૧૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ

બાળપણમાં સાંભળેલી વાર્તાઓ કહેવતોને સિધ્ધ કરે છે. આ સંસ્કાર મોટાં થતાં પથદર્શક બની જાય છે. એક વાર્તા હતી. એક શિકારીએ પક્ષીઓનો શિકાર કરવા જમીન પર જાળ બિછાવી. તેના પર અનાજનાં દાણા વેર્યા. જેથી પક્ષીઓ દાણા ચણવા આવે અને જાળમાં ફસાય. પછી તે શિકારની રાહ જોતો, ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી જ વારમાં કબૂતરોનું એક ટોળુ દાણા જોઈને ત્યાં ઉતર્યું. કબૂતરો દાણા ચણતાં જાળમાં ફસાઈ ગયાં. હવે છૂટવું કેવી રીતે? આ બધાં કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર હતું. તેણે થોડીવાર વિચાર કરીને બધાંજ કબૂતરોને એક સાથે ઊડવાની યુક્તિ બતાવી. બધાંજ કબૂતરો એકી સાથે જાળ લઈને ઊડયાં. શિકારી તો જોતો રહી ગયો. કબૂતરોનો જીવ બચી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ.

પંચતંત્રની વાતો સૂચવે છે, “સંહતિ: કાર્ય સાધિકા”. સંપથી અશક્ય કાર્ય શક્ય બને છે. અંગ્રેજીમાં કહેવત છે, “યુનાઈટેડ વી સ્ટેન્ડ એન્ડ ડિવાઈડેડ વી ફોલ”. સંપ માટે સંપર્ક, સાનિધ્ય, સહવાસ અને સહકાર જરૂરી છે. જેને કારણે એકતા બની રહે છે. માનવ સામાજિક પ્રાણી છે. તે હંમેશાં એકબીજા પર નિર્ભર રહે છે. વાનરમાંથી બનેલો માનવ આજે પ્રગતિની એરણે રૉબોટ બનાવતો થઇ ગયો છે પરંતુ કુસંપને કારણે એકબીજાના હૃદય સુધી પહોંચી શક્યો નથી. કળિયુગના માનવમાં આ બધાં ગુણ જરૂરી છે. જ્યાં સુધી સંપ છે ત્યાં સુધી માનવતા છે. કોમ, ભાષા, ધર્મ અને દેશની સરહદને સલામત રાખીને માનવધર્મને અગ્રેસર રાખે તો જ ઘર, કુટુંબ, સમાજ અને દેશ સંગઠિત રહી શકે. સંપ એટલે પરસ્પર મનમેળ. એકમેક વચ્ચે સ્વાર્થ અને અહંકારના પડળો તૂટે તો સંપ અને પરિણામે જંપ શક્ય બને. ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું છે, માટે તણખલાથી પણ વધુ વિનમ્ર અને વૃક્ષોથી વધુ સહનશીલ થઈને રહેવું જોઈએ. આપણામાં રહેલી ગુરુતા કે લઘુતાગ્રંથિને દૂર કરી મૈત્રીભાવ કેળવવો જોઈએ.

પ્રાણીમાત્રમાં સંપ જોવા મળે છે. ટીટોડીનું દ્રષ્ટાંત છે કે, સમુદ્ર જેવા સમુદ્રે પણ પક્ષીઓના સંપની સામે ઝૂકી જવું પડ્યું હતું અને ટીટોડીના બચ્ચા પાછા આપી દેવા પડ્યાં હતાં. એક કહેવત છે, “ઝાઝી કીડીઓ સાપને તાણે”. કૂતરાઓ પણ પોતાના વિસ્તારમાં બહારનો કૂતરો કે અજાણી વ્યક્તિ આવે તો બધાં ભેગાં થઈને ભસવા માંડે છે અને તેમને ભગાડી દે છે. કુદરતમાં પણ સંપ ના હોય તો સૂર્ય, પૃથ્વી તેમજ તમામ ગ્રહો એકબીજા સાથે અથડાયા વગર રહે નહીં. દરેક પોતાનું કાર્ય સંપીને, નિયમોથી કરે છે. માનવશરીરના અંગો પણ સંપીને પોતપોતાનાં કાર્યો કરે છે. માનવમાં જ્યાં ટોળાશાહી છે ત્યાં વિચારશક્તિ નથી હોતી. બાકી સંપ એ પ્રકૃતિનો અટલ નિયમ છે. ઈશ્વરે આપેલી અમોઘ શક્તિ છે. માનવ વિકાસનું મુખ્ય અંગ છે. સંપથી બનેલાં સંઘ માટે ભગવાન બુદ્ધે આપેલું, “સંઘમ્ શરણમ્ ગચ્છામિ” સૂત્રને જીવનમાં ઉતારવું જ રહ્યું. તો જ સમાજનું કે દેશનું ઉત્થાન શક્ય બનશે.

એક તાર તોડવો સહેલો છે પરંતુ તારનો સમૂહ કે દોરડું તોડવું અઘરુ છે. એક સળી તોડવી સહેલી છે પરંતુ તેમાંથી બનાવેલો સળીઓનો ભારો તોડવો અઘરો છે. કારણકે, “બહુવંત બલવંત” સિદ્ધ થયેલી વાત છે. આવીજ રીતે દેશની તમામ વ્યક્તિઓ અને દરેક પક્ષો સંપીને રહેશે તો તેમનાં સંગઠન બળને કોઈ તોડી નહીં શકે. પરિણામે દેશની સીમાઓ સુરક્ષિત રહેશે. જો અંદર એકતા હશે તો બહારનાં પરિબળો પણ ચેતીને ચાલશે. દુશ્મનોને પોતાની ચાલ ચાલતાં અનેક વિચાર કરવાં પડશે. દુશ્મન માટે દેશના માળખાની કાંકરી ખેરવવી અઘરી પડી જશે.

રૂ પર ઝીલેલાં બિલોરી કાચથી એકત્રિત થયેલાં સૂર્યકિરણ જેમ રૂને બાળી નાંખે છે તેમ સંપીને એકત્રિત થયેલું સંઘબળ ધારેલાં કાર્યો કરી શકે છે. ખાસ કરીને દેશમાં આતંક નામનો કળિ તેનો પગ પેસારો કરે ત્યારે કુસંપીઓને દૂર કરીને, દેશનાં દરેક પક્ષોએ ફાટફૂટ વગર સંપીને તેનો સામનો કરવો જોઈએ. વર્તમાન પરિસ્થિતિ તેનું ઉદાહરણ છે. આજે ભારતમાં આતંકવાદ સામે પી. એમ.ની લીલી ઝંડીના કારણે સરહદ પર સૈનિકોએ આતંકવાદીઓને જે વળતો જવાબ આપ્યો તે માટે અનેક સલામ અને વંદન.

સંવેદનાના પડઘા- ૨૧ શીલા રોજ જાય છે કયાં?

શીલા  રોજના પોતાના નિયમ પ્રમાણે સવારે નવ વાગે ફ્લેટનાં ઝાંપા પાસે રિક્ષાની રાહ જોતી ઊભી રહેતી.તેના  ઘરમાંથી નિકળવાના સમયે  ફ્લેટની બધી બાલ્કનીમાંથી વારા ફરતી  લોકો શીલાને જોવા બાલ્કનીમાં આંટા મારતા.પુરુષોને શીલાના મદઝરતાં યૌવનને નિહાળવામાં રસ હતો અને સ્ત્રીઓને એનીવાત કરવામાં કે તૈયાર થઈને રોજ આ શીલા  જાય છે કયાં? શીલાને ભગવાને રુપ જ એટલું આપ્યું હતું કે એકવાર તેના પર કોઈની નજર પડે તો તેને નજર ફેરવવી અઘરી પડે.જો  બહેનો તેને જોઈને બોલી જતી હોય કે ભગવાન  તેં શું સુંદર રુપ આપ્યું છે શીલાને? તો બિચારા પુરુષોનું તો શું ગજું કે તેને જતી  જોઈને બેચાર વાર નજર તેના તરફ ના નાંખે!!!! ઊંચું કદ, સુડોળ શરીર , ગોરોવાન,અણિયાળી પાણીદાર આંખો  અને દાડમની કળી જેવા દાંત.હસમુખો ચહેરો પણ  વ્યક્તિત્વ એવું કે કોઈની હિંમત નહી કે તેને પૂછી શકે કે શીલા તું રોજ સવારે જાય છે કયાં???

હવે નવરા બહેનોને તો કોઈ વાત જ જોઈતી હોય પંચાત કરવા.કોઈ કહે નોકરી શોધી કાઢી લાગે છેઆમ સવારના પહોરમાં નીકળી પડે છે તે ,તો બીજુ કહે એને કયા છોકરાં  છૈયા છેતે કોઈ ચિંતા હોય પાછળની આપણી જેમ ,તો ત્રીજુ કહે મનેતો કંઈ દાળમાં કાળું લાગે છે.તો ચોથા બહેન કહે જૂઓનેઆ આપણા બધાના પતિદેવો તેના નિકળવાના ટાઈમે કંઈ ને કંઈ બહાને બાલ્કનીમાંથી ઝાંખતા હોય છે. આમતો મને ખબર ના પડે પણ મારો  બાલ્કનીમાં કપડાં સૂકવવાનો ટાઈમ અને એનો  નીકળવાનો ટાઈમ એકજ  નટુભાઈ,છોટુભાઈ,   રમણભાઈ,દિપકભાઈ, કનુભાઈ બધાનેા એક આંટો તે સમયે બાલ્કનીમાં ખરોજ.અરે રોજ  શીલા ના પાડે તો પણ બે ત્રણ સ્કુટર અને એક બે ગાડી તેને લીફ્ટ આપવા પણ ઊભી જ રહે.એટલે પાંચમા બહેન કહે તારેતો આ જોવામાંજ કપડાં સૂકવવાનું મોડું થઈ જતું હશે નઈ? અને બધા ખડખડાટ હસી  પડતા……

બધાંને શીલાની વાતો કરવામાં રસ હતો તેની તકલીફ તેના હ્રદયના મુંઝારાને જાણવાની કોઈને ફુરસદ નહોતી.

તે માના પેટમાં હતીને જ તેના પિતાનું અકસ્માતમાં મોત થયું હતું.તેની  વિધવા મા પાર્વતી  શીલાને લઈને બેચાર ઘરનાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી.શીલા પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ  સ્કુલનાં સમયની પહેલા અને પછી માને મદદ કરવા  માની સાથે જતી.જેમ જેમ યુવાન થતી ગઈ તેમ તેમ શીલાનું  રુપ અને જવાની નિખરતા  જતા હતા. પાર્વતીની ઉંમર વધવા લાગી પછી તો શીલા જ  બધા ઘેર કામ કરવા જતી.મેટ્રીક પાસ કરીને ભણવાનું પણ છોડી દેવું પડ્યું .ઘર ચલાવવાનું ,માંદી માની દવા અને સેવા સાથે ચાર ઘરના કામ તે  જરાપણ નવરી પડતી નહી.તે કામ કરતી હતી એમાં એક ઘરના કમળાબા સ્વભાવે ખૂબ ભલા અને શીલા અને તેની માને પૈસે ટકે વાર તહેવારે મીઠાઈ અને કપડાં-લત્તાની મદદ કરતા.શીલા પણ કમળાબાનાં વધારાના કામ દોડીને કરતી.

હવે પાર્વતીની બીમારી ખૂબ વધી ગઈ હતી  .અને એ દિવસ આવી ગયો .તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતાં.શીલા હૈયાફાટ રુદન કરી રહી હતી.કમળાબા સહીતનાં પોળના બધા લોકો ત્યાં હાજર હતા.પાર્વતીનો જીવ શીલામાં ભરાએલ હતો. બધા કહેતા હતા તું ચિંતા ના કર અમે તેનું ધ્યાન રાખીશું પણ પાર્વતી સાઈન કરી બે હાથ સામસામે ભેગા કરી બતાવતી હતી કે તેના લગ્નની ચિંતા છે મને!!!ત્યાં જ કમળાબાનાં મગજમાં ભરાઈ રહેલો વિચાર ઝબક્યો.

તેમણે પૂછ્યું 

“જો તને મંજૂર હોય તો મારા પંકજ સાથે હું તેના લગ્ન કરાવી મારી દીકરી બનાવી દઉં !પછી તારે કોઈ ચિંતા નહી.આખી જિંદગી તેને દીકરી બનાવી રાખીશ.શીલા પણ મારા પંકજનું ધ્યાન રાખશે તેનો મને પૂરો વિશ્વાસ છે.તું હા કહેતી હોય તો હાલ જ તારા જતા પહેલા તને ગોળ ખવડાવી દઉં.”

પાર્વતીના મનમાં તો પંકજ જેને એક જ પગ હતો.એક પગ અકસ્માતમાં કપાઈ ગયો હતો તેની સાથે પરી જેવી પોતાની દીકરી પધરાવવાની ઈચ્છા નહોતી પરતું એકલી દીકરી ,કોઈ દયાન રાખવાવાળું નહીં અને કમળાબાનું ભર્યું ઘર.સ્વભાવે પણ કમળાબા ભલા અને શાંત અને પંકજ તેમનો એકનો એક દીકરો.આજુબાજુ ઊભા રહેલ પોળના લોકોએ પણ આ વાત સ્વીકારી લેવા પાર્વતીને કહ્યું અને પાર્વતીએ ગોળ ખાઈ અને વિવશ ગરીબ નજરે શીલા સામે જોયું.માની અને આજુબાજુનાં વડીલોની વાત માની શીલાએ પણ કમળાબાનાં હાથનો ગોળ ખાઈ લીધો.હા પણ જ્યારે તે કમળાબાને ગોળ ખાઈને પગે લાગી ત્યારે એક ગરમ આંસુંનાં ટીપાંએ પણ કમળાબાનાં ચરણ સ્પર્શ  કર્યા.ગરીબાઈને પસંદ નાપસંદ કયાં હોય છે?

પાર્વતીના મરણની વિધિ  કમળાબાએ શીલાને સાથે રહીને કરાવીને  ત્રણ મહિના પછી સારો દિવસ જોવડાવી શીલા અને પંકજના લગ્ન કુંટુંબીજનોની હાજરીમાં કરી કમળાબાએ પણ હાશકારો અનુભવ્યો.તે પણ હવે પાર્વતીની જેમ પંકજની ચિંતા વગર શાંતિથી  મોત ને ભેટશે તેવું વિચારવા લાગ્યા.દિવસો  વિતતા ગયાં અને એક દિવસ કમળાબા પણ અચાનક આવેલ હાર્ટએટેકમાં ગુજરી ગયા.કમળાબા શીલાને દીકરીથી પણ અધિક રાખતા એટલે શીલાને તેમના મરણનો આઘાત જીરવવો પણ અઘરો પડ્યો.

એવામાં પંકજના બધા મિત્રો હવે પોળ છોડીને ફ્લેટમાં નવરંગપુરા રહેવા  ગયા.પંકજે પણ એક ફ્લેટ તેમની સાથે લીધો.લગ્નને પંદર વર્ષ થઈ ચુક્યા હતા પણ શીલાને ગોદ હજુ સુની જ હતી. પંકજ શરીરે પહેલેથી જ નબળો,માંદલો અને તેના લીધે સ્વભાવે ચીડિયો હતો.એમાં તેને મિત્રોની સંગતે બીડીની આદત. તેથી શીલાને પંકજની નજીક જવાનું ગમતું નહી.સ્વભાવ ભંગી  જેવો,દેખાવ કદરુપો,અને બીડીની વાસ શીલાને જરાપણ ગમતી નહીં,એમાંય કંઈ વસ્તુ લાવતા વાર થાય તો તે શીલાને પોતાની લાકડી છૂટી મારતો.કમળાબા હતા ત્યારે આવું થતું નહીં કારણકે પંકજને તેમની સખત્ત બીક હતી. પરંતુ તેમના મૃત્યુ પછી તેને છૂટો દોર મળી ગયો હતો.આવું થાય ત્યારે શીલા કેટલાય દિવસો સુધી પોતાની માને અને કમળાબાને પોતાની જિંદગી નરક  બનાવવા કોસતી અને રડતી રહેતી.

 એવામાં પંકજને ફેફસાનું કેન્સર નિદાન થયું.ડોક્ટરનાં મોટા બિલો અને ઘર ચલાવવાનાં પૈસા ખૂટવા લાગ્યા.શીલા પાસે કોઈ બીજી ડિગ્રી કે આવડત હતી નહી.શીલા ખૂબ સ્વમાની હતી એટલે તેને કોઈની પાસે હાથ લાંબો કરવો નહોતો.એ ડોકટરનાં ત્યાં પંકજના રિપોર્ટ લેવા ગઈ હતી અને તેની જૂની બહેનપણીનો પતિ સમીર ત્યાં મળ્યો.તેની ખૂબ મોટી પાવરલૂમ્સની ફેક્ટરી હતી.તેની પત્ની શીલાની બહેનપણીને પણ નાની ઉંમરમાં કેન્સર થયું હતું તેને હવે ડોક્ટરોએ હાથ હેઠા મૂકી દીધા હતા.સમીર પણ ખૂબ દુ:ખ સાથે આ વાત શીલાને કહી રહ્યો હતો.શીલાએ સમીરને તે તેની બહેનપણીને મળવા એકાદ બે દિવસમાં જ આવશે તેમ કહી બંને છૂટા પડ્યા.

હવે થોડા દિવસથી શીલા ખૂબ ખુશ રહેતી હતી.સરસ હાલરડાં ગુનગુનાવતી ઘરના કામકાજ કરતી.પંકજ માટે સરસ નવા કપડાં લઈ  આવી હતી.તેને રોજ અવનવા મોંઘા ફળો કીવી અને પાઈનેપલનો જ્યુસ કાઢી ને પીવડાવતી.જે માણસ પોતે અંદરથી ખુશ હોય તે બીજાને પણ ખુશ રાખે.હવે તેના બહાર જવાના કલાકો પણ લાંબા થયા હતાં પણ તે પંકજને પોતે કોઈ કામ શોધી કાઢ્યું છે તેમ કહી સમજાવતી.પંકજ પણ સારી સારવાર મળતી હતી એટલે ખુશ હતો.શીલા રોજ હવે તેના કામ પર જવા નવ વાગે નીકળી જતી.સવારે ચાર વાગે ઊઠી પોતાના ઘરના કામકાજ,રસોઈ અને પંકજના બધા જ કામ પતાવી દેતી.બપોરે પણ પંકજને જમાડવા તે બે વાગે રોજ આવી ચાર વાગે પાછી જતી.ફ્લેટનાં લોકોને શીલા દિવસમાં બેવાર ઘરની બહાર રીક્ષામાં જતી જોઈ એક જ સવાલ ઊઠતો શીલા જાય છે કયાં????? અને આ વાત પર નવી કહાની બનાવી દીધી કે શીલાએ પોતાનું શરીર વેચવાનું ચાલુ કર્યું છે.

એવામાં શીલાને  એક દિવસ  કામ પર ખૂબ મોડું થઈ ગયું.જેસનને ચાર તાવ થઈ ગયો હતો તે તાવ ન ઉતારે ત્યાં સુધી તેનો જીવ ઘેર જવા માનતો નહોતો.આઠ વાગે પાછી આવતી શીલાને આજે રાત્રે દસ વાગી ગયા અને સમીર તેને ગાડીમાં મૂકવા આવ્યો અને બસ….. ફ્લેટના લોકોને તો જાણે તેમની વાતનો  પુરાવો મળી ગયો.

ફ્લેટના પંકજનાં બીડી પીવાને બહાને બેસવા આવતા મિત્રો પંકજને ખોટી કાનભંભેરણી કરતા.પંકજની પોતાની કોઈ વિચારશક્તિ કે લાંબી બુધ્ધિ હતી નહી.તેમાં આખો દિવસ ઘરમાં રહી  અને ખરાબ તબિયતથી તે ડીપ્રેશનનો શિકાર બની ગયો હતો.શીલાને ઘેર આવતા મોડું થયું અને એમાં તેને ગાડીમાં ઘેર સમીર સાથે આવી તે ખબર પડતા જ તેનો વહેમનો કીડો સળવળ્યો.

શીલા જેવી ઘરમાં આવી કે પંકજ પણ પરાણે ઊઠીને એણે શીલાને કંઈપણ પૂછ્યાવગર તેના પગમાં તેની બગલમાં રાખવાની લાકડી જોરથી ફટકારી. શીલા ત્યાં જ ચીસ પાડી ફસડાઈ પડી.પંકજ ગુસ્સા સાથે ગાળો બોલતો શીલાની ગળચી પોતાનામાં હતું તેટલા જોરથી દબાવવા લાગ્યો. શીલા તો બેબાકળી થઈ ગઈ. તેને આ પંકજને શું થઈ ગયું તે સમજ જ ન પડી. પણ અરે એટલામાં આ શું થઈ ગયું?એક પગે ઊભો થયેલ પંકજ નો શ્વાસ જ ધમણની જેમ ચાલુ થઈ ગયો.તે ચત્તાપાટ પથારીમાં પડ્યો.પરાણે સ્વસ્થ થઈને શીલા તેને માટે દવા અને ગરમ પાણી લેવા રસોડામાં ગઈ અને પાછી આવીને જોયું  તો પંકજના શ્વાસ બંધ થઈ ગયા હતા.શીલા જોર જોર થી ચીસો પાડી હૈયાફાટ રુદન કરવા લાગી. થોડીવારમાં તો ફ્લેટના લોકોથી તેનું ઘર ભરાઈ ગયું.

આરસપહાણના પૂતળા જેવી પથ્થર બની ગયેલ શીલા સુન્ન નજરે પંકજને જોઈ રહી હતી.પંકજના

મૃત્યુ અંગે પણ ફ્લેટના લોકો જેમ ફાવે તેમ મનઘડત વાતો કરતા લાગ્યા .લોકોની જીભને કયાં તાળા 

મરાય છે???

પણ વાતો કરનાર બધા પોતાની જાતને ધિક્કારવા લાગ્યા જ્યારે સમીરના નાના નાના ચાર બાળકો શીલાને રડતી જોઈને તેને વળગીને રડી રહ્યા હતા .નવ વર્ષ ,સાત વર્ષ,ત્રણ વર્ષ ની ત્રણ દીકરીઓ અને  આઠ મહિનાનો જેસન બધા ને મા જેવી માસી સાથે રડતા જોઈ લોકોએ સાચી વાત જાણી.સમીરની પત્ની શીલાની સખી  સ્નેહાના છેલ્લા સમયે જ્યારે શીલા મળવા ગઈ ત્યારે સ્નેહાની તબિયત બહુ જ ખરાબ હતી.શીલાએ પણ પોતાની વાત કરતા કહ્યું કે પોતે કોઈ કામની શોધમાં છે અને તે પંકજના  ઓપરેશન માટે પૈસા ભેગા કરવા માંગે છે ત્યારે સ્નેહાએ જ કીધું કે મારે ઘેર બાઈ અને મહારાજ છે પણ તું માસી થઈ મારા છોકરાંઓને મોટા કરી આપ.મારી પાસે ખૂબ પૈસા છે તું પંકજની દવા અને તારા ઘરખર્ચની ચિંતા ના કર.શીલાને બાળક હતા નહીં અને તેને બાળકો ખૂબ ગમતા. તે પોતાના બાળકોની જેમ આ ચારે બાળકોને રાખતી.તેનું પોતાના બાળકો પ્રત્યે આવું વ્હાલભર્યું વર્તન જોઈ સ્નેહા પણ શાંતિથી મૃત્યુ ને ભેટી.સમીર પણ આઠ વાગે નિશ્ચિંત થઈ ફેક્ટરી જઈ શકતો.તે શીલાને પણ પંકજની દવાદારૂ ને ઘર માટે છૂટથી પૈસા આપતો.

પણ લોકોની વાતો સાંભળી પંકજે પોતે જ પોતાનો જીવ ખોયો.સદાથી દુખિયારી  શીલા  પથ્થર બની ભગવાનને પૂછી રહી હતી પ્રભુ મારા કયા પાપની સજા તમે મને આપી રહ્યાં છો????ફ્લેટનાં બધા લોકો મનોમન શીલાની વાત કરવા બદલ પસ્તાઈ રહ્યા હતા …..પણ હવે શું??????

વાત્સલ્યની વેલી ૧૮) આત્મવિશ્વાસ અને બાળક!

વાત્સલ્યની વેલી ૧૮) આત્મવિશ્વાસ અને બાળક!

તમે ક્યારેય કોઈ નવજાત શિશુનાં માતા પિતાને શાંતિથી નિહાળ્યાં છે ? બાળક જન્મે અને પછી પેલાં નવાં નવાં બનેલ માં બાપ નો ઉત્સાહ જરા સમે એટલે હવે એ લોકો મોટી ચિંતામાં ડૂબી જાય ! આટલું નાનકડું બાળક! અને પૂરેપૂરું મા ઉપર જ આધાર રાખે !! આ તો મોટી જવાબદારીનું કામ આવી પડ્યું !હવે એ બાળકને કેવી રીતે ઉછેરવું ? એનાં જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કેવી રીતે ભરી દેવી ?

મા બાપ વિચારશે; “એને ભવિષ્યમાં શું બનાવીશું ? શું શીખવાડશું? ક્યાં ગુણો એનામાં ખીલવશું ? “ દેશમાં વળી એક વધારાનો પ્રશ્ન : એને ગુજરાતી મીડિયમમાં ભણાવશું કે અંગ્રેજી? અને આ બધા પ્રશ્નો તેમની ઉંઘ ઉડાવી દે !અને તેમની એ ચિંતા ખોટીયે નથી જ ! આપણે ગાડી લેવા જઈએ તો તેની સાથે ગાડી કેવી રીતે વધુ સમય સુધી સારી હાલતમાં રહે તે માટે ગાડીનું મેન્યુઅલ પણ આપે ! કોઈ સાધન કે મશીન લેવા જઈએ તો તેની રચના અને સંભાળ બાબતની પુસ્તિકા પણ તેની સાથે આપે! પણ બાળક આવી કોઈ પુસ્તિકાઓ લઈને જન્મતું નથી ! પણ હું તો જાણે કોઈ વેદ વ્યાસ કે મન્વન્તર મનુ ની જેમ બાળ ઉછેરની ફોર્મ્યુલા શોધતી હતી !

નવેમ્બર ૧૯૮૮ માં અમે દેશમાં આવ્યાં ,પણ પાછાં ફરીને જાણે કે તરત જ સ્કૂલ શરૂ કરવાનાં હોઈએ તેમ ઉત્સાહમાં ઘૂમતાં હતાં! ડે કેર માટે પેરેન્ટ્સ હેન્ડબુક પણ છપાવવી હતી ! આપણાં સંતાનોને જો માત્ર એક જ કલા શીખવાડવી હોય તો તે કઈ હોય? મારો આ સતત મન સાથેના વાર્તાલાપનો પ્રશ્ન હતો ! અમેરિકામાં કે ભારતમાં : બધી જગ્યાએ જે જડી બુટ્ટીની જેમ કામમાં આવે તેવો કયો ગુણ હતો જે વિષે મારે મારા ડેકેર સેન્ટરની ફિલોસોફી બુકમાં લખવું હતું ! ભગવાન બુદ્ધનાં માતા પિતાની જેમ મારે પણ મારી બાલવાડીનાં બાળકોને ટાઢ તાપ ; દુઃખ દર્દથી મુક્ત રાખવાં હતાં! એ અરસામાં બે ત્રણ વર્ષનાં બાળકને નાનપણથી જ પોપટીયું જ્ઞાન આપવાની પ્રથા હતી! તો નાનકડાં બે અઢી વર્ષનાં બાળકને મોટા ભાગે ટોયલેટ ટ્રેઈન કરવા માં બાપ ઉત્સુક હોય ! કોઈની ઈચ્છા હોય કે બે ત્રણ વર્ષનું બાળક અન્ય બાળકો સાથે હળી મળીને રમતાં શીખે ! તો કોઈ મા પોતાનાં બાળકને જાતે જમતાં , જાતે પોતાનાં કામ કરતાં શીખે એમ ઈચ્છે ! હું અમારી સ્કૂલનો હેતુ અને ધ્યેય વિષે સ્પષ્ટતા કરવા ઇચ્છતી હતી ! મેં દેશમાં જોયું કે ત્યાં તો વધુ પડતી વસ્તીને લીધે બધાં જ ક્ષેત્રે તીવ્ર હરીફાઈ હતી! જાણે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ સંઘર્ષ કરવો પડે !

એક રાત્રે મારી બાને મેં અમારાં સંતાનોને વાર્તા કહેતા સાંભળી ! સાત પૂંછડીવાળા ઉંદરની વાર્તા!! પંચ તંત્રની આ વાર્તામાં સંદેશો ભરપૂર ભર્યો હતો !ઉંદરને સાત પૂંછડી હતી એટલે બધાં એને ચીડવતાં હતાં! એણે એક પછી એક પૂંછડી કપાવી નાંખી ; તો પણ બધાનું ચીડવવાનું ચાલું જ રહ્યું!

“ લોકો તો બોલે ! ગામને મોઢે ગરણું ના બધાંય! બાએ સમજાવ્યું ; “ઉંદરે બધી પૂંછડીઓ કપાવી નાંખી! એને થયું કે હવે તો બધાં એની સાથે પ્રેમથી ભાઈબંધી કરશે ! પણ ના રે ! બધાંએ તો એને વધારે ખીજવ્યો ; ઉંદર બાંડો!” તો છોકરાંઓ , તમે જ કહો ઉંદર શું કરે?” બાએ સમજાવ્યું ;”આપણે જે કરવું હોય તે આત્મ વિશ્વાસથી કરવાનું !” મને ક્રિશ્ચમસ પરનું રુડોલ્ફ ધ રેડ નોઝ રૅડિટરનું ગીત યાદ આવી ગયું ! દરેક સંસ્કૃતિમાં આવાં આત્મ વિશ્વાસને વધારતાં બાળગીતો ને વાર્તાઓ છે! પાછળથી તો મેં આ વાર્તાની સર્કલ ટાઈમ રમત બનાવેલી અને ઘણાં વર્ષો અમારી સમર પાર્ટીમાં આનું નાટક પણ બાળકો કરતાં! આ જ વાર્તા બુક પ્રોજેક્ટમાં પણ ઘણી વાર વણી લીધી છે!

મેં બાળકનો આત્મવિશ્વાસ દ્રઢ થાય તે વિષયને પ્રાધાન્ય આપ્યું ! આત્મવિશ્વાસ પછી ઉદ્ધતાઈમાં પણ પરિણમે જો બાળકને યોગ્ય માર્ગદર્શન ના મળે તો! આત્મવિશ્વાસ તો જ વધે જો બાળકને એનાં કાર્ય બદલ પ્રોત્સાહન મળે તો! એનાં નાનકડાં પ્રયત્નને બિરદાવીને પરિણામનો સ્વીકાર કરતાં શીખવાડવું એટલે આત્મવિશ્વાસને નર્ચર કર્યું કહેવાય ! અને આપણે ત્યાં તો આત્મવિશ્વાસને દ્રઢ કરવા કહેવતો ય ઘણી છે! ઘોડે ચડે એ પડે! એટલે કે કાંઈ નવું કરીએ તો પછડાઈ પણ જવાય! પણ પ્રયત્ન જરૂર કરવો! જે ઘોડે ચઢે એ જ તો પડે !

વળી દરેક વ્યક્તિમાં કૈક તો સરસ છે જ!આપણે એને બહાર લાવીને બાળકને એ ગુણ માટે બિરદાવવાનું છે! ન્યુયોર્કનીFran Capo ફ્રેન કાપોને એક વાર રેડિયામાં સાંભળેલી ,તે વિષે આપણી વત્સલયની વેલીના વાચકોને જણાવું : એક વાર ફ્રેન ઘેર એમ જ બેઠેલી જયારે તેનો મિત્ર જે કોઈ રેડિયો સ્ટેશનમાં એનાઉન્સર હતો એણે ફ્રેનને રેડિયા પર કાંઈક બોલવાનું કહ્યું! “ હું શું બોલું ? મને તો કાંઈ આવડતું નથી ! હું કશાયમાં એવી હોશિયાર નથી!” એણે વિચાર્યું . પણ એના મિત્રે કહ્યું કે ગમે તે શોધી કાઢ ! તને કાંઈક તો એવું આવડતું હશે, વિચાર કર અને એક કલાકમાં સ્ટુડીઓમાં આવી જા! ફ્રેને વિચાર્યું કે એની મમ્મી કાયમ એને ટકોરતી હોય છે, કે ફ્રેન તું બહુ ઝડપથી બોલે છે! સહેજ ધીમે બોલ !

“બસ ! મેં નક્કી કર્યું કે હું ખુબ ઝડપથી બોલી શકું છું ! આ મારી વિશેષતા છે!!” ફ્રેને એ રેડિયો ઇન્ટરવ્યૂમાં કહ્યું! ‘દરેક વ્યક્તિમાં કાંઈક તો વિશેષતા હોય છે જ’

મેં પણ બધાં બાળકોમાં કાંઈક વિશિષ્ટ છે એમ એવોર્ડ દિવસ ઉજવવાનું નક્કી કર્યું!

મેં અમારી બાળ વાડીના બંધારણનું કામ પૂર જોશમાં શરૂ કર્યું હતું! સમયના પ્રવાહમાં ઘણું વિસરાઈ ગયું હશે , ઘણું આઉટ ડેટેડ પણ લાગે ; ઉંમર સાથે વિચારોની પકવતા આવતી હોય છે! એ વર્ષોમાં મારા વિચારોમાં એટલી પકવતા કે ઉંડાણ નહોતા ! સ્કૂલ શરૂ કર્યા બાદ પહેલે જ વર્ષે એક સમજુ અને સાલસ સ્વભાવનાં દંપતીએ મને કહ્યું હતું ;” અમારે અમારાં જોનાથાનને માનવતા અને પ્રેમના પાઠ શીખવાડવા છે ! એ કાંઈ પણ બને – કે ના બને, અમને તો જોનાથન દિલથી વ્હાલો છે અને રહેશે ! અમારે એના ઉપર કોઈ જ દબાણ નથી નાખવું !”

પણ આશ્ચર્યની વાત તો એ છે કે સાચું સમજીને જે કરતાં હોઈએ છીએ તે ઘણી વાર તદ્દન વિરુદ્ધ પણ હોય છે!

અને એક દિવસ આવ્યો જયારે દેશમાંથી આવીને , તહેવારો પૂરાં થયા પછી શુભ દિવસ જોઈને અમે શિકાગો ડાઉન ટાઉનમાં ડે કેર સેન્ટરની અરજી કરવાં ઊપડ્યાં! કદાચ અમારાં જીવનનો સૌથી વિચિત્ર દિવસ, સૌથી વધારે હતોત્સાહ કરે તેવો અંધાર સમય હવે શરૂ થવાનો હતો.. આજે વિધિ વશાત દેશમાંથી આ લખી રહી છું.. ત્રીસ વર્ષ પૂર્વે સમય પણ આવો જ હતો.. માત્ર ફર્ક એટલો જ કે ત્યારે વાત્સલ્ય વેલડીને ઉછેરી રહેલ હું આજે એ વેલડીનું સુંદર લતામંડપ જોઈને નિશ્ચિંન્ત છું, જયારે એ દિવસો જીવનના અતિ ચિંતિત દિવસો હતાં! આવતે અંકે એ અભિમન્યુના સાત કોઠાના પ્રવેશની વાત!!

૨૧ -કવિતા શબ્દોની સરિતા

તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ
સબસે હિલમિલ ચાલિયો નદી-નાવ-સંજોગ….

વાત બહુ સીધી અને સરળ છે પણ સમજીએ તો ગહન પણ એટલી જ છે અને સ્વીકારી લઈએ તો સુખ જ સુખ પણ આ ભાતભાતકે લોગમાં ય આપણે કેટલા લોકો સાથે હળી-મળીને રહીએ છીએ? અરે! સાવ આપણાં જ પોતાના સાથે સંપૂર્ણ સંમત નથી થઈ શકતા તો સ્વીકારી લેવાની વાત જ ક્યાં?

આપણે હંમેશા નહીં તો મોટાભાગે પણ સામેની વ્યક્તિમાં ક્યાંક કશુંક બદલવાની કોશિશમાં જ હોઈએ છીએ . કાયમ આપણે સામેની વ્યક્તિને આપણા ઢાંચામાં ઢાળવા માંગીએ છીએ. આપણા ગમા-અણગમા મુજબ એ વર્તે એવું ઈચ્છીએ છીએ અને આપણા પગ નીચે રેલો આવે તો કહી દઈએ કે ભઈ, હવે આ મોડલમાં કોઈ ચેઈન્જ નહી થાય. હું જેમ છું એમ જ રહીશ. જેમ છું એમ જ મને સ્વીકારો.. આ સત્ય સૌથી વધુ તો પતિ-પત્નિને લાગુ પડે છે.

અને તેમ છતાં આ એક સત્ય પણ એટલું જ લાગુ પડે છે કે પતિ-પત્નિનો સંબંધ જ સૌથી છેવટ સુધીનો. આ વાત લગભગ મોટાભાગના લોકો માટે હકિકત છે. આપણા જીવનમાં આવતી પ્રત્યેક વ્યક્તિઓમાં જો પસંદગીની અગ્રતા આપવાનું કહેવામાં આવે તો આપણે કોને આપીશુ?

આ અંગે અહીં એક વાત કહેવાનું મન થાય છે.એક પતિ-પત્નિને ઘણાં સમય પછી અનેક બાધા આખડીઓ અને તબીબી સારવાર ફળી અને સંતાનયોગ પ્રાપ્ત થયો.પુત્ર  જન્મ પછી પત્નિ તો માત્ર મા બની ગઈ. પુત્ર પર જ ઓળઘોળ..એટલી હદે પુત્રમય થતી ગઈ અને પતિ હાંસિયામાં ધકેલાતો ગયો. એની એક એક ક્ષણ માત્ર અને માત્ર પુત્ર માટે જ. દિકરો મોટો થતો ગયો એમ એમ એની પાછળ એ વધુ ને વધુ રોકાતી ચાલી. ક્યારેક તો આ મન્નતથી  માંગેલા માટે મનના માણીગર સાથે વાક્-યુધ્ધ કે અબોલા સુધી વાત પહોંચી જતી. સાવ ખુલ્લી આંખે એનો પુત્ર પ્રત્યેનો સ્નેહ સૌને દેખાઈ આવતો.

એક દિવસ કોઈએ એને પૂછ્યું…“ભવિષ્યમાં કોઈ એકની જ સાથે રહેવાનો નિર્ણય લેવો પડશે તો તું કોની સાથે રહીશ? તું કોની સાથે હોઈશ?

ક્ષણનાય વિલંબ વગર પત્નિએ કહી દીધું “ સાથ તો જીવનના અંત સુધી તો પતિનો જ હોય ને. કેમ કોઈ શંકા છે?”“અરે?” ..પ્રશ્ન પૂછનારને તો  કંઇક જુદા અને એણે ધારેલા જવાબની અપેક્ષા હતી પણ એને બદલે અનપેક્ષિત જવાબ સાંભળીને આશ્ચર્ય વધુ થયું. પૂછનારનું આશ્ચર્ય જોઈને પત્નિએ ખુબ સરસ જવાબ આપ્યો..“મને ખબર છે આજે મારા માટે મારો દિકરો કેન્દ્ર સ્થાને છે કારણક આજે એ મારા પર નિર્ભર છે. કાલે એ સ્વનિર્ભર થશે. આજે એ મારી દુનિયા છે. કાલે એની દુનિયામાં અન્ય કોઈનો પ્રવેશ થશે.એની પ્રાયોરિટી બદલાઈ જશે. એની ક્ષિતિજો વિસ્તરશે ત્યારે એના કેન્દ્ર સ્થાને અન્ય કોઈ હશે. એ અમારી સાથે હશે, અમે એની સાથે રહી શકીશું તો એને અમારા ભાગનું સુખ માનીને સ્વીકારી લઈશું. સાથે નહીં હોય તો એ વાસ્તવિકતાને પણ સ્વીકારવાની તૈયારી છે જ પણ જેની સાથે છેડાછેડી બંધાઈ છે એ તો જીવનના અંત સુધી બંધાયેલી રહેશે જ. એ જ મારું સત્ય છે.”

આ સત્યના સ્વીકાર સાથે જ જીવેલું જીવન એના અંત સુધી મઝાનું રહેશે.વધતી જતી ઉંમર સાથે એકબીજા પરત્વે- એકબીજા પ્રત્યે આપણે વધુ ને વધુ સજાગ બનતા જઈએ છીએ. આપણી જાત કરતાં ય વધુ જીવનસાથીની ચિંતા કરતાં થઈ જઈએ છીએ. પહેલાં બહાર ગયેલી વ્યક્તિ ઘરે પાછી આવે ત્યાં સુધી એની રાહ જોવામાં મીઠ્ઠી અધીરાઈ રહેતી એમાં હવે ઉચાટ ભળે છે. પહેલાં એને આવતા વાર લાગતી તો આપણો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. હવે જો આવતા મોડું થાય તો ચિંતાથી પ્રેશરનો પારો ઊંચે ચઢવા માંડે છે.બહુ જ હસવા જેવી વાત છે પણ હકિકત હસવામાં કાઢવા જેવી નથી. રાત્રે પતિના નસકોરાંથી ઊંઘ ઊડી જતી હોય એવી પત્નિને હવે પતિના નસકોરા ન સંભળાય તો ઊંઘ ઊડી જાય છે. ઉંમર જતાં જો પતિના જો નસકોરાં ધીમા પડે કે શાંત પડે તો ચિંતાના લીધે ઊંઘમાં ખલેલ પહોંચે છે. ચિંતાથી જાગીને એ પતિને હડબડાવીને પૂછી લેશે ..”બધુ બરોબર છે ને? કેમ ઊંઘ નથી આવતી? ના..આ તો જરા નસકોરા ના સાંભળ્યાને એટલે પૂછી લીધું”

શું છે આ બધું ?

વર્ષો પહેલાં એકબીજાને બદલવાની કોશિશ કરતાં કરતાં વર્ષોના સાથ પછી એકબીજાથી ટેવાતા જઈએ છીએ. પહેલાં સામેની વ્યક્તિને બદલવાના આયાસો નિષ્ફળ જાય તો અકળાઈ જતાં હવે એની આદત બદલાય તો અનુકૂલન સાધવાનું અઘરુ પડે છે. એને એની તમામ સારી-નરસી, સાચી-ખોટી આદતો સાથે સ્વીકારી લેવાની આપણને ટેવ પડતી જાય છે અને એનું કારણ પણ આપણે જાણીએ છીએ કે

ભલે ઝગડીએ, ક્રોધ કરીએ,એકબીજા પર તુટી પડીએ,

એકબીજા પર દાદાગીરી કરવા,છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આ છેલ્લી ઘડીના સાથનું મહત્વ ત્યારે સમજાય છે જ્યારે સાચે જ એકલા પડવાનો એહસાસ મનમાં જાગે છે.

નસીબદાર છે એવા કેટલાય કે જેમની છેલ્લી ઘડીએ પણ એમનો પરિવાર સાથે હોય છે. બાકી તો ઘણાં ય એવા છે કે જેમણે સ્વીકારી લીધું છે કે હર્યો-ભર્યો માળો છોડીને પોતાનું આકાશ આંબવા ઉડી ગયેલા પક્ષીઓ પછી એ માળાના  તણખલા સાચવતા આપણે બે જ હોઈશું. વર્ષોથી ચાલતા આવતા રીસામણા-મનામણા અને લાડ માટે પણ છેલ્લે તો આપણે બે જ હોઈશું.

આંખોની રોશની ઝાંખી થશે, યાદશક્તિ પણ પાંખી થશે ત્યારે એકમેકનો હાથ ઝાલવા પણ આપણે બે જ હોઈશું અને અંતે


     સાથ જ્યારે છૂટતો જશે,વિદાયની ઘડી આવી જશે,

ત્યારે, એકબીજાને માફ કરવા,છેલ્લે પણ આપણે બે જ હોઈશું.

Rajul Kaushik

http://www.rajul54.wordpress.com

દ્રષ્ટિકોણ 32: દુર્લભ રોગ (rare diseases) – દર્શના

શનિવારે પ્રકાશિત થતી “દ્રષ્ટિકોણ” કોલમ ઉપર હું દર્શના વારિયા નાડકર્ણી તમને આવકારું છું.  આજે “રેર ડીઝીસ” “દુર્લભ રોગ” વિષે વાત કરીએ.  એવા ઘણા દુર્લભ રોગ છે જેને અનાથ રોગ પણ કહેવાય છે, કેમ કે તેના નિવારણ ઉપર ઘણા લોકો કામ કરતા હોતા નથી. દુનિયા માં 6000 થી ઉપર એવા દુર્લભ રોગ છે. કદી જોયા ન હોય એવા વિચિત્ર રોગ ધારણ કરનાર રોગીઓ પણ ક્યારેક વિચિત્ર લાગે અને તાકી તાકીને જોવાની આપણે ભારતીયોને ક્યારેક એવી ટેવ હોય છે. તો આશા છે કે આ બાબત માં થોડું જ્ઞાન મેળવી આપણે આવા રોગ ને અને રોગીઓને ધિક્કાર કે કુતુહલ થી નિહાળવાની બદલે અનુકંપા ની દ્રષ્ટિ થી જોશું.
કઈ પ્રકારના દુર્લભ રોગ હોય છે તેના વિષે થોડી વાત કરીએ.
* Proteus syndrome (પ્રોટિયસ સિન્ડ્રોમ): આ એવી પ્રકારનો રોગ છે કે તેમાં શરીરમાં રહેલી પેશીઓ (ટિશ્યૂઝ) વધ્યાજ કરે છે. દરેક ને તે જુદી રીતે અસર કરે છે. કોકના હાથ વધ્યા કરે, કોક નો એકજ હાથ વધ્યા કરે અને કોક ના પગ અથવા એકજ પગ વધ્યા કરે અને કોક નું માથું કે શરીર નું બીજું કોઈક અવ્યય વધ્યા કરે.
* Fibrodysplasia ossificans progressiva (FOP): (ફાઇબરોડિસપ્લેસિયા ઓસિફિકાન્સ પ્રોગ્રેસીવા) ટૂંક માં (FOP) એવો જ એક ભયાનક રોગ છે જે આખી દુનિયામાં લગભગ 2 મિલિયન લોકોને જ છે. તેમાં વ્યક્તિ પોતાના હાડકા ના પિંજરા માં કેદી બની જાય છે. આ રોગ માં હાડકા વિકસતા જાય છે અને વ્યક્તિના હાડપિંજર જોડે જોડાતા જાય છે. ધીમે ધીમે વિકસતા જતા હાડકાની અંદર માણસ ભીંસાતો જાય છે અને ધીમે ધીમે તેની પ્રવૃત્તિ રૂંધાતી જાય છે અને ભીંસાતી વ્યક્તિ પોતાના હાડકામાં રૂંધાઈને મોત ને ભેટે છે.  અમેરિકા માં હેન્રી ઇસ્ટલેક નામના બાળક ને આ રોગ હતો. તે 39 વર્ષે મૃત્યુ પામ્યો ત્યારે તે માત્ર તેની જીભ હલાવી શકતો હતો બાકી બહારના કોઈ પણ અવ્યય ને તે હલાવી શકતો ન હતો. આ રોગ વિષે નીચેના વિડિઓ માં જોઈ શકશો.
Image result for bubble boy, rare diseases* Severe combined immunodeficiency, SCID: (સિવિયર કમબાઇન્ડ ઈમ્યૂનોડેફિશિનઝિ અને ટૂંક માં સ્કીડ) T cells અને B cells ના genetic mutations ને લીધે થાય છે. આ રોગ હોય તે વ્યક્તિમાં કોઈ પણ જંતુઓનો સામનો કરવાની તાકાત હોતી નથી. આવા બાળકોને કોઈ પણ સહાય ન મળે તો તેઓ એક વર્ષ ની અંદર મૃત્યુ પામે છે. પરંતુ મેડિકલ પ્રગતિ ને લીધે હવે તેઓ બબલ ની અંદર રહીને ઉછરી શકે છે અને તેઓને બબલ બેબી તરીકે ઓળખાય છે. ડેવિડ વેટર નામનો છોકરો ઘણા વર્ષ આ રીતે જીવિત રહેલો. તે એવા બબલ ની અંદર જીવિત રહેલ કે તેને ક્યારેય કોઈ અડકી ન શકે અને તે બહારની વસ્તુઓને એકદમ સાફ કાર્ય વગર હાથ લગાવી ન શકે.
* Moebius Syndrome (મોબીયસ સિન્ડ્રોમ): આ રોગ હોય તે લોકો સ્મિત કરી શકતા નથી. તે લોકો ફ્રાઉન પણ નથી કરી શકતા અને આય બ્લિન્ક પણ નથી કરી શકતા. તેઓના ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના હાવભાવ વર્તાઈ શકતા નથી.
*  water allergy or “aquagenic urticaria” : પાણી ની એલર્જી જન્મ થી નથી હોતી પણ યુવાવસ્થામાં ઉત્પન્ન થાય છે. મૉટે ભાગે એક મા બાળક ને જન્મ આપે તે પછી તેને ક્યારેક આ રોગ થાય છે. આજ સુધી માં માત્ર 30 કિસ્સા નોંધાયા છે. તાજેતરમાં ઇંગ્લેન્ડ માં 21 વર્ષની યુવતીને તે રોગ થયો અને ત્યાર બાદ તે બિલકુલ પાણી પી સકતી નથી અને અઠવાડિયામાં એક વાર 10 સેકેન્ડ માં નાહી લ્યે છે નહિ તો તેને આખા શરીરે ખુબ બળતરા અને રાશ થાય છે. તે માત્ર ડાઈટ કોક પી શકે છે.
* Guillain-Barre syndrome (ગીયાનબારે સિન્ડ્રોમ): આ રોગ અચાનક જ શરીરમાં આવે છે.  શરીર ની ઇમ્યુન સિસ્ટમ જે બહાર ના રોગી જંતુઓનો સામનો કરે છે તે સિસ્ટમ આ રોગ માં પોતાના શરીર નો સામનો કરવા માંડે છે. એકદમ જલ્દી ફેલાતા આ રોગ માં વ્યક્તિ પેરાલાઇસ પણ થઇ શકે છે. આ રોગ થી વ્યક્તિને બોલવા, ચાલવા, ખાવા, પીવા, બાથરૂમ જવામાં અડવડતા થાય છે. જેવી ઝડપ થી આ રોગ આવે છે અને ફેલાઈ છે તેવીજ ઝડપ થી ક્યારેક આ રોગ ચાલ્યો જાય છે અને ક્યા કારણ થી આ રોગ આવે છે તેની મેડિકલ વિભાગ માં પુરી જાણકારી નથી. મારા બે મિત્રોને આ રોગ થયેલો અને બંને હવે સારું સ્વાસ્થ્ય ધરાવે છે.  
તો આ દુર્લભ રોગ દિવસ શા માટે છે અને આજે આપણે શા માટે તેના વિષે વાત કરી રહ્યા છીએ?
દુનિયા માં આવા 6000 જેટલા રોગ છે. અમેરિકામાં 2 લાખ થી ઓછા લોકોને આવા રોગ થાય છે. તેથી ભાગ્યેજ કોઈ કંપની કે વૈજ્ઞાનિક તેનું નિવારણ શોધવા માટે કામ કરતા. કેમ કે આવા રોગો આટલા દુર્લભ હોય તો તેઓ તેના નિવારણ ઉપર વર્ષો કામ કરે અને તેની કયોર શોધે તે પછી તેમાં તેમને શું વળતર મળે? અને તેવીજ રીતે આવા દુર્લભ રોગો નો સામનો કરનાર વ્યક્તિ પણ ખુબ એકલતા અનુભવે છે અને તેમને મિસ ડાયગ્નોસિસ અને લોકોના પૂર્વગ્રહ નો સામનો કરવો પડે છે. પણ હવે આવા દુર્લભ રોગોને સમજવા માં ઘણી પ્રગતિ થઇ રહી છે. દુર્લભ રોગ દિવસ નો હેતુ લોકોમાં, સમાજમાં, મેડિકલ વિભાગોમાં અને નીતિ વિભાગોમાં તેના વિષે જાણકારી અને સમજણ વધારવા માટે નો છે. તેમજ હવે જેમને આવા દુર્લભ રોગ હોય તેઓના જૂથ બન્યા છે અને તેઓ એકબીજા જોડે નવી શોધ થાય તેની આપ લે કરે છે.
નવા માર્ગદર્શન અનુસાર FDA પણ દુર્લભ રોગો (જેના બે લાખ થી ઓછા કિસ્સા અમેરિકામાં નોંધાયા હોય), જેના ઉપર વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા હોય તેઓના માર્ગ માંથી વિઘ્નો હટાવી અને તેમને દરેક રીતે અનુકૂળતા મળે તે માટે સહાય કરી રહ્યા છે. હવે આવા રોગ ના નિવારણ ઉપર ઘણા વૈજ્ઞાનિકો અને નાની નાની  કંપની હવે કામ કરી રહી છે.
ભારત માં ઉછરતા મને ખ્યાલ આવ્યો નહિ કે જુદા દેખાતા લોકોને તાકી તાકી ને જોવાની કેવી આદત આપણા ભારતીઓમાં હોય છે. પણ દર વર્ષે હું મારી દીકરી ને લઈને ભારત જતી અને તે હંમેશ મને કહેતી કે — મમ્મી અહીં બધા હંમેશા આપણી સામે તાકી તાકીને કેમ  જોવે છે? મારી દીકરી ના પહેરવેશ અને વાતો પરથી તુરંત બધા સમજી જતા કે આ વિદેશ થી આવેલ લાગે છે. અને એક થોડું પણ જુદું માણસ દેખાય તો લોકો ટગર ટગર જોવા લાગે. હવે તે બાબતમાં હું પણ સંવેદનશીલ થઇ ગઈ છું. બે વર્ષ પહેલા હું એકલી દિલ્લી થી અમૃતસર જવા નીકળી. ટ્રેન માં હું મારી ચોપડી વાંચતી હતી. અચાનક મેં ઉપર જોયું તો આજુ બાજુ બેઠેલા ચાર પુરુષો મારી સામે તાકી ને જોઈ રહ્યા હતા. આ રીતે વ્યક્તિને આપણે સંકોચ અનુભવતા કરી દઈએ છીએ.  તો આવી જાણકારી મેળવીને આશા છે કે આપણે કોઈને તાકી ને જોવા ની બદલે તેમની જોડે મૈત્રીભાવ કેળવી શકીએ. 
નીચેના વિડિઓ માં દસ બીજા દુર્લભ રોગ વિષે જાણકારી મેળવી શકશો.
https://www.youtube.com/watch?v=SsGA_u1ihNs
www.darshanavnadkarni.wordpress.com , Darshana Varia Nadkarni. Rare diseases, દ્રષ્ટિકોણ, દુર્લભ રોગ, perspective,

વિશ્વ માતૃભાષા દિવસ


મને વ્હાલી,
મારી મા, દેવી મા,માતૃભૂમિ, માતૃભાષા,
માતૃભાષા મારી ઓળખ છે.
મારી આન અને શાન છે.
માતૃભાષાની ભીતરમાં ખીલેલું પુષ્પ ક્યારેય કરમાતું નથી.
તે તેની સુવાસ સ્વરૂપે સદાય સુગંધિત બનીને વિશ્વમાં પમરાય છે.
મને ગૌરવ છે મારી માતૃભાષાનો .
સૌને વિશ્વ માતૃભાષા દિવસની હાર્દિક શુભકામના.

૧૭ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં

આપ એટલે શું? આપ એટલે પોતે, પોતાની અંદર રહેલો આત્મા, રામ, ઇશ્વર. બળ માટે સ્વાધ્યાય જરૂરી છે. “સા વિદ્યા યા વિમુક્તયે” એટલે કે જે કંઇ ક્ષણભંગૂર, મિથ્યા કે અસત્ છે તેમાંથી આપણને મુક્તિ અપાવે, આપણી ગાંઠો છોડાવે, તોડાવે તેવાં જ્ઞાનથી માણસ વધુ બળવાન બને છે. આપ મેળે અધ્યયન કરી શ્રધ્ધા, એકાગ્રતા, સમર્પણ ભાવ, શ્રમપરાયણતા અને સત્યાગ્રહવૃત્તિ કેળવવી જરૂરી છે. નેપોલિયન આલ્પ્સ પર્વત ઓળંગી શક્યો એમાં સંકલ્પશક્તિનું બળ હતું. સંકલ્પ સાથે “કાર્ય સાધયામિ દેહમ્ પાતયામિ વા”, એવો જુસ્સો રહેવો જોઈએ. બીજા દ્વારા સ્વાધ્યાયનું કામ કરાવવુ એ જાતે ભક્તિ કરવાને બદલે કોઈને પગારે રાખીને ભક્તિ કરાવવા જેવી વાત છે. હા, અન્ય પ્રેરકબળ માણસને ઘડવામાં મદદ કરે છે પરંતુ પોતાની જાત જેવું પ્રેરકબળ એકેય નથી. પરિસ્થિતિ બદલાતી નથી પરંતુ મનઃસ્થિતિ બદલવાની શક્તિ માણસમાં હોય છે. તે જ તેનું બળ બને છે. જેને કારણે ગમે તેવા સંજોગો સામે વ્યક્તિ અડીખમ રહી શકે છે.

જેને કંઈક કરવું છે તે પોતાનાં સ્વાધ્યાય યજ્ઞમાં અનિષ્ટોને દૂર કરવા પુરુષાર્થ કરીને ઝઝૂમે છે. ગોખલે, સરદારપટેલ, અબ્રાહમ લિંકન, એ. પી. જે. કલામ જેવી વ્યક્તિઓ તેમના જીવનમાં આવતાં ભૌતિક અવરોધોને ગાંઠતાં નહીં, પરિસ્થિતિ સામે હાથ જોડીને બેસી રહેતાં નહીં. તેઓ જીવન સામે ઝઝૂમીને પોતાનાં જીવનનાં પોતે જ ઘડવૈયા બન્યાં. “આપણે જ આપણાં ઘડવૈયા”. ઈતિહાસમાં આવાં અનેક ઉદાહરણ છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નબળો સુથાર જ તેનાં વાંસલા વિંધલાનો વાંક કાઢે છે તેમ પોતાની કાયરવૃત્તિ કે દૈત્યવૃત્તિને, વાંધાવિઘ્નોને છતી આંખે આંધળા અને છતે પગે પાંગળા જેવો ઘાટ ઘડનારનું આમાં કામ નહીં. અર્જુનના મુકાબલે “સિદ્ધિ એકલવ્યને જઈને વરી હતી. તેના માટે આપમાં રહેલાં આપને જગાડવો જ રહ્યો. કહેવાય છે, સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય”. મનુષ્ય અને પ્રાણીઓમાં એક તફાવત સાહસનો છે. હજારો વર્ષોથી પ્રાણી જે જાતનું જીવન જીવતું હોય છે એ જ જાતનું જીવન તે આજે પણ જીવ્યા કરે છે. કાગડો ઊંચે માળો બાંધે અને તેતર જમીન પર, ખિસકોલી ઝાડ ઉપર રહે અને ઉંદર જમીનમાં દર બનાવે છે. કુદરત ફરજ ના પાડે ત્યાં સુધી પ્રાણી કોઇ ફેરફાર પોતાની ઇચ્છાથી કરતું નથી. જ્યારે માણસમાં સાહસ છે, નવું કરવાની વૃત્તિ છે, કુતૂહલ છે. “આપો દીપો ભવઃએટલે કે અંતરનું અજવાળુ આપણું પથદર્શક બને તે જરૂરી છે. ચિનગારી આપણી ભીતરમાં ભારેલી હોય છે. માત્ર જાગૃતિની એક ફૂંકની જરૂર હોય છે.

મેઘ સમાન જળ નહીં“, મેઘમાં એ શક્તિ છે કે જ્યારે તે ખાંડાની ધારે વરસે ત્યારે સ્થળને જળમાં ફેરવતાં વાર નથી લાગતી. ખાંડાનાં ખેલ ખેલવા એ માર્ગ કાયરનો નથી. આપને જગાડવાની વાત છે. આ વાત માતૃભૂમિ માટે શહીદ થનારને લાગુ પડે છે. “પરથમ પહેલું મસ્તક મૂકી૪૪ ભારતીય જવાનો પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ બન્યાં છે. આજે ભારત દેશમાં આતંકની હોળી પ્રગટી છે. આતંકની ઉધઈ સમગ્ર વિશ્વમાં ના પ્રસરે તે જોવાનું કામ દરેક વ્યક્તિનું છે. રાવણવૃત્તિ ધરાવનાર આતંકવાદીઓનાં આતંકનાં રાક્ષસને બાળવા માટે આપમાં રહેલાં રામને જગાડવો જ રહ્યો. વાત આંતરજાગૃતિની છે. “આતંકવાદીઓકો માફ કરના કે નહીં, ઈશ્વરકા કામ હૈ, લેકિન ઉનકો ઇશ્વરસે મીલાના હમારા કામ હૈ.” આ તમામ ભારતીયોના અંતરાત્માનો ચિત્કાર છે. આપમાં રહેલો આપ જાગે છે ત્યારે તેનો જુવાળ રાવણ જેવા રાક્ષસોનું નિકંદન કાઢવા માટે તૈયાર હોય છે. આતંકવાદીઓની લોહીયાળ ચાલ સામે ભારતીય સૈનિકોનો આત્મા ખલબલી ગયો છે. હાથ બાંધીને દોડાવો તો દોડી ન શકાય. ગન આપી હોય પણ બુલેટ વગર શું થાય? પરિણામે હાલમાં ભારતનાં પી. એમ.એ સૈનિકોને છૂટો દોર આપ્યો છે. શ્રી કૃષ્ણે પણ શિશુપાલની સો ગાળ જ સહન કરી હતી. એકસોએકમી ગાળે શિશુપાલે વધેરાવું પડ્યું હતું. લોકો કહે છે હવે તો “એક ઘા ને બે નહીં, અનેક કટકા અને રાષ્ટ્રાર્પણ.

શહીદ પિતાની અંતિમવિધિમાં પાંચ વર્ષના માસૂમે આતંકવાદીઓને ધમકી આપી, “મને બંદૂક આપો, હું આતંકીઓને નહીં છોડું”. હમણાં, અમદાવાદમાં એક કાર્યક્રમમાં બાળકો સ્ટેજ પર તીરંગામાં લપેટેલું શહીદનું કોફીન લઈને આવે છે અને બોલે છે, “અગર તીરંગા નહીં લહેરા સકે તો તીરંગામે લપટ કર આયેંગે હમ”. આવાં જોશીલા દેશભક્તિ માટેનાં પ્રેરક વાક્યો બાળકોને બોલતાં જોયાં ત્યારે લાગે છે કે આતંકવાદીઓને જડબાતોડ જવાબ ભારતીય સૈનિકનું બળ જરૂરથી આપશે. આતંકવાદીઓને ખબર નથી કે એક ચિનગારી જંગલોનાં જંગલ બાળી શકે છે. ખલિલ જિબ્રાને કહ્યું હતું, “તમારી પાસે જે છે તેમાંથી આપો એ ખરું દાન નથી, તમે ખુદને અર્પણ કરો એ ખરું દાન છે”. આજે ભારતનાં સૈનિકોએ એ કરી બતાવ્યું છે. હવે “આપ સમાન બળ નહીં” એ ચાણક્યનીતિ અપનાવવી રહી. હાલની ભારેલા અગ્નિ જેવી ભારત દેશની સ્થિતિ આ કહેવત સાચી પાડશે. શહીદો અને તેમનાં પરિવારજનોની કુરબાની એળે નહીં જાય.

સંવેદનાના પડઘા- ૨૦ અમર વો નવજવાં હોગા

ભીગોકર ખૂનમેં વર્દી ,કહાની દે ગએ અપની

મહોબત  મુલ્કકી, સચ્ચી નિશાની દે ગયે  અપની

મનાતે  રહે ,વેલેનટાઈન ડે હમતુમ

વહાં કશ્મીરમેં સૈનિક જવાની દે ગયે અપની

આપણે સૌ જ્યારે વેલેનટાઈન ડે મનાવી રહ્યા હતા ત્યારે કાશ્મીરના પુલવામામાં ૪૪ જવાનો આતંકવાદી હુમલામાં શહીદ થઈ ગયા.આખા ભારતદેશમાં આજે  સન્નાટો છવાઈ ગયો .એક એક ભારતીઓનું દિલ આજે અસહ્ય વેદનાથી રડી રહ્યું છે.બધાંના મન મસ્તિષ્કમાં આતંકવાદી માટે ગુસ્સા અને બદલાનો લાવા પ્રજ્વલિત છે .દેશવાસીઓ એકજૂટ થઈને શહીદોના પરિવારની સાથે હોવાનું  જતાવી રહ્યા છે ત્યારે આપણે  પણ દેશપ્રેમ કે દેશદાઝ સિવાયની કોઈપણ સંવેદના કેવીરીતે અનુભવી શકીએ ????????

બધા જુદા જુદા મીડિયા અને ટીવી પરનાં સમાચારોને જોઈને ઝંઝોડાયેલ મારું વિક્ષિપ્ત મન મોડી રાત્રે ઊંઘમાં પણ જાગતું જ રહી સપનામાં પહોંચી ગયું મારા વતનમાં.

દિલ્હીમાં  જવાનોના એ  ચુંવાલીસ કફનને જોઈને મારી છાતી દર્દથી ફાટી રહી હતી. મોદીજી પોતાના પરિવારના સદસ્યના અંતિમ સમયે ઘરની વ્યક્તિઓ પ્રદક્ષિણા કરે તેમ અતિ વ્યથિત હ્રદયે જવાન શહીદોના કફનની પ્રદક્ષિણા કરી રહ્યા હતા.મોદી વિરોધીઓ તેમને આજે જે કહેવું હોય તે કહે. તેમના રાજકારણ અંગે મને કોઈ ચર્ચા નથી કરવી.આ સમય પણ નથી તેનો પણ એક ખરા દેશસેવકની વેદના તેમના મુખ પર છવાએલી હતી અને તેમના અવાજમાં પણ હરએક ભારતવાસી જેવાજ દર્દ અને ગુસ્સો ઘુંટાએલ હતો.જેમણે દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે તેમની પર કોઈ પણ જાતના આરોપ મૂકવા કે સલાહો આપવી વ્યાજબી છે???એના માટે બધાંએ ધૈર્ય ધરવું તેજ માત્ર રસ્તો છે ,તેમના પર દબાણ નહી વધારવાનો. તેઓ ચોક્કસ આ આંતકવાદી હુમલાનો જવાબ આપશેજ એવો વિશ્વાસ રાખવો જોઈએ.

ભારતનાં દરેક જુદા જુદા રાજ્યના આ શહીદ જવાનો હતા.કાશ્મીરથી લઈને કેરાલા અને ગુજરાતથી લઈને આસામ -કોઈ રાજ્ય બાકી નહી.બધાં શહીદોના કુટુંબીઓની સાથે દેશનો એક એક નાગરિક ક્રિકેટર,એક્ટરથી માંડીને એક નાનામાં નાનો કામદાર પણ  છે.બધાં  તેમને મદદ કરવા તેમજ દુ:ખની પળોમાં હિંમત આપવા તૈયાર છે.દેશ આજે પોતાના બધા મતભેદ અને જાતિવાદ ભૂલીને એકજુટ થઈ ગયો છે તે જોઈને મારી છાતી ગજ ગજ ફૂલી ગઈ છે.દેશનાં રાજ્યો,જાત,ભાષા જુદા જુદા છે પણ તિરંગો ધ્વજ બધાનેા એક જ છે.

હું તો જાણે એકએક કફન પાસે ઊભી રહું છું અને એકએક યુવાનના કુંટુંબીજનોની સંવેદના મારી આંખ સામે એક પછી એક દેખાયછે.

જવાનની માતા,પિતા,ભાઈ,બહેન,પત્ની અને ફુલ જેવા અનાથ બાળકો ની જગ્યાએ મારી જાતને મૂકું છું ત્યારે મારા છાતીના બધા બંધ તૂટી જાય છે સપનામાં પણ હું અનરાધાર વરસી પડું છું.મેઘાણીનો “કોઈને લાડકવાયો “ યાદ આવી જાય છે.જે જવાનને લગ્ન કરીને કંકુના થાપા દેવાના છે તે જવાન શહીદ થઈ પોતાના લોહીના થાપા તિરંગા ને દઈ જાયછે.તેના માતા – પિતા ,કુટુંબી જનોના હ્રદયના વિચાર માત્ર થી આખું શરીર કાંપી ઊઠેછે તેની પ્રિયતમાનો અવાજ જાણે કહેતો સંભળાય છે

છન સે તૂટે કોઈ સપના,જગ સુના સુના લાગે,કોઈ ન રહે જબ અપના,જગ સુના સુના લાગે……..

યે …….તો કયું હોતા હૈ…. મૈં તો જીઆ ન મરાં,હાય દસ મૈં કી કરા……….

જબ યે દિલ રોતા હૈ….રોયે સીસક સીસક કે હવાએ….રુકી રુકી સારી રાતે ………..

                                                                                

આ લોકો ની હાલત જોવાય તેવી નથી.જેમણે કાલે પાછા આવવાનો અને ફોન કરવાનો વાયદો કર્યો હતો તે વાયદો તોડીને હંમેશ માટે ચાલ્યા ગયા તે વાત તેમનું મન માનવા તૈયાર નથી.૪૪માંથી ૨૫ ના બાળકો હજુ પાંચ વરસથી પણ નાના છે અને એક બે તો હજુ માના ઉંદરમાં છે. તેની મા તો પતિના આવવાની રાહ જોઈ રહી છે કે ક્યારે તેનો પતિ આવે અને તેના ઉદરમાં ઉછેરી રહેલ અંશ ને તેના પેટ પર હાથ ફેરવી કહે બેટા હું આવી ગયો છું તને આ દુનિયામાં સત્કારવા માટે.૫ણ અરે ! હવે તેને  તો તેના પિતા ફોટામાં જ જોવાના છે.

એમાં એવી પણ માં છે જેણે પોતાના પતિને ગુમાવ્યો છે છતાં મા ભોમની રક્ષા માટે પોતાના દીકરાને સૈન્યમાં મોકલવા તૈયાર છે.ધન્ય છે તે જનનીને ,તે મા ની હિંમત અને દેશપ્રેમને .મને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરવાનું મન થાય છે.કોઈનો ત્રણ વર્ષનો દીકરો તેના પિતાના કફનને સલામ કરે છે અને આ નિર્દોષને કાલે પોતાના હાથે પિતાને  અગ્નિદાહ  આપવાનો છે .કોઈ જવાનની બે વર્ષની દીકરીએ પિતા પાસે મંગાવેલ ઢીંગલી તેના કફન સાથેના સામાનમાં આવી છે ત્યારે દીકરી ની માં ઢીંગલીને જોઈને પૂછે છે કે તમારા વગર મારી દીકરીને કોણ આ ઢીંગલી સાથે રમાડશે?જે જવાનના લગ્નને હજુ વરસ પણ પૂરું નથી થયું તે તેના પતિના મૃતદેહને I love you કહી મસ્તક પર ચુંબન આપે છે ત્યારે એક નસહેવાય તેવી વેદનાના ચિત્કારથી છાતી ભીંસાઈ જાયછે.કોઈ બહેન તેના ભાઈના લગ્ન માટે પિયર આવી છે અને વરયાત્રામાં જોડાવાને બદલે સ્મશાનયાત્રામાં જોડાય છે. આ દરેક શહીદના માતપિતા ભગવાનને કહી રહ્યા છે કે ભગવાન તારે જાન લેવી હતી તો અમારી લેવી હતી જેણે હજુ જિંદગીને પૂરી જોઈ,જાણી કે માણી નથી તેવા મારા દીકરાની શું કામ લીધી??તે માબાપના હૈયાફાટ રુદન માટે શબ્દો ઓછા પડે છે.આ જવાનોની યુવાન પત્નીઓ અને ફૂલ જેવા બાળકોને લોકો અને સરકાર પૈસાની મદદ કરશે પણ તેમના પતિ-પત્ની,માતા-પિતા,ભાઈ-બહેન અને બાળકોને તે શહીદ સાથેના સંબંધના પ્રાણવાયુ  કોણ પૂરશે?????????? અને મારી સંવેદનાએ માઝા મૂક્યા……….

દુ:ખ એ વાતનું  છે કે યુદ્ધ કરતા કરતા આ જવાનો શહીદ થયાં હોત તો આ લોકો એમ વિચારત કે દેશની રક્ષા કરતા જાન ગુમાવી પણ કાયર આતંકવાદીઓના  હાથનો  શિકાર બન્યા આ જવાનો.!!આંતકનું ઝેર કુમળા મગજમાં ભરનાર આંતકવાદીઓ અને તેમને પનાહ આપનાર દેશને કોઈપણ ભોગે સબક શિખવાડવો જ રહ્યો.

હવે દેશ અને દુનિયાએ એકસાથે રહીને આંતકવાદને કોઈપણ ભોગે નાથવો જ રહ્યો.કેટલા નિર્દોષ ની જાન ભરખી લેશે આ?????? દુનિયાના સૌ બુદ્ધિજીવીઓ,સત્તાધારીઓ અને ધર્મઆગેવાનોએ આગળ આવીને  એકજૂટ થઈને શામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવી આંતકવાદીઓને કચડી નાંખવા જ પડશે.સ્વધર્મનું પાલન કરવા પાર્થને બાણ ચડાવવું જ પડશે!! દૈત્યોનો વિનાશ કરવા કોઈએતો કૃષ્ણ બની રથના પૈડા રુપી સુદર્શન હાથમાં લેવું જ પડશે….તેનો સમય આવી ગયોછે…..તે થકી જ આ ૪૪ +૪ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ પહોંચશે.

વતન પે જો ફિદા  હોગા,અમર વો નવજવાં હોગા…..

૨૦-કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

તે દિવસે સાવ હળવા મૂડમાં જલસા પર મનહર ઉધાસના કંઠે ગવાયેલું ગીત વાગતું હતું… મઝાની ઢળતી સાંજ હતી પણ ગળતો જામ હતો એમ તો નહીં કહું કારણકે જામ વગર પણ એ સાંજ સાચે જ મસ્ત હતી. હમણાંથી  દિવસ જરા લંબાયો છે અને તે દિવસે તો વળી ઉઘાડ પણ મઝાનો હતો. એ ગઝલના શબ્દો તો હતા જ સરસ અને એમાં સૂર, લય અને તાનના સમન્વય સાથે ગઝલ આગળ વધી….

જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે…

પણ આ પ્રણયની શરૂઆત કોણે કરી હશે? એની તો તારીખ કે તવારીખ કોઈને ય ક્યાં ખબર છે? પણ આ પ્રણયનો ઇતિહાસ રચનાર કે પ્રણયના ઈતિહાસમાં પોતાનું નામ કાયમ કરનાર એક બેલડી તો સૌના મનમાં તરત જ સ્પષ્ટ ઉભરી આવવાની જ. કારણ પ્રણયની વાત આવે એટલે એના બ્રાન્ડ ઍમ્બૅસેડર જેવી એ જોડી યાદ આવ્યા વગર રહે ખરી?

યસ બરોબર જ સમજ્યા છીએ આપણે સૌ…

રાધા અને કૃષ્ણ….આ એક નામ- કદાચ કૃષ્ણે શબ્દોમાં રાધા પ્રત્યેના પ્રેમનો એકરાર કર્યો હશે કે કેમ એની પણ આપણને ખબર નથી.  ગોકુળમાંથી નિકળતા છૂટા પડવાની વેળાએ  ‘ આઈ વિલ મિસ યુ’ કહ્યું હશે કે કેમ એવી કોઈ વાત આજ સુધી વાંચવામાં આવી નથી અને તેમ છતાં રાધા કે કૃષ્ણ એકબીજાને સતત મિસ કર્યા જ હશે એવી ખાતરી, એવો વિશ્વાસ તો આપણને છે જ. આ ખાતરી આ દ્ર્ઢ વિશ્વાસ ક્યાંથી અને કેવી રીતે આપણાંમાં આવ્યો?

પણ હા! પહેલા એક સવાલ કે આ એક નામ કહેવાય ખરું? અને જવાબ પણ તરત જ મળી આવે , “ હાસ્તો..વળી” આ તો એક જ નામ. ક્યારેય સાથે ન રહ્યા છતાં ય આજ દિન સુધી એકને યાદ કરો એટલે બીજું યાદ આવ્યા વગર રહે જ નહીં એને એક નામ જ કહેવાય ને? કૃષ્ણને ઓળખવા છે તો રાધાને જાણવી જ રહી કારણકે કૃષ્ણની તમામ સંવેદનાનું  નામ તો રાધા જ…કૃષ્ણના પણ કેટ-કેટલા રૂપ? એ પ્રેમી છે, પતિ છે, પાંડવો જ નહીં પાંચ પતિઓને વરેલી દ્રૌપદીના પણ સખા છે, એ રાજનીતિના આટાપાટા ખેલતા મુત્સદ્દી પણ છે. કૃષ્ણ તો મહાગ્રંથ સમી ગીતાનું મધ્યબિંદુ. એ ગોવિંદ પણ છે અને એ ગુરુ પણ..હવે આટ-આટલા સ્વરૂપોમાં એને સમજવો કેવી રીતે? તો એનો ય સાવ સીધો જવાબ છે..

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા

કારણકે પણ કૃષ્ણના કોઇપણ સ્વરૂપની ઉપરવટ એક એનું સ્વરૂપ છે અને એ છે રાધાનો કાન.. કૃષ્ણની આઠ રાણીઓ અને તેમ છતાં હ્રદયની રાણી તો એક જ..રાધા. રાધા… ગોકુળથી નિકળીને દ્વારકા સુધીની યાત્રામાં ક્યારેય એ, એક ક્ષણ માટે પણ રાધાને ભૂલ્યા હશે ખરા ? ના રે…

નથી આજે શ્રાવણ મહિનો કે નથી આજે કૃષ્ણજયંતિ અને તેમ છતાં ય આજે કેમ આ રાધા-કૃષ્ણની વાત ? એવો વિચાર આવે..આવે એ સ્વભાવિક પણ છે..એનું કારણ હમણાં જ બસ સાવ ચાર દિવસ પહેલાં જ ઢોલ-નગારાની નોબતે આવી ગયેલો વેલેન્ટાઈન્સ ડે કે જે દિવસે એકમેકને અપાયેલા લાલ ગુલાબોની પત્તીઓ પણ હજુ એટલી જ તાજી હશે, ક્યાંક કપડાં વચ્ચે કે પુસ્તક વચ્ચે જતનથી જળવાયેલી પણ હશે, અને કોઈના ચિત્તમાં એની આછી આછી ખુશ્બુ પણ ફેલાયેલી હશે. ઘૂંટણીયે બેસીને , “વિલ યુ બી માય વેલેન્ટાઈન” કહેવાયું હશે એનો રોમાંચ પણ ઓસર્યો નહીં હોય, રાતા ગુલાબ જેવા રંગના હ્રદયાકારના નરમ- સુંવાળા તકિયા કે ઓશીકાને પ્રિયતમનો ખભો સમજીને માથુ ઢાળીને સૂવાનો કેફ પણ હજુ અકબંધ હશે, અડધી અડધી વહેંચીને ખાધેલી ચોકલેટનો સ્વાદ જીભ પરથી ઓસર્યો નહીં હોય. એવા આ વરસમાં એક વાર આવતા દિવસે કોને ખબર કેમ પણ એક નામ મનમાં ઝબકી ગયુ. રાધા-કૃષ્ણ.

કેવી અલૌકિક જોડી ! આજ સુધી ક્યાંય કોઈ મંદિરમાં કૃષ્ણને રાધા વિન જોયા? કૃષ્ણ તો સદાય શ્રેષ્ઠ- પ્રેમી, પતિ કે મિત્ર-કૃષ્ણના કોઈપણ સ્વરૂપને આપણે સૌએ સ્વીકાર્યું જ છે. કોઈ એમ કહે કે પતિ એકનો અને પ્રેમી અન્યનો? અને વળી સખાસ્વરૂપ પણ કોઈ ત્રીજી જ વ્યક્તિ માટે? પણ આ ત્રણે સ્વરૂપની એક સરખી સ્વચ્છ અને સુરેખ છબી જો જાળવી શક્યા તો એ એક માત્ર કૃષ્ણ જ..

વેલેન્ટાઈન્સ ડે એટલે પણ પ્રેમની અભિવ્યક્તિ… પણ એ પ્રેમ એટલે કોઈ એક જ વ્યક્તિ તરફનો નહીં એ વાત કૃષ્ણથી વધીને અન્ય કોણ સમજી શક્યું હશે કે સમજાવી શક્યું હશે…એને ચાહનાર સૌને એણે ચાહ્યા જ છે……પ્રેમ એટલે અઢી અક્ષરોમાં સમાઈ જતો લાગણીઓનો મહાસાગર અને વેલેન્ટાઈન’સ ડે એટલે આ અભિવ્યક્તિની વિશેષ મહત્તાનું પ્રતીક…

પણ સાથે આવા જ પ્રેમની મહત્તા ધરાવતા દિવસે જ એક ગોઝારી ઘટના બની..…..અને ત્યારે ય કૃષ્ણ જ યાદ આવે. એમણે જ કહ્યું હતું ને કે.. ધર્મની હાની થશે, અધર્મનો ફેલાવો થશે ત્યારે સજ્જનોની રક્ષા કાજે, દુષ્ટોના વિનાશ અને ધર્મની પુનઃસ્થાપના માટે હું સ્વયં પૃથ્વી પર અવતાર ધારણ કરીશ..

અત્યારે જ્યારે સ્નેહધર્મની હાનિ થઈ રહી છે અને વેર-ઝેરરૂપી અધર્મનો ફેલાવો થઈ રહ્યો  છે. ત્યારે સ્વયં અવતાર ધારણ કરવાનું વચન આપ્યું હતું એ યાદ આવે..ચારેકોર જ્યાં પ્રેમની ઉર્જા વહી રહી હોય એવા જ દિવસે આતંકવાદી હુમલામાં ૪૪ જુવાનો શહિદ થયા. મનમાં વિચાર આવે કે જેના હ્રદયમાં ભારોભાર વેર-ઝેર કે ઝનૂન વ્યાપેલું હોય એમના ય હ્રદયમાં હે ઈશ્વર વધારે નહીં તો પ્રેમના કમ સે કમ બે-ચાર બુંદ તો ટપકાવી દે..કદાચ પ્રેમનું એ અમૃત એમના ય હ્રદયમાં સૂકાઈ ગયેલી કુમાશને ફરી લીલીછમ કરી દે…સારાસારબુદ્ધિ પર તમસ છવાયો છે એવા લોકોના દિલ-દિમાગ સ્નેહની સંજીવનીથી સુંવાળા તો બને.

ગઝલ પંક્તિ- આદિલ મન્સૂરી સાહેબ

કાવ્ય પંક્તિ- શ્રી મુકેશ જોશી

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

ચોપાસ-8-મર્યા પછી પણ ભારતીય સીમાની સુરક્ષા કરે છે સિપાઈ.

 ચોપાસ  એટલે ચારે કોર.. ચારે બાજુ.., આજ કાલ ચારે તરફ દેશના વીર જવાનોની, તેમના સરહદ પર ચોકી કરતા આપેલા બલિદાનની,  દેશદાઝની , વતન માટેની ખુમારી ની વાતો ચાલી રહી છે.

ત્યારે અમે વતનની સરહદ સિક્કિમમાં  ન જૉઈ  શક્યા તેનો અફસોસ હતો અને જેફએ અમારી ગાડી બાબાના મંદિર તરફ હંકારી મેં મારા મનને ખંખેરી બાબા વિષે જાણવાની ઉત્સુકતા જેમ્સને દેખાડી। ..આ બાબા કોણ છે ? મંદિર એટલે શ્રદ્ધાનો વિષય એમ સમજી મેં પૂછ્યું કોઈ સ્વામી છે ? તો કહેના ના…. 

આ દુનિયા ઘણી અજીબો-ગરીબ રહસ્યો થી ભરેલી છે અને તેમાં વિજ્ઞાન ને પણ પાછુ પાડી દે એવી ઘણી ઘટનાઓ પણ બનતી હોય છે.અથવા આપણે લોકો પાસેથી ઘણી બધી એવી વાતો સાંભળતા હોઈએ છીએ કે જેના પર આપણને વિશ્વાસ જ ના થાય. જે વાત અમને જેમ્સે કરી.. એક એવા વ્યક્તિની વાત કરી જેમનું શરીર નથી પરંતુ તે આત્મા છે, જેમને લોકો બાબા હરભજનસિંહ તરીકે ઓળખે છે. તેમનું મંદિર અહીં છે.એક ભારતીય સૈનિકની કે જેઓ શહીદ થયાં બાદ પણ છેલ્લા ૪૯ વર્ષ થી સેનામાં  ફરજ બજાવી રહ્યા છે. કહેવાય છે કે માર્યા પછી પણ  સિક્કિમમા પંજાબ રેજિમેન્ટ ના જવાન હરભજનસિંહ ની આત્મા છેલ્લાં ૪૯ વર્ષો થી આ દેશ ની સેવા કરે છે. તેમજ તેમના ચમત્કારો ના લીધે તેમની યાદમાં  એક મંદિર બનાવવામાં  આવ્યું છે.ભારતીય સેનાના સૌનિકો આજે પણ તેમના બૂટને પોલિશ કરે  છે આ મંદિરની સેવા પણ સૌનિકો વગર પગારે આપે છે એટલું જ નહિ પોતાના પગારમાંથી બાબાના પરિવારને પગાર મોકલાવે છે  એથી પણ વિશેષ બાબા નો આત્મા આજે પણ ત્યાં છે તમે માનશો નહિ પણ ચીનના સૈનિકો હરભજનસિંહ હોવાની વાત પર વિશ્વાસ કરે છે અને તેથી  ભારત અને ચીન વચ્ચે થનાર દરેક ફ્લેગ મિટીંગ મા બાબા હરભજન ની આજે પણ એક ખાલી ખુરશી રાખવામા આવે છે જેથી તે મિટીંગ આવી અને જોડાઈ શકે.. 

 એક સૈનિક કે જે શહીદ થઈ ગયા બાદ છેલ્લાં ૪૫ વર્ષોથી આજે પણ દેશસેવા કરી રહ્યા છે અને સરહદની સુરક્ષાની જવાબદારી સંભાળે છે.કોઈ પણ કામ આટલી સિન્સયારિટિ થી નિષ્ઠાપૂર્વક , વિશુદ્ધ ભાવથી કરવું  એક અવિશ્વનીય પરંતુ સત્ય વાત માની ન શકાય તેવી છે ભારતીય જવાનો ના કેહવા મુજબ હરભજન બાબા ની આત્મા ચીન તરફ થી આવનાર જોખમ વિશે પહેલે થી જ તેમને જણાવી આપે છે. બાબા ની આત્મા ઈચ્છે છે કે બન્ને દેશ હળીમળી ને રહે. આ વાત કદાચ તમને સાચી નહી લાગે પરંતુ ચીન ના સૈનિકો પણ આના ઉપર વિશ્વાસ કરે છે.તેમનો જન્મ ૩૦ ઓગષ્ટ ૧૯૪૬ ના રોજ જિલ્લો ગુજરાવાળા થયો હતો અને અત્યારે આ જગ્યા પાકિસ્તાન આવેલી છે. પોતાની ભણતર પૂરું કર્યા ની સાથે ૧૯૬૬ મા ભારતીય સેનામાં   ભરતી થયા. તે ૨૪મી પંજાબ રેજીમેન્ટ ના જવાન હતા પરંતુ હજુ તો માત્ર બે વર્ષ નૌકરી ના વીત્યા હતા અને ૧૯૬૮મા એક અકસ્માત નો ભોગ બન્યાં હતા.  તેઓ ખચ્ચર લઈને પાણીની નહેર પાર કરી રહ્યા હતા, ત્યાં જ એકાએક ખચ્ચરનો પગ લપસી જતા નહેરમાં પડવાથી તેમનું મૃત્યું થયું. નહેરમાં  પાણીનું વહેણ વધુ હોવાના કારણે તેઓ  પાણીના વહેણમાં તણાઈ ગયા. ત્રણથી ચાર દિવસ સુધી તેમના દેહની શોધ કરવામાં આવી, પરંતુ દેહ ના મળ્યો. ત્યારબાદ, રાત્રે તેઓ તેમના મિત્રના સ્વપ્નમાં આવ્યા અને તેમણે પોતાનું પાર્થિવ શરીર ક્યાં છે, તે અંગેની માહિતી આપી. ત્યાર પછી, બીજા જ દિવસે સવારે તેમના મિત્રો તેમને શોધવા ગયા અને સ્વપ્નમાં જે જગ્યા બતાવી હતી ત્યાંથી જ તેમનું પાર્થિવ શરીર અને તેમની રાઇફલ પણ મળી આવી. ત્યારબાદ, સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા,સેનાના દરેક જવાનને હંમેશા એવો અહેસાસ થતો કે, બાબા આપણી સાથે જ ડ્યુટી પર છે. અનેક વ્યક્તિના અનુભવે હરભજનસિંહ આપણા જવાનો માટે બાબા હરભજનસિંહ બની ગયા અને તેમનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિર ગંગટોક મા જેલેપ્લા દર્રે અને નાથુલા દર્રે ની વચ્ચે ૧૩૦૦૦ ફૂટ ઉંચાઈ ઉપર ડુંગર મા આવેલું છે.આજે પણ આટલી ઉંચાઈએ સાંકડા, ખતરનાક,  પથ્થરાળ  રસ્તા પર લોકો આવે છે પસાર થનારા માથું ટેકવીને જાય છે આ મંદિરમાં બાબાના કપડાં, જૂતાં, સુવા માટે પલંગ અને અન્ય જરૂરી સામાન રાખવામાં આવ્યો છે. તેમને એક કર્તવ્ય સૈનિક તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આજે પણ સેનાના પેરોલમાં તેમનું નામ છે તેમના નામથી આજે પણ તેમનો પગાર પરિવારને મોકલાય છે. 

શ્રદ્ધા વિષય પર દરેક વ્યક્તિના અલગ વિચારો હોય છે.શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ.વફાદારી, ભક્તિ. ‘સિન્સિયરિટી’ આ બધી વાત ભલે ઘણાને થોડી કાલ્પનિક અને વિચિત્ર લાગતી હોય, પરંતુ સત્ય છે. ભારતીય સેના  પુરા વિશ્વાસથી આજે પણ માત્ર આજ સરહદ પર નહિ બધી જ સરહદ પર એક દેશપ્રેમની દાઝ સાથે પુરી નિષ્ઠા સાથે ભારતની સરહદને સુરક્ષિત રાખે છે ભારત – ચીન સીમા પર આવેલી નાથુલા બૉર્ડર પર તાપમાન હંમેશા માટે શુન્યથી  નીચું જ રહેતું હોય છે ! બર્ફીલા પહાડ પર ગમે ત્યારે પગ લપસે એટલે ગમે ત્યારે શ્વાસ બંધ થઇ જાય. પરંતુ આવી જગ્યા પર આપણા જવાનો કોઈ પણ ચિંતા કર્યા વગર રક્ષા કરતા હોય તો મનની એકાંત સ્થિતિમાં આપણી શું નૈતિક ફરજ હોય તે વિચારવા જેવી વાત છે.