કુદરતનો ક્રમ છે આવન-જાવનનો. દિવસ શરૂ થાય અને સૂર્યદેવનાં આગમન સાથે ચંદ્ર વિદાય લે ત્યારે આકાશ કે પૃથ્વીને એનો જુદાગરો લાગતો હશે? પહાડોમાંથી વહી જતાં ઝરણાનું પાણી જોઈને પહાડનું હૃદય આર્દ્ર થતું હશે? પાંદડું ખરે ત્યારે ઝાડને પીડા થતી હશે? કે પછી પંખીને પાંખ આવે અને એ ઊડી જાય ત્યારે વૃક્ષને એનો વિરહ સાલતો હશે? એની તો આપણને કંઈ ખબર નથી હોતી પણ જ્યાં એક વ્યક્તિ બીજી વ્યક્તિથી જુદી પડે ત્યારે એનો જરૂર જુદાગરો સાલતો જ હોય છે. આ જુદાગરોય પાછો જુદા જુદા પ્રકારનો હોં કે! અને આ સૌ જુદાગરામાં સૌથી વસમો જુદાગરો તો બે પ્રેમીઓનો.
આ પહેલા પ્રણયગીતોને માણ્યા અને પ્રણય હોય ત્યાં મળવાની સાથે જુદા પડવાનુંય આવે એટલે પ્રણયગીતોની જેમ જ આ વિરહ, વિયોગ, વલવલાટને કવિઓએ – ગીતકારોએ એવી રીતે તો શબ્દોમાં ઢાળ્યો છે કે એ વિરહ પણ જાણે મણવા જેવો અનુભવ ના હોય!
તો પછી આપણા લાડીલા ગીતકાર અવિનાશ વ્યાસ એમાંથી બાકાત રહે ખરા? એ તો વળી એવું કહે છે કે ઘણીવાર તો મળવામાં જે મઝા હોય એનાથી વધુ મઝા ઝૂરવામાં છે. પ્રિયતમ સાથે હોય ત્યારે જે પ્રીતનો પરિચય થાય એનાં કરતાંય વધુ એ દૂર થાય ત્યારે સમજાય છે.
પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઈમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગઈમાં
અને એટલે જ એ પ્રિયતમાને કહે છે કે, પ્રિયા તો આવે અને જાય પણ ખરી પણ એની યાદ તો સદાય સ્મરણમાં જ રહેવાની. પ્રિયતમાની હાજરી ઘડીભરનીય હોઈ શકે પણ એની યાદ તો દિલ સાથે સદાય જોડાયેલી… ઘણીવાર જે દેખાય એનાં કરતાં જે ન દેખાય એ વધારે સુંદર હોઈ શકે.
યાદ છે ને આ ગીત?
આવો ને જાઓ તમે ઘડી અહીં, ઘડી તહીં
યાદ તો તમારી મીઠી અહીંની અહીં રહી
આવો તોયે સારુ, ન આવો તોયે સારુ,
તમારું સ્મરણ છે તમારાથી પ્યારું
હવે આ ગીતની મઝા જુઓ… એક રીતે જોઈએ તો પ્રિયતમા તો આવે એ જ ગમે પણ ન આવે તો મન તો મનાવવું પડે ને? પાછું મન મનાવવાની રીત પણ કેવી મઝાની?
અવિનાશ વ્યાસ કહે છે કે,
મિલનમાં મજા શું, મજા ઝૂરવામાં
બળીને શમાના, પતંગો થવામાં.
આ પ્રીત છે જ એવી કે એમાં પડેલાને મળવાની સાથે બળવાની મઝાય લેવી હોય છે.
અવિનાશ વ્યાસની બીજી એક રચના યાદ આવે છે. અહીં, પ્રેમીની યાદમાં તડપતી પ્રિયાની લાગણીઓ વ્યક્ત થઈ છે. ગીતકાર કહે છે કે,
સપનામાં આવી તું કેમ સતાવે?
તારી યાદમાં મને નિંદરુ ન આવે.
વળી અહીં ફરિયાદની સાથે મીઠી મૂંઝવણ, મનની અકળામણ પણ છે ખરી..
એ કહે છે કે,
આમ તને જોઈને મને રોષ બહુ આવે, પણ પાંપણ તો પ્રીતનું પાથરણું બિછાવે
મનડાના મંથનમાં કેમ તું મૂંઝાવે, તારી યાદ મારે મને નિંદરું ન આવે.
અવિનાશ વ્યાસની ગીત રચનામાં એવી ખૂબી છે કે, એ પ્રિયતમ હોય કે પ્રિયતમાના ભાવ હોય, એ બંનેના ભાવ સાંગોપાંગ નિરૂપે છે. કેવી રીતે આવા ભાવ એમના મનમાં ઊગતાં હશે?
હવે જ્યારે મિલનની અને વિરહની વાત આવે ત્યારે પ્રેમની દુનિયામાં જેમનું નામ અને સ્થાન અમર છે એવી રાધા-કૃષ્ણની જોડી તો યાદ આવે જ અને રાધા-કૃષ્ણની કોઈપણ વાત તો કવિ, ગીતકાર, લેખકોની કેટલી માનીતી?
અવિનાશ વ્યાસે પણ રાધાના વિરહની વ્યથા અત્યંત ભાવવાહી રીતે શબ્દોમાં ઢાળી છે. રાધા એક એવું નામ કે જેના વગર કૃષ્ણ પણ અધૂરા લાગે. એટલે એવી રાધાને એણે કેમ છોડી, ક્યારે છોડી એ પ્રશ્ન જ આમ જોવા જઈએ તો અસ્થાને છે. સૌ જાણે છે કે ક્યારેય કૃષ્ણ મનથી રાધાથી અળગા રહી શક્યા નહોતા તો રાધાના દરેક શ્વાસની આવન-જાવન પર કૃષ્ણનું નામ હતું જ. સનાતન કાળથી અદેહી જોડાયેલા રહ્યા પરંતુ એ દૈહિક રીતે તો અલગ જ રહ્યાને? પાસે હોવાનાં, નજરની સામે હોવાનાં, જરા હાથ લંબાવીને એને સ્પર્શી લેવાનાં સુખથી તો એ વંચિત જ રહ્યાને?
રાધા-કૃષ્ણનો પ્રેમ જેમ અમર રહ્યો એમ એમના વિરહના સંજોગો પણ કાયમી જ રહ્યા. આવી રાધાની મનોસ્થિતિ, એની વેદના, વ્યાકુળતાને અવિનાશ વ્યાસે શબ્દોમાં અમર કરી છે.
કેમ રે વિસારી ઓ વનના વિહારી…
તારી રાધા દુલારી…
વગડાની વાટે હું વાટડીયું જોતી
ભુલ કીધી હોય તો હું આંસુડે ધોતી
વેગળી મુકીને મને મુરલી ધારી
તારી રાધા દુલારી
નિત્ય નિરંતર મુજ અંતરમા
તુજ વાજીંતર બાજે
કહે ને મારા નંદ દુલારા
હૈયું શેને રાજી
તારી માળા જપતી વનમાં
ભમતી આંસુ સારી
રાધાની વિરહ વેદનામાં પ્રેમનગરમાં વિહરતી સૌ પ્રેમિકાને પોતાની જ લાગવાની. જો કે, ઈચ્છીએ કે ભલે શબ્દોમાં આ ભાવ અજબ રીતે ઝીલાતો હોય પણ આવા સંજોગો કોઈના પ્રેમ આડે ન આવે.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
Like this:
Like Loading...