આપ સૌ સમક્ષ એક સાહિત્યિક પ્રેમી તરીકે
પા પા પગલી માંડતી સાહિત્યકાર એવી મેં જ્યારે બેઠકમાંથી આવેલા કેલિફોર્નિયાની બેઠક મંચના ફોન દ્વારા આ એકાવન શ્રેણીનાં પ્રસ્તાવને સ્વીકાર્યો ત્યારે મને
મનમાં એક ડર હતો.. હું પૂર્ણ કરી સકીશ કે નહિ ! વિષય વસ્તું શું પસંદ કરવો. મનમાં બે લેખકો પ્રત્યે અઢળક પ્રેમ
એક તો ધૂમકેતુ ને બીજા શરદચંદ્ર ચટ્ટોપાધ્ય્ય.મેં ધૂમકેતુ પસંદ કર્યા પણ તે આગળ કોઈએ લખ્યાં છે એવો સંકેત મળ્યો. તેથી શરદબાબુના શરદસાહિત્યને પસંદ કર્યું .
મારે તેમને શોધવાના જ નહોતાં તેઓ તો મારાં પુસ્તકભંડારમાં જ હતાં. બંગાળી ભાષામાંથી ગુજરાતીભાષામાં અનુવાદ રૂપે. ખૂબ નાની ઉંમ્મરથી ત્રણ ત્રણ સાહિત્યવિદો વચ્ચે ઉછેર થઈ રહ્યો હતો. મારાં દાદી, મારા પિતાજી ને મારી સાત ચોપડી ભણેલી માતા.
તેઓએ મને ગુજરાતી સાહિત્યનો પરિચય કરાવ્યો ને
આઠમાં ધોરણમાં મારાં હાથમાં શરદ સાહિત્ય મૂક્યું. મારી માતા તો શરદબાબુની ને કે.એલ. સાયગલની પાછળ ઘેલી હતી. ત્યારે તો એક વાંચક તરીકે તેમની વાર્તાઓ વાંચતી ને રડતી પણ ખરી. અંક લેખિકા તરીકે જ્યારે તેમના વિષે વિસ્તૃતિ કરવાની આવી ત્યારે વાર્તાનાં
ગુઢાર્થને , ગામની વાતો ને, કલકત્તા ને હુગલી નદીની આસપાસના નાનાં નાનાં ગામડાઓને સાથે રંગૂન(બર્મા)
ને ઓળખતી થઈ. બંગાળની સ્વમાની નારીઓને ઓળખતી થઈ. હવે ગુગલ પરના શરદબાબુના નાનાં જીવન ચરિત્રના કિસ્સા મને ફિક્કા લાગવા લાગ્યા તેથી
તપાસ કરતા હિન્દી આવૃત્તિ “ आवारा मसीहा”श्री विष्णु
प्रभाकर जी નું પુસ્તક દિલ્હીના ખાન માર્કેટમાંથી પ્રાપ્ત થયું. જાણે ચારેય વેદ હાથમાં આવી ગયાં.શરૂઆતમાં તેમને વાંચ્યા એકવાર નહિ બે વાર ને ત્રીજીવાર વાંચતા વાંચતા અનુવાદ કરવા લાગી અમૂક હિસ્સાનો મારે મારાં વાંચકો સુધી તેમની કલમનાં હાર્દને પહોંચાડવો હતો.એક વાર દર રવિવારની જેમ જૂના પુસ્તકવાળાને ત્યાં ગઈ તો મારાં નસીબે ત્યાં સામે જ આવારા મસીહાનો ગુજરાતી
અનુવાદ શ્રી હસમુખ દવે દ્વારા થયો હતો તે મારી સમક્ષ હતો. જાણે એક ખોવાયેલો ખજાનો મળી ગયો.
તેમની મુખ્ય વાર્તાઓ નવલકથાઓ ફરી ઉથલાવતી ગઈ જેટલું બને એટલું સંક્ષેપમાં બધું સમાવી તે વાર્તા તેના આસ્વાદને વાંચક વર્ગ સમક્ષ મુકવાની મારી કોશિશ રહી. તેમના ચરિત્રનાં પણ જેટલાં યોગ્ય લાગ્યા તેટલાં પ્રસંગો વીણીચૂંટી મુકવાની વાંચનાર ને સાંભળનાર બન્નેને રસ પડે તેમ ઓડિયો સાથે મૂકી શરદબાબુને ન્યાય આપવાની કોશિશ કરી.બંગાળી સાહિત્ય ને બંગાળી સંગીત બન્ને ભારતવાસીઓના હૃદયમાં ઉંચ્ચ સ્થાન ધરાવે છે.
દર સોમવારે મુકાતી મારી આ “વિસ્તૃતિ” શ્રેણીને પસંદ કરનાર, મને સાથ આપનાર મારા સખી ,માર્ગદર્શક પ્રજ્ઞાબેન ,જીગીષાબેન અને રીટાબેનની હું ખૂબ ખૂબ આભારી છું.
આ સાહિત્ય રચતા રચતા ઘણું નવું જાણવા મળ્યું. કેટલાય નારી પાત્રોમાંથી ઘણું શીખી ને પુરુષપ્રધાન ભારત દેશની તે સમયની મનોસ્થિતિ અને આજની મનોસ્થિતિમાં થયેલાં નજીવા ફેરફારની ભેદરેખા તાણી શકી. સમાજ ને તેના રીતરિવાજોને તે સમયની પ્રણય ગાથાઓથી હૃદય ભરાય ગયું.પારો ને ચંદ્રમુખી કે સતી , લલિતા જેવા પાત્રો, દેવદાસ, શેખરબાબુ કે ગિરીનબાબુ જેવા યુવક યુવતીને લઈ કે તે સમયે વિકસિત થયેલાં બ્રાહ્મો સમાજને તેની આધુનિકતા મને ખૂબ વિચાર
કરતી કરી મૂકી હતી.
મિત્રો, મારા આ અંશને પૂર્ણ કરતા વાંચકો ને શ્રોતાઓથી દૂર જવાનું ને શરદબાબુને ક્યાં ક્યાં શોધવાનું કાર્ય હવે અટકી જશે તેનો ખેદ જરૂર રહેશે. ફરી મળીશું આમ જ ક્યાંક મનગમતી શ્રેણીમાં.
અસ્તુ,
(સંપૂર્ણ)
જયશ્રી પટેલ
૨૬/૨/૨૩