
આજે જે પુસ્તક વિષે લખી રહી છું એ પુસ્તક મારા દિલથી બહુજ નજીક છે એના ઘણા કારણો છે. એક કે આ પહેલું પુસ્તક કે જ્યાંથી મે ગુજરાતી પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અથવા તો એમ કહું કે આ પુસ્તકે મને અન્ય ગુજરાતી પુસ્તકો વાંચતી કરી તો સહેજ પણ અતિશયોક્તિ ન ગણાય. હું જયારે આઠમાં ધોરણમાં આવી ત્યારે મારી વર્ષગાંઠ પર મારા પાડોશી આંટીએ મને સુધા મૂર્તિ લિખિત અને સોનમ મોદી દ્વારા ભાવાનુવાદ થયેલું આ પુસ્તક ‘સંભારણાની સફર’ ભેટમાં આપ્યું. ત્યાં સુધી મે ઘણા નાના-મોટા પુસ્તકો વાંચ્યાય હશે પણ મને આ પુસ્તકે જે ઘેલું લગાવ્યું એવું કોઈએ નહિ! ભેટમાં સવારે આપ્યું. જન્મદિવસ હતો અને કોઈ કારણસર રજા પણ હતી બપોરે જમીને હું આ પુસ્તક વાંચવા બેઠી અને એક જ બેઠકે વાંચી ગઈ. એટલી બધી ખુશ થઇ કે ન પૂછો ને વાત! ત્યારે મને સમજાયું કે વાહ! અભ્યાસ પૂરતા પુસ્તકો વાંચવા અને શોખ માટે પુસ્તકો વાંચવામાં કેટલો તફાવત હોય છે! 🙂
બીજું કારણ કે મને આ પુસ્તક વાંચ્યા પછી સુધા મૂર્તિને જાણવાનો મોકો મળ્યો પછી તો હું એમની ફેન બની અને બધા જ પુસ્તકો વાંચી ગઈ (એ બધા વિષે ફરી ક્યારેય વાત 😉 ). આ પુસ્તક સાથે મારી બહુ યાદો જોડાયેલી છે. એ દિવસે વાંચ્યા પછી મને યાદ પણ નથી કે મે કેટલી વખત આ પુસ્તક વાચ્યું હશે. પણ વર્ષો પછી જયારે હું આણંદ પ્રોફેસરની નોકરી કરતી ત્યારે રોજ સવારે નડિયાદથી છકડામાં કોલેજ જતા આ પુસ્તકની એક વાર્તા વાંચું અને મારા વિદ્યાર્થીઓને રોજ એક વાર્તા કહું. (આવી રીતે મે મારા વિદ્યાર્થીઓને ઢગલાબંધ પુસ્તકો વાંચી સંભળાવ્યા છે અને એ લોકોને વાંચતા કર્યા છે 🙂 ).
સુધા મૂર્તિ મને કેમ આકર્ષે? એકદમ ક્રાંતિકારી સ્વભાવ! એમની એક વાત તો કહેવી જ પડશે. સુધા મૂર્તિ TATA કંપનીમાં જોડાવનાર પહેલી મહિલા ઈજનેર હતી. એમની કોલેજના બોર્ડ ઉપર TATA ની TELCO કંપનીની નોકરીની જાહેરાત હતી જેમાં લખ્યું હતું “women don’t apply”. અને સુધા મૂર્તિએ રતન ટાટાને પત્ર લખીને વિદ્રોહ નોધાવ્યો હતો અને ઈન્ટરવ્યું આપીને નોકરી મેળવી હતી!. બીજી વાત એ શિક્ષક અને એ પણ ઉત્તમ 🙂 ત્રીજી વાત સમાજસેવક. પોતાના લેખન કાર્ય અને કમાણીના પૈસાથી ઇન્ફોસિસ ફાઉનડેશનની શરૂઆત કરી. અને ઉત્તમ લેખિકા 🙂 મને કાયમથી પ્રસંગો વાચવા ખુબ ગમે અને સુધા મૂર્તિએ ખુબ સરસ રીતે એમના જીવનના પ્રસંગો એમના પુસ્તકોમાં આલેખ્યા. એમને મૂળ અંગ્રેજીમાં જ પુસ્તકો લખ્યા છે અને પછી હિન્દી, કન્નડ, તમિલ, ગુજરાતી, મરાઠી, વગેરે ભાષામાં અનુવાદિત થયા છે.
સુધા મૂર્તિના દરેક પુસ્તક જેમ જેમ વંચાય એમ એમની વધારે નિકટ હોય એવો અહેસાસ થાય 🙂મૂળે ઉત્તમ શિક્ષક એટલે વાર્તા કથન ચોક્કસથી જક્કાસ જ હોય અને ખુબ સુંદર લખવાની શૈલી. અત્યારે પણ કોઈ નવા વ્યક્તિને ગુજરાતી પુસ્તકની દુનિયાનો પરિચય કરાવવો હોય અને ચાહક બનાવવા હોય તો ચોક્કસથી હું આ પુસ્તક આપું જ 🙂
પુસ્તક વિષે થોડી વાત લખું,
આ પુસ્તક મૂળ અંગ્રેજી “how I taught my grand mother to read and other stories” માંથી ભાવાનુવાદ કરવામાં આવેલું છે. પુસ્તક ૨૦૦૪માં પકાશિત થયેલું છે.
કીમત: ૧૨૫ રૂ.
પાન : ૧૮૪
પુસ્તકમાં ૨ થી ૫ પાનાંમાં લખેલી અલગ અલગ ૩૫ વાર્તાઓ આમાં સમાવેશ થાય છે. ૧૦૦% સુધા મૂર્તિના જીવનની સત્ય ઘટના અને અનુભવો આધારિત! એક એક વાર્તા વાંચો અને મન ખુશ થતું જાય એવી વાર્તાઓ. ચોક્કસથી રાત્રે સુતા બેડ પાસે રખાય એવી. ૫-૧૦ મિનીટ સુતા પહેલા વાંચીને ચોક્કસથી અનુભવ મેળવવાં જેવો ખરો!
દીપલ પટેલ