સ્પંદન-50



તરૂએ કૂંપળ ફૂટે
ઉરના બંધ તૂટે
કલ્પનાઓ મેઘધનુ રચે
ગુલ શમણાંના સજે
ચિંતન કદી ન થંભે
ભીતર રોજ ઢંઢોળે
શબ્દનો મર્મ પરખે
કલમ ઠાઠથી નવાજે
ઉર્મિઓ અંતરે ઉછળે
સ્પંદન ઝીલાય શબ્દે.

સ્પંદન ક્યારે સર્જાય? સ્પંદન સર્જાય ત્યારે, જ્યારે દિલનો ઉમંગ અને મનનો તરંગ શબ્દની પાંખે ઉડી સાહિત્ય ગગનમાં વિહરે. ઉરની લાગણીઓના બંધ તૂટે અને કલ્પનાના મેઘ ધનુષમાં નિખરે વિવિધ રંગો. આ રંગો દર સપ્તાહે પ્રગટ થયા અને આજે સુવર્ણ જયંતિ સાથે મારા સ્પંદનની વિચાર યાત્રા અને સાહિત્યની સ્મરણ યાત્રાના પ્રસંગો યાદ કરતાં લાગે છે કે ઉર્મિઓના અવિરત પ્રવાહે સોનામાં સુગંધ ભળી, શબ્દોનો સાથ અને કલમનો ઠાઠ મળી સર્જાઈ મારી શબ્દયાત્રા. એ જ છે સ્પંદન.

સ્પંદન એટલે શું? વહેલી સવારે આકાશમાં ઉષાના રંગો સાથે ઉદિત થતો સૂર્ય એ સ્પંદન, કળીનું ફૂલ બનીને મહોરવું એ સ્પંદન, તરુવરની ટોચે ફૂટેલી કુમળી કૂંપળ એટલે સ્પંદન, સંબંધનો સેતુ એટલે સ્પંદન, વાચકોના પ્રેમનો પ્રતિસાદ એટલે સ્પંદન, અચેતન વિશ્વ સાથે મનનું સંધાન એટલે સ્પંદન. માતા સરસ્વતીની કૃપાથી શબ્દોનો અર્ઘ્ય સર્જાયો અને થયું ઈશ્વર વંદન. એ જ મારું સ્પંદન. હપ્તે હપ્તે એવી ભાષા સમૃધ્ધિ જેણે વાચકોને રસ તરબોળ કર્યા અને મારા માટે સ્પંદન એટલે વાચકો પ્રત્યે મારા પ્રેમ અને સાહિત્યની સરિતામાં વહેવાની કટિબદ્ધતા. સ્પંદન એટલે જ સુઘડ સ્વચ્છ સાહિત્ય માટે અનુભવેલો ધબકાર…કુછ દિલને કહા.

આજે વર્ષનો અંતિમ દિવસ અને ‘સ્પંદન’ લેખમાળાનો ગોલ્ડન જ્યુબિલિ એટલે કે 50મો મણકો. આજે કોઈ એક વિષય પર નહિ પરંતુ આ લેખમાળા દરમ્યાન મારા અનુભવોની વાત મારા વાચકો સાથે કરવી છે. બેઠકે મને વ્યક્ત થવાની મોકળાશ આપી અને મેં બેઠક પર લેખ લખવાનું શરુ કર્યું. જોત જોતામાં 2 વર્ષના વહાણા વાયા એની ખબર પણ ન પડી. 51લેખની બે લેખમાળા ખૂબ સહજ રીતે અવતરી એનો રાજીપો છે. પ્રજ્ઞાબહેને પરદેશમાં રહી માતૃભાષા માટે એવો દીવો પ્રગટાવ્યો છે, જેનો પ્રકાશ મારા જેવા અનેક લેખકો માટે પથપ્રદર્શક બન્યો છે. મારી લેખમાળાના પાયામાં છે પ્રજ્ઞાબહેનનો મારામાં વિશ્વાસ, સખી જિગીષાબેનનું પ્રોત્સાહન અને મારા જીવનસાથી દિપકનો ખભે ખભા મિલાવી ચાલવાનો સહકાર જેણે મને આ મજલ કાપવાનું બળ પૂરું પાડ્યું. મારા વાચકોના હૂંફાળા સ્નેહની તો શું વાત કરું? તેમના પ્રેમ, લાગણી અને સ્વીકાર મને સતત મળતા રહ્યા છે, જેનાથી હું મારી આ લેખનયાત્રા જાત જાતના પડકારો વચ્ચે પણ અવિરત, વણથંભી ચાલુ રાખી શકી છું.

મારા પ્રિય લેખક કનૈયાલાલ મુનશીના સાહિત્યની રસ સભર 51 લેખની લેખમાળા પૂરી કર્યા બાદ હવે નવા વર્ષે શું વિષય પસંદ કરવો એ મનોમંથન ચાલ્યું. એ સાથે હૃદયના આંદોલનો એટલા તીવ્ર બન્યા કે વિચાર્યું કે હૃદયના આંદોલનોની ડાળે ઝૂલતાં ઝૂલતાં આ જ સ્પંદનોને ઝીલી મારા વાચકો સાથે વહેંચવા. અને શરૂ થઈ સ્પંદન લેખમાળાની આ અવિસ્મરણીય સફર. જેમાં મેં ખુશીના, દુઃખના, પડકારના, સફળતાના, નિષ્ફળતાના….એમ જે જે સ્પંદનો હૃદયે અનુભવ્યા તે ઝીલીને મારા વાચકો સુધી પહોંચાડ્યા.

ઝરણાના માર્ગમાં અનેક ઉબડ ખાબડ પથ્થરો આવે છે, ઋતુના ફેરફારો પણ આવે છે છતાં ઝરણું એ બધાની વચ્ચે પણ માર્ગ કરતું ખળખળ વહે છે. એવું જ મારી આ લેખન યાત્રા દરમ્યાન અનેક પડાવો આવ્યા. કોરોનાકાળના પડકારો, પરિવારના સભ્યો પણ કોરોના સંક્રમિત થયા, સ્વાસ્થ્યના પ્રશ્નો, સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ સ્પંદનનું આ ઝરણું ન સુકાયું ન રોકાયું – એનો પૂરો યશ હું મારા વાચકોને આપીશ જેઓ આવતા હપ્તાની રાહ જોતા તેમનો પ્રેમ તેમના પ્રતિભાવો દ્વારા મોકલી મને પ્રોત્સાહિત કરતાં રહ્યાં.

સ્પંદન એ વેણુનાદ છે જેણે શબ્દને સૂર બનાવી સહુને ઝંકૃત કર્યા. ખુશીની વાત એ બની કે મારાં ધસમસતા સ્પંદનોને વાચકોએ ખૂબ પ્રેમથી ઝીલ્યાં એટલું જ નહિ પણ મારા સ્પંદનોના રંગોથી સુંદર રંગોળી બનાવી હૂંફાળો પ્રતિસાદ આપ્યો. આ પ્રતિસાદ એ જ મારો પુરસ્કાર. મારા વાચકોમાં પણ કેટલી વિવિધતા છે. લગભગ સમાજના દરેક ક્ષેત્ર એમાં ખાસ તો કેળવણીકાર, લેખક, પત્રકાર, ડોકટર, એન્જિનિયર, બીઝનેસમેન, બેન્કર, ગૃહિણી અને વિદ્યાર્થીથી લઇ નિવૃત્ત લોકોએ પણ મારા સ્પંદનને ભરપૂર પ્રેમથી આવકાર્યું છે. અહીં કદાચ હું ઈચ્છું તો પણ એ તમામના નામ લેવા શક્ય નથી પણ હું હૃદયપૂર્વક તેમનો આભાર માનું છું.

અંતે, સૌના ઋણ સ્વીકાર સાથે સ્પંદનના વાચકોને નવ વર્ષની શુભેચ્છાઓ. નવા વર્ષે નવા જોમ, નવા થનગનાટ, નવા તરવરાટ અને નવા વિષય સાથે જીવનને ઉજવવા ફરી મળીશું.

રીટા જાની
31/12/2021

૪૧  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”- અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર અને છેલ્લી વાર સ્વાગત છે. જાન્યુઆરી 2021 થી શરુ થયેલી આ લેખમાળાના સૌથી છેલ્લા તબક્કે આપણે આવી પહોંચ્યા છીએ. બસ હવે બે જ દિવસમાં 2021 વિદાય લેશે અને 2022 કે જે પધારવા થનગની રહ્યું છે તે દબદબાપૂર્વક આવી પહોંચશે. Many corporations and companies complete their fiscal year on December 31st and as part of their accounting regime, financial statements including balance sheet (સરવૈયું) gets prepared. 

Balance sheet એટલે કે સરવૈયું – કેટલું મેળવ્યું – કેટલું ગુમાવ્યું તેનો હિસાબ… જિંદગીનું વાર્ષિક સરવૈયું કરીએ તો એમાં પણ શ્વાસ અને સબંધોની આવન-જાવન અનુભવાશે. લાગણીઓ અને તર્કના ચડાવ-ઉતાર નજરે ચઢશે…આવાજ કંઈક ભાવ દર્શાવતી સ્વ-રચિત કવિતા આજે તમારી સૌની સાથે હું વહેંચું છું. આશા રાખું છું કે તમને ગમશે.

વર્ષનું સરવૈયું હોય કે જિંદગીનું સરવૈયું હોય, ત્યાં આવન અને જાવન, લેખા-જોખા તો રહેવાનાજ. બારે ને ચારે દિવસ ક્યારેય કોઈના પણ એક સરખા જતા નથી. શ્વાસ અને સંબંધોની અને વહાલ અને વેદનાની  આવન-જાવન વચ્ચે જ એક પછી એક વર્ષ અને એમ એમ કરતા જિંદગી પસાર થતી રહે છે. આવું વાર્ષિક સરવૈયું કાઢીએ ત્યારે એવો અહેસાસ થાય કે આપણી લાયકાતના પ્રમાણમાં પ્રભુએ આપણા પર અનેકગણી કૃપા વરસાવી છે. અને આ અહેસાસજઆપણને મન-વાણી અને કર્મથી એ દિવ્ય શક્તિનાચરણોમાં સમર્પિત થવાપ્રેરિત કરશે.

જયારે આપણે 2021ના અંતિમ તબક્કે પહોંચ્યા છીએ અને આજે જયારે હું આ લેખમાળાનો છેલ્લો લેખ લખી રહી છું ત્યારે મારે સૌ પ્રથમ તો “બેઠક” અને ખાસ કરીને “બેઠક” પરિવારના સંચાલિકા પ્રજ્ઞાબેન દાદભાવાલાનો આભાર માનવો છે કે જેમણે  મારી કલમને વહેવા માટે એક મંચ આપ્યો. અને તમે – આ લેખમાળાના વાચકો કે જેઓ મારી લેખમાળા થકી મારી સાથે જોડાયેલા રહ્યા અને વૈશ્વિક કવિતાના ભાવવિશ્વની આ સફરમાં મારી સાથે હારોહાર ચાલ્યા – તેમને તો હું કેવી રીતે ભૂલી શકું. સૌ વાચકમિત્રોનો હું અંતઃ કરણ પૂર્વક આભાર માનું છું. વર્ષ દરમિયાન ઘણા બધા વાચક મિત્રોએ મને વિવિધ માધ્યમો દ્વારા પોતાનો અભિપ્રાય અનેમાર્ગદર્શન આપ્યા છે તેઓનો હું ઋણસ્વીકાર કરું છું. હા, અગંત કારણોસર વર્ષ દરમિયાન આ લેખમાળામાં અનિયમિતતા ઉભી થઇ હતી તે બદલ સૌની માફી માંગુ છું.  જયારે જાન્યુઆરી 2021માં આ લેખમાળા લખવાની શરૂઆત કરી ત્યારે મને પોતાને વિદેશી ભાષાઓમાં રચાયેલી કવિતાઓનો ખાસ કોઈ પરિચય ન હતો પણ આ લેખમાળાની સર્જન પ્રક્રિયા દરમિયાન હું Maya Angelouની મમતા ભરેલી કવિતા થી માંડીને રૂમીની આધ્યાત્મ સભર રચનાઓને જાણી શકી, , સમજી શકી.

 હું એવું દ્રઢ પણે  માનું  છું કે કવિતા માત્ર શબ્દોની પ્રાસબદ્ધ કે છંદબદ્ધ ગૂંથણી જ નથી – તેનાથી કંઈક સવિશેષ છે. હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ પણ વ્યક્તિ જન્મથી જ કવિ કે કવિયત્રી નથી હોતા… કોઈ પણ મનુષ્યના હૃદયની ઋજુતા અને મનના મનોભાવો ને શબ્દદેહ મળે ત્યારે કવિતાની રચના થાય છે. આશા રાખું છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત  રજુ કરેલા ભાવાનુવાદમાં મૂળ કવિતાના ભાવ અને સંવેદના અકબંધ રહી શક્યા હોય! 

આ સાથે આ લેખમાળા સમાપ્ત કરતા આ કલમને હાલ પૂરતો વિરામ આપું છું. Wishing you all a very happy, healthy, and prosperous new year 2022.  ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवेत् । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥  

અલ્પા શાહ

૪૯- વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

મુક્તિ

અંતે બ્રાહ્મ મુરતમાં બાબુએ અંતિમ શ્વાસ લીધો. છેલ્લા આઠ-દસ દિવસથી એમની પીડા જોઈને ડૉક્ટરે પરિવારજનોને કહી દીધું, “ હવે તો પ્રાર્થના જ કરવી રહી કે ઈશ્વર એમને પીડામુક્ત મૃત્યુ આપે. જો કેન્સરનું દર્દ શરૂ થયું તો એ સહન કરવું કપરું બની જશે.”

જો કે સૌ સમજતાં હતાં કે આનાથી વધુ સુખદ મૃત્યુ ન જ હોઈ શકે. ચારે સંતાનો સેટલ થઈ ગયાં હતાં. પિતાનું ખૂબ ધ્યાન રાખતા. પરિવારના સભ્યો એક જ શહેરમાં અને એકમેક સાથે સ્નેહથી સંકળાયેલા છે. ક્યાંય કોઈ કમી નહોતી.

અને એમની પત્ની? આવી સેવાપરાયણ પત્ની હોવી એ પણ નસીબની વાત હતી. ઉંમર તો એમનીય થઈ હતી છતાં દિવસ રાત જોયા વગર, રાતોની રાતો જાગીને છેલ્લા આઠ મહિનાથી બસ લગાતાર…..

બાબુજીને આ બધું ધ્યાન પર નહીં આવતું હોય કે પછી અમ્મા પાસે સેવા કરાવવાનો પોતાનો અધિકાર અને સેવા કરવાની અમ્માની ફરજ છે એમ માની લીધું હશે?

જો કે આ સેવાને કોઈએ અમ્માની ફરજ, દિનચર્યા કે સ્વભાવની સારપના નામે કરી દીધી સૌના ધ્યાનનું કેન્દ્ર હતા બીમાર બાબુ અને એમની બીમારી કે જે મોતનો સંદેશો લઈને આવી હતી.

ત્રણ મહીના પહેલાં બાબુને નર્સિંગ-હોમમાં શિફ્ટ કર્યા તો મેં રાહતનો શ્વાસ લીધો કે હાંશ હવે એમની દેખરેખ નર્સ રાખશે તો અમ્માને થોડી શાંતિ મળશે. પણ એમ ન બન્યું અને સેવા-ચાકરીની જવાબદારી તો અમ્માની જ રહી. જરૂર પડે તો અમ્માની સાથે રહેવા પરિવારમાંથી કોઈ આવી જતું પણ સેવાનો ભાર તો અમ્માના માથે જ રહ્યો.

કાલે રાત્રે નર્સિંગ હોમમાંથી ડૉક્ટરનો ફોન આવ્યો કે, “જેને બોલાવવા હોય એમને બોલાવી લો. બાબુજી ભાન ખોઈ રહ્યા છે. એવું લાગે છે કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.”

“મુંબઈ મોટાભાઈ, લખનૌ દીદી અને અમેરિકા નમનને જાણ કરી દેવાઈ.

ડોક્ટરની સૂચનાથી જાણે મારું હૃદય બેસી ગયું જાણે ઊંડા પાતાળ કૂવામાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું. રવિ સ્નેહથી સંભાળી લેવા મથ્યા.

“શિવાની, તું તારી જાતની સંભાળ લે નહીંતર અમ્માને કેવી રીતે સાચવીશ?” રવિએ મને હિંમત આપવાનો પ્રયાસ કર્યો પણ અમ્મા પર શું વીતશે એ વિચારે હું વધુ વિચલિત થઈ.

મુંબઈ મોટાભાઈને ફોન કર્યો તો એ એકદમ સ્વસ્થતાથી બોલ્યા, “થેન્ક ગોડ…બાબુજીનો તકલીફ વગર શાંતિથી જવાનો સમય આવી ગયો. હું સવારની ફ્લાઇટમાં નીકળું છું પણ બંને છોકરાઓને બોર્ડની એક્ઝામ છે એટલે સુષ્માથી તો નહીં આવી શકાય. અને બધા એક સામટા આવીને કરશે શું?”

દીદીને ફોન કર્યો તો એમણે પણ જલ્દી આવવાનો પ્રયાસ કરશે એમ જણાવ્યું.  ન તો બાબુજી માટે કંઈ પૂછ્યું કે ન તો અમ્મા માટે. જાણે સૌ એક રસમ પૂરી કરવા આવી રહ્યાં હોય એવો તાલ હતો. હું અવાક હતી. મોટાભાઈ કે દીદીના અવાજની સ્વસ્થતા મને અકળાવતી હતી. જાણે આવા કોઈ સમાચારની રાહ જોતાં હોય એમ જરા સરખો પણ આઘાત કોઈના અવાજમાં ન સંભળાયો.

મારી અકળામણ રવિ સમજતો હતો. મને સાંત્વન આપતા સૂરે એ બોલ્યો, “ તું ખોટા વિચારે ના ચઢીશ. યાદ છે ને પહેલી વાર બાબુજીને કેન્સર થયું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે કેટલા મહિનાઓ સુધી બાબુજીનું ધ્યાન રાખવાની દોડધામ ચાલી હતી? શરૂઆતના ચાર મહિનામાં મોટાભાઈ બે વાર દોડ્યા દોડ્યા આવ્યા હતા. અમેરિકાથી નમન પણ આવી ગયો હતો. એણે જ તો બાબુજીની બીમારીનો ખર્ચો ઉપાડી લીધો નહીંતર નર્સિંગ હોમનો ખર્ચો કેટલો ભારે પડી જાત? અને અહીંયા છે એ બધાએ અવારનવાર સમય સાચવી જ લીધો હતો ને? અને લાંબો સમય બીમારી ચાલે પછી સૌ પોતાના કામે લાગે એ બહુ સ્વાભાવિક છે.”

હવે આ વાત મને સમજાતી હતી. બીજા તો ઠીક હું પણ હવે ક્યાં પહેલાંની જેમ બાબુજી પાસે ચાર- પાંચ કલાક બેસતી હતી? ક્યારેક તો બે-બે દિવસના અંતરે આવતી હતી. કદાચ આ જ જીવનની સચ્ચાઈ હતી. બીમારી લાંબી ચાલે ત્યારે સૌ્ માત્ર ફરજ નિભાવતા હોય એમ સમય સાચવે પણ મનથી તો જે અત્યારે આવીને ઊભી હતી.એ ક્ષણની પ્રતીક્ષા જ કરવા માંડે. એટલે જ કદાચ સૌને આઘાત ઓછો અને રાહત વધુ લાગી હશે.

“શિવાની થોડી રિલેક્સ થા અને અમ્માનો વિચાર કર. સૌ બાબુજીમાં લાગી જશે પણ અમ્માને કોણ સાચવશે?” રવિ મારી પીઠ પસવારતા બોલ્યા.

“જાણું છું.  એક માત્ર અમ્મા બાબુજી સાથે જોડાયેલી રહી છે બાકી તો લાંબી બીમારીએ અંતરંગ સંબંધોના તાર વેરવિખેર કરી નાખ્યા છે. સાચે જ અમ્મા બહુ એકલી પડી જશે. એ કેવી રીતે આ આઘાત સહી શકશે?” મેં ઊંડો નિસાસો નાખ્યો.

સમજણ નહોતી પડતી કે નર્સિંગ હોમમાં અમ્માનો સામનો કેવી રીતે કરીશ. પણ અમ્મા તો રોજની જેમ બાબુજીના પગ દબાવતી બેઠી હતી. મને જોઈને બોલી,

“અરે ! તું અત્યારે સમયે ક્યાંથી?”

હું સમજી ગઈ કે અમ્માને હજુ પરિસ્થિતિની જાણ નથી. મારા અવાજને સ્વસ્થ રાખીને પૂછ્યું, “બપોરનું ટિફિન હજુ કેમ અકબંધ જ પડ્યું છે?”

“અરે! કેટલા દિવસ પછી એ ઘેરી ઊંઘમાં છે. પગ દબાવવાનું બંધ કરું તો ઊઠી જાય અને ઊઠી જાય ત્યારે એમનો ગુસ્સો કેવો હોય છે એની તને ખબર તો છે. ઊઠતાની સાથે કેવી લાતો મારે છે એ તેં જોયું છે. ખાવાનું તો ઠીક છે મારા ભઈ, પેટમાં પડ્યું હોય કે ટિફિનમાં શું ફરક પડે છે?”

અમ્મા સતત કેવા ભયમાં જીવતી હતી એ મને સમજાયું. છેલ્લા કેટલાય સમયથી અમ્માનું આ જીવન હતું. ખાવાનીય સુધ નહોતી રહેતી. પણ ક્યારેય નથી કોઈના માટે ફરિયાદ કરી કે નથી કોઈની પર ગુસ્સો કર્યો. અને ગુસ્સો કરે તો કોના પર?

પણ આશ્ચર્ય મને એ વાતનું હતું કે અનુભવી એવા અમ્માને બાબુજી ઘેરી નિંદ્રામાં છે કે બેહોશીમાં એની ખબર નહોતી પડી. બાબુજીની આઠ મહિનાની બીમારીએ અમ્માની ઊંઘ-ભૂખની સાથે એમની ઇંન્દ્રિયો પણ સાવ સુન્ન કરી દીધી હતી?

એક બાજુ બાબુજીના જીવનના ગણેલા કલાકો, એ પછીની અમ્માની પ્રતિક્રિયા, આ બધા વિચારોની સાથે સહજ રહેવાનો ડોળ કરવાનું મને અઘરું પડતું હતું.

સવારે પાંચ વાગે બાબુજીએ અંતિમ શ્વાસ લીધો. અમ્મા સિવાય સૌ આ પરિસ્થિતિ માટે તૈયાર હતા. બાબુજીની ઠંડા પડી ગયેલા પગને પકડીને હૈયાફાટ રૂદન કરતી અમ્માને સંભાળવાનું દુષ્કર હતુ. અમ્માને સાંત્વન આપવાના પ્રયાસો વિફળ જતા હતા. પણ પછી જાણે આંસુ જ ખૂટી ગયા હોય એમ એ એકદમ શાંત થઈ ગઈ.

બાબુજીની સાથે એમનોય જીવ નીકળી ગયો હોય એટલી હદે એકદમ જડ બની ગયેલી અમ્માને બાબુજી પાસેથી ઊભી કરવી કઠિન હતું.

માંડ ઘર સુધી પહોંચીને એમને બાબુજીની રૂમમાં બેસાડી દીધાં. બહાર ચાલતી ગતિવિધિથી બેખબર અમ્માની સાથે હું બેસી રહી. બાર વાગતામાં બાબુજીનો નિર્જિવ દેહ ઘરે લવાયો ત્યારે ફરી રોક્કળ શરૂ થઈ. અમ્માને પરાણે બાબુજીના દર્શન માટે બહાર લઈ જવાઈ. આ તે કેવી વિડંબના? આજ સુધી અમ્મા બાબુજીના ક્રોધથી કાંપતી જ રહી છે. બાબુજીની નાની મોટી ઇચ્છાપૂર્તિમાં જ એના દિવસ-રાત પસાર થયા હતા.

અંતિમ ક્રિયા પતાવીને સૌ પાછા આવ્યા. એક પછી એક અમ્મા પાસે આવીને એમને ધીરજ અને હિંમત રાખવાનું આશ્વાસન આપતા રહ્યાં. સાંજે દીદી આવી. ફરી રોક્કળ શરૂ થઈ. અમ્મા કંઈ ન બોલ્યાં. રાત્રે સૌ જમ્યાં પણ અમ્માએ અન્નનો દાણો મ્હોંમાં ન મૂક્યો કે ન ઊંઘ્યાં.

બીજી સવારે સૌ ખરખરો કરવા આવ્યાં. બાબુજીની બીમારીની વાતો, થોડું રૂદન અને વચ્ચે આશ્વાસનનાં ઠાલાં શબ્દો…કોઈ કહેતું હતુ કે, “આને મૃત્યુ ન કહેવાય. આને તો મુક્તિ કહેવાય. કેવી બીમારી હતી અને કેવી શાંતિથી મોત થયું એ તો વિચારો. વળી કેવા નસીબદાર કે સવારના શુભ મુરતમાં પ્રાણ ગયા. આવું મોત કોના નસીબમાં હોય છે?”

વળી કોઈ અમ્માને કહેતા, “તમને તો સંતોષ હોવો જોઈએ કે ન કોઈ તકલીફ, ન પીડા અને બસ જંજાળમાંથી મુકત થઈ ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.”

અમ્માની માંડ આંખ મળી હતી. આ કંઈ સૂવાનો સમય હતો, લોકો શું કહેશે એ વિચારે દીદી એમને ઊઠાડી દેતી હતી, પણ થાકેલા અમ્મા આંખ ઊંચી કરી શકતા નહોતાં. ભીંતને ટેકે બેઠેલાં અમ્માને ભાભીના મદદથી પલંગ પર સુવડાવ્યા અને બાજુમાં બેસીને હળવેથી હું માથે હાથ ફેરવવા લાગી. સાચે જ અમ્માને કેટલા વખતે આમ ઘેરી નિંદ્રા લેતાં જોયા. પણ એ જોઈને દીદી ભડકી.

“બહાર આમ લોકો માતમ મનાવવા આવ્યા છે અને તેં એમને સુવડાવી દીધાં? હજુ તો બાબુજીની ચિતા નથી ઠરી અને  અમ્મા આમ….?”

“દીદી, તમને લખનૌમાં બેઠા ક્યાંથી ખબર હોય કે અમ્માએ આઠ મહિનામાં કેટલા દિવસ ખાધા કે ઊંઘ્યા વગર કાઢ્યા છે. બાબુજી પાછળ દિવસ-રાત એક કર્યા છે. બાબુજીએ પણ ક્યારેય નથી વિચાર્યું કે અમ્માની શી હાલત હતી. અરે, એમના ગુસ્સાથી અમ્મા કેટલા ડરતાં હતાં એનીય ક્યાં ખબર હતી એમને? આઠ મહિનામાં અમ્મા પૂરેપૂરા નિચોવાઈ ગયા છે. એક કામ કરો તમે જ બહાર જઈને એ સૌની સાથે બેસો. કહી દો કે અમ્માની તબિયત ખરાબ છે.” જરા ઊંચા અવાજે મારાથી દીદી પાસે અકળામણ ઠલવાઈ.

મારી વાત, મારા તેવર જોઈને દીદી સડક થઈ ગયા અને એક અક્ષર બોલ્યા વગર બારણું ખોલીને બહાર ચાલ્યા ગયાં. એ ગયાં ત્યારે ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાતા હતા,“ જે થયું એ સારું થયું કે ભગવાને એમને સમયસર મુક્તિ આપી દીધી.”

બહારના આ અવાજોથી અમ્મા જાગી ન જાય એની ચિંતામાં હું ઝડપથી બારણું બંધ કરી આવી. પાછી ફરી ત્યારે જોયું તો અમ્મા ઘેરી નિંદ્રામાં હતાં. એકદમ શાંત…નિશ્ચિંત …

મને એ ક્ષણે વિચાર આવ્યો કે ખરેખર મુક્તિ મળી કોને, બાબુજીને કે અમ્માને ?

મન્નૂ ભંડારીને વાર્તા ‘મુક્તિ’ પર આધારિત ભાવાનુવાદ.

Top of Form

રાજુલ કૌશિક   Rajul Kaushik
http://www.rajul54.wordpress.com
 

સ્પંદન-49




આવ્યું નવલું નવ વર્ષ , લઈ આશાનો ચમકાર
નવ સંદેશ સાથે કરીએ નવ વર્ષનો સત્કાર
થાય હૂંફાળો સ્નેહ સ્પર્શ ને પ્રેમ સમંદર છલકે
જામ્યો હર હૈયે હર્ષ, માનવ હૈયું મલકે.

હર માનવ હૈયાનો મલકાટ, આભ અટારીએ ઊભી છે માનવજાત અને ઇંતેજાર છે એક વધુ નવલા વર્ષનો. 2021ની વિદાય અને 2022ના આગમનની તૈયારી. એક તરફ રોજિંદી ઘટમાળ અને બીજી તરફ છે જીવનના ધબકાર સાથે નવા વર્ષનો પ્રેમભર્યો સત્કાર. આ સત્કારમાં પડકાર અને પ્રતિકાર સાથે ઝૂલે છે રાતદિનનું લોલક, સમયના સેન્ડ ગ્લાસની પારાશીશી સાથે આશા નિરાશાનો જંગ અને પ્રારબ્ધ અને પુરુષાર્થના ખેલમાં માનવજાત સાક્ષી છે પૃથ્વીની અવકાશી અનંત યાત્રાની. નવું વર્ષ, એક નવું સીમાચિહ્ન ઇતિહાસની આગેકૂચનું. પણ આશાની ક્ષિતિજ પર ઉભરે છે એ જ પ્રશ્ન. સદીઓ વીતે, યુગો બદલાય તોય પ્રશ્ન એ જ કે નવા વર્ષના નવ પ્રભાતે શું માનવજાતિ સુખનું સરનામું શોધી શકી છે ખરી?

સુખ એ અદભુત શબ્દ છે. તે સરળતાથી માણી શકાય છે પણ સમજવું અઘરું છે કે સુખ શું છે. વિજ્ઞાન અને વિકાસના પગલે આપણે સુખનું શિખર સિદ્ધ કરી શક્યા છીએ કે કેમ તે કોયડો છે અને હજુ ઉકેલવાનો બાકી છે. આપણને થાય કે હજુ શું ખૂટે છે? પ્રાચીન સમયથી માનવ આ પ્રશ્ન સાથે ઝઝૂમતો રહ્યો છે. એક મત પ્રમાણે ધર્મના પુસ્તકોમાં રહેલ સ્વર્ગનો ખ્યાલ પણ માનવની સદા સુખી રહેવાની આકાંક્ષામાંથી જ ઉદભવ્યો છે. પરંતુ વિશ્વ એ દ્વંદ્વ છે. જ્યાં રાત્રિ છે ત્યાં દિવસ પણ છે, પ્રકાશ છે ત્યાં અંધકારનું સામ્રાજ્ય પણ દૂર નથી. જ્યાં સ્વર્ગની કલ્પના છે ત્યાં નરક પણ માનવ કલ્પનાને માટે બિહામણું સત્ય બનીને ઉભું છે.

સુખ અને દુઃખ એક જ સિક્કાની બે બાજુ છે. આપણા ભક્તકવિ નરસિંહ મહેતાનું પદ યાદ કરીએ. ‘સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં.’ એટલે કે સુખ અને દુઃખ તો વિધિનું વિધાન છે અને કંઇક અંશે માનસિક છે તેવો સૂર આ કાવ્યપંક્તિ આપે છે. વૈદિક વિચારધારામાં પણ કઈંક આવું જ છે. યાદ આવે આપણા મહાન અવતારો રામ અને કૃષ્ણ. બંનેના જીવનમાં સુખ અને દુઃખનો સંગમ છે. અયોધ્યાના રાજકુમાર રામને રાજ્યાભિષેકના બદલે વનવાસ અને વનમાં સીતાજી ગુમ થતાં તેને શોધવા રામનું કલ્પાંત. લાગે કે સમયની પરિવર્તનશીલતા અને માનવ લાગણીઓનું સંગમસ્થાન રામના જીવનમાં પણ છે.

માનવ માત્ર સુખનો આકાંક્ષી છે. આપણે ત્યાં રૂઢિ પ્રયોગ છે કે ‘પારકે ભાણે લાડુ મોટો લાગે’. પરંતુ હકીકત એ છે કે જે સુખ પામે છે તેણે પ્રયત્ન પણ એવો જ કર્યો હોય છે. હકીકતે તો સુખ એ તેણે ઉઠાવેલી જવાબદારીઓનો પરિપાક હોય છે. યાદ આવે એક રોમન કહાની ડેમોક્લિસની તલવારની. વાર્તા કંઇક આવી છે. ડાયોનિસિયસના રાજ્યમાં તેનો દરબારી ડેમોક્લિસ છે જે હંમેશા રાજાની કંઇક વધુ પડતી ખુશામત કરે છે. તેને થાય છે કે રાજા જેવું સુખી કોઈ નથી. તેના જેવું ધન અને મહત્તા સાથેનું જીવન એટલે સુખ. રાજા ડાયોનિસિયસ તેને ભોજન સમારંભમાં નિમંત્રણ આપે છે અને તેના આસન પર એક તલવાર કાચા તાંતણે લટકતી હોય તેવો પ્રબંધ કરે છે. સ્પષ્ટ છે કે લટકતી તલવાર હોય ત્યાં માણસ સુખ માણી શકતો નથી. ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’. સુખની પાછળ જ દુઃખ છુપાયું હોય છે અને લટકતી તલવાર માણસને ચિંતાગ્રસ્ત રાખે છે. સંસાર એ અનિશ્ચિત ભાવિનું બીજું નામ છે. આ અનિશ્ચિતતા પ્રાચીન યુગમાં વિકાસના અભાવ તરીકે હતી અને પાડોશી રાજાઓનું આક્રમણ સહુએ સહન કરવું પડતું. રોમ અને કાર્થેજની લડાઇ હોય કે એથેન્સ અને સ્પાર્ટાની લડાઇ હોય રાજાનું અને પ્રજાજનોનું સુખ અનિશ્ચિતતાથી જોડાયેલું હતું. મધ્યયુગમાં પણ વિદેશી આક્રમણો થતાં. ગઇ સદીનો ઇતિહાસ પણ બબ્બે વિશ્વયુદ્ધનો સાક્ષી છે. આ ઉપરાંત પ્લેગ, ફ્લૂ જેવા રોગો તો જુદા. તો વર્તમાન વર્ષો સાક્ષી છે કોરોના મહામારીના. આર્થિક વિકાસ અને વૈશ્વિક અર્થતંત્રોને હચમચાવી દેનાર કોરોનાથી અને તેના અવનવાં સ્વરૂપોથી સહુ પરિચિત છે જ. અને તેથી જ સુખ હાથતાળી દઈને નાસી જતું હોય તેમ લાગે છે.

સુખ એ એક ત્રિવેણી સંગમ છે – માનસિકતા, પરિસ્થિતિજન્ય પરિબળો અને પડકાર સામે પ્રતિકારની સજ્જતાનો. સુખ શોધવાનો પ્રયાસ દરેકનો હોય છે, પણ માનસિક રીતે જે લોકો હકારાત્મક વલણ ધરાવે તેને સુખનો એહસાસ દૂર હોતો નથી. સુખ એ એક એહસાસ છે પણ માત્ર એહસાસ નથી. કારણ કે ભૌતિક પરિસ્થિતિ પ્રમાણે સુખ બદલાઈ શકે છે. વૈજ્ઞાનિક સગવડો કે સુવિધાના સાધનો વધવાથી આવાં પરિબળો બદલી શકાય છે. જેમ કે શારીરિક રોગ કે પરિસ્થિતિ દવાથી બદલી શકાય. કદાચ વધુ તાજું ઉદાહરણ લઈએ તો કોરોનાને લીધે ડરેલો માનવ વેક્સિન લીધા પછી વધુ સુરક્ષિત બનતાં પોતાને સ્વસ્થ અને સુખી અનુભવે છે. પરંતુ અનિશ્ચિત ભાવિ સામે બાથ ભીડવા જે તૈયાર છે, જે નીડર રહીને કર્મયોગ આચરે છે તે સફળ પણ થાય છે અને સુખી પણ. જો સજ્જતા હોય તો સુખ દૂર હોતું નથી. સજ્જતાનો અભાવ એ દુઃખનું કારણ છે અને તેથી જ જ્યારે માનસિકતા, પરિસ્થિતિ અને સજ્જતા એમ બધી જ વસ્તુઓ એકત્ર થાય ત્યારે સુખનો સોનેરી સૂરજ ઊગે.

આવી સજ્જતા સદીઓથી માનવજાત કેળવતી આવી છે. યાદ કરીએ ગુફાવાસી વનવાસી માનવને અને તેના પડકારોને કે જેમાં હિંસક વિશાળ પ્રાણીઓનો, કુદરતી પરિબળોનો સામનો કરતો માણસ આજે સિદ્ધિના શિખરે બેઠો છે. આ સિદ્ધિ અનેક લોકોના માનસિક, શારીરિક અને ભાવનાત્મક સામર્થ્યથી સિદ્ધ થઈ છે. જ્યારે વર્ષ બદલાય ત્યારે એક સીમાચિહ્ન કે માઇલસ્ટોન પ્રાપ્ત થાય છે, જે આપણને વધુ સુસજ્જ બનાવવા તરફ અને આપણી આત્મશક્તિને વિકસાવવા તરફ પ્રેરણા આપે છે. આમ નવું વર્ષ એ આપણી પ્રેરણાનો સ્ત્રોત બની શકે અને આ પ્રેરણા જ આપણી સજ્જતા વધારી સુખી બનાવી શકે. દરેક પડકારને પ્રેરણા બનાવી સજ્જતાની સીડી બનાવીએ તો સુખ હોય કે સફળતા કંઇ જ દૂર નથી. આ સફળતાના સોપાનના શ્રીગણેશ કરીએ નવી આશા અને આત્મવિશ્વાસ સાથે એક નવા નક્કોર વર્ષ તરફ આગળ વધીએ. શિશિરની ઠંડીને સ્નેહની હૂંફથી ઉજવીએ. સાંતાકલોઝ બની અદૃશ્યરૂપે ભેટ આપી ખુશીઓને વહેંચીએ. જીવનનું ગીત ગાઇએ અને ઈસુ ખ્રિસ્તને યાદ કરી પ્રેમ અને ક્ષમાનો આદર કરી જીવનને ભારથી મુક્ત કરીએ. જીવનની પ્રકાશમય બાજુ જોઇએ અને અનુભવીએ. જીવન તો ખૂબ તરલ છે. તેને સપ્તરંગી મેઘધનુષ બનાવીએ, જીવનના બાગને સુગંધી ફૂલોની મહેક થકી સુંદર અને સુગંધિત બનાવીએ એ જ નવા વર્ષની સિદ્ધિ અને શુભેચ્છા.

રીટા જાની
24/12/2021

૪૮- વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

– ‘સ્નેહબંધ’ –

વાચક મિત્રો…

મિતુ અને મારી વચ્ચે સ્નેહબંધન સર્જાશે કે કેમ એનો જવાબ મળ્યો?

આજે મિતુની મસ્તી કયા મોડ પર જઈને ઊભી રહી એની વાત કરું..

તો બન્યું એમ કે એક દિવસે ઑફિસેથી આંધીની જેમ એ પાછી આવી. અમને બંનેને સાથે બેસાડીને ગળામાં ફૂલોની માળા પહેરાવી દીધી. નાના છોકરાંની જેમ તાળીઓ પાડતી બોલી, “ હેપ્પી એનવર્સરી..”

અરે! અમને તો યાદ પણ નહોતું અને એને ક્યાંથી ખબર?

પછી તો અમારી આરતી ઉતારી. મારા માટે બનારસી સાડી અને એમના માટે પુલોવર લઈ આવી હતી. સ્ટુડિયોમાં જઈને ગ્રુપ ફોટો સેશન કરાવ્યું. એ પોતે પણ પારંપારિક વેશભૂષામાં માથે સાડીનો પાલવ ઢાંકીને ઊભી રહી. ‘અંગૂર’ ફિલ્મ જોઈને બ્લ્યૂ ડાયમંડમાં જમ્યા. ક્વૉલિટી આઇસ્ક્રિમ અને છેલ્લે બનારસી પાન. મિતુના ધાંધલ-ધમાલથી આખો દિવસ ખાસ બની ગયો.

મનથી તો બહુ સારું લાગ્યું છતાં કોણ જાણે કેમ પણ એ જેટલા સ્નેહથી મા કહેતી તો એવા સ્નેહથી એને પ્રતિસાદ તો ના જ આપી શકી. છોકરાઓના પપ્પાએ મા વગરની છોકરીને જેટલી સહજતાથી અપનાવી લીધી એટલી સહજતા મારામાં ન આવી.

થોડા સમય પછી છ મહિનાની ટ્રેનિંગ માટે ધ્રુવને જર્મની જવાનું થયું. હું ઇચ્છતી હતી કે ધ્રુવની સાથે એ પણ જર્મની જાય, પણ ધ્રુવનો ખર્ચો કંપની આપવાની હતી એટલે મિતુએ સાથે જવાની ના પાડી દીધી. ધ્રુવના ગયા પછી એ પોતાના પપ્પાના ઘેર જતી રહી. ખરેખર તો મારે એને રોકવી જોઈતી હતી પણ હું એમાં પાછી પડી.

ઘરમાં મારા સિવાય સૌ ધ્રુવ કરતાં એને વધુ મિસ કરતાં. એમના પપ્પા તો બે-ચાર દિવસે મિતુને મળવા વેવાઈના ઘેર પહોંચી જતા. ક્યારેક મને પણ પરાણે ઘસડી જતા. શિવ તો કેટલીય વાર મિતુ સાથે બહાર જતો, મૂવી જોઈ આવતો.

દિવસો પસાર થતા હતા. એક દિવસ એમને પેટમાં અસહ્ય દુઃખાવો શરૂ થયો. આમ તો દસ પંદર દિવસથી તકલીફ શરૂ થઈ હતી પણ આજે તો ઘણી વધારે પીડા થતી હશે એવું લાગતું હતું.

રાતો રાત હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. પ્રોસ્ટેટની તકલીફ હતી, સર્જરી કરવી જ પડે એમ હતી. સરકારી હોસ્પિટલના જનરલ રૂમની એ રાત તો જીવનભર નહીં ભૂલાય. દુર્ગંધ મારતી રૂમમાં સૂવાની વાત તો દૂર બેસવાનુંય દુષ્કર હતું.

બીજી સવારે દસ વાગે સર્જરી નક્કી થઈ. એમને ઓપરેશન માટે લઈ ગયા. બંધ આંખે હું ઈશ્વરનું નામ લેતી બેસી રહી. શિવને ઘણી દોડાદોડ પડતી હતી.

નમસ્તે બહેન.” આંખ ખોલી તો સામે મિતુના પપ્પા.

“અમને એટલા પરાયા માની લીધા કે સમાચાર સુદ્ધાં ન આપ્યા?” એમના અવાજમાં પીડા હતી.

“શું કરું, બધું એટલું અચાનક બની ગયું . શિવ એકલો અને ઘણી દોડાદોડ પડી.”

“એટલે જ અમને કહેવાનું ને? કાલે ધ્રુવને ખબર પડે તો શું કહેશે?” એ બોલ્યા.

આટલી વાત થયા પછી પણ મને મિતુ ક્યાં છે એ પૂછવાનું યાદ ન આવ્યુ.

બે કલાક પછી એમને ઓપરેશન રૂમમાંથી બહાર લાવ્યા ત્યારે એમની નિઃસહાય અવસ્થા મારાથી જોઈ ન શકાઈ.

એમને લઈને જે રૂમમાં પહોંચ્યા એ કાલનો જનરલ વૉર્ડ નહોતો.

“જનરલ વૉર્ડમાંથી ડીલક્સ રૂમમાં ક્યારે કોણે બધું શિફ્ટ કરાવ્યું?” સ્ટ્રેચરની સાથે ચાલતા શિવને પૂછ્યું.

“ભાભીએ..”

“આ કામ એના વગર કોઈનાથી થાય એમ નહોતું. લડી બાખડીને ઊભાઊભ સુપ્રિટેન્ડટ સાથે રહીને આ રૂમ તૈયાર કરાવ્યો.” મિતુના પપ્પાના અવાજમાં દીકરી માટેનો ગર્વ છલકાયો.

રૂમ એકદમ સાફસૂથરો. બંને પલંગ પર સાફ ચાદરો, સફેદ ટેબલ ક્લૉથ. રૂમના કબાટમાં વ્યવસ્થિત ગોઠવાયેલા અમારા કપડાં, એક તરફની પેન્ટ્રીમાં પ્લેટો, ચા, ખાંડ વગેરે જરૂરી ચીજો નજરે પડી.

થોડી વારમાં મિતુ ચા લઈને આવી. સારું લાગ્યું.

જ્યારે એ થોડા ભાનમાં આવ્યા ત્યારે એમને જોઈને ખાતરી થઈ કે સાચે એમની પીડા અસહ્ય હશે નહીંતર એમની લાડકી મિતુને યાદ કર્યા વગર ના રહેત.

પછી તો મિતુએ એક પછી એક ફરમાન બહાર પાડ્યાં.

“પપ્પા તમે અને ભાઈ ઘેર જાવ. ભાઈ સાથે મારા અને મા માટે જમવાનું મોકલી દેજો. શિવ સાથે બેસીને દવાઓનું લિસ્ટ ચેક કરીને શિવને પણ એના પપ્પા સાથે ઘેર જવાનું અને બીજા દિવસનું પેપર પણ ત્યાંથી જ આપવા જવાનું કહી દીધું.

થાક અને ઉજાગરાથી મારી આંખો ઘેરાવા લાગી. સાંજે આંખ ખુલી ત્યારે મિતુ્ને એમના પલંગ પાસે બેઠેલી જોઈ. સાંજનું જમવાનું આવી ગયું હતું. મારા માટે પાન મંગાવવાનું એ ભૂલી નહોતી. જમ્યા પછી મને હેરાનગતિ ન થાય એવી રીતે રાત્રે જાગવા માટે એનો અને એના ભાઈનો વારો નક્કી કરી લીધો.

એક આરામ ખુરશી પર હાથનો તકિયો બનાવીને એણે સૂવાની તૈયારી કરી.

“ત્યાં ભાઈને બેસવા દે, તું અહીં મારી પાસે પલંગ પર આવી જા. આખો દિવસ પગ વાળીને બેઠી નથી..”

એક શબ્દ બોલ્યા વગર આવીને પલંગ પર નાના બાળકની જેમ ટૂંટિયું વાળીની સૂતી. દિવસભર દૃઢતા અને ઉગ્રતાથી કામ લેતી છોકરી અત્યારે એવી તો નિર્દોષ લાગતી હતી કે મને એને મારી બાથમાં લેવાની ઇચ્છા થઈ આવી.

એનેય મા યાદ આવતી હશે. ભાભી તો સાવ નાની છે. મોટી બહેન તો પરદેશમાં છે, ક્યારેક રડી લેવું હોય ત્યારે કોનો પાલવ શોધતી હશે! પહેલી વાર દીકરી જેવું વહાલ ઉમટ્યું.

બીજી તરફ પડખું ફેરવીને સૂતેલી મિતુના માથે હાથ ફેરવવાની અદમ્ય ઇચ્છા થઈ આવી. એમ કરવા જતાં મારી આંગળીઓ એની પાંપણોને અડકી. ભીની લાગતી પાંપણોનો સ્પર્શ થતાં પૂછ્યું,

“શું થયું દીકરા, પાપાજીની ચિંતા કરે છે ને પણ ડૉક્ટરોએ કહ્યું છે કે બે દિવસમાં ઠીક થઈ જશે.”

એ એકદમ મારા તરફ ફરી. ક્ષણભર મને જોઈ રહી પછી મને વળગીને એકદમ રડી પડી.

“પહેલાં મને એ કહો કે, તમે અમને ખબર કેમ ના આપી? પાપાજી આટલા બીમાર હતા અને મારી યાદ પણ ના આવી?”

એ ક્ષણથી હું મારી જાતને અપરાધીના કઠેરામાં ઊભેલી જોઉં છું અને પૂછું છું, “ કેમ તારી દીકરીની યાદ ન આવી?”

માલતી જોશીની વાર્તા ‘સ્નેહબંધ’ને આધારિત અનુવાદ.

રાજુલ કૌશિક


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

સ્પંદન-48




કોને કરીશું અર્પણ
આ જીવન એક દર્પણ
કોઈ આંખે છુપાયું તર્પણ
કોઈ હૈયાના ખૂણે સમર્પણ
રાત દિવસની માળા જપતો
માણસ મન હૈયે તરસતો
મળે ન પ્રેમની શીળી છાંય
મનપુષ્પ ભરવસંતે કરમાય
જીવન ક્યારી સજાવો એવી
ગંગા જળના વારિ જેવી
જાતે વહીએ સંગે વહાવીએ
જીવન પ્રેમગંગા બનાવીએ.

આત્મ અને અધ્યાત્મ બંને વચ્ચે સંતુલન સાધવા મથતો માણસ રાત દિવસ કોઈ ને કોઈ સંગ્રામમાં વ્યસ્ત રહેતો હોય છે. જ્ઞાન વિજ્ઞાનની નવી ક્ષિતિજો પાર કરી લીધા બાદ પણ ક્યારેક સમજવું દુષ્કર બને છે કે માણસની મંઝિલ શું છે. વર્ષો વીતે, સદીઓ વીતે પણ માનવ જિંદગીની દોટ ક્યારેય પૂરી થાય નહિ. ક્યારેક તો પ્રશ્ન થાય કે જીવનનું સાચું લક્ષ્ય શું છે? માણસના સુખ સગવડના સાધન વધવા છતાં તે કેમ દુઃખી છે. રૂપિયાનો વરસાદ વરસે કે ડોલરનો તે સંતુષ્ટ નથી. બધી સિદ્ધિ અને સફળતા મેળવ્યા પછી શું ખૂટે છે? તેના કપાળમાં ચિંતાની કરચલીઓ કેમ દેખાય છે? કોઈને આજકાલ તેનું કારણ કોરોનાનો નવો વાઇરસ અને તેના નવા બહુરૂપો કે મ્યુટન્ટ લાગે પણ જ્યારે કોરોના ન હતો ત્યારે પણ શું દુનિયા સંપૂર્ણ સુખી હતી? કદાચ નહોતી તો શા કારણે? જવાબ અઘરો પણ સરળ છે. માણસ સુખી નથી થતો એનું કારણ માણસના જ બહુરૂપો કે મ્યુટન્ટ છે. કંઇક અવનવું લાગે પણ સત્ય છે કારણ કે માણસની સફળતાનું રહસ્ય તેની બદલાઈ શકવાની ક્ષમતા છે અને તેના દુઃખનું કારણ પણ તે જ છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ એમ લખતી વખતે જ કવિને સ્પષ્ટ હશે કે માનવી માનવ થયો નથી. કારણ?

માનવી માનવ થાય ક્યારે? કોઈ કહે કે માનવી કુદરતનું હજુ સુધીનું અંતિમ સર્વશ્રેષ્ઠ સર્જન છે તો એક માનવ તરીકે ગૌરવ થાય. આજના વિજ્ઞાનની સિધ્ધિઓ જોઈએ તો પણ આપણને હર્ષ થાય. માનવી આજે સાગરના તળિયે પણ પહોંચ્યો છે અને એવરેસ્ટની ટોચ પર પણ. તેનું ચંદ્ર યાત્રાનું સ્વપ્ન સિદ્ધ થયું છે અને મંગળ યાત્રાની મંગલ ઘડીઓ પણ હાથવેંત માં જ છે. તો પછી માનવજાતને સફળ ગણી શકાય? વ્યક્તિગત સફળતા અને કોર્પોરેટ સિદ્ધિઓ તો મેનેજમેન્ટનો વિષય છે પણ ઘણી વાર ટોચ પર પહોંચેલા સફળ વ્યક્તિઓને પણ એકલતા અનુભવતા જોઈએ ત્યારે થાય કે ના, આ સિદ્ધિ એ ચિરસ્થાયી નથી. તો પછી જીવનમાં ચિરસ્થાયી સિદ્ધિ જેવું શું છે? પદ, પ્રતિષ્ઠા અને પૈસા કે જેની પાછળ કદાચ દુનિયા દીવાની દેખાય છે તેનાથી પણ જો જીવનનો મર્મ અધૂરો જણાય તો જીવન સાફલ્ય એટલે શું તે પ્રશ્ન થાય. આનું કારણ એ છે કે આપણા સહુની પાસે માત્ર એક જ જીવન છે. આ એક જ જીવન બાળપણ, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં વહેંચાયેલું છે. સામાન્ય રીતે અર્ધું જીવન કે પચાસેક વર્ષ વીતી જાય ત્યાં સુધી તો કંઈ વિચારવાનો સમય જ નથી હોતો પણ એક દિવસ એવો ઉગે કે માણસને દર્પણ દેખાય. તે પોતાનો ચહેરો બદલાતો જુએ અને જો તે દર્પણ સાથે વાત કરે અને કરી શકે તો જ તેને સમજાય કે ઓહ, જેને સફળતા ગણી તે તો સફળતા છે જ નહિ. દર્પણ એ વ્યકિતની mirror image છે. તેમાં ક્યાંક સંસ્મરણો છુપાયાં છે. જીવનની ફિલસૂફી અને જીવનયાત્રાનું સંયોજન કરીએ તો જ સમજાય કે સફળતા શું છે? જીવન એ કેલીડોસ્કોપ છે. અવનવી આકૃતિઓ ઉભરતી રહે છે અને તેની વચ્ચે આપણે આપણી જાતનું નિરીક્ષણ કરવાનું છે, જાતને અનુભવવાની છે, જીવનના લેખાં જોખાંનું સરવૈયું જોવાનું છે. ભૌતિક જીવનથી દૂર એક મન તેની માનસિક દુનિયામાં વ્યસ્ત હોય છે. તેનો તાગ મેળવીએ તો જ ખ્યાલ આવે કે આપણે શું જોઈતું હતું અને શું કર્યું?

આ મન ક્યારેક સંતાપ પણ અનુભવે છે અને તેને જોઈએ છે સંતોષ. જીવન જીવ્યાનો સંતોષ. એક માનવી તરીકે જીવન જીવવાનો સંતોષ. આ પ્રશ્ન નવો નથી. વૈદિક વિચારો હોય કે કોઈ પણ પ્રાચીન સંસ્કૃતિ, માનવના હૃદયના મર્મસ્થાનમાં હંમેશાં આ પ્રશ્ન છે કે જીવનમાં મેળવ્યું શું?

આપણા બાળપણથી આજદિન સુધી દૃષ્ટિ કરીએ તો ખ્યાલ આવશે કે આપણી આ જીવનદોડના એક તબક્કે આપણે પણ કયારેક કોઈની આંગળી પકડી ને પા પા પગલી કરી ચાલતા શીખતા હતા. આજે કરોડોનો કારોબાર કરનાર સફળ વ્યાપારી કે ઉદ્યોગપતિ પણ જીવનના એક તબક્કે કોઈ વડીલ કે શિક્ષક સમક્ષ અંકગણિતનો એકડો માંડતો હતો. એક માનવ જીવનના કોઈ પણ તબક્કે બીજાના સહયોગ વિના જીવન જીવી શકતો નથી. આવા નામી કે અનામી એવા વ્યક્તિઓ જેનું યોગદાન આપણને યાદ પણ નથી તેવા વ્યક્તિઓ પ્રત્યે આપણે તર્પણ કરવાનું છે. આવી વ્યક્તિઓથી સભર યાદોમાં આપણું સમર્પણ કરવાનું છે. ક્યારેક આપણા માતા, પિતા કે ગુરુની યાદોને સમર્પિત આ જીવનનું તર્પણ કઇ રીતે કરીશું? આ પ્રશ્નનો જવાબ છે – આપણો માનવધર્મ બજાવીને. જે માનવોનો સહારો લઇને આપણે આ જીવન જીવ્યા તેમનું ઋણ એ આપણું માનવ તરીકે ઋણ છે. આ ઋણ કઈ રીતે ફેડી શકાય? જો આ ઋણ ન ફેડીએ તો આપણા ચિત્તને શાંતિ થઈ શકે નહિ. ગમે તેટલી સિદ્ધિ સમૃધ્ધિ વચ્ચે પણ મનની શાંતિ અનુભવી શકાય નહિ. સહકુટુંબ હોય કે મિત્રો વચ્ચે જે માનવીને પ્રેમ મળતો નથી કે જે કોઈને પ્રેમ આપી શકતો નથી તેનું જીવન સૂનું છે. ‘કોરા કાગજ…કોરા હિ રહ ગયા’ જેવું છે. જ્યાં સુધી આવું જીવન છે, ત્યાં સંતુષ્ટિ નથી, સફળતાની વચ્ચે પણ સફળતા નથી. ક્યારેક એકલતાનો એહસાસ માણસને કોરી ખાય છે. લાગણીની આ લડાઈઓનું કારણ એ છે કે ક્યાંક આપણે સ્વાર્થને સર્વોચ્ચ ગણીને આપવા પાત્ર પ્રેમ લોકોને આપી શક્યા નથી. જ્યારે લોકો માતા પિતાને ભૂલે, ભાઈબહેનના સંબંધોને ભૂલે અને માત્ર પોતાના સંકુચિત હેતુઓને ધ્યાનમાં રાખી કાર્ય કરે, ત્યારે જિંદગી એક મોડ, એક વળાંક પર ઊભી રહી પૂછતી હોય છે કે જીવન રામાયણના, પ્રેમ અને સમર્પણના રસ્તે ચાલી શકે તેમ હતું તો આ મહાભારત શા માટે? મહાભારતને યાદ કરીએ કે મહાભારતના યુદ્ધના અંતે રાજ્ય મેળવતા પાંડવો પણ સુખી નથી. તેઓ હિમાલય તરફ સ્વર્ગારોહણ માટે ગતિ કરે છે. જીવન સંતાપનો અનુભવ થાય ત્યારે જીવન માર્ગ શો છે તે પ્રશ્ન મનમાં જરૂર થાય.

પ્રશ્ન ચિરંતન છે પણ જવાબ અઘરો નથી. જેમ માછલી વગરની નદી કે પંખી વગરનું આકાશ નિર્જીવ લાગે છે એમ જ પ્રેમ કે સમર્પણ વગરનું જીવન નિષ્ફળ છે. આ ફૂલોનો એવો ગજરો છે જે આપનાર અને લેનાર બંનેના જીવનને મહેકાવે છે. જીવનનો મર્મ એ છે કે જીવન એક ઉપવન છે, બગીચો છે, વૃંદાવન છે. પવિત્રતા સાથે પુષ્પો ખીલવવાની ક્યારી છે. જો જીવન પુષ્પને મહેકાવવું હોય તો આ ક્યારીમાં અમૃતનું સિંચન કરવું પડે. આ અમૃત એટલે જ પ્રેમનું અમૃત. પ્રેમની આ અમર ગંગા જીવમાત્ર પ્રત્યે વહાવીને જો બાળકને વાત્સલ્ય, માતપિતાને પ્રેમ અને સમર્પણ અને અન્ય સહુને પ્રેમ વહેંચીએ તો આવાં પ્રેમવારિથી સીંચેલ જીવન ક્યારી મહેકશે, જીવન સફળ બનશે, પ્રેમસભર બનશે.

રીટા જાની
17/12/2021

૪૦  “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ”- અલ્પા શાહ 

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

“જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે.  આ મહિને આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત પ્રભુનો મહિમા અને પ્રભુ પ્રત્યેની  કૃતજ્ઞતા(Gratitude), અહોભાવ વ્યક્ત કરતી કવિતાઓનો ભાવાનુવાદ જાણી રહ્યા છીએ .

ડિસેમ્બર મહિનો એટલે વર્ષનો છેલ્લો મહિનો. થોડા દિવસમાં 2021 વિદાય લેશે અને  2022 કે જે આવાગમન કરવા થનગની રહ્યું છે તે દબદબાપૂર્વક આવી પહોંચશે. ભલે દિવસ બદલાય, મહિના બદલાય વર્ષ બદલાય, પણ મનુષ્યની આનંદ અને ખુશી મેળવવાની મૂળભૂત ઝંખના અકબંધ રહેશે. દલાઈ લામાએ ખુબ સરસ કહ્યું છે “The purpose of our lives is to be happy” અને અને આ આનંદનો આવિષ્કાર કરવાનો સમગ્ર આધાર આપણા જીવન પરત્વના દ્રષ્ટિકોણ પર છે,આપણી મનઃસ્થિતિ પર છે અને એ સત-ચિત્ત-આનંદ સમાન દિવ્ય શક્તિએ વરસાવેલ આશીર્વાદનો અનુભવ કરવામાં છે. ગુરુદેવ રબીન્દ્રનાથ ટાગોર રચિત એક ખુબ પ્રખ્યાત રચના আনন্দলোকে মঙ্গলালোকে અથવા “આનંદનો આવિષ્કાર” કે જે આ દિવ્ય શક્તિના મહિમાને ઉજાગર કરે છે તેનો ભાવાનુવાદ આજે આપણે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળામાં જાણીશું અને માણીશું. તમે આ રચનાનો અંગ્રેજી અનુવાદ આ લિંક પર માણી શકશો. http://gitabitan-en.blogspot.com/2011/10/

ગુરુદેવ રચિત આ રચના એ રબીન્દ્રસંગીતની અતિ પ્રખ્યાત રચનાઓમાંની એક છે. ગુરુદેવના ગીતાંજલિ કાવ્યસંગ્રહના પૂજા વિભાગમાંની આ રચનામાં દિવ્યશક્તિ એ આપણી આજુબાજુ રચેલી દિવ્યતાને ગુરુદેવે ખુબ ભાવપૂર્ણ શબ્દો થી નવાજી છે. આ કાવ્ય મૈસુર રાજ્યમાં નિત્ય ગવાતા એક ભજન પર આધારીત છે અને ગુરુદેવે પોતે તેનું સ્વરાંકન તેજ રાગ પર કરેલું છે. આ રચનામાં ગુરુદેવ એ દિવ્ય ચેતના કે જે સમગ્ર સૃષ્ટિ પર પોતાની સમષ્ટિ અને કૃપાદ્રષ્ટિ વરસાવે છે તેનો મહિમા વર્ણવ્યો છે તેમના શરણમાંજ અદભુત અદ્વિતીય આનંદનો આવિષ્કાર થાય છે તે વાત શબ્દો દ્વારા વહેતી મૂકી છે. આ રચનાને બંગાળી રબીન્દ્રસંગીતના ખ્યાતનામ કલાકારોના અવાજમાં સાંભળવી એ એક અનેરો લ્હાવો છે. આજે જયારે સમગ્ર વિશ્વ કોરોના ના સકંજામાં ફરી એક વાર આવી રહ્યું છે ત્યારે એ દિવ્ય શક્તિના ચરણોમાં આ શબ્દો થકી સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે  પ્રાર્થના કરતા કરતા મારી કલમને આજે વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે, “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળાની છેલ્લી કવિતા સાથે…તમારા માર્ગદર્શન અને અભિપ્રાયોની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૪૭- વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

સ્નેહબંધ

“મા, આ મિતુ છે. મૈત્રેયી.” ધ્રુવની સાથે આવેલી એ યુવતીની ધ્રુવે ઓળખાણ કરાવી.

સામે ઊભેલી યુવતી તરફ નજર નાખી. નાના ખભા સુધી માંડ પહોંચે એવી વાળની લંબાઈ, આંખો પર ગોગલ્સ. નેવી બ્લ્યૂ જીન્સ પર યલૉ ટોપ.

એને જોઈને મને થોડી અકળામણ થઈ આવી. ધ્રુવ અને મિતુને ત્યાંજ બેસવાનું કહીને અંદર ધ્રુવના પપ્પાને બોલાવા ગઈ. ધ્રુવ એટલે મારો મોટો દીકરો. આજે એ એને ગમતી એક છોકરીને અમને મળવા લઈને આવ્યો હતો.

“બહાર તમારી પુત્રવધૂ આવી છે.” થોડા અણગમા સાથે મારાથી બોલાઈ ગયું અને પછી હું ચા અને નાસ્તો બનાવવા કિચનમાં ચાલી ગઈ.

ખાસ્સો એવો અડધો પોણો કલાકે ચા નાસ્તો લઈને બહાર આવી ત્યારે તો શિવ પણ કૉલેજથી આવી ગયો હતો. બહારનું વાતાવરણ એકદમ ખુશહાલ હતું. શિવ અને એના પપ્પા પણ જાણે મિતુને કેટલાય વર્ષોથી જાણતા હોય એમ એની સાથે ભળી ગયા હતા.

નાસ્તામાં બનાવેલા ગરમ ગરમ સમોસા, રવાના લાડુ અને ઘરનો ચેવડો જોઈને મિતુને નવાઈ લાગી.

“અરે વાહ! આવો મઝાનો નાસ્તો તમે જાતે બનાવ્યો છે. નો વંડર, એટલે જ આ તમારા બંને ચિરંજીવ મસ્ત મોટુમલ બની ગયા છે, રાઇટ મા?”

“એય, આમ ના બોલ..નજર લાગી જશે. ખબર છે, મમ્મીની આ કેટલા વર્ષોની સાધના છે? એમ કંઈ અમસ્તા કશું નથી મળતું.” ધ્રુવ બોલ્યો.

“મમ્મીએ અમને ખવડાવીને એટલે તંદુરસ્ત બનાવ્યા છે કે કોઈ કર્કશ પત્ની મળે તો અમે મેદાન છોડીને ભાગી જવાના બદલે એને પહોંચી વળીએ.” શિવ પણ એ મસ્તીમાં ભળ્યો.

વાતાવરણ આખું આનંદિત બની ગયું પણ મને મનમાં ગુસ્સો આવ્યો, “ મારાં છોકરાઓને મોટુમલ કહેવાનો હક કોણે એને આપ્યો છે?”

કલાક તો વાતોમાં ક્યાંય પસાર થઈ ગયો અને મિતુ નમસ્તે કરીને એના ઘરે જવા ઊભી થઈ

મારા સિવાય સૌ એને બહાર સુધી મૂકવા ગયા. માત્ર હું સમસમીને બેસી રહી. અમારી આ પહેલી મુલાકાતથી મિતુ માટે મારા મનમાં કડવાશ સિવાય અન્ય કોઈ ભાવ ન ઊભો થયો.

“કેમ આમ તો આખા ગામમાં સૌને કંઈકને કંઈક આપે છે તો મિતુને કેમ ખાલી હાથે પાછી જવા દીધી?” પાછા આવીને એમણે મને પૂછ્યું.

મનનો રોષ મનમાં ભંડારીને હું કિચનમાં ચાલી ગઈ. મને ખબર હતી કે ધ્રુવ મને મિતુ કેવી લાગી એ અભિપ્રાય માંગશે અને ખરેખર સાંજે જમવાના ટેબલ પર એણે પૂછ્યું.

“તને ગમીને બસ, વાત પૂરી.” મેં જવાબ આપ્યો.

“મા તને ગમે એ પણ જરૂરી છે.” ધ્રુવે ભોંઠા પડીને જવાબ આપ્યો.

શું જવાબ આપું? પહેલી વાર મળવા આવી હતી તો કેવા કપડાં પહેરવા જોઈને એની પણ એને ખબર ના હોય તે આમ સર્કસ-સુંદરી જેવા કપડાંમાં આવી ગઈ? એવું કહેવાનું મન થયું પણ હું ચૂપ રહી.

મા વગરની મિતુ હોસ્ટેલમાં રહીને ભણી હતી. એની મોટી બહેન પરણીને અમેરિકા સેટલ થઈ ગઈ હતી. બે વર્ષ પહેલા એના ભાઈના લગ્ન થયાં પછી ઘરમાં થોડી વ્યવસ્થા ગોઠવાતી જતી હતી એમ ધ્રુવે જણાવ્યું.

એક નિશ્ચિત દિવસે મિતુના પપ્પા લગ્નનું નક્કી કરી ગયા. એ દિવસે મિતુ માટેની આચાર સંહિતાનું લિસ્ટ મેં ધ્રુવને પકડાવી દીધું.

‘પરણીની આવ્યા પછી મિતુએ વાળ નહીં કપાવાના.

‘હાથમાં બંગડીઓ પહેરવાની..

‘લગ્નમાં અને ઘરમાં મહેમાન હશે ત્યાં સુધી માથે ઓઢવું પડશે.

‘મહેમાનોની સામે ધ્રુવને નામ લઈને નહીં બોલાવાનું….’

લિસ્ટ એટલું લાંબુ હતું કે શિવે તો એને વીસસૂત્રી કાર્યક્ર્મ નામ આપી દીધું. થોડી થોડી વારે એ ધ્રુવને પૂછી લેતો કે એણે કેટલાં સૂત્રો મિતુને ગોખાવી દીધાં?

અંતે મિતુ પરણીને મારા ઘરમાં આવી. એના પપ્પાએ ધામધૂમથી લગ્ન કર્યા. લગ્ન મંડપમાં મિતુને જોઈને મારી નજર એની પર ખોડાઈ ગઈ. ક્યાં પહેલી વાર જોયેલી મિતુ અને ક્યાં આજની મિતુ!  લાલ બનારસી સાડીમાં લપેટાયેલી મિતુ સાચે જ લાવણ્યમયી લાગતી હતી.

આર્કિટેક્ટ વહુ મળતી હતી. કરિયાવર લેવાનો હતો નહીં. અન્ય જર-જવેરાતના બદલે પપ્પા પાસે મિતુએ પોતાના માટે લ્યૂના માંગી લીધુ હતું.

લગ્ન પછી આઠ-દસ દિવસ માટે ધ્રુવ અને મિતુ મસૂરી ફરવા ચાલ્યાં ગયાં. પાછા આવીને ફરી એની એ જ મિતુ. એના માટે આપેલી આચાર સંહિતાનું મહેમાનો હતા ત્યાં સુધી પાલન કર્યું પણ પાછી એ એના અસલ મૂડમાં આવી ગઈ. ઘરમાં કે બહાર સાડી પહેરવાની બંધ કરી દીધી. કહેતી હતી કે ચાલતા અને કામ કરતાં નથી ફાવતું. ધ્રુવને નામથી કે ડાર્લિંગ કહીને બોલાવતી. શિવ સાથે તોફાન મસ્તી કર્યા કરતી. ભૂખ લાગે તો ડબ્બા ખોલીને નાસ્તાના બૂકડા મારતી. વાતે વાતે મને વળગી પડતી. આ બધું મને અકારું લાગતું, મારા સિવાય સૌને ગમતું અને એ તો એની મસ્તીમાં જ રહેતી. …….

શું લાગે છે? મિતુની મસ્તી મારા માટે ક્યાં સુધી સહ્ય બનશે અરે બનશે કે કેમ?

જવાબ મળે તો જણાવજો અને ન મળે તો આવતા અંકે જણાવીશ.

માલતી જોશીની વાર્તા ‘સ્નેહબંધ’ને આધારિત અનુવાદ.

રાજુલ કૌશિક


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

સ્પંદન-47



શું સ્વદેશ શું વિદેશ
શુભ સવાર એક સંદેશ
શુભ સવારે ફૂલો મહેકે
શુભસવારે પંખી ચહેકે
શુભ સવારે હર આંખોમાં
પ્રેમભર્યો ચહેરો ચમકે
શુભ સવારે હર યાદોમાં
કોઈ પ્રેમભરી યાદો છલકે
જીવન રસમધુરી પળોનો સાર
હર દિન મળે જો શુભસવાર

શુભ સવાર, પ્રાતઃ વંદન, સુપ્રભાત અને સહુને સુલભ એવું વોટ્સએપના વહાલથી છલકાતું good morning … ભાષા ગમે તે હોય પણ મન, હૃદય અને આત્મીય ભાવોથી ભરપૂર આ શબ્દોમાં પ્રસ્તુતિ છે અદભુત સંગીતની. આપણા પરિચિત અને ચિરપરિચિત લોકોના હૃદયનો ઝંકાર અને દિલની લાગણીઓની પૃષ્ઠભૂમિમાં કોઈના મુખનો મલકાટ આંખોમાં વસે છે અને જાગૃત થાય છે શુભ સવાર.

શુભ સવાર એ એક ટાઇમ કેપ્સ્યુલ છે અને તે સહુ માટે કંઇક અલગ જ રીતે ખૂલે છે. કોઈ પુષ્પકલિકા માટે તે ફૂલ બનવાના પડકારની અને સાથે જ પ્રગતિની પળ છે તો કોઈ રંગીન, સુવાસિત પુષ્પ માટે પમરાટ વિખેરી જીવનને ધન્ય બનાવવાની પળ. સુંદર સવાર વચ્ચે ક્યારેક ડોકિયાં કરતી હોય છે નમણી નજાકત. પણ આ બધાં કુદરતના કરિશ્મા વચ્ચે માણસ માટે, સૂરજના સોનેરી કિરણો વચ્ચે આપણી સવાર કેવી હોય છે?

વહેલી સવારે આંખ ખૂલે અને નવો દિવસ ઉગે તેમાં આનંદ અને વિસ્મય બંને ભળેલા છે. નવી સવાર તાજગી અને પ્રસન્નતા લઈને આવે છે. સૂર્યના કોમળ કિરણો તેજ છાયાની સંતાકૂકડી કરતાં ઉષાના અદભુત રંગોની રંગપુરણીથી આકાશ શોભી ઊઠે છે. બારીમાંથી સૂર્યપ્રકાશની સાથે પ્રવેશતો ઉમળકો પણ શરીર અને મનને તરોતાજા કરી જાય છે. સૂર્યના કિરણો ધરતીને સ્પર્શતાં જ ધરતીના રૂવાંડે સૌંદર્ય ખીલવા લાગે છે. વૃક્ષો અને છોડ પરની કળીઓ પુષ્પમાં પરિવર્તિત થાય છે, જેની મહેક સવારને સુગંધિત બનાવે છે. પુષ્પોના પમરાટથી નાચી ઊઠતો પવન મોરપીંછના સ્પર્શનો અનુભવ કરવી જાય છે. આ જીવંત વાતાવરણમાં જીવંતતા અનુભવી કલરવ કરતાં પક્ષીઓનું ગાન મધુર સંગીતની સુરાવલીઓ રેલાવે છે. મંદિરના ઘંટનાદ સાથે પ્રભુને પ્રભાતનાં પુષ્પો અર્પણ થાય છે. આમ પ્રભાતે સંગીત, સુગંધ અને સૌંદર્યનો સુમેળ થાય છે. કેટલાક લોકો સોનેરી સવારનું આંજણ આંજવા સજ્જ બને છે. કોઈની સવાર વર્તમાનપત્ર સાથે પડે છે તો કોઈ વોટ્સ એપ પર જ્ઞાન વહેંચવાની પાઠશાળા શરૂ કરે છે. કેટલાક કસરત કે યોગ કરે છે તો કોઈ ચાલવા નીકળી પડે છે. કોઈ ચૈતન્યનો આવિષ્કાર કરવા ધ્યાન, પ્રાર્થના, ઇબાદતમાં મગ્ન બને છે. કોઈ નવા દિવસની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરે છે તો કોઈના જીવન પ્રવૃત્તિના ઘોંઘાટમાં ઘૂઘવે છે. કોઈ રાગ લલિત કે રાગ ભૈરવ આલાપે છે તો કોઈને બારીમાંથી આકાશનો ટુકડો જોવાની પણ ફુરસદ નથી, સમયની પાબંધી છે અને રોટીના ચક્કરમાં પીસાય છે. તો કોઈની સવાર સૂરજ માથે ચડે ત્યાં સુધી પડતી જ નથી.

યાદ આવે કોઈ ભક્ત કવિની સુંદર પંક્તિઓ “જો સોવત હૈ સો ખોવત હૈ જો જાગત હૈ સો પાવત હૈ”. આ હિંદી ભાષાની પંક્તિઓ સાથે જ યાદ આવે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાં … “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે”. આવી યાદો સાથે ભક્તિ અને સાહિત્યના સંગમ જેવી શુભ સવારના સમયે આજનું વિશ્વ આપણને જાગૃત કરે છે, ધર્મ સાથે જ જોડાય છે કર્મ. ઘડિયાળની ટિક ટિક આગળ વધી રહી છે, આંખો સમક્ષ ઉભરે છે બીજું દ્રશ્ય…કર્મયોગના કર્તવ્યમાં વ્યસ્ત વિશ્વનું. ટિફિન લઈને શાળા, કોલેજ કે ઓફિસે પહોંચવાની ભાગદોડ શરૂ થઈ જાય છે

સવાર પડતાં જ વર્તમાન વિશ્વ કરવટ બદલે છે. ભક્તિની પૂર્ણતા સાથે શક્તિની સજ્જતા માટે માનવી વિકાસપથ અને કર્તવ્યપથ પર પ્રવૃત્તિનું પહેલું કદમ એટલે શુભ સવારની શરૂઆત. સવાર એ ભક્તિપૂર્ણ આરાધના સાથે જ શક્તિપૂર્ણ આયોજનનો સંગમ છે. આ સંગમ એ તન, મન અને ધનનો ત્રિવેણી સંગમ બની સફળતાના સ્વરૂપે માનવને વિકાસની તક આપે છે. સવાર એ મનની પ્રફુલ્લતા અને ભાવપૂર્ણ ઉત્સાહ સાથે જ તનની શક્તિની સજ્જતાનું સંયોજન છે. આ માટે મોર્નિંગ વોક અને યોગ અને વ્યાયામ કરી તનની શક્તિનું આયોજન થાય છે. એક સમયની વ્યાયામશાળા આજે જીમ બનીને ધમધમે છે. સફળતા એ પ્રારબ્ધ સાથેનો પુરુષાર્થ છે, જ્ઞાન અને ભક્તિ સાથેનો કર્મયોગ છે અને આ સફળતાનાં બીજની વાવણી કરવાનો શ્રેષ્ઠ સમય એટલે સવાર. વિદ્યાર્થી માટે જ્ઞાન અને ધંધાર્થી માટે કર્મ એમ બંનેનો સમન્વય એટલે સવાર. સવાર એટલે જ ધર્મ અને કર્મનું સંયોજન. વાસ્તવિક વિશ્વમાં પણ, કોરોનાથી અસ્તવ્યસ્ત વાતાવરણમાં પણ, work from home હોય કે ઓનલાઇન શિક્ષણ – સવાર એ પ્રવૃત્તિનું પહેલું પગલું છે. જ્ઞાન, વિજ્ઞાનમય કર્મ અને ઉત્સાહની શક્તિ એ આજનો વિકાસમંત્ર છે. આ વિકાસમંત્ર સાથે માનવજાત કોઈ પણ પડકાર ઝીલી શકે તેવો આત્મવિશ્વાસ જે પ્રગટાવે તે જ સાચી શુભ સવાર.

જેમ બીજ ભલે નાનું કે નગણ્ય લાગતું હોય, તેમાં અગણ્ય સર્જનની તાકાત છુપાયેલી છે. તે જ રીતે સવાર ભલે સામાન્ય લાગતી હોય, તેમાં સપનાંઓના રંગીન મેઘધનુષને સાકાર કરવાની અગણિત તકો છુપાયેલી છે. સવાર પ્રકૃતિનું તથાસ્તુ લઈને આવે છે. સવાર અંધકારનો અંત છે, પ્રતીક્ષાનો અંત છે, આશાનો સંદેશ છે.

આંખોના સોનેરી સ્વપ્નો સાથે વાસ્તવિકતાના મિલનનો મોર્નિંગ મંત્ર એટલે શુભ સવાર. આપણી સામાજિક ચેતનાનું સ્વરૂપ વ્યક્ત થઈ બને છે શુભ સવાર. સોનેરી સૂર્યની શક્તિનું પ્રાગટ્ય પૃથ્વી પર કરી સફળતાના સેતુ રચીએ તે શુભ સવાર. જીવનને શક્તિનું માધ્યમ બનાવી, આત્મશક્તિનો ઉદભવ કરી પરસેવામય કર્મ કરી પરની સેવાથી વિશ્વનું કલ્યાણ કરીએ તો તે સાચી શુભ સવાર. આવી શુભ સવાર એ જ જીવંતતા, એ જ જીવન શક્તિ,એ જ જીવન મોતી. આ જીવનમોતી જાણીએ, માણીએ,વધાવીએ પ્રતિદિન.

રીટા જાની
10/12/2021

https://youtu.be/s7o4I7_mSaA






૪૬- વાર્તા અલકમલકની – રાજુલ કૌશિક

બસ બીજું કંઈ જ કહેવાની જરૂર નથી’

અજબ છે ને આ દુનિયા? ખાસ કરીને કાનૂન.. કાનૂન સાથે જે રીતે ચેડા કરાય છે, જે રીતે એની સાથેય રમત રમાય છે એ જોઈને તો કાનૂન પરથી પણ વિશ્વાસ ઊઠી જાય.

ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે, એ તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે. સરકારની રહેમ નજર હોય તો માલિક પૈસા ખવડાવીને છૂટ્ટો અને સજા ચાકરને આપી દેવાની, બસ કેસ અને વાત બંને ખતમ. ગેરકાયદેસર શરાબ વેચવાવાળા પકડાય તો પોલીસને પૈસા પહોંચાડી દે. બે-ચાર એવા ભાડૂતી માણસો હોય જે એમના બદલે થોડા સમયની જેલ ભોગવી આવે. પૈસા તો એમને પણ મળી જાય.

અમીન પહેલવાન પણ આવો જ એક કેટલીય વાર જેલ જઈ આવેલો ભાડૂતી માણસ હતો. નામ અમીન પહેલવાબ હતું પણ અખાડામાં ક્યારેય એણે પગ મૂક્યો નહોતો. કોઈના ગોરખધંધાનું આળ પોતાના માથે લઈને એના બદલે જેલ ભોગવવાના કામને એ પોતાનો કારોબાર કહેતો. જેલમાં જવાની વાતને એ પસંદગી કે નાપસંદગીના ત્રાજવે તોળતો નહીં.

એ કહેતો કે સૌ એક પોતાની ઑફિસે જાય છે જ ને? એને દૃષ્ટિએ તો ઑફિસ એક જાતની જેલ જ હતી.

વાત તારી સાચી છે પણ ઑફિસ જવાવાળાની વાત જુદી છે. એમને લોકો ખોટી દૃષ્ટિથી નથી જોતા.” ક્યારેક હું એને કહેતો.

“કેમ, જિલ્લા કચેરીના દરેક મુનશી, ક્લાર્ક માટે કોને માન છે? એ લોકો લાંચ લે છે, ખોટું બોલે છે, એક નંબરના ખોટા અને ખટપટીયા હોય છે. હું મારું કામ ખરેખરી ઈમાનદારીથી કરું છું.”

એનું માનવું હતું કે કોઈના બદલે જેલ ભોગવવાનું એનું કામ છે. જેલમાં જઈને એ મહેનત કરે છે, જેના માટે સજા ભોગવી છે એ એને પૈસા આપે છે. મહેનતની કમાણી ખાય છે. લોકો એને ગુંડો સમજે છે પણ ખરેખર તો એણે આજ સુધી કોઈને એક પણ તમાચો માર્યો નહોતો.

સાચે જ એની વાત સૌથી અલગ હતી અને જોવાની ખૂબી એ હતી કે આટલી વાર જેલ ભોગવ્યા પછી પણ એની પ્રકૃતિમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એ ગમાર હતો પણ શાંત અને સમજુય હતો. જેલમાં જઈને આવ્યા પછી એનું વજન તો વધતું જ રહેતું.

જેલનું ખાવાનું ગમે તેવું હોય પણ એ એને ગમતું કરીને ખાતો. પહેલી વાર કાંકરાવાળી દાળ અને રેતવાળી રોટી મળી ત્યારેય એને ઈશ્વર કૃપા સમજીને હોટલમાં ખાતો હોય એવી મઝાથી ખાઈ લીધી હતી. અને પછી તો એને આદત પડી ગઈ.

એક દિવસ મેં એને પૂછ્યું, “ તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરો?”

“ખુદા એવા પ્રેમથી મને બચાવે. બસ મને માત્ર મારી મા માટે પ્રેમ છે.”

એની મા હયાત હતી. એને વિશ્વાસ હતો કે એની મા ના આશીર્વાદથી જ એ સલામત છે.

આજ સુધી અમીન પહેલવાનને કોઈ ઓરત સાથે પ્રેમ ન થયો હોય એ મારા માનવામાં આવતી નહોતી. સાથે એવી ખબર હતી કે એ ક્યારેય ખોટું નહોતો બોલતો. હકીકત એ હતી કે એને આજ સુધી કોઈ ઓરત પ્રત્યે દિલચશ્પી જાગી નહોતી.

સમાચાર એવા હતા કે અમીન પહેલવાનની મા લકવાના લીધે મૃત્યુ પામી ત્યારે એની પાસે ફૂટી કોડી પણ નહોતી. એ શોકાતુર થઈને બેઠો હતો અને શહેરની એક ધનાઢ્ય વ્યક્તિ તરફથી કોઈ ખાસ કામ માટે એને તેડું આવ્યું. મા ની મૈયત છોડીને એ ગયો પણ ખરો. એ જ તો એની રોજીરોટીનું માધ્યમ હતું ને!

કાળા બજારનો કિસ્સો હતો. શહેરમા ધનાઢ્ય એવા મિયાં દીન સાહેબના ગોદામ પર છાપો મારવામાં આવશે એવા અંદરના ખબર એમને મળ્યા હતા. હવે જ્યારે છાપો મારવામાં આવે તે સમયે અમીન પહેલવાન એ ગોદામનો માલિક છે એવું દર્શાવવાનું હતું. છાપો મારે તો પાંચ હજાર રૂપિયા દંડ અને એકાદ-બે વર્ષની કેદ આવશે એવી ગણતરી હતી. દંડ એ ધનાઢ્ય મિયાં સાહેબ ભરી દે અને એમના બદલે જેલમાં અમીન પહેલવાને જવાનું, અને વળી ગયા વખતની જેમ જેલમાં અમીન પહેલવાવનની સગવડનું પૂરતું ધ્યાન આપવામાં આવશે એવી ખાતરી આપતા હતા. ક્યારેય કોઈ સોદામાં ના ન પાડતો અમીન મા ની દફનક્રિયા કર્યા વગર આજે બીજું કશું કરવા તૈયાર નહોતો.

જો એ સમયે અમીન ગોદામ પર જાય તો મિયાં સાહેબ અમીનની મા ની દફનક્રિયાની જવાબદારી લેવા તૈયાર હતા. અમીન માટે આ સૌથી કપરી કસોટી હતી. અત્યંત વહાલી એવી મા ને રૂખસદ માટે પોતાનો ખભો પણ નસીબ ન હોય એ અમીન માટે અસહ્ય વાત હતી.

એક તત્વચિંતકની જેમ મિંયા એને સમજાવતા હતા કે આ બધી દુનિયાદારીની વાતો છે. મરી ગયા પછી કોને ફરક પડે છે કે એ કોની કાંધે ચઢીને અવ્વલ મંઝીલે જઈ રહ્યું છે, કે કોણ એની મૈયતમાં સાથ આપી રહ્યું છે. માણસ મરી ગયું પછી એને બાળો, દાટો અથવા ગીધ કે સમડીના હવાલે કરી દો, એને ક્યાં કોઈ ફરક પડવાનો છે?

થોડી રકઝક પછી સોદાના હજાર રૂપિયા નક્કી થયા. જેલમાંથી આવીને એની મા માટે સંગેમરમરની કબર બનાવી શકશે એવા આશ્વાસન સાથે અમીન ગોદામે જવાની તૈયાર દર્શાવી.

અમીને એ સમયે રોકડા રૂપિયા માંગ્યા જેથી એ તત્કાળ એની મા ના કફનની સગવડ કરી શકે. મિયા સાહેબને ભરોસો નહોતો કે રૂપિયા લઈને અમીન એમનું કામ કરશે કે નહીં અને અમીનને ભરોસો નહોતો કે જેલમાં એ જશે તો એ પછી મિયાં દીન એની મા ની અંતિમક્રિયા કરશે. અમીન પહેલવાન માટે તો કોઈ એની ઈમાનદારી પર ઘા કરે એ જ અસહ્ય વાત હતી. કોઈ બેઈમાનીનો ધંધો કરતું હોય એનું આળ પોતાના માથે લેવા તૈયાર હતો પણ પણ એમાં એણે ક્યારેય પૈસા ચૂકવનાર સાથે બેઈમાની નહોતી કરી.

બસ આ એક વાત પર મિયાં દીન અને અમીન પહેલવાન અડી પડ્યા અને વાત ત્યાં જ અટકી ગઈ.

અમીન જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે એની મા ને આખરી સ્નાન કરાવીને તૈયાર કરવામાં આવી હતી. કફન પણ તૈયાર હતું. એ જોઈને અમીન પહેલવાન દંગ રહી ગયો કારણકે મિયાં દિન તો એની સાથે સોદો કરવાની જીદ પર હતા તો પછી આ બધી મહેરબાની ક્યાંથી?

આશ્ચર્ય મિશ્રિત અવાજમાં એણે પૂછપરછ આદરી. તો જવાબ મળ્યો કે આ બધો પ્રબંધ એની બીબીએ કરાવ્યો છે.

“હેં??” ફરી એક વાર આશ્ચર્ય મિશ્રિત અવાજ નીકળ્યો.

“હા જનાબ. અને એ અંદર આપની રાહ જુવે છે. “ ફરી જવાબ મળ્યો.

અમીને અંદર જઈને જોયું તો એક નવયુવાન ખૂબસૂરત યુવતી નજરે પડી.

“અરે, તમે કોણ છો, અહીંયા કેમ અને ક્યાંથી આવ્યા છો?” અમીન પહેલવાને એ યુવતીને પૂછ્યું.

“હું તમારી બીબી છું તો અહીં કેમ છું એવો આ તે કેવો આજીબો ગરીબ સવાલ?”

“બીબી? મારે વળી બીબી ક્યાંથી? સાચે સાચું કહી દો કે તમે છો કોણ?”

“હું મિયાં દીનની દીકરી છું. એ સમયે તમારી સાથે જે વાતચીત થતી હતી એ બધી મેં સાંભળી છે અને…….”

“બસ, હવે બીજું વધારે કંઈ કહેવાની જરૂર નથી….”

અને એક અર્થપૂર્ણ વ્યવસ્થા પર અમીને વ્યર્થ ચર્ચા કરવાનું ટાળ્યું. પર આધારિત

સાદત હસન મંટોની વાર્તા ‘अब और कहने कि ज़रुरत नहीं’  પર આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com