કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 39

હું જાણું છું કે આજે શુક્રવારે તમે મારી લેખમાળાના નવા લેખની આતુરતાપૂર્વક રાહ જોતા હશો .પણ આજે હું તમારા માટે કોઈ લેખ લઈને નથી આવી. પણ તેથી કંઈ વધુ, નવીન, રસપૂર્ણ આમંત્રણ લઈને આવી છું. કાલે હું આવી રહી છું… તમારી સાથે મુનશીની વાતો લઈને…રૂબરૂ….મારી પૂરી ટીમ સાથે…. મુનશીની સાહિત્યયાત્રાની દ્દશ્ય – શ્રાવ્ય સફર કરાવવા….ઝૂમ પર…. તો શબ્દસ્વામી અને સાહિત્યસ્વામી મુનશીના સાહિત્યની રસલ્હાણ માણવા….. પોતાની કલાના કામણ પાથરી મુનશીના પાત્રોને મંચ પર એ યુગને જીવંત બનાવતા જોવા જરુર પધારશો….

સાહિત્ય યાત્રાના આ પડાવ પર હું મારા તમામ વાચકોનો ઋણ સ્વીકાર કરી હૃદયપૂર્વક આભાર માનું છું અને 31ઓક્ટોબરના કાર્યક્રમમાં સહભાગી બનવા આમંત્રણ આપુ છું.

“બેઠક” પ્રસ્તુત કરે છે. “વ્યક્તિ અને અભિવ્યક્તિ-શ્રેણી-૫” કલમના કસબી:કનૈયાલાલ મુનશી.

તારીખ:૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ શનિવાર સવારે ૯.૦૦ AM-PST અને

ભારતમાં ૩૧મી ઓક્ટોબર ૨૦૨૦ શનિવાર સાંજે ૯.૩૦ PM

Zoom Meeting ID: 880 8522 5861

Password: bethak

રીટા જાની

૪૧-કબીરા

ગાંધીજી અને કબીર

સત્યનાં પૂજારી છે બંને,સંત – મહાત્મા છે ઓળખ,પ્રેમ -અહીંસા પરમો ધર્મ શીખવે,
સાચું કહેતાં ન ડરે દુનિયાથી,નિહાળી સૌમાં રામ ,ભીતરનાં રામમાં વિહરે.

જિગીષા પટેલ

જીવનની સાર્થકતા જ્યારે ચરમસીમા પર પહોંચે ત્યારે એક ઘટના બને છે.માણસ વ્યક્તિ મટીને વિષય બની જાય છે.જનચેતના પર એણે છોડેલી અસર એટલી પ્રચંડ હોય છે કે તેમના વિશે સતત ચર્ચાતું રહે છે.એમનું બદલાતું કર્મ બદલાતી પેઢીઓનાં નવા દિમાગને હંમેશા ટ્રિગર કરતું રહે છે. આવો આજે આપણે આવી બે વ્યક્તિવિશેષ કબીર અને ગાંધીજી એકબીજાની કેટલા અડોઅડ છે તે બે સાહિત્યકાર એક ગાંધીવાદી ગુણવંત શાહ અને એક ધર્મના ઊંડા અભ્યાસી કુમારપાળભાઈ દેસાઈની નજરે જોઈએ.

આપણા વિદ્વાન સાહિત્યકાર ગુણવંત શાહ ગાંધીજીનાં પરમ ભક્ત અને ગાંધી વિચારધારાનાં પ્રશંસક.તેમણે ‘ગાંધીની લાકડી’, ‘ગાંધીનાં ચશ્મા’, ‘ગાંધીની ચંપલ’,’ગાંધીની ઘડિયાળ’ જેવા પુસ્તકો
ગાંધીજી પર લખ્યાં.ગાંધીજીનાં વિચારો અને તેમના જીવનનો તેમનો અભ્યાસ ખૂબ ઊંડો ,તો જોઈએ તેઓ શું કહે છે ગાંધીજી અને કબીરની વિચારધારા અંગે,

“ કબીરજી અને ગાંધીજી ને જોડતો સેતુ એટલે માનવધર્મનો સેતુ.એ સેતુ પર ડગ માંડવામાં જ ભારતનું અને જગતનું કલ્યાણ રહેલું છે.બંને મહામાનવો કર્મકાંડ અને બાહ્યાચારમાં સમાઈ જતાં religion ને બદલે ધર્મતત્વનો આદર કરનારા હતા.બંને રામ રહીમ કે ઈશ્વર-અલ્લાહને એક ગણાવનાર હતા.બંને અભયસિધ્ધિ પામેલા મહામાનવો હતા.બંનેને લોકોનું અજ્ઞાન ન ગાંઠ્યું તે ન જ ગાંઠ્યું.બિશપ વેસ્કોટે કબીરને ‘ભારતીય લ્યુથર ‘ તરીકે બિરદાવે છે.અતિ સંવેદનશીલ ગાંધીભક્ત શ્રી સાને ગુરુજીએ કહ્યું:’જે ધર્મમાં અદ્વૈતનો મહિમા હોય તે ધર્મમાં અસ્પૃશ્યતા શી રીતે ટકી શકે?જે ધર્મનો પાયો જ ‘તૌહીદ’ હોય ,તે ધર્મમાં કત્લેઆમ શી રીતે ટકી શકે?હિદુંઓ કબીર પ્રત્યે આકર્ષાયા,પરતું મુસલમાનો કબીરથી લગભગ વેગળા જ રહ્યા.બારડોલી પંથકના હજારો પાટીદારો મોટી સંખ્યામાં કબીરપંથી બન્યા.તેઓ મળે ત્યારે ‘રામ કબીર ‘ કહીને સામેવાળાનું અભિવાદન કરે છે.ભક્તિ અને ક્રાંતિ એક જ વ્યક્તિમાં ભેગાં થઈ જાય ત્યારે સમાજને કબીર પ્રાપ્ત થાય છે.ચંદ્રની ચાંદની મનને શીતળતા આપે છે અને સૂર્યનો તડકો પ્રજાળે છે,પરતું ગંદકી દૂર કરે છે.કબીરમાં ચાંદની અને તડકો સાથો સાથ વસેલાં છે.કબીરમાં ભક્તિની શીતળતા સાથે ક્રાંતિની ઉષ્ણતા પણ હતી.હા,કબીર અંદરથી સમશીતોષ્ણ ,જ્યાં પ્રેમ હોય ત્યાં કોમવાદ કદી નથી હોતો. કબીર આવા સમાજનાં મહાન જ્યોર્તિધર હતા.તેઓ સમાજમાં વ્યાપેલ અંધકારથી હારી ગયા ત્યારે એમના ઉદગાર કવિતા બનીને સાર્થક થયા.એમને નિરાશાની કોઈ પળે કહ્યું હતું:

સુખિયા સબ સંસાર હૈ,ખાવા ઔર સોવૈં,
દુખિયા દાસ કબીર,જાગૈં રોવૈં.”

આમ ગાંધી અને કબીરને ગુણવંત શાહે પોતાની રીતે મૂલવ્યા.
અને જ્યારે મેં કુમારપાળભાઈની મૂલવણી વાંચી તો મને થયું કે તેમના કબીર અને ગાંધીજીનાં મૂલવણીનાં વિચારો પણ મારાં વિચારો સાથે પરિપૂર્ણ રીતે સહમત લાગ્યા તો તેમનાં જ શબ્દો મને વાચકો સુધી પહોંચાડવા યોગ્ય લાગ્યાં તો ચાલો જોઈએ વિદ્વાન સાહિત્યકાર કુમારપાળભાઈનાં
વિચારોઃ

“ગાંધીજીનાં જીવનસંદેશનો વિચાર કરતાં કરતાં છેક સંત કબીરની વાણી સુધી પહોંચી જવાય છે.મહાત્મા ગાંધીએ સત્યની ઉપાસના કરી અને બાહ્યાડંબર અને દાંભિકતાનો વિરોધ કર્યો.
સંત કબીરે પણ એજ રીતે સત્યનાં માર્ગે ચાલતા પાખંડોનો ઉપહાસ કરીને ‘સંતો સહજ સમાધિ ભલી’ કહ્યું.

ગાંધીજીએ દેશપ્રવૃત્તિ અને અધ્યાત્મપ્રવૃત્તિને સાવ નવા મૌલિક સંદર્ભમાં દર્શાવી.એમના ઈશ્વરને ફૂલમાળા ન ખપે,એ જ રીતે સંત કબીરે પણ દેશની અધ્યાત્મિકપ્રવૃત્તિ નવા આગવા સંદર્ભમાં મૂકી.બંનેએ સામાજિક વિરોધ થવા છતાં પોતાની વાતમાં મક્કમ રહ્યા અને પોતાના વિચારનું આચરણ કરી બતાવ્યું.

ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ ની વાત કરી,તો સંત કબીરે ધર્મ અને સંપ્રદાય વચ્ચેની ભીંતોને જમીનદોસ્ત કરી નાંખી.ગાંધીજી વાસ્તવિકતાને નજરમાં રાખીને વાત કરે છે,આથી કુંભમેળો એમનામાં અણગમો પેદા કરે છે.તો સંત કબીર પણ એ જ રીતે પોતાની આસપાસની નક્કર વાસ્તવિકતા જોઈને સમાજવ્યવસ્થા પર પ્રહાર કરે છે.

ગાંધીજીએ ‘સત્યનાં પ્રયોગો’ નામે પોતાની આત્મકથા લખી અને સંત કબીરે પણ વૈષ્ણવો,પંડિતો,મૌલવીઓ,સૂફીઓ,સિધ્ધો અને નાથો પાસે જઈને સત્ય પ્રાપ્તિના પ્રયાસ કર્યો.ગ્રંથોમાં (વેદ,કુરાનમાં) ડૂબીને મોત શોધવાનો પ્રયાસ કર્યા અને પછી બંનેને જે સત્યસમજાયું,તેની વાત કરી.એક અર્થમાં કહીએ તો કબીર અને ગાંધીમાં સત્યની તપશ્ચર્યા જોવામળે છે.બંને સત્યની ખોજ માટે અનુભવનો આધાર લે છે અને અનુભવની એરણ પર સિધ્ધ થાય તેવા સત્યની વાત કરે છે.ગાંધીજીનું એ સત્ય છેક અહિંસાનાં કિનારે લાંગરે છે અને તેથી તે સત્ય સૌમ્ય રૂપે પ્રગટ થાય છે.સત્યની ખોજમાં નીકળેલો કબીર પ્રેમના કિનારે પહોંચે છે.પરતું જે સત્ય ગાંધીજીમાં સ્પષ્ટ અને સૌમ્ય રૂપે પ્રગટ છે એ જ સત્ય કબીરમાં ક્યાંક આક્રોશથી તો ક્યાંક પ્રહારથી પ્રગટે છે.

બાકી એટલી વાત તો સાચી કે બંનેએ પોતાને જે અસત્ય લાગ્યું,તેના પર પ્રહાર કરવામાં એક તસુ પણ પીછેહઠ કરી નથી કે નથી કરી બાંધછોડ પોતાનાં સિદ્ધાંતોની સાથે.પોતાના આદર્શને ઊની આંચ ન આવે એનો ખ્યાલ રાખ્યો છે અને તેથી ગાંધીનું કે કબીરનું સત્ય એ જન જનનાં હ્રદયમાં પ્રતિષ્ઠા પામ્યું.એ કોઈ સંતોનો ઉપદેશ બનવાને બદલે જનસમાજની ઊર્ધ્વીકરણ ભાવનાઓમાં એકરસ બની ગયું.

બંનેએ ભૌતિકતાને બદલે આધ્યાત્મિકતાનો પંથ બતાવ્યો અને એટલે જ ગાંધીજી મોક્ષપ્રાપ્તિનો વિચાર કરે છે.તો સંત કબીર સહજ સમાધિ ના અનંત સુખની મસ્તાનગીની વાત કરે છે.મહાત્મા ગાંધી અને સંત કબીરે આપણા દેશમાં પ્રવર્તતા ભેદભાવો સામે અવાજ ઊઠાવ્યો.જાતિ વ્યવસ્થાની પોકળ ખુલ્લી પાડી.વર્ણવ્યવસ્થા ને નામે ચાલતાં દંભ ,આડંબર અને છલનાને ખુલ્લા પાડ્યા.કબીરે ધર્મસંસ્થાઓ પર પ્રહાર કર્યા. હિંદુ-મુસલમાન જેવા ભેદોને ઇન્કાર કર્યો.

ધર્મસ્થાનોમાં ગોંધાયેલા ધર્મને એમાંથી બહાર લાવ્યા અને માનવવેદનાની વચ્ચે એને સ્થાન આપ્યું.બંને પાસે પોતીકી જીવનદ્રષ્ટિ હતી.ગાંધીજી અપરિગ્રહની વાત કરે છે અને એક નાનકડી પેન્સિલની પણ ચિંતા કરે છે, તો એ પૂર્વે જાણે સંત કબીર એ જ સંતોષની વાત કરતા જણાવે છે:

સાંઈ ઇતના દીજિયે ,જામે કુંટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહૂં,સાધુ ન ભૂખા જાય.

હિંદુ ધર્મમાં કર્મકાંડોનાં ચોકઠામાં ક્યાંય ગાંધીજી બેસી શકતા નહીં.તો એજ રીતે કબીર પણ હિંદુ કે મુસલમાન બેમાંથી એકેયને રાજી રાખી શકતા નથી.કબીર વારંવાર રામનું નામ લે છે ,એ કારણે મુસલમાન લોકોનો રોષ વહોરવો પડ્યો હતો,તો બીજીબાજુ એ જ કબીર મૂર્તિપૂજા પર પ્રહાર કરે છે.અસ્પૃશ્યતામાં માનતા લોકો પર ઉપહાસ કરે છે,તેથી હિંદુઓ પણ તેમનો વિરોધ કરતા હતા.મુસલમાન ધર્મમાં જન્મેલા કબીરે એકવાર કાજીને કહ્યું હતું,

છાંડિ કતેવ રામ ભજું બૌરૈ,જુલુન કરત હૈ ભારી,
કબીરૈ પકડી ટેક રામકી,તુરક રહે પચિ હારી.

( તમે ચોપડી રટવાનું છોડો અને રામનું ભજન કરો,નહીં તો ભારે જુલમ કરશો,મેં તો રામનો આશરો લીધો છે,તુર્ક લોકો મને સમજાવતા સમજાવતા ભલેને થાકીને હારે.)

જ્યાં બાહ્ય આડંબર જ ધર્મની ઓળખ બંને છે એવા ધર્મનો બંનેએ વિરોધ કર્યો.ગાંધીજીએ સત્ય,અહિંસા અને અપરિગ્રહને જેમ નવો સંદર્ભ આપ્યો, એ જરીતે કબીરે પણ ધાર્મિક,અધાર્મિક,આસ્તિક કે કાફીરનો નવો સંદર્ભ આપ્યો.નોંધપાત્ર બાબત એ છે કે કબીરનાં સમયમાં જેવી ધર્માંધતા પ્રવર્તતી હતી તેવીજ ધર્માંધતા મહાત્મા ગાંધીનાં સમયમાં હતી.ગાંધીજીએ હિંદુ મુસલમાન એકતા માટે કરેલ પ્રયત્ન આપણે જાણીએ છીએ.

જેમ મહાત્મા ગાંધીએ ‘હરિજન’ શબ્દની વ્યાખ્યા કરી,એ જ રીતે સંત કબીર પણ ધર્મ ક્ષેત્રે પ્રયોજતા શબ્દોની નવી વ્યાખ્યા આપે છે.સંત કબીર કહે છે :કાફર એ છે કે જે પારકું ધન લૂંટતો હોય ,ઢોંગ કરીને દુનિયાને ઠગતો હોય,નિર્દોષ જીવોની હત્યા કરતો હોય.આરીતે કબીર હિંદુ મુસલમાનના સમન્વયની વાત કરે છે.ગાંધીજી તો આને માટે જીવનભર પ્રયાસ કરતા રહ્યા.ગાંધીજીની જીવનકથાનો પરિચય એમની આત્મકથા અને એ પછી એમની લખાયેલાં ચરિત્રોમાંથી મળે છે.તો એવી જ રીતે કબીરનાં પણ કેટલાક પદો જ એવા મળે છે કે જેમાંથી આપણે કબીરસાહેબની જિંદગીનો પરિચય પામી શકીએ.

કબીર અને ગાંધીએ સત્યને નામે ચાલતી દુકાનો,ધર્મના નામે થતો વ્યાપાર અને વર્ણને નામે થતો અનાચાર ખુલ્લો પાડ્યો.માત્ર દયાદાન કરીને વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમ કહેવાનો બદલે પ્રામાણિક જીવન જીવીને સત્યની પ્રાપ્તિ થાય છે તેમ કહ્યું. કર્મકાંડ અને આડંબરોનો વિરોધ બંને કરે છે.મુસ્લિમ સલ્તનતકાળમાં અને યથેચ્છ નિરંકુશ ચાલતા શાસનમાં સત્યની કેવી દશા છે એ કહેતા કબીર કહે છે,

સાધો!દેખો જગ બોરાના,
સાંચ કહે તો મારન ધાવે
ઢૂંઢે જગ પતિયાના,

કહે છે કે સત્ય બોલનારને મૃત્યુને ભેટવું પડે છે.જરા વિચાર કરીએ કે કબીર પોતાના સમયની આ વાત કરે છે અને જાણે મહાત્મા ગાંધીની હત્યાનો પ્રસંગ આપણી નજર સમક્ષ ઊભો થાય છે.સત્યની ઉપાસના કરતા કબીરે કહ્યુંકે જેણે સત્યને ઓળખી લીધું છે એ પુરુષરત્ન ખોટા કુળ જાતિના પક્ષને વળગીને નહીં ચાલે.”આમ ગાંધીજી અને કબીરનાં જીવન જાણે એકબીજાની અડોઅડ હતા.

સંપાદન જિગીષા પટેલ

૪૨ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

સત્સંગ-મહિમા – મીરાંબાઈના પદોને સથવારે….જ્ઞાન અને ભક્તિ

શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને ત્રણ પ્રકારના યોગનું વર્ણન કરેલું છે. જ્ઞાન યોગ (બુદ્ધિ યોગ), ભક્તિ યોગ અને કર્મ યોગ.આ ત્રણેય યોગનું અંતિમ ધ્યેય પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવાનું જ છે. માત્ર તે અંતિમ ધ્યેય સુધી પહોંચવાના આ ત્રણ જુદા જુદા માર્ગ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં બતાવેલ છે.

જ્ઞાન યોગ કે જ્ઞાન માર્ગમાં બુદ્ધિના ઉપયોગ દ્વારા પ્રભુ વિશેનું જ્ઞાન પ્રાપ્તકરીને પ્રભુને પામવાનો પ્રયાસ કરવાનો છે. જ્ઞાનમાર્ગ થોડોક કઠિન માર્ગ છે અને ગુરુના માર્ગદર્શન અને કૃપા વગર સાધ્ય કરવો મુશ્કેલ છે. જેમ ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ ગીતાના નીચેના શ્લોકમાં કહે છે તેમ અનેક  જન્મોને અંતે કોઈક એવા દુર્લભ   મહાત્માનો જન્મ થાય છે જે માત્ર જ્ઞાનમાર્ગે જ પ્રભુને પ્રાપ્ત કરી શકે છે.

बहूनां जन्मनामन्ते ज्ञानवान्मां प्रपद्यते |
वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ:

ભક્તિ યોગ કે ભક્તિ માર્ગને પ્રભુ પ્રાપ્તિનો સૌથી સરળ માર્ગ ગણાવ્યો છે. ભક્તિએ કોઈ બાહ્ય રીતે મેળવવાની ચીજ નથી એતો એક આંતરિક અનુભૂતિ છે જેમાં તમે પરમાત્મા સાથે ઐક્યની અનુભૂતિ કરી શકો. શ્રવણ, કીર્તન, સ્મરણ,પદ-સેવન, અર્ચન, વંદન, દાસ્યમ અને છેલ્લે આત્મ-નિવેદન એટલે કે સંપૂર્ણ શરણાગતિ એ નવધા ભક્તિના નવ પગથિયાં છે.જયારે તમે પ્રભુ સાથે આત્મ-નિવેદનની અનુભૂતિ કરી શકો ત્યારે ભક્તિમાર્ગ સાધ્ય થયો ગણાય.

મીરાંબાઈ એક સિદ્ધ આત્મા હતા કે જેમને જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બને સાધ્ય થયેલ હતા. પ્રભુ-પ્રીતિ અને સત્સંગ તેમની સાધનાના કેન્દ્રમાં હતો અને તેના કાજે તેમણે લોક-લાજ- કુળ મર્યાદા સર્વની ઉપેક્ષા કરી. મીરાંબાઈએ ભારતવર્ષના અનેક સંતો સાથે સત્સંગ કર્યો અને તેમના અનુભવના નિચોડ રૂપે તેમણે સત્સંગનો મહિમા દર્શાવતા અનેક પદોની રચના કરી.મીરાંબાઈ ના સત્સંગ મહિમાના પદોમાં તેમણે જ્ઞાન અને ભક્તિ બંને માર્ગ થકી સત્સંગ ના મહિમાને શબ્દ દેહ આપેલ છે.

જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ખુબ સરળ શબ્દોમાં જીવનની વાસ્તવિકતા અને અંતિમ ધ્યેયને શબ્દ સ્વરૂપે વહેતા મૂકે છે અને હરિના નામ ને હલેસા બનાવીને જીવનસાગર પર કરવાની શિખામણ આપે છે.

સંસાર સાગરનો ભે છે ભારે, માંહે ભર્યો છે બહુ ભાર
કામ ક્રોધ બે કટાક્ષ ઉમરાવ,મદ મમતા મોહવાર
શીલ સંતોષી શઢ ચઢાવો, હરિ નામને લલકાર
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, રામ હૃદય મનમાં ધાર

મીરાંબાઈના સત્સંગ-મહિમા દર્શાવતા જ્ઞાનના પદોની એક વિશેષતા એ જોવા મળી કે તેઓ ખુબ સરળ  અને સાહજિક રીતે ગૂઢ અને ગહન સંદેશાને શબ્દ રૂપે રજુ કરે છે. નીચેના પદમાં મીરાંબાઈ સંતના ચરણોમાં જઈને પોતાના આત્મામાં દીવડો પ્રગટાવવાનો એટલે કે આત્મા-જ્ઞાન પ્રાપ્ત કરવાનો સંદેશો આપે છે.

તમે જાણી લો સમુદ્ર સરીખા, મારા વીરા રે,આ દિલ તો ખોલીને દીવો કરો રે, હોજી
આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે
આ રે કાયામાં છે સરોવર રે હોજી,માંહે હંસ તો કરે છે કલ્લોલ રે
આ રે કાયામાં છે હાટડાં રે હોજી,તમે વણજ વેપાર કરોને અપરંપાર રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હોજી,દેજો અમને સંત ચરણે બસેરા રે.

મીરાંબાઈ અમુક પદોમાં ચેતવણીના સૂરમાં પણ જ્ઞાનનો સંદેશો આપે છે અને આ દુર્લભ મનુષ્ય દેહને ના વેડફવા ની ચેતવણી આપે છે. મીરાંબાઈ કહે છે કે તું ચારે બાજુ ભટકીશ પણ પ્રભુના ચરણકમલ સિવાય તને ક્યાંય શાંતિ નહિ મળે  

लोभी जिवडा यूं ही जनम गमायो रे
जा दिनते तैं जनम लियो है,हरी को भजन नहीं गायो रे
भटकत फिरयो लोभ के खातिर, हाथ कछु नहीं आयो रे
मात-पिता अरु सुजन सनेही, वोहो जनम तैं पायो रे
मीरां कहे प्रभु हरी अविनाशी, चरण कमल चित लायो रे.

મીરાંબાઈએ ગિરિધર ગોપાલની ભક્તિ આત્મસાત કરેલ હતી. ગિરિધર ગોપાલ પ્રત્યેની પ્રીતિ અને ભક્તિજ તેમના માટે જીવન જીવવાની ધગશ અને જીવન નું ધ્યેય હતા. પોતે આત્મસાત કરેલી આ ભક્તિનિધિ ને તેઓએ શબ્દો સ્વરૂપે તેમના પદ દ્વારા રજુ કર્યા. જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ભગવદ્કથા અને સત્સંગ ગંગામાં મગ્ન થઇ જવાનો સંદેશો આપે છે.

ગોવિંદ ગાવ મન ગોવિંદ ગાવ, રામ કૃષ્ણ ભજવાનો આવ્યો છે દાવ
દુર્લભ નર દેહી તમે તત્પર થાવ, ભવસાગર તરવાને બેસવાને નાવ
ભગવદકથા સાંભળો ને હૃદયે રાખો ભાવ, સત્સંગ રૂપી ગંગામાં પ્રેમે કરી ન્હાવ
બાઈ મીરાં કહે તમે હરિજન થાવ, હરિ ના ચરણોમાં ચિત્ત લગાવ.

આવાજ ભક્તિ સભર પદમાં મીરાંબાઈ હરિગુણ અને સત્સંગનો મહિમા વર્ણવતા હરિ રંગમાં ભીંજાવાનું આમંત્રણ આપે છે.

હો ભાગ્યશાલી આવો તો રામ રસ પીજીએ
તાજી દુ:સંગ સત્સંગમાં બેસી, હરિગુણ ગઈ લ્હાવો લીજીએ
મમતા ને મોહ જંજાળ જગકેરી, ચિત્ત થકી દૂર કરી દીજીએ
દેવોને દુર્લભ દેહ મળી આ, તેને સફળ આજ કીજીએ
રામ નામે રીઝીએ, આનંદ લીજીએ, દુરિજનિયાં થી ન બીએ
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હેતે હરિ રંગમાં ભીંજીએ રે

આમ મીરાંબાઈએ સત્સંગ મહિમા વર્ણવતા બીજા અનેક પદોની રચના કરી. મીરાંબાઈએ તો જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ આત્મસાત કરેલ હતો.જ્ઞાન અને ભક્તિ આ જીવનરથના બે પૈડાં જેવા છે. આ જીવનરથને આપણે સ્વયં ચલાવવા અસમર્થ છીએ તેથી પ્રભુને સારથી બનાવીને આ જીવનરથનું સુકાન સોંપીને નચિંત થઇ જવાની જરૂર છે. જેમ મીરાંબાઈ થઇ ગયા હતા તેમ…તો ચાલો આજે એ પરમસખા અને પરમસારથિનું સ્મરણ કરતા કરતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ:41)મેઘાણીનો કાર્ટૂન કેસ !

આજે ઈન્ફોર્મેશનનોનો રાફડો ફાટી નીકળ્યો છે , ત્યારે કોઈ પણ માહિતીનું સાતત્ય તપાસવું હોય તો બે ચાર મીડિયાની વેબ સાઈટ જોવાથી , જરા વધારે ઊંડાણમાં તપાસ કરવાથી સત્ય ખોદી શકાય છે . સત્ય શોધી શકાય છે . હા , સાથે સાથે સોસ્યલ મીડિયાઓને લીધે જેટલી અફવાઓ અને અર્ધ સત્ય સમાચારોમાં પ્રસરી રહ્યા છે તેનો પણ અસ્વીકાર થઇ શકે તેમ નથી .. લોકો ગમે તે માહિતી ગમે તે વ્યક્તિને નામે ચઢાવી દે ! જો કે એક ગુનો છે , અને ખોટી માહિતી ફેલાવવા બદલ , કે ઉઠાંતરી કરવા બદલ તમને કડકમાં કડક સજા થઇ શકે છે .

પણ આજથી પચાસસો વર્ષ પૂર્વે તો સમાચાર પત્રોનું મહત્વ કૈક અનન્ય હતું ! જે સમાચાર છાપે તો જનતા સુધી પહોંચે ! ક્યારેક ફિલ્મ જોવા જઈએ ત્યારે ડોક્યુમેન્ટ્રીમાં થોડે વત્તે અંશે તત્કાલીન સમાચાર જોવા મળે .. પણતાજાસમાચાર માટે તો લોકો રોજ સવારના છાપાની રાહ જોઈને બેઠાં હોય ! સવારનું છાપું સમાજનું , દરેક ઘર , કુટુંબનું અભિન્ન અંગ હતું . એવાસવારના છાપાનાંયુગમાં , પત્રકાર હોવું અતિ મહત્વનું ક્ષેત્ર ગણાતું . ( આજે પણ પત્રકાર હોવું એટલું મહત્વનું ગણાય છે , માત્ર એવી સેવાઓ આપનારો વર્ગ ઘણો મોટો છે . સામાન્ય વ્યક્તિ પણ પોતાની આસ પાસ માં કૈક અજુગતું બને તો તરત ન્યુઝ એજન્સીને ફોન , વિડિઓ દ્વારા માહિતી આપી શકે છે . પણ પહેલા શક્ય નહોતું ) તો અર્ધી સદી પૂર્વે સૌરાષ્ટ્રનુંફૂલછાબ રીતે અગત્યનું , સમાજનું ધોરી નસ જેમ મહત્વનું કામ કરતું . રોજ સવારે એમાં ગાંધીજીએ શું કહ્યું અને હવે ગાંધીજી કયો પ્રયોગ આપવાના છે , દેશને આઝાદી કેવી રીતે મળે , તે માટે જનતાને શી હાકલ કરવામાં આવી છે .. વગેરે વગેરે સમાચારોથી જન સમુદાયમાં ઉત્તેજના આવી જતી . હા , સમય એવો હતો ! બસ્સો વર્ષથી ઘેરી ઊંઘમાં અજગરની જેમ પડી રહેલો દેશ ગાંધીયુગ સાથે જાગી રહ્યો હતો ! સ્વદેશાભિમાન , સ્વાતંત્ર્યની ઝંખના સમગ્ર દેશમાં સુનામી બનીને જાણેકે વ્યાપી ગઈ હતી! અને સાચા પત્રકાર તરીકેફૂલછાબના તંત્રી મેઘાણી કલમની તાકાત પર માત્ર સૌરાષ્ટ્ર નહીં સમગ્ર ગુજરાત ઝૂમી રહ્યું હતું , ત્યારે એક સમાચાર બાબત મેઘાણી ઉપર સરકારે કેસ દાખલ કર્યો .

હા , લોકોને સાચી માહિતી આપવી અને સાથે સાથે સાહિત્યનું સંવર્ધન કરવું મેઘાણીનો જીવન અભિગમ હતા . કલકત્તાની સાહેબગીરી છોડી ને તેઓ અવાજ કોઈ અગમ્ય કારણસર વતન પાછા ફર્યા હતા . આવીને એમની કલમના જોરે એમને નવા શરૂ થયેલસૌરાષ્ટ્રદૈનિકમાં નોકરી મળી ગઈ હતી . પછી , બંધ પડતા. તેઓ મુંબઈ જઈને જન્મભૂમિ માં જોડાયા . અને ફરી પાછા સૌરાષ્ટ્રનાફૂલછાબમાં જોડાઈને વતન પાછા ફરેલા . એક સાહિત્યકાર અને પત્રકાર તરીકે તેઓ દિલથી સેવા આપતા . લોકોને જગાડવા , દેશ ભક્તિ જાગૃત કરવી , ભણેલ વર્ગ અનેબીજોવર્ગ વચ્ચે સેતુ ઉભો કરવો બધું એમનું અવીરથ વહેતુ કાર્ય ઝરણું હતું ! પણ બધા માટે ખોટી માહિતી , અફવા , હરગિજ વાપરી નથી!

પણ છતાંયે એમના ઉપર કેસ દાખલ થયો હતો !

વાત બની હતી ૧૯૪૧માં . ગાંધીજીએ અંગ્રેજોનેદેશ છોડોની ઓફિસિયલ હાકલ કરી નહોતી .

દેશને આઝાદી મળે તે પહેલા હજુ તો ગાંધીજીને દેશવાસીઓને સ્વતંત્રતા માટે તૈયાર કરવાનાં હતાં.

હજુ તો દેશમાં ઊંચનીચ , છુતઅછૂત અને સૌથી મહત્વનાં ધાર્મિક પાસાંઓને વ્યવસ્થિત કરવાનાં હતાં . પણ , કેન્સરની જેમ પ્રસરી રહેલ ધાર્મિકતાને નામે અંધશ્રદ્ધા અને ઝનૂનનો રોગ નાથવો મુશ્કેલ હતો . વળી અંગ્રેજોને એજ તો જોઈતું હતું , લડો , ઝગડો અને અંદરઅંદર મારામારી કરીને મારો !

અમદાવાદમાં હિન્દૂમુસ્લિમ વચ્ચે કોમી હુલ્લડ ફાટી નીકળ્યું . ફૂલછાબ સાપ્તાહિકમાં મેઘાણીએ કોમી તોફાનોને રજૂ કરતું એક કાર્ટૂન દોર્યું . હા , પત્રકાર હોવા સાથે એમણે આમ કાર્ટૂનિસ્ર્ટ તરીકે પણ કલમ ચલાવી છે . આપણને આપણા યુગનાશંકરકાર્ટુનિષ્ટનું નામ યાદ હશે . રોજ દિલ્હીથી રાજકારણનું એક કાર્ટૂન ગુજરાત સમાચાર માટે મોકલતા . બસ ! રીતે મેઘાણીએ પણ કાર્ટૂન તૈયાર કરેલું . અને એમણે એને શીર્ષક આપ્યું : “ મુખડા ક્યા દેખ દર્પણમેં !”

કાર્ટૂન કેસતરીકે મશહૂર બનેલ કેસના કાર્ટૂન ચિત્રમાં એક પોલીશ અરીસામાં જોતાં જોતાં તૈયાર થઇ રહ્યો છે ; અને અરીસાની પાછળ બેકગ્રાઉન્ડમાં એક કરચલીવાળો, હાથમાં લોહીવાળું ખંજર લઈને , લાલ આંખ અને અર્ધું ઉઘડેલું મોં અને લાંબા વિકરાળ નાખવાળો શખ્સ ઉભો છે . ને પાછળ મકાનો ભડકે બળી રહ્યાં છેમેઘાણીએ બહુ યોગ્ય રીતે લખ્યું; “ મુખડા ક્યા દેખ દર્પણમેં ?”

પણ સરકારને મેઘાણી સામે તો કદાચ વાંધો હતો ! એમણે મેઘાણી પર કોમી લાગણી ભડકાવવાનો આક્ષેપ કર્યો .

જો કે મેઘાણીએ કહ્યું : “ ગુંડો તો સાચો મુસ્લિમ હોઈ શકે કે ના તો હિન્દૂ ! કોઈ પણ ધર્મ માં ગુંડાગીરીને સ્થાન નથી . ગુંડો તો ગુંડાગીરીને મજહબ માને છે . મેં કાર્ટૂન દ્વારા નિર્દોષ શહેરી ઉપર ગુંડાઓનું આક્રમણ દર્શાવ્યું છે . ઠઠ્ઠા ચિત્રનું મુખ્ય લક્ષ પોલીસની નિષ્ક્રિયતા , અધિકારી ઓફિસરોની નિષ્ક્રિયતા છે .. જો કે ન્યાયાધીશે બંને પક્ષની દલીલો સાંભળી .

પ્રિય વાચક મિત્રો , મેઘાણીની કોલમમાં પ્રસંગ વણી લેવાનું એક કારણ તત્કાલીન સમાજનું ચિત્ર અને સાથે ન્યાય પદ્ધતિનું ચિત્ર પણ ખડું કરવાનું રહ્યું છે .

ન્યાયાધીશની સમક્ષ ફરિયાદ પક્ષમાં ત્રણ મુસ્લિમ લીગના સભ્યો હતા . એટલે સૌની જુબાની કેટલી વિશ્વાસપાત્ર છે તે માટે ન્યાયાધીશે શંકા વ્યક્ત કરી ; અને સામે પક્ષે મેઘાણીનું સાહિત્ય તપાસ્યું ; જેમાં તેમની ઐતિહાસિક નવલકથાઓ અને નવલિકાઓનું કથા વસ્તુ તપાસ્યું જેમાં મેઘાણીએ મુસ્લિમ પાત્રોને ઉચ્ચ કક્ષાએ મુક્યાં છે , મુસ્લિમ શૌર્ય , વીરતા અને વફાદારીની પ્રસંશા કરી છે ; ઇસ્લામનાં ગુણ ગાન ગાયાં છે .

ન્યાયાધીશે ચુકાદો આપ્યો : “ તહોમતદારે બે કોમો વચ્ચે શત્રુતા કે દ્વેષ ફેલાવવાના બદ ઈરાદાથી કાર્ટૂન પ્રગટ કર્યું હોય તેમ હું માનતો નથી . હાથમાં ખંજર લઇ ખૂન કરનારો શખ્સ માનવ નહીં પણ દૈત્ય છે , જે નાત જાતના ભેદ ભાવ વિના ખૂન કરે છે . અને મને લાગે છે કે કાર્ટૂન પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે .

મેઘાણીને આવી રીતે પત્રકાર હોવાને નાતે , કે ક્યારેક માત્ર માનવતાને નાતે , પણ કોર્ટ કચેરીઓ માં ધક્કા ખાવા પડ્યા હતા .. પોતાના સૌ અનુભવોને એમણે ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં વણી લીધાં છે.. હા , માત્ર અર્ધી સદીનું આયુષ્ય ભોગવીને એક સદી જેટલું સાહિત્ય પીરસનાર વીરલો ઇતિહાસમાં મળવો મુશ્કેલ છે ! એમની ખૂબીઓ અને ખામીઓની વધુ વાતો આવતે અંકે !

૪૨- સદાબહાર સૂર- અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક


ક્યારેક મન સતત જે વિશે વિચારતું હોય અનાયાસે એ વિચારોની પૂર્તિ જેવા સંજોગો સામે આવીને ઊભા રહે. આજે મારી સાથે પણ કંઈક એવું જ બન્યું. આજે અવિનાશ વ્યાસ, એમના ગીત-સંગીત વિશે મનમાં ઘણાં વિચારો આવ્યા. એમણે લખેલા ગીતો, ગીતોના સ્વરાંકન વિશે આજ સુધી ઘણું લખાયું છે. કહેવાયું છે. એમની ભાગ્યેજ કોઈ એવી વાત હશે જે સુગમ સંગીતના ચાહકોથી અજાણી હોય ત્યારે એવો વિચાર આવ્યો કે ગીત-સંગીત દ્વારા એ આપણાં સુધી, આપણાં હ્રદય સુધી પહોંચ્યા પણ આ ગીત-સંગીત સુધી એ કેવી રીતે પહોંચ્યા હશે? એ ક્ષણ કેવી હશે જ્યારે અવિનાશ વ્યાસે પ્રથમ ગીત લખ્યું હશે કે પ્રથમ સ્વરાંકન કર્યું હશે? એમની એ ક્ષણની અનુભૂતિ કેવી હશે?

ગીતની વાત આવે ત્યારે શબ્દની ઉત્પત્તિના મૂળના છેડા સુધી પહોંચીએ એવી રીતે સંગીતની વાત આવે ત્યારે સંગીતની ઉત્પત્તિ ક્યારે, ક્યાંથી થઈ હશે એના વિચાર આવે.

સંગીતની ઉત્પત્તિ વિશે અનેક વાયકા અથવા વાતો છે. શક્ય છે ક્યારેક સદીઓ પહેલાં આપણાં પૂર્વજોએ કોઈ એક ગુફા કે બે કંદરાઓ વચ્ચેથી ઉઠતા પડઘાનો અવાજ પકડ્યો હોય. શક્ય છે પત્થર પર ટપ ટપ ટપકતાં પાણીની બુંદોનો લય પકડ્યો હોય. પહાડ પરથી વહી આવતાં ઝરણાનો ખળખળ અવાજ ઝીલ્યો હોય. સાગરના ઘૂઘવાટામાંથી સા સાંપડ્યો હોય. પવનના લીધે થતો પાંદડાનો મર્મરધ્વનિ સાંભળીને કશુંક સમજ્યા હોય. શક્ય છે એમની આસપાસ વિચરતાં પશુ-પંખીની બોલીમાંથી સૂરોનું સર્જન થયું હોય. સંગીતના સૂરમાં કોમળ, મધ્યમ કે સપ્તકનો ઉદ્ભવ આવા જ કોઈ આસપાસ વિચરતાં પંખીઓના ટહુકા કે કેકારવમાંથી કોમળ અને એવી રીતે મધ્ય્મ અને સપ્તક લાધ્યાં હોય.

શક્યતાઓ વિચારીએ તો અનેક મળી આવે. એ સાથે સંગીતની ઉત્પત્તિ માટે એક કાર્યક્રમાં સાંભળેલી વાત યાદ આવી. લોકોક્તિ એવી છે કે સંગીતની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ. બ્રહમાજીએ એને મા  સરસ્વતીને સંગીત આપ્યું, મા સરસ્વતીએ નારદમુનિને આપ્યું. નારદમુનિએ એને સ્વર્ગલોક સુધી પહોંચાડ્યું. સ્વર્ગલોકમાંથી ધરતી પર આવીને ભરતમુનિ સાથે એનો પ્રચાર કર્યો.

એ પછી તો એ વહેતાં ઝરણાંની જેમ એ ઘણાં બધા સ્વરકારો થકી આપણાં સુધી વહી આવ્યું. સ્વર જુદા, સૂર જુદા, સંગીતકાર જુદા પણ એક વાત તો એમની એમ જ કે જેમ સૂર વિના સંગીત સૂનું એમ સંગીત વિના જીવન સૂનું. આપણા જીવનને સંગીતથી સભર કરનાર અનેક ગીતકાર-સંગીતકારના નામો હંમેશ માટે આપણાં મનમાં ચિરસ્થાયી બન્યાં છે.

અવિનાશ વ્યાસ આવા જ એક ચિરસ્થાયી નામોમાંનું એક નામ છે. આજે આસો મહિનાના આ અજવાસથી ભરેલા આકાશ તરફ નજર કરું છું ત્યારે એમની એક રચના યાદ આવે છે.

હે આકાશ તું અજવાળાનું ઘર,

પહેલું અજવાળું પરમેશ્વરનું

બીજું અજવાળું સૂરજનું

ત્રીજું અજવાળું ચંદરને તારા

ચોથું સંધ્યાની રજનું.

કેટલી સરસ વાત ! આપણી ઉપર ઝળૂંબી રહેલું આખું આકાશ અજવાળાનું ઘર છે એ જ કેવી સુંદર કલ્પના! સવારમાં આંખ ખુલે અને નજર સામે ફેલાયેલો ઉજાસ જોઈને સાવ સ્વભાવિક રીતે આપણે હાથ જોડીને, શિશ નમાવીને આંખ અને આત્માને અજવાળતા પરમેશ્વરને વંદન કરીએ છીએ. પરમેશ્વરને જોયા નથી. એ આપણી શ્રદ્ધામાં, વિચારોમાં છે પણ દેખીતી રીતે જેના થકી ઉજાસ ફેલાયેલો જોઈએ છીએ એ સૂરજ, ઢળતી સંધ્યાની રતાશ કે રાત પડે ગગનના ગોખમાં દેખાતા ચંદ્ર-તારાના અજવાળાનું સરનામું આપવું હોય તો મુકામ આકાશ એમ જ લખવું પડે ને?

પાર નથી જગે અજવાળાનો,એ તો સૌથી પર

આકાશ રડે સારી રાત

પ્રથમ એના અશ્રુ બિંદુથી,ઘડાયો ચંદ્રનો ઘાટ

લખકોટી તારા આંસુ છે કોઈના, કોણ જાણે એના મનની વાત

આંસુના તેજ આકાશમાં રહીને,આજ બન્યા છે અમર.

સૂરજ આથમી જાય પછી સૂનું પડેલું આકાશ આખી રાત રડતું હોય અને એના આંસુથી આ ચંદ્રનો ઘાટ ઘડાયો હોય એવો વિચાર પણ સાવ અનોખો. એના મનની વાત તો ક્યાં કોઈ જાણી કે સમજી શક્યું છે? અને આ લખકોટી તારા એ એના અસ્ખલિત વહેતાં આસું છે એવી કલ્પના ક્યારેય કરી જોઈ છે આપણે? આજે માનવીએ અવકાશયાત્રા તરફ ઉડ્ડાન ભરી છે. ચંદ્ર પર માનવજીવનની શક્યતા શું છે એ જાણવા ઉત્સુક છે કારણકે આજના માનવીને બ્રહાંડ, અવકાશ, તારા, નક્ષત્ર કે ગ્રહો વિજ્ઞાનથી જાણવા છે ત્યારે કવિ કલ્પના સાવ જુદી દિશાએ લઈ જાય છે. સાવ સ્થિર કે સ્થગિત લાગતા આકાશની પરિકલ્પના બદલી નાખી છે. કોઈ એક વડીલને એના ઘરના સદસ્યો નજર સામેથી દૂર જતાં જોવા જેટલું વસમુ આ આકાશનેય લાગતું હશે અને એ એની વ્યથામાં આંસુ સારતું હશે?

રજનીની શૈયાથી જાગીને, સૂરજે ઉષાનાં ઓજસથી મુખ ધોયું

કિરણોની અંગુલી અવનીને અડકી, જગ જાગ્યું ને તેજ રૂપ જોયું

તિલક કર્યું ભાલે, કંકુનું ક્ષિતીજે, સાંપડ્યો સોહાગી વર

વળી આ સાવ અનેરી કલ્પના!

જગમાતાના ભાલેથી કંકુ ખરે અને સૂરજ ઉગે એવી કલ્પના લઈને “માડી તારું કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો”ની રચના અવિનાશ વ્યાસે કરી. હવે અહીં એનાથી જરાક જુદી વાત લઈને આવ્યા છે.

રજનીની શૈયા, રજનીના આગોશમાંથી જાગીને પૂર્વ દિશામાંથી રેલાતી ઉષાની રાતી ઝાંયથી સૂરજ એનું મુખ ધોવે અને એના ચહેરા પર જે ચમક આવે એનાથી તો આખું જગ ઝગમગ ઝગમગ. કિરણોરૂપી આંગળીઓ આ પૃથ્વીને સ્પર્શે. એ સ્પર્શ માત્રથી જગત આખું જાગે. જાગે અને દૂર ક્ષિતીજ પર આકાશના ભાલે કંકુના તિલકરૂપી સૂરજને ઝગારા મારતો દીસે.

વાતને જરા જુદી રીતે કહ્યા પછીય એક ઘટના તો સરખી લાગે છે કે કંકુ ખરીને સૂરજ ઉગે કે સૂરજ જ કંકુનું તિલક સમ બનીને સોહે પણ આરંભે કે અંતે જગ માથે રેલાતા અજવાળાનું એક જ ધામ.. આકાશ એ અજવાળાનું ઘર.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૧ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

સત્સંગ-મહિમા – મીરાંબાઈના પદોને  સથવારે….. તત્વજ્ઞાનના પદો

यावत्स्वस्थमिदं कलेवर गृहं यावच्च दूरे जरा
यावच्चेन्द्रिय शक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः
आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नों महान
प्रोदिप्ते भवन तू कूप खनन प्रत्युद्यम कीदृश

ભર્તૃહરિ લિખિત ઉપરના કથનમાં જણાવ્યું છે તેમ જ્યાં સુધી આપણો દેહ સ્વસ્થ છે અને ઇન્દ્રિયોમાં શક્તિ છે ત્યાં સુધી વિચારશાળી વ્યક્તિએ આત્મ-કલ્યાણ માટેના બધાજ પ્રયત્નો કરી લેવા જોઈએ. ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા જઈએ તેનો શું અર્થ? એટલે કે જયારે દેહ અને ઇન્દ્રિયો ક્ષીણ થવા લાગે ત્યારે આત્મ-કલ્યાણના સાધનો શોધવા જવાનો શું અર્થ?

પણ આ આત્મ-કલ્યાણ એટલે શું? સીધોસાદો અર્થ આત્માનું કલ્યાણ.આપણા જીવન દરમિયાન આપણે આપણા શરીરના કલ્યાણ માટે તો અવિરત પ્રયતનશીલ રહીએ છીએ અને એ જરૂરી પણ છે, પણ આપણા શરીર થી પર આપણી અંદર રહેલા આત્માના કલ્યાણ માટે સજાગ અને સભાન બનીએ ત્યારે આપણે આત્મ-કલ્યાણના પ્રયત્નો કર્યા કહેવાય.આપણને સૌને અનુભવ છે કે સાંસારિક વિષય ભોગો  આપણને ક્ષણિક આનંદ અને તૃપ્તિ આપી શકે પણ શાશ્વત આંતરિક શાંતિ આ વિષયભોગો થી મળી શક્તિ નથી. મારી દ્રષ્ટિએ, જયારે તમે બાહ્ય પરિબળો થી વિચલિત થયા વગર શાશ્વત આંતરિક શાંતિનો સદૈવ અનુભવ કરી શકો, તો તમે આત્મ-કલ્યાણના માર્ગની સફર નું પહેલું પગલું ચઢ્યા કહેવાઓ. આત્મ-કલ્યાણના માર્ગની સફર શરુ કરવા પહેલા આપણા મન ને મનાવવું રહ્યું કારણકે આપણું આ મર્કટ મનને તો વિષયભોગ આસક્ત છે.

मन एवं मनुष्याणं कारण बंध मोक्षयोः
बन्धोस्य विषया सङ्गो मुक्ति निर्विर्षय स्मृतम

જેનું મન વિષયોમાં રત છે તે બદ્ધ છે અને જેનું મન વિષયોમાંથી જયારે વિરક્ત થઇ જાય ત્યારે તે ખરેખર મુક્તિનો અનુભવ કરી આત્મ કલ્યાણના માર્ગે પર આગળ વધી શકે. શાસ્ત્રોમાં વિદિત કર્યા મુજબ આ આત્મ-કલ્યાણનું સૌથી સરળ અને સર્વપ્રધાન સાધન છે – સત્સંગ. આમ તો સત્સંગનો અર્થ પ્રભુભજન-કીર્તન-પઠન એવો થાય છે, પણ આપણે સૌ સંસારી જીવો માટે આપણા બધાજ કામ છોડીને ૨૪ કલાક માત્ર પ્રભુ ભજન જ કરવું તો કદાચ શક્ય નથી. મારી દ્રષ્ટિએ જો આપણે કર્મફળથી અનાસક્ત રહીને આપણું કર્મ નિષ્ટાપૂર્વક પ્રભુ સ્મરણ સાથે કરતા રહીએ અને દરેકે કર્મ આપણે પ્રભુને કેન્દ્રમાં રાખીને કરીએ અને સાથે સાથે ત્યાગ અને પરોપકારની ભાવના સાથે સંતોષ પૂર્વક જીવન પસાર કરીએ તે પણ એક પ્રકારનો સત્સંગ છે.

મીરાંબાઈ તો એક સિદ્ધ આત્મા હતા, જેમના માટે હરિ સત્સંગ જ તેમની સાધનાના કેન્દ્રમાં હતો. આ પ્રભુ-પ્રીતિ અને સત્સંગ માટે તેમણે લોક-લાજ-કુલ મર્યાદા સર્વની ઉપેક્ષા કરી. મીરાંબાઈએ અનેક સંતો સાથે સત્સંગ કર્યો અને તેમના અનુભવના નિચોડ રૂપે તેમણે સત્સંગનો મહિમા દર્શાવતા અનેક પદોની રચના કરી.

મીરાંબાઈ ના સત્સંગવિશેના પદો જોતા આજે મને મીરાંબાઈના વ્યક્તિત્વના એક બીજા પાસાનો અહેસાસ થયો. મીરાંબાઈ ખુબ ઊંડું તત્વજ્ઞાન ધરાવતા હતા અને અમુક પદોના શબ્દોમાં તેમની એક પ્રખર તત્વજ્ઞાની અને વિદ્વાન તરીકેની છાપ ઉપસી આવે છે. આજે આપણે મીરાંબાઈના એ પાસાને ઉજાળતાં પદોને માણીશું 

જેમકે નીચેના પદમાં મીરાંબાઈ મનની ચંચળતા અને માનવ સહજ દુર્ગુણો પર પ્રકાશ પાડતા આ ચંચળ મનને પરોપકાર અને સત્સંગ દ્વારા સંયમિત કેવી રીતે કરવું તેનો નિર્દેશ કરે છે.

अपने मन को बस करे
घाट अवघट बिकट यह लाख में इक टारे
काम क्रोध बिकार जगमे मोह माध से हरे
सत्य परोपकार कर नर ध्यान प्रभु का धरे
दास मीराँ शरण प्रभुका चरणमे आ परे

તો વળી નીચેના પદમાં મનુષ્ય દેહ ની નશ્વરતાનું ભાન કરાવતા મીરાંબાઈ નિર્ગુણભાવ થી કહે છે તારી કાયા માં જ્યાં સુધી જ્યોત જલે છે ત્યાં સુધીજ આ બધી પ્રકાશ છે.

વાગે છે રે વાગે છે, તારી કાયા માં ઘડિયાળ વાગે છે
આરે કાયાના દસ દરવાજા, નીતિની નૌબત ગાજે છે
આરે કાયા માં બાગ-બગીચા, ભમરો સુગંધી માંગે છે
આરે કાયા માં જ્યોત જલે છે, તેજના બીમ્બકાર વાગે છે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, સંતો અમરાપુર મ્હાલે છે

મીરાંબાઈનું જે વિદ્વાન તરીકેનું સ્વરૂપ છે તે નીચેના પદમાં સુપેરે પ્રદર્શિત થાય છે. મીરાંબાઈના  પદો માં ઉપદેશની સાથે સાથે તાર્કિક સાબિતીઓ પણ હોય છે. નીચેના પદમાં મીરાંબાઈ આ ક્ષણનું મહત્વ સમજાવે છે.

प्रभु से मिलना कैसे होय
पांच प्रहर धंधे मैं बीते, तीन प्रहर रहे है सोय
मनुष्य जनम अमोलख पायो, सो तै सभी ढारयो खोय
मीराँ के प्रभु गिरिधर भजिये, होनी होय सो अभी होय

તો નીચેના પદમાં મીરાંબાઇમાં જીવન જીવવાની થોડી સચોટ ચાવીઓ ને શબ્દ દેહ આપે છે.આ પદ દ્વારા એવું ફલિત થાય છે કે મીરાંબાઈએ તેમના જીવનના અનુભવો પર થી જીવન જીવવાની કળા “Art of Living” હસ્તગત કરી હતી

અજાણ્યા માણસનો સંગ ન કરીએ, એના હાથમાં હીરો ના દઈએ રે
મનડાની વાતું રે દિલડાની વાતું રે, ભેદ વિના કેને કહીએ રે
ઊંચા ઝાડની આશ ન કરીએ, હેઠેથી વીણીને ફળ ખાઈએ રે
ઊંડા જળનો વિશ્વાસ ના કરીએ, કાંઠે બેસીને નાહીએ રે
પારકા ધનની આશ ના કરીએ, પ્રભુ દીએ તો ખાઈએ રે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, આપણે હેત કરીને ગાઈએ રે

તો ચાલો આજે મીરાંબાઈના “Art of Living” ના ઉપદેશને મમળાવતા મમળાવતા, હું મારી કલામને વિરામ આપું છું. આવતા અઠવાડિયે આપણે મીરાંબાઈના સત્સંગ મહિમા અને પ્રભુપ્રીતિ ને ઉજાગર કરતા અન્ય પદો ને માણીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ

૪૦ -કબીરા

કોરોના કાળમાં ભયમુક્ત કરતી કબીરવાણી

કબીરયાત્રા કરતાં કરતાં જયારે હું દેશ-વિદેશ ,આધુનિક કવિઓ,યુવકો ,આપણા ભારતનાં અને દુનિયાભરનાં સૌ સાહિત્યકારોનાં અભ્યાસે નીકળી તો મેં જાણ્યું કે સંત કબીરનો અભ્યાસ સૌ કોઈ કરે છે.કબીરને આધુનિક સંત પણ કહી શકાય કારણ તે કલા-સાહિત્ય,નૃત્ય,ચિત્રમાં આજે પણ જોવા મળે છે. શેખરસેન તેમને નાટ્યાત્મક રીતે રજૂ કરી તેમનાં દોહા ગાયા છે,તો જાણીતા ચિત્રકાર મહેન્દ્રભાઈ મિસ્ત્રી કબીરનેા અનેક જુદી જુદી મુદ્રામાં ચિત્રો બનાવી રજૂ કરે.દુનિયાભરનાં કવિઓ તેમનાં દોહા પરથી તેમની જીવનદ્રષ્ટિ પ્રમાણે પોતપોતાની ભાષામાં કબીરની કવિતા પ્રસ્તુત કરે.રોકબેન્ડમાં ‘કબીરકાફે’ નાં લબરમૂછીયા ગાયકો મસ્તીથી તેનાં દોહાને સાખી ગાઈ હજારો યુવાનોને નચાવે! કબીરનાં વિચારોમાં એવી આધુનિકતા છે કે આજનાં માનવીને પણ તે તત્કાલ સ્પર્શી જાય છે.

આજના સમયને સ્પર્શતી અને ભારતીય સંસ્કૃતિમાંથી જ ઉદ્દભવેલી કેટલીયે વાતોની છણાવટ કબીરે ૬૦૦ વર્ષ પહેલાં કરી છે.આજના કોરોનાનાં સમયમાં આખું જગત આ મહારોગનાં ભરડામાં આવી ડરી ગયું છે ,તો ચાલો આજે આપણે આ ડર પર વિજય મેળવી કેવીરીતે નિર્ભય બનવાનું કબીરે શીખવ્યું છે તે જોઈએ.’મુનીન્દ્રજી’ એ લખેલી ડર વિશેની વાત મને ગમી તે પણ મારાં શબ્દોમાં જણાવું.કબીરે ‘કબીરબીજક’માં બારાખડીનાં પ્રત્યેક અક્ષરને લઈને ઉપદેશ આપ્યો છે.’ડ’ અક્ષરનાં માધ્યમથી કબીર ‘ડર’ ની વાત કરે છે.કબીર કહે છે,

ડ ડા ડર ઉપજે ડર હોઈ,ડર હી મેં ડર રાખું સમોઈ

જો ડર ડરે ,ડરહિ ફિર આવૈ ,ડર હી માં ફિર ડરહિ સમાવૈ.

કબીર ‘ડ’ અક્ષરનાં માધ્યમથી ઉપદેશ આપે છે કે મનમાં ભય ઊભો થવાથી જ ભયનું અસ્તિત્વ ઊભું થાય છે.એટલે કે ભય એ કલ્પનામાત્ર છે એને કલ્પના સમજીને છોડી દેવો જોઈએ.એનો જન્મ બાહ્ય પરિસ્થિતિમાંથી નહીં,પણ માનવીની મનોદશામાંથી થાય છે.જે વ્યક્તિ ભયથી ડરીને હારી જાય છે તે વારંવાર ભયનો શિકાર બને છે.કબીર ભયને કારણે માનવીની કેવી પરિસ્થિતિ સર્જાય તેની વાત કરે છે.તેની અંતિમ અર્ધી પંક્તિમાં તેનેઅધ્યાત્મ તરફ વળાંક આપી દે છે.માનવી અનેક પ્રકારનાં ડરથી જીવતો હોય છે.કોઈને ગ્રહોનો ડર લાગે છે,કોઈ ભૂત પ્રેતથી ડરે છે,કોઈ જાદુમંત્રથી તો કોઈ અપમાન કે નિંદા થવાથી ડરે છે.કોઈ વેપારમાં ખોટ જવાથી,તો કોઈ અણધાર્યો રોગ આવી જશે તો શું થશે?કે દુ:ખદ મૃત્યુ થશે તો શું? આવો બધો ભય માનવ મનને પજવતો હોય છે.વ્યક્તિનાં મનમાં ડરની એક વિશાળ જાળ પથરાએલી હોય છે.વ્યક્તિની સવાર ભય સાથે ઊગે છે અને રાત ભય સાથે પૂરી થતી નથી . અરે! નિદ્રામાં સપનામાં પણ એક યા બીજા પ્રકારે માણસ ભય પામતો રહે છે.

સંત કબીર કહે છે આ ભય છે શું? કબીરના કહેવા પ્રમાણે ભય એ માત્ર માનવીના મનમાં જાગતી કલ્પના હોવાથી તમારા મનમાં જ સમાપ્ત કરી દો.જો ભયભીત થશો તો સદાય ડરતા રહેશો અને ડગલે ને પગલે ફફડતાં રહેશો. પરતું ભય એ મનમાં જાગતી વૃતિ કે કલ્પના માત્ર છે ,જેને આપણે ત્યજી દઈએ તો જ હંમેશ માટે ખુશ રહી શકીએ.

કોરોના થશે કે તેનાથી મૃત્યુ થશે, આટલો બધો ભય સેવવો શા માટે? કબીરની વાત સમજીએ તો

માણસને એના શરીર સાથે ખૂબ લગાવ છે.એ શરીરને સત્ય માનીને ચાલતો હોય છે.એટલે એને નામ રૂપમાં આપત્તિ થાય છે.માટે સૌથી મોટી જરુરિયાત એ સ્વરૂપનું જ્ઞાન મેળવવાનું છે.એકવાર સ્વરૂપનું જ્ઞાન થઈ જાય કે શરીર નાશ્વંત છે ,તો નિવૃત્ત થવાનો કોઈ ભય રહેતો નથી.વ્યક્તિને સૌથી મોટો ભય મૃત્યુનો હોય છે.જેમ જેમ વય વધે છે તેમ તેમ તેનો આ ભય વધતો જાય છે.અને સવાલ એ છે કે જો આત્મા કે જીવ જેવી વસ્તુ ના હોય તો વ્યક્તિનું મૃત્યુ થતાં બધું પૂરું થઈ જાય છે.જો બધું અહીં જ સમાપ્ત થઈ જતું હોય, તો પછી ડર શેનો?અને જો આત્મા અમર હોય તેમ તમે માનતા હોવ તો મરવાનો ડર સાવ નકામો.આથી વ્યક્તિએ પોતાના દેહ પ્રત્યેનું અભિમાન છોડવું જોઈએ.કારણ કે દેહની મમતા એને સતત ડરમાં રાખે છે એને પરિણામે એ દેહાસક્તિથી જીવે છે.

કબીર કહે છે કે પોતાના અવિનાશી સ્વરૂપના જ્ઞાનમાં રમણ કરી નિર્ભય થઈને વિચરો.આજે કોરોનાનાં સમયમાં માણસે ભયભીત થયા વગર સાવચેત બની રહેવું જોઈએ. કોઈનું પણ મૃત્યુ થાય તો તેને અત્યારે એક જ સવાલ થાય છે કે તેનું કોરોનાથી મૃત્યુ થયું?અને મને કોરોના થશે તો કેવી દુર્દશા થશે?આવો ભય માનવીમાં ઘરની ચાર દિવાલમાં રહીને પણ માણસને માનસિક રોગથી થરથરતો કરી દે છે .કોરોનાથી થતાં મૃત્યુ સમયે તેનાં સ્વજનો પણ પાસે નથી હોતાં.આવી ઘટના સાંભળી સૌ મનમાં ભયનો ખડકલો કરી દે છે ,પરતું સંત કબીરતો કહે છે કે આ ભયને તમારા ચિત્તની ભૂમિમાં ભંડારી દો.જો ભયભીત થશો તો ભય જ તમને ખાઈ જશે.આવા કલ્પિત ભયને માથા પર સવાર થવા દઈએ તો આખું જીવન દુ:ખથી ભરેલું બની જાય.હતાશા,નિરાશા અને આત્મહત્યા કરવાની ઈચ્છા પણ મનમાં જાગી ઊઠે છે.માટે મનમાં ઊઠતાં ભયના તરંગોને શાંત કરી દો.પોઝીટીવ વિચારોથી મનને મજબૂત રાખી સંતની વાણીનું સ્મરણ કરી ભયમુક્ત બની પ્રસન્ન જીવન જીવો.

જોયું?કબીરવાણી આપણને આજના આધુનિક યુગમાં પણ કેટલી સ્પર્શી જાય છે!

જિગીષા પટેલ

હાં રે દોસ્ત હાલો અમારે દેશ: 40)મેઘાણીની રંગમંચની બે એક વાતો

આજે ટેક્નોલોજી વિકસી રહી છે ત્યારે WhatsApp વોટ્સએપ દ્વારા નાનાં નાનાં નાટકો જેવા સંવાદો આપણે રોજ આપણા મેસેજ બોક્સમાં જોઈએ છીએ , વાંચીએ છીએ અને કેટલાક કલાકાર જીવ એવાં નાના મોટા નાટકો પણ બનાવને છે અને આપણને મોકલે પણ છે ! નાટક એટલે જીવનની જ કોઈ વાત જેને પાત્રો દ્વારા જીવંત કરીએ ! નાટક એટલે જીવનની જ કોઈ ચમત્કૃતિ!
પછી ટેક્નોલોજી વિકસી એટલે એને વિડિઓ દ્વારા ફિલ્મ સ્વરૂપે કંડારીને આપણને સૌને આનંદ કરવા , આસ્વાદ માટે રજૂ કરવા માંડી !
તો આ થઇ એક સામાન્ય સરળ ફિલ્મની વાત !
એક સરળ નાટકની વાત !
એક નાનકડા સંવાદની વાત: જેમાં ચમત્કૃતિ હોય ; કાંઈક અદભુત હોય , સામેની વ્યક્તિને ગમી જાય તેવું હોય !
આવા સંજોગોમાંથી જ જો નાટક રચાતું હોય , તો મેઘાણી જેવી વ્યક્તિ નાટક ના લખે તો જ નવાઈ ! આવી રીતે જ જો ફિલ્મ – ચલચિત્રો બનતા હોય તો ઝવેરચંદ મેઘાણી ની નવલકથાઓ ‘વેવિશાળ’ જેવી રસપ્રદ વાર્તાઓમાંથી ફિલ્મ – ચલચિત્રો ના બને તો જ નવાઈ !

મેઘાણીમાં કલાકારનો આત્મા નાનપણથી જ હતો.
એ શાળામાં હતા ત્યારે પણ સુંદર બુલંદ અવાજે ભાવથી ગીતો લોક ગીતો ગાઈને પ્રેક્ષકોને લાગણીમાં જકડી લેતા હતા !
“ માડી હું તો બાર બાર વર્ષે આવીયો ;
માડી મેં તો ના દીઠી ઓલી પાતલડી પરમાર રે જાડેજા માં , ડેલીએ દીવો સગ બળે !”
એ ગાઈને પ્રેક્ષકોને રડાવી પડ્યા હતાં !

તો વાચક મિત્રો , રંગ મંચ કલાકાર તરીકેની તેમની શક્તિ આપણને આમ છેક નાનપણથી જણાય છે.
અરે , કલાપીનાં દર્દીલાં ગીતો ગાઈને સૌને ભાવુક બનાવતા એટલે તો મિત્રો એમને વિલાપી કહેતા !
એ જ રીતે સ્કૂલના વાર્ષિકોત્સવ દરમ્યાન પોતે એક નટની અદાથી એક તાર બાંધીને ઉપરથી ઉતરે અને પ્રેક્ષકોને કોઈ ગીતની પંક્તિઓ ગાઈને ચકિત કરીદે !
આ બધાં લક્ષણો જ જણાવે છે કે ભવિષ્યમાં એ જીવ કોઈ નાટ્યક્ષેત્રે , ફિલ્મ ક્ષેત્રે આગળ આવશે !
કોલેજ કાળમાં એમણે નાટ્યમંડળ સ્થાપ્યું હતું અને જાણીતા સાહિત્યકારોના પુસ્તકોમાંથી નાટકનું બીજ લઈને નાટક રચ્યાં હતાં અને ભજવ્યાં હતાં !

ભગવાને જ જાણેકે મેઘાણીને સાહિત્યકાર બનાવવા હોય તેમ , કોલેજ પતી , ભાવનગરની કોલેજમાં નોકરી મળી ત્યાં જ ભાઈની
માંદગીના સમાચાર આવ્યા એટલે કલકત્તા જવાનું થયું ; કલકત્તા જાણેકે સંસ્કૃતિ -સાહિત્યની જ ભૂમિ ! મેઘાણી ત્યાં રહી ગયા અને બંગાળી ભાષાનો પરિચય થયો ! અરે રવીન્દ્રનાથ ટાગોટને ઘેર તેમનાંજ મુખે તેમનાં કાવ્યો સાંભળ્યાં; સાથે સાથે બંગાળી રંગભૂમિનો પરિચય થયો ! સાથે સાથે એ સાહિત્ય ભૂમિ પર રહીને રંગભૂમિનાં નાટકોની સફળતા નિષ્ફ્ળતા વગેરેનો અભ્યાસ પણ કર્યો !
અને નોકરીના કામે વિલાયત પણ જઈ આવ્યા , જ્યાંથી ત્યાંની રંગભૂનીને જોવાની તક પણ મળી .
એમણે કલકત્તામાં મહારાણા પ્રતાપનું નાટક જોયેલું જેમાં સ્વતંત્રતા માટે મહારાણા પ્રતાપ સમ્રાટ અકબર સામે ઝૂઝે છે અને ખપી જાય છે . બસ એ જ વસ્તુ સ્થિતિથી દેશમાં આઝાદીનું , સ્વાભિમાનનું આંદોલન જગાડવા મેઘાણીએ એ નાટકનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું – હા , માત્ર ભાષાંતર નહીં . રૂપાંતર કર્યું !
અને એ સમયે ગુજરાતી રંગભૂમિ પર માત્ર પ્રેમાલા પ્રેમલીની વાતોજ કજાળતી હતી ત્યારે નવું વસ્તુ બીજ લઈને મેઘણીએ નાટ્યક્ષેત્રમાં પ્રવેશ કર્યો .
આપણામાં કહેવત છે ને , કે ફરે તે ચરે!
મેઘાણીએ જેમ કલકત્તા અને લંડનમાં ઘણું જોયું અને જાણ્યું તેમ નસીબ જોગે મુંબઈ પણ જવાનું થયું .
સૌરાષ્ટ્ર મેગેઝીન બંધ પડી જતા , અને નવું ફૂલછાબ ન જચતાં, અને પત્ની દમયન્તિબેને અગ્નિસ્નાન કરતાં અને ચાર નાનાં બાળકોની સંભાળનો પ્રશ્ન ઉભો થતાં , મેઘાણી મુંબઈ જાય છે ! ત્યાં ગુજરાતની રંગભૂમિ અને ચિત્રપટ ક્ષેત્રનો અનુભવ થાય છે ! મેઘાણીની વાર્તાઓ – પછી એ મૌલિક હોય કે લોકસાહિત્યની , પણ એમની વાર્તા કલા રસપ્રદ હોવાથી તેમાં નાટયબીજ છુપાયેલ હોવાથી , તેમની નવલકથાઓમાંથી ગુજરાતી ફિલ્મો બનાવવાનો વિચાર પણ મુંબઈમાં આવેલો . પોતાની વાર્તાઓ ઉપરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો , તો એ જ રીતે અન્ય ફિલ્મો જોઈને વાર્તા બીજ પણ હાથ લાગ્યા એમણે પ્રતિમા અને પલકારા વાર્તાઓ આ રીતે રચી હતી એમ તેઓ નિખાલસ રીતે જણાવે છે .
એમની વાર્તાઓમાંથી નાટકો પણ રચાયાં છે . એમનાં ગીતોની ગ્રામોફોન રેકોર્ડ પણ બની , ત્યારે ફિલ્મ બનાવી એ ગીતો ગૂંથી લેવાનો વિચાર આવેલો. .
ફરી પાછાં અપને એમની નાટ્ય અને ફિલ્મ કારકિર્દી તરફ નજર કરીએ .
એ એ ક્ષેત્રોમાં સફળ કેમ ના થયા?
વાચક મિત્રો ! વાર્તાઓ લખવી કે કાવ્યો રચવા એ વ્યક્તિની માનસિક અવસ્થા ઉપર નિર્ભિત છે . કુશળ કવિને વિચાર સ્ફુરે અને એ કાવ્ય રચે .બસ! વાત ત્યાં પુરી થઇ . કવિના ભાવ પ્રદેશમાંથી સંવેદનાઓને પ્રગટ કરતું શબ્દ સ્વરૂપ ! એમાં બીજી વ્યક્તિ પ્રવેશી શકે નહીં . એમાં માત્ર કવિ અને કવિનો શબ્દ , બસ બે જ જણ હાજર હોય .
પણ નાટક અને ફિલ્માં?
પાત્રોને સમજવા , એને રજૂ કરવા વગેરે એક બીજી જ વાત છે ! બીજું જ ક્ષેત્ર છે!
વળી તેમાં પ્રોડ્યુસર અને પ્રેક્ષકો સૌનો મહત્વનો ફાળો છે . કલાકારોને વેતન આપવું, નાટક અને ફિલ્મનું પ્રસારણ થયા તે માટે યોગ્ય ડિરેક્ટર , પ્રોડ્યુસર અને સેલ્સમેન સૌની કાબેલિયત ઉપર નાટક કે ચિત્રપટની સફળતા નિષ્ફ્ળતાનો આધાર રહે છે !
હા , કહેવાનું તાતપર્ય એ જ છે કે , થોડા પ્રયોગો બાદ મેઘાણીને લાગ્યું કે એ એમનું કામ નથી : એમણે એ ક્ષેત્ર છોડી દીધું ! બધાંને બધું જ આવડવું જરૂરી નથી . આપણાં રાષ્ટ્રીય કવિ , લોકસાહિત્યના અગ્રેસર સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીએ થોડી મહેનત કુસ્તી એ ક્ષેત્રોમાં પણ કરી છે પણ અંતે તેમને એટલે સફળતા મળી નહીં – એમ કહો કે એમનું વ્યક્તિત્વ એ બીબામાં બંધાવા તૈયાર નહોતું !!
પણ એમના વ્યક્તિત્વનો નિખાર જે ક્ષેત્રમાં ઉપસી આવે છે તે – એમના ભજન સાહિત્ય વિષે આવતે અંકે વિચારીશું !

૪૧ -સદાબહાર સૂર અવિનાશ વ્યાસ-રાજુલ કૌશિક

નવરાત્રી, આ એક શબ્દને અનેક અર્થ અનેક સ્વરૂપે આપણે ઓળખીએ છીએ. નવરાત્રી વિશે એક સાદી સીધી અને સર્વવ્યાપી સમજ એટલે માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ. નવરાત્રીના આ તહેવારમાં શક્તિ સ્વરૂપ માતાજીની આરાધના કરવામાં આવે છે પણ છેલ્લા કેટલાય દાયકાઓથી નવરાત્રીનું મહત્વ કંઇક જુદા અંદાજે પ્રસ્થાપિત થતું ગયું છે. નવરાત્રી શબ્દનો ઉલ્લેખ થતાની સાથે જ નજર સામે રાસે રમતાં ગરબે ઘૂમતાં, ઉમંગભેર હીલોળે ચઢેલા યૌવનનો એક આખેઆખો માહોલ ઊભો થઈ જાય છે. 

આમ તો ગરબો એ લોકસંસ્કૃતિનો એક પ્રકાર છે પણ નવરાત્રી તો જાણે ગુજરાતની આગવી ઓળખ, અનેરી સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગઈ છે. ગરબો ક્યાંથી આવ્યો એનીય રસપ્રદ કથા છે જેમાં ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે પાર્વતીજીએ બાણાસુરની પુત્રી ઉષાને લાસ્ય શીખવ્યું, ઉષાએ દ્વારકાની ગોપીઓને અને દ્વારકાની ગોપીઓએ સૌરાષ્ટ્રની સ્ત્રીઓને શીખવ્યું અને આમ  આ લાસ્ય લોકસંસ્કૃતિ સાથે જોડાયું. જો કે આ કથિત વાત કરતાં વધુ પ્રચલિત વાત જરા જુદી છે.

ગુજરાતી ગરબાના ઈતિહાસ વિશે વિચારીએ તો કદાચ એનું મૂળ ૫૦૦૦ હજાર વર્ષ પહેલાની કૃષ્ણની રાસલીલા સુધી નીકળે. ગરબો એટલે વર્તુળ. બ્રહ્માંડના દરેક અંશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, તારા બધુ જ વર્તુળમાં ફરે છે. કૃષ્ણએ જાણે આ વર્તુળાકારે ફરતાં બ્રહ્માંડનો પૃથ્વીલોકને પરિચય કરાવ્યો. આમ પણ રાસ-ગરબા વિશે વિચારીએ તો પણ એ આપણને કૃષ્ણની રાસલીલાના વિશ્વ સાથે સાંકળી લે.

પણ વર્તમાન સમયમાં જો આપણે રાસ-ગરબા વિશે વિચારીએ તો એની સાથે ખરા અર્થમાં જોડાયેલું, લોક લાડીલું એક નામ યાદ આવે અને એ છે અવિનાશ વ્યાસ.

અવિનાશ વ્યાસ માતજીના પરમ ભક્ત હતા. માતાજીની સમક્ષ ઊભા હોય અને એના સાક્ષાત્કારરૂપે કોઈ રચના મનમાં આકાર લેતી હોય. આમ પણ કહે છે ને કે ગીત,સંગીત કે કવિતાના કોઈ ક્લાસ કે ટ્યુશન નથી હોતા, એ તો ઉપરવાળાની કૃપાથી ઉતરી આવે છે. માતાજીની આવી કોઈ પરમકૃપા અવિનાશ વ્યાસ પર હતી જેના લીધે આપણને “ માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ જેવી સદા અમર એવી રચના ઉપરાંત “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય, વાગે નગારું ને ખાચમ્મર વિંઝાય.” , “હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત” જેવી ઉત્તમ રચનાઓ આપણને મળી.

કહેવાય છે કે ખરો ગરબો એ જ કે જેમાં ભાવ અને ભાવનાનું સંવેદન હોય, શબ્દ, સૂર અને લયનું સંયોજન હોય અને ઠેસ સાથે વર્તુળાકારે ઘૂમવાનો પૂરતો અવકાશ હોય.  આવા ઠેસ લઈને વર્તુળાકારે ઘૂમી શકાય એવાય અનેક ગરબા અવિનાશ વ્યાસે ગુજરાતને, ગરવી ગુજરાતણોને આપ્યા.

“લાગ્યો લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો, હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો”

“તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે”

“માલા રે માલ લહેરણીયો લાલ, ઘમમર ઘમામર ચાલે રે ચાલ”

“હે મુને એકલી મૂકીને રમે રાસ, રંગીલા રાજા હવે ના આવું તારી પાસ’

એવા કેટલાય ગરબા પર ખેલૈયા થાક્યા વગર ઘૂમતા હોય.

એક લાલ દરવાજે તબું તાણીયા રે લોલ ,

“નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું, છોને લાગ્યું છબીલા મને તારું ઘેલું”

અને આજ સુધીનો સૌથી લોકપ્રિય ગરબો,

“હે રંગલો જામ્યો કાલિંદરીના ઘાટ છોગાળા તારા, છબીલા

હોરે રંગીલા તારા, રંગભેરુ જુવે તારી વાટ

એ કેમ ભૂલાય? આ ગરબાએ તો બોલીવુડને પણ ઘેલું કર્યું છે. 

અવિનાશ વ્યાસ રચિત રાસ-ગરબા ગુજરાતથી વિસ્તરીને ગ્લોબલ બન્યા. અવિનાશ વ્યાસના ગીતો, ગરબા જેમણે સૌથી વધુ ગાયા છે એવા આશા ભોંસલેએ એક વાર નવરાત્રીના સમયે અવિનાશ વ્યાસને ફોન કરીને તાત્કાલિક લંડન આવવા આગ્રહ કર્યો કારણ?

કારણકે એ ઈચ્છતા હતા કે અવિનાશ વ્યાસ લંડન આવે અને જુવે કે એ અને એમના ગીતો ત્યાં પણ કેવા લોકપ્રિય છે. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે ક્યારેક વાંચી હોય, ક્યારેક સાંભળી હોય અને સમયાંતરે ફરી માનસપટ પર ઉભરી આવે.

અવિનાશ વ્યાસ વિશે એવી એક જાણેલી વાતનો અહીં ઉલ્લેખ કરું છું.

દિલ્હીના રાષ્ટ્રપતિભવનના એક કાર્યક્રમમાં ઓડિયન્સમાં પંડિત રવિશંકર બેઠા હતા. ગુજરાતી ગરબાની રજૂઆત થઈ ત્યારે તેમણે કહ્યું કે ગુજરાતી સ્ત્રીઓની સ્ફૂર્તિ કાબિલે દાદ છે અને તે સ્વરાંકનને પણ તેમણે બિરદાવ્યું હતું. મઝાની વાત એ છે કે એ ગરબો અવિનાશ વ્યાસનો હતો અને એટલા માટે ગુજરાતી સંગીતને અવિનાશી યુગનું નામ ચોક્કસ આપી શકાય.

અવિનાશ વ્યાસના ગરબાના શબ્દો ભક્તિસભર પણ છે અને ઉમંગભેર ગરબે ઘૂમી શકાય એવા શક્તિસભર પણ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

૪૦ – मेरे तो गिरधर गोपाल: અલ્પા શાહ

મુરલીધરની મુરલીના સૂર મીરાંબાઈના શબ્દોના સથવારે….

बर्हापीडं नटवरवपु: कर्णयो: कर्णिकारं
बिभ्रद् वास: कनककपिशं वैजयन्तीं च मालाम् ।
रन्ध्रान् वेणोरधरसुधया पूरयन्गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्ति: ॥ ५ ॥

શ્રીમદ ભાગવતના દસમ સ્કંધમાં ૨૧માં પ્રકરણમાં આલેખાયેલા વેણુગીતના ઉપરના શ્લોકમાં મુરલીધર શ્રી કૃષ્ણ ના મનમોહક સ્વરૂપના વર્ણનની સાથે સાથે મુરલીધરની મુરલી એટલેકે બંસીના સૂરનું  વર્ણન કરતા શ્રી વેદવ્યાસજી કહે છે કે, મુરલીધરના વેણુના સૂર છેડાતાંની સાથેજ દેવ,યક્ષ,ગંધર્વ, કિન્નર, યોગી-મુનિ, નાર-નારી, પશુ-પક્ષી વગેરે મોહિત થઈને પોતાના કર્તવ્ય અને મન-વાચા અને કાયાની સુધબુધ ગુમાવી દે છે. મુરલી અને શ્રી કૃષ્ણ – એકબીજાના પર્યાય. મુરલી વગરના શ્રી કૃષ્ણની કલ્પના કરવીજ અશક્ય છે અને શ્રી કૃષ્ણનું નામ પડતાજ ક્યાંક અણદીઠા દેશથી કાનમાં મુરલીના સૂર ગુંજવા લાગે… વાસ્તવમાં શ્રી કૃષ્ણની બંસી વગર સમસ્ત વ્રજભૂમિ અને વ્રજલીલાનો વૈભવ નીરસ બની જાય છે. શ્રી કૃષ્ણની મધુર લીલાઓમાં આ વાંસળીનો પ્રભાવ એટલો બધો મનોમુગ્ધકારી છે કે સ્વયં શ્રી વેદવ્યાસજીએ વાંસળીનો મહિમા પ્રગટ કરવા સ્વતંત્ર વેણુ-ગીતની રચના કરી.

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, મુરલીધર ત્રણ પ્રકારની વાંસળીઓ તેમની પાસે રાખતા. વાંસળી એ એક સુષિર વાદ્ય ગણાય છે અને સામાન્યતઃ તે વાંસમાંથી બને છે. બંસીધારી પાસે જે સાત છિદ્રો વાળી વાંસળી કે જે મુરલી તરીકે ઓળખાયછે તે ભૌતિક સંસાર અને ગાયોને આકર્ષવા અનામત હતી. નવ છિદ્રો વાળી વાંસળી કે જે વેણુ તરીકે ઓળખાય છે તે શ્રી રાધાજી અને ગોપીઓ માટે અલાયદી હતી અને રાસલીલામાં આ વેણુને સ્થાન મળતું. જયારે જે બાર છિદ્રો વાળી વાંસળી કે જે બંસી તરીકે ઓળખાય છે તે પ્રાકૃતિક તત્વો જેવાકે ઝાડ, જંગલે અને નદીઓને આકર્ષવા માટે વપરાતી.

મીરાંબાઈએ  પણ વાંસળીને કેન્દ્રમાં રાખીને ઘણાબધા પદોની રચના કરી છે. મીરાંબાઈ જેવા પ્રેમ-યોગીની અને શ્રી ગિરિધર ગોપાલને જન્મોજનમના  પ્રિયતમ તરીકે પ્રસ્થાપિત કરનાર માટે તો વ્રજલીલા તેમનો આત્મા અને વાંસળી તેમના પ્રાણ સમાન છે. એવું કહી શકાયકે મીરાંબાઈના રોમેરોમ માં વાંસળીનો ધ્વનિ એકાકાર થઇ ગયેલ છે. મીરાંબાઈના વાંસળીને કેન્દ્રમાં રાખી રચાયેલા પદોમાં વિવિધ ભાવ વ્યક્ત થઇ રહેલ છે. અમુક પદોમાં સર્વદા પોતાના પ્રિયતમ શ્યામસુંદરના શ્રીમુખ પર બિરાજમાન વાંસળી ના સૂરનો પ્રભાવ કેવો છે તેના ભાવ વ્યક્ત થાય છે. જેમકે નીચેના પદમાં જમનાના તીર પર જયારે શ્યામસુંદર ની મુરલી વાગે છે ત્યારે તે ગોપીઓ પર કેવા કેવા કામણ કરે છે તેના મનોભાવો વ્યક્ત કરે છે.  

એ રે મોરલી વૃંદાવન વાગી, વાગી છે જમનાને તીરે
મોરલીને નાદે ઘેલા કીધા, માંને કાંઈ કાંઈ કામણ કીધા રે
જમનાને નીર તીર ધેન ચરાવે, કાંધે કાલી કામલી રે
મોર મુગુટ પીતામ્બર શોભે, મધુરીસી મોરલી બજાવે રે
મીરાં કે પ્રભુ ગિરિધર ના ગુણ, ચરણ કમલ બલિહારી રે

તો વળી નીચેના પદમાં મીરાંબાઈ આ મુરલીના કામણ માત્ર ગોપીઓ પરજ નહિ પણ સમગ્ર સૃષ્ટિ પર અને શેષનાગ પર પણ થાય છે તેનું વર્ણન કરેલ છે.

कुण है सखी प्यारी कुण है सखी, ऐसी बंशी बजाय रह्यो कुण है
बछवा खीर नीर तज दिनों, गौ तो चारे नहीं तृण है
खग मृग तो दोए पंछी मोह्या, मोह्या बनका बन है
शेष नाग भवन तजि आयो, सुण मुरली की धुन है
मीराबाई के हरि गिरिधर नागर, हरि के चरण चित लीन है.

મીરાંબાઈના વાંસળીના અમુક પદોમાં મીરાંબાઈ ગોપી બનીને વાંસળીના સૂર સાંભળવાની ઉત્કંઠા પ્રદર્શિત કરે છે, જેમકે નીચેના પદમાં મીરાંબાઈ ગોપી સ્વરૂપે કહે છે કે મારા કલેજે વાંસળીની એવી ધૂન લાગે છે કે ખાવાપીવાની પણ સુધી રહેતી નથી.

कलेजे महारे बांसुरी की धुन लागी
हौ अपने गृह काज करात रही, श्रवण सुनत उठ भागी
खान पान की सुधि न सखी ऋ, कल न पड़े निसि जगी
रैन दिनां गिरिधरलाल के, मीराँ रहे रंग पागी

નીચેના સુંદર પદમાં મીરાંબાઈએ શરદપૂર્ણિમાની રાત્રે થતા મહારાસમાં મુરલીધરની ધૂન જયારે છેડાય છે ત્યારે ગોપીઓની શું હાલત થાય છે અને ખુદ શ્રી ભોલેનાથ પણ સ્ત્રી બનીને રાસલીલામાં હાજરી પુરાવે છે તે ભાવ પ્રદર્શિત કર્યો છે.નીચેના સુંદર પદમાં મીરાંબાઈએ શરદપૂર્ણિમાની રાત્રે થતા મહારાસમાં મુરલીધરની ધૂન જયારે છેડાય છે ત્યારે ગોપીઓની શું હાલત થાય છે અને ખુદ શ્રી ભોલેનાથ પણ સ્ત્રી બનીને રાસલીલામાં હાજરી પુરાવે છે તે ભાવ પ્રદર્શિત કર્યો છે.

बंसीवारा हो म्हणे लागे मुरली प्यारी
शरदपूनम की रेन सांवरा ऐसी मुरली बजाई
बंशीवट पे बंशी बाजी गगन मगन कर डारि
पग माँ हांश गले में पायल उलटे भूषनधारी
खीर में लूण दाल में मीठो उलट पुलट कर डारि
नर में रूप धर्यो नारी को शंकर जटाकारी
मीराँ ने श्री गिरिधर मिलिया चरण कमल बलिहारी

ક્યારેક એવો પ્રશ્ન થાય કે શા માટે શ્રી કૃષ્ણે બંસી અધરે ધરીને સૂર છેડતા રહ્યા? એક મત પ્રમાણે, શ્રી કૃષ્ણ કે જે ભગવાન સ્વયં છે તે બંસીમાંથી સૂર છેડીને આ લોકમાં સંગીતનું આધિપત્ય અને સાર્વભૌમ પ્રગટ કરવા માંગતા હતા. અખિલ વિશ્વની ઉત્પત્તિ, સ્તિથી અને લયની જે સ્થૂળ અને સૂક્ષ્મ ઘટનાઓ છે તે સર્વે માં નાદ એટલે કે સંગીત એક કે બીજા રૂપે સમાયેલ છે. શ્રી કૃષ્ણે સ્વમુખે શ્રીમદ ભગવદગીતામાં કહેલ છે કે “વેદો માં હું સામવેદ છું”. સામવેદ એ સંગીતનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે અને એટલેજ નાદ ને બ્ર્હમ સાથે સરખાવી શકાય. આ સમગ્ર પ્રકૃતિના કણ કણ માં સંગીત એક ય બીજા સ્વરૂપે સમાયેલું છે અને આ અખિલ પ્રકૃતિ નાદ-બ્રહ્મમય છે. તો ચાલો મુરલીધરની મુરલીના સૂર ને મન માં મમળાવતા મમળાવતા આજે હું મારી કલમને નાદ-બ્રહ્મના ચરણોમાં વિરામ આપું છું. આવતા અઠવાડિયે ફરી મળીશું મીરાંબાઈ ના અન્ય પદો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણતમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ