સંસ્પર્શ-૨૨

jigisha -સંસ્પર્શ -youtube

મિત્રો,

તમારે નદી,પહાડો,સાગનાં વૃક્ષો,જંગલો ,અરે! સમગ્ર પ્રકૃતિ સાથે વાતો કરતાં શીખવું છે? તેમની મૌન ભાષાને સમજી તેના પ્રેમરસને આંખોથી પીવો છે? સર્જનહારે સર્જેલ જડ ચેતન,પશુ-પંખી સમગ્ર કાયનાત સાથે મોજ માણતાં જીવતાં શીખવું હોય,સૃષ્ટિનાં સર્જેલ દરેક ગરીબ,ભણેલા ,અભણ,જંગલમાં રહેતા આદિવાસી,સાધુ ,ફકીર,ભૂત ભૂવા દરેકની સંવેદનાને તેના હ્રદય પર કાન ધરી સાંભળવી હોય,આપણી સંસ્કૃતિ અને ભારતીય પરંપરાને શ્વસીને તેની હૂંફને માણવી હોય તો ધ્રુવદાદાની ‘તત્વમસિ’ નવલકથા જરૂર વાંચજો.તમારે જીવનરસને મનભરી પી તેમાં મસ્ત થવું હોય ,જીવનની સચ્ચાઈને જાણવી અને માણવી હોય તો આ નવલકથા વાંચો.

ન સમજાયું? હું સમજાવું ,તમને જે હું વાંચીને સમજી છું તે મારી બુધ્ધિ કક્ષા મુજબ.આપણે અનેક નવલકથા વાંચતાં હોઈએ છીએ. લેખક તેની કલ્પનાનાં દ્વાર ખોલીને આપણને કલ્પનાઓમાં જ ક્યાંય આકાશમાં ઉડાડે છે.અને પછી નવલકથા પતે એટલે નીચે લાવી પછાડે છે.તેમાં બધું જ કાલ્પનિક. અહીં આ નવલકથામાં દાદાએ આપણને જીવનની નકરી વાસ્તવિકતા,સકળ બ્રહ્માંડ સાથેની આપણી એકરુપતા ,તેમજ દુન્યવી સત્ય,કરુણા અને પ્રેમનાં દર્શન સહજતાથી કરાવ્યાં છે. 

ભૌતિક સુખ ,પ્લાસ્ટિકની દુનિયા અને આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં શું ફરક છે? તે ઊંડાણપૂર્વક સરળતાથી આ નવલકથા દ્વારા સમજાવ્યું છે.

પરદેશમાં લાંબાં સમયથી રહેલ અને અનેક સગવડો વચ્ચે રહેલ વ્યક્તિ પણ જ્યારે ભારતીય પરંપરા,સંસ્કૃતિને પિછાણે છે અને સામાન્ય માનવીઓનાં હ્દયમાં રહેલી સંવેદનાને સંવેદે છે ત્યારે તેનાથી અભિભૂત થયા વગર રહી શકતો નથી.તેની ડાયરીનાં એક એક પાના પર તેણે અનુભવેલી એક એક લાગણીની ટશરોની ભીનાશ પથરાએલી અનુભવાય છે. અને નવલકથા વાંચીને તે ભીનાશમાં પલળવાની વાચકને પણ મજા પડે છે. આપણી સંસ્કૃતિ આપણી પરંપંરાને જાણી તેની અહલેકની પહેચાન થતાં તેની સાથે જીવનને માણી તેનો અનોખો આનંદ અનુભવે છે.આ આખી વાત તે પોતાનાં શબ્દોમાં ડાયરીમાં ઉતારે છે.

વિદેશથી પોતે કમને આવેલ પણ ધીરેધીરે વતનની માટીની સુગંધ,પ્રકૃતિની ગોદ,જંગલની હરિયાળી, નર્મદા કિનારો,નર્મદાનાં પરિક્રમા કરવાવાળા,તેમની માન્યતાઓ,નર્મદા તટવાસીઓ, અભણ ,અત્યંત ગરીબાઈમાં પણ ખુશ રહીને જીવતાં આદિવાસીઓ વિગેરે કેવીરીતે એક પરદેશીને ,આકર્ષી પોતાનો બનાવી દે છે તે વાતની ખૂબ સુંદર શબ્દ ગૂંથણી કરી ધ્રુવદાદાએ નવલકથાનું સર્જન કર્યું છે. એટલેજ આ નવલકથા સાહિત્ય પરિષદ અને નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરવા હકદાર બની છે. તેના ઉપરથી બનેલ ફિલ્મ ‘રેવા’ ને પણ ણેશનલ એવોર્ડ મળ્યો છે કારણ વાર્તાની પટકથા જ એટલી મજબૂત અને ભારતીય મૂળ સાથે જોડાએલી છે ,કે પ્રેક્ષક અને વાચકનાં હ્રદયને તેની સંવેદના સ્પર્શી જાય છે.વાચકનાં હ્રદયને ,પરંપરાને સંસ્કૃતિનાં મૂળિયા હચમચાવી મૂકે છે અને ભારતીયતાની સમગ્ર ઓળખ બહારથી અને ભીતર સુધીકરાવે છે.

તત્વમસિ – તત્+ત્વમ્+ અસિ = તે તુંજ છે. છાંદોગ્ય ઉપનિષદનાં ચાર મૂળ સિદ્દાંતોમાનો એક ‘ તે તુંજ છે’ને સુપેરે રજૂ કરતી નવલકથા એટલે તત્વમસિ.નર્મદાને અને આપણી પવિત્ર નદીઓ પાસેથી આપણે શું પામીએ છીએ ?અને તેને આપણી સંસ્કૃતિ માતા તરીકે કેમ ઓળખાવે છે ?તેની વાત કરીશું આવતા અંકે 

તો ચાલો જોઈએ ,એવું જ કુદરત પાસે લઈ જતું અને આપણને જગાડતું જ નહીં ,ઢંઢોળતું ધ્રુવગીત,

ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ ક્યાંક વાગે છે ઢોલ ,ચાલ જાગીએ.

આઘેના ડુંગરમાં બોલે છે મોર એનો ઝીણો કલશોર,ચાલ જાગીએ.

ઝરમરતી વાદળીના ઝીણા વરસાદ ભીનો ચંદરવો ગોળ ,ચાલ જાગીએ.

ઝીલી લે ઝીલી લે વરસ્યાં આકાશ એમાં સપનાંઓ બોળ,ચાલ જાગીએ.

ઝીણેરી જાત એના ઝીણેરા ઓરતામાં રાચે છે કોક ,ચાલ જાગીએ.

ઝીણેરી ઝાંઝરીના ઝીણા રણકાર એમાં પગનો હિલ્લોળ ,ચાલ જાગીએ.

ઝરમરતી રાત એના ઝીણા ઉજાગરાની આંખો હિંડોળ ,ચાલ જાગીએ.

ઝીણી ઘોડી ને એનો ઝીની અસવાર કહે દરવાજા ખોલ,ચાલ જાગીએ.

ઝીણેરાં ઝાડવાંનાં ઝીણેરાં ફૂલ ખર્યો આખોયે ચોક,ચાલ જાગીએ.

ફૂલ છે તો ફોરમ કે રંગ છે તો રૂપ બધી ધારણાઓ ફોક,ચાલ જાગીએ.

આવ્યા તે ઓઢી લે ઝીણા અંધાર હવે પડછાયા છોડ,ચાલ જાગીએ.

ઝીણેરી વીજળીના ઝીણા ઝબકાર એમાં દર્પણને તોડ ,ચાલ જાગીએ.

કેટલું અદ્ભૂત ગીત લખ્યું છે !દાદાએ.કુદરત સાથે રહેતા અને સમગ્રતાથી તેને માણતાં દાદા આપણને પણ ઊગતાં પહોરે ક્યાંક વાગતાં અનહદનાં ઝીણા નાદને કાન માંડીને સાંભળવા ,જાગી જવાનું કહે છે.દૂર દૂર ડુંગરમાં બોલતાં મોરના ટહુકા અને ઝીણા કલશોરનો આનંદ લેવા દાદા આપણને જગાડે છે.ઝીણાં વરસાદનાં વરસતાં ચંદરવાને ઝીલીને એ વરસતાં આકાશમાં આપણા સપનાંઓને ઝબોળવાનું સૂચવે છે.અહો! કેટલી સુંદર કલ્પના! આવી વરસાદી રાતે એક ઝીણો અસવાર ઝીણી ઘોડી લઈને આપણા દ્વાર ખખડાવે છે ત્યારે આ ઝરમરતી રાતમાં ઉજાગરો કરજે ,નશીલી રાતમાં ઊંઘી ન જતો. આમ કહી દાદા બારણે આવીને દ્વાર ખખડાવતા એ પરમનાં અનાહત નાદને સાંભળવા આપણને જાગતાં રહેવાની સલાહ આપેછે.ફૂલ છે તો ફોરમ છે અને રંગ,રૂપનાં લોજીકમાં કે માથાકૂટમાં પડ્યા વગર ,તે ધારણાઓને તોડીને ,અતૂટ શ્રધ્ધા અને અખૂટ વિશ્વાસ સાથે ઝીણેરાં ઝાડમાંથી વેરાએલ પુષ્પોથી આચ્છાદિત ચોકની સુગંધ માણવા ,જાગવાનું દાદા કહેછે.અંધકારનાં પડછાયા છોડી, વીજળીનાં ઝબકારે ,પાનબાઈની જેમ મોતીડાં પરોવવાનું સૂચન દાદા કરી આપણને ભવાટવીની નીંદરમાંથી જાગી સત્યને પામવા જાગતા રહેવાનું સૂચવે છે.

આ ધ્રુવગીત જેવીજ વાતો દાદાએ એમની નવલકથામાં તેમનાં પાત્રો અને પ્રકૃતિ દ્વારા આપણને સૂચવી છે. એના માટે તમારે તેમની નવલકથા જ વાંચવી પડે!

જિગીષા દિલીપ

૨૯ જૂન ૨૦૨૨

હેલીના માણસ – 23 | જિંદગીમાં કરવા જેવું! | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-23 ‘જિંદગીમાં કરવા જેવું’ એની 22મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ – 

જિંદગીને બોચીએ પકડો તો શાબાશી મળે, 

મોતના પંજામાંથી છટકો તો શાબાશી મળે!

 

હાથમાં આવી ગયો ત્રિકોણની ત્રીજો ખૂણો, 

પણ હવે ચોથો ખૂણો સર્જો તો શાબાશી મળે!

 

ખોબે નેવાં ઝીલવાં તો બાળપણની છે રમત, 

પાણીની એ ધાર પર લટકો તો શાબાશી મળે!

 

ઝૂંપડાં તોડો છો એમાં ક્યાં કશી મર્દાનગી, 

શહેરમાંથી ઘરડાઘર તોડો તો શાબાશી મળે! 

 

જૉક સંભળાવી હસે તેને હસાવો છો તમે, 

કો’ ગરીબના આંસુઓ લૂછો તો શાબાશી મળે!

 

જાગરણમાં તો બધાં ભેગા મળી જલસા કરે, 

મારી માફક એકલા જાગો તો શાબાશી. મળે! 

 

ના ખલીલ, આવું ઉપરછલ્લું કશું ચાલે નહીં, 

મનને સ્પર્શે એવું સંભળાવો તો શાબાશી મળે! 

– ‘ખલીલ’ ધનતેજવી

 

રસાસ્વાદ 

દરેક જણ પોતાના રોજીંદા કાર્યો તો કરતાં જ હોય છે. સૌ સામાન્ય જીવન જીવી રહ્યા હોય. એમાં કશું નવીન નથી હોતું. આવા જીવનથી કોઈ આકર્ષણ પામે? ખલીલ સાહેબ આ ગઝલમાં ‘તો શાબાશી મળે’ આ રદિફ લઈને આપણને સૌને ઘણું શીખવી જાય છે. ઘરેડમાં રહીને જીવ્યે જઈએ એ શા કામનું? કંઈક તો એવું કરવું જોઈએ કે, જેથી શાબાશી મળે. અહીં આપણને આ પંક્તિ યાદ આવી જાય કે, 

‘પોલું છે તે બોલ્યું, તેમાં તેં શી કરી કારીગરી? 

સાંબેલું વગાડે તો હું જાણું કે, તું શાણો છે.’

જે કાર્ય સરળતાથી થતું હોય, બધા જ જે કરી શકતા હોય તે જ તમે કરો એમાં શી નવાઈ? જિંદગીને તમારી આગવી રીતે જીવો. અરે, કવિ તો અહીં સુધી કહી દે છે કે, જિંદગીને બોચીએથી એવી રીતે પકડી લો કે તે તમારા હાથમાંથી  છટકે નહીં અને મોતને માત આપીને તમે એના પંજામાંથી છટકીને જીવો તો શાબાશી મળે!

કંઈક નવતર કરવાના નૂશખા વિશે વાત કરતાં કવિ આગળ કહે છે કે, ત્રિકોણને ત્રણ ખૂણા હોય તે તો સામાન્ય વાત છે. એમાં જો ચોથા ખૂણાને સ્થાન આપો તો કંઈ નવું કર્યું ગણાય. 

હાથમાં આવી ગયો ત્રિકોણની ત્રીજો ખૂણો, 

પણ હવે ચોથો ખૂણો સર્જો તો શાબાશી મળે!

એવું જ બીજું ઉદાહરણ આપતાં તેઓ કહે છે વરસાદ પડતો હોય ત્યારે નેવાંમાંથી પડતી પાણીની ધારને હાથથી ઝીલવાની રમત તો સૌએ બાળપણમાં કરી હોય. પણ હવે મોટા થયા પછી એનું એ જ કરીએ એમાં કારીગરી કઈ? કવિ કહે છે કે, એ ધાર પર લટકો તો શાબાશી મળે! 

ઘણાં ખરાં શહેરોમાં નાની ઝુંપડપટ્ટી તોડીને એના સ્થાને ઉંચા મકાનો ચણવામાં આવે છે. કંઈ પણ તોડવું એ બાંધવા કરતાં કે સાંધવા કરતાં પ્રમાણમાં સહેલું જ હોવાનું. પણ ના, તેવું માનવામાં પણ ભૂલ છે. શહેરનાં ઘરડાઘર તોડવા શું સહેલાં છે? એના માટે તો વૃધ્ધોને એમનાં બાળકોએ પોતાના ઘરમાં રાખવા પડે. માનથી અને પ્રેમથી તેમની સંભાળ લેવી પડે. એ કામ મોટું છે શાબાશી મળે તેવું! ઝૂંપડાં તોડવામાં શી મર્દાનગી, તોડવા જેવાં તો ઘરડાઘર છે. 

ઝૂંપડાં તોડો છો એમાં ક્યાં કશી મર્દાનગી, 

શહેરમાંથી ઘરડાઘર તોડો તો શાબાશી મળે.

કવિ અહીં બીજી એક સરસ વાત કહે છે કે, વાંચેલા જોક્સ સંભળાવીને લોકોને હસાવવામાં કંઈ મોટી વાત નથી. કોઈ પણ કરી શકે તેવું સરળ કામ છે. અને જે કામ બધાં જ કરી શકતા હોય તે કરવામાં ધાડ શી મારી? ગરીબના આંસુ લુછવા જેવાં કામો આવકાર્ય છે. અનોખાં છે. શાબાશી આપવી પડે તેવાં! 

જાગરણ હોય ત્યારે તો સૌ ભેગા થઈને જાગે એમાં નવાઈ જેવું શું? પણ કોઈ એકલવિર એકલો જાગીને શહેર માટે કે, દેશ માટે ચિંતા કરીને સવારે ઊઠીને કરવાનાં કામોની તૈયારી કરે તે મહત્ત્વનું છે. શાબાશીને લાયક છે. 

ના ખલીલ, આવું ઉપરછલ્લું કશું ચાલે નહીં, 

મનને સ્પર્શે એવું સંભળાવો તો શાબાશી મળે! 

ગઝલ કે બીજી રચના કરીએ તેને માટે પણ કવિ આપણને સજાગ કરે છે. લખો તો એવું લખો કે, જેમાં ઊંડાણ હોય, કોઈને ઉપયોગમાં આવે તેવું હોય, વાંચનારને માટે લાભદાયી હોય તેને સ્પર્શી જાય તેવું હોય. બાકી ખાલી ઉપરછલ્લું લખવા ખાતર લખવાનો અર્થ શો? 

આપણી પાસે જિંદગી છે અને સમય છે એમાં કંઈ તો કરવાનું જ છે. પણ ખરેખર શું કરવું જોઈએ તેની ઉંડી સમજ આપતી આ ગઝલ ઘણું શીખવાડે છે. ખરું ને મિત્રો? આવી જ સુંદર બીજી એક ગઝલ સાથે મળીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર

વિસ્તૃતિ …22-જયશ્રી પટેલ 

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

 

“બાલસમૃતિ” શરદબાબુ એ આ નાની સરખી વાર્તામાં સુકુમારના મુખે તેની બાલ્યસ્મૃતિઓનું સુંદર આલેખન કર્યું છે . Yes આપણને તેનો ગુજરાતીમાં ગુજરાતી અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ સુંદર રીતે કરીને આપ્યો છે.
સુકુમાર તેનાં નામની પ્રસ્તુતિ કરતા કહે છે કે તેનું નામ અન્નપ્રાશન વિધિ વખતે પાડવામાં આવ્યુ હતું.તેનું સ્વાસ્થ્ય ઠીકઠાક હતું અને દાદાજીનું જ્યોતિષનું જ્ઞાન અલ્પ હતું કે બીજું કંઈ કારણ પણ આ નામ પસંદ થયું ,પણ બે-ચાર વર્ષમાં દાદાજી સમજી ગયા કે સુકુમાર નામ સાથે જરાય તેનો મેળ પડતો નહોતો.
પિતાજીની નોકરી પશ્ચિમમાં હતી.તેથી સુકુમાર દાદા-દાદી પાસે ગામડે રહેતો . લાડ પ્યારને કારણે તે વંઠી ગયો હતો. ખૂબ જ તોફાની વૃત્તિ હતી. દાદાજીનો હંમેશ માર ખાતો .કહેવાય છે ને કે બાળકને નાનપણથી જ સંસ્કાર શીખે તેમ દાદીનાં લાડને કારણે તે ખૂબ જ તોફાની અને વંઠેલ બની ગયો હતો.
જ્યારે ત્યારે દાદાજીનો માર ને ઠપકો સાંભળવો પડતો. દાદાજી ક્રોધિત થઈ પિતાજીને પત્ર લખતા તો તેમની અફિણની ડબ્બી સંતાડી તેઓ તે પત્ર ફાડે નહિ ત્યાં સુધી ન આપતો . આ સુખ તો તેનાં જીવનમાં બહુ ટક્યું નહિ. દાદાના પિતરાઈ ભાઈ ગોવિંદબાબુ અલ્હાબાદથી નિવૃત્ત થઈ ગામડે આવ્યા હતાં. તેમના પૌત્ર રજનીબાબુ બી.એ.ની પદવી મેળવી તેમની સાથે આવ્યા હતાં. તેઓથી તેને ખૂબ ડર લાગતો તેને સેજદા કહીને બોલાવતો.
આજ સેજદાદા સાથે સુકુમારને કલકત્તા ભણવા મોકલવાનો નિર્ણય લેવાયો તે બિલકુલ તૈયાર નહોતો. છતાં જવું પડયું ત્યારે બાળ સહજ તોફાનને તો છોડાય તેમ નહોતું. પિતાજી બક્સરમાં હતા તે તો મારવા આવવાના ન હતા ને દાદાજી ને દાદીમાએ પહેલેથી જ તેને સુધારવાની આશા છોડી દીધી હતી.
કલકત્તા જવાની વાત આવી તો ચિડાઈને બોલી ઊઠ્યો ,”જવાનું હોય તો આજે જ જાઉં”દાદાજીએ સમાચાર આપ્યા આજે જ જવાનું છે .દાદાજીની તમાકુને ચલમ બંનેનો છાનોમાનો ઉપયોગ આ નાની ઉંમરે કરતા શીખી ગયો હતો. દાદાજીની વાત થી આબાદ ફસાઈ ગયો.
મિત્રો, સુકુમારનું આ પાત્ર વાંચતા જ વાચક પોતાની બાલ્યસ્મૃતિઓમાં પહોંચી જાય. તેવું લેખક તેને અહીં ચિત્રિત કર્યું છે.
પહેલી વાર કલકત્તા જોયું અને અંજાય જવાયું. મોટા મકાનો દોડતું ભાગતું શહેર,વિશાળ હાવડા પુલ અને પેલાં લંગારેલા વહાણો એવું લાગ્યું ભૂલો પડી જવાય તો પાછા ગામ જવાય જ નહિ. આમ કલકત્તા માટે નફરત થઇ ગઇ.ઘર પણ એવું છે કે નહિ વાડો, વાંસનું વન, બીલીનાં વૃક્ષો ,જામફળી કંઈ કરતાં કંઈ જ ન મળે. ક્યાંય છુપાઈને ચલમ પણ પી શકાય નહિ.
કલકત્તા ગંભીર થઈ ભણવા માંડ્યું.ડાહ્યાડમરામાં ગણતરી થવા માંડી.ત્યાં જ મિત્રોએ મળીને ક્લબ શરૂ કરી.ચાર જણની જોડી બની તે ,સેજદાદા ,રામબાબુ,અને જગન્નાથબાબુ. ઉપરાંત એક રસોઈયો અને નોકર પણ હતા.
રસોઈયા ગદાધર બ્રાહ્મણ હતો અને તેના કરતાં ત્રણ-ચાર વર્ષ મોટો હતો. તે સીધો સાદો સરળ હતો તેનો સ્વભાવ વિચિત્ર તોફાની હતો છતાં તેને ગદાધર સાથે સારું ફાવતું. તે તેની પાસે તેનાં ગામ રસ્તા વિશે બહુ બધી વાર સાંભળતો.બધાં ને જમાડયા પછી જમતો હતો. ઘણીવાર તેની થાળીમાં મર્યાદિત જ ખાવાનું જોવા મળતું. એ જોઈ સુકુમાર ને કંઈક કંઈક થઈ જતું. ખાવાનો અભાવ તેને જિંદગીમાં જોયો નહોતો.
ઘરમાં કોને કેવી રીતે પરેશાન કરવા તે લાગ શોધ્યા કરતો. એકવાર જગન્નાથબાબુના ઓફિસ જવાના સમયે લાંબા કોર્ટના બટન જ ઉડાડી દીધેલા. તેઓએ પણ ગદાધર પર આરોપ મુક્યો અને અડબંગ પોતાનો ગુનો ન હોવા છતાં કબૂલી લીધો. ત્યારે તેણે પ્રતિજ્ઞા કરી કે હવે પછી ક્યારે આવું કામ કરીને અન્યને ઉપાધિમાં નાખીશ નહિ. તે પછી આદત સુધારી દીધી.
બીજો માણસ એમનો નોકર રામો જાતનો કાયસ્થ રબારી એવો કંઈક હતો. તે બધાં કામ કરતો. કપડાં વાસણ સેજદાદાને માલીસ ,ક્યારેક પાનસોપારી તૈયાર કરતો. તેથી સેજદાદાનો માનીતો થઈ ગયો હતો પણ તે સુકુમારને જરા પણ ગમતો નહતો ,કારણ તેને લીધે તેને ખૂબ જ ઠપકો સાંભળવો પડતો. ખાસ ગદાધરને તો લોકો ભોંઠો પાડતો. રામબાબુ પણ તેને બદમાશ કરીને જ બોલાવતા.
એક દિવસ સેજદાદા લેમ્પ ખરીદી લાવ્યા અને તે થોડા સમયમાં સુકુમારની અવળચંડાઇને કારણે તૂટી ગયો.બધાંએ ગદાધરને હેરાન કરી તેના પગારમાંથી સાડા ત્રણ રૂપિયા નવી ચીમની લાવવાના બહાને કાપી લીધાં. જ્યારે લેમ્પ સળગ્યો ત્યારે સુકુમારની આંખો સળગી ઊઠી, કારણ કે તોડવા માટે પોતે જવાબદાર હતો. તે રડ્યો અને સેજદાદાની પરવાનગી લઇ તે ઘરે જતો રહ્યો. તે પૈસા લેવા જ ગયો હતો પણ દાદાના શ્રાદ્ધને કારણે તેને રોકાઈ જવું પડ્યું. સાત દિવસ સુધી તે ગામડે રોકાયો.
કલકત્તાના ઘરે પાછા આવતા જાણ્યું કે ગદાધરને કાઢી મૂક્યો છે . કહેવાય છે કે તેણે સેજદાદાના ગજવામાંથી ચાર રૂપિયા ચોર્યા હતા.?તે પણ રામાના કહેવાથી આમ થયું હતું. જેની સાથે હુક્કો પીતો હતો,આનંદથી ગામની વાતો સાંભળતો તે જ મિત્ર જતો રહ્યો. રસોડામાં કોલસાથી લખી ને ગયો હતો ,”સુકુમારભાઈ મેં ચોરી કરી છે અહીંથી ચાલ્યા જાઉં છું જીવતો હોઈશ તો મળીશ .”એ વખતે તે બાળકની જેમ હુક્કાને છાતી સરસો ચાંપી રડવા લાગ્યો હતો.
સુકુમારનું દિલ તૂટી ગયું. રસોઈ પણ ભાવતી નહોતી. તેણે સેજદાદા જોડે ચોખવટ કરી ગદાધર માટે.તેણે ચોરી નથી કરી તે બધાં જ જાણે છે. સેજદાદએ તેને જવાબ આપી દીધો .”એ તો ઠીક થયું નથી સુકુમાર થવાનું હતું તે થઈ ગયું પણ તેં રામા ને આટલો માર્યો શા માટે ?”
દાદાએ તેના મોઢેથી આવા શબ્દો ક્યારેય નહીં સાંભળ્યા હોય ,”તમારા કેટલા વર્સુલ થયાં?”દાદાને પણ ખૂબ દુઃખ થયું કે તેનો પગાર કાપી માંડ અઢી રૂપિયા બચ્યા હતા.
તે રસ્તે આમતેમ રખડ્યા કરતો દૂરથી મેલી ચાદર ઓઢેલા માનવીને જોઈ દોડી જતો પણ ગદાધર તેને ક્યાંય ને ક્યારેય ન મળ્યો. પાંચ છ મહિના પછી દોઢ રૂપિયાનો મનીઓર્ડર મળ્યો .તે દિવસે દાદા ને રડતા જોયા આંખો લૂછતાં જોયા. એ મનીઓર્ડરની પહોંચ આજે બાલસ્મૃતિરૂપે સુકુમારે સાચવી રાખી.
એ પછી વર્ષો વિત્યા મોટપણ આવ્યું, પણ ગદાધર મહારાજ તેના અડધા અંતરનો કબજો કરી બેઠો જ રહ્યો.
મિત્રો,કેવું હોય છે બાળપણ અને તેની સ્મૃતિઓ !ખરેખર સુકુમારના પાત્ર દ્વારા શરદબાબુ એ આપણાં બાળપણની સ્મૃતિઓને ઝંઝોડી નાખી. હું પણ આ પાત્ર સાથે લીન થઈ ઘણીવાર મારાં બાળપણને વાગોળું છું. ક્યાંક દુઃખ દર્દ અને ખુશી બધું મિશ્રણ મળે છે.

મિત્રો,આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.
અસ્તુ,
જયશ્રી પટેલ.
૨૬/૬/૨૨૦

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૫:અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન”શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળ વધારતા, ચાલો એક નવીન પ્રકારની રચનાને જાણીએ અને માણીએ. આપણે જાણીએ છીએ તેમ ગુરુદેવ તેમની કલમ દ્વારા માનવીની ભીતર ની સંવેદનાઓને શબ્દોમાં તદરૂપે અક્ષરઃશ વણી લેતા. રબીન્દ્રસંગીત દ્વારા ગુરુદેવ માનવીને એક અરીસો ધરે છે – પોતાના મનને કોઈક અનોખી રચના દ્વારા મળવાનો, ઓળખવાનો. રબીન્દ્રસંગીતના ખજાનામાંથી માનવીની દરેકે દરેક મન:સ્થિતિ સાથે તાલ મિલાવતી એક રચનાતો તમને મળશે જ.

ગુરુદેવનું જેટલું સર્જન બાહ્ય જગતે માણ્યું છે તેટલુંજ અથવા તેનાથી વધુ ગુરુદેવે સ્વયં પોતાના અંતરને જાણ્યું છે. પોતાની ભીતરમાં રહેલા એ પરમ ચૈતન્ય, એ પ્રખર ઉજાસનું અહર્નિશ સાંનિધ્ય અને સામીપ્ય તેઓ સતત અનુભવતા. અને જયારે માનવીને ભીતરના ઉજાસની અનુભૂતિ થઇ જાય પછી એ ઉજાસના તેજને સથવારે તેનું સમગ્ર વિશ્વ પ્રકાશે પ્રજ્વલિત થઇ જાય. આવાજ ભાવ દર્શાવતી એક ખુબ સુંદર,પ્રતીકાત્મક અને પ્રચલિત રચનાને આજે આપણે જાણીશું અને માણીશું. 1911માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আলো আমার আলো ওগো | (Aalo Amar Aalo Ogo) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “અંતરનો ઉજાસ …”. જેનું સ્વરાંકન કવિવરે રાગ ઇમાનમાં કર્યું છે અને તેને દાદરા તાલ  દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે “બિચિત્રો” વિભાગ એટલે કે પ્રકીર્ણ વિભાગમાં વર્ગીકૃત કરી છે.

 

અંતરનો ઉજાસ એટલે કે inner light – આ રચનામાં કવિવરે નિજ અંતરમાં રહેલા ઉજાસને શબ્દદેહ આપ્યો છે. જયારે ભીતરે ઝળહળતો પ્રકાશ હોય ત્યારે આજુબાજુ બધુજ ઝળહળી ઉઠે એ કવિવરે અલગ અલગ રૂપકો દ્વારા સમજાવ્યું છે. આ અંતરનો ઉજાસ એ નરી આંખે જોવાનો પ્રકાશ નથી પણ ભીતરની અનુભૂતિનો અહેસાસ છે. મારા, તમારા, સૌમાં એ પરમ ચૈતન્ય રહેલું  છે જેની કૃપાથી  આપણા શ્વાસની લયબદ્ધ ગતિ ચાલુ છે. પરમ ચૈતન્યનું અસ્તિત્વ આપણી ભીતરની જ્યોતને નિરંતર પ્રજ્વલિત રાખે છે અને એજ જ્યોત આપણને જીવનમાં સાચી દિશા પણ દેખાડે છે, એજ જ્યોત દ્વારા આપણે અન્યને પણ માર્ગ દેખાડવાનો હોય છે. પણ ઘણી વાર આપણા ખુદના લૌકિક આગ્રહો જેવાકે મોહ, ક્રોધ, ઈર્ષા આ જ્યોતને ગ્રહી લે છે અને અંતરનો ઉજાસ ક્ષીણ થઇ રહી જાય છે.શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે 

योऽन्त:सुखोऽन्तरारामस्तथान्तज्र्योतिरेव :

योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति ।। 24।।

અર્થાત જે મનુષ્ય પોતાની ભીતરના ચૈતન્ય સાથે, અંતરના ઉજાસ સાથે એકાકાર થઇ હંમેશા નિજાનંદમાં મસ્ત રહે છે, તે યોગી સમાન મનુષ્ય મોક્ષના માર્ગ પર ગતિ કરી રહ્યા છે.

When your inner light is shining bright, you find everything illuminated within your sight. જે પોતે અંદરથી સંતુષ્ટ હોય, ખુશ હોય તેમને સર્વત્ર ઝળહળ જ દેખાય. જયારે અંતરનો ઉજાસ પારદર્શકતા થી પ્રજ્વલિત હોય ત્યારે પંતગિયાની પાંખમાં પણ પ્રકાશનો પમરાટ અનુભવાય. જીવનની વિષમમાં વિષમ પરિસ્થિતિમાં પણ આ વીરલાઓ સતત આનંદમાં રહે અને આજુબાજુ પણ આનંદ પ્રસરાવે. Do you know about the book Pollyanna? Pollyanna is a 1913 novel by American author Eleanor H. Porter, considered a classic of children’s literature. આ પુસ્તકમાં નાનકડી અનાથ બાળકી Pollyanna – આ અંતરના ઉજાસના સથવારે જીવનના અતિ વિષમ સંજોગોનો સામનો તો કરે જ છે પણ સાથે સાથે તેની આજુ બાજુ સૌને પણ જીવન નિજાનંદના સહારે કેવી રીતે જીવવું એ શીખવાડે છે. તમે આ પુસ્તક ન વાંચ્યું હોય તો જરૂર વાંચજો!!  તો ચાલો, આ અંતરના ઉજાસની જ્યોતને વધાવતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોનીઅપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ઓશો દર્શન-22. રીટા જાની

wp-1644023900666

 

યોગના સૂત્રો….ગતાંકથી ચાલુ…

વિખ્યાત પત્રકાર અને કોલમ રાઈટર શ્રી.પ્રિતીશ નંદી કહે છે કે : ‘ઓશો વિશે જે સૌથી અદભુત વાત મને લાગી છે તે છે માનવમન વિશેની તેમની અચૂક સમજણ. પ્રત્યેક વાતમાં તેઓ ખૂબ સુરુચિપૂર્ણ હતા. તેમણે જે જે  વિષયને સ્પર્શ કર્યો છે, તે બધા જ માનવજીવનના બુનિયાદી વિષય હતા, જે જીવનની મૂળભૂત સમસ્યાઓ છે. એ વિશે તેમણે ગજબની અંતરપ્રજ્ઞા પ્રદર્શિત કરી છે.’ ગત અંકમાં આપણે ઓશોના યોગ અને યોગસૂત્ર વિષયક ચિંતન જાણવાની શરૂઆત કરી. એ જ વિષયમાં આજે આગળ જોઈશું….

પાંચમું સૂત્ર:  જે અણુમાં છે, તે વિરાટમાં છે. જે બુંદમાં છે, એ જ સાગરમાં છે. અણુના વિભાજને યોગની આ અંતર્દૃષ્ટિને વૈજ્ઞાનિક સિદ્ધ કરી છે. ન દેખાતા પરમાણુમાં વિરાટ શક્તિનો સંગ્રહ છે. વ્યક્તિની ભીતર આત્માનો અણુ દેખાતો નથી, પણ તેમાં વિરાટ ઊર્જા છુપાયેલી છે અને પરમાત્માનો વિસ્ફોટ થઈ શકે છે. આથી જ કહેવાય છે કે કણ કણમાં પરમાત્મા મોજૂદ છે. આથી ક્ષુદ્રતમે હીનતા અનુભવવાની જરૂર નથી કે વિરાટતમે  અહંકારથી ભરાઈ જવાની જરૂર નથી. વ્યક્તિની ભીતર પરમાત્મા છે,  ભીતરથી એ વિરાટ છે, અનંત છે, તેનું સ્મરણ જરૂરી છે, જેથી વ્યક્તિ હીન ન બની જાય. હીનતાની ગ્રંથિથી પીડિત શ્રેષ્ઠ થવાની દોડમાં લાગી જાય છે. યોગ કહે છે  તમે જે છો એટલું જ જાણો એ પૂરતું છે. સમજવું જરૂરી છે કે આ જીવનના ખેલમાં ન કોઈ આગળ છે, ન કોઈ પાછળ, ન કોઈ મોટો છે ન કોઈ નાનો.

યોગનું છઠઠું સૂત્ર: આપવું એ જ પામવું છે. જે અનુપાતમાં આપવામાં આવશે, તે અનુપાતમાં મળશે. જો જીવન આપશો તો જીવન મળશે, અહંકાર આપશો તો આત્મા મળશે. યોગ કહે છે જે સ્વયંને આપવા તૈયાર છે, તે બધું પ્રાપ્ત કરવા હકદાર બને છે.  છોડવાની, આપી દેવાની કળા જ પામી લેવાનો માર્ગ છે. છતાં આપણે બધા લઈએ તો છીએ પણ આપી શકતા નથી. જ્યારે આપણે આનંદમાં હોઇએ કે મૌન હોઇએ ત્યારે વધુ મેળવી શકીએ છીએ, એટલું જ નહિ પણ વધુ આપી શકીએ છીએ. જે લેવું-દેવું બરાબર રાખે તે યોગી છે.

સાતમું સૂત્ર : ચેતનાના બે આયામ છે. સ્વ-ચેતન અને સ્વ-અચેતન. આ સૂત્રથી યોગની સાધના પ્રક્રિયા શરૂ થાય છે.
છોડ, પશુ, પક્ષી બધાં ચેતન છે, પરંતુ સ્વયંની ચેતના તેમને નથી. તેથી ચેતન હોવા છતાં અચેતન છે. જે મનુષ્યને પણ સ્વ-ચેતનનો બોધ નથી, તે પશુ સમાન જ છે. જે કામ હોશમાં કરવામાં આવે તે પુણ્ય અને બેહોશીમાં કરવામાં આવે તે પાપ છે. જે માણસ દરેક ક્ષણમાં હોશપૂર્ણ હોય તે મહાવીર, બુદ્ધ, કૃષ્ણ અને ક્રાઇસ્ટ બની શકે છે. માણસની ચિંતા એ છે કે તેનો એક ભાગ તો સ્વ-ચેતન થઈ ગયો છે, પણ બાકીનો મોટો ભાગ અચેતનમાં પડેલો છે. જો પૂરો સ્વ-ચેતન થાય તો જીવન પ્રકાશથી ભરાઈ જાય, તેને સમાધિ ઉપલબ્ધ થઈ જાય. જ્યારે વ્યક્તિત્વ પૂરેપૂરું પ્રકાશિત થઈ જાય, પછી વ્રત કે સોગંદ લેવાની જરૂર નહિ પડે. મન પૂરું જાગૃત થઈ જાય તો મહાશક્તિનો આવિષ્કાર થઈ જાય. યોગ કહે છે મનના બધા કેન્દ્રો સજાગ કરી શકાય છે. આપણી ભીતરની બધી સંપદાઓ સ્વ-ચેતન થવાથી જાગૃત થશે. યોગ મનુષ્યના વ્યક્તિત્વને સાત કેન્દ્રો, સાત ચક્રોમાં વહેંચે છે, જેના પર અનંત ઊર્જા અને શક્તિ સુતેલી છે. ભીતર આપણી ચેતનનો એક સૂર્ય છે, તેને આપણે ધ્યાન કહીએ તો ધ્યાનથી એક એક ચક્રની શક્તિ પ્રકટ થાય છે. યોગ કહે છે કે જે માણસ અચેતન, બંધાયેલ છે તે પશુ અને જે માણસે અચેતન તોડી નાખે તે મનુષ્ય.

આઠમું સૂત્ર: સ્વ-ચેતનાથી યોગનો પ્રારંભ થાય છે અને સ્વના વિસર્જનથી અંત. સ્વ-ચેતન હોવું માર્ગ છે, સ્વયંથી મુક્ત થઈ જવું મંઝિલ છે.  સ્વયં પ્રત્યે હોશપૂર્ણ રહેવું સાધના છે અને અંતત: હોશ જ રહી જાય અને સ્વયં ન રહે એ સિધ્ધિ છે. સ્વયંને પામવાની ઉત્કટ આકાંક્ષા હોય પણ સ્વયંને ગુમાવવો કઠિન વાત છે. સાધક ધન, પરિવાર, યશ, મહત્વાકાંક્ષા છોડી દેશે પણ સેલ્ફ, ‘હું’ને નથી છોડી શકતો. એટલે સાધક સાતમા સૂત્ર સુધી તો પહોંચી જાય છે, પણ આઠમા સૂત્ર પર નથી આવી શકતા. પણ યોગ પાસે માર્ગ છે, જેનાથી એ અંતિમ છલાંગને પણ પૂરી કરી શકાય છે. ‘હું’ શું છે તે સાતમા સૂત્ર સુધી સમજ પડી જાય છે. ‘હું’ કોણ છું તેની શોધ આઠમું સૂત્ર બને છે. શોધથી બધી સીમાઓ તૂટી જાય છે અને ખબર પડે છે કે જે કંઈ છે તે બધું ‘હું’ છું. ત્યારે ‘હું’ નથી રહેતો કારણ કે બહાર કોઈ ‘તું’ નથી. બધું ‘હું’ જ છે. આઠમું સૂત્ર જ્ઞાન, શાસ્ત્ર ને સિદ્ધાંતોથી સમજાતું નથી. જ્યારે ” અને ‘તું’ ખોવાઈ જાય છે ત્યારે જે શેષ રહે તે પરમાત્મા છે.

નવમું સૂત્ર: મૃત્યુ પણ ઊર્જા છે. જીવન એ જ જીવન છે  એવું નથી. મૃત્યુ એ પણ જીવન છે. જીવન ચાહવા યોગ્ય છે, તો મૃત્યુ પણ પ્યારું છે. જે મૃત્યુ માટે રાજી છે, તે પરમ જીવનના અધિકારી થઈ જાય છે. મૃત્યુ પણ ઊર્જા, પરમાત્મા, પ્રભુ છે, એ યોગનું પરમ અને અંતિમ સૂત્ર છે. શરીર તો માત્ર છાયા છે. જે મૃત્યુને પણ પરમાત્મા જાણી લે છે, તે નિર્વાણને ઉપલબ્ધ થઈ જાય છે.

આ નવ સૂત્રો બાર રીતે કહી શકાય છે. બારને નવથી ગુણાકાર કરીએ તો 108 થાય, જે માળાના મણકા છે. આ એકસો આઠ મણકાની નીચે એક સો નવમો રુદ્રાક્ષ લટકેલ જોયો હશે. એનો અર્થ એ છે કે આ એકસો આઠ રીતે કોઈ ક્યાંય પણ જાય, તે તેના પર પહોંચી જાય છે. પ્રત્યેક સૂત્રથી એક ધ્યાનની વિધિ વિકસિત થઈ જાય છે. આ રીતે ધ્યાનની 108 વિધિઓ બની જાય છે. કંઈ કર્યા વગર અસલી સમજ ક્યારેય આવતી નથી. ગીત, કુરાન, બાઇબલ કે વેદ કાગળના નથી, પરમાત્માના છે. પરમાત્માને શોધવા હોય તો જીવનની ઊર્જાને ઉતારીને શોધવા પડે છે.

મનુષ્યના જીવનનો વિકાસ કોઈ નવી ચીજોનું સંવર્ધન નથી, પણ  ભીતર જે છુપાયું છે તે પ્રકટ થાય છે. મનુષ્ય જો સંપૂર્ણપણે પ્રકટ થાય તો એ શક્તિને આપણે જે કોઈ નામ દઈએ – આત્મા, પરમાત્મા. મનુષ્યના વિકાસની હજુ પણ સંભાવનાઓ છે. બુદ્ધને પહેલી વાર જ્ઞાન થયું ત્યારે લોકોએ પૂછ્યું, આપને શું મળ્યું? ત્યારે બુદ્ધે કહ્યું, મને મળ્યું કંઈ પણ નહિ, જે મારી ભીતર હતું તે પ્રકટ થઈ ગયું.  જે મારી પાસે હતું, તે જ્ઞાત થઈ ગયું. મારી પાસેનું અજ્ઞાન અને નાસમજી ખોવાઈ ગયા. મને જે મળ્યું છે તે મારી પાસે જ હતું, પરંતુ હું ફક્ત અપરિચિત હતો. ઓશો કહે છે કે ધ્યાનની પ્રક્રિયા આપણને કોઈ નવા જગતમાં નથી લઈ જતી, ફક્ત એ જગત સાથે પરિચિત કરવી દે છે જ્યાં આપ જન્મો જન્મથી છો જ. ધ્યાનની પ્રક્રિયા કંઈ વધારતી નથી, કંઈ ખોટું છે તેને નષ્ટ કરી દે છે, સમાપ્ત કરી દે છે. ધ્યાનથી જે સાર્થક છે તે પ્રકટ થવાની સુવિધા પામી શકશે. ઓશો કહે છે કે બધી મહત્વપૂર્ણ ચીજો, બધાં સત્ય સરળ હોય છે. ચાહે ગીતા હોય કે ઉપનિષદ, કુરાન, બાઇબલ હોય કે પછી બુદ્ધ અને મહાવીરના વચન હોય – તે બિલકુલ સીધાં છે. શ્રી પ્રીતિશ નંદીની દ્રષ્ટિએ ઓશોનું ધ્યાન એ પણ જીવનને અને ખુદને સમજવાનું એક સાધન માત્ર છે. જેમ સંસાર સાથે જોડાવા માટે આપણી ભાષા શીખીએ છીએ, એમ જ પ્રકૃતિ સાથે સંવાદ સાધવા માટે આપણે ધ્યાન શીખવું જોઈએ.

રીટા જાની
24/06/2022

 

સંસ્પર્શ-૨૧

jigisha -સંસ્પર્શ -youtube

પ્રતિશ્રુતિ’ નવલકથામાં ધ્રુવદાદાએ ભીષ્મપિતામહ કુરુક્ષેત્રનાં યુધ્ધ પછી બાણશૈયા પર સૂતા હોય છે ત્યારે શ્રીકૃષ્ણ તેમને પૂછે છે કે “પિતામહ,રાજગાદી-ત્યાગ,સંસારનો નકાર,સંબંધોનો તિરસ્કાર,જીવનનોઅસ્વીકાર અને ભીષણ પ્રતિજ્ઞાઓ કરવાથી જ જન્માંતરો,ઋણે,અનુબંધથી રહિત જીવી શકાય છે? જો એમ હોત તો બધાં તેમ ન કરત.?”આમ પૂછી ,કૃષ્ણ એક રાત માટે સાક્ષીભાવે તેમના જન્મ ,આખું જીવન અને તેમણે લીધેલ પ્રણ ,પ્રતિજ્ઞા વિશે વિચારી, પૂરી ગંભીરતા પૂર્વક તેના પરિણામો અંગે વિચારવા બાણશૈયા પર પોઢેલાં ભીષ્મપિતામહને વિચારવા કહે છે. અને ત્યાંથી નવલકથાનાં મહાભારતની કથાની શરુઆત થાય છે.

ધ્રુવદાદાએ નવલકથામાં આખા મહાભારતનું ભીષ્મનાં પાત્ર સાથેનું સુક્ષ્મ અવલોકન કરી ખૂબ રસસભર મૂલ્યાંકન કર્યું છે. પોતાનાં અલગ અંદાજ સાથે મહાભારતનું કથન નજર સમક્ષ ભજવાઈ રહેલા નાટક જેવું રસપ્રદ શૈલીમાં લખાયું છે.મહાભારતનાં અનેક શ્લોકો અનુવાદ સાથે ટાંકીને ધ્રુવદાદાએ તેમની નજરે મહાકાવ્યની અનેક નજાણેલી વાત રજૂ કરી ઐતિહાસિક સફર આપણને કરાવી છે.ભીષ્મનાં માતા સત્યવતી એટલે મત્સ્યગંધા ,જે માછલીનાં પેટમાંથી જન્મેલા હતાં તે મત્સ્યકન્યા રૂપે સૌને નૌકામાં નદી પાર કરાવતાં હતાં.આ વાત સૌ કોઈ જાણતું હોય પરતું તે જ સત્યવતી કૃષ્ણ જન્મસમયે યમુનામાં જઈ વાસુદેવકૃષ્ણને યમુના પાર કરાવવા પહોંચી ગયાં હતાં તે આપણે ન જાણતા હોઈએ. આવી નાની નાની અનેક વાતો દાદાએ પ્રતિશ્રુતિમાં આવરી લીધી છે.

ભીષ્મપિતામહે આજીવન બ્રહ્મચર્યની જે પ્રતિજ્ઞા લીધી હતી તેથી જ તે ભીષ્મ કહેવાયા અને શું તે યોગ્ય હતું ?તેમના જીવનની આ પ્રતિજ્ઞાથી તેમણે માસત્યવતી,અંબા,અંબિકા અને 

અંબાલિકાનાં જીવનમાં જે ઝંઝાવાત લાવ્યા હતાં તે યોગ્ય હતાં?તેમની એક પ્રતિજ્ઞા પૂરી કરવા તેમજ મુક્તિની ઈચ્છાએ તેમણે મા સત્યવતી સમેત કેટલી સ્ત્રીઓનાં સુખનાં સપના રગદોળી નાંખ્યાં.દ્રૌપદીનાં વસ્ત્રાહરણ સમયનું પિતામહનું મૌન અને ગાંધાંરીને પોતાનાં અંધ પુત્ર માટે પુત્રવધૂ તરીકે માંગવી વિગેરે પ્રંસંગોને ભીષ્મપિતામહ દ્વારા જ મરણપથારીએ સ્મરણ કરાવી ,દાદાએ પોતાની રીતે સરસ મૂલવણી કરી છે.ભીષ્મપિતા માટેનાં પોતાનાં વિચારોને દાદાએ જુદા જુદા પાત્રોનાં સંવાદો દ્વારા રજૂ કર્યા છે.

દ્રૌપદી ભીષ્મપિતાને પોતાની સાથે ખાંડવપ્રસ્થ આવવાનું કહે છે ત્યારે પિતામહ કહે છે કે ,”હું હસ્તિનાપુરનો સેવક છું એટલે તમારી સાથે ન આવી શકું.”ત્યારે દ્રૌપદી પિતામહને કહે છે કે “પાંડવો પણ સત્યવતીનાં જ વંશજો છે.” ભીષ્મ ત્યારે દ્રૌપદી પર ગુસ્સે થઈ જાય છે .પણ મરણ પથારીએ એ યાદ આવતા તેમને સમજાય છે કે,” મેં તો સંસારથી અને રાજકાજનાં વળગણોથી દૂર રહેવાના આશયથી જ પ્રતિજ્ઞા કરી હતી.આજે જોઉં છું કે ગંગા, સત્યવતી,અંબા, દ્રૌપદી ,કૃષ્ણ,પાંડવો,અસંખ્ય સૈનિકો-ન જાણે કોને કોને મારી પ્રતિજ્ઞાનાં દુષ્પરિણામો સહવાનાં આવ્યા!”

આમ ભીષ્મ પ્રતિજ્ઞાએ ભલે ભીષ્મ તરીકે પિતામહને બિરદાવ્યા ,પરતું દાદાએ પોતાની રીતે તેની જુદીજ મૂલવણી આ નવલકથામાં કરી છે.

શ્રીકૃષ્ણ -ભીષ્મનાં છેલ્લા સંવાદમાં કૃષ્ણ કહે છે,”પિતામહ,જુદું તમે જીવ્યા છો.જુદું જીવવાની ઝંખનામાં તમને ક્યારેય એ ન દેખાયું કે મનુષ્યો સાથે સહજ રીતે જીવવા માટે આપણી મહાનતા દર્શાવવા કરતાં તેમનાં સુખદુ:ખને અનુભવવાં,સમજવાં તે સરળ ઉપાય છે.”

મા ગંગા પણ ભીષ્મને કહે છે,”બેટા,મુક્તિ માટેની લીલામાંથી પસાર થતાં રહીને જીવનને”લીલા”સમજીને જીવવું તે જ તો વાસ્તવમાં સ્વર્ગ છે,સુખ છે તે જાણવું તને ન ગમ્યું.”

આ નવલકથામાં ભીષ્મ તેમની પ્રતિજ્ઞાઓ થકી કેટલીયે વાર જીવનનાં અનેક પડાવ પર અસહાય બની અટવાઈ જતાં દેખાયા છે.ભીષ્મનાં પાત્ર દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવાં માંગે છે કે મોક્ષ એ જ જીવનનો હેતુ હોવો ન જોઈએ પરતું એક સાચા,સરળ,સહજ ,સહ્રદયી મનુષ્ય બનીને જીવી,સહજતાથી આનંદપૂર્ણ જીવન જીવવું એ જ જ શ્રેષ્ઠ જીવનજીવવાની રીત છે.

એક સુંદર ધ્રુવગીત માઈધારમાં લખાએલ.

ફરી ફરી સાથમાં રહેશું

ફરીવાર નદીએ ન્હાશું,

ફરીવાર ચોકમાં ગાશું રે….

વળી પાછા આવજો કહેશું,આવજો કહેશું ,આવજો કહેશું રે….ફરીવાર ચોકમાં ગાશું રે….

નભે નભ ગોતશું તારા,

મને જડે એટલા મારાં

વીણીને વેરતા રહેશું રે…..વળી પાછા આવજો કહેશું ..

વળી પાછાં આવજો કહેશું,

ફરી ફરી સાથમાં રહેશું,

ફરીવાર નદીએ ન્હાશું,

ફરીવાર ચોકમાં ગાશું રે…

મનોમન કાનમાં કહેશું,

નથી કંઈ છૂટવા જેવું,

ચોરાશી લાખમાં રહેશું રે..

વળી પાછા આવજો કહેશું.આવજો કહેશું…રે…

ફરી ફરી સાથમાં રહેશું

ફરીવાર નદીએ ન્હાશું

ફરીવાર ચોકમાં ગાશું રે…..

જિગીષા દિલીપ

૨૩મી જૂન ૨૦૨૨

હેલીના માણસ – 22 | તો વાત આગળ વધે | રશ્મિ જાગીરદાર

નમસ્કાર મિત્રો, કેલિફોર્નિયાની બેઠક એટલે વિકસો અને વિકસાવો. હું રશ્મિ જાગીરદાર બેઠકના કલા અને સાહિત્યના આ મંચ પર આપ સૌનું અભિવાદન કરું છું. ‘હેલીના માણસ’ આ શ્રેણીનો ભાગ-22 ‘તો વાત આગળ વધે’ એની 21મી ગઝલ અને રસાસ્વાદ. 

આલેખન અને પ્રસ્તુતિ – રશ્મિ જાગીરદાર.  સંકલન – પ્રજ્ઞા દાદભાવાળા

 

ગઝલ –

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

 

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,

પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

 

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,

એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

 

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,

હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

 

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

 

રસાસ્વાદ 

મુગ્ધાવસ્થાની એક તાસીર હોય છે! કોઈ પર નજર પડે ને એ ગમી જાય. બન્ને પક્ષે આવી લાગણી ઉદભવશે પણ આ ઉમરે શરમ પણ ઠાંસીઠાંસીને ભરેલી હોય એટલે ન કહેવાય, ન સહેવાય. આ વાત સમજવા ખલીલ સાહેબ બે પ્રેમીઓને એક જ જળાશયની પાળે બેઠેલા કલ્પે છે. બેમાંથી એક પણ જણ જો પાણીમાં કાંકરા નાખે તો વાતની શરૂઆત થઈ શકે. કારણ કે, શરમમાં બોલવાનું તો કોઈ નથી પણ કાંકરાએ પાણીમાં સર્જેલાં કુંડાળા આગળ વધીને સામેની વ્યક્તિને દિલનો સંદેશ જરૂર પહોંચાડશે અને એમ વાત આગળ વધશે. 

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,

સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

સ્નેહની શરૂઆત તો થઈ ચૂકી. કવિ ઉદ્ભવેલી પ્રીતિને કેવી હળવેથી આગળ વધારે છે! હવે નજરની ઓળખાણ તો છે જ. એટલે હિંમત કરીને, કંઈ ખૂબસૂરત બહાનું કાઢીને ઘર સુધી પહોંચી જવાનું ને બિંદાસ ટકોરા મારીને ઉભા રહેવાનુ. ત્યારે વિચાર તો એવો જ આવે ને કે, બારણું ઊઘડે તો વાત આગળ વધે! પણ એ શક્ય ક્યારે બને? ટકોરા સાંભળનાર પણ ઈચ્છે કે, મળવું છે! તો જ ને? બન્ને તરફ જ્યારે મિલન માટેની તડપ સરખી રીતે ઉગ્ર થઈને ઉભરે અને બન્ને તેમાં તરબોળ થઈ જાય તો પછી દરવાજાની શુ હેસિયત કે એ બંધ રહે? 

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,

બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

લો હવે બારણું ખુલી ગયું. દિલના દ્વાર તો ટકોરા વગર જ ખુલી ગયેલા હોય! બન્ને સામસામે આવી તો ગયાં. આવા સમયે એક મઝાની ઘટના બને. જનાર તો દરેક સવાલના જવાબો મનમાં તૈયાર રાખીને જ જાય છે કે, આમ પૂછશે તો આમ કહીશ. તેમ પૂછશે તો તેમ કહીશ. પણ બારણું ખોલીને ઉભેલી એ સ્તબ્ધ પ્રતીમા કંઈ પૂછે તો વાત આગળ વધે ને! કંઈ પણ બોલ્યા વગર એ જો આવનારની એક આંગળી ઝાલી લે તો? તો શું? પેલું આંગળી આપીએ તો પોંચો પકડ્યા જેવુ જ તો! પણ પછી? એ સ્પર્શમાં જે હુંફ હોય તેની અસર છેક દિલ, દીમાગ અને સમગ્ર અસ્તિત્વમાં પણ પહોંચી જાય. એમાંથી બન્ને વચ્ચે એક સરખા ભાવો ઉદ્ભવે અને એ જ વાતને આગળ લઈ જાય. બન્ને ને એજ જોઈતું હોય છે ને! 

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,

બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

આ તો ખલીલ સાહેબ એ તો હેલીના માણસ એમને ઝાપટું ન ચાલે! એ તો કહે, આપણને શરમ, સંકોચ ન ચાલે ભાઈ! છાશ લેવા જઈએ ને દોણી સંતાડવાની? બન્ને જણ જ્યાં સુધી મળવાની ઈચ્છા નહી કરે, મળવાનો નિર્ધાર નહીં કરે તો વાત આગળ ક્યાંથી વધે?

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,

બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

મિત્રો, વાતની શરૂઆત તો થઈ જાય પણ એ આગળ વધે અને પરિણામની પ્રાપ્તિ સુધી પહોંચે તો વાત બને! ખરું ને? ખલીલ સાહેબની આ ગઝલથી  મનમાં એક પ્રેમકથા પાંગરે છે. એની મઝા આપણે માણી. આવી જ ભાવવાહી સુંદર એક બીજી ગઝલને માણીશું આવતા એપિસોડમાં ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો ખુશ રહો. નમસ્કાર. 

રશ્મિ જાગીરદાર 

વિસ્તૃતિ …૨૧ -જયશ્રી પટેલ 

   

98DCBC6E-4FF2-4BDC-8D03-2A9A2D5E3679

         *અંધારે અજવાળું* નવલિકાનો ગુજરાતીમાં અનુવાદ શ્રી પ્રસાદ બ્રહ્મભટ્ટજીએ સહેજ ટૂંકાવીને આપણી સમક્ષ મૂક્યો છે. આપણે આજે આ વાર્તાનું સુંદર સંસ્કરણ જોઈએ સત્યેન્દ્ર ચૌધરી જમીનદારનો પુત્ર હતો. તેનાં પિતાનું મૃત્યુ થયું હતું તેની વિધવા માતા પતિના મૃત્યુ પછી મુનીમજીની  મદદથી જમીનદારીની દેખરેખ રાખતી હતી.તેમજ પુત્રને વકીલ બનાવવા મહેનત કરી રહી હતી. જો ભણી ગણી લે પુત્ર તો પરણાવીને જમીનદારી તેને સોંપી તે નિશ્ચિંત થવા માંગતી હતી. તેણે એક દિવસ વ્રત નિમિત્તે ગામને જમવાનું આમંત્રણ આપ્યું ને તેમાં અતુલ મુખર્જીની વિધવા તેની બાર  વર્ષની પુત્રી સાથે જમવા આવી હતી . આ પુત્રી સુંદર હતી તો સાથે સાથે સુશીલ અને હોશિયાર તેમજ ગુણવાન હતી . તેથી તેની નજરોમાં વસી ગઈ હતી. સત્યનને તેના માટે વાત કરવી જોઈએ પણ તે હમણાં તૈયાર ન હતો.

              સત્યેન્દ્ર જેને આપણે સત્યેન  કહીશું જે એમ.એ.ની પરીક્ષા આપી રહ્યો હતો ,તેથી તેણે માને વકીલાત પાસ કર્યા પછી જ લગ્ન કરીશ એમ મક્કમતાથી જણાવી દીધું .તે એકનો એક પુત્ર હતો.તે માને દુઃખી કરવા માંગતો નહોતો . સુશીલ અને સંસ્કારી હતો છતાં માએ  જ્યારે તેની સમક્ષ ઘરેણાથી લાદેલી એક નાની છોકરીને બેસાડી ,ત્યારે મા પર તે ગુસ્સે થયો તે ભણવામાં ચિત્ત ચોટાડી શક્યો નહીં. વારંવાર પેલી સુંદર છોકરીનો ચહેરો તેની સમક્ષ આવવા લાગ્યો તે સાંજે પેલી છોકરી તેના ઓરડામાં આવી તેને સામેથી જ પૂછી બેઠી માએ તમારી પાસે જવાબ માંગ્યો છે.ત્યારે તેનો મધુર કંઠે સાંભળી તે ટાળી ન શક્યો.જૂઓ મિત્રો અહીં સહજતાથી લેખકે સર્જન થયેલાં આ સમાજના સહજ પણાને દર્શાવ્યું છે.

         મિત્રો ,શરદબાબુ ઘણીવાર આવા બે પાત્રોને વાચક સમક્ષ એવી રીતે રજૂ કરે છે કે વાંચનાર પણ રોમાંચિત થઈ ઉઠે. તેનો જવાબ સાંભળી તે છોકરી જવા લાગી તો એનાથી રહેવાયું નહીં અને નામ પૂછી જ લીધું ઉત્તરમાં તેણે કહ્યું,” મારું નામ રાધા રાણી.”તે ચાલી ગઈ સત્ય માનતો હતો કે લગ્નની બેડી પગમાં પડયા પછી માણસના આત્મસન્માનનો નાશ થાય છે. છતાં પણ સ્ત્રી જાતિ પ્રત્યેની ઉદાસી તે ક્ષણે દૂર ધકેલાઈ ગઈ . એવું કશુક દિલોદિમાગ પર હાવી થઈ ગયું કે તે નજર ના હટાવી શક્યો.આ આકર્ષણને લેખકે અહીં વિશેષરૂપે આલેખ્યું છે.

       સત્યને તરવાનું ખૂબ ગમતું .તેના રહેઠાણથી ગંગાજી બહુ દૂર નહોતાં.તે જગન્નાથ ઘાટ ઉપર જતો ને ત્યાં તેનો એક ઓડિયા બ્રાહ્મણ સાથે સારો મેળ હતો . પોતાના કપડાં ત્યાં મૂકીને નાહવા જતો હતો.એક દિવસ તેના જીવનમાં ઉથલપાથલ મચી ગઈ. ગંગાઘાટ પર પહોંચ્યો અને પેલો બ્રાહ્મણ દેખાયો નહીં આમ તેમ નજર ફેરવતા બધાંની નજર જ્યાં હતી ત્યાં તેની નજર પણ સ્તબ્ધ થઈ ગઈ.

          તેનાં પરિચિત પંડા પાસે એક સ્ત્રી જાણે કે અપ્સરા જ જોઈ લો! આવું રૂપ તેણે કદી નહોતું જોયું તેવી સ્ત્રી કપાળે ચંદનની છાપ લગાવી રહી હતી.સત્ય તે પંડા પાસે જઈ ઊભો રહ્યો તે પંડાને સત્ય પાસે સારી એવી દક્ષિણા મળતી હતી. તેણે તેનાં કપડાંની છાબ લઈ લીધી . તે દરમ્યાન પેલી સ્ત્રીની અને સત્યની આંખો મળી. આમ હવે રોજ થવા લાગ્યું સાતેક દિવસ બાદ સત્યને લાગ્યું આ સ્ત્રી આંખોથી વાતો કરવામાં પાવરધી છે. સંસ્કારી સત્યેને ક્યારે પહેલ ન કરી.

        એક દિવસ તે સ્ત્રીએ જે અઢાર વર્ષની યુવતી જ હતી પણ થોડી પીઢ લાગતી હતી. તેણે જ શરૂઆત કરી અને તેને રસ્તામાં સાથ આપવા વિનંતી કરવા લાગી. બે ચાર દિવસ આ ચાલ્યું .ત્યારબાદ જાણે કે સત્ય હવે તેના તરફ આકર્ષવા લાગ્યો, પણ હિંમત કરી પૂછી નહોતો શક્યો. તે સ્ત્રીએ તેની સાથે સરલા નાટકની ચર્ચા કરી ત્યારે તેને લાગ્યું કે તેનું વાંચન પણ ઘણું સારું છે.તેની બોલવાની છટા પણ સરસ હતી.એક દિવસ પેલી સ્ત્રીએ તેને તેના ઘરે આવવા કહ્યું. સત્ય ચમક્યો તેણે ના, ના  છી , છી કહી નકાર કર્યો. ફરી કદીક કહી તે પ્રિયતમા પ્રત્યે  ઊંડી શ્રદ્ધાથી ગદગદ્ થઇ ગયો. ચારેક દિવસથી પેલી યુવતી દેખાતી બંધ થઈ ગઈ .સત્યેન તેના માટે સારા-નરસા વિચારો અને અટકળો કરી ચુક્યો હતો.

ત્યાં દાસી તેને લેવા આવી કે તે યુવતી બીમાર છે અને યાદ કરે છે. બીમારીનું સાંભળી સત્યેન પોતાની જાતને 

ન રોકી શક્યો, પણ મિત્રો તેને ખબર નહોતી કે તે જેને નિસ્વાર્થ ભાવથી ચાહતો હતો તે છળ કપટ હતું.

         ત્યાં પહોંચતાં જે માહોલ નજરે ચઢ્યો તે જોઈ સત્યેન દિગ્મૂઢ થઇ અક્ષર ન બોલી શક્યો. મનોમન પોતાની જાતને ઘૃણા કરવા લાગ્યો . પેલી યુવતી ,દાસીને ત્યાં બેઠેલા પુરુષોએ તેની ઠઠ્ઠા-મશ્કરી કરી અપમાન કર્યું .બાઘો કહ્યો.તેને નાસ્તો ધરવામાં આવ્યો,પણ સત્ય તેને અડક્યો પણ નહીં તે સ્ત્રીનાં હાથનું ભોજન તે નહીં જ કરે તે મક્કમતાથી કહી દીધું, સાથે તેને ઠુકરાવી ઉભો થઇ ગયો જ્યારે પેલી સ્ત્રીએ તેની ઓળખ આપી ને નામ કહ્યું ,”તે વીજળી છે તેની ચમક આગળ ભલભલા પાણી ભરે છે.” સત્યેન તેનાં જુઠ્ઠા પણા પર ખૂબ જ ક્રોધિત થઈ ત્યાંથી નીકળી ગયો.તેની વિનંતી જે  તેના અભ્યાસ ખંડમાં આવવાની હતી તે પણ તેણે ઠુકરાવી દીધી. 

         વીજળી નૃત્યાંગનાંનું પાત્ર અહીં શરદબાબુએ ચિત્રિત કર્યું છે.નૃત્યાગના છે,પાપ કર્યા છે છતાં સત્યને કાંઈક હૃદયનાં  ખૂણામાં તેણે ચાહ્યો છે. તેથી અનેક વિનંતી કરે છે પણ સત્યેન તેની એક પણ વિનંતી પોતાનો ઉપહાસ થયા પછી સ્વીકારવા તૈયાર નથી .ત્યારે અંતમાં વીજળી કહી દે છે,”બધાં મંદિરોમાં દેવની પૂજા થતી નથી છતાં તે દેવ છે .તેને જોઈ ભલે તમે મસ્તક નમાવો પણ તેને કચડી ને તો તમારાથી જવાશે નહીં “અને સત્યેન હંમેશ માટે તેને ન મળવાનો નિર્ધાર કરી ત્યાંથી નીકળી ચાલ્યો ગયો. વીજળી સ્ત્રી હતી તેણે ભૂલ કરી હતી અને તેની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી પડયો ,હૃદયે ડૂસકું નાખ્યું અને ઘુંઘરું વીંછીની જેમ ડંસ દઈ રહ્યાં હતાં .બધું જ તેણે ત્યજી દીધું. ફરી ક્યારેય ન શ્રૃંગાર નહિ સજવા,ન  પહેરવાના નિશ્ચય સાથે.બધાંને  કહી દીધું “વીજળી રોગથી મૃત્યુ પામી” 

        એક  દારૂડિયો પુરુષ પૂછી બેઠો,”કયા રોગથી?”

        ઉત્તરમાં પેલું લોભામણું હાસ્ય કરી હસતાં હસતાં કહે છે કે જે રોગથી દીવો થતા અંધારું મરી જાય છે,સૂર્ય થતા રાત મરી જાય છે એજ રોગથી તમારી બાઈજી હંમેશ માટે મરી ગઈ.

         ત્યારબાદ મિત્રો ચાર વર્ષનાં વહાણાં વહી ગયાં. બધું જ બદલાઈ ગયું સત્યેન  ખૂબ જ અમીર થઈ ગયો અને કલકત્તામાં આલિશાન મકાનમાં રહેવા લાગ્યો ને ત્યાં આજે તેનાં દીકરાની અન્નપ્રાશનની વિધિ હતી. તેણે બે ત્રણ નૃત્યાંગના પણ બોલાવી હતી. 

      સત્યને માનાં કહ્યાં પ્રમાણે રાધારાણી સાથે લગ્ન કરી લીધાં હતા. તે આ ત્રણેય નર્તકીને જોઈ રહી હતી.તે ક્ષણે તે કૃષ થઈ ગયેલી સાદા વસ્ત્રોમાં બેઠેલી નૃત્યાંગનાને મળવા ઈચ્છા રાખતી હતી. સત્યેન પણ તેને બોલાવી તેનું અપમાન જ કરવા ઈચ્છતો હતો ,એ જાણ્યા પછી રાધારાણી  સુશીલ સ્ત્રી હતી તેણે સત્યેનની બધી વાત સાંભળી ત્યારે તેને પોતાની પાસે બોલાવી. તે ખૂબ જ ઉદાસ લાગતી હતી .તેને ગાવાના રૂપિયા તે વખતે ૨૦૦ મળતાં હતાં. છતાં તેને આટલા ખર્ચે બોલાવવામાં આવી હતી. 

           રાધારાણીએ તેને વિનયપૂર્વક મોટીબેનનાં નામે સંબોધી .પોતાનો દીકરો તેના હાથમાં આપ્યો અને જાણે વર્ષોથી ઓળખતી હોય તેમ બોલી ઉઠી કે સમુદ્ર મંથનમાંથી નીકળેલ વિષ તમે પી જઈ સઘળું અમૃત તમારી આ નાની બહેનને આપ્યું છે .તમને એ ચાહતા હતા ,તેથી હું તેમને પામી છું.વીજળીએ સત્યેનનો નાનો ફોટોગ્રાફ હાથમાં લઇ  એકીટસે જોઈને પછી હસી ને બોલી,”વિષનું વિષ તો અમૃત છે .બહેન ,હું એનાથી વંચિત રહી નથી.એ વિષે આ ઘોર પાપી સ્ત્રીને અમર કરી દીધી છે.”

    રાધારાણી તેને પૂછી બેઠી,”તેને મળવું છે બહેન?” 

          ક્ષણવાર આંખ મિંચી તે સ્ત્રી વીજળી બોલી ઉઠી,”ના બહેન , અસ્પૃશ્યા સમજી ચાર વર્ષ પહેલાં તેમણે મારો ત્યાગ કર્યો હતો ત્યારે મેં ગર્વથી કહ્યું હતું કે તમે જરૂર પાછા આવશો,પણ મારું અભિમાન રહ્યું નહીં. તે જીત્યા ફરીવાર ન જ આવ્યા,પણ પ્રભુએ મારું અભિમાન કેમ હણ્યું એ હવે સમજાય છે.મારે જ આવવું પડ્યું. ફરી મળશે તો માફી માંગીશ એવી ઇચ્છા હતી,પણ હવે જરૂર નથી. મને આ ફોટોગ્રાફ આપો વધુ કંઈ જ નથી જોઈતું હવે માંગુ તો પ્રભુ મને માફ નહીં કરે. બસ, હવે તો ઘરેથી દૂર જતી રહીશ ,પણ તેઓ તેડવા માણસ મોકલ્યો તો ખોટું નામ કેમ આપ્યું? 

       આ સંવાદ પછી મિત્રો,રાધારાણી કાંઈ જ ન બોલી શકી ,પણ વીજળી સમજી ગઈ કે તેનું અપમાન કરવા તેને લાવવામાં આવી હતી . રાધારાણી શરમથી આંખો ઝૂકાવી ઊભી રહી ગઈ .તેને ન શરમાવાનું કહી ,અંતે કહી ગઈ કે મારું અપમાન કરવા જતાં એમનું જ અપમાન થશે ! ઉંમરમાં મોટી છું પણ આશીર્વાદ નથી આપી શકતી એટલું જરૂર ઇચ્છીશ કે તમારું સૌભાગ્ય સદાય અખંડ રહે .

      મિત્રો, એક સ્ત્રીને બીજી સ્ત્રી ઓળખી શકે તેવું કોઈ ન ઓળખી શકે અન્યને! તે રાધારાણીએ કેટલી સરળતાથી સાબિત કરી દીધું. સાવ જ વીજળી નામ છતાં અંધારે જીવતી આ સ્ત્રીએ નાની ભૂલ ઉપહાસ કરવાની કરી હતી ,તેને અજવાળીએ રસ્તે વાળનારી પણ એક સ્ત્રી જ હતી .આવા સ્ત્રીપાત્રોની કલ્પના તો આપણે શરદબાબુની વાર્તા ઓ માં જ કરી શકીએ. પ્રેમ ને તેનો ઉપહાસ કેવો એક પુરુષનો માર્ગ બદલી નાંખે છે !તે આપણે સત્યેન્દ્રના પાત્ર દ્વારા જાણ્યું. 

            આમ શરદબાબુની નવલકથા હોય કે નાની નવલિકા પ્રેમ ને તેઓ કેવા અંતિમ ચરણે પહોંચાડે છે કે વાચક તેને વાંચવા બેસે તો તેમાં ઓતપ્રોત થઈ જાય.         

       મિત્રો આવતા અંકમાં જરૂર ફરી શરદબાબુની નવી વાર્તા સાથે મળીશું.

અસ્તુ ,

જયશ્રી પટેલ

૧૯/૬/૨૨

ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૧૪: અલ્પા શાહ

રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનું ભાવભર્યું સ્વાગતછે. રબીન્દ્રસંગીતની આપણી સફર આગળ ધપાવતા, આજે આપણે પ્રેમ પારજોયની ખુબ નજાકત ભરેલી રચનાને જાણીશું અને માણીશું. 

આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમમાં “પડવું” એ એક અવર્ણીય અનુભૂતિ છે અને ખાસ કરીને વિજાતીય પ્રેમમાં પડવાની અનુભૂતિ તો જે ખરેખર પ્રેમમાં પડ્યું હોય તેજ સમજી શકે અને સમજાવી શકે. ક્યારેક અચાનક કોઈકના હૃદયના ટુકડાની સાથે આપણા હૈયાનો ટુકડો પેલા jigsaw puzzleની જેમ જડબેસલાક જોડાઈ જાય એટલે કે it just clicks – ત્યારે બને પક્ષે આ પ્રેમની અનુભૂતિનો સાક્ષાત્કાર થાય…પ્રેમ અને આકર્ષણ વચ્ચે આભ-જમીનનો ફરક છે. પ્રેમ આપીને ખુશ થાય અને આકર્ષણ પામીને ખુશ થાય.. પ્રેમ ઉડવાને મુક્ત આકાશ પૂરું પડે જયારે આકર્ષણ ઉડાનને આંતરે…જોકે આજકાલ પ્રેમ અને આકર્ષણ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ છે તે જુદી વાત છે…

જયારે બે પાત્રો વચ્ચે પ્રેમનો પ્રાદુર્ભાવ થાય ત્યાર બાદ હંમેશા એકબીજાના સાંનિધ્યમાં રહેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. આવાજ કોઈક પાત્રની લાગણીઓને ગુરુદેવે આ રચનામાં ખુબ નજાકત પૂર્વક વાચા આપી છે.1897માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે ভালোবেসে সখী নিভৃতে যতনে | (Bhalobashi Sokhi nibrite jatone) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “તારા મન મંદિરે…”
જેનું સ્વરાંકન કવિવરે કીર્તન પદ્ધતિ પરથી કર્યું છે અને તેને દાદરા  તાલ પરતાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનો પ્રયત્ન કરીશું.  

 

આ રચનામાં કવિવરે ખુબ નાજુકતાથી એક પ્રેમી હૃદયની ઈચ્છા અને મહેચ્છાને વાચા આપેલ છે. પોતાના પ્રિયપાત્રને સાંનિધ્ય, સામીપ્ય અને સાયુજ્યને પામવું એજ એક પ્રેમીની અભિલાષા હોય છે જે દરેકે દરેક પંક્તિમાં કવિવરે શૃંગારિક રીતે વ્યક્ત કરેલ છે. કદાચ તનથી સમીપે રહેવું શક્ય ના હોયતો પણ મનથી એકબીજાની નજીક રહેવાની આકાંક્ષા વ્યક્ત કરેલી છે. રબીન્દ્રસંગીતની આ રચના પ્રેમ પારજોયની એક અતિ વિખ્યાત રચના છે જેને બંગાળી સંગીતના અનેક ધુરંધરોએ પોતાના સુમધૂર સ્વરમાં રજુ કરી છે.

આ રચનાને જયારે હું સમજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે મારા મનમાં એક વિચાર ફરકી ગયો. આપણે સૌ જાણીએ છીએ તેમ રાધા-કૃષ્ણ  વચ્ચેના પ્રેમને પ્રેમની પરાકાષ્ટા કે પ્રેમની ચરમસીમા કહી શકાય. જેમ રાધાજીના રોમમાં રોમમાં શ્રી કૃષ્ણનો વાસ હતો તેમ શ્રી કૃષ્ણ માટે પણ રાધાજી તેમનો શ્વાસ જ હતાને! રાધાજી માટે શ્રી કૃષ્ણ  તેમના હૈયાનો ધબકાર હતા તો શ્રી કૃષ્ણ   પણ રાધાજીમાં એકાકારજ હતાને! રાધાજીના શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમની ઉર્મિઓને શબ્દો દ્વારા પ્રાચીન કાળથી ઘણા બધા સાહિત્યકારો એ વાચા આપી છે પણ શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને વર્ણવતી રચનાઓ પ્રમાણમાં ઓછી જોવા મળે છે….શ્રી કૃષ્ણના રાધાજી પ્રત્યેના પ્રેમને કદાચ આ રચના દ્વારા વ્યક્ત કરી શકાય એટલી નજાકત આ રચનામાં રહેલી છે. 

 તો ચાલો, આ દિવ્ય પ્રેમની પવિત્રતાને માણતા માણતા હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણઆ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા  હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,    

અલ્પા શાહ 

ઓશોદર્શન-21. રીટા જાની

wp-1644023900666



પૌરાણિક માન્યતા અનુસાર સપ્તર્ષિઓએ ૮૪ વર્ષ સુધી સ્થિર રહી શિવજીને પ્રસન્ન કરવા તપસ્યા કરી. આદિયોગી શિવજીએ દક્ષિણાયનના દિવસે પ્રથમ વાર યોગનું જ્ઞાન સપ્તર્ષિઓને આપ્યું. આ ઉપલક્ષમાં ભારતે યુનોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન ઉજવણી માટે પ્રસ્તાવ મૂક્યો જેને 177 દેશોનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો. આમ 21 જૂન 2015 ના રોજ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવાની શરૂઆત થઈ. જ્યારે આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ટૂંક સમયમાં જ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ઓશોના યોગ વિશેના વિચારો જાણવા રસપ્રદ થઈ પડશે. ઓશોએ યોગ અને પતંજલિ યોગસુત્ર ઉપર અનેક પ્રવચનો આપ્યા છે. આપણે પણ થોડા હપ્તા સુધી ‘ઓશો દર્શન’માં યોગ વિશે વાત કરીશું.

ઓશોને સમજવા માટે પહેલા ઓશોની પરિભાષાને સમજવી જરૂરી છે. ઓશો ધ્યાન, વૈરાગ્ય, અનાસક્તિ, સન્યાસ, પરમાત્મા, પરમપુરુષ, ઈશ્વર – જેવા શબ્દોનો પ્રયોગ કરે છે, જેને ચીલાચાલુ જૂની ઘરેડમાં સમજવાથી મુશ્કેલી ઊભી થાય છે. આ બધા અંગેની ઓશોની વ્યાખ્યા તદ્દન જુદી જ છે, જે ઓશોને નૂતન યુગની ચેતનાના પ્રવક્તા સિદ્ધ કરે છે.

યોગ એક શાસ્ત્ર નહિ, વિજ્ઞાન છે. તેને કોઈ ધર્મ સાથે સંબંધ નથી. છતાં વિશ્વના તમામ પ્રબુદ્ધ પુરુષો યોગથી પસાર થયા વગર સત્યને ઉપલબ્ધ થયા નથી. ધર્મ વિશ્વાસ પર આધારિત છે. જ્યારે યોગ વિશ્વાસ નહિ પણ જીવન સત્યની દિશામાં કરવામાં આવેલા વૈજ્ઞાનિક પ્રયોગોની સુત્રવત પ્રણાલી છે. માટે યોગની અનુભૂતિ માટે કોઈ પ્રકારની શ્રધ્ધા કે અંધવિશ્વાસ આવશ્યક નથી. યોગ આપણી ધારણાઓ પર નિર્ભર નથી. જેમ વિજ્ઞાન સંશોધનથી, અન્વેષણથી શરૂ થાય છે, તે જ રીતે યોગ માટે ફક્ત પ્રયોગશીલતાની જરૂર છે, પ્રયોગના સામર્થ્યની જરૂર છે, શોધના સાહસની જરૂર છે.

યોગ કહે છે આપણી ભીતર અનંત સંપદાઓ છે, જેનાથી આપણે અપરિચિત છીએ. આપણી હાલત એક એવા સમ્રાટ જેવી છે, જે પોતાની તિજોરી ભૂલી ગયો છે, ધન ભૂલી ગયો છે અને સપનું જુએ છે કે તે એક ભિખારી છે, રસ્તા પર રડીને, પરેશાન થઈને ભીખ માગે છે. પણ કોઈ એક પૈસો પણ આપતા નથી. યોગ અનુસાર મનુષ્યના સાત ચક્રોમાં અનંત ઊર્જા અને શક્તિ પડેલી છે. પણ તે કળીમાં છુપાયેલા ફૂલની જેમ સુષુપ્ત છે. જે રીતે સવાર પડે ને સૂરજનો પ્રકાશ છવાય ત્યારે બંધ કળી ખીલી જાય છે, તે જ રીતે જ્યારે આપણી ભીતર આપણી ચેતનાનો સૂર્ય એક એક કેન્દ્ર પર પડે ત્યારે આપણી છુપાયેલી શક્તિઓ પ્રકટ થવી શરૂ થાય છે. જ્યારે સાતે સાત ચક્ર ખુલી જાય ત્યારે વ્યક્તિના દ્વાર અનંત માટે ખુલી જાય છે.

ઓશો યોગના 9 સૂત્રોની વાત કરે છે:
પહેલું સૂત્ર: જીવન ઊર્જા છે, શક્તિ છે. ઘણા સમય સુધી વિજ્ઞાનને પણ ભ્રમ હતો કે જગત પદાર્થ છે, મેટર છે. યોગમાં તો હજારો વર્ષો પહેલાં જણાવ્યું છે કે ઊર્જા જ સત્ય છે. હવે વિજ્ઞાન પણ આ હકીકત સ્વીકારે છે. એક ઉદાહરણ દ્વારા આ વાત વધુ સ્પષ્ટ થશે. એક વીજળીના પંખાને તીવ્ર ગતિથી ચલાવીએ તો તેના ત્રણ પંખડા દેખાતા બંધ થઈ જશે. જગતમાં કંઈ પણ સ્થિર નથી. અણુની તીવ્ર ગતિ કારણે જે સ્થિર ભાસે છે, એ બધી ચીજ ચાલી રહી છે. હવે વિજ્ઞાનની દૃષ્ટિમાં આ પૂરું જગત ઊર્જાનો વિસ્તાર છે.

બીજું સૂત્ર: શક્તિના બે આયામ છે. 1. અસ્તિત્વ 2.અનસ્તિત્વ. યોગ માને છે કે આ જગતમાં દરેક વસ્તુ બેવડા આયામની – ડબલ ડાયમેન્શનની છે. હોવાનો એક આયામ છે- existance. બીજો આયામ છે ન હોવાનો -non existance. માનવું કઠિન લાગે પણ પ્રતિપળ જે નથી તે થઈ રહ્યું છે અને જે છે તે ન હોવામાં વિલીન થઈ રહ્યું છે. યોગનો અર્થ જ થાય છે total, સમગ્ર. ઊર્જાના બે રૂપ છે. જે બંને રૂપને સમજી લે છે તે યોગમાં ગતિ કરી શકે છે. અર્ધું સત્ય કે અર્ધો પ્રેમ સંભવ નથી, એ ભ્રમ છે. હોવું ને ન હોવું સાથે સાથે જ છે. દ્વંદ્વમાં શક્તિનો વિસ્તાર છે. અંધારું અને પ્રકાશમાં એક જ ચીજનો વિસ્તાર છે. આપણે જેને અંધારું કહીએ છીએ એ ફક્ત ઓછા પ્રકાશનું નામ છે અને આપણે જેને પ્રકાશ કહીએ છીએ તે ઓછા અંધારાનું નામ છે. સારા માણસની ભીતર ખરાબ માણસ મળશે અને ખરાબ માણસની ભીતર સારો માણસ છુપાયેલો હશે. યોગ કહે છે બંનેને સમજી લો, પકડો નહિ. યોગ એ સુખ – દુઃખ, જન્મ – મૃત્યુ, અસ્તિત્વ – અનસ્તિતવનું અતિક્રમણ છે, બંનેની પાર થઈ જવું છે.

ત્રીજું સૂત્ર: અસ્તિત્વના બે રૂપ છે – ચેતન અને અચેતન.ચેતન અને અચેતન અલગ નથી પણ અસ્તિત્વના બે રૂપ છે. શરીર અને આત્મા પણ અલગ નથી. આ વસ્તુને બરાબર સમજી એ તો આત્માનો જે ભાગ ઇન્દ્રિયોની પકડમાં આવી જાય છે તેનું નામ શરીર છે અને શરીરનો જે ભાગ ઇન્દ્રિયોની પકડમાં નથી આવતો તેનું નામ આત્મા છે. દરરોજ આપણે જડ, અચેતનને ભોજન બનાવી રહ્યા છીએ અને આપણી અંદર તે ચેતન બનતું રહે છે અને જે ઉત્સર્જન થાય છે ઘણા રૂપોમાં તે જડ થતું રહે છે. આસ્તિક અને નાસ્તિક બંને આમાં ભૂલ કરે છે. યોગ કહે છે કે ચેતન અને અચેતન એ એક જ અસ્તિત્વના બે છેડા છે. ચેતન અચેતન થઈ શકે છે અને અચેતન ચેતન થતું રહે છે. આપણી ભીતર શરીર અને મન એમ બે ચીજો નથી પણ પણ એક અસ્તિત્વના બે છેડા છે. એટલે કોઈ પણ છેડાથી પ્રવેશ કરી શકાય છે. તેથી જ વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે કોઈ પણ બીમારી ફક્ત શારીરિક કે ફક્ત માનસિક નથી પણ મનો-શારીરિક એટલે કે સાઈકો સોમેટિક છે. આથી જ જગતના પણ બે ભાગ છે – પદાર્થ એટલે કે અચેતન અને જીવન એટલે કે ચેતન. એ બંનેમાં કોઈ વિરોધ નથી. એ બંને એકબીજાથી સંબંધિત છે.

ચોથું સૂત્ર : ઊર્જા સંયુક્ત છે, ઊર્જા એક પરિવાર છે. જગતમાં કંઈ પણ અસંબંધિત નથી. બધું જ સંયુક્ત છે. જગત એક પરિવાર છે. એ કરોડો માઈલ દૂરથી સૂર્ય હોય, ચંદ્ર-તારા હોય, મહાસાગરની લહેરો હોય, બાગમાં ખીલેલું ફૂલ હોય, રસ્તાના કિનારે પડેલો કંકર હોય કે આપણા હૃદયના ધબકાર હોય – આ અનંત વિસ્તારમાં બધું જ સંયુક્ત છે. જે ચીજો આપણા ખ્યાલમાં પણ નથી આવતી એ પણ પ્રભાવિત છે. સારા કે ખરાબ વિચારો પ્રકટ ન કર્યા હોય તો પણ તેના તરંગો આપણને સ્પર્શે છે. આપણે પણ આ તરંગોને સ્પર્શી રહ્યા છીએ. આ સમસ્તતાના વિસ્તાર વચ્ચે આપણે પણ ઊર્જાના એક પુંજ છીએ અને ચારે તરફ ઊર્જાના ડાયનેમિક કેન્દ્રો છે, જે બધા કામ કરી રહ્યા છે. આ પૂરા જગતની નિર્યાત આપણી સંયુક્ત નિયતિ છે. આથી પોતાને અલગ માનવા એ મૂર્ખતા છે, પોતાને અલગ માનીને જીવવું એ પોતાના હાથે માથા પર ભાર મૂકવા જેવું છે. યોગ કહે છે કોઈના માથા પર બોજ નથી. જે સત્ય જાણતા નથી કે જીવન સંયુક્ત છે તે બોજ અનુભવે છે. જીવનનું હોવું સૃષ્ટિના કર્મ પર નિર્ભર છે. મૃત્યુ જન્મની બીજી બાજુ છે. આ જગત સંયુક્ત છે. જ્યારે આ વાત સમજાય ત્યારે તે ભીતરથી મુક્ત થઈ જાય છે, ચિંતાના બોજથી મુક્ત થાય છે અને કોઈ બંધન રહેતું નથી.

યોગ એ ખૂબ ગહન વિષય છે. શ્રી. યશપાલ જૈન ખરું જ કહે છે કે જે કંઈ પ્રાચીન છે, પુરાતન છે, એ સમગ્રનો અસ્વીકાર ન થઈ શકે. તે જ રીતે જે નૂતન છે, અર્વાચીન છે તે બધાનો સ્વીકાર પણ શક્ય નથી. પુરાતનમાં પણ કેટલુંક ત્યાજ્ય છે, નૂતનમાં પણ કેટલુંક ત્યાજ્ય છે. ઓશો એક વિશાળ સાહિત્ય- દર્શન સંપદા મૂકતા ગયા છે, જે ભારત અને વિશ્વની મુખ્ય બધી જ સમસ્યાઓને ઊંડાણથી સ્પર્શે છે. માટે નવી પેઢીને ઓશોના વિચારો, જે નૂતન મૂલ્યોનું નિર્માણ કરે છે, તે પહોંચાડવાની જરૂર છે, જેથી નવી પેઢી પૂર્વગ્રહ મુક્ત બની, વિચારીને નિર્ણય લઈ શકે. ઓશોની દૃષ્ટિએ યોગના વધુ સૂત્રો સાથે મળીશું આવતા અંકે….


રીટા જાની
17/06/22