુપ્રેશર માટેનાં ખાસ જૂતાં બજારમાં મળે છે. જૂતાં બનાવનારને મોચી કહેવાય. બાટા અને હશ પપીઝથી માંડીને અનેક બ્રાન્ડેડ કંપનીનાં પગરખાંની વિવિધ ઋતુ અને પ્રસંગ પ્રમાણેની માંગ હોય છે. સ્ત્રીઓ માટે શોખની વસ્તુ ઘરેણાં પછી પગરખાં આવે છે. ફેશનમાં હોય તેવાં દરેક પ્રકારનાં મોંઘા અને આકર્ષક પગરખાં પોતાંનાં વોર્ડરોબમાં હોય તે મહિલા માટે જરૂરી થઇ ગયું છે.

ગરમી હોય કે ઠંડી, રાજા હોય કે રંક, સમગ્ર વિશ્વની દરેક પ્રજા માટે પગરખું અનિવાર્ય અંગ રખું બની ગયું છે. પગરખાંમાંથી ક્યારેક અપ્રિય ગંધ આવે છે તેમજ તે ફંગલ રોગોનાં સ્ત્રોત બની જાય છે માટે પગના આરોગ્યને બચાવવા ૠતુ અને સમય અનુસાર તેની યોગ્ય સંભાળ લેવી જરૂરી છે.

પગરખાં, માનવનાં પગની રક્ષા કરીને જનસેવાની ભેખ ધારણ કરે છે. કોઇ રોમીયોને ધીબી નાંખવા અને પ્રેમીને ખુશ કરવા સ્ત્રીનું હાથવગુ શસ્ત્ર તેનુ જૂતું હોય છે. સ્ટેજ પરનો કાર્યક્રમ બંધ કરાવવા તેમજ પ્રવચનમાં અણગમો વ્યક્ત કરવા માટે જૂતાં ફેંકતા લોકોને જોયાં છે. રાજકારણીઓને ખાસડાં મારીને પ્રજા રોષ વ્યક્ત કરતી હોય છે. પહેલાં ખાસડાંનો હાર પહેરાવીને, ગધેડા પર ઊંધો બેસાડીને, ગામમાં ફેરવવાની સજા થતી. સજા સ્વરૂપે જૂતાં મારતા અને તેનાથી પણ આકરી સજા રૂપે, માણસને મોંથી પગરખું ઉપડાવીને ગામમાં ફેરવવામાં આવતો. ગુજરાતનાં વીસનગરમાં ધૂળેટી પર્વે યુધ્ધનાં સ્વરૂપે જૂતાં મારવાની પરંપરા છે.

ઘણાં લોકો જૂતાં નહીં પહેરવાનું વ્રત રાખતાં હોય છે. માંડવામાં વરરાજાનાં જૂતાંની ચોરીની રસમની મજા જ કંઇ ઓર છે. જૂતાં સંબંધિત અનેક માન્યતાઓ હોય છે. જૂતાં ચોરાય એટલે પનોતી ગઇ એવું માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિગ્રહથી પીડીત વ્યક્તિએ જૂતાંનું દાન કરવું જોઇએ. અનેક પરિવારોમાં ઘરની અંદર પણ જૂતાં પહેરવાનું ચલણ વધ્યું છે, તેને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મમાં, વાસ્તુશાસ્ત્ર અને વૈજ્ઞાનિક રીતે જોતાં તે હિતાવહ નથી. ઘરમાં મંદિર, રસોડું, તીજોરી હોય છે. ઘર બહારનાં જૂતાંમાં બેક્ટેરીયા હોય છે જે વ્યક્તિનાં લોહી અને જાનવરોનાં મળમાંથી મળે છે, જે જૂતાં સાથે ઘરમાં પ્રવેશી ભોજન તેમજ પથારીમાં ચીટકી જાય છે. બહારની ગંદકી ઘરમાં ફેલાય છે. જેમાંથી અનેક પ્રકારનાં ઇન્ફેક્શન સંબંધિત રોગો થાય છે તેમજ નકારાત્મક ઉર્જા ફેલાય છે. માટે ઘરની અંદર અને બહાર પહેરવાનાં જૂતાં અલગ રાખવા જોઇએ. પહેલાં ૠષિઓનાં જમાનામાં તેમજ પોળનાં ઘરોમાં બહાર ચોકડીમાં પગ ધોઇને ઘરમાં પ્રવેશ થતો.

પગરખાં, ગરીબ હોય કે તવંગર, મંદિરમાં જતાં પહેલાં, બહાર ઉતારે જ છૂટકો. કેટલાંક ભક્તો દર્શન કરે પણ ધ્યાન જૂતાંમાં હોય છે. ગુરૂદ્વારમાં અમીર માણસ પણ બહાર જૂતાં વ્યવસ્થિત ગોઠવવાની સેવા કરતો હોય છે. ચરણ, પાદુકા અને સેવાનો સઘન નાતો છે. તેમાં અહંકાર નાશ પામે છે અને શરણાગતિનો ભાવ જાગે છે. આ સેવાથી વિવેક આવે છે. સેવાનો ભાવ જાગે ત્યારે હનુમાનજી જાગૃત થાય છે જે સદાય રામાવતારમાં રામનાં દાસ બનીને બેઠા છે.

પાદુકાની પૂજા એ અધ્યાત્મનું એક મોટું રહસ્ય છે. એક જમાનો હતો જ્યારે ભરતે, રામ વનવાસ ગયાં ત્યારે રામની પાદુકા રાજગાદી પર મૂકીને રાજ્ય ચલાવ્યું હતું. ભરતજીનો પ્રેમ એવો હતો કે જડ પાદુકા ચેતન બની જાય. રામવિરહમાં ભરતજી વ્યાકુળ થતાં ત્યારે પાદુકામાંથી રામ પ્રગટ થતાં. રામચરિતમાનસમાં કરૂણાંનિધાનની ચરણપીઠ એટલે પાદુકા માટે કહ્યું છે, પાદુકા પવિત્ર પ્રવાહી પરંપરાનું નામ છે, ધારા છે. પાદુકા જડ નથી. તે જીવનનો આધાર બની શકે. તે બધુ કરવા સમર્થ છે. પાદુકા, લાકડાની હોય કે અન્ય કોઇ ધાતુની, તેનાં સ્પર્શ માત્રથી તમારામાં જે તે સંતની પ્રાણ શક્તિનો, ચેતનાનો સંચાર થાય છે.

નવોઢા પિયરનાં પગરખાં પહેરીને પતિગૃહે આવે છે. અને તેનાં મૃત્યુ બાદ પણ તેની પાછળ તેના પિયરનાં પગરખાંનુ દાન કરવામાં આવે છે. પહેલાનાં જમાનામાં પુરુષ પત્નીને પોતાના પગનું પગરખું સમજતો. મનમાં આવે ત્યારે પહેરે, અંગરખું બનાવે નહીં તો કાઢી નાંખે! આજ વાતનું પ્રતિબિંબ આજનાં સમાજમાં જોવા મળે છે. સ્ત્રી પુરુષને પગરખું બનાવી રહી છે! પગરખું પગમાં જ શોભે, પાદુકા શિરે હોય.

અવલોકન -૨૧-નીંદણ

       વસંત આવી ગઈ છે. ઘાસ લીલું થવા લાગે તે  પહેલાં જંગલી છોડમાં  [ weeds ]   ઘણી વહેલી ફૂટ આવી ગઈ છે. ઘાસનાં પાનથી બેકયાર્ડમાં હરિયાળી છવાઈ જાય, તે પહેલાં એમનું સામ્રાજ્ય ઘણું ઊંચું થઈ ગયું છે.

     આમ જ બનતું હોય છે. દુર્ગુણો, દુરાચાર, અસહિષ્ણુતા, નકારાત્મકતા …. એ બધાંની સેના વધારવા અને આગળ ધપાવવા કોઈ માવજત કે તાલીમ જરૂરી નથી હોતાં. એના કોઈ ટ્યૂશન ક્લાસ ચલાવવા નથી પડતા! એ તો હાવ ‘મફત’માં મળી જતું ગનાન હોય છે. સમાજ સુધારકો, યુગપ્રવર્તકો, મુઠ્ઠેરી ઊંચા મ્હાનુભાવો સુધરવા માટે  કહી કહીને થાકયા અને ….વિદાય થઈ ગયા.

આપણે તો રામ એના  એ  જ !

ગીતા બહેન પુછતાં જ રહેશે –
‘આમ કેમ?’ !

બેકયાર્ડમાં હિંચકે ઝૂલતાં ઝૂલતાં આ વિચારના ઝોલે ચઢી જવાયું. મન અતીતમાં ગરકી ગયું. આવું જ કાંઈક પહેલાં પણ વિચાર્યું હતું , તે યાદ આવી ગયું . આ રહ્યું –


     છેલ્લા અઠવાડિયા કે દસ દિવસથી શિયાળો પૂર બહારમાં છે. સવારે ઊઠીએ ત્યારે ય થર્મોમિટરનો કાંટો ચાલીશ અંશ ફે. ની નીચે જ હોય. રાત્રે તો ૩૨  ની નીચે થઈ જતો હશે. ઘાસનું એક તણખલું પણ લીલું નથી. બધાં ઝાડ સાવ બોડાં બની ગયાં છે. બધું સાવ સુક્કું અને નીરસ લાગે છે.

      પણ આ સુક્કાભંઠ ઘાસની વચ્ચે રડ્યુંખડ્યું જંગલી નીંદણ લીલુંછમ્મ છે. તેની ઉપર આ ગાત્રો થીજવી દેતી ઠંડીની કોઈ જ અસર થતી નથી. તેની પ્રતિકારશક્તિ અનન્ય છે. એને કોઈ માવજતની જરુર નહીં. એ તો ગમે ત્યાં અડાબીડ ઉગી જાય. કદાચ ઝાકળનું પાણી પીને પણ એનો ગુજારો થતો હશે! ખેતરનો બધો રસકસ ચૂસી લે. જંગલી ઝાડીઓમાંય આમ જ હોય છે ને? ગમે તેવા ઉપવનને વનમાં ફેરવવાની તેની શક્તિ અજોડ છે!

    અમે તો કેટલીય વાર એને કાઢી મુકવા ઝેરી રસાયણો છાંટ્યાં. પણ એ રામ તો એના એ.  આપણી જમીનમાંથી વિદાય લઈ લે, તો પાડોશીના પ્લોટમાંથી એ તો ઊડતાં ઊડતાં આવી જાય –  પેલા ગ્રીક ફિનિક્સ પંખીની જેમ. એ તો બળી જાય તો પણ  રાખમાંથી નવજીવન પામી જાય.

      માટે તો ખેતરોમાં અને બગીચાઓમાં પાક ઊગાડવા જેટલું જ નીંદામણ કરવું અગત્યનું હોય છે. એ રાક્ષસી માયાને વધવા ન જ દેવાય. બધા રસ્તા અજમાવી એને તો ઝબ્બે જ કરવી પડે.

      એ વખતે અહિંસાને પરમ ધર્મ ન બનાવી દેવાય !

દુર્જનો અને દુર્ગુણોનુંય આમ જ છે ને?

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૫-પ્રજ્ઞા દાદભાવાળા

કુળદીપક

પાર્કના બાંકડે બેસતા અચાનક ઝાપટુ આવ્યું અને તૃપ્તિ ઠેઠ અંદર સુધી પલળી ગઈ વાદળની બુંદોએ તો માટીને મહેકતી કરી દીધી, પણ આજે  દિલની યાદોએ તૃપ્તિની પાં૫ણોને વહેતી કરી દીધી, એ ઉભી થઇ ચાલવા માંડી, નિરજની આંખો પુછશે કેમ પલળ્યા હતા? તો શું કહું ? અને એ ઘર તરફ ચાલવા માંડી, ઝટ કપડા બદલાવી, જમી પરવારી નિરજને છેલ્લી દવાનો ડોઝ આપી બાલ્કનીમાં આરામ ખુરસી પર બેઠી અને મેઘને નીરખી રહી… વિચારો તૃપ્તિને ઘેરી વળ્યા.

આ મેઘ પણ કેવો છે ? મન ફાવે તેમ વરસે છે ?ક્યારેક છાંટણે, તો ક્યારેક ઝાપટે, તો વળી ક્યારેક કહ્યા વગર મુસળધાર વરસી આખાને આખા ભીંજવી જતો રહે છે.

નિરજને દરિયો ગમે અને તૃપ્તિને વરસાદ,મેઘ સાથે તૃપ્તિનો એક જુદો જ સંબધ છે. એની જિંદગીનો અનેક પ્રસંગનો સાક્ષી ,ઘેરાયેલા મેઘને  જોતા જ મનમાં અનેક વિચારો આવે પવન સાથે અનેક લહેરો ઉઠવા માંડે.

નિરજ સાથે લગ્ન થયાને ૩૮ વર્ષ વીતી ગયા…તૃપ્તિ મનોમન બોલી સમય જતા વાર ક્યાં લાગે છે? એના દીકરા કુલના લગ્નને પણ પાંચ વર્ષ થઇ જશે. આમ જોવો તો નિરજને લગ્નના ૩૮વર્ષમાં સદાય પથારીમાં જ જોયા. નિરજ અકસ્માતથી થયેલી ગંભીર ઈજાને કારણે અપાહિજ થઇ ગયા, એમનો અવાજ અને અને અડધું શરીર બધું જ જાણે મૌન બની ગયું. આમ નિરજ પહેલેથી ખુબ ઓછું બોલતા અને હવે બિલકુલ નહિ હવે તો અમારી વચ્ચે શબ્દો ખરી ગયા, માત્ર મૌન ઊગે છે. મારા અને નિરજના સંબંધને જાણે નવું રૂપ મળ્યું  નિઃશબ્દતાનું ..

અમે દરોજ સાંજે સાથે દરિયા કિનારે આવીએ છીએ,મને ખબર છે નિરજને ઢળતો સુરજ ખુબ ગમે છે. છતાં ક્યારેક મારાથી પુછાઇ જવાય છે, ગમે છે ? કોઈ જવાબ ક્યાંથી મળવાનો ? છતાં પૂછું છું, નિરજ મારી આંખોમાં થોડી વાર તાકી રહે છે અને હું એની હજાર સવાલો ભરી નજરને જીરવી ન શકું ત્યારે નજર ઢાળી દુઉં છું.

અમે શહેરથી થોડે દુર દરિયા કિનારે આથમતો સૂર્ય જોવા પહેલા પણ આવતા આ કિનારો રજાના દિવસો સિવાય ખાસ ભીડ ભાડ વાળો ન રહેતો.અહી અમને એકાંત મળતું ,અમે એકબીજાની નિકટ આવવા અહી આવતા.હું ઈચ્છતી કે મારી નજીક આવી પીઠ પસવારે અને મને એમની બાહોમાં ખેચી લે…ન તો મને એ અડપલા કરતા કે ન એમણે મને એમની પાસે કદી ખેચી ..અમારા બંનેની હાલત નહિ વરસેલા મેઘ જેવી હતી ,અમને ભીજાવું હતું તરબર..પણ અમે સાવ કોરા જ રહેતા ક્યારેક ગોરંભયેલું ગગન વરસવા આતુર દેખાતું ,પણ કશું જ નહિ અને ન વરસેલું અષાઢી આકાશ જાણે એમની અવસ્થા પ્રગટ કરતુ. એમને વરસવું હતું અને મને ભીજાવું..  

મને મેઘ ગમતો અને નીરજને દરિયો.દરિયા કિનારે બેસીને દરિયાને જોયા કરવું નીરજને પહેલા પણ ગમતું અને આજે પણ ખુબ જ ગમે છે દરિયાના ઉછળતા મોજાનો અવાજ,ભીની રેતી માં પડતા પગલા,દરિયાની ખારી હવા, કિનારાના નારીયેળીના ઝાડ અને કિનારે બેસી કલાકો સુધી દરિયા ને નિહાળ્યા કરવો, એમાં ખોવાઈ જવું એને અજબ ખુશી આપે છે.પહેલા અમે થોડી થોડી વાતો કરતા પણ હવે અમે બંને મૌન રહીએ છીએ તોપણ ગમ્યા કરે છે. વ્હીલ ચેર,આ સ્થિતિ ..આ વાતાવરણ, આ જ સંબંધ !

હું નાની હતી ત્યારે ઘણી વાર મારી મમ્મીને કહેતી વરસાદ અને દરિયામાં ભીંજાવું કોને ન ગમે ? મારી મમ્મી મને પલળવા ન દેતી કહેતી માંદી પડીશ દવાના પૈસા ક્યાંથી લાવશું. પવન સાથે બારીઓ ભટકાય અને વાછટ ઘરમાં આવી જાય ત્યારે હું બસ આનંદ લેતી.

 મને ઘણીવાર નવાઈ લાગતી નિરજ દરિયાના ઘુઘવાટને સહી સકતો હશે ? મને થતું કે હું નિરજને સમજી નથી શકી એને જોયે રાખતી પણ નિરજ જાણે મને સમજી ગયો હતો. મારા હાથ પર પોતાનો હાથ મૂકી ગુપચુપ બેસી રહેતો.નિરજ આમ પણ પહેલેથી શાંત સરળ સ્વભાવનો હતો અને પ્રેમાળ પણ ખરો, માત્ર ઓછુ બોલે, ઘરમાં પણ એની હાજરી ન વર્તાય.પણ મારા કાન સદાય એના પ્રેમભર્યા શબ્દો સાંભળવા તરસે,.પ્રેમ ઝંખે,મારા હૃદયને જોઈએ ઝાકળની હળવાશ, પંખીના ટહુકાનો સહવાસ, બસ મુસળધાર વરસાદ આવશે અને હું આખેઆખી ભીજાય જઈશ..પણ એવું કશુંય ન થયું, હું કશું જ બોલતી નહિ, કદીયે એને ફરિયાદ પણ કરતી નથી બસ રાહ જોતી એ દિવસની.

અમારા  લગ્ન પણ એવા સંજોગોમાં થયા કે ગમવા ન ગમવાનો કે જાણવા કે ઓળખવાનો કોઈ અવસર જ ન મળ્યો.આમ પણ પપ્પાની માંદગી સાથે અમારો પરિવાર બે છેડા સાંધી જીવતો હતો ..”મારી  નોકરી ન હોય તો”?,..એ વિચાર માત્ર અમને સૌને ધ્રુજાવી નાખતો. મારા પપ્પા ઘણીવાર કહેતા મારી દીકરી ખુબ ડાહી છે,તને ભગવાને માત્ર સુંદરતા નહિ પણ સમજણ પણ આપી છે બેટા અને હું મનમાં કહેતી મારી સહનશક્તિ મને ગરીબાઈએ ભેટમાં આપી છે.હું કોણ જાણે બધી છોકરીઓની જેમ ન હતી, થોડી અલગ. હરવું ફરવું નખરા મેં ક્યારેય ન કર્યા.ઓફિસમાં પણ કામ સાથે કામ.મમ્મી કહેતી તને નાની ઉંમરે ડા’હાપણ ની દાઢ ફૂટી ગયેલી.મારી આ ડા’પણની દાઢોએ એટલું શીખવાડી દીધેલું કે ક્યારેય ક્યાંય માંગવું નહિ. ઓફિસમાં ઘણા કહેતા તૃપ્તિના મોઢામાં જીભ નથી.અવ્યક્ત રહેવું જ જાણે મારો સ્વભાવ બની ગયો અને કહું તો પણ કોને કહું ?  

હા, એટલે જ શેઠ કદાચ મારું વધારે ધ્યાન રાખતા,મારા શેઠને કદાચ મારી ઘરની સ્થિતિની જાણ હતી અને એમના પગારમાં અમારું ઘર ચાલતું હતું એ પણ કદાચ જાણતા હશે,પરંતુ ક્યારેય જતાવ્યું કે કોઈ સામે નિર્દેશ સુધ્ધાં ન કર્યો.હા કામ ખુબ રહેતું ક્યારેક મોડું થઇ જાય તો શેઠ પોતે મુકવા આવતા અથવા ગાડીમાં ડ્રાઈવર જ મૂકી જતો. પપ્પાને ખબર હતી. કારણ હું ઘરે ન આવું ત્યાં સુધી બારીએ પપ્પા ઉભા રહેતા, એ જાણતા આજ માણસ જ અમારા ઘરને હર્યુભર્યુ રાખતો હતો, પણ એમણે શેઠને જોયા કે કદી મળ્યા ન હતા.હું ધારું છું,તેમ બીજા સામન્ય બાપની જેમ એ કદાચ વિચારતા હશે કે કાશ શેઠ જુવાન હોય તો સારું ! પણ ક્યારેય મને પૂછવાની હિમ્મત નહોતી કરી.હા મમ્મી આડકતરી રીતે ક્યારેક કહેતી તારા શેઠને ચા પીવા બોલાવતી હોય તો ?પણ મેં ક્યારેય આગ્રહ કરી બોલાવ્યા પણ ન્હોતા.હા મને શેઠજી ક્યારેક લંચમીટીંગ ના બહાને કોફી પીવા કે સારી હોટલમાં લઇ જતા અને વાર તહેવારે ભેટ પણ આપતા.શેઠના પત્ની એમના બાળકને જન્મ આપી મૃત્યુ પામ્યા હતા પરિવારમાં કોઈ નહોતું માત્ર દીકરો. શેઠે દીકરા ખાતર બીજીવાર લગ્ન નહોતા કર્યા.આમતો દેખાવડા ખુબ હેન્ડસમ હતા કેમ લગ્ન નહિ કર્યા હોય ? એવો પ્રશ્ન ઘણાને ઓફિસમાં થતો હું અમારી વાતોમાં ક્યારેય એમના પરિવારનો ઉલ્લેખ ન કરતી, કે જાણવાની કોશિશ પણ ન કરી.

 એક દિવસ પપ્પાની તબિયત બગડતા મમ્મીનો ફોન આવ્યો “બેટા તારા પપ્પાની તબિયત બગડી છે તું ઘરે જલ્દી આવી જાય તો સારું !” અને શેઠની ગાડીમાં હું ઘરે આવી. અમે ડૉ. પાસે લઇ ગયા અને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું શેઠે બધી જ સગવડતા કરી આપી. બે ત્રણ દિવસે ઘરે લાવ્યા ત્યારે શેઠે કહ્યું તમારા પપ્પાની તબિયતના ખબર પુછવા આવવું છે.તમે હા પાડો તો..

અને તે દિવસે શેઠ ઘરે આવ્યા પપ્પા એમને જોઈ ગળગળા થઇ ગયા મમ્મી મોટી ઉમરના પણ દેખાવડા હેન્ડસમ કહી શકાય તેવા શેઠને જોઈ રહી,રસોડામાં મમ્મી મને કહે તારા શેઠની ઉમર મોટી છે, પણ હસમુખા, મિલનસાર પ્રભાવશાળી વ્યક્તિત્વ છે અને ઉમર ખાઈ ગયા છે. પપ્પા શેઠનો આભાર વ્યક્ત કરતા ગળગળા થઇ ગયા, મારી તબિયત હવે સારી છે મને ખબર છે મારું શરીર જાજુ નહિ ઝીલે એક ઈચ્છા છે મારી હાજરીમાં મારા હાથે દીકરીને કન્યાદાન કરું અને શેઠને ભલામણ કરતા કહ્યું તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો દેખાડજો.પપ્પાના આ વાક્ય માટે હું તૈયાર ન હતી,હું શેઠના પ્રતિભાવ જોવા તેમની સામે જોઈ રહી,એમણે પણ હસીને મારી સામે જોયું, હું શરમાણી,ચા નાસ્તો લેવાના બહાને હું અંદર ચાલી ગઈ. શેઠે બોલ્યા પહેલા સાજા થઇ જાવ પછી વાત કરશું.

પપ્પાના સાજા થતા જ થોડા દિવસે શેઠનો ફોન આવ્યો આપને મળવા આવવું છે, અને આવતાની સાથે જ કહ્યું તૃપ્તિ માટે માગું લઈને આવ્યો છું. અમારા ઘરમાં તૃપ્તિ આપશો ? મારા પપ્પા બે મિનીટ માટે એમને જોઈ રહ્યા. હું ઘબરાણી, ના પાડશે તો નોકરી ચાલી જવાની શક્યતા છે.મારા પપ્પાના મનમાં થયું કયા એમની ઉમર અને ક્યાં મારી ફૂલ જેવી દીકરી..! એમને ઉધરસનો ડૂમો આવ્યો ગળામાં માંડમાંડ થૂક ઉતાર્યું. પપ્પા કહી બોલે એ પહેલા જ શેઠ બોલ્યા વડીલ મને તૃપ્તિ ખુબ ગમે છે. સાદી સરળ હોશિયાર અને સુંદર અને મારી ઓફીસ પણ સંભાળી શકે તેમ છે. હું છું આપ બિલકુલ ચિંતા ન કરશો બંને ઘર સચવાઈ જશે. પપ્પાએ ફરી ઉધરસ ખાવાના બહાને વાતને ટાળી. હું વાતાવરણની ગંભીરતા જોઈં પપ્પા માટે પાણી લેવા અંદર ગઈ મમ્મીએ પપ્પા પાસે જગ્યા લઇ લીધી અને વાંસો પંપાળતા પાણી આપ્યું અને બોલી આ લ્યો, પાણી પી લ્યો પહેલા, પછી નિરાતે જવાબ આપજો. શું થયું કે શેઠ પણ સમજી ગયા અને કહે તમે આરામ કરો, બીજી કોઈવાર નિરાતે વાત કરશું.વડીલ હું તમારી મુંઝવણ સમજુ છું, અત્યારે જાઉં છું, બીજીવાર મારા દીકરાને લઈને આવીશ,આપ એને મળજો,આપને ગમે અને તૃપ્તિ હા પાડે તો જ તમે આશીર્વાદ આપજો અને શેઠ ગયા.તે દિવસે હું, મમ્મી અને પપ્પા એમના ગયા પછી ખુબ  હસ્યા..પપ્પાએ કહ્યું તારા શેઠ માત્ર દેખાવડા નથી દીર્ધ દ્રષ્ટીવાળા,સમજુ અને હોશિયાર છે.   

થોડા દિવસ પછી નિરજ સાથે શેઠ ઘરે આવ્યા,નિરજ એના પપ્પા જેટલો જ દેખાવડો,શેઠને મૂછ ન હોય તો સરખા જ જોડિયા ભાઈ લાગે.છતાં બંનેમાં ઘણો ફેર.નિરજ શાંત ઓછા બોલો,વાતનો દોર વધારતા શેઠે કહ્યું એની માના મૃત્યુ પછી અમે બંને ઘરમાં સાવ એકલા થઇ ગયા છીએ.હવે બસ વહુ આવે તો ઘરમાં બંગડી અને ઝાંઝરના અવાજથી ફરી ઘર ગુંજી ઉઠે અને મારા પપ્પાના જવાબથી શરણાઈ ગુંજી ઉઠી,ચટ મંગની પટ બ્યાહની જેમ લગ્ન લેવાઈ ગયા. મારા શેઠે જ પોખણું કર્યું. લગ્ન પછી પણ હું એમને શેઠજી જ કહેતી.મારા લગ્નના ત્રીજા જ દિવસે મારા પપ્પા નું મૃત્યુ થયું. અમે હનીમુન પર જઈ ન શક્યા.મમ્મી સાથે થોડા દિવસ રહી. અમારી સાથે રહેવા આવવા કહ્યું પણ મમ્મી મામાને ત્યાં સાડલો બદલવા ગઈ અને ત્યાં જ હમણાં રહીશ એમ કહી મામાને ત્યાં રોકાઈ ગઈ.મારો ફરી ઘરમાં પ્રવેશ થયો.

મનુષ્ય જન્મે છે ત્યારથી એ ઈચ્છે કે ન ઈચ્છે તોપણ એમની આસપાસ સંબધની એક સૃષ્ટી સર્જાતી હોય છે.હા હવે મારી આજુબાજુ નવા પણ ખુબ નજીકના સંબધો પાંગરવા માંડ્યા.અમારા લગ્નના દિવસો પાણીના રેલાની જેમ વીતી રહ્યા હતા બધા કહેતા મારા નસીબની બારી ખુલી ગઈ છે પણ મનોમન કોઈ જન્મના ગુનાની સજા ભોગવતી હોઉં તેમ લાગતું .મારા સંબંધમાં કોઇ નામ નથી એવું મને સતત મહેસુસ થયા કરતુ, વાત કોને કહું  ? અને દોષ પણ કોને દુઉ ? રોજ વિચારોની લેહેરખી આવે અને જાય. ક્યારેક પવનની જેમ નીરજ આવે, પણ એ  ઝંઝાવાત ક્ષણિક.. મને પંપાળે હા માત્ર પંપાળે ..મને ઉત્તેજના જાગે પણ એના હજાર પ્રયત્નો પછી હું રહું બસ ભર ચોમાસે કોરી..બધા સમજતા કે મારે સુખની સીમા નથી.. હા ચાર ચાર દીવાલ અને બારીનું સુખ ..હું સબંધની ગરિમાને સાચવતી, દેખીતા સુખને જીરવતી, ચુપચાપ એકલી રડતી .. કોરા કોરા દિવસો અને કોરી સુની રાતો પસાર કરતી મારા અસ્તિત્વ ને જાણે કેદમાં પૂરી દેતી.

એક દિવસ દશે દિશાએ વાયુ વાયા, ચારે કોર કાળા ડિબાંગ વાદળ ઉમટી આવ્યા, અને અંબર ગાજ્યા અમાસના અંધારામાં વીજ ઝબૂકી,મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. વરસાદની સાથે સાથે વૃક્ષો ઉખેડી નાખે તેવો સુસવાટાભર્યો પવન ફૂંકાતો હતો. જે મારા પાલવને ઉડાડી મારી મજાક ઉડાવી રહ્યો હતો. આકાશમાં મેંશનું લીંપણ કર્યું હોય તેવું લાગતું હતું અને એ અષાઢી સાંજે તોફાની પવન હળવેથી મારા હોઠને ચૂમ્યો હું ધ્રુજી ઉઠી, હું ભીજાય ન જાવ માટે બારી બંધ કરવા દોડી,ધોધમાર વરસતા આકાશને બારીમાંથી જોતા જ મને પલળવાનું મન થઇ આવ્યું. હું પણ સ્ત્રી છું મારી લાગણીઓને કાબુમાં કેવી રીતે રાખું? પડદો, પવન અને સ્પર્શની ભાષાનો અદશ્ય પ્રવાહ મારા રોમેરોમમાં પસરી ગયો, મારી સ્ત્રી સંવેદના મારા પર સવાર થઇ ગઈ.. આ ઘડીએ મારી પાસે, સાથે- બિલકુલ નજદીક શ્વાસ પણ પસાર ન થઇ શકે એટલો કરીબ નિરજ હોય તો ? મને થયું હું એમને વીંટળાઇ વળુ. હું પલંગ પાસે દોડી, નિરજ પલંગમાં પડ્યો હતો મેં મારા સાડીના પાલવને ઉડવા દીધો એને કહું છું..ચાલ નિરજ તું પણ આજે વરસી પડ મને આખેઆખી ભીજવી દે..મને બાથમાં ભીડી દે.. નિરજ તૂટી પડ…પણ ના નિરજ કશું જ ન કર્યું, માત્ર મારો ઉડેલો પાલવ સરખો કરી મને ઢાંકી દીધી. નિરજ દરિયામાં આવેલી ઓટ જેવો શાંત પડ્યો રહ્યો, હું એને જોઈ રહી.. જોયા જ કર્યું  અને એકાએક મારો અવાજ ઉત્તેજિત થઇ ગયો,  મેં કહું નિરજ મને એમ કે કદીક તો તું વાદળ થઈને વરસીશ.. નિરજ મને ઝંઝાવાટ જોઈએ છે, ક્યાં છે ?. એ મારા તરફરાટ ને જોયા વગર પડખું ફરી સુઈ ગયો….. ,બસ હવે નહિ …આવી મારી જિંદગીને કેમ કરી સ્વીકારું ?.. શું કામ સ્વીકારું ? ગુંજાઇશ ન હોય એની પાછળ કેમ દોડું છું ?…હું હચમચી ગઈ,મારી ઉતેજ્નાએ મારી ઉપર કાબુ કરી લીધો હું બેડરૂમના દરવાજો પટકારતી નીચે દાદરો ઉતરી ગઈ, પગ બે ઘડી માટે અટકી ગયા પણ આજે મન સંભાળવા તૈયાર નહતું, દિલે બુદ્ધિને બાજુમાં મૂકી દીધી અને મન જે શક્ય નથી એને શક્ય બનાવવા ધમપછાડાં કરવા માંડ્યું અને શરીરે બળવો પોકાર્યો.. મારે પણ જીવનને માણવું છે સમગ્રતાથી જીવન જીવવું છે.હું મેઘલી રાતે મિલન માટે તરફડી રહી છું ?,..,કમબખ્‍ત નિરજને આનો અંદાજ પણ છે ખરો ?..બસ હવે નહિ !.મારી અણછીપી ક્ષણ મારે પામવી છે અને હું ઘર છોડવાના નિર્ણય સાથે દરવાજા ભણી ભાગી.નિરજ તું મને ક્યારેય ભીજવી નહિ શકે ?..ક્યાં સુધી હોઠ સીવી મારે જીવવું પડશે ?.ક્યાં સુધી હું મ્હોરાં પહેરી રહેવું? હું ખુબ રડી, જોર જોરથી રડી.મારે છુટવું છે. તોય છુટતી..નથી. મને કોઈ તો છોડવો… ભગવાન તમે ક્યાં છો?…..મેં ચીસ પાડી.ભગવાનને પડકાર્યો..

હે ઈશ્વર સંવેદના વિનાના નપુંસક શરીર તમે ઘડ્યું શી રીતે ?

ત્યાં બંધ દરવાજા પર કોઇ દસ્‍તક સંભળાયા. કોણ હશે ? શેઠ તો બહારગામ ગયા છે.મે દરવાજો ખોલ્યો, સામે શેઠ ઉભા હતા, સંપૂર્ણ ભીંજાયેલ, હું વિફરેલી વાઘણની જેમ તેમની પર તૂટી પડી અને છાતી ઉપર મુક્કા મારતા ચિલ્લાઈને કહ્યું છું,તમે મને ફસાવી! તમે જાણતા હતા ને ?,તમે મને છેતરી છે.તમે જ મને છેતરી છે! …મને જવાબ આપવાને બદલે અચાનક હળવેથી એણે મને ભીંજાયેલ કપડે જ બાંહોમાં લઇ લીધી અને બોલ્યા રડ નહિ મેં તારા પપ્પાને વચન આપ્યું હતું હું બધું સંભાળી લઈશ.અચાનક આસમાનની કાળી ડીબાંગ સપાટી પર વીજળીનો કડાકો થયો.હું ભયભીત એના ભીના બદનને વધુ ચૂસ્‍તતાથી વળગી પડી,એના સ્પર્શ અને એના શ્વાસોની હૂંફે  મારી આજુબાજુ નવો ચક્રવ્યુહ રચવા માંડ્યો. હું કઈ બોલું તે પહેલા એણે મારા હોઠ પર પોતાના હોઠ મૂકી દીર્ઘ ચૂંબન કરતા મને મૌન કરી દીધી અને હું એ ભીના હોઠોની નમકીન તરલ મીઠાશ માણવા માંડી.પહેલી જ વાર મેં મારા હોઠ પર આવું તસતસતું ચુંબન અનુભવ્યું હતું.મને ગમવા માંડ્યું.. મારા બદનમાં હજારો વોટની ચેતના જાગી ઉઠી બહાર ધોધમાર વરસાદ અતૃપ્‍ત જમીનને તૃપ્‍તી બક્ષી રહ્યો હતો અને અંદર હું અને હર્ષ (શેઠ) એકમેકને વૃક્ષ-વેલની જેમ વીંટળાઇ ભીજાય રહ્યા હતા.એણે મને ઉચકી, એમના રૂમમાં લઇ ગયા અને હું મારા બધા ઉંબરા ઓળંગી એમના રૂમમાં પ્રવેશી, સમયની ગતિ થંભી ગઈ. હું માદક મસ્‍તીને ચૂપચાપ માંણતી રહી,.. એ આક્રમક બની મારા જિસ્‍મને કચડી નાંખે એ ખ્‍વાહિશ મારામાં જલદ બનતી ગઈ.. હું અવશ પણે એની તરફ ખેંચાતી ગઈ..  કોઇ પણ જાતની શરમ, સંકોચ, મર્યાદા છોડી, બધું જ મેં સમર્પિ કરી દીધું.. તે દિવસે વરસાદ મન મૂકીને વરસ્યો,રોમાંચકતા ભર્યો વીજ પ્રવાહ મારા શરીરના અણુએ અણુમાં વહ્યાવા માંડ્યો અને અષાઢી મેઘલી વરસાદી માહોલમાં પ્રેમનો અનોખો રંગ ભરાતા ચાહતનું મેઘધનુષ રચાઈ ગયું અને પહેલીવાર લગ્ન પછી તરંગિત થઇ ઊઠેલ મારા અસ્‍તિત્‍વની આનંદિતતા ચહેરા પર સુરખી બની છવાઇ ગઈ, કાળા ડિબાંગ અંધારાને વીંધી ક્યારેક વીજળી ચમકી છાતી થથરાવી દેતી અને હું ફરી એમને વળગી પડતી, વાદળાંનો ગગડાટ વાતાવરણને વધારે મદહોશ કરી રહ્યો અમે એકબીજામાં પોરોવાઈ ગયા મેં મારા અસ્તિત્વને શોધવામાં મારી જાતને એમનામાં ઓગાળી નાખી, હું પ્રગાઢ મિલન સાથે સંવનન કરતી પડી રહી અને સંતોષ પરાકાષ્ઠાએ પહોચ્યો હવે હવે હું અતૃપ્ત તૃપ્તિ ન રહી, હું તૃપ્તિનો અહેસાસ મહેસુસ કરવા માંડી.. અને ઇશ્વર હોવાનો એક જલદ ચમત્‍કાર આ બંધ રૂમની ભીતર પ્રકાશી રહ્યો.

અચાનક વાદળાંમાંથી અગ્નિશિખાની જેમ એક મોટી વીજળીનો લિસોટો દેખાયો અને સાથે સાથે એક ભયાનક વજ્રનાદ અમને ધ્રુજાવી ગયો. હું કઈ પણ વિચારું તે પહેલા વીજળીના ચમકારામાં નિરજ અમને જોતો ક્રોધથી થરથરતો દેખાણો.નિરજ જોરથી ચિલ્લાયો.તૃપ્તિ …….

હું સફળી ઉભી થઇ કપડા સરખા કરતી નિરજ તરફ દોડી ક્રોધે ભરાયેલ નિરજ ઉપર જવા દોડ્યો આવેશમાં દોડતા દાદરા પરથી ઉંધે માથે પડ્યો.માથામાં વાગતા બેહોશ થયો.બધું ખુબ ઝડપી બન્યું .ડૉ,આવ્યા, ડરામણી સાયરન વગાડતી એમ્બુલન્સ આવી,ગોળ ગોળ ફરતી એની લાઈટ વરસાદમાં વધારે બિહામણી લાગી.એમ્બુલન્સની બારીના કાચ તોફાનને લીધે મારી જેમ ધ્રુજી રહ્યા, શેઠે મારા કાંપતા હાથને પકડી હૂંફ આપી, હું હોસ્પીટલમાં ICUના ખાટલા પાસે  નિરજના પગને પકડતા બેસી રહી, મારું મન બોલી ઉઠ્યું,..શું મારું હૃદય જરીક વધારે ધડ્ક્યું ?…મેં મનોમન મારો બચાવ કરતા નિરજ કહ્યું ,નિરજ એકવાર સાંભળી લે મારી વાત પ્લીઝ, શું કહું તને ?મેં આ સુખથી ભર્યા ઘરમાં રાતોની રાતો સોફા પર જાગતા તારી રાહ જોઈ હતી.હું બધું હોવા છતાં કંગાળ હતી…મને સમજ નિરજ..ત્યાં તો ડૉ,આવ્યા કહે છે “માફ કરજો નિરજ હવે કાયમ આજ રીતે અપાહિજ રહેશે.” અને અષાઢી મેઘલી રાતે ફરી એક વીજળી ત્રાટકી.. 

સમયને જતા ક્યાં વાર લાગે છે ? હવે અમારા નિશબ્દ સંબંધમાં સમજણ ઉમેરાય ગઈ છે નિરજ મારી સંવેદનાને જાણે છે.અને શેઠ મારી ઈચ્છાને માન આપી પપ્પાને આપેલું વચન રોજ પાળે છે. નિરજે વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે,એ જાણે છે કે કુળ એનો ભાઈ નહિ પણ કુળદીપક છે.

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૪-વૈશાલી રાડિયા

વિષય -અષાઢી મેઘલી રાત-પ્રથમ ઇનામ 

શીર્ષક: ‘કલમવાલી બાઈ’

હેય્ય્ય્ય, હેય્ય્ય…., તારી તો…” રઘલાએ પૂર ઝડપે ચાલતી ટ્રકને બ્રેક મારતાં કીચૂડાટ થઇ પાણીની સેરું ટાયરના સરસરાટ સાથે ઊડી અને ટ્રક રોડ પરથી ઉતરી ગયો. એક તો અષાઢી મેઘલી રાત, વીજળીના કડાકા અને ભડાકા, આકાશ મન મૂકીને ધરતી માથે ઝળુંબી રહ્યું હતું. આવા સમયે એકલ દોકલ વાહન સિવાય કોણ નીકળે? એટલે રઘલો બાપનો રોડ હોય એમ આ ઠંડી રાતમાં થોડો ટલ્લી થઈને ગરમીમાં ટ્રક પૂરપાટ ચલાવતો હતો, ત્યાં સામે રોડ પર વચ્ચો વચ્ચ એક કાર ઊભેલી જોઈ રઘલાને અચાનક બ્રેક મારવી પડી. હજુ રોજની ટેવ મુજબ ટ્રક ચલાવી શકે એટલી જ બોટલ પેટમાં ગયેલ એટલે ટ્રક પર કાબુ આવી ગયો. ઠેક મારી રઘલો ટ્રકમાંથી ઊતર્યો અને કારચાલકને ગાળું ભાંડતો એ તરફ ચાલ્યો. ટ્રકની હેડલાઈટ ચાલુ હતી, પણ સામે કારની હેડલાઈટના લીધે અને અંધારી વરસાદી રાત એટલે ડ્રાઈવિંગ સીટ પર કોણ હશે એ દેખાતું ન’તું. એક ફેંટ ખેંચી લેવાના મુડમાં રઘલાએ “એય.. આમ કાર ઉભી રાખી સે તી રોડ તારા બાપનો સે?” કારના દરવાજા પર જોરથી હાથ ઠોકયો અને પાણીના રેલા વચ્ચે વીજના ચમકારામાં અંદર નજર જતાં એ ઘીસ ખાઈ ગયો! “ઓ તારી, આ તો બાઈ સે, એ પણ બેભાન લાગેસ. શું કરવું?” એમ બબડતાં એનાથી અનરાધાર વરસી રહેલા આકાશ સામે જોવાઈ ગયું. એનું થોડું ઘણું ટલ્લીપણું ક્યાંય જતું રહ્યું. આવી મેઘલી રાતમાં બાઈ માણહ આમ એકલી ક્યાં નીકરી હય્શે? ને આમ બેભાન પડીસે તી આવી ઉપાદી માથે લેવી કે પોતે પોતાના રસ્તે હાલતો થઇ જાય? એમ વિચારતા માણસાઈ જીતી ગઈ અને એણે કારને રોડ પર એક બાજુ પાર્ક કરી ચાવી ખિસ્સામાં નાખી ભોળો રઘલો ભગવાનનું નામ લઈને સ્ત્રીને ટ્રકમાં નાખી અને રસ્તે પડ્યો.

       બાઈના લૂગડાં પરથી તો સારા ઘરની દેખાય સે. સુ થ્યું હય્શે? મનમાં કેટલાય વિચારો કરતો રઘલો થોડીવારમાં પોતાના ઘરે પહોંચ્યો. રઘલાનું ઘર એટલે વસ્તીથી જરા છેવાડે એક ખોલી જેવડી રૂમ, જેમાં એક લોખંડનો કાટ ખાયેલો પલંગ અને બહાર ખુલ્લી ઓસરીમાં એની અસ્ક્યામત જેવો એક હીંચકો. સ્ત્રીને ઊંચકીને પલંગમાં સુવાડી ત્યાં એ મૂંઝાયો કે ઘરમાં કોઈ બાઈ માણહ નહિ અને આ બાઈનું શરીર તો ટાઢુંબોળ, એમાં ભીંજાયેલા લૂગડાં અને આવી ગાંડી મેઘલી અહાઢી રાત એમાં અત્યારે કયો દાકતર ગોતું? હવે મારો રામ કરે ઈ ખરું. એમ વિચારી મન મક્કમ કરી એણે સ્ત્રીના કપડાં દૂર કરી, એને કોરી કરી પોતાના ધોયેલા કુરતો ને લૂંગી પહેરાવ્યા. એના પગના ઠંડા પડેલાં તળિયા ઘસ્યા પછી પોતે બહાર જઈ ધોધમાર વરસાદ જોતો હીંચકે બેઠો પણ ચિંતા થઇ કે બાઈ બચી તો જશે ને? ફરી અંદર જઈને જોયું ત્યાં બાઈનું શરીર તો સાવ ઠંડુ પડતું જતું હતું. રઘલો બહુ ભણેલ ન’તો પણ ગણેલ હતો. ભલે ટ્રક ચલાવતો ક્યારેક દારૂ પણ પી લેતો પણ ભગવાનનો ડર રાખી જીવવાવાળો નિખાલસ માણસ હતો. મનમાં પોતાના દેવને યાદ કરી રઘલાએ બન્નેના કપડાં દૂર કરી એક નિર્ણય સાથે સ્ત્રીની બાજુમાં લંબાવ્યું અને ધાબળો ઓઢી સ્ત્રીની જાત સાથે ભીડાઈને એક અગનખેલમાં પોતાની જાતને પણ ડૂબાડી. એની પવિત્રતાની એક આકરી કસોટી હતી એ! ભોળાનો ભગવાન એ વાત સાચી પડતી હોય એમ થોડા કલાકો પછી શરીરની હૂંફ મળતાં સ્ત્રી સળવળી! એ પૂરી ભાનમાં આવે તે પહેલાં રઘલાએ એને કપડાં પહેરાવી પોતે પણ વ્યવસ્થિત થઇ પરસાળમાં હીંચકે જઈ ધોધમાર વરસાદ જોતો બેઠો. થોડીવારમાં જ તેણે ધાર્યું હતું એમજ અંદરથી એક બેબાકળી ચીસ બહાર આવી અને રઘલો ઓરડીમાં ગયો અને એને જોતાં જ એ સ્ત્રીએ ઠેક મારી રઘલાનો કોલર પકડી એને મારવા લાગી. “તું છે કોણ? મને કેમ અહી લાવ્યો છે? મારા કપડાં કોણે બદલ્યા? મારી કારનું તે શું કર્યું? તને કોણે રૂપિયા આપેલ મને કીડનેપ કરવાના? હું તને એનાથી વધુ રૂપિયા આપીશ, બોલ કેટલા જોઈએ તારે? તું મને ઓળખતો નથી. મારો એક ફોન જશે ત્યાં તું જેલમાં હોઈશ.” એકી શ્વાસે બોલતી અને રઘલાની છાતી પર મુક્કા મારતી એ સ્ત્રીને થોડીવારે સમજાયું કે ચૂપ ઉભેલો આ આદમી ધારે તો એની સાથે ગમે તે કરી શકે એમ છે અને પોતે જે ગુમાનથી બોલે છે, એમાં અત્યારે તો પોતાની પાસે ફોન પણ નથી અને બહારે સંભળાય છે -અષાઢી અંધારું ઓઢીને વરસી રહેલો વરસાદ, જેમાં ચીસો પાડે તો પણ કોઈ ના સાંભળે! અને એકદમ એક પળ માટે એની આંખોમાં નિ:સહાયતા તરવરી અને વરસાદના અવાજ સાથે એ પણ આંખો વરસાવતી ચૂપ થઇ રઘલા સામે જોઈ રહી.  એનો કોલર છોડી ધબ્બ કરતી એ પલંગ પર પછડાઈ.

       પોતાની નાની ખોલીના એક ખૂણામાં રાખેલ ઇલેક્ટ્રિક સગડી પર ચા બનાવી બે કપ ભરી એ સ્ત્રી સામે જોતો બહાર ગયો અને થોડીવારમાં હીંચકાની બીજી તરફ હળવે પગલે બેસતું એક વજન વરતાતા એણે કપ લાંબો કર્યો અને લંબાવેલા હાથમાં કપ આપી ફરી વરસાદ જોતાં અને જૂની છતમાંથી પાણી જેવી ચામાં ટપકતા પાણીને પી રહ્યો!

       “આઈ એમ સોરી..” ધીમે અવાજે સ્ત્રી બોલી. રઘલાને સોરીમાં સમજ પડતી હતી એટલે એણે સ્મિત કર્યું. “હું એક લેખિકા છું. મારા પાંચ વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મુક્યો છે. ૬ વર્ષ પહેલા એક આવી જ એક મેઘલી રાતે હું મારા બોયફ્રેન્ડ સાથે ફરવા નીકળી હતી અને વરસાદમાં નહાતાં-નહાતાં એકબીજાના પ્રેમના વરસાદમાં ક્યારે ભીંજાય ગયા ખબર જ ના રહી! એ મેઘલી રાત પછી એ ક્યાં ખોવાયો એ પણ ખબર જ ના રહી! પણ મારા દીકરાના અણસાર શરીરમાં ફરક્યા ત્યારે ખબર પડી. એ આવશે એ આશામાં ઘેલી હું રાહ જોતી રહી. અને મારા આ નિર્ણયથી મારા માતા-પિતા નારાજ થયા. હું એમની એક માત્ર દીકરી અને મારી આવી જિંદગી જોઈ એ ચિંતામાં ગયા વર્ષે વારાફરતી બન્ને ભગવાન પાસે પહોંચી ગયા અને આમ જયારે અષાઢી મેઘ ખાંગા થઈને વરસે ને ત્યારે એવું લાગે કે એની આંખો પણ વરસે છે! મારા દીકરાને મેં આ વર્ષે જ હોસ્ટેલમાં મૂક્યો. મારું કામ દેશ-વિદેશમાં ફરતાં રહેવાનું, લખવાનું અને સેમીનાર કરવાના. બહુ વ્યસ્ત જિંદગીમાં દીકરાને હોસ્ટેલમાં તો મૂક્યો પણ ત્યાર પછી થોડા-થોડા સમયે કોઈને કોઈ રીતે અજાણી ધમકી મળ્યા કરતી અને દીકરાને કોઈ લઇ જશે એ ભય સતત રહે. એમાં કાલે સાંજે હોસ્ટેલમાંથી ફોન આવ્યો કે તમારા દીકરાને મળવા કોઈ અજાણ્યો આદમી વારે-વારે વિનવણી કરે છે અને સ્કુલબસ પાસે પણ ઘણીવાર એવી કોશિશમાં કોઈ આંટા મારતું હોય એમ લાગે છે. પહેલા તો ધ્યાને ના લીધેલ પણ ઉપરાઉપરી બે-ત્રણ વાર ધ્યાને આવતા મને જાણ કરી. આ સાંભળી હું રહી ના શકી અને આવા ધોધમાર વરસાદમાં નીકળી તો પડી પણ જ્યાં મારી કાર અટકી એ એ જ જગ્યા અને એ જ સમય હતો, જ્યાં હું મારા દીકરાના પપ્પા સાથે આવી જ મેઘલી રાતમાં નહાતી-નહાતી એનામાં તણાઈ ગયેલ! અને અચાનક શું થયું વિચારોમાં જ મને ચક્કર આવતાં કાર તો અટકાવી પણ ભાન ગુમાવી દીધું એ ખબર જ ના રહી. તમે કોણ છો એ નથી ખબર. મારા દીકરાને મારી પાસેથી ઝૂંટવવા કોઈ મને કેદ કરવા પ્લાન કરે છે, એમ વિચારી હું તમારા પર મારો અંદરનો ભય છૂપાવવા આક્રોશથી તૂટી પડી પણ તમારી આંખોમાં માણસાઈ જોતાં એ ભય દૂર થતાં મને યાદ આવ્યું કે હું જ ચક્કર ખાઈ ભાન ગુમાવી ચૂકેલ, તમે તો મને બચાવેલ હશે. કેમ બચાવેલ હશે એ પણ મારા આ કપડાં જોઈ સમજાઈ ગયું; કેમકે ઘરેથી નીકળી ત્યારે ઉતાવળમાં દોડતી હું રોડ પર નીકળી ગયેલ; જાણે દોડીને મારા દીકરા પાસે પહોંચી જવાની હોઉં તેમ! પછી યાદ આવતા પાછી વળી અને કોઈનો ભરોસો ના રહ્યો એટલે ડ્રાઈવરને પણ ના ઉઠાડ્યો અને ભીના કપડે જ નીકળી પડી. એક તો અષાઢ માસ એમાં પણ આ મેઘલી રાત અને પવન, વીજળી, તોફાન, ઠંડી પણ મને એ કશું દેખાતું ન’તું-હોસ્ટેલ સિવાય!” એક ખ્યાતનામ લેખિકા આજે એના લેવલથી ક્યાંય નીચલા લેવલના માણસ સામે દિલથી દિલ ખોલી રહી હતી. અત્યારે એ એક મા હતી, એક સ્ત્રી હતી અને એને બચાવનાર એના માટે ભગવાન સમાન દેવપુરુષ હતો. એથી વિશેષ એને કશું અત્યારે મહત્વ નહોતું.

       બે ચોપડી પાસ, નાનપણમાં આવી જ એક મેઘલી વરસાદી રાતે ગામના ઘરમાં પૂર આવતાં મા-બાપ તણાઈ ગયા અને વેકેશનમાં દાદી પાસે શહેરમાં આવેલ રઘલાને દાદીએ પોતાની પાસે જ રાખી લીધો. દસ વર્ષનો હતો ત્યારે એને આ ઓરડીનો અને સ્વર્ગવાસી દાદાનો ટ્રક વારસામાં આપી દાદી પણ દાદા પાસે પહોંચી ગયા! સાથે ગરીબડી દાદીએ બીજો પણ એક વારસો આપેલ કે ટ્રકડ્રાઈવરની ખરાબ છાપ હોય પણ તું હંમેશા જિંદગી સાચી નીતિથી જીવજે. આવું વચન દાદીને આપેલ ભોળિયો રઘલો ભલે ક્યારેક બે ઘૂંટ લગાવી લે અને ભાષા થોડી રફ પણ દિલનો સાફ માણસ. આ સ્ત્રી શું બોલી એમાં એ ઘણું ના સમજ્યો પણ સમજવા જેવું ઘણું સમજી ગયો ને વિચારોમાં જ એ બોલી પડ્યો, “તારા દીકરા હુધી પોસાડવાની જવાબદારી મારી ને એને કોઈ આંગળીય અડાડે તો આ તારો ભાઈ રઘલો બેઠોસ. આ જળદેવતા અનરાધાર વરહે એ દેવના સોગન, એની સાખે તને કહું સુ કે તારા એક સાદે તારી મદદમાં આવી પૂગીશ. તારું નામ તો નથી પૂયસુ પણ તું ભણેલી ઘણું સો એ હમજ્યું કલમવાલી બાઈ.” અને ત્યાં તો એ ગંભીરતા ખંખેરી વરસાદ જેવું વહાલું હસી પડી, “આ કલમવાલી બાઈનું નામ સે….મેઘલ, પણ રઘલા તારા મોઢે તો કલમવાલી બાઈ હારું લાગેસ હાં.” કહેતી મેઘલ ભીની આંખ લૂછતાં ખડખડાટ હસી પડી અને લૂંગી સાચવતી બોલતાં-બોલતાં ઓરડી તરફ જવા લાગી, “હવે કોઈ ભય વિના જલ્દી તારા ભાણીયા પાસે જવું છે. ચાલ, હવે તૈયાર થા. અને દાદાનો ટ્રક ભલે સાચવ પણ હવેથી આ કલમવાલી બાઈ જ્યાં જશે ત્યાં ડ્રાઇવર પણ તું અને મારા ઘરનો મોભી પણ તું. દીકરો હોસ્ટેલથી ઘરે લઇ આવીએ. હવે એ ઘરે જ ભણશે અને રહેશે એના મામા સાથે. એની મા ગમે ત્યાં હોય એની સાથે એના આવા વહાલા મામાના વહાલનો વરસાદ આમ જ વરસશે, અષાઢી મેઘની જેમ!”

       મેઘલ ફરી વરસાદમાં નહાતી-મનમાં વિચારતી રઘલા સાથે નીકળી પડી કે ગમે એટલી મોટી લેખિકા બની અને અષાઢ એટલે કાલિદાસ, મેઘદૂત અને વિરહનો માસ બહુ વાંચ્યું અનુભવ્યું અને બહુ લખ્યું, પણ આજે આ કલમવાલી બાઈને સમજાયું કે અષાઢી મેઘલી રાત એટલે કોઈના મિલનની રાત પણ બની શકે! દીકરો ઘરે આવશે અને સાથે ભાઈ પણ મળ્યો!… અને ‘કલમવાલી બાઈ’ શબ્દ યાદ આવતાં એ હસી પડી. રઘલો ભોળા ભાવે પૂછી રહ્યો, “કેમ હસી તું કલમવાલી બાઈ?” અને મેઘલ હાઈ-ફાઈ ખ્યાતનામ લેખિકાનું સ્ટેટસ ભૂલી કપડાં ઊંચા ઝાલી વરસો બાદ ખુશીમાં ઝૂમતી અષાઢી મેઘલી રાતના વરસાદમાં છપાક-છપાક અવાજ સાથે ચહેરો આકાશ તરફ કરી વરસાદ ઝીલતી દોડતી ગણગણવા લાગી… “બરસો રે મેઘા મેઘા …બરસો રે મેઘા બરસો….”

 

 

               

વીનું મર્ચન્ટ વાર્તા અને નિબંધ સ્પર્ધા -૨૩-દર્શના ભટ્ટ

નિબંધ-અષાઢી મેઘલી રાત

વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી જ નહી પણ મહારાણી. આ મહારાણીના આગમનની
વધામણી એટલે “ભીમ અગિયારસના વાવણા” એવી લોકોક્તિ પ્રચલિત છે. ભલેને જેઠ
માસમાં
એક સારો વરસાદ થઈ ગયો હોય, વર્ષાનો પ્રથમ દિવસ તો અષાઢ સુદ એકમ જ . ચાતકની
પેઠે સમગ્ર જીવસ્રુષ્ટિ તેને ઝંખે છે.વરસાદની ઝડીથી શરુ થઈ ઘનઘોર ઘનશ્યામ વાદળોના
ઢગ મદમસ્ત હાથીની માફક દિવસ રાત આકાશમાં ઘૂમતા જાય છે, વરસતા જાય છે અને માનવમનમાં વિધ વિધ ભાવો જગાવતા જાય છે.

ગ્રીષ્મના સૂર્યથી તપ્ત અને ત્રસ્ત ધરતી ઝંખે છે પ્રિયતમ મેહુલાના મિલનને. મેહુલો પણ આવી
પહોંચે છે વાજતે ગાજતે. વાદળના ગગડાટ,વિજના ચમકાર સંગાથે . ધરતી લજ્જાથી રાત્રીનું
પારદર્શક આવરણ ઓઢી પ્રિયતમને ભેટે છે અને સર્જાય છે અદ્ભુત મિલન . પ્રથમ ધીરી ધારે
ઋજુ ,મધુર આલિંગન..અને પછી તો સહસ્ત્ર ધારે સંપૂર્ણ સમર્પણ.આવુ જ મિલન વિરહી જનો ઝંખે છે,પણ
એવા સદ્દભાગી સહુ થોડા હોય છે !
કુબેરના શાપથી વિરહની સજાથી વ્યથિત રામગિરી પર્વત પર વસતો પેલો યક્ષ મેઘને દૂત બનાવી
आषाढ़स्य प्रथम दिवसे… ગાઈને સાહિત્ય જગતમાં વિરહી પ્રણયી જનોનો પ્રતિનિધિ બની બેઠો છે
અને આષાઢી મેઘલરાતનો સુવિખ્યાત victim ,શિકાર પણ.
પુરાણ,સાહિત્ય ,ગીત,સંગીત,નાટય ,ચિત્ર,સિનેમા જેવા વિવિધ ક્ષેત્રોના વરસાદી આષાઢી રાતના
પાત્રો,શબ્દો,રાગ,ધૂન મારા ચિત્તપટ પર ધમાચકડી મચાવી રહ્યા છે.તેમાંથી દોટ મૂકીને મોખરે આવી
ગયો નટખટ કાનુડો. તેણે તો મેઘલી રાતે વાંસળીના સૂર છેડી ગોપીઓને ઘેલી ઘેલી કરી દીધી .
કૃષ્ણને મેઘલી રાતથી હું અલગ કંઈ રીતે પાડુ ! એ સ્વયં જ ઘનશ્યામ છે .મોહનદાસ કરમચંદ
ગાંધીની સત્યાગ્રહ ની પરિભાષામાં સંપૂર્ણ ઉતરે તેવા પ્રથમ સત્યાગ્રહી.દેવાધિદેવ ઈન્દ્રરાજ સામે
નિર્ભયતા સાથે સત્યાગ્રહના મંડાણ કર્યા. ઘનઘોર કાજળ જેવી રાત અને એવા જ ઘનઘોર દિવસો.
વાદળની ગર્જના,વિજના કડાકા સાથે અનરાધાર વરસાદથી પોતે સુરક્ષિત રહેવા માટે નહિ પણ ગોકુળ,વૃંદાવનની પ્રજાની સુરક્ષા માટે ગોવર્ધન પર્વતને હાથ પર ઉચકી લઈ ગિરિધારી કહેવાયા.
આમ શ્રિ કૃષ્ણ સાથે મેઘલી રાતના શૃંગાર રસ સાથે રૌદ્ર રસ પણ એટલો જ અભિવ્યક્ત થયો છે.
આ પ્રસંગોને રાજા રવિવર્માએ પોતાની અદ્ભુત ચિત્રકલાથી કેવા સરસ આલેખ્યા છે !
પીંછવાઈમા વળી અનોખા રંગરૂપે ચિત્રિત થયા છે.
ગીત,સંગીતમાં કવિ મેઘાણીનું સદાબહાર ગીત “ આષાઢી સાંજના અંબર ગાજે ,અંબર ગાજે ને
મેઘાડંબર ગાજે “ ગ્રામ્ય પરિવેશમાં આષાઢી રાતની મધુરીમાને એવી મધુરતમ રીતે વ્યક્ત કરી જાય
છે કે સમગ્ર શબ્દચિત્ર નજર સમક્ષ આલેખાય જાય છે, મન મોર બની થનગનાટ કરવા લાગે છે.
અને પેલી પહેલા આણાની રાહ જોતી મુગ્ધાને પણ કંઈક કહેવું છે તે પણ જરા સાંભળશો ?
“ અષા ઢે ઘન ઘેરીયો મેહુલીયો ગાંડોતુર, શ્રાવણ મહિને સરવડા તોય ના આવ્યા નણદલવીર…કે
આણા ના આવ્યા મોરા” . તો નરસિંહ મહેતા ગાય છે “ મેહુલો ગાજે ને માધવ નાચે પાયે વાજે છે રુડી
ઝાંઝરડી… “

કોઈ અભિસારિકા ને વીજળીના ચમકારા ભયભીત કરે છે તો એવા જ “ વિજચમકારે મોતી પરોવો
પાનબાઈ…. “ કહી ગંગા સતિ આધ્યાત્મનો માર્ગ પુત્રવધૂ પાનબાઈ સાથે આપણને પણ ચીંધે છે.
ગરજતા, આકાશને આવરી લેતા, ધરાને ધ્રુજાવતા ,અનરાધાર વરસતા ઘનઘોર મેઘના અનેરા સપ્તસૂરોથી ,તેમાથી સર્જાતી અવનવી સૂરાવલિમાં અવશ્ય લય અને તાલનો દિવ્ય સંગમ સાંભળીને
મેઘ મલ્હાર રાગની રચના થઈ હશે !
ચલચિત્રોએ આ મેઘઘેરી રાત્રીને અભિનય,શબ્દો,ગીત અને સંગીતના સુભગ સુમેળથી ખૂબખૂબ
બહેલાવી છે,બહેકાવી છે.”ज़िंदगी भर नहीं भूलेगी वो बरसातकी रात ….ની મધુબાલા અને ભારત
ભૂષણ સાથે એ પેઢીનો યુવાવર્ગ આવી રાત્રીની એક મુલાકાતને મનોમન ઝંખતો. તો “ मेघा छाए
आधि रात…. बता दे मैं क्या करु…” સાથે રડતો,કાલ્પનિક પ્રેમ અને વિરહથી ઝૂરતો વર્ગ ત્યારે પણ
હતો અને આજે પણ છે.

બાળકો મેઘલી રાતથી ડરે છે, યુગલો પ્રેમભરી મસ્તીમાં ખોવાય જાય છે,વૃદધો યુવાનીના મીઠા
સંસ્મરણોને વાગોળે છે અને મેઘલી રાત પોતાના કામણમાં માનવોને ઘેરતી જાય છે.જ્યાં સુધી ધરતી
પર પ્રેમ તત્ત્વ છે ત્યાં સુધી આષાઢી મેઘલી રાતનો શૃંગાર રસ અકબંધ અને અમર….અમૃતતત્વથી
સભર રહેશે.

વીનું મર્ચન્ટ -વાર્તા અને નિબંધ સ્પર્ધા-૨૨-ઇન્દુબેન શાહ

અષાઢી સાંજને પહોરરે
ડુંગરાને કોરરે
મોરલાનો થાય કલશોર

અષાઢ શબ્દ કાને પડતા જ યાદ આવે અવિનાશ વ્યાસ રચીત આ ગીત. શાળામાં ભણતા ત્યારે વિસમી સદીના મહાન ગીતકાર અવિનાશ વ્યાસના ઘણા બધા ગીત સાથે ગરબે ઘૂમ્યા અને રાસ રમ્યા એમાનો મને એક રાસ હજુ યાદ છે ; તારી બાંકી રે પાઘલડીનું ફુમતું રે મને ગમતું રે, આતો કહુ છું રે પાતળિયા તને અમથું” અમારી શાળાના ૫૦ વર્ષ પૂર્વેના, અષાઢ  મહિનામાં થતા વાર્ષિકોત્સવની આ વાત છે; ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓ, કલા અને કલ્પેશ સાથે બીજા ચાર છોકરી અને ચાર છોકરાઓએ ઉપરના રાસ પર પસંદગીની મહોર મારી. કાર્યક્રમની સાંજે આભ વાદળોથી ઘેરાયું, સાત વાગતા વિજળીના ઝબકારા અને વાદળોનો ગડગડાટ શરૂ થયો, અષાઢ મહિનાની મેઘલી રાતે મંચ પર દસ જણાની રાસની રમઝટ ચાલતી હતી, તેમાં કલ્પેશ અને કલાની જોડી બરાબર જામી હતી. એક બીજાની સામે મલકાતા, નયનો નચાવતા રાસ રમી રહ્યા હતા; આ અભિનય પ્રેક્ષકોની નજરમાં વસી ગયો અને શાળામાં ચર્ચાનો વિષય બની ગયો.

કલા અને કલ્પેશનો એકડે એકથી દસ ધોરણ સુધી વાર્ષીક પરીક્ષામા પહેલો બીજો ક્રમ જ હોય.
બોર્ડની પરીક્ષાની તૈયારીમાં બન્ને વ્યસ્ત થઈ ગયા કલા એલજિબ્રામાં કલ્પેશની મદદ લેતી, બન્ને સાથે કુટમુટિયાના મેગેઝીન (ગાઈડ) વાંચતા ત્યારે હજુ કોચીંગ ક્લાસીસ આજની જેમ શરૂ નહી થયેલ, આજકાલ તો કોચીંગ ક્લાસ ભરે તેને ૯૦% ઉપર માર્કસ મળવાની ગેરન્ટી!!

મુંબઇમાં બન્નેના ઘર નાના, બે ઓરડા, નાનું રસોડું એમાં મા-બાપ સાથે ત્રણ ભાંડુડા, પાંચ વ્યક્તિનો સમાવેશ થાય; તેમા કોઈને મોટેથી વાંચવુ હોય કે કોઇને રેડીયો પર બિનાકા ગીતમાલા સાંભળવી હોય એટલે કલા અને કલ્પેશ વાંચવા શહેરની લાયબ્રેરીમાં જતા.
ક્યારેક કલાને એલજિબ્રાના પ્રોબ્લેમ સમજાવવામાં મોડું થાય તો કલ્પેશ કલાને ઘર સુધી મુકવા જતો, કલાનું ઘર બીજે માળે એ જમાનામાં બે માળના મકાનમાં લીફ્ટની સગવડતા નહી અને
દાદરાની લાઈટ રાત્રે ૯ વાગે બંધ થઈ જતી; મકાન માલીકને બીલ ભરવું પોષાય નહી. કલ્પેશ ઘરના દરવાજા સુધી જાય કલા ડોરબેલ વગાડે, દરવાજો ખુલે, અંદર પ્રવેશે પછી જ કલ્પેશ તેના ઘેર જાય.

માર્ચ મહિનો આવ્યો, બન્ને રાતના નવ વાગ્યા સુધી લાયબ્રેરીમાં વાંચતા, બન્નેના માતા પિતાને કોઈ વાંધો નહી. પરીક્ષા પુરી થઈ, બન્નેના પેપર્સ સારા ગયા, રિઝલ્ટની રાહ જોવી રહી.

બે ત્રણ દિવસ પરીક્ષાનો થાક ઉતર્યા બાદ એક બપોરે કલ્પેશનો ફોન આવ્યો; કલા અને કલ્પેશે પોત પોતાના મમ્મીને  પૂછીને ઉમા કલાની બહેનપણીને લઈને બપોરના શોમાં મુવી જોવા જવાનું નક્કી કર્યું.
કલાની  મમ્મીને ત્રણે જણા સાથે જાય તે ગમ્યું બોલ્યા કલા, તમે ત્રણેય જણા સાથે જાવ, તું અને કલ્પેશ એકલા મુવી જોવા જાવ તે બરાબર ન કહેવાય, મને કે શોભાબેન (કલ્પેશના મમ્મી)ને વાંધો ન હોય પણ પડોશમાં વાતો થાય’
‘મમ્મી શોભા માસીને કે તને વાંધો ન હોય તો પાડોશીથી બીવાનું?’
“ બીક નથી પણ હજુ તમારે બન્નેએ એકલા જવાનો સમય આવ્યો નથી, કોલેજમાંથી એકલા જજો’
‘હાશ, એની તો છુટ મને મારી મોડર્ન મમ્મીએ અત્યારથી આપી દીધી અને મમ્મીને વહાલભરી હગ આપી.

કલા ઉમાને ત્યાં પહોંચી. બેઉ સખી ઘણા સમયબાદ મળી અને બહાર બાલ્કનીમાં બેસતા કલાએ પુછ્યું કે પરીક્ષા કેવી ગઈ?
‘અંગ્રેજીનું પેપર બહુ હાર્ડ હતું, નિબંધના વિષયો બહુ અઘરા હતા મને લાગે છે હું નાપાસ થઈશ એમ બોલતા આંખમાં પાણી આવી ગયા. કલાએ તેના ખભે હાથ મુક્યો આંસુ લુછ્યા
‘અરે એમા રડે છે શું? બધાને માટે નિબંધ અઘરા હતા, બીજા બધા તો સારા ગયા છે ને? અને તારા આઠ વિષય, એટલે તું એકમાં ફેલ થશે તો પણ પાસ ગણાશે જ’
‘પણ અંગ્રેજીમાં નાપાસ એટલે કોલેજમાં તો જવાશે જ નહી’
‘ઉમા, તું એસએનડીટી કોલેજમાં જઈ શકશે. મારી મમ્મી ત્યાં ગુજરાતીના પ્રોફેસર છે તને એડમીશન અપાવી દેશે, તારું ગુજરાતી તો ખૂબ સરસ છે’
‘હા, ગુજરાતી હિન્દી બન્ને પેપર ખૂબ સારા ગયા છે; ૬૫, ૭૦ માર્કસ આવી જશે’
‘સરસ, તૈયાર થઈ જા, આપણે મુવી જોવા જવાનું છે’

બન્ને કલ્પેશના ઘેર ગયા. કલ્પેશ રાહ જોતો બહાર જ ઉભો હતો. ત્રણે ઝડપથી ખાર સ્ટેશન પહોંચીને  મરિન્લાઇન્સની ટીકીટ લઈને ટ્રેન આવતી જોઇ ત્રણે જણાએ દોડીને ટ્રેન પકડી, ફાસ્ટ ટ્રેન હોવાથી સમયસર લીબર્ટી થિયેટર પહોંચી ગયા. ઝનક ઝનક પાયલ બાજે એન્જોય કર્યું.

એપ્રિલના એન્ડમાં રિઝલ્ટ આવ્યું, કલા ના ૮૦% માર્કસ, કલ્પેશના ૮૫%; બન્નેનો શાળામાં પહેલો બીજો નંબર, પરંતુ બોર્ડમાં પહેલા પંદરમાં નામ નહી હોવાથી નિરાશ થયા. કલ્પેશના ફોઈ અમેરિકા હતા તેમણે કલ્પેશને ૧૨મુ ધોરણ અમેરિકામાં કરવાની સલાહ આપી જેથી કોલેજમાં પ્રવેશ સરળ બને, કલ્પેશના પપ્પાએ આ સલાહ માન્ય રાખી પણ દ્વિધા, કલ્પેશને તો અહી જયહિન્દ કોલેજમા સ્કોલરશીપ સાથે એડમીશન મળી ગયેલ છે શું કરવું?
કલ્પેશેઃ ‘પપ્પા ત્યાં બાર સુધી હાઇસ્કુલમાં ભણવાનું હોય છે અને ત્યાં સ્કુલ સપટેમ્બર મહિનામાં શરૂ થાય એટલે હું જુન જુલાય ઓગષ્ટ ત્રણ મહિના અહી જયહિન્દ કોલેજમાં ભણું તો મને ક્રેડીટ મળે અને હું સારા પર્સનટાઇલમાં હાઇસ્કુલ ગ્રેજ્યુએટ થઈ શકુ, મને સારી યુનિવર્સિટીમાં એડમીશન મળી શકે’ શ્રેણીકભાઇ તો દિકરાના બુધ્ધિ ચાતુર્ય પર આફરીન થઇ ગયા.

‘વાહ બેટા બહુ સરસ, આમેય વિસા અને ત્યારબાદ અમેરિકા જવાની તૈયારીમાં ત્રણેક મહિના જેટલો સમય થઈ જ જાય એમ જ કરીશું’

શ્રેણીકભાઇએ બીજે દિવસે નીલુબેનને અમેરિકા ફોન કરી જણાવી દીધુ.

કલાને પણ જયહિંદ કોલેજમાં એડમીશન મળી ગયું. બન્ને સાથે કોલેજમાં જતા, રોજ કેટલીયવાર મળવાનું થતુ, કેટલી બધી વાતો કરતા,  બાયોકેમીસ્ટરીની,  બાયોલોજીની તો કોઈ વાર “ડો. ઝિવાગો” “ગન્સ ઓફ નેવરોન” જેવા ફેમસ હોલિવુડ મુવી જોવા જતા, કલ્પેશના હોઠ સુધી ઓગષ્ટમાં અમેરિકા જવાની વાત આવે બોલી ના શકે; એકદિવસ મરિનડ્રાઇવના દરિયા કિનારે બન્ને બેઠા હતા, અષાઢ મહિનાની શરૂઆત વાદળો ઘેરાવા લાગ્યા વરસાદ તુટી પડશે, ક્લ્પેશના હોઠ ફફડ્યા જોઇને કલાએ પુછ્યું

‘શું થાય છે?’  કપાળે ગળે હાથ ફેરવવા લાગી ‘ક્લ્પુ તને ઠંડી લાગે છે?’
‘ના રે તું પાસે હોયને ઠંડી લાગતી હશે’ બન્નેની જ્ઞાનેન્દ્રીય સળવળી આખા શરીરમાં ઝણઝણાટી બન્ને એકબીજાના આલિંગનમાં કલ્પેશે કલાના ગાલ હોઠ કપાળે ચુમીનો વરસાદ વરસાવ્યો. કલાનું હૈયુ પલળ્યું, બન્નેની ધડકન એક થઈ ગઈ.
હોઠ બોલી ના શક્યા સ્પર્શી પાવન થયા. કલાએ ઘડીયાળમાં જોયું;
‘કલ્પેશ આઠ વાગ્યા ઘેર પહોંચતા નવ વાગશે અમારા ઘરનો કરફ્યુ ટાઇમ નવ વાગે બધાએ ઘેર પહોંચી જવાનું’ બન્ને ઉભા થયા ફાસ્ટ ચાલવા માંડ્યા મરિન્લાઇન્સ સ્ટેશન તરફ આઠ દસની ફાસ્ટ ટ્રેન પકડવા, મળી ગઈ. સમયસર કલાને ઘેર પહોંચ્યા.

બીજે દિવસે રિસેસમાં કેન્ટીનમાં કલ્પેશે આજે બે કોફી સાથે પાર્લેજી લીધા, કલા હસતા હસતા બોલી ભૂલમાં બીજાની ટ્રે લઈ આવ્યો!
‘આપણી જ છે આજે મને પણ તારી જેમ કોફી પીવી છે, મારે હવે ટેવ પાડવી છે’
‘ ટેવ! અમેરિકામાં ચા નહી મળે?’
‘તને કોણે કહ્યું હું અમેરિકા જવાનો છું!
’ગઈ કાલે વીણા માસીએ મારા મમ્મીને વાત કરી, તને ડર લાગ્યો? કલા રડશે મને પણ ઢીલો પાડશે, કલ્પુ આપણે નાનપણથી સ્વપ્ના જોયા છે, આજે તને ચાન્સ મળ્યો છે, મને મળશે જ; આપણા સ્વપ્ના સાકાર થશે જ’

‘કલી મારું હૈયુ આટલા લાંબા સમય સુધી તારાથી દૂર જવા તૈયાર નથી, કેટલીએ વાર પ્રયત્ન કર્યા હોઠ ફફડે પણ બોલી ના શકે’
‘કલ્પુ મારા મમ્મીએ વીણા માસીને સારા સમાચાર આપ્યા મારા સુલભા માસીએ મારા મમ્મીની પીટીસન ફાઇલ કરી છે બે વર્ષમાં વિસા કોલ આવી જશે’
‘વાહ બન્ને બહેનપણીઓ ખુશ અને આપણે બન્ને સાથે ત્યાંની કોલેજમાં જઇશું’ બન્ને હળવા ફૂલ થઈને ક્લાસમાં ગયા.

ઓગષ્ટ મહિનો આવ્યો. રોજ રાત્રે કલાનું મન વિચારોના ચકડોળે ચડે, પંદર દિવસમાં કલ્પુ જતો રહેશે, બે વર્ષ? કદાચ વધારે પણ થાય મમ્મીનો વિસા કોલ મોડો આવે તો? મને ૨૧ વર્ષ થઈ જાય તો હું મમ્મી સાથે ન જઈ શકુ, કલ્પેશ મને ભૂલી જશે તો? આવા અનેક પ્રશ્નો મનમા ઊઠે, જવાબ હૈયુ આપે; ના ના મારો અને કલ્પેશનો પ્રેમ બચપનથી પરિપકવ છે, અમારા બન્નેના હૈયામાં જડાયેલ છે, ભૂલાય નહી; ‘હો…બચપનકે દિન ભૂલા ન દેના….

અષાઢ સુદ આઠમ કલ્પેશનો જવાનો દિવસ, સવારથી સગા સંબંધીઓ મળવા આવતા કોઈ સુખડનો હાર પહેરાવે કોઈ શ્રીફળ આપે. કલ્પેશની આતુર આંખો વારંવાર બારી બહાર સામેના બિલ્ડીંગને જુવે, નાની બેન અંજના બોલી ભાઇ જેને શોધો છો તે તમારી પાછળ ઊભી છે, કલા કોલેજથી સીધી કલ્પેશને ત્યાં આવી ગઈ હતી તેના મમ્મી- પપ્પા પણ આવી ગયા, વીણાબેને અને શોભાબેને કલ્પેશને બાજઠ પર બેસાડ્યો કુમકુમ અક્ષત તિલક કર્યું, ક્લાના પપ્પા શ્રેણીકભાઈએ શ્રીફળ અને રોકડો રૂપિયો કલ્પેશના હાથમાં મુક્યા, કલ્પેશ વીણાબેન સામે જોઇ બોલ્યો મમ્મી આ બધુ શું? કલ્પેશના પપ્પા વિનયભાઇ બોલ્યા ‘કલ્પેશ આજે અમે શ્રીફળ વિધિ કરી એટલે તારું કલા સાથે વેવીશાળ નક્કી થયું. કલા અને કલ્પેશની નજર શરમથી ઝુકી ગઈ, અંજના બોલી ભાઇ કલા હવે તો ભાભી, શરમાવ છો શું વડીલોને પગે તો લાગો. ત્યાં ઉમાએ શરૂ કર્યું “નૈન સો નૈન નાહી મિલાવો સય્યા..આવત લાઝ…દિવાનખંડમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું. બધા સાથે જમવા બેઠા, આભમાં ગડગડાટ અને વીજના ઝબકારા શરૂ થયા આવી જ એક અષાઢી મેઘલી રાતે બે હૈયામાં પ્રેમના અંકુર ફૂટ્યા હતા, આજની અષાઢી મેઘલી રાતે પ્રેમ પરિપકવ થયો..

નીચે વિનયભાઇના ક્લાયન્ટની મોટી સેવરોલેટ ગાડી આવી ગઈ હતી, ઘાટીએ અને ડ્રાયવરે સામાન ડીકીમાં ગોઠવ્યો. કલ્પેશ અને વિનયભાઇ આગળ બેઠા પાછળ અંજના કલા અને વીણબેન બેઠા; બાકીના સૌ નીચે સુધી આવ્યા, આવજો, આવજો, સંભાળજો કલ્પેશભાઇ કોઈ વખત પત્ર લખતા રહેજો વગેરે ઉદ્ગારો લઈને ગાડી ઉપડી, કલ્પેશ વિજળીના પ્રકાશમાં કલાનો ચહેરો રીયર મિરરમાં જુવે હોઠો પર સ્મિત નેત્રોમાં છુપાવેલ અશ્રુ, જોઇને કલ્પેશનું આદ્ર હૈયુ મુંઝાય, પાછળ જોવાય જાય તોફાની અંજના બોલે ભાઇ ચિંતા ન કરો કલા મારા અને મમ્મીની વચ્ચે બરાબર છે. બન્નેને હસાવાવાનો પ્રયત્ન.
એરપોર્ટ આવી ગયું. બ્રિટીશ એર લાઇન્સમાં સામાન ચેક ઇન કરી, થોડી વાર સૌ સાથે બેઠા અંજનાએ ફોટોગ્રાફરને બોલાવ્યો, ગ્રુપ ફોટો પડાવ્યો, ત્રણ ઇનસ્ટન્ટ કોપી એક ક્લ્પેશની એક કલાની અને એક મમ્મીની. કલ્પેશ ગેટ તરફ ગયો, બારી પાસેની સીટ હતી પ્લેન ઉપર ગયું નીચેથી આઠ હાથ અને પ્લેનની બારીએથી બે હાથ હાલતા રહ્યા, પ્લેન વાદળોને કાપતુ ઉંચે ઉંચે ઉડ્યું, દેખાતુ બંધ થયું ત્યાં સુધી કલાના હાથ ગાડીની બારીમાંથી હાલતા રહ્યા. કલાને તેના ઘેર ઉતારી, વિનયભાઇએ ગાડી ગેટ પર જોઇ કે તુરત નીચે આવ્યા, બોલ્યા ‘શોભાબેન, શ્રેણીકતભાઇ ઉપર આવો કાલે રવિવાર છે થોડીવાર બેસીએ મન હળવા થશે’