ડો. દિનેશ શાહ
દિનેશભાઈનો જન્મ ૧૯૩૮ માં મુંબઈમાં થયો હતો. એમનું મૂળગામ કપડવંજ. એમના પિતા મુંબઈમાં ગોદરેજ કંપનીમાં એકાઉંટ્સ વિભાગમાં નોકરી કરતા હતા. દિનેશભાઈની ઉંમર દસ વર્ષની હતી ત્યારે એમણે પિતાની છત્રછાયા ગુમાવેલી. પિતાની બિમારીના ખર્ચને લીધે કુટુંબની આર્થિક પરિસ્થિતિ પણ કથળી ગયેલી. એમના ચાર ભાઈ બહેન અને માતા મળીને છ જણનું કુટુંબ અનેક પ્રકારના નાનામોટા કામો કરીને જીવનવિર્વાહ ચલાવતા. કુટુંબનું લક્ષ્ય હતું કે મુશીબતોનો સામનો કરીને પણ વિદ્યા પ્રાપ્ત કરી લેવી જેથી કુટુંબ ફરી પગભેર થઈ શકે.
દિનેશભાઈનું બાલમંદિરથી મેટ્રીક સુધીનું શિક્ષણ કપડવંજમાં જ થયું. બાળપણથી જ વાંચનના શોખીન દિનેશભાઈએ શાળાના વર્ષો દરમ્યાન જ અનેક મહાપુરૂષોના જીવનચરિત્રો વાંચી લીધેલા. ૧૯૫૫ માં કપડવંજ સેંટરમાં સૌથી વધારે માર્કસ મેળવી, દિનેશભાઈ મેટ્રીકમાં ઉતિર્ણ થયા.
મેટ્રીક બાદ મુંબઈની એલફિસ્ટન કોલેજમાં પ્રવેશ મેળવ્યો અહીં એમને વાડિયા સ્કોલરશીપ મળી. ગોકુલદાસ તેજપાલ ચેરિટી બોર્ડીંગમાં ચાર વર્ષ રહી એમણે ૧૯૫૯ માં B.Sc. સુધીનો અભ્યાસ પુરો કર્યો. આ દરમ્યાન, આર્થિક પરિસ્થિતિને લીધે એમને ટ્યુશનો કરવા પડતા. એમણે આગળ ભણવાનું ચાલુ રાખી ૧૯૬૧ માં Bio-Physics માં M.Sc. ની ડીગ્રી પ્રાપ્ત કરી. એમના મનમાં હજી વધારે અભ્યાસ કરવાની ઈચ્છા હતી. એમના સદનશીબે ભૂલાભાઈ દેસાઈના કુટુંબની સહાય મળી અને Ph.D. કરવા માટે તેઓ ૧૯૬૧ માં અમેરિકા આવ્યા. અમેરિકામાં ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાંથી ૧૯૬૫ માં એમણે Ph.D. ની ઉપાધી હાંસિલ કરી. અહીં એમની મુલાકાત વડોદરાથી M.Sc. કરી Ph.D. માટે આવેલા સુવર્ણા શાહ સાથે થઈ અને વડિલોની મંજૂરીથી તેઓએ લગ્ન કર્યા.
અભ્યાસ પૂરો કરી, દિનેશભાઈ કોલંબિયા યુનિવર્સિટીમાં જ અધ્યાપક તરીકે જોડાયા. બે વર્ષ અહીં નોકરી કર્યા બાદ એક વર્ષ માટે અમેરિકાની વિખ્યાત સંસ્થા NASA માં AMES રીસર્ચ સેંટરમાં કામ કર્યું અને ત્યારબાદ ફરી પાછા કોલંબિયા યુનિવર્સિટીમાં “લામોન્ટ જીઓલોજીકલ ઓબઝર્વેટરી” માં “બાયોલોજીકલ ઓશનોલોજી રીસર્ચ એસોસિયેટ” તરીકે જોડાયા. અહીં બીજા બે વર્ષ સુધી કામ કર્યું, આ પછી બીજા ૩૭ વર્ષ ફ્લોરિડા યુનિવર્સિટીમાં આસીસ્ટંટ પ્રોફેસર, પ્રોફેસર, ચેરમેન ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એંજીનીઅરીંગ, ડાયરેકટર સેન્ટર ફોર સરફેઈસ સાયન્સ એન્ડ એંજીનીઅરીંગ વગેરે કેપૅસીટીમાં કામ કર્યુ. ૨૦૦૭ માં નિવૃત થયા છતાં યુનિવર્સિટીમાં માનદ પદવીધારક તરીકે એમની ઓફીસ મોજૂદ છે.
આ ત્રીસ વર્ષ દરમ્યાન ૩૭૫ થી વધારે રીસર્ચ પેપર્સ લખ્યા, દસ પેટંટ્સ મેળવી અને અનેક દેશમાં અસંખ્ય સંસ્થાઓમાં પ્રવચન આપ્યા. એમની વિધ્વતા માટે એમને અનેક માન-સન્માન અને પારિતોષિકો એનાયત થયા છે.
અર્ધી સદીથી પણ વધારે વિદેશમાં ગાળ્યા છતાં તેઓ સ્વદેશને ભૂલ્યા નથી. ૨૦૦૮ માં એમણે નડિયાદમાં Shah-Schulman Center for Surface Science and Nanotechnology સ્થાપ્યું, અને આજે પણ એના Founder Director તરીકે સેવા આપે છે.
એમના પત્ની સુવર્ણાબહેને, પોતે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો હોવાથી, દિનેશભાઈને ખૂબ જ સાથ સહકાર આપ્યો. ૨૦૦૦ માં સુવર્ણાબહેનનું અવસાન થતાં દિનેશભાઈને એક પ્રકારના ખાલીપાને અહેસાસ થયો, પણ એમણે વધારે પ્રવૃતિઓમાં ઓતપ્રોત થઈ એ ખાલીપાને સર્જનાત્મક ઢાળમાં ઢાળી દીધો.
અત્યાસ સુધી મેં દિનેશભાઈની academic સિધ્ધીઓની વાતો કરી. પણ મારી જેમ તમને પણ આસશ્ચર્ય થશે કે દિનેશભાઈ એક સારા કવિ અને લેખક પણ છે. સાહિત્યનો શોખ તો તેઓ શાળામાં હતા ત્યારથી જ કેળવેલો. છઠ્ઠા ધોરણમા હતા ત્યારે એમણે આ પંક્તિઓ લખેલી,
“મારા જીવનના બે છે સહારા, વહેતાં એ ઝરણાં, ને ખરતા સિતારા,
વિંધી શિલાઓ વહી આગે જાઉં, મળે કદી ના જો મુજને કિનારા.
અંધારી રાતે ઝબકી બૂઝી જાઉં, ભૂલ્યા પ્રવાસી, ને કરતાં ઈશારા.”
અને બસ એમણે એમની પંક્તિ પ્રમાણે જીવનમાં સાહિત્યના ઝરણાંને વહેતું રાખ્યું છે અને ધ્રુવ તારાની જેમ સ્થિર રહી, અનેક લોકોને સાચી દિશા બતાવી છે. એમની રચનાઓની સંવેદનશીલતા સમજવી હોય તો સળગતી ચિતાને જોઈને લખેલી આ પંક્તિઓ જૂવો,
“શંકા જાગી મુજ હ્રદયમાં દેખી શિખાઓ આખરે,
ન ચળ્યું પાષાણ હૈયું, તે તુજમાં જલસે ખરે?”
એક પાષાણ હ્રદયના માણસના મૃત્યુબાદ એની જલતી ચિતા જોઈને એમણે આ શબ્દો લખેલા. દિનેશભાઈની પંક્તિઓ કવિ સંમેલનો અને મુશાયરાઓમાં લોકોને ખુશ કરી દે છે, એક ઉદાહરણ આપું,
“નથી જો તારલાની ભાત તો એ રાત સુની છે,
નથી છો છાપ પગલાની તો એ વાટ સૂની છે.”
પત્નીના મૃત્યુબાદ બે પંક્તિઓમાં જ જીવનમા આવેલા બદલાવ અંગે એ as a matter of fact કહે છે,
“હ્રદયની રાણી સ્વર્ગે વળાવી ઘરમાં એકલા રહેવાનું,
શાંત પડી આ સગડી મારી, આંધણ જાતે મૂકવાનું.”
એમની મોટાભાગની રચનાઓમાં જીવનનું તત્વજ્ઞાન ભરેલું હોય છે, એમાં રહેલું ઊંડાણ સમજવા એકાગ્રતા હોવી જરૂરી થઈ જાય છે. સહેજ લાગતા શબ્દોમાં ઘણાં ગર્ભિત ઈશારા હોય છે,
“દુનિયા છે એક હાટ મોટું, જેમાં જુદા જુદા તોલ,
હોય ભલે ચીજો એકસરખી, પણ જુદા જુદા મોલ,
આપ ભલા તો જગ ભલા, એવા આતમના બોલ,
રંગીન કાચ છે માનવ મન, આંખો અંતરની ખોલ.”
આ ચાર પંક્તિઓમાં એમણે સંસારની કેટલી બધી વાતો કહી દીધી છે?
દિનેશભાઈનાગામકપડવંજમાંએમનીજનસેવાનાફળસ્વરૂપે એકમાર્ગનુંનામ “આંતરરાષ્ટ્રિય વૈજ્ઞાનિકદિનેશભાઈશાહમાર્ગ” નું 2009 માં લોકાર્પણકરવામાંઆવેલું . આપ્રસંગોનોવિડીયોતેમજતેમનકોન્સર્ટમાંરજુથયેલાતેમનાગીતોયુટ્યુબ (You Tube, Search for Dinesh O. Shah Songs) ઉપરવાચકોનેજોવામળશે. તેઓએ પોતાનાગામનીઅનેકજાહેરસંસ્થાઓનેઆર્થીકમદદકરીછે.
દિનેશભાઈનો પરિચય આ ત્રણ ચાર પાનામાં લખવાનું શક્ય નથી, એના માટે તો એક પુસ્તક લખવું પડે, પણ પુરું કરતાં પહેલાં આટલું જરૂર કહીસ કે દિનેશભાઈને બોલતા સાંભળવા એ પણ એક લહાવો છે. વર્ષો સુધી પ્રોફેસર હતા એટલે બોલતાં આવડે એમા કંઈ નવાઈ નથી, પણ તમે સમજી શકો એ રીતે બોલવું એ એમની આગવી વિષેશતા છે. મેં એમને ૨૫ મી એપ્રીલ, ૨૦૧૪ ના માત્ર અર્ધા કલાક માટે જ સાંભળેલા, પણ મને લાગ્યું કે મારો વીસ માઈલનો ફેરો વસૂલ થઈ ગયો.
એક ગુજરાતી તરીકે મારી સલાહ છે કે કયારે પણ દિનેશભાઈને સાંભળવાની તક મળે તો એને ઝડપી લેજો, જરૂર તમને મારી સલાહ સાચી લાગશે.
-પી. કે. દાવડા
Like this:
Like Loading...