5-સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

માનસિકતા નથી બદલાઈ
બાર વર્ષની નીમુ તેના ભાઈની ચડ્ડી ને ટીશર્ટ પહેરીને તેના ભાઈઅને તેના મિત્રો સાથે ક્રિકેટ રમતી હતી.તેનો ભાઈ તેનાથી દોઢ વર્ષ જ મોટો હતો.નીમુ ગોરીચીટ્ટી,ગોળમટોળ ,એકદમ ચાલાક અને ટોમબોય જેવી હતી.તેને બધી છોકરાઓની રમત રમવી ગમતી.તે બધી રમતમાં છોકરાઓને હરાવી દેતી. તે ક્રિકેટ રમતી હતી અને બધા છોકરાઓ એકદમ ગભરાઈ ગયા કારણ નીમુની ચડ્ડી લોહીવાળી થઈ હતી. કોઈને કંઈ સમજ નહતી.નીમુ ને થયું કે કંઈ વાગ્યું નથીને આ લોહી ક્યાંથી આવ્યું ?તે બેટ ફેંકી ને દોડતી મા પાસે ઘરમાં ગઈ.તેને જોઈ મા બધું તરતજ સમજી ગઈ.મા મનમાં જ બબડી “હજુ તો નીમુને બાર જ વર્ષ થયા છે આ………થોડું વહેલું નથી?”મા એ નીમુને કપડાં બદલાવ્યા અને ઘરમાં એકબાજુ બેસાડી દીધી.એટલામાં જ નીમુના દાદી સેવામાંથી બહાર આવ્યા.તે રોજ નીમુને પ્રસાદ ને આરતી આપતા પણ નીમુ ના પીરીયડની વાતની ખબર પડતા તેમણે નીમુને આરતી તો આપી જ નહીં અને પ્રસાદ આપતા પણ નીમુને પોતાનાથી દૂર રહેવા કીધું અને પ્રસાદ અછૂત હોય તેમ ઉપરથી હાથ અડી ન જાય તેમ આપ્યો.
દાદીએ કંતાનનો એક કોથળો આપી નીમુને તેની પર બેસવાનું કીધું .જમવા પણ તેને બધા સાથે ન
આપ્યું અને કીધું” બેટા આપણે ત્યાં રાજસેવા છે માટે રસોડામાં અને સેવામાં ભૂલથી પણ જતી નહી.
નીમુને આજે એકલા ખૂણામાં નીચે બેસીને જમવું પડ્યું .નીમુને કેરીનું અથાણું બહુ ભાવે.માએ અથાણું
વાટકીમાં જુદું આપ્યું ને અથાણાની બરણીને ભૂલમાં પણ નઅડાય તેમ કહ્યું.દાદીએ નીમુની માને કીધું “આજે કંસાર રંધાવજે ,નીમુ મોટી અને લાયક થઈ ગઈ .” નીમુનું નામ નિર્મલા હતું.
નીમુ મુંઝાઈ ગઈ હતી. ઘરમાં અને પોતાના શરીરમાં શું થઈ રહ્યું હતું ,તે કંઈ જ તેને સમજાતુ નહોતુ .ગઈકાલ સુધી બધા પર દાદાગીરી કરતી ,દોડતી,કૂદતી,છોકરાઓ સાથે ક્રિકેટ રમતી,આંબાના ઝાડ પર ચડી કેરીઓ તોડતી,મંદિરમાં આરતીના સમયે ટેબલ પર ચડી ધંટ વગાડતી નીમુને આજે એકબાજુ ખૂણામાં બેસી જવાનું!રમવાનું નહી,કોઈને અડવાનું નહી.તેની થાળીજુદી,તેની લાકડાની પાટ પર કંતાનની ગાદીવાળી પથારી જુદી,મંદિર કે રસોડામાં જવાનું નહી.વળી નખમાંય રોગ નહી એવી નીમુની લોહી નીંગળતી હાલત ને પેટમાં દુખ્યા કરે તે વધારાનું.મા કે દાદી કંઈ સમજાવે નહી ને કહે છોકરીઓ મોટી થાય એટલે દર મહિને પિરીયડ આવે.નીમુ તો આ અસ્પૃશ્યતાનું નિવારણ કેવીરીતે લાવવું તે જ વિચાર્યા કરે!
થોડા દિવસ પછી સ્કૂલમાં ડોકટર સોનલ દેસાઈ ગાયનેકોલોજીસ્ટનું પ્રવચન હતું.તેમણે સ્કૂલના બધા છોકરા,છોકરીઓને પિરીયડ એ કુદરતી શારીરિક પ્રક્રિયા છે અને તે આખી પ્રક્રિયાને ગર્ભાશયના ચિત્રો સાથે સમજાવી .આ કોઈ અપવિત્ર પ્રક્રિયા નથી પરંતુ સૌથી પવિત્ર પ્રક્રિયા છે જેને કારણે સ્ત્રી મા બનવા સક્ષમ બનેછે. આ દરમ્યાન સેનેટરી નેપકીન વાપરી કેવીરીતે ચોખ્ખાઈ રાખવી જોઈએ તે પણ સમજાવ્યું. નીમુ હવે બધું સમજી ગઈ હતી.તેની મા તો કહેતી પીરીયડમાં જુદા રહેવાનો રિવાજ સારો છે .તે બહાને સ્ત્રી ને ચાર દિવસ આરામ મળી જાય અને પહેલા સ્ત્રીઓ કપડાં વાપરતી એટલે રસોડામાં ન અડે તો ચોખ્ખાઈ પણ જળવાય.
સમયની સવારી આગળ વધવા લાગી.નિર્મલા એન્જનિયર થઈને અમેરિકામાં સેનઓઝે આવી ગઈ.જિન્સની શોર્ટસ પહેરીને પતિ નમન સાથે ગીલરોયની ટેકરીઓ પર હાઈકીંગ કરવા જતી હતી.રસ્તામાં હનુમાનજીનું મંદિર આવ્યું.દર્શન કરવા પગથિયાં ચડતી હતી અને અડધેથી પાછી ઉતરી જાયછે.નમન પૂછે છે “કેમ પાછી જાય છે ?તો કહે છે “ફરી આવીશ દર્શન કરવા હું પિરીયડમાં છું”. બધું બદલાયું,કપડાં પરથી સેનેટરી નેપકીન અને એથી ય વધીને Tampon .પીરીયડમાં સ્ત્રીઓ બધું જ કામ ઘરનું અને બહારનું કરવા લાગી પણ ભારતીય સંસ્કૃતિના દરેક ધર્મોએ ,સમાજ અને કુટુંબોએ ઠાંસીઠાંસીને ભરેલ માનસિકતા કેવીરીતે બદલાય? નિર્મલા જેવી કાબેલ છોકરીના મગજમાં પીરીયડમાં મંદિરમાં ન જવાય તે વાત કેવી રીતે ઠસાવી.માસિક શારીરિક પ્રકિયા છે તેને ધર્મ સાથે શું લેવાદેવા?આ માનસિકતા તેના મગજ મા થાેપવા માટે જવાબદાર કોણ?માતા,દાદી,કુટુંબ,સમાજ ,ધર્મ કે બધાં જ ? માસિકધર્મ શબ્દ જ ખોટો નથી લાગતો?
હજુ આજે પણ ખૂબ ભણી ગણીને દેશ કે વિદેશમાં વસેલ ભારતીય સંસ્કૃતિને વરેલ સ્ત્રીઓ,દેરાસર,મંદિર કે મસ્જિદમાં જવું,કોઈપણ પૂજાપાઠના કાર્ય જેવાકે નવચંડી કે વાસ્તુપૂજન,માતાજીની આરતી કે દીવો કરવાે -જેવા ધાર્મિક કામ પીરીયડમાં નથી કરતી.તે બંધુજ જાણે છે કે આ એક કુદરતી શારીરિક પ્રકિયા છે.શરીરના વિજ્ઞાનને સમજે છે,પણ ધર્મ સંસ્કારની ઘર કરી ગએલ માનસિકતા કેવી રીતે બદલાય????? નિર્મલાની નથી બદલાઈ ,આપની બદલાઈ છે??? પીરીયડમાં આવેલ સમયે સ્ત્રીને અશુદ્ધ સમજી તેને ધાર્મિક સ્થળો અને ધાર્મિક વિધિઓમાં વંછીત રાખવાની વાતથી જ મારી અંદરની સંવેદના ખળભળી ઊઠે છે.
જિગીષા પટેલ

વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?

વાત્સલ્યની વેલી :૨) માંદુ બાળક કોનું ?
અમારાં ડે કેર સેન્ટરની પેરેન્ટ્સ હેન્ડબુકમાં લખ્યું છે:
માંદા બાળકને બે વસ્તુની જરૂર હોય છે- હૂંફભર્યો પ્રેમાળ હાથ અને પૌષ્ટિક ખોરાક !
અને પછી સમજાવ્યું છે કે કેવા કેવા સંજોગોમાં બાળકને ઘેર રાખવું જેથી એને હૂંફભર્યો યોગ્ય આરામ અને જોઈતું ન્યુટ્રીશન મળી શકે; અને સાજા થઈને એ ઝડપથી સ્કૂલે આવી શકે.
બાળકને તાવ હોય, ઝાડા ઉલ્ટી કે ચેપી પિન્ક આઈ જેવું કાંઈ હોય ….. વગેરે વગેરે ..
….તો બાળકને પ્રિસ્કૂલમાં લઇ આવવું નહીં.
પણ વાત તમે માનો છો એટલી સરળ નથી !
હા, આપણે ત્યાં એનાંથી કાંઈક જુદું હશે!
આપણે પણ નાનાં હતાં , માંદાય પડતાં અને ઘેર બાના હાથની રાબ, શિરો કે ખીચડી ખાઈને પછી તાજાં માંજા થઈને બીજે દિવસે વધારે ધિંગા મસ્તી કરવા નિશાળે પહોંચી જતાં!
જો કે હવે જમાનો બદલાઈ રહ્યો હશે … પરિસ્થિતિ પણ બદલાઈ રહી છે ને ?
જુઓ , અમારાં બાલમંદિરમાં જેસિકાના કેસમાં શું બન્યું?
ત્રણ – સાડા ત્રણ વર્ષની ફૂલ જેવી કોમળ અને પતંગિયાની જેમ કૂદતી ગાતી જેસિકા થોડા દિવસથી કજીયાળી બની ગઈ હતી. નાની નાની વાતમાં રડતી , કોઈ રમકડાંમાં પણ એને રસ નહીં, અને ખાવાનું પણ પૂરું ખાતી નહીં ! ‘
‘કદાચ એને ઝીણો તાવ આવતો હશે’ મારુ બાલ માનસશાસ્ત્રનું જ્ઞાન એમ કહેતું હતું!
શિકાગોની સખત ઠંડી માં ઘરમાં ,સ્કૂલમાં અને ગાડીમાં હીટરની કૃત્રિમ ગરમી અને રસ્તા પરની સખત ઠડી ,ગોદડાં જેવાં જેકેટ ,સ્કાર્ફ , મોજામાં ઢબૂરાઈ હોવા છતાં આ બદલાતાં ગરમી ઠન્ડી ઉષ્ણતામાન તફાવતમાં એનાં શરીરની પ્રતિકાર શક્તિ ઓછી થઇ ગઈ હશે – કદાચ તાવ આવતો હશે?
મેં એની મમ્મીને મારી શંકા જણાવી .
‘ ના રે ! એ તો જરા થાકી જતી હશે; તમે એને સ્કૂલમાં જરા વધારે સુવા દેજો!’ જેસિકાની મમ્મીએ કહ્યું . અને પછી જરા ચિંતાથી કહ્યું કે અમારાં ઘરમાં કોઈ જેસિકાને સાચવવાવાળું નથી!
‘ હું ઘેર રહીશ અને રજા પાડીશ તો મારી જોબ જતી રહેશે ! ‘ જેસિકાની મમ્મીએ કહ્યું. ‘ આમ પણ જેસિકા ખાવાની તો ચોર જ છે! ઘેર પણ એ બરાબર જમતી જ નથી !તમે તમારે એને ડે કેરમાં કોઈ જાતની ચિંતા કર્યાવીના રાખો ! ‘
જેસિકાની મમ્મીએ સહજ રીતે વાત કરી .
જોકે પ્રશ્ન તો હજુ એમને એમ જ ઉભો હતો: જેસિકા માંદી છે અને એણે ઘરે રહેવું જોઈએ એમ મારુ મન કહેતું હતું.
મને અમારાં બાળપણના દિવસો યાદ આવ્યા !
બહારગામથી કોઈ મહેમાન ઘેર આવ્યાં હોય તો અમને ભાઈ બહેનોને મઝા આવી જાય , ક્યારેક નિશાળે જવાનું મન ના થાય, “મમ્મી, મને પેટમાં દુઃખે છે,” હું કહું , પણ મમ્મી ધીમેથી પટાવીને અમને સ્કૂલે મોકલે! જો કે એ પ્રાથમિક શાળાના દિવસો હતાં!
જેસિકા ભાગ્યે જ સાડા ત્રણ વર્ષની બાળમંદિરયાણ હતી! અને એને ઝીણો તાવ હતો એવું મને છેલ્લા બે ચાર દિવસથી લાગતું હતું, જો કે થર્મોમીટરમાં ટેમ્પરેચર લગભગ નોર્મલ આવતું !
અને સિંગલ પેરેન્ટ એવી જેસિકાની મમ્મી એની નોકરી જવાના ડરથી ઘેર રહીને જેસિકાની કાળજી લેવા અસમર્થ હતી!
પ્રિય વાચક મિત્રો ! આવાં જ કોઈ અગમ્ય કારણથી તો હું આ બાલઉછેર ક્ષેત્રમાં આવી હતી! હા, એની વાત તો આગળ કરીશું ; પણ જેસિકાના કેસમાં શું બન્યું તે જણાવું .
આમ તો શિકાગોના રાજ્ય ઇલિનોઇમાં કાયદો છે કે તાવવાળા બાળકે તાવ ઉતર્યા પછી ચોવીસ કલાક બાદ ડેકેરમાં જઈ શકે, તે પહેલાં નહીં!
પણ આપણાં દેશમાં મારો ઉછેર થયો હોવાથી , જરા દયાભાવ અને લાગણી વગેરેને લીધે અને થર્મોમીટરમાં તાવ જણાતો નહોવાથી મારાંથી જેસિકાની મમ્મીને ખાસ કાંઈ કહેવાયું નહીં!
બીજે દિવસે અમારાં ડે કેર સેન્ટરમાં જેસિકાની કલાસરૂમ ટીચરે જેસિકાને કલાસમાં
આવવા દીધી . પણ કલાક પછી, બ્રેકફાસ્ટ સમયે જેસિકાને વધારે તાવ હોય તેમ લાગ્યું. અમે એનો તાવ માપ્યો અને તાવ વધારે હોવાથી ફર્સ્ટએઇડ ચાલુ કરી- ભીના પોતાં મૂકવાં શરૂ કર્યાં અને એક ટીચરે પેરામૅડિક મદદ માટે ફોન કર્યો સાથે જેસિકાની ફાઇલમાંથી ઇમરજન્સી નંબરો ડાયલ કરવાં માંડ્યા . આ એ સમયની વાત છે જયારે મોબાઈલ ફોન એટલા પ્રચલિત નહોતા ! કમનસીબે એક પણ નંબર પર કોઈનો
સંપર્ક ના થયો!પોલીસ , લાયબમ્બો- ફાયર ટ્રક -અને એમ્બ્યુલન્સ ગણતરીની મિનિટોમાં જ આવી ગયાં . જેસિકાને પ્રાથમિક સારવાર આપી
ઇમરજન્સી રૂમમાં લઇ ગયાં ,સાથે અમારાં સ્ટાફમાંથી એક બહેન પણ પોતાની ગાડીમાં ગઈ અને જેસિકાની મમ્મી પણ સીધી ત્યાં પહોંચી. જેસિકા તો સાચી ટ્રીટમેન્ટ મળી એટલે
દશ જ મિનિટમાં પછી હસતી રમતી થઇ ગઈ! પણ બ્લડ રિપોર્ટમાં આવ્યું કે એને ચાર પાંચ દિવસથી વધારે તાવ ઉતારવાની દવા આપવામાં આવી હતી.. જેસિકાની મમ્મી ઉપર કોઈ કાયદેસર કેસ તો ના થયો કારણ કે એ તેની મા હતી, પણ અમારી પાસે એ ખોટું બોલીને જેસિકાને સ્કૂલે મુક્વા આવતી હતી તેનો એને અફસોસ જરૂર થયો.
એણે જે કર્યું હતું તે પોતાની નોકરી બચાવવા કરેલું.
બીજે દિવસે એ ડેકેર આવી ત્યારે એણે સાચી પેટછૂટી વાત કરી.
જો કે, ડિરેક્ટરની જવાબદારી માત્ર બાળક પૂરતી મર્યાદિત હોતી નથી. એમને માથે બીજી પણ ઘણી જવાબદારીઓ હોય છે, પેરેન્ટ્સને બાળ ઉછેર માટેની યોગ્ય માહિતી આપવી, સરકારના બાળક- મા બાપને લગતાં નવા લાભ – યોજનાઓ , નિયમોનો વગેરેથી માહિતગાર કરવાં વગેરે.
“ બહેન, નોકરી કરતાં આપણું બાળક શું વધારે મહત્વનું નથી? એટલે તો ગવર્મેન્ટ એકલ પેરેન્ટ્સને ઘણી આર્થિક સગવડો આપે છે જેથી મા સ્વંતત્ર રીતે પોતાનું સંતાન ઉછેરી શકે! આ નોકરી તો કાયમ રહેવાની જ છે! યાદ રાખીએ કે હમણાં થોડા જ સમયમાં આ બાળક બાળક ના રહેતા યુવાન બની જશે! ત્યારે જેસિકાને એનાં બાળપણની કેવી યાદો હશે? ફરીથી આ સમય પાછો નહીં આવે ! મહત્વનું શું છે તે પુખ્ત વયનાં આપણે જ નક્કી કરવાનું છે!”
ત્યારે તો એ વાત ત્યાંજ પુરી થઇ પણ અમારાં ડેકેરનું એ સૂત્ર બની ગયું :
બાળકને સુંદર બાળપણ આપવાની પ્રત્યેક મા બાપની ફરજ છે, જેથી મોટી ઉંમરે બાળપણની મધુર યાદો તેમની પાસે કાયમ રહે !
Childhood comes only once in a life time:Give children your very best !

૪- કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

થોડા દિવસ પહેલા બહુ મઝાની વાત બની. બન્યું એવું કે અમે ન્યુયોર્ક જઈ રહ્યા હતા.. લક્ઝરી કોચમાં..
સામાન્ય રીતે તો એવું જ બને કે ક્યાંય પણ જવું હોય તો આપણે સેલ્ફ-ડ્રાઈવ કરીને જ જતા હોઈએ પણ અમારા સદનસીબે અમને ભાગ્યેજ મળે એવી તક મળી. સરસ મઝાની લક્ઝરી કોચની સીટ પર ગોઠવાયા અને સમયસર કોચ ઉપડ્યો. બસમાં જરા-તરા આરામદાયી પોઝિશનમાં ગોઠવાયા ત્યાં તો પર્સમાં રહેલો સેલ ફોન રણક્યો.. થોડીવાર ફોન પર વાત તો પતી ગઈ પણ બસ પછી તો પૂછવું જ શું?
“ડગલું ભર્યું કે ના હટવું”ની જેમ એકવાર ફોન હાથમાં લીધો કે પાછો ના મુકાયના ધોરણે આપણે તો એમાં ખૂંપતા ગયા પણ અંતે ફોનની બેટરીએ લાલ લીટી આંકી દીધી અને પછી તો ક્ષણભરમાં અંધારપટ છવાઈ ગયો. હવે ? ના-છૂટકે નજરનો તાર બારીની બહાર સંધાયો અને જોયું તો.. 
જ્યાં જ્યાં ચમન, જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’ની જેમ ચારેકોર ઈશ્વરના હસ્તાક્ષર સમી કુદરતની આભા…
હવે જ્યારે આપણે સેલ્ફ ડ્રાઈવ કરીને જઈએ ત્યારે મોટાભાગે આપણું ધ્યાન રસ્તા પર, ટ્રાફિક પર અને ટ્રાફિક સિગ્નલના પેલા લાલ પીળા લીલા ઝબકારે જ ચોટેલું રહે  હવે અત્યારે એની તો ચિંતા નહોતી એટલે આ શુભ ઘડીએ મળેલી મોકળાશને માણી લેવી એવું મારા મને નક્કી કર્યું ….અને મન જેવું મોકળું થયું કે વર્ષો પહેલાની કવિતાની કેટલીય જુની પંક્તિઓએ મારા મન સાથે સૂર સાધી લીધો.
“આજનો લ્હાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે”
ધીરે ધીરે ધ્યાન બધેથી સમેટાઈને બારીની બહાર ફેલાયેલી અફાટ લીલોતરી પર કેન્દ્રીત થયું અને સાચું કહું આ સફરે મને વિચારતી કરી દીધી કે આ ટેક્નૉલોજિએ આપણને શેનાથી અને કેટલા દૂર કરી દીધા છે ! ટેક્નૉલોજિ પણ મહત્વની છે એની ના નહીં પણ આપણે તો જાણે ટેક્નૉલોજિ નામના વેન્ટિલેટર પર ટકી રહ્યા હોય એવો ઘાટ ઘડાઈ રહ્યો છે. જો ટેક્નૉલોજિથી જરા દૂર થઈ જઈશું તો જાણે આપણું મન જ બધિર થઈ જશે એવો છુપો ડર ઘર કરી ગયો હોય એવું બનતું જાય છે. વર્તમાન સમયમાં ટેક્નૉલોજિએ આપણાથી દૂર દૂર રહેતા લોકોને આપણી નજીક તો લાવી દીધા છે એની ના નહી પણ સાથે આપણે આસપાસના વાતાવરણથી વિમુખ પણ બનતા ગયા છીએ. જરૂર છે વિજ્ઞાન અને વ્યહવાર વચ્ચે તાલમેલ જાળવતા રહેવાની.
હા તો એ તાલમેલ મેં પાછો સાધી લીધો અને વળી પાછી હું નિસર્ગમય બનતી ગઈ. જાગીને જરા બારી બહાર જોયું તો હજુ તો ગઈકાલે જ ધોધમાર વરસીને ઠલવાઇ ગયેલા વાદળો આજે ફરી ઠલવાવા સભર બની રહ્યા હતા.આપણે એવું કરી શકીએ છીએ ? મનથી ઠલવાઇને ફરી સભર બનીએ છીએ ? સભર એટલે અહીં સાચા અર્થમાં વૈચારિક સમૃધ્ધ.. આમ તો મનમાં અનેક વિચારોના ઢગલા ખડકાયે જતા તો હોય છે પણ પેલા જીવનજળ ભરેલા વાદળની જેમ અર્થપૂર્ણ કેટલા?
વિચારોની સાથે મન આસપાસના વિશ્વ સાથે તાદાત્મય થતું ગયું. આંખોમાં વિસ્મય અંજાતું ગયું. પ્રકૃતિએ કેટ-કેટલું ઐશ્વર્ય આપણી આસપાસ પાથરી દીધું છે અને તેમ છતાં ઘણીવાર એવુંય બને કે ચારે બાજુ રંગોની બિછાત ને મન મોબાઈલના માળવે .સહેજ ટીંગ થાય કે મન હાંફળું ફાંફળું તરત મેસેજ ચેક કરવા માંડે જાણે કોઈને મળ્યા વગર રહી ગયા. એક બાજુ આપણે કુદરતને માણવા દૂર દૂર પ્રવાસ કરીએ છીએ તો પછી અહીં જ આપણી આસપાસની દુનિયાથી શા માટે આપણે વિમુખ થઈએ છીએ?
આજે તો જાણે કુદરત પણ મને કવિતાની એ પંક્તિઓની જ યાદ અપાવતી હતી.
“ફૂલની રે ગાદી ને ફૂલના તકિયા
ફૂલના બિછાના બિછાવીએ રે… કાલ કોણે દીઠી છે.”
મારા મનમાં પણ એક ભાવજગત ઉઘડ્યું અને મેં મારી જાતને કહ્યું, “આજે જે મળ્યુ છે એ માણી લે, કાલ તો તેં પણ ક્યાં દીઠી છે?” આ કાવ્યો જ તો છે જે આપણા ભાવજગતને હળવા ટકોરે જગાડે છે.
અને બસ પછી તો બોસ્ટનથી સ્પ્રિનફિલ્ડ ,હાર્ટફોર્ડ, ન્યૂ હેવન, બ્રિજ  પોર્ટનો પ્રવાસ મન ભરીને માણ્યો. નવા નવા ગામ, નવી નવી જગ્યા, એકવિધતામાંય કેટલી વિવિધતા હતી?
પ્રકૃતિમાં ય આવી એકવિધતામાં અનેકવિધતા જોઈ. ચારેકોર ફેલાયેલી લીલીછમ જાજમતો બધે હતી પણ એમાં ય જાણે દરેક જગ્યાએ અનોખી ભાત જોવા મળી.. થોડીવાર પહેલા ઘનઘોર ઘેરાયેલા કાળા વાદળ, ઘડીક પછી વરસીને ખાલી થયેલા સ્વચ્છ ધોળા વાદળ અને ચોખ્ખા આકાશમાં દેખાતા સૂર્ય પ્રકાશથી પ્રજ્જ્વલિત રાતા વાદળોની દોડાદોડ…..
આજ સુધી શું જોયું ? શું ખોયું? એ તો જાત અનુભવે જ સમજાય એવું છે.
વળી પાછી થોડી પળો એવી આવી કે બસની ગતિ સ્થગિત થઈ ગઈ હતી. એક સાંકડી ગલીમાંથી જાયન્ટ ટ્રક કાઢવાની મથામણે આખો ટ્રાફિક અટવાઈ ગયો હતો. આપણું પણ એવું જ તો…સાંકડા થતા સંબંધોમાં આત્મિયતા પામવાની મથામણે આપણે પણ ક્યાંક અટવાઈ જઈએ છીએ ને? એ સંબંધોનું સાતત્ય શોધવાની મથામણ કરીએ ત્યારે મનમાં વર્ષો પહેલા વાંચેલી પંક્તિઓ જે આજે પણ આપણા માનસમાં ઊંડે ઊંડે ક્યાંક સચવાયેલી રહી છે એ સાવ જ અચાનક યાદ આવી જાય.
“સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી,
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી”….
આજે પ્રકૃતિ સંગ મારી જાતને જોડવી હતી.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ -18- જૂનું ઘર – સપના વિજાપુરા

એ બંગલા માં પપ્પાનો માળો હતો. જેમાં છ બહેનો અને બે ભાઈ ચી ચી કરી બા અને પપ્પાના કાનમાં મધુર રસ ઘોળતાં. ત્રણ બેડરૂમ, ડ્રોઇંગરૂમ, કિચન અને ડાઇનિંગ રૂમ.એક વરંડા અને ઉપર અગાશી. બે બેડરૂમ માં  વોશરુમ.આ માળો પપ્પાએ પોતાના  બાળકો માટે બનાવેલો.૧૯૬૮ ની વાત છે. હું દસમા ધોરણમાં હતી. પપ્પા અમને દરેક વસ્તુની પસંદગી માટે પપ્પા અમને સાથે લઈ જાય જેમ કે ટાઈલ્સની પસંદગી, સિન્કની પસંદગી અને ઘરના રંગની પસંદગી!!  દરેક તણખલાની પસંદગી માટે લઈ જાય.
અને પપ્પાનો માળો તૈયાર થયો. પીચ રંગના એ બંગલા માં પપ્પાએ પોતાનું લોહી રેડી દીધું એમ કહું તો ખોટું નથી. અમે ખૂબ ખુશ હતાં. નવું ઘર નવી નવી સુગંધ અને નવો એરિયા અને નવો નવો બગીચો. બધું પરફેકટ હતું. બંગલાની એક એક ઈંટ દિલથી મૂકી અને લોહી થી ચણવામાં  આવી હતી. કહો પ્રેમ થાય કે નહી? પથ્થરોમે ભી જુબા હોતી હૈ દિલ હોતે હૈ અપને ઘરકેદરો દિવાર સજા કર દેખો. એટલે એ દરો દિવાર અમે ખૂબ દિલથી અને કાળજીથી સજાવ્યા હતા.એક એક ઈંટ માં પ્રેમ મૂકેલો. અને જેટલો પ્રેમ મૂક્યો એટલો સામે મળ્યો. વરસો વિતતા ગયાં. એ બંગલા ને ખૂબ પાળી પોષીને રાખ્યો.
પછી એ માળામાંથી એક એક કરીને પંખી ઊડવા લાગ્યાં. પપ્પાએ એ માળો જે બચ્ચાઓ માટે બાંધ્યો હતો એ બધાં બચ્ચાફૂરરરર.. થઈ ગયાં.માળો ત્યાં જ હતો. માળામાં રહેવા વાળા ના હતાં. રહી ગયાં બે બા અને પપ્પા.ધીરે ધીરે મૃત્યુ તરફ ધસી રહેલા બા પપ્પા આ બંગલાનો મોહ છોડી નહોતા શકતા. એ બંગલાને એ રીતે વળગી રહેલા જે રીતે બોગન વેલ કોઈ ફેન્સનેવળગી ગઈ હોય પછી એને ઉતારવી અઘરી છે એમજ એમને બંગલા માંથી કાઢવા મુશ્કેલ હતાં. ભાઈઓ અલગ રહેવા ગયાં. એમણે પોતાના માળા બાંધ્યા. બા પપ્પા બુઢા થઈ ગયાં અને બા તો વળી વ્હીલ ચેરમાં આવી ગયાં.પણ બન્નેને એજ બંગલા માં રહેવું હતું. ભાઈઓ કરગરતા કે તમે અમારી સાથે આવી જાઓ પણ નહીં!! અમારે તો અમારા માળામાં રહેવું છે.
એવું શું હતું એ જુના મકાનમાં!! ખંડેર બની ગયેલાં એ મકાનમાં વરસોનો પ્રેમ વસતો હતો. એ પ્રેમ ભરી ક્ષણો. એ પ્રેમભરી યાદોઅને એ માળામાં હસતી રમતી ચકલીઓ અને એ માળામાં પ્રેમથી પાંખ પ્રસારી બેઠેલાં ચકો અને ચકી.એ ગુલાબના છોડમાં તરબતર કરતી સુગંધી અને એ કટાયેલા હીંચકાના સળિયાના કીચુડ કીચુડ અવાજમાં પ્રેમ ગીત હતાં. એક એક વસ્તુ ઘરની મીઠી યાદ હતી. સાથે સાથે એક બહેનની મોતની કડવી યાદ પણ હતી. એ બહેનને છોડીને પપ્પા અને બા ક્યાં જાય? અહી કવિ બાલમુકુન્દ દવે નું આ સુંદર સોનેટ યાદ આવી ગયું!!
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટયાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,
જેમૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતોને
જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?
’ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા ! દૃગ=આંખ
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

બા પપ્પાને અંતે એવાં મોહતાજ(મજબૂર) થઈ ગયાં કે એમને ભાઈને ઘરે જવું પડ્યું. અને બહેનની યાદ સાથે લઈ ને એ બંગલો છોડી દીધો. પણ ના લીધી બોખી શીશી, ના લીધું ટીનનું ડબલું કે લક્સ સાબુની ગોટી કે કાણી બાલદી.  બસ સાથે લઈ ગયાં દીકરીના સ્મરણો. બા ખાટલાવશ થયાં, પપ્પા હજુ પણ બા ને જુના બંગલે લઈ જવા માગતા હતાં. અને બા ગુજરી ગયાં. પપ્પાએકલા થઈ ગયાં. હું જ્યારે ભારત ગઈ પપ્પા મને કહે બેટા તું ભારત આવી જા આપણે બન્ને જુના બંગલા માં રહીશું. પણ હું એમ ના કરી શકી!! ફરી અમેરિકા આવી ગઈ. પપ્પા ભાઈને ત્યાં રહેવા ગયાં. જ્યારે એમની તબિયત ખરાબ થઈ હું ફરી મળવા ગઈ. પપ્પાને ઓલઝાઈમર થઈ ગયેલો. પપ્પા મને ઓળખી ના શક્યા. પણ પપ્પા જુના બંગલાને નહોતા ભૂલી શક્યા. પપ્પા મોતના ઘેનમાં પણ બબડતા હતાં. મને મારે ઘરે લઈ જાઓ. મારે ઘરે લઈ જાઓ. ૨૯૯ માં લઈ જાઓ!! ૨૯૯ અમારા બંગલાનો નંબર હતો.

શું આ પ્રેમ નથી? શું આ પરમ પ્રેમ નથી? નિર્જીવ બંગલા સાથે આટલો બધો પ્રેમ!! પપ્પા માફ કરશો. હું તમારા પ્રેમને ઓળખી ના શકી. મારો સંસાર છોડી હું આવી ના શકી!! કાશ કે તમારું મૃત્યુ એ ઘરમાં થયું હોત, જ્યા તમે તમારી એક દીકરીને વળાવીહતી. અને બીજીને કબરમાં ઉતારી હતી.એ બંગલાની બાજુમાં થી પસાર થતાં હજુ પણ આંખ ચોમાસુ બને છે. આ છે પરમપ્રેમ!!
સપના વિજાપુરા

દ્રષ્ટિકોણ 15: વિશ્વયુદ્ધ I દરમ્યાન સુંદર નાનો સમય – દર્શના

મિત્રો આ દ્રષ્ટિકોણ કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી અને તમને બેઠક માં આવકારું છું. આજે “મેઇક અ ડિફરન્સ” દિવસ ઉજવાઈ ઉજવાઈ રહ્યો છે ત્યારે આશા છે કે નીચેની સત્ય ઘટના આપણને આપણી માતૃભૂમિ અને આપણા અપનાવેલા વતન માટે સારું મૈત્રીભર્યું કામ કરવા માટે પ્રેરિત કરશે – because everyone can make a difference. (મતદાન દિવસ પણ આવી રહ્યો છે. જરૂર મતદાન કરશો અને કોઈને મતદાન માટે કઈ પણ મદદ જોઈતી હોય તો જરૂર મારો સંપર્ક કરશો).
આમ જોઈએ તો અત્યારે અહીં અત્યારે વાતાવરણ માં મૈત્રીની ભાવના ઓછી અને  રિપબ્લિકન અને ડેમોક્રેટ પાર્ટી વચ્ચે ભય અને ખોફ ની ભાવના ફેલાઈ રહી છે. એક માણસ આ વાતાવરણ થી ભડકાઈને બૉમ્બ મોકલી રહ્યો હતો તેને પકડવામાં આવ્યો છે. અને આ પોસ્ટ કરું છું ત્યારે સમાચાર ચાલી રહ્યા છે કે અત્યારેજ 4 માણસો પિટ્સબર્ગ શૂટિંગ માં માર્યા ગયા અને 12 ને ઇજા પહોંચી છે.  તો આવા વાતાવરણ માં થી દેશ પસાર થઇ રહ્યો છે ત્યારે આજે આપણે 1914 ના ઇતિહાસ માં ડૂબકી મારીએ। એક વિકરાળ અને ખતરનાક વિશ્વયુદ્ધ વખતે એક નાનો સુંદર ભાઈચારા નો અને મૈત્રી નો સમય સર્જાય ગયો તેની વાત કરીએ. જૂન 1914 માં ઓસ્ટ્રો હંગેરિયન એમ્પાયર ના વારસ ફર્ડીનાન્ડ અને  તેમના પત્ની બોસ્નિયા ની રાજધાની સારાએવો માં સફર કરતા હતા તે સમયે તેમને કોઈએ ગોળી મારી અને તેમનું અવસાન થયું. ઓસ્ટ્રિયા અને હંગેરી એ સર્બિયા ને જવાબદાર ગણીને તેના ઉપર હુમલો કર્યો અને તેથી રશિયા સર્બિયા ની મદદે આવ્યું અને આમ પહેલા વિશ્વ યુદ્ધ ની શરૂઆત થઇ. ફ્રાન્સ રશિયા ના પક્ષમાં હતું અને ફ્રાન્સ અને જર્મની એ એકમેક ઉપર યુદ્ધ ની જાહેરાત કરી. પછી ધીમે ધીમે બીજા દેશો જોડાયા.
આ વિશ્વયુદ્ધ ના સમયે ડિસેમ્બર 1917 માં બનેલ એક ખાસ ઘટના વિષે હું વાત કરવા માંગુ છું. યુરોપ માં જર્મની અને ફ્રાન્સ ના સૈનિકો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું અને બીજી બાજુ ક્રિસ્મસ આવવાની તૈયારી હતી.  1914 થી 1917 ના ચાર વર્ષના ગાળામાં આ સૈનિકો વચ્ચે ઘણા સંઘર્ષ થઇ ચૂકેલા. તે દરમ્યાન બધાના પક્ષે અત્યંત જાનહાની થયેલી. ઓગષ્ટ 1914 માં એક લડાઈ માં એક જ દિવસે 27,000 હા 27,000 ફ્રાન્સ ના સૈનિકો એ જાન ગુમાવેલા. વરદુન ની એક લડાઈ માં 1916 માં એક મિલિયન સૈનિકો એ જાન ગુમાવેલા. આ યુદ્ધ માં અંતે 9 મિલિયન થી ઉપર સૈનિકોએ અને 7 મિલિઅન થી ઉપર સામાન્ય માણસો એ જાન  ગુમાવ્યા। આ યુદ્ધ વિશ્વમાં સૌથી વધુ ખતરનાક હતું.  સૈનિકો ને બિલકુલ રાહત નતી. તે વખતે પોપે (બેનેડિક્ટ 15) એવી દરખાસ્ત મૂકી કે દરેક દેશો યુદ્ધ ને રોકી ને ક્રિસ્મસ ની ઉજવણી માટે તે ગાળા માં યુદ્ધવિરામ ની જાહેરાત કરે. પરંતુ કોઈ દેશ તેવી પહેલ કરવા માંગતા નતા અને સૈનિકો ને તો ઉપર થી મળેલ આદેશ નિભાવવાજ પડે.
તો આવા અત્યંત ખતરનાક યુદ્ધમાં એક સ્થિર શાંતિનો નાનો ગાળો કેમ સર્જાયો તેની વાત કરું છું. આ શાંતિનો ગાળો એકજ વખત સર્જાય શક્યો. તે પછી તેવા બધાજ પ્રયાસ નિષ્ફળ રહ્યા. બન્યું એવું કે યુદ્ધ રોકવાનો ઉપરથી આદેશ ન આવ્યો હોવા છતાં, થોડા સૈનિકોએ પોતે તેમના હાથમાં નિર્ણય લઈને ગોળીબાર બંધ કરીને ક્રિસમસના ગીતો ગાવાનું શરુ કર્યું. તેના પડઘા દૂર દૂર દુશ્મનોની છાવણી માં પડવા લાગ્યા એટલે દુશ્મનોએ પણ યુદ્ધ ઉપર વિરામ મુક્યો અને તે વાત પસરવા લાગી અને તે વિસ્તારમાં ઠેર ઠેર ક્રિસ્મસ દરમ્યાન યુદ્ધ વિરામ થયો. સૈનિકોને જયારે પાકી ખાતરી થવા લાગી કે ગોળીબાર બંધ હતો ત્યારે ઘણા સૈનિકો પોતાની છાવણીમાંથી દૂર દુશ્મની છાવણી પાસે પહોંચીને ત્યાં મર્યા પડેલા તેમના મિત્રોના ઘણા શબ પણ ઊંચકી લાવ્યા. થોડા સૈનિકો દુશ્મનોને મળ્યા અને દુશ્મનોએ તેમને આવકાર્યા અને કોઈ કોઈ જગ્યાએ બંને પક્ષે સાથે મળીને ક્રિસ્મસ ની ઉજવણી કરી અને સિગરેટ, પ્લમ પુડિંગ, બીફ જર્કિ વગેરે ચીજોની આપ લે પણ કરી.
બોલો કેવી અજબ જેવી વાત કે વિશ્વના સૌથી ખતરનાક યુદ્ધમાં એક એવો યુદ્ધવિરામ નો નાનો સમય સર્જાય ગયો કે જયારે દયા, માનવતા, ભાઈચારો અને મૈત્રી નું સુંદર વાતાવરણ સર્જાય ગયું.  આજે “મેઇક અ ડિફરન્સ” દિવસ ઉજવાઈ પણ ઉજવાઈ રહ્યો છે. ચાલો આપણે આપણા વાણી અને વર્તન થી આ દિવસે કોક ને મદદરૂપ કોઈ કામ કરીએ.
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે…………….
https://youtu.be/NTse6ZfdYgo

10-મને જીવન ગમે છે.-જિગીષા પટેલ

બધાંને  ગુલાબનું ફૂલ ગમે પણ એને મોગરાના ફૂલો ગમે…..શ્વેત અને સુગંધથી મઘમઘતાં ,તેની સુવાસથી તનબદન તરબતર થઈ જાય.તે હંમેશ ખોબો  ભરીને મોગરાના ફૂલો લાવતો ,વાત છે પહેલા પ્રેમની.સોળ વર્ષની બાલી ઉંમરે જીવનમાં પહેલા પ્રેમની અનુભૂતિ થાય છે ત્યારે જીવન જીવવું કેટલું ગમે છે!!!!!તેવા પ્રેમનું સ્પંદન જીવનમાં ફરી ક્યારેય અનુભવાતું નથી.પૃથ્વી પર સ્વર્ગ ઊતરી આવે છે.તેની આંખ થીઆંખ મળે ને રોમ રોમ ઝૂમી ઊઠે છે.તેના નજીવા સ્પર્શ માત્ર થી હ્રદય પ્રેમથી છલકાઈ જાયછે.પહેલા પ્રેમના ઝૂલા પર બેસી ચાંદ-તારાને ચૂમવાનું મન થાયછે.અરે!સૂરજના તાપમાં નહાવાનું પણ ગમેછે.પ્રેમના પાગલપનમાં અતિનીકટનાં બધાં સંબંધોના બારીબારણાંપણ બંધ થઈજાયછે.જગતમાં એક જ સંબધ,એક જ વ્યક્તિ- એ અને હું બે મટીએક થઈ જાયછે.આપણી દુનિયા તેનાથી શરુ થઈ તેનામાં જ પૂરી થઈજાયછે. તેને સ્પર્શીને આવેલ પવન ની લહેરખીના સ્પર્શ થી શરીર અનોખું ,અવર્ણનીય સ્પંદન અનુભવે છે……મેઘધનુષના સાત રંગમાં પ્રેમનો આઠમો રંગ ઉમેરાઈ જાયછે.બધાંએ આ પ્રેમનો અનુભવ કર્યો છેખરુને??

મને જીવન ખૂબ……ગમે છે કારણકે હવે મારે પ્રેમના આજ તલસાટને પરમાત્મા ના પ્રેમ થકી અનુભવવો છે.
પરમશક્તિના પમરાટમાં એક થઈ જવું છે .સતચિત્આનંદની અનુભૂતિ કરી પ્રેમથી છલકાઈને આખા જગતના એકએક માનવીને પ્રેમથી ભરી દેવો છે.પહેલાપ્રેમના સ્પંદન જેવું પરમ પ્રેમનું સ્પંદન પામી મારી આંતરિક સંવેદનાને સળવળાવી દેવી છે.કામ,ક્રોધ,લોભ,મોહ,ને અહમના આવરણોને ભેદીને પેલેપાર જઈ
અલોકિક પ્રેમના આસ્વાદને માણવો છે.પ્રકૃતિના સર્જન કરેલ એકેએકમાં

વાદળના ગડગડાટમાં,પવનની સરસરાહટમાં,વીજળીના ચમચમાટમાં,
ફૂલોના મઘમઘાટમાં, ભમરાનાગણગણાટમાં, મોરના થનગનાટમાં, ચકલીની ચહચહાટમાં,
અને ઝાડની લહેરાટમાં અસ્તિત્વ ને ઓગાળી નાખવું છે.

અને પ્રેમથી છલોછલ ભરેલ મનને ચારેબાજુ પ્રેમ જ દેખાશેને? અને ત્યારે એ પરમ શક્તિ પાસે માંગીશ

આપને તારા અંતરનો એક તાર બીજું હું કાંઈ ન માંગુ
સૂણજે આટલો આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ન માંગુ
તૂંબડું મારું પડ્યું નકામું કોઈ જુએ નહી એના સામું
બાંધીશ તારા અંતરનો ત્યાં તાર પછી મારી ધૂન જગાવું

આ પ્રેમમાં જો મસ્તમગન થઈજાઓ તો દુનિયાના કોઈ દુ:ખ તમને સ્પર્શશે નહી.કોઈ કહેશે આ એટલું સહેલું નથી,હા ખરે જ નથી પણ તે તરફનો અભિગમ ને સાચાદિલ થી પ્રયત્ન તો ચોક્કસ કરાયને? અને કહ્યું છેને પૂરા ને સાચા દિલથી માંગેલ મળે જ છે અને એટલે જ જીવન મને ગમે છે.મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યારે
પરમાનંદની એક લહેરખી પણ માણી હશે તો મૃત્યુ પણ ઉત્સવ બની જશે.સદગુરજી એ કેટલું સરસ કહ્યું છે
“તમને પ્રેમ કરે તેને તો પ્રેમ કરો પણ તમને પ્રેમ ન કરે તેને પણ પ્રેમ કરો”પછી જીવન કેવું ગમે છે તે જૂઓ!

આમ મારે તો હસતા હસતા,કોઈ ના મોં પર મુસ્કાન લાવીને,જરૂરીયાતમંદને મદદ કરીને ,હરકોઈ ના ખાલીપણા નેખાલી કરી તેમાં પ્રેમરસ ભરી દેવો છે.જીવનની નાની નાની વસ્તુમાંથી આનંદ લેવો છે.
જીવનની હરેક પળ ને ઉત્સવ બનાવી માણવી છે ને માણતા માણતા આનંદથી મોત ને ભેટવું છે
અસીમમાં સમાવું છે અને જગતના સર્વ જીવો માટે પ્રાર્થવું છે

સર્વેત્ર સુખન: સતું સર્વે સન્તુ નિરામયા
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દૂઃખમાપ્નુયાત્

માટેજ મને જીવન ગમે છે.

જિગીષા પટેલ

8 – જીવન મને ગમે છે – કલ્પના રઘુ

જીવવું એ તો જીવનો સ્વભાવ છે. જ્યાં સુધી ખોળિયામાં પ્રાણ છે, ત્યાં સુધી જીવાત્માને જીવવું હોય છે, જીવવું પડે છે. જીવ ચાલ્યો જાય પછી ખોળિયું નિષ્પ્રાણ બની જાય છે. જીવનમાં મને ઘણું બધું ગમતું હોય છે. શું બધું ગમતું મળે છે? તો ચાલો ગમતાનો કરીએ ગુલાલ.

આજની ક્ષણે તો હું કહીશ, જીવન મને ગમે છે. અય જીન્દગી ગલે લગા લે … હા, પતિનો સાથે છે. દીકરો તેના સંસારમાં ખુશ છે. શરીર સાથ આપે છે કારણકે શ્રીજીનો સાથ છે, મને મારી જરૂર લાગે છે તો જીવવું જરૂરી બને છે. કારણકે હવે મારે મારા માટે જીવવું છે. લોકો કહે છે,

“જીન્દગીની ગાગર પર

બેઠો

સમયનો કાગડો,

દિવસ-રાતનાં

કંકર નાંખી,

ઉંમરને પી રહ્યો

ને માણસ સમજે

હું જીવી રહ્યો … !”

માત્ર ઉંમરને પીને તો કોઇ પશુ કે જીવ-જંતુ પણ જીવી લે છે. સમયને કોણ જીતી શક્યું છે? જીવનો જન્મ છે માટે મૃત્યુ નિશ્ચિત છે તો શું માત્ર જીવવું એજ જીવન છે? અલગ અલગ માપદંડથી જીવનને માપવું એજ જીવન છે? ભગવાન બધે જ છે, બધું જૂવે છે અને કર્મો પોતાનું કામ કરે છે, કુદરતનાં ચોપડે બધી નોંધ લેવાઇ જાય છે, ચક્રવૃધ્ધિ વ્યાજ સહિત એનો બદલો ચૂકવવો પડે છે ત્યારે લાગે છે જીવનમાં ઘણી વાર બંધ બાજી પણ રમી લેવી સારી કારણકે ત્રણ એક્કામાં પણ હારી જવાય છે. ક્યારેક જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઇ જાય છે અને થાય છે, “આજ ફીર જીને કી તમન્ના હૈં”. બાળપણથી બૂઢાપા સુધી કેટ-કેટલાં બમ્પ જીવનમાં આવ્યાં અને કેટલી વખત બ્રેક મારી? ઇચ્છાએ, અનિચ્છાએ કે બીજાની ઇચ્છાએ બ્રેક ના મારી ત્યારે ઇજા પણ થઇ માટેજ ઇશ્વર આળસ અને અહમ્‍નાં બમ્પ આપીને ચેતવે છે. બાળપણ તો અન્યના સહારે વીતી ગયું. જવાનીનાં જોશમાં બમ્પની તમા ના કરી. એક પશુ બનીને જીવન જીવી ગઇ. અન્ય માટે જીવન વિતાવ્યું. જીવન ગમે છે કે નહીં તે વિચારવાની ફૂરસદ જ ક્યાં હતી? માત્ર ભાર વંઢેરવાનો. પતિના સાથમાં એક પછી એક સળીઓ ગોઠવીને માળો બનાવતી ગઇ. પરીવારની તમામ જવાબદારીઓ પૂરી કરી. સમાજનાં કંઇક સંબંધોએ સળીઓ કરી, એ સંબંધોને દૂર કર્યાં. નવા સંબંધો ઉભા થયાં. બૂઢાપા એ આવકારી. જીવનની સોનેરી સંધ્યાનાં અંતિમ રંગો નિહાળી રહી છું.

આજે પણ જીવનમાં મેઘધનુષનાં રંગો સાથે નવરસ ભરી જીન્દગીને મેં ઇજન આપ્યું છે અને એક નવોઢાનાં ભાવ સાથે આ કાવ્ય સરી પડે છે.

હું તો નવ રસની નવોઢા છું,

પ્રેમ, શાંત અને રૌદ્ર છું, કરુણ, ભક્તિ અને બિભત્સ છું,

હાસ્ય, વીર અને વાત્સલ્ય છું, આ ગુણોથી રંગીન છું,

વહેતી હોઉં તો પ્રેમ છું, અંદર હોઉં તો શાંત છું,

ક્યારેક રૌદ્ર બનું છું, હું કરુણાનો ભંડાર છું,

ભક્તિથી ભગવાનને ભીંજવું છું, બિભત્સથી વાકૅફ છું,

હાસ્યથી ખુશહાલ છું, વીરતાનું આભૂષણ પહેરુ છું,

નવ રસ નસનસમાં છે, જે રકત બનીને વિહરે છે,

મને ગર્વ છે, હું સ્ત્રી છું, આ મારૂં વજૂદ છે.

હું તો નવ રસની નવોઢા છું.

નવરંગ અને નવરસનો સમન્વય એટલે નવોઢા. પિયરથી પરાઇ થઇને પતિગૃહે પ્રવેશ … એક વહેતી નદીની કલ્પના … નવરસનાં ભંડાર સાથે સંસાર-સાગરની ખારાશમાં ભળી ગઇ. મારાંમાં રહેલાં નવરસને જાળવવા અને વહેંચવા માટે જીવનપર્યંત પ્રયત્નો કરતી રહી. મારાં અસ્તિત્વને ઓગાળીને ઘૂઘવતા સંસારસાગરમાં અફળાઇ, અથડાઇ અને મારાંમાં રહેલા ગુણોથી સાગરને સમૃધ્ધ કરતી રહી. એક કૂળદિપકનું સર્જન કર્યું. આ સંસારચક્રની સહભાગી બની. પરીવારજન માટે પ્રાર્થના કરતી જે હતું તેને વહેંચીને નિખરતી ગઇ. નવરસથી વણાયેલી હું વૃધ્ધા બની અને ભક્તિરસમાં ભીંજાતી ગઇ. સંવેદના અને કરૂણારસ મારી નસેનસમાં વહેતો … ઇશ્વરમાં એકરસ બનીને હું સમૃધ્ધ બની. અહમ્ ઓગળતો ગયો.

સમૃધ્ધિની પણ સીમા હોય છે. લીધેલું પાછું વાળવાનો સમય પાકી ગયો છે. સમાજનું ઋણ ઉતારવાનો સમય એટલે વૃધ્ધાવસ્થા. જરૂર લાગે ત્યાં અને અંદરની ઘંટડી વાગે ત્યાં વહેંચવાનું અને વહેંચાવાનું શરૂ કર્યું. દ્રષ્ટિકોણ બદલાય છે ત્યારે જીવન આપોઆપ ગમવા લાગે છે. ઇશ્વર સાથેનો સંવાદ શરૂ થયો …

“જીવન સુંદર બનાવું, તો તુજને ગમે,

ખુદ ખીલું ને ખીલાવું, તો તુજને ગમે.

દેહ માનવનો માધવકૃપાથી મળ્યો,

સ્નેહ તારો સુંવાળો સતત સાંપડ્યો,

સૌને મારા બનાવું તો તુજને ગમે.

બંધ મુઠ્ઠી વડે થાય ક્યાંથી નમન?

બંધ હ્રદયે બને ના સમર્પણ જીવન,

બન્ને ખોલીને આવું તો તુજને ગમે”.

અને મને જીવન જીવવાની ચાવી હાથ લાગી ગઇ. સ્વામી રામતીર્થનું એક ઉદાહરણ યાદ આવે છે. “એક પિંજરું હતું. જેમાં ચારે તરફ કાચ જડેલા હતાં. પિંજરાની વચોવચ એક ગુલાબનું ફૂલ હતું. પિંજરામાં એક મેનાને મુકવામાં આવી. એણે કાચમાં ફૂલનું પ્રતિબિંબ જોયું. જ્યાં પણ એની નજર જતી ત્યાં એને ફૂલ જ દેખાતું. અને જેટલી વાર એ ફૂલને પકડવા ગઇ એટલી વાર એની ચાંચ કાચ સાથે જ અથડાઇ. અંતે નિરાશ થઇ એણે કાચ તરફથી મોઢું ફેરવ્યું ત્યાં તો એને વચ્ચે પડેલું ગુલાબનું અસલ ફૂલ મળી ગયું. હે મનુષ્ય! સંસાર, એ પણ એક પિંજરું છે, “જે સુખને તું બહાર શોધે છે એ તારી અંદર જ છે”. મારાં જીવનનું સુખ સંતાયેલું છે મારી અંદર.

ભગવદ્‍ ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે, “પરિવર્તન હી જીવનકા નિયમ હૈ”. ૬૫ વર્ષમાં આ બુઢી આંખોએ કેટલાં પરિવર્તન જોયાં? હા, શરીર પર કરચલીઓ પડવા માંડી છે પણ તેનાં પર ઇસ્ત્રી કરી કરીને જીવન સંવારી રહી છું. જીવન કેટલું સુંદર છે. પળેપળે થતાં પરિવર્તનને સાક્ષી ભાવે માણી રહી છું. પળને માણો, પળમાં જીવો. બાકી ભૂત કે ભવિષ્યની દોર તો ઉપરવાળાના હાથમાં છે. તેણે તો સમય પણ નક્કી કરેલો છે. ક્યારે દોર ખેંચશે એ તો એજ જાણે બાકી મારી આ ક્ષણ તો શ્રીજીની સાક્ષીએ મારે નક્કી કરવી છે કારણકે એને ખબર છે મને શું ગમે છે. મારુ જીવન એ મારાં પ્રભુએ આપેલો પ્રસાદ છે. માટે “જીવન મને ગમે છે”.

7-જીવન મને ગમે છે -સપના વિજાપુરા

સપનામાં જીવવું ગમે છે
કાદવમાં ખીલવું ગમે છે.
હા મને સપનામાં જીવવું ગમે છે. આ જીવન ખૂબ સુંદર હશે. પણ જીવનમાં ઘણી વાતો એવી બને છે કે જેનાથી આપણું હકારાત્મક વર્તન નકાર માં બદલી જાય છે. આપણી આસપાસના લોકો આપણી આસપાસનું વાતાવરણ આપણને ઉદાસ કરી નાખે છે. જીવન એવું નથી જેવું આપણે ઈચ્છીએ છીએ પણ જીવન એવું છે કે જે આપણને નથી જોઈતું. એ જીવન ને મધુરબનાવવા માટે સપના ની જરૂર પડે છે. સપનું એટલે ધ્યેય ..લક્ષ. અને સપના પૂરા કરવા માટે તમારે હકારાત્મક  રહેવું જરૂરી છે.મને જીવવું ગમે છે કારણકે મારી પાસે સપનું છે.સપનું છે સિધ્ધીનું. આ દુનિયામાં મારી વાતો મૂકી જવાનું આ વાતો વાર્તા દ્વારા કે કવિતા દ્વારા. અને આ સપનું મારા જીવનને રંગીન બનાવે છે.આ સપનું મારા જીવનને કાગળ અને કલમ આપે છે. સવારે ઊઠીને વિચારું કે આજ મારે શું લખવાનું છે? એટલે સવાર પડતાં હું મારા લક્ષ માટે કામ કરું છું. હું બહુ મોટી લેખિકા કે બહુંમોટી કવયિત્રી નથી પણ એટલી નાની પણ નથી કે મારો દિવસ ધ્યેય વગર પૂરો કરું. ઈશ્વરે આપણને બધાં ને આ ધરતી ઉપરકોઇ ને કોઈ કારણે મોકલેલા છે. મારું શું કામ છે એની મને ખબર છે. એ માટે હું ઈશ્વરનો આભાર માની લઉં કારણકે લક્ષ શોધવા માટે લોકો આખી જિંદગી ભટકતા હોય છે.મારા સપનાં મને નિરાંતે  બેસવા નથી દેતા. હું મારા સપનાની પાંખે ઉડું છું અને સપનામને કલમ ઉપાડવા માટે મજબૂર કરે છે. આ જીવન કદાચ કાદવ જેવું હશે. પણ એમાં કમળ બની મને ખીલવું ગમે છે.કાદવ જેવો આ સંસાર હોય તો હું શા માટે કમળ ના બનું ? મને જીવવું ગમે છે.
હું મારા સપનાં થકી લોકોમાં પ્રેમ શોધવા પ્રયત્ન કરું છું. મારી આસપાસ જેમ લોકો નકારાત્મક છે તેમ હકારાત્મક પણ છે જેમ કેમારા પતિ!! મારા પતિ મને હમેશા પોઝેટીવ રહેવાની પ્રેરણા આપે છે.
તુજ તુજ છે પ્રેરણા અમારી
તુજ સંગ જીવવું ગમે છે
ઘણા લોકો મને પ્રેરણા આપી જાય છે. એક નામ એમાં પ્રજ્ઞાબેન પણ છે. વિજયભાઈ પણ ખરા!! એ હમેશા કહે સપનાબેન લખોલખો અને લખો!! જે લોકોને ખબર પણ નથી કે એ લોકો મારા જીવનને પ્રભાવિત કરે છે. એ લોકોમાં હું પ્રેમના દરિયા ઊછળતા જોઉં છું. અને એ લોકો મારા સપનાં માં ઘૂસી મારા પાત્રો બની જાય છે. સપના વિજાપુરા…એટલે સપનાંની દુનિયાસપના માં વિહરતી..સપનાંમાં જીવતી ..સપનાંનાં પાત્રોને સાચાં બનાવતી એક કલમ..આ કલમ મને જીવવાનું બળ આપે છે. હું અને મારી કલમ, હું અને મારી મારી ગઝલ હું અને મારી વાર્તા!! આનાથી વધારે જીવવા માટે શું જોઈએ? જીવન આનાથી વધારે સુંદર ક્યાંથી હોય?
જીવન કેટલું સુંદર છે એ મને પંખીનો ટહુકો કહી જાય છે, જીવન કેટલું સુંદર છે એ મને ફૂલો અને ફૂલો ઉપર ઊડતું પતંગિયુકહી જાય છે. જીવન સુંદર છે એ મને ખળખળ વહેતા ઝરણ અને ઊંચા પહાડરાતમાં મહેકતા સિતારા અને શરદપૂર્ણિમાનો  ચાંદ અને સવારે નીકળતો સૂરજ અને સાંજ ના  દરિયામાં ઊતરતો સૂરજ કહી જાય છે. પ્રકૃતિ મને પ્રેમ કરે છે હું પ્રકૃતિને!! બસ આજ જીવન છે અને આ જીવન એટલું સુંદર છે કે હું અચાનક કહી બેસું છું.
યા ખુદા!!માની લઉં છું તારી જન્નત ખૂબસૂરત છે
મેં જોઈ નથી..સાંભળી છે
પણ એ ખુદા..
મારી કબરમાં
તું થોડાં ફૂલ મૂકજે..
ફૂલ પર ભ્રમર ગુંજતા મૂકજે
હારબંધ વૃક્ષોની હાર માળામાં
એક પંખી ટહુકતું  મૂકજે
ઘૂઘવતાં સાગર અને એમાં
સમાતી વળ ખાતી નદી મૂકજે
અને હા ખુદા પેલા ચૌદવીના ચાંદને ના ભૂલીશ..
સાથે થોડાં સિતારા પણ મૂકી દેજે
કોઇ ઝરણા પાસે સારસ બેલડી મૂકજે
અને મહેક માટે રાતરાણીના ફૂલો મૂકજે
અને વરસાદની બુંદો અને વરસાદનું સંગીત મૂકજે
પહેલાં ઊંચા પહાડો અને ધરતી માં સમાતી ખીણો મૂકજે..
યા ખુદા
તારી જન્નત ખૂબ ખૂબસૂરત હશે પણ,
પણ તારી બનાવેલી આ ધરા મને જન્નત જેટલી વહાલી છે
તો મારી  ફૂટની જમીનમાં તું આ જન્નતનો એક ટૂકડો  મૂકજે..

જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે હું આ જીવનને માણીશ અને છેલ્લા શ્વાસ સુધી કહીશ આ જીવન મને ગમે છે કારણકે આ જીવન ખુદાની અણમોલ ભેટ છે જે મળી છે!!

સપના વિજાપુરા

કહેવતગંગા : વિષય પરિચય

મિત્રો,
કલ્પનાબેન દર ગુરુવારે એક નવો વિષય લઈને આવશે. વિષયનું નામ છે, ‘કહેવતગંગા’

‘બેઠક’ની શરૂઆત જ પાઠશાળાની તરીકે થઈ છે. વાંચવું અને વાંચતાં વાંચતાં શીખવું અને વિચારવું. એ ચિંતનને શબ્દદેહ આપી સર્જન કરવું. કલ્પનાબેન સાહિત્યના એક એવા જ વિષય સાથે આવી રહ્યાં છે. કહેવતો સાહિત્યનું સહજ સ્વરૂપ છે. વહેતી વહેતી ભાષા આગળ વધે અને ભાષાનો રોજ્બરોજનાં જીવનમાં થતો ઉપયોગ જ એને જીવાડે છે. અસલમાં આ એવો વિષય છે જેનામાં બહુ જ ઓછું લખ્યું છે અને લખીને બનાવેલું સાહિત્ય નથી.

મિત્રો, સૌથી મહત્વની વાત કે એનાં સંવર્ધિકરણમાં સામુહિક ફાળો છે કરણ કે આપણે સહિયારું સર્જન કરીએ છીએને? લોકોના રોજિંદા સંવાદોમાં એક વસ્તુ સામાન્ય છે અને એ છે કહેવતો. આપણે સામાન્ય અને રોજીંદી વાતચીતમાં કહેવતોનો છુટ્ટે હાથે ઉપયોગ કરીએ છીએ. બોલચાલની વાતોમાં બોલાતી ભાષા એટલે આપણી કહેવતો. હા મિત્રો, રોજબરોજની ભાષામાં કહેવતો બોલો છોને? તમે સાહિત્યના પાનાં ફેરવો કે ન ફેરવો પણ કહેવતો વહેતી થાય છે. યાદ કરો, સૌ પ્રથમ અમેરિકામાં પગ મૂક્યો ત્યારે શું બોલ્યા હતા? ‘જેવો દેશ તેવો વેશ, ખરુંને? એક ગૂઢ વાતને એક વાક્યમાં સમજાવી દે તેનાં જેવું બીજું સાહિત્ય બીજું કયું હોઈ શકે?

કહેવતોની ખરી મજા તો ક્યાં અને ક્યારે વપરાય તેની પર છે. ક્યારેક છાપાનાં મથાળે તો ક્યારેક અચાનક મળી જતાં પરદેશમાં કોઈ ગુજરાતીનાં મોઢે સંભાળીએ ત્યારે દિવસ જાણે નવો ઊગે છે. બસ, આજ વાત કલ્પનાબેન લઈને આવશે. વાત તમારી, મારી અને આપણી જ ભાષાની છે. શબ્દોની જેમ કહેવતો જીવે છે. કલ્પનાબેન કહેવતોનાં માધ્યમથી ભાષાને વહેતી કરશે. આજના ઈન્ટરનેટના સમયમાં આપણે આપણી આવનારી પેઢીઓ માટે અને અત્યારે હયાત નવી પેઢીને પણ ભાષાની આ સચોટ અને અદ્ભુત રજૂઆતથી વાકેફ કરતાં રહીએ એ જરૂરી છે. બસ કલ્પનાબેનની કલમને વધાવવાની જવાબદારી તમારી છે.

બેઠકના આયોજક : પ્રજ્ઞા દાદભાવાળા

૪-સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

બધું એમનું એમ જ છે….

મીરાં આજે એટલાન્ટાથી નીકળી અમદાવાદ જવાની હતી. ઉપરના બધાં રુમનાં બારીબારણાં બંધ કરી તે નિરાલીના રુમમાં ગઈ. નિરાલીનો મોટી સાઈઝનો હસતો ફોટો જોઈ તેનાથી ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો.તે ત્યાં પલંગ પર જ બેસી ગઈ. નિરાલીના પલંગમાં તે નિરાલીના સ્પર્શનો અને તેની મીઠી મહેકનો અનુભવ કરતી હતી. તેના રુમની દિવાલો પર તેને તેના હાથની છાપ દેખાતી હતી.તેના રુમનાં પડદા બંધ કરતા તેના સરસરાટમાં તેને નિરાલીના સ્મિતના પડઘા સંભળાતા હતા.તેના રુમનાં સૂના ખૂણામાં તે તેના વિતેલા વર્ષોને શોધી રહી હતી.મીરાંને અચાનક તેના ખભા ભારથી લચી ગયેલ લાગ્યા જાણે પાછળથી આવીને નિરાલી તેને ખભેથી વળગી ન પડી હોય!!!તે જાણે હસીને મમ્મીને કહી રહી હતી“એય મમ્મી મારા રુમમાં શું કરેછે? તને કીધું છે ને મારી ગેરહાજરીમાં મારા રુમમાં જવાનું નહી.મારા કમ્પ્યુટર કે કોઈ વસ્તુ ને અડકવાનું નહી”
કોઈએ સાચું જ કીધું છે “મૃત્યુ જીવતા માણસનું જ નથી થતું સંબંધનું પણ થાય છે.
તમે કરેલ પ્રેમ……….તમે લીધેલ કાળજીઓ
તમારા સ્પર્શ……..તમારા શ્વાસોચ્છ્વાસ
બધુજ એક પળમાં નાશ પામે છે.આ બધું મૃત્યુથી પણ વધારે ભયાનક અને વધારે એકાકી છે.
મીરાંના ખભા નિરાલી જોરથી હચમચાવી નાંખ્યા હોય તેમ મીરાં ઝબકીને પાછળ ફરી..દુનિયાને માટે નિરાલીના મૃત્યુને દસ વર્ષના વહાણા વીતી ગયા…. પણ તેને માટે તો નિરાલી ઘરમાં હાજર જ છે અને એટલેજ એણે નિરાલીના રૂમમાંથી એક સળી પણ આઘી પાછી નથી કરી.બધું એમનું એમ જ છે દસ વર્ષ પછી પણ…….તેનો પલંગ,તે પાથરતી હતી તે જ તેને ગમતી ચાદર,બ્લેકેંટ,તેના કબાટમાં તેના કપડાં પણ એવી જ રીતે લટકે છે જેમ તે હતી ત્યારે લટકતા હતા………. નિરાલીને નાની હતી ત્યારે “વીની ધ પુ “ના સ્ટફ ટોય ખૂબ ગમતા, બધા સ્ટફ ટોઈઝ તેના રુમમાં પહેલાની જેમજ વ્યવસ્થિત ગોઠવાયેલ છે.ચારેબાજુ ગોઠવાયેલ “વીની ધ પુ” મીરાં ને હસીને પોતાની બાહો ફેલાવી બોલાવી રહ્યા છે. ઘરમાં કોઈને આ રુમની કોઈ વસ્તુને આઘીપાછી કરવાની પરવાનગી નથી.
મીરાં પહેલાંની જેમજ ઘરની બહાર નીકળતા અને ઘેર પાછી આવીને નિરાલીના રુમમાં જાય છે.તેની સાથે રોજ બધી વાત કરે છે .માલવ ,મીરાંના પતિની,ફરિયાદ કરે છે.તેના માટે નિરાલી તેની આસપાસ જ છે અને હા નિરાલી હતી પણ એવીજ મીઠી કે તેના મિત્રો ,નજીકના સગાવ્હાલા કોઈ તેને ભૂલી શકતું નહોતુ.
નિરાલી મીરાંની કાર્બન કોપી હતી.નાળિયેરની કાચલી જેવી બહારથી એકદમ દેખાય કડક પણ હલાવીને જૂવો તો પાણી પાણી ને અંદરથી લાગણીથી લથબથ ને મીઠી મધ પણ બહારનો ભાગ તો કડક જ દેખાયને!!! એટલે તેની શરીરની વેદના ક્યારેય કોઈ જોઈ ન શકયું અને હાથતાળી દઈ તે ચાલી ગઈ…..
આમ તો નિરાલી જન્મી ત્યારે જ તેના હ્દયમાં કાણું હતું.તેના હ્રદયની એક દિવાલ જાળાવાળા જેવી હતી.ડોકટરે પહેલા ઓપરેશન પછી કહ્યું હતું કે ભગવાન જેટલું જીવાડે તેટલું સાચું પણ ભગવાને જન્મતાની સાથેજ તેને કેમ ન લઈ લીધી?તેને પચ્ચીસ વર્ષ જીવાડી ,ભણાવી,ગણાવી તેની માયા ને મમતામાં ઓળઘોળ કરી અચાનક એક દિવસ તેને આ દુનિયામાંથી ઉપાડી લીધી!!!
મીરાંને બધુ ખબર છે- આત્મા અમર છે,તેને કોઈ છેદી શકતું નથી,બાળી શકતું નથી.આપણે માટીમાંથી ઉત્પન્ન થઈ માટીમાં જ ભળી જઈએ છીએ…….અહમ્ બ્રહ્માસ્મી,આપણેા આત્મા ભગવાનનો જ અંશ છે…ગીતાનું જ્ઞાન ને ઉપનિષદોનું બધું વેદાંત જાણવા છતાં…….એક મા જે દીકરીને પોતાની કૂખમાં નવ મહિના સાચવી હોય અને પચ્ચીસ વર્ષ સુધી પ્રેમને કેટકેટલી કાળજી લઈ ઉછેરી હોય તે આમ અચાનક એક દિવસ ચાલી જાય……તો તે કેવીરીતે સહન કરી શકે ભગવાન?કાળજાના ટુકડા ને સાસરે મોકલતા સો વાના થાય છે તો હજુ જેણે હમણાં જ જુવાનીમાં પગ મૂક્યો છે તે હંમેશને માટે ચાલી જાય તો મા તે કેવી રીતે સહન કરી શકે??
મીરાંના ઘેર નિરાલીનો રુમ એમ ને એમ જુવે ત્યારે બધાને એક જ સવાલ છે
હજુ દસ વર્ષ પછી પણ …બધુ ……એમનું એમ જ છે…..હા……….બધુ એમનું એમ જ છે……..
કારણ …….ખડખડાટ હસતી……સડસડાટ…….સીડી ઊતરતી…….પવન સાથે તેની સુગંધ રેલાવતી નિરાલી
મીરાંની આસપાસ જ કયાંક …..છે