HopeScope Stories Behind White Coat – 7 / Maulik Nagar “Vichar”

By Maulik Nagar “Vichar”

અધુરૂ જ્ઞાન આફત નોતરે ! –
“First Aid એટલે માત્ર પાટાપિંડી જ નહીં પણ સૂઝ, સમજ અને સાવચેતી સાથે કરેલ સમયસરની સહાય”

‘First Aid વિદેશમાં લોકોને પાંચમાં ધોરણથી જ શીખવાડવામાં આવે છે, એનો મતલબ એવો કે 10વર્ષનો બાળક પણ આવી કોઈ પણ મેડિકલ ઇમેર્જન્સીને પ્રાથમીક સારવાર આપવાં સક્ષમ હોય છે. કમનસીબી છે કે આપણાં દેશમાં, આપણી સ્કૂલિંગ સિસ્ટમમાં કે સામાન્ય પ્રજાને “પ્રાથમીક સારવાર” વિશે જાગૃતિ જ નથી અને એનાં જ કારણે આપણાં દેશમાં અનેક મૃત્યુ થાય છે, જો પ્રથમ દસ કે પંદર મિનિટની અંદર જ દર્દીને પ્રાથમીક સારવાર મળી જાય તો એને બચવાની સંભાવના વધી જાય. જયારે પણ કોઈને અચાનક હાર્ટ અટેક, ખેંચ, બર્ન,બ્લીડીંગ, પોઇઝનિંગ, ચોકીંગ વિગેરે જેવી સમસ્યા ઊભી થાય ત્યારે શું ઈજનેર, અકાઉન્ટન્ટ, મેનેજર કે ડૉક્ટર પણ દર્દીને પ્રાથમિક સારવાર આપવાં સક્ષમ હોય છે?’ ધારદાર ભાષણ સાથે ડૉ નિશાએ વર્કશોપની શરૂઆત કરી.

ડૉ નિશા ઇમેર્જન્સી સારવારના નિષ્ણાત હોવાથી સોસાયટીઓ, સરકારી સંસ્થાઓ કે સ્કૂલો માટે અવારનવાર આવાં “પ્રાથમીક સારવાર”ના વર્કશોપનું આયોજન કરતી હતી. ડૉ નિશા માટે ગર્વની વાત એ હતી કે આજે તેનો આ પાંચસોમો વર્કશોપ હતો.
હાર્ટ અટેક, ખેંચ, બર્ન જેવી સમસ્યા વખતે શેની તકેદારી રાખવી તે પદ્ધતિસર સમજાવ્યાં બાદ જેવો ચોકીંગનો છેલ્લો મુદ્દો આવ્યો ત્યાં જ પ્રેસેંટેશનનો સ્લાઈડ શૉ અટકાવીને પ્રોજેક્ટરના અજવાળામાં ડૉ નિશા ક્યાંક ખોવાઈ ગઈ અને ગહેરી નિરાશામાં સરી પડી.


‘રેખા..ઓ..રેખા..તું જાય તે પહેલાં સ્વરનાં બધાં જ રમકડાં ભરી દેજે, નહીં તો એની મમ્મી મારી સામે ઘાંટા પાડશે’ જાગૃતિબેન બેંકમાં મેનેજર હતાં પણ ઘરમાં એમનું એક ન ચાલે.
બંને દીકરા કમાતા ધમાતા, નાના દીકરા હર્ષની વહુ ભાવિની પણ સારા પગારવાળી નોકરી કરે. મોટો દીકરો વિવેક અપરણીત હતો. હર્ષ અને ભાવિનીનો 2 વર્ષનો દીકરો સ્વર હજી હમણાં જ ખાંભોળીયા ભરતાં શીખ્યો હતો એટલે એને માટે અલગ અલગ સમયે બે આયાઓ રાખી હતી. એકનો સમય 10થી 4 અને બીજી આયાનો સમય 4થી 10.
આજે શનિવાર હોઈ જાગૃતિબેન ચાર વાગતાં પહેલા જ ઘરે આવી ગયાં હતાં.
સોફાની નજીક રમકડાંઓ જોડે રમતાં સ્વરને ગાલ પર બચ્ચી કરી, રેખાને રમકડાંઓ ભરવાનો ઓર્ડર કરી જાગૃતિબેન કપડાં બદલવાં પોતાનાં રૂમમાં ગયાં.
ઘડિયાળમાં એક બાજુ 4 વાગ્યાનાં ટકોરાં સંભળાયાં અને બીજી બાજુ રેખા તો પોતાનું પાકીટ લઇને જવા તૈયાર થઇ ગઈ.
બીજી આયા આવે ત્યાં સુધી રાહ જોવાની તસ્દી પણ ન લીધી અને રેખા એ જાગૃતિબેનના રૂમનો દરવાજો ખખડાવતાં કહ્યું, ‘મું જાઉં સુ બા.’
અંદરથી સાડીનો પાલવ સરખો કરતાં જાગૃતિબેન હજી તો બહાર આવીને કંઈ પૂછે તે પહેલાં તો ધરનો મુખ્ય દરવાજો બંધ થતાં સંભળાયો.
‘આ રેખાડી પણ છે ને, નીરુના આવવાની રાહ પણ નથી જોતી, આ બધાં રમકડાં પણ હજી એમનાં એમ રાખ્યાં છે.’ જાગૃતિબેને ડાઇનિંગ ટેબલ પરથી પોતાનાં ચશ્માં લીધાં અને પૌત્ર સ્વરની નજીક રમકડાં વીણવાં ગયા.
જાગૃતિબેન રમકડાં વીણવાં સ્વરની નજીક પહોંચ્યા અને જોયું તો સ્વર ખાંસવાનો પ્રયત્ન કરતો હતો પણ મોઢામાંથી અવાજ જ નીકળતો ન હતો.
આ દ્રશ્ય જોઈ જાગૃતિબેનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું પણ બે-બે છોકરાં મોટાં કર્યાં હોવાનો અનુભવ હોવા છતાંય ઘભરાયેલાં જાગૃતિબેને રેખા…રેખા..નામનાં ચિત્કાર સાથે એણે સ્વરની પીઠ થાબડી.
બે-ચાર વખત પીઠ થાબડવાથી સ્વરના ગળામાંથી કંઈક બહાર આવ્યું પણ સ્વરના હાંફવાના કારણે એ પાછું ગળી ગયો.
સ્વરનું ભૂરું પડતું શરીર જોઈ જાગૃતિબેનનો તો જીવ જ ઊડી ગયો. ધ્રૂજતાં હાથે જાગૃતિબેને ભાવિનીને ફોન લગાવ્યો. મીટિંગમાં વ્યસ્ત ભાવિની ફોન ઉંચકી તો ન શકી પણ એ જ સમયે સમયસર આવવામાં બેદરકાર નીરુ આવી પહોંચી.
જાગૃતિબેન અને નીરુ બંને રીક્ષામાં બેસીને નજીકના દવાખાને ગયાં, એ દરમ્યાન હર્ષ સાથે સંપર્ક થતાં જાગૃતિબેને આખી પરિસ્થિતિની જાણ કરી.
હર્ષ અને ભાવિની પણ દવાખાને પહોંચી ગયાં.
સ્વરનું ભૂરું પડી ગયેલું શરીર જોઈ દવાખાનાના કમ્પાઉન્ડરમાંથી ડૉક્ટર બની ગયેલાં સાહેબે એને કોઈ મોટી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવ્યું.
ભાવિની અને હર્ષની ધીરજ પણ હવે ખૂટી રહી હતી.
‘નિશા, બેટા જયાઆંટી બોલું છું, D-101માંથી’, જાગૃતિબેનને યાદ આવ્યું કે પોતાની પાડોશી નિશા હમણાં જ પરદેશથી ઇમર્જન્સી ડૉક્ટરનું ભણીને આવી છે.
‘હા, આંટી બોલો, જય શ્રી કૃષ્ણ’ નિશાના નામથી જ ભાવિની અને હર્ષમાં એક આશા જાગી.
જયા બહેને જય શ્રી કૃષ્ણનો ઊત્તર તો ના આપ્યો પણ પોતાનો બાળ કૃષ્ણ સ્વર કંઈક ગળી ગયો હોવાની જાણ કરી.
હંમેશા ખડે પગે ઊભી રહેતી નિશાએ કહ્યું કે, ‘તમે ચિંતા ના કરો આંટી, હમણાં જ હું ત્યાં ICUવાળી એમ્બ્યુલન્સ મોકલાવું છું, તમે બધાં એમાં જ બેસીને બેમિનિટ જ દૂર આવેલી ગાલા હોસ્પીટલ પહોંચી જાઓ, હું અને મારી ટીમ હમણાં જ ત્યાં પહોંચીયે છીએ.’
ડૉ નિશાના કહેવાથી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી તો ગઈ પણ સાંજનો સમય હતો અને “ટ્રાફીક કહે મારું કામ”, બે મિનિટનું અંતર કાપતાં દસ મિનિટ થઇ ગઈ.
એમ્બ્યુલન્સ પહોંચી એ પહેલાં જ ડૉ નિશા સ્વરની રાહ જોઈને ત્યાં હોસ્પિટલમાં હાજર જ હતી.
એમ્બ્યુલન્સ હોસ્પીટલ પહોંચતાં જ સ્વરનું Resuscitation ચાલું કરી દીધું, પણ સ્વરનું હૃદય પણ હવે કામ કરતું બંધ થઇ ગયું હતું. ગાલા હોસ્પિટલના પીડિયાટ્રિક ઇન્ટેન્સીવિસ્ટ પણ ત્યાં હાજર જ હતાં. સતત CPR આપતાં સ્વરનું હૃદય ધબકવાનું તો ચાલું થઇ ગયું પણ સ્વરને વેન્ટિલેટર પર મુકવો હવે જરૂરી હતો. સ્વરને વેન્ટિલેટર પર મુકવા માટે ડૉ નિશાએ જેવી ટોર્ચ એનાં ગળામાં નાખી તો સ્વરની સ્વર પેટીમાં ફસાઈ ગયેલો એક ભમરડો દેખાયો. ગમેતેમ કરીને સ્વરના ગળામાંથી ભમરડો બહાર તો કાઢ્યો પણ લાંબા સમય સુધી મગજમાં ઓક્સીજન ન પહોંચવાના કારણે એનું બ્રેઈન ડેડ થઇ ગયું હોય એમ લાગતું હતું.
‘જયાઆંટી, તમે સ્વરની છેલ્લી હલનચલન ક્યારે મહેસુસ કરી હતી’ આઘાતમાં બેઠેલાં જાગૃતિબેન પાસે આવીને ડૉ નિશાએ પૂછ્યું.
‘બેટા, મને યાદ છે ત્યાં સુધી હું અને નીરુ રીક્ષામાં બેઠાં ત્યારે એનું માથું મારાં ખભા પર ઢળી પડ્યું હતું, ત્યાર બાદ એનાં શરીરમાં કોઈ જાતનું હલનચલન ન હતું’
ઘડિયાળની સામે જોતાં ડૉ નિશાએ મિનિટ્સની ગણતરી કરી અને કહ્યું, ‘ઓહ, ઇટ્સ મૉર ધેન ટ્વેન્ટી મિનિટ્સ.’


પ્રેસેંટેશનમાં “Heimlich Maneuver” દર્શાવતી ચોકીંગની છેલ્લી સ્લાઈડ પ્રોજેક્ટરમાં ચેન્જ કરતાં ડૉ નિશાએ આ વર્કશોપને વિરામ આપ્યો અને બીજી વર્કશોપ સુધી નિરાશાને પણ વિરામ આપ્યો.

સ્પંદન-7


ચાલ્યા કરું,  ચાલ્યા કરું કે રાહ ત્યાં હશે
આંખો રહી છે શોધમાં કે મંઝિલ ત્યાં હશે
પરવા નથી કઠિનાઈની કે મિલન ત્યાં હશે
આશ છે બસ એટલી કે વિશ્વાસ ત્યાં હશે.

શું આ કોઈ કાવ્ય છે? ના.
આ છે સહુ ના મનની આશ, આ છે હર મનનો વિશ્વાસ, આ છે હર હૈયાની હોંશ, એ ભરશે મનમાં જોશ….સમયનો પ્રવાહ …અને એમાં આપણે સહુ..આપણે સહુ એમ માનતા આવ્યા છીએ કે સમય કે કાલ એ વિભાજિત છે અને આપણું સાતત્ય છે. આપણે સમયને વર્તમાન, ભૂત કે ભવિષ્યમાં વહેંચીએ છીએ. પણ હકીકત એ છે કે સમય તો એક પ્રવાહ છે અને આપણે એમાં તરવૈયા તરીકે બાથ ભીડતા રહેવાનું છે. આપણે તેના સાથે ચાલતા રહેવાનું છે. દરેક વર્ષ તેમાં એક માઈલ સ્ટોન છે. વિક્રમ સંવત કહો કે ઇસ્વી સન, તે તો માત્ર એક સમયનું બિંદુ છે.  બાકી આપણી પાસે એક ભવ્ય ભૂતકાળ છે. આ ભૂતકાળના ગર્ભમાં ક્યાંક ડાયનોસોર છે, તો ક્યાંક વાઇરસ પણ. ક્યાંક હિમાલયની જગ્યાએ ઘૂઘવતો ટેથીસ સમુદ્ર છે, તો ક્યાંક એટલાન્ટિસ જેવા તથાકથિત ખંડ પણ. ક્યાંક છે સોનાની લંકા, તો ક્યાંક છે દ્વારિકાનગરીની સુવર્ણમય જાહોજલાલી. ભૂતકાળમાં ક્યાંક ભૂતાવળ છે, તો ક્યાંક ભવ્યતા પણ. ક્યારેક આ બધી વસ્તુઓ આપણા ઇતિહાસ તરીકે પ્રગટ થાય છે, તો ક્યાંક સાહિત્ય બનીને. ક્યાંક 2019માં દોડતી દુનિયા જોઈએ છીએ તો ક્યાંક 2020ના વિષમય વાસ્તવની વચ્ચે સ્થિર થયેલી દુનિયાનો સીન જોવા મળે છે તો ક્યાંક નવા સીન સાથે હવે આશાના તંતુમાં લટકતી વેક્સીન પણ છે.  તો પછી સાતત્ય ક્યાં છે?

સાતત્ય એ માનવીના જોમ અને જોશમાં છે, હૈયાની હામમાં છે, સતત પડકાર વચ્ચે જીવતા અને તેનાથી પર રહી લક્ષ્ય સાધતા માનવ મનની ઊંડાઈ કોણ માપી શકે? આ પંક્તિઓ હકારનો જયઘોષ છે. તેમાં પોઝિટિવિટી ભારોભાર ભરેલી છે. આપણી આસપાસ નજર કરીએ તો આપણને બે પ્રકારના માનવીઓ નજરે પડશે- આશાવાદી અને નિરાશાવાદી. એક જ પરિસ્થિતિમાં બંનેનાં વિચારો, બંનેનાં અનુમાન અલગ હશે. જે બહુ બોલે છે એ કામ ઓછું કરે છે. જે લોકો હમેશા ભૂતકાળની વાતો કરતાં હોય, તે હારી ચૂકેલા હોય છે. કેટલાંકને ભવિષ્ય કાયમ ધૂંધળું જ દેખાતું હોય છે. તો કેટલાંક દરેક પરિસ્થિતિનો સ્વીકાર કરી પ્રયત્ન કરવાનું છોડીને પહેલેથી જ હથિયાર હેઠાં મૂકી દે છે. સૌથી મહત્વની વાત તો એ છે કે જેમ બીજમાં વૃક્ષ બનવાની તાકાત છે એમ વ્યક્તિમાં પણ પ્રતિભાબીજ છુપાયેલું હોય છે. જરૂર છે એ બીજને ખીલવવાની, ભીતરના એ ખજાનાને શોધવાની, એ માટે ચાલવાની. ત્યારે એ નિ:શંક છે કે તમને જરૂર રાહ મળશે. આપણે એવા પણ લોકો જોયા છે જેમણે પોતાનો રાહ જાતે જ કંડાર્યો હોય. નેલ્સન મંડેલાની વાત આપણે જાણીએ છીએ. તેમણે પોતાની આત્મકથા – “ધ લોંગ વોક ટુ ફ્રીડમ” – માં લખ્યું છે કે” હું એક આશાવાદી વ્યક્તિ છું. હું સૂર્યને જોઈને ચાલનારો માણસ છું.”
જેની આંખો મંઝિલને શોધતી હોય તે મંઝિલ મેળવીને જ રહે છે, ભલે તે સરળ ના હોય. નીલિમા પાઇ એવું માનતી કે મારું શરીર જ મારું મંદિર છે, મારું કહ્યું બધુ એ કરશે. તેની મંઝિલ હતી કે માયામી મેરેથોન સાડી પહેરીને, ખુલ્લા પગે પૂરી કરવી. આપણે જોઈએ છીએ કે સમાન્ય રીતે મેરેથોન દોડનારા ખાસ ટૂંકો ડ્રેસ અને સારી જાતના બ્રાંડેડ શૂઝ પસંદ કરે છે. ત્યારે નીલિમાએ પોતાની મંઝિલ 2018માં માયામી મેરેથોન પૂરી કરીને મેળવી. આ મંઝિલ આસન તો ન હતી. હાફ મેરેથોન પછી એ પોતાની જાતને કહેતી રહી,’You are not a quitter, keep going, one step at a time. I will, I can, I will.” મિત્રો, જ્યાં શ્રદ્ધા હોય સ્વમાં, મંઝિલ સામે જ હોય છે. દરિયામાં મરજીવા બનીને ડૂબકી મારશો, તો મોતી જરૂર મળશે. જ્યાં કઠિનાઈની પરવા કર્યા વગર આગળ વધીએ તો પરમાત્માનું પણ મિલન શક્ય બને છે. મીરાંબાઈની વાત તો સર્વવિદિત છે. તેમનું જીવન તો સતત કઠિનાઇઓથી ભરપૂર હતું. એટલે સુધી કે રાણાએ તેમને ઝેરના કટોરા મોકલ્યા. છતાં મીરાં પોતાની ભક્તિમાંથી ચલિત ન થયા અને શ્રીકૃષ્ણને પામ્યા.

આપણે ત્યાં ખૂબ જાણીતી કહેવત છે કે ‘વાવો તેવું લણો.’ મનમાં આપણે જે ભરીએ તે જ બહાર આવવાનું છે. જેવુ વિચારીએ તેવો આપણો સ્વભાવ બને. મનનો પોતાનો પણ એક ખોરાક હોય છે. મનના આહાર દ્વારા આપણું વ્યક્તિત્વ બનતું હોય છે .આપણાં મનમાં સકારાત્મક કલ્પનાચિત્ર હશે તો તમારી સફળતાની શક્યતાઓ વધુ છે. જો નકારાત્મક કલ્પનાચિત્ર હશે તો નિષ્ફળતાની શક્યતાઓ વધુ રહેશે. જો તમને એવી આશા હોય કે ત્યાં વિશ્વાસ હશે તો એ વાત જ અશક્યને શક્ય બનાવી શકે છે. મૂળ બગસરાનો પણ કલકત્તામાં રહેતો એક તરવરિયો ગુજરાતી યુવાન….અંતરમાં અનેરા અરમાનો …ધગશ આભને આંબવાની…થાય કે કશુંક કરવું છે….પણ કાંઈ સામાન્ય નહીં….બસ છવાઈ જવું છે….એ આશ…એ વિશ્વાસ…અને કાંતિલાલ બન્યા કે.લાલ. અને તેની જાદુઇ માયાજાળ. લોખંડનો ટુકડો એક પીંછાને પણ ઊંચકી શકતો નથી. પણ મેગ્નેટ ધરાવતો લોખંડનો ટુકડો પોતાના કરતાં 12 ગણું વધુ વજન ઊંચકી શકે છે. ચાલો…આપણે પણ આશાનું આવું એક મેગ્નેટ લગાવીએ… પ્રેરણા અને પરિશ્રમની પાંખે ઉડી સુખમય સ્પંદનોથી મંઝિલ પ્રાપ્ત કરીએ….જીવન સંગીત જગાવીએ…આશાના અરુણને અર્ઘ્ય અર્પીએ …

રીટા જાની.
26/02/2021

૭.”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમની અભિવ્યક્તિના મહિના ફેબ્રુઆરીના અંત તરફ આપણે સૌ આગળ ધપી રહ્યા છીએ. ફેબ્રુઆરી મહિનાનો અંત આવશે પણ પ્રેમની ધારા તો શાશ્વત છે અને અનંતકાળ સુધી વહેતી રહેશે. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે આ અનંત અને અતોનાત પ્રેમને ઉજાગર કરતી, કવિવર રવીન્દ્રનાથ ટાગોર લિખિત એક ખુબ ભાવપૂર્ણ બંગાળી કવિતા જેનું શીર્ષક છે ” কতবার ভেবেছিনু” અથવા “કેટલી વાર કરું વિચાર…”નો  ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ કવિતામાં  ગુરુદેવે જેણે પ્રેમનો પ્રત્યક્ષ એકરાર કર્યો નથી એવા પ્રેમીના મૃદુ મનોભાવોનું  ખુબ બારીકાઈથી આલેખન કરેલું છે. આ કાવ્યના બંગાળી શબ્દો and English transliteration તમે આ લિંક પર જોઈ શકશો. http://anondogaan.blogspot.com/2014/01/kotobaro-bhebechhinu-lyrics-translation.html

ગુરુદેવની ગૂઢ અને ગહન અર્થ ધરાવતી કવિતાઓને સંપૂર્ણપણે સમજવાની મારી કોઈ પાત્રતા નથી છતાંય અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ કવિતામાં ગુરુદેવે પ્રેમની પરાકાષ્ઠા સમાન દાસ્ય ભાવે પ્રેમ કરતા પ્રેમીના ભાવજગતનું તાદ્રશ વર્ણન કર્યું છે.  કાવ્યની પ્રથમ બે પંક્તિઓ પરથી એવું ફલિત થાય છે કે અહીં પ્રેમીના પોતાના મનમાં જ રચાયેલો સંવાદ રજુ થયેલ છે. ગુરુદેવની કલમે અહીં પ્રિયજનને દેવ અને પ્રેમને પૂજા તરીકે પ્રસ્થાપિત કર્યા છે. દાસ્ય ભાવે એકપક્ષીય પ્રેમની પાવક જ્વાળામાં પ્રજ્વલિત થતા પ્રેમીની વેદના અને વ્યથા આ કાવ્યના શબ્દે શબ્દમાં નીતરે છે. કાવ્યની છેલ્લી બે પંક્તિઓ દ્વારા એવું ફલિત થાય છે કે આ પ્રેમ અવ્યક્ત રહેવાજ સર્જાયેલો છે અને એજ આ પ્રેમની અંતિમ નિયતિ છે.

ગુરુદેવની કલમે અવતરેલું આ સુંદર કાવ્ય એક ખુબ પ્રખ્યાત બંગાળી ગીત તરીકે પરિવર્તિત થયું છે. આ ગીતનું સ્વરાંકન પણ કવિવરે પોતે કરેલું છે. કવિવરે આ કાવ્યની રચના  એક English song પરથી પ્રભાવિત થયા બાદ કરી હતી.આ કાવ્યમાં કવિવરે મૂળ ગીતનું હાર્દ જળવાઈ રહે તેવી રીતે બંગાળી શબ્દોની શબ્દગૂંથણી કરી છે. This song is based on the English song titled “To Celia” written by famous English playwright and poet Benjamin Jonson and first published in 1616. This English song is famous as “Drink to me only with thine eyes” song.  You can find the lyrics of the original English song here. https://www.poetrybyheart.org.uk/poems/song-to-celia/. કવિવરે બંગાળી ગીતનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ કરેલું છે. આ બંગાળી ગીતનું હિન્દીમાં પણ રૂપાંતર થયેલું છે અને તેનું સ્વરાંકન પણ English song પ્રમાણેજ થયેલું છે અને મેં પણ આ ગુજરાતી ભાવાનુવાદમાં શબ્દોની ગૂંથણી એ જ સ્વરાંકન પ્રમાણે કરવાનો પ્રયત્ન કરેલ છે.

 ગુરુદેવે આ કાવ્ય કેવા સંજોગને સંદર્ભમાં રાખીને લખ્યું હતું તેની તો મને ખબર નથી પણ ઋજુ લાગણીઓને દર્શાવતા આ કાવ્યમાં જે એકપક્ષીય, અવ્યક્ત પ્રેમ unexpressed love નું આલેખન થયેલ છે એ કદાચ સૌથી વધુ પીડાદાયક પ્રેમ ગણી શકાય. અહીં સામેનું પાત્ર તમારી તેના પ્રત્યેની લાગણીઓથી તદ્દન અજાણ હોવાથી પ્રેમનો પ્રતિસાદ સાંપડતો નથી. The most painful love there is, is the love left unshown and an affection left unknown. And the most painful thing about such unexpressed love is, it never fades away. આ અવ્યક્ત પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી, દુનિયાના કોઈ પણ સંબંધમાં અવ્યક્ત પ્રેમનું અસ્તિત્વ હોઈ શકે.

મારી દ્રષ્ટિએ પ્રેમ એતો લાગણીઓનું વહેતુ ઝરણું છે. આ પ્રેમના ઝરણામાં જો સામેની વ્યક્તિ ભીંજાય નહિ તો પ્રેમનું સાતત્ય અપૂર્ણ રહે છે. Any type of relationship is meaningless if you do not express your genuine emotions and feelings through your actions, gestures, and words. એટલે એનો મતલબ એવો નહિ કે જેને તમે પ્રેમ કરતા હોવ એને તમારે સતત I love you કહેવું પડે. સામેની વ્યક્તિ તરફનો પ્રેમ તમારા વાણી, વર્તન અને વ્યવહારમાં અભિવ્યક્ત થવો જોઈએ. સામેની વ્યક્તિને તમારા પ્રેમનો અહેસાસ થવો જોઈએ. ઘણીવાર અડોઅડ રહીને પણ બે વ્યક્તિઓ જળકમળ રહે છે અર્થાત પ્રેમની છાલકે ભીંજાતા નથી અને ઘણી વાર માઈલો દૂરથી બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમની ઉષ્માનો અનુભવ થાય છે. મનોવિજ્ઞાન પણ કહે છે કે લાગણીઓને તો પ્રદર્શિત કરવીજ જોઈએ. પ્રખ્યાત મનોવિજ્ઞાની Sigmund Freud  કહે છે કે Unexpressed emotions will never die. They are buried alive and will come forth later in uglier ways. માટે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રેમને, લાગણીને અભિવ્યક્ત કરવી જરૂરી બની રહે છે. અને આ પ્રેમને અભિવ્યક્ત કરવા માટે કારણ હોવું પણ જરૂરી નથી. અકારણ અભિવ્યક્તિનો આનંદજ અનેરો છે – આપણા માટે અને સામેની વ્યક્તિ માટે. Just try it out. Without any reason, express your love and feelings with genuine affectionate words to someone you love and see how their face lit up!!

તો ચાલો, આજે જીવનના દરેક સંબંધમાં કારણ-અકારણ પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિ કરવાનો નિર્ણય કરીએ અને ગુરુદેવની આ સુંદર રચનાના બંગાળી ગીત  અને  “Drink to me only with thine eyes” ની મેડલી સ્વાગતલક્ષ્મી દાસગુપ્તાના મધુર સ્વરમાં સાંભળતા સાંભળતા મારી કલમને વિરામ આપું છું. આવતા અઠવાડિયે એક નવા વિષયની કવિતા સાથે ફરી મળીશું. તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે.

– અલ્પા શાહ

અજ્ઞાતવાસ-૬

ન્યુમરોલોજીસ્ટની આગાહી
વિદ્યાનગરમાં હું મારી જાતને ભણવામાં અને રહેવામાં ગોઠવવાં પ્રયત્ન કરતો હતો,પણ સાઉથ મુંબઈની મારી જિંદગીને ભૂલી નહોતો શકતો.જેમના ત્યાં હું રહેતો હતો,તે ભાઈનાં મિત્ર મનુકાકા અને કાકી મને ખૂબ પ્રેમથી રાખતા.ભાઈનાં કઝીનની ફેક્ટરીમાં મને કોલેજ પછી એપ્રેન્ટીસ તરીકે જોબ ઓફર પણ કાકાએ કરી.હું ફેક્ટરી કોલેજ પછી રોજ જતો,પણ હજુ મારું મન વિદ્યાનગરમાં ગોઠતું નહોતું.એકલતામાં મૌન રહી હું હંમેશા મારી જાત સાથે જ વાતો કરતો રહેતો.ઘોડા અને રેસકોર્સ વગરનું જીવન મને સાવ નીરસ લાગતું.મારાં જીવનમાં જાણે એક સન્નાટો છવાઈ ગયો હતો.તેમજ ટીનએજનાં એ ઉન્માદભર્યા દિવસોમાં ટીનાને મળ્યા વગર હું દુ:ખ ભર્યા હીન્દી ગીતો –
“યે શામકી તન્હાઈયાં ઐસે મેં તેરા ગમ,
પત્તે કહીં,થડકે હવા આઈ તો ચૌંકેં હમ,
જેવા ગીતો સાંભળી દેવદાસ થઈને ફરતો અને મારી યુવાનીની વસંતમાં જાણે પાનખર આવી ગઈ હોય તેવું અનુભવતો.
. મનુકાકા અને કાકી ૬.૩૦ થી ૭.૩૦ ચાલવા જતાં.પછી મિત્રો સાથે ગાર્ડનમાં બેસીને લગભગ ૮.૦૦ વાગે ઘેર પાછા આવતા.ટીના અને મિત્રો કોલેજ પરનાં એસ.ટી.ડી. બુથ પરથી આ સમયે જ મારી સાથે વાત કરતાં.હું મારી ટેવ પ્રમાણે વહેલી સવારે પાંચ વાગે દોડીને છ વાગે ઘેર પાછો આવી જતો.આવીને યોગા કરતો.એ દિવસે અચાનક સવારે ૭.૩૦ વાગે યોગા સર રાજુભાઈનો ફોન આવ્યો.નકુલ,શું કરે છે વિદ્યાનગરમાં?” મેં કહ્યું કેમ સર આવું પૂછો છો?અહીં ભણવા આવ્યો છું તો ભણું છું. આમ પણ વિદ્યાનગરમાં કરવા જેવું બીજુ છે પણ શું?મેં પૂછ્યું,”તમે કેમ છો?ક્યાંથી આજે સવાર સવારમાં હું યાદ આવી ગયો?,”
યોગા સર રાજુભાઈ મારા ઘોડાજ્ઞાન અને એમની ન્યુમરોલોજીને ભેગી કરી મારી સાથે રેસમાં ઘણું કમાએલા,તેથી મારાં સર મટીને મિત્ર વધારે બની ગયા હતાં. તે યોગાસરની સાથે પ્રોફેશનલ ન્યુમરોલોજીસ્ટ પણ હતા.તેમણે કીધું,” નકુલ,એક અઠવાડિયાથી તારી કુંડળીના નંબરનો અભ્યાસ કરું છું ,તો તારા….સંપૂર્ણ યોગ વરસ પછી અમેરિકા બતાવે છે. સો ટકા,ભાઈ ,તું પાછો આવ અને અમેરિકાની તૈયારી કર.” હું મનોમન તો ખૂબ ખુશ થઈ ગયો. અને તેમની સાથે વાત કરતાં કરતાં જ ,’હાશ! હવે આ વિદ્યાનગર છૂટશે ,’ તેમ વિચારવા લાગ્યો.તેમની આ વાત જાણે મારે માટે નવી સવાર લઈને આવી અને આમ પણ મારે તો વિદ્યાનગર છોડવાનું બહાનું જ જોઈતું હતું અને હું કંઈપણ વિચાર્યા વગર મુંબઈ પાછો આવી ગયો.
હું વિદ્યાનગરથી પાછો ફર્યો અને બીજે જ દિવસે વહેલી સવારે રીશેલ્યુને મળવા પહોંચી ગયો.તે તો મને જોઈને ગાંડો થઈ ગયો હતો.તે ગોળ ગોળ ફરી ,બે પગે ઊંચો થઈ તેનો આનંદ વ્યક્ત કરતો હતો.તેનો ટ્રેઈનર પણ અમારી કેમેસ્ટ્રી જોઈ દંગ રહી ગયો હતો.અમે બંનેએ એકબીજાને ખૂબ વહાલ કર્યું.બંનેને જાણે લુંટાએલ ખજાનો પાછો મળી ગયો હતો. ડરબી જીત્યા પછી તે આગળ વધી ગયો હતો.ડરબીમાં ૨૪૦૦ મીટરની રેસ હતી,હવે રીશેલ્યુ ૨૮૦૦ મીટરની ‘સેન્ટ લેજર’રેસની તૈયારી કરતો હતો.એમાં મને મળીને તેનાંમાં નવું જોમ અને ઉત્સાહ દેખાતો હતો, તેથી તેનો ટ્રેઈનર અને જોકી બંને ખુશ હતાં.
મારાં મિત્રો પણ હું પાછો મુંબઈ આવી ગયો એટલે બહુજ ખુશ હતા.આવતાંની સાથે જ મારી ગાડીની ચાવી પરેશ ફેન્ટમે મને આપી અને કીધું,” લે ,ભાઈ તારી અમાનત સંભાળ,બાપા જોડે રોજ તારી આ ગાડી માટે જૂઠનાં ચક્કર ચલાવીને થાક્યો.”ટીના તો મને મળીને વળગીને એટલું રડી કે શાંત રાખતાં નાકે દમ આવ્યો.મેં કહ્યું”,ટીન્સ, હવે કેમ રડે છે? હવે તો હું અહીં આવી ગયો છું બાબા!”
મુંબઈ પાછો ત્રણ મહિના પછી પાછો આવ્યો હતો એટલે ઘરનાં પણ બધાં મને જોઈને ખૂબ ખુશ હતાં.ઘરનાં તો સમજતાં હતા કે હું તેમને મળવા આવ્યો છું.એ લોકોને ક્યાં ખબર હતી કે હું તો કાયમ માટે આવી ગયો છું.રુખીબા તો રાજીનાં રેડ થઈ ગયાં હતા.
બીજે દિવસે યોગા સર રાજુભાઈ ,મને ન્યુ મરીનલાઈન્સનાં બિલ્ડીગમાં આવેલ U.S.I.S.ની ઓફીસમાં લઈ ગયા. ૭૩ -૭૪ માં અમેરિકા ભણવા જવા વિદ્યાર્થીઓની એટલી ભીડ નહોતી.ત્યાં ઓફીસમાં ઈન ચાર્જ મિસ ડીસોઝા હતાં.મેં તેમને કહ્યું,”મારાં S.S.C માં ૬૯.૫% છે.મને ડોક્ટર થવું નહોતું પણ મમ્મીની ઇચ્છાવશ મેં સાયન્સમાં એડમીશન લીધું.ઈન્ટર સાયન્સમાં ફેલ થયો છું ,પણ મારે હવે કોમર્સમાં આગળ ભણવા અમેરિકા જવું છે,તો હું જઈ શકું? તો એમણે કહ્યું,” હા,બેટા,જો તું મહેનત કરીને ટોફેલમાં સરસ સ્કોર લાવે તો S.S.C.નાં તારા રીઝલ્ટ અને ટોફેલનાં સારા સ્કોર પર હું તને સારી કોલેજમાં એડમીશન અપાવી શકું. પરતું તારે ટોફેલ માટે ખૂબ મહેનત કરવી પડશે.હું આઠમાં ધોરણ સુધી ગુજરાતી મિડીયમમાં ફેલોશીપ સ્કુલમાં ભણ્યો હતો.ઘરમાં પણ ગુજરાતી વાતાવરણ એટલે મારું અંગ્રેજી ભાષા પર એટલું પ્રભુત્વ હતું નહીં.મેં નક્કી કરી નાંખ્યું કે ગમે તે થાય,મારે ટોફેલનો સ્કોર સરસ લાવવો જ પડશે તો જ ભાઈ (પપ્પા) બહેન (મમ્મી) મને અમેરિકા મોકલવા તૈયાર થશે.
મેં ટોફેલની તૈયારી શરુ કરી. એક દિવસ હિંમત એકઠી કરી બહેનને સમજાવીને કહ્યું ,”મને વિદ્યાનગર જરાપણ ગમતું નથી અને મારે અમેરિકા ભણવા જવું છે અને હું ટોફેલની તૈયારી કરવા માંગું છું તેમજ મિસ ડીસોઝા સાથે થયેલ વાતચીત અંગે પણ જણાવ્યું.
મારા માતા-પિતા શાંત રહ્યા.મને ભાઈ તો હા પાડશે તેવી ખાત્રી હતી ,પણ બહેન પણ કંઈ બોલી નહીં.કદાચ તેને મારી ભણવાની હોંશ ગમી હશે!!
મેં મારો પૂરતો સમય ટોફેલની તૈયારી માટે મિસ ડીસોઝાની મરીન લાઈન્સની ઓફીસમાં આપવા માંડ્યો.ત્યાં બધી અમેરિકાની યુનિવર્સિટીનાં કેટલોગ્સ,,ફોર્મ્સ,Linguaphone records for english pronunciation & listning practice વિગેરે હતું. મને મિસ ડીસોઝા આ linguaphone record મૂકી આપતા અને હું તે સાંભળતો.ત્યાં બેસીને રોજ એક ઈંગ્લીંશ પીક્ચર પણ જોતો. હું ટોફેલમાં highest score મેળવવા ખૂબ મહેનત કરવા લાગ્યો.ભાઈ અને બહેન પણ મને ભણતો જોઈ ખૂબ ખુશ થવાં લાગ્યા.
મારે બધી યુનિવર્સિટીમાં ડોલરમાં એપ્લીકેશન કરવા,મિસ ડીસોઝાએ મને ખૂબ મદદ કરી હતી એટલે તેમને આપવા,તેમજ મારા ગ્રીન કાર્ડની એપ્લીકેશન કરવા પૈસાની જરુર હતી.મારી મોટી બહેન નીના ત્રણ વર્ષ પહેલાં અને નાની બહેન હર્ષા એક વર્ષ પહેલાં સીટીઝન ગુજરાતીને પરણીને અમેરિકા ગઈ હતી.
રીશેલ્યુની ‘સેન્ટ લેજર રેસ’માં જીતી મેં આ બધાં પેમેન્ટ કરવા પૈસા ભેગા કરવા માંડ્યાં.મેં બહેનને (મમ્મીને)મારી બહેનોને પત્ર લખી, મારા અમેરિકા ભણવા આવવા અંગે અને મારું ગ્રીનકાર્ડ એપ્લાય કરવા માટે પેપર્સ મોકલવા અંગે વાત કરવાનું કીધું.ત્યારે ગ્રીનકાર્ડ એપ્લાય કર્યા પછી ત્રણ ચાર મહિનામાં મળી જતું.નીના અને હર્ષાએ મમ્મીનાં પત્રનાં જવાબમાં કીધું “ નકુલ હજુ અમેરિકા આવવા માટે થોડો નાનો છે,બહુ લાડમાં ઉછેરેલો છે અને મેચ્યોર નથી તો તેને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે મોકલો તો સારું.અમેરિકામાં ગ્રેજ્યુએટ થવા ઈન્ડીયાનાં દસલાખ રુપિયા થાય તે પણ મોટી રકમ છે.તો ત્રણ ચાર વર્ષ પછી આવે તો તે થોડો મેચ્યોર થઈ ગયો હોય.બહેનોનાં પત્રોનો જવાબ વાંચી બહેને મારા ખભા પર હાથ રાખતા કહ્યું,”બેટા,તારે ગ્રેજ્યુએટ તો અહીં જ થવું પડશે.”
પત્રનાં જવાબથી હું નિરાશ થઈ ગયો.મેં મારી ટોફેલની બુક બંધ કરી નાંખી અને હું મનમાં જ બબડ્યો” ઓહ નો !ફરી વિદ્યાનગર???”
જિગીષા દિલીપ

મિત્રો તમે ન જોયેલા અને ન સાંભળેલા પ્રકરણ અહી મેળવી શકોશો . https://shabdonusarjan.wordpress.com/?s=%E0%AA%85%E0%AA%9C%E0%AB%8D%E0%AA%9E%E0%AA%BE%E0%AA%A4%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B8&submit=Search

એક સિક્કો – બે બાજુ :6) આયુર્વેદ અને એલોપથી ! – સુભાષ ભટ્ટ .


“ મારી નાડ તમારે હાથે હરિ સાંભળજો રે !” મેં સવારે ગીતાને એ ભજન ગણગણતાં સાંભળી અને જરા મજાક કરતાં કહ્યું કે આપણી નાડ પેલા વેક્સિનેશન આપનાર નર્સ બેનના હાથમાં છે ;કોરોનાની એ આ બીજી વારની રસી પણ આપી દે એટલે કોરોનના ભયમાંથી થોડો છુટકારો થાય !
“ એ તો સાચું ! છેવટે આ રસી આવી એટલે નિરાંત થઇ . પણ આ છેલ્લા એક વરસથી કોરોનાએ વિશ્વને ભયમાં મૂકી દીધું અને તેમાંથી જે થોડી છટકબારી મળી, આશ્વાસન મળ્યું , તે નર્સની રસીથી નહીં , આયુર્વેદના કાઢા અને ઉકાળાઓને લીધે જ , એ નભુલાય , ઓ કે !” ગીતાએ કહ્યું .
“અલબત્ત ,તારી વાત સાચી છે , પણ સાચો ઉકેલ તો એલોપથીની આ રસી જ છે ને ? દુનિયાના તમામ રોગો ઉપર કાબુ મેળવવા એલોપથી જ સહાયે આવે છે . બાકી આયુર્વેદ અને બીજું બધું તો વાતો છે વાતો !”
મેં દલિલ કરી .
“ પણ આ રોગની શરૂઆત કેવી રીતે થઇ હતી ?” ગીતાએ પૂછ્યું ; “ જયારે ચાઈનામાં લોકોએ અકુદરતી ખોરાક ખાવા માંડ્યો. અકુદરતી જીવનમાંથી મહારોગ પ્રસર્યો . ને ત્યારે , વિશ્વને એમાંથી ઉગારવા ઘરગથ્થું ઉપાયો લોકો અજમાવવા લાગ્યા! કોરોનાના વાઇરસથી બચવા લોકો કાઢા -ઉકાળા સાથે નાસ લઈને વાઇરસ સામે રક્ષણ મેળવતાં હતાં. મને યાદ છે કે અમે લોકો નાનપણમાં ક્યારેક માથું દુઃખે કે પેટ દુઃખવાની ફરિયાદ કરીએ ત્યારે બા ઘરગથ્થુ ઉપચાર કરતી અને અમને સૌને ચાહમાં એક ચમચી દિવેલ આપી દેતી . એ કહે કે શરીરના બધાં રોગોનું મૂળ આપણી પાચન ક્રિયા છે . પેટ ચોખ્ખું તો પચાસ ટકા રોગ ત્યાંજ ઓછા થઇ જાય ! બધાં રોગો વાત , પિત્ત કે કફ સાથે સંકળાયેલા હોય છે . વાત એટલે વાયુ – પેટમાં વાયુ થયો હોય , કે પિત્ત – એટલેકે એસિડ રિફ્લેક્સ થતાં હોય કે કફ અર્થાત ગળામાં કફ થાય તે – એ સૌ પણ ઘરગથ્થુ ઉપચારથી મટી શકે ! અને એમ કહીને અમારી બા અમને કડવાણી પીવડાવતી !” ગીતાએ કહ્યું .
“ એ તો દુઃખે પેટ અને ફૂટે માથું ! એવો ઘાટ ઘડાયો કહેવાય . માથું દુઃખે કે પેટ દુઃખે કે તાવ આવ્યો હોય કે શરદી થઇ હોય ; એ બધામાં જુલાબ આપવો કે કડવાણી પીવડાવવી એ જરા વિચિત્ર નથી લાગતું ?” મેં પૂછ્યું .
“ આપણું આયુર્વેદ તો એટલી હદે કહે છે કે
બધાં રોગનું મૂળ પાચન શક્તિ છે પણ તેનાથીએ એક પગથિયું આગળ , રોગનું મૂળ મન છે !
સંત ધન્વન્તર વૈદ સમ ; જૈસો રોગી જેહુ ,
મુક્ત બનાવત તાહુ કો- તૈસો ઔષધ તેહું!
અર્થાત , ધનવન્તરી (જેમને ઔષધના પિતામહ કહેવાય છે ) તેમણે સમુદ્ર મંથન વેળાએ અમૃતનો કુંભઃ કાઢ્યો અને એ સંજીવની દવાથી સૌને સાજા કરવા માંડ્યાં તેમ સંત તમને મનથી મજબૂત બનાવીને ગમે તે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત કરી શકે છે !” ગીતાએ કહ્યું .
“ એલોપથીની દવાથી રોગ તરત જ કાબુમાં આવી જાય છે . ટાયલેનોલ લો અને માથાનો દુખાવો તરત જ ગાયબ થઇ જાય !” મેં કહ્યું .
“ હા , એ વાત તદ્દન સાચી ; પણ એટલું જલ્દી આ એલોપથીની દવા કેવી રીતે અસર કરે છે? આયુર્વેદની ઔષધિઓને અસર કરતાં દિવસો કે મહિનાઓ લાગે , પણ એલોપથીની ગોળી ગળો , દવા પીઓ કે ઇન્જેક્શન લો એ તરત જ અસર કરે છે ! એ કેવી રીતે ?” ગીતાએ પૂછ્યું .
હા , અમારાં ઘરમાં આયુર્વૈદિક ઉપચારોનું મહત્વ છે ; અને એનું કારણ એ જ કે એલોપથીની દવાઓ જેમ આયુર્વેદની કોઈ સાઈડ ઇફેક્ટ – આડ અસર નથી .
“ સૌથી પહેલું તો આ માથું દુઃખવું કે તાવ આવવો વગેરે ચિહ્નોને આપણે મિત્ર સમજીને આવકારવા જોઈએ . એ ચિહ્નો જણાવે છે કે શરીરમાં કાંઈક ગરબડ થઇ રહી છે .આપણાં શરીરમાં કોઈ પણ પ્રકારનાં જીવાણુઓ – પછી તે શ્વાસ વાટે પ્રવેશેલાં વાઇરસ હોય કે અન્ય રીતે ઉદ્ભવેલાં બેક્ટેરિયા હોય , પણ એ વણ નોંતર્યાં આગંતુકો જયારે શરીરમાં પ્રવેશે છે તરત જ આપણું લોહી એની નોંધ લાંછે અને એની ઘટતી મરામત કરે છે . લોહીમાં રહેલાં શ્વેત કણો એનો સામનો દેશના સૈનિકો જેમ દેશનું રક્ષણ કરે છે તેમ તેઓ શરીરનું રક્ષણ કરે છે ! … અને શરીર ગરમ થઇ જાય છે ; આપણને તાવ આવે છે ! તાવ આવે ત્યારે શરીર આપણને કહે છે કે કાંઈક અજુગતું થઇ રહ્યું છે !” મેં સમજાવ્યું .
“ બરાબર ; અને તેથી જ કડવાણી પીને આપણે રોગના જંતુઓને મારીનાંખવા પ્રતિબદ્ધ થઇ એ છીએ , કેમ બરાબર ને ?દિવેલનો રચ લેવાથી પાચન શક્તિને સ્વચ્છ કરીને કાઢા -ઉકાળા કે પૌષ્ટિક ખોરાક ખાઈને શરીરના એ સૈનિકોને અપને મજબૂત કરીએ છીએ ! કેમ , સાચી વાત ને ?” ગીતાએ કહ્યું .
“ હા , પણ એ લાંબી પ્રક્રિયા છે .. જયારે એલોપથીમાં ગોળી ગળવાથી સીધું જ એ આપણી નર્વ સીસ્ટ્મને અસર કરે છે !એલોપથીની દવા – દા. ત . ટાયલેનોલ કે એડવિલ – એ રોગની સામે લડવા આપણાં લોહીને તૈયાર નથી કરતી – જે આયુર્વેદની કડવાની કે કાઢો , કે ઉકાળો કરે છે – પણ ટાયલેનોલ સીધી આપણાં જ્ઞાનતંતુઓને શિથિલ બનાવી દેછે , એથી માથાનો દુખાવો કે પેટનો દુખાવો કે તાવ – કાંઈ ઓછાં થતાં નથી પણ મગજ સુધી એ દુઃખ પહોંચતું નથી . એટલે કે , એ દવાઓ રોગને મટાડતી નથી પણ રોગને છાવરે છે . જો કે , એ ‘છાવરવાનો સમય ‘ જયારે શરીરનાં અંગો શિથિલ થઇ ગયાં હોય ત્યારે શ્વેત કણો પેલાં વાઇરસને કે બેક્ટેરિયાને ભાગી જવાનું કહેવા પ્રયત્ન કરે છે . જો એ રોગના જંતુઓ બહુ સ્ટ્રોંગ ના હોય તો બે ચાર દિવસ આ ટાયલેનોલ લેવાથી તાવ ભાગી જાય છે ; પણ – ” મેં કહ્યું ; “ પણ જો એ રોગ જોરદાર હોય તો રોગ વધી જાય છે ! જ્ઞાનતંતુઓ શિથિલ થઇ ગયાં હોય એટલે રોગ વધવા માંડ્યો હોય તેની ખબર જ ના પડે !
“એનાથી વિરુદ્ધ ;” ગીતાએ આયુર્વેદની પદ્ધતિ સમજાવતાં કહ્યું ; “ આયુર્વેદ કહે છે કે તમારી પાચન શક્તિને વ્યવસ્થિત રીતે જાળવી રાખો તો
સ્થિરૈ અંગૈ તુષ્ટવાન તનુભિંહી વ્યશેમહીં દેવ હિતં યદાયુઃ !
નરવાં અંગે સશક્ત શરીરથી તુષ્ટ બનેલ , સજ્જ શરીરથી પ્રભુને આરાધતા દેવનું દીધેલું જીવન જીવીએ ! એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા !
આયુર્વેદ સઁસ્કૃત શબ્દ છે . આયુ એટલે જ આયુષ્ય . અને વેદ એટલે કે જાણકારી !દીર્ઘ અને સ્વસ્થ આયુષ્યના ઉપચારો બતાવે તે આયુર્વેદ !” ગીતાએ કહ્યું .
“ અને એલોપથી શબ્દ મૂળ ગ્રીક શબ્દ એલોસ allos ઉપરથી આવ્યો છે . એલોસ નો અર્થ થાય છે બીજું કાંઈક – અર્થાત રોગ નહીં પણ બીજું કાંઈક ! આ દવાઓ સીધી રોગને અસર કરે પણ સાથે સાથે આજુબાજુના અવયવોને પણ ભરડામાં લે છે ! ક્યારેક એવું પણ બને કે બકરી કાઢતાં ઊંટ આવી જાય ! ડાયાબિટીસને હરાવવા જાઓ ત્યાં બ્લડ પ્રેસરનો રોગ આવી જાય ! એને કાબુમાં લેવા જાઓ ત્યાં બીજાં ચાર રોગ પેસી જાય !” મેં સાચું જ જણાવ્યું !
“ આયુર્વેદ અને એલોપથી એક જ સિક્કાની બે બાજુઓ છે ! શરીર સ્વાસ્થ્ય રૂપી સિક્કો છે એની એક બાજુ આયુર્વેદ ને બીજી બાજુ એલોપથી છે !” ગીતાએ કહ્યું .
પણ મારે તો સાચું જણાવું પડશે , વાચક મિત્રો ! આપણી હેલ્થ માટે , આપણાં શારીરિક , માનસિક , અને ઊર્મિલ હ્ર્દય -દિલ દિમાગ માટે આ બે સિવાયની – હોમિયોપથી , નેચરોપથી , ચાઈનીઝ મેડિસિન અને કાઇરો પ્રેક્ટિસ અને ઘણી બધી શાખાઓ છે .. માણસને તંદુરસ્ત અને દીર્ઘાયુષ જીવવું હોય તો એક જ ચીલે ચાલવાને બદલે સતત નવું અપનાવવું જ રહ્યું ! પણ એની વાત આવતે અંકે ! ત્યાં સુધી , તમે કોરોનની રસી લીધી હોય તો પણ માસ્ક પહેરવાનું અને દો ગજની દુરી રાખવાનું ભૂલશો નહીં ! અને બને તો ઘરમાં જ રહેજો ! હોં!

૬-વાર્તા અલકમલકની-રાજુલ કૌશિક

‘તમારું ઘર, તમારી દુનિયા’

આજે ઘરમાં લાંબા સમય પછી જરા આનંદનો, આરામનો માહોલ હતો. પ્રસન્નનું સત્ર બે દિવસ પહેલા સમાપ્ત થયું અને પિંકીની પરીક્ષાઓ પણ કાલે પૂરી થઈ એટલે જાણે ઘર પરથી અને છોકરાઓના મન પરથી કેટલોય બોજ ઉતરી ગયો હોય એવું હળવું ફૂલ જેવું વાતાવરણ હતુ. હવે પરિણામની ચિંતા થોડા દિવસ સુધી આગળ ઠેલીને આઝાદી માણવાના દિવસો શરૂ થયા હતા.

વેકેશનમાં ક્યાંક બહાર જવાના અયોજનને લઈને જમવાના ટેબલ પર કલબલાટ મચ્યો હતો. હર એક જણ પાસે જાત જાતની ફરમાઈશ અને જાત જાતના સુઝાવ હતા.

પિંકી અને પ્રસન્નના પિતા મિ.પ્રસાદે થોડીવાર આ શોરબકોર ચાલવા દીધો અને પછી વાતનો દોર પોતાના હાથમાં લેતા બોલ્યા, “ બધી વાત બરાબર પણ તમને એ તો ખબર છે ને કે પપ્પાની ઓફિસમાં વેકેશન નથી હોતું.”

“અરે, તો પછી તમે આરામથી ઘરે બેસી રહેજો પણ હું તો છેવટે દસ પંદર દિવસ માટેય ક્યાંક તો જઈશ. તમને તો ઓફિસ સિવાય બીજુ ક્યાં કઈ યાદ રહે છે, આ છોકરાઓની પરિક્ષાનો ભાર મેં એકલીએ વેઠ્યો છે. મારે હવે કોઈ ચેન્જ જોઈએ જ છે” મમ્મી બોલી.

અમે બે અમારા બેની વ્યાખ્યા પ્રમાણેનો આ નાનકડો, સુખી પરિવાર હતો પણ સુખની વ્યાખ્યા સૌ કોઈની જુદી હતી.

“હું એમ વિચારતો હતો કે..” મિ.પ્રસાદ થોડા અચકાતા અવાજે બોલ્યા…સૌ એમની સામે તાકી રહ્યા. સૌની સામે એક સરસરી નજર નાખીને એ ફરી બોલ્યા, “હું એમ વિચારતો કે આ શનિવારે જઈને બાપુજીને લઈ આવું.”

“ઓહ…નો.” બંને છોકરાઓ એક સાથે કોરસમાં બોલી ઊઠ્યા.

“આટલી જલ્દી?” મમ્મીએ પતિ સામે તીખી નજરે જોતા કહ્યું.

“જલદી ક્યાં છે. એમને માયાના ત્યાં ગયે બે મહિના થઈ ગયા.”

માયા એટલે મિ.પ્રસાદની બહેન.

બસ આ વાત પર સૌના મત અલગ પડતાં હતાં. છોકરાઓના મતે હવે દીકરો-દીકરીના ભેદ રહ્યા નહોતા જ્યારે પપ્પાને ખબર હતી કે બાપુજી માટે એ વાત સ્વીકારવી ઘણી અઘરી હતી. દીકરીના ઘરનું પાણી પણ ના પીવાય એવું માનતી એ પેઢી માટે આટલા બધા દિવસનું રોકાણ અકળાવનારુ હશે એવું એ જાણતા હતા.  હવે આ ઉંમરે એમના વિચારો બદલે એવી કોઈ શક્યતા નહોતી.

પપ્પા છોકરાઓને અને પત્નીને કહેતા હતા કે, “આ તો ઠીક છે કે માયા એકલી રહે છે તો એના ઘેર રહેવાનું એમણે મંજૂર રાખ્યુ, બાકી છાયાના સંયુક્ત પરિવારમાં તો એ એક દિવસ પણ રહેવા તૈયાર ન થાય.”

વાતાવરણ ડહોળાઈ ગયું. છોકરાઓ ચૂપચાપ જમીને ઊભા થઈ ગયા. પત્નીની ઈચ્છા હતી કે બાપુજીને લાવવાનું આઠ-દસ દિવસ ઠેલાઈ જાય તો સારુ કારણકે છોકારોની પરીક્ષા હમણાં પૂરી થઈ છે અને એમને થોડા રિલેક્સ થવાનો સમય આપવો જોઈએ. ઘરમાં વડીલ હોય તો છોકરાઓના હસવા-બોલવા, ખાવા પીવા પર થોડું બંધન જેવું તો થઈ જાય.

“તો પછી શું કરું? એમને ત્યાંજ રહેવા દઉ?” પતિના અવાજમાં તીખાશ ભળી.

“ના. સાવ તો એવું નહીં પણ પછી આપણે જ તો…” જીભ સુધી આવેલા વેઠવા શબ્દને એમણે પાછો ધકેલી દઈ વાક્ય અધુરુ મૂકી દીધુ પણ કેટલીક વાર ન બોલાયેલા શબ્દો પણ ઘણું કહી જાય. પતિ પણ એ ન બોલાયેલા શબ્દોનો સૂર પારખી ગયા. એમને આ ક્ષણે પોતાની જાત લાચાર લાગતી હતી.

માતાના અવસાન પછી કેટલાય સમય સુધી પિતાજી અહીં આવવા તૈયાર નહોતા. એ તો મિ.પ્રસાદ હતા કે જે દોડી દોડીને પિતાની ખબર લઈ આવતા અને જેટલી વાર જતા એટલી વાર પિતાની ઉંમરનો થાક એમના શરીર પર જોઈ શકતા. ચાલીસ વર્ષનો સાથ હતો જેનો એ પત્ની એમને છોડીને ચાલી નીકળી હતી એની વ્યથા એ ખમી શકતા નહોતા. અંતે દીકરા-વહુની આજીજી અને છોકરાઓના આગ્રહથી એ થોડા નરમ થયા અને અહીં આવી ગયા પણ ધીમે ધીમે જે એ અનુભવી શક્યા કે સ્વાગતમાં જે ભાવ હતો એ હવે ઓસરી રહ્યો હતો. બાપુજી આમ તો નરમ સ્વભાવના હતા, એમની જરૂરીયાતો પણ ઘણી ઓછી અને દખલ કરવાની તો જરાય આદત નહોતી. એવું નહોતું કે બાપુજી પહેલી વાર અહીં આવ્યા હતા. પહેલા એ અને મા બંને સાથે આવતાં. આઠ દસ દિવસ રહેતાં ત્યારે બંને એકબીજાનું ધ્યાન રાખતાં એટલે બીજા કોઈના માથે ખાસ ભાર નહોતો. છોકરાઓ નાના હતાં તો દાદા-દાદી સાથે ગોઠવાઈ જતાં ત્યારે દાદા-દાદી સાથે સૂવા બંને વચ્ચે મીઠો ઝગડો થતો પણ હવેની વાત જુદી હતી. બંને મોટાં થઈ ગયા હતાં. હવે સ્વતંત્રતા ગમતી. બાપુજીને કોની સાથે સૂવાડવા એ સમસ્યા થઈ ગઈ. ત્રણે બેડરૂમ રોકાયેલા હતા. અંતે બાપુજીનું સ્થાન લિવિંગરૂમમાં નિશ્ચિત થયું. ત્યાં એમના ચશ્મા, પાણી. દવાઓ ગોઠવાઈ પણ બાપુજીને બાથરૂમ તો પ્રસન્નાનો વાપરવો પડતો. મોડા સુધી જાગીને વાંચતા પ્રસન્નાને બાપુજી વહેલી સવારના નિત્યક્રમથી ખલેલ પહોંચતી.

મિસિસ પ્રસાદના પોતાના કાર્યક્રમો રહેતા, સપ્તાહમાં એક વાર માલિશ, પંદર દિવસે મહેંદી અને દર મહિને ઘરમાં યોજાતી લેડિઝ ક્લબની મિટિંગ, આ બધામાં બાપુજીની હાજરી કઠતી. પિંકી, પ્રસન્નાના મિત્રોના ટોળાં ઘરમાં ઘેરાયેલા રહેતાં. બાપુજી આ બધામાં કોઈ કારણ વગર પણ નડતા એવું સૌને લાગતુ,  સૌને બહાર જમવાનો શોખ એટલે બાબુજી માટે જમવાની વ્યવસ્થા કર્યા વગર નીકળાતું નહી.

ઓહ્હો, કોઈ એક સમસ્યા હોય તો એનો ઉકેલ આવે પણ આટલી બધી સમસ્યાઓનું શું?

અંતે મિ. પ્રસાદે છોકરાઓની પરીક્ષા પતે ત્યાં સુધી બાપુજીને બહેનના ઘેર મોકલી આપ્યા. હવે પરીક્ષા પતી થઈ એટલે બાપુજીને લઈ આવવા એવો નિર્ધાર કરીને માયાને ફોન કરી દીધો પણ ફોન પર માયાએ જે સમાચાર આપ્યા એ મિ.પ્રસાદ માટે આશ્ચર્યજનક જ નહીં આઘાતજનક હતા.

બાપુજી માયાના ઘેરથી નીકળીને સીધા ગામના પોતાના ઘેર જતા રહ્યા હતા. આ વળી નવી સમસ્યા, પત્નીને જો આ વાતની ખબર પડે તો માયાનું ખરાબ દેખાય કે આટલા થોડા સમય માટે પણ એ બાપુજીને સાચવી શકી નહી.

મિ.પ્રસાદે સમય કાઢીને બાપુજીને મળી લેવાનો અને પાછા અહીં લઈ આવવાનો નિર્ધાર કરી લીધો. એમના મનોચક્ષુમાં નંખાઈ ગયેલા, હારી થાકી ગયેલા, વ્યથિત બાપુજી દેખાતા હતા. ક્યારે પહોંચીને બાપુજીને પાછા લઈ આવુ એવી મનોદશા લઈને પહોંચેલા મિ.પ્રસાદે બાપુજીને જોયા ત્યારે એ સ્તબ્ધ થઈ ગયા.

ઓત્તારી, મઝાના મિત્ર મંડળ વચ્ચે ઘેરાયેલા બાપુજીના ચહેરા પર પહેલાંની રોનક હતી. પત્નીને વિસર્યા નહોતા પણ પત્ની વગરના જીવનને જીવવાનો પ્રયત્ન જરૂર કરી રહ્યા હતા. ઘરમાં જમવા માટે ટેબલ ખુરશી આવી ગયા હતા. જૂના બેઠા ટૉઈલેટના બદલે કમોડનો ઉપયોગ કરતા થઈ ગયા હતા.

“ભાઈ શું થાય, હવે ઉંમર થતી જાય છે એમ નીચે બેસવાનું માફક નથી આવતું.” બાપુજી પાસે બધા કાર્યોના કારણો હતા.

ઘરના પાછળના ભાગની ઓરડી કિસ્ના અને એની પત્નીને રહેવા આપી દીધી હતી. કિસ્નો ઘરનું બધુ કામ કરતો અને એની પત્ની બાપુજી માટે રસોઈ કરતી.

“બાપુજી, માયાના ઘેરથી સીધા અહીં કેમ ચાલ્યા આવ્યા? માયાના ઘેર સોરવતું નહોતું તો હું આવીને લઈ જાત, એને કીધું હોત, એ મૂકી જાત.  આ બધું શા માટે” મિ.પ્રસાદ સમજી શક્યા કે બાપુજીએ હંમેશા અહીં રહેવાનો પાકો બંદોબસ્ત કરી લીધો છે.

“જો ભાઈ, આ લેવા મૂકવાની ચિંતા તમારે કરવાની જરૂર નથી. મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું અહીં જ રહીશ. ત્યાં તમે બધા પોતાનામાં મસ્ત છો. અહીંયા તો મારે મિત્રો છે, પાડોશી છે, બહાર ઊભો રહુ તો પસાર થતાં દસ લોકો જય રામજી કહેતાં જાય છે. તમારી મા તો છે નહીં પણ હું છું ત્યાં સુધી દીકરીઓ માટે પીયરનું ઘર ખુલ્લુ હોય તો એ આવી શકે. તારી મા હતી ત્યારે છાયા, માયા આવે તો એમને મા સાથે હાથો હાથ કામ કરવું પડતું. હવે તો આ કિસ્નાની પત્ની છે તો બંનેને આવશે ત્યારે રાહત મળશે.

મિ.પ્રસાદને કહેવાનું મન થયું કે બહેનો એમના ઘેર આવી શકે પણ યાદ આવ્યું કે જ્યારે એમના આવવાની વાત થતી ત્યારે ઘરમાં કેવું તોફાન મચી જતુ. એ ચૂપ રહ્યા

“અત્યારે તો ચિંતા નથી પણ ઘર વેચાશે ત્યારે આ કિસ્નો પછી ઘર ખાલી નહીં કરે તો?”

“જો ભાઈ, હું જીવુ છું ત્યાં સુધી તો ઘર વેચવાની ચિંતા નથી. તમારે અહીં આવવું નથી અને મારા મર્યા પછી જે ઘર લેશે એણે કિસ્નાનું વિચારવાનું છે. ભોપાલ આવતા પહેલા ઘણી સારી ઓફર આવતી હતી. સારું થયું મારા મનને રોકી રાખ્યું અને બીજી વાત, તારે આ બધા ઝમેલામાં માયાને સંડોવવાની ક્યાં જરૂર હતી. કદાચ જમાઈબાબુને મારું ત્યાં ઝાઝુ રોકાવાનું ન ગમ્યુ હોત તો? માયાની સાથે મારી હાલત કેવી કફોડી થાત? હું કોઈને મ્હોં દેખાડવાને લાયક ના રહેત. ત્યાંથી નીકળી જવામાં જ મને અકલમંદી લાગતી હતી. બસ હવે બહુ વાતો થઈ,તને આખી રાતનો તને ઉજાગરો હશે. જરા આરામ કરી લે હું તારા માટે બજાર જઈને કંઈક લઈ આવુ.”

બાપુજી એ ઘણું વિચારી લીધું હતુ. એમનો સ્પસ્ટ સૂર એ કહેતો હતો ,હવે એ આ અંગે કોઈ ચર્ચામાં પડવા માંગતા નહોતા. જ્યાં એમનું પોતાનું ઘર હોય તો શા માટે એમને બીજાના ઘેર રહેવું પડે?”

મિ.પ્રસાદ પણ સમજી રહ્યા કે બાપુજીને ક્યારેય એ ઘર એમનું લાગ્યુય નહોતું કે લાગવાનુંય નહોતુ.

******

તમારું ઘર, તમારી દુનિયા’-પદ્મશ્રી અવૉર્ડ સન્માનિત મરાઠી લેખિકા માલતી જોશીની વાર્તા’ ’યે તેરા ઘર યે મેરા ઘર’ને આધારિત ભાવાનુવાદ છે.

વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર માલતી જોશીનું સાહિત્ય હિંદી અને મારાઠી ભાષામાં ઉપલબ્ધ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

અનુભવની અભિવ્યક્તિ પ્રકરણ -૨ લેખિકા અને પ્રસ્તુતિ -કુમુદબેન પરીખ

સીડી નું  બીજું પગથિયું 

  “ ઢોલ ઢબુક્યા ને વર વહુના હાથ મળ્યા.”

આ સાંભળતા જ તમારી નજર સમક્ષ એક શણગારેલો મંડપ અંદર ગાદી તકિયા પર સાજન માજન બેઠું હોય ધીમે સુરે શરણાઈના સૂર વહેતો હોય અને ઢોલની ધીમી થાપટ, સ્ત્રીઓ હસી-હસીને લગ્નગીતો અને ફટાણા ગાતી નજર સમક્ષ આવે.

     ત્યાં ગોર મહારાજ એમના બુલંદ અવાજથી સમય વર્તે સાવધાન કન્યા પધરાવો સાવધાન આદેશ આપી રહ્યા હોય અને તે જ વખતે મામા નવવધૂનો મેદી ભર્યો ચુડીઓથી શોભતો  હાથ  પકડી મંડપ માં પ્રવેશ કરતા  નજર સમક્ષ આવ્યા વિના રહે નહીં.  આવા દ્રશ્ય કુવારી છોકરીઓ જોતી ત્યારે અચૂક કલ્પના કરતી એક દિવસ મારા લગ્ન પણ આ રીતે થશે એમાં હું પણ બાકાત નહોતી.  નાનપણમાં લગ્ન સમારંભમાં જવાનું થતું અને નવવધૂને જોઇને વિચારતી એક દિવસ મારા લગ્ન પણ આવા ધામધૂમથી થશે .

વર્ષો વીતતા ગયા મારી સગાઈ થઈ ગઈ અને મારા મંગેતર અમેરિકા ભણવા પહોંચી ગયા. બીજા  ચારેક વરસ વીતી ગયા. મારા મન્ગેતરે  નક્કી કર્યું કે મને અમેરિકા બોલાવી ને અમેરિકામાં લગ્ન કરવા કારણ પણ  યોગ્ય હતું .  ઇન્ડિયા આવવાનો ખોટો ખર્ચો અને સ્ટુડન્ટ વિઝા પર ગયા પછી પાછા આવવા ના મળે તો પ્રોબ્લેમ થાય અને મારા ઇન્ડિયામાં પરણવાના સ્વપ્નો નો  અંત આવ્યો.

થોડા જ ટાઈમ માં વિઝિટર વિઝા પર હું અમેરિકા આવી 20 દિવસ પછીની લગ્નની તારીખ નક્કી થઈ લગ્ન સ્થળ નક્કી થયું બધું જ મારા મંગેતર ના પરિશ્રમથી થઈ ગયું મારે તો લગ્ન કરવા જ બેસવાનું હતું અને ના— બેસવાનું નહીં ઉભા ઉભાજ લગ્ન કરવાના હતા.

શુભ દિવસની આગલી રાત્રે ના મહેંદી મુકાઈ ના પીઠી ચોળાઈ  હા મારા મંગેતરના  મિત્રની પત્નીએ બે ફૂલના હાર  અને મારા અંબોડા માટે ગજરો તૈયાર કરી રાખેલો.   સવારે વહેલી ઉઠી સાડી શણગાર અને હેર સ્ટાઈલ જાતે જ કરવી પડી. અને ફ્રેન્ડની કારમાં લગ્નસ્થળે પહોંચી ગયા.  એનું નામ હતું સેલ્ફ રિઅલિઝારેસન સેન્ટર ટૂંકમાં એસ આર  એફ,  એ સમયે ન્હોતાં મંદિરો કે પંડિતો મોટા ભાગના પરણીને અમેરિકા આવતા અથવા પરણવા પાછા દેશમાં જતા. મારા લગ્નપહેલા  બે  ત્રણે જ અમેરિકામાં  આ રીતે લગ્ન કરેલા.નાની  પણ સુંદર જગ્યા હતી.   સુંદર બગીચામાંથી અમે નાના હોલમાં પ્રવેશ્યા. ૩૫ જેટલા મિત્રો બેન્ચ  પર બેઠા હતા. એ હતું અમારૂ સાજન.ત્યાં  નહોંતી  શરણાઈ ઢોલ ની થાપટ અને મામાના હાથે પ્રવેશતી નવવધુ.

  અમે બંને બતાવેલા સ્થળે ઉભા રહ્યા એક ગોરો પ્રિસ્ટ  ભગવા ધોતી જભા અને ખેસમાં  અમારી સામે ઊભો રહ્યો.  ટૂંકમાં બધા મિત્રો અને અમને આવકાર આપી વિધિ શરૂ કરી. વિધિમાં અમે  એકબીજાને ગુલાબનું ફૂલ આપ્યું., સપ્તપદી ની જેમ અમેરિકન વચનો આપ્યા અને ,  એકબીજાના ગળામાં હાર પહેરાવ્યા અને રૂમની વચ્ચે એક નાના ટેબલ પર ફાયર પીટમાં  અગ્નિદેવને  આમંત્ર્યા હતા એની સાક્ષીએ ચાર ફેરા ફરી ઇન્ડિયન અમેરિકન વિધિ પૂર્ણ કરી. છેલ્લે મિત્રોની  તાલીઓથી  પતિ પત્ની નો એવોર્ડ લઇ લીધો આ હતી  અમારી લગ્ન વિધિ.

હવે આવેલા મહેમાનોને જમાડવા વગર તો ઘરે ન મોકલાય એટલે બીજા એક ચર્ચમાં પેટીઓમા  થોડા  ખુરશી ટેબલ મુકેલા હતા.  મહેમાનોને સેન્ડવીચ પોટેટો ચિપ્સ પીણામાં પંચ  અને ડિઝર્ટમાં કેક થી સંતોષ્યા .લગ્નના ખર્ચ કરતા ગિફ્ટોના ઢગલા  લઈ અમારા નવા અપાર્ટમેન્ટમાં પહોંચ્યા.  ત્યાં કોઈ અમને આવકારનારુ  કે પોંખનારું  નહોતું.  એટલે જાતે જ પ્રવેશ કરી અમારા લગ્નજીવન નો શુભારંભ  કર્યો.  આ હતી ૧૯૬૪ની લગ્ન વિધિ.

વર્ષો વીતતા ગયા મન હંમેશા ગુનાહિત રહેતું  કે મારા મિત્રોને લગ્નમાં સેન્ડવીચ નું લંચ ખવડાવ્યુ  એટલે 40 વર્ષની મારી લગ્ન તિથિ એ મારા બધા જ અરમાનો મહેંદી હેર સ્ટાઈલ લગ્ન ગીતો અને અમારા મિત્રો ને સુંદર જમણ  જમાડવાનો મ્હેં સંતોષ માન્યો .આમ હું બીજું સીડીનું પગથીયું ચડી ગઈ.

હોપસ્કોપ વાર્તા – 6

‘આ… કર તો બેટા!’
‘આઆઆ……..’
‘થોડું ઊંચું જો તો.’ નરેશના મોંઢામાં ટોર્ચનું અજવાળું પહોંચતા લાળની સાથે લોહીના પોપડાં અને નાની નાની ફુલ્લીઓ પણ ચમકવા લાગી.
‘દાક્તર મૅડમ, અમારા નરયાને જબરી આપદા આવી સે, કોક,કોક દી’ હારું રયે અને વળી પાસું મોંમાં લાય બળે’ કપડાં અને શણગાર પરથી લાગે નહીં કે આ રમીલા કોઈ ગામડિયણ બાઈ હશે.
લ્હેકો અદ્દલ દેહાતી મજૂરનો પણ શણગાર જાણે કે શેઠાણી જેવો. માથે સિંદૂર, આંખે મેસ અને ગળામાં મંગળસૂત્ર એ રમીલાનો રોજનો શણગાર હતો. રમીલા એની ચાલીની રવીના-કરીના હતી, એની બોલીનો લ્હેકો અને ચાલનો લચકો એ બંને એના આકર્ષણનું કારણ હતું. એનો પતિ દિનેશ એને સોનાની લગડીની જેમ બાંધીને જ રાખતો હતો.
કોઈ પણ કારણસર જો એને ગામડે એનાં પરિવાર સાથે મૂકીને આવવાનું થાય તો દિનેશના મોતિયાં જ મરી જતાં.
કેમકે, દિનેશના મા-બાપ સ્વભાવમાં તો સારા જ હતાં પણ “સાસુ એ સાસુ અને સસરા એ સસરા”. સાથે સાથ રમીલાનો જેઠ અને જેઠના ભાઈબંધો બધાં જ વરુ જેવાં લાગતા.
આ તો રંગબેરંગી પતંગિયું રખેને કોઈ બીજી ડાળીએ બેસી જાય એવી પણ અસલામતી તો દિનેશને ખરી જ.

‘રમીલા, નરેશને મોંના તાળવે નાની નાની ફુલ્લીઓ અને ચાંદા પડ્યા છે.’ ડૉ સુહાની નરેશને તપાસીને એમનાં ટેબલ પાસે ગયાં.
‘આવું એને કેટલાં સમયથી થાય છે?’, કોઈ ચોક્કસ ઋતુ, કે ખાણીપીણીની ખોટી આદત?……’ ડૉ સુહાનીએ તો અભણ રમીલાની સામે પ્રશ્ર્નોની કતાર લગાવી દીધી.
‘ઑમ તો ક્યારેક ક્યારેક જ થાય સ, હોળી હતી એટલે ગોમડે ગ્યાં’તા, ગોમડે જઈએ તા’રે ઈને આવાં ચોંદા પડતાં હોય એવું લાગે સ, કુન જાણે એને તાં નું પોણી માફક નઈ આવતું હોય.’ બટકબોલી રમીલાએ બોલવાનું ચાલુ જ રાખ્યું,
‘થોડો ટેમ પેલ્લાં મું નરેશને લઈને મારી જેઠાણીના શ્રીમંતમાં ગોમડે ગઈ’તી, ત્યારે ઈને ઈક-બે દા’ડા તાવ આયો’તો, મારાં જેઠ અને સસરા કીતા’તા કે ઈને કોઈની નજર લાગી લાગે સ.’
અમે તો લેમ્બુ ય ઉતાર્યું ને હનમાંનજી એ શ્રીફળે વધેર્યું પણ કૉઈ દા’ડોના વળ્યો બા’. ડૉ સુહાની ડોકું હલાવતા રહ્યાં અને રમીલાની ભાષાને ડીકોડિંગ કરીને સમજવાનો પ્રયન્ત કરતાં રહ્યાં.
‘મારાં ઇમને તો એમ લાગતું’તું કે લોહી જોમ થઇ ગ્યું સ, મારાં જેઠનેય તે એવું જ લાગ્યું’તું.’
‘ગોમડામાં દાક્તરે પણ ઈ જ કીધું કે નરયાને તાળવે લોહીના પોપડાં બાઝી ગ્યાં સ.’ આને હું કરવું કૉઇ હમજાતું નથ, મારો નરયો હરખુ ખાઈએ નઈ હક્તો, ઇનું દુઃખ મારાહી નઈ જોવાતું મડમ.’
‘ચિંતા ના કર રમીલા, બધું જ સરસ થઇ જશે, આ બે દવા લખી આપું છું, દિવસમાં 2 વાર જમ્યાં પછી આપજે અને એક લીકવીડ છે દિવસમાં ત્રણ વખત એને કોગળાં કરાવજે, મને અઠવાડીયા પછી પાછા બતાવવાં આવજે.’

‘અઠવાડિયા પસી તો નઈ ફાવે, દહ-પંદર દા’ડા તો થશે જ અમારાં જેઠ બીમાર સે એટલે પાસા ગોમડે જઉં પડસે’
‘સારું સારું, અહીંયા અમદાવાદ આવે એટલે નરેશને તરત બતાવી જજે’, ‘દવા સમયસર આપતી રહેજે અને હા..બીજી વાર બતાવવાં આવે તો એપોઇન્ટમેન્ટ લેવાની જરૂર નથી ઓ.કે. ચાલ આવજે.’
ડૉ સુહાનીના સ્વભાવ પ્રમાણે આવા અજુકતા કેસને સારવાર આપવાથી એને ખુબ સંતોષ થતો હતો, અને આ તો અઢી વર્ષનો નરેશ કોઈક અજાણી બીમારીથી જ પીડાતો હતો. આ કેસ જેટલો લાગતો હતો એટલો સીધોસાદો હતો નહીં.

દસ-પંદર દિવસ નહીં પણ પુરા સવા મહિને એ જ સમસ્યા સાથે રમીલા પાછી નરેશને લઇને દવાખાને આવી. આ વખતે એની સાથે દિનેશ અને એનાં જેઠ પણ જોડે હતાં. જેઠ પણ એમનાં ઈલાજ માટે જ અમદાવાદ આવ્યાં હતાં. આમ તો રમીલાનાં જેઠ ઘરનાં મોભી હોવાથી સારાં નરસા સમયમાં હંમેશા એ લોકોની સાથે જ રહેતા.

‘આવ..આવ..રમીલા, ફાઈલ જોતાં ડૉ સુહાનીએ ઠપકો આપતાં કહ્યું, ‘પંદર દિવસનો તો તમે લોકો એ સવા મહીનો કરી નાખ્યો, કેવું છે હવે નરેશને?’

‘મડમ, વચમાં થોડાં દા’ડા હારું લાગતું’તું, જરૂર પડે ગોમમાં દાક્તર પાહે બી લઈ ગ્યાં’તા, ઈમણે પન કીધું જ કે નરયાને કંઈક ખાવામાં સદતું નથ’ રમીલાને પુછાયેલા સવાલનો જવાબ એનાં જેઠે આપ્યો.

ઇંગ્લેન્ડથી ભણીને આવેલ પીડિયાટ્રિક સ્પેશ્યલિસ્ટ ડૉ સુહાનીને હવે થોડી જાણ થવા લાગી હતી કે નરેશની આ સમસ્યાનું કારણ શું છે. હવે ડૉ સુહાનીએ જ દિશામાં જાણવાનો પ્રયાસ કર્યો.

‘રમીલા, ગયા વખતે મેં નરેશના જીનેટિક રિપોર્ટ પણ કરાવ્યાં હતાં. એ બધાં જ નોર્મલ છે. સારું મને એ બતાવ કે, નરેશ સમયસર ખાય તો છે ને?’
‘હોવે મડમ, મું કૉક બ્હારે ગઈ હોઉં તો ઈને મારાં સાસુ કે જેઠાણી જમાડે.’
‘નરેશ ક્યાંક આજુબાજુમાં રમવાં જાય છે ખરો?’
‘ના મૅડમ, અમારાં ફળિયામાં ઈનાં જેવડાં સોકરાઓ જ નથ!’
સારું રમીલા, તે જેમ કીધું કે એને થોડાં દિવસો સારું લાગતું હતું ત્યારે કોઈ એવું થયું હતું કે જે રોજ કરતાં કંઈક અલગ હોય.

રમીલા એ એક હાથે માથે ઓઢેલ સાડીનો પાલવ પકડીને બીજાં હાથે હોઠ પર આંગળી મુકતા આનો પણ નકારમાં જ જવાબ આપ્યો. ‘ના…ના…ઈ તો મારાં સાસુ મેલડીમાંના દર્શને ચાર દા’ડા જાત્રા કરવાં ગ્યાં’તા, ત્યાં જ ઈમણે માઁને પ્રાર્થના કરી ઇસે, ઈટલા જ દા’ડા ઈને હારુ રયું.’’
ડૉ સુહાની જે દિશામાં જઈ રહ્યાં હતાં ત્યાં પણ એને પૂરતી સફળતા મળતી ન હતી.
થોડું ઘણું ભણેલાં, દેખાવમાં એકદમ સીધાં સાદા અને સજ્જન લાગતા રમીલાના જેઠે જીજ્ઞાશાવૃત્તિ દાખવી, ‘એક મિનટ મડમ, તમે આ પાડોશીને તોં જવાનું અને જમવાનું બધું ચમ પુસો સો?’

‘જુઓ ભાઈ, મને આ ચાઇલ્ડ અબ્યુઝ હોવાનો શક લાગે છે.’ ડૉ સુહાનીએ વધુમાં ફોડ પાડતાં આગળ સમજાવ્યું, ‘આવા ચાઇલ્ડ અબ્યુઝ કેસીસ અમારે બહુ જ આવતાં હોય છે, પરિવારના જ કોઈ સભ્ય કે પાડોશીઓએ બાળકને એમનાં ગુપ્તાંગો પર ચૂંટલા ભર્યાં હોય, નાના ડામ આપ્યાં હોય, વ્હાલ કરવાનાં બહાને બચકાં ભર્યાં હોય વિગેરે વિગેરે.’
‘પણ મડમ, આવું કોઈ અમારાં નરયા હાથે ચમ કરે? અમારે ચો કોઈની હારે દુસ્મની સ!’ ડૉ સુહાનીને દિનેશનો અવાજ પહેલી વાર સાંભળવા મળ્યો.
જો કોઈને આપણાં માટે ઈર્ષા, વેરઝેર વિગેરે હોય…..’
‘ઓહોહો…નક્કી તો આ મારી બાયડીના જ કારસ્તાન લાગ સ, મડમ અમારે એકેય સોકરાં નહીં અને એ હંમેશા કીયા કરે કે નાનાં ભાઈને સોકરાં સ ને આપણે વાંઝા જ રીયા…..જો એવું હોય તો ઇનો ધણી મરે!! હમણાં ઇના ટાંટિયા ભાંગું અને હાચુ બોલાવરાવું.’

**************************************

મિત્રો, ત્યારબાદ થોડાં સમય પછી ડૉ સુહાનીને જાણવાં મળ્યું કે નરેશ હવે તદ્દન સાજો થઇ ગયો છે. નરેશનું અસહ્ય દર્દ જોઈને રમીલાએ માતાજીની બાધા માની હતી અને એનાં જ પેંડા આપવાં રમીલા અને દિનેશ હોસ્પિટલ આવ્યાં હતાં.

જેઠાણી પાસેથી જ જાણવાં મળ્યું હતું કે એ કારસ્તાન જેઠાણીનું નહીં પણ રમીલાની સાસુનું હતું. જયારે જયારે પણ રમીલા નરેશને એમની પાસે મૂકીને ક્યાંક બહાર જાય એટલે એની સાસુ નરેશને દૂધ પીવડાવે કે ખવડાવે એ પછી રૂનું એક પૂમડું એસીડમાં ડુબેડે અને એ પૂમડું સળીમાં ભેરવીને નરેશનાં તાળવે ચોપડી દે.
દિનેશ શહેરમાં રહેતો હતો એ એની સાસુને ખૂંચતું હતું. રમીલાની સુંદરતા અને શહેરમાં રહેવાંથી રમીલાની રહેણીકરણી પણ એનાં સાસુથી અસહ્ય હતી.
બીજું કે મોટાંભાઈને એક પણ બાળક ન હતું એ પણ મુખ્ય કારણ હતું. એટલે એ બધી જ દાઝ એ એનાં પૌત્ર નરેશ પર ઉતારતી હતી.
પીડિયાટ્રિશીયન ડૉ સુહાનીએ અનેક ચાઇલ્ડ અબ્યુઝનાં કિસ્સાઓ સોલ્વ કરેલ છે. પણ આ કિસ્સો કંપારી ચડાવી દે તેવો હતો.
અનેક વખતની જેમ આજે પણ ડૉ સુહાનીને એનાં અનુભવ અને તબીબી હોવાનો ગર્વ થયો.

આ કોઈ વાર્તા નથી. વાર્તાના માળખાંમાં સત્ય ઘટના દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. બેટી બચાવો આંદોલન, સતી પ્રથા, બાળ લગ્ન જેવાં અનેક મુદ્દાઓ પર જાગૃતિ અભિયાનો ચાલતા હોય છે, ચાઈલ્ડ અબુઝીંગ પણ આપણાં સમાજમાં એટલો જ મોટો પ્રશ્ન બનતો જાય છે. આ કિસ્સા ઉપરથી સ્પષ્ટ થાય છે કે માત્ર નાની બાળકી જ નહીં પણ બાળક પણ આવાં ચાઈલ્ડ અબુઝીંગનો ભોગ બની શકે છે.

મૌલિક “વિચાર”

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

અગાઉની વાર્તાઓ વાંચવા નીચે આપેલ લિંક પર ક્લીક કરો – હોપસ્કોપ – A Story Behind White Coats

હોપસ્કોપ વાર્તા – 5

હોપસ્કોપ વાર્તા – 4

હોપસ્કોપ વાર્તા – 3

હોપસ્કોપ વાર્તા – 2

સ્પંદન-6



પ્રેમ વ્હાલ વરસાવી જાણે
અશ્રુ અમી છલકાવી જાણે
કરૂણામય સ્પર્શ છે જેના
સ્વર્ગનું સુખ ખોળે જેના
આશિષ માગું હરદમ તેના
ધન્ય જનેતા, ધન્ય માવડી.

વેલેન્ટાઈન  ડે ગયો ને સહુએ ખૂબ પ્રેમની વાતો કરી. ત્યારે આજે પ્રેમમાં શિરમોર, સંબંધોમાં ઉત્તમ અને અદ્વિતીય એવા પ્રેમની વાત કરવી છે. જી હા,બા, મા,માતા, જનની, જનેતા,માવડી, આઈ, અમ્મી, મમ્મી, મૉમ – એક એવો શબ્દ, જેનાથી સહુ કોઈ પરિચિત છે. પરિચયનું કારણ કદાચ દૂર નથી. આપણું ધબકતું હૈયું સાક્ષી છે કે જ્યારે તેણે પ્રથમ ધબકાર કર્યો ત્યારે આ સમગ્ર વિશ્વમાં કોઈ આપણી સાથે નહોતું સિવાય કે એક વ્યક્તિ – મા . મા શું છે? કોઈ બાળક જે કદાચ કોઈ પણ ભાષાથી અજ્ઞાત હશે, તેની આંખોમાં તેનો ઉત્તર મળશે કે મા શું નથી? બાળકની ભૂખ ને તરસની તેને વગર કહ્યે જ ખબર પડી જાય છે. એની આંખોમાં તમે આશીર્વાદ વાંચી શકો. સંતાનની ઇચ્છામાં જ પોતાની ઇચ્છાની ઇતિશ્રી જોતી ‘મા’ ઈશ્વરનો પૃથ્વી પરનો પ્રતિનિધિ છે.

જ્યારે એક બાળકનો જન્મ થાય છે, ત્યારે એક માતા જન્મે છે. બાળકના ધબકાર સાથે જ જન્મે છે માતાનું સ્પંદન. એ સ્પંદન જે તેના બાળને દુનિયાની દરેક કઠિન પરિસ્થિઓથી બચાવે છે, જે કંટકછાયા રસ્તા પર ફૂલ બિછાવે છે, જેનો પાલવ એવું છત્ર છે જે મુશ્કેલીરૂપી તમામ આંધી, તોફાન, વાવાઝોડાનો સામનો કરવા સક્ષમ છે. મા તેનો પ્રેમ અનરાધાર વરસાવે રાખે છે, તેના વ્હાલની ઝોળી હંમેશા છલકાતી રહેતી હોય છે, તેની આંખના અમી ક્યારેય સુકાતા નથી, તેનું દિલ કાયમ લાગણીની સુગંધથી મહેકતું હોય છે, તેનો કરુણાભર્યો હાથ સઘળો પરિતાપ અલોપ કરી શકે છે. જનનીના ખોળે માથું મૂકતાં તો સ્વર્ગનું સુખ પણ હાથવેંત લાગે છે. મા એટલે મમતા અને વાત્સલ્યની સાક્ષાત મૂરત,  ઉચ્ચતમ માનવીય પ્રેમનો સર્વોત્તમ સંબંધ, જે  પાપી- પુણ્યશાળી, ગુણી- દુર્ગુણી, ધનવાન –કંગાળ…સૌને માટે એકસરખો પ્રેમ રાખી છાતીએ ચાંપે ને દુનિયાભરનું દુ:ખ હળવું થઇ જાય. બોટાદકરે તેમની કવિતામાં સાચું જ કહ્યું છે – “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ… ગંગાના નીર વધે ઘટે પણ માના પ્રેમનો પ્રવાહ તો એકસરખો જ રહે છે.”

કહેવાય છે કે એક માતા સો શિક્ષક બરાબર છે. શિક્ષણ એટલે માત્ર સાક્ષરતા કે અક્ષરજ્ઞાન જ નહીં, પણ ઉત્તમ માનવ બનાવતું તત્વ. આ શિક્ષણ એટલે સંસ્કાર. સંસ્કાર એટલે કયા સમયે કઈ વસ્તુ કરવી કે ન કરવી તેની સચોટ બુદ્ધિમતા કે નીતિશિક્ષણ. સંસ્કારહીન સમાજ કદાચ ભૌતિક રીતે વિકાસ પામે કે સાધન સમૃદ્ધિ વધે, પણ જો માનવીય ગુણો વગરનો હોય તો તે વિનાશ નોતરે છે. કદાચ ભારતીય સમાજ, જે પ્રત્યેક યુગે પડકારો સામે ઊભો રહી શક્યો છે તેનું કારણ પણ માતાના ઉચ્ચ આદર્શો હોઈ શકે. નજીકના ભૂતકાળનો ઈતિહાસ જોતાં જ આપણને છત્રપતિ શિવાજી મહારાજ અને માતા જીજાબાઇનું સ્મરણ થાય. 1857ના સ્વતંત્રતા સંગ્રામમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સાથે જ આપણને પીઠ પર બાંધેલ કુંવરનું ચિત્ર દ્રષ્ટિમાં આવે જ. સંગ્રામ કોઈપણ હોય -સામાજિક કે રાજકીય – તો પણ માતા હંમેશા બાળકનું કવચ કે ઢાલ હોય છે. માતા બાળક માટે આશ્રય છે, હૂંફ છે, શરણ છે. આર્થિક સંગ્રામમાં પણ પેટે પાટા બાંધીને પણ સંતાનના શિક્ષણ માટે આકાશ પાતાળ એક કરતી માતા કેટલાંયે તેજસ્વી સંતાનોના વિકાસની સાક્ષી છે. માતા સ્નેહ છે, સંસ્કાર છે, વાત્સલ્ય છે, કડવા સંસારમાં મીઠાશનો ઘૂંટડો છે, ખારા સંસારસમુદ્રમાં મીઠા પાણીની વીરડી છે.

શારીરિક રીતે અબળા નારી, માતા તરીકે બાળકને બચાવવા કેવી બહાદુર બની જાય છે, તેની આ સત્ય ઘટના ગવાહી પૂરે છે. એક માતા ઘરના ચોગાનમાં ધોકો લઈને કપડાં ધોઈ રહી હતી. બાજુમાં તેનું બાળક રમી રહ્યું હતું. અચાનક એક દીપડાએ આવી બાળકને તરાપ મારી પકડ્યું. માતાએ ફક્ત ધોકાની મદદથી એ હિંસક પ્રાણીનો સામનો કર્યો એટલું જ નહીં પણ તેના બાળકને હેમખેમ બચાવી લીધું ને દીપડાને  એક રૂમમાં પુરીને ઝૂ સત્તાવાળાનો સંપર્ક કર્યો. માતાની આવી તો અનેક પ્રેરણાદાયી સત્ય ઘટનાઓ વિશ્વભરમાં મળી આવે છે,જેમાં માતાએ અસામાન્ય હિમ્મત દર્શાવી પડકારોનો સામનો કર્યો હોય.


હેપી બર્થડેના અભિનંદન અને તાળીઓના ગડગડાટ વચ્ચે જ્યારે  કેક કપાય ત્યારે, બુઝાતી મીણબત્તીની ધૂમ્રસેર વચ્ચે જો ક્યારેક કોઈ ચેહરો દેખાય તો તે ચોક્કસ માતાનો હશે જેણે માત્ર જન્મ જ નથી આપ્યો, પણ જન્મદિવસ અને સમગ્ર  જીવન ‘Happy’ બને તે માટે અથાક પરિશ્રમ કરી, રાત્રિના ઉજાગરા કરી,સંતાનની સુખાકારીને લક્ષ્યમાં રાખી પોતાની જાતને મીણબત્તીના ટપકતા મીણની જેમ પીગળાવી છે.  ત્યારે જો માતાના આશિષ સાથે શીશ ઝૂકી જાય તો માતાને થયેલું આ વંદન હશે જીવનનું શ્રેષ્ઠ સ્પંદન.

રીટા જાની

૬ .”જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” – અલ્પા શાહ

વૈશ્વિક કવિતાના ભાવવિશ્વમાં એક સફર…

નમસ્કાર મિત્રો,

પ્રેમના પમરાટની આ પુરબહાર ખીલેલી મોસમમાં આપ સૌ પણ ભીંજાતા હશો. “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ” લેખમાળા અંતર્ગત આજે હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ કવિયત્રી મહાદેવી વર્મા  દ્વારા લિખિત એક હિન્દી કવિતા “जो तुम आ जाते एक बार…” નો ભાવાનુવાદ અને રસાસ્વાદ માણીશું.આ નાનકડા સુંદર કાવ્યમાં કવિયત્રીશ્રીએ પોતાના પ્રેમીજનનું સંભવિત આગમન થાય ત્યારે થતી પરિકલ્પનાઓનું  ખુબ સરળ પણ ભાવવાહી શબ્દોમાં આલેખન કર્યું છે. આ કવિતાની મૂળ હિન્દીમાં રજૂઆત આપ આ લિંક પર માણી શકશો. https://www.bharatdarshan.co.nz/magazine/literature/109/jo-tum-aa-jate-ek-baar.html

અત્રે મેં આ કવિતાનો પદ્ય ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે જે હું રજુ કરું છું.

આ નાનકડી કવિતામાં કવિયત્રી પોતાના પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા તેના સંભવિત આગમન સમયની પોતાની મન:સ્થિતિની રજૂઆત કરે છે. આ કાવ્યના શબ્દે શબ્દમાં પ્રિયજનના મિલનની તીવ્ર ઝંખના છલકે છે. Every word echo longing of the loved one. પ્રિયજનનું આગમન – આમ તો એક સામાન્ય ઘટના,પણ અહીં તો આ સામાન્ય ઘટના પણ મનોભાવોનો મહાસાગર છલકાવા સક્ષમ છે તેવું પ્રતીત થાય છે. અને એજ તો પ્રેમની સુંદરતા છે. જેને તમે સાચો પ્રેમ કરતા હોવ તેની તો એક ઝલક કે અવાજ પણ તમારા દિલને ઝંકૃત કરવા પર્યાપ્ત છે. આ કવિતામાં શબ્દોની પસંદગી મહાન કવિયત્રીએ જે રીતે કરી છે તે ખુબજ નોંધપાત્ર છે. પોતાના પ્રેમીજનના સંભવિત આગમન માટે લખાયેલી કવિતા વાંચતા એવું લાગે કે આતો જાણે  મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલ ને ઉદ્દેશીને કહે છે કે શબરી પોતાના પ્રાણાધાર શ્રી રામની પ્રતીક્ષામાં આ શબ્દો ઉચ્ચારે છે.

કવિયત્રી શ્રી મહાદેવી વર્મા હિન્દી સાહિત્યના અગ્રગણ્ય કવિયત્રી હતા. તેઓ હિન્દી સાહિત્ય જગતમાં આધુનિક મીરા તરીકે ઓળખાતા.તેઓ હિન્દી સાહિત્યના છાયાવાદી યુગના( ૧૯૧૪-૧૯૩૮) પ્રમુખ સ્તંભ માનવામાં આવે છે.તેમણે પોતાના જીવનકાળ દરમિયાન પ્રયાગ મહિલા વિદ્યાપીઠના પ્રિન્સિપાલ અને ચાન્સેલર તરીકે ફરજ બજાવી. તેમના કાવ્યોમાં મનુષ્યની અને ખાસ કરીને સ્ત્રીની સૂક્ષ્મ સંવેદનાઓને તેમણે સ્નેહથી શણગારીને રજુ કરી છે. તેમને ૧૯૭૯માં ભારતીય સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર – સાહિત્ય અકાદમી પુરસ્કાર દ્વારા નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ,૧૯૮૨ માં જ્ઞાનપીઠ એવોર્ડ અને ૧૯૮૮ માં પદ્મવિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયા હતા.હિન્દી સાહિત્યના શિરમોર કવિયત્રીની કવિતાની અહીં રજૂઆત કરતા આજે હું ખુબ હર્ષ અનુભવું છું.

પ્રેમ એક એવું સનાતન સત્ય છે કે જે  માનવ મનની દરેક સંવેદના અને ભાવને સમાવી શકે છે.પ્રેમ ક્યારેક વાત્સલ્યનો મધુર રસ છલકાવે તો ક્યારેક સખ્યનો સહચારનો ભાવ જગાવે. ક્યારેક  દાસ્ય ભાવે શરણાગતિનો રસ રેલાવે તો ક્યારેક ઝંખના અને પ્રતીક્ષાની વિહવળતા પણ વહાવે. આ કવિતામાં પણ કવિયત્રીએ સરળ શબ્દો દ્વારા પ્રેમીજનની પ્રતીક્ષા કરતા કરતા ઉઠતા ભાવોને શબ્દદેહ આપ્યો છે. હિન્દી સાહિત્યના વિવેચકોના મત  પ્રમાણે આ કવિતામાં કવિયત્રીની નિજી જિંદગીની એકલતાની વેદના કલમ દ્વારા અવતરી છે.

આ કવિતામાં કવિયત્રીએ પોતાના પ્રિયજન માટેની પોતાના મનની તીવ્ર ઝંખનાની અનુભૂતિ કરાવી છે. જેવી રીતે મીરાંબાઈ પોતાના ગિરિધર ગોપાલને ઝંખતા હતા તે રીતે!. આ તીવ્ર ઝંખના માટે અંગ્રેજી માં એક સુંદર શબ્દ છે – Longing. A longing is a strong feeling of need or desire for someone or something. Longing એટલે આકર્ષણ નહિ. આ તીવ્ર ઝંખનાના ભાવને શબ્દો દ્વારા વર્ણવવો મુશ્કેલ છે કારણકે એનો તો અહેસાસજ હોય. જાણીતા લેખિકા Sue Monk Kidd એ તીવ્ર ઝંખના અથવા Longing વિષે બહુ સુંદર વાક્ય કહ્યું છે. The soul often speaks through longing. જ્યાં આત્માનો સંવાદ હોય ત્યાંજ આ  તીવ્ર ઝંખનાની ઉપસ્થિતિ બંને બાજુ હોય. આ આત્માનો સંવાદ કે આત્માથી આત્માનું  જોડાણ કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે હોઈ શકે – માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે કે સ્ત્રી-પુરુષ વચ્ચે જ હોય એવું જરૂરી નથી. અને એટલેજ કદાચ આ દુનિયામાં ચોમેર માનવમહેરામણ ઉમટેલો હોવા છતાં જેની સાથે આત્માનું જોડાણ હોય તેનીજ હાજરી અને ઉપસ્થિતિ માટે આપણું મન આટલી તીવ્ર ઝંખના અનુભવતુ હશે!.અને એ વ્યક્તિની હાજરીમાં આપણું રોમેરોમ, આપણું  સમગ્ર વ્યક્તિત્વ એ ચોક્કસ વ્યક્તિમય બની જતું હોય છે અને ત્યારે એ ખાસ વ્યક્તિ માત્ર વ્યક્તિ ના રહેતા આપણું  સમગ્ર વિશ્વ બની જતું હોય છે અને એ જ રીતે એ વ્યક્તિનું વિશ્વ પણ આપણામાંજ સમાઈ જતું હશે. Dr. Seuss has said it beautifully, “To the world you may be just one person; but to that one person you may be their entire world.”

અને જો આવું આત્માનું અનુસંધાન પરમેશ્વર સાથે સધાય અને when we start feeling the longing for the divine with our heart and soul, ત્યારે આત્મ-કલ્યાણની સફરનો આરંભ થાય. તો ચાલો આજે આ કવિતામાં પ્રદર્શિત થતા longing ના ભાવને વાગોળતા અને આવુ જ આત્માનું અનુસંધાન પરમાત્મા સાથે સધાય તેવી પ્રાર્થના સાથે મારી કલમને વિરામ આપું છું. ફરી મળીશું આવતા અઠવાડિયે એક બીજા આવા જ સુંદર કાવ્ય સાથે.

તમારા માર્ગદર્શન અને અભિપ્રાયો ની અપેક્ષા સાથે….

અલ્પા શાહ