અજ્ઞાતવાસ- ૧૧

કભી ખુદપે કભી હાલાત પે રોના આયા!!

બહેનને કહ્યું”, મને ટીના ગમે છે”. એટલે બહેને તો સવાલોની ઝડી વરસાવવાની ચાલુ કરી દીધી.કોણ છે? ક્યાં રહે છે? કંઈ નાતની છે? તેનાં પિતા શું કરે છે?શું ભણે છે? કેવી દેખાય છે?વિગેરે વિગેરે….મેં બહેનને કહ્યું,” તું આટલા બધાં સવાલ મને પૂછે છે એનાં કરતાં તેને એકવાર ઘેર બોલાવીશ,તું જ એને બધું પૂછી લે જે.

મેં બીજા રવિવારે સવારે ટીનાને ઘેર બોલાવી.બહેને તો ઉધિયું,શ્રીખંડ,પુરી,બટાટાવડા બનાવ્યા હતા.બહેનનાં લસણવાળા ઉંધિયાંની સુગંધ ઘરમાં પેસતાં જ ટીનાનાં નાકમાં ઘૂસી ગઈ.મેં બહેન અને રુખીબા સાથે ટીનાની ઓળખાણ કરાવી.ટીના બંનેને પગે લાગી.ગોરોવાન,મોટી કાજળભરી આંખો,કાળા લાંબાં સીધા છૂટા વાળ અને પાતળી કમર સાથે ૫.૪” ઊંચાઈવાળી ,મોર્ડન મીની ડ્રેસમાં ટીનાને જોઈ ,બહેનનું મોં તો લાવસી ખાતું હોય તેમ મરકવા લાગ્યું.તેનાં તો બધાં સપનાં જાણે પૂરા થઈ ગયાં હોય તેમ બહેને ટીનાને કહ્યું,”બેસ ,બેટા બેસ,કહી મણીબહેન પાસે પાણી મંગાવી,તે તેની બાજુમાં જ ગોઠવાઈ ગઈ.


ટીનાએ કહ્યું”, આન્ટી તમારી ઉંધીયાની સુગંધ તો મારી મમ્મીનાં ઉંધીયા જેવી જ આવે છે.”બહેન કહે,” અમારા પટેલોનું સુરતી લીલા મસાલાનું ઉંધિયું કોઈ ખાય તો આંગળા ચાટી જાય!આ કાલે જ અમારા મિત્ર સૂરત જઈને આવ્યા તે સૂરતથી ઉંધિયાનું શાક લાવ્યા એટલે આજે રવિવાર છે અને તું પણ આવવાની હતી એટલે બનાવ્યું.” ટીનાએ કહ્યું,” હા,પટેલોનું ઉંધિયું એવું જ હોય!હું પણ પટેલ જ છું,ટીના અમીન,અમે કરમસદનાં છ ગામનાં પટેલ છીએ”.પટેલ છીએ સાંભળીને તો બહેનનો ઉત્સાહ બેવડાઈ ગયો.રુખીબાએ તો બહેનની અને ટીનાની વાતો સાંભળી ,ખુશ થઈને, લાવસી પણ ઓરી દીધી.હું તો બહેન અને રુખીબાનો ઉત્સાહ જોતો જ રહી ગયો !ટીના પણ મારી સામે જોયા વગર તેમની સાથે વાતોમાં મશગૂલ હતી.બે ત્રણ કલાક પછી ટીનાનાં જવાનાં સમયે રુખીબાએ તેને ચાંદીનો લક્ષ્મીજીનો સિક્કો અને બહેને ગણેશનાં પેડન્ટવાળી સોનાની ચેઈન શુકન તરીકે આપી જ દીધી.મને અંદર તો ખૂબ ખુશી થઈ રહી હતી,પણ બધું જરા ઝડપથી થઈ રહ્યું હતું એટલે થોડી ગભરામણ પણ….કારણ મારે હજુ અમેરિકા જવાનું,ભણવાનું અને કમાવવાનું બધું બાકી હતું.


ટીના પણ મારાં ઘેર આવ્યા પછી બહેન અને રુખીબાનો પ્રેમાળ સ્વભાવ જોઈ ખૂબ ખુશ થઈ ગઈ હતી.


હું મારા ગ્રીનકાર્ડને આવવાની રાહ જોતો હતો.મારે અમેરિકા જવું હતું પણ ટીના અહીં અને હું અમેરિકા એ માટે યુવાન હૈયામાં ખૂબ ગડમથલ ચાલતી હતી.અમેરિકા જઉં પછી જલ્દી પાછા ન અવાય તો ટીના વગર હું પણ કેટલો સમય કાઢી શકીશ તે માટે પણ મન ખૂબ ગભરાતું હતું.


હું એકવાર ભાઈ સાથે બરોડાનાં સ્કલ્પચર એક્ઝીબીશનમાં ગયો હતો. ત્યારે મેં એક સ્ટોલમાં સેવનનાં લાકડામાંથી કોતરીને સરસ કૂતરો,સિંહ,વાધનાં સ્ટેચ્યુ બનાવી તેને અમુક જગ્યાથી બાળીને સરસ કાળો બાળેલો કલર નેચરલી હોય તેવો કરેલ હતો.તે નાના પ્રાણીનાં સ્ટેચ્યુને સ્ટેપલરનાં ઉપરનાં ભાગ પર લગાવેલ હોય. ટેબલ પર પડ્યું હોય તો કૂતરું,વાઘ કે સિંહનો ડેકોરેટીવ પીસ પડ્યો હોય તેવું લાગે,પણ નીચે સ્ટેપલર.મને એ પીસ બહુ ગમી ગયેલો.હું એક પીસ સાથે લાવેલ અને તેમનું એડ્રેસ પણ.મને થયું બરોડા જઈને આવા આર્ટીસ્ટીક પીસ અમેરિકા સેમ્પલનાં લઈ જાઉં અને પછી અમેરિકામાં તે સેમ્પલ બતાવી કંઈ મોટો એક્સપોર્ટનો ઓર્ડર મળે તો આવા આર્ટપીસનો ગીફ્ટ આર્ટિકલનો ધંધો ભણવા સાથે કરું અને કંઈ ગોઠવાય તો ધંધાને બહાને ઈન્ડીયા હું વરસમાં એકાદ વાર આવી ટીનાને મળી શકું !એવા મારા મગજમાં તુક્કા આવ્યા.પણ આર્ટપીસ માટે વાત કરવા મારે બરોડા તો જવુંજ એવું નક્કી કરી મેં ભાઈ અને બહેનને વાત કરી.ભાઈને પણ પેલો આર્ટપીસ બહુજ ગમેલો એટલે તેમણે પણ મને બરોડા જવા હા પાડી.


મેં મારા મિત્ર કમલને મારી સાથે કંપની માટે આવવા કીધું. તે મારો ખૂબ સારો અને રોજ મળવાવાળો મિત્ર હતો,તે મને હંમેશા ખૂબ સાચી અને સારી સલાહ આપતો.નકુલ તું ઘોડાની રેસ ન રમ.આ જુગારમાં કોઈ સુખી નથી થયું વિગેરે….હું ને કમલ બરોડા જવાના હતાં તેને આગલે દિવસે ટીના,વ્યોમા,હું અને કમલ વાઈકીકીની ફેમસ ફ્રેન્કી ખાવા મળ્યા. વ્યોમાએ કહ્યું,”હું,ટીના અને અમારી બીજી એક બહેનપણી દીલ્હી,આગ્રા, એક વીક માટે ફરવા જઈએ છીએ.મેં કીધું ,”હું ને કમલ બરોડા જઈએ છીએ.”

રેસ્ટોરન્ટની બહાર નીકળતાં ટીનાએ મને એકબાજુ બોલાવીને કહ્યું,” નકુલ, તું અને કમલ પણ ચાલોને અમારી સાથે દીલ્હી. તું થોડા સમય પછી અમેરિકા જઈશ,તો ચાલને થોડો સમય સાથે વિતાવીએ.”ટીનાની મારી આંખોમાં આંખો પરોવી કરેલ પ્રેમભરી વાતને હું ઠુકરાવી ન શક્યો.અને હું ને કમલ દીલ્હી જવા ટિકિટ લઈ તૈયાર થઈ ગયા.મારી પાસે ચિમનભાઈએ આપેલ કવર હતું અને અમેરિકાનાં ભણવાનાં પૈસાની બંને બહેનો સગવડ કરી રહી હતી એટલે મારે તે અંગે કોઈ ચિંતા હતી નહીં. ટીનાને તેની મિત્રોની ટિકિટ ફર્સ્ટક્લાસનાં ડબ્બામાં હતી,એટલે સૂવા સિવાય અમે આખો દિવસ તેમની સાથે બેસી શકીશું એમ વિચારી અમે ટિકિટ કરાવી લીધી.


ભાઈ અને બહેનને મેં કીધું,” અમેરિકા જવાનું થાય તે પહેલાં મિત્રો સાથે થોડું ફરી આવું અને પાછાં ફરતાં મારું બરોડાનું કામ પણ પતાવી દઉં.હું ,ટીનાં અને સૌ મિત્રો ખૂબ એક્સાઈટેડ હતાં.


જવાને દિવસે ટીના તેની બહેનપણીઓ અને કમલ ટ્રેનમાં સમયસર પહોંચી ગયાં.હું નીકળ્યો હતો ટાઈમસર પણ રસ્તામાં મારી ટેક્સીને પંચર પડ્યું.મેં બીજી ટેક્સી કરી પણ રસ્તામાં એક જુલુસ નડ્યું, હું સ્ટેશને પહોંચ્યો ત્યારે ટ્રેનની ઊપડવાની એક મિનિટની જ વાર હતી. હું બેગ લઈને દોડ્યો.મેં નવા શૂઝ પહેર્યા હતાં સ્ટેશન પર મેં ગાડી ઊભેલી જોઈ. હું ટ્રેન પાસે પહોચ્યોં ,ટ્રેન ચાલવા માંડી હતી હું ડબ્બો શોધવા ટ્રેન સાથે દોડતો હતો.ટ્રેનની બહાર કંઈ ચીકણું પ્રવાહી ઢોળાએલ હતું.હું દોડતાં હતો અને મારો પગ સ્લીપ થઈ ગયો.હું ચત્તાપાટ પડ્યો પણ વાગ્યું હોવા છતાં ઊભો થઈ દોડ્યો. ટીના અને કમલ દૂરથી ટ્રેનનાં બારણા પાસે આવી મારાં નામની બૂમો પાડી રહ્યાં હતાં,” નકુલ …. નકુલ….દોડ… દોડ…ટ્રેને ગતિ પકડી એટલે કમલે ,ટીનાને પાછળ ધકેલી ,પોતે પોતાનો હાથ આપી ઊભો રહ્યો હતો પણ હું પડી ગયો હતો એટલે મારાથી ઝડપથી ચલાતું નહતું. ટ્રેન છૂટી ગઈ …મેં એ લોકોને બૂમ પાડી કહ્યું “,હું બીજી જે પહેલી ટ્રેન મળે તેમાં દીલ્હી આવું છું.”તે લોકોએ હાથ બતાવી સારું કહી,મને પડતો જોએલો એટલે અટકી જવા કહ્યું.


પછી હું ટિકિટબારી પર ગયો. બીજી રીઝર્વેશન વાળી કોઈ ટિકિટ હતી નહીં. ટી.ટી.ને પૈસા આપી પરાણે સાદા ચાલુ ડબ્બામાં ટિકિટ લઈ બેસી ગયો.ટ્રેનમાં વેકેશનને કારણે ખૂબ ગીર્દી હતી. એન્જિન પછી તરતનાં વધારાનાં ડબ્બામાં ટોયલેટ અને બારણા પાસે પરાણે ઊભા રહેવાની જગ્યામાં ઊભો રહેતો અને ત્યાં ગંદકીમાં જ ઝોકા ખાઈ ટૂંટીયુંવાળી બેસતો ,હું ટ્રેનની કંઈક અજબ સફર કરી રહ્યો હતો.


ટ્રેનમાં ખાવાનું પણ ટીના લેવાની હતી એટલે ૨૪ કલાકથી પણ લાંબી જર્નીમાં મારી પાસે ખાવાનું પણ નહતું.સ્ટેશન પર ઊતરી નીચે જવાની પણ હવે મારી હિંમત નહતી. થોડો બેઠો માર પણ દુખતો હતો.બિસ્કિટનાં પેકેટ અને ચા,ટ્રેનમાં વેચવાવાળા પાસેથી લઈને મેં પેટપૂજા કરી.ચાલુ ડબ્બામાં ખુલ્લી બારીઓમાંથી એન્જિનની કોલસીની રાખ ઊડતી હતી.મારાં કપડાં ,વાળ,ચહેરો ,આખા કાળી કોલસીની રાખથી ભરાઈ ગયાં હતાં.એમાં આજુબાજુનાં લોકોનાં પરસેવાની વાસથી મને મારાં શરીરમાંથી જ દુર્ગંધ આવતી હતી.હું દીલ્હી સ્ટેશનની આતુરતાથી રાહ જોતો હતો. જેમ તેમ કરી દીલ્હી પહોંચ્યોં.


દીલ્હી પહોંચતાં જ થર્ડક્લાસ ચાલુ ડબ્બાની બહાર ,હોમગાર્ડનાં કપડાંમાં કોંગ્રેસનાં કાર્યકરોનું એક ટોળું ,બે બાજુ લાઈન કરીને ઊભું હતું. બધાં જુવાન મર્દોને પકડીને તે તેમની સાથે દોરી જવા લાગ્યા. મને તો કંઈ સમજ જ ન પડી. મેં પૂછ્યું? કહાં લે જાતે હો હમેં? મૈનેં કોઈ ગુના નહીં કિયા. એ લોકો બોલ્યા,”ચૂપચાપ હમારે સાથ ચલો”.


મને તો પેલો હોમગાર્ડનાં લાગતાં માણસ ,બીજા બધાં મુફલિસ જેવા યુવાનોનાં ટોળાં સાથે ક્યાંક લઈ ગયા.સ્ટેશનની બહાર જ લાઈનસર ટેન્ટ બાંધેલાં હતાં.અમને ત્યાં ટેન્ટની અંદર લાઈનમાં એક પછી એક અંદર લઈ જવા લાગ્યા.ત્યાં ગયાં પછી ખબર પડી કે સંજય ગાંધી એ વખતે બધાં યુવાનોને પકડી પકડી નસબંધી કરાવતાં હતાં.મને પણ ચાલુ ટ્રેનનાં ડબ્બામાં કોલસી ઊડીને કાળોમેશ થયેલો,મુફલિસ સમજી ,નસબંધી કરાવવાની લાઈનમાં ઊભો રાખ્યો હતો.હું તો આ જાણી આભો બનીને !શું થઈ રહ્યું છે ?મારી સાથે તે જોઈને ગુસ્સાથી રાતોપીળો થઈ ગયો!!!!કોઈ ટ્રાન્ઝીસ્ટર લઈને ચાલતાં માણસનાં રેડિયો પર ગીત વાગી રહ્યું હતું…….”કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા”

જિગીષા દિલીપ

૩૦-૩-૨૦૨૧

એક સિક્કો – બે બાજુ :11) ચાણક્ય નીતિ!

અમારાં એક મિત્રને ત્યાં સરસ માહોલ ઉભો થયો હતો ત્યાં બે ભાઈબંધો સામસામે વાગ્યુદ્ધ પર આવી ગયા !
આમ અચાનક વાતાવરણ તંગ થઇ ગયું .
શું થયું છે તે જાણવા અમે બધાં એક બીજાને હજુ કાંઈ પૂછીએ ત્યાં એ મિત્રે જ ફોડ પાડ્યો ; કહે; “ મને તારી ચાણક્ય નીતિની ખબર છે ; અમારાં ઘરમાં ય તું આવી રીતે બધાંને ઝગડાવતો ફરે છે !અમારાં કુટુંબથી હવે તું દૂર જ રહેજે !”
બીજા મિત્ર પણ હેબતાઈ ગયા . ગુસ્સામાં કંપતા એમણે સામે પ્રશ્ન કર્યો ; “ હું – હું શું ચાણક્ય નીતિ વાપરું છું? અરે હું તો તારી બાને આજના જમાનાના છોકરાંઓ અને એમનાં મા બાપ વિષે સમજાવતો હતો ! તેમાં તું એકદમ અકળાઈને મને જેમતેમ બોલે છે ! ”
બંને અમારાં પરમ મિત્ર અને વર્ષોની જૂની મૈત્રીને લીધે હવે કાંઈ પણ કહેવાનો , સમજાવવાનો ભાર અમારાં ઉપર આવી ગયો !
સૌથી પહેલાં તો વાતાવરણને હળવું કરવું જરૂરી હતું .
સુભાષે એ બંને મિત્રોને પૂછ્યું કે ‘આ તમે એક બીજાની ફરિયાદ કરો છો કે પ્રસંશા? ચાણક્ય નીતિ એ એક સરસ રાજનીતિ છે ; કુટુંબમાં સંપ કરાવવાની , ઐક્ય સાધવાની નીતિ છે . મને કોઈ ચાણક્ય કહે તો હું એને મારુ અહોભાગ્ય સમજુ . ચાણક્યે રાષ્ટ્રની એકતાને ધ્યાનમાં રાખીને નીતિ ઘડી હતી .” સુભાષે મિત્રને મજાકમાં કહ્યું ; “ તું નારદ મુનિની વાત કરે છે કે ચાણક્યની ?” અમે બધાંએ હસી પડ્યાં.
વાતાવરણ જરા હળવું થયું એટલે પેલા મિત્રે પણ એ વાતને અનુમોદન આપ્યું કે મિત્ર પત્નીને અને મિત્રની મા વચ્ચે અણબનાવ દૂર કરવા એમણે એ બંનેને ફેમિલી કાઉન્સેલિંગ સૂચવ્યું હતું .. એમાં કોઈને બદનામ કરવાનો ઈરાદો નહોતો …વગેરે વગેરે . એ વાતોથી ત્યારે તો સૌને શાતા વળી , પણ ચાણક્ય નીતિ વિષે જાણવાની ઇંતેજારી પણ સૌની વધી ગઈ !

આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં થઇ ગયેલ એ એક સામાન્ય બ્રાહ્મણ ચાણક્યને આપણે શા માટે યાદ કરીએ છીએ ?
એ કોઈ રાજા નહોતો . એ કોઈ મહાન પંડિત પણ નહોતો ; કે નહોતો ધનાઢ્ય કુટુંબનો નબીરો !
હા , એ એક કુશળ રાજનીતિજ્ઞ હતો .
એક દેશપ્રેમી હતો.
અને એક દૂરંદેશીય વ્યક્તિ હતો !
આપણો દેશ એ સમયે જ ગુલામ થઇ ગયો હોત જો ચાણક્ય જેવો સમજદાર માણસ ત્યારે જન્મ્યો ના હોત !
જે વ્યક્તિને આપણે દેશ પ્રેમી તરીકે યાદ કરીએ છીએ એજ વ્યક્તિને એની ચાણક્ય નીતિ થી ભેદભાવ કરનારી , કુટુંબને પાયમાલ કરનારી ખતરનાક નીતિ કહીને પણ વગોવીએ છીએ !
કેમ ?
કારણકે દરેક વાતને બીજી બાજુ પણ હોય છે ! સામેવાળાને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો.એવું ચાણક્ય કહે છે . એટલે એની ટીકા પણ થાય છે !
“ ગીતા , ગયા અઠવાડીએ તે પૃથ્વીરાજ ચૌહાણ અને મહમદ ઘોરીની વાત કરેલી કે વેરની વસૂલાતમાં પૃથ્વીરાજ અને જયચંદના ઝગડામાં પરદેશી દુશ્મન મહમદ ઘોરી કેવો ફાવી ગયો , અને પછી સમગ્ર દેશ ગુલામ બની ગયો ..બસ , એવી જ પરિસ્થિ તી ત્રેવીસસો વર્ષ પહેલાં દેશમાં ઉભી થઇ હતી ; પણ ત્યારે ચાણક્ય જેવા દૂરંદેશી દેશ પ્રેમીને લીધે દેશની અખંડતા જળવાઈ રહી !” સુભાષે કહ્યું .
“ચાણક્ય નીતિ વિષે મને થોડી ખબર છે-“ મેં કહ્યું ; “ ચાણક્ય કહે છે કે દુશમનને શામ , દામ, દંડ કે ભેદથી હરાવવો .”
“ હા , દેશની રક્ષા કરવા એમણે આપણાં સૈનિકો જે એલેકઝાન્ડરના સૈન્યમાં જોડાઈ ગયાં હતાં તે સૌને ફોડ્યાં.. ને વિજય મેળવ્યો ..” સુભાષે પોતાનું ઇતિહાસનું જ્ઞાન બતાવ્યું .
વાચક મિત્રો , કોઈ પણ પ્રસંગ બને તેને આપણે કેવી રીતે મૂલવીએ છીએ તેના ઉપર સમગ્ર પરિણામ અવલંબે છે .
વાત આમ બની : મગધ દેશ જે આજે બિહાર રાજ્ય છે ત્યાં ધનાનન્દ રાજા વિલાસી અને ભ્રષ્ટાચારી હતો.

ચાણક્યની સલાહ ધનાનન્દને ગમી નહીં એટલે એને મારી નાંખવા માણસો મોક્લ્યાં પણ સ્ત્રીના વેશમાં ચાણક્ય છટકીને બીજે ગામ જતો રહ્યો ! રાજાને ઉથલાવવા કોઈ બાહોશ નવયુવાનની શોધ આદરી અને ચંદ્રગુપ્ત મૌર્ય નામના કિશોરને પછી રાજનીતિની તાલીમ આપી ! આ સમય હતો ઈસ્વીસન પૂર્વે ત્રીજી ચોથી સદીનો ! ૩૨૬ b c માં ગ્રીકથી એલેક્ઝાન્ડર ચઢી આવ્યો ! એણે ગ્રીસથી નીકળીને આજે જે ઈરાન છે તે જીતી લીધું ; હવે એ આગળ વધી રહ્યો હતો અને આપણે ત્યાં પંજાબ આવી રહ્યો હતો ! ચાણક્યને એ સમજાઈ ગયું હતું કે આપણા રાજાઓ કેવાં માટી પગા હતા ! પંજાબમાં પોરસ રાજા અને ગંધારના આરંભિક રાજાને દુશમનાવટ હતી ; એટલે ચાણક્યે બંને rajao
રાજા ને સમજાવ્યું કે આપણે સૌ એક સંસ્કૃતિના છીએ
જોકે ગાંધારના આંભીકે એલેકઝાન્ડરને સાથ આપ્યો !
ત્યારે ચાણક્યે એના સૈનિકોને ફોડ્યા અને યુદ્ધમાં એલેક્ઝાન્ડર ફાવ્યો નહીં !
દેશ દુશ્મનોના હાથમાં જતાં બચી ગયો !
પછી શું થયું ? તમે પૂછશો !
પછી સખત થાકેલ એલેક્ઝાન્ડર પાછો વળતો હતો ત્યાં
નાની ઉંમરમાં જ મરી ગયો ; એની પાછળ વિદ્રોહ ઉભી થયો ને એમાંનો એક વિદ્રોહી સેલ્યુકસ – જેની દીકરી સાથે ચંદ્રગુપ્તને પરણાવ્યો એટલે છેવટે શાંતિ સ્થપાઈ . અને પછી ફરીથી આક્રમણનો પ્રસંગ જ ઉભો થયો નહીં !
પ્રિય વાચક મિત્રો ! ક્યારેક આપણા અભિમાન અને ઈગોને લીધે આપણે અવિચારી પગલાં લઇ લેતાં
લઈએ છીએ ત્યારે ચાણક્ય જેવા દુરન્દેશીને યાદ કરીએ ! એના જેવા જો બધાં જ હોત તો અંગ્રેજો પણ દેશમાં આવી શક્યાં ન હોત! પણ દેશમાં જયારે અમીચંદો જેવા દેશ દ્રોહીઓ ઉભા થયા ત્યારે દેશ અંગ્રેજોના હાથમાં ગયો !તો એની વાત ફરી ક્યારેક !

૧૧-વાર્તા અલકમલકની- રાજુલ કૌશિક

મહારાણી

મહારાણી કલકત્તા આવી રહ્યા છે. મહારાણી અર્થાત નાહરગઢના યુવરાજ બિંધ્યાપ્રસાદના પત્ની મહારાણીની આ વાત છે. આજથી દસ વર્ષ પહેલાં એમની સાથે મુલાકાત થઈ એ કદાચ પહેલી અને એ સમયની છેલ્લી મુલાકાત હતી.

આજના મહારાણી ગોરીદેવીનો જન્મ ને ઉછેર સાધારણ પરિવાર થયો હતો. નામ તો હતું ગોરી પણ સમય જતાં પ્રસિદ્ધિના ટોચે પહોંચીને એમને સૌ ગોરીદેવીના નામથી ઓળખતાં. એ મહારાણી આજે આટલા વર્ષો પછી પાછા કલકત્તા આવે છે એ સમાચારે મને રોમાંચિત કરી દીધો. મને એવી ખબર હતી કે એમનો કલકત્તામાં મહેલ છે. આલીશાન મહેલ, બાગ-બગીચો, માળી, નોકર-ચાકર બધું જ છે માત્ર માલિક અહીં નથી એવી સૌને જાણકારી હતી. છોટા નાગપુરથી અહીં કલકત્તા આવવાનું પ્રયોજન શું હતું એની જાણકારી નહોતી પણ એ માત્ર ચાર કલાક માટે આવીને અહીંથી સ્વિત્ઝર્લેન્ડ જવાના છે ત્યારે એટલા ટુંકા સમયના રોકાણ દરમ્યાનમાં પણ એમને મારે મળવું એવો સંદેશો મળ્યો ત્યારે હું અવાચક થઈ ગયો હતો. સાંજના સાડા પાંચ વાગ્યાનો સમય નિશ્ચિત થયો.

અને મારું મન, મારા વિચારો ભૂતકાળના સમયની એ યાદોમાં પહોંચી ગયું. શક્ય છે આજે નવી પેઢી એ નામથી અજાણ હશે પણ એ સમયે ગોરીદેવીએ ફિલ્મોમાં કામ કરીને એક સફળ અભિનેત્રી તરીકે નામના પ્રાપ્ત કરી હતી. કેટલીય સફળ ફિલ્મો એમના નામે બોલતી હતી. એ સમયે ટૉકી અર્થાત બોલતી ફિલ્મોની શરૂઆત થઈ ચૂકી હતી. એમની એક ફિલ્મ પણ રજૂ થાય અને અમે એ ફિલ્મ જોવા અત્યંત ઉતાવળા બની જતાં. જ્યારે એમના નામની બોલબાલા હતી ત્યારે જ અચાનક એમણે ફિલ્મ ક્ષેત્ર છોડી દીધું.

જો કે મને એનાથી કોઈ ફરક નહોતો પડ્યો પણ એમની સાથેની એક મુલાકાતથી મારા વિચારોમાં, મારા જીવનમાં ઘણો ફરક પડ્યો હતો. ત્યારે મેં એક ત્રીઅંકી નાટક લખ્યું હતું. કાચી ઉંમરમાં લખાયેલું ‘ત્રિભૂજ’ નામના એ નાટકનું કથાબીજ સામાજિક સંબંધોને આધારિત હતું. ક્લબના કર્તાહર્તાએ પસંદ કરેલા એ નાટકના રિહર્સલ શરૂ થયા ત્યારે ઘણું ઇચ્છવા છતાં હું મારા અભ્યાસના લીધે ત્યાં હાજરી આપી શકતો નહોતો. બસ માત્ર એટલી ખબર પડી હતી કે ગોરાંદેવી આ નાટકમાં મુખ્ય અભિનેત્રીનું પાત્ર ભજવવાના છે. આટલી વાતે મારામાં ગજબનો આત્મવિશ્વાસ ઊભો થયો હતો કે આગળ જતા હું પ્રખ્યાત નાટ્ય લેખકની કક્ષાએ પહોંચીશ.

એક દિવસ સમાચાર મળ્યા કે ગોરીદેવીએ આ નાટકમાં પાત્ર ભજવવાની નામરજી દેખાડી છે. એમને એવું લાગતું હતું કે નાટકમાં પ્રણય સીન બરાબર લખાયા નથી. સંવાદો એમને પસંદ નથી. એમનું માનવું હતું કે,

કોલેજના બીજા વર્ષમાં ભણતો યુવાન કે જેણે પ્રેમ શું છે એનો અનુભવ ન કર્યો હોય તો એ વળી પ્રેમના સંવાદો શું લખી જાણે?

આટલી મોટી કલાકાર સાથે વિવાદ તો થઈ શકે એમ નહોતો. કદાચ વાત ત્યાં જ પડતી મૂકાઈ ગઈ હોત પણ મારા નસીબે ગોરીદેવીએ મને મળવાની તૈયારી દર્શાવી. ડિરેક્ટરનું કહેવું હતું કે જો આટલી મોટી કલાકાર તૈયાર થતી હોય તો એમને મળીને એ કહે એમ સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો જોઈએ.

આજ સુધી જેમને માત્ર પરદા પર જોયાં હતાં એમને સાક્ષાત જોવા, મળવાની ઉત્તેજના મારામાં જરાય ઓછી નહોતી.  મારા માટે તો કોઈ અભિનેત્રીના ઘરે જવાનો, એને મળવાનો આ પહેલો પ્રસંગ હતો. ગોરીદેવીના ઘરમાં પ્રવેશતા હું આભો બની ગયો. ચારેબાજુ એમની સફળતાની સાબિતી સમી કેટલીય તસ્વીરો મૂકાયેલી હતી. આવી સફળ અભિનેત્રી મારા જેવી સાધારણ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરશે એની અવઢવમાં હું એમની રાહ જોઈને શાંતિથી બેસી રહ્યો પણ મારા મનના વિચારોએ ગતિ પકડી. અનેક રાતોના ઉજાગરા વેઠીને લખેલા નાટકમાં એ ફેરફાર કરાવશે કે નાટક જ પડતુ મૂકી દેશે? એ કંઇ પણ કહેશે તો હું શું જવાબ આપીશ? મનમાં સવાલો અનેક હતા પણ એમના આવવની રાહ જોઈને બેસવા સિવાય અત્યારે બીજું કશું કરી શકુ એમ નહોતો. મને એવી ખબર હતી કે ગમે તેટલા ઉજાગરા વેઠીને લખેલા નાટકની કથા કરતાં લોકોને ગોરીદેવી આ નાટકમાં અભિનય કરી રહ્યા છે એનું આકર્ષણ વધારે હતું. બંગાળમાં નાટ્ય લેખકોની કમી નહોતી. મારું નાટક પસંદ નહીં પડે તો એને પડતું મૂકીને બીજાનું નાટક સ્ટેજ પર ભજવાશે જેમાં ગોરીદેવી તો હશે જ. મહત્વનું નાટક નહીં ગોરીદેવી છે એ તો મને એ જ દિવસે ડિરેક્ટરની વાત પરથી સમજાઈ ગયું હતું.

અચાનક મારા નાકને અત્યંત ખુશ્બુદાર હવાની લહેર સ્પર્શી હોય એવો અનુભવ થયો અને એ ખુશ્બુનો પાલવ પકડીને ગોરાદેવી પ્રવેશ્યા.

નખશીખ સૌંદર્યની મૂર્તિ સમા ગોરાદેવીને જોઈને હું અભિભૂત બની ગયો પણ એમની વાતો સાંભળીને હું આસમાનથી સીધો જમીન પર પટકાયો. એમને મારા કોઈ એક કે બે સીન સામે જ નહીં બલ્કે આખા નાટકની સ્ક્રિપ્ટ સામે વાંધો હતો.

એમના મતે જેને પ્રેમનો અનુભવ જ ન હોય તો એ સંવેદના, એ ભાવ નાટકમાં ક્યાંથી લાવી શકવાનો હતો. એક ઓગણીસ વર્ષના યુવકને મા-બહેન સિવાય કઈ વિજાતીય વ્યક્તિનો પરિચય થયો હોય કે એ પ્રેમની પરિભાષા સમજી શકે?

વાત જાણે એમ હતી કે મારા નાટકની નાયિકા અપાર સુંદરી હતી પણ એનો મુખ્ય નાયક પગે ખોડવાળો દર્શાવ્યો હતો. ગોરાદેવીનું માનવું હતું કે કોઈ પણ યુવતિ આવી કુરૂપ વ્યક્તિને પ્રેમ કેવી રીતે કરી શકે? આવા નાયકને જોઈને તો એમના મોઢેથી પ્રેમના બે શબ્દ પણ ન નીકળે. એના ચહેરા સામે જોઈને પ્રેમની વાત તો દૂર, વાત પણ ન કરી શકે.

મારી દલીલ હતી કે કેમ ન કરી શકે? સર ઑલ્ટર સ્કૉટ પણ લંગડા હતા, એમનું લગ્ન થયું હતું. એમની પત્ની એમને પ્રેમ કરતી જ હતી ને?

પણ મારી ભાવના સ્વીકારવા ગોરીદેવી તૈયાર નહોતાં. એમના મતે લાઈફ અને લિટરેચરમાં ઘણો ફરક છે. જીવનના સત્ય કરતાં સ્ટેજ પર ભજવાતી વાતો ઘણી અલગ હોય છે. 

ગોરીદેવી જેવા વિદુષીની વાતનો મારી પાસે કોઈ જવાબ નહોતો. નાટક લખતી વખતે આટલું બધું વિચાર્યું નહોતું, બસ લખવા બેઠો અને મનમાં જે આવ્યું એ લખાઈ ગયું હતું. હા, મનમાં એક વાત હતી કે નાટક કંઇક જુદી રીતે લખવું છે, અંત સુધી સસપેન્સ જળવાઈ રહે એવું કંઈક કરવું હતું.

“તો પછી હવે શું કરું?” મારાથી પૂછાઈ ગયું.

“કરવાનું શું, ક્યાં તો નાયકને સુરૂપ, સુડોળ બનાવી દો નહીં તો નાટક ફાડીને ફેંકી દેવાનું. બાકી મારા જીવનમાં આવી બદસૂરતી માટે કોઈ સ્થાન નથી. મને તો આવા લંગડાની સામે જોઈને એને ગોળી મારવાનું જ મન થશે અને આ નાટકમાં તમે એવું લખો છો કે બંને વચ્ચે અનહદ પ્રેમ છે અને એથી આગળ વધીને એના અંતમાં તો તમે બંનેના લગ્ન થતાં દર્શાવ્યા છે.. એબ્સર્ડ..સાવ એબ્સર્ડ..જેને આર્ટની એલિમેન્ટ્રીનું પણ જ્ઞાન નથી એ જ આવું લખે. ક્યાં તો તમે બીજું નાટક લખો ક્યાં તો તમે નાયકને સ્વસ્થ, સુંદર બનાવી દો પછી હું ખુશીથી આ નાટક ભજવીશ. મિત્રબાબુ મને એક વાત કહો કે ખરેખર તમને આવી કોઈ લંગડી કન્યા સાથે પ્રેમ થશે ખરો કે કે તમે એવી બેડોળ કન્યા સાથે લગ્ન કરશો ખરા?  આવી જ રીતે નાટકો લખી શકાતા હોત તો બંગાળમાં લેખકોનો રાફડો ફાટી નીકળે.” ગોરાદેવીએ આક્રોશમાં આવીને ઘણું બધું કહી દીધું.

મારાથી ચૂપ ન રહેવાયું અને પૂછાઈ ગયું “તમને સડક પર કોઈ લંગડા ભિખારીને જોઈને દયા તો આવતી હશે ને?”

“સડક પરના ભિખારીઓની સાથે મારે શું લેવાદેવા કે હું એમનો વિચાર કરું? “ હવે ગોરીદેવી ક્રોધથી તમતમી ઊઠ્યા હતાં.

વાત અહીં પૂરી થાય છે. ડિરેક્ટરને જઈને કહી દેજો કે ગોરીદેવી નાટકમાં કામ નહીં કરી શકે અને કારણ પૂછે તો કહી દેજો કે લંગડા પ્રત્યે મને પ્રેમ નહીં ઉપજે, લંગડાને કોઈ કાળે હું પ્રેમ નહીં કરી શકું.”

એ મારા માટે જીવનનો સૌથી વધુ હતાશાજનક દિવસ હતો. હું તો ભાવનાઓમાં રાચનારો માણસ, મારા મતે જીવનમાં માત્ર બાહ્ય સૌંદર્યનું જ મહત્વનું નહોતું. ભાવના મન સાથે જોડાયેલી છે તો એમાં શારીરિક સૌંદર્યને પ્રાધાન્ય કેમ આપવું જોઈએ? સાથે એ કાચી ઉંમરે પણ એ સમજાઈ ગયું કે ભલે ગોરીદેવી કલાક્ષેત્રે આગળ છે પણ નાટકની બાબતમાં એમનો મત સ્વીકારી લેવો યોગ્ય ન કહેવાય પણ એ દિવસથી જ નાટક લખવાનો મારો ઉત્સાહ ઓસરી ગયો હતો. ગોરીદેવીએ મારા નાટક માટે ડિરેક્ટર અને ક્લબના સભ્યોને જે નિવેદન આપ્યું એના પરથી સૌએ સ્વીકારી લીધું કે હું એક પણ સફળ નાટક નહીં લખી શકું. એ દિવસથી ક્લબ સાથેનો મારો નાતો છૂટી ગયો.

એ પછી હુગલી નદીમાં ઘણાં પાણી વહી ગયાં. જીવનમાં પણ ઘણો બદલાવ આવી ગયો. એ ક્લબ બંધ થઈ ગઈ. સફળતાની ટોચે પહોંચીને ગોરીદેવીએ નાહરગઢના યુવરાજ સાથે લગ્ન કરીને સિનેમા અને થિયેટરમાંથી વિદાય લઈ લીધી.

એ વાતને પણ દસ વર્ષનો સમય પસાર થઈ ગયો હતો. રજવાડાની અઢળક સંપત્તિ સ્વિસ બેંકમાં જમા કરાવીને યુવરાજ અને ગોરાદેવી વિલાયતમાં સ્થાયી થઈ ગયાં હતાં. આજે અચાનક સમાચાર મળ્યાં કે મહારાણી ગોરાદેવી કલકતા આવ્યા છે અને મને મળવા માંગે છે. મને મળવાનું પ્રયોજન શું હોઈ શકે એ મને સમજાયું નહોતું. એવું નથી કે કોઈ પણ લેખકને રાતો રાત સફળતા મળી હોય કે ક્યારેય એનું લખાણ અસ્વીકૃત થયું હોય અને હવે તો વાર્તાકાર, નવલકથાકાર તરીકે હું ખ્યાતિ પામ્યો હતો પણ ગોરીદેવીએ એ દિવસે મારા મનને જે આઘાત આપ્યો હતો એ હું ભૂલી શક્યો નહોતો.

હું ગોરાદેવીના આલિશાન મહેલ જેવા નિવાસે પહોંચ્યો તો એક દેખીતો ફરક જોયો. એમ.પી હોવાના લીધે મહારાજ મોટાભાગે દિલ્હીમાં અને બાકીનો સમય તેઓ દેશની બહાર જ રહેતાં હોવાનાં લીધે ગેરહાજરીમાં કલકત્તાના આ મહેલ, બાગ બગીચાની પૂરતી કાળજી લેવાતી નહોતી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.

હું ગોરાદેવીની રાહ જોતો બેઠો હતો ત્યાં મારી નજર બહારની તરફ ગઈ. એક વ્યક્તિ યુનિફોર્મમાં સજ્જ બે નોકરોનો ટેકો લઈને આમથી તેમ ટહેલતી હતી. જોયું તો એ ગોરો ચીટ્ટા  છોકરાએ કિંમતી વસ્ત્રો પરિધાન કર્યા હતા. પાણી લઈને આવેલા માણસને મેં એ વ્યક્તિ કોણ છે એ જાણવા પ્રશ્ન પૂછ્યો.

બુઝુર્ગ જેવા એ માણસે જણાવ્યું, “એ નહારગઢના મહારાજા બિંધ્યાપ્રસાદ અને મહારાણી ગોરાદેવીના એક માત્ર સંતાન-રાજકુંવર છે. મહારાણી રાજકુંવરને લઈને પગના ઓપરેશન માટે સ્વિટ્ઝર્લેન્ડ જઈ રહ્યા છે.”

હવે જરા ધ્યાનથી જોયું તો ખ્યાલ આવ્યો કે એનો એક પગ સીધો હતો પણ બીજા પગે એ લંગડાતો હતો. બીજો પગ એનો ટેઢોમેઢો હતો. એવા લંગડા પગે ચાલતા એ છોકરાના ચહેરાની રેખાઓ વેદનાના લીધે સાવ બદલાઈને વિરૂપ થઈ જતી હતી. એ દ્રશ્ય એટલું તો દુઃખદ અને કરુણ લાગતું હતું કે  એ જોઈને મારું મન વિક્ષુબ્ધ થઈ ઊઠ્યું.

મારું નાટક ગોરાદેવીએ સ્વીકાર્યું નહોતું ત્યારે મને અત્યંત આઘાત લાગ્યો હત. હું  હદથી વધારે અકળાયો હતો, એક હદ સુધીના વિચારો મનમાં આવ્યાં હતાં પણ એનો અર્થ એ નહોતો કે ઈશ્વર આવો કોઈ આવો  બદલો લે એવું મેં વિચાર્યું હોય. આવી તો હું કલ્પના માત્ર નાટક સુધી જ કરી શકું, વાસ્તવમાં તો નહીં જ.

વીજળીની જેમ મનમાં એક વિચાર આવ્યો,” ગોરીદેવી એમના આ લંગડા સંતાનને વ્હાલ કરી શકતા હશે? પોતાના પેટના સંતાનને એ ગોળીએ મારી શકતી હશે? એનું ઓપરેશન કરાવીને એની ખોડ દૂર કરવા કે સ્વસ્થ અને સુંદર બનાવવા સ્વિટ્ઝર્લેન્ડ જતાં હશે ને? લાઈફનું સત્ય લિટરેચરના સત્ય કરતાં ભિન્ન હોઈ શકે? લિટરેચર લાઈફની કાર્બન કૉપી નથી?”

સવાલો..સવાલો.. અનેક સવાલો મારા મનને ઘેરી વળ્યાં. જાણે કે ગોરીદેવીનો પરાજય મારો પરાજય હોય એટલો ત્રસ્ત થઈને હું એકદમ ઊભો થઈને સીધો જ ઝાંપાની બહાર નીકળીને રસ્તા પર દોડવા માંડ્યો . કદાચ રોકાયો હોત તો ગોરીદેવીની ચહેરા પરની લજ્જા કે ક્ષોભને હું જોઈ ન શક્યો હોત. સડક પરની ભીડમાં હું વિલીન થઈ જઉં એટલી હદે હું દોડતો રહ્યો…દોડતો રહ્યો…દોડતો જ રહ્યો.

*****

સાહિબ બીબી ઔર ગુલામ’ જેવી લોકપ્રિય કૃતિઓના લેખક શ્રી બિમલ મિત્રની વાર્તા- ‘મહારાની’ પર આધારિત ભાવાનુવાદ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

“અનુભવની અનુભૂતિ” -કુમુદબેન પરીખ-પ્રકરણ -૪

સીડીનું ચોથું પગથિયું

અમેરિકામાં આવે વરસો વીતી ગયા પણ ઘણી જૂની યાદો આજે પણ તાજી છે.વિચાર કરું છું કે કમ્પ્યુટરમાં સેવ કરવા માટે ક્લિક કરવું પડે છે. પણ મનની  કરામત તો અજબ છે ક્લિક કર્યા વગર જ સેવ થઈ જાય છે. એવી જ થોડી યાદો નો ગુલદસ્તો તમને આપ્યા વગર રહી શકતી નથી.
1965 ની સાલ હતી થોડા મહિના પહેલા જ અમેરિકા આવેલી બધું જ મારા માટે નવું હતું સગા સંબંધી મિત્ર એ જે કહો તે એક મારા પતિ જ હતા અને તે પણ મને સ્વાવલંબી થવાનું કહી  રહ્યા હતા હિંમત રાખ્યા વગર છૂટકો નહોતો
કોલેજ શરૂ કરી. જુદા જુદા  દેશના વિદ્યાર્થીઓને  જોતી ત્યારે મનમાં વિચારો આવ્યા વગર રહેતા નહીં. ખરેખર અમેરિકા દેશ  એક મેલ્ટીંગ પોટ છે. જુદા  જુદા દેશના  લોકો આવ્યા અને તેમને સમાવ્યા.  અને એટલું જ નહીં પણ પ્રેમથી આવકાર્યા. એમના જીવનધોરણ ઊંચું લાવવામાં મદદ કરી. એવા મહાન અમેરિકાનો  આભાર માન્યા વગર રહી શકતી નથી. ઇન્ડિયા તો મારી મા એના માટે તો અવિરત ઝરણું મારા હૃદયમાં વહેતું જ રહે છે. પણ અમેરિકાએ પણ મા જેટલો જ પ્રેમ આપ્યો છે.  કોલેજકાળ દરમિયાન નહીં પણ મારા જીવનમાં આજે પણ અમેરિકા માટે એવી જ ભાવના છે.
 
કોલેજકાળ દરમિયાન ખૂબ જ શીખવા મળ્યું જુદા જુદા દેશના લોકોની રીતભાત સંસ્કૃતિ વિચારો રમત-ગમતો સંગીત વગેરે વગેરે વિષયો ની   આપ-લે થઈ.
 
જ્યારે હું તેમને  કહેતી કે હું વેજિટેરિયન છું  ત્યારે તેઓ મને અનેક પ્રશ્નો પૂછતા. એ લોકોને તો એમ જ હતું કે શાકભાજી સિવાય વેજિટેરિયન શું ખાઈ શકે?  પ્રોટીન ક્યાંથી મળે અને એ લોકોને સમજાવતા મારો દમ નીકળી જતો.  આજે તો દુનિયામાં વેજિટેરિયન ની મહત્તા વધી ગઈ છે.
આમને આમ એક વર્ષ કોલેજ માં પૂરું થઈ ગયું મારામાં આત્મવિશ્વાસ વધવા લાગ્યો. અને મને જોબ કરવાની ઈચ્છા થઈ.   એ વખતે થોડા વર્ષો પહેલા જ કમ્પ્યુટર ની શોધ થયેલી અને એનું ફિલ્ડ  પણ વિશાળ હતું. અને મ્હેં એ  ફિલ્ડમાં  ઝંપલાવવાનો વિચાર કર્યો. ચાર મહિનાનો ટૂંકો  કોર્સ કરી લીધો.
 
 મારી જોબ શોધવા ની કસોટી શરૂ થઈ ઘરમાં એક જ કાર જોબ શોધવા બસમાં જવું પડતું બસમાં કેવી રીતે જવું તે તો 411 ઇન્ફર્મેશન દ્વારા સહેલું  થઈ ગયું છતાં પણ બસમાં ડ્રાઈવર ની પાછળ ની સીટ માં જ બેસતી બે-ત્રણ વાર યાદ કરાવતી કે મારું સ્થળ આવે ત્યારે મને જણાવે. તે વખતના બસ ડ્રાઈવરો ને પણ ફોરેનરો  માટે ખૂબ જ સહાનુભૂતિ હતી.  અને હંમેશા મદદ કરતા .
 
ઘણીવાર તો જોબ શોધવાં  પચ્ચીસ ત્રીસ માઈલના અંતરે બે ત્રણ બસ  બદલીને જતી.  વિચારતી નહીં કે જોબ મળશે તો એટલું દૂર જવું શક્ય છે?  પણ મારા મનમાં તો એક જ ધૂન 400 ડોલર ખર્ચ્યા છે તો યેનકેન  પ્રકારે જોબ તો કરવી જ પડશે.
 
મારી પાસે  ગ્રીનકાર્ડ  અને એક્સપિરિયન્સ  નહીં. એટલે જયાં  જાઉં ત્યાં  નકારો જ  મળતો. પણ હું તો કરોળિયા ની જેમ મારા પ્રયત્નો ચાલુ જ રાખતી. આમ રખડતા રખડતા એક કંપનીમાં ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ. અને જોબ પણ મળી ગઈ. હું ખૂબ જ ખુશ થઈ ગઈ ફોન બુથમાંથી  મારા પતિને જોબ મળ્યા ના સમાચાર આપ્યા.
 
મારા પતિએ પૂછ્યું.   કઈ કંપની માં જોબ મળી?   મ્હેં  કહ્યું  “ i don’t know”   wait અને હું દોડતી બહાર ગઈ. બિલ્ડિંગનું નામ જોઈને કહ્યું  IBM . આમ હું સીડીનો ચોથું પગથિયું ચઢી ગઈ.

HopeScope Stories Behind White Coat – 11 / Maulik Nagar “Vichar”

By : Maulik Nagar “Vichar”

જાપાનનો આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ હોલ દેશ-વિદેશનાં પ્રખ્યાત ડૉક્ટરોથી ખચોખચ હતો. ચક્મકીત ઝીણી ઝીણી લાઈટો હોલની ઊંચી અને તોતિંગ સીલિંગને શોભાવી રહી હતી અને નીચે દેશ-વિદેશનાં નામાંકિત ડૉક્ટરો તારલાની જેમ કોન્ફરન્સ હોલને ચમકાવી રહ્યાં હતાં. આજે કોન્કલેવનો પ્રથમ દિવસ હોઈ ટોક્યોના મેયર પણ હાજર હતાં. સૌ પ્રથમ માઈક ટેસ્ટિંગ અને પ્રોજેક્ટરના ઓપેરેશન ચેકીંગ પછી એનાઉન્સમેન્ટ થયું.
“લેડીઝ એન્ડ જેન્ટલમેન, થેન્ક યુ વેરી મચ ફોર કમીંગ ટુ ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ ફ્રોમ ડિફરેન્ટ પાર્ટ ઓફ ધ વર્લ્ડ”,…..,……,…..!!!
લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પેપર પ્રેઝન્ટેશન બાય ધ પ્રેસિડેન્ટ ઓફ ઇમર્જન્સી મેડિસિન સોસાયટી-ઇન્ડિયન ફોરમ, યંગ એન્ડ ડાયનામિક “ડૉ. મીનલ”.
ડૉ. મીનલ જાપાનમાં યોજાયેલ ‘ધ ઇન્ટરનેશનલ મેડિકલ કોન્કલેવ’માં ભારતીય ડૉક્ટર્સ ટીમની પ્રતિનિધિ હતી. વિદેશી ડોક્ટર્સના જાત જાતનાં કિસ્સાઓ સાથે એમની ટીમનું પણ આજે પ્રેઝન્ટેશન હતું. ડૉ. મીનલનું નામ અનાઉન્સ થતાં જ ભારતીય પોષાકમાં સજ્જ મીનલ પોતાનાં લેપટોપ સાથે સ્ટેજ પર પહોંચી ગઇ.
ધારદાર અંગ્રેજી અને પડછંદ અવાજ સાથે ડૉ. મીનલનું પ્રેઝન્ટેશન ચાલુ થયું. જેમ જેમ પ્રેઝન્ટેશનની સ્લાઈડ પર સ્લાઈડ બદલાતી ગઈ એમ એમ મીનલના દિવસોની સ્લાઈડ પણ ભૂતકાળમાં જતી રહી.
*********
“હેલ્લો ડૉ. અભિજીત, એક ગુડ ન્યૂઝ આપવા છે, બ્રેકમાં કેન્ટીનમાં મળીએ.” મીનલના મેસેજમાં એનાં પપ્પાએ બંનેના સંબંધને હકારની મહોર લગાડી છે એવો સંકેત દેખાતો હતો.
“કમ ઓન બેબી, લાગે છે સારાં સમાચાર આપવાં માટે તે મુહૂર્ત જોયું લાગે છે.” મીનલ ભટ્ટ બ્રાહ્મણ હોવાથી અભિજીત અવારનવાર આવી હળવી મજાક કરી લેતો હતો.
મીનલ અને અભિજીત બંને કોલેજના સમયથી જ સારાં મિત્રો હતાં. એમ.બી.બી.એસ. સાથે ભણ્યાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ સાથે જ કર્યું.
જોગાનુજોગ બંનેની નોકરી પણ એક જ હોસ્પિટલમાં સાથે લાગી. એમની મિત્રતા હવે પ્રેમ સંબંધના ઉંબરે આવી પહોંચી હતી.
બસ, આઈ લવ યુ નામની ચાવીથી કોણ એ સંબંધનું તાળું ઉઘાડે એની જ રાહ જોવાતી હતી. આખરે મીનલે જ માસ્ટર કી વાપરીને એક દિવસ અભિજીતને પ્રપોઝ કરી દીધું.
“હા” તો માત્ર એક ઔપચારિક હતું, અભિજીતે એક કસકસતા ચુંબન સાથે જ સંબંધને લોક કરી નાખ્યો. મીનલના મમ્મી-પપ્પાને કંઈ રીતે મનાવવા એ ખૂબ મોટો પ્રશ્ન હતો. કેમ કે, મીનલ ચુસ્ત બ્રાહ્મણ અને અભિજીત પંજાબી શીખ છોકરો હતો, અધૂરામાં પૂરું માંસાહારી પણ હતો.

અભિજીત એક પેશન્ટનું પેપર વર્ક ચેક કરતો હતો ત્યાં વળી પાછો મેસેજ રણક્યો, ‘આઈ એમ વેઇટીંગ ઈન કેન્ટીન.’
અભિજીતે બધું કામ બાજુ પર મૂકી ગુડ ન્યૂઝની દિશામાં ચાલવાનું ચાલું કર્યું.
મીનલે પહેલેથી જ બંનેની ફેવરિટ લાટે કોફી અને ચોકલેટ મફીન મંગાવીને રાખ્યાં હતાં.
અભિજીતે આવતાની સાથે જ અધીરાઈ દેખાડી, “ટેલ મી વ્હોટ આઈ વોન્ટ ટુ લિસન”.
“માય ડિયર….વિયેનાની કોન્ફરન્સ માટે હોસ્પિટલ મેનેજમેન્ટે આપણાં બેની પસંદગી કરી છે”. મીનલનો અવાજ તો અત્યારથી જ યુરોપ પહોંચી ગયો હતો.

“ઓહ માય ગોડ…..ઇટ્સ અમેઝીંગ ન્યૂઝ!!” અભિજીતને સાંભળવા હતાં તે સમાચાર તો ન મળ્યાં પણ રોકાણ પહેલાં જ ઇન્ટરેસ્ટ મળવાની લાલચ એનાં મોંઢા પર છલકી રહી હતી.
બંનેની ફ્લાઇટની ટિકિટ અને ૨ અલગ અલગ રૂમના બુકિંગની વિગત હોસ્પિટલ મેનેજમેન્ટે ઈમેલ દ્વારા મોકલી આપી હતી. જોકે રૂમ તો એક જ વપરાવાનો હતો.
કોન્ફરન્સને બે અઠવાડિયાંની વાર હતી, મીનલ પોતાનાં પ્રેઝન્ટેશનની તૈયારી કરતાં પોતાનાં અનઓફિશ્યલ હનીમૂનની ખરીદીમાં વધારે વ્યસ્ત હતી.
પાર્ટી વેર, વન પીસની ખરીદી, ન્યુ હેર સ્ટાઇલ અને બ્યુટી પાર્લરનાં આંટાફેરામાં બે અઠવાડિયાં ક્યાં નીકળી ગયાં ખબર જ ના પડી.
‘એરબસ – એ 220 ઇસ બોર્ડીંગ’
‘કુર્શી કી પેટી બાંધકે…..’
‘આપકે ઇલેક્ટ્રોનીક ઉપકરણ…’
‘સામાન કક્ષ મેં યા આપકે સામનેવાલી ખુરશી….. ‘
‘ગલીયારો યા દરવાજે કે પાસ…’
‘આપત સ્થિતિ મેં….’
આવી અનેક સૂચનાઓ વચ્ચે આછા પાતળા અડપલાં અને મીઠ્ઠી મીઠ્ઠી વાતોની વચ્ચે બંને જણા એકમેકમાં મશગૂલ હતાં.  
ફ્લાઈટ તો ઉપડી અને થોડીક જ વારમાં મેમ સરના અવાજ સાથે ડીનર આપવાં માટે આખે આખું રસોડું ગરગડી પર આવી પહોંચ્યું.
અભિજીત પાસે એર હોસ્ટેસે આવીને પૂછ્યું, “સર, વેજ ઓર નોનવેજ”
“નોન વેજ” સાંભળતા જ મીનલે મોઢું બગાડ્યું.
“અરે બેબી, આ છેલ્લી જ વખત છે. પછી તારાં પપ્પાને પ્રોમીસ આપવાની જ છે ને!!’
“ઓકે, અભિજીત, ઇટ્સ લાસ્ટ ટાઈમ”
“વ્હોટ આર ધ ઓપશન્સ?” અભિજીતે એર હોસ્ટેસને પૂછ્યું.
“ચીકન કરી ઓર ફિશ કરી”
‘”ફિશ કરી, પ્લીઝ” વળી પાછું મીનલે મોઢું બગાડ્યું અને ફીક્કું હસીને અભિજીતને પરવાનગી આપી.
છેલ્લી વખત ઓફિશિયલી નોન વેજ ખાતો હોઈ અભિજીતે “ફિશ કરી” ધરાઈને આરોગી અને મીનલે પણ આલુ પરોઠાં અને દહીં ખાઈ અભિજીતના ખભા પર માથું ઢાળીને સૂઈ ગઈ.

સ્વર્ગ જેવાં દેશમાં નવાં સંબંધના ઉમંગ સાથે બંને જણા ઝુરીચથી વિયેના જવા રવાનાં થયાં.
હંમેશની માફક બંને જણાએ પોતાનું પ્રેઝન્ટેશન બખૂબી નિભાવ્યું. તાળીઓના ગડગડાટ સાથે બે દિવસની કોન્ફરન્સ પૂરી થઇ.
બાકીના દિવસો તેમણે ફાઈવ સ્ટાર હોટેલના બંધ કમરામાં જ ગાળ્યા.
રાતનાં ઉજાગરાં અને શારીરિક કસરતના કારણે બંનેના શરીર પર થાક વર્તાતો હતો પરંતુ એક સંબંધના સંતોષ પાછળ આ થાક છુપાઈ જતો હતો.
અભિજીતનને શરદી ખાંસી અને ગળું છોલાવાનું શરૂ થયું હતું. મીનલને પણ હળવો તાવ આવતો હતો અને હજી તો ભારત પાછા આવવાની અઢાર કલાકની મુસાફરી તો હતી જ.
લગ્ન પહેલાંની પોતાની યાદગાર યાત્રા પતાવીને બંને જણા પાછા ભારત આવવા રવાના થયા.
ઇન્ડિયા પાછા આવ્યાંને દસ બાર દિવસ વીતી ગયાં હતાં.
મીનલ સાથે સુવર્ણ દિવસોની ચર્ચા અને યાદગીરી તો બાજુ પર રહી અહીંયા તો અભિજીતને ‘અસહ્ય માથું દુખે છે’ અને ‘ગળું છોલાય છે’ ની ફરિયાદો વધતી જતી હતી. ડાબા હાથમાં અસહ્ય દુખાવો થતો હતો અને સેન્સેશન ઓછું થતું હોય તેવું પણ લાગતું હતું.
અભિજીતને લકવાની અસર લાગતાં મગજનો એમ.આર.આઈ. કરાવ્યો, તે પણ નોર્મલ આવ્યો. મીનલને પણ સમજાતું નહોતું કે અભિજીતની તબિયત અચાનક કેમ બગડી ગઈ.
લકવાની અસર હોવાનાં કારણે બે દિવસથી અભિજીતને ઓબ્સર્વેશન માટે હોસ્પિટલમાં જ રાખ્યો હતો.
મીનલ હવે ડૉક્ટરની જેમ નહીં પણ દર્દીના સગાવ્હાલાની જેમ અભિજીતની બાજુમાં બેઠી હતી. અભિજીતનો હાથ હાથમાં લઇ પોતાનાં એ અમૂલ્ય દિવસોને યાદ કરતી હતી. અભિજીતના ડાબા હાથના પલ્સ એનાં જમણાં હાથના પલ્સ કરતાં ઓછાં અને અસામાન્ય લાગ્યા. મીનલે અભિજીતની હાથને સપ્લાય કરતી લોહીની નળીઓની એંજિયોગ્રાફી કરાવી. એંજિયોગ્રાફી કરતાં જાણવાં મળ્યું કે ગળાની નીચેનાં ભાગમાં કોઈ ફોરેન બોડી છે, જે લોહી સપ્લાય કરતી નળીને કાપી રહ્યું છે જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થઇ રહ્યો છે. ઘણું મગજ કસ્યાં પછી એ ફોરેન બોડીનો આકાર જોતાં મીનલને ખબર પડી કે, “ઈટ ઇસ નથીંગ બટ અ ફિશ બોન.”
મીનલે પાછું ડૉક્ટરનું રૂપ ધારણ કર્યું અને અભિજીતને ઓપરેશન થિયેટરમાં લઇ જવા માટે ઓર્ડર કર્યો.

********

પ્રેઝન્ટેશનની લાસ્ટ સ્લાઈડમાં મીનલે કહ્યું, “હી ઇસ માય હસબંડ, હી ઇસ પ્રેઝન્ટ હીયર એટ ધ મોમેન્ટ, સીટિંગ નેક્સટ ટુ ઓનરેબલ મેયર મેડમ”.

જાપાન જેવાં દેશમાં, જ્યાં “સી ફૂડ” ખાવું સામાન્ય બાબત છે, ત્યાં આવા કેસના પ્રેઝન્ટેશન સાથે જ વિદેશી ડૉક્ટરો એ “ઇટ્સ અ યુનિક કેસ” કહીને બિરદાવ્યો.
ટોક્યોના મેયર મેડમે પણ ડૉ. મીનલ અને ડૉ. અભિજીતને પોતાનાં આવાસે ડિનર માટે આમંત્રણ આપ્યું.
મીનલે પણ આમંત્રણ સ્વીકાર્યું અને કહ્યું, “યસ મેડમ ઇટ્સ આર ઓનર!” 

અભિજીતે પણ વધુમાં ઉમેર્યું,“યસ મેડમ બટ નો ફિશ !!!”

સ્પંદન-11

રંગ છલકતો અંગ અંગ
મુખડું મલકે સંગ સંગ
આજ  ઉઠે  ઉર ઉમંગ
દિલમાં જાગે એક તરંગ
સજી પિચકારી રંગ રંગ
તન મન નાચે એક સંગ.

વસંતના વધામણે, ગ્રીષ્મના આંગણે, આપણે આવી ઊભા છીએ પૃથ્વીના રંગમંચ પર …. દ્રશ્ય છે હોળીની ઉજવણી…રંગનો ઉમટયો છે સાગર… તન રંગાયું … મન રંગાયું …કુદરત બની એક રંગ ચિત્ર…રંગો સાથે છે માનવીનો અતૂટ નાતો… આંખોમાં ઉભરાય છે સુંદર દ્રશ્યની હારમાળા…જ્યાં કુદરતના કેનવાસ પર ઉષા અને સંધ્યાના રંગો …દૂર દૂર લહેરાતો વાદળી કે નેવી બ્લ્યુ સમુદ્ર  અને તેની સાથે મિલન માટે અધીર આસમાન… નાસાના કોઈ ફોટોગ્રાફમાં ઉભરતી બ્લૂ રંગની પૃથ્વી… લીલાંછમ વનો અને પહાડો …બરફથી આચ્છાદિત  હિમાલય …નાયગ્રાના ધોધમાંથી ઉત્પન્ન થતું મેઘધનુષ અને તેમાંથી ઊઠેલાં જલબિંદુઓની રંગમય સૃષ્ટિ …આપણી આસપાસ ફેલાયેલું છે રંગોનું સામ્રાજ્ય …આ રંગો જોતાં જોતાં  દરેક માનવી ઉત્સાહ અને આનંદનો અનુભવ કરે છે… મનમાં નિરાશાની પાનખરનો અંત આવે છે, રંગીલી વસંતથી સુવાસિત બનેલાં પુષ્પો પણ રંગોની રંગોળી પૂરતાં હોય તેમ લાગે છે… મનમાં આનંદના ફુવારા વચ્ચે ટહુકા ઊઠે છે અને ગ્રીષ્મના આગમનની વધામણી ખાતી આવે છે હોળી…

હોળી એટલે જ જુદા જુદા રંગો … આજે આ રંગોને નજીકથી માણીશું …શબ્દોથી જાણીશું અને તેની રંગ છટામાં રંગાઈશું. હોળી ભારતીય સંસ્કૃતિની સોડમ છે. તહેવાર છે સામાજિક, રંગ છે સાંસ્કૃતિક પણ તેના મૂળ છે પૌરાણિક. હોલિકા અને પ્રહલાદની પૌરાણિક કથાના મૂળમાં છે ધર્મસંદેશ. અસત્ય પર સત્યના વિજયની ગાથા એટલે જ હોળી.  અશ્રદ્ધા અને અસત્યને ભક્ત પ્રહલાદની જેમ નિર્ભયપણે શ્રદ્ધાના અગ્નિમાં સ્વાહા કરી ઈશ્વર પ્રત્યે સમર્પણ સાથે  આગળ વધવામાં આવે તો ઈશ્વરી શક્તિ માનવનું કલ્યાણ કરવા માટે પ્રગટે છે તેવો સંદેશ હોળીના હુતાશન કે અગ્નિમાંથી પ્રગટ થાય છે, માનવ જીવનમાં ઉલ્લાસ, ઉમંગ અને આનંદના સ્પંદન  જાગે છે. આ આનંદને વધાવવા વસંતના વાયરે આવી પહોંચે છે હોળી અને ધુળેટી. પૌરાણિક અને ધાર્મિક પૃષ્ઠભૂમિ ધરાવતો તહેવાર સામાજિક રંગોથી રંગાય છે અને તેના ઉપલક્ષ્યમાં દર વર્ષે ઉજવાય છે રંગોનો તહેવાર હોળી.

હોળીનો તહેવાર ભારતીય વેદ સંસ્કૃતિ  કે ઋષિ સંસ્કૃતિની દેન છે. આ સંસ્કૃતિને શ્રદ્ધા છે જ્ઞાનના પ્રકાશમાં, નહિ કે અજ્ઞાન અને વહેમમાં. વહેમ કે અજ્ઞાનના અંધકારને જો જ્ઞાન અને શ્રદ્ધાના અગ્નિની જ્વાળાઓમાં ભસ્મીભૂત કરવામાં આવે તો જ જીવનમાં ઉલ્લાસ અને આનંદ પ્રગટે એવો  શુભ સંદેશ માર્મિક રીતે આ તહેવાર સાથે જોડાયેલ છે. જીવન -વ્યક્તિગત હોય કે સામાજિક- ઋતુચક્ર સાથે જોડાયેલ છે. હોળી એ શિશિર અને ગ્રીષ્મ એટલે કે શિયાળા અને ઉનાળાના સંધિકાળને વધાવે છે. એક તરફ છે સૂર્યની ઉત્તર અયન તરફની ગતિ કે ઉત્તરાયણ  તો બીજી તરફ છે વસંતના વધામણાં લેતી વસંતપંચમી જ્યાં માનવ ઉભો છે ગ્રીષ્મના આંગણે. ઋતુઓનું આ ચક્ર સમયાંતરે સમાજજીવન સાથે જોડવાની પ્રણાલિકા એટલે જ હોળી.

હોળીનો તહેવાર સમાજજીવનને રંગે છે પણ આ રંગસૃષ્ટિ ક્યાંથી ઉદભવે છે? ખેડૂતના ખેતરમાં ઘઉં અને સરસવના સોનેરી પીળા રંગની સૃષ્ટિ છવાઇ છે, વનના વૃક્ષો કેસુડાના કેસરી ફૂલોથી શોભે છે, આંબાની ડાળીઓ આમ્રમંજરીથી મહેકે છે, પ્રકૃતિ કરવટ બદલે છે, સમાજજીવન આ સુંદરતાને હોળીના રંગોથી વધાવે છે. ગુલાબી ગુલાલ હોય કે પિચકારી ઉડે છે રંગોની, આનંદની, ઉત્સાહની છોળો વચ્ચે ક્યાંક ઢોલ ઢબુકે છે, પગ થરકે છે,નૃત્યના તાલે હોળી ગીતો ગવાય છે, ઠંડાઈના દોર વચ્ચે ગ્રીષ્મની ગરમીના ઓવારણાં લેવાય છે અને કાવ્ય પંક્તિઓમાં ક્યાંક ‘ હોલી ખેલત નંદલાલ ‘ તો ક્યારેક ‘ હોલી ખેલે રઘુવીરા ‘ ની પંક્તિઓ સાથે વાતાવરણ જીવંત બને છે. ક્યારેક આ ગીતો હાસ્ય ગીતો કે હાસ્ય કવિતાનું રૂપ લે છે. સાહિત્ય અને સંગીત  કે નૃત્ય સાથે જ ક્યાંક ભક્તિનો રંગ પણ પ્રગટે છે. રાધા અને કૃષ્ણના સંબંધોના ભક્તિમય વાતાવરણમાં ક્યારેક મથુરા, વૃંદાવન તો ક્યારેક રાધાજીનુ જન્મસ્થાન બરસાના પણ અદભુત રીતે રંગાય છે. બરસાનાની લઠ્ઠમાર હોલીમાં ગોપીઓના વેશમાં રહેલી સ્ત્રીઓ લઠ્ઠ કે લાઠીથી પુરુષ ગોપવર્ગને હોળી રમાડે છે.

જીવનચક્ર, ઋતુચક્ર અને સંસારચક્રના સમાંતર પ્રવાહોમાંથી પસાર થતો માનવી ક્યારેક કુદરતને ભૂલે છે. પરિવર્તન તેને ક્યારેક પળોજણ લાગે છે. તે પોતાને પડકારો સામે એકલો અને અસહાય અનુભવે છે. વિજ્ઞાન હોય કે ટેકનોલોજી, તેની રાહોને આસાન  બનાવે છે. પરંતુ સફળતા અને સરળતા બંને જુદી વસ્તુ છે. સફળતા કુદરતી સાધનોના ઊપયોગથી ઉદભવે છે, પણ સરળતા કુદરતના સાંનિધ્યને માણવામાં છે. કારણ, માનવી આખરે તો કુદરતનું બાળક જ છે. કુદરતને આત્મસાત કર્યા વગરનો વિકાસ નિરર્થક છે. બ્રહ્માંડના તરંગો માનવીના મનના સ્પંદનોથી પ્રતિબિંબિત થાય છે. આ ઉમંગો જ્યારે રંગોનું સ્વરૂપ લઇ સમાજ જીવનને પ્રેમના, ભાઈચારાના, સાહચર્યના રંગોથી રંગે છે, ત્યારે સર્જાય છે રંગોનો ફુવારો. આ રંગમયતા બને છે હોળીનો તહેવાર. ઢોલ ઢબુકે છે, મન મલકે છે, તન થરકે છે, રંગોથી દિશાઓ છવાય છે અને જયઘોષ કાને પડે છે…. હોલી હૈ ભાઈ હોલી હૈં…

રીટા જાની
26/03/2021

૧૧. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

માર્ચ મહિનાના અંતિમ ગુરુવારના પડાવ પર આપણે આવી પહોંચ્યા છીએ. આ લેખમાળા  અંતર્ગત “મન” વિષય પરની આ અંતિમ કવિતામાં આપણે આપણા મનમાં સર્જાતી અસીમ અને અનંત કલ્પનાઓની સંગે સફર કરીશું અને કવિવર શ્રી રબીન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ બંગાળી રચના ” কোথাও আমার হারিয়ে যাওয়ার নেই মানা মনে মনে” અર્થાત ” IN MY IMAGINATION” અથવા “મારી કલ્પનામાં…” નો ભાવાનુવાદ જાણીશું અને માણીશું. તમે આ બંગાળી કવિતા અને તેનું અંગ્રેજી ભાષાંતર આ લિંક પર વાંચી શકશો.

http://anondogaan.blogspot.com/2014/11/kothao-amar-hariye-jawar-lyrics.html

ગુરુદેવની સર્વ રચનાઓની જેમ એકદમ સરળ લગતી આ રચના પણ ગૂઢ અર્થથી ભરેલી છે અને તેનામાં રહેલ ઊંડાણ સમજવાની મારી કોઈ પાત્રતા નથી પણ તે છતાંય મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

કવિવરની આ રચનામાં આપણા મનની કલ્પનાઓની અનંતતા અને અમાપતા ને શબ્દદેહ મળેલ છે.કલ્પનાની પવનપાવડી પર ચઢીને આપણું મન શું ના કરી શકે? પોતાના સ્વપ્નનગરમાં ઓગળી પણ જઈ  શકે અને  મનગમતા ગીતમાં એકાકાર પણ થઇ શકે. તો વળી પરીઓના દેશમાં અને મૌનના પ્રદેશમાં પણ વિહરી શકે. અને ક્યારેક ફૂલોના જંગલોમાં અથવા વાદળોના ગુચ્છાઓમાં ખોવાઈ પણ શકે…આપણી કલ્પનાઓની જાહોજલાલી અનંત છે અને ક્યારે  કલ્પનાના ઘોડા કઈ દિશામાં દોડશે તેનું પણ કોઈ ઠેકાણું નહિ…

There are absolutely no boundaries to our mindscape and that limitless mindscape keeps us alive… જરા વિચાર કરો, જો આપણું મન કોઈ કલ્પનાઓ ના કરી શકતું હોત અને આપણે માત્ર અને માત્ર જિંદગીની કઠોર અને કઠિન વાસ્તવિકતાઓ સાથેજ જીવવાનું હોત તો જિંદગી જીવવી અસહ્ય બની જાત. દુનિયાની એકેએક વ્યક્તિને પોતાની કલ્પનાની દુનિયા હોય જ અને એ દુનિયાનો એ પોતે રાજા અને એ કલ્પનાની દુનિયામાં પોતે પોતાની રીતે કોઈ રોકટોક વિના વિહરી શકે. 

મનોવિજ્ઞાન પણ Imagination અથવા કલ્પનાને mental health માટેનું એક અવિભાજ્ય અંગ ગણાવે છે. પોતાની આગવી કલ્પનાશ્રુષ્ટિમાં વિહરવાથી  આપણું મન આપણી અપેક્ષાઓ અને ઈચ્છાઓ અથવા લક્ષ્યની માનસિક છબી બનાવે છે અને કલ્પનાશ્રુષ્ટિમાં તેની પૂર્તિ પણ થાય છે. અને વિજ્ઞાન પુરવાર કરે છે કે આ કલ્પનાઓ દ્વારા આપણી લાગણીઓને અને તર્કને વહેવા માટે એક ઢાળ મળે છે અને આપણા મન પરનો બોજો ઓછો થાય છે.

કલ્પના અથવા પરિકલ્પના કરવી તે કદાચ જ્ઞાન મેળવવાથી પણ વધારે અગત્યની છે. Albert Einstein famously said, “Imagination is more important than knowledge. For knowledge is limited to all we now know and understand, while imagination embraces the entire world, and all there ever will be to know and understand.” Imagination will let us explore ideas or things that are not physically present or that do not exist or have never experienced before. And this is the foundation of all the inventions. Imagination is the base of each invention on this planet. અર્થાત આ દુનિયાની એકેએક શોધના પાયામાં ક્યાંક કોઈની કલ્પના રહેલી છે. હા, માત્ર કલ્પનાઓમાં જ રાચવાથી કોઈ લક્ષ્ય પૂર્તિ  નહિ થાય કે માનવજીવનના કે આ પૃથ્વીના કલ્યાણમાટે કોઈ નવી શોધ નહિ થાય, તેના માટે તો જ્ઞાન અને પુરુષાર્થની આવશ્યકતા છે. આ કલ્પનાઓને મૂર્તિમંત કરવા પુરુષાર્થની એરણે ચઢવુજ રહ્યું…

 પણ એક વાત તો ચોક્કસ કે આપણા મનની કલ્પનાઓજ થકીજ આપણે  જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પનાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય ભેટ છે. જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે અને કલ્પનાઓને

જેમ કવિવરના આ કાવ્યમાં દર્શાવ્યું છે તેમ, આપણી કલ્પનાઓ અસીમ છે, અમાપ છે, અનંત છે.અને આપણા મનની કલ્પ્નાઓજ થકીજ આપણે  જીવંત રહી શકીએ છીએ, ધબકતા રહી શકીએ છીએ. આ કલ્પ્નાઓજ આપણી અંદર એક અનોખી અદકેરી શ્રુષ્ટિનું સર્જન કરે છે અને આપણી બહારની શ્રુષ્ટિની જેમજ કલ્પનાઓની આંતરિક શ્રુષ્ટિ પણ કુદરતની અમૂલ્ય બક્ષિશ છે. આ અમૂલ્ય બક્ષિશ માટે પરમચેતનાનો આભાર માની હું મારી કલમને આજે વિરામ આપું છું. અને હા,કવિવરનું આ કાવ્યગીત એક નૃત્ય ગીત પણ છે. ચાલો આપણે નાના બાળકોની સાથે તેમની કલ્પનાના ઘોડે ઉડીને તેમની કલ્પનાની દુનિયામાં ડોકિયું કરીએ અને આ બાળ નૃત્ય માણીએ. 

આવતા અઠવાડિયે નવો મહિનો શરુ થઇ જશે એટલે એક નવાજ વિષય પરની કવિતાઓ જાણીશું અને માણીશું.તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે…. 

અલ્પા શાહ

અજ્ઞાતવાસ-૧૦-જિગીષા દિલીપ

ટીના સાથે સહજીવનનાં શપથ

 
મને હવે ચિમનભાઈએ રેસ સ્વીકારવાની(ઘોડા ખાવાની) છૂટ આપી દીધી હતી.જો કે મારા થકી કમાએલા પૈસાનો તેમનો એકાઉન્ટટ હિસાબ રાખતો પણ મને તો માત્ર પગાર જ મળતો.પણ મારું બીજા બુકીઓ સાથેનું દેવું ભરાતું જતું હતું ,એટલે હું ખુશ હતો.ચિમનભાઈ ને તો મારા રુપમાં જાણે સોનાનાં ઈંડા મૂકતી મુરઘી મળી ગઈ હતી. તે તો કોણ જાણે મને દિકરાથીએ વધીને પ્રેમ કરીને ખૂબ માન આપતા.મને આમને આમ તેમના ત્યાં ત્રણ ચાર મહિના થઈ ગયાં હતા.ભાઈ છેલ્લા ત્રણ મહિનાથી તેમનાં ખૂબ પ્રશંસા પામેલ નાટક માટે ગુજરાતની ટૂર પર હતાં.બહેન અને રુખીબા પણ ભાઈનાં મોટા શો હોય ત્યારે અમદાવાદ અને આસપાસ ટ્રાવેલ કરી રહ્યાં હતાં.ઘરનાં બધાંનું ધ્યાન ભાઈનાં ધૂમ મચાવી રહેલ નાટક પર હતું.તે દિવસે મોટી રેસ સ્વીકારીને ચિમનભાઈના ખાતામાં મોટી રકમ મારા તરફથી આવી. રેસ સ્વીકારીને જે પૈસા મળ્યા,તે તો ચિમનભાઈએ પોતાની પાસે રાખ્યા,પણ ભેટ તરીકે મને પૈસાનું એક મોટું કવર આપી કીધું ,” જા ,દીકરા આજે પાર્ટી કર.”
 
મેં ચિમનભાઈને ત્યાંથી જ ધીમા દબાતા અવાજે ટીનાને ફોન કર્યો.તે જમવા અને ઊંઘવાનાં સમય સિવાય તેની ખાસ મિત્ર,તેનાં જ ફ્લોર પર,સામે બારણે રહેતી વ્યોમાનાં ત્યાંજ હોતી.વ્યોમાનાં પિતા એક્સીડન્ટમાં ગુજરી ગયેલા અને મમ્મી ખૂબ બીઝી ગાયનેકોલોજીસ્ટ હતાં. વ્યોમાને ભાઈબહેન હતાં નહીં એટલે ટીના લગભગ તેમનાં ઘેર જ રહેતી.ટીનાનાં પપ્પા ખૂબ શ્રીમંત મોટા વ્યાપારી હતાં.પણ સંકુચિત માનસ ધરાવતા હતા.ટીનાને વ્યોમાની સાથે બહાર જવા દેતા અને બંને બહેનપણીઓ એકબીજાની સાથે જ ભણતી અને રહેતી.ટીનાનાં પિતાને છોકરાઓ તેમનાં ઘેર આવે,કે રોજ ફોન કરે તેવું ,જરાપણ ગમતું નહીં.ધરમાં હીટલરની જેમ માત્ર તેમનું જ રાજ ચાલતું.પરતું વ્યોમા બાજુનાં જ ઘરમાં હતી અને તેનાં ઘરમાં કોઈ પુરષ હતો નહીં ,એટલે ટીના ત્યાં રહેતી તો તેમને કોઈ વાંધો નહોતો.બંને બહેનપણી ટીનાને ત્યાં પણ અવારનવાર તેના પપ્પા સાથે પણ જમતી અને બેસતી એટલે તેમને વ્યોમા તેમની દીકરી જેવીજ લાગતી.ચુલબુલી વ્યોમા અમારા ગૃપમાં જ હતી અને મારી પણ ખૂબ સારી મિત્ર હતી એટલે ટીનાને હું મળતો ત્યારે વ્યોમા પણ ઘણીવાર અમારી સાથે જ હોતી.અમે ફોન પર વાતો કરતાં ત્યારે વ્યોમાને ઘેર જ હું ટીનાને ફોન કરતો.
 
મેં વ્યોમને ઘેર જ ટીનાને ફોન કર્યો. તે મારાથી ખૂબ નારાજ હતી,પણ મેં તેને કહ્યું મારે તારું ખાસ કામ છે તારી સાથે અંગત વાત કરવી છે,મને પ્લીઝ એકવાર મળવા આવ.મેં ટીનાને હાજી અલીની બહાર જ્યુસ સેન્ટર પાસે ઊભા રહેવાનું કહ્યું.હું ટેક્સી કરીને ચિમનભાઈને ત્યાંથી સીધો પહોંચ્યો.હું રસ્તામાં વિચારતો હતો કે ટીના આવશે કે નહીં?પણ ટેકસી જ્યારે ટ્રાફીક લાઈટ પર ઊભી હતી ત્યાંજ મેં એને દૂરથી જ્યુસ સેન્ટર પાસે છત્રી લઈને ઊભેલી જોઈ.અનોખા આનંદ સાથે મારું મન નાચી ઊઠ્યું.હું ટેક્સીમાંથી ઉતરીને ઝીણાં વરસતાં વરસાદમાં ભાગીને ટીના પાસે પહોંચી ગયો.તેણે મને તેની સાથે છત્રીની અંદર લીધો.ટીના ચૂપચાપ હતી પણ તેનાં મૌનમાં અનેક ફરિયાદોનો સંવાદ હતો.અમે હાજીઅલીની અમારી કાયમી બેઠક તરફ ચાલવાનું શરુ કર્યું.
 
અમે હાજીઅલીની દરગાહની પાછળની પથ્થરની પાળી પર બેઠાં.ઉછાળા મારતા દરિયાનાં મોજાંનો અવાજ અમારી વચ્ચેનાં મૌનને તોડતો હતો.દરિયા પરથી વાતો ઠંડો પવન અમારા બંનેનાં ઊના ઉચ્છ્વાસને ઠંડા પાડવા કોશિશ કરી રહ્યો હતો.વરસાદનાં છાંટાં નહીં જેવાં પડી રહ્યાં હતાં.અમે છત્રી ઓઢીને જ એકબીજાની સાવ લગોલગ બેઠાં હતાં.ટીના હજુ શાંત જ હતી.મેં એનો હાથ મારાં હાથમાં લઈ સહેજ પંપાળ્યો અને એનાં પરાણે દબાવી રાખેલ આંસુંનો બંધ તૂટી ગયો.મેં એને શાંત રાખવા કોશિશ કરી.હું પણ તેને લાંબાં સમય પછી મળ્યો હતો એટલે મારી ભીતર પણ કેટલીય અનકહી ઊથલપાથલ ચાલી રહી હતી.હું એને બેહદ પ્રેમ કરતો હતો પણ માત્ર પ્રેમથી જીવન ચાલતું નથી એ વાસ્તવિકતા હું ટીનાને સમજાવવા માંગતો હતો.ટીનાને દુ:ખી જોઈને વાત ક્યાંથી શરુ કરવી તે હું વિચારી રહ્યો હતો.એક હાથથી છત્રી આડી કરી મેં એનાં ગાલ પરનાં આંસુંને પી લઈ ગાલ પર એક વહાલ ભર્યું ચુંબન કર્યું.ક્યાંય સુધી હું એને પીઠ પર મારો વહાલભર્યો હાથ પ્રસરાવી ,ધપધપાવતો રહ્યો અને તે રડમસ અવાજે તેનું માથું મારા ખભા પર ઢાળી કહી રહી હતી,કુલ…. તને કેવીરીતે સમજાવું કે તને જોયા વગર કે ફોન પર વાત કર્યા વગરનાં દિવસો કાઢવા મારે માટે કેટલાં મુશ્કેલ હતાં!
 
હાજીઅલી દરગાહની પાછળ અવરજવર નહીંવત હતી.દરિયો,વરસાદ,પવન અને આકાશનાં ભૂરા વાદળોને સાક્ષી બનાવી તેનો હાથ મારાં હાથમાં લઈ મેં ટીનાને કહ્યું,”હું આ પંચમહાભૂતોનાં આ ચાર અસ્તિત્વની સાક્ષી રાખી કહું છું,હું તને બેહદ પ્રેમ કરું છું.અગ્નિની સાક્ષીએ આપણે લગ્નનાં ફેરા લઈશું ત્યારે ફરીથી સહજીવનની શપથ લઈશ.પણ જો આપણે કાયમ જિંદગી સાથે વિતાવવી હોય તો મારે જીવનનિર્વાહ માટે પૈસા કમાવા વ્યવસાય કરવો જ પડશે.ભણવું પડશે.ભાઈ એક્ટર છે એટલે વારસામાં કોઈ ધંધો મળે તેમ છે નહીં.તારા પપ્પા પણ મને ભણતર વગર કે કેરીયર બનાવ્યા વગર તારી સાથે લગ્ન માટે હા પાડશે નહીં.એટલે હું અમેરિકામાં ભણવા જવા માંગતો હતો.”તેમ તેને સમજાવ્યું.મારો ટોફેલનો સ્કોર સરસ આવ્યો અને એડમીશન પણ અમેરિકાની યુનિવર્સિટીમાં મળી ગયું હતું ,પણ હું હજુ નાનો છું કહી બહેનોએ ગ્રેજ્યુએશન કરી આવવા કીધું અને હવે ટાઈમ જતો રહ્યો અને મારો સ્ટુડન્ટ વીઝા પતી ગયો,મારે વિદ્યાનગર જવું નથી તેમજ પૈસા માટે ઘોડાની રેસનો મોટો દાવ,તેમાં થયેલ મોટી હાર,અને મારું ઘરમાંથી ભાગીને અમદાવાદ જવું અને તેમાંથી બહાર નીકળવાની બધી વાત,તેમજ હાલ પપ્પાનાં મિત્રને ત્યાં નોકરી કરુ છું એવું પણ તેને મેં કીધું.પૈસા વગર ખાલી પ્રેમથી જીવન ચાલે નહીં,તે વાત ટીનાને મેં બરાબર સમજાવી.અમે ફરી મળવાનો વાયદો કરી વહાલથી છૂટાં પડ્યાં.
 
બીજે દિવસે સવારે ભાઈ અને બહેન અમદાવાદથી આવી ગયાં.મને તૈયાર થઈ બહાર નીકળતો જોઈ ભાઈએ પૂછ્યું,”ક્યાં જાય છે?”
મેં કહ્યું”,ચિમનભાઈ ને ત્યાં.”
ભાઈએ કહ્યું,” હજુ જાય છે?”
મેં કહ્યું,”હા કેમ?.”
ભાઈ કહે,”ચાલ હું પણ આજે તારી સાથે આવું છું.”
 
હું ને ભાઈ ચિમનભાઈને ત્યાં પહોંચ્યા.ચિમનભાઈએ તો ભાઈને ખૂબ માન આપીને બોલાવ્યા અને બેસાડ્યા.
ચિમનભાઈ તો ભાઈ પાસે મારાં વખાણ કરતાં થાકતાં નહોતા.ચિમનભાઈએ બધી મારાં ઘોડાજ્ઞાનની વાતો ભાઈ પાસે કરી.બુકીઓ સાથે મારાં હિસાબ પતી ગયાંની વાત પણ કરી અને મારાં હિસાબની વધેલી રકમ ભાઈને આપવાની વાત કરી. મારા હિસાબનો પૈસાનો આંકડો સાંભળી ભાઈ આશ્ચર્ય સાથે ઊભા થઈ ગયાં!!ભાઈએ કહ્યું ,”મારે એ પૈસા નહીં જોઈએ,તમે નકુલને જ આપી દો.”
 
ભાઈએ ચિમનભાઈ સાથે જે વાત કરી તેનાથી હું ઊભો થઈ ગયો.ભાઈએ ચિમનભાઈને કહ્યું”,આપનો ખૂબ ખૂબ આભાર કે તમે નકુલનાં બુકીઓનેા હિસાબ પતાવી દીધો.પરતું કાલથી નકુલ આપને ત્યાં નહીં આવે ,અમારે તો એને ભણવા અમેરિકા મોકલવાનો છે અને તેની બહેનોને શશીએ નકુલ અમેરિકા ભણવા જવા પૈસા કમાવવા રેસ રમ્યો,તે વાત કરી એટલે એ લોકો નાનાભાઈને ગમે તેમ કરી અમેરિકા બોલાવી લેવા માંગે છે અને તેના ગ્રીનકાર્ડ માટે એપ્લાય કરી દીધું છે.એટલે એ તો અમેરિકા જશે હવે.
 
ચિમનભાઈએ કહ્યું,” તમારે એને અમેરિકા મોકલવાની કોઈ જરુર નથી.તેનાં ઘોડાજ્ઞાન પરથી હું ચોક્કસ કહીશ કે તેણે અહીં રહી આ જ કામ કરવું જોઈએ.ભાઈ તેમની સાથે હાથ મિલાવી ,આભાર માનતાં ,હાથ જોડી,હસતાં હસતાં ઊભા થઈ ગયાં.ભાઈ રસ્તામાં મને કહે,”તારી માને કંઈ ખબર પડે નહીં કે તું બુકીનાં ત્યાં નોકરીએ રહ્યો છું,ધ્યાન રાખજે નહીં તો હું અને તું બંને ઘરની બહાર હોઈશું ! સમજ્યો.”ચિમનભાઈએ મારાં હિસાબનાં પૈસા ભાઈએ લેવાની ના પાડી,એટલે મોટું કવર મને એક સરસ બેગમાં ભેટની જેમ આપ્યું.
 
બે ત્રણ દિવસ પછી હું સાંજે બહારથી ઘેર આવ્યો તો બહેન ગુસ્સામાં રાતીચોળ અને ભાઈ તેને કંઈક સમજાવી રહ્યાં હતાં. મને જોઈને બહેન તાડુકી”,કોઈ ન મળ્યું ! તે ચિમનભાઈની દીકરી જોડે તેં ચક્કર ચલાવ્યું.”
“હું તો બાધાની જેમ બહેન સામે જોતો જ રહ્યો! ભાઈ કહે ,”હું તારી માને સમજાવું છું પણ તે માનતી જ નથી.”મેં પૂછ્યું ,”પણ થયું શું આ બધું,મને કોઈ કંઈ કહેશો?.”
 
ભાઈ કહે,” ચિમનભાઈ આવ્યા હતા અને કહેતાં હતાં,” નકુલ તો હવે મારો દિકરો છે,મેં તો તેનો ફોટો મારા બેડરૂમમાં લગાવી દીધો છે અને તેમની સ્વરૂપવાન દીકરી માટે તારું માંગું લઈને આવેલા અને હા પાડી દઈએ તો તને ડીગ્રી માટે તેમની ઓળખાણથી ડોનેશન આપી જયહિંદ કોલેજમાં એડમીશન પણ અપાવી દે અને પૈસા પણ ડોનેશનનાં તે ભરી દે તેમ કહેતા હતાં.”
 
હું તો આ સાંભળી સાવ આભો જ બની ગયો! અને મારાથી બોલાઈ ગયું”,બહેન !મને તો મારી ફ્રેન્ડ ટીના ગમે છે! ” અને બધાં એક બીજાની સામે આશ્ચર્ય સાથે જોઈ રહ્યાં!!!!
 
જિગીષા દિલીપ
 
 

 

એક સિક્કો – બે બાજુ : 10) વેરની વસુલાત : પૃથ્વીરાજ ચૌહાણ !


રસ્તે કોઈ સ્ટોરમાં -કોઈ સહેજ અથડાઈ જાય તો આપણે તરત જ કહીએ : ભાઈ જરા સાંભળીને ચાલો ને ?
અને એ વ્યક્તિ પણ મોટે ભાગે એમ જ કહેવાની : “ તમે જરા આંખ ખુલી રાખીને ચાલતાં જાઓ ને !” બંને પોતપોતાની દ્રષ્ટિએ સાચાં છે .પણ આપણને ક્યારેય બીજી વ્યક્તિની પરિસ્થિતિનો ખ્યાલ જઆવતો નથી !
બહુ ઓછાં લોકો આ પ્રસંગને જુદી રીતે મુલવશે – “ સોરી ભાઈ , હું અહીં સ્ટોરમાં ફાંફા મારતો હતો – કે ડાફોળીયા મારતી હતી એટલે તમારી અડફટમાં આવી ગઈ ; મને માફ કરો !”
આપણે એવું બોલતાં નથી !
અને સામેવળી વ્યક્તિ પણ : “ સોરી , મારી ભૂલ હતી , હું જરાઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .
કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !ઉતાવળમાં હતો એટલે તમને ધક્કો વાગી ગયો ! તમને ક્યાંક વાગ્યું તો નથી ને ?” એવું કહીને માફી માંગશે નહીં .

કારણકે આપણે માત્ર આપણી જ દ્રષ્ટિથી વિચારીએ છીએ !
હું તો એમ પણ કહીશ કે ભગવાને મનુષ્યને બે આંખ આપી છે પણ બંને આંખ આગળ જ આપી છે , પંખીઓની જેમ જો બે આંખ કાનની જેમ બે બાજુએ આપી હોત તો આપણે ચારે બાજુનું જોઈ શકત , પણ ભગવાને પણ આપણને માત્ર એક જ દિશામાં જોઈ શકાય તેમ બે આંખો માત્ર આગળનું જોવા જ આપી છે !
એટલે ઘણું ખરું આપણે એક જ દિશાનું વિચારીએ છીએ –
સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ !

પણ તો પ્રશ્ન થાય કે શું કોઈ ખોટું કરે , આપણને ઇજા પહોંચાડે તો તેને પદાર્થપાઠ શીખવાડવાનો જ નહીં ?
એ જ પ્રશ્નને ધ્યાનમાં રાખીને મેં આજે આપણા ઇતિહાસ પર નજર કરી . કોઈ ધક્કો મારે તો આપણે સામે ધક્કો મારીએ; કોઈ કોઈ પણ કારણ સર બે અપ શબ્દો બોલે તો આપણે પણ સામે ચાર ખરાબ શબ્દો સંભળાવવા , એ શું યોગ્ય છે ખરું?હા , તો કેમ ? અથવા ના , તો કેમ નહીં ?
માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં ભાગ્યેજ બસ્સો વર્ષ એવાં છે કે જયારે વિશ્વમાં ક્યાંય યુદ્ધ ચાલતું ના હોય ! અર્થાત , છેલ્લાં પાંચ હજ્જાર વર્ષના ઇતિહાસમાં સતત યુદ્ધો થતાં જ રહ્યાં છે ! કારણ કે –
કારણ કે –
જયારે કોઈ માણસ ગુસ્સામાં આપણું ખરાબ કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને બદલો લેવાનું મન થાય છે જ ! માનવ સ્વભાવ છે ;પણ જયારે આ બદલાની ભાવના રાજા – મહારાજાઓને થાય ત્યારે દેશનો ઇતિહાસ પણ બદલાઈ જાય -છે !!
આપણા દેશમાં એવાં અનેક પ્રસંગો બન્યા છે જયારે એક જ બાજુનો વિચાર કરવાને લીધે ઘણા અનર્થ સર્જાયાં હોય !
તેનું એક ઉદાહરણ પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ છે !
અગિયારમી સદીમાં આપણા દેશમાં મુસલમાનોએ પગ પેસારો કરી દીધો હતો ..ઉત્તરમાં અફઘાનીસ્થાન અને ત્યાંથી અત્યારના પાકિસ્તાન માં થઈને મહમદ ગીઝની જેવાઓએ દેશને લૂંટવા માંડયો હતો ! સોમનાથને સોળ વખત લૂંટ્યું હતું ! દર વખતે ધન દોલત લૂંટીને એ પાછો જતો રહેતો !
હિંદુ ધર્મમાં આત્મા – પરમાત્મા ની ઉચ્ચ વિચાર સરણીની વાતો અને સર્વ પ્રત્યે સરળ વર્તન , અતિથિ દેવો ભવ વગેરે વગેરે ભાવનાઓથી સઁસ્કૃતિ ગૌરવ જરૂર અનુભવતી હતી પણ , સાથે સાથે એમાં ; “ અમે જ શ્રેષ્ઠ” ની ભાવના ઘર કરી ગઈ હતી અને ત્યારે રાજા મહારાજો પોતાને મહાન ગણતા અને પોતાના અહન્કારને પોષી રહ્યાં હતાં ત્યારે આ રીતે દેશ પાયમાલ બની રહ્યો હતો ..
પંજાબમાં મુસ્લિમ લુંટારાઓએ ( મહંમદ ગીઝની જેવાઓએ )આવીને લૂંટફાટ કરીને ઉત્તરમાં પોતાનું શાસન સ્થાપવા માંડ્યું હતું ..
એ વાતને સો વર્ષ વીતી ગયાં હતાં .. બારમી સદીમાં અજમેરમાં એક પરાક્રમી રાજા – પૃથ્વીરાજ ચૌહાણ જન્મ્યો હતો .. એની કીર્તિ ચારે બાજુએ ફેલાઈ હતી અને ત્યાં જ આ ઇતિહાસની રોમાંચક વાત બને છે : રાજસ્થાનના કનોજ પ્રદેશનો રાજા જયચંદ રાઠોડ તેનું રાજ્ય ખુબ વિશાળ – છેક કનોજ થી વારાણસી સુધીનું હતું , તેની દીકરી સંયુક્તા ( સંયોગિતા ) વીર રાજકુમાર ( અજમેરનો રાજકુમાર )પૃથ્વીરાજના પ્રેમમાં પડે છે ..
જયચંદને તો પૃથ્વીરાજ સાથે વેર હતું ! પણ દીકરીને તો એ જ રાજકુમાર સાથે પ્રેમ થઇ ગયો હતો !!
પ્રિય વાચક મિત્રો ! પૃથ્વીરાજ ચૌહાણ અને જયમલ રાઠોડ વચ્ચેના – આ બંનેના ઝગડાને લીધે ભારત દેશનો ઇતિહાસ બદલાઈ ગયો ! ત્યાર પછી મુસ્લિમ શાસન સમગ્ર દેશમાં છવાઈ ગયું ..
કેવું કારમું પરિણામ !
સિક્કાની એક બાજુએ અપમાન છે : અને બીજી બાજુએ વેર વાળવાની તીવ્ર ઈચ્છા !
વાત એમ બની કે :
જયમલે દીકરીનાં સ્વયંવરમાં બધા રાજકુમારોને બોલાવ્યા , પણ એક બહાદ્દુર રાજકુમાર પૃથ્વીરાજને આમંત્રણ આપ્યું નહીં ; ઉલ્ટાનું , એનું પૂતળું બનાવડાવીને દરવાજે દ્વારપાળની જગ્યાએ મુકાવ્યું !! દાઝ્યાં ઉપર ડામ!
હવે આવું હડહડતું અપમાન પૃથ્વીરાજ કેવી રીતે સહન કરી શકે ?
એ ત્યાં ગયો અને બધાની હાજરીમાં સંયુક્તાનું અપહરણ કરી ગયો !!
હા , સંયુક્તાને (સંયોગિતાને ) તો આ જ શૂરવીર સાથે પરણવું હતું ને ? અને એ પણ આ પ્લોટમાં સામેલ હતી જ . જયમલ અને અન્ય રાજકુમારો હાથ ઘસતા રહી ગયાં..
પણ , જયમલ એને પોતાનું અપમાન સમજીને સમસમીને બેસી રહ્યો ..
એ અરસામાં , પંજાબ સુધી મહમદદ ઘોરી ( મહમદ ગીઝની નહીં , એ સો વર્ષ પૂર્વે આવ્યો હતો ) આવી ગયો હતો અને ત્યાં રાજ કરતો હતો . પૃથ્વીરાજ અજમેરનો રાજા હતો સાથે હવે દિલ્હી નો પણ રાજા બની ગયો હતો . એ હોશિયાર અને બાહોશ હતો એટલે એણે સારો એવો રાજ્યનો વિસ્તાર કરેલો . મહમદ ઘોરી જેવો એ તરફ આવ્યો કે તરત જ પૃથ્વીરાજે એને યુદ્ધમાં ધૂળ ચાટતો કરી દીધો અને જીવતો જવા પણ દીધો ( એ નાસી ગયો તો પીછો કર્યો નહીં ) પૃથ્વીરાજને એમ હશે કે હવે ડરીને ભાગી ગયો છે તો શા માટે એનો પીછો કરવો ? એટલે એને જીવતો જવા દીધો .
પણ વેરની આગમાં સળગતો જયમલ હવે બીજા રજપૂત રાજાઓને પોતાન પક્ષમાં લઈને પૃથ્વીરાજ પર બદલો લેવાનો પેંતરો રચતો હતો . એણે મહંમદ ઘોરીને મદદ કરવાનું વચન આપ્યું .
યુદ્ધ થયું , પણ ઘર ફૂટે ઘર જાય – એ મુજબ કોઈ રજપૂત રાજાઓ પૃથ્વીરાજની મદદે ના આવ્યા . જયમલ રાઠોડના માણસોએ ઉલ્ટાનું પોતાનાં જ રજપૂત ભાઈઓને – પૃથ્વીરાજના માણસોને યુદ્ધમાં હણ્યાં !!
પૃથ્વીરાજ હાર્યો !

દંત કથા મુજબ ઘોરીએ એને આંખે આંધળો કરી દીધો , અને એ મરાયો .
પણ હકીકતે ઘોરીએ પૃથ્વીરાજને તો માર્યો , પણ પાછા ફરતાં જયમલને પણ મારી નાખ્યો !! તારા જેવા શત્રુને તો ઉગતો જ ડામવો જોઈએ એમ કહીને ! અને પછી હવે ભારતમાં કોઈ શૂરવીર રાજા રહ્યો નહોતો એટલે એને આખા ભારતમાં ચઢાઈ કરવાનું ખુલ્લું મેદાન મળી ગયું !
દેશ મુસ્લિમ શાસન હેઠળ આવી ગયું !
કેમ ?
કારણકે હિંદુ રાજાઓ પોતપોતાના અહમ અને અભિમાનમાં એક બીજાને મદદ કરવાનું ભૂલી ગયા હતા ! જયમલની દીકરી સંયુક્તાને પૃથ્વીરાજ સાથે પ્રેમ થયો એટલે જયમલે પૃથ્વીરાજનું અપમાન કર્યું ; પૃથ્વીરાજે શૂરવીર યોદ્ધાની જેમ રાજકુંવરીનું અપહરણ કર્યું , જયમલે વળતો બદલો લીધો એને ઘોરીને મદદ કરી !!! દેશ મુસ્લિમોના હાથમાં આવી ગયો …
બદલો લેવાની લ્હાયમાં શું કરી રહ્યા હતાં તે ભુલાઈ ગયું !!
કોઈ સામી છાતીએ ઘા ઝીલે છે ; કોઈ પાછળથી વાર કરે છે ;
પણ પોતાનાંજ જયારે દુશ્મન બને છે ત્યારે સઘળું સત્યાનાશ નીવડે છે !
બંને પોતાની દ્રષ્ટિથી સાચાં હતાં: બન્નેને બદલો લેવાનો હક્ક હતો . પણ સહેજ જ જો વિચાર્યું હોત તો જયમલ દુશમનને મદદ કરવા જાત નહીં .
પણ જયારે આપણને એ વાત સમજાય છે કે દેશનો દુશ્મન , એનો વિશ્વાસ ના કરાય , ત્યારે સારો ઇતિહાસ પણ રચાય છે . આપનો દેશ આવી જ રીતે બે હજાર વર્ષ પહેલાં ગુલામ થઇ ગયો હોત, જો ચાણક્ય જેવો સમજુ માણસ દેશને ના મળ્યો હોત તો ! આજે પણ આપણે ચાણક્યને યાદ કરીએ છીએ કારણકે એને સિક્કાની બીજી બાજુ શું છે તે દેખાઈ ગયું હતું . એણે પરદેશી સિકંદરને મદદ ના કરવા દેશના રાજાઓને સમજાવ્યું હતું તેથી દેશ ગુલામ થતા બચી ગયો હતો . . તો એની વાત કરીશું આવતે અઠવાડીએ ..

 

૧૦- વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

રાગી- વૈરાગી

એનો પરિચય મને થયો એ દિવસ આજે પણ યાદ છે. બેંકની ચેકબુકમાં મારી સહી કરવા જતા પેનની શાહી કદાચ ખતમ થવા આવી હતી. મેં પેન ઝાટકીને ફરી લખવા પ્રયાસ કર્યો. એ જ ક્ષણે એક હાથ લંબાયો અને મારા હાથમાં પેન થમાવી દીધી. એ આંગળીઓ, આંગળીઓ પરની હીરા-પન્નાની વીંટીનો ચમકાર, એના હાથમાં પકડેલી અજગરની સ્નીગ્ધ ચામડીમાંથી બનેલી પર્સ પણ યાદ રહી ગઈ અને એથી વિશેષ યાદ રહી ગયો હતો એમનો શાંત ભવ્યતાથી ઓપતો ચહેરો.

એકાદ ઔપચારિક સ્મિત અને આભાર વ્યક્ત કરીને અમારે છૂટા પડવાનુ હતું એના બદલે એ મુલાકાત ગાઢ મૈત્રીમાં પરિણમી. અમારા વચ્ચે સમાજ, વિચારોથી માંડીને ઘણી બધી અસમાનતા હતી તેમ છતાં અમે મળતાં રહ્યાં

એ હંમેશા ભગવાન અને ભક્તિને પ્રાધાન્ય આપતી. ત્યાં સુધીય મને સમસ્યા નહોતી પણ એ ભગવાધારી ભગતોને મહત્વ આપતી ત્યારે એ મને માફક નહોતું આવતું. ભગવાન કે ભક્તિ સામે મને કોઈ વાંધો નહોતો પણ આ ભગવાધારી ભગતો પર મને વિશ્વાસ નહોતો. આમ બે વિરોધાભાસી વલણ હોવા છતાં અમારી મૈત્રીના વેગમાં કોઈ ઓટ ન આવી.

એક પત્નિ અને મા હોવાના નાતે જીવનનો અનુભવ મારામાં એના કરતાં વધુ હતો. મોટાભાગે એ પોતાના અધ્યાપિકાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતી. એ એકલી હતી, પોતાની રીતે જીવવા મુક્ત હતી. એના પિતાની અઢળક સંપત્તિની એ એક માત્ર વારસદાર હતી. પહેલા માતા અને પછી પિતાના મૃત્યુ બાદ એકલી પડતાં એક માત્ર સગપણમાં માસી બનારસમાં હોવાના લીધે એ અહીં  આવીને રહી.

એ એટલે અનુ પટેલ.

આજે આશરે ચાલીસીએ પણ એટલી સુંદર દેખાતી હતી તો એના યૌવનકાળમાં કેટલીય સુંદર દેખાતી હશે! અને એટલે જ એને જોઈને વિચાર આવતો કે જો એણે ધાર્યું હોત તો સ્વયંવર રચીને મન ગમતો વર મેળવી શકે એમ હતી. કોઈ યોગ્ય પાત્ર નહીં મળ્યું હોય કે પછી લગ્નને યોગ્ય ઉંમર હશે ત્યારે પાત્રની યોગ્યતાની ચોકસાઈમાં સમય ગુમાવ્યો હશે અને ઉંમર વધતા જ્યારે પાત્રતા સાથે સમાધાન કરવાનું શરૂ કર્યું ત્યારે પાત્રો જ ન રહ્યા? મારા મનમાં સવાલો અનેક હતા જેના જવાબમાં એણે જે કહ્યું એ અણધાર્યું હતું.

એની મુગ્ધાવસ્થા સમયની સુંદરતા તો ભલભલાને આકર્ષે એવી હતી પણ એ એક પ્રખર બૌદ્ધિક યુવક તરફ આકર્ષાઈ. પ્રચુર પ્રણય, મુક્ત મિલનનો એ સમય હતો પણ અનુના પિતાને એ સંબંધમાં ઉત્તરથી દક્ષિણ સુધીનું, ગુજરાતી અને મદ્રાસી સંસ્કારોનું સામાજિક અંતર સ્પષ્ટ દેખાતું હતું. પિતાને પોતાની સમૃદ્ધિની સામે સરસ્વતિનું પલ્લુ નીચું દેખાતું હતું, ધનનાં વૈભવ સામે વિદ્યાનો વૈભવ તો દેખાતો જ નહોતો. એનું નામ હતું મધુકર.

મધુકરનો પરિવાર પણ વેરવિખેર હતો એવી અનુના પિતાને જાણ હતી. આજ સુધી મધુકરે અનુને આપેલી પોતાના પરિવાર વિશે સાચી ખોટી માહિતીને છેતરી હતી પણ એની પાછળનું સત્ય અનુના પિતા જાણતા હતા અને જે સત્ય આજે અનુ પાસે ખુલ્લુ પડ્યું એ એના માટે અસહ્ય હતું. એના પિતા કોઈ અભિનેત્રીની હત્યા બદલ જેલ ભોગવતા હતા અને માતાનું એ આઘાતના લીધે અપમૃત્યુ થયું હતું. હવે આજ સુધીના અજાણ્યા અને હવે સમજમાં આવેલા  સત્ય કરતાં પણ મધુકરે આજ સુધી પોતાને છેતરી એ વાત અનુ માટે વધુ અસહ્ય હતી અને એ પિતા સાથે નૈરોબી પાછી ચાલી ગઈ. પિતાએ નક્કી કરેલા યુવક સાથે વિવાહ કરી લીધા પણ સિરોસીસના લીધે અનુનું વૈવાહિક જીવન લાંબુ ટક્યું નહીં.  આ અસહ્ય આઘાત પછી પિતાનું મૃત્યુ થતા અનુ એના નામે મૂકેલી અઢળક સંપત્તિ સમેટીને નૈરોબી છોડી એ ભારત પાછી આવી ગઈ. આજે એ વિશ્વ વિદ્યાપીઠમાં અંગ્રેજીની પ્રાધ્યાપિકા તરીકે ઉચ્ચ પદે બિરાજતી હતી. તમામ ભૌતિક સુખ સગવડની માલિક હતી. એની પાસે પૈસો, પદ, પ્રતિષ્ઠા બધું જ હતું પણ એના હ્રદયનો ખૂણો તો ખાલી જ હતો. જીવનમાં રિક્તતા હોવા છતાં એના ચહેરા પર ક્યારેય ઉદાસીના વાદળ જોયા નહોતા.

પણ હમણાંથી અનુના જીવનમાં એક વ્યક્તિનો ઉમેરો જોયો. એનો પ્રિય વિદ્યાર્થી- પ્રિયતમ મહંતી. ઓગણીસ-વીસ વર્ષની ઉંમર, સ્ફટિક જેવું ગૌર ભાલ,સપ્રમાણ નાક નકશી, સુગઠિત બાંધો, ખભા સુધી પહોંચતા લાંબા સોનેરી વાળ. એમ.એ.ના સૌથી તેજસ્વી આ છાત્ર માટે અનુને સવિશેષ ભાવ હોય એ સ્વાભાવિ હતું..

એમ.એ.માં આ વર્ષે એ સૌ પ્રથમ સ્થાને પાસ થનાર છાત્ર તરીકે એનું નામ જાહેર થયું એ તો અનુ  માટે અત્યંત આનંદની વાત હતી. આનંદના એ અવસરમાં અનુની હું સહભાગી બનું એ પહેલા તો અત્યંત આઘાત આપતા સમાચાર મને મળ્યા કે અનુ અને એનો આ પ્રિય વિદ્યાર્થી અચાનક ક્યાંક ખોવાઈ ગયા.

બૌદ્ધિક લોકો તરફ અનુ વધુ આકર્ષાતી એવું હવે હું સમજી શકી હતી.

કદાચ બધું સમેટીને વિદેશ ચાલ્યા ગયા. આજ સુધી અનુ માટે મારા મનમાં જે માન, સન્માન કે અભિમાન હતું  ક્ષણભરમાં ઓગળી ગયું. પોતાના પુત્રથી પણ કદાચ ઓછી ઉંમરના એ યુવક સાથે અનુ? છી… મારું મન ઘૃણાથી છલકાઈ ગયું. મહિનાઓ સુધી એ આખા શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ.

જો કે સમય જતાં સૌ ભલભલા ગુના અને ગુનેગારોને ભૂલી જાય છે તો આ ઘટનાય સમય જતા ભૂલાતી ચાલી. ક્યારેક મારા મનમાં અનુના બે પ્રેમી- મધુકર અને પ્રિયતમ મહંતીના વિચારો કબજો જમાવી લેતાં. ક્યારેક હું અનુની કથની લખવા કલમ હાથમાં લેતી અને એ જાણે કોઈ દુષ્ટ પ્રેતાત્મા હોય એમ એમના વિચારોથી મન વિચલિત થતાં એ અટકી જતી પછી તો ધીમે ધીમે લોકોની જેમ મેં પણ અનુના વિષયમાં વિચારવાનું છોડી દીધું.

બીજા બે વર્ષ આમ જ પસાર થઈ ગયા. કોઈક ફુરસદના સમયે અનુ અને એના નાનકડા પ્રેમીનું શું થયું હશે એ જાણવા જીજ્ઞાસા થતી અને એ જીજ્ઞાસાના જવાબરૂપે જ હોય એમ એક દિવસ એક વ્યક્તિ મારી સમક્ષ ઉપસ્થિત થઈ. પીળી લુંગી, ગેરૂઆ કુર્તો, આંખે કાળા મોટા ચશ્મા, સહેજમાં રણકી ઊઠતી મેખલાબંધની ઝીણી ઘંટડીઓ… જો આ વ્યક્તિના ખભા સુધી લંબાતા સોનેરી વાળ પર ધ્યાન ન જાત તો મારી પ્રિય પ્રૌઢ સખીના પ્રિયતમની ઓળખનો કોઈ અણસાર ન આવત. અનુએ એની સાથે બે વર્ષ પહેલાં લગ્ન કરી લીધા હતા. અનુના સાનિધ્યના પરિપાકરૂપે એનો ચહેરો પણ બે વર્ષમાં જાણે પાકટ બની ગયો હતો.

આટલા સમય પછી એ પોતાની પત્ની એટલે કે અનુની શોધમાં અહીં આવ્યો હતો. અનુ સાથે લગ્ન કર્યા દોમદોમ સાહ્યબી વચ્ચે જીવતી અનુએ એની સાથે વિશ્વભરમાં હનિમૂન મનાવ્યું. અત્યંત ઉત્તેજના, ઊર્મિસભર દિવસો પસાર થઈ રહ્યાં હતાં ત્યાં અચાનક આ સફર દરમ્યાન એમની મુલાકાત અનુના ભૂતપૂર્વ પ્રેમી મધુકર સાથે થઈ.

બસ ત્યારથી અનુ બદલાઈ ગઈ. પ્રિયતમ મહંતીથી એ દૂર થતી ગઈ. પ્રિયતમે એને તન-મનથી રીઝવવાના પ્રયાસ તો કર્યા એ નિષ્ફળ રહ્યો. પ્રેમના આંધળા ઝનૂનને લઈને થોડીક બળજબરી પણ કરી લીધી પણ અંતે અનુ એક પત્ર અને બે-ચાર મહિનાની ખર્ચી એના માટે મૂકીને મધુકર સાથે ચાલી ગઈ.  વાત થઈ એ પહેલાં મારા મનમાં એવો વિચાર આવ્યો હતો કે મોટી ઉંમરની પત્નીમાંથી  આ યુવાન પતિનું આકર્ષણ ઘટી ગયું હશે પણ અહીં તો સાવ અલગ છેવાડાની વાત લઈને પ્રિયતમ આવ્યો હતો.

અનુને ભૂલવાનો પ્રયાસ કરવા છતાં એને એ ભૂલી શક્યો નહોતો. પ્રિયતમ મહંતી કહેતો હતો કે “અનુને ખબર હતી કે એના વગર એક ક્ષણ પણ હું રહી શકીશ નહીં અને તેમ છતાં એ અને મૂકીને ચાલી ગઈ?”

બેહાલ જેવી અવસ્થામાં મૂકાયેલો પ્રિયતમ મંહતી ગોવાના વિદેશીઓની સંગતમાં જાતને ભૂલવા અનિચ્છનીય કેફી દ્રવ્યોની રંગતના રવાડે ચઢી ગયો અને આવા અભાગીઓના સ્વર્ગ જેવા ગોવામાં સ્થાયી થઈ ગયો હતો

એના સાવ ભોળા બાળક જેવા નિષ્કપટ ચહેરા સામે હું જોઈ રહી. ચહેરા પર દેખાતી ઘેલછા અનુ માટે હતી કે કેફી દ્રવ્યોની અસર હતી? કંઈપણ સમજુ કે જાણું એ પહેલા એ મારા ચરણસ્પર્શ કરીને  ચાલ્યો ગયો

પહેલાં એ હંમેશા કહેતો હતો કે અનુ તો એક સંત જેવી વૈરાગી વ્યક્તિ છે, એ કોઈનુય અનિષ્ટ કરી જ ન શકે. હું અનુને ઓળખતી થઈ ત્યારે તો મને પણ એ સંત જેવી વૈરાગી વ્યક્તિ જ લાગી હતી ને?

આજ સુધી મને મારી આંતઃસ્ફૂરણા પર ગર્વ હતો. મને એવું હતું કે કોઈપણ વ્યક્તિને હું બરાબર પારખી શકું છું પણ હું આજે વિચારું છું તો મને એવું સમજાય છે કે કોણ રાગી કોણ વૈરાગી એ નક્કી કરવામાં આપણે ક્યારેય સફળ થઈ શકતાં જ નથી.

******

મૂળ નામ ‘ગોરા પંત’ પણ સાહિત્ય ક્ષેત્રે શિવાની તરીકે જાણીતા લેખિકાની મૂળ કથા ‘ મન કા પ્રહરી’ને આધારિત અનુવાદ.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com